ઐતિહાસિક કથાઓનું પુન:લેખન અને લઘુકથાઓ

All the articles are Dr. Kaushik Chaudhary’s original work and therefore his intellectual property. Sharing of any content without giving attribution will be a criminal offence. 

September 22 / 2017 /On Facebook

રીલુકીંગ દ્રૌપદી વસ્ત્રાહરણ

“કૃષ્ણએ આવીને દ્રૌપદીના ચીર પૂર્યા’ આ ચમત્કારિક પ્રસંગને તાર્કિક રીતે સમજવાની અને સમજાવવાની લાંબા સમયથી મારી ઈચ્છા હતી, જે આજે પુરી કરી રહ્યો છું. જે લોકો તાર્કિકતા સિવાય કોઇ વાત ન સમજતા હોય તેમને આ આધુનિક આવૃત્તિ કામ આવશે.”

હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્ર તરફથી કૌરવો સાથે જુગાર રમવાની આજ્ઞાને ધર્મરાજ યુધિષ્ઠિર ઠુકરાવી ના શક્યા અને તેમણે પોતાની સ્વીકૃતિ મોકલાવી દીધી. બે દિવસ પછી હસ્તિનાપુરની રાજસભામાં પાંડવો-કૌરવો વચ્ચે ચોસઠનો જુગાર રમાવાનું નક્કી થયું.

 
દ્વારિકા, તે જ દિવસે:

દ્વારિકાધીશ કૃષ્ણ પોતાના ધ્યાન કક્ષમાં ધ્યાનમાં બેઠેલા હતા. રુક્મણિ તે જ ખંડમાં એક તરફ બનાવેલા નાના વિષ્ણુમંદિરમાં નારાયણની પૂજા કરી રહ્યા હતા. એવામાં અચાનક કૃષ્ણનું ધ્યાન તૂટ્યું. તેમણે આંખો ખોલી તો તેમના ચહેરા પર બેચેની હતી. રુકમણી આ જોઈ ગયા. તે કૃષ્ણ પાસે આવ્યા અને કહ્યું, ‘શું થયું..?’

કૃષ્ણએ રુક્મણિ સામે જોયા વિના એવી જ બેચેની ભરેલી આંખે કહ્યું, ‘દ્રૌપદી. લાગી રહ્યું છે જાણે દ્રૌપદી પર કોઈ ભયાનક સંકટ આવી રહ્યું છે.’

કૃષ્ણ અને દ્રૌપદીનો પ્રેમ એટલો ગાઢ હતો અને તેમના આત્મા એટલા જોડાયેલા હતા કે દ્રૌપદી પર આવનારા સંકટની કૃષ્ણને સમય પહેલા જાણ થઇ જતી. કૃષ્ણએ રુક્મણીને કહ્યું, ‘સાત્યકીને કહે કે રથ તૈયાર કરે. હસ્તિનાપુર જવાનું છે.’

 ‘આજે જ જવું છે..?’ રૂક્મણિએ પૂછ્યું.

‘અત્યારે જ.’ કૃષ્ણએ પોતાના આસાન પરથી ઉભા થતા કહ્યું.
‘હું સાથે આવું..?’ રુક્મણિએ ચિંતા સાથે પૂછ્યું.

રુકમણીના ગાલને પ્રેમથી હાથ અડાડી અને પોતાના છાતી સરસું આલિંગન આપી કૃષ્ણએ ઉદાસીનભાવે કહ્યું, ‘નહીં રુક્મણિ. ત્યાં જે પણ થવાનું છે એ તારા જોવાલાયક નથી.’

            કૃષ્ણ પોતાના સુરક્ષા કવચનો કાફલો લઈને હસ્તિનાપુર જવા નીકળી પડ્યા. રસ્તામાં સમય સમય પર તે પોતાના સારથી સાત્યકીને કહેતા રહ્યા, ‘શક્ય તેટલું ઝડપી સાત્યકી. હસ્તિનાપુર માટેનો ટૂંકામાં ટૂંકો માર્ગ પસંદ કરતો રહે.’

 

હસ્તિનાપુર, બે દિવસ પછી :


પાંડવો જુગાર હારી ચુક્યા છે. તેમણે રાજપાટ સાથે પોતાની જાતને અને દ્રૌપદીને પણ દાવ પર મૂકી દીધી અને હારી ગયા. દ્રૌપદી તેની સુંદરતા અને તેની વિષ્ણુ સ્થિતિના કારણે પુરુષો માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહી હતી. દુર્યોધન, કર્ણ, દુશાશન અને કૌરવોના બનેવી જયદ્રથ જેવા અનેક લોકો વર્ષોથી પાંડવોને ઠેકાણે કરી દ્રૌપદીને મેળવવા માંગતા હતા. અને આજે તેમને એ અવસર મળી ગયો હતો. દુશાશન જુગારમાં જીતાયેલી દ્રૌપદીને તેના કેશ પકડી રાજસભામાં લાવ્યો અને દુર્યોધને તેની વાસનાને ખુલ્લી મૂકી દીધી. તેણે દુશાશનને દ્રૌપદીના વસ્ત્ર કાઢી તેને નગ્ન કરી દેવાનો આદેશ આપ્યો. પાંડવોથી લઈને ભીષ્મ, દ્રોણાચાર્ય, વિદુર અને કુંતી સુધીના લોકો ક્રોધથી સમસમી ઉઠ્યા. પણ કોઈ કંઈ ન કરી શક્યું. તે બધા પોતપોતાની મજબૂરીઓના ભારથી દબાયેલા હતા. દુશાશને દ્રૌપદીની સાડી ખેંચવાની શરુ કરી તો તે આક્રોશ સાથે પિતામહ ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર સામે આ અધર્મને રોકવા સમજાવા લાગી. પણ બધાએ મજબૂરી અને શરમથી પોતાનું મસ્તક ઝુકાવી દીધું અને આંખો બંધ કરી દીધી. તે પાંડવો તરફ વળી અને તેમના શૂરાતનને લલકાર્યું. પણ ગુલામ બનેલા પાંડવો શરમ અને આંસુ ભરેલી આંખોથી નીચું જ જોઈ રહ્યા. તેણે કુંતી અને ગાંધારીને આજીજી કરી પણ જવાબમાં એ જ શરમ અને લાચારી મળી. ક્યાંયથી દ્રૌપદીને સહાય ન મળતા દુશાશનની હિમ્મત વધી અને તેણે તેની સાડી ખેંચવાનું શરુ કરી દીધું. દ્રૌપદી બેસહાય થઈને પોતાનાથી થતી બધી શક્તિ વડે તેનો વિરોધ કરતી રહી પણ તે સાડીને પોતાના શરીર પર ટકાવી નહોતી શકતી. આખરે જયારે સાડીનો છેલ્લો છેડો તેના શરીરથી છૂટવાની તૈયારીમાં આવ્યો ત્યારે તેણે સાડીના તેની તરફના ભાગને પોતાના દાંતો વચ્ચે દબાવી દીધો. પણ દુશાશને હજી જોરથી સાડી ખેંચતા એ છેડો પણ તેના દાંતમાંથી છૂટી ગયો. અને આ થતાં જ દ્રૌપદીએ જોરથી પોકાર લગાવી દીધી, ‘હે કૃષ્ણ. હે કૃષ્ણ મને બચાવી લો. તમારી દ્રૌપદી સંકટમાં છે. હે કૃષ્ણ, મારી રક્ષા કરો.’ તેની પોકાર અને તેના આંસુઓ પર દુર્યોધન સહિતના કૌરવો અટહાસ્ય કરી રહ્યા હતા. પણ તેણે હવે સભામાંથી પોતાનું ધ્યાન હટાવી લીધું અને આંખો બંધ કરી ‘કૃષ્ણ, કૃષ્ણ’ ના જાપ કરવા લાગી.
            એવામાં દૂરથી પહેલા દ્વાર આગળના દ્વારપાળનો ધીમો ધીમો અવાજ સભામાં ગુંજ્યો. એ કોઈના રાજસભા તરફ આવવાની ઘોષણા હતી. સભામાં બેઠેલા લોકોને બે જ શબ્દ સ્પષ્ટ સંભળાયા, ‘વાસુદેવ શ્રી કૃષ્ણ’. આ શબ્દ કાને પડતા જ ભીષ્મ, વિદુર, દ્રોણાચાર્ય, કુંતી, ગાંધારી અને પાંડવોના મનમાં એક ગજબની ઉર્જાનો અને આશાનો સંચાર થયો. તો સામે દુર્યોધન, શકુની, કર્ણ અને દુશાશનના શરીરમાં એક ભયાનક ગભરાહટ સળવળી ઉઠી. દુશાશન સાડી ખેંચતો અટકી ગયો. તેણે ગભરાયેલા ચહેરે દુર્યોધન સામે જોયું. સામે દ્રૌપદી પર એની કોઈ જ અસર નહોતી. એતો બંધ આંખે બસ કૃષ્ણનું નામ લઇ રહી હતી. એવામાં બીજા દ્વાર પરના દ્વારપાળનો અવાજ સંભળાયો જે બહુ સ્પષ્ટ હતો, ‘દ્વારિકાદિશ, સુદર્શન ચક્રધારી મહારાજ વાસુદેવ શ્રીકૃષ્ણ પધારી રહ્યા છે….’ હવે દુશાશનના હાથ ધ્રુજવા લાગ્યા હતા. દુર્યોધન તેની સામે જોઈને ગુસ્સાથી બોલ્યો, ‘દુશાશન, વસ્ત્ર ખીંચ.’ પણ એવામાં ત્રીજા અને મુખ્ય દ્વારના દ્વારપાળે એજ ઘોષણા ફરી કરી. અને એ સાંભળી દુશાશન સાથે દુર્યોધન, શકુની અને ધૃતરાષ્ટ્ર સહીત સમગ્ર કૌરવોની જમાતના આખા શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. બધાની નજર દ્રૌપદીથી હટીને મુખ્યદ્વાર પર મંડાઈ ગઈ અને તે કૃષ્ણની ત્યાં પહોંચવાની રાહ જોવા લાગ્યા. એવામાં કૃષ્ણ મુખ્ય પ્રવેશદ્વારના ઉમરા આગળ આવી પહોંચ્યા. હાથ પાછળ તરફ જોડી ક્રોધ અને તિરસ્કારથી ભરેલી આંખે તે ત્યાંજ ઉભા રહી ગયા. તેમના પાછળ સાત્યકી ઉભો હતો.

            કૃષ્ણને જોતા જ સભામાં ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. એ સન્નાટાથી અંધ ધૃતરાષ્ટ્રને પણ અંદાજ આવી ગયો કે કૃષ્ણ આવી પહોંચ્યા છે. તેના શરીરમાંથી પરસેવો છૂટવા લાગ્યો. દુશાશન કૃષ્ણને જોતા જ તેના સ્થાન પર ફસળી પડ્યો. કૃષ્ણએ એજ ગંભીર ક્રોધમય મુદ્રા સાથે સભાખંડ તરફ ડગલાં ભરવાનું શરુ કર્યું. તે દ્રૌપદી તરફ જઈ રહ્યા હતા, જે હજી હાથ જોડીને બંધ આંખે ‘કૃષ્ણ’ નામનો જાપ કરી રહી હતી. તેના ચહેરા તરફ જોતા જોતા કૃષ્ણ એ સ્થાનેથી ગુજર્યા જ્યાં પાંડવો અને કૌરવો જુગાર રમવા બેઠા હતા. કૃષ્ણ નજીક આવ્યા એટલે પાંડવોએ તેમની સામે જોયું, પણ કૃષ્ણ તેમની સામે નજર મિલાવ્યા વિના આગળ નીકળી ગયા. આખી સભા ડઘાઈ ગયેલી નજરે ચીર સન્નાટા સાથે કૃષ્ણને જોઈ રહી હતી. જેમ અંધકારથી ભરેલા ઓરડામાં સૂર્યનો પ્રકાશ પ્રવેશતાં જ માણસની આંખો અંજાઈ જાય, કંઈક એવી જ રીતે એ અધર્મી સભા વચ્ચેથી સાક્ષાત સૃષ્ટિનું સનાતન સત્ય પસાર થઇ રહ્યું હતું જેણે ત્યાં હાજર દરેકના મનને આંજી દીધું હતું. કૃષ્ણના દ્રૌપદી સુધી પહોંચતા પહેલા માર્ગમાં ઘૂંટણે પડેલો, ઘભરાયેલો અને શક્તિહીન બનેલો દુશાશન આવ્યો. કૃષ્ણએ વાંકા વળી તેના સામે ક્રોધથી જોતા જોતા તેના હાથમાં રહેલો દ્રૌપદીની સાડીનો છેડો લઇ લીધો. તે બે હાથે તેની સાડીને વીંટતા વીંટતા દ્રૌપદી પાસે આવ્યા અને સાડીથી તેના ધડને ઢાંક્યું. તેમણે સાડીનો એક છેડો ઉપર લાવી દ્રૌપદીના માથા પર ઓઢાળ્યો અને તેના જોડેલા હાથ પકડી પ્રેમથી કહ્યું, ‘કૃષ્ણે’. કૃષ્ણના સ્પર્શ અને અવાજથી દ્રૌપદીએ આંખો ખોલી અને તેમને જોતા જ તેનામાં રુદન ભરાઈ આવ્યું. તે જોરથી કૃષ્ણને ભેટી પડી અને રડવા લાગી. કૃષ્ણએ પ્રેમથી તેને બાથ ભરી લીધી અને તેના માથા પર હાથ મુકતા કહ્યું, ‘બસ. કૃષ્ણે. શાંત થા. હું આવી ગયો છું. તું એક સતી છે અને આવનારી અનેક પેઢીઓ તારું નામ સમ્માનથી લેશે. જેમ હવા, પાણી, અગ્નિ, ધરતી અને આકાશનું અપમાન શક્ય નથી, એમ તારું પણ અપમાન શક્ય નથી. અપમાન તો થયું સત્યનું. અપમાન થયું માનવતાનું. અને એ દરેકની માં-પત્નીઓ તેમના શબો પર વિલાપ કરશે જેમણે આ કર્યું છે. શાંત થઇ જા.’ કૃષ્ણના શબ્દોથી દ્રૌપદીએ શાંત થઇ કૃષ્ણ સામે કૃતજ્ઞ ભાવે જોયું. કૃષ્ણએ તેની સામે જોઈને કહ્યું, ‘મેં કહ્યું હતું હું આજીવન તારી સાથે જ છું.’ દ્રૌપદીએ પ્રેમભાવે હકારમાં માથું હલાવ્યું. પણ પોતાનો સહારો અને શાંતિ મળી જતા જ તેના અંદરનો આક્રોશ ભભૂકી ઉઠ્યો. તેણે કૃષ્ણ સામે ઉભા ઉભા જ આખી સભા સામે પ્રતિજ્ઞા લઇ લીધી કે તે દુશાશનના છાતીના લોહીથી જ્યાં સુધી તેના કેશ નહિ ધુવે ત્યાં સુધી પોતાના કેશ નહિ બાંધે. કૃષ્ણ પણ જાણે તેને સમર્થન આપતા હોય તેમ દુશાશન સામે આક્રોશભરી નજરે જોતા રહ્યા. પછી તેમણે દ્રૌપદીની પીઠ પર પ્રેમથી હાથ મૂકી દૂર બેઠેલા કુંતી સામે જોયું અને દ્રૌપદીને તેના કક્ષમાં લઇ જવાનો ઈશારો કર્યો. કુંતી તેમની પાસે આવ્યા અને દ્રૌપદીને બાથમાં ભરી ત્યાંથી લઇ ગયા.
            દ્રૌપદીના ગયા પછી એ શાંત સભામાં ડરેલા અવાજે ધૃતરાષ્ટ્રે આ પાખંડી શબ્દો છોડ્યા, ‘હે વાસુદેવ શ્રી કૃષ્ણ. અમે તમારા આભારી છીએ. તમે આ સભાને અનર્થથી બચાવી લીધી. વિદુર! વાસુદેવનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરો. આસન ગ્રહણ કરી આ સભાને ધન્ય કરો વાસુદેવ.’વિદુર જાણતા હતા કે આ પાખંડી શબ્દોનો જવાબ કૃષ્ણ જ આપશે. એટલે તેમણે પોતાના સ્થાનેથી હાલ્યા વિના જ કૃષ્ણ સામે જોયું. કૃષ્ણએ મિત્ર વિદુર સામે ત્રાંસી નજર નાખી હાથના ઇશારાથી થોભવા કહ્યું અને ત્યારબાદ ધૃતરાષ્ટ્ર સામે જોઈને બોલ્યા, ‘જે સભામાં એક સ્ત્રીને નગ્ન કરવાની કોશિશ થતી હોય, એક સતીને, તેને રાજસભા નહિ નર્કલોક કહે છે મહારાજ. અને નર્કલોક તમારા લોકોનું સ્થાન છે, મારુ નહિ. હું અહીંયા ફક્ત દ્રૌપદી માટે આવ્યો હતો. અને અહીંથી જતા જતા એ કહેતો જાઉં છું કે આજપછી દ્રૌપદીના શરીર, વસ્ત્ર કે કેશને તો દૂર તેના પડછાયાને પણ તેની ઈચ્છા વગર કોઈએ સ્પર્શવાની કોશિશ કરી તો તે આ વાસુદેવ કૃષ્ણ માટે સંસારનો સૌથી મોટો દુશ્મન હશે. તેને સમજી લેવું જોઈએ કે તે એના જીવનની આખરી ક્ષણ છે.’
કૃષ્ણના આક્રોશથી બોલાયેલા આ શબ્દોથી આખી સભામાં એક સનસની વ્યાપી ગઈ. એ દરેક માણસો જે આજીવન પાંડવોને ઠેકાણે પાડીને દ્રૌપદીને પામવા માંગતા હતા તે જાણી ગયા કે દ્રૌપદીનો અસલી રખવાળો કોઈ બીજો છે. એ જેને સંસારની કોઈ શક્તિ પહોંચી શકે તેમ નથી. તે દિવસથી દ્રૌપદી તેમના ધ્યેયમાંથી હંમેશા માટે નીકળી ગઈ. કૃષ્ણએ આ શબ્દો છોડ્યા પછી એ જ આક્રોશ સાથે ધૃતરાષ્ટ્ર સામેથી નજર હટાવી પાછળ ફરીને સભાથી બહાર જવા ચાલવાનું શરુ કરી દીધું. પણ હવે અર્જુનથી ન રહેવાયું. જેવા કૃષ્ણ વળતા તે સ્થાને આવ્યા, અર્જુન ઉભો થયો અને આંસુ ભરેલી આંખે હાથ જોડીને તેમના સામે ઉભો રહ્યો. બાકીના ચાર પાંડવો પણ આવ્યા અને કૃષ્ણના માર્ગમાં આવીને હાથ જોડી ઉભા રહ્યા. કૃષ્ણએ પાંચેય પાંડવો પર ફરિયાદ અને ક્રોધથી ભરેલી નજર નાખી અને પછી અર્જુન સામે જોઈને કહ્યું, ‘પત્ની સંપત્તિ નથી હોતી પાર્થ. જો યુધિષ્ઠિર જેવો ધર્મરાજ પણ પત્નીને જુગારમાં દાવ પર મૂકી શકતો હોય તો એ દર્શાવે છે કે સમાજના શ્રેષ્ઠ પુરુષો પણ સ્ત્રીને કઈ નજરે જુએ છે. સૃષ્ટિનું સૌથી ભયંકર પાપ કર્યું છે તમે લોકોએ. પ્રાયશ્ચિત કરવાનું છે તમારે, બસ પ્રાયશ્ચિત. બીજું બધું ભૂલી જાઓ. હવે આપણે વનમાં જ મળીશું.’

            આટલું કહીને કૃષ્ણ તેમનાથી આગળ નીકળી ગયા અને મુખ્ય દ્વાર આગળ ઉભેલા સાત્યકીને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. કૃષ્ણના ગયા પછી સન્નાટામાં વ્યાપ્ત એ સભાને ભીમે ક્રોધ સાથે દુશાશનની છાતીનું લોહી પીવાની અને દુર્યોધનની જાંઘ તોડવાની પ્રતિજ્ઞા લઈને હચમચાવી મૂકી.તો, આ રીતે સંકટ સમયે આવીને કૃષ્ણએ તેમની પ્રિય સખીના ચીર પૂર્યા.


મહાપ્રસ્થાન:

મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી પાંડવોએ ૩૫ વર્ષ હસ્તિનાપુર પર રાજ કર્યું અને તેને એક સુખી, સંપન્ન અને શક્તિશાળી રાજ્ય બનાવ્યું. પણ ત્યારબાદ તેમને સમાચાર મળ્યા કે શ્રી કૃષ્ણએ દ્વારિકામાં દેહ છોડી દીધો છે અને યાદવકુળનો નાશ થઇ દ્વારિકા નગરી પાણીમાં સમાઈ ગઈ છે. આ સમાચાર સાંભળી પાંડવો અને દ્રૌપદી દુઃખી થઇ ગયા. તેમણે પણ હવે સંસાર છોડી હિમાલય તરફ પ્રયાણ કરવાનું નક્કી કર્યું. અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજપાટ સોંપી પાંડવો અને દ્રૌપદી હિમાલય તરફ મહાપ્રસ્થાન માટે નીકળ્યા. જયારે તેઓ હિમાલય પહોંચ્યા ત્યારે હિમાલય ચડતા જ પહેલા દ્રૌપદી પડી. ભીમે યુધિષ્ઠિરને કહ્યું, ‘દ્રૌપદી તો પાંચ પતિઓને સમાન પ્રેમ આપનારી સતી હતી. તે કેમ આપણા બધા પહેલા મૃત્યુ પામી..?’ યુધિષ્ઠિરે કહ્યું, ‘બે કારણ છે. એક એ કે વાસુદેવ શ્રીકૃષ્ણએ તેને કહ્યું હતું કે અર્જુનમાં તેમનો અંશ છે અને અર્જુને તેને જીતી હતી. એટલે તેને હંમેશાથી અર્જુન પ્રત્યે વધુ પ્રેમ રહ્યો. અને બીજું, એનો મોક્ષ આપણામાં નહિ, શ્રી કૃષ્ણમાં હતો. તે વિષ્ણુની પત્ની લક્ષ્મીનો અવતાર હતી. એટલે શ્રીકૃષ્ણ પછી તરત તેણે દેહ છોડ્યો.’

 

ડીકોડિંગ ‘કૃષ્ણ-દ્રૌપદી’ : મહાભારતના પ્રસંગોમાંથી

 

મહાભારતના લખાણ મુજબ જયારે પાંડવો દ્રૌપદી માટે પિક્ચરમાં જ નહોતા, ત્યારે દ્રૌપદી કૃષ્ણના પ્રેમમાં હતી અને કૃષ્ણ સાથે લગ્ન કરવા માંગતી હતી. દ્રૌપદીની એક બહેનપણી હતી, જેનું નામ હતું નીતંબીની. નીતંબીની હંમેશા દ્રૌપદીને કૃષ્ણના ન્યુઝ આપતી રહેતી. તેણે દ્રૌપદી સામે કૃષ્ણની આર્યવ્રતના સૌથી શ્રેષ્ઠ પુરુષ તરીકે છબી ઉભી કરી હતી. દ્રૌપદીના પિતા દ્રુપદને પણ દ્રૌપદીના કૃષ્ણ પ્રત્યેના પ્રેમની જાણ હતી અને તે પણ તેને કૃષ્ણ સાથે જ પરણાવવા માંગતા હતા. સામે કૃષ્ણને પણ દ્રૌપદીના મનની હાલત ખબર હતી. એટલે તે તેનો સ્વયંવર યોજાય એના પહેલા જ રાજા દ્રુપદ અને દ્રૌપદીને મળ્યા. તે પહેલા દ્રૌપદીને મળ્યા અને તેમના વચ્ચે આ સંવાદ થયો.

કૃષ્ણએ કહ્યું, ‘હું જાણું છું તું મને પ્રેમ કરે છે દ્રૌપદી. પણ આ વખતે આપણે પતિ પત્ની બની શકીએ તેમ નથી. આપણે અહીં ધર્મસ્થાપનાના મિશન પર આવ્યા છીએ. તારે એને પરણવાનું છે જે મારા જ અંશમાંથી પેદા થયો છે.’

‘કોણ છે એ જે મારા માટે તમારાથી પણ વધારે મૂલ્યવાન છે. તમે મારા આત્માનો અડધો ભાગ છો. છતાંય ના પાડી રહ્યા છો. તો કોણ છે એ જે તમારો અંશ છે..?’ દ્રૌપદીએ જવાબ આપ્યો.

કૃષ્ણ બોલ્યા, ‘એ અર્જુન છે. મારા કુંતી ફોઈનો છોકરો. એ મારા જ આત્માનો એક ભાગ છે. અર્જુન અને તેના ચાર ભાઈઓ થઈને પાંચ પાંડવોમાં મારી જ શક્તિઓ છે. તારે એમના સાથે રહીને ધર્મસંસ્થાપનના કાર્યમાં મારી મદદ કરવાની છે.’

‘પણ મારુ શું થશે..? મેં તમારા નામની વરમાળા પકડી રાખી છે. હું મારા પ્રેમનું શું કરું..?’ દ્રૌપદીએ કહ્યું.

‘આપણા બંનેનો સબંધ તો સનાતન છે. તું વૈકુંઠલોકમાં મારી પત્ની લક્ષ્મી જ છે. તું સ્ત્રીઓમાં સર્વશ્રેષ્ઠ છે. તું હંમેશા મારી જ છે. મારા પ્રેમ પર તારો જ અધિકાર છે. પણ આ વખતે આપણે પતિ-પત્ની તરીકે પ્રેમ નહિ કરી શકીએ. મારા પ્રત્યેનો એ પ્રેમ તારે પાંડવોના શરીરમાં રહેલા મારા અંશોને આપવાનો છે. આપણે સંસારના શ્રેષ્ઠ મિત્રો બનીને રહીશું. આપણો પ્રેમ એટલો ઉંડાણવાળો હશે કે તેને કોઈ માપી નહિ શકે. બસ આ વખતે મારા શરીર પર તારો અધિકાર નથી. મારા પ્રેમ પર તારો પૂર્ણ અધિકાર રહેશે. હું આજીવન તારી રક્ષા કરીશ.’ આ કહીને કૃષ્ણએ તેને મનાવી લીધી અને આ જ વાત તેના પિતા દ્રુપદને સમજાવી.

            કૃષ્ણએ દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ ન લીધો પણ ત્યાં હાજર રહ્યા. ત્યાં જયારે કર્ણે ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવી દીધી ત્યારે કૃષ્ણએ જ દ્રૌપદી સામે જોઈને ઈશારો કર્યો કે કર્ણને ના પાડી દે. દ્રૌપદી અર્જુન વડે જીતાઈ અને પાંચ પાંડવો સાથે પરણી. તેણે પત્ની તરીકે પાંચેય પાંડવોને સમાન પ્રેમ આપ્યો પણ છતાંય તેનો પ્રાણ અતૃપ્ત હતો. તેની સંતૃપ્તતા કૃષ્ણની મિત્રતા અને તેમના પ્રેમમાં હતી. કૃષ્ણ એ જાણતા હતા. એટલે તેમણે હંમેશા દ્રૌપદીનું ધ્યાન રાખ્યું. તે સમય સમય પર તેને મળવા આવતા રહેતા. તે એને પ્રેમથી આલિંગન પણ આપતા, હૂંફથી માથા પર અને મિત્રતાથી ખભા કે પીઠ પર હાથ પણ મુકતા. તો કલાકો સુધી એના પાસે બેસીને જીવનની, સાંસારિક પરિસ્થિતિઓની અને ધર્મસંસ્થાપનના કાર્યોની ચર્ચા પણ કરતા. પાંડવોના વનવાસ સમયે પણ કૃષ્ણ પોતાની કોઈ એક પત્ની સાથે પાંડવોને મળવા આવતા અને સૌથી
વધારે સમય દ્રૌપદીની શિવિરમાં જ વિતાવતા. આ વાતની કૃષ્ણની પત્ની સત્યભામાને બહુ ઈર્ષા આવતી. એકવાર તેણે દ્રૌપદીને પૂછ્યું, ‘એવું તો તું શું આપે છે કૃષ્ણને કે તે પાંડવો કરતા પણ વધુ સમય તને આપે છે..? તે અમે સૌ પત્નીઓ કરતા પણ વધુ આનંદિત તારા સાથે હોય છે.’ જવાબમાં દ્રૌપદીએ સત્યભામાને પ્રેમના ૬ રસ સમજાવ્યા અને સ્ત્રી પુરુષનો કયો સબંધ કેટલા રસ આપી શકે તેની ઊંડી સમજ સત્યભામાને આપી જે મહાભારતના પ્રખ્યાત સાહિત્યિક અને બુદ્ધિજીવી પ્રસંગોમાંથી એક ગણાય છે.

            દ્રૌપદીનો પ્રાણ, જેને હું જાગ્રત ઉર્જા કહું છું, તે એટલો વિશાળ હતો કે ફક્ત કૃષ્ણ સાથેની પ્રેમસમાધીથી જ તે સંતોષાય એમ હતો. એટલે જ કૃષ્ણ દ્રૌપદીને ‘કૃષ્ણા’ કહેતા. મતલબ તે સ્ત્રી સ્વરૂપમાં કૃષ્ણ જ હતી, વિષ્ણુ જ હતી. પણ પાછળથી જયારે ભારતમાં આધ્યાત્મિક વિજ્ઞાન દબાતું ગયું અને ક્રિયાકાંડો કરતા મૂઢ પંડિતોએ ધર્મને કેપ્ચર કર્યો એટલે તેમણે તેમના જેવી જ મૂર્ખ વાતો કરી કે દ્રૌપદી કૃષ્ણની બહેન હતી કે મિત્ર હતી એટલે તે એને કૃષ્ણા કહેતા. કયો ભાઈ કે મિત્ર એવો હોય જે પોતાની બહેનને કે મિત્રને પોતાના નામથી બોલાવે. કોઈ અર્થ વગર. તો આવું છે આપણા આજના પંડિતોમાં અને પ્રવચનકારોમાં પણ. પ્રાચીન ભારતની દરેક મહાન આધ્યાત્મિક વાતને તેઓ તેમની એ જ પરંપરાગત હીન બુદ્ધિથી સંસારના ચીલાચાલુ માપદંડો પ્રમાણે સમજાવે છે.

December 06 / 2017 /On Pratilipi.com Gujarati

સિધ્ધાર્થનું બુધ્ધત્વ અને યશોધરા

સિધ્ધાર્થ તેના હાથમાં પકડી રાખેલી રાખ પિતા શુધ્ધોદનના હાથમાં આપતા બોલ્યો, ‘હું મારો અંત આ રાખ સ્વરૂપે નથી ચાહતો પિતાહ. હું એના પહેલા મૃત્યુને જીતી લઈશ.’ 

સિધ્ધાર્થ અને યશોધરા તેમના ગ્રીષ્મઋતુ માટે બનાવેલા મહેલના પ્રાંગણમાં બેઠા છે. યશોધરા આઠ માસે ગર્ભવતી છે. સિદ્ધાર્થ આંખો બંધ કરીને તકિયાના ટેકે બેઠેલો છે અને તેના હાથ-પગ પર સુંદર દાસીઓના કોમળ હાથ વડે કરાઈ રહેલી ઘીની માલિશથી એક હળવી ગલીપચી અને ઉર્જા મેળવી રહ્યો છે. માલિશની સંવેદના સાથે એ સ્ત્રીનું મધુર સંગીત પણ તેના આનંદને હજી વધારી રહ્યું છે જેને ગર્ભવતી યશોધરાને સંગીત સંભળાવવા ત્યાં રખાઈ છે. ઓગણત્રીસ વર્ષની સિદ્ધાર્થ અને યશોધરાની ઉંમરમાં હજી સુધી એવો એક દિવસ નથી ગયો જયારે તેમના જીવનમાંથી આનંદ અને ભોગ ઓછા થયા હોય. યશોધરાએ આઠ માસનો ગર્ભ હોવા છતાં તેમણે એકબીજાના શરીરસુખને ભોગવવાનું બંધ નથી કર્યું. સિદ્ધાર્થ તેને આપવામાં આવેલ સુખ અને ભોગવિલાસની દુનિયાને દરેકે દરેક ક્ષણ નીચોવી રહ્યો છે પણ એ દુનિયાનું સુખ ક્યારેય પૂરું થાય એવી સંભાવના નથી. હવે તો એ સુખમાં તેના સંતાન રૂપે અતુલનીય વધારો થવાનો છે. પણ સુખના આ સર્વોચ્ચ ઉન્માદે વર્ષોથી પોતાના સમયની રાહ જોઈ રહેલી નિયતિ આખરે પોતાની પહેલી કરવટ બદલે છે. અચાનક તે સ્ત્રીના સંગીતનો રાગ આનંદ અને મધુરતામાંથી થોડી નિરાશા અને પીડાનો બની ગયો. અને રાગમાં આવેલા આ પરિવર્તને સિદ્ધાર્થની વર્ષોથી લાગેલી ભોગ સમાધિને તોડી દીધી. તેણે આંખો ખોલી અને દાસીઓ પાસેથી પોતાના હાથ પગ છુટા કરાવી પ્રાંગણમાં થોડે દૂર સ્થાપેલા સંગીત મંચ તરફ જોઈને વિસ્મયભરી આંખે ઉભો રહી ગયો.

            સિદ્ધાર્થના પિતા શુધ્ધોદન એ સન્યાસીની ભવિષ્યવાણી ક્યારેય ભૂલી નહોતા શક્યા જેણે સિદ્ધાર્થના જન્મ સમયે આવીને કહી દીધેલું કે કાંતો સિદ્ધાર્થ કોઈ મહાન ચક્રવર્તી સમ્રાટ બનશે કાં તો એક મહાન સન્યાસી. બંનેમાંથી કોઈ એક માર્ગે તે વિશ્વવિજય કરશે. જયારે સન્યાસીને પૂછવામાં આવ્યું કે એવું શું થશે કે જેથી તે સન્યાસી બની જશે..? તો સન્યાસીએ કહ્યું માણસની વૃદ્ધાવસ્થા, રોગ, દુઃખ અને મૃત્યુ આ ચાર હકીકતો તે સહન નહિ કરી શકે. બસ આ સાંભળતા જ પિતા શુધ્ધોદને નિયતિને પલટી નાખવાની કોશિશો શરુ કરી દીધેલી. તેમણે સિદ્ધાર્થ માટે અલગ અલગ ઋતુ માટે અલગ અલગ મહેલ બનાવ્યા. તેના મહેલોમાં ફક્ત સુંદર અને યુવાન દાસ-દાસીઓને જ રાખવામાં આવી. બીમાર અને વૃદ્ધ માણસોને સિદ્ધાર્થના મહેલોમાં પ્રવેશ નહોતો. જીવનના કોઈપણ દુઃખથી સિદ્ધાર્થને દૂર રખાયો હતો, ત્યાં સુધી કે તેને સંગીત સંભળાવનાર ગાયકો અને સંગીતકારોને પણ કોઈ દુઃખભર્યું સંગીત ન વગાડવાની સ્પષ્ટ ચેતવણી હતી. ઓગણત્રીસ વર્ષ સુધી રાજા શુધ્ધોદનની આ કોશિશો સફળ રહી હતી. પણ આજે નિયતિએ બાજી પોતાની હાથમાં લેવાનું નક્કી કરી દીધું હતું.

            સ્ત્રીના રાગમાં આવેલા દર્દે સિદ્ધાર્થના હૃદયમાં કંઈક નવી જ ભાવનાઓને ઉત્પન્ન કરી. એવી ભાવનાઓ જેને આજસુધી તેણે અનુભવી નહોતી. તે સ્તબ્ધ હતો. તેના સમજમાં નહોતું આવતું કે તેના અંદર ઉત્પન્ન થયેલી આ લાગણી છે શું..? તે દુઃખ હતું જેનાથી તેનો સામનો થવા દેવામાં નહોતો આવ્યો. તે ઘી ચોપડેલા ઉઘાડા પગે જ તે સ્ત્રી તરફ ચાલવા લાગ્યો. પત્ની યશોધરા પણ તેના પાછળ પાછળ ગઈ. તે સ્ત્રીના નજીક જઈ સુન્ન થયેલી આંખે તેના સંગીતને આશ્ચર્યથી સાંભળતો રહ્યો. ત્યાં ઉભેલો તેનો સારથી અને મિત્ર ચના વાત સમજી ગયો. તેણે સ્ત્રીનું સંગીત બંધ કરાવ્યું અને પૂછ્યું કે રાગમાં આ દર્દ કેવી રીતે આવી ગયું. સ્ત્રીએ કહ્યું, ‘માફ કરજો નામદાર. આ મહેલની સુંદરતા જોઈને મને પર્વતો પર રહેલું મારુ સુંદર ગામ યાદ આવી ગયું જ્યાં હું મોટી થઇ છું પણ અનેક વર્ષોથી મારા લોકોને મળવા જઈ નથી શકી.’

સિદ્ધાર્થે તેણીને પૂછ્યું, ‘શું આ મહેલ બહાર પણ દુનિયા આટલી જ સુંદર છે..?’

‘આ મહેલ બહારની દુનિયા બહુ વિશાળ છે, સિદ્ધાર્થ. ત્યાં સુંદરતા પણ છે અને કુરૂપતા પણ. આ મહેલ જ દુનિયાની સૌથી સુંદર જગ્યા છે.’ પાછળ તરફથી આવીને યશોધરા બોલી. તે સિદ્ધાર્થને આ મહેલોમાં જકડી રાખવા પાછળનું કારણ જાણતી હતી.

‘તો આ શું હતું જે આ સંગીત સાંભળવાથી મારા અંદર ઉત્પન્ન થયું..? શું છે આ લાગણી જે ક્યારેય મારામાં થઇ નથી અને હવે અંદરથી જઈ નથી રહી..? મારે દુનિયાનો એ હિસ્સો જોવો છે જ્યાંથી આ લાગણી જન્મે છે. એ મને મારા કોઈ મહેલમાં તો નથી મળ્યો. પહેલા હું એને મારા નગરમાં શોધીશ. ચના મારા નગરદર્શનની તૈયારી કરો, હવે મારે બહારની દુનિયા જોવી છે.’

            સિદ્ધાર્થના શબ્દોથી યશોધરાની આંખો ભરાઈ આવી. તેના મનમાં ભય ઉમટી આવ્યો. જાણે એજ થવાની કોશિશમાં હતું જેને તેમણે આજસુધી દબાવી રાખ્યું હતું. યશોધરાએ ચના સામે જોઈને ઈશારો કર્યો કે રાજા શુધ્ધોદનને વાત કરો.

            શુધ્ધોદનના ઘણું સમજાવ્યા છતાં સિદ્ધાર્થ હવે માને તેમ નહોતો. તેના અંદર પેલો દુઃખનો રાગ અને તે લાગણી નીકળવાનું નામ નહોતી લઇ રહી. શુધ્ધોદને આખરે એમ કહીને સમય માંગી લીધો કે ‘ઠીક છે. પણ એક મહિના પછી. રાજકુમાર પહેલીવાર નગર જોવા નીકળી રહ્યા છે. તો નગરને એમના માટે તૈયાર કરવું પડશે.’ સિદ્ધાર્થ તેમની વાત માની ગયો. શુધ્ધોદને એક મહિનામાં એ પુરી તૈયારી કરી લીધી કે સિદ્ધાર્થનો રથ જ્યાં જ્યાંથી નીકળે ત્યાં યુવાન લોકો જ એકઠા થવા જોઈએ. નગરના તમામ વૃદ્ધ અને બીમાર લોકો માટે શુધ્ધોદને એક અલાયદી વસાહત તૈયાર કરાવી અને જ્યાં સુધી સિદ્ધાર્થ પાછો મહેલમાં ન આવે ત્યાં સુધી તેમના તે સ્થાનેથી બહાર નીકળવાની મનાઈ ફરમાવી દીધી. સિદ્ધાર્થની યાત્રાના રૂટને સ્મશાનના રૂટથી ઘણો દૂર રાખવામાં આવ્યો.

નગરયાત્રા:

 

જ્યાં જ્યાંથી સિદ્ધાર્થનો રથ નીકળવાનો હતો ત્યાં બંને બાજુ ઊંચી ઊંચી દીવાલો ચણવામાં આવી હતી જે બાકીના નગરને સિદ્ધાર્થના રૂટથી અલગ કરતી હતી. દર બસો મીટરે બંને બાજુની દીવાલોમાં ખુલ્લા દરવાજા હતા જે નગરની પ્રજાને સિદ્ધાર્થને જોવા માટે તેના રૂટમાં પ્રવેશવા માટે રાખ્યા હતા. બંને બાજુની દીવાલો પર અસંખ્ય યુવાન અને આધેડ લોકો પોતાના રાજકુમારના પ્રથમ દર્શન કરવા ઉભા હતા. તે બધા એકી સાથે ‘સિદ્ધાર્થ.. સિદ્ધાર્થ..’ ની બૂમો પાડીને તેના પર પુષ્પો નાખી રહ્યા હતા અને વૈભવની આ પરાકાષ્ટાથી ઉન્માદે ચડેલો સિદ્ધાર્થ તેમના પર સોનાના સિક્કા ઉછાળી રહ્યો હતો. એવામાં સિદ્ધાર્થનો રથ લોકોના આ અભિવાદનને ભરપૂર રીતે માણવા માટે ઉભો રહ્યો. તે સ્થાનના બિલકુલ બાજુમાં જ દીવાલનો એક ખુલ્લો દરવાજો હતો જ્યાં બે સૈનિકો ઉભા હતા. લોકોના અભિવાદનને ઉત્તેજનાપૂર્ણ આનંદથી ઝીલતા સિદ્ધાર્થની નજર દીવાલના દરવાજામાંથી અંદર પ્રવેશતા એક વૃદ્ધ જોડકા પર પડી. એક વૃદ્ધ દંપતી તેમના રાજકુમારને જોવા માટે ગમેતેમ કરીને તેમની વસાહતના સ્થાનથી છટકી આવ્યા હતા. તેમના ચહેરા પર ભારે કરચલીઓ હતી અને મોંઢામાના દાંત પડી ગયેલા હતા. વૃદ્ધ સ્ત્રીના મોંઢામાં ઉપર-નીચે બે દાંત હતા જે તેના હસવાથી બહાર આવતા હતા. સિદ્ધાર્થની નજર આ કદરૂપા વૃદ્ધ દંપતી પર પડી અને તે અવાચક રહી ગયો. તેણે સારથી ચનાને પૂછ્યું, ‘ચના, આ વિચિત્ર પ્રાણી કોણ છે..?’ ચનાના ચહેરાનો રંગ ફીકો પડી ગયો. તેણે કહ્યું, ‘તે વૃદ્ધ માણસો છે રાજકુમાર. મૃત્યુ પહેલા માણસ આ રીતે ઘરડો થઇ જાય છે. ઘડપણ માણસથી તેની સુંદરતા, શક્તિ અને શાણપણ છીનવી લે છે.’

‘પણ આ ઘડપણ શાનાથી આવે છે..? શું આપણે તેને રોકવાનો કોઈ ઉપાય નથી કર્યો..?’ સિદ્ધાર્થે બેબાકળા બનીને પૂછ્યું.

‘ઘડપણ કુદરતનો નિયમ છે રાજકુમાર. દરેક શરીર અમુક વર્ષો પછી આવું થઇ જ જાય છે. એને કોઈ ટાળી નથી શકતું.’

સિદ્ધાર્થની આંખો પહોળી થઇ ગઈ. તેનો બધો આનંદ વિસરાઈ ગયો. તેણે ગંભીર અવાજે ચનાને પૂછ્યું, ‘તો શું હું પણ એકદિવસ…?’

            ચનાએ દુઃખી હૃદયે હકારમાં માથું હલાવ્યું અને નીચે જોઈ લીધું. સિદ્ધાર્થ સુન્ન હતો. આસપાસ જનમેદનીની તેના નામની બૂમો તેને સંભળાતી બંધ થઇ ગઈ. તેના અંદર ફરી પેલું દુઃખનું સંગીત પ્રબળતાથી વાગવા લાગ્યું. એવામાં તેણે જોયું કે ત્યાં ઉભેલા સૈનિકો તે વૃદ્ધ દંપતીને ઉપાડીને દિવાલના બહારના ભાગે લઇ જવા લાગ્યા. સિદ્ધાર્થ તેના રથમાંથી ઉતરીને તેમના પાછળ ભાગ્યો. ચનાએ તેના નામની બૂમ પાડી, પણ સિદ્ધાર્થ ન રોકાતા ચના પણ રથ છોડી તેના પાછળ દોડી ગયો.

            સિદ્ધાર્થ અને ચના તે વૃદ્ધ દંપતીનો પીછો કરતા કરતા એ સ્થાને આવી પહોંચ્યા જ્યાં નગરના તમામ વૃદ્ધ અને બીમાર માણસોને એકઠા કરવામાં આવ્યા હતા. સિદ્ધાર્થ સ્તબ્ધ હતો. લાકડીના ટેકે આમતેમ ફરતા અનેક વૃદ્ધ માણસો વચ્ચે તે ઉભો હતો. તેણે કુતુહલતાથી પહેલા પોતાના શરીર તરફ જોયું અને પછી તે વૃદ્ધ માણસોના શરીર સામે. એક બાળક જેવી નિર્દોષતાથી તેણે ચના સામે હાથ ફેલાવીને કહ્યું, ‘ચના..?!’

એવામાં ત્યાં એક બીમાર માણસના કણસવાનો અવાજ સંભળાયો. સિદ્ધાર્થ તે ઓરડા તરફ ગયો તો જોયું અનેક ઘરડા અને બીમાર માણસો ત્યાં ખાંસી રહ્યા હતા. કોઈ રડી રહ્યા હતા તો કોઈના શરીર કુષ્ઠરોગ જેવી વ્યાધિઓથી કુરૂપ અને બેડોળ બની ગયેલા હતા. સિદ્ધાર્થે ભારે હૃદયે પૂછ્યું, ‘ચના, આ લોકો કોણ છે..?’

‘તે બીમાર છે સ્વામી. દરેક માણસ મૃત્યુ પહેલા એકવાર તો બીમાર પડે જ છે.’

‘શું રાજાઓ પણ..?’

‘હા, સ્વામી.’ ચનાએ કહ્યું.

‘અને આ મૃત્યુ શું છે ચના..? મને મૃત્યુ બતાવ.’ વ્યાકુળતાથી સમસમી ઉઠેલા સિદ્ધાર્થે કહ્યું.

            ચના સિદ્ધાર્થને એજ વસાહતના પાછળના ભાગે લઇ આવ્યો જ્યાં વસાહતમાં રોજ મૃત્યુ પામનારાઓની અંતિમ વિધિ થતી હતી અને ત્યાંથી તેમને અગ્નિદાહ માટે સ્મશાન લઇ જવામાં આવતા હતા. સિદ્ધાર્થ અને ચના ત્યાં આવ્યા એટલે એક વિસ વર્ષના છોકરાના શબને પાલખી સાથે બંધાઈ રહ્યું હતું અને તેના હોઠો પર ગંગાજળ રેડવામાં આવી રહ્યું હતું.

‘આ યુવાન છોકરાને આટલી નિષ્ઠુરતાથી કેમ બાંધી રહ્યા છે ચના..?’ સિદ્ધાર્થે કહ્યું.

‘હવે એ ફક્ત એક હાડ-માંસનો પદાર્થ છે સ્વામી. એ છોકરો હવે એ શરીરમાં નથી. તે મૃત્યુ પામી ચુક્યો છે.’

ચનાના શબ્દો સાંભળી સ્થિર થઇ ચુકેલી આંખે સિદ્ધાર્થ ઘૂંટણીએ પડ્યો અને તે શબના હાથ-પગ તથા મોંઢાને સ્પર્શવા લાગ્યો. તેને લાગ્યું જાણે કોઈ નિર્જીવ લાકડાને તે સ્પર્શી રહ્યો છે. તેણે પાછળ ચના તરફ જોયું અને ડઘાઈ ગયેલી આંખે કહ્યું ‘શું આ….?’

‘હા, સ્વામી.’ સિદ્ધાર્થની વાત વચમાંથી કાપતા ચના બોલ્યો, ‘જન્મ લેનાર દરેક પ્રાણી અંતે આ રીતે જ પોતાનું શબ છોડી જાય છે. એ જ મૃત્યુ છે. એજ આપણા બધાનો અંતિમ પડાવ છે.’

સિદ્ધાર્થની આંખોમાં પાણી ભરાઈ આવ્યું. તે નિસાસો નાખીને બોલ્યો, ‘પણ આ વીસ વર્ષનો બાળક છે, ચના.’

‘મૃત્યુને આયું સાથે કોઈ સબંધ નથી સ્વામી. તે ક્યારે કયા સ્થાને કઈ રીતે આવશે તે કોઈ નથી જાણી શકતું. આપણે જે પણ ક્ષણો જીવીએ છીએ તે એક અંધારી રાહ પર હોય છે.’

            આ સાંભળતા જ સિદ્ધાર્થના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. તેણે પોતાની જાતને ભયાનક રીતે છેતરાયેલી મહેસુસ કરી. તેને લાગ્યું કે તેણે તેના જીવનનો કેટલો બધો સમય ભોગો પાછળ વેડફી નાખ્યો જયારે અસલમાં તે આ ઓગણત્રીસ વર્ષની ઉંમર સુધી પહોંચ્યો તે એક ભાગ્ય હતું.

            એવામાં ત્યાંના લોકો એ શબને ઉઠાવીને ‘રામનામ સત્ય હે’ ના માતમભર્યાં અવાજ સાથે ઝડપી ઝડપી ચાલવા લાગ્યા. સિદ્ધાર્થ પણ તેમના પાછળ પાછળ ખુલ્લા પગે ચાલવા લાગ્યો અને તેના પાછળ ‘સ્વામી.. સ્વામી..’ ની બૂમો પાડતો ચના પણ ભાગવા લાગ્યો. સિદ્ધાર્થ એ લોકો સાથે સ્મશાનમાં આવ્યો અને તે શબને અગ્નિદાહ અપાતા જોવા લાગ્યો. જેવી તે લાશ સળગી તેની આંખોમાંથી આંસુઓ સરી પડ્યાં અને તે ઘૂંટણીએ પડીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો. ચના તેના પાછળ દોડી આવ્યો અને તેના ખભા પર હાથ મુકતા બોલ્યો, ‘સ્વામી..’

‘શું મને પણ આ રીતે સળગાવી દેવામાં આવશે ચના..?’

દુઃખભરી ખચકાટ સાથે ચનાએ કહ્યું, ‘હા, સ્વામી. પણ હજી એ દિવસ આવ્યો નથી.’

‘એ દિવસ આવી ચુક્યો છે ચના. જો હું કાલે મૃત્યુ પામી શકું છું તો મતલબ છે કે આજે હું જે કરી રહ્યો છું તેનો કોઈ અર્થ નથી. હું આજે પણ મરેલો જ છું.’ સિદ્ધાર્થે રડમસ અવાજે કહ્યું.

‘હવે આપણે પાછા જવું જોઈએ, રાજકુમાર.’ ચના ચિંતા સાથે બોલ્યો.

‘હા. હવે પાછા જ ફરવાનું છે ચના. ખરેખર, હું બહુ આગળ નીકળી આવ્યો છું. પણ મારે આ ચિતાને ઓલવાતી જોવી છે. હું જોવા માંગુ છું કે હું જે શરીર લઈને ફરી રહ્યો છું તેનો અંત શું છે.’ આંખોમાંથી આંસુ લૂછતાં સિદ્ધાર્થ બોલ્યો. ચિતા શાંત થઇ ત્યાં સુધીમાં તેની આંખો સુજી ચુકી હતી, તેના આંસુ સુકાઈ ચુક્યા હતા અને તેનો ચહેરો ભાવહીન બની ચુક્યો હતો. તેના અંદરનું એક રાજકુમારનું અભિમાન ઓગળી ચૂક્યું હતું. તેણે શુષ્ક ચહેરે ચિતાના આખરે વધેલી રાખ હાથમાં લીધી અને ટગર ટગર આંખે તેને જોઈ રહ્યો. તેને થયું કે ‘આ મારો અંત છે.’ તેના અંદર જાણે ક્રાંતિ ભડકી ઉઠી. તે આ અંત સ્વીકારવા તૈયાર નહોતો. તે રાખ સામે જોતા જોતા જ ઉભો થયો અને સુન્ન પ્રાણહીન ડગલે પાછા મહેલ તરફ ચાલવાનું શરુ કરી દીધું.

 

સત્યનું આલિંગન:

 

‘તમે મારાથી જીવનના આટલા મુખ્ય સત્યો કેમ છુપાવ્યા પિતાહ..? કેમ મને છેતર્યો પિતાહ..?’

સાંજ પડતા સુધીમાં સિદ્ધાર્થ ચના સાથે મહેલ પાછો ફરી ચુક્યો હતો. રાજા શુધ્ધોદનને એ સમાચાર મળી ચુક્યા હતા કે સિદ્ધાર્થ એક વૃદ્ધ દંપતીને જોઈને યાત્રા અર્ધમાં છોડી ભાગી ગયો હતો. શુધ્ધોદન જાણતા હતા કે સિદ્ધાર્થના પાછા ફરતા જ તેમને એ ચુનૌતીઓનો સામનો કરવો પડશે જેમને અત્યાર સુધી તેમણે દબાવી રાખી હતી. મોડી સાંજે મંદિરમાં પુજારીઓ સાથે પૂજા કરતા શુધ્ધોદન પાસે આવીને ભાવહીન દુઃખી હૃદયે સિદ્ધાર્થે આ કહ્યું.

‘આપણે પૂજા પત્યા પછી વાત કરીએ સિદ્ધાર્થ.’ શુધ્ધોદન બોલ્યા.

‘શું આ પૂજા એ માંગવા છે કે તમે હજી મને કેવી રીતે છેતરી શકો એમ છો..? તો એનો જવાબ હું જ આપીશ પિતાહ. હું હવે જીવનની એક ક્ષણ પણ વ્યર્થ કાઢી શકું એમ નથી. મને કેમ છેતરવામાં આવ્યો..?’ સિદ્ધાર્થે નક્કર અવાજમાં કહ્યું.

‘કારણ કે હું તને પ્રેમ કરતો હતો. તને ખોવા નહોતો માંગતો.’ શુધ્ધોદને ભાવનાઓને આગળ ધરી.

‘જે પ્રેમમાં સત્ય ન હોય પિતાહ, તે પ્રેમ નહિ મોહ હોય છે. જે પ્રેમ પોતાના પ્રેમીને એક કેદી બનાવી દે તે પ્રેમ નહિ એક સત્તા છે જે પ્રેમના નામે મેળવવામાં આવે છે. આટલું તો મને એ ગુરુજીએ પણ શીખવ્યું હતું જેમને આપે મારા મહેલોમાં જ્ઞાન આપવા મોકલ્યા હતા.’ સિદ્ધાર્થના શબ્દો સાંભળતા જ શુધ્ધોદન સમજી ગયા કે તેમની ઈમોશનલ બ્લેકમેઈલિંગ આજે નિષ્ફળ જશે. પણ છતાંય તેમણે હજી એક પ્રયાસ કરી જોયો.

‘તું એ મને કહી શકે છે પણ હવે તારા પુત્રને નહિ કહી શકે. તું બંધાઈ ચુક્યો છે સિદ્ધાર્થ. હવે તું છટકી શકે એમ નથી.’

‘શું..? મારો પુત્ર જન્મી ચુક્યો છે..?’

‘હા, આજે સંધ્યા પહેલા જયારે તું બહાર હતો. તેનું નામ રાહુલ રખાયું છે. હવે તારી તેના અને યશોધરા પ્રત્યે જવાબદારી છે.’ શુધ્ધોદને કહ્યું.

‘બિલકુલ છે. અને એ જવાબદારી છે તેમને સત્ય આપવાની. મેં યશોધરા સાથે ફક્ત ભોગ ભોગવ્યા છે. પણ હવે હું જાણું છું કે તે ગમે ત્યારે બીમાર થઈને મૃત્યુ પામી શકે છે. તે એક દિવસ કુરૂપ અને અશક્ત વૃદ્ધ બની મૃત્યુ પામી શકે છે. મારે તે પહેલા એને સત્ય કહેવાનું છે. તે પહેલા આ નાશવંત જીવનના છલાવાથી તેને બહાર કાઢવાની છે. અને રાહુલ. રાહુલ પ્રત્યે તો હવે હું બસ અપરાધભાવ જ અનુભવું છું. જીવન શું છે એ વિષે જો હું પોતે જ એક બાળકની જેમ અજ્ઞાની હતો તો મને એક બીજા જીવને આ દુનિયા પર લાવવાનો અધિકાર જ નહોતો. મારે તેના પ્રત્યેના આ અપરાધમાંથી બહાર નીકળવાનું છે. મેં એ માનવોને જોયા છે પિતાહ જે રોગ, પીડા અને ભૂખથી કણસી રહ્યા હતા. એ બસ ભાગ્યની મહેરબાની જ છે કે મારુ જીવન એવું નથી. અને ભાગ્યની મહેરબાનીથી મળેલું આ જીવન મેં ભોગોમાં વેડફ્યું છે. આ અપરાધ છે એ માનવજાતિ માટે જે આ મહેલોની બહાર દુઃખોમાં સબડી રહી છે. મેં આજીવન અપરાધ જ કર્યો છે પિતાહ, બસ અપરાધ. પણ હવે મારે માનવજાતિ પ્રત્યેનું ઋણ ચૂકવવાનું છે. મારે સત્ય શોધવાનું છે. મારા માટે, તમારા માટે, આપણા બધા માટે. આજ મારુ જીવનકાર્ય છે. અને મને એ કરતા કોઈ રોકી નહિ શકે.’

આટલું કહી સિદ્ધાર્થ તેના હાથમાં પકડી રાખેલી રાખ પિતા શુધ્ધોદનના હાથમાં આપતા બોલ્યો, ‘હું મારો અંત આ રાખ સ્વરૂપે નથી ચાહતો પિતાહ. હું એના પહેલા મૃત્યુને જીતી લઈશ.’

આટલું બોલી તે ત્યાંથી ચાલ્યો ગયો.

તેના જતા જ શુધ્ધોદને આદેશ આપ્યો, ‘જો રાજકુમાર મહેલ છોડવાની કોશિશ કરે તો તેમને બંધી બનાવી દેવામાં આવે.’

            રાતે યશોધરા અને પોતાના પુત્રને જોવા સિદ્ધાર્થ પોતાના કક્ષમાં પહોંચ્યો તો બંને સુતા હતા. તે બંનેના નજીક ગયો. તેણે તેના પુત્રનો ચહેરો જોયો, પણ બંનેમાંથી કોઈને સ્પર્શ ન કર્યો. એક પળ માટે તેને તેના પુત્રને ઉપાડી લેવાની ઈચ્છા થઇ પણ તેણે પોતાની જાતને રોકી દીધી, એ વિચારે કે જો તેના પુત્રના મોહે તેને રોકી લીધો તો તે જઈ નહિ શકે. તેના હૃદયમાં પીડા હતી પણ આંખોમાં આંસુ નહોતા. કારણ કે જે કાર્ય કરવા તે જઈ રહ્યો હતો તે એ દરેક માનવ માટે જરૂરી હતું જેને તે ચાહતો હતો. તે એક વિષ્ણુ હતો જેણે ફરી સત્ય સામે આવતા જ સત્યથી આલિંગન કરી દીધું હતું અને સત્ય માટે પોતાનું બધું જ છોડવાની તૈયારી કરી લીધી હતી. તેણે પોતાના પુત્ર અને પત્ની પરથી આખરીવાર નજર હટાવી અને પહેરેલા કપડે મહેલના મુખ્ય દ્વાર તરફ ચાલવા લાગ્યો. તેની ચાલમાં એટલી મક્કમતા અને આંખોમાં એટલું વૈરાગ્ય હતું કે માર્ગમાં આવતા કોઈ સૈનિકો તેને રોકી ન શક્યા. ઉપરથી તેઓ તેના માટે દ્વાર ઉગાડતા ગયા. સિદ્ધાર્થના દરેક ડગલા સાથે રાજા શુધ્ધોદનની ઓગણત્રીસ વર્ષની મહેનત હારી રહી હતી અને નિયતિ જીતી રહી હતી. શુદ્ધોદનના પ્રયાસોએ સિદ્ધાર્થને સત્યથી એટલો દૂર કરી દીધો હતો કે જીવનનું સામાન્ય સત્ય સામે આવતા પણ તે તેની પ્રિય પત્ની અને તાજા જન્મેલા પુત્રને મળવા નહોતો રહ્યો. ઈશ્વર જાણે માનવજાતિને એ સમજાવી રહ્યા હતા કે નિયતિને કોઈ ટાળી શકતું નથી. જે તેને બદલવાની કોશિશ કરે છે તે પોતે જ તેના ઘટવાનું કારણ બની જાય છે. આખરે જયારે સિદ્ધાર્થ મહેલના મુખ્ય દ્વારે આવ્યો ત્યારે ત્યાંના મુખ્ય દ્વારપાલે તેને રોકવાની કોશિશમાં નીચી નજરે ખાલી આટલું કહ્યું, ‘સ્વામી. આપને જવા દીધા તો સમ્રાટ મને ફાંસી આપી દેશે.’

            સિદ્ધાર્થે પ્રેમભરી નજરે તેની સામે જોયું અને બોલ્યો, ‘શું મને રોકી દઈને ખાતરી આપી શકે છે કે મૃત્યુ નહિ જ આવે..? જો આપી શકતો હોય તો તારામાં ખરેખર હિમ્મત છે મને રોકી દેવાની.’ દ્વારપાલ ભક્તિભરી નજરે સિદ્ધાર્થ સામે જોઈ રહ્યો. સિદ્ધાર્થે આગળ કહ્યું, ‘દ્વાર ખોલ દ્વારપાલ. હું આપણા બધા માટે જઈ રહ્યો છું. જે દિવસે સત્ય શોધીને આવીશ તારા અને તારા સંતાનો માટે મૃત્યુથી જ નહિ આ સમ્રાટોથી પણ મુક્તિ લઈને આવીશ.’

સિદ્ધાર્થના શબ્દો સાંભળીને દ્વારપાલના આંખોમાં પાણી ભરાઈ આવ્યું અને તેણે મુખ્ય દ્વાર ખોલી દીધું.

 

સત્યનો સાક્ષાત્કાર:

 

રાજકુમારના કપડામાં જ જંગલ તરફ જતા સિદ્ધાર્થને રસ્તામાં પહેલો જ એક ભિખારી મળ્યો. તેણે સિદ્ધાર્થના રાજવી કપડાં જોઈ તેના પાસે ભીખ માંગવા લાગી. સિદ્ધાર્થે તેને પોતાના કપડાં આપી દીધા અને બદલામાં તેના ફાટેલા ગંદા કપડાં પહેરી લીધા. એવામાં તેની નજર કેટલાક સન્યાસીઓ પર પડી જે શરીરનિગ્રહના માર્ગે તપ કરી રહ્યા હતા. સિદ્ધાર્થ તેમની સાથે જોડાઈ ગયો અને સામે ચાલીને શરીરને દુઃખ કે પીડા આપવાના માર્ગે સાધના કરવા લાગ્યો. તેણે ખાવા પીવાનું છોડી દીધું, એક પગે ઉભા રહીને ધ્યાન કરવા માંડ્યું, જાણી જોઈને કાંટા અને અંગારા હોય ત્યાં ચાલવાનું શરુ કર્યું. સત્ય જાણવા શરીરને કોઈપણ ભોગે પીડા આપવાનું તેનું ઝનૂન એટલું પ્રભાવક હતું કે બીજા ઘરડા સન્યાસીઓ તેને આ કામમાં ગુરુ તરીકે જોવા લાગ્યા. પણ આ રીતે વર્ષો વીતતાં સિદ્ધાર્થનું શરીર સાવ સુકાઈ ગયું અને તાવમાં તપવા લાગ્યું. હવે તેને લાગ્યું કે તે મૃત્યુ પામશે, પણ હજી તેને સત્ય મળ્યું નહોતું. તે મનથી અતિશય દુઃખી હતો અને શરીરથી બીમાર. નિરાશાનો એ અંધકાર તેના અંદર સતત વધી રહ્યો હતો કે તેણે જે કાર્ય માટે ત્યાગ કર્યા તે તેને મળ્યું નહિ અને તે હવે મરી રહ્યો છે. તેનું જીવનકાર્ય અધૂરું રહી ગયું, તેનો જન્મ અધૂરો રહી ગયો.

            પણ આજસુધી કોઈ વિષ્ણુનો જન્મ અધૂરો રહ્યો નહતો. સિદ્ધાર્થ માટે પણ એક ઓચિંતી મદદ આવી પહોંચી. એક રાતે સુજાતા નામની એક ધનાઢ્ય સ્ત્રી પોતાની સેવિકાઓ સાથે જંગલમાંથી પસાર થઇ રહી હતી. એવામાં તેની નજર સન્યાસી સિદ્ધાર્થ પર પડી જે એક ઝાડ નીચે અર્ધ મરેલી અવસ્થામાં પડેલો હતો. સુજાતા તેની પાસે દોડતી આવી અને તેના પર પાણી છાંટી તેને ખીર ખવડાવી. સિદ્ધાર્થમાં ખીર ખાઈને એક નવી ચેતના આવી. તેને લાગ્યું જાણે તે મૃત્યુના મુખમાંથી પાછો ફર્યો છે. તેણે સુજાતા સામે હાથ જોડીને કહ્યું, ‘માતા, તમે મને જીવનદાન આપ્યું છે. અને એક નવી સમજ. જો હું સત્ય શોધી શક્યો તો માનવજાતિ હંમેશા તમારી આભારી રહેશે.’

            તે દિવસથી સિદ્ધાર્થ જરૂર પૂરતું ફળફળાદી અને ભિક્ષા માંગીને ખાવા લાગ્યો. તેના અન્ય સન્યાસી સાથીઓને જયારે આ ખબર પડી તો તેમણે સિદ્ધાર્થને માર્ગમાંથી ભટકેલો એક કાયર માણસ ઘોષિત કરી તેનો બહિષ્કાર કરી દીધો. સિદ્ધાર્થ હસતા મુખે તેમને નમસ્કાર કરી આગળ ચાલતો થયો. આખરે એકદિવસ ચાલતો ચાલતો છ વર્ષના નિષ્ફળ સન્યાસી જીવનથી થાકીને તે એક વડના વૃક્ષ નીચે બેઠો. અહીં તેને પરમ શાંતિની અનુભૂતિ થવા લાગી. તેણે પલાંટી વાળીને આંખો બંધ કરી દીધી. આંખો બંધ કરતા જ તે એવા ધ્યાનમાં જતો રહ્યો જેણે તેના મનમાં પડેલા માયાના દરેક પડદાને ખોલી દીધો. સન્યાસી જીવનની તપસ્યાથી તેના અહમના બધા પડ નષ્ટ પામ્યા હતા. હવે તેને પોતાની એક જ ઓળખ દેખાતી હતી. એક શાંતિમય દિવ્ય પ્રકાશ, જે સમગ્ર બ્રહ્માંડમાં એકસમાન ફેલાયેલો હતો. એ પ્રકાશના આસપાસ વિવિધ આવરણો લગાવીને જ બ્રહ્માંડની બધી સજીવ-નિર્જીવ વસ્તુઓ બની હતી. તેને પોતાના અંદર રહેલી એ ઊર્જાએ પહેલા કયા કયા શરીર લીધા છે તે પણ દેખાયું. આ રીતે તેને પોતાના પાછલા ૫૦૦ જન્મ જ્ઞાત થયા.

            દિવસો પર દિવસો વીત્યા પણ સિદ્ધાર્થ ધ્યાનમાંથી બહાર ન આવ્યો. ત્યાંથી આવતા જતા વટેમાર્ગુમાંથી કેટલાક લોકોએ તેને ભિન્ન ભિન્ન પ્રકારે હેરાન કરીને ઉઠાડવાની કોશિશ કરી. કોઈએ તેને કાંટા ભોંક્યા તો કોઈએ તેના પર ધૂળ, પાંદડા અને પાણી વરસાવ્યા. કોઈએ તેને થપાટો મારી તો કોઈ રૂપસુંદરીઓએ વાસનાથી તેના શરીરને સહેલાવ્યું. પણ સિદ્ધાર્થ પર તેની કોઈ અસર થઇ નહિ. તે અંદરથી સમગ્ર સૃષ્ટિ સાથે એક થઇ ચુક્યો હતો. બાહ્ય ભિન્નતા તેના માટે બેઅસર બની ચુકી હતી. તેની એકત્વની અનુભૂતિ એટલી ગજબ હતી કે તે તેના આત્માથી એ વડના વૃક્ષમાં ફેલાઈ અને તે વૃક્ષથી જંગલના દરેક વૃક્ષમાં. વૃક્ષોમાંથી તે એકત્વની અનુભૂતિ પ્રાણીઓમાં અનુભવાઈ. પરિણામે જંગલના વિવિધ પ્રાણીઓ તે સ્થાન પર એકઠા થવા લાગ્યા. વરસાદ આવ્યો તો એક સાપ આવી સિદ્ધાર્થના માથા પર ફેણ ફેલાવી ઉભો રહી ગયો. જયારે વરસાદ પૂરો થયો ત્યારે આખરે સાત દિવસ બાદ સિદ્ધાર્થની આંખો ખુલી. તેના સામે હાથી, સિંહ, વાઘ, ચિત્તા, હરણ અને રીંછ જેવા પ્રાણીઓ જે અસલમાં એકબીજાનું ભોજન હતા તે સિદ્ધાર્થ સામે જોઈને શાંત ચિત્તે બેઠા હતા. તેના મસ્તક પર હજી સાપ ઉભેલો હતો. આંખો ખોલતા જ સિદ્ધાર્થે તે બધા સામે જોઈ શાંત ચિત્તે કહ્યું, ‘આપણું આ ભિન્ન અસ્તિત્વ એક સંપૂર્ણ ભ્રમ છે અને આપણી એકતા જ સંપૂર્ણ સત્ય.’

            સિદ્ધાર્થ ઉભો થયો અને તેના એ સન્યાસી સાથીઓ તરફ જવાનું શરુ કર્યું જેમણે તેનો બહિષ્કાર કર્યો હતો. અમુક દિવસ પછી તે એ વૃદ્ધ સન્યાસીઓ સામે આવીને ઉભો રહ્યો. તેના ચહેરા પર એક ગજબનો પ્રકાશ અને ચીર શાંતિ હતી. જયારે તેના પાછળ જંગલના અનેક હિંસક પ્રાણીઓ શાંત ચિત્તે ઉભા હતા. આ વિરલ દ્રશ્ય જોઈને તે પાંચેય સન્યાસીઓ સમજી ગયા કે તેમનો સાથી બુધ્ધત્વને પ્રાપ્ત થઇ ચુક્યો છે. તે બધા હાથ જોડી સાષ્ટાંગ પ્રણામ કરવા સિદ્ધાર્થ સામે ઝૂકી ગયા અને ‘બુદ્ધ.. બુદ્ધ..’ ની બૂમો પાડવા લાગ્યા. આ રીતે રાજકુમાર સિદ્ધાર્થ હવે ‘તથાગત બુદ્ધ’ બન્યા.

            એ પાંચ સન્યાસીઓ બુદ્ધના પહેલા શિષ્યો બન્યા જેમને બુદ્ધે આ સંદેશ આપ્યો, ‘સત્ય ના અતિ દુઃખમાં છે, ના અતિ ભોગમાં. સત્ય આ આઠ અંગોવાળા મધ્યમાર્ગમાં છે. સમ્યક દ્રષ્ટિ, સમ્યક ઉકેલ, સમ્યક વાણી, સમ્યક વ્યવહાર, સમ્યક જીવન, સમ્યક પ્રયત્ન, સમ્યક વિચાર અને સમ્યક સમાધિ.’

શિષ્યોએ કહ્યું, ‘આ સમ્યક્તા શું છે પ્રભુ..?’

બુદ્ધે કહ્યું, ‘પ્રેમ અને કરુણા સમ્યક્તા છે. કોઈને ન તિરસ્કારથી જુઓ, ના તેને મોહ કે વાસનાથી જુઓ. તેને પ્રેમથી જુઓ. કોઈ વિચાર, વ્યવહાર કે જીવન ન તિરસ્કારથી ભરેલું હોવું જોઈએ, ન મોહ અને વાસનાથી ભરેલું હોવું જોઈએ. તે ફક્ત પ્રેમ અને કરુણાથી ભરેલું હોવું જોઈએ. આ સમગ્ર સંસાર એક જ તત્વનું સ્પંદન છે. અને તે તત્વ પ્રેમથી જોડાયેલું છે. પ્રેમ જ સત્ય છે.’

            આ સંદેશ સાથે બુદ્ધે આખા ભારતવર્ષમાં ભ્રમણ શરુ કર્યું. બુદ્ધ જ્યાં પણ ગયા તેમના શિષ્યોની સંખ્યા વધતી ગઈ. ઈશ્વરના અવતારો સામે ક્ષણિક સાંસારિક સુખો માટે ક્રિયાકાંડો કરતા માનવોને તેમણે પોતાના અંદર બેઠેલા ઈશ્વરને જગાડવાનો માર્ગ શીખવ્યો. આ રીતે વેદો અને ઉપનિષદોના જ્ઞાનને ફક્ત ચોપડાઓ અને બ્રાહ્મણોના તર્કોમાંથી હટાવી આત્મસાક્ષાત્કારો દ્વારા માનવના અનુભવમાં સ્થાપ્યું. ભારતની ભૂમિ પર થયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ક્રાંતિ હતી. મોટા મોટા રાજાઓ અને રાજકુમારો મહેલો ત્યાગી બુદ્ધે સ્થાપેલા સંઘમાં રહેવા લાગ્યા. જયારે રાજા શુધ્ધોદને બુદ્ધની આ અસરો વિષે જાણ્યું ત્યારે તેમણે બુદ્ધને તેમના રાજમહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું. આ રીતે ઘર ત્યાગ્યાના નવ વર્ષ બાદ બુદ્ધ બનેલો સિદ્ધાર્થ પોતાના શિષ્યોના સંઘ સાથે ઘરે પાછો ફર્યો. બુદ્ધ આવ્યા તો રાજા શુધ્ધોદને ઈશ્વર સમાન બની ચૂકેલા પુત્રના ચરણસ્પર્શ કર્યા અને કહ્યું, ‘હવે તો સિંહાસન સંભાળી લે સિદ્ધાર્થ.’

બુદ્ધે કહ્યું, ‘હવે સત્ય જ મારુ સિંહાસન છે પિતાહ અને જ્યાં સુધી માનવજાતિ છે ત્યાં સુધી મારુ શાષન.’

જયારે યશોધરાને બુદ્ધના આવવાના સમાચાર મળ્યા ત્યારે તેણે પુત્ર રાહુલને કહ્યું, ‘તું પૂછતો રહે છે ને કે તારો વારસો શું છે..? જા, તારા પિતાને પૂછી આવ.’

‘તમે નહિ આવો માતા..?’ નવ વર્ષના રાહુલે પૂછ્યું.

‘નહિ. એમણે મને ત્યાગી છે. હવે તેમના જીવનમાં મારુ મહત્વ હશે તો તે સામેથી મને મળવા આવશે.’

રાહુલ મહેલમાં બુદ્ધને મળવા આવ્યો અને પહેલીવાર જોયેલા પિતા સામે ભાવુકતાથી જોતો રહ્યો. તેણે બુદ્ધ પાસે આવીને કહ્યું, ‘પિતાહ, દાદાજી મને એક સમ્રાટ બનવાનું પ્રશિક્ષણ આપે છે અને આપ એક સન્યાસી છો. આપ મને કહો મારે કયો વારસો પસંદ કરવો.’

‘એ નિર્ણય તારે કરવાનો છે રાહુલ. એક તરફ સમ્રાટના ભોગવિલાસ છે અને હિંસાના ભોગે મેળવેલી સત્તાઓ છે. આ બધું ક્ષણિક છે. અમુક જ વર્ષોમાં સમય પલટાઈ જશે, તું કુરૂપ અને અશક્ત વૃદ્ધ બની જઈશ અને મૃત્યુ સામે આવતા જ ડઘાઈ ગયેલી આંખે લુપ્ત થઇ જઈશ. બીજી તરફ મારો માર્ગ છે જ્યાં ભોગ નહિ હોય પણ ક્યારેય ન ખતમ થવાવાળી શાંતિ અને પ્રેમનો આનંદ હશે. અહીં મૃત્યુ અંત નહિ હોય. તે એક પડાવ હશે અને તું એજ આનંદ સાથે આ શરીર છોડી નવું શરીર ધારણ કરીને આગળ ચાલ્યો જઈશ.’

રાહુલે દાદા શુધ્ધોદન સામે જોયું અને પછી પિતા બુદ્ધના ચરણોમાં બેસીને કહ્યું, ‘મને આપના માર્ગે લઇ જાઓ પિતાહ.’

શુધ્ધોદન ગુસ્સા સાથે બોલ્યા, ‘મારા સામ્રાજ્ય અને વંશનું શું સિદ્ધાર્થ..?’

‘આવા અસંખ્ય સામ્રાજ્યો અને વંશો આ પૃથ્વી પર પાણીના પરપોટાની જેમ ઉભા થયા અને નષ્ટ થઇ ગયા, પિતાહ. મોટાભાગના નામ પણ ભુલાઈ ગયા, જાણે તે ક્યારેય આવ્યા જ નહોતા. પણ તમારું, તમારા સામ્રાજ્યનું અને તમારા વંશનું નામ હંમેશા યાદ રખાશે. મારા કારણે. હવે સત્યની શરણમાં આવી જાઓ પિતાહ.’

બુદ્ધના શબ્દો સાંભળી શુધ્ધોદનનું અભિમાન ઓગળી ગયું અને તેમનો ચહેરો એક બાળક જેવો થઇ ગયો. બુદ્ધ રાહુલ તરફ ફર્યા અને કહ્યું, ‘માતા ક્યાં છે રાહુલ..?’

રાહુલે યશોધરાએ તેને કહેલા શબ્દો બુદ્ધને કહી સંભળાવ્યા. બુદ્ધે એક ઊંડો શ્વાસ લીધો અને યશોધરાના કક્ષ તરફ ચાલવા લાગ્યા.

            નવ વર્ષ બાદ પતિને બુદ્ધ સ્વરૂપે જોતા જ ભાગવા રંગની સન્યાસિનીઓ પહેરે તેવી સાડીમાં ઉભેલી યશોધરાની આંખો ભરાઈ આવી. તેણે બુદ્ધના ચરણસ્પર્શ કર્યા અને તેમના સામે હાથ જોડીને ઉભી રહી ગઈ. તેણે બુદ્ધની આંખોમાં જોયું. તેમાં તેણી માટે ફક્ત પ્રેમ હતો. ના કોઈ મોહ, ના કોઈ તિરસ્કાર. બસ અપાર પ્રેમ. બુદ્ધે કહ્યું, ‘તું છેલ્લા ત્રણ જન્મથી મારી પત્ની છે યશોધરા. અને તેં દરેક વખતે સત્યની શોધમાં મારી મદદ કરી છે. તને ફરી મળ્યા વિના મારી મુક્તિ શક્ય નહોતી. મારો મોક્ષ તારી સાથે છે અને તારો મોક્ષ મારી સાથે. આ મહત્વ છે તારું મારા જીવનમાં.’

આ સાંભળતા જ યશોધરામાં ધન્યતા અને બુદ્ધ પ્રત્યેની એકાત્મતાનો ભાવ ઉપસી આવ્યો. બુદ્ધે આગળ કહ્યું, ‘રાહુલ મારી સાથે આવી રહ્યો છે. શું તું આવીશ..?’

‘શું પિતાહ આવી રહયા છે..?’ યશોધરાએ પૂછ્યું.

‘નહીં.’

‘તો હું અને માતા તેમની પાસે રહીશું. અને હું મહેલમાં રહીને સન્યાસી જીવન જીવીશ. જેમ પાછલા નવ વર્ષમાં જીવવાની કોશિશ કરી છે.’

‘હું જાણું છું.’ બુદ્ધે પ્રેમ અને એકત્વના ભાવ સાથે કહ્યું.

            આ સાથે બુદ્ધ રાહુલને પોતાના સાથે સંઘમાં લઇ ગયા અને યશોધરા બુદ્ધની પાલક-માતા તથા માસી પજાપતી સાથે શુધ્ધોદનની સેવામાં રહી. કેટલાક વર્ષ પછી શુધ્ધોદનનું અવસાન થયું અને તે સાથે જ યશોધરા તથા પજાપતી સન્યાસ લઈને બુદ્ધના સંધમાં શામેલ થઇ ગયા. આ રીતે યશોધરા અને પજાપતી બુદ્ધની પહેલી સ્ત્રી શિષ્ય બની જેને સંઘમાં ‘ભિખ્ખુની’ કહેવામાં આવી. બુદ્ધના શરણમાં આવીને આગળ જતા યશોધરાને પણ આત્મસાક્ષાત્કાર થયો અને તે પણ આત્મજ્ઞાની બુદ્ધ બની. આ રીતે યશોધરાના નેતૃત્વ હેઠળ સંઘમાં ૫૦૦ ભિખ્ખુણીઓથી બનેલી એક આખી ‘ભિખ્ખુની’ શાખા અસ્તિત્વમાં આવી. આખરે ૭૮ વર્ષે યશોધરાએ દેહ છોડી દીધો અને તેનો આત્મા બુદ્ધના આત્મામાં ભળી ગયો. તેના બે વર્ષ પછી સતત બીમાર રહેતા બુદ્ધે પણ પોતાનો દેહ છોડી દીધો અને દેહ છોડતા પહેલા કહ્યું, ‘આ મારો મહાનિર્વાણ (મોક્ષ) છે. મારો હવે કોઈ જન્મ નહિ થાય. હવે આ બ્રહ્માંડ સર્જન અને વિનાશના ચાહે ગમે તેટલા ચક્કર લગાવે પણ તેમાં હું નહિ હોય. ‘

July 06 / 2018 /On Facebook & Pratilipi.com Gujarati

પૃથુ

“ધર્મ અનુકરણમાં નથી, ચેતનામાં છે.”

ઉત્તરપ્રદેશનું દેવનગરી રજવાડું. 1947 માં દેવનગરીના રાજા મહેન્દ્રસિંહે જ્યારે ભારતમાં વિલીનીકરણ માટે સરદાર પટેલ સામે સહી કરી ત્યારે કહેલું, ‘આ ફક્ત ભારતીય તરીકેની ઓળખ જાળવી રાખવા માટે છે. એનાથી દેવનગરીની પ્રજા પ્રત્યે મારી ફરજ પુરી થઈ જતી નથી. જ્યારે જ્યારે સરકાર આ રાજ્યની પ્રજાને ન્યાય અને સુખ સમૃદ્ધિ આપવામાં ચુકી, આ મહેલના પ્રતિનિધિઓ એ જવાબદારી ઉપાડી લેશે અને સરકારને જવાબ આપવા મજબુર કરશે.’ ત્યારથી આજે સિત્તેર વર્ષ વીતી ગયા. હવે જ્યારે રાજા મહેન્દ્રસિંહના પુત્ર ભગીરથ રાજા તરીકે છે અને તેમના બે દીકરા પરામર અને પૃથુમાંથી કોઈ એકને ભાવિ રાજા નક્કી કરવા મથી રહ્યા છે ત્યારે પણ મહેન્દ્રસિંહે સરદાર પટેલને આપેલી ચેતવણી આ મહેલની દીવાલોમાં વારસા તરીકે કેદ થયેલી છે. રાજા ભગીરથ અત્યારે 65 વર્ષના થઈ ચૂક્યા છે. તેમનો મોટો પુત્ર પરામર 35 નો અને નાનો પૃથુ 30 વર્ષનો થઈ ચૂક્યો છે, બંને પરણિત છે અને સંતાનોના પિતા છે. પણ ભગીરથ હજી ગાદી તેમના મોટા પુત્રને સોંપી શક્યા નથી. કારણ કે સદીઓથી તેમના વંશમાં મોટા પુત્રને ગાદી સોંપવાનો નિયમ છે અને ભગીરથની પસંદ નાનો પુત્ર પૃથુ છે.
            એક રીતે આખા દેવનગરીની પ્રજાની હાલત રાજા ભગીરથ જેવી જ છે. પ્રજા પરામરથી ખુશ છે પણ પૃથુને ચાહે છે. તે પરામરને સાંભળે,જુએ છે પણ પૃથુને પૂજે છે. પ્રજા પાસે અને ખુદ રાજા ભગીરથ પાસે પરામરને મોટો પુત્ર હોવા છતાં ગાદી ન આપવાનું કોઈ દેખીતું કારણ મળતું નથી. છતાંય દરેક જાણે છે કે તે ફક્ત શાસ્ત્રોનું અને પુરાણોના નાયકોનું બેઠું અનુકરણ કરવાવાળો એક પોપટ છે. એની પોતાની કોઈ કોઠાસૂઝ નથી. તે રામની જેમ મર્યાદાપુરુષોત્તમ દેખાવાનો પ્રયાસ કરે છે, દરેકને વારેવારે દરેક સ્થાને પગે પડે છે, શ્રવણની જેમ માતાને ઠેરઠેર યાત્રા કરાવવા લઈ જાય છે, મહેલમાં વિવિધ યજ્ઞો અને પૂજાઓ કરાવે છે, રાજપરિવારના સાગા સંબંધી રહેલા બીજા રાજ પરિવારો સાથે મીઠી મીઠી વાતો કરીને અને વાર તહેવારે તેમના પ્રસંગોમાં હાજરી આપીને સબંધો સાચવી રાખે છે, અને ઉત્સવોમાં પ્રજાને ખુશ રાખવા દાન કરે છે. એનો કોઈ દોષ નીકળે એમ નથી પણ છતાંય પ્રજાથી લઈને તેના પિતા સુધીના બુદ્ધિશાળી લોકોને તેનો વ્યવહાર એટલો જ બેઅસર લાગે છે જેટલું એક સુંદર સ્ત્રીનું મૃત શરીર.

            બીજી બાજુ પૃથુ એક આત્મજ્ઞાની વિચારક છે. દરેક કાર્ય તે એ માટે જ કરે છે જે માટે તે થવું જોઈએ. તેના કોઈ કર્મમાં બિનજરૂરી દેખાવ નથી કે બિનજરૂરી મીઠાશ પણ નથી. તેના દરેક કર્મમાં સત્ય છે. તે પણ વડીલોને પ્રેમ અને શ્રદ્ધાથી પગે પડે છે, અને જ્યાં પડવા જેવું ન લાગે ત્યાં નથી પણ પડતો. જ્યારે કૌટુંબિક મેળાવડામાં પરામર પહેલા બધા વડીલોને પગે પડવા દૌડી જાય અને તેના એ કાર્યમાં પ્રેમ અને સમ્માન કરતા ‘હું કેવો સારો અને સભ્ય છું’ એનો દંભ વધુ દેખાય ત્યારે પૃથુ એ તમામ વડીલોને પગે પડવાનું રહેવા દઈ બસ બધાને પ્રેમથી સ્મિત આપી હાથ જોડી પ્રણામ કરી લે છે. કોઈ પૂછે કે ‘પૃથુ આજે કેમ પગે ના પડ્યો..?’ તો ચોખ્ખું બોલી દે છે ‘આજે પરામર તમને એ રીતે પગે પડ્યો છે કે હવે જો હું પડીશ તો હું ફક્ત એનું અનુકરણ કરતો હોઉં એવું દેખાશે. અને અનુકરણ તો હું ભગવાન રામ અને કૃષ્ણનું પણ નથી કરતો. હું બસ પ્રેરણા લઉં છું, જ્યાંથી લેવા જેવી લાગે.’ આ રીતે તે પરામરને સાચા ધર્મનો પાઠ પણ ભણાવતો રહેતો પણ પરામરને હંમેશા લાગતું કે પૃથુ તેને પહોંચી નથી શકતો એટલે ઇર્ષામાં આવું બોલે છે. પૃથુ યજ્ઞો અને પૂજાઓમાં ભાગ્યે જ હાજર રહેતો પણ દિવસનો ચોક્કસ સમય પોતે બનાવેલા ધ્યાન મહલમાં ધ્યાન કરવામાં અચૂક કાઢતો. તે સગા સંબંધીઓને મળવા જવામાં ઉદાસીન રહેતો પણ એ દરેક સબંધીના સ્વાસ્થ્ય અને સામાજિક હાલત પર તેની નજર રહેતી. એમાંથી કોઈને પણ તકલીફ હોય તો એ વિના બોલાયે ત્યાં પહોંચી જતો અને જરૂરી મદદ કરતો. તે માતાને ચારધામની યાત્રા કરવા ન લઈ જતો પણ શાંતિથી તેમની પાસે બેસીને કહેતો, ‘યાત્રાઓ જો ખાલી ઇન્દ્રિયને સુખ અને આનંદ આપવા માટે કરાય તો તે મોક્ષ નથી આપતી, ઉપરથી અહંકાર વધારે છે. મોક્ષ મળે છે વૈરાગ્યથી અને નીસ્વાર્થ ભક્તિથી, જે એક નાની ઓરડીમાં બેસીને પણ કરી શકાય છે.’ તે પ્રજાને કોઈ દાન ન આપતો પણ ગરીબ અને કમજોર લોકોના મોહલ્લાઓમાં જઈને તેમને હિંમતવાન બનીને કર્મ કરવાના અને પોતાની લડાઈ પોતે લડવાની પ્રેરણા આપતો. તે કહેતો, ‘શક્તિશાળી પ્રજા જ રાજ્ય અને રાજાને શક્તિશાળી બનાવે છે. પોતે શક્તિશાળી બનીને રાજાને શક્તિશાળી બનાવવો એ પ્રજાની ફરજ છે અને પ્રજાની શક્તિની રક્ષા કરવી તથા તેનો દુરુપયોગ ન થવા દેવો એ રાજાની ફરજ છે.’ પૃથુ ના ખાલી તેની પ્રજામાં પરંતુ દેશના મોટા બુદ્ધિજીવીઓ, તત્વચિંતકો અને રાજકારણીઓ વચ્ચે પણ સમ્માનીય સ્થાન ધરાવતો.
            આ દ્વંદ્વ વચ્ચે એકવાર રાજા ભગીરથ પૃથુને મળવા તેના ધ્યાન મહેલમાં આવ્યા. પૃથુ મહેલના ઉપરના માળે બનેલી બગીચાવાળી બાલ્કનીમાં ઉભો ઉભો સૂર્યાસ્ત જોઈ રહ્યો હતો. એવામાં પિતા ભગીરથ તેની પાસે આવ્યા.
‘શું આપણા ભાગ્યમાં સૂર્ય અસ્ત થતો જ જોવાનું લખ્યું છે..?’ પિતાએ પાછળથી આવીને તેની પાસે ઉભા રહેતાં કહ્યું.

            પૃથુએ વિચારશીલ ભાવે અને ઉદવિઘ્ન મને આવેલા પિતા પર એક નજર નાખી. તેણે આ સમયે પરામરની જેમ તેમના પગે પડવાની ઔપચારિકતા બજાવવાની જરૂર ન સમજી. તે જાણતો હતો કે પિતાને સાચી જરૂર કેટલાક તત્વજ્ઞાની વિચારોની છે. તેણે ફરી સૂર્યાસ્ત સામે જોતાં કહ્યું, ‘આપણા હાથમાં આપણું કર્મ જ હોય છે પિતાજી. પ્રકૃતિને એના મેળે ચાલવા દેવી જોઈએ. આ દુનિયામાં બે પ્રકારના માણસો જ દુઃખી થાય છે. એક એ જે પોતાને ભાગે આવેલું સત્ય માટેનું કર્મ કરી નથી શકતા અને બીજા એ જે કર્મ કર્યા પછી તેના ઇચ્છનીય પરિણામની રાહ જોઇને બેસે છે. જો તમે દુઃખી છો તો તમે આ બંનેમાંથી કોઈ એક ભૂલ કરી રહયા છો.’

‘હું સ્વાર્થમાં છું. અને મારો સ્વાર્થ એ છે કે મારા પછી આ મહાન સિંહાસન પર તારા જેવો માણસ બેસવો જોઈએ, ના કે એક કોપી-પેસ્ટ જીવન જીવવાવાળો અલ્પવિકસીત માણસ.’ પિતાએ કહ્યું.

‘નિયમો એના પક્ષમાં છે. માતા પણ. ત્યારે તમે મારાથી શું ચાહો છો..?’ પૃથુએ કહ્યું.
‘એજ કે તું દાવેદારી પેશ કરી દે. હું પ્રજામાં જનમત સંગ્રહ કરાવી દઈશ.’ પિતાએ કહ્યું.
‘એ એના દરેક સારા કાર્યો પોતાના અહમને પોષણ આપવા માટે કરે છે કે તે સારો છે, શ્રેષ્ઠ છે. જો પ્રજાનો મત એનાથી વિપરીત આવ્યો તો એનો અહમ ઘવાશે. એ એટલો જ સારો બની રહીને આજીવન મારો દુશ્મન બની જશે. રાજ્ય એકબાજુ રહી જશે અને હું એને સંભાળવામાં થાકી જઈશ. ઘરના અનેક સબંધો તૂટશે. ઘર, રાજય અને આપણા સગા સંબંધી રાજ પરિવારો બે ભાગમાં વહેંચાઈ જશે.’ પૃથુએ પોતાનું દુરંદેશીપણું પ્રસ્તુત કર્યું.
‘તો તુજ બોલ શુ કરવું..?’ ભગીરથે બેચેનીપૂર્વક કહ્યું.

‘ઈશ્વરની ઈચ્છા પર છોડી દો. પોતાના ભાગે આવતું કર્મ કરતા જાઓ અને સમય જવા દો. પરામરને ગાદી જોઈએ છે તેને આપી દો. મારે સન્યાસ જોઈએ છે, મને એ આપો. હું ઉત્તરમાં હિમાલય બાજુ એક આશ્રમ ખોલવા માંગુ છું. મને આશ્રમની જગ્યાની શોધમાં જવા દો.’ પૃથુએ પિતાની આંખોમાં જોઈને કહ્યું.

            પિતા મૌન રહ્યા પણ પૃથુના વૈરાગી વિચારોએ તેમને પણ શાંતિ આપી દીધી હતી. બીજા જ સપ્તાહે પૃથુ હિમાલયની પર્વતમાળામાં આશ્રમની જગ્યા શોધવા નીકળી પડ્યો. પર્વતો વચ્ચે આવેલા એક નાના મેદાનમાં તે પ્રવેશ્યો અને તે સ્થાન જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો. તેણે ત્યાં પડેલા એક પથ્થર પર પગ મૂકીને પર્વતો વચ્ચેથી દેખાતા સૂર્ય સામે જોયું અને તરત એ એકાંતમાં તેના અંદર એક અવાજ સંભળાયો, ‘તે છેલ્લામાં છેલ્લી પરીક્ષાઓ પાસ કરી દીધી છે પૃથુ. હવે પાછો જઈને આ પૃથ્વીની જવાબદારી સંભાળી લે. યુગો પહેલા પણ એક પૃથુ આવ્યો હતો જેણે આ ધરતીને મનુષ્યોના સ્વાર્થ અને લોભથી બચાવી હતી. પોતાને એની જ પુત્રી માની ધરતીએ પોતાનું નામ પૃથ્વી રાખ્યું. તું એ જ પૃથુનો અવતાર છે. પાછો જા. રાજ્ય સંભાળી લે.’

‘રાજ્ય મારા મોટાભાઇ પરામરનું છે.’ પૃથુએ જવાબ આપ્યો.

‘એનું તો આયુષ્ય જ હવે બે દિવસનું છે. તું એને જેટલો સમજાવી શકતો હતો સમજાવી દીધો. એ પોતે પણ જાણે છે કે સત્ય શું છે, પણ તેના આડંબર નીચે છુપાવે છે. એણે સત્યના પ્રવાહને પોતાના સ્વાર્થ અને અહંકાર માટે રોક્યો છે. હવે સત્યને એનો દાવ ખેલવાનો છે. મહાન કાર્યો એવા અહંકારી બાળકો માટે નથી હોતા. એ ત્યાગી યોદ્ધાઓ માટે હોય છે.’ અંદરથી જવાબ આવ્યો.

પૃથુએ થોડા ડર અને નિરાશા સાથે કહ્યું, ‘શું એને બચાવવાનો કોઈ માર્ગ નથી..?’
‘નહીં, હવે જેમ એને બચાવવા તું કંઇ કહીશ એમ તેનો અહમ વધુ ઘવાશે. એ મરતાં મરતાં પણ પોતાની જીત માટે જ પ્રયાસ કરશે, સત્યની સ્થાપના માટે નહીં.’ અંદરથી જવાબ આવ્યો.
‘પણ બે અઠવાડિયા પછી મારી માતાનો જન્મોત્સવ છે. એણે જ આયોજન કર્યું છે. એના પહેલા જો એ મરી ગયો તો માતા સહન નહીં કરી શકે. અને હું પણ ચાહું છું કે પરામર એ જોઈને જાય. ફક્ત બે અઠવાડિયા એના મૃત્યુને પાછું ધકેલી દો.’
‘એના માટે તારે પોતાના જીવનમાંથી બે અઠવાડિયાનું આયુષ્ય એને આપવું પડશે.’
‘હું તૈયાર છું.’ પૃથુએ કહ્યું.

            પૃથુ બીજા દિવસે ઘરે પાછો ફર્યો. પણ તેણે કોઈને આ વિશે વાત ન કરી. તેણે પરામરની સામે આવવાનું પણ ટાળ્યું. તે જાણતો હતો કે પરામર તેના અહંકાર અને સાંસારિક શો ઓફમાં કંઈક એવું કરી બેસશે કે પૃથુને કંઈક બોલવું પડશે. અને તે હવે તેને કંઈ વાદવિવાદ વગર જવા દેવા માંગતો હતો. આખરે માતાનો જન્મોત્સવ ઉજવાઈ ગયો અને એના ત્રીજા દિવસે પરામરને હાર્ટ એટેકનો સ્ટ્રોક આવ્યો. હોસ્પિટલ લઇ જતાં પહેલાં જ તે મૃત્યુ પામ્યો. રાજ પરિવાર અને પ્રજામાં દુઃખ થયું પણ એ દુઃખ પણ એટલું જ સુપરફીશિયલ હતું જેટલો સુપરફિશિયલ પરામરનો વ્યવહાર હતો. અંદરથી દરેક જણ ખુશ હતું કે હવે પૃથુ રાજગાદી પર બેસશે. બે મહિના પછી પૃથુનો રાજ્યાભિષેક થયો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક મોટા લોકો ઉપસ્થિત રહયા. પૃથુએ રાજ્યનો વહીવટ સંભાળી લીધો. પૃથુના રાજ્ય વહીવટના અને શિક્ષણ વ્યવસ્થા વિશેના વિચારો એટલા સફળ નીવડ્યા કે તેને રાજકીય પાર્ટીઓએ રાજનીતિમાં જોડાઈને રાજ્યના મુખ્યમંત્રી બનવાની ઓફર આપી. પણ પૃથુએ રાજનીતિમાં આવવાની ના પાડી દીધી. આખરે દેશના પ્રધાનમંત્રીએ પૃથુ સાથે મિત્રતા કેળવી અને તેને પોતાના રાજકીય સલાહકાર તરીકે રહેવા વિનંતી કરી. પૃથુએ એ સ્વીકારી લીધી. પૃથુના પ્રજાલક્ષી અને રાષ્ટ્રહિતના વિચારો પ્રમાણે હવે આખા દેશની નિતિઓ બનવા લાગી અને દેશની વ્યવસ્થાઓમાં કાયાપલટ થવા લાગી. જે પૃથુ હિમાલયમાં આશ્રમ સ્થાપી સન્યાસી બનવા તૈયાર હતો તેણે આખા દેશની રાજનીતિને એક આદર્શવાદી પુનર્જીવન આપ્યું.



આ બધું જોઈને એક દિવસ દેવનગરીના રાજગુરુ રાજા પૃથુને તેમના ધ્યાન મહેલમાં એકાંતમાં મળવા આવ્યા. તેમણે રાજાને કહ્યું, ‘આપમાં અને યુવરાજ પરામરમાં કેટલો ફરક હતો એ હવે આખું જગત સમજી ચૂક્યું છે. પણ મહારાજ, કારણકે તમે એક આત્મજ્ઞાની દાર્શનિક છો એટલે ધર્મશાસ્ત્રના આ એક સવાલનો જવાબ મેળવવા આવ્યો છું. યુવરાજ પરામર ભલે લાયક નહોતા પણ તેમણે કોઈ ખોટા કર્મ તો કર્યા નહોતા તો એમની સાથે એવું કેમ થયું..?’

            રાજા પૃથુએ રાજગુરુને ધ્યાનથી સાંભળ્યા પછી સ્મિત સાથે કહ્યું, ‘શ્રવણે કાવડ પર પોતાના માતા-પિતાને યાત્રા કોઈ જશ કે પુણ્ય કમાવવા માટે નહોતી કરાવી. જો રાજા દશરથનું તિર તેને ન વાગ્યું હોત તો આ દુનિયા જાણત પણ નહીં કે શ્રવણ કોણ હતો અને તેણે શુ કર્યું હતું. પણ જ્યારે લોકો શ્રવણનું અનુકરણ કરી પોતાના માતા-પિતાને જાત્રા કરાવે છે ત્યારે તે પુણ્ય મેળવવા કે એથીય વધુ સમાજમાં એવો મૌન દંભ ભરવા માટે કરે છે કે ‘જુઓ, હું કેટલો સારો પુત્ર છું. હું કેટલો મહાન છું.’ રામે આજીવન જે નિર્ણયો લીધા તે એ સમયે ધર્મ સ્થાપના માટે જરૂરી હતા. પણ રામના જીવનની કોપી મારીને આજે જ્યારે કોઈ પિતાની કે માતાની આંધળી આજ્ઞા માનીને રામ હોવાનો વહેમ મારે છે ત્યારે અસલમાં તે બીજા અનેક સ્થાને સાચો ધર્મ નિભાવતો નથી હોતો. ધર્મ કોઈ રસ્તા પર પડેલો પથ્થર નથી ધર્મગુરુ. ના શાસ્ત્રોના શબ્દ ધર્મ છે. ધર્મ એક ચેતના છે. સવાર સુધી જે સાચું હતું તે ઘણીવાર સાંજે ખોટું બની ચૂક્યું હોય છે. ત્યાં હજારો વર્ષ પહેલા જીવાયેલા જીવનના અનુકરણનું તો શું કહેવું..? વિચારહીન અને અવિકસિત લોકો આવા અનુકરણયુક્ત જીવનને ધર્મ માની લે છે અને પોતાને ધર્મરાજ. એ બધા કર્મો ફક્ત તેમના અહંકારને મજબૂત બનાવવા માટે હોય છે કે ‘જુઓ, હું એક આદર્શ વ્યક્તિ છું.’ જ્યારે અસલમાં આદર્શ વ્યક્તિ ધર્મ બજાવતી વખતે કીર્તિને ક્યારેય ધ્યેય નથી માનતા. તે સત્યને ધ્યેય માને છે. તે સત્યને પાળવા અનેકવાર પોતાની કીર્તિને જ હાનિ પહોંચાડી દે છે. એટલે ધર્મગુરુ, પરામરે જે પણ સારું સારું કર્યું એ ફક્ત પોતાના અહંકારને પોષણ આપવા માટે કર્યું. જેમ જેમ તેનો અહંકાર વધતો ગયો તેમ તેમ તે સત્યના માર્ગમાં અવરોધ બનતો ગયો.
            તે સત્ય જાણતો હતો. તે જાણતો હતો કે રાજા બનવા માટે તેના કરતા તેનો નાનો ભાઈ વધુ યોગ્ય છે. તે એ પણ જાણતો હતો કે પ્રજાથી લઈને પિતા અને રાજ્યના સલાહકારો પણ મને જ રાજા જોવા માગે છે. છતાંય તે એવીરીતે જીવ્યો જાણે તે જાણતો જ નથી અને પોતાના પર કોઈ આંગળી ન ઉઠાવી શકે તે રીતે તેના સાંસારિક આડમ્બરને વધારતો ગયો. જ્યારે અસલમાં તેનો ધર્મ એ હતો કે તે પોતાનો અહંકાર અને સ્વાર્થ છોડે અને સમાજ અને દેશ માટે સામે ચાલીને પોતાના નાના ભાઈને ગાદી પર બેસાડે. તેણે પોતાના અહંકારમાં એ ધર્મ ન બજાવ્યો. તે રાજા અને પ્રજા પર પોતાના આડંબરોથી દબાણ બનાવતો ગયો અને સત્યને અવરોધતો રહ્યો. આખરે, સત્યને તે અહંકારને પોતાના માર્ગમાંથી હટાવવો પડ્યો. પરામર ખાલી અહંકારનું નામ હતું રાજગુરુ, તેનો આત્મા તો હજી પણ યાત્રામાં છે.’

            રાજા પૃથુના અગાધ જ્ઞાનથી ચકિત થયેલા બ્રાહ્મણ રાજગુરુએ હાથ જોડી પૂછ્યું, ‘તો હે પ્રભુ, મને કહેવાની કૃપા કરો કે યુવરાજના આત્માની કેવી ગતિ થઈ હશે..? અહંકારના પોષણ માટે કરેલા તેમના કર્મોનું શું ફળ મળ્યું..?’

‘પરામરના શરીર સાથે જ તેણે ઉભો કરેલો અહંકાર ખતમ થઈ ગયો અને સત્યનો માર્ગ મોકળો થઈ ગયો. બસ એજ એની સજા હતી. બાકી અહંકાર માટે જ ભલે પણ એના કર્મો તો સારા જ હતા. એટલે એને સ્વર્ગ મળ્યું. તેને એક આત્મજ્ઞાની રાજાના પુત્ર તરીકે જન્મ મળ્યો અને તે આજે પણ યુવરાજ જ છે.’ બાજુમાં ઉભેલા પોતાના પાંચ વર્ષના પુત્રને બતાવતા રાજા પૃથુએ કહ્યું, એ પુત્ર જે પરામરના મૃત્યુના બે વર્ષ પછી જન્મ્યો હતો. રાજગુરુ સત્યના અદભુત વિજ્ઞાનને જાણીને એટલા ચકિત થયા કે વારેવારે રાજા પૃથુ અને તેમના પુત્રને જોતા જ રહયા.


બોધ: જે માણસ બધું ત્યાગીને સત્ય પકડી લે છે તે બધું પકડી લે છે. જે માણસ સત્ય ત્યાગીને બધું પકડી લેવા જાય છે તે બધું ગુમાવે છે. કથામાં રાજગાદીના સ્થાને કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે. જે જેનું છે તેના સુધી પહોંચી જ જાય છે.

September 06 / 2017 /On Pratilipi.com Gujarati

વિદેહિ

“જન્માંતરણોમાં ફેલાયેલી એક પ્રેમકથા.”

ઇસ ૧૮૨૬, કલકત્તા.

દુર્ગાદાસની મનોવ્યથા બહુ વિરોધાભાસી ચાલી રહી છે. સોળ વર્ષનો આ છોકરો એકબાજુ ફારસી જાણે છે, સંસ્કૃતનો વિદ્વાન છે, બેરિસ્ટર બનવાની તૈયારી કરી રહ્યો છે અને બીજી બાજુ સંસારના અર્થ વિષે શંકાશીલ છે. તેનું માનસ કંઈક એવું ચાલી રહ્યું છે કે કાં તો સંસાર તેને જલ્દી પોતાનું કોઈ શ્રેષ્ઠ સ્વરૂપ દેખાડી દે નહીંતર છેલ્લી સ્થિતિનો તિરસ્કાર સહેવા તૈયાર થઇ જાય. આ આખી મનોવ્યથામાં દુર્ગાદાસની સૌથી વધુ આશા ટકેલી છે વિદેહી પર. પોતાના ઉદ્યોગપતિ પિતાના બેરિસ્ટર મિત્રની એ સુંદર દીકરી જેની કિશોર અવસ્થા આવતા જ દુર્ગાદાસ એની સુંદરતામાં સંસારનો સાર શોધતો થઇ ગયો હતો. તેણે માતાને વિદેહી સાથે લગ્ન કરવા પિતાજીને મનાવવાની વાત કહી અને પિતાજી માટે આ તેમના સૌથી હોંશિયાર દીકરા તરફથી મળેલું સુંદર આશ્ચર્ય સાબિત થયું. દુર્ગાદાસ અને વિદેહીના વિવાહ થયા અને અમુક વર્ષોમાં તેમનું સાંસારિક જીવન પણ શરુ થઇ ગયું. દુર્ગાદાસ બેરિસ્ટર બનીને પિતાના વ્યવસાયમાં જોડાઈ ચુક્યા હતા. તેમનું અને વિદેહીનું દામ્પત્ય જીવન દુર્ગાદાસની આક્રમક કામુકતા અને વિદેહીના સમર્પણથી દીપી ઉઠ્યું હતું.

દુર્ગાદાસ વિદેહીને એ રીતે પ્રેમ કરતો જાણે આખા બ્રહ્માંડમાં વિદેહી સિવાય કોઈનું અસ્તિત્વ જ ન હોય. વકીલાત કરવી અને સબંધો સાચવવા એ તો બસ જીવનની ઔપચારિકતા હતી, તેનું અસલી કામ તો બસ વિદેહીને પ્રેમ કરવાનું હતું. વિદેહીને પણ લાગતું જાણે આખી સૃષ્ટિને ચલાવનારો ખુદ પોતે બધા કામ છોડીને તેને ચાહવામાં લાગેલો છે. તે દુર્ગાદાસના પ્રેમને પોતાનામાં સમેટી રહી હતી. પણ જેમ જેમ સમય જઈ રહ્યો હતો તેમ તેમ બંને એકબીજાના શરીરથી ધરાઈ રહ્યા હતા. તેમનો એકસમાન પ્રાણ, તેમનો આત્મા એક થઈ ચુક્યો હતો. હવે તેમને એકબીજાથી થતું શારીરિક આકર્ષણ ખતમ થઈ ચૂક્યું હતું. વિદેહી આ કારણે દુર્ગાદાસ પ્રત્યે વધુ સમર્પિત બની હતી પણ દુર્ગાદાસનો આ કારણે સંસાર પ્રત્યેનો તિરસ્કાર શરુ થઇ રહ્યો હતો. દુર્ગાદાસ વિદેહીના જીવનનું કેન્દ્ર હતું અને તે પોતાની જાતને ભાગ્યશાળી સમજી રહી હતી કે તેને દુર્ગાદાસ જેવો પતિ મળ્યો હતો.

એક દિવસ દુર્ગાદાસ પ્રાંગણમાં બેઠા બેઠા ઢળતા સૂરજને નીરખી રહ્યો હતો. એવામાં વિદેહી તેની પાસે આવીને બેઠી. વિદેહીએ કહ્યું, ‘છેલ્લા ઘણા સમયથી તમે બેચેન લાગો છો.’
દુર્ગાદાસે કહ્યું, ‘મારા એક બેરિસ્ટર મિત્રનું મહિના પહેલા અવસાન થઈ ગયું. તે 25 વર્ષનો જ હતો. અમે ઘણીવાર સામસામે કેસ લડતા. પણ હવે તેની જગ્યાએ કોઈ બીજો બેસે છે. તેના મૃત્યુને દસ દિવસ પણ નહોતા થયા ને આ દુનિયામાં તેની જગ્યા ભરાઈ ગઈ. શું નિષ્કર્ષ નીકળ્યો એના જીવનનો..? અને શું નિષ્કર્ષ નીકળશે આપણા જીવનનો..?’

તેને એકીધારે સાંભળી રહેલી વિદેહીએ કહ્યું, ‘એ જ કે આપણે બંનેએ એકબીજાને આજીવન મન ભરીને પ્રેમ કર્યો. આપણો પ્રેમ જ આપણો મોક્ષ છે.’

‘અને જો હું કાલે મરી ગયો તો..? શુ તું જીવી શકીશ મારા વિના..? અને જો તું મરી ગઈ તો હું જીવી શકીશ..? આપણે ખાલી કઠપૂતળી છીએ વિદેહી, કોઈના હાથની કઠપૂતળી. એ આપણને નચાવે છે, હસાવે છે, રોવડાવે છે, મારે છે, જન્મ આપે છે, ફરી મારે છે. આપણે એના ગુલામ છીએ. મારે એના હાથમાંથી આપણા બંનેની મુક્તિ જોઈએ છે. એવી મુક્તિ જે મૃત્યુ પછી પણ આપણને હંમેશા એકબીજા સાથે રાખે.’

વિદેહી તેને ડર અને સંદેહથી દેખી રહી. તેણે ધીમા આવાજે કહ્યું, ‘હું માં બનવાની છું.’
આ સાંભળતા જ દુર્ગાદાસે વિદેહી તરફ જોયું. તેને ના કોઈ હરખ હતો ના શોક. તેણે ફરી ઢળતા સુરજ સામે જોયું અને બોલ્યો, ‘એક બીજું બંધન, એક બીજા ગુલામના રૂપમાં.’

કેટલાક મહિનાઓમાં તેમના દીકરાનો જન્મ થયો. દુર્ગાદાસની સત્યપ્રાપ્તિની ઝંખના સતત વધતી જતી હતી, પણ તેણે કોઈ રીતે પોતાની જાતને રોકી રાખી હતી. આખરે જ્યારે તેમનો દીકરો છ મહિનાનો થયો ત્યારે ખાટલા પર પોતાના પુત્રને છાતી સરસો રાખી ધવડાવતી વિદેહી સામે દુર્ગાદાસ આવીને ઉભો રહ્યો અને કહ્યું, ‘હું જાઉં છું વિદેહી. પાછો તે દિવસે જ ફરીશ જે દિવસે આપના બન્નેની મુક્તિ માટે આ સૃષ્ટિનું આખરી સત્ય જાણી ચુક્યો હોઈશ. ત્યાં સુધી આ બધું ફક્ત માયા છે. ફક્ત માયા.. માયા.. માયા..’ આમ બોલતા બોલતા તેણે વિદેહીથી છેલ્લીવાર નજર હટાવી અને પાછળ ફરીને ઘરની બહાર તરફ ચાલતો થયો. દુર્ગાદાસની આંખોમાં અને શબ્દોમાં એટલું વૈરાગ્ય હતું કે વિદેહી તેની વાતના જવાબમાં કંઈ ન બોલી શકી. તેના હૃદય પર એટલી અસહ્ય પીડા અનુભવાઈ રહી હતી કે તેની આંખોમાંથી આંસુ પણ ન નીકળી શક્યું. તે બસ શૂન્યમનસ્ક થઈને એકીટસે દુર્ગાદાસને જતા જોઈ રહી.

વર્ષો સુધી દુર્ગાદાસ એક સન્યાસી તરીકે હિમાલયના જંગલોમાં ફર્યો. ઝાડના પાંદડા ખાઈને પેટ ભર્યું અને ઉઘાડા શરીરે વર્ષો સુધી તડકો, ઠંડી અને વરસાદ સહન કર્યા. આખરે વીસ વર્ષની તપસ્યા પછી હિમાલયની તળેટીમાં તેને આત્મસાક્ષાત્કાર થયો. હવે તેના માટે સમસ્ત સૃષ્ટિ સમાન હતી. બધું બ્રહ્મમય હતું. આથી આત્મસાક્ષાત્કાર પછી એ સમાન સૃષ્ટિમાં સૌથી પહેલા તેને વિદેહી યાદ આવી. તેનો પુત્ર પણ યાદ આવ્યો. તે પોતે જાણેલું સત્ય વિદેહીને કહેવા માટે અધીરો બન્યો. તેણે ઘર તરફ પાછા ફરવા પ્રયાણ કર્યું. એકદિવસ તે જંગલથી બહાર નીકળવા તરફ જઇ રહ્યો હતો. તેના માર્ગમાં આગળ એક વૃક્ષની ઝુકેલી ડાળી પર એક સાપ હતો જે દુર્ગાદાસને પોતાની તરફ આવતા જોઈ રહ્યો હતો. જેવો દુર્ગાદાસ તે ઝુકેલી ડાળી નીચેથી નીકળ્યો, તે સાપે તેને ગરદન પર ડંખ માર્યો. દુર્ગાદાસ બે કદમ ચાલ્યો ત્યાં તો તેના શરીરમાં અસહ્ય વેદના શરૂ થવા લાગી. તેણે પાછળ જોયું. તેને ડાળી પર તે સાપ દેખાયો. સ્થિર બુદ્ધિવાળા યોગીઓને સાપ નથી કરડતો. તે મનુષ્યની મન:સ્થિતિને ઓળખે છે. એટલે જ શિવના ગળામાં સાપ વીંટાયેલો દેખાય છે. દુર્ગાદાસ જ્યારે તપસ્યા કરતો હતો ત્યારે અનેક સાપ તેના ઉપર અને આસપાસ ફર્યા કરતા. પણ વિદેહીની યાદમાં દુર્ગાદાસે એ યોગીઓવાળી સ્થિરબુદ્ધિ ઘુમાવી અને તેને આ સાપ કરડ્યો. દુર્ગાદાસે પાછળ ફરીને જ્યારે સાપને જોયો ત્યારે તે આ વાત સમજી ગયો. પણ તેને કોઈ અફસોસ નહોતો. તેણે એક હલકું સ્મિત આપ્યું અને વિદેહીને પ્રેમથી યાદ કરતો કરતો ઢળી પડયો. તેનું શરીર અકડાવા લાગ્યું અને આંખોમાં અંધારા છાવવા લાગ્યા. તેણે પોતાનો એક હાથ આકાશ તરફ ઉઠાવ્યો અને છેલ્લો શ્વાસ લેતાં બોલ્યો ‘વિદેહીહીહી….’.

***

છેલ્લા સમયે વિદેહીમાં જીવ હોવાથી કેટલાક વર્ષો પછી દુર્ગાદાસનો પોતાના જ પુત્રના પુત્ર તરીકે ફરીથી જન્મ થયો. નામ હતું સુભાષ. પણ પાછલો જન્મ સન્યાસી તરીકે રહ્યો હોવાથી સન્યાસ અને ધ્યાનનું આકર્ષણ સુભાષને બાળપણથી જ રહ્યું. તે ભણવામાં ખુબ હોંશિયાર હતો. પણ પોતાના મિત્રોને કહેતો, ‘જોજો, એક દિવસ હું સન્યાસી બનીશ. મારા દાદા પણ સન્યાસી હતા.’

ખરેખર એવું જ થયું. કોલેજમાં આવતા જ તેને ઈશ્વરને શોધવાની લગની લાગી અને લગ્નની વાતનો ખુલ્લો વિરોધ શરુ કરી દીધો. આખરે, કલકત્તાના એક ગુરુના શરણમાં જઈને તેણે સન્યાસ લઇ લીધો અને આત્મજ્ઞાન મેળવ્યું. તેની સત્યને કહેવાની રીત બહુ તાર્કિક અને વૈજ્ઞાનિક હતી. એટલે લોકો તેને વિજ્ઞાનાનંદ કહેવા લાગ્યા. તાર્કિક અને વૈજ્ઞાનિક ઢબે સત્ય કહેવાની તેની રીતે દુનિયામાં તેને ખુબ નામ અને શિષ્ય કમાવી આપ્યા. તેમાંથી એક શિષ્ય હતી લક્ષ્મી. લક્ષ્મી અને વિજ્ઞાનાનંદ વચ્ચે સારી એવી મૈત્રી હતી. તેઓ લક્ષ્મી સાથે વિહાર કરતા કરતા હિમાલયની તળેટીમાં એ સ્થાને પહોંચ્યા જ્યાં દુર્ગાદાસને આત્મજ્ઞાન થયું હતું. તેમણે લક્ષ્મીને કહ્યું, ‘આ સ્થાને મને ગયા જન્મમાં આત્મજ્ઞાન થયું હતું.’ આખરે પોતાની ચાલીસીના અંતે વિજ્ઞાનાનંદે દેહ છોડી દીધો અને દેહ છોડતા પહેલા બ્રહ્મ-ઈચ્છાથી ફરી જન્મ લઇ સાંસારિક જીવનમાં રહીને સત્યની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો. પણ વિજ્ઞાનાનંદના અતિવિકસિત આત્માને ધારણ કરી શકે તેવું કોઈ શરીર અનેક વર્ષો સુધી ન મળ્યું. આથી, અમુક વર્ષો પછી એ અતિવિકસિત આત્માએ પોતાને ત્રણ ભાગમાં વહેંચી દીધો અને ત્રણ અલગ અલગ સ્થાને ત્રણ અલગ શરીરોમાં જન્મ લીધો.

આ ત્રણમાંથી બે જન્મ બે સામાન્ય ખેડૂતોના ઘરમાં થયા જયારે એક જન્મ શહેરમાં રંગમંચની દુનિયાના સૌથી સમ્માનીય માણસના ઘરે થયો. શહેરમાં જન્મેલો આ છોકરો રંગમંચની દુનિયાનો સૌથી મોટો કલાકાર અને રચનાકાર બન્યો. તેની રચનાઓમાં ઊંડું આધ્યાત્મ અને તેના અભિનયમાં આંખે ઉડીને વળગે તેવી માનવતા હતી. આ કલાકાર પોતાના લગ્નજીવન દરમિયાન એક બીજી અભિનેત્રીના પ્રેમમાં પડ્યો. બંનેનો પ્રેમ એટલો ગાઢ હતો કે તેમના પ્રણયની વાતોએ દુનિયાભરમાં ચર્ચા જગાવી. કલાકારને તેની પત્ની અને બાળકો સાથે અનહદ પ્રેમ હતો. પણ આ અભિનેત્રી સાથેનું તેનું જોડાણ અતિશય ગાઢ હતું. અમુક વર્ષોના પ્રણય પ્રકરણ પછી જયારે અભિનેત્રીએ તેને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું તો તે કલાકાર પોતાની પત્નીને છોડવાનો નિર્ણય ન કરી શક્યો. આખરે તેઓ છુટા પડ્યા. કલાકાર મહિનાઓ સુધી ઘરની બહાર ન નીકળ્યો. તે બાથરૂમમાં જઈને અભિનેત્રીની યાદમાં ધ્રુસકે ધ્રુસકે રડતો. તો બીજી બાજુ અભિનેત્રીએ તેના વિયોગમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પણ તે બચી ગઈ. અમુક વર્ષો પછી તેણે પણ એક બીજા અભિનેતા સાથે લગ્ન કરી દીધા જે તેના અભિનય સાથે એક ભલા માણસ તરીકે પણ પ્રસિદ્ધ હતો. આમ, તે કલાકાર અને અભિનેત્રીની પ્રેમકથા અધૂરી રહી ગઈ.

બીજી બાજુ પેલા બે ખેડૂત પરિવારોમાં જન્મેલ બે છોકરાઓમાંથી એક આગળ જતા શક્તિશાળી પણ સેવાભાવી નેતા બન્યો. જયારે બીજો છોકરો સામાન્ય ખેડૂત બનીને જ રહ્યો પણ તેનામાં વિજ્ઞાનાનંદની આધ્યાત્મિક અને વૈરાગી વૃત્તિનો પ્રભાવ વધુ રહ્યો. તેણે જીવનના છેલ્લા પંદર વર્ષો સંતો મહંતો સાથે સન્યાસી જીવન રૂપે વિતાવ્યા. આ વૈરાગી જીવનના અંતે તેણે શરીર છોડી દીધું અને તેના આત્માએ તેના જ એક દીકરાના પુત્ર તરીકે ફરી જન્મ લીધો. બાળકનું નામ રાખવામાં આવ્યું કેદાર. કેદાર છ મહિનાનો થયો એટલે પેલા પ્રખ્યાત કલાકારે દેહ છોડી દીધો. આથી તેનો આત્મા હવે કેદારના આત્મામાં ભળ્યો. કેદાર એક બહુ જ હોંશિયાર પણ સંવેદનશીલ બાળક તરીકે મોટો થવા લાગ્યો. તે સોળ વર્ષનો થયો ત્યારે પેલા શક્તિશાળી નેતાએ પણ પોતાનો દેહ છોડ્યો અને તે ભાગ પણ કેદારના આત્મામાં આવીને ભળ્યો. આમ, દુર્ગાદાસ અને વિજ્ઞાનાનંદનો સંપૂર્ણ આત્મા સોળ વર્ષના કેદારમાં એક થઇ ગયો. અને અહીંથી કેદારની જીવનને જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. તે હવે બ્રહ્માંડના અસ્તિત્વના વૈજ્ઞાનિક કારણની શોધમાં રહેવા લાગ્યો. તેણે અનેક શક્તિઓ હોવા છતાં બીજા બધા ક્ષેત્રોમાંથી પોતાના હાથ પાછા ખેંચી દીધા. અને ખાલી સત્યની વૈજ્ઞાનિક શોધ કરી શકે તેવા વિષયોમાં જ પોતાનું મન પરોવ્યું. આખરે પચીસ વર્ષની ઉંમરે કેદારને પણ આત્મસાક્ષાત્કાર થઇ ગયો અને દુર્ગાદાસથી વિજ્ઞાનાનંદ અને તે પછીના ત્રણ સંસારી જીવનોની યાત્રા તેના સામે ખુલ્લી થઇ ગઈ.

કેદારની સત્યને વર્ણવવાની રીત વિજ્ઞાનાનંદથી પણ અનેકઘણી વૈજ્ઞાનિક અને તાર્કિક હતી. તેની પણ નામના થવા લાગી. તે વિજ્ઞાન અને આધ્યાત્મને જોડતી એક અદભુત કડી બનીને ઉપસ્યો. તેની આધાત્મિક ક્ષમતા એટલી વધી ચુકી હતી કે જો પાછળના જન્મોમાં તેની સાથે જીવેલા કોઈ આત્માને તે આ જન્મમાં જોતો તો તરત તેને ઓળખી જતો. આ વખતે તેણે વિજ્ઞાનાનંદના સંકલ્પ મુજબ સંસાર વચ્ચે રહીને જ સત્યને રજુ કરવાનું નક્કી કર્યું. પાછળના ત્રણ સાંસારિક જીવનોએ તેને પોતાની આધ્યાત્મિક શક્તિઓને સાંસારિક કૌશલ્યોમાં ઉપયોગ કરવાની ક્ષમતા આપી દીધી હતી. તે એક વૈજ્ઞાનિક બન્યો અને એક રિસર્ચ સેન્ટરમાં સંશોધક તરીકે જોડાયો. એકદિવસ ત્યાં એની મુલાકાત એક બીજી સંશોધક યુવતી સાથે થઇ. કેદાર તેને જોતા જ ઓળખી ગયો. તે વિજ્ઞાનાનંદની શિષ્ય અને મિત્ર રહેલી લક્ષ્મી હતી. આ વખતે તેનું નામ અદિતિ હતું. અદિતિની સુંદરતા અને શરીરના ઉભારો અત્યંત આકર્ષક હતા. રિસર્ચ સેન્ટરમાં રહેલી તે એકમાત્ર સુંદર છતાં અપરણિત વૈજ્ઞાનિક હતી. બંને જણ એકબીજાને જોતા જ પ્રેમમાં પડ્યા. કેદાર સમજી ગયો કે આ જન્મ પતિ પત્ની બનવા માટેનો છે. અદિતિને તેનાથી પ્રેમ છે એવું જાણતા જ કેદારે તેનાથી નિકટતા કેળવી દીધી. એકદિવસ તેણે એક બાગમાં વાતો કરતા કરતા જ અદિતિને પ્રેમભર્યું ચુંબન કરી દીધું અને અદિતિ તેનો વિરોધ પણ ન કરી શકી. કેદારે કહ્યું, ‘આ કોઈ વાસના નથી. આ ચુંબન સાથે મેં તને મારી પત્ની માની લીધી છે. હવે આગળ તારે જે કરવું હોય તે કર.’ અદિતિ થોડીવાર તેની સામે જોઈ રહી અને પછી તેણે પણ કેદારને ખેંચી પોતાના તરફથી સખત ચુંબન કરી દીધું. પોતાના હોઠ થોડા પાછા કરી તે બોલી, ‘આ કોઈ વાસના નથી. આનો અર્થ છે કે મારે હવે તને કૌશિકીથી મળાવવાનો છે.’

‘કૌશિકી..?’ કેદારે પૂછ્યું. ‘હા, એ મારી બાળપણથી અત્યાર સુધીની એકમાત્ર બેસ્ટ ફ્રેન્ડ છે. મારા મમ્મી-પપ્પા તેની ઊંડી અને મેચ્યોર સમજથી બહુ અંજાયેલા છે. એટલે હું કોઈ છોકરો શોધું તેને ચેક કરવાની પહેલી જવાબદારી એને આપી રાખી છે. શી ઇઝ એ ડર્મેટોલોજિસ્ટ.’

બીજા દિવસે કેદાર અને અદિતિ એક રેસ્ટોરેન્ટમાં કૌશિકીની રાહ જોતા હતા. એવામાં કેદારની નજર રેસ્ટોરન્ટમાં પ્રવેશતી એક સ્ત્રી પર પડી. તેને જોઈને જ કેદારને એક ગજબની આત્મીયતા અનુભવાઈ. જાણે તે કોઈ જાણીતી હોય. એવામાં તે સ્ત્રી કેદાર અને અદિતિ પાસે આવી. અદિતિ ઉભી થઇ અને તેને ભેટી. ‘કેદાર. કૌશિકી. કૌશિકી. કેદાર.’ અદિતિએ ઓળખાણ આપી. કેદાર ઉભો થયો અને ‘હેલો’ કહીને તેને સામે બેસવા કહ્યું. ધીરે ધીરે કૌશિકીની ઓળખ તેની સામે સ્પષ્ટ થઇ રહી હતી. પણ મનમાંથી રહસ્ય પરનો છેલ્લો પડદો ઉઠી જતા જ તે અવાચક રહી ગયો. તે એ અભિનેત્રી જ હતી જે પેલા પ્રખ્યાત કલાકારના જન્મમાં તેની પ્રેમિકા હતી. ગયા જન્મના પ્રણય અને વિરહના દ્રશ્યો તેની નજર સામેથી ફાસ્ટ ફોરવર્ડની જેમ ગુજરી ગયા. તે સુન્ન થઇ ગયો હતો. એવામાં તેના કાને અદિતીનો અવાજ પડ્યો, ‘શું કરે છે રોહિત?’

‘બસ રમે છે. આવતા વર્ષે સ્કૂલમાં મુકવો છે.’ કૌશિકીએ જવાબ આપ્યો.

‘રોહિત..?’ કેદારે પૂછ્યું.

‘કૌશિકીનો સન છે ત્રણ વર્ષનો. બહુ ક્યૂટ છે. ‘

કેદારના વિચારો આ સાંભળી હજી વધારે વમળે ચડ્યા, ‘હે બ્રહ્મ, શું ધાર્યું છે તેં. ગઈ વખતે તેં એના લગ્ન સાથે આ સ્ટોરી પુરી કરી હતી. આ વખતે શરુ જ તેના લગ્ન થયા પછી કરી..?’

કેદારે પોતાના આ વિચારોમાંથી બહાર નીકળીને હવે વર્તમાન પર ફોકસ કર્યું. તેણે કહ્યું, ‘સો મેમ, મેં સાંભળ્યું તમારે મારી એક્ઝામ લેવાની છે.’

‘હા. લાંબા સમયથી આ કામ મને સોંપાયું છે. હવે સમય આવ્યો છે.’ કૌશિકીએ હસતા હસતા જવાબ આપ્યો.

લંચ કરતા કરતા ત્રણેય જણાએ ત્યાં ઘણી વાતો કરી અને પછી કૌશિકીએ ઉભી થઇને કહ્યું, ‘મારે વહેલા નીકળવું પડશે. હું જાઉં.’

‘પણ મારુ રિઝલ્ટ..?’ કેદાર તેને રોકવાના ઈરાદાથી બોલ્યો.

‘એ હું અદિતિને રાતે ફોન પર કહીશ.’ કૌશિકી પરીક્ષકના અભિનય સાથે હસતા હસતા બોલી.

‘ઓહ, ગોડ. કોલેજમાં જયારે જયારે રાતે રિઝલ્ટ આવ્યા, હું ફેલ હતો.’ કેદારની આ મજાક પર કૌશિકી ખડખડાટ હસતી હસતી ત્યાંથી ‘બાય’ કહીને નીકળી ગઈ.

અદિતિએ કેદારને મજાક કરી, ‘જો તેણે ના પાડી તો..?’

કેદાર બોલ્યો, ‘અરે અબોધ બાળક, ના પાડવાની વાત તો દૂર છે. તારી કૌશિકી જો પરણેલી ના હોત તો તને સાઈડમાં કરી પોતાના માટે હા પાડી દેત.’

‘બસ હવે.’ અદિતિએ તેને ચૂપ કરાવ્યો.

બીજા દિવસે અદિતીનો કેદાર પર ફોન આવ્યો. તેણે કહ્યું, ‘કૌશિકીને તું બહુ પોતીકો લાગ્યો છે. કાલે આપણે મમ્મી-પપ્પાને મળવાનું છે.’

‘એ જ તો હું કહી રહ્યો હતો.’ કેદારે અદિતિને તેનો કોન્ફિડન્સ યાદ કરાવ્યો.

કેદારે અદિતિના મમ્મી-પપ્પાને તો પહેલી જ મુલાકાતમાં એવા જીતી લીધા કે તે જ દિવસે લગ્નની તારીખ નક્કી થઇ ગઈ. કૌશિકી પરણિત છે અને એક સંતાનની માતા છે તે જાણીને તેણે કૌશિકી પરથી પોતાનું સંપૂર્ણ ધ્યાન હટાવી લીધું. અને પુરુષના સહવાસથી હજી દૂર છે તેવી આકર્ષક અને માદક લાગતી અદિતિ પર પોતાનું સઘળું ધ્યાન વાળી દીધું. કેદારે તેના માતા-પિતાને લગ્નની ફોર્માલિટી પતાવવા અદિતિના માતા-પિતાના ઘરે મોકલી દીધા અને અદિતિને લઇ પીકનીક પર જતો રહ્યો. તેણે અદિતિને વિજ્ઞાનની વાતોથી હટાવીને કામુક વાતોમાં તૈયાર કરી. લગ્ન પછી તેમનું દામ્પત્ય જીવન શરુ થયું. કેદાર કંઈક એવો જ કામુક હતો જેવો ક્યારેક દુર્ગાદાસ હતો. મનુષ્યની સઘળી શક્તિ વિરોધી પ્રકૃતિઓ વચ્ચેના કામની જ શક્તિ છે. એટલે માણસ જેટલો વધુ બુદ્ધિશાળી અને શક્તિશાળી હશે તેટલો વધારે તે કામુક હશે તે એક દેખીતું વિજ્ઞાન છે.

પણ છતાંય દુર્ગાદાસ અને કેદારના દામ્પત્ય જીવનમાં ફર્ક હતો. દુર્ગાદાસ સંસારના સત્યને ખોજવા દામ્પત્ય જીવનમાં આવેલો, જયારે કેદાર એ કામ પૂર્ણ કરીને લગ્નજીવનમાં આવ્યો હતો. કેદાર માટે સાંસારિક જીવનનું દરેક કાર્ય એક લીલા હતી જેમાં તે છેલ્લી સીમાઓ સુધી જતો. પણ સીમાઓ ક્યારેય ન ઓળંગતો. તેણે અદિતિને ભોગવી લીધી પણ વિદેહીની જેમ સમર્પણ કરાવીને નહિ. તેણે અદિતિને પણ કામુકતા શીખવી. સંભોગથી સમાધિ અને ધ્યાન જેવા દરેક કાર્યોમાં તેણે અદિતિને સમાન ભૂમિકા આપી. દુર્ગાદાસ વિદેહીના શરીરમાંથી હજી કંઈક મળી જાય એ કોશિશમાં સંસારથી વિપરીત થઇ ગયેલો. જયારે કેદાર અદિતિના શરીરને ભોગવી જ એ માટે રહ્યો હતો કે ક્યારે તેમના વચ્ચેનું એ શારીરિક આકર્ષણ બંધ થઇ જાય અને તેઓ શરીરથી ઉપર ઉઠીને એકબીજાના મિત્ર બની રહે, જેથી તેઓ સાથે ધારેલા મહાન જીવનકાર્યોમાં ઓતપ્રોત થઇ શકે..

પણ કેદારની ગણતરી ઉંધી પડી. જેમ જેમ તે અદિતિના શરીરથી સંતૃપ્ત થતો ગયો તેમ તેમ તે કૌશિકીની શાંત અને ઊંડી આંખોમાં ઉતરતો ગયો. કૌશિકી હવે તેને આકર્ષવા લાગી હતી. પણ એ આકર્ષણ શરીર સુખ કરતા તેને પ્રેમથી ભેટી લેવાનું અને તેના ચહેરા સાથે પોતાનો ચહેરો ટેકવી તેને પ્રેમ કરવાનું વધુ હતું. કેદારનું કૌશિકી પ્રત્યે આકર્ષણ શરુ થતાં જ કેદારે અનુભવ્યું કે કૌશિકીને પણ હવે તેનાથી આકર્ષણ થઇ રહ્યું છે અને તે પહેલા જેટલી સહજ નથી રહી શકતી. કેદારને લાગ્યું જાણે તેમના વચ્ચે કોઈ જોડાણ છે જેણે એકને થઇ રહેલી પ્રેમની ચેતનાને બીજાના શરીરમાં પહોંચાડી દીધી. આજ રહસ્યમય જોડાણના કારણે તેઓની એકબીજા પ્રત્યેની તડપ એકસાથે સમાન રીતે વધી રહી હતી. હવે તેઓ પોતાના મિત્રો વચ્ચે બેઠા હોય તો પણ તેમનું ધ્યાન વારંવાર એકબીજાના વિચારોમાં જતું રહેતું. કેદાર તેના પ્રત્યેના આ આકર્ષણથી બચવા તેની સામે આવવાનું ટાળતો રહેતો તો કૌશિકી કેદારના વિચારોથી બચવા પોતાના પુત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરતી. કેદારને હતું કે કદાચ ગયા જન્મની અધૂરી સ્ટોરીના લીધે અમુક સમય સુધી આવું થશે પણ સમય વીતશે તેમ બંધ થઇ જશે. પણ જેમ જેમ સમય વીતતો ગયો

તેમ તેમના અંદર રહેલું કંઈક વધુને વધુ જાગતું ગયું. હવે તો તેઓ એકબીજાનો અવાજ સાંભળીને કે એકબીજાનું નામ સાંભળીને પણ વિહવળ થઇ ઉઠતા. કેદાર માટે આ બધું તેના દરેક સિદ્ધાંતથી વિપરીત હતું. સત્યની રક્ષાના ઉદેશ્ય સિવાય ક્યારેય કોઈનો વિશ્વાસ ન તોડવો, ક્યારેય પોતાની શક્તિઓનો દુરોપયોગ ન કરવો, ક્યારેય કોઈ અનુભૂતિનું દમન ન કરવું અને એ જ કાર્ય કરવા જે કોઈને પણ જાહેરમાં કહી શકાય- આ બધા સિદ્ધાંતો કેદારના જીવનનો આધાર હતા. અને કૌશિકી પ્રત્યેના પ્રેમને લીધે જયારે તે સિદ્ધાંતો જ ડામાડોલ થવા લાગ્યા ત્યારે તેણે બહારથી પોતાની નજર હટાવી લીધી. તેણે દિવસો સુધી ઓફિસમાં રાજાઓ મૂકી દીધી અને પોતાનો રૂમ બંધ કરી ધ્યાનમાં જતો રહ્યો. તેને હવે શંકા થવા લાગી હતી કે કૌશિકી સાથેના તેના સંબંધનું મૂળ તે ધારે છે તેના કરતા ઘણું ઊંડું છે. તેણે અનેક જન્મોથી એકઠી કરેલી પોતાની આધ્યાત્મિક શક્તિને કૌશિકીના તે અભિનેત્રીથી પાછળના જન્મની પૃષ્ઠભૂમિ જાણવામાં ઝીંકી દીધી. તે અનેક દિવસો સુધી ધ્યાનમાં કૌશિકી સાથેના જોડાણને શોધતો રહ્યો. આખરે, એક દિવસ આવ્યો જયારે કૌશિકીનો ચહેરો તે અભિનેત્રીના ચહેરાથી આગળ વધી બીજા એક ચહેરામાં ફેરવાઈ ગયો. અને એ ચહેરો જોતા જ કેદારની આંખો આઘાત સાથે ખુલી ગઈ. એ વિદેહી હતી. કેદાર ડઘાઈ ચુક્યો હતો. કૌશિકી તેની પત્ની હતી. તેમના આત્મા, તેમનો પ્રાણ એક સમયે એક થઇ ચુક્યા હતા. આજ તેમનું જોડાણ હતું. હવે તેને સમજાયું કે કૌશિકી તેને કેમ એટલી પોતાની લાગતી હતી.

કેમ તેના આકર્ષણને તે રોકી નહોતો શકતો..? કેમ તે કલાકાર અને તે અભિનેત્રીનો સબંધ એટલો ગાઢ રહ્યો હતો.

તે એના પોતાના જ આત્માનો હિસ્સો છે જે એનાથી વિખૂટો પડી ચુક્યો છે. પણ હવે એને જાણવું હતું કે કેમ તે તેની પત્ની નથી બની શકતી..? કેમ તે બંને છેલ્લા બે જન્મથી એકબીજા માટે એટલા તડપતા રહે છે..?

આજ સુધીના તેના સાક્ષાતકારોમાં કેદારે ફક્ત દુર્ગાદાસના ત્યાગને જ બિરદાવ્યો હતો. તેણે ક્યારેય વિદેહી પર ધ્યાન નહોતું આપ્યું. પણ હવે તેને ફક્ત વિદેહીને જોવી હતી. તે ફરી ધ્યાનમાં ગયો. તેને ફક્ત વિદેહી દેખાઈ. પોતાના છ મહિનાના સંતાનને ધવડાવતી એ વિદેહી જે યુવાનવયે પોતાનો પતિ તેને છોડીને હંમેશા માટે જઈ રહ્યો છે તે દ્રશ્યને કાળજું ચીરી નાખતી વેદના સાથે એકીટસે જોઈ રહી છે. દુર્ગાદાસના ગયા પછી તે કેવીરીતે પોતાના સાસુ-સસરાની મદદથી પોતાના સંતાનને ઉછેરે છે. કેવી રીતે તે પોતાના દુઃખને એ ગર્વ પાછળ છુપાવે છે કે તેના પતિએ સત્યની શોધ માટે તેને છોડી છે, કોઈ ભોગવિલાસો માટે નહિ. તે એક મહાન સત્પુરુષની પત્ની છે. તે પોતાના પુત્રને પણ એજ ગર્વ આપીને ઉછેરે છે. આ ગર્વ જ સંસારના દુઃખોનો સામનો કરવાની તેને શક્તિ આપે છે. તે અનેક કષ્ટીઓ વેઠે છે અને બસ દુર્ગાદાસને ચાહે જાય છે. તે ઈશ્વર તરીકે કોઈ ભગવાનની મૂર્તિની નહિ પણ આજીવન ફક્ત દુર્ગાદાસની જ ભક્તિ કરે છે. તે પોતાના પુત્રને ભણાવીને મેજિસ્ટ્રેટ બનાવે છે અને ઊંચા ખાનદાનમાં પરણાવે છે. પણ પૌત્ર તરીકે દુર્ગાદાસને ફરી જોયા પહેલા જ શરીર છોડી દે છે. ત્યારબાદ તે દુર્ગાદાસના આત્માને સીધી તે પ્રખ્યાત કલાકાર રૂપે મળે છે અને ત્યારબાદ કેદારની પત્નીની મિત્ર તરીકે. આખરમાં તેને વિદેહીએ દુર્ગાદાસને કહેલા શબ્દો યાદ આવ્યા જ્યારે દુર્ગાદાસે તેને પૂછ્યુ કે ‘શું નિષ્કર્ષ હશે આપણા જીવનનો..?’ વિદેહીએ કહ્યું હતું,
‘આપણા જીવનનો નિષ્કર્ષ એજ હશે કે આપણે બંનેએ એકબીજાને આજીવન મન ભરીને પ્રેમ કર્યો. આપણો પ્રેમ જ આપણો મોક્ષ છે.’

આ દ્રશ્ય યાદ આવતા અને વિદેહીની પીડા અને તપસ્યા જોઈને ધ્યાનમાં બેઠેલા કેદારની આંખોમાંથી ચોધાર આંસુઓ વહી પડ્યા. તેણે પીડા સાથે આંખો ખોલી અને અપરાધભાવથી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. વિદેહીના દુઃખો જોઈને તેનો કૌશિકી પ્રત્યેનો પ્રેમ અને ઋણ-ભાવ બધી સીમાઓ વટાવી ગયો. આ પળને કાઢવી તેના માટે અસહ્ય થઇ રહી હતી.

‘એ મારી પત્ની છે. એ મારી પત્ની છે. મેં કેટલો અન્યાય કર્યો તેના સાથે. હે ભગવાન..! શક્તિ આપ મને. હું આ વિયોગ સહન નથી કરી શકતો. મારે એને છાતી સરસી દબાવીને માફી માગવી છે. મારે એને પ્રેમ આપવો છે, એટલો કે આ સૃષ્ટિ ઓછી પડી જાય એના માટે. પણ હું એ કરી શકું એમ નથી. મને શક્તિ આપ. મેં મોટું પાપ કરી દીધું.’ કેદાર ભારે હૃદયે રોતા રોતા બોલ્યો.

આત્મજ્ઞાની બન્યા પછી જયારે કેદાર પર આ રીતે માયા હાવી થઇ જતી ત્યારે હંમેશા તેના મનમાં બે અલગ ઓળખો ઉભી થતી. એક તે પોતે અને બીજું તેનાથી એક બનેલું બાકીનું બ્રહ્મ. આ અવસ્થામાં ફરી તે થયું અને તે બ્રહ્મ તેના અંદર જ તેને જવાબ આપવા લાગ્યું.

બ્રહ્મે જવાબ આપ્યો, ‘જો તેં પાપ કર્યું હોત તો તું નષ્ટ થઇ ગયો હોત. પણ જો, તું દુર્ગાદાસના આત્માને સાક્ષાત નારાયણ વિષ્ણુની સ્થિતિએ લઇ આવ્યો છે. તે એ કર્યું જે પૃથ્વી પર વસતા દરેક માનવની પહેલી ફરજ છે. સત્યને શોધવું. પણ કર્મથી છુટકારો નથી, કેદાર. સ્વયઁ નારાયણને પણ ઋણ ચૂકવવા પાછો જન્મ લેવો પડે છે. કર્મોના ફળ ચૂકવ્યા વિના તો નારાયણની મુક્તિ પણ નથી. વિજ્ઞાનાનંદે નવો જન્મ સંસારમાં વિતાવવાનો જે સંકલ્પ કર્યો તે બ્રહ્મે જ કરાવ્યો હતો, જેથી વિદેહીના ઋણ ઉતારી શકાય.’

‘તો એને મારી પત્ની કેમ ના બનાવી..? એને મારી પત્ની કેમ ના બનવા દીધી..?’ કેદારે ગુસ્સા સાથે રોતા રોતા પૂછ્યું.

બ્રહ્મે જવાબ આપ્યો, ‘પત્ની તો એ તારી બની ચુકી હતી. તારા સંતાનની માતા પણ. શું તે એને એટલો પ્રેમ આપ્યો..? જાતીય સુખ પતિ-પત્નીને એક પ્રાણ બનાવી દે છે. એ એકત્વ છે. જ્યાં એક જ તત્વ હોય ત્યાં પ્રેમ કે ભક્તિ નથી હોતા, ત્યાં ફક્ત સમાધિ હોય છે. પ્રેમ અને ભક્તિ કોઈ બીજા સાથે હોય છે. તું અને વિદેહી સમાધિમાં એક થઇ ચુક્યા હતા. પણ જયારે તે સત્યની શોધમાં વિદેહીને છોડી ત્યારે તેં એની સમાધિ ભંગ કરી દીધી. તેના આત્માનો એક મોટો હિસ્સો તેનાથી વિખૂટો પડી દૂર ચાલ્યો ગયો. ત્યારથી તે તારા આત્મા રૂપી એ ટુકડા સાથે એક થઇ જવા તારી ભક્તિ કરી રહી છે. તને ચાહી રહી છે. તારા માટે તપસ્યા કરી રહી છે. પત્ની તો એ તારી બની ચુકી છે. બાકી રહી ગયો છે એ પ્રેમ જે એણે તને કર્યો પણ તું તારી સત્યની ખોજમાં તેને ના કરી શક્યો. બાકી રહી ગઈ છે એ ભક્તિ અને તપસ્યા જે એણે તારી કરી પણ તું એની ના કરી શક્યો.’

‘તો હવે હું શું કરું..? હું અદિતિને લઈને અહીંથી દૂર જતો રહું છું. તેનો એક પતિ છે, એક સંતાન છે. હું એની સામે રહ્યો તો એનું જીવન બગાડી દઈશ. હું આજીવન તેનાથી દૂર રહીને તેને ચાહતો રહીશ. તેની એ રીતે જ તપસ્યા કરતો રહીશ જેમ તેણે

મારી કરી હતી.’

‘અને એમાં કૌશિકીનો શું ફાયદો થશે..?’ બ્રહ્મે પ્રતિ-પ્રશ્ન કર્યો.

‘એ એના પરિવાર સાથે સુખેથી જીવન વિતાવશે, જેમ એ મારા આવ્યા પહેલા વિતાવતી હતી. હું જે જાણી ચુક્યો છું તે એને ક્યારેય નહિ કહું.’

‘પતિ અને પરિવાર તો એને ગયા જન્મમાં પણ મળી ગયા હતા. તો પછી તે આ જન્મમાં ફરી તારા જીવનમાં કેમ આવી..?’ બ્રહ્મના આ સવાલ પર કેદાર કંઈ ન બોલી શક્યો.

બ્રહ્મનો અવાજ આગળ વધ્યો, ‘એ વિદેહી છે, કેદાર. એનો કોઈ દેહ નથી. તેનો બસ એક આત્મા છે જે તારા આત્મામાં મોક્ષ લેવા માટે તડપી રહ્યો છે અને જન્મ પર જન્મ ધારણ કરી રહ્યો છે. તેણે તને જે રીતે ચાહ્યો, જે રીતે તારી ભક્તિ કરી એ તું પતિરૂપે એના સાથે રહીને કરી શકે એમ નથી. એટલે એને દર વખતે બીજા કોઈની પત્ની બનીને તારી સામે આવવું પડે છે અને તારા પ્રેમ માટે તડપવું પડે છે. દરેક વખતે તે પોતાનાથી ઓછો પ્રાણ ધરાવતા કોઈ વ્યક્તિની પત્ની બને છે અને જીવનના અંતે તે વ્યક્તિના આત્માને પોતાના આત્મામાં મોક્ષ આપી દે છે. આ રીતે તેનો આત્મા પણ દરેક નવા જન્મ સાથે વિકસતો જાય છે. તે હવે કૃષ્ણા છે. બસ તેની શક્તિઓ મૂઢ સંસારી લોકો વચ્ચે રહીને દબાઈ ગઈ છે.

જે શક્તિઓ તું મેળવી ચુક્યો છે તેના પછી એને છોડીને તું જ્યાં પણ જઈશ, દુનિયાના કેન્દ્રમાં રહીશ. જેમ જેમ તારી શક્તિઓ ખીલતી જશે તેમ તેમ તેની તારા પ્રત્યેની તડપ વધતી જશે. તે તને મળી નહિ શકે, મેળવી નહિ શકે, બસ તડપતા તડપતા ગમે તે રીતે જીવન પૂરું કરશે. શું એ બરબાદ જીવન નહિ હોય..? એને ફરી એક જન્મ લેવો પડશે. ફરી બીજા કોઈની પત્ની બની તારી પાસે આવવું પડશે અને તારા માટે તડપવું પડશે. નહિ કેદાર. તારા આ જાણ્યા પછી તેની તડપની એક નવી ક્ષણ પણ આ સમગ્ર સૃષ્ટિની હાર છે. તેની તપસ્યાનું આ સમગ્ર બ્રહ્મ ઋણી છે. બધા કામ એક બાજુ પર રાખી પહેલા એની તડપ શાંત કર. ત્યારે જ આ સૃષ્ટિમાં ન્યાય અને સત્યની રક્ષા થશે.’

‘પણ કેવી રીતે..? એ પરણિત છે.’ કેદાર અકળામણ સાથે ધીમેથી બોલ્યો.

‘રામની મર્યાદા અને કૃષ્ણની ચેતનાનું મિશ્રણ છે તારામાં. એ બંને વચ્ચેનો જ કોઈ મધ્યમાર્ગ શોધ. સમય આવી ચુક્યો છે માનવસમાજને એ મધ્યમાર્ગી વ્યવસ્થા તરફ લઇ જવાનો. વિદેહી તો બસ એની નિમિત્ત છે.’

‘શું દુનિયા તૈયાર છે એના માટે..?’ કેદારે અવિશ્વાસથી પૂછ્યું.

‘મહાપુરુષો તૈયાર દુનિયામાં નથી આવતા. તે દુનિયાને ભવિષ્ય માટે તૈયાર કરવા આવે છે. જેને સમ્માનની લાલચ નથી અને અપમાનનો ભય નથી એ જ સત્યની સ્થાપના કરી શકે છે. તારે વિદેહી માટે એ મધ્યમાર્ગ જીવી બતાવવો પડશે. એમાં જ તમારા બંનેની મુક્તિ છે.’

આ છેલ્લો જવાબ આપી કેદારના અંદરથી આવતો એ બ્રહ્મનો અવાજ તેના અંદર જ શાંત થઇ ગયો. તેને સમજાઈ ગયું કે તેને એક ભગીરથ કાર્ય પાર પાડવાનું છે. પણ હાલ તેની પ્રાથમિકતા કૌશિકી હતી. તેણે તેને ફોન કર્યો અને એ બગીચામાં મળવા બોલાવી જ્યાં કેદાર, અદિતિ અને કૌશિકી ઘણીવાર મળતાં હતાં.

કેદાર બગીચામાં એક વૃક્ષની નીચે રાખેલી પાટલી પર બેઠો હતો. થોડીકવારમાં તેણે કૌશિકીને સામેથી આવતા જોઈ. તે નજીક આવતા કેદાર ઉભો થયો. બંનેની આંખો એકબીજા માટેનો લગાવ ભારે મથામણથી છુપાવી રહી હતી. કૌશિકી કેદારને જોઈને ખુશ થઇ પણ અંદરથી ગભરાવા લાગી. કેદારના સામે આવવાથી તેને પોતાના ભાવાવેશ પર કાબુ રાખવો મુશ્કેલ પડતો. આથી કેદારના સામે આવવાથી તે હંમેશા

બેચેની અનુભવતી અને તેના ગયા પછી પીડા અનુભવતી. બંને પાટલી પર બેઠા અને કૌશિકીએ હળવેથી પૂછ્યું, ‘કંઈ કામ હતું..?’

‘હા. પહેલા હું થોડીવાર બોલીશ અને હું બોલી રહુ પછી તું જે કહીશ તે સાંભળી લઈશ. ઓકે..?’

‘ઓકે..’ કૌશિકીએ ગભરાયેલા સ્મિત સાથે જવાબ આપ્યો.

‘હું તને પ્રેમ કરું છું કૌશિકી. બહુ જ. એની કોઈ સીમા નથી. હું નથી જાણતો મારા આ કહેવાનું પરિણામ શું આવશે. હું નથી જાણતો તું મારા વિષે શું વિચારીશ. મને હવે મારી પરવાહ નથી. મારા માટે તને આ કહેવું શ્વાસ લેવા કરતા પણ વધારે જરૂરી છે. મારે તારા પાસેથી કંઈ નથી જોઈતું. કોઈ જવાબ પણ નહિ. બસ હું ચાહું છું કે તને ખબર હોય કે હું તને બહુ જ પ્રેમ કરું છું. હું કાલે ચાહે ગમે ત્યાં હોય, દુનિયા મને ગમે તે નામે, ગમે તે રીતે બોલાવતી હોય, પણ યાદ રહે તારા માટે હું બસ તારો પ્રેમી છું. તારો ગુલામ છું જે તારી એક પુકાર સાંભળીને બધું છોડીને ચાલ્યો આવશે.’

કૌશિકી કેદારને એજ રીતે એકીટસે સાંભળી રહી જે રીતે બે સદી પહેલા વિદેહી સન્યાસ લેવા જઈ રહેલા દુર્ગાદાસને સાંભળી રહી હતી. બે સદીમાં સમયનું આખું ચક્ર ફરી ચૂક્યું હતું. તે સમયે વિદેહીના મનમાં અસહ્ય પીડા હતી, જયારે કૌશિકીનાં મનમાં અસહ્ય ભાવ અને પ્રેમ ઉભરાઈ રહ્યો હતો. ત્યારે દુર્ગાદાસ તેને છોડીને બીજું કંઈક મેળવવા જવાની વાત કરતો હતો. આજે કેદાર તેના માટે બધું છોડીને આવવાની વાત કરતો હતો. દુર્ગાદાસને વિદેહી માયા લાગી હતી અને તે એ માયાની ગુલામીમાંથી છૂટવા માંગતો હતો. જયારે કેદાર સામે ચાલીને તેનો ગુલામ બનવા આવ્યો હતો. આ એક સ્ત્રીની જન્મો જન્મ સુધી કરેલી એકધારી તપસ્યાનું પરિણામ હતું જેણે સ્વયઁ નારાયણ સ્થિતિના મનુષ્યને તેના માટે તડપતો અને ઝૂકતો કરી દીધો હતો.

કેદારના નક્કર સત્યથી ગુંજતા શબ્દો સાંભળી કૌશિકીનો તેના ભાવાવેશ પર કાબુ જતો રહ્યો. તેની આંખો ભરાઈ આવી. એ જોઈને કેદાર સમજી ગયો કે તેની હાલત શું છે. તે પાટલી પર તેના તરફ સરક્યો અને પોતાના બે હાથ વડે પ્રેમપૂર્વક કૌશિકીને તેના બે ગાલ પર સ્પર્શ કર્યો. કૌશિકીએ આંખોમાં આંસુ સાથે તેની સામે જોયું. કેદારે આંખો બંધ કરી તેના નાકને કૌશિકીના નાક સાથે લગાવ્યું અને પછી પોતાના લલાટને તેણીના લલાટ સાથે. કૌશિકીએ પણ પોતાની આંખો બંધ કરી દીધી અને જાણે બંને એકબીજાના પ્રેમને સ્વીકારવા સમાધિમાં જતા રહ્યા. થોડીવાર પછી કેદારે પોતાનું લલાટ સીધું કરી કૌશિકીના લલાટને પ્રેમથી ચુંબન કર્યું અને તેની આંખોમાં આંખો નાખીને કહ્યું, ‘આઈ લવ યુ’. આ સાથે કૌશિકીએ પોતાના પ્રેમ પરનું દમન હટાવી દીધું અને ‘આઈ લવ યુ ટુ..’ કહીને કેદારને જોરથી ભેટી પડી. તે પોતાના પરનો કાબુ ગુમાવીને રડી રહી હતી. તેને તેના પાછલા જન્મોની જાણ નહોતી પણ એ રુદન તેના આત્મામાંથી નીકળી રહ્યું હતું. જાણે સદીઓથી ચાલી આવતી તપસ્યાનો તે થાક ઉતારી રહી હતી. કેદારે તેનો એક હાથ કૌશિકીના માથા પર ટેકવી દઈ તેને રડવા દીધી. થોડીવાર પછી જયારે તે શાંત થઇ ત્યારે કેદારે તેના આંસુ લૂછ્યાં અને વૈદેહી-દુર્ગાદાસથી ચાલી આવતી તેમની વાર્તા કહી. તેણે કૌશિકીને સમજાવ્યું કે તેમને એકબીજા સાથે તો એક થવાનું જ છે પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેમના જીવનસાથીઓ સાથે એ ન થાય જે વિદેહી સાથે થયું. કેદારે તેને સંગીત અને યોગના એ માર્ગ શીખવ્યા જેનાથી તેઓ પોતાનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરી શકે. તેણે કહ્યું, ‘આપણો પ્રાણ જોડાયેલો છે કૌશિકી. જેમ જેમ આપણો પ્રેમ અભિવ્યક્ત થતો જશે તેમ આપણું જોડાણ પણ વધતું જશે. આપણા શરીરો વચ્ચેના અંતરનો કોઈ અર્થ નહિ રહે. આપણે આંખો બંધ કરીને જયારે ચાહીએ ત્યારે એકબીજાને જોઈ શકીશું, એકબીજાને ચાહી શકીશું અને એકબીજાથી વાત પણ કરી શકીશું. જયારે જયારે તારી આસપાસ ક્યાંય પણ કોઈ મિલન જુએ ત્યારે સમજજે કે પુરુષ -પ્રકૃતિ રૂપે આપણે બે મળ્યા.’

તે દિવસથી કૌશિકીની તપસ્યા અને પીડા શાંત થઇ ગઈ અને કેદારના આત્મા સાથે એક થઇ જવાનો પ્રેમયજ્ઞ શરુ થયો. પ્રેમ પરનું દમન હટી જતા જન્મોની તપસ્યાથી વિકસિત બનેલો તેનો આત્મા ખુલવા લાગ્યો. હવે તે કૃષ્ણા હતી, સ્ત્રી વિષ્ણુ. હવે તેનો અને કેદારનો પ્રેમ વધુને વધુ ગાઢ તથા દિવ્ય થવા લાગ્યો. તેમનો પ્રાણ વધુને વધુ જોડાતો ગયો અને તેમની ચેતના એકબીજામાં પ્રસરતી ગઈ. હવે તેમનું તેમના પ્રેમ પરનું દમન હટી જતા તેઓ પોતાના જીવનસાથીને પણ એ પ્રેમ આપવા સક્ષમ બન્યા જે પતિ-પત્નીના એક બનેલા પ્રાણને સમાધિમાં ટકાવી રાખે. અદિતિ હવે કેદારની એ મિત્ર બની જેવી તે બનાવવા માંગતો હતો. પણ જેમ જેમ કેદારનું જીવનકાર્ય આગળ વધતું ગયું અને તેની શક્તિઓ ખીલતી ગઈ તેમ તેમ અદિતિ તેની મિત્રમાંથી ભક્ત બનતી ગઈ અને કૌશિકી ભક્તમાંથી મિત્ર. કેદારે અદિતિને એ બધું આપ્યું જે દુર્ગાદાસ વિદેહીને નહોતો આપી શક્યો. તે હંમેશા અદિતિ સાથે રહ્યો અને પોતાના પ્રેમ અને શરીરથી અદિતિની તેનાથી લાગેલી સમાધિ તૂટવા ન દીધી. તેણે તેમના સંતાનો કરતા પણ પહેલા અદિતિને પોતાના પ્રાણમાં સાચવી રાખી. બીજી બાજુ કૌશિકીએ પણ તેના જીવનસાથીને એક માતા બાળકને સાચવી રાખે તેમ પોતાના પ્રાણમાં સાચવી રાખ્યો. પણ સૃષ્ટિના કણ કણ વચ્ચે થતો પુરુષ પ્રકૃતિનો સનાતન પ્રેમ કેદાર અને કૌશિકી વચ્ચે ધબકતો રહ્યો.

પોતાના જીવનસાથીના શરીરથી સમાધિમાં રહ્યા પછી તેમનો જે પ્રાણ અતૃપ્ત રહેતો તે તેમની એકબીજા સાથેની પ્રેમમય સમાધિથી જોડાતો. રાતે પોતાના પરિવારને આલિંગન આપીને સૂતી વખતે જયારે તે આંખો બંધ કરતા ત્યારે એકબીજા સાથે મનમાં વાત કરતા અને એકબીજાના આત્મા સાથે પ્રેમમય સમાધિ લગાવીને સુઈ જતા. આમ તેમની સંપૂર્ણ સંતૃપ્તતા એકબીજાથી આવતી. આ રીતે, તેમનો સામાજિક સબંધ કૃષ્ણ અને દ્રૌપદીની જેમ મિત્રતાભર્યો બન્યો જ્યાં એકબીજાની સામાજિક અને અંગત મુશ્કેલીઓમાં મદદ માટે સૌથી પહેલા તે એકબીજાને યાદ કરતા. જયારે તેમનો અંગત સબંધ રાધા-કૃષ્ણની જેમ દિવ્ય પ્રેમીઓનો બન્યો.

આ રીતે વર્ષો વીતતા ગયા. અદિતીનો કેદારમાં અને કૌશિકીના પતિનો કૌશિકીના આત્મામાં મોક્ષ થયો. આ કારણે તેમના આત્મા પણ વિકસ્યા. કેદાર હવે તેના નામ મુજબ વિષ્ણુમાંથી શિવ બન્યો અને કૌશિકી પણ તેના નામ મુજબ કૃષ્ણામાંથી કૌશિકી એટલે કે દુર્ગા-શક્તિ બની. સંસારના વચ્ચે રહીને સૃષ્ટિના પ્રત્યેક કંપન સાથે, પવનના દરેક સુસવાટા સાથે અને પશુ-પક્ષીઓના પ્રત્યેક ગુંજન સાથે તેમણે એકબીજા પ્રત્યે પ્રેમને અભિવ્યક્ત કર્યો. સૃષ્ટિના એ સનાતન સંગીતથી તેમના આત્મા એક થતા ગયા. અને જયારે તે એકત્વ માટે શરીર બાધા બન્યું ત્યારે કૌશિકીના આત્માએ તેનું શરીર છોડી દીધું અને પોતે કેદારના આત્મામાં ભળી ગયો. આ ઘટના સાથે જ કેદારે સંસારમાંથી પોતાની તમામ લીલાઓને સમેટી લીધી અને હિમાલય તરફ પ્રયાણ કર્યું.

આખરી યાત્રા:

કેદાર હિમાલયની તળેટીના એ સ્થાને આવ્યો જ્યાં દુર્ગાદાસે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેણે તે તળેટીથી હિમાલયની ટોચ તરફ ચાલવાનું શરુ કર્યું. તેના દરેક ડગલા સાથે તે એ સંસારને હંમેશા માટે પાછળ છોડી રહ્યો હતો જ્યાં કેટલાક લોકો તેને ઈશ્વર કક્ષાનો અવતારી પુરુષ માનતા હતા તો કેટલાક તેને પાખંડી અને ચાલબાજ માનતા હતા. કેટલાક તેના ભક્ત હતા તો કેટલાક તેના દુશ્મન હતા. પણ તેના માટે તે બંને હંમેશા સમાન રહ્યા હતા. કારણ કે સમ્માનનો મોહ અને અપમાનનો ભય ત્યાગીને જ તો તેણે એ બધા ધર્મસંસ્થાપનના કર્યો કર્યા હતા. તેણે માનવજીવન, સમાજજીવન, વિજ્ઞાન અને રાજનીતિના અનેક સાંપ્રત પ્રવાહોને એક નવી દિશા તરફ વાળ્યા હતા. પણ સંસારને પોતાના સંદેશ તરીકે એક જ મૂળ વાત કહી હતી, ‘સૃષ્ટિને ચલાવનારું વિજ્ઞાન જ આપણો ઈશ્વર છે. તે વિજ્ઞાનને જાણવું આધ્યાત્મ છે, તેને અનુસરવું ધર્મ છે અને સ્વયઁ તે વિજ્ઞાનના સ્ત્રોત બની જવું એ મોક્ષ છે.’

પણ આ બધા મહાન કાર્યો ક્યારેય તેના જીવનનો મુખ્ય સંતોષ નહોતા રહ્યા. તેના જીવનનો મુખ્ય સંતોષ એ હતો કે તેણે વિદેહીને કૌશિકી રૂપે પોતાના આત્મામાં પાછી મેળવી લીધી. તેના જીવનનો મુખ્ય સંતોષ એ હતો કે તેણે અદિતિને વિદેહી ન બનવા દીધી. આજે જયારે તે જીવનની છેલ્લી યાત્રા પર નીકળ્યો હતો ત્યારે પણ તે બંને તેના આત્મામાં હાજર હતી. તેમની સાથે તેના આત્મામાં કૌશિકીના બે જન્મના બે જીવનસાથી હતા જેમને કૌશિકીએ પોતાના આત્મામાં મોક્ષ આપ્યો હતો. તો એ આત્મામાં કેદારના માતા-પિતા પણ હતા જેમણે સમગ્ર જીવન કેદાર પ્રત્યેના પ્રેમ અને પરિશ્રમમાં વિતાવ્યું હતું. આજે તે બધા કેદારના આત્મામાં એક સાથે હિમાલયની ટોચ તરફ દરેક ડગલું ભરી રહ્યા હતા. મોટાભાગના જીવન દરમિયાન કેદાર એ જ માનતો રહ્યો હતો કે મનુષ્ય મોક્ષ આત્મજ્ઞાન મેળવીને જ મેળવી શકે છે. પણ હવે તે સમજ્યો હતો કે જયારે વિષ્ણુ અને શિવ સ્થિતિના મનુષ્યો ધરતી પર આવે છે ત્યારે તેમનો આત્મા એક મોટા જહાજ જેવો હોય છે. જે પણ સત્યની ચેતના સાથે તેમનામાં પૂર્ણ પ્રેમ અને સમર્પણ દર્શાવે છે તે તેમના એ આત્મારૂપી જહાજમાં બેસી જાય છે.

આ વિચારો સાથે જેમ જેમ કેદાર હિમાલયની એ બરફથી આચ્છાદિત ટેકરીઓ ચડતો ગયો તેમ તેમ અતિશય ઠંડીથી તેનું શરીર બહારથી થીજવા લાગ્યું અને અંદરથી પ્રચંડ અગ્નિ ભભૂકવા લાગ્યો. હવે એ અગ્નિ જ કેદાર હતો. પરિસ્થિતિઓ વિસમ થતી ગઈ પણ તેણે ચાલવાનું ન છોડ્યું. એક સમય આવ્યો જયારે શરીર બરફથી થીજીને પાછળ રહી ગયું અને કેદાર અગ્નિના ગોળા રૂપે આગળ નીકળી ગયો. તેણે એક ક્ષણ માટે પણ પાછળ ન જોયું. તેણે હવે હિમાલય જ નહિ, પૃથ્વીનું વાતાવરણ પણ ઓળંગી દીધું. તેણે અસંખ્ય બ્રહ્માંડો ઓળંગ્યા અને આખરે સૃષ્ટિના કેન્દ્રમાં આવેલા પરમધામમાં પોતાની એ ઉર્જાને ભેળવી દીધી. આમ, તેનો એ વિશાળ આત્મા બ્રહ્મ સાથે એક થઇ સમગ્ર સૃષ્ટિમાં એકસાથે એક સ્પંદનથી ધબકવા લાગ્યો. તે આત્મામાં સમાયેલા ભિન્ન ભિન્ન જીવનો અને તે જીવનો વચ્ચે જીવાયેલી સુખ-દુઃખની અસંખ્ય પળો ફક્ત રંગમંચ પરનો અભિનય સાબિત થઇ. અને તેમનું આ એકત્વ તેમના જીવનનું આખરી સત્ય સાબિત થયું. આ એકત્વ મેળવવામાં બે કાર્યોનો મુખ્ય ફાળો હતો. એક દુર્ગાદાસની સત્યની ખોજ અને બીજું વિદેહીનો સમર્પિત પ્રેમ. કેદાર અને કૌશિકીના જીવનમાં જયારે આ બે કાર્યોનું મિલન થયું ત્યારે તે આત્માઓ એક બની સ્વયઁ સંસારનું આખરી સત્ય બની ગયા.

લગ્ન પહેલા કેદારને પહેલું ચુંબન કરીને અદિતિ જે બોલી હતી તે જ નિયતિ સાબિત થઇ, ‘આ કોઈ વાસના નથી. આનો અર્થ છે કે મારે હવે તને કૌશિકીથી મળાવવાનો છે.’ અદિતિ આ એકત્વનો મુખ્ય પુલ હતી.

October 07 / 2017 /On Pratilipi.com Gujarati

વિદેહી ભાગ ૨ - કૃષ્ણાનું નિર્માણ

રાકેશના ઘરનું સંપૂર્ણ ધંધામય અને રૂઢિવાદી વાતાવરણ કૌશિકીના વિચારશીલ સ્વભાવથી ઘણું વિપરીત હતું. આ વાતાવરણને સેટ થવાની કોશિશોમાં જ તે સમય સાથે વધુ શાંત અને ઊંડી થતી ગયેલી. કોલેજમાં રાકેશ તેનો બે વર્ષ સીનીઅર હતો. ભણવામાં મધ્યમ હોવા છતાં તેના ધનાઢ્ય પિતાએ લાખો રૂપિયા ભરી તેને એમબીબીએસ કરવા મોકલી દીધેલો. જયારે કૌશિકી એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી હતી અને ભણતરનો અમુક ખર્ચો પણ પોતાની સ્કોલરશિપમાંથી કાઢતી. કૌશિકીની હોંશિયારી અને સુંદરતાથી આકર્ષાયેલા રાકેશે જયારે તેને પ્રપોઝ કર્યો તો કૌશિકીને તે એક અમીર ઘરનો

સીધો સાદો છોકરો લાગ્યો. બંનેની બુદ્ધિક્ષમતા વચ્ચે તો અંતર હતું પણ જેમ મોટાભાગની સ્ત્રીઓ લગ્નનો નિર્ણય પોતાની આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ કરે છે તેમ કૌશિકીએ પણ રાકેશને લગ્ન માટે હા પાડી દીધેલી.

રાકેશે એમબીબીએસ પતાવીને પિતાનો બિઝનેસ જ અપનાવી લીધેલો. કૌશિકી તેના માટે જીવનની એક મોટી ઉપલબ્ધી સમાન હતી. કારણકે તે એની લાયકાતથી ઘણી વધારે મળેલી વસ્તુ હતી. બંગલા, ગાડીઓ અને જવેલરીમાં લદાયેલું, વર્ષે બે વર્ષે વિદેશોમાં હોલીડે ટ્રીપો મારતું અને ધંધાની સફળતા માટે અનેક દેવીદેવતાઓને અંધશ્રદ્ધાથી પૂજતું એ ઘર હતું. છતાંય કૌશિકીમાં એક છૂપો અસંતોષ હતો જેનું કારણ તે પોતે પણ નહોતી જાણતી. પણ આજે એ અસંતોષ ખતમ થઇ ચુક્યો હતો કારણ કે કેદારે તેનું કારણ ખતમ કરી દીધું હતું. આજે સાંજે જયારે તે ઘરે આવી તો તે અત્યંત ખુશ હતી. તે રાકેશને સામે ચાલીને બિઝનેસવાળી સામાજિક વાતોથી મુક્ત કરી સહેલાવા લાગી. રાકેશને પત્નીનો આ બદલાવ પસંદ આવ્યો. તેણે કારણ પૂછ્યું તો કૌશિકીએ કહ્યું, ‘બસ હવે જે છે તેને પુરી રીતે માણી લેવું છે.’ રાકેશે તેની આ જીવંતતાને વેડફવાની ભૂલ ન કરી. તેણે તરત કૌશિકીને ખેંચીને પોતાના પાસે ગોઠવી દીધી. પણ આજે કૌશિકી તેના કરતા વધુ ઉર્જાવાન અને કામુક હતી. તે જાણે આજે જ રાકેશને પોતાનામાં સમાવી લેવા માંગતી હતી. પણ એ કોશિશ ચરમસીમા આવતા જ નિષ્ફળ ગઈ. એ પછી પણ બંને થોડો સમય એકબીજાના સહવાસમાં રહ્યા પણ આ સમયે રાકેશનું મન ધંધામાં ચાલ્યું ગયું હતું અને કૌશિકીનું કેદારમાં. તેને બપોરે કેદારે કરેલી વાતો અને પોતાના લલાટ પર કરેલું ચુંબન યાદ આવવા લાગ્યું હતું. તેણે રાકેશના શરીરને કેદારનું શરીર માની આલિંગન કર્યું પણ તેની વ્યાકુળતા ન ગઈ. તેણે આલિંગન હટાવી લીધું અને બીજી બાજુ ફરીને સુઈ ગઈ.

બીજી બાજુ કેદાર આ જ સમયે તેના બેડરૂમમાં ધ્યાનમાં બેઠો હતો. બાજુમાં અદિતિ સુતેલી હતી અને તેનો એક હાથ ધ્યાનમાં બેઠેલા કેદારના સાથળ પર હતો. કેદારને પણ ઘરે આવ્યા પછી ચેન નહોતું. તેનામાં પણ એકબાજુ કૌશિકીને પ્રેમનો એકરાર કરી દીધો હોવાનો સંતોષ હતો તો બીજી બાજુ કૌશિકીના સાનિધ્યમાં રહેવાની તડપ હતી. પણ તેણે કૌશિકીની જેમ આ ઉર્જાને સંભોગમાં ન ઠાલવી. તે શાંતિથી અદિતિ પાસે આવીને બેઠો અને તેણે કૌશિકી જ વિદેહી હોવાની અને પોતે તેના સામે પ્રેમનો એકરાર કર્યો હોવાની વાત કરી.

કેદાર પ્રમાણિકભાવથી તેની સામે જોઈને બોલ્યો, ‘મને એનાથી બહુ પ્રેમ અનુભવાઈ રહ્યો છે અદિતિ. હું નથી ચાહતો કે મને તારા સિવાય કોઈનાથી પણ પ્રેમ થાય. પણ એ મારા મનમાંથી નીકળતી નથી. આ મારા આત્મામાંથી નીકળતી નૈસર્ગીક અનુભૂતિ છે અને એટલે એ સૃષ્ટિનું વિજ્ઞાન છે. મારે એને આખરી સ્થિતિ સુધી ચકાસવાનું છે. હું એને ના દબાવી શકું છું, ના તારાથી છુપાવી શકું છું. આ સત્ય છે અને હું એ સત્ય સાથે તારી શરણમાં છું. તું મારા જીવનનો આધાર છે અદિતિ અને કૌશિકી આનંદ. જો હું તારો આધાર છું તો હું તને તારો આનંદ મેળવી લેવાની છૂટ આપું છું. હું તારા એ આનંદની આજીવન રક્ષા કરીશ.’

અદિતિ થોડા વ્યાકુળ ચિત્તે તેને સાંભળી રહી અને પછી બોલી, ‘તારી શાંતિ જ મારા માટે આનંદ છે. જો મારો આધાર અશાંત હશે તો મારો આનંદ છીનવાઈ જશે. એટલે તને જે શાંતિ આપે એ કાર્ય કર. અને જે તને અશાંત બનાવે એ કાર્યથી દૂર રહે. બસ આ વિષયમાં મારે આટલું જ કહેવું છે.’ અદિતીનો આ જવાબ વિજ્ઞાનાનંદ અને લક્ષ્મીની ઊંડી આધ્યાત્મિક મિત્રતાનું પ્રતિબિંબ હતો. કેદારે આ સાંભળી તેના ગાલ પર હાથ મુક્યો અને તેના લલાટ પર પ્રેમથી ચુંબન કરી તેને સુવાડી દીધી. તે તેના બાજુમાં ધ્યાનમાં બેઠો અને અદિતિ ધ્યાનમાં બેઠેલા કેદારના સાથળ પર હાથ મૂકી સુઈ ગઈ. કેદારે કૌશિકીનું ધ્યાન ધર્યું અને તેના સામે પ્રેમ અને સમર્પણ પ્રગટ કર્યું. તેણે ધ્યાનમાં જોયું કે કૌશિકી જે વાતાવરણમાં છે ત્યાં આ સહજતા શક્ય નથી અને તે હજી કેદારનું ધ્યાન ધરવા તૈયાર નથી. એટલે હવેથી તે કૌશિકીની પીડા શાંત કરવા દિવસમાં એકવાર તેને મેસેજ કરી તેના હાલચાલ પૂછી લેતો. ક્યાંક તે, અદિતિ, કૌશિકી અને રાકેશ લંચ કે ડિનર કરવા એકઠા થતા, તો ક્યાંક સાથે ફરવા જતા. એકવાર આવી જ એક મુલાકાતમાં કેદાર અને કૌશિકીને વાતચીત કરવા માટે એકાંત સમય મળ્યો તો તેમણે જીવન વિષે ચર્ચા કરી. કેદારે કહ્યું,

‘જીવનમાંથી કોઈપણ ભોગે આનંદ નષ્ટ ન થવો જોઈએ સખી.’ કેદાર હવે તેની કૌશિકી પ્રત્યેની મિત્રતાના કારણે ઘણીવાર તેને ‘સખી’ કહેવાનું પસંદ કરતો, તો સામે કૌશિકી પણ ઘણીવાર તેને ‘સખા’ કહીને જવાબ આપતી. ‘જો આનંદ ખતમ થઇ ગયો તો જીવન ખતમ થઇ ગયું. એ દરેક માર્ગ જ્યાં આગળ જતાં આનંદ નષ્ટ થઇ જતો હોય તે માર્ગ ખોટો છે. આનંદ સતત ટકી રહે તેવો શાશ્વત માર્ગ શોધતા રહેવું જોઈએ.’

‘એ શાશ્વત માર્ગ કયો છે..?’ કૌશિકીએ પૂછ્યું.

‘લીલાઓ.’ કેદાર બોલ્યો.

‘મતલબ..?’ કૌશિકીએ ન સમજાયું હોવાનો ઈશારો કર્યો.

‘લીલા એટલે અભિનય. જયારે આપણને ખબર હોય કે જે કાર્ય આપણે કરી રહ્યા છીએ તે શાશ્વત નથી, તે ફક્ત ક્ષણિક આનંદ કે શોક આપનારું છે, ત્યારે તે કાર્યને અભિનય કરતા હોઈએ તેમ કરવું જોઈએ અને પોતાનો આનંદ જેમાં હોય ત્યાં સ્થિત રહેવું જોઈએ. પોતાના આનંદની સ્થિતિ પર સ્થિર રહીને દરેક સાંસારિક કાર્યને શ્રેષ્ઠ અભિનય સાથે ઓતપ્રોત થઈને કરવું એ જ લીલા છે.’ કેદારે પોતાના કૃષ્ણજીવનનો સાર કહ્યો.

પણ રાકેશને કેદાર અને કૌશિકીની મૈત્રી હવે પસંદ નહોતી આવતી. તેના માટે કૌશિકી એકસમયે તેની સૌથી મોટી ઉપલબ્ધી હતી. પણ સમય સાથે દામ્પત્યસુખ ભોગવી લીધા પછી તે હવે એક સાંસારિક પતિ હતો જેના માટે તેની પત્ની તેની ઈજ્જત અને અભિમાનનો વિષય હતી. તે આજસુધી કૌશિકીને તેના મિત્રવર્તુળ અને બિઝનેસ વર્તુળના પુરુષો સાથે ફ્રેન્ડલી બનીને વાતો કરવા ધકેલતો રહ્યો હતો. પણ કેદાર સાથેની કૌશિકીની મિત્રતા તેને હેરાન કરી રહી હતી. તે મનોમન કેદારથી હરીફાઈ કરવા લાગેલો. તે હવે કૌશિકી સામે કેદારની વાતોને અવગણવા લાગતો, ક્યાંક તેની નિંદા કરતો. તે હવે કૌશિકી પર પોતાની માલિકી સુનિશ્ચિત કરવા તેના સાથે જાહેરમાં પ્રેમનો એકરાર અને સ્પર્શ કરવા લાગતો, તો રાતે તેના શરીર પર અધિકાર મેળવવાની સામાન્યથી વધુ કોશિશ કરતો. કૌશિકી કેદારના આધ્યાત્મિક ચેતનાવાળા વિચારો અને પોતાના ઘરના ટિપિકલ સાંસારિક વિચારો વચ્ચે સતત પીસાઈ રહી હતી. રાકેશને વધુ સંભાળવા જતી તો કેદારની તલપ તેના અંદર વધુ સળગી ઉઠતી અને કેદાર પર વધારે ધ્યાન આપતી તો રાકેશના અને સમાજના વિચારો તેને હેરાન કરી દેતા. ક્યાંક કેદારની વાતે તેના અને રાકેશ વચ્ચે નાનો ઝઘડો થઇ જતો. તે હવે આ બેવડા જીવનથી થાકવા લાગી. તેને હવે ફરી પાછું તેનું જૂનું સીધું-સરળ પણ સુરક્ષિત જીવન પાછું મેળવી લેવું હતું, જ્યાં અસંતોષ અને છીછરાપણું હતું પણ લોકઉપેક્ષાનો કે નૈતિકતાનો ડર નહોતો.

બીજી બાજુ કેદાર રાતે અદિતિને પોતાની છાતી પર માથું રાખીને બાથમાં લઈને સુવાડતો અને તેના માથા પર હાથ ફેરવતો ફેરવતો ધ્યાનમાં કૌશિકીની હાલત જોતો રહેતો. તે કૌશિકીને જોઈને મનોમન હસી રહ્યો હતો. તેને પોતાના ભૂતકાળની એ જ મનોસ્થિતિ યાદ આવી રહી હતી જયારે તે પણ તેના મહાન વિચારોથી છૂટીને એક સામાન્ય માણસ જેવું જીવવા અને વિચારવા માંગતો હતો. તેણે પણ સત્યની રાહ પરના પુરુષાર્થ અને સંઘર્ષથી ભાગવાની ઘણી કોશિશ કરી હતી. પણ તેનો અનુભવ કહેતો હતો કે જો તમારા અંદર એ મહાન શક્તિઓ સક્રિય થઇ ગઈ છે તો તમે એને લાંબો સમય દબાવી નહિ શકો. તેને દબાવવા જતાં તે તમારા જ વિરુદ્ધ થઇ જશે અને તમને ના ઘરના ના ઘાટના કરી મુકશે. અમુક સમય પછી તમે વધુ દુઃખી થઈને એ સમજી જશો કે તમારા માટે એક જ માર્ગ છે, અને તે છે આગળ જવાનો. તે મનોમન હસી રહ્યો હતો કારણ કે વિદેહીએ કરેલી તપસ્યાને તો તેણે અનુભવી લીધી હતી, પણ હવે દુર્ગાદાસના આત્માએ કરેલી તપસ્યાને કૌશિકીએ અનુભવવાની હતી. તેમના એકબીજામાં મોક્ષ થવા માટે તેમનો આ હિસાબ પણ લેવલ થવો જરૂરી હતો.

બીજા દિવસે કૌશિકીએ કેદારને ફોન કર્યો અને એ બાગમાં મળવા બોલાવ્યો જ્યાં તે મળ્યા હતા. તેણે કેદારને કહ્યું, ‘હું આ બેવડું જીવન જીવીને થાકી ગઈ છું કેદાર. તેં મારાથી વધારે જ અપેક્ષાઓ રાખી લીધી છે. હું એક સીધી સાદી છોકરી છું જે તેનું સીધું સાદું જીવન જીવી લેવા માંગે છે. હું તને પ્રેમ કરું છું, પણ તું જે જીવન જીવી રહ્યો છે એના હું લાયક નથી. મારુ જીવન અલગ છે. હવે હું નહિ મળું.’

કેદાર એને એ રીતે જ ચુપચાપ સાંભળી રહ્યો જેમ બે સદી પહેલા વિદેહી તેને છોડીને જતા દુર્ગાદાસને ચુપચાપ સાંભળી રહી હતી. તે જાણતો હતો કે આ ક્ષણ આવવાની છે. તે એના માટે તૈયાર હતો, પણ છતાંય એને એટલી જ ભયંકર પીડા થઇ જેટલી સદીઓ પહેલા વિદેહીને થઇ હતી. બસ એક નાની સાંત્વના એને એ થઇ કે ‘ચલ, આ ઋણ પણ ઉતરી ગયું.’

તેણે પોતાના રૂંધાઇ ગયેલા અવાજને એક હળવા ખૂંખારા સાથે જગાડીને કહ્યું, ‘મેં તો તારા પાસેથી કંઈ ચાહ્યું જ નથી. મેં તે દિવસે પણ તને એ જ કહ્યું હતું અને આજે પણ એજ કહું છું કે હું તને બહુ પ્રેમ કરું છું. તારા માટે મારે આવા એક હજાર જન્મ લેવા પડ્યા તો પણ હું એ લઈશ અને તડપીશ. પણ તને શાંતિ મળે એ રીતે જીવવા તું સ્વતંત્ર છે. હું જયારે કોઈને પ્રેમ કરું છું ત્યારે એને ગુલામ નથી બનાવતો. પણ નિયતિથી કોઈ ભાગી નથી શકતું કૌશિકી. એટલે ભવિષ્યમાં ક્યારેય જો તારા દુઃખો વધી જાય અને માર્ગ ખોવાઈ જાય તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અડધી રાતે મને યાદ કરજે.’ આટલું કહીને કેદાર તેની નજર સામે જ આગળ ચાલતો થયો અને ત્યાંથી નીકળી ગયો. આ વખતે નીકળતી વેળાએ તેણે કૌશિકી સાથે લલાટ ન ટેકવ્યું. તે તેને પોતાનાથી દૂર જવાનો પૂરો અવકાશ આપવા માંગતો હતો.

પણ ઘરે આવીને તે બહુ ઉદાસ હતો. તેણે તેનું રુદન મુશ્કેલીથી દબાવી રાખ્યું હતું. અદિતિ તેને જોતા જ તેની હાલત સમજી ગઈ. તે તેની પાસે આવી અને ખભા પર હાથ મૂકતાં બોલી, ‘મેં તને કહ્યું હતું. જો મારો આધાર અશાંત હશે તો મારો આનંદ છીનવાઈ જશે.’

કેદારે તેની સામે જોયું. તેની આંખો ભરેલી હતી. ‘તે મને એનાથી કેમ મળાવ્યો અદિતિ..?’

‘ખબર નહિ. બસ એટલું જાણું છું કે તને આ રીતે તડપાવવા માટે તો નહિ મળાવ્યો હોય. તેને સમય આપ.’

કેદારને અદિતિના શબ્દોથી કંઈક શાંતિ મળી. તેણે અદિતિને જોઈને પ્રેમમય સ્મિત આપ્યું.

‘ચલ, સમાધિ લગાવીએ.’ કહીને અદિતિએ તેના વસ્ત્ર કાઢી દીધા અને પોતાની પીઠ કેદાર તરફ કરીને તેના બે પગ વચ્ચે ગોઠવાઈ ગઈ. તેણે કેદારના બે હાથ પોતાની છાતી પર લઇ લીધા અને તેના મોબાઈલમાં એક મંત્રધૂન શરુ કરી. તેણે પોતાનો હાથ પાછળ તરફ લઇ જઈ કેદારના ગાલ પર મુક્યો. બંનેએ એકબીજાને માથું ટેકવી દીધું અને આંખો બંધ કરીને સમાધિમાં લિન થયા.

બીજી બાજુ કૌશિકી જાણે પોતાના પરથી કોઈ મોટું ભારણ ઉતારી આવી હોય તેમ રાકેશ સાથે પહેલાની જેમ વર્તવા લાગી. રાકેશને પોતાની પત્ની પહેલા જેવી જ પાછી મેળવીને ખુશી થઇ. તે પહેલાની જેમ જ તેના સંતાનોમાં અને ઘરસંસારમાં ખોવાઈ ગઈ. તે અને રાકેશ ફરી એક લાંબી વિદેશયાત્રાએ જઈ આવ્યા. દિવસો, અઠવાડિયા અને મહિના વીત્યા. કૌશિકી ખુશ હતી. પણ જયારે પણ તે નવરી પડતી તરત તેના મનમાં કેદારની યાદ ઉપસી આવતી. અને તે એને ભૂલવા બમણા જોરથી તેના સંસારને ભોગવવાની કોશિશ કરતી. એની મનોવ્યથા કંઈક એવી થઇ ચુકી હતી જેવી સંસાર ત્યાગવાથી બચવાના આખરી ઉપાય તરીકે વિદેહીને ભોગવતા દુર્ગાદાસની હતી. પણ જેમ જેમ સમય ગયો તેમ કૌશિકીની કેદારને ભૂલવાની અને સંસારને ભોગવવાની શક્તિ ક્ષીણ થતી ગઈ. તે પોતાના આત્મા વિરુદ્ધ વર્તી રહી હતી. તેને હવે કેદારની ઈર્ષા થવા લાગી હતી. આજસુધી રાકેશથી લઈને અદિતિ સુધી બીજા કોઇને કેદારની ઈર્ષા નહોતી થઇ. લોકોને બસ તેની સામે એક લઘુતાગ્રંથિ અનુભવાતી. કોઈ તેની શરણમાં આવી જતા તો કોઈ ‘તે તેનું કામ કરે છે અને હું મારુ કામ કરું છું.’ એ તર્કથી પોતાની શાંતિ મેળવતા. પણ કૌશિકી એવી પહેલી વ્યક્તિ હતી જેને કેદારથી ઈર્ષા થઇ. કારણ કે બંનેની શક્તિ સમાન હતી. તેને થવા લાગ્યું હતું કે કેદારે તેના જીવનને કેટલી ઊંચાઈ પર લાવી દીધું છે અને હું હજી આ સંસારમાં પશુઓની જેમ પેટ ભરવા જીવી રહી છું. રાકેશની એ ઊંડાણ હીન સાંસારિક વાતો સામે હા માં હા મિલાવવી હવે તેના માટે અશક્ય હતી.

સામે કેદારે ધ્યાનમાં કૌશિકીને જોવાનું બંધ કરી દીધું હતું. કારણ કે કૌશિકીની યાદ જ તેને સતત પીડા આપી રહી હતી. તે કોઈ વિષય પર પૂરું ધ્યાન આપી નહોતો શકતો. જેમ શરીરનું કોઈ અંગ દુખતું હોય અને માણસનું ધ્યાન ત્યાંનું ત્યાં રહે તેમ કેદારનું ધ્યાન સતત તેના હૃદયમાં થઇ રહેલી પીડામાં રહેતું. તેના અંદર પેલો બ્રહ્મનો અવાજ હવે સતત તેના સાથે રહેતો હતો.

‘મારાથી હવે અહીં નથી રહેવાતું. મારા માટે માર્ગ ખોલી દો. નીકાળો મને અહીંથી.’ તે બ્રહ્મને સતત કહેતો રહેતો.

‘તેને આ હાલમાં છોડીને જવાય એમ નથી. તું જાણે છે. સમય જવા દે કેદાર. પોતાના બ્રહ્મસ્વરૂપમાં લીન રહે. વારંવાર મને જીવંત ન થવા દે.’ બ્રહ્મે કહ્યું.

‘એ જ તો નથી થતું હવે મારાથી.’ કેદાર પીડા સાથે બોલ્યો.

કૌશિકીની હાલત હવે ખરાબ હતી. તેને તેનો સંસાર એક બંધન લાગવા લાગ્યો હતો અને તે ક્યાંક ખુલ્લામાં એક શાંતિનો શ્વાસ લેવા તડપી રહી હતી. જેમ જેમ તેનું જીવન વીતી રહ્યું હતું તેમ તેના અંદર એક ડર સતત વધી રહ્યો હતો કે તે આવી અર્થહીન જિંદગી જીવીને મરી જશે. પોતાની અર્થહીન લાગતી જિંદગીથી છેલ્લી છેલ્લી પકડ જકડી રાખવા તેણે રાકેશ અને તેના સંતાન પ્રત્યે મમત્વ વધાર્યું. પણ આ બધું કંઈ મદદે ન આવ્યું. તેને થયું કે તે તેના સંતાનને પણ આવા જ નિરર્થક જીવન તરફ ધકેલી રહી છે જે પશુઓની જેમ આજીવન પેટ ભરીને મરી જવાથી વધારે કંઈ નથી. તેણે તબિયત સારી ન હોવાનું બહાનું કાઢીને ક્લિનિકમાં જવાનું બંધ કરી દીધું. એક રાતે જયારે રાકેશ ધંધાના કામે બહાર ગયેલો હતો ત્યારે તેની મહિનાઓથી ભેગી થયેલી અકળામણ એટલી વધી ગઈ કે તે સુતા સુતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેનું આક્રંદ એટલું ભયાનક હતું કે તેના મનમાં અચાનક એક ચકચકિત પ્રકાશ ઉત્પન્ન થઇ ગયો જે તેની રડતી બંધ આંખો પાછળ આવ્યો. તેણે આંખો ખોલી તો ઓરડામાં ચારેબાજુ ફક્ત પ્રકાશ જ હતો. એ પ્રકાશમાં તેને વિદેહી દેખાઈ. દુર્ગાદાસનું ત્યાગ અને યાતનાઓથી ભરેલું તપસ્વી જીવન દેખાયું, તેનો અભિનેત્રીવાળો જન્મ અને તે અભિનેતા સાથે તેના પ્રણય-વિરહના દ્રશ્યો દેખાયા. અંતે તે બધા ચહેરા કેદારમાં ભળી ગયા. હવે તે પ્રકાશમાં કેદાર જ હતો કે તે પ્રકાશ જ કેદાર હતો. તે ભેદ પારખી ન શકી. અમુક સમય પછી સ્થિતિ સામાન્ય થતા તે શાંત મને તેના પલંગ પર બેઠી હતી. તેણે ઘડિયાળમાં જોયું તો મદ્યરાતના બે વાગ્યા હતા. તેને કેદારથી વાત કરવાની ઈચ્છા થઇ હતી. કેદારના છેલ્લા શબ્દો તેને યાદ આવ્યા, ‘…. દુઃખો વધી જાય અને માર્ગ ખોવાઈ જાય તો એકપણ ક્ષણનો વિલંબ કર્યા વિના અડધી રાતે મને યાદ કરજે.’

કૌશિકીએ અધિકાર સાથે ફોન ઉઠાવ્યો અને કેદારને ફોન લગાવ્યો. કેદાર અડધી રાતે પણ કામ કરી રહ્યો હતો. કૌશિકી માટેની પીડાથી બચવા તેણે પોતાની જાતને તેના આગળના જીવનકાર્ય માટેની તૈયારીઓમાં ઝીંકી દીધી હતી. ફોનની રિંગ વાગતાં તેણે જોયું કે કૌશિકીનો ફોન છે. તે સમજી ગયો કે સમય આવી ચુક્યો છે. તેણે ફોન ઉપાડ્યો તો સામે કૌશિકી રડી રહી હતી.

‘મારે તને મળવું છે કેદાર. મને આ બધું હવે સહન નથી થતું. મને આ બધાથી બહાર નિકાળ. હવે તું જ મારો સન્યાસ છે. હું તારી શરણમાં આવું છું. મને શાંતિ આપ.’ કૌશિકી રડતા રડતા બોલી.

‘હેય, બસ. હવે રડ નહીં. બધું ઠીક થઇ ગયું. આપણા હિસાબ વળી ગયા. હવે તું તૈયાર છે. તારી જાતને સામાન્ય સ્ત્રી સમજવાનું બંધ કરી દે. એ જ તારી શાંતિનો માર્ગ છે. તું કૃષ્ણા છે, સ્ત્રી વિષ્ણુ. હવે આપણે એક છીએ.’

આ સાંભળી કૌશિકીનું રુદન કંઈક શાંત થયું એટલે કેદારે આગળ કહ્યું, ‘આપણે કાલે મળીએ. શહેરથી દૂર, નગાડા ધોધ પાસે. હવે શાંતિથી સુઈ જા. આંખો બંધ કર અને જો હું તારી પાસે જ છું.’ કેદારે પ્રેમ અને લાગણીથી ભીંજાયેલા શબ્દોમાં કહ્યું.

રડીને બેઠેલા અવાજમાં ‘હમમ…’ કહીને કૌશિકીએ ધીરેથી ફોન મુક્યો અને સુવવાના બદલે કેદારનું ધ્યાન ધરીને બેસી રહી. તેને નિંદ્રા કરતા પણ વધારે આરામ મળ્યો. તે આખી રાત ધ્યાનમાં જ રહી. છેલ્લા અનેક મહિનાઓથી તે પોતાના જે આત્માથી ભાગી રહી હતી, હવે તે એના શરણમાં આવી ચુકી હતી. તેના આત્માએ પણ અહમ, વિડંબણાઓ અને દ્વંધથી મુક્ત થયેલા તેના મનમાં સૃષ્ટિનું વિજ્ઞાન ખુલ્લું મૂકી દીધું અને તેને સમસ્ત સાથે જોડી દીધી.

વિષ્ણુનું વિષ્ણુથી મિલન:

નગાડા ધોધ શહેરથી પચીસ કિલોમીટર દૂર આવેલો એક મોટો ધોધ હતો. કૌશિકી ધોધ જ્યાંથી પડતો હતો તેના બાજુમાં જ એક મોટી શીલા પર બેસીને કેદારની રાહ જોઈ રહી હતી. આખી રાત તેણે આ સમયની રાહ જોવામાં કાઢી હોવાથી તે સમય પહેલા જ આવી ગઈ હતી. એવામાં તેણે કેદારને તેની તરફ આવતા જોયો. કૌશિકી ઉભી થઇ. તે નજીક આવ્યો અને બંને એકબીજા તરફ તડપતી નજરે જોઈ રહ્યા. કૌશિકીની આંખોમાં સમર્પણનો ભાવ હતો. તે કંઈ બોલ્યા વિના ઝડપભેર કેદાર નજીક આવી અને પોતાના બે હાથ કેદારના ગાલ પર લાવી તેનું લલાટ કેદારના લલાટ સાથે ટેકવી દીધું. તે બંધ આંખોએ આંસુ ટપકાવતી પોતાનું લલાટ અને નાક કેદારના ચહેરા પર ફેરવવા લાગી. કેદારે પણ મહિનાઓથી બાંધી રાખેલા તેના પ્રેમને ખુલ્લો મુક્યો અને તે પણ પોતાના લલાટથી નાક સુધીના ભાગને કૌશિકીના ચહેરા પર વિહવળ બનીને ફેરવવા લાગ્યો. લાંબા સમય સુધી તેઓ આંખો બંધ કરીને એકપણ શબ્દ બોલ્યા વગર આ રીતે પોતાના પ્રેમને વ્યક્ત કરતા રહ્યા. અમુક સમય બાદ તે શાંત થયા અને એકબીજાના લલાટ પર ચુંબન કર્યું. આટલા સમયમાં તેમના હોઠ વડે થયેલી આ પહેલી ક્રિયા હતી. અત્યાર સુધી તેમણે પોતાના લલાટથી નાક સુધીના ભાગ વડે જ પ્રેમ વ્યક્ત કર્યો હતો. બંનેએ એકબીજા સામે પ્રેમથી ઉભરાતી આંખે જોયું અને કૌશિકી ઉત્કંઠા સાથે બોલી ઉઠી, ‘આઈ લવ યુ સખા’. કેદારે પણ એટલી જ ઉત્કંઠાથી જવાબ આપ્યો, ‘આઈ લવ યુ સખી’. બંને એકસાથે જોશભેર એકબીજાને ભેટી પડ્યા. તે એકબીજાને ભેટવાનું દબાણ વધારતા ગયા અને આંખો બંધ કરીને જાણે ‘આઈ લવ યુ’ શબ્દનો જાપ કરતા ગયા. પૃથ્વી પરનું આ એ દુર્લભ દ્રશ્ય હતું જ્યાં એક વિષ્ણુ બીજા વિષ્ણુને મળી રહ્યો હતો અને બાજુમાં વહેતો ધોધ તેમના મિલનને પ્રાકૃતિક સંગીત પૂરું પાડી રહ્યો હતો.

બે વિષ્ણુઓનો શાસ્ત્રાર્થ:

પોતાના મિલનથી શાંત થયેલા કેદાર અને કૌશિકી ધોધના કિનારે એક શીલા પર બાજુ બાજુમાં બેઠા હતા. એવામાં કૌશિકીને તેના મનમાં એક અવાજનો ભાસ થયો, ‘તો શું વિજ્ઞાન જાણ્યું તે..?’

કૌશિકીએ બાજુમાં કેદાર સામે જોયું, પણ તે નહોતો બોલ્યો. કેદારે તેના સામે પ્રેમભર્યા સ્મિત સાથે હકારમાં માથું હલાવ્યું અને કૌશિકીને બીજો અવાજ સંભળાયો, ‘હવે આપણે મનમાં વાતો કરી શકીએ છીએ કૌશિકી.’ કૌશિકીને સુખદ આશ્ચર્ય થયું. કેદારે ફરી મનમાં કહ્યું, ‘તો કાલે રાતે શું વિજ્ઞાન જાણ્યું તેં..?’

કૌશિકીએ પણ વિશ્વાસ સાથે મનમાં જ પોતે જાણેલું વિજ્ઞાન કહ્યું,

‘માણસને દરેક વસ્તુ પર માલિકી જોઈએ છે. જયારે સૃષ્ટિનું સત્ય એ છે આપણે સૌ પદાર્થો બ્રહ્મના એક દડામાંથી છુટા પડેલા ટુકડા છીએ. યુગોથી બ્રહ્મ આ ટુકડાઓને જોડીને ફરી સંગઠિત બનવાનું કાર્ય કરી રહ્યું છે, જેથી એ દડાનું સ્વરૂપ પાછું મેળવી શકાય. અને બ્રહ્મની એજ કોશિશોના પરિણામ રૂપે આપણે મનુષ્યો નિર્માણ પામ્યા છીએ. એટલે બ્રહ્મનો એક ટુકડો બીજા ટુકડા પર પોતાની માલીકી જતાવે એ અધર્મ છે. અહીં દરેકની માલિકી દરેક પર છે. કારણ કે બધાના ભેગા થવાથી જ તો આપણું એ સહિયારું દડા સ્વરૂપ પાછું આવવાનું છે. બસ, આજ સૌથી મોટો વિરોધાભાસ છે સૃષ્ટિના સત્ય અને માનવજીવન વચ્ચે.’

‘હમ્મ… ગીતામાં કહ્યું છે ‘આ દુનિયા પરની કોઈ વસ્તુ કોઈની માલિકીની નથી. અહીં જે છે તે બધું બ્રહ્મની માલિકીનું છે.’ મતલબ, સૌ પર સૌ કોઈનો અધિકાર છે.’ કેદારે કૌશિકીની વાતને સમર્થન આપ્યું.

કૌશિકી આગળ બોલી, ‘હવે લગ્નજીવનની વાત. સંભોગ પછી પતિ-પત્નીના પ્રાણ એક બની જાય છે. તેમનો પ્રેમ તેમના એકત્વથી બનેલી સમાધિમાં ભળી જાય છે. અહીં જો પતિ-પત્નીના પ્રાણમાં તફાવત ઓછો હોય તો તે બંને પોતાની સમાધિમાં જ લીન રહી શાંતિમય જીવન વિતાવી દે છે. પણ જો પતિ પત્નીના પ્રાણમાં મોટો તફાવત હોય તો પરિસ્થિતિ બદલાઈ જાય છે. જેનો પ્રાણ ઓછો હોય તે પોતાના જીવનસાથીના આત્મામાં જ સંતૃપ્ત થઈને રહે છે. તેને હવે પ્રેમ કરતા વધુ તે એકત્વવાળી સમાધિમાં આનંદ આવે છે. પણ જે વ્યક્તિનો પ્રાણ પોતાના જીવનસાથી કરતા વધુ છે, તેના માટે તેની આ સમાધિ આખરી સંતૃપ્તતા નથી હોતી. તેને પોતાનામાં બાકી વધેલા અતૃપ્ત બ્રહ્મના કારણે બ્રહ્મના બીજા ટુકડાઓ સાથે જોડાવાનું મન થાય છે, પ્રેમ થાય છે. એ ઈચ્છા તેમાં રહેલા બ્રહ્મની જ ઈચ્છા છે જે યુગોથી પોતાના ટુકડાઓને જોડવાનું કાર્ય કરી રહ્યું છે. મતલબ, એ જ સૃષ્ટિની ગતિ છે. તે વ્યક્તિનો ઓછા પ્રાણવાળો જીવનસાથી તેને પોતાના માલિકીભાવથી અવરોધીને સૃષ્ટિની ગતિને રોકી ન શકે. તેને તો બસ પોતાના વધુ પ્રાણવાળા જીવનસાથી સાથેની સમાધિમાં લીન રહેવાનું છે અને તેના આત્મામાં જ પોતાનો મોક્ષ સુનિશ્ચિત કરવાનો છે. આ જ સૃષ્ટિનું વિજ્ઞાન કહે છે.’ કૌશિકીએ કહ્યું.

‘અને એ વધારે પ્રાણવાળા જીવનસાથીનો ધર્મ શું છે..?’ કેદારે પૂછ્યું.

‘તેને એ સમજવાનું છે કે તેની બ્રહ્મના એક ટુકડા સાથે સમાધિ લાગેલી છે. તે એની સમાધિને ભંગ કરી શકે તેમ નથી. બ્રહ્મના જે ટુકડા જોડાઈ ગયા છે તેને છુટા પાડવા એ જ સૃષ્ટિનું સૌથી મોટું પાપ છે. દરેક માણસને પોતાના શરીરમાં જેની સમાધિ લાગેલી છે તેને જાળવી રાખવાની છે.’

‘કઈ રીતે..?’ કેદારે પૂછ્યું.

‘જેમ તું અદિતિ સાથે જાળવી રાખે છે. ખાસ કરીને રાતે.’ કૌશિકીએ ત્રાંસી આંખે મજાકમાં કહ્યું.

‘ગોડ. તેં એ પણ જોઈ લીધું.’ કેદાર બનાવટી આશ્ચર્ય અને નિખાલસ હાસ્ય સાથે બોલ્યો.

‘તું રોજ મને જોતો હતો, કાલે મેં તને જોઈ લીધો.’ બંને ત્રાંસી આંખે એકબીજાને જોઈને હસ્યા અને પછી કૌશિકીએ તેની વાત આગળ વધારી.

‘વધારે પ્રાણવાળા વ્યક્તિએ પોતાના જીવનસાથીની સમાધિ એ રીતે સતત મજબૂત બનાએ રાખવાની છે કે અંતે તે જીવનસાથીનો આત્મા તેના આત્મામાં જ ભળીને એક થઇ જાય. આ સાથે તેને જેનાથી પ્રેમ થયો છે તેનાથી પણ પોતાના આત્માનું મિલન ગાઢ બનાવવાનું છે, જેથી એ ટુકડો પણ તેના સાથે પ્રેમ માર્ગે એક થઇ જાય. એક શરીરના માર્ગે સમાધિ લગાવે તો બીજો પ્રેમના માર્ગે. જીવનસાથી સાથે શરીરના માર્ગે લાગેલી સમાધિ તે માણસના અસ્તિત્વનું કેન્દ્ર હોય છે. તે તેનો આધાર હોય છે. જયારે પ્રેમી સાથે લાગેલી સમાધિ તેના પ્રેમનું કેન્દ્ર છે. તે તેનો આનંદ છે. આધાર વિના આનંદ નથી અને આનંદ વિના જીવન નથી. આધાર અને આનંદને સતત સાથે જોડી રાખવા એજ કૃષ્ણત્વ છે. એટલે વધારે પ્રાણ ધરાવતા એ વ્યક્તિઓની બ્રહ્મ પ્રત્યે બમણી જવાબદારી છે.’ કૌશિકીએ વિજ્ઞાન સમજાવ્યું.

‘પણ એ વધારે પ્રાણવાળા વ્યક્તિને બીજા ટુકડા સાથે પ્રેમસમાધિ કેવી રીતે મેળવવી..? સૃષ્ટિનું વિજ્ઞાન તેને શું કરવાનું કહે છે..?’ કેદારે પૂછ્યું.

‘શરૂઆત પ્રેમની કબૂલાતથી થાય છે. જયારે કોઈ કહે છે કે ‘હું તને પ્રેમ કરું છું’ ત્યારે અસલમાં તે સામેવાળા વ્યક્તિ સામે પોતાનો અહમ સમર્પિત કરી દે છે અને કહે છે કે હવે હું તારો છું કે તારી છું. પ્રેમના જોડાણ માટે આ પહેલી શરત છે. જ્યાં સુધી સમર્પણભાવે પ્રેમની કબૂલાત ન થાય ત્યાં સુધી પ્રેમીઓ વચ્ચે અહમ હાજર રહે છે. અને અહમ તેમનું જોડાણ નથી થવા દેતો. તે તેમને પ્રેમનો આનંદ મળવા નથી દેતો. મેં મારા અહમનું સમર્પણ તારા સામે કાલે રાતે જ કર્યું અને ત્યારે જ હું એ શાંતિ અને આનંદ મેળવી શકી. કબૂલાત થઇ ગયા પછી પ્રેમ અભિવ્યક્ત કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ સંગીત છે. તે બે આત્માઓનું એક લયમાં મિલન કરાવે છે. તેમાં સ્પર્શની ઈચ્છા પણ રહેતી નથી. તે તમને પ્રેમીના શરીરથી ઉપર ઉઠાવી દે છે. પણ જો સંગીત વચ્ચે ગેરહાજર છે, તો સ્વાભાવિક રીતે પ્રેમની અભિવ્યક્તિ માટે સ્પર્શ જ એકમાત્ર માર્ગ બનીને ઉપસી આવશે. અને અહીં સંભાળવાનું છે. જો સામેવાળું પાત્ર પરણિત હોય તો તેના શરીરથી કોઈ બીજાની સમાધિ લાગેલી હોય છે. એટલે તમે તેના શરીરની સીમામાં પ્રવેશી નથી શકતા.’

‘શરીરની સીમા એટલે..?’ કેદારે સ્પષ્ટીકરણ માગ્યું.

‘મનુષ્યના પહેલા પાંચ ચક્રો પ્રકૃતિના પાંચ તત્વો અને તે તત્વોએ ઉત્પન્ન કરેલી ઈન્દ્રીઓ સાથે જોડાયેલા છે. આ તત્વોનો સ્વભાવ અને ઇન્દ્રિયો જ શરીરનું સ્વરૂપ છે. પણ લલાટ આગળ આવેલું છઠું ચક્ર બુદ્ધિ સાથે જોડાયેલું છે જે આ પાંચે તત્વો અને ઈન્દ્રિયોનું નિયમન કરે છે. એટલે બુદ્ધિ ઇન્દ્રિયો અને શરીરથી ઉપર છે, જે મનુષ્યના લલાટથી નાક સુધીના ભાગમાં અભિવ્યક્ત થાય છે. એટલે પરણિત પ્રેમી સામે પ્રેમની અભિવ્યક્તિ લલાટથી નાક સુધીના ભાગમાં જ કેન્દ્રિત હોવી જોઈએ. નાકથી નીચેના ભાગે પાંચમા ચક્રની ઉર્જા શરુ થાય છે જે ઇન્દ્રિયો અને શરીરની શરૂઆત છે. એટલે હોઠ વડે હોઠને સ્પર્શ કરવાથી પ્રેમ શરીરના સ્વભાવ અને ઇન્દ્રિયોની ઝપેટમાં આવી જાય છે. પ્રેમીઓ અને પ્રેમ શારીરિક આવેગમાં એવા ફસાતા જાય છે કે એક સમયે સંભોગ પર જઈને જ અટકે છે.’

‘અને સંભોગથી શું થાય છે..?’ કેદારે પૂછ્યું.

‘તેમનો પ્રાણ એકબીજામાં ભળી જાય છે અને તેમના વચ્ચેનો પ્રેમ સમાધિમાં ફેરવાઈ જાય છે. આમ, એકસાથે સૃષ્ટિના બે મોટા અપરાધ થાય છે. એક તો પ્રેમ નષ્ટ થઇ જાય છે, જે બ્રહ્મના ટુકડાઓને જોડવાનું મુખ્ય સાધન છે. અને બીજું, લગ્ન બહાર બીજી વ્યક્તિથી શરીરના માર્ગે લાગેલી સમાધિ શરીરમાં પહેલાથી હાજર જીવનસાથીની સમાધિને ભંગ કરે છે. કોઈ બે ટુકડાઓ વચ્ચે થયેલ સમાધિ કે જોડાણને ભંગ કરવું એ સૃષ્ટિમાં સૌથી મોટો અપરાધ છે. પરણિત વ્યક્તિના શરીરની સીમામાં પ્રવેશ કરતા જ તે શરીરમાં લાગેલી અન્ય વ્યક્તિની સમાધિમાં ખલેલ પહોંચવા લાગે છે. ત્યાંથી જ સૃષ્ટિના વિજ્ઞાન મુજબ અપરાધની શરૂઆત થઇ જાય છે.’

‘ઓછા પ્રાણવાળો વ્યક્તિ પોતાના જીવનસાથીની દેખાદેખીમાં કે બદલાની ભાવનામાં લગ્ન બહાર સંભોગ કરે તો..?’ કેદાર બોલ્યો.

‘તો એ પણ પોતાની અને જીવનસાથીની સમાધિ તોડે છે, એટલે દોષી છે. સૃષ્ટિના વિજ્ઞાન અનુસાર સ્ત્રી-પુરુષના સબંધો જાળવવાનું વિજ્ઞાન બહુ સીધું અને સ્પષ્ટ છે. તે આ ત્રણ સિદ્ધાંતોમાં આવી જાય છે.

એક, પ્રેમ વ્યક્ત કરવો એ પાપ નથી. તે સૃષ્ટિનો શ્વાસ છે. દરેકને તે શ્વાસ લેવાનો અધિકાર છે.

બીજું, કોઈની સમાધિ તોડવી એ સૌથી મોટું પાપ છે. વિજ્ઞાન તેની સજા આપે છે. પોતાની સમાધિ પર દરેકનો અધિકાર છે. પણ કોઈના આત્મા પર કોઈની માલિકી નથી.

અને આ જ ત્રીજો સિદ્ધાંત છે. અહીં કોઈ કોઈનું માલિક નથી. આપણે બધા ટુકડાઓ બસ પ્રેમ અને સમાધિના ‘અધિકાર’ થી એકબીજા સાથે જોડાયેલા છીએ.’

‘પરફેક્ટ કૌશિકી. વેરી ગુડ.’ કેદારના શબ્દોથી કૌશિકીના ચહેરા પર આત્મવિશ્વાસભર્યું સ્મિત ફેલાયું. કેદાર આગળ બોલ્યો, ‘જો લગ્ન બહાર થયેલો પ્રેમ કોઈ અપરણિત વ્યક્તિથી હોય તો વિજ્ઞાન કેટલું બદલાશે..?’

‘ફક્ત એક વાતે. આ કિસ્સામાં માણસ પોતાના અપરણિત પ્રેમીના હોઠને સ્પર્શ કરતુ હળવું ચુંબન કરી શકે છે, જેવું ઘણા માતા પિતા તેમના સંતાનોને કરે છે. કારણ કે દરેક મનુષ્યનું શરીર અમુક માત્રામાં પુરુષ પ્રકૃતિથી અને અમુક માત્રામાં સ્ત્રી પ્રકૃતિથી બનેલું છે. બુદ્ધિ ધરાવતું છઠું ચક્ર શરીરની કોઈ એક જ પ્રકૃતિ આપે છે જયારે બીજી પ્રકૃતિ નીચે રહેલું પાંચમું ચક્ર આપે છે, જે હોઠમાં અભિવ્યક્ત થાય છે. પરણેલા વ્યક્તિમાં તેના જીવનસાથીની સમાધિના કારણે આ પ્રકૃતિઓ સંતોષાયેલી હોય છે. એટલે તેનો વધેલો પ્રાણ તે વ્યક્તિ પુરુષ હોય તો પુરુષ પકૃતિ અને સ્ત્રી હોય તો સ્ત્રી પકૃતિ રૂપે તેના લલાટમાં અભિવ્યક્ત થાય છે. એટલે પરણિત વ્યક્તિને હોઠથી હોઠના સ્પર્શની કોઈ જરૂર નથી. પણ અપરણિત વ્યક્તિના શરીરમાં કોઈ જોડાયેલું ન હોવાથી તેમાં બંને પ્રકૃતિઓ અતૃપ્ત હોય છે. આથી તે વ્યક્તિના આત્માને શરીરની સીમાથી બહાર લાવવા તેના હોઠ પર અભિવ્યક્ત થતી પાંચમા ચક્રની પ્રકૃતિ સંતોષી લેવી જરૂરી છે, પછી જ તેનો આત્મા તેની મૂળ પ્રકૃતિ સાથે છઠ્ઠા ચક્ર પર કેન્દ્રિત થાય છે. આ કાર્ય પ્રેમ આપતા એક હળવા ચુંબન વડે હંમેશા માટે થઇ જાય છે. એટલે જો બીજીવાર ચુંબન કરવાની ઈચ્છા થાય તો સમજવું કે તે વાસના છે. પ્રેમ આપવા માટે થતો સ્પર્શ જ પ્રેમ છે, જે સ્પર્શ સામેના શરીરમાંથી કંઈક મેળવવા માટે થાય તે વાસના છે.’

‘રાઈટ. છેલ્લો સવાલ. જો છઠા ચક્ર સિવાય ક્યાંય સ્પર્શ ન થઇ શકતો હોય તો ભેટી કેવી રીતે શકાય..?’ કેદારે આખરી પરીક્ષા કરી.

કૌશિકી માટે આ સવાલ ટ્રિકી રહ્યો. તે અસમંજસમાં પડી. ‘એ અલગ વસ્તુ છે. સામાન્ય વ્યવહારમાં પણ સ્ત્રી પુરુષ ભેટતા હોય છે. પણ એનું વિજ્ઞાન સમજાવી નથી શકતી.’ કૌશિકી બોલી.

કેદારે તેની અસમંજસ દૂર કરવા જવાબ આપ્યો, ‘જયારે પ્રેમ શરીરની પ્રકૃતિઓ અને ઇન્દ્રિયોથી ઉપર ઉઠી જાય ત્યારે શરીર ફક્ત એક મૂર્તિ બની જાય છે. જેમ મંદિરનો પૂજારી ઈશ્વરની મૂર્તિને પૂજતી વખતે મૂર્તિને નથી જોતો પણ ઈશ્વરને જુએ છે, તેમ પ્રેમી પોતાનો ઇન્દ્રિયાતીત પ્રેમ વ્યક્ત કરતી વખતે નથી જાણતો કે પ્રેમીનું શરીર શું છે, તે બસ સામે પોતાનો પ્રેમ જુએ છે, પોતાનો ઈશ્વર જુએ છે. એટલે સખી, જો કોઈ દિવસ મને તારા સ્તન દેખાઈ ગયા તો હું આંખો બંધ નહિ કરી દઉં, જો મને તારું નગ્ન શરીર દેખાઈ ગયું તો હું ‘રામ રામ’ બોલીને આંખો નહિ ફેરવી લઉ. કારણ કે તે મારા માટે કોઈ સ્તન કે શરીર નથી, તે મારા માટે તું જ છે. હું તારી પાસે આવીશ અને તને કપડા પહેરાવી આ રીતે જ તારા લલાટ સાથે મારુ લલાટ ટેકવીશ.’

‘જેમ ક્યારેક કૃષ્ણએ દ્રૌપદી સાથે કર્યું હતું.’ કૌશિકી બોલી.

‘હા, ત્યારે જયારે એ સભાના અડધા માણસો તેને નગ્ન જોવા આતુર હતા અને અડધા આંખો મીંચીને બેઠા હતા. પ્રેમ જયારે ઇન્દ્રિઓની સીમા પાર કરી દે છે ત્યારે શરીર શરીર વચ્ચેનો ભેદ નથી રહેતો. તો શરીરના અંગો વચ્ચેના ફર્કની વાત જ ક્યાં છે. આપણે વિદેહી-દુર્ગાદાસથી લઈને તે અભિનેતા-અભિનેત્રી અને કેદાર-કૌશિકી રૂપે કેટલા શરીર બદલ્યા છે, પણ આપણો એ ઇન્દ્રિયાતીત પ્રેમ એમનો એમ હાજર રહ્યો છે. આ જ સત્ય છે. તું મારા માટે મૂર્તિ છે, હું તારા માટે એક મૂર્તિ છું.’

કેદારની વાત સાંભળીને કૌશિકી પ્રેમથી ઉભરાતી આંખે તેને એકધારી જોઈ રહી. તેણે શાંતિથી પોતાનું માથું કેદારના ખભા પર ટેકવી દીધું. કેદાર પોતાનું માથું કૌશિકીના માથા તરફ થોડું ઝુકાવીને શાંતિથી બોલ્યો,

‘હવે તું તૈયાર છે… ‘કૃષ્ણા’. તને અંદાજ આવ્યો કે તારામાં કેટલી શક્તિ દબાયેલી હતી..?’ કેદારને સાંભળતા સાંભળતા કૌશિકીએ સામે વહી રહેલા ધોધ સામે જોયું અને ધીરેથી હકારમાં માથું હલાવ્યું. થોડીવાર પછી કેદારે થોડા ગંભીર અવાજે કૌશિકીના મનમાં આ શબ્દો છોડ્યા,

‘મારુ અહીંનું કામ પૂરું થયું સખી. હવે મારો અહીંથી જવાનો સમય આવી ગયો.’

આ શબ્દો તેના મનમાં આવતાં જ કૌશિકીના હૃદયમાં ફાળ પડી. તેણે આઘાત સાથે કેદાર સામે જોયું અને મનમાં જ બોલી, ‘ક્યાં જવાનો સમય આવી ગયો..?’ તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો.

‘એ જ રંગમંચની દુનિયામાં જ્યાં આપણે ગઈ વખતે મળ્યા હતા. કેટલાક કામ અધૂરા છે ત્યાં.’ કેદારે જવાબ આપ્યો.

‘ત્યાં બીજી કોઈ કૌશિકી મળી ગઈ તો..?’ કૌશિકીએ વ્યાકુળતાથી કહ્યું.

‘તું જાણે છે એ હવે શક્ય નથી. તું મારા પ્રેમનું કેન્દ્ર છે. મારા મહારાસનું કેન્દ્ર. હું હવે જેને પણ પ્રેમ આપીશ તે તારા પ્રત્યેના પ્રેમમાંથી જ આપીશ. અદિતિ તારી આભારી રહેશે. તારો પ્રેમ અમારી સમાધિમાંથી નીરસતા ખતમ કરી પ્રેમની એક હળવી ચેતના ઉભી કરી દેશે. કદાચ અદિતિએ આ માટે જ તને મારાથી મળાવી હતી.’

કૌશિકી કેદારના શબ્દો સહન ન કરી શકી. તેનું મૌન સીધું તેના આંસુઓથી તૂટ્યું અને તે રડવા લાગી. તેણે રડતા અવાજે પહેલીવાર હોઠોથી શબ્દો કાઢ્યા, ‘મારા મહારાસનું કેન્દ્ર તું છે સખા. હું આજે જ એ સમજી છું અને તું મને છોડીને જવાની વાત કરે છે.’

‘આપણે હવે અલગ થઇ શકીએ એમ નથી કૃષ્ણા. આપણે એક છીએ. આપણે દુનિયા સામે પણ કૃષ્ણ-દ્રૌપદીની જેમ જ સખા-સખી તરીકે રહીશું. હું તને મળવા આવતો રહીશ, ફોન કરતો રહીશ અને તું પણ આવજે. હવે હું અહીંયા છું.’ કેદારે કૌશિકીના લલાટને આંગળી અડાડીને કહ્યું. ‘તું જયારે પણ આંખો બંધ કરીશ મને મેળવીશ. મારા પ્રેમને રાકેશ તરફ વહેવડાવજે સખી. તેને પ્રેમ અને લીલાઓથી તારા પ્રાણમાં સાચવી રાખજે. આપણે આ દુનિયા પર કોઈ મઠો નથી સ્થાપવાના, ના કોઈ સંસ્થાઓ, સંઘો કે કોમ્યુનો સ્થાપવાના છે. આપણે બસ એક જીવન જીવીને જવાનું છે. સૃષ્ટિના વિજ્ઞાનને તેની છેલ્લી સીમાઓ સુધી અનુસરતું એક સત્યવાદી જીવન. એ જ આવનારા અનેક યુગો સુધી માનવજાતિનું માર્ગદર્શન કરશે. તે આવનારા સતયુગનો પાયો બનશે. એ સતયુગ જ્યાં માનવજીવન ફક્ત સૃષ્ટિના વિજ્ઞાનને અનુસરતું હશે. જ્યાં ફક્ત સત્યનું રાજ હશે. જ્યાં પ્રેમનું દમન નહિ હોય. જયારે પ્રેમ વહેવા લાગશે ત્યારે માનવની બધું પોતાના કબ્જામાં કરી લેવાની ભૌતિકતા, એકબીજાથી આગળ નીકળી જવાની હરીફાઈ, એકબીજા પર રાજ કરવાની મહત્વાકાંક્ષાઓ, પ્રકૃતિ અને સ્ત્રીનું શોષણ, બળાત્કારો, વ્યાભિચારો, તણાવ, ગરીબી, બેકારી, ધર્મયુધ્ધો અને વિશ્વયુધ્ધો જેવા બધા દુષણો નષ્ટ થઇ જશે. આત્મસાક્ષાત્કારો કોરા જ્ઞાનના ભાષણો આપવા માટે નથી. એ તો બસ એ સત્ય સમજવા માટે છે કે જે એક દડામાંથી આપણે બધા આવ્યા છીએ તેમાં ફરી મળી જવા માટેનો એક જ માર્ગ છે, પ્રેમ. ફક્ત પ્રેમ. જગતનું બધું આધ્યાત્મ માનવને બસ આ સમજાવવા માટે છે. જ્યાં ગીતા અને ઉપનિષદો પુરા થાય છે ત્યાં જ મહારાસ શરુ થાય છે. મહારાસમાં ઉજવાતો પુરુષ પ્રકૃતિનો સનાતન પ્રેમ જ સતયુગ છે.’

કૌશિકી શાંત મને કેદારને સાંભળી રહી. આ તેના જીવનની સૌથી આનંદિત અને શાંતિ આપનારી ક્ષણો હતી. તે દબેલા અવાજે શાંતિથી બોલી, ‘કોઈ ખાસ સલાહ કૃષ્ણાને..?’

‘હમ્મ… કેટલીક. કૃષ્ણા સ્થિતિના કારણે નાનો-મોટો પ્રાણ ધરાવતા અનેક પુરુષો હવે તારાથી આકર્ષાશે. તેમની હરકતોને અજાણતા પણ પોષણ ન આપતી. નહીંતર એ તારા માટે મુસીબત બની જશે. તેમના આકર્ષણને હંમેશા દૂરથી સમ્માન આપી આગળ નીકળી જજે. રાકેશને તેની ક્ષમતા પ્રમાણે સત્ય કહેજે. તે પુરુષપ્રધાન સમાજનો પ્રતિનિધિ છે. તેની પુરુષપ્રધાનતા જતા વાર લાગશે. આમ પણ કૃષ્ણત્વ પ્રગટ્યા પછી એક વણલખાયેલો નિયમ છે, ‘એ દરેક માણસ જેને આત્મસાક્ષાત્કાર નથી થયો તેને હંમેશા થોડા સંદેહથી જોવો’. કારણ કે તેને ચલાવનારો ડ્રાઇવિંગ ફોર્સ સત્ય નથી. તેનો ડ્રાઇવિંગ ફોર્સ તેનો અહમ છે. તે પોતાના અહમને બચાવવા ગમે ત્યારે ગમે તે કરી બેસશે.’

કૌશિકી કેદારને ગંભીરતાથી એકધારી નજરે સાંભળી રહી હતી.

‘સદીઓ પછી કોઈ સ્ત્રી તારી સ્થિતિએ આવે છે કૃષ્ણા. બ્રહ્મ તને કહેશે કે તારે શું કરવાનું છે. પણ જો ક્યારેય ગૂંચવાઈ જાય તો એ વિચારજે કે પોતાના સંતાનો માટે તું કેવી દુનિયા છોડી જવા માંગે છે..? આ વિચાર તને માર્ગદર્શન આપશે. જ્યાં સુધી હું જાણું છું તારે સ્ત્રીને પુરુષની ગુલામીમાંથી મુક્ત કરવાની છે અને તેને સમગ્ર સૃષ્ટિની અડધી ભાગીદાર બનાવવાની છે. તારે ભવિષ્યમાં આવનારી કૃષ્ણાઓ માટે દુનિયાને તૈયાર કરવાની છે. અને એ દરેક કાર્યમાં હું તારી સાથે છું.’ કેદારે પ્રેમ અને સમ્માન ભરી નજરે કૌશિકી સામે જોઈને કહ્યું. બંને એક ક્ષણ માટે મૌન રહીને એકબીજા સામે પ્રેમથી જોઈ રહ્યા. કૌશિકીએ હકારમાં માથું હલાવી તેને કેદારના ખભા પર ઢાળી દીધું. કેદાર પણ તેનું માથું કૌશિકીના માથા પર ટેકવીને મૌન થઇ ગયો. બંને થોડો સમય એજ રીતે મૌન બનીને સામે વહેતા ધોધને જોઈ રહ્યા. થોડીવાર થઇ એટલે કેદારે પોતાના મોબાઈલમાં હિન્દી ફિલ્મોના પ્રેમગીત શરુ કર્યા અને તે એ ગીતો સાથે ગાવા લાગ્યો. કૌશિકી આનંદિત થઇ. તે પણ સામે છેડે ગાવા લાગી. કલાકો સુધી બંને ત્યાં બેઠા બેઠા પ્રેમના નૈસર્ગીક હાવભાવ અને સંગીતના લય સાથે ગીતો ગાતા રહ્યા. તેમને શાંત થવાનું મન જ નહોતું થતું. તેમનો આત્મા તે સંગીતથી એક લયમાં આવીને વધુને વધુ એકત્વ મેળવી રહ્યો હતો. આ તેમનો મહારાસ હતો, જેમાં સ્પર્શ નહિવત હતો અને સંગીત અને અભિનય પ્રેમની મુખ્યધારા હતા. આ તેમનું છેલ્લું એકાંત મિલન હતું. આ બિલકુલ એવું જ મિલન હતું જેવું કૃષ્ણના મથુરા છોડવાના આગલા દિવસે રાધા અને કૃષ્ણ વચ્ચે થયુ હતું.

સાંજે બંને પોતાના ઘરે પહોંચ્યા. કૌશિકી પલંગ પર સુતા સુતા છાપું વાંચી રહેલા રાકેશ પાસે ગઈ અને પ્રેમથી તેને ચુંબન કર્યું. આજે તેના ચુંબનમાં કામુકતા ઓછી અને પ્રેમ વધારે હતો. તેણે રાકેશના નાકથી નાક અને લલાટથી પોતાનું લલાટ લગાવ્યું અને પછી તેને છાતી સરસો લગાવી પ્રેમ કરવા લાગી. રાકેશ પણ પ્રેમથી તેના તાબે થયો. સામે કેદાર પણ પોતાના બેડરૂમના બાથરૂમમાં નાહી રહેલી અદિતિ પાસે પહોંચ્યો. ફુવારા નીચે નાહી રહેલી અદિતિને તેણે પાછળથી આવીને આલિંગન કર્યું. અદિતિ વિહવળ બની. બંનેએ પોતાના મસ્તક એકબીજાને ટેકવી દીધા અને હોઠ પર હળવું ચુંબન કર્યું. કેદારે તેના શરીરને ટુવાલથી લુછ્યું અને તેને ટુવાલ વીંટાળીને પલંગ પર લાવ્યો. બંને એકબીજાને વીંટળાઈને પ્રેમ કરવા લાગ્યા. કેટલાક સમય પછી જયારે બંને યુગલો વચ્ચે પ્રેમક્રિયા પૂર્ણ થઇ ત્યારે રાકેશ કૌશિકીને આલિંગન આપીને તેની બાથમાં સુઈ ગયો હતો અને કૌશિકીનો એક હાથ રાકેશના પાછળથી આગળ તેના ખભા પર આવેલો હતો. બીજી બાજુ અદિતિ પણ કેદારને આ રીતે જ આલિંગન આપીને સુઈ ગઈ હતી. પોતાના જીવનસાથીને પોતાની બાથમાં સમાધિ આપીને સુતેલા કેદાર અને કૌશિકી બંધ આંખે એકબીજાના ધ્યાનમાં લીન હતા. તેમના આત્માઓની એકબીજાથી પ્રેમસમાધિ લાગેલી હતી. આ રીતે બ્રહ્મના ચાર મોટા ટુકડાઓ એકબીજા સાથે જોડાઈને સમાધિના આનંદમાં સ્થિત હતા. આ તેમના એ આખરી એકત્વની શરૂઆત હતી જે તેમને બ્રહ્મનો એક દડો બનાવીને સમગ્ર સૃષ્ટિમાં એકસાથે ધબકતો કરી દેવાની હતી.

અઠવાડિયા પછી કેદાર અદિતિ અને પોતાના સંતાન સાથે શહેર છોડીને રંગમંચની દુનિયામાં જઈ રહ્યો હતો. કૌશિકી તેમને પોતાની ગાડીમાં એરપોર્ટ મુકવા આવી. એરપોર્ટથી છેલ્લી વિદાય લેતી વખતે કેદારે કૌશિકીના ચહેરા પર એ શાંતિ અને જાગૃકતા જોઈ લીધી જે હવે ક્યારેય જવાની નહોતી. તેણે કૌશિકીને કહ્યું, ‘મેં જે કહ્યું હતું તે ન ભૂલતી. દુનિયા ચાહે મને ગમે તે રીતે બોલાવે, તારા માટે હું તારો પ્રેમી છું. એક ગુલામ જે તારી પુકાર સાંભળતા બધું છોડીને ચાલ્યો આવશે.’ કૌશિકીએ ભાવુક બનીને માથું હલાવ્યું અને પ્રેમની ઉત્કંઠા સાથે જવાબ આપ્યો, ‘હું તને કહી નથી શકી તે આજે કહું છું. ક્યારેય, ક્યારેય મારી જરૂર પડે તો મને ફોન કરી દેજે. તું મારો આનંદ છે અને જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે હું મારા આનંદ પર આંચ નહિ આવવા દઉં.’ કૌશિકીના શબ્દોએ કેદારને ભાવુક બનાવ્યો. બંનેની આંખો ભરાઈ આવી. તેમણે આંખો બંધ કરી એકબીજા સાથે પોતાનું લલાટ ટેકવી દીધું. આખરે, હથેળીથી કૌશિકીના ગાલને સ્પર્શ કરીને કેદાર પોતાના સંતાનને લઇ ત્યાંથી આગળ નીકળી ગયો. તેના પછી અદિતિ કૌશિકીને ભેટી. બંનેની આંખો ભીની હતી. અદિતિએ કહ્યું, ‘મારા માટે પોતાનો ખ્યાલ રાખજે.’

‘હમ્મ.. તું મારા માટે તમારા બંનેનો ખ્યાલ રાખજે.’ રડમસ થયેલા શબ્દો સાથે કૌશિકી બોલી.

કેદાર પોતાના સંતાન સાથે દૂર ઉભો ઉભો તે બંનેને જોતો રહ્યો અને મનમાં આશા કરતો રહ્યો, ‘કાશ! સમગ્ર માનવગજતમાં આ બે કેન્દ્રો વચ્ચે આવો જ પ્રેમ અને સમ્માન સ્થપાઈ જાય.’

તો, આ રીતે કેદારે રંગમંચની દુનિયામાં અને કૌશિકીએ પોતાના સ્થાને ધર્મસંસ્થાપનના એ કાર્યોની શરૂઆત કરી જેના માટે નિયતિએ તેમને તૈયાર કર્યાં હતા.

January 04 / 2018 /On Facebook

સ્વર્ગનો ગેટ

પ્રાચીન ઇજિપ્તમાં એક માન્યતા હતી. જયારે માણસ મર્યા પછી સ્વર્ગમાં જાય છે, ત્યારે સ્વર્ગના મુખ્યદ્વાર આગળ તેને બે સવાલ પુછાય છે. જો તે એ બે સવાલોના જવાબ આત્મવિશ્વાસભર્યા ‘હકાર’ માં આપી શકે તો જ તેને સ્વર્ગમાં એન્ટ્રી મળે. તે બે સવાલ છે;
૧. શું તમે જીવનમાં ક્યારેય નિરંતર આનંદનો અનુભવ કર્યો..?

૨. શું તમે ક્યારેય કોઈને નિરંતર આનંદનો અનુભવ કરાવ્યો..?

 

એકવાર જયારે ઇજિપ્તીયન ઈશ્વરના અવતાર મર્યા પછી સ્વર્ગ તરફ ગયા તો તેમને પણ આ બે સવાલ પુછાયા.

‘શું તમે ક્યારેય નિરંતર આનંદનો અનુભવ કર્યો..?’

અવતારે જવાબ આપ્યો, ‘હા. જયારે મને કોઈથી પ્રેમ થયો ત્યારે મને નિરંતર બસ આનંદ જ અનુભવાયો.’

બીજો સવાલ આવ્યો, ‘શું તમે ક્યારેય કોઈને નિરંતર આનંદનો અનુભવ કરાવ્યો..?’
અવતારે જવાબ આપ્યો, ‘હા. જયારે મેં કોઈને કહ્યું કે – ‘હું તને પ્રેમ કરું છું. તારી ખુશીમાં જ મારી ખુશી છે અને તારા દુઃખમાં જ મારુ દુઃખ. તને જેમાં ખુશી મળતી હોય એ મને કહેજે, હું આજીવન એ તારા માટે કરતો રહીશ.’ – ત્યારે મેં એ વ્યક્તિને નિરંતર આનંદ જ આપ્યો.’

સ્વર્ગના દ્વારપાલે હાથ જોડીને નમન કર્યા અને કહ્યું, ‘તમારા માટે પૃથ્વી જ સ્વર્ગ છે પ્રભુ. તમે જે કર્યું એ કરવાથી કોઈપણ સ્થાન સ્વર્ગ બની જાય છે. તમારે આ અલાયદા સ્વર્ગની કોઈ જરૂર નથી.’
દ્વારપાલના શબ્દો સાંભળી ઈશ્વરે સામું નમન કર્યું અને પોતાના ધામ તરફ ચાલતા થયા. ત્યારે દ્વારપાલે તેમને રોકતા પૂછ્યું, ‘આજ્ઞા હોય તો એ જાણી શકું કે જે વ્યક્તિને તમે પ્રેમ કર્યો તેણે પોતાની ખુશી માટે તમારા પાસે શું માગ્યું..?’

ઈશ્વરે પોતાના ડગલાં થોભાવી પાછળ જોયું અને બોલ્યા, ‘પહેલા થોડું ભૌતિક સુખ માગ્યું. પણ પછી તેને અનુભવાયું કે એ ભૌતિક સુખ ભોગવવા જતા એ નિરંતર આનંદ નષ્ટ થઇ જતો હતો જે તેને મારા પ્રેમથી મળતો હતો. એટલે તેણે બધું છોડી બસ એજ કર્યું જે હું એના માટે કરતો હતો. મને પ્રેમ કરવો. તે પાછળ આવી રહી છે. એ પણ તમને આવા જ જવાબ આપશે. એને કહેજો હું ધામમાં રાહ જોઈ રહ્યો છું.’
આટલું કહી ઈશ્વર પોતાના ધામ તરફ ચાલતા થયા.

 

સ્વર્ગના દ્વારે પુછાતા એ બે પ્રશ્નોનો આજ સરળ અર્થ હતો.
‘શું તમે કોઈને પ્રેમ કર્યો..?’

‘શું તમે કોઈને પ્રેમ આપ્યો..?’

પ્રેમ જ નિરંતર આનંદનો એકમાત્ર માર્ગ છે.