આત્માનુભવ અને આધ્યાત્મ

All the articles are Dr. Kaushik Chaudhary’s original work and therefore his intellectual property. Sharing of any content without giving attribution will be a criminal offence. 

August 26 / 2017 / On Facebook

આખરે મેં સત્ય કેવી રીતે જાણ્યું...?

મારા સાક્ષાત્કારોની યાત્રાએ

“’તમે જે લખો છો એ અલગ જ છે. ક્યાંથી જાણો છો આ. તમારા જ્ઞાનનો સ્ત્રોત શું છે..? અમારે જાણવું હોય તો શું કરવાનું..?’ છેલ્લા એક વર્ષથી આ પ્રશ્નોનો માર સતત વધી રહ્યો હતો. ગુજરાતના અલગ અલગ સ્થાનેથી, મુંબઈથી આવા ફોન, મેસેજ, ઇમેઇલ સતત મળતા હતા. કેટલાક દિવસો પહેલા મારા વતન ખેરાલુ ગયો તો વડીલોએ આ જ સવાલ કર્યો, ‘આ બધું ક્યાંથી જાણ્યું..?’ હું આ સવાલોના જવાબો આપવાથી ભાગીને કંટાળ્યો જ હતો કે હરિયાણામાં રામ રહીમ પાછળ જે થયું તેણે મને આ સ્ટોરી જાહેર કરી દેવાનો આખરી સંકેત આપી દીધો.”

મારો જન્મ છાપી પાસે તેનીવાડા નામના એક ગામમાં થયો હતો જ્યાં મારી માતા શિક્ષક અને પિતા ઈજનેર હતા. મને ભણવામાં હોંશિયાર જાણીને પિતાને ઈચ્છા થઇ આવી કે મને શહેરમાં શિક્ષણ આપવું. નાના પગારો અને આર્થિક સંકટના સમયમાં પણ તેમણે ગમે તેમ કરીને પાલનપુરમાં એક ઘર બનાવી દીધું અને ત્રીજા ધોરણથી ત્યાંની સ્વસ્તિક સ્કૂલમાં મારુ એડમિશન કરાવી દીધું. ધ્યેય એક જ હતું – મને ડોક્ટર બનાવવો. શહેરમાં પણ હું શાળાના મોખરાના ત્રણ વિદ્યાર્થીઓમાં રહેતો. પરંતુ, સાતમા ધોરણમાં એક એવી સામાન્ય ઘટના બની જેણે મારા જીવનને એક અસામાન્ય વળાંક આપ્યો.

            સ્કૂલથી છૂટીને એકદિવસ મારી નજર અમારી સ્કૂલ-બસની બારી બહાર પડી. ત્યાં ફાટેલા ગંદા કપડાં પહેરેલી એક ગરીબ સ્ત્રી બાજુમાં બેઠેલા તેના રડતા બાળકને એક અડધી સડેલી કેરી ખવડાવી રહી હતી. એવું નહોતું કે તે દિવસ પહેલા મેં કોઈ ગરીબ નહોતા જોયા કે તે દિવસ પછી નથી જોયા, પણ સડેલી કેરી ખાતા એ અર્ધનગ્ન બાળકની છબી મારા મનમાંથી ક્યારેય ભૂંસાઈ નથી. તે દિવસથી મારા શિક્ષણનું ધ્યેય એ હતું કે હું ભણી-ગણીને દેશની ગરીબી દૂર કરીશ અને ભારતને સમૃદ્ધ બનાવીશ. દસમા ધોરણમાં મારે મેરીટમાં સત્તાણુ ટકા આવ્યા અને હું તે બાબતે શાળામાં પ્રથમ હતો. અમે બધા ટોપના રેંકરો વિદ્યામંદિર નામની એક બીજી શાળામાં દાખલ થયા જે સમગ્ર ઉત્તર ગુજરાતમાં તેના અગિયાર-બાર સાયન્સના શિક્ષણ માટે પ્રખ્યાત હતી. એ શાળામાં એડમિશન લેનારા 197 વિદ્યાર્થીઓનું લિસ્ટ બન્યું તો હું એમાં છઠ્ઠો હતો. શાળામાંથી દર વર્ષે પચાસથી સાહીઠ વિધાર્થી મેડીકલમાં પ્રવેશ મેળવતા અને આ આંકડાને સતત વધારતા રહેવું એ શાળાનું એક લક્ષ્ય હતું. પણ એ વાતાવરણે મારા મનમાં એ મૂળ શિક્ષણ પદ્ધતિ પ્રત્યે જ બગાવત ઉભી કરી દીધી. મને હવે વિશ્વની બીજી સમસ્યાઓ પણ દેખાવા લાગી હતી અને એમાંની એકેયનું સમાધાન આ ડોક્ટર બનવાની રેસમાં નહોતું દેખાતું. હું વિજ્ઞાનના તમામ વિષયોમાં અભ્યાસક્રમથી આગળ ઊંડા ઉતરીને દુનિયા શું છે અને શાના માટે છે તેના જવાબો શોધતો રહેતો. પણ એ પુસ્તકો ગોખીને પરીક્ષામાં ટકા લાવવા પ્રત્યેનો મારો રસ ખતમ થઇ ચુક્યો હતો. પરિણામે મારા માર્ક્સ પત્તાના મહેલની જેમ તૂટવા લાગ્યા અને બોર્ડની પરીક્ષા નજીક આવતાં જ હું ડિપ્રેશનમાં જતો રહ્યો. દોડ મહિના સુધી કંઈ વાંચ્યું નહિ અને અર્ધજાગ્રત અવસ્થામાં પરીક્ષા આપી. એંશી ટકા આવ્યા અને સદનસીબે ડેન્ટલ કોલેજમાં એડમિશન મળી ગયું. આ રીતે પિતાજીનું મને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન કંઈક અંશે જીવિત રહી ગયું. ડેન્ટિસ્ટ્રીમાં જવાનું આજ એક કારણ હતું. બાકી હજી હું એક એવો માણસ હતો જેનું લક્ષ્ય ખોવાઈ ચૂક્યું હતું અને જે શ્વાસ લેવા પાછળના કોઈ નિશ્ચિત કારણની શોધમાં હતો.

            કોલેજમાં જયારે પહેલા વર્ષની પરીક્ષા આવી તો ખબર પડી કે પરીક્ષા સમયે ડિપ્રેશનમાં જતા રહેવાના ડિસઓર્ડરનો હું શિકાર બની ચુક્યો છું. ચાહે ગમે તેટલું જાણતો હોય પણ પરીક્ષાના દિવસે મારુ મન સુન્ન થઇ જતું. હું પેપરની આગલી રાતે વાંચ્યા વગર ઉંગી જતો કારણ કે મારુ મન એ ડિપ્રેશનને સહન નહોતું કરી શકતું. પહેલા બંને વર્ષમાં હું ફેલ હતો. હવે મને લાગી રહ્યું હતું કે હું ગ્રેજ્યુએશન પૂરું નહિ કરી શકું. એક લવ-સ્ટોરી જે સ્કૂલ સમયથી ચાલી રહી હતી તે હવે પુરી થઇ રહી હતી. કારણ કે તે એમબીબીએસમાં હતી અને તેનું ધ્યાન આગળ એમડી અને એમએસ બનવાની મુખ્ય ધારામાં હતું, જયારે મને એ મુખ્યધારા હજી એક કાદવ સમાન લાગતી હતી જ્યાં જો મેં એક પગ મુક્યો તો આજીવન બહાર નહિ નીકળી શકું. ચારેબાજુથી ડિઝાસ્ટર બની ચૂકેલા આ જીવનથી શાંતિ મેળવવા મને અમિતાભ બચ્ચનની જૂની ફિલ્મોનો સહારો મળ્યો. હું મારો મોટાભાગનો સમય દીવાર, ત્રિશુલ, જંજીર, કાલા પથ્થર આ બધી ફિલ્મો વારંવાર જોવામાં વિતાવતો. એ ફિલ્મોએ મને પરિસ્થિતિઓથી લડતા રહેવાની હિંમત તો આપી જ પણ સાથે સાથે મારામાં અભિનય અને ફિલ્મ સ્ક્રિપટિંગની ક્ષમતા પણ ઉભી કરી. કોલેજમાં ફિલ્મસ્ટારો પાછળ યુવાનોની ઘેલછા જોઈને ફિલ્મો મને એક શક્તિશાળી માધ્યમ લાગેલી જ્યાંથી એક વિચાર છોડવામાં આવતો તો તે આખા સમાજના માનસ પર ઊંડી છાપ છોડતો. દેશની સમસ્યાઓ અને તેમના ઉપાયો વિષે અત્યાર સુધી મેં જે મંથન કર્યું હતું તેને હવે હું ફિલ્મી પટકથાઓમાં ઉતારવા લાગ્યો. એનાથી મૂળ ફાયદો એ થયો કે પરીક્ષાનો ડર જતો રહ્યો. હવે કોલેજના ત્રીજા વર્ષમાં હું ગુજરાત યુનિવર્સિટીમાં પચ્ચીસમા નંબરે હતો.

            પરંતુ, ફિલ્મ પટકથાઓ લઈને જયારે હું મુંબઈના કેટલાક નામાંકિત પ્રોડ્યૂસરો અને ઉદ્યોગગૃહોને મળ્યો તો તેમણે કહ્યું, ‘તમે જે લઈને આવ્યા છો તે સમયથી ઘણું આગળ છે. ભારતનો દર્શક હજી આવી ફિલ્મો માટે તૈયાર નથી. આ બધું હોલીવુડમાં જ ચાલે.’ છતાં મેં એમને મનાવવાના પ્રયાસો સતત ચાલુ રાખ્યા. મારી એક પટકથામાં એક નિર્માણગૃહે રસ બતાવ્યો પણ આર્થિક અને રચનાત્મક કારણોથી વાત આગળ ના વધી. ઇન્ટર્નશિપ વખતે આવું બીજીવાર થયું. આ વખતે તો કલાકારોની પસંદગી થયા પછી આર્થિક કારણોસર વાત પડતી મુકવી પડી. તે દિવસે મને નિરાશામાં બેઠેલો જોઈ મુંબઈમાં રહેતો મારો કઝીન મને વોટર કિંગડમમાં ફરવા લઇ ગયો. ત્યાંથી અમે બાજુમાં આવેલો બૌદ્ધ પેગોડો જોવા ગયા. ત્યાં મારી નજર બુદ્ધની એક મૂર્તિ પર પડી જ્યાં ધ્યાનમાં બેઠેલા બુદ્ધ અત્યંત શાંત મુદ્રામાં દેખાતા હતા. એ ક્ષણ આધ્યાત્મિક દુનિયા સાથે મારી પહેલી મુલાકાત હતી. બુદ્ધની પ્રતિમા જોઈને છેલ્લા આઠ વર્ષની સતત નિષ્ફળતાઓથી થાકેલા મારા મનને અત્યંત શાંતિનો અનુભવ થયો. મને લાગ્યું કે કોઈક તો એવી દુનિયા છે આ બંધ આંખો પાછળ જેના સુધી હજી મારી પહોંચ નથી થઇ. આ વિષય મારાથી અજાણ્યો રહી ગયો છે. જયારે મારે તો જાણવું જ છ દુનિયાનું સંપૂર્ણ સત્ય જે મને આ દુનિયાની તકલીફોને દૂર કરવાનો માર્ગ સૂચવે.

            કોલેજ પાછો આવીને મેં બુદ્ધના પુસ્તકો ખરીદીને વાંચ્યા. ગીતા પણ વાંચી. એવામાં એક રાતે એક ફિલ્મ મારા જોવામાં આવી – ‘સેવન યર્સ ઈન તિબેટ’. ફિલ્મમાં ૧૯૫૦ આસપાસ ચીને તિબેટ પર આક્રમણ કરીને ક્રૂરતા વર્તાવી તે સમયનું ચિત્રણ હતું. ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે એ દસ લાખ તિબેટીઅન સાધુઓને મારી નાખવામાં આવ્યા જેમના જીવનનું એક જ કાર્ય હતું- બુદ્ધના માર્ગે સત્યનો સાક્ષાત્કાર કરવો. તિબેટનું આધ્યાત્મિક જીવન દુનિયા પરનો એક શ્રેષ્ઠ પ્રયોગ હતો જેને અત્યંત બર્બરતાથી નષ્ટ કરી દેવામાં આવ્યો. જેવી તે ફિલ્મ પુરી થઇ તેવું મારામાં એટલું રુદન ભરાઈ ગયું કે હું દોડતો દોડતો હોસ્ટેલના ટેરેસ પર જતો રહ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તિબેટીઅનો પર થયેલો એ અત્યાચાર હું સ્વીકારી નહોતો શકતો. એ રાતે મારા મનમાંથી એ છેલ્લો અહમ પણ નષ્ટ થઇ ગયો કે ‘મેં આ દુનિયાની સમસ્યાઓ દૂર કરવા જીવન વિતાવ્યું છે અને અનેક ત્યાગ કર્યા છે. એટલે હું સાચો છું અને એકદિવસ મને તેનું ફળ મળશે.’ પણ હવે મેં જાણ્યું કે જેમણે આખા જીવન આ કાર્ય માટે વિતાવ્યા હતા અને ક્યારેય કોઈનું અહિત નહોતું કર્યું એવા દસ લાખ લોકોને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા અને તેમને બચાવવા દુનિયા પરનો કે દુનિયા બહારનો કોઈ ભગવાન ન આવ્યો. ‘તો આ દુનિયા શું આ જ છે..? એક જંગલરાજ..? મારે એની તલવાર..! તો આવી દુનિયામાં હું રહી શકું એમ નથી. હું અત્યારે જ મરવા તૈયાર છું. મને હવે શ્વાસ લેવાનું પણ મન નથી થતું.’ – આ વિચારોએ મને શૂન્ય કરી દીધો. બે દિવસ સુધી હું મારા હોસ્ટેલના રૂમમાંથી બહાર જ ન નીકળ્યો. અને બીજા દિવસની રાતે એ ઘટના ઘટિત થઇ જેણે મારા શરીરમાં એક નવો પ્રાણ પુરી દીધો.

            મધરાતે બે વાગ્યા આસપાસ મારી નિંદ્રાધીન આંખોમાં ચકચકિત પ્રકાશ અનુભવાવા લાગ્યો. થોડીવારમાં એ પ્રકાશ એટલો વધી ગયો કે મેં ઝબકીને આંખો ખોલી દીધી. પણ આંખો ખોલતા જ મને આજુબાજુની દરેક વસ્તુમાંથી પણ એવો જ પ્રકાશ નીકળતો દેખાવા લાગ્યો. દીવાલો, પલંગ, ટેબલ, કબાટ કોઈ વસ્તુ હવે દેખાતી નહોતી, બસ જળહળતો પ્રકાશ હતો. મેં મારા મોંઢાને સ્પર્શવાની કોશિશ કરી પણ હું મારા હાથને ન જોઈ શક્યો. એવું લાગ્યું જાણે મારી સાથે આજુબાજુનું બધું એક અનન્ય પ્રકાશમાં ભળી ગયું છે અને મારી આંખો સમગ્ર દુનિયાને એ પ્રકાશિત ઉર્જામાં વિલીન થતા જોઈ રહી છે. એ અનુભવ પાંચેક મિનિટ રહ્યો પણ એ ડરામણી અવસ્થામાંથી સંપૂર્ણપણે બહાર નીકળતા બીજા ચાર કલાક લાગ્યા. સવાર પડી તો હું શાંત મને મારા પલંગ પર બેઠો હતો અને મારુ જીવન બદલાઈ ચૂક્યું હતું. ધીરે ધીરે એ આધ્યાત્મિક અવસ્થા મારા માટે નૈસર્ગીક થવા લાગી અને હું રોજ નવા નવા સત્યોનો સાક્ષાત્કાર કરવા લાગ્યો, જેમાં મારી પાછળની યાત્રાઓ પણ હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચકાચન્દ હવે મારા મનમાંથી એનું મહત્વ ગુમાવી ચુકી હતી. કોલેજ પુરી થયા પછી મેં સન્યાસી જીવન ચકાસી જોવા માટે કેટલાક દિવસો કલકત્તાના બેલુર મઠમાં વિતાવ્યા. પણ ત્યાંના સન્યાસી ભાઈઓ જે જીવનચર્યા જીવતા હતા તેનું લક્ષ્ય આ સાક્ષાત્કાર જ હતો જે હું મેળવી ચુક્યો હતો. મારુ ત્યાં રહેવું ના તેમના માટે મને યોગ્ય લાગ્યું ના મારા માટે. આથી, પંદર દિવસ બાદ હું ત્યાંથી પાછો ફર્યો, એ સંકલ્પ સાથે કે હું મારુ આધ્યાત્મિક જીવન સંસાર વચ્ચે સાંસારિક વેશમાં વીતાવીશ. કોઈ ભગવા કપડાં પહેરેલા ગુરુ બનીને નહિ, પણ આજ ડેનિમ જીન્સ અને ટીશર્ટ સાથે, આજ ફોર્મલ પેન્ટ-શર્ટ સાથે એ સત્યને સાંસારિક જીવનમાં જીવવાની કોશિશ કરીશ જેને વ્યાસપીઠો પરથી કહેવામાં આવે છે. મારા મનમાં એ જીદ હતી કે જો સત્યને હું કૃષ્ણના જેમ સાંસારિક રીતે જીવી શકું તો જ આધ્યાત્મિકતાનો કોઈ અર્થ છે, નહીંતર તે ખાલી એક ક્ષણિક મનોરંજન છે.

            બેલૂરથી પાછા ફરીને પહેલું કામ છોકરી પસંદ કરી લગ્ન કરવાનું અને ગળાડૂબ રોમાન્સ કરીને જીવનભરનો થાક ઉતારવાનું કર્યું. અને ત્યારબાદ મેં એ વૈજ્ઞાનિક ગ્રંથ લખવાનો શરુ કર્યો જેમાં સૃષ્ટિને તેની શરૂઆતથી તેના વિલય સુધી એક જ સળંગ વિજ્ઞાન અને એક જ મૂળભૂત કારણ સાથે આધુનિક ભાષામાં વર્ણવવામાં આવી છે. આજે તે ગ્રંથ વિશ્વના ૧૫૦ દેશોમાં ઉપલબ્ધ છે અને ભારત સહીત અમેરિકા અને યુરોપના કેટલાક વૈજ્ઞાનિકોમાં સારી એવી ઉત્સુકતા જન્માવી ચુક્યો છે. સમય સાથે મારી આધ્યાત્મિક શક્તિઓને વધતી હું અનુભવી રહ્યો છું. ક્યારેક હું મારા પાછળ જન્મોને જ જાણતો હતો, હવે એ જન્મોમાં મારી સાથે જોડાયેલા લોકો આ જીવનમાં મારી સામે આવે છે ત્યારે તેમને ઓળખી જાઉં છું. ક્યાંક ભવિષ્યના કેટલાક વળાંકોને પણ જોઈ લઉં છું અને તેના માટે આજના પ્લાનિંગ પ્રત્યે સભાન બની જાઉં છું. પણ અફસોસ એ છે આમાંથી કંઈ હું તમને આપી શકું એમ નથી. ચાહવા છતાં આપી શકું એમ નથી. જો આપી શકાતું હોત તો ભૂતકાળમાં આત્મજ્ઞાન મેળવેલા ઇતિહાસના પહેલા માણસે આખી દુનિયાને આત્મજ્ઞાન આપી દીધું હોત અને આ દુનિયા આજે આટલી સમસ્યાઓથી ભરેલી ના હોત. એટલે કોઈ બાપુઓ, બાબાઓ અને સદગુરુઓના અંધ ભક્ત બનવાનું બંધ કરી દો. હા, સત્પુરુષો અને આત્મજ્ઞાનીઓનું સમ્માન કરો, તેમના પગે પડો, પણ તેમને ગુરુ માનતા પહેલા તેમની આકરી કસોટી કરો જેવી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસની કરતા હતા. અને જે ગુરુ પોતાની કસોટીને પોતાનું અપમાન ગણે તેને પાખંડી માનો. કોઈને ગુરુ માન્યા પછી પણ હંમેશા યાદ રાખો કે તે ખાલી માર્ગદર્શક છે. તે તમારું આખરી લક્ષ્ય નથી. તમારું આખરી લક્ષ્ય તમારી આધ્યાત્મિક જાગૃકતા છે, જે કોઈ ગુરુ કોઈને સીધી આપી શકતો નથી. તે દરેકે જાતે મહેનત કરીને મેળવવી પડે છે. એટલે જ્યાં કંઈ મદદકારક વસ્તુ મળે તે લઇ લો અને પોતાની યાત્રા પર સ્વતંત્ર બનીને આગળ ચાલો. કેટલાક સમય પહેલા મારી પાસે મારુ ફેસબુક ફેન પેજ અને વોટ્સ અપ્પ ફેન ગ્રુપ બનાવવાની પરવાનગી માંગવામાં આવી. મેં એ કહીને ઠુકરાવી દીધી કે ‘બીજા કોઈ મનુષ્યના ફેન બનીને મનુષ્ય તરીકે પોતાનું અપમાન ન કરો. મારાથી જેટલું જાણવા અને શીખવા મળે છે તેટલું શીખો અને આગળ ચાલો.’

            હું જે પણ જ્ઞાન આપું છું તે કોઈ કૌશિક ચૌધરી નથી આપતો. તે જ્ઞાન આ શરીરમાં જાગ્રત બનેલું બ્રહ્મ આપી રહ્યું છે. એ બ્રહ્મ જ આ જ્ઞાનનો સ્ત્રોત છે. એ જ બ્રહ્મ તમારામાં પણ છે અને આ જ અભિવ્યક્તિ કરવા માંગે છે. પણ તમે એને તમારા નામના અહમ નીચે દબાવી રાખ્યું છે. એ અહમને તોડવાના ઘણાબધા આધ્યાત્મિક માર્ગ છે જે શાસ્ત્રોમાં પણ કહેલા છે અને મેં મારા લેખોમાં પણ. પણ મને તેમનો અનુભવ નથી. મને બસ મારી આ સ્ટોરીનો અનુભવ છે. અને આ સ્ટોરી કર્મયોગની સ્ટોરી છે.

            આપણે એવું વિચારીને જીવીએ છીએ કે આ જીવન એકવાર જ આવ્યું છે, તો હું આ દુનિયામાંથી શું મેળવી લઉં. પણ સિત્તેર વર્ષનું જીવન પૂરું કરીને આપણે જાણીએ છીએ કે આખી જિંદગી જે મેળવ્યું એ બધું અહીંનું અહીં છૂટી રહ્યું છે અને એમાંની એક ટાંકણી પણ આપણે પેલે પાર લઇ જઈ શકીએ તેમ નથી. આમ, જીવન કંઈક મેળવવા માટે છે એ નિષ્કર્ષ આખું જીવન વિતાવ્યા પછી ખોટો પડે છે. જીવન જીવવાનો સાચો વિચાર એ છે કે મને આ સિત્તેર વર્ષનું જીવન એકવાર આપવામાં આવ્યું છે તો હું એમાં આ દુનિયાને શું આપી દઉં..? જે દિવસે જીવન વિશેના આપણા મૂળભૂત વિચારમાં આ પરિવર્તન આવી જશે કે જીવન કંઈ મેળવી લેવા માટે નહિ, આ દુનિયાને કંઈક આપીને જવા માટે છે તે દિવસે આપણું ધ્યાન આપણા સુખ-દુઃખ પરથી હટી જશે. આપણે જે પણ કરીશું એમાં આપણો કોઈ નવો અહમ નહિ બને અને દુનિયાને કંઈક આપવાની કોશિશોમાં જે નિષ્ફળતા અને યાતનાઓ મળશે તેમાં અહમના જુના રેકોર્ડ નાશ પામશે. નિષ્ફળતાઓથી જયારે અહમનો છેલ્લો રેકોર્ડ તૂટશે ત્યારે
બ્રહ્મ તમારા મનમાં જાગ્રત થઇ જશે અને તમે એજ બોલતા, અનુભવતા અને કરતા થઇ જશો જે હું તમને કહી રહ્યો છું. જયારે જીવનનું દરેક કાર્ય દુનિયામાંથી કંઈક મેળવવાના સ્થાને દુનિયાને કંઈક આપવા માટે થવા લાગે ત્યારે તેને જ કર્મયોગ કહે છે. સાતમા ધોરણમાં પેલા ગરીબ છોકરાને જોઈને મારા જીવનમાં જે વળાંક આવ્યો તે કર્મયોગનો વળાંક હતો. જયારે તમે દુનિયામાંથી કંઈક મેળવવા માંગો છો અને મેળવી નથી શકતા ત્યારે દુઃખ ઉત્પન્ન થાય છે. એ દુઃખ તમને નવા કર્મોમાં ઉલજાવે રાખે છે. પણ જયારે તમે દુનિયાને કંઈક આપવા માંગો છો પણ આપી નથી શકતા ત્યારે પીડા ઉત્પન્ન થાય છે. અને એ પીડા તમને સત્યના સાક્ષાત્કાર તરફ લઇ જાય છે. આજ મારા જીવનનો અનુભવ છે અને દુનિયાને બતાવવા માટે મારી પાસે બસ આ એક જ માર્ગ છે.

 

સાર: મેં ગુજરાત સમાચાર છોડ્યું એ પપ્પાને ગમ્યું નથી. મારા લેખ વાંચીને લોકો પપ્પા સામે મારા વખાણ કરતા એટલે તેમને બહુ ગમતું. વળી, એ સામેથી પણ કહી શકતા કે મારા છોકરાના છાપામાં લેખ આવે છે, વાંચજો. પણ મેં એ છોડી દીધું એટલે તેમણે કહ્યું, ‘આ મુર્ખામી છે. કેટલી નામના થતી હતી.’

મેં તેમને શાંત કરવા કહ્યું, ‘દશકો સુધી લખાયેલા હજારો લેખો અને સેંકડો પુસ્તકો પણ સમય જતાં પસ્તી બની જાય છે. પણ સત્યની ચેતના સાથે જીવાયેલું એક જીવન યુગો-યુગો સુધી માનવજાતિનું માર્ગદર્શન કરતું રહે છે. મારા લેખો અને પુસ્તકો મારુ જ્ઞાન છે, પણ મારા નિર્ણયો એ જ્ઞાન જેમાંથી આવે છે તે સ્ત્રોતની ઓળખ છે.’

October 14 / 2017 / On Facebook

'દુનિયાને શું આપીને જાઉં..?'

“સંસારી લોકોનો જે જે દુઃખોથી સામનો થાય છે તે બધા થોડીવાર માટે મને પણ આપજો જેથી હું સમજી શકું કે એક સંસારી માણસ શું ભોગવે છે અને તેને એ દુઃખનું સમાધાન કેવી રીતે આપવું.”

હું બેલુર મઠથી નીકળ્યો એટલે છેલ્લે રામકૃષ્ણ પરમહંસની મૂર્તિ સામે ધ્યાન કરીને આ પ્રાર્થના કરેલી. ત્યાંથી પાછા ફર્યા બાદના આ પાંચ વર્ષમાં જે પણ સમસ્યાઓનો મેં સામનો કર્યો તેના જવાબ મેં ફક્ત મારા માટે નથી શોધ્યા. ‘આ જ સમસ્યા કે દુઃખ કોઈ બીજાના જીવનમાં આવે તો તેને કેવી રીતે માર્ગ શોધવો’ – મેં એ જ વિચાર્યું છે અને વ્યક્તિગત સવલતો હોવા છતાં હંમેશા એ જ માર્ગને અપનાવ્યો છે જે બીજા પણ અપનાવી શકે. એમાં મોટા ભાગની મુસીબતો અને દુઃખોનું સમાધાન આ એક વિચારમાંથી જ મળી આવ્યું કે ‘જીવન કઈ મેળવવા માટે નહિ, દુનિયાને કંઈક આપીને જવા માટે છે.’

            લગ્નના પહેલા જ વર્ષમાં મારી પત્નીને પ્રેગ્નન્સી રહી, પણ ખબર પડી કે એ ટ્યુબમાં રહી ગઈ છે અને ટ્યુબ ફાટી ચુકી છે. તાત્કાલિક અમદાવાદ જઈને ઓપરેશન કરવું પડ્યું અને એકબાજુની ટ્યુબ કાઢી નાખવી પડી. હવે એક જ ટ્યુબ હતી. બીજા ત્રણ વર્ષ વીતી ગયા પણ પ્રેગ્નન્સી રહી નહિ. વડીલોએ અનેક જગ્યાએ અમને બંનેને માનતાઓ કરવા મોકલ્યા, આયુર્વેદિક અને એલોપેથી દવાઓ આપી, ઇન્જેક્શનથી સીધા શુક્રાણુ નાખવાની આઇયુઆઈ પધ્ધતિ અનેક વખત અપનાવી જોઈ. પણ રિઝલ્ટ ના મળ્યું. ડોક્ટરે કહ્યું ટ્યુબ્યુલર ઇન્ફર્ટિલિટી થઇ ગઈ લાગે છે. ટેસ્ટટ્યુબ બેબી જ ઉપાય છે. અમે પૂછ્યું એમાં કેટલા ચાન્સ છે, તો ડોક્ટરે કહ્યું ૪૦ થી ૫૦ ટકા. સાંજે અમે ઘરે આવ્યા તો મારી પત્ની ઉદાસ હતી. મેં એને પૂછ્યું ‘સંતાન શાના માટે જોઈએ છે..?’ એણે મારી સામે જોઈને કહ્યું, ‘બીજાના જોઈએ એટલે ઈચ્છા થાય છે. જીવનમાં રસ જળવાઈ રહે એવો એક વિષય પણ મળતો હશે. પણ સૌથી વધુ તો કુટુંબીજનો અને સમાજના લોકોના સતત સવાલોથી કંટાળીને એની ઈચ્છા થાય છે. તમને ઈચ્છા નથી થતી..?’

            મેં કહ્યું, ‘થાય છે, પણ એના વગર નહિ જ ચાલે એવી નહિ. હું બહુ પહેલાથી મારા જીવનને એક લક્ષ્ય આપી ચુક્યો છું કે મને આપવામાં આવેલી તમામ શક્તિઓનો પુરેપુરો ઉપયોગ કરીને હું દુનિયાને કંઈકને કંઈક આપતો જઈશ જેથી મારા ગયા પછી આ દુનિયા કહી શકે કે ‘જો આ માણસ ન આવ્યો હોત તો દુનિયામાં આટલું ના થઇ શકત, આટલું હંમેશા અધૂરું રહી જાત.’ અને હું જાણું છું કે એ વસ્તુ સંતાન નથી. આ દુનિયા મોટાભાગે મુર્ખાઓની જમાત છે ડીઅર. તેના પાસે જીવવાનો પણ વિષય નથી. એટલે એ અડધું જીવન જીવી સંતાનમાં એક નવો વિષય શોધે છે જેથી બાકીનું અડધું જીવન તે એ રીતે પૂરું કરી શકે જેમ એના માં-બાપે એના પાછળ પૂરું કર્યું. દુનિયાનો દરેક માણસ આજીવન દુનિયાને લૂંટીને પોતાનું ઘર ભરવા નીકળ્યો છે. અને પોતાનો એ લૂંટવાનો ધંધો વિરાસતમાં આપવા એને સંતાન જોઈએ છે. એમાં પણ છોકરો જ, છોકરી ના ચાલે.

            આપણું આ શરીર જયારે ૪૦-૫૦ દિવસનું હતું એટલે આપણે તેમાં આવ્યા હતા અને એક દિવસ ઉછેરેલું-મોટું કરેલું આ શરીર આમનું આમ છોડીને આપણે જતા રહીશું. આ શરીર જેને આપણે પોતાની જાત માનીએ છીએ અને તેના માટે ગમે તે ખોટું કરવા તૈયાર થઇ જઈએ છીએ એને તો આજ ધરતી પર આમનું આમ સળગાવી દેવામાં આવશે કે દફનાઈ દેવામાં આવશે. હવે જો આ શરીર પણ આપણે અહીં છોડીને જવાનું છે અને આપણા છોકરાને પણ એ છોડીને જવાનું છે, તો બીજું કઈ અહીંયા મેળવવાની કોશિશ કેટલી ભયંકર મુર્ખામી છે. એટલે જો આજુબાજુ રહેલા એ મુર્ખાઓની વાતો સાંભળીને પોતાના જીવનની ઈચ્છાઓ ઉભી કરી તો બિલકુલ એમના જેવી થઇ જઈશ. પછી સંતાન આવશે તો પણ છોકરી હશે તો નિસાસો નાખીશ, બીજીવાર તો ચોરી છુપે લિંગ પરીક્ષણ કરાવીશ અને જો ફરી છોકરી હશે તો ગર્ભપાત પણ. સાહીઠ વર્ષ જીવી ગઈ તો માનતાઓ કરીશ કે ‘ભગવાન મારા છોકરાને છોકરો જ આવજો નહીંતર મારા આખા જીવનની મહેનત નિષ્ફળ જશે’ અને જો નેવું વર્ષ જીવી ગઈ તો કહીશ ‘ભગવાન મારા છોકરાના છોકરાને છોકરો જ આવજો નહીંતર મારા આખા જીવનની મહેનત નિષ્ફળ જશે.’ મતલબ, તારું જીવિત હોવું એ જ આ દુનિયા પર એક સમસ્યા હશે અને તારું મૌત દુનિયા માટે એક શાંતિ.

            જો આ મૂર્ખાઓના નર્કમાં ઘુસી તો જીવન અહીંયા જ ખતમ સમજ. પછી તું અને તારા સંતાનો આ દુનિયા પર મુસીબત વધારનારા માણસો બનીને રહી જશો. કારણ કે તે આ દુનિયા પર પહેલાથી જ બેકાબુ બની ચુકેલી અછત અને હરીફાઈની સમસ્યાને હજી વધારી દેશે. એમને પણ ખાવા જોઈશે, એમને પણ સરકારી નોકરી જોઈશે, એને પણ વધારે પૈસા જોઈશે, સતત વધારે. મતલબ, એક રીતે આપણે આ ધરતી પર કોઈ મનુષ્ય નહિ પણ એક નવો ઉપભોક્તા પેદા કરવાની કોશિશમાં છીએ, જે આ દુનિયાના સંશાધનોમાં પોતાનો ભાગ પડાવશે, જરૂરથી પણ વધુ લૂંટશે અને કોઈ બીજાનો હક છીનવશે. આપણે આ દુનિયામાં પહેલાથી બેકાબુ બનેલી ગરીબી, બેકારી, અછત અને સંઘર્ષની સમસ્યાઓ વધારવાની કોશિશમાં છીએ. એટલે આ દુનિયા પાસેથી માંગવાવાળો એક બીજો ભિખારી કે લૂંટારો પેદા કરવા કરતા પહેલા એ સમજી જઈએ કે આપણું જીવન આ દુનિયાને સતત કંઈક આપીને જવાની મથામણમાં વીતે અને આપણે દુનિયા પાસેથી જરૂરતથી વધારે કંઈ મેળવવાની કોશિશમાં સમય ન બગાડીએ. આ રીતે જ જયારે આપણે આપણાથી શક્ય બધું દુનિયાને આપી ચુક્યા હોઈશું તો મુક્ત થઇ સંસારને સામેથી છોડી શકીશું. પાછળ છોકરો છે કે છોકરી એની આપણને કોઈ ચિંતા નહિ હોય. અરે આ રીતે મૃત્યુના ડરને પણ જીતી જવાય છે. કોઈ મને અત્યારે કહે કે હું કાલે સાંજે મૃત્યુ પામવાનો છું, તો હું એને કહીશ, ‘ઓકે. હું અત્યાર સુધી દુનિયાને આટલું આપી શક્યો છું. એ તમને સુપ્રત કરું છું, એને તમને ઠીક લાગે તેમ આગળ લઇ જજો. હું મારા તમામ સબંધીઓને મારા તરફથી મુક્ત કરું છું. તે પોતાની ઈચ્છા મુજબ પોતાનું જીવન જીવવા સ્વતંત્ર છે. બસ, તો હવે કાલ સાંજ સુધી રાહ જોવાનો કોઈ અર્થ નથી. એ મૃત્યુને આજે જ બોલાવી દો. હું શરીર બદલવા તૈયાર છું. બીજા શરીરમાં આટલેથી જ કામ આગળ ધપાવીશ.’
જો જીવન કંઈક આપવા માટે વિતાવ્યું હશે તો ભગવાનને પણ આ કહી શકશો. પણ જો જીવન જાતજાતના ક્ષણિક ભોગવિલાસો અને બીજા પર સત્તાઓ મેળવવા માટે વિતાવતા હશો તો નેવું વર્ષે પણ મૃત્યુ સામે આવતા ડઘાઈ જશો, તો પછી નાની ઉંમરે જીવનના અધવચ્ચે આવતા મૃત્યુને જોઈને તો શું હાલત થશે એ વિચારી શકાય છે.
એટલે આપણે ઈશ્વરને એક જ પ્રાર્થના કરવાની છે. ‘હે ઈશ્વર, સૃષ્ટિચક્ર ચલાવવા માટે દરેક મનુષ્યએ એક બીજા મનુષ્યને પેદા કરતા જવું એ તેની જવાબદારી છે. જો તમને લાગે કે હું એ જવાબદારી નિભાવવા લાયક છું તો હું જીવનના એ અનુભવને મેળવવા માંગુ છું જ્યાં એક નાનું બચ્ચું એક વિકસિત મનુષ્ય બને છે. એ મને માનવજીવન વિષે નવી સમજ આપશે અને હું માનવજાતિને કંઈક વિશેષ આપવાની સ્થિતિમાં આવીશ. હું તમને વિશ્વાસ અપાવું છું કે હું એને મારી વ્યક્તિગત સંપત્તિ નહિ માનું. હું એને એક સ્વતંત્ર મનુષ્ય માની તેને સૃષ્ટિને કંઈક આપવા માટે સક્ષમ બનાવવાની કોશિશ કરીશ અને અંતે તેનાથી કોઈ જાતનું વળતર મેળવવાની ઇચ્છાઓથી મુક્ત થઇ જઈશ. મને એક માનવને આ ધરતી પર લાવવાનું સૌભાગ્ય આપો.’

            તે દિવસે મેં અને મારી પત્નીએ સાથે એ પ્રાર્થના કરી અને બીજા જ મહિને અમને નૈસર્ગીક રીતે રિઝલ્ટ મળી ચૂક્યું હતું. આ રીતે મારી દીકરીનો જન્મ થયો જેના જન્મ પછી મેં આત્માના જન્માંતરણોના, માતા-પિતા અને સંતાનના સંબંધોના, સ્ત્રી સશક્તિકરણની જરૂરિયાતના અને મારા વ્યક્તિગત સંબંધોના ઘણા રહસ્યોને જાણ્યા છે અને મારા લેખો તથા સ્ટોરી સ્વરૂપે દુનિયાને આપ્યા છે. મારી દીકરી આજે ત્રણ મહિનાની છે અને હું જોઈ શકું છું કે એ કેટલી કાળજી અને દેખરેખ માંગે છે. લોકો કહે છે આ દેખરેખ સતત વધતી જ જવાની છે. અને એ જોઈને મને એ બોલવાનું મન નથી થતું જે મારા પિતા મને હંમેશા કહેતા રહે છે. ‘જોયું, છોકરાં મોટા કરવા કેટલા કાઠા છે, અને એમના પાછળ આટઆટલી મહેનત કર્યા પછી જો એ માં-બાપની વાત ના માને અને એમની સેવા ના કરે તો શું કરવાના.’ મને આ વિચાર નથી આવતો. મને થાય છે કે ‘આટઆટલી સખત મહેનત કરીને અને કાળજી રાખીને એક મનુષ્ય મોટો કરવામાં આવે છે અને જો આ પછી તે દુનિયા પરનું બધું પોતાના ઘરમાં ભરવા કોશિશ કરતો લૂંટારો કે ઉપભોક્તા માત્ર બની રહે અને બીજા લાખો કરોડો મનુષ્યોને ભૂખ અને બીમારીથી મરતા છોડી દે તો તે માં-બાપની આ અથાગ મહેનતનું અપમાન છે. આટઆટલી કાળજી અને પરિશ્રમથી મોટો કરેલો મનુષ્ય જો આજીવન ખાલી સરકારી નોકરીઓના ઇન્ક્રીમેન્ટ અને ધંધાનો નફો ગણવામાં ઘરડો થઇ જાય તો હું એમાં એને ઉછેરવા પાછળ કરાયેલી મહેનતને વ્યર્થ ઘણું છું. હું એમાં મનુષ્યના જન્મ સાથે ઉત્પન્ન થતી એક મહાન સંભાવનાને નષ્ટ થતી જોઉં છું. કારણ કે આજીવન તેણે પોતાના ભોગવિલાસ માટે દુનિયાની સમસ્યાઓને વધારવાનું જ કામ કર્યું છે. એક તરફ લાખો મનુષ્યોના સંતાનો સિવિલ હોસ્પિટલની લાઈનમાં દવાઓ ન મળવાથી મરી રહ્યા હતા ત્યારે તે પોતાના છોકરાઓ સાથે ચડ્ડાઓ પહેરી, હાથમાં કોકનો ગ્લાસ લઇ એસી રૂમમાં 52 ઇંચની એલઇડી ટીવી પર ફેમિલી શો જોઈ રહ્યો હતો. શરીર રૂપે મળેલા આ ભાડાના ઘરનો ઉપયોગ તેણે દુનિયાને કંઈક આપવા માટે નહિ દુનિયામાંથી જેટલું શક્ય હોય તેટલું ખેંચી પોતાના ઘર ભરવામાં કર્યો. તેણે દુનિયામાં અછત, ગરીબી અને સંઘર્ષને વધાર્યો.

            એટલે સત્ય સમજવામાં ક્યારેય મોડું નથી હોતું. જયારે પણ તે જાણવા મળે તેને તુરંત અમલમાં મૂકી દેવું જોઈએ. આજે જે ઉંમરે પણ આપણે પહોંચ્યા હોઈએ ત્યાંથી એ સમજી લઈએ કે આપણે આ બીજું બધું મેળવેલું તો દૂર આ શરીરને પણ અહીંયા છોડીને જવાના છીએ. તો જેટલો પણ સમય આ શરીરમાં આપણે હવે છીએ તેમાં આ દુનિયાને કંઈકને કંઈક આપીને જવાની કોશિશ કરીએ. કોઈક વૈચારિક સમાધાન તો કોઈ સામાજિક સંસ્થાઓ તો કોઈક રાજકીય અને સામાજિક આમૂલ પરિવર્તનના બીજ રોપતા જઈએ જેથી આપણા જીવનનો નિષ્કર્ષ દુનિયાની મુસીબતો વધારનાર જીવન તરીકે નહિ પણ દુનિયાની મુસીબતોને હલ કરવાની કોશિશો કરતા જીવન તરીકેનો નીકળે. જયારે દરેક માનવનું જીવન દુનિયાને કંઈક આપવા માટે જીવાતું થશે ત્યારે માણસ એકબીજા માટે અને માનવતા માટે જીવતો થશે. અને એ જ સતયુગ છે.

            માનવ સ્વભાવના ત્રણ ગુણો; તમસ, રજસ અને સત્વ જ ત્રણ મુખ્ય સમાજ વ્યવસ્થાના જન્મદાતા છે. તમસ ગુણમાં માણસ ફક્ત પોતાના જીવનનિર્વાહ ચલાવવાની કોશિશો પૂરતો સીમિત અને આળસુ તથા પ્રમાદી હોય છે. આ તમસ ગુણમાંથી જ સામ્યવાદી વિચારધારા પ્રગટી છે, જ્યાં જો સમાજમાં ૮૦ ટકા લોકો ગરીબ અને ૨૦ ટકા અમીર હોય તો ગરીબોને ઉપર લાવવાના સ્થાને ૨૦ ટકા અમીરોને ગરીબ બનાવવાની કોશિશ થાય છે. રજસ ગુણમાં માણસ વ્યક્તિગત ભોગવિલાસો, કીર્તિ અને સત્તા માટે મહત્વાકાંક્ષી તથા મહેનતુ હોય છે. આ ગુણમાંથી આજની મૂડીવાદી સભ્યતા જન્મી છે જ્યાં વ્યકતિગત સુખ સાયબી માટે દરેક માણસ બીજાનું છીનવીને પોતાની ઇન્દ્રિઓને પોષણ આપે છે. જયારે સત્વગુણમાં મનુષ્ય સત્ય માટે, માનવતા માટે, સૃષ્ટિના સંતુલન માટે અને પ્રેમ માટે અથાગ પરિશ્રમ કરતો રહે છે. તેની મહેનત રાજસ ગુણી મનુષ્ય કરતા અનેકગણી વધારે હોય છે પણ તે મહેનત વ્યક્તિગત ભોગવિલાસ અને કીર્તિના પ્રદર્શન માટે નથી હોતી. તે જગતને કંઈક આપીને જવા માટે મહેનત કરે છે. આવા સત્વગુણી લોકોથી બનેલી સમાજ વ્યવસ્થાને જ સતયુગ કહે છે, જે કર્મયોગી માણસોથી ભરાયેલી હોય છે. આમ, સતયુગ એક એવા સમયનું નામ છે જ્યાં માનવસમાજમાં દરેક મનુષ્ય સૃષ્ટિને કંઈક આપીને જવા માટે જીવન વિતાવતો હોય અને જ્યાં વાસનહીન પ્રેમનો પ્રવાહ મુક્તપણે વહેતો હોય, ક્યાંય કોઈ બહાને પ્રેમનું દમન ન થતું હોય.

 

કાલના આર્ટિકલમાં જીવન દુનિયાને કંઈક આપીને જવા માટે છે એવી હાકલ કર્યા બાદ સૌથી વધુ આ સવાલ સાંભળવામાં આવ્યો.

સવાલ: મારે પણ દુનિયાને કંઈક આપીને જવું છે, પણ સમજાતું નથી કે શું આપવું..? તમે કોઈ માર્ગદર્શન આપશો..?

 

જવાબ: બીજો કોઈ માર્ગ ન મળતો હોય તો શરૂઆત આ એક ઉમદા કાર્યથી કરો. તમારા સંતાનો સિવાય આ દુનિયા પરના બીજા કોઈ એક અનાથ બાળક, જેનું આ દુનિયામાં કોઈ ના હોય, જેનું જીવન ભીખ માંગવામાં કે ભૂખ અને બીમારીથી મરી જવામાં જીવાતું હોય, તેની જવાબદારી લઇ લો. તેને કોઈ અનાથાશ્રમમાં ભરતી કરવા કે કોઈ અનાથાશ્રમમાંથી જ તેને દત્તક લો. તેને બે સમયનું જમવાનું અને નાસ્તો આપો. વર્ષે ચાર-પાંચ જોડી કપડાં આપો. અને કોઈ મધ્યમ ખર્ચાવાળી શાળામાં તેનું એડમિશન કરો. તેના અભ્યાસમાં એટલું જ ધ્યાન આપો જેટલું તમારા સંતાનના અભ્યાસમાં આપો છો. ‘આ લોકો તો ભણવામાં નથી માનતા’ કહીને દૂર ના ભાગો, કારણ કે તમારા સંતાન સાથે તમે એમ નથી કરતા. તેને સરકારી કોલેજમાં શક્ય એટલી સારી સ્નાતકની પદવી મળી શકે તે રીતે તેના શિક્ષણ પર ધ્યાન આપો. સાથે સાથે તેને સારા સંસ્કારો, મેનર્સ અને જીવન તથા સત્ય વિશેની સમજ આપતા સારા પુસ્તકો આપો અને પોતાના તરફથી પણ તેને સમજ આપો. તે સારો રોજગાર મેળવીને પોતાનું સ્થાયી જીવન શરુ કરી દે ત્યાં સુધી તેનું માર્ગદર્શન કરો. આ રીતે જીવનમાં તમારા બાળકો સિવાય કમસે કમ બીજા એક મનુષ્યને મુખ્યધારાનું જીવન આપવાની કોશિશ કરો. યાદ રહે તે તમારો કોઈ સબંધી કે ભણો-ભત્રીજો ન હોવો જોઈએ. ત્યાં તમે જે કરો છો તે અલગ વાત છે. કોઈ એક એવા મનુષ્યને સાચું જીવન આપો જેના સાથે તમારો કોઈ સબંધ નથી, જેના સાથે તમારો કોઈ સ્વાર્થ નથી. આ રીતે કોઈ એક અજાણ્યા ગરીબ બાળકને પણ માનવતા અપનાવીને સારું જીવન આપી શક્યા તો તમારું જીવન દુનિયાની સમસ્યાઓને હલ કરવાની કોશિશો કરતુ એક પવિત્ર માનવતાવાદી જીવન ગણાશે. તેના સિવાય તમે જે પણ કરો છો તે એ જ છે જે પશુઓ કરે છે. કોઈ ખાસ ફર્ક નથી. જ્યાં સુધી આવું કોઈ પ્રદાન આપણા જીવનમાંથી નથી નીકળતું, ત્યાં સુધી આપણે સમજવું જોઈએ કે આપણે માનવનું જીવન શરુ નથી કર્યું.

November 21 / 2017 / On Facebook

રામ અને રાવણ

“ભવિષ્યપુરાણમાં કહેવાયું છે કે ‘કળિયુગના એ આખરી સમયમાં રામ અને રાવણ એ હદે મિશ્ર થઇ ચુક્યા હશે કે જગ્યાના આધારે ઓળખી નહિ શકાય કે રામ કોણ છે અને રાવણ કોણ.’”

કળિયુગ તેના આખરી સમયમાં તો લગભગ આવી ગયો છે પણ હજી આપણે રામ અને રાવણને ઓળખવાની શક્તિ નથી મેળવી શક્યા. કારણ એ છે કે હજી આપણે રામચરિત માનસના એ રાક્ષશ જેવા બધી રીતે ખરાબ રાવણને જ ઓળખીએ છીએ. જયારે મહર્ષિ વાલ્મિકી રચિત મૂળ રામાયણ અને અદભુત રામાયણમાં રાવણ એક ઉદાર શાષક, ધર્મનો જ્ઞાની અને શિવનો પ્રખર ભક્ત છે. બસ એનો એક મોટો દુર્ગુણ છે તેનો અહમ. ‘હું ખોટો છું. હું પણ હારી શકું. મારે પણ સત્ય માટે ત્યાગ કરવો પડે.’ – આ નિષ્ઠા તેનામાં નહોતી. તેનું ધર્મનું જ્ઞાન, તેની ઉદારતા અને તેની પ્રખર ભક્તિ પણ હંમેશા પોતાના માટે વધુ સુખ, ભોગવિલાસ, પ્રતિષ્ઠા અને શક્તિઓ મેળવવા માટેનું એક સાધન હતી. જયારે રામની શિવભક્તિ નિઃસ્વાર્થ પ્રેમથી તરબોળ હતી. તેમના માટે શિવની ઈચ્છા જ સત્ય હતું અને તેને પાળવું તેમનું લક્ષ્ય. તે શિવની ભક્તિ કરી શિવ પાસેથી કઈ માંગતા નહતા. શિવની ભક્તિ તેમના માટે સત્યની ભક્તિ હતી જેના માટે તેમણે જયારે જયારે જરૂર પડી પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું. આમ, રામ અને રાવણ બંને શિવના ભક્ત છે. પણ શિવ પોતે રામના ભક્ત છે. કારણ કે તે શિવની ઈચ્છાઓને પુરી કરવા જીવન જીવી રહ્યા છે, રાવણની જેમ પોતાના વ્યક્તિગત અહમ અને જીત માટે નહિ. એટલે શિવ ‘સત્ય’ છે અને રામ ‘સત્ય નારાયણ’. એટલે જ તો રાવણ સાથે યુદ્ધ કરવા જતા રામે ‘રામેશ્વર’ નામે શિવલિંગ સ્થાપી ‘રામેશ્વર’ શબ્દનો અર્થ ‘રામના જે ઈશ્વર છે તે શિવ’ – એવો કર્યો ત્યારે શિવે સાક્ષાત પ્રગટ થઈને કહ્યું, ‘નહિ. રામેશ્વરનો અર્થ થશે “રામ જેના ઈશ્વર છે તે શિવ”‘.

            તો બસ આ છે. રામ અને રાવણ બે વ્યક્તિઓના નામ નથી. તે બે પ્રકૃતિઓના નામ છે. જયારે સત્ય પ્રગટે છે ત્યારે રામ સત્યની શરણમાં જતો રહે છે અને તે સત્યને સ્થાપવા માટે પોતાની સઘળી શક્તિઓ લગાવી દે છે તથા જરૂર પડે પોતાનું સર્વસ્વ ત્યાગી દે છે. પણ રાવણ પ્રકૃતિ ધરાવતો માણસ સત્ય પ્રગટ થતા તેના માટે પોતાનો અહંકાર અને સત્તા ત્યાગવા તૈયાર થતો નથી. તે પોતાની સેના કે ટીમ તૈયાર કરવા લાગે છે અને કહે છે, ‘આપણે જીતવાનું છે, આપણે જીતીને બતાવીશું.’ તે સત્યને દબાવી દેવા કે હરાવી દેવા તૈયાર થઇ જાય છે. તેને સત્યની પવિત્રતા આખરી સીમાઓ સુધી સમજાવી દેવામાં આવે છે. તેને સમજાવવામાં આવે છે કે એમાં એના અધિકારોનું ક્યાંય ઉલ્લંઘન નથી થતું. સત્ય ક્યારેય કોઈના અધિકારો છીનવતું નથી. તે ઉપરથી મનુષ્યને તેની મુક્તિનો માર્ગ બતાવે છે કે ‘આ સ્થાને સમર્પિત થઇ જા, એ તારી મુક્તિનું સ્થાન છે.’ પણ તેનો અહમ એટલો પ્રબળ હોય છે કે એને મુક્તિ નથી જોઈતી, એને બસ એ સ્થાન પર પોતાની સત્તા જોઈએ છે. પોતાની જીત જોઈએ છે. અને અહીં જ રામ અને રાવણ સંઘર્ષમાં આવે છે, બીજા અનેક વિષયોમાં સમાનરીતે સારા હોવા છતાં. એક ઈશ્વરની ઇચ્છારૂપી સત્યને સ્થાપવા માંગતો હોય છે અને બીજો ‘હું જ સાચો છું. હું નહિ હારું.’ – એ અહંકારને જીતાડવા માંગતો હોય છે.

            ઇતિહાસે હંમેશા સાબિત કર્યું છે કે આ સંઘર્ષમાં રાવણની સેના ગમે તેટલી વિશાળ કે શક્તિશાળી કેમ ન હોય જીત હંમેશા રામના સત્યની થાય છે. હા, શરૂઆતમાં હંમેશા અજ્ઞાની માણસોના ટોળાથી ભરેલી એ ટીમ કે સેના જીતતી દેખાય છે પણ એક્સમય બાદ સત્ય પોતાનું આખરી પરચમ દેખાડી દે છે અને હજારોની સંખ્યામાં રહેલા એ અજ્ઞાની માણસો એકસાથે ધરાશાયી થઇ જાય છે. મહાભારતમાં પણ પહેલા નવ દિવસ સુધી કૌરવોનું પલડું ભારે હતું પણ પછી કૃષ્ણની નીતિથી પાંડવો એવા હાવી થયા કે કૌરવોને હાર સિવાય બીજું કંઈ જોવા ન મળ્યું. પણ હાર શરુ થયા પછી પણ રાવણના માર્ગે ચાલેલા માણસનો અહંકાર ખતમ થતો નથી. તેને હવે મરવું પસંદ હોય છે, પણ અહમ છોડવો પસંદ નથી હોતો. રામ અને રાવણના યુદ્ધમાં પણ જયારે મેઘનાથ હણાય છે ત્યારે તે મરતા મરતા રાવણને કહેતો જાય છે કે ‘રામ પોતે જ સનાતન સત્ય છે પિતાશ્રી. અહંકારને છોડી એમના શરણમાં જતા રહો.’ કુમ્ભકર્ણ પણ રામ સામે લડવા જતા પહેલા રાવણને એજ સમજાવે છે. એ બધાના માર્યા ગયા પછી એકલો વધેલો રાવણ રામ સામે આખરી યુદ્ધ કરવા જતા પહેલા શિવના મંદિરમાં જાય છે અને કહે છે, ‘હું જાણું છું હવે રામ જ જીતશે. પણ હું પણ તમારો ભક્ત છું. મૃત્યુથી બચવા એની શરણમાં નહિ જાઉં.’ આ છેલ્લા વાક્યમાં રાવણની બહાદુરી નહિ પણ સત્યને ન સ્વીકારી શકવાની નિર્બળતા ઝળકે છે. તેને કાં તો ‘હું સાચો છું’ એ સાબિત થતું જોવું છે કાં તો મરી જવું છે. તેને સત્ય સ્થાપતા નથી જોવું. મતલબ, હજી તેનો અહમ નથી ગયો.

            તો આ લેખ એ મહત્વપૂર્ણ વાત કહેવા માટે હતો કે રામ અને રાવણ તેમની જગ્યાઓથી કે તેમના સારું ખોટું બોલવાની અને વર્તવાની છટાથી નહિ પણ સત્ય સામે આવ્યા પછી એ શું નિર્ણય કરે છે તેના પરથી નક્કી થાય છે. રામ અને રાવણ બંને આપણા અંદર છે. જયારે આપણે સત્યની સ્થાપનાના માર્ગમાં પોતાના જીવનને લઇ જઈએ છીએ ત્યારે રામ બનીએ છીએ અને જયારે સત્યને દબાવી દઈ વ્યક્તિગત જીત મેળવવા પ્રયાસો શરુ કરીએ છીએ ત્યારે રાવણ બનીએ છીએ. તો, આપણો ઇતિહાસ કેવો લખાશે તે આપણા હાથમાં છે. શાસ્ત્રોમાં કહેવાયું હતું કે ‘કળિયુગમાં રામ અને રાવણની ભેદરેખા બહુ પાતળી થઇ જશે. અને તે પછીના સત્યુગમાં એ ભેદરેખા રહેશે જ નહિ.’ તો આ લેખમાં આપણે રામ અને રાવણ વચ્ચેની એ બારીક ભેદરેખા જાણી. તો ચાલો પોતાને રાવણ બનાવતા એ અહંકાર અને સ્વાર્થથી દૂર રહીએ, જેથી રામ-રાવણના કોઈ સંઘર્ષ વગર આપણે એ સત્યુગમાં જઈ શકીએ જ્યાં કોઈ રાવણ નહિ હોય. દરેક માણસ સત્યની સ્થાપના માટે જીવનારો રામ હશે.

April 08 / 2018 / On Facebook

ધૃતરાષ્ટ્ર અને સત્યવ્રત

“જેમ અંધકારને જાણવા માટે પહેલા આપણે પ્રકાશને જાણવો પડે એમ ધૃતરાષ્ટ્રને સમજવા માટે પહેલા આપણે સત્યવ્રતને જાણવો જરૂરી છે.”

મહાભારત, ભવિષ્યપુરાણ, બ્રહ્માંડપુરાણ અને કલ્કિપુરાણમાં વિષ્ણુના દસમા અવતાર કલ્કીના અવતરણ વિશે એક વાત કહેવાઇ છે – ‘એ ધૃતરાષ્ટ્રોનો સમાજ હશે, જ્યારે વ્યક્તિ વ્યક્તિ ધૃતરાષ્ટ્ર હશે ત્યારે તે તેજસ્વી પરમ સત્ય અવતરણ લેશે.’ પણ જેમ અંધકારને જાણવા માટે પહેલા આપણે પ્રકાશને જાણવો પડે એમ ધૃતરાષ્ટ્રને સમજવા માટે પહેલા આપણે સત્યવ્રતને જાણવો જરૂરી છે.

            પુરાણોમાં સત્યવ્રત નામના એક રાજાની કથા છે જે તેના સત્યપાલન માટે પ્રખ્યાત હતો. તેણે પોતાના રાજ્યમાં એવી ઘોષણા કરી રાખી હતી કે કોઈપણ વેપારીનો કોઈ માલ જો દિવસના અંતે વેચાયા વિનાનો પડ્યો રહેશે તો તે માલ રાજા સત્યવ્રત પોતે ખરીદશે. એકવાર ધર્મરાજાએ સત્યવ્રતની પરીક્ષા કરવા એક મૂર્તિકારનું રૂપ લીધું. તેણે તાંબાની એક એવી મૂર્તિ વેચાવા મૂકી જેના ઉપર લખ્યું હતું કે ‘જે આ મૂર્તિ ખરીદશે તેના જીવનનું બધું સુખ જતું રહેશે.’ ઉપરથી તેણે મૂર્તિની કિંમત એટલી વધારે રાખી કે રાજા સિવાય તે કોઈ ન ચૂકવી શકે. સાંજ પડી એટલે તે મૂર્તિ વેચાયા વિના બાકી રહી ગઈ. રાજા તરફથી જે અધિકારી તેને ખરીદવા ગયો તે મૂર્તિ ઉપર લખેલી સૂચનાથી પાછો પડ્યો. તે રાજા પાસે દોડી ગયો અને બધી વાત કરી. રાજા સત્યવ્રતે કહ્યું, ‘મેં પ્રજાને જે વચન આપેલું છે તેનું કોઈપણ સંજોગોમાં પાલન થાય.’ મૂર્તિ ખરીદીને રાજમહેલમાં લાવવામાં આવી. બીજા જ દિવસે રાજ-જ્યોતિષીએ મૂર્તિને જોઈને કહ્યું, ‘આતો બહુ અશુભ મૂર્તિ છે. જે પણ એનો માલિક હશે એનું સંતાન અને પત્ની મૃત્યુ પામશે. જો એ કોઈ રાજા પાસે રહેશે તો તે રાજ્યના તમામ બાળકો મૃત્યુ પામશે. તમારે આ મૂર્તિ કોઈ બીજાને વેચીને તેની માલિકીથી મુક્ત થઈ જવું જોઈએ. નહીંતર પ્રજા પોતાના બાળકોને બચાવવા તમારાથી વિદ્રોહ કરી દેશે.’

રાજાએ કહ્યું, ‘આ મૂર્તિને ખરીદવી મારો ધર્મ હતો. હવે એ જે પણ છે એ મારું સત્ય છે. અને હું આટલી અશુભ વસ્તુ જાણી જોઈને બીજા કોઈને કેવી રીતે આપી શકું છું. મને જણાવો કે મારા અને મારા રાજ્યના બાળકોને બચાવવાનો માર્ગ શુ છે..?’

જ્યોતિશે કહ્યું, ‘તમારે પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી આ મૂર્તિ લઇ અહીંથી દૂર જતું રહેવું પડશે.’

            સત્યવ્રતે એજ ક્ષણે પત્ની, બાળકો અને રાજ્યનો ત્યાગ કરી દીધો અને મૂર્તિને લઈને જંગલમાં જતો રહ્યો. જંગલમાં ફરતા ફરતા એકદિવસ તેને પુર ઝડપે વહેતી નદી ઓળંગવાની આવી. તેના સાથે તેને જંગલમાં મળેલો એક સાથી હતો. નદી ઓળંગતા ઝડપી વહેણમાં તેના હાથમાંથી મૂર્તિ છૂટી ગઈ અને પાણી સાથે વહીને આગળ જવા લાગી. સત્યવ્રત તેના પાછળ જવા ગયો તો તેના સાથીએ તેનો હાથ પકડી તેને રોકી દીધો. તેણે કહ્યું, ‘વહેણ બહુ તીવ્ર છે, એક મૂર્તિ માટે તું મરી જઈશ.’ સત્યવ્રતે કહ્યું, ‘હવે તે ફક્ત કોઈ મૂર્તિ નથી. હવે એ મારું સત્ય છે. મેં તેના માટે મારું સર્વસ્વ ત્યાગી દીધું. હવે જો એ જતી રહે તો મારા જીવવાનો કોઈ અર્થ નથી.’ આટલું બોલી તે વહેણમાં કુદી પડ્યો અને નદીના પથ્થરો સાથે અથડાતો અથડાતો આખરે મૂર્તિને પકડીને નદીના સામેના કિનારે નીકળ્યો. કિનારા પર આવતા જ તે મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ અને સ્વયં ધર્મરાજા પ્રગટ થયા. તેમણે કહ્યું, ‘જીવનમાં જ્યારે સત અને અસત વચ્ચે પસંદગી ઉત્પન્ન થાય ત્યારે સર્વ ત્યાગીને પણ જે સત્યને પકડી લે છે તે એકદિવસ ત્યાગેલું બધું વ્યાજ સહિત પાછું મેળવી લે છે. જ્યારે જે સાંસારિક સ્વાર્થ જાળવવા સત્યને ત્યજી દે છે તે આગળ જતાં પોતાનું સર્વસ્વ વ્યાજ સહિત ઘુમાવી દે છે. આ પરીક્ષા હતી સત્યવ્રત અને તું પાસ થયો.’ ધર્મરાજ સ્વયં સત્યવ્રતને તેના રાજ્યમાં મુકવા આવ્યા અને રાજગાદી પર બેસાડ્યો. આ રીતે તેને પરિવાર અને રાજ્ય પાછું મળ્યું.

            હવે વાત ધૃતરાષ્ટ્રની. ધૃતરાષ્ટ્ર સત્યવ્રતની જેમ જ ધર્મ અને સત્યની મીઠી મીઠી વાતો કરે છે પણ જ્યારે સાંસારિક સ્વાર્થ અને સત્ય વચ્ચે કોઈ એકને પસંદ કરવાનો વારો આવે છે ત્યારે તે સાંસારિક સ્વાર્થને પકડે છે. એટલું જ નહીં તેના સ્વાર્થને ધર્મ સાથે સુસંગત બતાવવા તે ધર્મ અને સત્યની પરિભાષાઓ બદલવા લાગે છે. તે ગીતાનો અર્થ પણ પોતાના સ્વાર્થને અનુકૂળ ઉભો કરે છે. અને આજ વાત ધૃતરાષ્ટ્રને સત્યનો સૌથી ખતરનાક દુશ્મન બનાવે છે. કારણકે દુર્યોધનો, શકુનીઓ અને કંસોને ઓળખવા તથા ડીલ કરવા આસાન છે. પણ ધૃતરાષ્ટ્રને ઓળખવા અને તેની સત્યની ખોટી પરિભાષાઓને સતત તોડવા માટે કૃષ્ણ જેવા આત્મજ્ઞાનીની જરૂર પડે છે. આજ કારણ છે કે હું હંમેશા એ ધર્મગુરુઓના વિરુદ્ધમાં થોડું બોલતો રહુ છું જે ગામડાની અને શહેરોની અજ્ઞાની પ્રજાને ‘તોછડું ન બોલો’, ‘હંમેશા મીઠું જ બોલો’ એવી સુપરફિશિયલ સલાહો આપતા રહે છે. કારણકે આ ઉપદેશો અંદરથી અજ્ઞાની અને સ્વાર્થી રહેલા સંસારીઓને ખાલી બહારથી સારું બોલતા અને વર્તતા કરી દે છે. પણ અંદરથી તેઓ એજ સ્વાર્થી સંસારીઓ રહે છે જે પોતાનો ફાયદો હોય તે પ્રમાણે ધર્મની અને સારાપણાની પરિભાષાઓ ઘડતા રહે છે. પરિણામે, સમાજ ધૃતરાષ્ટ્રોથી ભરાય છે. આખા મહાભારતમાં એકપણ પ્રસંગ એવો નથી કે જયાં ધૃતરાષ્ટ્ર મીઠું ન બોલ્યો હોય કે સ્વધર્મની વાતો ન કરી હોય. પણ એકપણ પ્રસંગ એવો પણ નથી જ્યાં તેણે સ્વધર્મ પાળ્યો હોય. તે લાક્ષાગ્રહ દુર્ઘટનાને પાંડવો પ્રત્યેની પોતાની જૂઠી સંવેદનાઓ બતાવી દબાવી દે છે, તે શકુનીનું કપટ જાણતો હોવા છતાં જ્યેષ્ઠ પિતા તરીકેનો પ્રેમ બતાવી યુધિષ્ઠિરને બે-બે વાર ચોસઠ રમવા બોલાવે છે. કૃષ્ણ જ્યારે શાંતિદૂત બનીને આવે છે ત્યારે પણ ધૃતરાષ્ટ્ર તેમના સંપૂર્ણ સત્યને સમજવાની કોશિશ કરવાના સ્થાને તેમની ભવ્ય આગતા સ્વાગતા કરવાના અને મોટા ઉપહારો આપવાના દંભને જ પેશ કરી પોતાના સ્વાર્થને છુપાવે છે. પરિણામ એ આવે છે કે આજીવન જે સ્વાર્થ માટે તેણે આ પાખંડ કર્યા તે હસ્તીનાપુરની ગાદી તેને છોડવી પડે છે અને અધર્મના વ્યાજ તરીકે પોતાના સો પુત્રોને હંમેશા માટે ગુમાવવા પડે છે. અરે યુદ્ધ પૂરું થયા પછી પાંડવો તેને મળવા આવે છે ત્યારે પણ તે ભીમ પ્રત્યે પોતાનો બનાવટી પ્રેમ બતાવી ભીમને બાથમાં દબાવી મારી દેવાનો પ્રયાસ કરે છે. સદ્ભાગ્યે ત્યાં ધૃતરાષ્ટ્રને ઓળખવાવાળા કૃષ્ણ હાજર હોય છે જે ભીમના પૂતળાને આપે છે, જેને ધૃતરાષ્ટ્ર બાથમાં દબાવી તોડી દે છે.

            તો આ છે ધૃતરાષ્ટ્ર. પોતાના સ્વાર્થ અને સત્તાના ઇરાદાઓને ધર્મની મીઠી વાતો અને મીઠા વ્યવહારની ઢાલથી છુપાવનારો માણસ. કળિયુગનો અંતિમ સમાજ આવા ધૃતરાષ્ટ્રોથી ભરાયેલો હશે એવી આગાહી કરાઈ હતી. તો, દરેક વ્યક્તિ, સમાજ અને સંગઠન સત્યવ્રત અને ધૃતરાષ્ટ્રને સારી રીતે સમજી લે અને પોતાનું આત્મમંથન કરે કે પોતે કોણ છે- સત્ય અને સાંસારિક સ્વાર્થ વચ્ચે પસંદગી કરવાની આવે એટલે સ્વાર્થ ત્યાગી સત્ય પકડી લેનાર સત્યવ્રત કે સ્વાર્થને બચાવવા સત્યની પરિભાષાઓ બદલવા લાગતા ધૃતરાષ્ટ્ર. એટલે જે લોકો કલ્કી અવતારની રાહ જોઈ રહયા છે તે પહેલા પોતાના તરફ નજર કરી લે. એ આવનારો કલ્કી કોઈ હિન્દુઓનો કલ્કી નહીં હોય જે બાકીના સંપ્રદાયને નષ્ટ કરી દેશે. તે દલિતોનો કલ્કી નહીં હોય જે સવર્ણ જાતિઓનો નાશ કરશે કે તે બ્રાહ્મણોનો કલ્કી નહીં હોય જે દલિતોનો નાશ કરશે. તે એક જ સનાતન સત્યનું વિજ્ઞાન સમજાવી, પ્રેમને આખરી સત્ય તરીકે સ્થાપી આખી માનવજાતિને એકસૂત્રતામાં બાંધીને જનારો અવતાર હશે. તે જડ અને કુંઠિત બનેલા ધાર્મિક વિચારોને ઉથલાવી સાચી ભારતીયતાની પુન: સ્થાપના કરતો અવતાર હશે. તે સત્યવ્રતોને ગાદી પર બેસાડવા અને ધૃતરાષ્ટ્રોનો સમૂહ નાશ કરવા આવનારો કલ્કી હશે.

            પાંડવોને મહાભારતના યુદ્ધમાં લઈ જતા પહેલા કૃષ્ણએ પણ એક પછી એક તેમની ખરાબીઓને અને અહંકારને સાફ કર્યો હતો, પછી જ તે તેમની પડખે ઉભા રહયા હતા. એટલે પોતાને ધર્મના અને સત્યના હિતદર્શક બતાવતા પહેલા એ ચકાસી લો કે શું ખરેખર એ વાતો પાછળ તમે સત્યવ્રત જેટલા નિસ્વાર્થ અને સત્યનિષ્ઠ છો કે પછી તમારી ધર્મની વાતો અને વ્યવહાર પણ ધૃતરાષ્ટ્રની જેમ જ તમારા સ્વાર્થ અને સત્તાના પોષણ માટે ઉભા કરાયેલા છે.

(નોંધ: સત્યવ્રતની લાંબી વાર્તાને ટૂંકમાં કહેવા કેટલાક પ્રસંગો અને સંવાદો નવા અંદાજમાં કહેવામાં આવ્યા છે, પણ સારાંશ અને ઉપદેશ એજ છે.)

 

ધૃતરાષ્ટ્રથી કેવી રીતે નિપટવું..?

સવાલ: મહિના પહેલા તમારો એક આર્ટિકલ મારા ગ્રુપમાં આવ્યો. સત્યવ્રત અને ધૃતરાષ્ટ્ર વિશે. અદભુત હતો. હું ત્રણ વાર વાંચી ગયો. સત્યવ્રત અને ધૃતરાષ્ટ્ર વચ્ચેનો સુંદર ફરક સમજાવ્યો છે. પણ ધૃતરાષ્ટ્રો સાથે પાલો પડે તો તેમનાથી કેવીરીતે નિપટવું એ એટલું સ્પષ્ટ સમજાવાયું નથી. ઘણા દિવસથી તમારો નંબર શોધી રહ્યો હતો બસ આ પૂછવા કે એવા કોઈ ધૃતરાષ્ટ્ર વચ્ચે ફસાઈ જવાય તો સત્ય કેવી રીતે જીવી બતાવવું..? 

 

જવાબ: સૌથી પહેલી વાત એ સમજવાની છે કે ધૃતરાષ્ટ્ર સાથે તમે ચર્ચામાં નહીં જીતી શકો. જ્યાં તમે એને પકડશો ત્યાં એ પોતાની વાણી બદલી દેશે અથવા તો ચર્ચાને ઊંધા રસ્તે વાળી દેવાની કોશિશ કરશે. બીજા કોઈ હથિયાર નહીં ચાલે એટલે મોટા હથિયાર તરીકે સહનુભૂતિનું હથિયાર ઉગમશે. ‘હું તો આંધળો છું એટલે દુનિયાને શુ જાણું.’ ‘મારા સાથે તો ઈશ્વરે મજાક કર્યો છે.’ ‘મારા જીવનમાં તો બસ અન્યાય જ લખેલો છે.’ ‘દુઃખ મારા જીવનનું બીજું નામ છે.’ ‘હવે તમે પણ મને દુઃખ આપશો..? તમે પણ મને અન્યાય કરશો..?’ વગેરે, વગેરે. જો એની આ બધી વાતોને ગંભીરતાથી લીધી તો સમજો ધૃતરાષ્ટ્ર એના સૌથી મોટા હથિયારથી જીતી ગયો. મહાભારતનો ધૃતરાષ્ટ્ર આવું બોલી બોલીને જ આખા મહાભારતમાં યુધિષ્ઠિર અને ભીષ્મને છેતરે જાય છે અને પોતાનું કહ્યું કરાવતો જાય છે. ખાલી વિદુર અને કૃષ્ણ જ ધૃતરાષ્ટ્રને ઓળખે છે. તે તેની દરેક સહાનુભૂતિ મેળવવાની વાતો નો જવાબ શબ્દો કરતા તેના વિપરીત કામ કરીને જ આપે છે. અને આજ શીખવાનું હોય છે ધૃતરાષ્ટ્રને ટ્રીટ કરવામાં. તમારે એને ખોટું લાગશે એની ચિંતામાં એ ચાહે તે નથી કરવાનું. તમારે એને ખોટું લાગે એ જ કરવાનું છે અને બસ વધારે ચર્ચામાં ઉતર્યા વગર કરી દેવાનું છે. કારણકે ધૃતરાષ્ટ્રને જેનાથી ખોટું લાગે છે એજ સત્ય છે. ધૃતરાષ્ટ્રને સારું લાગે એ કરવા ગયા તો લાક્ષાગ્રહ દુર્ઘટના, દ્રૌપદી વસ્ત્રાહરણ, પાંડવોને વનવાસ, વનવાસ પછી પાંડવોને પાંચ ગામ પણ આપવાની મનાઈ અને અંતે મહાભારત – આ બનાવો બનશે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રને હરાવ્યા પછી પણ જો તેની બિચારી-ગરીબડી વાતોથી દોરવાઈને તેના ગળે ભેટવા ગયા તો એ ભીમ જેવા ભીમને બાથમાં દબાવી દેવાનું કામ કરશે અને પછી રોવા બેસશે કે ‘હે ભગવાન, મેં મારા શોકમાં ભૂલથી મારા ભાઈના પુત્રને મારી નાખ્યો.’ પણ જ્યારે કૃષ્ણ કહેશે કે ‘મહારાજ, ચિંતા ના કરો. ભીમ જીવે છે. તમે જેને દબાવીને મસળી દીધું એ ખાલી એક પૂતળું હતું.’ ત્યારે ફરી ધૃતરાષ્ટ્ર કૃષ્ણ પર મનમાં ને મનમાં ગુસ્સે ભરાશે. અંતે, વિદુર જ તેને સત્યના માર્ગમાંથી હટાવવા કહેશે કે ‘મહારાજ, હવે તમારા બધા પુત્રો હણાઈ ચુક્યા છે અને તમારી ઉમર થઈ ચુકી છે એટલે તમારે હવે યુધિષ્ઠિરને ગાદીએ બેસાડી વનમાં જવાનું છે.’

            તો, બસ આ કરવાનું છે. કૃષ્ણ અને વિદુરની જેમ વાદ-વિવાદમાં ઉતર્યા વિના બિલકુલ એજ કરતા રહેવાનું છે જે કરતાં ધૃતરાષ્ટ્ર આપણને તેના જાતજાતના નુસખાઓથી રોકી રહ્યો છે. જેમ જેમ સત્ય સ્થપાતું જાય છે તેમ તેમ ધૃતરાષ્ટ્ કમજોર થતો જાય છે અને જેમ જેમ તમે ધૃતરાષ્ટ્રને સારું લગાડવા કામ કરતા જાઓ છો તેમ તેમ તમે એને અને અસત્યને જીતાડતા જાઓ છો અને પોતાને અને સત્યને હાનિ પહોંચાડતા જાઓ છો.

August 06 / 2018 / On Facebook

સાચું સુખ શામાં..?

“જેમ અંધકારને જાણવા માટે પહેલા આપણે પ્રકાશને જાણવો પડે એમ ધૃતરાષ્ટ્રને સમજવા માટે પહેલા આપણે સત્યવ્રતને જાણવો જરૂરી છે.”

તો કાલે એક ટેસ્ટ થઇ ગયો. હું આગળ કહી ચુક્યો છું કે મારી પત્નીના આત્માને હું તેના પાછલા જન્મથી જાણતો હતો. તે એક વિકસિત આત્મા હતો પણ આ જન્મમાં તેના પર અજ્ઞાન અને તમસ ગુણની પરખ જામેલી હતી. તે જીદ્દી પણ હતી. દુનિયામાં બે પ્રકારના માણસો જ સૌથી વધુ જિદ્દી હોય છે. એક, જે સંપૂર્ણ જ્ઞાની છે અને બીજા જે સંપૂર્ણ અજ્ઞાની છે. સંપૂર્ણ જ્ઞાની સત્ય જાણતો હોય છે એટલે તે પોતાના નિર્ણય પર અડગ રહેવા જીદમાં હોય છે. તે સત્યની રક્ષા કરતો હોય છે. જ્યારે અજ્ઞાની કંઈ જ નથી જાણતો એટલે તે પોતાની જીદ દ્વારા પોતાના અજ્ઞાન અને અહમની રક્ષા કરતો હોય છે. એટલે જ એકની જીદ છેલ્લે મહાનતા સાબિત થાય છે અને બીજાની જીદ એક મુર્ખામી. મારી પત્નીના આત્માની મૂળ સ્થિતિ તેનામાં જીવંત થઈ જાય એટલે મેં એને જ્ઞાન આપવાની શરૂઆત કરી. સીધા લેકચરો દ્વારા બિલકુલ નહીં, હોલીવુડની ફિલ્મો બતાવીને અને ભારતની 1947 થી 1990 સુધીની સારી જૂની ફિલ્મો બતાવીને. રામાયણ, મહાભારત અને ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ‘ચાણક્ય’ બતાવીને. મેં જોયું કે ના ખાલી એને એ ફિલ્મોનો રસ લાગતો ગયો પણ હું માનતો હતો એનાથી વધુ ઉંડાણથી એને ગ્રહણ કરવા લાગી. જ્યારે પાયો તૈયાર થઇ ગયો એટલે મેં તેને આધ્યાત્મિક પુસ્તકો આપ્યાં. તે એને બહુ પસંદ આવ્યાં. હવે તે પોતે જ એમેઝોન પરથી એવા પુસ્તકો ખરીદીને વાંચવા લાગી. જેમ જેમ એ વિકસતી ગઈ એમ તે એ સ્થિતિ સુધી વિકસવા લાગી જ્યાં એણે ગયો જન્મ સ્ટોપ કર્યો હતો. અને ત્યારબાદ મેં એને ક્રિયાયોગ અને ધ્યાન શીખવ્યા. ફિલ્મો જોવાનો સમય હવે ધ્યાનમાં વીતવા લાગ્યો. અને આ બધાના સરવાળા રૂપે શું પરિવર્તન આવ્યું એની ખબર કાલે પડી.

            કાલે એની કેટલીક સ્કૂલ ફ્રેન્ડસ એને શોપિંગ કરવા લઇ ગઈ. એની ઈચ્છા ખરીદી કરવાની નહોતી પણ એની ફ્રેન્ડ્સમાંથી કોઈને એમ હતું કે એ મારા આધ્યાત્મિક સ્વભાવને સેટ થવાની કોશિશમાં એવી થઈ ગઈ છે, એટલે તેને ફરી એમના જેવી બનાવવી જોઈએ. મેં એને જતાં પહેલાં કેટલાક રૂપિયા અને એક એટીએમ કાર્ડ આપ્યું જેમાં તે લાખ રૂપિયા સુધી ખરીદી કરી શકતી હતી. એની ફ્રેંડસે સારી એવી ખરીદી કરી પણ તેણે આઠસો રૂપિયાનું એક ટોપ જ લીધું. ઘરે આવી તો એ થોડી વિચારોમાં ખોવાયેલી હતી. સાંજે મેં એને કારણ પૂછ્યું તો તેણે કહ્યું, ‘મારી ફ્રેન્ડસ એવું માને છે કે હું તમને સેટ થવા આવી થઈ ગઈ છું. જ્યારે અસલમાં મને પોતાને જ ખરીદી કરવાની ઈચ્છા નથી થતી. આ આઠસો રૂપિયાનું ટોપ લીધું પછી મને થયું કે મેં ગરીબ છોકરાઓ માટે જે હજાર રૂપિયા ભેગા કર્યા છે એ તો હજી મેં એમના માટે વાપર્યા નથી અને મારા માટે આ બિનજરૂરી ખર્ચો કરવા બેઠી છું. હું એને પાછું આપી દેતી હતી પણ ખાલી તમારું ખરાબ ના દેખાય એ કારણે રાખી લીધું. મારી ફ્રેન્ડસ મને કહેતી રહી કે હવે હું તમારા જેવું બોલું છું અને કરું છું પણ હું એમને સમજાઈ ન શકી કે એવું નથી. મેં બસ એમને ‘હોઈ શકે’ કહીને વાત પૂરી કરવાની કોશિશ કરી. પણ હું એમને સમજાઈ ન શકી કે હું એજ કરી રહી છું જે મને પસંદ છે અને ઉપરથી ઘણીવાર તમે મારી વાત માનો છો. જેમ કે એક વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાની વાત મેં જ તમારી સામે જીદપૂર્વક મૂકી હતી અને તમે માની લીઘી. તમે મને કહો કે મારે આ વાત લોકોને શબ્દોથી કેવીરીતે સમજાવવી..?’

            મેં કહ્યું, “દરેક માણસ પોતે જે સ્થિતિમાં છે એવું જ બીજા વિશે પણ માની લે છે, પોતાનો અહમ બચાવવા. એટલે સમજાવવાથી કોઈ સમજી જશે એવી માન્યતામાંથી પહેલા છૂટી જવાનું છે. સત્ય એ છે કે મેં તને મારા જેવી બનાવવાની કોશિશ ક્યારેય નથી કરી જે નોર્મલી સાંસારિક પતિઓ કરતા હોય છે. મેં હંમેશા તને વિકસીત કરવાની કોશિશ કરી છે, જેથી તું પોતે જ દુનિયાને સાચી રીતે જાણી શકે અને પોતાનો અંતર આત્મા કહે એમ જીવી શકે. હું ન હોય ત્યારે પણ. હું માનું છું કે એક પતિનો એની પત્ની માટે અને એક પિતાનો તેના સંતાન માટે આ ધર્મ હોય છે કે તે એને પોતાના મૃત્યુ પછી સ્વતંત્ર અને સ્વનિર્ભર બનીને પોતાનું હૃદય કહે એ મુજબ નિર્ણય લેવા તૈયાર કરે. બીજા પોતાની અલ્પબુદ્ધિથી તેના નિર્ણયોને પ્રભાવીત ન કરી શકે. અને મને એવું લાગે છે કે મેં આ ચાર વર્ષમાં તારા માટે એ કામ કરી દીધું છે. હવેથી દસ વર્ષ તું મારાથી દૂર તારી એ ફ્રેન્ડસ વચ્ચે વિતાવીશ તો પણ તું પાછી એમના જેવી નહીં બની શકે. તારો આત્મા ખુલી ચુક્યો છે અને એજ તારી ભૌતિક ઉદાસીનતાનું કારણ છે. સાચું સુખ ના પૈસા કમાવવામાં છે ના પૈસા વાપરવામાં, તે ના પ્રસિદ્ધિમાં છે ના સત્તામાં. સાચું સુખ છે મનના વિકાસમાં. જ્યારે મન વિકસિત થવા લાગે ત્યારે માણસ પોતાના અંદર જ એવું નિરંતર સુખ અનુભવવા લાગે છે કે જાણે તે કોઈ વહેતી નદીમાં નિરંતર સ્નાન કરી રહ્યો છે. તમે નદીમાં કે અરે સ્વિમિંગ પુલમાં નહાતા હોય અને તમને કોઈ કહે કે ‘ચાલ, શોપિંગ કરવા જઈએ’, તો બેશક તમારો જવાબ હશે, ‘જવાય છે, બેસને. અહીંયા નાહવાની મજા આવે છે’. જેનું મન વિકસવા લાગ્યું છે તે પોતાના અંદર જ નિરંતર આવી શાંતિ અને આનંદ અનુભવવા લાગશે. તેને બહાર પૈસા વાપરીને આનંદ મેળવવામાં બાલિશતા અને અછકલાપણું લાગશે. આજ આધ્યાત્મિક માર્ગનું મુખ્ય કારણ છે. હજારો વર્ષોથી સંસારથી દૂર જંગલમાં કે કોઈ પર્વતની ટેકરી પર ધ્યાન કરવા જવાવાળા માણસો મૂર્ખ નથી. તે પોતાના મનને વિકસિત કરી સાચું સુખ મેળવવા જાય છે જે બહાર કંઈપણ કરીને નથી મળતું અને અંદર આપોઆપ હંમેશા માટે જાગ્રત થઈ જાય છે.

            આજ કારણ હતું કે એક વૈભવી કુટુંબમાંથી આવતા હોવા છતાં ગાંધીજી અને કસ્તુરબા સાબરમતી આશ્રમના અત્યંત સાદગીવાળા જીવનમાં સુખી હતા. કારણકે એ સુખ તેમના વિકસિત મનમાંથી આવતું હતું. જે પણ લોકોથી મને પ્રેમ છે અને જે આ અનંત યાત્રામાં મારા આત્માથી જોડાયેલા છે એમને હું મારા લેખો દ્વારા આજ આપવાનો પ્રયાસ કરું છું, તેમના મનનો વિકાસ અને તેનાથી ઉત્પન્ન થતું સાચું સુખ. અને બદલામાં હું બસ એક જ અપેક્ષા રાખું છું કે તે હંમેશા સત્યને વફાદાર રહે. તે પોતાના હૃદયમાં અનુભવાતા સત્યનું દમન કરીને પાપ ભેગા કરવાના સ્થાને તે સત્યને જીવવા લાગે. માણસ જ્યારે પોતાના અંદર અધુરો હોય અને પૂર્ણતાના માર્ગનું જ્ઞાન હોવા છતાં પોતાના અહમ અને કાયરતામાં તે માર્ગ પર ચાલી ન શકે, ત્યારે તે સત્યનું દમન કરવામાં પોતાની શક્તિઓ વાપરે છે. આજસુધી જ્યાં સમર્પણ કરવાનું મન ન થયું હોય ત્યાં સાચું-ખોટું જોયા વગર આંખો બંધ કરીને સમર્પણ કરવા લાગે છે. તે તેનો આનંદ પૈસા વાપરવામાં અને પોતે ખરીદેલી વસ્તુઓની, ગાડીઓની, બંગલાઓની બ્રાન્ડિંગ કરવામાં મેળવવા લાગે છે. આ સૌથી પ્રબળ લક્ષણ છે કે તે કંઈક એવું સાબિત કરવાની કોશિશમાં છે જે અસલમાં છે જ નહીં અને જે અસલમાં છે તેને દબાવવાની કે છુપાવવાની કોશિશમાં છે. જ્યારે જીવન આવું થઈ જાય ત્યારે સમજવું કે આપણી અંદર સત્યનો વિસ્ફોટ નજીક છે, બહુ જલ્દી આપણું મન અને આત્મા આપણા આ જૂઠમાં સાથ આપવાનું છોડી દેશે અને આપણે સમજી ચુક્યા હશું કે આપણે અધૂરા છીએ અને આપણે જે પણ કરી રહ્યા છીએ તે આપણને પૂર્ણ કરી શકે એમ નથી. બસ પ્રાર્થના કરવી જોઈએ કે આ સમજાય ત્યાં સુધીમાં આપણી પૂર્ણતા જે માર્ગમાં છે એ માર્ગ આપણે ઘુમાવી ચુક્યા ન હોઈએ અને વાત આગલા જન્મ સુધી ખેંચાઈ ગઈ ન હોય.

            તો આ છે. તારું મન વિકસવાનું શરૂ થઈ ચૂક્યું છે અને હવે એ રિવર્સમાં જઈ શકે એમ નથી. હોઈ શકે બહુ જલ્દી તને તારા માતા-પિતા અને સગા સંબંધીઓ સાથે પણ આ અલગાવ અનુભવાવા લાગે, કારણ કે વર્ષો વીતી ગયા છતાં એમનું મન હજી સરકારી નોકરીઓ અને પૈસાની મહત્તામાં જ અટવાયેલું હશે અને તું મનથી આગળ નીકળી ચુકી હોઈશ. આ સમયે ફક્ત પ્રેમને જ પોતાના સબંધનો આધાર બનાવવો પડે છે. આવા સમયે યા તો તારે પોતાના વિચારો અને પોતાની મન:સ્થિતિને રજૂ કરતા શીખવું પડશે યા તો એ સંબંધીઓને સારું લાગે અને તેમનો અહમ સંતોષાય એવું ખાલી ખાલી બોલતા અને હસતા શીખવું પડશે, પણ અંદરથી તેમના પ્રત્યેનો પ્રેમ જ મુખ્ય જોડાણ હશે. હું આ સમયને જીવી ચુક્યો છું. એકવાર મન વિકસવાનું સાચું સુખ શરૂ થાય પછી માણસ રિવર્સમાં ભૌતિકતા તરફ નથી આવી શકતો, કારણ કે એ ભૌતિકતામાં કેટલીયે મજૂરી પછી મળતા સુખ કરતા વિકસિત મનનું સુખ અનેકગણું શક્તિશાળી હોય છે.”

            કેટલાક વર્ષો પહેલા જ્યારે હું બોલીવુડમાં મારી ફિલ્મસ્ક્રીપ્ટ ડિસ્કસ કરતો ત્યારે મને કહેવામાં આવતું કે ‘તમારી સ્ક્રીપ્ટમાં ક્રિસ્ટોફર નોલનનો ટચ છે, પણ હજી ભારતીય ઓડિયન્સ આના માટે તૈયાર નથી. કદાચ, પાંચ-છ વર્ષ પછી હોય. અત્યારે તો કોમેડી ફિલ્મો જ ચાલે છે. એમાં જ એન્ટરટેઈનમેન્ટ છે’. હું તેમને પૂછતો કે ‘તો પછી નોલનની જ બેટમેન ત્રિલોજી અને ઇન્શેપશન કેમ ભારતમાંથી એટલી કમાણી કરી જાય છે જેટલી તમારી કોમેડી ફિલ્મો નથી કરી શકતી?’ તો આનો જવાબ તે ન આપી શકતા અને હું પણ તેમને સમજાવી ન શકતો. પણ હવે હું સમજાવી શકું છું. કોમેડી ફિલ્મ તમે જોતી વખતે હસી લો છો, પણ થિએટરના એક્ઝિટ ડોરમાંથી બહાર નીકળતી વખતે જ ભૂલી જાઓ છો કે શું જોયું. પણ નોલનની ફિલ્મ અઢી કલાક સુધી તમારા મનને કસે છે અને અંતે કંઈક નવું જ જ્ઞાન આપે છે. અહીં જ્યારે તમે એક્ઝિટ ડોરમાંથી બહાર નીકળો છો ત્યારે તમારું મન કેટલીક નવી સીમાઓ સુધી વિકસી ચુક્યું હોય છે. ઘણા દિવસો સુધી તમારું મન એ નવી સીમાઓમાં ચિંતન કરે જાય છે અને તમે એ ફિલ્મને ભૂલી નથી શકતા. તમે એને ફરી જોવા માંગો છો. આ રીતે તેની ફિલ્મો ના ખાલી કમાણી કરે છે, પણ ઓલટાઈમ ગ્રેટમાં પણ સ્થાન પામે છે. આજ કારણ છે કે હવે હું જ્યારે ફરી બોલીવુડમાં મારું નેગોશીએશન શરૂ કરી રહ્યો છું ત્યારે મારી એ જૂની સ્ક્રીપટોને હજી વધુ વિકસિત કરી રહ્યો છું. કારણ કે હવે હું એમને સમજાવી શકું છું કે અર્થહીન કોમેડીમાં સુખ કે એન્ટરટેઈનમેન્ટ નથી. મનના વિકાસમાં એન્ટરટેઇન્મેન્ટ છે. આપણે આ દેશના લોકોને તે આપવાનું છે.

December 25 / 2017 / On Facebook

ભારતીય 'મેરી ક્રિસ્મસ'

તો આજ એ દિવસ છે જે દિવસે પાંચ વર્ષ પહેલા હું બેલુર મઠ ગયો હતો. હોઈ શકે તો સન્યાસ લેવા નહીંતર જે પરિસ્થિતિમાં હતો ત્યાં આગળ કઈ રીતે જીવવું એનું માર્ગદર્શન મેળવવા. જયારે મઠ પહોંચ્યો તો સાંજે રામકૃષ્ણ દેવના મુખ્ય મંદિરમાં એકબાજુ ઇસુનો ફોટો મુકાયેલો હતો અને દેશ-વિદેશના અનેક સન્યાસીઓ ત્યાં ઈસુની આરતી ઉતારી રહ્યા હતા. આ વિવેકાનંદનું દર્શન હતું જેનું ત્યાં પાલન થઇ રહ્યું હતું. વિવેકાનંદે કહેલું ‘જો ઈસુના સમયે હું હાજર હોત તો મેં મારા હૃદયના લોહીથી એમના પગ ધોયા હોત.’ આ એ વિવેકાનંદના શબ્દો હતા જે આધુનિક ઇતિહાસમાં હિન્દૂ ધર્મના સૌથી મોટા સ્થાપક અને પ્રચારક હતા અને જેમણે ભારતની ભૂમિ પર ખ્રિસ્તી ધર્મને ઉગતો જ ડામી દીધો હતો.

            ઈસુના ઘણા ઉપદેશો બુદ્ધના ઉપદેશોને મળતા આવે છે. પશ્ચિમમાં એક પ્રબળ મત એવો પણ છે કે ઈસુએ તે સમયે એલેક્ઝાન્ડ્રિયા અને ગ્રીસમાં ધમધોકાર કાર્ય કરી રહેલી બૌદ્ધ મિશનરીઓમાં શિક્ષણ લીધું હોઈ શકે. કારણ કે ઈસુની બાર વર્ષથી ત્રીસ વર્ષ સુધીની ઉંમરના એ અઢાર વર્ષ તેમણે ક્યાં વિતાવ્યા તેનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. બાઇબલમાં પણ આ સમય માટે એટલું જ લખાયું છે ‘ઈસુએ આ વર્ષોમાં પરમપિતા ઈશ્વર સાથે પોતાનું સાનિધ્ય વધાર્યું અને આત્મજ્ઞાન મેળવ્યું.’ કેટલાક ઇતિહાસકારો માને છે કે આ સમય દરમિયાન ઈસુ બૌદ્ધ મિશનરીઓ સાથે સંપર્કમાં આવ્યા હોવા જોઈએ જ્યાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોએ તેમને આધ્યાત્મનું પ્રારંભિક જ્ઞાન આપ્યું
હોય. કારણ કે ઈસુના જન્મના અઢીસો વર્ષ પહેલા સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના ફેલાવા માટે ઇજિપ્ત અને ગ્રીસમાં મિશનરીઓ મોકલી હતી જે બે સદીમાં એ વિસ્તારમાં ખુબ ફળી-ફૂલી હતી. ચિત્રકાર લિઓનાર્દો-દ-વિન્સીએ પણ પોતાના કેટલાક ચિત્રોમાં ઈસુને જે પહેરવેશ સાથે બતાવ્યા છે તે એવો જ છે જેવો તે સમયના ઇજિપ્તના બૌદ્ધ
સાધુઓ પહેરતા હતા.

            પણ છતાંય પ્રચંડ વૈરાગી અને બ્રહ્મલીન બુદ્ધથી ભિન્ન ઈસુનું જીવન પ્રેમ અને સેવાની ભાવનાઓથી તરબોળ હતું. એક રીતે તેમણે પ્રેમ અને કરુણાના બુદ્ધના મધ્યમાર્ગને જીવ્યો હતો. કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેનો પ્રેમ તેમણે એ વિસ્તારના સામાન્ય માણસો સાથે જીવી બતાવ્યો હતો. જે રાજ્યમાં રાજા પોતાને જ ઈશ્વર માનતો હતો ત્યાં તેમણે પ્રજાને કંઈક આવો ઉપદેશ આપ્યો, ‘સંસારને ચલાવનારી એ પરમશક્તિ જ આપણો ઈશ્વર છે. એજ આપણો પરમપિતા છે જેનાથી આપણે એક થવાનું છે. તેના સુધી પહોંચવાનો માર્ગ છે નિસ્વાર્થ પ્રેમ, દુખીયાઓની સેવા, બીજાના કુકર્મો પ્રત્યે ક્ષમા અને પોતાના કુકર્મો પ્રત્યે પશ્ચયાતાપ.’ માત્ર બે વર્ષમાં જ આ ઉપદેશ રાજા સુધી પહોંચી ગયો અને રાજાએ પોતાની સત્તા બચાવવા તેમના વિરુદ્ધ ષડયંત્રો શરુ કર્યા. આખરે ૩૨ વર્ષની ઉંમરે તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો અને સામાન્ય પ્રજા પ્રત્યેના પોતાના અગાઢ પ્રેમને લીધે ઈશુએ સામે ચાલીને શૂળી પર ચઢવાનું સ્વીકાર્યું. મરતા મરતા પોતાના હત્યારાઓ માટે તે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરતા ગયા, ‘હે ઇશ્વર, એમને ક્ષમા કરી દેજો. એ નથી જાણતા એ શું કરી રહ્યા છે.’ માનવમાત્ર પ્રત્યે પ્રેમ ખાતર આપેલું આ બલિદાન અને પોતાના જ હત્યારાઓ માટે ક્ષમાની પ્રાર્થના વિવેકાનંદને સ્પર્શી ગયા હતા. વિવેકાનંદ જયારે એક પરિવ્રજક સન્યાસી તરીકે ભારતમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમના પોટકામાં બે જ પુસ્તકો હતા. એક ભગવદ ગીતા અને બીજું ઈસુનું જીવનચરિત્ર. એક જ્ઞાનનો અગાઢ સ્ત્રોત તો બીજો પ્રેમ અને બલિદાનનો અગાઢ સ્ત્રોત. તો આજના દિવસે એ મહાન ઈસુ સામે હું પણ મારુ મસ્તક ઝુકાવું છું અને ઈસુને ચાહતા અને માનતા દરેક માનવને ક્રિસ્મસની શુભેચ્છા પાઠવું છું.

            પણ સવાલ હવે એ છે કે શું ઈસુને ચાહવા અને માનવા મારે કૌશિક ચૌધરીમાંથી ક્રિસ ચાર્લ્સ બનવું જરૂરી છે..? શું વિવેકાનંદને સંત વેલ્સ કહેડાવવું જરૂરી છે..? નહી. તો પછી જયેશને જ્યોર્જ, જયને જોય, હરેશને હેરી અને પરેશને પીટર બનાવવાની વિકૃતિ ક્યાંથી શોધી લાવ્યા છો..? જો ઈસુનું જીવન આખી માનવજાતિ માટે હતું, જો ઈશુનો ઉપદેશ નિસ્વાર્થ પ્રેમ અને સેવા હતો, તો ઈસુના નામે માણસથી તેની ઓળખ શું કામ છીનવી રહ્યા છો. જો ઈસુએ માનવજાતિ માટે ત્યાગ કર્યા તો પોતાની શાળાઓના પાઠ્યપુસ્તકોમાં બાળકોને કેમ શીખવો છો કે એક પરિવાર કૃષ્ણને માનતો હતો તો ગરીબ હતો અને ઈસુને માનવા લાગ્યો તો અમીર થઇ ગયો. ઈસુ તો આજીવન નિર્ધન રહ્યા હતા, તો તમે આટલું ધન ક્યાંથી લઇ આવ્યા છો..? તમારા ક્રોસ પહેરેલા લોકો પાંચસો વર્ષ પહેલા આ દેશમાં આવ્યા અને અહીંના રાજાને કહ્યું, ‘અમે વેપાર કરવા અને અમારા ધર્મનો ફેલાવો કરવા આવ્યા છીએ.’ તે જયારે આવ્યા ત્યારે ભારત દુનિયાનો સૌથી ધનવાન દેશ હતો. અહીં કોઈ ગરીબ કે ભિખારી નહોતા. પણ બસો વર્ષ રાજ કરીને જયારે તે લોકો ગયા તો આ દેશના એંશી ટકા લોકો બે વખતના દાણા માટે તરસી રહ્યા હતા. અને હવે તેમણે જ પેદા કરેલા ગરીબોને તેમણે મોકલેલા પૈસા વડે (જે અહીંથી જ લૂંટવામાં આવ્યા છે) તમે વટલાવી રહ્યા છો. અને જયારે કોઈ સરકાર આ ધંધા માટે વિદેશોમાંથી આવતા એ પૈસા રોકાવી દે છે એટલે ચૂંટણી સમયે તમે તેને જે તે બહાના કાઢીને હરાવવાની હાકલ કરો છો. શું આજ છે ઈશુનો ધર્મ..?

            ઈસુના નામે મકવાણાને મેકવાન બનાવવા નીકળેલા આ લોકો એ રાજાઓ જેવા જ છે જેમણે સત્તા માટે ષડયંત્રો કરી ઈસુને શૂળી પર ચડાવી દીધા. માનવજાતિની ભૂખ અને દુઃખનો તેઓ ઈસુના નામે પોતાની ધાર્મિક સત્તા ઉભી કરવા ઉપયોગ કરી રહ્યા છે. અને આ લોકોના વિરોધમાં કેટલાક એવા હિંદુઓ પણ અસ્તિત્વમાં આવ્યા છે જે વિવેકાનંદની મૂર્તિ નીચે ઉભા રહીને ક્રિસ્મસની શુભેચ્છાઓ ન આપવા આહવાન કરે છે. તે આજના દિવસે બનેલી અન્ય નાની-મોટી ઘટનાઓને વધુ પ્રમોટ કરી ક્રિસ્મસની મહત્તાને દબાવવાની કોશિશ કરે છે. આ બંને પ્રકારના લોકો ઈસુના વિરોધી છે, આ બંને વિવેકાનંદના વિરોધી છે, તે બંને સનાતન હિન્દૂ ધર્મના વિરોધી છે.

            ઈસુ આપણા દુશ્મન નથી. આપણા દુશ્મન એ ષડયંત્રકારીઓ છે જે ઈસુના નામે હિન્દૂ સભ્યતાને કોરી ખાવાની કોશિશ કરી રહ્યા છે. અને એમને નિષ્ફળ બનાવી દેવાનો માર્ગ એક જ છે. ઈસુને અપનાવી લો. એટલી જ ભારતીયતાથી, એટલા જ પ્રેમ અને કૃતજ્ઞતાથી જેટલા વિવેકાનંદે રામકૃષ્ણ મિશન અને બેલુર મઠમાં અપનાવ્યા છે. ઘર-ઘરમાં રામ, કૃષ્ણ, ગાયત્રી અને ગણેશ સાથે ઈસુની પણ મૂર્તિ હોય અને આપણે એ મહાન આત્મા સામે પૂર્ણ ભક્તિભાવથી શીશ ઝુકાવતા હોઈએ. આ રીતે જ આપણે સાચા સનાતન ધર્મી કહેવાઈશું. ઈસુ આપણા અનેક અવતારોમાંના એક અવતાર હશે અને ખ્રિસ્તી ધર્મ હિન્દૂ ધર્મના અનેક પંથોમાંનો એક પંથ. અને આ રીતે આખું ભારત જાણે પોતાના સનાતન ધર્મની જયકાર કરતુ હોય તેમ એકસાથે બોલી ઉઠશે ‘મેરી ક્રિસ્મસ.’

June 21 / 2018 / On Facebook

શું છે યોગ..?

boat, sea, ocean

એકવાર એક ધનવાન અને ભોગવિલાસી માણસ પાસેથી એની તમામ સંપત્તિ છીનવાઈ ગઈ. પત્ની અને સંતાન પણ બીમાર થઈને મૃત્યુ પામ્યા. નાસીપાસ થઈને આખરે તે માણસ જંગલમાં જતો રહ્યો. જગલમાં તેને એક સન્યાસી ધ્યાનમાં બેઠેલા દેખાયા. તેણે તે સન્યાસીના પગમાં પડીને કહ્યું, ‘હે મહારાજ, હું પણ બુદ્ધની જેમ મારું બધું ત્યાગીને સન્યાસ લેવા આવ્યો છું. મને આ યોગ શીખવવાની કૃપા કરો.’ સન્યાસીએ આંખો ખોલી અને તે માણસની આંખોમાં જોઈને કહ્યું, ‘બુદ્ધે તેમની સંપત્તિ, પત્ની અને સંતાનને પોતે છોડ્યા હતા. જ્યારે તારી સંપત્તિ, પત્ની અને સંતાને તને છોડ્યો છે. બુદ્ધ સંસારને જીતીને સન્યાસમાં આવ્યા હતા અને તું સંસાર હારીને આવ્યો છે. સન્યાસ હારેલા સંસારીઓનું પલાયન કરવા માટેનું આશ્રયસ્થાન નથી. તે સંસારને જીતી લઈને પણ અધૂરા રહેલા વિજેતાઓને પૂર્ણ કરવા માટેનો યોગ છે. તારા માટે અહીંયા કોઈ યોગ નથી. પાછો જા અને ગુમાવેલું પાછું મેળવ. જ્યારે બિલકુલ પહેલા જેવી સ્થિતિમાં આવી જઈશ ત્યારે તને યોગ મળી ચુક્યો હશે.’

            તે માણસ ઘરે પાછો આવ્યો અને ફરી નાનો ધંધો શરૂ કર્યો. ધંધાની જૂની ફાવટના લીધે ધીરે ધીરે ધંધો વધતો ગયો અને તે અનેકગણી ઝડપે પૈસાદાર થવા લાગ્યો. પણ ઝડપી સફળતાનું મુખ્ય કારણ એ હતું કે તે હવે કોઈ ભોગવિલાસ કે પ્રતિષ્ઠાની લાલચ માટે પૈસા નહોતો કમાતો. તે સન્યાસ લઇ શકે તે માટે પૈસા કમાતો હતો. તેનામાંથી સાંસારિક સુખોની ઈચ્છારૂપી નબળાઈ જતી રહી હતી. પૈસાદાર થતા તેને સુંદર સુંદર સ્ત્રીઓ સામેથી પરણવા આવવા લાગી. તેણે તેમાંથી એક સાથે લગ્ન કર્યા અને સંતાન પેદા કર્યું. લગ્નથી લઈને એ સ્ત્રી સાથે સંભોગ સુધીની ક્રિયાઓ તેણે ભોગ માટે નહીં, પણ સન્યાસ માટે કરી. સંતાન તેના પહેલા મરણ પામેલા સંતાન જેવડું થયું એટલે તે ફરી જંગલમાં તે સન્યાસીની મળવા ગયો અને કહ્યું, ‘હવે મને યોગ શીખવો.’ સન્યાસીએ કહ્યું, ‘હવે તું યોગી જ છે. અહીંથી પાછા જઈને તે જે પણ કર્યું તે યોગ હતો. બસ પરિણામ મળવાનું બાકી છે. મારી સામે અહીં શાંત મને આંખો બંધ કરીને બેસી જા.’ તે ધનવાન માણસ ત્યાં આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠો અને તેના શાંત મનમાં ધીરે ધીરે પ્રકાશ છવાઈ ગયો. તેને પોતાનું શરીર લય પામતું અનુભવાયુ અને પોતે સમગ્ર બ્રહ્માંડની ઉર્જા સાથે એક થયેલો અનુભવાયો. તેણે આંખો ખોલી તો સામે બેઠેલા સન્યાસીએ કહ્યું, ‘ખબર પડી શું થયું..?’

            માણસે કહ્યું, ‘આત્મજ્ઞાન. જેની પાસે કંઈ છે અને તે છોડી દે છે તે ત્યાગી છે. જેની પાસે કંઈ નથી અને ત્યાગવાની વાત કરે એ પોતાના કર્મથી પલાયન છે. જે શક્તિશાળી છે અને છતાં સમર્પણ કરે છે તે પ્રેમી છે, ભક્ત છે. જે શક્તિહીન છે અને સમર્પણની વાત કરે છે તે પાખંડી છે. શક્તિ આવતાં જ તેનું સમર્પણ જતું રહેશે. અહીંથી પાછા જઈ મેં આ જાણ્યું. પાછા ફરીને મેં જે કર્યું એ કર્મયોગ હતો. સંસારનું કોઈપણ કર્મ કરો પણ એ દરેક કર્મનું મૂળ લક્ષ્ય ઈશ્વર સાથે એકરૂપતા મેળવવાનું હોવું જોઈએ. ત્યારે જ તમે તમારા કર્મથી જે પણ સંપત્તિ, પ્રતિષ્ઠા કે સંસાર ઉભો કરો છો તેનાથી આસક્ત થતા નથી. તમે બસ તેને ઈશ્વરની સંપત્તિ અને ઈશ્વરનો સંસાર માની પ્રેમ કરતા થઈ જાઓ છો. તેમાં પોતાનો સ્વાર્થ શોધવાની વૃત્તિ લુપ્ત થઈ જાય છે. આખરે, એ નિઃસ્વાર્થ પ્રેમ તમને ઈશ્વરથી એક કરી દે છે. એ અનાસક્ત પ્રેમ જ દરેક કર્મ કરવાની મુખ્ય કુશળતા છે. પોતાનો આત્મા જે કહે છે તે જ ઈશ્વરનો અવાજ છે. સમ્માનનો મોહ અને અપમાનનો ભય ત્યાગી પોતાના આત્માના અવાજને અનુસરતા કર્મ સતત કરતા રહેવું એ જ કર્મની કુશળતા છે. અને ગીતામાં કહ્યું છે કે કર્મની કુશળતા જ યોગ છે. योग: कर्मस्य कौशलम|’

તો, ઓફિસોમાં સવારે એક કલાક કસરતો કરીને ઘરે પાછા આવી જાઓ એટલે જરા યોગના આ મૂળ અર્થને સમજવાની અને એના પર અમલ કરવાની કોશિશ જરૂર કરજો. દુનિયામાં તમારી વાહવાહી તો એનાથી જ થશે. બાકી, સવારે કલાક જે કરીને આવ્યા એતો મોદી સાહેબની વાહવાહી માટે હતું. અને આખા વિશ્વમાં આ દિવસને યોગ માટે સમર્પિત કરાવવા બદલ તે વાહવાહીના એ હકદાર પણ છે. આજે નહીં તો ગમે ત્યારે માનવજાતિ આ દિવસનો સાચો મહિમા સમજી જ જશે. કોઈના કોઈ આ શરૂઆતને તેની સાચી ઊંચાઈ સુધી લઈ જનારું આવી જ જશે.

July 04 / 2018 / On Facebook

વિવેકાનંદ પુણ્યતિથિ સ્પેશ્યલ

તો આજે 4 જુલાઇ છે, અમેરિકાનો સ્વતંત્ર દિવસ અને એક રીતે વિવેકાનંદના આત્માનો પણ. આજ દિવસે વિવેકાનંદે તેમના રૂમમાં ધ્યાનમાં બેસીને પોતાનું શરીર ત્યાગી દીધું હતું. પાંચ વર્ષ પહેલાં જ્યારે હું બેલુર મઠ ગયો તો ત્યાંના એક વડીલ સન્યાસી જોડે આ વિશે ચર્ચા થયેલી એ પ્રસંગ આજે યાદ આવે છે.

હું અને ત્યાંના એક સ્વામીજી હુગલી નદી (ગંગાની એક બ્રાન્ચ) ના કિનારે આવેલ બેલુર મઠના છેડા પર લોનમાં ચાલી રહ્યા હતા અને આધ્યાત્મ પર ચર્ચા કરી રહ્યા હતા. તેમણે ત્યાં સ્થાપેલું વિવેકાનંદ મંદિર અને તેના બાજુમાં જ સ્થાપેલું માંશ્રી શારદાદેવીનું મંદિર બતાવ્યું. મેં તેમને પૂછ્યું, ‘માં શારદાનું મંદિર ગુરુદેવના મંદિરની બાજુમાં કેમ નથી અને અહીં સ્વામીજી (વિવેકાનંદ) ના મંદિરની બાજુમાં છે..?’

સ્વામીજીએ જવાબ આપ્યો, ‘વિવેકાનંદજીએ દેહત્યાગ કર્યો એના પહેલા આ જગ્યા બતાવીને કહ્યું હતું કે તેમના શરીરનો અગ્નિસંસ્કાર અહીં કરવામાં આવે. તેમના અઢાર વર્ષ પછી જ્યારે માશ્રી મૃત્યુની નજીક આવ્યાં ત્યારે તેમણે આ બાજુની જગ્યા બતાવી અને અહીં તેમનો અગ્નિસંસ્કાર કરવા કહ્યું. આમ, ગુરુદેવનું મંદિર મઠનું મુખ્ય મંદિર રહ્યું અને તેમના બે શિષ્યો આ રીતે એકબાજુએ આવી ગયા. બાકી તો એમની લીલા એ ત્રણ જ જાણે.’

આટલું બોલતાં અમે બંને ત્યાંથી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેમણે કહ્યું, ‘અહીંયા લોકો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અને સન્યાસી બનવા આવે છે. પણ તમારી આંખો અને વાતોમાં આત્મજ્ઞાનની ઝલક છે. તમે છેલ્લા દસ દિવસથી વધારે અહીંયા છો. શું મેળવવા કોશિશ કરી રહ્યા છો..?’

‘કેટલાક જવાબ. હું એક પરિસ્થિતિમાં ફસાવા જઈ રહ્યો છું. ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસ પાસે સમાધાન મેળવવા આવ્યો છું. પણ આશીર્વાદ અને આજ્ઞા મળે તો અહીંયા જ રોકાઈ જવા માંગુ છું.’ મેં જવાબ આપ્યો.

‘હા, પણ અહીંયા જ કેમ..? છેક ગુજરાતથી દેશના બિલકુલ વિરોધી છેડે..? રાજકોટમાં પણ અમારો બહુ મોટો આશ્રમ છે.’ સ્વામીજીએ કહ્યું.

‘મારો આત્મા ક્યારેક આ જગ્યાનો સાક્ષી રહેલો છે. યાત્રાને ફરીથી ત્યાંથી જ શરૂ કરાય છે જ્યાં તેને પાછલી વખતે છોડી હોય.’ મારી વાત સાંભળી સ્વામીજી થોડીવાર ઉભા રહી ગયા અને ગૂઢ સ્મિત સાથે મારી સામે જોઈ રહ્યા. તેમણે કહ્યું, ‘જાણી શકું છું એ કઈ પરિસ્થિતિ છે જેમાં તમે ફસાવા જઇ રહ્યા છો..?’

‘એજ જેમાં બધા આત્મજ્ઞાનીઓ જતા ડરે છે. મેરેજ.’ અમે બંને હસ્યા. પછી મેં આગળ ચલાવ્યું, ‘છેલ્લા ચૌદ દિવસથી ગુરુદેવ સામે ધ્યાનમાં બેસું છું પણ હજી તેમણે વાત નથી કરી.’

સ્વામીજી તરત એક હુંકારા સાથે બોલ્યા, ‘મારો એક અનુભવ છે. ગુરુદેવ સામે કોઈ ઈચ્છાથી ક્યારેય ધ્યાન ન કરો. બસ તેમના પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા ધ્યાન કરો. તે આવી જાય છે અને જેની જરૂર હોય તે આપી જાય છે. પણ યાદ રહે જેની જરૂર હોય તે, જે જોઈએ છે તે નહીં.’

‘હમ્મ. આ ભૂલનો તો મને વિચાર જ ન આવ્યો. આજ સાંજથી જ એ કોશિશ કરીશ.’ મેં કહ્યું. એટલામાં અમે એ રૂમ સુધી આવી પહોંચ્યા જ્યાં વિવેકાનંદે દેહત્યાગ કર્યો હતો. રૂમના દરવાજાને બહારથી તાળું મારેલું હતું, પણ બારી દર્શન માટે ખુલ્લી રખાઈ હતી. અંદર વિવેકાનંદનો સિંગલ બેડ હતો, તેમનો એક ફોટો હતો અને તેમની વીણા અને પગરખા જેવી તમામ વસ્તુઓને અહીં સાચવીને એકઠી કરવામાં આવી હતી. હું અને સ્વામીજી બંને એક અલગ જ અનુભૂતિથી એ રૂમ જોઈ રહ્યા હતા.

એવામાં સ્વામીજીએ કહ્યું, ‘છેલ્લા દિવસે તેઓ બે થી ત્રણ કલાક અહીં ધ્યાનમાં રહ્યા. કોઈ નથી જાણતું એ દિવસે આ રૂમમાં શું બન્યું, એમણે શું જાણ્યું..?’ થોડીવાર અમે બંને ચૂપ રહ્યા. મેં રૂમમાં જ જોતાં જોતાં એક ઊંડો શ્વાસ લીધો. એટલે તેમણે આગળ કહ્યું, ‘આજ પ્રયોગ છે. જો જીવનથી સંતુષ્ટ થઈને, પોતાના બધા કર્મો શ્રેષ્ઠ રીતે પુરા કરીને તમે સામે ચાલીને આ રીતે તમારું શરીર છોડી શકો છો તો તમે સાચા અર્થમાં મોક્ષના અધિકારી છો.’

‘તમે માનો છો કે વિવેકાનંદનો મોક્ષ થઈ ગયો હશે..? કે ગુરુદેવનો..?’ બારીથી રૂમમાં જોતાં જોતાં જ મેં કહ્યું.

‘કેમ નહીં. બ્રહ્મજ્ઞાની બનવું એજ છેલ્લું સ્ટેપ છે. એના પછી આત્મા પાછો નથી આવતો. તમને નથી લાગતું..?’ સ્વામીજીએ પૂછ્યું.

‘શું ખબર..? કાલે કોઈ એવો બ્રહ્મજ્ઞાની સામે આવી જાય જે મોક્ષનો કોઈ અલગ જ અર્થ સમજાવી દે.’ મારી આ વાત પછી થોડીવાર અમે બંને ચૂપચાપ એકબીજાને જોઈ રહ્યા અને પછી ભોજનખંડ તરફ આગળ વધ્યા.

—————————–

આ પ્રસંગના બીજા દિવસે સવારે જ મને ધ્યાનમાં રામકૃષ્ણ પરમહંસના દર્શન થયા અને પાછા સંસારમાં આવીને જે કર્યો કરવાના હતા તેનું માર્ગદર્શન મળ્યું. એ કાર્યોમાં કેટલાક વ્યક્તિગત કર્યો ઉપરાંત સૃષ્ટિના સત્ય વિશે એ પુસ્તક લખવાનું કાર્ય પણ હતું જેને મેં અંગ્રેજી અને ગુજરાતીમાં લખીને ઉપલબ્ધ કરાવ્યું છે. એમણે સોંપેલાં બધા કાર્યો જ્યારે પુરા થયા ત્યારે ગત વર્ષ ઓક્ટોમ્બરમાં હું રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં ગયો અને પાંચ વર્ષનું રિપોર્ટકાર્ડ આપ્યું. આ વખતે તેમણે મને કહ્યું, ‘તું હંમેશા કર્મયોગી રહ્યો છે. કામ પૂરું થયા પછી તેના પરિણામમાં આસક્તિ ન થાય તે માટે તું હંમેશા એ સ્થાન છોડી દેવા પ્રયાસ કરે છે, ચાહે તારી પ્રિયમાં પ્રિય વસ્તુ ત્યાં કેમ ન હોય. પણ આ વખતે તું એવું નહીં કરી શકે. કારણકે આ વખતે કોઈને લઈને જ આગળ જવાનું છે. પછી જ આગળના કાર્યો થઈ શકશે.’

            આ વાત મારા સ્વભાવથી તો વિપરીત હતી જ સાથે કર્મયોગના સિદ્ધાંતોથી પણ વિપરીત હતી. કાર્ય પત્યા પછી તેનું સત્ય અનુરૂપ પરિણામ આવે ત્યાં સુધી પ્રતીક્ષામાં બેસવું એ સૌથી મુશ્કેલ કાર્ય છે. અને એ કાર્ય કરવા માટે કર્મયોગ નહીં, ભક્તિયોગ અને ક્રિયાયોગ (ઊંડા ધ્યાનમાં બેસવું) નો માર્ગ કામે આવે છે. તે દિવસે રાજકોટમાં ગુરુદેવે આ બંને માર્ગે જીવવા કહ્યું અને બોલ્યા, ‘જ્યારે જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગ (ધ્યાન) ભેગા મળે ત્યારે જ આપણામાં સંપૂર્ણ ઈશ્વર ઉતપન્ન થાય છે.’ અને પછી મને યાદ આવ્યું કે આજ તો રામકૃષ્ણ મઠ અને મિશનના એ લોગોનો અર્થ છે જેને ખુદ વિવેકાનંદે બનાવ્યો હતો. તો આજકાલ હું એજ કરી રહ્યો છું. ભક્તિયોગ અને ધ્યાન.

November 18 / 2017 / On Facebook

પ્રેમયોગ અને ભક્તિ - વાસનાથી મુક્તિનો એકમાત્ર માર્ગ

કેટલાક સમય પહેલા મેં મારા સંક્ષિપ્ત જીવનચરિત્રને રજુ કરતા લેખમાં કર્મયોગ સમજાવ્યો હતો. આજે મારા જીવનમાં પ્રેમના અનુભવોનો નિચોડ આપી પ્રેમયોગ અને ભક્તિ સમજાવી રહ્યો છું. આ સાથે જ મનુષ્ય જીવનના આ બે મહત્વપૂર્ણ પાસા સમજાવવાનું કામ મારા તરફથી પૂર્ણ કરું છું.

 

પ્રશ્ન: વાસનાથી મુક્ત થવાનો કોઈ ખરેખર અસરકારક માર્ગ તમે બતાવી શકો છો..?

લેખક: ગ્રંથોમાં ઘણા માર્ગો આપ્યા છે. ભક્તિનો માર્ગ, ઈશ્વર-પાપ-નર્કથી ડરીને રહેવાનો માર્ગ, ઇન્દ્રિઓના દમનનો માર્ગ વગેરે. અસલમાં તેના માટેનો સૌથી સારો નહિ પણ એકમાત્ર માર્ગ છે પ્રેમ. જો તમને કોઈનાથી સાચો પ્રેમ છે તો કોઈપણ વાસનામાં ખેંચાઓ એટલે પોતાને સવાલ પૂછો કે તમારે એ પ્રેમ જોઈએ છે કે આ વાસના..? જો એ વાસનામય કાર્ય કરતા અટકી જાઓ તો સમજી લો તમને સૃષ્ટિનો એ પવિત્ર પ્રેમ થઇ ચુક્યો છે જે આપણા સમગ્ર અસ્તિત્વની મૂળ પવિત્ર વસ્તુ છે. જગતની બાકી બધી પવિત્રતાઓ એમાંથી જ ઉત્પન્ન થાય છે. એ તમે સ્મોકિંગ કરતા હશો તો એ છોડાવી દેશે અને ફાસ્ટફૂડ ખાતા હશો તો એ પણ છોડાવી દેશે. પ્રેમ નહિ હોય તો આકસ્મિક સ્ત્રીનું કોઈ અંગ-ઉપાંગ જોઈ લેતાં જ મનમાં ખલબલી મચી જશે, ભલે બહાર લોકોને અને અંદર મનને કહેતા રહેશો કે એતો બહેન સમાન છે કે દીકરી સમાન છે કે માં સમાન છે. પણ જો સાચો પ્રેમ હશે તો સ્ત્રી નગ્ન ઉભી હશે તો પણ તેની આંખો અને ચહેરાથી નજર નીચે ઉતારવાનું મન નહિ થાય. એ નગ્નતા તમને કુરૂપ લાગવા લાગશે અને તમે એને ઢાંકવાની કોશિશ કરશો. બસ આજ થાય છે. જયારે સાચો પ્રેમ થાય છે ત્યારે વાસના કુરૂપ લાગવા લાગે છે. તમારે એનું દમન નથી કરવું પડતું.

 

પ્રશ્ન: અતિસુંદર.. પણ સવાલ હવે એ થાય છે કે પ્રેમ એટલે શું..? હજી આ સવાલનો પણ યોગ્ય જવાબ નથી મળ્યો.

લેખક: સી. આપણા આ શરીરને જે ચલાવી રહ્યો છે તે બ્રહ્મનો એક ટુકડો છે, જેને આપણે આત્મા કહીએ છીએ. અને બ્રહ્મને જ આપણે ઈશ્વર કહીએ છીએ એટલે અર્થ એ થયો કે આપણો આત્મા ઈશ્વરના જ એક ટુકડા રૂપે આપણને ચલાવે છે. જે દિવસે એ ઈશ્વર આ શરીરમાંથી નીકળી ગયો તે દિવસે આ શરીરને લોકો બાળી કે દફનાવી દેવાના છે. મતલબ જે શરીરને આપણે ‘હું’ માનીને જીવીએ છીએ એ તો કોઈપણ ક્ષણે અહીં રાખ બની જવાનું છે. તો અસલમાં એ ‘હું’ ઈશ્વર છે જે કેટલાક નિશ્ચિત કામ કરવા આ શરીરમાં આવ્યો છે. જયારે આપણને કોઈનાથી પ્રેમ થાય છે ત્યારે અસલમાં ઈશ્વરના એક ટુકડાને ઈશ્વરના બીજા એક ટુકડા સાથે જોડાવાનું મન થાય છે. એટલે આપણો આત્મા તે વ્યક્તિ તરફ વહેવાની કોશિશ કરે છે. બસ, આત્માના બીજા આત્મા તરફ વહેવાના આ ગુણને જ આપણે પ્રેમ કહીએ છીએ. જો એની જોડાવાની ઈચ્છા પ્રબળ હોય તો આપણે આપણા અહમ કે સુરક્ષાના ભાવમાં એને જેમ વહેતો રોકીએ છીએ તેમ એ એનું વહેવાનું દબાણ વધારતો જાય છે. મતલબ પ્રેમ વધતો જાય છે.

            પ્રેમ જ એ ગુણ છે જેણે બ્રહ્માંડમાં બ્રહ્મને સળંગ રીતે જોડી રાખ્યું છે. મતલબ, એકરીતે પ્રેમ ઈશ્વરનો શ્વાસ છે. વ્યવહારિક જીવનમાં સતત વિચારાતું ફાયદા નુક્શાનનું ગણિત એમાં નથી હોતું. મેં હમણાં જ એક બીજા ધોરણના બાળકની ચોપડીમાં પેલી બે ઘડાવાળી કવિતા વાંચી. તાંબાનો ઘડો માટીના ઘડાને કહે છે કે ‘તું આટલો દૂર કેમ છે. મારી પાસે આવ, આપણે સાથે રહીએ.’ તો માટીનો ઘડો કહે છે કે, ‘તું તો તાંબાનો ઘડો છે ને હું માટીનો. ક્યાંક આપણે ટકરાઈ ગયા તો તને કંઈ નહિ થાય પણ હું તો ફૂટી જઈશ. એટલે પોતાનાથી શક્તિશાળી લોકોથી દૂર રહેવું જોઈએ. એમાં જ ફાયદો છે.’ આપણે ગળથુથીમાં આપણા બાળકોને પ્રેમના સ્થાને આજ ફાયદા-નુક્શાનનું ગણિત ભણાવી રહ્યા છીએ, જે વાસનાનો સ્ત્રોત છે. આવા સમાજમાં સૃષ્ટિનો સાચો દિવ્ય પ્રેમ ક્યાંથી ઉદ્ભવે..? કારણ કે પ્રેમનું ગણિત આનાથી સાવ ઉલટું છે. પ્રેમમાં તાંબાનો ઘડો માટીના ઘડાને કહે છે, ‘પ્રેમમાં શક્તિઓનું કોઈ કામ નથી પ્રિયે. પ્રેમ માટે તો માણસ પોતાની જન્મોજન્મથી એકઠી કરેલી શક્તિઓ સામે ધરી દે છે અને પ્રેમ માંગી લે છે. આવ, તું તાંબાનો ઘડો બની જા અને હું માટીનો ઘડો બની જાઉં છું. મારી પાસે આવ અને તારે જયારે મને ફોડી દેવો હોય ત્યારે ફોડી દેજે. તારાથી ફૂટી જવામાં જ મારો મોક્ષ છે.’ જયારે બાળકોને શાળામાં આ દિવ્યતા શીખવીશું ત્યારે માનવસમાજ દિવ્ય અને પવિત્ર બનશે.

એટલે કોઈનાથી પ્રેમ થાય તો સૌથી પહેલું કામ એને પવિત્રભાવે સ્વીકારી લેવાનું અને પછી જેનાથી પ્રેમ અનુભવાતો હોય તેને કહી દેવાનું કરવું જોઈએ. આજ આપણા અંદર બેઠેલા એ ઈશ્વર પ્રત્યે આપણી જવાબદારી છે. આ રીતે આત્મા મુક્તપણે વહેવા લાગે છે. તેની શક્તિઓ અને વહેવાનો આનંદ બંને ખુલી જાય છે. જે અંતે આપણને જ મળે છે. આપણે સાચા અર્થમાં જીવંત બનીએ છીએ.

 

પ્રશ્ન: અને જો પ્રેમ ન કબુલીએ તો..?

જવાબ: તો આપણે ઈશ્વરનો શ્વાસ રોકી લઈએ છીએ. આપણે ઈશ્વરનું નાક દબાવી દઈએ છીએ. એના બે દુષ્પરિણામ છે. આપણે આપણા પોતાના આત્માને વહેતો જ અટકાવી દઈએ છીએ. પરિણામે સમય સાથે તે વહેવાની વૃત્તિ જ ઘુમાવી બેસે છે. અને એ વહેવાની વૃત્તિ જ તો પ્રેમ છે. એટલે આપણે ક્યારેય કોઈને પ્રેમ નથી કરી શકતા. આપણે એક લાગણીશૂન્ય માણસ બનીને રહી જઈએ છીએ જે પોતાના સબંધીઓથી પણ બસ પ્રેમ કરવાનો અભિનય કરી રહ્યો છે. કારણ કે આપણો આત્મા પ્રેમનો ગુણ જ ખોઈ ચુક્યો છે. તેણે હવે વહેવાનું છોડી સંકોચાવાનું શરુ કરી દીધું છે. પરિણામે એક્સમય બાદ આપણી અભિનય કરવાની ક્ષમતા પણ લુપ્ત થઇ જાય છે. હવે એવું લાગવા લાગે છે જાણે આપણો જ શ્વાસ રૂંધાવા લાગ્યો છે અને આપણે ક્યાંક ખુલ્લી જગ્યામાં જઈને મુક્ત શ્વાસ લેવો છે. પણ દુનિયાના કોઈ છેડે આપણને એ શ્વાસ નથી મળતો કારણ કે એને તો આપણે પોતાની અંદર જ દબાવી દીધો છે. અને આ સમય પછી એ માણસના શરીર પર એની પ્રતિકૂળ અસરો શરુ થઇ જાય છે. કારણ કે તેનો આત્મા હવે એ શરીરમાંથી પોતાની અભિવ્યક્તિ સંકોચી રહ્યો છે. તેને આ શરીરમાં પ્રેમનો શ્વાસ લેવા જ ન મળ્યો. હવે તે બીજા શરીરમાં જઈ એ શ્વાસ લેવા માંગે છે. પશ્ચિમમાં શોધાયેલા કોઇ મેડિકલ સાયન્સ આવા માણસને સાજો નથી કરી શકતા કે જીવનનો આનંદ નથી આપી શકતા. કારણ કે તેણે સૃષ્ટિના મૂળ વિજ્ઞાનના વિપરીત જીવન જીવ્યું છે. આમ, પ્રેમ થાય એટલે તેને સ્વીકારી લેવો અને કબુલી લેવો એ મનુષ્ય તરીકેની મુખ્ય જવાબદારી જ નથી, એ તો જીવન જીવવાની મૂળ રીત છે.

 

પ્રશ્ન: એક તરફી પ્રેમ વિષે શું કહેશો..? મોટાભાગે એનો ડર જ માણસને કબૂલાત કરતા રોકે છે.

લેખક: આપણા આત્માએ કોઈના તરફ વહેવાનું શરુ કર્યું છે અને એને રોકવાની દરેક કોશિશ એના વહેવાના દબાણને વધારી રહી છે. એ આત્મારૂપી ઈશ્વરને શ્વાસ લેતો કરવા માટે આપણે કબૂલાત કરવાની છે. આપણી કબૂલાત આપણી ઈશ્વર પ્રત્યેની જવાબદારી છે, કંઈ મેળવવાની કોશિશ નહિ. મેળવવાની કોશિશમાં થતી કબૂલાત જ ફાયદા નુકશાનના ગણિતવાળી વાસના બની જાય છે. એટલે કોઈને તમે જયારે કહો છો કે ‘હું તને પ્રેમ કરું છું.’ તો એ તમારા આત્માનો અવાજ હોવો જોઈએ. અને પછી આગળની વાત એ વ્યક્તિ પર છોડી દેવી જોઈએ. તમારે એને પ્રેમ કરે જવાનો છે, આપે જવાનો છે અને એનો ખ્યાલ રાખવાનો છે. એકરીતે પ્રેમ વસ્તુતઃ જ એકતરફી છે. એમાં આપનારો મેળવે છે અને મેળવનારો તડપે છે.

 

પ્રશ્ન: એ કઈ રીતે..?

લેખક: પ્રેમીઓ વચ્ચે એક સંવાદ હંમેશા કોમન હોય છે. પ્રેમી પ્રેમિકાને પ્રેમ કરે છે અને પ્રેમિકા કહે છે, “તું હંમેશા મને આવો પ્રેમ કરીશ..?” મતલબ, એને હાલ પ્રેમ મળી રહ્યો છે એનો આનંદ નથી, કાલે મળશે કે નહિ એની ચિંતા છે. જેમ ધંધાદારી માણસોને આજે એ કરોડો રૂપિયા કમાય છે એના આનંદ કરતા કાલે કરોડો કમાઈ શકશે કે નહિ એની ચિંતા વધુ હોય છે. એટલે દરેક ભૌતિક વસ્તુની જેમ પ્રેમ પણ મેળવવાથી અહમ અને ભોગવિલાસ વધારે છે. અને ત્યારપછી તમને હંમેશા એ ઘુમાવવાનો જ ડર રહે છે. આ એક પીડા છે અને એ પીડાથી બચવાનો માર્ગ એક જ છે કે જ્યાંથી તમને પ્રેમ મળી રહ્યો છે તેના પ્રત્યે જો તમને પણ પ્રેમ છે તો તેને ફક્ત મેળવવાને બદલે વળતો એટલોને એટલો આપવાનું શરુ કરી દો. બીજી જ ક્ષણે પીડા આનંદમાં ફેરવાઈ જશે.

            છતાંય, એનો અર્થ બિલકુલ એ નથી કે હું એ અસંવેદનશીલ અને અવૈજ્ઞાનિક વાત કરી રહ્યો છું કે પ્રેમ મેળવવાની ઈચ્છા નથી હોતી. પ્રેમ આપ્યા પછી વળતો પ્રેમ મેળવવાની ઈચ્છા થાય જ છે. એ સ્વાભાવિક છે. એના વિના તમે અધૂરા રહો છો. અને જેટલા જીવનો મેં જીવ્યા છે અને જેટલી યાતનાઓ મને યાદ છે એમાં આ પરિસ્થિતિ સૌથી વધુ પીડાદાયક છે. પણ એ તમારા હાથમાં નથી. અને કર્મ કરતા કરતા જયારે એ સ્થાન આવી જાય કે જયારે તમારા હાથમાં હવે કોઈ કર્મ પણ નથી રહ્યું ત્યારે એક બાળકની જેમ ઈશ્વરની શરણમાં જતું રહેવું જોઈએ. હવે આ સમગ્ર સૃષ્ટિને ચલાવનારો ઈશ્વર તમારા પ્રેમમાં હોય છે. કારણ કે તમે પ્રેમને એની પુરી પવિત્રતાથી સ્વીકાર્યો અને તમારા તરફથી આખરી સીમા સુધી નિભાવ્યો. તમે મનુષ્ય તરીકે તમારું કાર્ય પૂર્ણ કર્યું. હવે તમે એ ઈશ્વરની ભક્તિમાં લિન થઇ જાઓ. હવે તમે ઈશ્વરની ભક્તિ કરવા માટે લાયક બની ચુક્યા છો.

            આ સમજાવવા મારા અંગત જીવનનો એક પ્રસંગ કહું. કોઈથી મને અતિશય પ્રેમ છે એ વાત જાણ્યા પછી હું એને કહેવાથી બચવા માંગતો હતો. કારણ કે એમાં ઘણાબધા ભયસ્થાનો હતા. હું એ બધું ગુમાવી દઉં એમ હતો જે સામાજિક રીતે મેં મેળવ્યું હતું. તો બચવા માટે આખરી ઉપાય તરીકે મેં મારી જાતને ઈશ્વરની ભક્તિમાં ડુબોળી દેવાની કોશિશ કરી. પણ મારી બેચેની ન ગઈ. મને ઈશ્વરથી પણ પ્રેમ નહોતો થતો. એકવાર મારા મનમાં જાણે ઈશ્વરે કહ્યું, ‘પહેલા એને કહી દે જેનાથી પ્રેમ છે. એ તારા પ્રેમનું કેન્દ્ર છે. એને ચાહી શકીશ તો જ મને ચાહી શકીશ અને તો જ દુનિયામાં કોઈને પણ ચાહી શકીશ. નહીંતર દરેક સાથે બસ અભિનય કરતો રહીશ જેમ અત્યારે મારી સાથે કરી રહ્યો છે.’ આ અદભુત વિજ્ઞાન હતું. જો તમે કોઈ એક મનુષ્યના આત્મા સામે પ્રેમ વ્યક્ત કરવા સક્ષમ બન્યા છો તો જ એવા અનેક આત્માઓથી બનેલા પરમાત્માને પ્રેમ કરી શકશો. જો એક મનુષ્યને પોતાના ફાયદા-નુકશાનથી ઉપર ઉઠીને તમે પ્રેમ નથી કરી શક્યા તો ઈશ્વરને નિસ્વાર્થતાથી કેવી રીતે પ્રેમ કરી શકવાના. ત્યાં જઈને તમે એજ વેપાર ચાલુ કરવાના. “આ આપી દેજે ને આટલી માળાઓ, આટલા શ્રીફળ, આટલી જાત્રાઓ લઇ લેજે.” હું મારી અઠ્ઠાણું વર્ષની દાદીને હજી આ કરતા જોઉં છું અને ચિડાઈ જાઉં છું. ક્યારેક પૂછું છું, ‘શું તને દાદાથી કોઈ દિવસ પ્રેમ નહોતો થયો..?’ અને એ કહે છે, ‘એવો સમય જ નહોતો. બસ ધંધો, ધંધોને ધંધો.’ અને હું સમજી જાઉં છું કે આ બધા એ જ ચોકઠામાં બેસાડેલું બીબાવાળું જીવન જીવીને ઘરડા થઇ ગયા છે. મેં હજી સુધી કોઈ ઘરડા માણસને સાચી ભક્તિ કરતો નથી જોયો. ચોવીસ કલાક માળાઓ હાથમાં રાખીને કથાઓ સંભાળવાવાળા લોકો હજી ભગવાન પાસે માળાના બદલામાં કંઈક સાંસારિક સુખ માંગી રહ્યા છે. ચાહે ગમે તેટલા જ્યોતિર્લિંગો ફરતા આવે કે ગમે તેટલા ધામો ફરતા આવે તે હજી એવા જ છે જેવા પચીસ અને ત્રીસ વર્ષે હતા. ભક્તિનો તો એમને અર્થ પણ નથી ખબર. કારણ કે એમને પ્રેમનો અર્થ નથી ખબર. ‘પ્રેમ’ શબ્દને જ તેમણે બુરી નજરે જોયો છે.

            એટલે જેનાથી પણ પ્રેમ છે એનું દમન કરવાના સ્થાને સ્વીકારી લો અને પવિત્રભાવે એને વ્યક્ત કરી દો. જો સામેથી પણ પ્રેમ મળે છે તો એજ પવિત્ર પ્રેમને એકસાથે ધીરે ધીરે ઈશ્વરની ભક્તિ તરફ લઇ જાઓ. તમે બંને એકબીજા માટે પ્રેમનું કેન્દ્ર હશો અને ઈશ્વરને ચાહવાની શક્તિ પણ તમને એક્બીજામાંથી જ મળતી હશે. આ ભક્તિ તમારા પ્રેમને વધુને વધુ દિવ્ય બનાવતી જશે. તમારા આત્મા વચ્ચેનો ભેદ ઘટતો જશે અને એકસમયે તમારા આત્મા એક બની એકબીજામાં મોક્ષ મેળવી લેશે. જો સામેથી પ્રેમ નથી મળતો તો સીધા ઈશ્વરની ભક્તિમાં લાગી જાઓ. હવે તમારા સાથે ન્યાય કરવાની જવાબદારી એની છે. એને જે કરવું હોય તે કરવા દો અને એની ભક્તિમાં લિન રહો. એકસમયે તે તમારા મોક્ષ માટે જે સત્ય હશે તે માર્ગ લઈને આવશે. એને સ્વીકારી લો. આજ પ્રેમયોગ છે, જે મનુષ્યને નિસ્વાર્થ પ્રેમ કરતા શીખવી ઈશ્વરની ભક્તિ કરવા માટે લાયક બનાવે છે. પ્રેમયોગ પત્યા પછી જ ભક્તિયોગ શરુ થઇ શકે છે.

 

પ્રશ્ન: અદભુત રહ્યું આ. બસ એક છેલ્લો સવાલ. જો ઈશ્વર મોક્ષ માટે જે માર્ગ ખોલે એ સ્વીકાર્ય ન હોય તો..?

લેખક: ઓહ. એ સ્વીકાર્ય કેમ નથી એનું કારણ વાસનામય કે સ્વાર્થમય ન હોવું જોઈએ. નહીંતર તે તમારી અત્યાર સુધીની તપસ્યાને વ્યર્થ કરી શકે છે. બાકી, મોક્ષ બે આત્માઓના કે આત્મા અને પરમાત્મા વચ્ચેના અનંત નિસ્વાર્થ પ્રેમની સ્થિતિ છે. તે બે આત્માઓની એ સમાધિ છે જ્યાં તેમની વચ્ચેનો પ્રેમ અનંત બની ચુક્યો છે. એને જ મોક્ષ કહે છે. તો ઈશ્વર ક્યારેય એવો માર્ગ તો આપશે જ નહિ જ્યાં તમને પ્રેમ જ ન હોય. કારણ કે પ્રેમને અસીમિત બનાવીને જ તો મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્યાં તમારો પ્રેમ છે ત્યાંજ મોક્ષ છે. એટલે એ જ તમારો ઈશ્વર છે.

જો તમે મારી લઘુકથા ‘વિદેહી’ વાંચી હોય તો એમાં કેદાર કૌશિકીને કહે છે કે ‘હવે હું તારા ઋણથી તો મુક્ત થઇ ચુક્યો છું પણ મારો મોક્ષ તારામાં જ છે. તને મૂકીને બીજા કોઈ માર્ગે હું મોક્ષ નહિ લઉં, ભલે મારે આવા હજાર જન્મ લઈને તડપવું પડે.’ તો, મોક્ષ કોઈ ગણિત નથી. એ ફાયદા-નુકશાન અને ઋણોના ગણિતથી મુક્ત થઈને પોતાના પ્રેમને અનંત સમય માટે મેળવી લેવાની સ્થિતિ છે.

January 14 / 2018 / On Facebook

પત્ની : એક સમાધીભરી પાર્ટનરશીપ

મને ઘણીવાર કહેવાયું છે કે મેં પ્રેમ વિષે ઘણું લખ્યું પણ મારી પત્ની વિષે બહુ ઓછું લખ્યું છે. અસલમાં હકીકત એ છે કે હું હંમેશા પ્રેમને ગ્લોરીફાય કરું છું, જે વ્યક્તિઓથી મને પ્રેમ છે તેમને ગ્લોરીફાય નથી કરતો. કારણ કે તે મારા વ્યક્તિગત જીવનનો હિસ્સો હોય છે. મારી પત્ની સાથેના મારા સબંધ વિષે આગળ એક લેખમાં હું થોડો પ્રકાશ નાખી ચુક્યો છું, પણ આજે આ વિશેના છેલ્લા લેખમાં બીજી કેટલીક વાતો.

            હું કહી ચુક્યો છું કે હું મારા પાછળના કેટલાક જન્મો જાણું છું અને મારા આ જીવનને એ જન્મો સાથે જોડાયેલા એક સળંગ જીવન તરીકે જીવું છું. મારી પત્ની સાથે લગ્ન કરતા પહેલા હું અમારા પાછળના સંબંધને જાણતો હતો. હું જયારે તેને મળ્યો ત્યારે હું એક આધ્યાત્મિક રીતે આગળ નીકળી ચુકેલો માણસ હતો અને તે એક નિર્દોષ પણ હોંશિયાર છોકરી હતી જેના પોતાના ના કોઈ શોખ હતા ના કોઈ ધ્યેય. તેનું બાળપણ દાંતાના પર્વતીય વિસ્તારના ક્વાર્ટરોમાં વીત્યું હતું જ્યાં તેના પિતા સિવિલ એંજીનીઅર હતા. તે પર્વતો અને વૃક્ષો વચ્ચે કુદરતી વાતાવરણમાં ઉછરેલી હતી અને તેના સ્વભાવમાં એટલું જ કુદરતીપણું હતું. આખી દુનિયાની સમસ્યાઓ દૂર કરવાના ઉપાયો પર મંથન કરી એક ઉથલપાથલોભર્યું જીવન જીવેલો હું તેને મળીને એ સમજ્યો કે અસલમાં જે જરૂર છે તે આવા જીવનની છે. ન કોઈના દોષ જોવા, ન કોઈ મહત્વાકાંક્ષા રાખવી, દુનિયામાં અને જીવનમાં જે થાય તે થવા દેવું અને કુદરતની મોજમાં મસ્ત રહેવું. જો આ રીતનું જીવન જીવી શકાતું હોય તો દુનિયાની સમસ્યાઓ અહીંયા જ પુરી થઇ જાય છે. કોઈ આધ્યાત્મની જરૂર જ નથી. તેની એ શૂન્યતા એટલી પ્રભાવક હતી કે લગ્ન પહેલાનું એક વર્ષ અને લગ્ન પછીનું એક વર્ષ એમ બે વર્ષ મેં મારા બધા આધ્યાત્મિક વિચારો ભુલાવી દીધા અને બસ રોમાન્સમાં જીવવા લાગ્યો. જાણે મેં પાછળ કોઈ જીવન જીવ્યું જ નથી.

            પણ ધીરે ધીરે એ શૂન્યતાની કમજોરીઓ મારી સામે આવવા લાગી. તમે જયારે દુનિયાને ખાલી ઉપર ઉપરથી જ જુઓ છો ત્યારે બહારથી સારું સારું બોલનારા અને વર્તનારા લોકો તેમના વિચારો અને તેમનું જીવન તમારા પર થોપવા લાગે છે. અને તે એવું કરી શકે છે કારણ કે તમે સાવ ખાલી હોવ છો. ધીમે ધીમે તમને સમજાય છે કે તમે ફસાઈ ચુક્યા છો. તમારે એ જીવન જીવવું પડે છે જે બીજા તમારા પાસે જીવાડવા માંગે છે. તમારી નિર્દોષતા અને શૂન્યતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અસલમાં તમે એક ગુલામીમાં છો. આખરે, હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો કે આ જીવન જંગલો અને પર્વતો વચ્ચે જંગલના પ્રાણીઓ વચ્ચે જીવી શકાય, પણ સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલમાં જીવતા આ સામાજિક પ્રાણીઓ વચ્ચે નહિ. દુનિયા વચ્ચે શૂન્યતાથી નહિ કૃષ્ણની આધ્યાત્મિક સંપૂર્ણતાથી જ જીવી શકાય છે. અને અહીંથી હું મારા આધ્યાત્મિક સાક્ષાત્કારો પર પાછો ફર્યો અને મારી પત્નીને પણ એ માર્ગે લઇ આવ્યો.

            આ રીતે મેં મારા એ પુસ્તક પર ફરી કામ શરુ કર્યું જેને મેં બે વર્ષ પહેલા અધવચ્ચે છોડી દીધું હતું. જયારે તેમાં સાંસારિક વિષયોના વિજ્ઞાનને વર્ણવવાનો સમય આવ્યો ત્યારે મેં મારી પત્નીને પણ તેના અનુભવોને ઓળખવાનું અને મને જણાવવાનું કામ સોંપ્યું. આમ, વિશ્વભરમાં ઉપલબ્ધ એ પુસ્તકના સત્યોમાં કેટલોક ફાળો તેનો પણ છે. ત્યારબાદ મેં જયારે ‘વિદેહી’ ની લઘુકથા સીરીઝ લખી ત્યારે પબ્લિશ કર્યા પહેલા મેં મારી પત્નીને તે વંચાવી અને પૂછ્યું, ‘આમાં, કંઈ ખોટું છે..? હું કોઈ ખોટી વાત લોકોને પીરસવા નથી માંગતો. જો આ સ્ટોરી મારી હોય તો તું શું કરે..?’ તેણે તરત કહ્યું, ‘હું સામેથી તમને કહું કે તમે કૌશિકીને એ કહી દો જે તમે આ સ્ટોરીમાં કહ્યું છે. એટલું જ નહિ હું એ કહેવામાં તમને મારાથી બનતી પુરી મદદ કરું. એટલે જો ખરેખર આ તમારી સ્ટોરી હોય તો પણ મને કહેજો.’ વિદેહીના બીજા ભાગમાં સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો જે મધ્યમાર્ગ બતાવાયો છે તેમાં તેના ઘણા સૂચનો સમાવાયા છે. તેણે મને પૂછ્યું હતું, ‘જો આ સ્ટોરી તમારી હોય તો હું અને વિદેહી તમારા જીવનમાં કઈ રીતે ઓળખાઈએ..?’ મેં જવાબ આપ્યો, ‘સ્ટોરી પ્રમાણે અમારો આત્મા જોડાયેલો છે. અમારો મોક્ષ એકબીજા સાથે છે. એટલે હું તમારા બંને વિના અધૂરો રહું. તું મારુ અસ્તિત્વનું કેન્દ્ર છે અને તે મારા પ્રેમનું કેન્દ્ર હોય. તારાથી હું શરીરની સમાધિમાં જોડાયેલો રહુ અને એનાથી ઇન્દ્રિયાતીત પ્રેમમાં. જો એ ના હોય તો દુનિયાને પ્રેમ કરવાની મારી શક્તિ ક્ષીણ થઇ જાય. હું એક ઉદાસીન જીવનમાં ધકેલાઈ જાઉં. અને જો તું ન હોય તો મારો આધાર જતો રહે. હું પ્રેમ કરવા લાયક જ ન રહું.’
તેણે કહ્યું, ‘અને જો મને કોઈથી પ્રેમ હોય તો..?’ મેં કહ્યું, ‘હું એજ કોશિશ કરું કે જેનાથી તું જલ્દીમાં જલ્દી તેને કહી શકે અને શાંત થઇ શકે. હું પણ એનો મિત્ર બનું અને પ્રેમ કરું. અને તેને પણ એવું જ કરવાનું રહે. કૃષ્ણ દ્રૌપદીને પ્રેમ કરતા હતા, તો સાથે અર્જુનને પણ પ્રેમ કરતા હતા અને મિત્ર તરીકે રહેતા હતા. જેથી તેમનો દ્રૌપદી પ્રત્યેનો પ્રેમ અર્જુન અને દ્રૌપદી વચ્ચે ન આવે. આવું જ કોઈપણ ત્રીજા માણસે કરવું જોઈએ.’

            આ રીતે તેણે પોતાના જીવનને એક દ્રષ્ટા તરીકે જોઈને નિષ્પક્ષતાથી વિચારતા શીખી લીધું છે અને તેણે મને અને તેને ઘણી મદદ કરી છે. હું હંમેશા કોશિશ કરું છું કે તેનું જીવન ઘરકામ અને નૌકરીના કામમાં એક મજુર તરીકે
પૂરું ન થઇ જાય. ઘણીવાર સાંજે આવીને હું તેને વાસણ ધોવડાવા લાગુ છું તો કેટલીકવાર ઘરના એક-બે રૂમમાં કચરો પણ વાળી દઉં છું, જેથી તેને થોડો વધુ
સમય મળે પુસ્તકો વાંચવાનો અને સારી
ફિલ્મ જોવાનો. અમે ઘરમાં પોતાના વાસણો જાતે ધોઈ નાખવા એ નિયમ અમલમાં મુકવાની કોશિશમાં છીએ, જે મેં બેલુર મઠમાં જોયો હતો. પણ હજી એ થઇ શક્યું નથી. હું ઘણીવાર નવરાશના સમયમાં મારા એ સંઘર્ષમય દિવસોની વાત એને કરતો રહું છું કે કેવી રીતે હું જયારે ફિલ્મોમાં કોશિશ કરી રહ્યો હતો એટલે મારી આખી ફેમિલી મારા વિરુદ્ધ હતી અને હૂંફ મેળવવા હું કોઈ છોકરી શોધી રહ્યો હતો. આ કારણે હું વધુ હેરાન થયો. કારણકે એ મારી ભૂલ હતી. તમે મુસીબતમાં હોય ત્યારે તેમાંથી નીકળવાવાળા તમે પોતે જ હો છો. એ સમયે તમારે એ કામમાં જ પૂરું ધ્યાન આપવું જોઈએ જે તમને એમાંથી બહાર નીકાળી સાચા સાબિત કરી શકે. બીજેથી મદદ મેળવીને બહાર નીકળવાની આશા હંમેશા કમજોરી ઉત્પન્ન કરે છે. આ રીતે હું એને તૈયાર કરું છું કે જો હું પહેલા મૃત્યુ પામું તો મારા પાછળ એ આત્મનિર્ભર વિચારોથી જીવી શકે. હું તેને હંમેશા કહું છું કે ‘મારા કોઈ આદર્શ કે ઉપદેશની તું ગુલામ નથી. તારો આત્મા તને કહે તે કરવા અને મને કહેવા તું સ્વતંત્ર છે. હું ખોટો હોય ત્યાં દુનિયા કહે તે પહેલા તારે મને કહેવું પડશે.’ આજે તે મને કોઈપણ ખોટી વાત પર ધમકાવી શકે છે. પણ છતાંય હું એની નિર્દોષતા જાળવી રાખવાની પુરી કોશિશ કરું છું. તે પોતાના બે કઝીન ગોધરા પછીના રમખાણોમાં ખોઈ ચુકી છે. જયારે પણ કોઈ મોટો આતંકવાદી હુમલો થાય એટલે એ મને પૂછે છે કે ‘શું પ્રોબ્લેમ છે આ મુસલમાનોને..?’ તો જવાબમાં હું તેને ઇસ્લામના જેહાદ વિશેનું જ્ઞાન નથી આપતો. હું તેને માનવીય સ્વભાવનું જ કારણ આપીને કહું છું, ‘હું જ સાચો છું. હું જેમાં માનું છું એજ સાચું. – આ વાત મનાવવા જયારે કોઈ માણસ જોહુકમી પર ઉતરી આવે છે ત્યારે તે આતંકવાદી બની જાય છે. તેને બસ પોતાની વાત અને વિચાર વ્યક્ત કરતા રહેવાની જ સ્વતંત્રતા છે. તેને માનવા કે ન માનવા એ દરેક માણસના વ્યક્તિગત અહેસાસનો સવાલ છે. તેને એ માણસો પર છોડી દેવો જોઈએ. પોતાનો અહમ અને સ્વાર્થ સંતોષવાની કોશિશમાં જ અનેક મનુષ્યો રાવણ અને લાદેન બની ગયા. જયારે અસલી ઉણપ પ્રેમની હતી. તેમને કાંતો પ્રેમ ન મળ્યો, કાં તો તેમને પ્રેમ આપતા ન આવડ્યું.’

            અને અહીં તે બોલી ઉઠે છે ‘તમારા ભાષણો સિવાય તમને જોઈને જો હું કોઈ વાત શીખી હોય તો તે આ છે. તમે મને પ્રેમ કરતા શીખવ્યો છે. જે રીતે તમે એ લોકોને પ્રેમ કરો છો જેમનાથી તમને પ્રેમ છે, એવું મેં આજસુધી કોઈને કરતા નથી જોયા. એવું લાગે છે જાણે તમે બસ કોઈને પ્રેમ કરવાની મઝા લઇ રહ્યા છો અને બદલામાં એના તમારા તરફના વ્યવહારની તમને કોઈ પરવા નથી હોતી. હું આટલું તમારા જેવું કરી શકું તો પણ બસ છે.’

            એની આ વાતનો મેં મઝાકમાં જવાબ આપ્યો, ‘હું પાણી પહેલા પાળ બાંધી રહ્યો છું. ક્યાંક કાલ ઉઠીને કોઈ ઉપરની જગ્યાએ જતો રહું અને મારે કૃષ્ણની જેમ યુધ્ધો કરાવા પડે તો કહેવા થાય કે ‘ભાઈ આવ્યો તો હું પ્રેમ કરતા શીખવવા. પણ દુનિયા સ્વાર્થ અને સત્તાની રમતો છોડવા તૈયાર ન થઇ એટલે યુધ્ધો કરાવા પડ્યા.’

એણે પૂછ્યું, ‘તમને લાગે છે એવું કંઈ થઇ શકે છે..?’

મેં કહ્યું, ‘શું ખબર..? શિવ ક્યા ચાહતા હૈ કોણ જાને…? હું તો શિવ કહે તે કરવા બંધાયેલો છું. બાકી અત્યારે જે સ્થિતિમાં છું ત્યાં જો મારુ ચાલે તો હાલ તને લઈને હિમાલય જતો રહું.’

April 14 / 2018 / On Facebook

મીરાં

પહાડ જેવા અવરોધોને ચીરતો પ્રેમનો અવિરત પ્રવાહ

“એકવાર પતિ અને પત્ની વચ્ચે પ્રેમક્રીયા ચાલતી હતી. પત્નીએ એક સમય પર આવીને કહ્યું, ‘આનાથી આગળ તને કેવી રીતે મેળવું..? શુ આનાથી આગળ મિલનનો કોઈ માર્ગ નથી..?’ પતિએ કહ્યું, ‘રૂકમણીના માર્ગે તો કૃષ્ણનું શરીર જ મળે છે ડિયર. કૃષ્ણના આત્મા સાથે એક થવું છે તો રાધા કે મીરા બનવું પડશે. એટલે જ તો જે મંદિરમાં જાઓ ત્યાં રાધા-કૃષ્ણ અને મીરા-કૃષ્ણ છવાયેલા છે, રૂકમણી-કૃષ્ણ ક્યાંય નથી.“

 

આ રીતે પતિએ સમજાવ્યું કે પતિ-પત્નીનો સબંધ ભલે બધી છૂટ આપે પણ બે આત્માઓનું મિલન કે આત્મા અને પરમાત્માનું મિલન તો રાધા અને મીરાના માર્ગે જ થાય છે. અને એ માર્ગ દરેક માટે કોઈને પણ ચાહવા ખુલ્લો છે. રાધાનો માર્ગ તો અનેકવાર આપણે સમજી ચુક્યા છીએ, આજે મીરાંને સમજી લઈએ.

            મીરા પાંચ વર્ષની હતી ત્યારે કૃષ્ણની મૂર્તિ જોઈને તેના પ્રેમમાં પડી. કોઈ ભગવાન માનીને નહીં. પણ પોતાનો પ્રેમી માનીને, પોતાનો પતિ માનીને. કૃષ્ણ માટે ગીત ગાવા લાગી ‘મારો તો ગિરિધર ગોપાલ, બીજો કોઈ નહીં’. જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેનો પ્રેમ પણ ઊંડો અને પરિપક્વ બનતો ગયો. માતા-પિતાએ તેને મેવાડના રાજકુમાર રાણા ભોજરાજ સાથે પરણાવી. પણ પહેલા જ દિવસે મીરાંએ કહ્યું, ‘મારો પતિ, મારો સ્વામી, મારો સર્વસ્વ મારો ગોપાલ છે. હું એના સિવાય કોઈને પતિ માની શકું એમ નથી. તમે મારા રાણા છો અને હું તમારી સહાયક છું.’ તેની વાતોમાં કૃષ્ણ પ્રત્યે એટલો વિશ્વાસ હતો કે ભોજરાજ તેના પર હસી પણ ન શક્યો. મીરા મહેલનું બધું કામ કાજ સંભાળતી અને સમય મળે એટલે મહેલ બહાર આવેલા કૃષ્ણ મંદિરમાં પ્રેમ ભજન ગાતી. ધીરે ધીરે લોકોમાં મીરાનું સન્માન વધતું ગયું અને તેમ તેમ તેની નણંદ, દીયર અને મેવાડના ધર્મગુરુઓમાં મીરા પ્રત્યે તથા ભોજરાજમાં કૃષ્ણ પ્રત્યે ઈર્ષા વધતી ગઈ. સંસારીઓનો મીરા પર ત્રાસ વધતો ગયો અને મીરાંનું કૃષ્ણપ્રેમમાં વૈરાગ્ય વધતું ગયું. હવે તો તેણે ઘરેણાં પણ ઉતારી દીધા અને સાદી જોગણ જેવા કપડામાં જ રહેવાનું શરૂ કર્યું.   ધર્મગુરુઓએ મીરાંની પ્રજા પર અસર નાથવા કૃષ્ણ મંદિરને તાળાં મારી દીધા અને મીરાંને પોતાના પતિ સિવાય બીજા કોઈને ચાહવાના પશ્ચાતાપ રૂપે ભોજરાજ માટે કડવા ચૌથનું વ્રત રાખવાનું કહ્યું. મીરાંએ કહ્યું, ‘કૃષ્ણ જ મારો પતિ છે, હું એના માટે વ્રત રાખીશ અને આ મંદિરમાં એનું મોઢુ જોઈને જ વ્રત તોડીશ.’ ચૌદ દિવસ સુધી મીરાં ભૂખી-તરસી મંદિરમાં ભજન ગાતી રહી. ભોજરાજે રોજ બે ટાઈમ તેના માટે જમવાનું મોકલાવ્યું પણ તેણે ન ખાધું. આખરે ચૌદમા દિવસની રાતે મંદિરમાં આગ લાગી અને બંધ દ્વાર સળગી ગયું. સવારે મીરા ઉઠી તો કૃષ્ણની મૂર્તિ નજર સામે હતી. આ વાતે પ્રજામાં મીરાંબાઈનું માન અનેકઘણું વધારી દીધું. પણ ભોજરાજે મીરાંને કહી દીધું કે હવે તે થોડા દિવસ તેના પિયરમાં રહે તો સારું. મીરાં પિયરમાં પાછા જવા નહોતી માગતી. તે મેવાડના સંત રાયદાસને મળી અને જ્ઞાન માગ્યું. રાયદાસે કહ્યું, ‘અઢી અક્ષર પ્રેમના, જે જાણે તે જ્ઞાની હોય’. મતલબ, તારો પ્રેમ જ તારું સત્ય છે, એમાંથી જ બધુ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તું તારા પ્રેમના પંથે જ જા. આટલું કહી રાયદાસે મીરાંને ભજન ગાવા એકતારો તંબુરો આપ્યો.
            મીરાં ભજન કીર્તન કરતી પોતાના સાચા સ્વામી કૃષ્ણના ગામ મથુરા અને વૃંદાવનમાં રહી. પણ મીરાના મેવાડ છોડયા પછી મેવાડમાં ભયંકર દુષ્કાળ પડ્યો. પ્રજાનું જીવવું અસહ્ય થઈ ગયું. પ્રજાએ રાજા સામે વિદ્રોહ કર્યો અને મીરાંબાઈને પાછા બોલાવવાની માંગ કરી. રાણા ભોજરાજ પોતે મીરાંને લેવા આવ્યો અને મહેલમાં તેને કૃષ્ણ મંદિર બનાવી આપ્યું. તે દિવસથી ભોજરાજે મીરાંને સતાવવાનું બંધ કરી દીધું અને તેના ભજન કિર્તન પરની બંદીશો હટાવી દીધી. પણ કેટલાક મહિનાઓ પછી અકબરની સેના સામે યુદ્ધમાં ભોજરાજ શહિદ થયા. મીરાંબાઈ તેવીસ વર્ષે વિધવા બન્યા. મેવાડની રાજપૂત સ્ત્રી વિધવા થાય એટલે તેને કોઈપણ પુરુષ સામે આવવાની મનાઈ હતી. પણ મીરાંબાઈએ તો મંદિરોમાં અને અન્ય જે સ્થાને આમંત્રણ મળે ત્યાં સાધુ સંતો આગળ કૃષ્ણ પ્રેમના ભજન ગાવાનું ચાલુ રાખ્યું. તેમના અવિચળ કૃષ્ણ પ્રેમની અને કર્ણપ્રિય ભજનોની ખબર અકબર સુધી પહોંચી. અકબર અને તેનો સંગીતકાર તાનસેન મીરાંબાઈને સાંભળવા છુપા વેશે એક મંદિરમાં આવ્યા. મંદિરમાં ‘મેરે તો ગિરધર ગોપાલ’ ભજન સાંભળીને અકબરે મીરાંબાઈને કૃષ્ણની મૂર્તિ પર ચઢાવવા હીરાનો હાર ભેટ આપ્યો, જે મીરાંબાઈએ તેનું માન રાખવા માટે લઈ લીધો. આ વાતનો ફાયદો ઉઠાવી તેમના દીયર રતનસિંહે મીરાંબાઈ પર રાજદ્રોહનો ગુનો લગાવ્યો. સર્વ પ્રજા સામે મીરાંબાઈને ઝેરનો પ્યાલો પીવડાવીને મૃત્યુ દંડ આપવાનું ઘોષિત થયું. તેમને પશ્ચાતાપ કરવાની છેલ્લી તક આપવામાં આવી કે તે ભોજરાજને પોતાના પતિ માની પોતાને વિધવા માની લે. પણ મીરાંબાઈએ કહ્યું, ‘અજર અમર કૃષ્ણ જ મારો પતિ છે, મારો વિધવા થવાનો સવાલ જ નથી. તમને મને મારવાનું બહાનુ મળી ગયું છે એને જવા ન દો. મારી ચિંતા ન કરો. મારા પતિની જેમ હું પણ અમર છું. આ શરીરે મને સીમિત કરી રાખી છે. આ શરીર સાથે જોડાયેલા સબંધો મારા પ્રેમ માટે અવરોધ બન્યા છે. હવે તો હું ખુશ છું. જ્યારે આ શરીર નહીં રહે ત્યારે હું મારા ગોપાલની સાથે અનંત થઈ જઈશ. હંમેશા માટે તેનામાં ભળી જઈશ.’ આટલું કહીને મીરાંએ પતિ કૃષ્ણનું નામ લઈ ઝેર પી લીધું અને એ સભામાંથી ભજન ગાતા ગાતા બહાર જવાનું શરૂ કર્યું. ભજન હતું, ‘એરી મેં તો પ્રેમદિવાની, મેરા દર્દ ના જાને કોઈ’.

            મીરાંબાઈ પર ઝેરની કોઈ અસર ન થઈ અને તે એ રીતે જ ભજન ગાતા ગાતા ગુજરાતમાં દ્વારકા આવી ગયા. મીરાંબાઈના ગયા પછી ફરી મેવાડ પર મુસીબતોનું આભ તૂટી પડ્યું. અકબર સામે મેવાડ હાર્યું, રાણા રાતનસિંહ માર્યા ગયા. તેમના પછી ગાદી પર આવેલા વિક્રમસિંહ પણ યુદ્ધમાં માર્યા ગયા. મેવાડની આર્થિક હાલત પાયમાલ થઈ ગઈ. ત્યારબાદ ગાદી પર આવેલા રાણા ઉદયસિંહને લોકોએ મીરાંબાઈને પરત બોલાવી દેવાની સલાહ આપી. ઉદયસિંહ મીરાંબાઈને લેવા દ્વારકાના કૃષ્ણ મંદિરમાં આવ્યા. પણ હવે મીરાંબાઈને કૃષ્ણને છોડીને ક્યાંય નહોતું જવું. તેમણે મંદિરમાં કૃષ્ણની મૂર્તિ પાસે જઈને મંદીરના દ્વાર બંધ કરી દીધા અને કૃષ્ણને કહ્યું, ‘હવે બહુ થઈ ગયું ગોપાલ. હવે મારે તમારા વિના એક પળ નથી રહેવું. હવે મને તમારામાં સમાવી લો.’ કહેવાય છે કે લાંબો સમય સુધી મીરાંબાઈ બહાર ન આવતા ઉદયસિંહે મંદિરના દ્વાર તોડાવી દીધા. પણ જ્યારે દ્વાર ખુલ્યા ત્યારે મીરાંબાઈ ત્યાં નહોતા. ફક્ત તેમનો એકતારો તંબુરો અને તેમના લખેલા ભજનોની નોટ જ ત્યાં હતી. તે કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ચુક્યા હતા.
            તો આ છે મીરા. પોતાના પ્રેમ માટે આજીવન દુનિયાની જડતા સામે બાથ ભીડનારી એક યોદ્ધા જેવી પ્રેમિકા. સમાજની અસ્વીકૃતિઓ અને નિયમોને પ્રેમના પરમ સત્યથી ધ્વંસ કરનાર એક જોગણ. ‘વાસના વ્યાભીચાર છે, પ્રેમ નહીં. પ્રેમ સર્વ સંબંધોથી, સર્વ બંદીશોથી મુક્ત છે.’ – એવું પોતાના દરેક ડગલાં, દરેક ભજન અને દરેક નિર્ણયથી સમાજને સમજાવનારી એક ભક્ત. પણ આ બધાથી વધારે મીરાંબાઈના જીવને જે પરમ સત્યને છતું કર્યું તે એ છે કે ‘કોઈ મારો ઈશ્વર છે, એટલે હું તેને પ્રેમ નથી કરતી. હું કોઈને પ્રેમ કરું છું, એટલે તે મારો ઈશ્વર છે.’ સાચો દિવ્ય પ્રેમ પ્રેમીઓને એકબીજા માટે ઈશ્વર બનાવી દે છે અને તેમના આત્માને એકબીજામાં મોક્ષ આપે છે.

April 25 / 2018 / On Facebook

કહાની આજની એક મીરાંની

“ઢાઇ અક્ષર પ્રેમ કે, જો જાને સો જ્ઞાની હોય”

વાત છે આજના સમયની એક આધુનિક મીરાંની. મીરાંના લગ્ન એજ માબાપની ગોઠવણ મુજબ પણ તેની મરજીથી થયા હતા. આઠ વર્ષ તેણે એમ માનીને જ લગ્નજીવન જીવ્યું કે જેમ બધા જીવે છે તેમ મારે પણ જીવવાનું છે. આજ જીવન છે. આ રીતે જ કોઈની પત્ની બનીને રહેવાનું છે, તેના બાળકોની મા બનવાનું છે અને સામાજિક પ્રસંગોમાં એક જોડા તરીકે તેના સાથે દેખાવવાનું છે કે મારી પાસે પણ કોઈ છે. પણ લગ્નના આઠ વર્ષ બાદ મીરાને આ સંવેદનાહીન અને બાહ્ય દેખાવોયુક્ત બીબાઢાળ જીવનમાં એક અન્ય વ્યક્તિથી પ્રેમ અનુભવાયો. જેમ જેમ સમય જતો ગયો તેમ તેનો આત્મા તે વ્યક્તિના આત્મા સાથે ગહનતાથી જોડાતો ગયો, જાણે બંને વચ્ચે જન્મોજન્મનું જોડાણ હોય. મીરાંની બેચેની અને આનંદ બંને વધ્યા. પતિને પણ મીરાને જોઈને ખબર પડી ગઈ કે તેણીને તે વ્યક્તિથી પ્રેમ છે. કારણ કે પતિને ક્યારેય મીરામાં એવી સંવેદના અને પીડા નહોતી અનુભવાઈ જેવી હવે તે વ્યકતી સામે આવતા કે તેની વાત કરતાં મીરામાં અનુભવાતી હતી. ના ક્યારેય પતિને મીરાં પ્રત્યે એવી કોઈ ગહન પ્રેમમય લાગણી અનુભવાયેલી. તેના માટે તેની પત્ની એક સાંસારિક ઉપલબ્ધી હતી જેનો તે રોજ સમાજમાં દેખાવ કરતો હતો અને જીવન સેટલ હોવાની હાશ અનુભવતો હતો. નોકરી અને બાળકોના ઉછેરથી લઈને ઘરના મોટાભાગના કામ પણ તેણે પત્ની પર જ થોપી રાખ્યા હતા. એક ટિપિકલ સામાજિક પતિ, જે સમાજે પતિઓને આપેલા દરેક અધિકારનો ઉપયોગ કરે છે. પણ હવે તેને મીરાંના પ્રેમથી ડર લાગ્યો. કારણ કે મીરાંને કોઈનાથી એવો પ્રેમ અનુભવાતો હતો જેવો તે પતિ તરીકે ક્યારેય તેને અનુભવડાવી શક્યો નહોતો કે કરી શક્યો નહોતો. અને તે જાણતો હતો કે કદાચ આગળ પણ તે મીરાંને એવો પ્રેમ નહીં અનુભવડાવી શકે. તેની પાસે સાંસારિક એક્ટિંગ, બે સંતાનો અને આસપાસના સંબંધોથી ઉભા થતા દબાણ સિવાય મીરાંને રોકવાનું કોઈ હથિયાર નહોતું. એટલે તેણે એ હથિયારોનો જ ઉપયોગ વધારી દીધો. પતિ તરીકેના પ્રેમ અને મિત્રતાની એક્ટિંગ વધારી, પોતાના સંતાનો સામે તેમના મમ્મી-પપ્પાના સંબંધનો દેખાવ વધાર્યો. પોતાના સાસરા પક્ષના સંબંધોથી ઘરોબો અને ઘસારો વધાર્યો. આ બધું પરફેક્ટ સાંસારિક એક્ટિંગથી કરવામાં આવતું હતું અને તેના દ્વારા મીરાંને એ છૂપો સંદેશ આપવામાં આવતો કે તેના પ્રેમ વિશે તે કંઈપણ કરવાનું વિચારશે તો દુનિયા તેને દોષી તરીકે જોશે અને બદનામ કરી દેશે.

            જેમ જેમ પતિના સાંસારિક દેખાવોનું દબાણ વધતું ગયું તેમ તેમ મીરાંની અકળામણ વધતી ગઈ. તેના પ્રેમમાં તેને કંઈ ખોટું લાગતું નહોતું, ઉપરથી એજ તેના આત્મામાંથી આવતું તેના જીવનનું સૌથી મોટું સત્ય અનુભવાતું હતું. કેટલાક મહિના તે આ રીતે પતિની સંસારીકતા નીચે અકળામણમાં જીવી, પણ આખરે તેને લાગ્યું કે તે આ રીતે જીવન નહીં કાઢી શકે અને તેનો આ આખો જન્મ નિષ્ફળ અને અર્થહીન જશે. આખરે એકદિવસ તેણે પોતાના પ્રિયપાત્રને કહી દીધું કે તેણીને તેનાથી બહુ જ પ્રેમ છે અને તેનાથી પ્રેમ ના થયો હોત તો તેનું આ જીવન નિષ્ફળ જાત. તેના પ્રેમે જ તેના જીવનને આનંદ અને અર્થ આપ્યા છે. તેણે સાંજે પતિને પણ કહી દીધું કે તેણે પોતાના પ્રેમની કબૂલાત કરી દીધી છે અને તે હવે આજીવન તેના પ્રેમને પુરા અધિકારથી વાસનહીન મિત્રતાના માર્ગે નિભાવશે. હંમેશા સારો વ્યવહાર અને મીઠું બોલવા માટે જાણીતો તેનો પતિ છંછેડાયો. તેનું બહારનું અભિનય કરતું પડ જતું રહ્યું અને અંદરની સાચી હકીકત સામે આવી. પણ મીરા તેના પ્રેમ પ્રત્યે એટલી આત્મવિશ્વાસપૂર્ણ અને દ્રઢ હતી કે તે મીરા સામે ગુસ્સો કરી શક્યો નહીં. તેણે મીરાને સમાજ અને દુનિયાથી ડરાવતા સવાલો પૂછ્યા. પણ આજસુધી પોતાના પ્રેમને દબાવી રહેલી મીરાંએ તે સવાલોના કેટલા સત્યપૂર્ણ જવાબ આપ્યા એજ આપણા આ લેખનો સાર છે. ‘જે પ્રેમને જાણી લે છે, તે પરમ સત્યને જાણી લે છે. પછી સંસારનું બધું જ્ઞાન તેનામાંથી જ ઉત્પન્ન થાય છે.’

 

પતિના સવાલો અને મીરાંના જવાબો:

પતિ: તેનાથી પ્રેમ છે તો મારી પાસે શુ કામ રહે છે..? એના પાસે જતી રહે.

મીરાં: તમારાથી પણ પ્રેમ છે. કારણ કે આટલા વર્ષ હું તમારા પાસે રહી છું. શુ આપણે આપણા બે સંતાનોને એક સમાન પ્રેમ નથી કરતા..? શુ આપણે આપણા માતા અને પિતા બંનેને એકસમાન પ્રેમ નથી કરતા..? શુ આપણે આપણા બધા ભાઈ-બહેનોને એકસમાન પ્રેમ નથી કરતા..? એમાં તો કોઈ નથી કહેતું કે જો તને બીજાથી પ્રેમ છે તો એકને છોડી દે. કારણ કે એ પ્રેમ વાસનાહીન અને સ્વાર્થહીન છે. હું તમને અને ક્રિષ્નને (તે વ્યક્તિ જેનાથી મીરાંને પ્રેમ હતો તેનું નામ ક્રિષ્ન હતું) સમાન પ્રેમ કરું છું, કારણ કે મારે તમારા બંનેમાંથી કોઈ પાસેથી કંઈ નથી જોઈતું. હું બસ પ્રેમ કરવા અને મેળવવા માંગુ છું. હું તમારા પાસેથી કંઈ છીનવી નથી રહી. પણ કોઈનાથી પ્રેમ હોય તો તેને કબુલી લેવો અને તેને વાસનાહીન માર્ગે નિભાવવો એ મારો અધિકાર છે અને ઈશ્વર પ્રત્યે મારી જવાબદારી પણ. આજસુધી એ પ્રેમને છુપાવીને હું અધર્મ કરી રહી હતી, જે મને તો નષ્ટ કરી જ દેત પણ તમને પણ નષ્ટ કરી દેત કારણકે તમે એને છુપાવવા મારા પર પરોક્ષ દબાણ બનાવી રહ્યા હતા. એટલે જો તમે કહેશો તો હું જતી રહીશ, પણ કોઈની પાસે નહીં જાઉં. એકલી રહીશ અને તમને બંનેને ચાહતી રહીશ. પણ સ્વાભાવિક રીતે જ મને એનાથી વધુ પ્રેમ રહેશે જેનો મારા પ્રત્યેનો પ્રેમ સ્વાર્થ, સત્તા અને સાંસારિક વાસનાથી ઉપર ઉઠેલો છે.

 

પતિ: તો આજસુધી મેં તારા માતા-પિતા અને ભાઈ-બહેનોનું ધ્યાન રાખ્યું એ બધું ફેલ ગયું એમ જ ને..?

મીરાં : જો એ બધું ફક્ત મને કાબુમાં રાખવા માટે કે મારા પર સત્તા જમાઈ રાખવા માટે હતું, પ્રેમ માટે નહીં, તો બેશક એ ફેલ જ ગયું છે. એ દરેક વસ્તુ જે પ્રેમ માટે નહીં, સ્વાર્થ અને સત્તા માટે કરાય છે તે આખરે ફેલ જ જાય છે. જો એકબીજાના સબંધીઓનું ધ્યાન રાખવાથી જ કાબુમાં રહેવાતું હોય તો મેં સતત આ ઘરમાં રહીને તમારા માતા-પિતા અને ભાઈ-બહેનોની વધુ સેવા કરી છે. એ ગણિતથી તો તમારે મારા દબાણ હેઠળ રહેવું જોઈએ. પણ મારી એવી કોઈ ઈચ્છા નથી.

 

પતિ: આપણા સંતાનોને શુ જવાબ આપીશ, જ્યારે એ પૂછશે?

મીરાં : ગર્વ કરશે જ્યારે તે જાણશે કે તેમની મા એ તેમને સમજાવ્યું કે વાસના વ્યાભિચાર છે, પ્રેમ નહીં. પ્રેમ સત્ય છે, સ્વયં ઈશ્વર છે. વાસનાહીન બની પોતાના પ્રેમને કબુલવાનો અને નિભાવવાનો અધિકાર સ્વયં ઈશ્વરે દરેકને આપ્યો છે. તે અધિકાર જીવનના કોઇપણ સમયે આપણાથી કોઈ છીનવી શકે એમ નથી. હું પુરા ગર્વથી આજીવન મારા સંતાનોને કહીશ કે મને ક્રિષ્નથી પણ પ્રેમ છે. અને એ આજીવન શિખશે કે હું કઈ રીતે સત્યનિષ્ઠ બનીને એ પ્રેમને નિભાવું છું.

 

પતિ : ક્યારેક મને કંઇક થઈ ગયું તો મારા સંબંધીઓ કહેશે કે તારા લીધે મને એ થયું.

મીરાં : કોઈને જીવાડવા કે મારવા મારા હાથમાં નથી. બસ એટલું સમજી લો કે મારો ક્રિષ્ન પ્રત્યેનો પ્રેમ મારા અસ્તિત્વનું આખરી સત્ય છે. એ પ્રેમ છે તો હું છું, નહીંતર મારા અસ્તિત્વનો, મારો આ જન્મ લેવાનો કોઈ અર્થ નથી. હું છું મતલબ મારો પ્રેમ પણ છે, આ દુનિયાને રહેવું હોય તો રહે અને ના રહેવું હોય તો એનો પ્રલય થઈ જાય. હું સમજીશ દુનિયા એટલી બનાવટી અને અધર્મી હતી કે મારા પ્રેમ સામે ટકી ન શકી.

 

પતિ: પતિ જ પરમેશ્વર હોય છે.

મીરાં : એ પુરુષપ્રધાન સમાજે ઘડેલી વ્યાખ્યા છે. સત્ય જાણનારા જ્ઞાનીઓએ તો કહ્યું છે, ‘જ્યાં પ્રેમ છે ત્યાં પરમેશ્વર છે.’ પતિ પ્રત્યે હું જવાબદાર અને વફાદાર છું, પણ મારો પ્રેમ જ મારો પરમેશ્વર છે.

 

પતિ : તું તારી જાતને મીરાં સમજે છે પણ એનો ક્રિષ્ન ઈશ્વર હતો અને તારો ક્રિષ્ન એક માણસ છે.

મીરાં : જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વર છે. મીરાંના પ્રેમે એક પથ્થરની મૂર્તિને ઈશ્વર બનાવી દીધો તો એ મૂર્તિએ પણ મીરાંને પોતાનામાં સમાવીને પ્રેમ નિભાવ્યો. હું તો એક જીવતા જાગતા મનુષ્યને મારા પ્રેમથી મારો ઈશ્વર બનાવી ચુકી છું.

———————–

પોતાના પ્રેમને સ્વીકારી લેવાથી મીરામાં ઉપજેલું આ સત્ય એટલું સચોટ હતું કે તેના પતિના તર્કો હારી ગયા. ત્યાં સુધી કે તેના પતિના સંબંધીઓ પણ તેને અને તેના પ્રેમને પવિત્રભાવે જોવા લાગ્યા. મીરાંના માતા-પિતા અને ભાઈ-બહેનોને તો પહેલાથી જ ક્રિષ્નએ તેમના પ્રેમની પવિત્રતા સમજાવી દીધી હતી. હવે મીરાને જોઈને એમને એ પવિત્રતા અને મહાનતા પર વિશ્વાસ થઈ ગયો. પણ તેના પતિનો અહમ હજી ગવાયેલો હતો. પ્રેમ કરવા સક્ષમ હોય તેટલો તેનો આત્મા હજી વિકસ્યો જ નહોતો. તેના માટે જીવન એટલે સમાજના વ્યવહાર હતા. તે હજી વાર તહેવારે લોકો સામે બેઠો હોય ત્યારે પત્ની ધર્મની, ચરિત્રની, સામાજિક ઈજ્જત અને કુળની મર્યાદાની વાતો લોકો સામે કરી મીરાંને સંભળાવ્યા કરતો. પણ મીરાં સમજી ચુકી હતી કે આ અજ્ઞાન અને અહંકાર સામે નમતું જોખવું એ અધર્મ છે. જો તેણે પોતાના સત્યથી પ્રતિકાર ન કર્યો તો તેનો આ જન્મ અધર્મ અને અહંકારને પોષણ આપવામાં દોષી બનીને નાશ પામશે. એક દિવસ ક્રિષ્ન તેની પત્ની અને તેના સંતાન સાથે મીરાંના ઘરે આવ્યો. મીરાં ‘આવો’ કહીને ક્રિષ્નને ભેટી પડી અને બોલી, ‘કેમ છો મારા ક્રિષ્ન..? ઘણા સમયથી તમને યાદ કરતી હતી.’ મીરાંનો પતિ, તેના સંતાનો અને તેના સાસુ જોઈ રહયા હતા. ક્રિષ્ન સમજી ગયો. તેણે બધા સાંભળે તેમ કહ્યું, ‘આ સમગ્ર બ્રહ્માંડમાં તું જ મારું ઘર છે મીરાં અને હું તારું. આપણો મોક્ષ એકબીજામાં ભળી જવામાં જ છે. આ વાતને કોઈ બદલી શકે તેમ નથી. જે પણ લોકો વિવિધ સંબંધોથી આપણા સાથે જોડાયેલા છે તેમના પાસે બે જ માર્ગ છે, કાં તો પ્રેમ અને સમર્પણથી આપણા આત્મામાં ભળી જાય અને મોક્ષ મેળવે, કાં તો વાસનાઓના કાદવ રૂપી આ સંસારમાં ભટક્યા કરે. જેણે પ્રેમને નથી સમજ્યો, તેણે ઈશ્વરને પણ નથી સમજ્યો. જે પ્રેમનું દમન કરે છે કે કરાવે છે તેને ઈશ્વરના કોઈ સ્વરૂપને પૂજવાનો કોઈ અધિકાર નથી. તે સ્વયં ઈશ્વરનો દુશ્મન બની બેઠો છે. તે પોતાનું ભાગ્ય જાતે જ સમજી લે.’

            કૃષ્ણના આ શબ્દોએ મીરાંના પતિની આંખો ખોલી દીધી અને ક્રિષ્નની પત્નિની સમજને વધુ સ્પષ્ટ કરી. ક્રિષ્ન અને મીરા આજ રીતે આજીવન પ્રેમ નિભાવીને આખરે એકબીજામાં ભળી ગયા અને તેમના પત્ની અને પતિ પણ પ્રેમ અને સમર્પણથી તેમના એ સંયુક્ત આત્મામાં મળી ગયા.

 

બોધ: આપણા મોટાભાગના ડર કાલ્પનિક હોય છે. જ્યારે માણસના મનમાં અને આચરણમાં પ્રેમરૂપી સત્ય હોય ત્યારે રાજાઓની વિશાળ ફૌજ પણ તેના સામે ઘૂંટણ ટેકવી દે છે. જ્યાં પ્રેમ છે ત્યાં જ પરમેશ્વર છે, સંસારની આખરી સત્તા. પછી કોનાથી ડરવાનું..!

April 12 / 2018 / On Facebook

ડાયવોર્સ પછીના જીવનને કેવીરીતે સંભાળવું..?

“તમારા ભૂતપૂર્વ જીવનસાથીના રેકોર્ડ તમારા શરીરમાંથી સુકાઈ જાય ત્યાં સુધીમાં તમારે તમારા જીવનને અને વ્યક્તિત્વને એક નવો ઘુમાવ-એક નવો આયામ આપી દેવાનો છે.”

પ્રશ્ન: કેટલાક મહિના પહેલા મારા ડાયવોર્સ થયા છે. હું અને મારી પત્ની ક્યારેય સેટ હતા જ નહીં. ડાયવોર્સ સમયે મને એમ હતું કે હું છૂટી રહ્યો છું, હવે કંઈક શાંતિનો શ્વાસ લઈશ. પણ ડાયવોર્સના છ મહિના થયા પછી પણ હજી હું ઉભર્યો નથી. હજી એક જાતનું ડિપ્રેશન છે અને મારા સમજમાં નથી આવતું કે આ કેમ છે..? તમે સ્ત્રી-પુરુષના સંબંધોનું વિજ્ઞાન આટલું ઊંડાણથી સમજાવ્યું છે તો વિચાર્યું તમને પૂછી જોઉં.

 

લેખક : માનવજીવનના દુઃખોનું મૂળ કારણ જ એ છે કે જીવનને ચલાવનાર વિજ્ઞાનને આપણે નથી જાણતા. જે પણ વસ્તુ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, સ્પર્શીએ છીએ તે આપણા જાગ્રત મનનો હિસ્સો બનતી જાય છે. અને જે ‘હું’ તમે બોલો છો એ તમારું જાગ્રત મન જ છે. મતલબ, એ ‘હું’ આજસુધી આપણા સંપર્કમાં આવેલી વસ્તુઓ અને જ્ઞાનથી બનેલો છે. જેમ ડુંગળીના એક પછી એક જામેલા પડ જ એક ડુંગળી બનાવે છે તેમ આપણી એ બધી મેમરી જ આપણા ‘હું’ ના અહમને બનાવે છે.

            હવે એ મેમરીમાં સૌથી વધુ મજબૂત રેકોર્ડ સ્પર્શનો હોય છે અને સ્પર્શમાં પણ સૌથી મજબૂત રેકોર્ડ હોય છે સેક્સનો. તો જે વ્યક્તિ સાથે તમે એક લાંબો સમય સુધી તદ્દન નજીકના સ્પર્શમાં રહયા છો તેના શરીરનો અને તેના વિચારોનો રેકોર્ડ તમારા અહમનો હિસ્સો બની ચુક્યો છે. એ વિચારો તમને ગમે છે કે નથી ગમતા એનો કોઈ અર્થ નથી, એ સ્ત્રી સુંદર છે કે કદરૂપી છે, સફેદ છે કે નિગ્રો જેવી કાળી છે, તે હોંશિયાર છે કે ઠોઠ છે, તેને તમારાથી પ્રેમ છે કે નથી, તમને તેનાથી પ્રેમ છે કે નથી – આ બધી વાતોનો કોઈ અર્થ નથી. જો તમે તેના શરીરથી લાંબો સમય નજીકના સંપર્કમાં રહયા છો તો તેના શરીરના રેકોર્ડ, તેની સ્મેલ એ બધું તમારા જાગ્રત મનમાં એટલે કે તમારા ‘હું’ વાળા અહમમાં કેદ છે. હવે જ્યારે તે વ્યક્તિ તમારાથી હંમેશા માટે દૂર જતું રહે છે એટલે તમારા જાગ્રત મનમાં રહેલા તેના દરેક રેકોર્ડ સ્ટારવેશન એટલે કે ભૂખમરો અનુભવે છે. તમારો અહમ કમજોર થાય છે. તમારા અહમને, તમારા જાગ્રત મનને એ વ્યક્તિના શબ્દો અને હાવભાવ સાંભળવા અને જોવા છે, તેને તે વ્યક્તિના શરીરને પોતાના શરીરથી જોડી રાખવું છે. અને જ્યારે આ નથી થતું એટલે જાણે છોડને જમીનમાંથી કાઢતા તેના મૂળ જમીન માટે તડપે એમ તમારા એ રેકોર્ડ, તમારું જાગ્રત મન એ વ્યક્તિ દ્વારા મળતી સ્પર્શ, અવાજ અને ગંધ જેવી સંવેદનાઓ માટે તડપે છે. બસ આજ સમય તમને ડિપ્રેશનનો, ઉદાસીનો અનુભવ કરાવે છે. જેમ જેમ સમય જશે તેમ તેમ તે વ્યક્તિના રેકોર્ડ પણ પેલા મૂળની જેમ સુકાતા જશે.

            આદર્શ એજ છે કે જયાં સુધી એ જુના રેકોર્ડ પુરી રીતે સુકાઈ ન જાય ત્યાં સુધી તમે બીજી કોઈ વ્યક્તિ સાથે નવા સ્પર્શના રેકોર્ડ ઉભા ન કરો. કારણ કે સ્પર્શના રેકોર્ડ સૌથી વધુ સમય લે છે સૂકવા માટે અને તે જીવંત હોય ત્યારે નવા વ્યક્તિ સાથેના સ્પર્શ વખતે તે વચ્ચે પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવે છે. તો તમારે એ રેકોર્ડ સુકાય ત્યાં સુધીનો સમય એકલાને પસાર કરવાનો છે. એ સમય કેટલો હશે એ તમે તે વ્યક્તિ સાથે કેવીરીતે અને કેટલા અંશે જોડાયા હતા એના પર છે. જો જોડાણ મોટા ભાગે ભૌતિક એટલે કે શારીરિક જ હશે અને એમાં લાગણીઓનું ઊંડું જોડાણ નહીં હોય તો તે રેકોર્ડ સુકાતા ઓછો સમય લાગશે. એમાં તમે એ વ્યક્તિ સાથે કેટલો લાંબો સમય રહયા એનો ફર્ક નથી પડતો. જેટલો પણ સમય રહયા એ સમય દરમિયાન તમારા જોડાણમાં ઊંડાણ અને ગાઢતા કેટલી હતી તે જ વાત ભાગ ભજવે છે.

            હવે એ મુખ્ય સવાલ કે આ વચ્ચેના સમયમાં શુ કરવું..? જવાબ એક જ છે- પોતાની જાતને ફરીથી શોધવી. હું હંમેશા માનું છું કે જ્યારે આપણા જીવનમાં કંઈ ખરાબ થાય ત્યારે હંમેશા આપણો દોષ પહેલો શોધવો જોઈએ. નેવું ટકા દોષ બીજાના હોય પણ દસ ટકા દોષ જો આપણો હોય તો આપણું ધ્યાન એ દસ ટકા દોષને સુધારી લેવામાં જ હોવું જોઈએ, કારણકે બીજાના નેવું ટકા દોષોને આપણે નથી સુધારી શકવાના. બીજી વાત તરીકે આલબર્ટ આઇન્સ્ટાઈની આ વાત યાદ કરવાની છે, ‘મુસીબતોને તમે જે વિચાર અને વર્તનથી ઉભી કરી છે તે વિચાર અને વર્તનથી તમે એને હલ નહીં કરી શકો.’ મતલબ સાફ છે, તમારે તમારા વિચારો અને વર્તન બદલવા પડશે, જો તમે એ પરિસ્થિતિમાંથી બહાર આવવા માંગો છો તો. અને વિચારો અને વર્તન બદલવાનો સૌથી અસરકારક માર્ગ છે સારા પુસ્તકો વાંચવા અને સારી ફિલ્મો જોવી. દુનિયાના શ્રેષ્ઠ માણસોના જીવનને ચકાસવા અને તેમાંથી શ્રેષ્ઠ વસ્તુઓને પોતાના જીવનમાં તુરંત અમલમાં મૂકી દેવી. તમારા ભૂતપૂર્વ જીવનસાથીના રેકોર્ડ તમારા શરીરમાંથી સુકાઈ જાય ત્યાં સુધીમાં તમારે તમારા જીવનને અને વ્યક્તિત્વને એક નવો ઘુમાવ-એક નવો આયામ આપી દેવાનો છે. આજ એકમાત્ર માર્ગ છે આગળના જીવનને એક સમ્માનીય માર્ગે લાઇ જવાનો. કારણકે જો તમે સામાન્ય ઘરમાંથી આવો છો તો ડાયવોર્સ પછી બીજું પાત્ર મળવું એ તમારા જાતિગત સમાજના બંધારણ પર આધાર રાખશે. હોઈ શકે મુશ્કેલ પણ થાય. સારા પાત્રો હાથમાં આવવાની સંભાવનાઓ ઓછી થઈ જાય. મોટાભાગે ઘરના લોકો અને સગાસંબંધીઓ કોઈપણ રીતે તમને એક છોકરી લઇ આપવાનો પ્રયાસ કરે જેનો મૂળ હેતુ કદાચ ખાલી છોકરા પેદા કરવાનો અને વંશ ચલાવવાનો હોય. એટલે જો તમે થોડાઘણા પણ વિચારશીલ કે જીવનને નીચી કક્ષાએ ન જોવા ટેવાયેલા વ્યક્તિ છો તો પોતાની પત્ની તરીકે ખાલી એક છોકરા પેદા કરવાના સાધનને નહીં સહન કરી શકો. તમારા ડાયવોર્સ તમારા જીવનની સંપૂર્ણ અધોગતિનો એક વળાંક બની જશે. એટલે અહીંથી આગળનું તમારું જીવન કેવું જશે, કયા લેવલ પર અને કયા આયામ પર જશે એનો બધો આધાર એજ વાત પર છે કે ડાયવોર્સ પછીના એ એક-દોડ વર્ષમાં તમે તમારા વ્યક્તિત્વને કેવો ઘુમાવ આપો છો. તમારા એ ડિપ્રેશનના સમયને સુઈ રહેવામાં કે ઉદાસ બનીને બેસી રહેવામાં કે આઈપીએલની મેચો જોવામાં વેસ્ટ ના કરો. આ સૌથી કિંમતી સમય છે. તેને તમારા નવા જીવનના ઉત્થાનની તૈયારીનો સમય બનાવો.

            મારા મતે ફિલ્મો અને પુસ્તકો એનું શ્રેષ્ઠ સાધન છે. મને મારા જીવનની શ્રેષ્ઠ શિખામણો માતા-પિતા કે શિક્ષકો તરફથી નથી મળી. એ મને ફિલ્મોમાંથી મળી છે. એક દિવસ હું સ્ટીવન સ્પીલબર્ગની ‘લિંકન’ ફિલ્મ જોતો હતો. મારા પપ્પા આવ્યા અને કહ્યું, ‘શુ રોજ ફિલ્મો જોયા કરે છે, કોઈ સારા માણસની વાતો સાંભળ તો વધુ ભલું થશે.’

મેં તેમને કહ્યું, ‘અહીં બેસો. આ જુઓ. જેણે આ ફિલ્મ બનાવી છે એ વિશ્વના સૌથી મહાન અને સમ્માનીય લોકોમાંનો એક માણસ ગણાય છે. જેના ઉપર આ ફિલ્મ છે તે અબ્રાહમ લિંકન છેલ્લા બસો વર્ષમાં વિશ્વનો સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ ગણાય છે. જેણે લિંકનનો રોલ કર્યો છે એ વિશ્વનો સૌથી સમ્માનીય એક્ટર ગણાય છે. તેણે પાંત્રીસ વર્ષમાં ખાલી સોળ ફિલ્મોમાં જ કામ કર્યું છે અને તોય સૌથી વઘુ ઓસ્કાર જીતવાનો રેકોર્ડ એના નામે છે. એ બે-ત્રણ વર્ષે એક જ ફિલ્મ કરે છે અને એને ફિલ્મમાં લેવો હોય તો ડાયરેક્ટરને તેને શોધવામાં જ છ મહિના લાગી જાય છે. કારણ કે એ દુનિયાના કોઈ નિર્જન સ્થળે ધ્યાન અને આત્મચિંતન કરતો હોય છે. આ ફિલ્મ દ્વારા હું મારા ઘરમાં બેઠા બેઠા દુનિયાના એક મહાન રાષ્ટ્રપતિની કાર્યપ્રણાલી અને વિચારો જાણી રહ્યો છું અને ત્રણ ત્રણ મહાન માણસોના ટેલેન્ટને આત્મસાત કરી રહ્યો છું. શુ તમે મને આવા માણસો આ ઘરમાં લાવી આપશો, તો હું ચોક્કસ આ ફિલ્મ બંધ કરી દઉં અને તેમની પાસે આવીને બેસું.’

 

પ્રતિપ્રશ્ન:

સવાલ: ડાયવોર્સ વાળો આર્ટિકલ અદભુત હતો. પણ વિદેહીકથા કરતા એમાં વિરોધાભાસી સંદેશ મળ્યો. એકમાં જન્મો જન્મ જોડાયેલા લોકોની વાત અને એકમાં એક-બે વર્ષમાં તેના રિકોર્ડથી મુક્ત થઈ જવાની વાત. બંને વચ્ચેનો ભેદ સમજાવશો.

 

જવાબ: જે આત્માઓ પ્રેમથી જોડાય છે તે એકવાર જોડાયા પછી ક્યારેય અલગ થતા નથી. એમનું હવે એક જ ભવિષ્ય છે કે એક દિવસ તે બંને એકબીજામાં ભળીને એક થઈ જશે. વિદેહિકથામાં આવા લોકોની વાત છે. એવા સાચા પ્રેમથી જોડાયેલા લોકો ડાયવોર્સથી અલગ નથી થતા. તે દુર્ગાદાસ અને વિદેહિની જેમ સત્યની શોધમાં અલગ થાય છે કાં તો રામ-સીતાની જેમ સત્યની પરીક્ષામાં. પણ જ્યાં સુધી તે એકબીજામાં ભળીને એક નથી થતા ત્યાં સુધી તે જન્મોદર જન્મ એકબીજા સાથે પ્રેમથી જોડાયેલા રહે છે.

            જે લોકો સાંસારિક રીતે ફક્ત શરીરથી જોડાય છે અને જેમના વચ્ચે હૃદયનો એ સમર્પિત પ્રેમ પ્રગટી નથી શકતો તેમનું જોડાણ બે આત્માઓનું જોડાણ નથી બની શકતું. તે બંધન તેમના જાગ્રત મનમાં રચાયેલા રેકોર્ડ પૂરતું જ હોય છે. આવા બંધનોમાં જો ડાયવોર્સ થાય તો અમુક સમય પછી એ રેકોર્ડ સુકાઈ જતાં તેમનું જોડાણ પણ લુપ્ત થઈ જાય છે. આવા આત્માઓ બીજા જન્મમાં જોડાયેલા રહે તો પણ તેમનું જોડાણ ફક્ત ઋણોનું જ હોય છે. ઋણ ચૂકતે થતા જ બે આત્મા પોતપોતાના રસ્તે આગળ વધે છે.

October 24 / 2018 / On Pratilipi Dot Com Gujarati

સીએમ: સમાજમાં અનફીટ લોકોની કથા

મારા એક સંબંધીની આ વાત છે. મારા માતા અને પિતા બંનેના એ મોટા ભાઈ થતા (પણ કંઇક એ રીતે કે મારા મમ્મી-પપ્પા એકબીજાના ભાઈ બહેન ન થાય). માતાના ફોઈ અને પિતાના કાકાનો છોકરો. એ સબંધ જેણે એકરીતે મારા મમ્મી-પપ્પાના લગ્નનો પાયો નાખ્યો અને મારા જન્મનો પણ. અને એનાથી પણ આગળ વધીએ તો આગળ જતાં મારા પોતાના લગ્નનો પણ. તો આ હદે મારા જીવન સાથે જેનું જીવન સંકળાયેલું હતું એ માણસની આ વાત છે.

            હું એમને મામા કહેતો. નામ તો એમનું હતું પણ આ લેખ માટે આપણે તેમનું ટૂંકું નામ સીએમ જ વાપરીશું, કારણકે જીવન પણ તેમણે કંઈક એ રીતે જ જીવ્યું. જે પણ કર્યું, કહ્યું એ ઝનૂનથી કર્યું. પીડબલ્યુડી ખાતામાં સરકારી નોકરી લીધી તો ખબર પડી કે અહીં તો ભ્રષ્ટાચાર એ સ્વીકૃત વ્યવહાર છે. તો પછી એ વ્યવહાર એ રીતે નિભાવ્યો કે બીજા બધા અધિકારીઓ જોતા જ રહી જાય. બીજા કોઈને હાથમાં કાંઈ આવે જ નહીં. પણ પૈસા કમાવવામાં જેટલું ઝનૂન એટલું જ પૈસા ખર્ચવામાં પણ. જે શહેરમાં આજે હું રહુ છું એ શહેરમાં જ્યારે ખુલ્લા ખેતરો પડ્યા હતા ત્યારે તેમણે છ-છ મોટા બંગલા બનાવ્યા અને વેચી માર્યા. દરેક ઘરમાં થોડાક વર્ષ રહે અને પછી વેચી મારે, એ પણ ખોટ ખાઈને. લોકો કહેતા સીએમ પૈસાનો દુશ્મન છે, પૈસા જોવે એટલે એને થાય કે આને કેમ કરીને ખતમ કરી દઉં. પૈસા ભરી દેવાનું જેટલું ઝનૂન એટલું જ પૈસા આવે એટલે ખાલી થઈ જવાનું પણ ઝનૂન. એમના જીવનના મોટાભાગના વર્ષો આ ખાલી થવામાં, ફરી ભરાવામાં અને ફરી ખાલી થવામાં જ ગયા. પૈસા હોય એટલે એટલો ઉદાર જીવ કે આખા કુટુંબને ખાવા અને ફરવા લઈ જાય, મોહલ્લામાં બધા માટે પાણીની પાઈપલાઈન નંખાવી દે અને મોજ કરાવે. પણ પૈસા થઈ રહ્યા એટલે તમારાથી પણ તેમના માટે એવી જ રીતે ઉદારતાથી પૈસા ઉડાવવાની અપેક્ષા રાખે. જો એ વખતે તમે તમારા ગણતરીના બજેટમાં રહ્યા તો સીએમની ફેવરીટ લિસ્ટમાંથી બહાર. બાળપણ અને જવાનીના સમયમાં ઘરથી દૂર રહેવામાં મશગુલ રહેવું, સમાજમાંથી માતા-પિતાએ પોતાના સાથે પરણાવેલી છોકરીને પસંદ ન કરવી અને તેનાથી દૂર રહેવું અને પોતાને ક્યાંય પ્રેમ થઈ જાય તો સમાજ અને નૈતિકતાના બંધનો આડે આવવા અને પછી લગ્નજીવન સ્વીકાર્યા બાદ ભૌતિકતા અને ભોગવિલાસીતાને જીવનનું લક્ષ્ય માની લેવું – આ બધા લક્ષણોએ તેમના જટિલ સ્વભાવને હજુ વધારે જટિલ બનાવેલો. પણ છતાંય તેમને ચાહવાવાળા લોકોનું અને તેમણે ઉભા કરેલા કારીગરો તથા વેપારીઓનું એક આખું રજવાડું હતું અને વર્ષો સુધી સીએમ એ રજવાડાના રાજા હતા. પણ આગળ જેમ કહ્યું તેમ અતિશય ઉડાઉ સ્વભાવ અને ભવિષ્ય અંગેના શૂન્ય વિચારના કારણે એ રજવાડાના રાજા તરીકે એ પદભ્રષ્ટ થઈ ગયા.
            નૌકરી પુરી થતાં જ આર્થિક હાલત કથળવા લાગી અને શહેરમાંથી ગામમાં રહેવા આવતા રહેવું પડયું. તેમના સંતાનોએ તો આજીવન તેમને પૈસા લાવતા અને વાપરતા જ જોયા હતા. એ એમની એ ભૌતિક રમતમાં ડૂબેલા રહ્યા અને સંતાનોના શિક્ષણ કે ભવિષ્ય પર કોઈ ધ્યાન ન આપ્યું. જ્યારે ધ્યાન આપવાનું થયું ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. જેમ જેમ પરિસ્થિતિઓ વણસતી ગઈ તેમ આજીવન સમાજના નિયમો, બંધનો અને બહારથી સારું સારું બોલતા પણ અંદરથી મેલા લોકોના પાખંડ પ્રત્યેનો ગુસ્સો જે તેમણે અત્યાર સુધી પોતાની ભૌતિક દૌડમાં છુપાવી રાખ્યો હતો તે હવે બહાર નીકળવા લાગ્યો. હવે લોકોને મોઢા પર ગાળો બોલવા લાગ્યા, નજીકના સંબંધીઓને પણ અને મિત્રોને પણ. લોકો ધીરે ધીરે તેમનાથી દૂર થવા લાગ્યા અને તેમની વાતો લોકોમાં હસીમજાકનું સાધન બનવા લાગી. કારણકે એ વાતો હકીકતથી જોજનો દૂર થવા લાગી હતી. પૈસા ઉભા કરવા અને ઉભા કર્યા પછી તે જ પૈસાથી બંધન અનુભવવાનો તેમનો સ્વભાવ હજી એમનો એમ હતો. આ બધી ડામાડોલ પરિસ્થિતી આખરે પોતાના એક સંતાનના મૃત્યુને જોવા સાથે અને કેન્સરથી પોતાના મૃત્યુને અનુભવવા સાથે પુરી થઈ.

            હવે વાત અમારા બંનેની. મારા નાના એમના મામા હતા. એટલે અમે બંને એક જ માણસના ભાણીયા થતા. મારા મમ્મી-પપ્પાને મારા બાળપણથી મારા અને સીએમ મામા વચ્ચે ઘણીબધી સામ્યતાઓ દેખાતી. આ વાત મારા મમ્મી-પપ્પા માટે હંમેશા ચિંતાનું એક કારણ હતી અને એ કારણે આજીવન એમણે મારા ઘરથી દૂર જવા પર સતત બંદીશો રાખેલી (હજુ પણ ચાલુ છે). પપ્પા અને મારા બીજા કાકાઓ-મામાઓ સીએમ મામાના ઘરથી ભાગેડુ સ્વભાવનું વર્ણન એ રીતે કરતા કે તે અપરાધી હોય પણ સામે છેડે બેઠેલો હું એમનાથી સહાનુભુતિ અનુભવતો. કારણકે ઘરથી દૂર ભાગવાવાળા લોકોના દર્દને હું સારી રીતે સમજતો હતો. મને સીએમ મામાથી હંમેશા લગાવ હતો. ઘણીવાર એ મારા મમ્મી-પપ્પા વિશે તીવ્ર ઘસાતું બોલતા, તો પણ મને તેમને મળવા જવાનું મન થતું. તેમની ઘણીબધી વાતો અને આદતોનો હું પોતે વિરોધી હતો અને તેમને સ્પષ્ટ કહી દઈને ટોકતો પણ ખરો. પપ્પા કે બીજા કોઈ સંબંધીઓ આવું ન કરી શકતા, કારણકે સામેથી સીધી ગાળો આવતી. પણ હું નોટિસ કરતો કે તેમને ગમે તેટલી અણગમતી વાત હું કરું કે તેમને ખોટા કહું તો પણ એ પોતાના પર કાબુ કરી દેતા અને ઉડાઉ જવાબ આપી દેતા. તેમના પત્ની અને સંતાનો જે મારા મામી અને પિતરાઈ ભાઈ-બહેનો થતા તે મને કહેતા કે તેમને મારા પ્રત્યે હંમેશાથી બહુ પ્રેમ છે. મારા આધ્યાત્મિક સાક્ષાત્કારોના સમય પછી જેમ જેમ મારી આઘ્યાત્મિક શક્તિ ખીલતી ગઈ તેમ તેમ મારી તેમના પ્રત્યેની સહાનુભુતિ અને પ્રેમ વધતો ગયેલો, કારણકે હું તેમના પાછલા અને હવે પછીના જન્મને જાણી ચુક્યો હતો. હવે પહેલીવાર હું એ સ્પષ્ટ સમજી શક્યો હતો કે અમારા બંને વચ્ચેની સામ્યતા શું હતી અને ભિન્નતા શું હતી..? તેમના પાછલા જન્મની વાત તો આપણે નહિ કરીએ, કારણકે એ વીતી ચુક્યો છે, પણ તેમનો આવતો જન્મ લગ્ન અને પૈસા કમાવવાનો સમય આવતાં જ સંસાર છોડીને સન્યાસી બની જવાનો રહેવાનો હતો. જ્યારે બીજી બાજુ હું મારા પાછલા બે જન્મ આત્મજ્ઞાની સન્યાસી રહી ચુક્યો હતો અને બસ અધૂરા રહી ગયેલા કેટલાક કામ અને ઋણ પુરા કરવા પાછો આવ્યો હતો. સંસારના બનાવટી લોકો અને પૈસા જાળવવાના બંધનથી અકળામણ અમારી સામ્યતા હતી પણ તે સમસ્યાને ડીલ કરવાના અમારા માર્ગ અલગ હતા. તેમના આત્માની યાત્રામાં આ પડાવ શરૂ થયો હતો જ્યારે હું તેની દવા શોધીને બેઠો હતો. આજ કારણે હું જેમ જેમ મોટો થયો તેમ તેમ અમારા જીવનો વચ્ચેનો જમીન-આસમાનનો ભેદ દેખાવા લાગ્યો હતો. હવે મને કોઈ તેમના જીવનને બતાવીને ડરાવી શકતું નહોતું. પણ હવે હું જ્યારે પણ એમને જોતો એમના એ શરીરને છોડવાના દિવસની રાહ જોતો. એમનો દીકરો ઓસ્ટ્રેલિયામાં આખરી શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે ત્યાં રહેતા મારા બીજા પિતરાઈ ભાઈ-બહેનોને તેના સુધી પહોંચાડવાનું આખું કામ મેં મારા બધા વડીલોને સાઈડમાં કરી મારા હાથમાં લઈ લીધું હતું. મારો તેમના પ્રત્યેનો પૂર્વગ્રહ મારા ઘણા સંબંધીઓને સમજમાં નહોતો આવતો. કારણકે અમારા મોટાભાગના સંબંધીઓ સાથે તેમણે સબંધો બગાડી દીધા હતા. છેલ્લા વર્ષોમાં આખી દુનિયા જ્યારે એમને કટાક્ષથી જોતી ત્યારે હું એમને એ રીતે જોતો કે મારા હાવભાવને જોઈને જ એ સમજી જાય કે હું જાણું છું એ શું છે અને આ દુનિયા શું છે. એ મને હમેશા હજુ થોડું વધારે એમની પાસે બેસવાનું કહેતા.

            તેમને કેન્સરનું નિદાન થયું ત્યારે પણ એ હમેશા મને સાથે આવવાનું અને રહેવાનું કહેતા. ડોક્ટરે મને જ પાસે બોલાવીને કહેલું ‘ગમે તેટલું સારું રિઝલ્ટ આવશે તો પણ દોડ વર્ષથી વધુ નહીં કાઢે.’ પણ એમની જીવવાની જીજીવિષા એટલી ભયંકર હતી કે એકવાર તો એવું લાગ્યું જાણે તે ડોક્ટરને ખોટો પાડી દેશે. લોકો કહેતા, ‘જુઓ, હજી જીવવાની કેટલી જીજીવિષા છે. ખરેખર આ માણસને હાર્ટ છે જ નહીં.’ પણ હું જાણતો હતો કે એ જીજીવિષા વધુ જીવવાની નહોતી, એ હજુ કંઈક કરીને બધું સરખું કરી દેવાની જીજીવિષા હતી. એ ફરી એ રજવાડાના રાજા સીએમ બનીને મરવા માંગતા હતા, પણ એમના બધા દાવ ઘણા વર્ષોથી ઊંધા જ પડતા જતા હતા. કારણ એ હતું કે એ બધી કોશિશો પાયા વગરની ઇમારત જેવી હતી. હું ચાહતો હતો કે એ આ રીતે જ હારેલા મરે. કારણકે એજ સત્ય હતું. ભૌતિકતામાં જ જે જીવનની જીત જુએ છે તેનો અંત આ રીતની કારમી હાર જ હોય છે, આ વાત એમના આત્મામાં સારી રીતે છપાઈ જાય એવું હું ઇચ્છતો હતો. તે એમના આવતા જન્મમાં સ્પષ્ટ નિર્ણય લેવા માટે જરૂરી હતું. હું ક્યારેય નહોતો ચાહતો કે તે હવે સાજા થાય, હું ચાહતો હતો કે આ ખોરંભે ચળેલા અને અનફિટ જીવનથી એમને ઝડપી મુક્તિ મળે. કારણકે સામે બીજું જીવન એક નવો સૂર્યોદય લઈને આવવાનું હતું અને આ જીવનમાં એમના માટે હજુ વધારે યાતનાઓથી વધુ કંઈ નહોતું.
            છેલ્લા મહિનાઓમાં જ્યારે હું એમની પાસે જતો ત્યારે પણ એ બીજા લોકો પ્રત્યે નફરતથી વાત કરતા હોય તો હું હળવા ગુસ્સાથી એમને અટકાવી દેતો. અને હજી એ મારી ટકોરથી મૌન થઈ જતા. જ્યારે તે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે પણ હું ત્યાંજ હતો અને રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે આ જીવન પૂરું થાય છે. તેમની ચિતા પ્રગટાવવા અમે ચાર ભાઈઓ ચારના પૂડા લઈને ફર્યા તો પહેલા મારો જ પૂડો પ્રગટ્યો અને મારા બાકીના ભાઈઓએ એમાંથી જ એમના પૂડા પ્રગટાવ્યા. તે પછીના દિવસોમાં ઘણા લોકો મને આવીને કહી ગયા કે એનો અર્થ એ હતો કે તેઓ મારાથી આહુતિ પામ્યા. પણ એ મર્યા એ દિવસે કે એ પછીના કોઈ દિવસે હું એકવાર પણ ના રડ્યો, પેલા ખોટા ખોટા રોવાના લેહકા તાણવાવાળાઓ સાથે પણ નહીં. તેમના સાથરામાં પણ બેસણાના દિવસે જ ગયો અને પછી સીધા બારમાં દિવસે. બારમાં દિવસે જ્યારે ઘરે આવ્યો ત્યારે હું સુનમુન હતો અને રાતે મારા રૂમમાં જઈને અચાનક રોવા લાગ્યો. મારી પત્ની ત્યાં આવી અને ખાસીવાર સુધી મને રોતા જોતી રહી. કેટલાક સમય પછી હું શાંત થયો એટલે તેણે કહ્યું, ‘આટલા દિવસથી હું બધા પાસે સાંભળતી હતી કે તમે અને મામા બહુ નજીક હતા, છતાંય તમે અત્યાર સુધી રોયા નહોતા એ જોઈને મને આશ્ચર્ય લાગતું હતું.’

            મેં કહ્યું, ‘આજે પણ હું એમના જવાના લીધે નથી રોયો. આજે બારમો દિવસ પૂરો થયો. કાલથી એ આત્મા આ જન્મના સબંધીઓથી મુક્ત થઈને પોતાના નવા શરીરની શોધમાં જશે. બસ મને યાદ આવી ગયું કે આ શરીરમાં એ આત્માએ શું શું ભોગવ્યું. અને એ ખરેખર શું હતું એ મારા સિવાય બીજો કોઈ નથી જાણતો. એકદિવસ હું એમના પર આર્ટિકલ જરૂર લખીશ, એ પણ બિલકુલ એમની જ સ્ટાઈલથી. કોઈને ખોટું લાગી જાય એ વાતનો વિચાર કર્યા વગર. બસ નર્યું સત્ય.’

‘એનાથી શું થશે..?’ તેણે પૂછ્યું.

‘હું જાણું છું મારા લખેલા લેખો કેટલી સદીઓ સુધી આ દુનિયા પર ફરવાના છે. એમાંનો એક લેખ સીએમનો પણ હોય એટલી તપસ્યા એ જીવનમાં હતી એ સાબિત થશે.’ મેં કહ્યું અને એ મારી આંખોમાં જોઈને સમજી ગઈ કે હું શું કહી રહ્યો હતો.
            સીએમ કોઈ સંત નહોતા, પણ સમાજ પણ ક્યાં સંતોનો બનેલો છે. સીએમ એક આત્માની યાત્રાનો એ વચગાળાનો પડાવ હતો જ્યાં માણસ ભૌતિકતા અને સામાજિક પ્રતિષ્ઠામાં જીવનની સંપૂર્ણતા શોધવાની આખરી કોશિશો કરે છે અને અંતે એ નિષ્કર્ષ સાથે મરે છે કે આ કોશિશો વ્યર્થ હતી. હવે એ સમાજ, એ સંસાર અને એ ભૌતિક ઈચ્છાઓ તરફ પાછું નથી આવવાનું. આવા જીવન પર એ લોકો જ હસી શકે છે કે કટાક્ષ કરી શકે છે જેમનું જીવન હજી આ પડાવે પહોંચ્યું નથી, જે હજી આત્માની યાત્રામાં સીએમથી પાછળ છે. જે એ પડાવથી આગળ છે તે એ જીવનથી સહાનુભૂતિ અનુભવે છે અને એ જીવનના અંતથી એક નવા સૂર્યોદયની સંભાવના.

            બોધ : ઘરથી ભાગવાવાળા લોકો પ્રત્યે મને હમેશા સહાનુભૂતિ રહી છે. પણ એ ભાગવાનું કાર્ય કાયરતાથી ભરેલું પલાયન ન હોવું જોઈએ, ના વાસના માટેનો ભટકાવ હોવો જોઈએ. એ યા તો સત્યની શોધ માટે હોય, સત્યની સ્થાપના માટે યા તો પોતાનું જીવન પોતાના અંતરજ્ઞાન મુજબ જીવવાની સ્વતંત્રતા મેળવવા માટે હોય. પાછળના ત્રણેય કાર્યોમાં ઈશ્વર તમારી સાથે છે. આગળના બે કાર્યોમાં તમે ઈશ્વરથી વિપરીત જઇ રહ્યા છો.

May 24 / 2018 / On Facebook

तेन त्यक्तेन भुंजीता:

તેને તું ત્યાગીને ભોગવ

કેટલાક સમય પહેલા મુંબઈના એક મિત્ર મળ્યા, જે ઘણા વર્ષોથી એક જ વ્યક્તિના પ્રેમમાં છે અને તેના પ્રેમને મેળવવા પ્રેમયોગ કરી રહયા છે. છેલ્લે જ્યારે તે મળ્યા તો કહ્યું, ‘હવે થાક્યો છું. અને થાક્યો છું એટલે વારંવાર વેદોનું પેલું વાક્ય યાદ આવે છે: तेन त्यक्तेन भुंजीता: – ‘તેને તું ત્યાગીને ભોગવ’. પણ હજી એ વાક્યનો પૂરો અર્થ નથી સમજાયો અને તેની પ્રસંગિકતા ક્યારે છે એ નથી સમજાયું. બસ સમજી લો એ સમજવા જ આ વખતે મુંબઈથી તમને મળવા આવ્યો છું. એ દિવસે એમને સંતોષકારક જવાબ નહોતો આપી શક્યો, પણ હવે હું એનો અર્થ કંઈક અંશે સમજી શક્યો છું એટલે એ જવાબ કહેવા આ લેખ લખી રહ્યો છું.

            મને ઘણીવાર પુછાય છે કે ‘તમે પોતાના ગ્રંથમાં બધું સત્ય સમજાવી તો દીધું પણ એ એટલું વૈજ્ઞાનિક અને બારીક છે કે સામાન્ય માણસ તો બધું સમજી જ ન શકે. તો ખાલી બુદ્ધિજીવીઓ જ સત્ય જાણી શકે..? સામાન્ય માણસ નહીં..?’ મેં જવાબમાં કહ્યું, ‘એ ગ્રંથ એ લોકો માટે લખાયો છે જેમને જ્યાં સુધી સંપૂર્ણ તાર્કિકતા અને વૈજ્ઞાનિકતાથી સત્ય ન સમજાવો ત્યાં સુધી તે કંઈ માનવા નથી માંગતા અને પોતાની નાસ્તિકતાના દંભમાં ફરે છે. તેમને વૈજ્ઞાનિક માર્ગે આસ્તિક બનાવવાની કોશિશ એ ગ્રંથ કરે છે. બાકી સામાન્ય લોકો માટે મારી લઘુકથા વિદેહી પૂરતી છે. ગમે તેટલા બુદ્ધિજીવી બનીને જ્ઞાનના ભંડાર જાણી લો તો પણ આખરે સંસારના અંતિમ સત્ય તરીકે પ્રેમ જ મળે છે. નિસ્વાર્થ, સમર્પિત અને નિર્ભય પ્રેમ. એજ મોક્ષનો માર્ગ છે. દરેક જ્ઞાની કે વૈજ્ઞાનિકને પણ આખરે એજ માર્ગે આવવું પડશે. પ્રેમ વધતા વધતો જાય અને સંસાર ઘટતા ઘટતો જાય. આખરે કોઈ સંબંધનું નામ ના રહે, કોઈ સંસાર ના રહે, બસ પ્રેમ બાકી રહે. કોઈ એક તમારા પ્રેમનું કેન્દ્ર હોય અને તેના પ્રેમથી તમે સમસ્ત સૃષ્ટિને પોતાના પ્રેમમાં ભેળવી દીધી હોય. બસ આજ મોક્ષ છે. બસ એજ માનવજીવનનું લક્ષ્ય છે.

            પણ આ સત્ય જાણીએ ત્યારે સમજાય છે કે આપણો સમાજ કેટલો નોનસેન્સ છે. તે જે ભગવાનોને પૂજે છે તેમણે પ્રેમ સિવાય કોઈ બીજો ઉપદેશ જ નથી આપ્યો. સીતાએ ઉત્તરકાંડ પહેલા એકવાર રામને કહ્યું, ‘તમે મારા માટે કેટલા કષ્ટો ઉઠાવ્યા. મારા માટે જંગલોમાં સેના ઉભી કરી, સમુદ્ર પર સેતુ ઊભો કરી દીધો, પોતાના પ્રાણ સંકટમાં મુકી રાવણની વિશાળ સેનાથી ટકરાયા.’ રામે કહ્યું, ‘આતો ખાલી એક સમુદ્ર હતો. તારા માટે તો મારે આ બ્રહ્માંડના બીજા કોઈ લોક સુધી સેતુ બાંધી દેવો પડે તો હું એ પણ કરી દઈશ. તું હજી મારા પ્રેમને જાણતી નથી સીતા.’ કૃષ્ણના જીવનનો આખરી સંદેશ મહારાસનો પ્રેમ જ છે. બુદ્ધનો જીવન સંદેશ પ્રેમ અને કરુણા છે. જ્યાં કરુણાનો અર્થ થાય છે ‘જે લોકો પોતાના અજ્ઞાન અને અલ્પ વિકસિતતામાં પ્રેમ નથી કરી શકતા તેવા માયામાં કેદ લોકો પ્રત્યે દયા દાખવવી’. પણ આપણો તથાકથિત સભ્ય સમાજ એજ ભગવાનોને બે પ્રેમીઓને અલગ પાડવા પૂજે છે. આ સમાજને પ્રેમ નથી સ્થાપવો, તેને બસ પોતાની જડતા સ્થાપવી છે. શાસ્ત્રોમાં જડતાને જ અસત્ય કહેવાયું છે અને ચેતનાને સત્ય.

            માનવસમાજમાં આવેલી આ વિકૃતિનું કારણ છે પ્રેમને સત્ય સાથે જોડી રાખવાનો અભાવ. પ્રેમ જ સત્ય છે, તો પ્રેમનો માર્ગ સત્યથી વિપરીત ક્યાંથી હોય..? પણ જ્યારે પ્રેમમાં વાસના ભળી જાય, લાલચ ભળી જાય કે મોટાભાગના કેસમાં ભય પ્રવેશી જાય ત્યારે પ્રેમનો માર્ગ સત્યના પાટા પરથી ઉતરી જાય છે. આવા સમયે અથવા જ્યારે બે પ્રેમીઓમાંથી એક વ્યક્તિ સામેવાળા પાસે કોઈ એવી શરત મૂકે કે જેનું પાલન અધર્મનો માર્ગ હોય (જેમ કે ધર્માંતરણ કરવાનું), ત્યારે સામેવાળા વ્યક્તિએ તે અધર્મના માર્ગે ચાલવાના સ્થાને આખરી ઉપાય તરીકે જરૂર પડે તો પ્રેમી કે પ્રેમિકાને ત્યજી દેવા તૈયાર રહેવું જોઈએ. આ રીતે તમે પ્રેમને અસત્યના માર્ગે જતા બચાવી લો છો. આથી, તે વ્યક્તિને ત્યજીને પણ તમે તેને પ્રેમ કરતા રહો છો અને સત્ય સાથે જીવી શકો છો. પણ જો તમે તે શરત માની અધર્મના માર્ગે નીકળી પડ્યા તો તમારો પ્રેમ અપવિત્ર બની જશે. તેના પર લાંછન લાગી જશે અને એનું પરિણામ વિનાશકરી હશે. પ્રેમ દૂષિત બની ગયા પછી અને એ વિનાશકારી પરિણામ પછી તમે તે વ્યક્તિને પ્રેમ નહીં કરી શકો. પ્રેમી સાથે હોવા છતાં તમે તેને ભોગવી નહીં શકો. તમારો પ્રેમ નફરત અને ઉદાસીનતા બની ચુક્યો હશે. અને એટલે જ પ્રેમ જ્યારે સત્ય અને અસત્યના ફાંટા ઉપર આવીને ઉભો રહી જાય ત્યારે વેદોમાં મનુષ્યને સલાહ આપાઈ છે કે સત્યનો માર્ગ લઇ લે અને પોતાના પ્રેમીપાત્રને ત્યાગીને ભોગવ. રામે કરેલો સીતાનો ત્યાગ પણ આજ હતો. જ્યારે એક અંધશ્રદ્ધાના કારણે સીતાને રાણી તરીકે રાખવામાં આખા સમાજમાં દુષણ ફેલી શકે એમ હતું ત્યારે રામે સીતાનો ત્યાગ કરી સમાજને બચાવી લીધો અને આજીવન સીતા પ્રત્યેના પ્રેમની રક્ષા કરી દીધી. જો તેમણે સીતાનો ત્યાગ ન કર્યો હોત અને સમાજે સીતાની અપવિત્રતાનું બહાનું કાઢી પોતાની વાસનાઓને ખુલી છૂટ આપી દીધી હોત તો સમાજમાં અધર્મ ફેલાઈ જાત અને રામ-સીતાના પ્રેમ પર લાંછન લાગત કે તેમણે એકબીજાના મોહમાં સમાજને ખોટા રસ્તે જવા દીધો. આજ કારણે વિદેહિકથામાં કેદાર પોતાના પ્રેમને મેળવવા સત્યનું પાલન કરતો એક આખો વાસનાહીન મધ્યમાર્ગ તૈયાર કરે છે, જે માર્ગે કોઈપણ રામ-સીતા કોઇપણ પરિસ્થિતિમાં પોતાના પ્રેમને સ્વીકારી શકે અને આજીવન નિભાવી શકે.

            મુંબઈથી આવેલ મિત્રના કેસમાં, જ્યારે તમે પ્રેમને મેળવવા તમારા આખરી પ્રયાસો કરી ચુક્યા છો, જ્યારે સંપૂર્ણ પવિત્રતાથી આખરી સમર્પણ બતાવ્યા પછી પણ તમે તેના પ્રેમને બહાર નથી લાવી શક્યા અને જો હવે પછીની કોશિશો તમને અસત્ય કે અધર્મના માર્ગે લઇ જાય એમ છે, તો પોતાના પ્રેમને હંમેશા માટે નષ્ટ થતો બચાવવા વેદોની આ સલાહ માની લેવી જોઈએ – तेन त्यक्तेन भुन्ज़िता: – હવે તું એને ત્યાગીને ભોગવ.

July 24 / 2018 / On Facebook

પ્રેમલગ્નોની નિષ્ફળતાનું કારણ

સવાલ : તમે પ્રેમ વિશે ઘણું સરસ લખ્યું છે, છતાંય હકીકતમાં જોઈએ છીએ તો ખબર પડે છે કે પ્રેમલગ્નોનો તૂટવાનો દર વધુ છે. એના વિશે તમે શુ કહેશો..?

જવાબ : હું સેક્સનું વિજ્ઞાન સમજાવતા લેખોથી લઈને રામાયણમાં રામ-સીતાની લવસ્ટોરી સમજાવતા મારા અનેક લેખોમાં આ વાત સમજાવી ચુક્યો છું. મારા પુસ્તકમાં પણ મેં આ બહુ ઊંડાણથી સમજાવ્યું છે.

            પ્રેમને ખતમ કરે છે સેક્સ. એકબીજાથી આકર્ષાઈ પ્રેમમાં પડનારા લગ્ન પહેલા એકબીજા વિના મરી જવાની વાત કરે છે, પણ લગ્ન પછી અમુક જ વર્ષોમાં એકબીજાના કારણે મરી જવાની વાત કરે છે. કારણકે લગ્ન પછી તેમણે એકબીજાને મેળવવાની કોશિશ કરવાના સ્થાને એકબીજાને ભોગવવાની કોશિશ કરી. પણ વારંવાર સેક્સ કર્યા પછી પણ તેમને એજ જાણવા મળ્યું કે જેના માટે તે મરી જવા તૈયાર હતા તે તો ખાલી એક ચામડાનો, માંસ અને હાડકાંનો પદાર્થ છે. સેક્સ પછી પણ તે અધૂરા હતા અને એકબીજાના શરીરથી ઉબી ચુક્યા હતા. એટલે હવે તેમને એકબીજાથી અલગ પડવું છે. દરેક પશુઓમાં આવું થાય છે. એટલે આને પ્રેમ નહીં, બાયોલોજીકલ આકર્ષણ કહે છે. પણ બીજા પ્રાણીઓમાં લગ્નની પ્રથા નથી એટલે ત્યાં તેઓ એકબીજાથી સેક્સ કરી એકબીજાથી ઉબી જાય એના પહેલા જ અલગ પડી પોતપોતાના રસ્તે ચાલ્યા જાય છે. પણ મનુષ્યને એ ઉબી જવાની સ્થિતિ આવી ગયા પછી પણ લગ્ન બચાવવા સાથે રહેવું પડે છે. અને અહીં જ જાતજાતના બહાના સાથે ઝગડા અને ગેરસમજો શરૂ થાય છે અને લગ્ન તૂટે છે. તો કારણ બે હોઈ શકે છે. એક કાં તો પ્રેમ હતો જ નહીં, બસ પેલું પ્રાણીઓવાળું બાયોલોજીકલ એટરેક્શન હતું અને બીજું, પ્રેમ હતો પણ એને વ્યક્ત કરવા મનુષ્યોના માર્ગના સ્થાને પ્રાણીઓનો શારીરિક માર્ગ પસંદ કરવામાં આવ્યો. જેથી પરિણામ રૂપે એજ પ્રાણીઓની જેમ અલગ પડવાની સ્થિતિ આવી.

            બીજી બાજુ એરેન્જ મેરેજમાં આ સ્થિતિ વહેલી આવે છે કારણ કે ત્યાં તો બે અજાણ્યા લોકો સીધા જ સેક્સમાં પરોવાય છે. પણ ત્યાં બે વ્યક્તિઓના કારણે બે પરિવારો અને બે સમાજોના અનેક લોકો વિવિધ સંબંધમાં બંધાય છે. અને એ બધા સંબંધોનું મૌન દબાણ એ પતિ-પત્ની પર હંમેશા બનેલું રહે છે. થોડી ઘણી તકલીફ આવે કે બધા સંબંધીઓ સમજાવવા બેસી જાય અને મોટાભાગે એક જ કોમન સલાહ આપે ‘એક-બે છોકરા લાવી દો એટલે બધું સરખું થઈ જશે’. અંદરથી તમારા વચ્ચે બીજું કોઈ જોડાણ રહ્યું હોય કે ન હોય, પણ એક કે બે સંતાનો તમને સતત મમ્મી અને પપ્પા કહેતા રહેશે એટલે એ બાળકો જ તમને જોડી રાખશે. આજે પણ ગામડાઓ અને શહેરોના સામાન્ય સમાજમાં પત્નીઓને પોતાના આધીન રાખવા પતિઓ અને સસરિયાઓ દ્વારા આજ વાત સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. હું મારા આજુબાજુ આવા ઘણા બાળકોને જાણું છું જે તેમના માં-બાપને એકબીજા સાથે જોડી રાખવાની સામાજિક કોશિશ રૂપે પેદા કરાયા છે. અને આ દુનિયા પર મેં જોયેલા સૌથી કુરૂપ ચિત્રો પૈકીનું આ એક છે, જ્યાં આત્મા કંઈક અલગ કહેતો હોય છે અને બહાર એક અલગ જ જીવન જીવાય છે ફક્ત લોકોને ખુશ રાખવા માટે. તો, એક તરફ પ્રેમથી શરૂ કરી વાસના સંતોષી લઈ અસ્થિરતા તરફ જનાર વ્યવસ્થા છે અને બીજી બાજુ અભિનય અને પાખંડથી સતત સ્થિરતા જાળવી રાખનાર વ્યવસ્થા છે જ્યાં પ્રેમના સ્થાને બસ સાંસારિક સ્થિરતા ટકાવી રાખવાની ફોર્મ્યુલાઓ કામ કરે છે. આપણે આ બંને દુષણોથી બહાર નીકળવાનું છે અને ના ખાલી આપણી ભાવિ પેઢી માટે પણ આપણા પોતાના માટે પણ એક એવી વ્યવસ્થા તૈયાર કરવાની છે જ્યાં સંબંધનું મૂળ ફક્ત અને ફક્ત આત્મીય પ્રેમ હોય. બાયોલોજીકલ એટરેક્શન પણ નહીં અને વિવિધ સામાજિક સંબંધોનું પ્રેશર પણ નહીં.

            તો એ માટે જે લોકોને સહજ રીતે પ્રેમ થઈ ગયો છે અને પ્રેમ મળી ગયો છે તે એ વાત સમજી જાય કે તેમના સંપૂર્ણ મિલન માટે તેમના આત્માના દસે પરિમાણ એકબીજા સાથે મળવા જરૂરી છે. સીધા શરીરથી મળવાની કોશિશ કરી તો ત્રણ પરિમાણ જ મળી શકશે અને તમે સતત અધૂરા રહીને એકબીજાથી ઉબી જશો. તો ત્યાં રામ અને સીતાની જેમ પહેલા પોતાની જાતને કોમન વિષયો પર ચર્ચાના માર્ગે લઈ જાઓ. સાથે પુસ્તકો વાંચો અને તેમની ચર્ચા કરો. સાથે સંગીત સાંભળો અને તેને ગાઓ. તમારા પ્રેમને બાયોલોજીકલ એટરેક્શનમાંથી આત્મીય પ્રેમ બનવા દો. અને જ્યારે તમને તમારા પ્રેમીને જોઈને જનીન અંગોમાં ઉત્તેજનના સ્થાને હૃદયમાં ચારેરાટ કરતી જલન અનુભવાવા લાગે ત્યારે જ તમે એકબીજાને શરીરથી પ્રેમ કરવા લાયક બન્યા છો એમ માનો. ત્યારે જ તમારા શરીરોનું મિલન તમારા આત્માઓનું મિલન બની શકશે. એટલે સેક્સ પછી પણ તમારો પ્રેમ એટલો જ યથાવત હશે. કારણ કે તમારા પ્રેમનું જોડાણ તો તમારી મિત્રતા, સંગીત અને અનેક વિષયોમાં તમારા વિચારોના આદાન-પ્રદાન વડે થયેલું હશે. આ રીતે જોડાયેલા પ્રેમીઓના લગ્ન ક્યારેય ભંગાણ નહિ પામે. તે રામ સીતાની જેમ સાથે હોય કે ન હોય, એકબીજાના પતિ-પત્ની બની રહેશે.

            હમણાં રામાયણ વિશેના એક પુસ્તકમાં મેં સુંદર સંવાદ વાંચ્યો. લંકામાં સીતાને મળવા આવેલા હનુમાનને સીતાએ કહ્યું, ‘રામને રાજા બનવા માટે કોઈ રાજ્યની જરૂર નથી. તે જ્યાં પણ જશે ત્યાં લોકોને તેમની પ્રજા બનાવી દેશે. એ જ રીતે તેમને કોઈ સ્ત્રીને પત્ની કહેવા માટે તે સ્ત્રીને પોતાના આધીન રાખવાની જરૂર નથી. તે સ્ત્રી જ્યાં પણ હશે તેમની પત્ની જ હશે.’ મતલબ, એમનો પ્રેમ એટલો ગહન છે કે પત્ની પોતાના ઘરમાં પોતાના તાબા હેઠળ રહીને પોતાનું કહ્યું કરે તોજ એ પત્ની છે એમ તે નથી માનતા. ‘હું કોઈને પ્રેમ કરું છું અને તે મને પ્રેમ કરે છે – બસ આજ અમારો પતિ-પત્નીનો સબંધ છે. ભલે એ ગમે ત્યાં બેઠી હોય. હું એની રક્ષા, એના સુખ અને એની સ્વતંત્રતાનું હંમેશા ધ્યાન રાખીશ.’ – રામ એવું માને છે. આ પ્રેમ છે અને આવા પ્રેમથી જે લગ્ન થાય એને પ્રેમલગ્ન કહેવાય, બીજા બધા એરેન્જ મેરેજ જ છે. કોઈમાં માં-બાપ એરેન્જ કરે છે, કોઈમાં છોકરો-છોકરી પોતે એરેન્જ કરે છે. બંનેમાં બાયોલોજીકલ એટરેક્શન, આર્થિક સુવિધા અને સુરક્ષા જ જોવાય છે. છોકરો-છોકરી પોતે એરેન્જ કરે એટલે આપણે તેને લવમેરેજ કહી દઈએ છીએ અને એ કિસ્સામાં પરિવાર અને સમાજના અન્ય સબંધીઓના દબાણનો લાભ તેમને નથી મળતો. એટલે તેવા લગ્ન તૂટવાની સંભાવનાઓ વધી જાય છે. બસ, કિસ્સો આજ છે. સોનાને કાટ નથી લાગતો અને કાટ લાગે તો એ સોનુ નથી.

June 05 / 2018 / On Facebook

દારૂ અને ડ્રગથી મુક્તિ શા માટે...?

સવાલ: હાય, કૌશિકભાઈ. હું છેલ્લા દોડ વર્ષથી તમારા લેખ અને પુસ્તકને ફોલોવ કરી રહ્યો છું અને એ મને ઉંડે સુધી સ્પર્શી ગયું છે. હું ‘દારૂ અને ડ્રગના વ્યસન’ પર તમારા વિચારો જાણવા માંગુ છું. હું એનો શિકાર રહ્યો છું અને આધ્યાત્મિક માર્ગનો ઇચ્છુક છું. એટલે તમારાથી આ સવાલોના જવાબ ચાહું છું.
1. એ શું છે જે માણસને દારૂ અને ડ્રગનો વ્યસની બનાવે છે.

  1. જો કોઈ માણસ પહેલા આ વસ્તુઓનો વ્યસની રહ્યો હોય અને હવે આત્મસાક્ષાત્કાર માટે આધ્યાત્મિક માર્ગમાં અગ્રેસર હોય તો શું એ ફરી ક્યારેય વ્યસની બની શકે..?
    – એક વાચક.

 

જવાબ: પહેલા એ સમજવાનું છે કે દારૂ કે ડ્રગનું વ્યસન કેમ ખોટું છે. ઘણા લોકોનો એવો તર્ક હોય છે કે અમે સિગરેટ, દારૂ કે ડ્રગ લઈએ છીએ તો અમારા શરીરને નુકશાન પહોંચશે એ વાત અમે સ્વીકારી લઈએ છીએ. બાકી એના સિવાય એમાં ખોટું શું છે..? ઘણાલોકો આ સવાલનો જવાબ નથી મેળવી શકતા અને સામે ચાલીને એ વસ્તુઓને અપનાવી લે છે. દારૂના નશામાં મૂળ ખોટી વાત એ છે કે તે તમારી જાગ્રતતા છીંનવી લે છે અને ભ્રમની દુનિયામાં લઇ જાય છે. જ્યારે જીવનનું સત્ય એ છે કે અત્યારે આપણે જે દુનિયામાં જીવી રહ્યા છીએ તે જ ભ્રમ છે. અત્યારની જ આપણી જાગ્રતતા મૂળ જાગ્રતાતાની બે ટકા છે. જીવનનું લક્ષ્ય છે એ જાગ્રતતાને વધારવાનું અને ઇન્દ્રિયોથી અનુભવાતા આ ત્રીપરિમાનીય વિશ્વને સમગ્ર દસ પરિમાણોમાં આપણી ભીતર અનુભવી લેવું. એ રીતે એ જાણી લેવું કે આ લોહી-માંસથી બનેલો ચામડાનો પદાર્થ આપણે નથી. એ ચામડું તો એક દિવસ સડવા લાગશે અને એને દફનાઈ દેવામાં આવશે કે બાળી દેવામાં આવશે. આપણે એ ચામડાને જીવંત બનાવતી એક ઉર્જા છીએ જે આ ચામડું સડવા લાગે એટલે એને છોડીને બીજા ચામડાના પદાર્થમાં જતી રહે છે. તો આ ચામડાના પદાર્થને જીવંત રાખતી ઉર્જા કોણ છે, શુ છે, તે ક્યાંથી આવી છે, કેમ આવી છે અને હવે ક્યાં જવાની છે? – એ સવાલોના જવાબ આપણો આ ચામડાનો પદાર્થ સડવા લાગે કે અચાનક કોઈ દિવસે અકસ્માતમાં કપાઈ જાય કે કચડાઈ જાય એના પહેલા આપણે મેળવી લેવાના છે. આ કામ માટે આપણે શરીર ધારણ કરીએ છીએ.

            હવે દારૂ કે ડ્રગ આ જીવનકાર્યમાં બે રીતે નુક્શાન કરે છે. એક તો એ તમારી અત્યારની અલ્પ જાગ્રતતાને પણ છીનવી લે છે, જેથી જીવનનો મોટાભાગનો અમૂલ્ય સમય આ દુનિયાને સમજવાની અને તેનાથી પર જવાની કોશિશમાં જવાને બદલે એને ભૂલીને કલ્પનાઓમાં રહેવામાં જતો રહે છે. બીજું, આ પદાર્થો શરીરને નુકશાન પહોંચાડી તમારા આ ચામડાના પદાર્થની સડવાની પ્રક્રિયાને ઝડપી બનાવી દે છે. પરિણામે આ શરીર આપીને સત્ય શોધવાનો જે સમય તમને અપાયો હતો એમાં તમે ધરખમ ઘટાડો કરી દો છો અને એક દિવસ એક મુર્ખની મોત મરો છો. તો આ કારણે ‘મારા શરીરને નુકશાન થાય એ મારી જવાબદારી’ એવું કહીને પણ દારૂ પીવું ખરાબ છે. કારણકે તે આપણને આપણા લક્ષ્યથી બિલકુલ વિરુદ્ધ દિશામાં લઇ જાય છે. અમદાવાદથી દિલ્લી જવું હોય પણ જો તમે માર્ગ મુંબઇ જવાનો પકડો તો એ જેટલું ખોટું અને મૂર્ખામીભર્યું છે એટલું જ દારૂ કે અન્ય કોઈ વ્યસન ખોટું અને મુર્ખામીભર્યું છે.

            હવે કેટલાક લોકો માનસિક અને ઇમોશનલ પીડાઓના કારણે દારૂનો સહારો લે છે. કોઈ નજીકનું સંબંધી મરી ગયું કે પ્રેમ છીનવાઈ ગયો વગેરે. પણ આ બધું એટલા માટે થાય છે કારણકે બ્રહ્મ આપણને સત્ય તરફ ધકેલવા માગે છે. તે આપણને કહે છે કે ‘જે જીવન તું જીવી રહ્યો છે તે ખાલી સ્ટેજ પરનું નાટક છે. જે તને સર્વપ્રિય હતું એ તારાથી છીનવાઈ ગયું, તો હવેનો સમય એ જાણવામાં કાઢ કે તું ખરેખર કેમ આવ્યો છે આ દુનિયામાં. કારણકે તું પણ એકદિવસ એ રીતે જ જતો રહીશ. તો એ દિવસ પહેલાં એ જવાબ મેળવવાના માર્ગે વળી જા. મને જાણવા તરફ વળી જા.’ આપણું દરેક સાંસારિક દુઃખ આપણને આ કહેવા અને સમજાવવા માટે હોય છે. આપણને જગાડવા માટે. પણ આપણે જાગવાનો પુરુષાર્થ કરવાના સ્થાને બેભાન થઈને મરી જવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ. એ કમજોરી છે, નિર્બળતા છે. એનાથી આપણા આત્માની યાત્રા આગળ વધવાના સ્થાને અસ્તવ્યસ્ત કર્મોમાં અટવાઈ જાય છે જ્યાંથી પાછા સાચા માર્ગે આવવા માટે બીજી અનેક પીડાદાયક ગૂંચવણમાંથી પસાર થવું પડે છે. આગળનો જન્મ હજી વધારે ફસાયેલો અને દુઃખમય આવે છે.

            એક જ સ્થાન જ્યાં દારૂ સૌથી વધુ સહાનુભૂતિ મેળવે છે એ છે કોઈનાથી એનો સાચો પ્રેમ છીનવાઈ જાય ત્યારે તે એ અસહ્ય વેદનાને સહન કરવા દારૂ તરફ વળી જાય છે. આવા કિસ્સાઓમાં પણ હું એજ કહીશ કે માનો કે તે વ્યક્તિના પ્રેમમાં જ આપણો મોક્ષ હોય અને તેના સિવાય સમગ્ર બ્રહ્માંડમાં આપણું કોઈ ઘર ન હોય તો પણ પોતાનાથી થતું બધું કર્યા પછી પણ તે ન મળે તો દારૂના સ્થાને ઈશ્વરના શરણે જતું રહેવું જોઈએ અને દારૂના સ્થાને ભક્તિના નશામાં ડૂબી જવું જોઈએ. પોતાના પ્રેમને ઈશ્વરના કોઈ એક સ્વરૂપ તરફ વાળી દેવો જોઈએ. દારૂ તમને ક્ષણિક દુઃખ ભુલાવી ફરી વધુ પીડા આપશે, તમારા શરીરને ખતમ કરતો રહેશે અને તમારી આધ્યાત્મિક યાત્રાને ત્યાંજ સ્થગિત કરી દેશે. જ્યારે ભક્તિ તમને શક્તિ આપશે, માર્ગ આપશે અને ઈશ્વરના નજીક લાવશે. આખરે છુટેલું બધું ઈશ્વર પાસે જ ખેંચાઈને આવવાનું છે. કોઈના કોઈ મુકામે એ પ્રેમ પણ તમારા સુધી આવી જ જશે. પણ ઈશ્વરની ભક્તિનો માર્ગ ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે તમારા તરફથી કરવાનું બધું કર્મ કરી છૂટ્યા હોય અને હવે તમારા હાથમાં કરવા માટે કોઈ કર્મ વધ્યું ન હોય. પોતાના ભાગે આવતા કર્મથી ભાગીને કોઈ ભક્તિ થતી નથી. ઈશ્વર તે માણસનો ક્ષણિક તિરસ્કાર કરી તેને તેનું કર્મ કરવા પાછો મોકલે છે.

            પ્રેમ અને ભક્તિમાં દારૂ અને ડ્રગ કરતા કેટલી ભવ્ય શક્તિ છે એનું ઉદાહરણ જોઈએ. નૈનિતાલના નિમ કરોલીબાબા કે જે સ્ટીબ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ અને જુલિયા રોબર્ટ્સના ગુરુ છે, તેમની પાસે સિત્તેરના દશકમાં અમેરિકાનો મોટો ડ્રગ માફિયા આવ્યો. નિમકારોલી બાબાએ પૂછ્યું કે શું કરે છે..? તો તેણે કહ્યું ‘LSD ની ગોળીઓ વેચુ છું. બહુ નશો હોય છે એમાં. એક ગોળી લો તો બે દિવસ સુધી નશામાં જ રહેવાય. જો પાંચેક સાથે લેવાઈ જાય તો માણસ ત્યાંજ મરી જાય.’ બાબાએ કહ્યું, ‘લાવ્યો છે..?’ પેડલરે ‘હા’ કહી એક કોથળીમાં એલએસડીની ગોળીઓ બતાવી. બાબાએ કોથળીમાં હાથ નાખી મુઠો ભરી દીધો અને મુઠ્ઠીમાં આવેલી કેટલીય ગોળીઓ સીધી મોઢામાં મૂકી દીધી. પેલા ડ્રગ પેડલર સાથે બાબાના શિષ્યો પણ ગભરાઈ ગયા. પેડલર તો સમજતો હતો કે હમણાં બાબા ધ્રુજવા લાગશે અને જમીન પર પટકાતા પટકાતા તેમના મોંઢામાંથી ફીણ નીકળી આવશે અને તે મરી જશે. પણ નિમકરોલી બાબા તો અડધો કલાક ધ્યાનમાં શાંત રહયા અને પછી આંખો ખોલીને કહ્યું, ‘કંઈ મજા ન આવી. જે નશો હું કરું છું એના સામે તો આ કાંઈ નથી. કરવો જ છે તો ઈશ્વર સાથે પ્રેમનો નશો કરો. ભક્તિનો નશો કરો. દુનિયાના બાકી બધા નશા ફિકા લાગવા લાગશે.’

તો અંતે તમારા બે સવાલ કે

એક, માણસ દારૂનો વ્યાસની કેમ થાય છે..?

જવાબ: જ્યાં સુધી માણસની જાગૃતતા ખાલી શરીર પૂરતી છે ત્યાં સુધી એ દરેક વસ્તુનો વ્યસની બની જાય છે. કારણ કે ત્યાં સુધી એનો સ્વભાવ સતત મેળવવાનો છે, ત્યાગવાનો નહીં. કોઈ દારૂનો વ્યસની બને છે, કોઈ સિગ્રેટનો, કોઈ ડ્રગનો, કોઈ કોઈ વ્યક્તિનો, કોઈ પ્રતિષ્ઠાનો, કોઈ સુખનો તો કોઈ દુઃખનો. હા, દુઃખ પણ વ્યસન બની જાય છે. લાંબો સમય દુઃખ રહ્યા પછી સુખ આવે તો ગમતું નથી. માણસ એજ સ્થિતિમાં રહેવા માગે છે. જ્યાં સુધી આત્માની ખોજ નથી થઈ કે આત્મા તરફ યાત્રા શરૂ નથી થઈ ત્યાં સુધી કોઈના કોઈનું વ્યસન રહેવાનું જ. કોઈ વ્યસન શરીરને નુકશાન કરશે તો કોઈ મનને, તો કોઈ તમારી આત્માની યાત્રાને. કોઈ વધારે નુકશાન કરશે તો કોઈ ઓછું.

            અને અહીં જ તમારા બીજા સવાલનો જવાબ આવી જાય છે કે આધ્યાત્મિક માર્ગે વળેલો એક સમયનો આવો વ્યસની શુ પાછો વ્યસનના માર્ગે વળી શકે..?
જવાબ: જ્યાં સુધી નજર આત્માને ઓળખવાના પ્રયાસો પર હશે તે પાછો નહીં વળે, જ્યારે નજર શરીર અને ઇન્દ્રિયોની ઈચ્છાઓ પર ગઈ ત્યારે બધા વ્યસન ખેંચવા લાગશે. જરૂર છે બસ સાચા માર્ગે પોતાની દ્રષ્ટિ અને પ્રયાસોને ટકાવી રાખવાની, ત્યાં સુધી જ્યાં સુધી બ્રહ્મ આપણામાં પ્રગટ ના થાય.

February 22 / 2018 / On Facebook

નજીકના માણસોના વિરોધને કેવીરીતે પહોંચવું..?

સવાલ: હું એક કામ કરવા માંગુ છું જે મારા માટે બહુ જ જરૂરી અને સાચું છે પણ મારા પરિવારના સભ્યો મને નુરૂત્સાહી અને વિરોધ કરે છે. કેદારના વિષ્ણુત્વની કથામાં ઘણા પ્રસંગો તમારા જીવનને મળતા આવ્યા એટલે તમારા પાસે એનું માર્ગદર્શન માંગુ છું.

 

જવાબ : મહાત્મા ગાંધીનું એક વાક્ય છે ‘હું જીવનમાં એક જ સરમુખ્યતારનું કહેવું માનું છું અને એ મારો આત્મા છે. એના સિવાય મારા પર બીજો કોઈ હુકમ ચલાવી શકતો નથી.’ આજ શ્રેષ્ઠ છે. પણ આત્માનો અવાજ સાંભળવા અને સમજવા મન બે વસ્તુઓથી મુક્ત હોવું જરૂરી છે. એક ભય અને બીજું લાલચ. આ બેને મનમાંથી સંપૂર્ણપણે હટાવી જયારે પોતાને કે ઈશ્વરને સવાલ પૂછશો તો જે પહેલો જવાબ આવશે તે આત્માનો અવાજ હશે અને એજ સત્યનો માર્ગ છે. હવે, પહેલા એ સમજી લેવું જરૂરી છે કે સંસારી લોકોનો પ્રેમ સ્વતંત્રતા નહિવત અને ગુલામી વધુ લાવે છે. ‘સોનુ, હું તને પ્રેમ કરું છું, તું આટલું કરીશ..?’ ‘સોનુ, હું તને પ્રેમ કરું છું, તારે આ નથી કરવાનું.’ ‘સોનુ, હું તને પ્રેમ કરું છું, આ થવું જ જોઈએ.’ ખબર જ ના પડે કે પ્રેમ ચાલે છે કે ચાબુક ચાલે છે. કેટલાક લોકો તો તેમને ખબર પડે કે તમે કંઈક એવું કરવાના છો જે એમને પસંદ નથી એટલે જાતજાતના પ્રિકોશન અપનાવે, ‘ફલાણા માણસના ઘરે ફલાણા માણસે આવું કર્યું. મેં બધાને કહ્યું કે મને વિશ્વાસ છે કે તું તો એવું ના જ કરે. મને એ વાતનો ગર્વ છે.’ કોઈવાર બધા વચ્ચે એવી વાતો અને પ્રસંગો કહી દે જેનો અર્થ આપણને એ સંભળાવવાનો હોય કે તારે આ નથી કરવાનું. તો કેટલીકવાર સમાજના અને આપણા બીજા સગાસબંધીઓના ડર બતાવે.
તો હવે આપણે શું કરવું ..?

            વેલ, રામાયણમાં એક શ્લોક છે, ‘મૂર્ખ માણસને વિનમ્રતા દેખાડવાથી, કુટિલ (પોતાના જ ફાયદા-નુકશાન જોવાવાળા) વ્યક્તિને પ્રેમ કરવાથી, બંજર જમીનમાં બીજ વાવવાથી અને મોહ-માયામાં અંધ માણસને જ્ઞાન આપવાથી પરિણામ શૂન્ય મળે છે. સમજદાર મનુષ્યોએ આનાથી બચવું જોઈએ.’ તો આપણા સબંધી આ ચાર કેટેગરીમાંથી કોઈમાં આવતા હોય ત્યારે તેમના તરફથી કોઈ સારા પરિણામની આશા રાખવી વ્યર્થ છે. તેમને બસ એકવાર ડિટેઈલમાં જણાવી દેવું જોઈએ કે તમે શું કરી રહ્યા છો, કેમ કરી રહ્યા છો અને એ કેમ સાચું છે. બસ, ત્યારબાદ તમારી બધી શક્તિઓ અને સમય એ કામમાં જ ખર્ચાવા જોઈએ જે તમે કરવા માંગો છો. જે દિવસે તમે એ કાર્યને થોડુંઘણું પણ કરી દીધું, તે દિવસથી તેમનો વિરોધ ઘટવા લાગશે કે બંધ થઇ જશે. પછી ધીરે-ધીરે તમને એ રીતે સ્વીકારતા અને જોતા થઇ જશે. આ દુનિયામાં લોકો બીજા શું છે તેનું પણ એક સમીકરણ લઈને ફરે છે અને તે સમીકરણ તૂટે એ તેમને પસંદ નથી આવતું. તમે ડેન્ટિસ્ટ હોવ અને બીજા વિષય પર બુક લખો એટલે કેટલાય લોકોના મનના સમીકરણ તૂટે. તે બધા એકસાથે આવી જાય, ‘તમે તો ડેન્ટિસ્ટ છો ને, બુક કેમ લખો છો..?’ મારે તેમને કહેવું પડે છે, ‘હું એક્ટર પણ છું. એ હજી તમારે જોવાનું બાકી છે.’ દુનિયાનો દરેક માણસ પોતાના મનના આ સમીકરણોને જાળવવા તમને સતત સીમિત કરવાની કોશિશ કરે છે અને તમારે વિકસવાનું હોય છે. આજ સંઘર્ષનું મૂળ કારણ છે. એટલે તમે જે કરવા માંગો છો એ કરી બતાવીને તમારે લોકોના એ સમીકરણોને તોડવા પડે છે. ત્યારે જ તે શાંત થાય છે.

            પણ જો કામ કર્યા વગર તેમના સાથે ખાલી સાચા-ખોટાની બહેસમાં ઉતર્યા તો એ બહેસનો કોઈ અંત નહિ હોય. તમારી બધી શક્તિ અને સમય એ બહેસમાં ખર્ચાઈ જશે. અંતે તમે થાકીને એ માર્ગ છોડી દેશો જે તમારા માટે અત્યંત જરૂરી હતો. તમે આજીવન પોતાની જાતને હારેલા અનુભવશો અને તમારા સબંધીઓ આજીવન લોકોને એ કહીને પોતાની જીતનો ઉત્સવ મનાવતા હશે કે ‘એતો ખોટા રસ્તે હતો કે હતી, અમે સમજાઇને સીધા રસ્તે લઈ આવ્યા.’ તો બસ આ છે. વાતને વિવેકાનંદના આ શબ્દોથી એન્ડ કરીએ, ‘વિચારોની અગાઢ પવિત્રતા હાસલ કરો અને પછી જે પણ તમારો આદર્શ છે તેના પર આસપાસના કોઈની વાતો સાંભળ્યા વિના તૂટી પડો. એજ જીવન છે, એજ પ્રગતિ છે અને અંતે એજ મુક્તિ છે.’

April 19 / 2018 / On Facebook

શક્તિ, શક્તિ અને બસ શક્તિ

શક્તિ, શક્તિ અને બસ શક્તિ. જીવનનો, સફળતાનો અને મુક્તિનો આ એક જ સ્ત્રોત, આ એક જ મંત્ર છે. જીવનનું ગણિત બહુ સીધું સાદું છે- ‘જે તમે કરી શકો છો તે તમારી શક્તિ છે, જે તમે નથી કરી શકતા તે તમારી કમજોરી છે. શક્તિ તમને સંપૂર્ણતા અને મોક્ષ તરફ લઈ જાય છે, કમજોરી તમને અધોગતિ, ગુલામી અને મૃત્યુ તરફ લઈ જાય છે.’ શક્તિ ક્યારેય સાચી કે ખોટી નથી હોતી, તે હંમેશા દિવ્ય અને કલ્યાણકારી જ હોય છે. સાચા-ખોટાની પરિભાષા શક્તિના ઉપયોગમાં છે.

            કેન્ટીનમાં તમારી સામેના ટેબલ પર એક સુંદર છોકરી બેઠી છે. જો તમે એની પાસે જઈ એની સાથે વાતચીત કરી દસ મિનિટમાં તેને પોતાની ફ્રેન્ડ બનાવી દો છો, એ રીતે કે એ તમને એનો મોબાઈલ નંબર પણ આપી દે તો એ આવડત તમારી શક્તિ જ છે. ઘણાબધા લોકો ‘હું તો એવો છોકરો નથી’ એમ કહીને પોતાની અશક્તિ છુપાવતા હોય છે. એમાં કંઈ જ ખોટું નથી. એતો શક્તિ છે. એ છોકરીને મિત્ર બનાવ્યા પછી એ સબંધનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો તે સાચું-ખોટું નક્કી કરે છે. જો તમે એના સાથે ટાઈમપાસ કરવા કે શારીરિક ઉપભોગ માટે તેને ઉપયોગમાં લો છો તો તે શક્તિનો દુરુપયોગ છે, જે વિનાશ તરફ લઈ જાય છે. પણ જો એજ છોકરીની મિત્રતાને તમે તમારા કોઈ બિઝનેસમાં મદદ મેળવવા કરો કે અરે તેને લગ્ન માટે પૂછવા માટે કરો તો શક્તિનો એ ઉપયોગ તમારા જીવનને પ્રગતિ અને સંપૂર્ણતા તરફ લઈ જશે. જાસૂસો ચોરી કરવામાં, જૂઠું બોલવામાં, લોકોને છેતરવામાં અને હત્યા કરવામાં પાવરધા હોય છે. એ તેમની શક્તિ છે. પણ એ શક્તિનો ઉપયોગ તે દેશની રક્ષા અને દેશના લોકોને આતંકવાદીઓથી બચાવવા કરે છે, આથી એ શક્તિ તેમને હીરો બનાવે છે. જ્યારે એ જ શક્તિનો દુરુપયોગ સમાજમાં ચોરો, કૌભાંડીઓ અને આતંકવાદીઓ ઉભા કરે છે. છતાંય કમજોર અને શક્તિહીન કરતાં ભટકેલા શક્તિશાળી લોકોમાં જ વધુ સંભાવના રહેલી છે. વિવેકાનંદે કહ્યું હતું, ‘જો મારે સારું સારું બોલવવાળા અને વર્તવાવાળા એક શક્તિહીન માણસ અને એક શક્તિશાળી ડાકુ વચ્ચે પસંદગી કરવાની આવે તો હું શક્તિશાળી ડાકુને જ પસંદ કરું. કારણ કે એમાં શક્તિ ઉભી નથી કરવાની, બસ તેને સાચા રસ્તે વાળવાની છે. વાલીયો જ મહર્ષિ વાલ્મીકિ બને છે. શક્તિહીન લોકો ગમે તેટલા સભ્ય બનીને ફરે તો પણ મોટાભાગે બનાવટ, કપટ અને બીજા અનેક દુષણોથી ભરેલા હોય છે.’

            એટલે પહેલા દરેક કાર્યને કરવાની શક્તિ કેળવો અને પછી તેને સાચા માર્ગે અને સાચા સમયે કેવીરીતે ઉપયોગમાં લેવી એ સમજવાની જ્ઞાન શક્તિ મેળવો. આ બંને શક્તિ જ્યારે તમારી પાસે હશે ત્યારે જ વેદોમાં લખેલા ધર્મના એ આખરી નિષ્કર્ષને પાળવા તમે શક્તિમાન બનશો: “ધર્મનો સાર એ સમજી લેવામાં છે કે પોતાનો આત્મા કહે તે કરવામાં જ સત્ય છે. ચાહે તે પહેલી નજરે ગમે તેટલું નુકશાનકારક કેમ ના દેખાતું હોય, અંતમાં એજ કલ્યાણકારી સાબિત થાય છે. આત્મા કહે તે ન કરવું એજ અધર્મ છે, ભલે તે પહેલી નજરે ગમે તેટલું કલ્યાણકારી લાગતું હોય પણ અંતે તે વિનાશકારી સાબિત થાય છે.”

            એટલે દરેક પ્રકારની શક્તિ કેળવી પોતાના આત્માના અવાજને અનુસરવામાં તેનો ઉપયોગ કરવો – એ જ આધ્યાત્મિક શક્તિ છે. તે જ માણસને ઈશ્વર બનાવે છે.

May 05 / 2018 / On Facebook

પહેલું ડગલું

પહેલું ડગલું ભરવું એ જીવનની સફળતાનો સૌથી મોટો મંત્ર છે. જીવનમાં કેટલીકવાર આપણા ભાગ્યમાં અશક્ય લાગતા કાર્યો કરવાના આવી પડે છે. કંઈક એ રીતે કે જો એ કાર્ય કરી દીધુ તો આપણા જીવનને અર્થ અને સફળતા મળી જશે અને જો એ કાર્ય ન કર્યું તો જીવન અર્થહીન અને નિષ્ફળ સાબિત થશે. આવા સમયે સૌથી મહત્વપૂર્ણ કાર્ય હોય છે પહેલું ડગલું. જ્યારે તમને ખબર પડી જાય કે આ કાર્ય મારે કરવાનું જ છે અને કરવું જ છે ત્યારે ભલે એ આખું કાર્ય કઈ રીતે કરવું એની જાણ ન હોય તોપણ બસ પહેલું ડગલું ભરી દેવું જોઈએ. પહેલું ડગલું ભરતાં જ તમે જાણી જાઓ છો કે બીજું ડગલું કેવીરીતે ભરવાનું છે. અને બીજું ડગલું ભરતાં જ એ આખું કાર્ય કેવીરીતે થશે એનો પથ તમને દેખાવા લાગે છે. અને જ્યારે તમે દસ-પંદર ડગલાં એ પથ પર ભરી દો એટલે તમને લાગવા લાગે છે કે જે કાર્યને તમે એક સમયે અશક્ય માનતા હતા તે તો શક્ય છે અને થવા લાગ્યું છે. અહીંથી આગળની સફરમાં નાની-મોટી અડચણો પણ આવે છે પણ એ અડચણોમાંથી નીકળવાનો માર્ગ કુદરત સ્વયં આપણને દેખાડતી જાય છે. આ રીતે એકસમયે આપણે એ કાર્યને પૂર્ણ કરી દઈએ છીએ. કાર્ય પૂર્ણ થાય એટલે આપણે જાણીએ છીએ કે આપણે ઘણાખરા અંશે બદલાઈ ચુક્યા છીએ. એ કાર્યએ આપણને વિકસિત કરી દીધા છે, આપણી અનેક શક્તિઓ ખુલી ગઈ છે જે આપણા આગળના કાર્યને કરવા આપણને લાયક બનાવે છે.

            આ રીતે જ સામાન્ય જીવનમાં રહેલા માણસો મહાન કાર્યો કરી દે છે અને મહાન દેખાય છે, જ્યારે અસલમાં એ મહાનતા પાછળનું મૂળ સિક્રેટ હોય છે તેમનું એ ‘પહેલું ડગલું’ ભરી દેવાની ક્ષમતા. એનાથી વિપરીત બીજી બાજુ કેટલાક લોકો એવા હોય છે જે અનેક મહાન કાર્યોને વિચારે છે, એ કાર્યો કરવા તેમના માટે જરૂરી પણ હોય છે અને તે એ કાર્યો કરવાની સ્થિતિમાં પણ આવી ચુક્યા હોય છે. પણ તે આ ‘પહેલું ડગલું’ નથી ભરી શકતા અને આજીવન અનેક કાર્યો અને વિચારો તેમના મનમાં ને મનમાં પુરા થઈ જાય છે. આ રીતે તેઓ એક સામાન્ય જીવનમાં ગૂંગળાતા ગૂંગળાતા મોતની રાહ જોવામાં બાકીનું જીવન કાઢે છે. તો, જે પણ કરવાનું છે એ જો ખરેખર કરવું છે તો એનું ‘પહેલું ડગલું’ આજે જ ભરી દો. શરૂઆત તમે કરી દો, અંત તરફ તમને ઈશ્વર લઇ જશે.

July 03 / 2018 / On Facebook

રામાયણ અને મહાભારત

સવાલ: રામ અને કૃષ્ણમાંથી જો કોઈ એક પસંદ કરવાનું આવે તો તમે કોને પસંદ કરશો..? રામાયણ અને મહાભારતમાંથી કોઈ એકને પસંદ કરવાનું કહેવાય તો કોને પસંદ કરશો..?

 

જવાબ : રામ અને કૃષ્ણમાંથી એકને પસંદ કરવા મતલબ તમે પૂછી રહ્યા છો કે હું મારા ડાબા અને જમણા પગમાંથી એકને પસંદ કરવો હોય તો કોને કરું..? સ્વાભાવિક રીતે જ જવાબ હોય કે બંને. એ બંનેના આધાર પર હું ઉભો છું. એમાંથી એક જતો રહે તો હું અપંગ બની જાઉં, અધુરો અને શક્તિહીન બની જાઉં. તો, મારા માટે રામ અને કૃષ્ણ એક જ વિષ્ણુના બે અલગ સમયે જીવાયેલા પ્રાસંગિક જીવનો છે. મારા માટે તે બંને એક જ છે. હું તે બંનેને સાથે જીવું છું.

            જ્યાં સુધી રામાયણ અને મહાભારતનો સવાલ છે, હા, ત્યાં ફરક છે. રામાયણ તમને શાંતિ આપે છે, મહાભારત તમને જ્ઞાન આપે છે. મહાભારત અધધ જ્ઞાનનો ભંડાર છે, એટલું જેટલું આ સમગ્ર બ્રહ્માંડમાં બીજા કોઈ પુસ્તકમાં નથી. તેની ખાલી ગીતા જ રામાયણ અને દુનિયાના બીજા બધા ગ્રંથો પર ભારે પડી જાય છે. પણ ગીતા સિવાય તેમાં ભરત વંશની સાત પેઢીઓના મહાન રાજાઓના જીવનચરિત્રો છે, તેમના પાછલા અને પછીના જન્મોની રૂપરેખા છે. એક જન્મના કર્મ બીજા જન્મમાં કેવી પરિસ્થિતિ માટે કારણભૂત બને છે તેનું અદભુત દર્શન છે. તેમાં આદિપૂર્વજ યયાતીનું બોધદાયી જીવનચરિત્ર છે. રાજા ભરતથી છેક ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી અને તે પછી પાંડવોના હિમાલય પર ચડવા સુધીની યાત્રા છે. અસંખ્ય પાત્રો અને તે દરેક પાત્ર તમને કંઈક શીખવાડી જાય છે. રાજા ભરતથી તમે કર્મના આધારે વ્યક્તિની ઓળખ કરવી શીખો છો, ભીષ્મ પર્વથી તમે જીવનના અને વિદુરથી રાજનીતિના ગૂઢ પાઠ શીખો છો. તમે કર્ણ જેવા કોમ્પ્લેક્સ પાત્રથી શીખો છો તો તમે શિખંડી જેવા નાના પાત્રથી પણ શીખો છો અને ધૃતરાષ્ટ્ર જેવા નકારાત્મક પાત્રથી પણ. તમે દ્રૌપદીથી શીખો છો તો તમે ભલા માણસ પાંડુથી પણ શીખો છો કે કેવીરીતે તે માણસને શ્રાપ અપાયો છે કે હવે પછી તે જ્યારે પણ કોઈ સ્ત્રી સાથે સેક્સ કરવા જશે ત્યારે તે મૃત્યુ પામશે. તે સેક્સથી દૂર રહેવા તપસ્યા કરવા લાગે છે, પણ તપસ્યા કરતાં કરતાં એક દિવસ પોતાની જ પત્નીને નહાતી જોઈને કામુક થઈ જાય છે અને તેના પાસે કામ ઈચ્છાથી જતા જ મૃત્યુ પામે છે. કામનો વેગ એટલો પ્રબળ હોય છે કે માણસ પોતાના નજરે દેખાતા મૃત્યુને પણ દેખી નથી શકતો. તમને ગાંધારી કંઇક શીખવાડી જાય છે તો કુંતી પણ કંઈક શીખવાડી જાય છે. અને આ બધાના ઉપર મહાભારતમાં કૃષ્ણના જીવનને સમવાયેલું છે જેના શબ્દે શબ્દમાં પ્રસંગે પ્રસંગમાં મોક્ષ આપતું જ્ઞાન છે. આહાહા, હું નથી માનતો જ્ઞાનનો આટલો મોટો ભંડાર આ પૃથ્વી પર ફરી ક્યારેય રચાય. જો મહાભારત તમે વાંચી લો છો તો આ દુનિયામાં જ્ઞાન મેળવવા તમારે પોતાની નજર પણ બાજુમાં ફેરવવાની જરૂર નથી.

            તો, જો તમે શાંત છો તો મહાભારત વાંચો, તમને અપાર જ્ઞાન મળશે, જે તમારા જીવનને અનેકગણું વિકસિત કરશે. પણ જો તમે અશાંત છો, વ્યાકુળ છો, દુઃખી છો તો રામાયણ વાંચો. તે તમને શાંતિ આપશે. પણ તુલસીદાસના રામચારીતમાનસ કરતાં હું વાલ્મિકીના સંપૂર્ણ રામાયણને ઘણું ઉચ્ચ અને વિકસિત જાણું છું. રામચરિતમાનસ ગુલામ ભારતમાં ગુલામ ભારતીયોને ભક્તિમાં ડૂબી ગુલામીના દુઃખો ભૂલી જવા માટે લખાયેલું રામાયણ છે. તેનો રામ એક અર્ધવિકસીત આદર્શવાદી વિષ્ણુ દેખાય છે જેમાં ચેતનાનો અભાવ છે. સીતા શોષણ પામેલી એક સમર્પિત દાસી જેવી વધુ લાગે છે. વાલ્મિકી રામાયણ મને વધુ સ્પર્શે છે જેમાં નિયમો અને સમાજની જડતા કરતાં તત્કાલીન સમયના સત્યની ચેતના વધુ પ્રગટે છે. તેનો રામ એક શક્તિશાળી, સંયમી અને ત્યાગી વિષ્ણુ છે જે તે સમયે જે સત્ય છે તેને સ્થાપવા મુશ્કેલમાં મુશ્કેલ નિર્ણયો લે છે. તો, તેની સીતા એક બુદ્ધિજીવી, મલ્ટીટેલેન્ટેડ અને સત્યનિષ્ઠ સ્ત્રી વિષ્ણુ છે, જે તેના સાથીદારને ધર્મસ્થાપના કરવા જરૂરી મુશ્કેલ નિર્ણયો લેવામાં સાથ અને હિંમત આપે છે. એજ સાચું અને મૂળ રામાયણ છે. અને જેમ જેમ સમય જશે તેમ હવેની બુદ્ધિજીવી પેઢીઓ ફરી વાલ્મિકી રામાયણ તરફ જ વધુ આકર્ષાશે અને એજ મુખ્ય બની રહેશે. એ ભવિષ્યમાં હું કોઈ શંકા જોતો નથી.

July 11 / 2018 / On Facebook

રામાયણ - અ લવ સ્ટોરી

હમણાં એક સબંધીએ મને પૂછ્યું, ‘તમને રામાયણમાં કયો સમય સૌથી વધુ ગમે છે..? તમે કહો પછી હું મારો ફેવરીટ ટાઈમ કહીશ.’

મેં કહ્યું, ‘તમારો ફેવરીટ ટાઈમ જાણવો મુશ્કેલ નથી. તે એ હશે જ્યારે રામ અને સીતા અયોધ્યામાં પાછા ફરે છે અને રામરાજ્ય શરૂ થાય છે. પણ એ ફેવરીટ ટાઈમ સીતાના ત્યાગ પહેલા પૂરો થઈ જતો હશે.’

તેમણે કહ્યું, ‘ખરેખર તમે અંતરયામી જેવા છો. બિલકુલ મને રામાયણમાં એજ સમય સૌથી પ્રિય છે. ઉત્તરકાંડ નથી ગમતો.’

            મેં કહ્યું, ‘આમાં અંતરયામી થવાની જરૂર નહોતી. જે માણસોનું મન ભોગવિલાસ, સત્તા, સ્ત્રી સાથે સાંસારિક સુખ અને મોજમજામાં જ જીવનની સાર્થકતા માનતું હોય તેમને ખુશ થવા આખા રામાયણમાં એ નાનકડો સમય જ મળે છે. મારો મનપસંદ સમય રામ અને સીતાના વનવાસના ચૌદ વર્ષ છે. આજ એ સમય છે જે રામ અને સીતાને સીતા-રામ બનાવે છે. ચૌદ વર્ષ એ બ્રહ્મચર્ય પાળે છે, અને એકબીજાને પ્રેમ કરતા જાય છે. વનમાં એકબીજા માટે ખોરાક-પાણીની વ્યવસ્થા કરે છે. એકબીજાની રક્ષા કરે છે. રાત્રે ખુલ્લા આકાશ નીચે સુતા સુતા સૃષ્ટિના વિજ્ઞાન અને ધર્મના આધ્યાત્મની ચર્ચા કરે છે. આ વખતે પણ બંનેના વચ્ચે રામનું ધનુષ્ય રાખેલું હોય છે. સાથે લક્ષ્મણ જેવો સાથી હોય છે જે રક્ષક પણ છે, સેવક પણ છે, ભાઈ પણ છે અને પુત્ર પણ છે. ત્રણેય વનમાં એક પછી એક અનેક મહાન ઋષિઓના આશ્રમની મુલાકાત લેતા રહે છે અને તેમની સાથે ધર્મ-અધર્મના તત્વજ્ઞાનની ચર્ચા કરતા રહે છે. આ કંઇક એવો જ સમય છે જેવો ગોકુળમાં રાધા અને કૃષ્ણનો સમય હતો. વનવાસના આ ચૌદ વર્ષ જ રામ અને સીતા વચ્ચેના ઇન્દ્રીયાતીત (ઇન્દ્રિયોની લાલચથી ઉપર હોય તેવા) પ્રેમને ગાઢ અને અતૂટ બનાવે છે. અહીં પ્રેમને વ્યક્ત કરવા રાધા-કૃષ્ણ જેવી મિત્રતા છે અને સંગીતના સ્થાને આધ્યાત્મની ચર્ચા છે. ત્યાં સુધી કે મને રાવણ દ્વારા સીતાનું હરણ થયું અને તે પછીના દસ મહિના રામ-સીતા અલગ રહ્યા તે સમય પણ બહુ ગમે છે. કારણ કે આજ એ સમય છે જ્યારે રામે તેમના જીવનમાં અને વિષ્ણુએ તેમના અનંત જીવનમાં પહેલીવાર જાણ્યું કે સીતા વિના તેમનો આત્મા કેટલો અધુરો છે. અને આજ સમયમાં રામ અને સીતા બંનેએ જાણ્યું કે તેમનો પ્રેમ ઇન્દ્રિયોથી ઉપર છે. તેમને શરીરની જરૂર નથી. શરીર પાસે હોય કે ન હોય તેમના આત્મા હંમેશા એકબીજાના સાનિધ્યમાં જ રહે છે અને એકબીજાનું નામ જપ્યા કરે છે. આજ અનુભૂતી તેમને આગળ જતાં ઉત્તરકાંડમાં ધર્મ માટે એકબીજાનો ત્યાગ સહન કરવાની શક્તિ આપે છે. તેમના આત્મા એક જ મોટા આત્માના બે હિસ્સા બની જાય છે. અને એક વનવાસી રામની સેના સામે જો રાવણની સૌથી શક્તિશાળી સેના હારે છે તો એના પાછળ રાવણનો અહંકાર અને તેની સત્તાની વાસના જેવા ગૌણ કારણો ઉપર મુખ્ય કારણ આ પ્રેમ જ છે.

            રામ અને સીતાના આત્મા એક જ આત્માના બે હિસ્સા છે. તેમના મળી જવામાં જ એ વિજ્ઞાનનું અને એ નિયમોનું પાલન થાય એમ છે જેના પર આ સૃષ્ટિ ચાલી રહી છે. એટલે રાવણથી પણ હજાર ઘણો મહાન કે તપસ્વી માણસ તેની સેના કે સમાજને લઈને તે બે આત્માના મિલન વચ્ચે આવત તો તે બધાને રામ-સીતાના આત્મીય પ્રેમની સુનામીમાં વહી જવું પડ્યું હોત. રાવણની હારનું કારણ રામ-સીતાનો એ ઇન્દ્રીયાતીત આત્મીય પ્રેમ હતો, જેણે વનવાસના સહજીવન દરમિયાન સૃષ્ટિના અવિનાશી સત્યનું રૂપ લઈ લીધું. આ પ્રેમના કારણે જ તેઓ માનવજાતિના કલ્યાણ માટે એકબીજાથી અલગ થવા તૈયાર થયા, અને એજ અનંત પ્રેમના કારણે મેં લખેલી વિદેહિકથામાં તે માનવજાતિના કલ્યાણ માટે એકબીજાથી ફરી મળવા સંઘર્ષ કરે છે. વિપરીત સંજોગોમાં રામ મિલનનો માર્ગ તૈયાર કરે છે અને સીતા એના પર ચાલીને રામ સુધી પહોંચે છે. કારણ કે એ માર્ગ માનવજાતિને પ્રેમને જીવવા અને વાસનાને ત્યાગવા તરફ ધકેલે છે.

            તો, રામાયણ અસલમાં રામ અને સીતાની એક લવ સ્ટોરી છે. અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ લવ સ્ટોરી જે આપણને સમજાવે છે કે પ્રેમ મળી ગયા પછી તેને કેવી રીતે ઇન્દ્રીયાતીત બનાવવો, કેવી રીતે પોતાના પ્રેમને સત્ય સાથે હંમેશા જોડી રાખવો. રામ અને સીતા પોતાના પ્રેમમાં સીધા એકબીજા તરફ ક્યારેય નથી ધસી જતા. તે પોતાના જીવનને એક સમબાજુ ત્રિકોણ જેવો યજ્ઞ બનાવે છે, જેના નીચેના બે ખૂણાઓ પર તે પોતે રહે છે અને ઉપરના શિરોબિન્દુ પર સત્યને રાખે છે. તે પોતાના એકબીજા પ્રત્યેના પ્રેમથી શક્તિ મેળવી મિલન કરવા સત્યના એ શિરોબિન્દુ તરફ જાય છે. આમ, રામાયણ એ મહાન સંદેશ છે કે જે પ્રેમ દરેક સંજોગોમાં સત્યને જાળવી રાખે તે જ એક્ત્વના ધ્યેય સુધી પહોંચે છે.’

July 20 / 2018 / On Facebook

સોલમેટ (soul-mate) નું વિજ્ઞાન

સવાલ: મેં યુટ્યુબ પર સદગુરુનો એક વીડિયો જોયો. એમાં તેમણે સોલમેટ જેવી કોઈ થિયરીને રદિયો આપ્યો છે. તમે આ વિશે શું કહેશો.

 

જવાબ : દરેકના સોલમેટ હોય જ એવું જરૂરી નથી. કેટલાક આત્મા ફક્ત ઋણથી બંધાયેલા હોય છે, કેટલાક ઋણ સાથે સાથે નિસ્વાર્થ સમર્પિત પ્રેમથી જોડાયેલા હોય છે. જે આત્મા ફક્ત ઋણથી જોડાયેલા છે એ ઋણ ચૂકવાઈ જતાં જ પોતપોતાના રસ્તે અલગ પડે છે. જે દિવ્ય પ્રેમથી જોડાયેલા છે તે જ્યાં સુધી એકબીજામાં ભળી ન જાય ત્યાં સુધી જન્મ દર જન્મ જોડાયેલા રહે છે. આવા આત્માઓ જ સોલમેટનું રૂપ લઈ લે છે. એટલે હંમેશા બે શક્યતાઓ હોય છે. આ જન્મમાં કાં તો તમારો પાછલા જન્મનો કોઈ સોલમેટ છે, કાં તો આ વખતે જો તમે કોઈને અને તે કોઈ તમને નિસ્વાર્થ સમર્પિત પ્રેમથી ચાહે તો આ જન્મથી તમે એકબીજાના સોલમેટ બની શકો છો. પણ સામાન્ય માણસ જેને આત્મજ્ઞાન નથી થયું કે જે તેના પાછળના જન્મોથી પરિચિત નથી તેને સોલમેટની થિયારીમાં પડવાનું હું પણ નહીં કહું. પાછળના જન્મની સ્ટોરી ચાહે ગમે તે હોય તે તમને ખાલી એટલો જ જવાબ આપી શકે છે કે આજે જે છે તે એવું કેમ છે..? પાછળના હજાર જન્મ જાણતા હોય તો પણ નિર્ણય તો આ જન્મની તમારી અનુભૂતિના આધારે જ લેવાનો હોય છે. જો તમને કોઈનાથી અતિશય પ્રેમ અનુભવાઈ રહ્યો છે તો શું ફરક પડે છે કે એ પાછલા કોઈ જન્મથી તમારી સોલમેટ છે કે નહીં. આ જન્મમાં જ તમારી પહેલીવાર મુલાકાત થઈ હોય તો પણ તમને જો તેનાથી હૃદયનો તીવ્ર પ્રેમ અનુભવાઈ રહ્યો છે તો તમારે એના માટે જ પ્રયત્ન કરવાનો છે, એજ તમારા આત્માનો અવાજ છે. પછી ભલેને દુનિયાની સૌથી સુંદર સ્ત્રીને આખી દુનિયા કે સ્વયં ભગવાન જ તમારો સોલમેટ કહીને તમારી સામે ઉભી કરી દે, તો પણ તમારું સત્ય, તમારો ભગવાન તો એ સ્ત્રી જ છે જેનાથી તમને પ્રેમ અનુભવાઈ રહ્યો છે. એટલે જેનાથી પ્રેમ છે એના માટે જવાનું છે. ચાહે વચ્ચે ગમે તેટલા અવરોધો કેમ ન હોય, તેનાથી સત્યના માર્ગે ઉપર ઉઠી જવાનું છે. આ જ સિમ્પલ વાત સત્ય છે. આ સરળ સત્યને સોલમેટની કોઈ બિનજરૂરી વાતને વચ્ચે લાવીને કોમ્પ્લિકેટ કરવાની જરૂર નથી. સદગુરુનો કહેવાનો અર્થ આ હતો. બાકી, સદગુરુ પોતે કહી ચુક્યા છે કે તે પોતાના પાછલા જન્મ જાણે છે અને તેમની આ જન્મની પત્ની તેમની ગયા જન્મની બહેન હતી.

 

એ આત્માઓ જે અનેક જન્મ સુધી પ્રેમથી જોડાયેલા રહે છે તેમના વિશે બીજી કેટલીક અગત્યની બાબતો જાણવી જરૂરી છે.

  1. એ જરૂરી નથી કે દરેક સોલમેટ પતિ-પત્નીના સંબંધથી જ જોડાયેલા હોય.
  2. સોલમેટ એ કોઈ બંધન નથી. તે પ્રેમનો એક આનંદ છે. ‘કેટલાક જન્મોથી કોઈનાથી જોડાયેલા છીએ એટલે આ બધું કરવું પડે છે’ એવું બંધન લાગવા લાગે અને તેનાથી મુક્ત થવાની ઈચ્છા સતત જળવાઈ રહે તો તે જ જન્મથી માણસ તેના ઋણ ચૂકવીને અલગ જવાનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. તેને એવું જ કરવું જોઈએ. પણ એ નિર્ણય હ્રદયથી, આત્માથી આવેલો હોવો જોઈએ. ખાલી સાંસારિક અવરોધોને કારણે એ આત્માથી છૂટવું હોય અને અંદર પ્રેમ જીવંત રહેલો હોય તો એ કમજોરી અને કાયરતા છે. એ કિસ્સામાં જેનાથી કાયરતા ઉત્પન્ન થતી હોય તે સંસાર જ દુઃખોનું કારણ બની જાય છે. ધીરે ધીરે તે જન્મમાં અથવા પછીના જન્મમાં આત્માનું એ જોડાણ સાંસારિક રૂપ લેવા લાગે છે. એટલે ઇન શોર્ટ, જો હૃદયથી તમે એ વ્યક્તિને ભૂલી શકતા હોય અને તેનાથી છૂટવામાં મુક્તિ લાગતી હોય તો તમે તે વ્યક્તિથી પ્રેમથી નહિ ફક્ત ઋણથી જોડાયેલા છો એમ સમજવું. આ એક પ્રયોગની રીત છે. એટલે છેલ્લે, બે વાતો જરૂરી છે.

તમે તમારા હૃદયના અવાજ પ્રત્યે પ્રામાણિક હોવા જોઈએ.

અને યાદ રાખો કે સોલમેટ એ કોઈ બંધન નથી. તે પ્રેમનો આનંદ છે. તે સંસારનું મૂળ ધ્યેય છે.

July / 2017 / On Facebook

ગુજરાત સમાચારની હેડલાઈનનો વિરોધ

આજે ગુજરાત સમાચારની હેડલાઈન્સ વાંચીને ના રહેવાયું.

‘સેના હટાઓ નહિતર યુદ્ધ માટે તૈયાર રહો – ચીન.’

‘અમારા સર્વ ભૌમત્વની રક્ષા માટે અમે કઈ પણ કરીશું. – ચીન.’

            એકબાજુ જયારે ડોકલામ મુદ્દે આખો દેશ ચિંતામાં છે ત્યારે ભારત દેશના છાપાની હેદ્લાઈન્સ ચીનના મુખપત્ર જેવી જોઇને એક ક્ષણ સંદેહ થયો કે ક્યાંક હું આજે સવારે ચીનમાં તો નથી ઉઠ્યો. આ પહેલા પણ આ સમાચારપત્રમાં પાકિસ્તાન તરફથી આવી હેડલાઈન આપને જોઈ ચુક્યા છીએ.

‘સિંધુ સૌદો રદ કરો અને યુધ્ધ માટે તૈયાર રહો.- પાકિસ્તાન.’

‘અમે મ્યાનમાર નથી. ભારત સીમાઓ ઓળંગશે તો અમે ચુપ નહિ બેસીએ. – પાકિસ્તાન’

‘પાકિસ્તાનની મોદીને લપડાક.’, ‘પાકિસ્તાનનો ભારતને તમાચો.’

            આ બધી હેડલાઈન ગુસ્સો પ્રેરે એવી હોવા છતાં દેશહિત માટે ગંભીર નહોતી. તેની કોઈ અસર ન જાણીને અવગણી શકાતી હતી. પણ જયારે ડોક્લામમાં કોઇપણ ક્ષણે યુધ્ધ ફાટી નીકળે એમ છે અને છેલ્લા પંદર દિવસથી ચીન વિવિધ માધ્યમે સતત ભારતને ધમકાવી રહ્યું છે ત્યારે ભારતની જનતાની સવાર આવી દહેશત ફેલાવતી હેડલાઈનથી કરવી અને એમાં પણ ભારત શું જવાબ આપે છે એના કરતાં ચીન આપણને કેવું ધમકાવી રહ્યું છે એ જનતાને કહેવું – હું એને અસંવેદનશીલતા અને વ્યિક્તગત સ્વાર્થમાં અંધ થવું માનું છું. હું લોકોને કહેવા માંગું છું કે આમાં દેશદ્રોહી માનસિકતા નથી. આ બસ નરેન્દ્ર મોદીના વિરોધની સીમાઓ ઓળંગેલી રીત છે. રોજ ગુજરાતના લોકોને ડરાવવામાં આવે છે કે જુઓં તમે મોદીને ચૂંટી લાવ્યા અને દેશને કેવો ખતરો છે. હું કહી દેવા માંગું છું કે હું પ્રધાનમંત્રી મોદીના ડોક્લામ સ્ટેન્ડ પર એમના સાથે છું. આટલી ભયાનક ધમકીઓ વચ્ચે પણ એ માણસે એકલા હાથે સાહસ અને દેશની ઈજ્જતને છાજે એવું સ્ટેન્ડ લીધું છે. જો ચીન સાથે યુધ્ધ થઇ જાય તો એ માણસની આર્થિક સુધારાની બધી યોજનાઓ પડી ભાંગે, દેશને ભયંકર આર્થિક અને જાનમાલનું નુકશાન થાય અને તોય અંતે તો હાર જ મળવાના ચાન્સ વધુ હોવા છતાં એ માણસે ના ખાલી ભારતના નાગરિકોનું પણ એશિયાના અનેક નાના-મોટા દેશોનું  મનોબળ વધાર્યું છે. અને આ હિમતવાન નિર્ણયમાં હું પ્રધાનમંત્રીના સાથે છું, ભલે કાલે યુધ્ધ ફાટી નીકળે અને ચીની બોમ્બ મારા ઘર પર જ પડે અને હું મૃત્યુ પામું. હું એક ભારતીય તરીકે એણે એક શૂરવીરનું મૌત માનીશ અને ખરેખર એ એક આત્મસંતોષ આપનારું મૃત્યુ હશે.

            તો, આજથી આ નકારાત્મકતા અને દહેશત ફેલાવનાર છાપું મારા ઘરમાં નહિ આવે. હું કોઈને બોયકોટ નથી કરી રહ્યો, ના કોઈને એવું કરવા પ્રેરી રહ્યો છું. બસ એક નાગરિક તરીકે આ મારું વ્યક્તિગત સ્ટેન્ડ છે. હું રોજ મારી સ્વર દુશ્મન દેશની ધમકીઓથી ડરીને પાડવા નથી માંગતો. હું એ છાપામાં કોલમ લખું છું, જેને હું એક સ્વતંત્ર કામ માનું છું. છતાંય, એ કામનું હવે શું ભવિષ્ય છે એ નિર્ણય હું એ વર્તમાનપત્ર પર છોડું છું.

14 July / 2017 / On Facebook

ગુજરાત સમાચાર છોડવાની ઘોષણા

“તો પ્રોજેક્ટર હવે બંધ થઇ રહ્યું છે.”

તો પ્રોજેક્ટર કોલમ હવે બંધ થઇ રહી છે. મહાભારતના પાત્રોમાં મારો સૌથી વધુ વિરોધ કર્ણના પાત્રથી રહ્યો છે. આટલો પરાક્રમી અને સત્પુરુષ માણસ ખાલી એટલા માટે આજીવન અધર્મના પક્ષે રહે છે કારણ કે એ તેના મિત્રનો માર્ગ છે અને તે મિત્રના તેના પર ઉપકારો છે. આખરે તે પોતે તો નષ્ટ થાય જ છે, મિત્રને પણ નષ્ટ થવા દે છે. જો કોઈએ તમારા પર ઉપકાર કર્યો છે તો એ ઉપકારના બદલામાં તમારી સૌથી મોટી જવાબદારી એ છે કે તમે પરિણામની ચિંતા કર્યા વગર હંમેશા તે માણસને સત્ય કહો અને તેને સાચા માર્ગથી માહિતગાર કરતા રહો. બસ આ સમજના કારણે મેં કર્ણ બનવાથી હંમેશા ઇન્કાર કર્યો છે. પણ છતાંય ગુજરાત સમાચારની હેડલાઈન્સ વિશેના મારા વિરોધમાં મેં એક ભૂલ કરી છે. જો તમને લાગે કે તમારો કોઈ પોતાનો માણસ ભૂલ કરી રહ્યો છે તો તમારી ફરજ એ છે કે તેને પહેલા અંગતમાં જણાવો અને પોતાના કાર્ય તથા નિર્ણય પર પુન:વિચાર કરવાની કે તેને બદલવાની તક આપો. જો એના પછી પણ તમારો વિરોધાભાસ ચાલુ રહે તો તમને હક છે જાહેરમાં તમારું કારણ આપી તમારો માર્ગ અલગ કરવાનો. પણ વર્તમાનપત્રની લીડરશિપને આવું અંગતમાં કહેવાનો મને હક છે કે નહિ એનો નિર્ણય હું ના કરી શક્યો અને મેં મારા વિચારો સીધા જાહેરમાં રજુ કરી દીધા. આ ખાલી ભૂલ નથી. આ મર્યાદાનું ઉલ્લંઘન છે. અને એની જવાબદારીરુપે હું ગુજરાત સમાચારની લીડરશીપ સામે સાચા અંતઃકરણથી માફી માંગુ છું અને સામે ચાલીને રવિપૂર્તિની મારી કોલમને છોડી રહ્યો છું. પણ મેં આ અવાજ કેમ ઉઠાવ્યો એના મૂળમાં મીડિયા વિશેના મારા આ અલગ પડતા વિચારો છે જેને અહીં કહેવા જરૂરી છે.

            મીડિયાની શરૂઆત લોકશાહીની શરૂઆત સાથે થઇ. લોકશાહીમાં લોકો પોતાની ઈચ્છાઓ અને ધારણાઓ પ્રમાણે સમાજને ચલાવવા માટે પોતાના અમુક પ્રતિનિધિઓ નીમવા લાગ્યા અને તેમને સંસદમાં મોકલવા લાગ્યા. પણ સંસદમાં જતા જ એ પ્રતિનિધિઓ પરથી પ્રજાનો કાબુ જતો રહેતો. આથી જે કામ કરવા જનતાએ એ પ્રતિનિધિઓને મોકલ્યા છે એ કામ તે કરે છે કે નહિ એની જાંચ રાખવા પ્રજાના બીજા પ્રતિનિધિ તરીકે મીડિયાની શરૂઆત થઇ. જો પ્રજાની ઈચ્છા મુજબ કાર્ય ન થતા હોય કે ભ્રસ્ટાચાર થતો હોય તો મીડિયા પ્રજા વતી સરકાર પર દબાણ ઉભું કરતી કે ‘ભાઈ, તમને આ કરવા મોકલ્યા છે તો તમે કેમ હજી કરતા નથી.’ અને જો સરકાર પ્રજાની ઈચ્છા મુજબ કાર્ય કરતી તો એ જ મીડિયા પ્રજા વતી સરકાર સુધી એ સંદેશ પણ પહોંચાડતી કે ‘પ્રજા મારાથી ખુશ છે, આ રીતે જ આગળ વધતા રહો.’ આજે પણ જે મીડિયા આ રીતે કાર્ય કરે છે તેનાથી પ્રજા ખુશ છે. પણ સમય સાથે મીડિયાના માલિકોમાં એક એવી થિયરી આવી કે ‘શું સાચું છે અને શું ખોટું એ પ્રજાને સમજાવવાનું કામ અમારું છે. મીડિયા જ પ્રજાનો મત ઘડે છે.’ મીડિયાના મૂળભૂત વિચારમાં આ એક ભયંકર યુટર્ન છે. કારણ કે કરોડોની સંખ્યામાં રહેલી પ્રજાને કોઈ બે-ત્રણ માણસો સમજાવવા આવે કે શું સાચું છે અને શું ખોટું એ સત્તાના એક નવા કેન્દ્રનો ઉદય છે, જે ભ્રસ્ટાચાર અને જનમાનસના દમનનું સાધન બની શકે છે. અને જયારે એવું થાય છે ત્યારે પ્રજાના મત અને મીડિયાના મતમાં સંઘર્ષ ઉત્પન્ન થાય છે. અને આજે એ જ થઇ રહ્યું છે. પ્રજાતંત્રમાં હંમેશા જનચેતનાને પ્રાધાન્ય અપાયું છે. કારણ કે મીડિયાના કોઈ ચાર-પાંચ માણસોનો મત સ્વાર્થ અને વ્યક્તિગત એજેન્ડાથી ભરેલો હોઈ શકે છે. પણ કરોડો લોકોની સામુહિક જનચેતનામાંથી નીકળતા મતમાં વ્યક્તિગત સ્વાર્થ અને અહમ ચળાઈ જાય છે અને લોકહિતનો એક સામાન્ય વિચાર જ બહાર આવે છે. તે વિચાર કોઈ બે-ત્રણ જણાએ એસી ઓરડામાં બેસીને ઉપજાવેલો નથી હોતો. તે કરોડો લોકોએ જમીન પર રહીને સામનો કરેલી સામાજિક વાસ્તવિક્તાઓમાંથી નીકળ્યો હોય છે. આથી ઇતિહાસે પણ સમયે સમયે જનચેતનામાંથી નીકળેલા વિચારોને જ વિજયી બનાવ્યા છે. એટલે જનચેતનાથી વિપરીત જવું એ સ્વયં સમયથી અને ઇતિહાસથી વિપરીત જવા સમાન છે. તો સવાલ કોઈ એક-બે હેડલાઇન્સને સાચી કે ખોટી સાબિત કરવાનો નથી. સવાલ છે આત્મમંથનનો કે કેમ સરકાર સામે પ્રજાનો પક્ષ રાખનારી મીડિયા સામે જ પ્રજાનો સંઘર્ષ વધી રહ્યો છે? અને કેમ આશ્ચર્યજનક રીતે સરકાર અને પ્રજા વચ્ચે એકતા વધી રહી છે? અઢીસો વર્ષના લોકશાહીના ઇતિહાસમાં આ પહેલો સમય છે જયારે સમગ્ર વિશ્વભરમાં આ ચિત્ર ઉપસી રહ્યું છે.

            જ્યાં સુધી પ્રજાનું માર્ગદર્શન કરવાનું કામ છે એ આપણે પૂર્તિઓમાં આવતી કોલમો દ્વારા કરીએ છીએ. એટલે આટલા સમય સુધી હું એમ જ સમજતો રહ્યો કે કોઈપણ વર્તમાનપત્રના મુખ્ય પાના અને તેના પૂર્તિના પાના એ બંને એકબીજાથી સ્વતંત્ર છે. તેમનું કામ અલગ છે. પૂર્તિમાં લખતા કોલમિસ્ટ એ સ્વતંત્ર વિચારકો છે જે સમાજના વિવિધ વિષયો પર મંથન કરી સમાજનું માર્ગદર્શન કરે છે. એટલે જે કોલમિસ્ટ રાજનીતિ, ધર્મ, જાતી, શિક્ષણ જેવા વિષયો પર લખી શકે છે તે મીડિયાની ભ્રષ્ટતા વિષે પણ લખી શકે છે, ત્યાં સુધી કે તે જે અખબારની પૂર્તિમાં લખી રહ્યા છે એના મુખ્ય પાનાઓમાં પણ જો કોઈ જનચેતનાથી વિપરીત અવાજ પ્રગટતો હોય તો એના વિરુદ્ધ પણ તેઓ અવાજ ઉઠાવી શકે. બસ મેં એ જ કરવાની કોશિશ કરી. અને એ કોશિશ કર્યા પછી મને અહેસાસ થઇ રહ્યો છે કે હું મારા મનમાં એક અતિશય પારદર્શી અને આદર્શવાદી કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યો છું, જયારે બહારની દુનિયા હજી એટલી નિખાલસ અને પારદર્શી નથી. આ ભૂલ એ કહી રહી છે કે હું આ મુદ્દામાં મારા વિચારોની દુનિયા અને બહારની દુનિયા વચ્ચે સંતુલન જાળવવામાં નિષ્ફળ ગયો છું. એટલે મારા માટે આ આત્મમંથનનો સમય છે. હું મીડિયાના ફિલ્ડને છોડી ફરી એજ શૂન્યતામાં પાછો જઈ રહ્યો છું જ્યાંથી હું આવ્યો છું. જયારે આ બે દુનિયા વચ્ચે નક્કર સંતુલન મેળવી લઈશ ત્યારે પાછો ફરીશ, કોઈ બીજા જ માધ્યમ સાથે.

            બે વર્ષ સુધી મેં લખેલા સો જેટલા લેખો માટે મને લોકોનો અપાર પ્રેમ અને વાહવાહી મળી છે. દર અઠવાડીએ ફોન મારફતે અનેક લોકો વડે મળતી પ્રસંશા સાંભળવાની આદત પડી ગઈ છે, જેનાથી હવે છૂટવું પડશે. મેં મારા આજસુધીના એકપણ લેખ માટે કોઈ વળતર લીધું નથી. કારણ કે આ કાર્ય મારા માટે એક યજ્ઞ સમાન હતું. છતાંય મને હંમેશા ખુશી થઇ જયારે કોઈએ મુંબઈથી ફોન કરીને કહ્યું કે ‘હું ઘણા સમયથી મૂર્તિપૂજા કરવાનું અને મંદિરોમાં જવાનું છોડી ચુક્યો હતો પણ તમારો લેખ વાંચીને એનું વિજ્ઞાન સમજાયું છે એટલે હવે ફરી ચાલુ કરીશ.’ આ સિવાય બીજા અનેક રૂપકો અને વિશેષણો જે લોકોએ મને આપ્યા છે. ગુરુકુલમ હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળાના આચાર્ય હોય કે વડોદરાના એ રિટાયર્ડ સંસ્કૃતના અધ્યાપક સાહેબ હોય જે મને લગભગ છેલ્લા દરેક આર્ટિકલ પછી ‘અવતારી આત્મા’ કહેતા – આ બધા એ સુંદર અનુભવો છે જેણે હંમેશા મને સત્ય પર સ્થિર રહેવાની પ્રેરણા આપી છે. અને એ બધા સુંદર શબ્દો માટે હું મારા વાચકોનો ઋણી છું. જેમણે મને ફોન નથી કર્યો એ વાચકોની પણ એ ગેરસમજ હું દૂર કરી દઉં જે મારે લગભગ દરેક વાચકના ફોન વખતે દૂર કરવી પડતી હતી. એ જ કે ડો. કૌશિક ચૌધરી કોઈ ૬૦-૭૦ વર્ષના વૃધ્ધ વડીલ નથી. ડો. કૌશિક ચૌધરી એક ૨૯ વર્ષનો છોકરો છે.

            મારા લેખો દ્વારા જે પણ જ્ઞાન બહાર પ્રગટ થયું એનો સૌથી મોટો શ્રેય ભવેનભાઈ કચ્છી સાહેબને જાય છે જેમણે મારુ પુસ્તક વાંચ્યા પછી શ્રી શ્રેયાંશ શાહ સાહેબને મને એક કોલમ આપવા માટે મનાવ્યા. એ જ્ઞાન લોકો સુધી પહોંચ્યું એનો શ્રેય શ્રી શ્રેયાંશ શાહ સાહેબને જાય છે જેમણે એક સત્તાવીસ વર્ષના છોકરાને આ તક આપી. હું હર્ષભાઈ મેસ્વાણીયાનો પણ આભાર માનુ છું જેમણે હંમેશા સળગતા પ્રશ્નોને હાથ અડાડતા મારા લેખોને મેનેજ કરવામાં ભારે જહેમત ઉઠાવી છે. હું ભવેનભાઈ કચ્છી સાહેબ અને શ્રી શ્રેયાંશ શાહ સાહેબ એ બંને મહાનુભાવોનો ઋણી છું અને મારા વાચકોએ પણ રહેવું જોઈએ. હું જાણું છું મારા આ છેલ્લા કાર્યથી એ બંને મહાનુભાવોને દુઃખ થયુ હશે અને એ દુઃખ મને પણ એટલું જ થયું છે. મારા કાર્યમાં અડધી ભૂલ છે અને અડધો ધર્મ છે. મારી ભૂલ માટે હું બંને મહાનુભાવો પાસે માફી માંગુ છું અને જે ધર્મ છે એનું આગળ પણ વહન કરી શકું એ માટે આશીર્વાદ માંગુ છું. હું મીડિયાની દુનિયાથી હવે બહાર જઈ રહ્યો છું અને જતા જતા દરેક વર્તમાનપત્રને એક સલાહ આપતો જાઉં છું કે તમારી પૂર્તિઓમાં લખતા કોલમિસ્ટ તમારી થિન્કટેન્ક છે, જે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી આવે છે. દર ત્રણ કે છ મહિને એમની ગોષ્ઠિ જરૂર યોજો જેથી જનમાનસને સમજવામાં અને તેને સરકાર સમક્ષ પેશ કરવામાં મદદ મળશે. આવી થિન્કટેન્ક સરકાર પાસે પણ હોવી જોઈએ જે ચૂંટણી પત્યા પછી પણ દરેક વિષય પર જનમાનસ શું ચાહે છે એનું સરકારને ભાન કરાવે. રાજા રામથી લઈને રાજા ભરત સુધી લોકશાહી ભારતીય સભ્યતાનો મુખ્ય સુર રહ્યો છે. એટલે આપણી વ્યવસ્થાઓને જેટલી જનમાનસથી જોડેલી રાખીશું એટલી જ આપણી લોકશાહી વધુ સફળ થશે. અને એના માટે સૌથી વધુ જરૂર છે પોતાની ભૂલો પર આત્મમંથન કરવાની. હું મારા ભાગનું શરુ કરી રહ્યો છું. આશા છે કે દરેક પોતપોતાની જગ્યાએ પોતાના ભાગનું શરુ કરશે.

 

સારાંશ : સ્વધર્મને સમજાવવા હું હંમેશા લોકોને આ ઉદાહરણ આપું છું.
દ્વાપરયુગમાં રામે કહ્યું, ‘પિતાની આજ્ઞા માનવી ધર્મ છે.’ પણ ત્રેતાયુગમાં જયારે કૃષ્ણને પૂછવામાં આવ્યું કે ‘શું પિતાની આજ્ઞા માનવી એ જ ધર્મ છે..?’ તો કૃષ્ણએ કહ્યું, ‘પહેલા મને એ કહો કે પિતા આજ્ઞા શું આપે છે. જો એ આજ્ઞા જ અધર્મથી ભરેલી છે તો એનું પાલન કરવું એ જ સૌથી મોટો અધર્મ છે. શાસ્ત્રોમાં લખેલા શબ્દો ધર્મ નથી. ધર્મ એક ચેતના છે. એ ચેતના દરેક પ્રકારના મોહથી સ્વતંત્ર હોવી જોઈએ.’

August 18 / 2018 / On Facebook

આધ્યાત્મિક સવાલો વિશે એક જાહેર સૂચના

હું અલગ અલગ માણસો દ્વારા દિવસના પાંચથી સાત પ્રશ્નો મેળવું છું જે મોટાભાગે આધ્યાત્મિક વિષયના હોય છે. અને એમાંના મોટાભાગના નહીં, પણ બધા જ પ્રશ્નો એવા હોય છે જેના જવાબો હું મારા પુસ્તકમાં આપી ચુક્યો છું. કેટલાક વિષયોને તો મેં મારા લેખોમાં ફરીથી વિસ્તૃત રીતે ચર્ચ્યા છે. એ પુસ્તક મેં એટલા માટે જ લખ્યું છે કારણ કે સૃષ્ટિના સત્ય વિશે જેટલું પણ જાણ્યું છે એ બધું હું માનવજાતિને એક જ પુસ્તક દ્વારા આપી દઉં, જેથી લોકોને સત્ય જાણવા માટે જ્યાં ત્યાં ભટકવું ન પડે. જેથી દરેક માણસને એ અહેસાસ થઈ જાય કે સત્ય જાણવું મોટી વાત નથી, તેને જીવવું મોટી વાત છે. જેથી માણસના જીવનનો મોટાભાગનો સમય સત્ય જાણવા પાછળની રઝળપાટમાં વિતવાને બદલે સત્ય જીવવાની તપસ્યામાં વીતે. પણ કેટલાક લોકોને જેમ પૈસાથી ખરીદાતી વસ્તુઓના ભોગવિલાસની આદત હોય છે તેમ કેટલાક લોકોને અસ્તવ્યસ્ત વિચારોની દલીલો કરે જવાના ભોગવિલાસની આદત હોય છે. આ લોકો શારીરિક ભોગવિલાસમાંથી માનસિક ભોગવિલાસમાં આવી પડ્યા હોય છે.

            એટલે હવે, મને પર્સનલી કોઈપણ આધ્યાત્મિક પ્રશ્ન પૂછવાનો અધિકાર એને જ છે જેણે મારું પુસ્તક વાંચી લીધું છે. અને છેલ્લા ત્રણ મહિનાનો અનુભવ મને કહે છે કે જેમણે પુસ્તક વાંચ્યું છે તેમણે કોઈ પ્રશ્ન પૂછવા નહીં પણ ફક્ત એજ કહેવા મેસેજ કે ઇમેઇલ કર્યો છે કે ‘હવે કોઈ પ્રશ્ન નથી રહ્યા. બધા જવાબો મળી ગયા.’ હા, એ પુસ્તક વાંચ્યા પછી કોઈપણ વાત ન સમજાઈ હોય કે કોઈ વાતની વિસ્તૃત ચર્ચા કરવી હોય તો મને સંપર્ક કરવો તમારો અધિકાર પણ છે અને તમને સંતોષ થાય એવી સમજ આપવી મારી ફરજ પણ છે. પ્રતિલિપિ પર મારી લઘુકથા વિદેહી અને તેના સંલગ્ન લેખો તથા લઘુકથાઓ વાંચીને જે લોકો મને સવાલ પૂછે છે તેમને હું જવાબ આપું જ છું અને તે જવાબ મારી fb વૉલ પર પણ મૂકું છું. બસ, આધ્યાત્મિક બાબતમાં પણ હવે એમ જ કરવામાં આવશે.

            એ પુસ્તક મેં કોઈ બેસ્ટ સેલર બનીને નામના મેળવવા કે પૈસા કમાવવા માટે નથી લખ્યું. મેં જાણેલું આત્મજ્ઞાન દુનિયાને પીરસી દઈ ફરી મારી યાત્રામાં ધ્યાનસ્થ થઈ જવા માટે એ લખાયું છે. કોઈ ગમે તેટલા પુસ્તકો ખરીદી લે, મને એની કોઈ રોયલ્ટી મળવાની નથી. એટલે પુસ્તક ખરીદવાનું કહીને હું પૈસા કે નામના મેળવવા નથી માંગતો. હું બસ એ લોકોથી દૂર રહેવા માંગુ છું જે સત્યને જાણવા એક ત્રણસો પાનાનું પુસ્તક વાંચવાનો પણ પુરુષાર્થ કરી શકે એમ નથી અને છતાંય હમેશા બાલિશ સવાલો પૂછતાં રહીને પોતાને બુદ્ધિજીવી બતાવવાની કોશિશ કરતા રહે છે. લોકો વચ્ચે સતત નામના અને પ્રસંશા મેળવવાની ભૂખ મને નથી. મેં બસ એજ કોશિશ કરી છે કે મેં જે જાણ્યું છે તે મારા મનમાં ને મનમાં ના રહી જાય. કંઈક એવું જ જેવું એસ.રામાનુજ ચાહતા હતા. આ વાત લોકો નીચેના કેટલાક ઉદાહરણોથી સારી રીતે સમજી લે.

 

  1. હું રાજ્યના એક લિડિંગ ન્યૂઝપેપરની કોલમ બે વર્ષમાં છોડી ચુક્યો છું, એવા સમયે જ્યારે એ કોલમના લેખોએ ભારે ચર્ચા જગાડેલી હતી. એ પછી પણ મને બે ન્યૂઝપેપર તરફથી કોલમ લખવાની ઓફર મળી છે જેને હું વિનમ્રતાથી ના કહી ચુક્યો છું. કારણ કે મારે જે કહેવું છે એ કોઈપણ જાતની રોકટોક કે સેન્સરશીપ વગર હું સોશિયલ મિડિયા પર કહી શકું છું અને હું માનું છું કે જેને ખરેખર જરૂર હશે અને જે તેના માટે મહેનત કરતો હશે તેના સુધી એ વિચારો પહોંચી જ જશે.

 

  1. હમણાં કેટલાક મહિના પહેલા મને કોલેજમાં ભણતા એક વાચકની ફ્રેન્ડશિપ રિકવેસ્ટ આવી, જેના પ્રોફાઈલ પિક્ચરમાં મારો ફોટો હતો. મેં રિકવેસ્ટ કેન્સલ કરી દીધી. તેણે ફરી રિકવેસ્ટ ના મોકલી. કેટલાક દિવસો પહેલા બીજા એક એન્જીનીયરીંગ કરતા સ્ટુડન્ટની રિકવેસ્ટ આવી. તેના પ્રોફાઈલ પિક તરીકે એજ ફોટો હતો જે મારા પ્રોફાઇલમાં છે. મેં એને પણ કેન્સલ કરી. બે દિવસ પછી તેણે બીજો ફોટો મૂકી ફરી રિકવેસ્ટ મોકલી, તો મેં ઍક્સેપટ કરી દીધી. તેણે મેસેજ કર્યો કે ‘ગઈ વખતે તમે કેમ કેન્સલ કરી હતી..? તમારો ફોટો મેં મુક્યો હતો એટલે..?’ મેં કહ્યું, ‘હું ચેલાઓ અને ગુલામો ભેગા કરવામાં નથી માનતો. મારે મિત્ર તરીકે સ્વતંત્ર માણસો જોઈએ જે પોતાના અંતરાત્માને અનુસરવા સ્વતંત્ર હોય. હા, પ્રેરણા કે આદર્શ તું કોઈને પણ માની શકે છે, પણ એ આદર્શ પ્રત્યેનું સમર્પણ નિસ્વાર્થ હોવું જોઈએ. તેં બીજીવાર પણ મારો ફોટો રાખીને જ રિકવેસ્ટ મોકલી હોત તો પણ હું સ્વીકારી લેત. પણ આગળ એક જણાની મેં આ રીતે રિકવેસ્ટ કેન્સલ કરી ત્યારબાદ તેની ફરી રિકવેસ્ટ આવી નથી. મતલબ, મારા એક રિજેક્શનથી તેનો આદર્શ નષ્ટ થઈ ગયો. આ રીતે સિદ્ધિ નથી મળતી. આ પરીક્ષા હતી.’

 

  1. હું જ્યારે ત્રીજા ધોરણમાં શહેરમાં ભણવા આવ્યો ત્યારે એક છોકરાનો શાળામાં પ્રથમ નંબર આવતો હતો. તો અમારા ધોરણના ઘણાબધા છોકરાઓ હમેશા તેની પાછળ પાછળ ફરતા. એ જ્યાં પણ જતો તેના એ અનુચરોનું મોટું ટોળું એની સાથે જતું અને એની વાતમાં ‘હા..હા’ કરે જતું. પાંચમા ધોરણથી એ છોકરાથી આગળ નીકળી હું પ્રથમ આવવા લાગ્યો. પંદરેક દિવસમાં જ એના પાછળ ફરતા છોકરા હવે કોઈના કોઈ બહાને મારા આગળ પાછળ ફરવા લાગ્યા. એક રિસેસમાં એ બધાને સામે બેસાડીને મેં કહ્યું, ‘મારે ચમચાઓ નથી જોઈતા. મારે ફક્ત મિત્ર જોઈએ. મારા પાછળ ફરવાથી તમે ફક્ત ચમચા જ દેખાવવાના છો. હવેથી મારી સાથે એજ રહેશે જે મારો મિત્ર હોય. જેને હું ગમે તેટલું કડવું બોલું તોપણ એ સાંભળી શકે અને તેનામાં તાકાત હોય મને કડવું સત્ય બોલી દેવાની.’ તે દિવસથી મારા ગ્રુપમાં મારા 6 નજીકના મિત્રો જ હતા જે મારી પાછળ નહીં, મારી સાથે ચાલતા. ક્યારેક હું મારા ધુની સ્વભાવના કારણે તેમની પાછળ ચાલતો.

           

            છેલ્લે, સ્વામી વિવેકાનંદના એક ઉદાહરણ દ્વારા આ વાત પુરી કરીએ. વિવેકાનંદ અમેરિકાના એક હોલમાં ભાષણ આપી રહ્યા હતા. સાંજનો સમય હતો અને વિવેકાનંદ કોઈ અલૌકિક સ્થિતિમાં જતા રહી ભાષણ આપી રહ્યા હતા. સભાખંડના તમામ લોકો સમય અને સ્થાન ભૂલી વિવેકાનંદના શબ્દોમાં એવો પરમાનંદ મેળવી રહ્યા હતા કે કોઈનો ઊંડો શ્વાસ લેવાનો અવાજ પણ નહોતો આવતો. કંઈક આવા જ સમયે વિવેકાનંદને કંઇક અહેસાસ થયો અને તે અચાનક ભાષણ અટકાવી ખંડની બહાર ગેલેરીમાં જતા રહયા. તેમના એક શિષ્ય તેમની પાછળ ગેલેરીમાં ગયા અને વિવેકાનંદને પૂછ્યું, ‘શું થયું સ્વામીજી..? કેટલું સુંદર ભાષણ આપી રહ્યા હતા તમે, લોકો હજી એ અલૌકિક સ્થિતિથી નીચે ઉતર્યા નથી.’ વિવેકાનંદે કહ્યું, ‘મેં એટલે જ અટકાવી દીધું. મને અહેસાસ થયો કે જો આજે આ ભાષણ મેં પૂરું કર્યું તો આ ઓરડામાં બેઠેલો એક એક માણસ આજીવન મારો ગુલામ બની જશે. હું કોઈને શું કામ ગુલામ બનાવું..? દરેક માણસ પોતપોતાની રીતે પરિશ્રમ કરે અને પોતાના માર્ગે મુક્તિ મેળવે. હું તો ફક્ત પ્રેરણા આપવા અને દિશાસૂચન કરવા આવ્યો છું. તેમને કહી દો કે ભાષણ પૂરું થઈ ગયું. તે ચાહે તો જઇ શકે છે.’

            તો બસ આ છે. હું એ માટે જ છું. આપણું આ અસ્તિત્વ શું છે અને આપણે તેમાં કેમ છીએ તેનો છેલ્લામાં છેલ્લો વૈજ્ઞાનિક જવાબ હું મારા પુસ્તકમાં આપી ચુક્યો છું, જે દુનિયાના બીજા કોઈ આધ્યાત્મિક કે વૈજ્ઞાનિક ગ્રંથમાં મેં પોતે મેળવ્યો નહોતો. પુસ્તક તમારા નજીકના બુકસ્ટોર પર ઉપલબ્ધ હશે. ત્યાં વેચાઈ ગયું હોય તો નવભારત સાહિત્યમંદિરની વેબસાઈટ પરથી ડિસ્કાઉન્ટ સાથે મળી જશે. પુસ્તક મેળવવામાં કોઈ તકલીફ પડે તો મારો સંપર્ક કરી શકો છો, હું તમારા ઘરે મોકલી અપાવીશ.

November 23 / 2018 / On Facebook

મારા જીપીએસસી અનુભવ વિશે એક જરૂરી સૂચના

તો એક મહત્વપૂર્ણ અનુરોધ કરવા મારા એકાંતવાસમાંથી બહાર આવવું પડ્યું છે. લગભગ બે વર્ષ પહેલા મેં લખેલા જીપીએસસીની અપારદર્શક પરીક્ષા પદ્ધતિ વિશેના લેખોની ઘણી સકારાત્મક અને નકારાત્મક અસરોથી હું સતત રૂબરૂ થતો રહ્યો છું. ઘણીબધી સકારાત્મક વાતો વચ્ચે જે એક નકારાત્મક વાત મેં વારંવાર સાંભળી છે તેના વિશે વાત કરવા આ લેખ લખી રહ્યો છું.

‘કૌશિકભાઈ જેવા લોકોને પણ જો ઓરલ એક્ઝામમાં બે-બે વાર આ રીતે ફેલ કરાતા હોય તો આપણે તો ક્યાંથી પાસ થઈએ..?’

            જ્યારે મેં એ લેખ લખ્યા ત્યારે જે સાંભળવાની બિલકુલ અપેક્ષા કે કલ્પના નહોતી તે આ શબ્દો હું વારંવાર લોકોના મોંઢે સાંભળી રહ્યો છું. અને એ એટલું એપિડેમીક છે કે પાલનપુરમાં બનાસડેરીના કર્મચારીઓમાં તો ઓલરેડી સરકારી નોકરી કરતા પણ હજી સારી નોકરી માટે જીપીએસસીની તૈયારી કરતા અનેક લોકોના મોંઢે આ વાત મેં અથવા મારા સબંધીઓ અને મિત્રોએ સાંભળી છે. મહેસાણા, સાબરકાંઠાથી લઈને અમદાવાદ સુધી જ્યારે હું એક કાર્યક્રમમાં હાજરી લેવા ગયો તો ત્યાં પણ આ વાત કહેવાવાળા લોકો મળ્યા. અને એ લોકોને રૂબરૂ મેં જે જવાબ આપ્યો એજ બધાને કહેવા અહીં આ લખી રહ્યો છું.

            પહેલા એ જણાવી દઉં કે સરકારી નોકરી હંમેશાથી મારા સ્વભાવના વિપરીત રહી છે. મારા મમ્મી-પપ્પા બંને સરકારી નોકરિયાત રહ્યા હોવાથી અને હવે પ્રાઇવેટ સેક્ટર ડાઉન જવા અને નોકરીઓનો પગાર વધી જવાના કારણે ઘર તરફથી દબાણ હતું. આગળ જતાં મને એમાં મારો એક ફાયદો જણાયો. હું બેલુરથી પાછો આવ્યો ત્યારથી મારે આગળ જતાં એક અતિમુશ્કેલ કાર્ય કરવાનું છે તેનો મને આભાસ હતો. જે સમયમાં ડેન્ટલ સર્જનની ઉપરાઉપરી બે જાહેરાતો આવી તે સમયમાં જ હું એ સમજી ચુક્યો હતો કે હવે એ મુશ્કેલ કાર્યનો સમય નજીક છે. અને પરીક્ષા પાસ કરીને ક્યાંક દૂર સ્થાયી થઈ જાઉં તો એ કાર્ય કરવું ન પડે અને એ પરિસ્થિતિથી હંમેશા માટે બચી જાઉં – આ વિચારે મેં પરીક્ષાની તૈયારી શરૂ કરેલી. પણ જ્યારે બંને વખતે થીયરી પાસ કર્યા પછી ઇન્ટરવ્યૂમાં 100 માંથી 12 માર્ક્સ જ આવ્યા, એ પણ સારી રીતે ગયેલા ખુશનુમા ઇન્ટરવ્યૂ પછી, ત્યારે એ મારા અહમ પર થયેલા ભારે હુમલા સમાન હતું. કારણકે આખા કેરિયરમાં આટલા ખરાબ માર્ક્સ મને ક્યારેય નહોતા મળ્યા. પણ અંદરથી હું જાણતો હતો કે આ સત્ય વિરુદ્ધ જવાની કોશિશોની સજા છે અને હવે મારે એ કામથી ભાગવાની કોશિશો બંધ કરી દેવી જોઈએ. આ સ્વીકારી લેતાં જ હું કોલેજકાળ પછી બીજીવાર સાક્ષાત્કારોમાંથી પસાર થયો અને એ આખા કાર્યનું કારણ અને મહત્વ જાણી લીધું. આજે હું એ કાર્ય પૂરું કરી ચુક્યો છું અને આજે જ્યારે જીપીએસસી પાસ કરીને ભાગવાની મારી એ મનોદશા યાદ કરું છું તો મારા પર હસવું આવે છે અને ક્યાંક ગુસ્સો પણ. કારણકે એ કાર્ય એટલું મહત્વપૂર્ણ હતું કે તેને કર્યા વગર મારો આ જન્મ લેવો જ વ્યર્થ જાય એમ હતું. મતલબ, એ શક્ય જ નહોતું કે હું એનાથી ભાગી શકું.

            તો હવે સવાલ છે કે મેં એ લેખ કેમ લખ્યા..? કારણકે જે દુષણથી તમે રૂબરૂ થાઓ એ દુષણનો ભોગ કોઈ બીજો ના બને એની કોશિશ કરવી એ આપણો ધર્મ છે. એટલા સારા ઇન્ટરવ્યૂ પછી જો કોઈ 100 માંથી 12 માર્ક્સ આપે છે અને એ પણ ઊંચા માર્કસે થીયરી પરીક્ષા પાસ કરીને આવનારને અને એ પણ આટલી મહત્વપૂર્ણ પરીક્ષામાં જ્યાં માણસની રોજગરીનો સવાલ હોઈ શકે છે તો એ માર્ક્સ કેવી રીતે અપાયા એનું સ્પષ્ટીકરણ આપનાર અને જવાબદારી લેનાર કોઈ હોવું જોઈએ. કારણકે ઘણા આર્થિક સમસ્યામાંથી ગુજરતા પરિવારો અત્યારે સરકારી નોકરીમાં જ પોતાનો ઉધ્ધાર કરવાની કોશિશ કરી રહ્યા છે. એ ઘરોમાંથી મહેનત કરીને આવનારા ગરીબ છોકરા-છોકરીઓ આવી કોઈ ભ્રષ્ટ વ્યવસ્થાના ભોગ બને તો એનાથી વધુ અમાનવીય બીજું કાંઈ નથી. એવા સમયે રાજનૈતિક ટિપ્પણીઓ કે બચાવ કરવા એ પણ અસંવેદનશીલતા ગણાય છે. હવે તો ઓરલના માર્ક્સ 50 થઈ ગયા છે પણ છતાંય ગોલમાલ એમાં પણ બહાર આવી જ છે. એટલે સરકાર અને જીપીએસસી પ્રામાણિક છે એવું ત્યારે જ કહેવાશે જ્યારે ઓરલ ઇન્ટરવ્યુના માર્ક્સ 20 જ હોય અને જ્યારે કેન્ડીડેટ ઇન્ટરવ્યૂ આપીને બહાર નીકળે ત્યારે એના માર્ક્સ તે જ સમયે બહાર સ્ક્રીન પર આવી જાય.

            તો એ લેખો આ સામાજિક જવાબદારીના ભાગ રૂપે હતા. મેં ચૌધરી અટકના કારણે કલાસ 2 ની ઓરલ પરીક્ષાઓમાં થતા અન્યાયની વાત કરી એ પણ મારી જાતિ માટે નહોતું, એ પણ સામાજિક જવાબદારીના ભાગ રૂપે હતું. વાત જ્યારે સાચા અને ખોટાની હોય ત્યારે હું મારી જાતિ અને તારી જાતિમાં નથી પડતો, ના હું એ મૂર્ખાઓમાંથી છું જે પોતાની જાતિ કે ધર્મ વિરુદ્ધ જાણી જોઈને બોલીને બુદ્ધિજીવી કે લિબરલ હોવાનો દંભ ભરે છે. પણ હોઈ શકે હવે પરિસ્થિતિ બદલાઈ હોય અને હવે ઓરલ એક્ઝામના માર્કસમાં થતા ભ્રષ્ટાચારમાં જાતિનું પરિબળ ધ્યાનમાં ન લેવાતું હોય, જે 2017 ની ચૂંટણી પહેલા લેવાતું હતું. એટલે આખા લેખનો સુર એ છે કે દરેકનો જીવનમાર્ગ અને ભાગ્ય અલગ છે. કોઈ બીજાના પરિણામને પોતાના સંભવિત પરિણામ તરીકે ગણીને હાર માનવામાં આપણું નુકશાન જ નથી, આપણું અપમાન પણ છે. મારા જીપીએસસીના પરિણામોએ મને એ સંકેત અને જ્ઞાન આપ્યું કે મારા જીવનની દિશા એ નથી. હવે હું જાણું છું એ દિશા કઈ તરફ છે. પણ જો ક્યારેય મને ખબર પડે કે મારા જીવનને સાર્થકતા આપવામાં જીપીએસસીની એ પરીક્ષા પાસ કરવી જરૂરી છે તો હું ત્યાં સુધી જંપીશ નહીં જ્યાં સુધી હું એને પાસ ન કરી દઉં. બસ આપણે આપણા જીવનને એ રીતે જ જીવવાનું છે. જે જરૂરી છે એ કરવું ભલે આજ સુધી દુનિયામાં કોઈએ એ કેમ ન કર્યું હોય કે કોઈ એ કેમ ના કરી શક્યું હોય.

સમાપન સદગુરુના આ મહત્વપૂર્ણ શબ્દોથી કરીએ જે મારા જીવનની મુખ્ય ફિલોસોફી રહી છે.

‘મૂર્ખ માણસો મજબૂરીના બહાને જીવનમાં એ કરતા રહે છે જે તેમને નથી કરવું. ચાલાક માણસો પોતાની ચાલાકીથી જીવનમાં એ કરતા રહે છે જે તેમને કરવું છે. પણ મહાન માણસો જીવનમાં એ કરે છે જે જરૂરી છે, તેમાં તેમની વ્યક્તિગત પસંદગી કે નપસંદગીનો સવાલ નથી હોતો, તેમાં સમાજની પસંદગી કે નપસંદગીનો પણ સવાલ નથી હોતો.’

September 05 / 2018 / On Facebook

ગુરુ-પૂર્ણિમા સ્પેશ્યલ

“શિક્ષક બાળપણમાં જે નાના બીજ રોપે છે તે આગળ જતા કેવા મોટા થાય છે તેનો એક દાખલો.”

અગિયાર સાયન્સમાં હું કેમેસ્ટ્રીના રાસાયણિક સમીકરણો નહોતો સમજી શકતો. મને એ રાસાયણિક પ્રક્રિયાઓને સંતુલિત કરતા નહોતી આવડતી. ક્યારે ક્યાં આગળ બે મુકવા અને ક્યાં ચાર મુકવા. અને સૌથી ઈમ્પોર્ટન્ટ સવાલ કેમ મુકવા..? ના રહેવાયું એટલે એક દિવસ પીરીઅડ પત્યા પછી અમારા કેમેસ્ટ્રી ટીચરને મળ્યો અને આ બધી પ્રક્રિયાઓ કેમ સંતુલિત કરવાની એ સમજાવવા કહ્યું. સરે એક જ વાત કહી, ‘કેમેસ્ટ્રીની જ નહિ આ બ્રહ્માંડની દરેક પ્રક્રિયા અસંતુલનથી સંતુલન તરફ ગતિ કરે છે. એકવાર પ્રક્રિયામાં અસંતુલન ઉભું થઇ ગયું પછી તે પ્રક્રિયામાં જે પણ ઘટનાઓ બનશે તે સંતુલનને પાછું મેળવવા માટે જ હશે. બસ આપણે જ્યાં ત્યાં બે કે ચાર મૂકીને તે પ્રક્રિયાને મદદ કરવાની છે.’ 

            મારા માટે આ બ્રહ્મવાક્ય હતું. તેણે એ રાસાયણિક પ્રક્રિયાઓમાં તો મને પાવરધો બનાવ્યો જ પણ વર્ષો પછી હું જયારે આધ્યાત્મિક માર્ગે જાણેલા સત્યોને વિજ્ઞાનની ભાષામાં વર્ણવવા બેઠો ત્યારે એ ગ્રંથનો પહેલો જ ક્લોઝ આ હતો. ‘આ સૃષ્ટિની દરેક ઘટના અસંતુલનથી સંતુલન તરફ ગતિ કરે છે. એટલે આ સૃષ્ટિ પણ જે ક્યારેક એક બિંદુવત દડા (singularity) રૂપે સંતુલિત અવસ્થામાં હતી તે બીગબેંગના વિસ્ફોટ સાથે વેરવિખેર થઈને અસંતુલનમાં આવી. એટલે તે દિવસથી આજ સુધી આ સૃષ્ટિમાં જે પણ ઘટનાઓ બની છે તે એ બિંદુવત દડા રુપેનું સંતુલન પાછું મેળવી લેવા બની છે. અને ભવિષ્યમાં જે ઘટનાઓ બનશે તે પણ એ માટે જ હશે. આ સૃષ્ટિ એક પિંડના એકત્વમાંથી આવી છે અને એ પિંડના એકત્વને પાછું મેળવી લેવા સતત કોશિશ કરી રહી છે. આપણી આસપાસ ઘટતી દરેક નાની-મોટી ઘટનાનું કારણ આ જ છે. આપણે બધા આપણા એ એકત્વ તરફ ગતિશીલ છીએ. જયારે આપણા કર્મો આપણા એ એકત્વની દિશામાં થાય છે ત્યારે આપણે સુખ અને આનંદ મેળવીએ છીએ. અને જયારે આપણા કર્મો આપણા એ એકત્વથી વિપરીત દિશામાં થાય છે (એટલે કે વ્યક્તિગત સ્વાર્થની દિશામાં) ત્યારે આપણે દુઃખી થઈએ છીએ અને નષ્ટ થઈએ છીએ. આતંકવાદ, જાતિવાદ, પ્રદેશવાદ અને સંપ્રદાયવાદથી બ્રાહ્મણવાદ સુધીના આ બધા દુષણો આપણને આપણા એ એકત્વની વિપરીત દિશામાં ધકેલે છે. એટલે જ તો તે આપણને નષ્ટ કરી રહ્યા છે.’ 

            જયારે તત્વચિંતકો અને વૈજ્ઞાનિકોએ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીથી સમાજજીવન સુધીનું આ એકીકૃત વિજ્ઞાન સાંભળ્યું તો એમના આશ્ચર્યનો પાર નહોતો. તેમને થયું કે આટલું સરળ પણ કોઈ વર્ણન હોઈ શકતું હતું..! પણ મેં જેમ કહ્યું તેમ તેનું બીજ મારા એ કેમેસ્ટ્રી ટીચરના શબ્દોમાંથી આવ્યું હતું. એ કેમેસ્ટ્રી ટીચર હતા પીવીટી સર (Punit Trivedi) જે અત્યારે મારા ફેસબુક ફ્રેન્ડ છે. આજે શિક્ષક દિને હું એમનો તો આભાર માનું જ છું સાથે મારા એ દરેક શિક્ષકનો આભાર માનું છું જેમણે મને ફિઝિક્સ, ગણિત અને અંગ્રેજીથી લઈને ઇતિહાસ સુધીના વિષયોમાં મારી જ્ઞાનની ભૂખ સંતોષવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. 

            મારા શૈક્ષણિક કેરિયરની એક ખાસિયત છેક કોલેજ સુધી એમની એમ રહી કે મારા સહાધ્યાયીઓ કરતા મારા શિક્ષકો મારા મિત્રો વધુ હતા. કોલેજમાં તો મેં અમારા ઍચોડી અને પ્રિન્સીપાલ ઈન ચાર્જને મારા એક થીએટર ડ્રામામાં સીબીઆઈ ઓફિસરોના રોલ કરાવ્યા હતા. આજે શિક્ષક રૂપે રહેલા એ મિત્રોને તેમના પ્રેમ અને માર્ગદર્શન બદલ વંદન કરું છું.  ગુરવે નમઃ 

January 19 / 2018 / On Facebook

શાળાજીવનના બે પ્રેરણાદાયી અનુભવો

‘અત્યારસુધી મેં વાંચેલા લેખકોમાં તમે સૌથી વધુ અસરદાયક અને ક્રાંતિકારી છો. પણ જ્યાં ત્યાં કાર્યક્રમોમાં બીજા મોટા મોટા નામો સાથે તમારું નામ સાંભળતો નથી એટલે દુઃખી થાઉં છું. તમને નથી લાગતું તમારે થોડું વધુ બહાર આવવું જોઈએ અને તમે જેના લાયક છો એ પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ કરવો જોઈએ..?’

            આવા સવાલો હવે મારા મિત્રો અને વાચકો તરફથી સતત વધી રહ્યા છે એટલે હંમેશાની જેમ જવાબ તરીકે આ એક લેખ લઇ આવ્યો છું. પહેલું કારણ તો એજ છે કે મારા નાના જેમને એક મહાન અને શક્તિશાળી નેતા તરીકે બનાસકાંઠા ઓળખે છે તેમના બે ગુણો કે દુર્ગુણો મારામાં એમના એમ ઉતરી આવ્યા છે. એક છે પ્રસિદ્ધિ તરફ દુર્લક્ષ અને બીજું, પૈસાદાર કેવી રીતે થવું એ વિચાર તરફ દુર્લક્ષ. આ બે ગુણોએ નાનાને મહાન બનાવ્યા હતા અને આજ બે દુર્ગુણોના લીધે રાજકીય રીતે તે એ ન મેળવી શક્યા જેના એ લાયક હતા. પણ મારા વ્યક્તિત્વમાં આ બે ગુણો/દુર્ગુણો સિવાય મારા શાળાજીવનમાં થયેલા આ બે અનુભવો પણ બહુ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

            ૧૯૯૫માં અમે તેનીવાડા ગામમાંથી પાલનપુર રહેવા આવ્યા અને મારુ એડમિશન સ્વસ્તિક સ્કૂલમાં ત્રીજા ધોરણમાં કરવામાં આવ્યું. સ્કૂલના પહેલા દિવસના અંતે મેડમે કહ્યું, ‘કાલે ગણિતનો ટેસ્ટ છે. બધા તૈયારી કરીને આવજો.’ પણ આ ‘ટેસ્ટ’ શબ્દ મને સમજાયો નહિ એટલે મેં એના તરફ ધ્યાન ન આપ્યું. બીજા દિવસે શરૂઆતમાં જ મેડમે બોર્ડ પર ગણિતના કેટલાક દાખલા લખી દીધા અને કહ્યું, ‘ટેસ્ટ ૨૫ માર્ક્સનો છે. અડધા કલાકનો સમય છે.’ આ સાંભળતા જ મારી આજુબાજુ બધા છોકરા નોટ ખોલીને ફટાફટ લખવા લાગ્યા. મને હજી સમજમાં નહોતું આવતું કે આ બધું શું થઇ રહ્યું છે. હું ગામડામાંથી આવ્યો હતો અને શહેરના એ છોકરાઓથી હજુ પોતાને ઉતરતો માની રહ્યો હતો. થોડીવારમાં રૂમનું વાતાવરણ એટલું ગંભીર થઇ ગયું કે હું રડવા લાગ્યો. મને રડતો જોઈ મેડમ મારી પાસે દોડી આવ્યા અને રડવાનું કારણ પૂછ્યું. મેં કહ્યું, ‘આ ‘ટેસ્ટ’ એટલે શું એ મને ખબર નથી પડતી.’ ક્લાસ હસવા લાગ્યો. પણ મેડમે પ્રેમથી કહ્યું, ‘આ બોર્ડ પર જે દાખલા લખ્યા છે એમાં તને જેટલા આવડતા હોય એટલા તારી નોટમાં લખી દે. આ પરીક્ષા છે.’

            આ સાંભળતા જ મેં એ દાખલા ગણવાનું શરુ કરી દીધું. પણ રોવામાં ઘણો સમય જતો રહેલો. બેલ વાગી ગયો અને મેડમ નોટ લેવા આવી ગયા. હજી કેટલાક દાખલ ગણવાના બાકી હતા. મેડમે કહ્યું, ‘ટાઈમ પૂરો થઇ ગયો. હવે નહિ.’

મેં કહ્યું, ‘પણ મને એ આવડે છે. મને ખાલી ગણી દેવા દો.’ હમણાં રળેલું છોકરું ફરી રડવા ન લાગે એ વિચારી મેડમે હું જેટલે આવ્યો હતો ત્યાં લાલ પેનથી લીટી દોરી દીધી અને બીજી પાંચ મિનિટ આપી. બીજા દિવસે મેડમ ટેસ્ટનું રિઝલ્ટ લઈને આવ્યા તો સૌથી પહેલા મને ઉભો કર્યો અને કહ્યું, ‘તું કેમ રડતો હતો..? તું એકલો જ છે જેને 25 માંથી 25 માર્ક્સ છે. પણ નિયત સમયમાં તે ૧૯ માર્ક્સનું જ લખ્યું હતું એટલે માર્ક્સ ૧૯ જ ગણાશે.’

            આજે પણ મને એ દિવસ યાદ છે કારણ કે તેણે મને એ સબક શીખવ્યો જે મારા સ્વભાવનો હિસ્સો બની ચુક્યો છે. સબક એ છે કે જયારે તમે સ્પર્ધામાં હોય ત્યારે ક્યારેય આજુબાજુ બીજા સામે ન જુઓ. બસ એ જુઓ કે તમે શું છો અને શું કરી શકો છો. હોઈ શકે છેલ્લે એ બીજા બધા કરતા શ્રેષ્ઠ સાબિત થાય. લેખક તરીકે હું કોઈ સાથે સ્પર્ધામાં નથી. હું બસ કોશિશમાં છું કે હું આ માધ્યમથી જે અપાતું હોય એ સમયસર આપી દઉં. અહીંયા ટાઈમ ન ખૂટે.

            અને અહીં આવે છે બીજો પ્રસંગ. પાંચમા ધોરણમાં આવતા જ હું ક્લાસમાં પ્રથમ આવતા છોકરા તરીકે શાળામાં પ્રખ્યાત થઇ ચુક્યો હતો. છઠ્ઠા ધોરણમાં અમારા ક્લાસમાં ઇન્સ્પેક્શન આવ્યું. ઇન્સ્પેક્શનવાળા મેડમે એક સામાન્ય જ્ઞાનનો સવાલ પૂછ્યો. તેમણે કહ્યું, ‘જો એક તપેલીમાં દૂધ ભરીને ગેસની સગડી પર ગરમ કરવા મુકવામાં આવે તો દૂધ પહેલા ક્યાંથી ગરમ થશે..? નીચેથી કે ઉપરથી?

અમે બધા બોલ્યા, ‘નીચેથી.’ મેડમે બીજો સવાલ પૂછ્યો, ‘હવે ધારો કે પંદર મિનિટ સુધી દૂધ ઉકળવા દેવામાં આવે અને પછી ગેસ બંધ કરી દેવામાં આવે તો દૂધ ઠંડુ પહેલા ક્યાંથી થશે..? નીચેથી કે ઉપરથી..?’

પ્રથમ નંબર લાવવામાં મારો જે ખાસ પ્રતિસ્પર્ધી હતો તે છોકરો બોલ્યો, ‘નીચેથી.’ એના આજુબાજુ બેઠેલા કેટલાક લોકોએ પણ એજ જવાબ દોહરાવ્યો.

મેં કહ્યું, ‘ઉપરથી.’

મેડમે કહ્યું, ‘ઓકે તો બે જવાબ છે. જેટલા લોકો ‘નીચેથી’ કહેતા હોય એ ઉભા થાય.’

મારો પ્રતિસ્પર્ધી ઉભો થયો અને તેના ગ્રુપના બીજા કેટલાક છોકરાઓ ઉભા થઇ ગયા. તે દસેક જણાને જોઈને બીજા કેટલાક ઉભા થયા અને તેમને જોઈને બીજા કેટલાક. હવે તો મારા મિત્રો પણ તે જવાબમાં ઉભા થવા લાગ્યા. મેં મારા એક ખાસ મિત્રને ઈશારામાં કહ્યું, ‘બેસી જા.’ તેણે કહ્યું, ‘નહીં, આ વખતે તું ખોટો લાગે છે.’ જોતજોતામાં ૬૫ વિદ્યાર્થીઓનો એ આખો ક્લાસ ઉભો થઇ ગયો.

મને થોડો મુન્જાયેલો જોઈને મેડમે કહ્યું, ‘હવે તુજ બાકી છે. તારે પણ ઉભા થવું હોય તો થઇ શકે છે.’  મેં કહ્યું, ‘નહિ. મારો જવાબ સાચો છે.’

મેડમે ખુશ થઈને ઉભેલા બધાને કહ્યું, ‘તમે બધા ખોટા છો અને આ છોકરો એકલો સાચો છે.’ મેડમે મને કહ્યું ‘તુજ બોલ કેમ દૂધ ઉપરથી ઠંડુ થશે.’

મેં કહ્યું, ‘જયારે દૂધને નીચે ગેસથી ગરમી મળતી હતી ત્યારે સૌથી ઓછી ઉર્જા તેના સૌથી ઉપરના ભાગે પહોંચી હશે. એટલે જયારે ગરમી મળતી બંધ થઇ ત્યારે તેના સપાટી પરના અણુઓ જ પહેલા ગરમી ઘુમાવશે. નીચે તો પાત્રની ગરમી પણ હજી મળતી હશે.’

મેડમ ખુશ થયા અને રીસેસના ટાઈમમાં મને સ્ટાફરૂમમાં બોલાવીને પૂછ્યું, ‘સાચું કહેજે જયારે બધા ઉભા થઇ ગયા ત્યારે તને કેટલો ડર લાગેલો…?’

મેં કહ્યું, ‘મને એક સેકન્ડ માટે પણ ડર લાગ્યો હોત તો હું ઉભો થઇ ગયો હોત મેડમ.’

તેમણે કહ્યું, ‘નહિ. તું મુન્જાયેલો તો હતો.’

મેં કહ્યું, ‘હું બસ આશ્ચર્યમાં હતો કે એકસાથે આટલા બધા લોકો ખોટા કેવી રીતે હોઈ શકે છે. પણ આજે ખબર પડી કે એ હોઈ શકે છે. મને ડર તો ખાલી એટલો હતો કે જયારે એ ૬૪ લોકોને ખબર પડશે કે એ બધા ખોટા છે અને હું એકલો સાચો તો એમના આત્મવિશ્વાસને કેટલો ભયંકર ધક્કો લાગશે. કારણ કે એમાં કેટલાક મારા મિત્રો પણ હતા.’

મેડમે ખુશ થયેલા સ્વરે કહ્યું, ‘આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે બેટા..?’

મેં કહ્યું, ‘મને કોઈ એવો અહમ નહોતો કે હું જ સાચો છું અને હું ખોટો ન જ હોઈ શકું. મને બસ મારી વિજ્ઞાનની સમજ પર ભરોસો હતો કે વિજ્ઞાન આજ કહે છે.’

            તો, આ છે એ બીજો સબક. આજેપણ હું જયારે જીવનમાં કોઈ એવી પરિસ્થિતિમાં ફસાઈ જાઉં છું કે જ્યાં હું એક તરફ હોય અને બાકી બધા બીજી તરફ, તો હું આજ બે વાતો ચેક કરું છું. ‘શું મારો મત સૃષ્ટિના વિજ્ઞાનને અનુસરે છે..? અને શું હું આ વાતમાં પણ એટલો જ કોન્ફિડન્ટ છું જેટલો તે દિવસે એ ઇન્સ્પેક્શનમાં હતો..?’

            હવે, એ મુખ્ય કારણ કે આજે આ લેખ કેમ લખ્યો. કારણ કે હવેથી હું કેટલાક એવા લેખોની શૃંખલા લખવા જઈ રહ્યો છું જેમાં ભારતને ફરીથી પ્રાચીન ભારત જેવું મહાન બનાવવા માટે જરૂરી પરિવર્તનો સૂચવવામાં આવશે. એ શૃંખલા નીચે મુજબ હશે.

નવા ભારતનું નિર્માણ

ભાગ ૧ : જાતીપ્રથાનું પુનર્ગઠન

ભાગ ૨ : ધર્મનિરપેક્ષ અને અખંડ ભારતના વિચારનું પુનર્ગઠન

ભાગ ૩ :  શિક્ષણપ્રથાનું પુનર્ગઠન

ભાગ ૪ : કૌટુંબિક અને સામાજિક જીવનનું પુનર્ગઠન

ભાગ ૫ : અર્થનીતિ અને વિદેશનીતિનું પુનર્ગઠન

(આ પાંચેય ભાગના કુલ સાત લેખ ‘નવા ભારતના નિર્માણ’ નામે અલગ વિષયમાં રાખવામાં આવ્યા છે.) 

September 24 / 2019 / On Facebook

અમિતાભને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

છેલ્લા કેટલાક મહિનાઓથી અવારનવાર હું અનેક સ્થાને કહેતો રહેતો હતો. ‘આ લોકો અમિતાભને દાદાસાહેબ ફાળકે ક્યારે આપશે? શું એ બધા એમના મરવાની રાહ જોઈ રહ્યા છે? શું બાકી રાખ્યું છે એ માણસે સર કરવામાં? શું આપણે જ્યાં સુધી કોઈ આ દુનિયા પરથી જતું ન રહે ત્યાં સુધી એનું સાચું મૂલ્યાંકન નથી કરી શકતા?’ પણ આજે પ્રકાશ જાવડેકરનું અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની ઘોષણા કરતું ટ્વીટ આવ્યું ત્યારે એક ગજબની હાશ થઈ. એ જાણીને ખુશી થઈ કે સરકારી તંત્ર એટલી જાગૃક હતી કે અમિતાભ બચ્ચન જેવો કલાકાર આ સન્માન લીધા વિના ન જવો જોઈએ. હજી લોકો એ સીન ભૂલ્યા નથી કે કેવી રીતે દાદા સાહેબ ફાળકે એવોર્ડ રિસીવ કરવા આવેલા રાજ કપૂર ત્યાંજ અસ્થમાના ભારે એટેકથી ઢળી પડયા હતા અને ત્યાંથી સીધા એમને હોસ્પિટલ ખસેડવામાં આવેલા જ્યાં મહિના પછી એમનું અવસાન થયું હતું. આશા રાખું છું જેમ મોદી વિરોધીઓ અનુપમ ખેરને પદ્મ ભૂષણ મળવા પર મોદી તરફાદારીને જવાબદાર કહેતા હતા તેમ હવે અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે મળવામાં તેમની મોદી સાથેની સારાસારીને કારણરૂપે નહીં ધરે. કારણકે એ પોતાના દેવળીયાપણાની છેલ્લી સ્થિતિનું પ્રદર્શન હશે.
બાળપણ અને કિશોર અવસ્થામાં મારા વિચારો અને વ્યક્તિત્વને ઘડવામાં અમિતાભ બચ્ચનની ફિલ્મોનો અને તેમના કિરદારોનો બહુ મોટો ફાળો રહેલો છે. બહારથી સત્ય માટે અતિશય બળવાખોર અને અંદરથી એક સહજ અતિશય રોમેન્ટિક વ્યક્તિત્વ અમિતાભ બચ્ચનની એ ફિલ્મોથી જ મારામાં ઘડાયું છે એવું હું માનું છું. આગળ એક લેખમાં કહી ચુક્યો છું કે 35 વર્ષથી તેમના પર્સનલ સેક્રેટરી રહેલા શીતલ જૈનને હું એ.બી. કૉર્પ ની ઓફિસમાં મળ્યો હતો. પણ એકવાર હું અમિતાભ બચ્ચનને પણ મળવાની સ્થિતિમાં હતો, પણ મળ્યો નહોતો એ પ્રસંગ મેં મારી આત્મકથામાં લખ્યો છે. આજે તેને અહીં કહી રહ્યો છું.
વર્ષ 2010 ના એ અંતિમ મહિના હતા. મારી ઈંટર્નશીપ શરૂ થઈ હતી. એવામાં એકવાર હું મારી કેટલીક ફિલ્મ સ્ક્રિપ્ટના સીનોપ્સીસ (શોર્ટ આઈડિયા) યશરાજ બેનરમાં આપવા મુંબઇ ગયો હતો. એપોઈટમેન્ટના સમયે હું યશરાજ સ્ટુડિયોમાં પહોંચ્યો અને પહેલા માળે જવા માટે એ કોરિડોરમાંથી પસાર થયો જ્યાં દિવાલ પર યશ ચોપરાની ફેમસ ફિલ્મોના સીનના પેન્ટિંગ દોરેલા છે. દાગ, દિવાર, કભી કભી, ત્રિશુલ, સિલસીલા, કાલા પથ્થર, ચાંદની, લમ્હે, DDLJ વગેરે ફિલ્મોના સુંદર પેંટિંગ્સ હતા. હું પહેલા ઉપર જઇ મારી સ્ક્રિપ્ટ સબમીટ કરતો આવ્યો અને પછી પાછા ફરતી વખતે એ કોરિડોરમાં એ બધા પેન્ટિંગ જોવા શાંતિથી ઉભો રહ્યો. એવામાં ત્યાં ઉભેલો એક ભાઈ પાછળથી મારી પાસે આવ્યો. તેણે કહ્યું, ‘સુંદર પેન્ટિંગ છે ને?’
મેં કહ્યું, ‘હા, મેં આમાંથી મોટા ભાગની ફિલ્મો કમસે કમ વીસ વાર જોઈ છે. ખાસ કરીને અમિતાભ બચ્ચનની. I admire him.’
‘હું પણ એમનો ફેન છું. મને ઉપરથી સમાચાર મળ્યા કે હમણાં અડધો કલાકમાં મી. બચ્ચન અહીં આવવાના છે. એ અહીંથી જ નીકળીને ઉપર જશે. હું એમને જોવા જ અહીં ઉભો છું. તમે પણ અડધો કલાક રોકાઈ જાઓ.’
આ સાંભળતા જ મારામાં એક સ્વાભાવિક ઉત્તેજના આવી. બે મિનિટ તો હું ત્યાં બેચેની સાથે રહ્યો અને પછી ત્યાંથી નીકળતાં પેલા ભાઈને કહ્યું, ‘ચલો હું જાઉં છું. મારે બીજું એક ઈમ્પોર્ટન્ટ કામ છે. જવું પડશે.’
એ ભાઈએ કહ્યું, ‘બચ્ચન સાબ કો ઇતની નજદીક સે મિલને મિલેગા. ઇસસે ભી જ્યાદા ઈમ્પોર્ટન્ટ હૈ?’
હું મજાકમાં હસ્યો અને હસતાં હસતાં ‘હા’ કહીને નીકળી ગયો. બે દિવસ પછી મેં જ્યારે કોલેજમાં જઈને મારા હોસ્ટેલના મિત્રોને આ વાત કરી તો બધા મને બોલવા લાગ્યા. એ લોકો મારા અમિતાભ પ્રત્યેના લગાવના કારણે મને ‘બચ્ચન’ કહેતા. એમણે પૂછ્યું, ‘પણ એવું કેમ કર્યું?’
મેં કહ્યું, ‘ખબર નહીં, પણ બહુ બેચેની લાગી અને ત્યાંથી નીકળી જવાનું મન થયું. હું અમિતાભ બચ્ચનને બહુ માનું છું, પણ હું એ સહન ન કરી શકત કે એ ત્યાંથી નીકળે અને મને એમના કરોડો ચાહકોમાંથી એક જાણી દૂરથી અભિવાદન કરી આગળ નીકળી જાય. હું મારી જાતને એમના સામે એ રીતે જોવા તૈયાર નહોતો. હું અમિતાભને મળવા માંગુ છું, પણ એ દિવસે જે દિવસે હું પોતે કંઈક હોય. એ મને જ્યારે મળે ત્યારે એ જાણતા હોવા જોઈએ કે હું કોણ છું. બસ, પછી તો હું એમના ચરણોમાં સાષ્ટઆંગ પ્રણામ કરીને કહીશ, ‘હું તમારો બહુ મોટો ફેન છું.’ હું તેમને ક્યારેય નહીં મળી શકું તો ચાલશે. પણ જ્યાં સુધી હું એ સ્થિતિમાં ન આવું, હું તેમને મળવા નથી માંગતો. એક શિષ્યને પણ ગુરુને મળવા એ રીતે જ જવું જોઈએ. પોતે કંઈક બનીને.’
પણ હવે જ્યારે આઠ વર્ષ પછી હું ફરી પાછો મુંબઇની તૈયારીઓ શરૂ કરી રહ્યો છું ત્યારે હવે તેમને મળવા ઉત્સુક છું. હવે અમારી વચ્ચે વાત કરવા માટે ફિલ્મો સિવાય પણ બીજા કેટલાક વિષય છે. સર બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. આ એક બહુ મોટા યુગનું સમ્માન છે, જેણે કરોડોને પ્રેરણા આપી છે.
January 26 / 2020 / On Facebook

કોણ હતી બીનોદીની દાસી..?

રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ અને શારદાદેવી સાથેના ગિરિષચંદ્ર ઘોષના સબંધની કથા

આજે સવારે ઐશ્વર્યાએ બીનોદીની દાસીની બાયોગ્રાફીકલ ફિલ્મ સાઈન કરી હોવાના સમાચાર મળ્યા અને ઘણા સંસ્મરણો તાજા થઈ ગયા. ‘છપાક’ ફ્લોપ ગયા પછી દીપિકા પાદૂકોણે પસંદ પડેલી કથા ‘નોતી બીનોદીની’ માટે એમ કહી ના પાડી દીધી કે તે હવે આવી સંવેદનશીલ અને સિરિયસ નહીં, પણ હળવી ફુલવી ફિલ્મ કરવા માંગે છે. વિદ્યા બાલનની પહેલી ફિલ્મ ‘પરણીતા’ બનાવનાર પ્રદીપ સરકાર સ્ટોરી ઐશ્વર્યા રાય પાસે લઈને ગયા અને દસ મિનિટમાં જ ઐશ્વર્યાએ બીનોદીનીનો રોલ કરવાની હા પાડી દીધી. તો કોણ હતી આ ‘નોતી બીનોદીની’ એટલે કે ‘દાસી બીનોદીની’. એની સ્ટોરી જોડાયેલી છે રામકૃષ્ણ પરમહંસના એક સમર્પિત શિષ્ય અને બંગાળી થિએટરના પિતાહ ગણાતા ગિરિષચંદ્ર ઘોષના જીવનથી.
ગિરિષચંદ્ર ઘોષ 1844 માં કલકત્તાના એક શ્રીમંત પરિવારમાં જન્મ્યા હતા. પણ તે સમયે નવી નવી દાખલ કરાયેલી અંગ્રેજી શિક્ષણ પધ્ધતિના શિક્ષણથી ઉબીને તેમણે કોલેજ છોડી એક લાયબ્રેરીમાં બુકકીપર તરીકે નૌકરી સ્વીકારી લીધેલી. પણ આજ સમયમાં તેમના પિતાનું અવસાન થયું, માતા ત્રણ વર્ષ પહેલાં જ મૃત્યુ પામેલા. પિતાના મૃત્યુ પછી તેમણે લગ્ન કરી લીધા. બીજી બાજુ લાઇબ્રેરીમાં જ તેમનો રસ ભારતીય શાસ્ત્રોમાં ઊંડો ઉતર્યો. તેમણે રામાયણ, મહાભારત, પુરાણો અને અન્ય ઐતિહાસિક પુસ્તકો વાંચી લીધા. અહીં જ તેમણે એ શાસ્ત્રોના પાત્રો પરથી નાટક લખવાનું પણ શરૂ કરી લીધું અને પાસે આવેલા એક થિએટરમાં એક્ટર તરીકે જોડાઈ ગયા. થિએટરમાં એક્ટિંગ કરવામાં અને નાટક બનાવવામાં ગિરિષચંદ્ર એટલા ઊંડા ઉતર્યા કે સવારથી સાંજ તે નૌકરી કરતા અને રાત્રે નાટકમાં જઈ સવારે ત્રણ વાગે ઘરે આવતા. આ જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની પત્નીએ ત્રીજા સંતાન રૂપે એક મૃત બાળકને જન્મ આપ્યો. ગિરિષચંદ્રે પત્નીની સારવાર કરાવી પણ તે મૃત્યુ પામી. કેટલાક સમય પછી તેમનો એક દીકરો પણ રોગચાળામાં મૃત્યુ પામ્યો. પરિવારમાં તે અને એક દીકરી જ રહ્યા.
અહીંથી ગિરિષચંદ્ર નાસ્તિક અને ઈશ્વર વિરોધી થઈ ગયા. તેમણે દારૂ પીવાથી લઈને વેશ્યાઓના સહવાસ માટે જવા સુધીના બધા ખરાબ ગણાતા કામો ઈશ્વર પ્રત્યેના વિરોધમાં શરૂ કરી દીધા. કહેવાય છે કે જો કોઇ સાધુ ઇશ્વરનું નામ લેતો તેમના મહોલ્લામાંથી પસાર થતો તો એ સોટી વડે તેને મારવા પાછળ પડતા. તેમના જીવનને રસ્તા પર લાવવા સગાસંબંધીઓએ તેમના બીજા લગ્ન કરાવ્યા, પણ તેમની આદતો ન છૂટી. પણ ઈશ્વર પ્રત્યેના વિદ્રોહમાં કરાતા આ કાર્યો વચ્ચે પણ ગિરિષચંદ્રના અંદર છુપાયેલી સ્વયંભૂ નૈતિકતા હંમેશા સક્રિય રહી. વેશ્યાઘરોમાં જઇને પણ તે ક્યારેય કોઈ સાથે શારીરિક સંબંધમાં ન જોડાતા. તે બસ ગણિકાઓ સાથે મજાક મસ્તી કરતા, તેમના હાથે દારૂ પીતા અને તેમના નાચ જોતા. એ સમયે હજુ ભારતના નાટકોમાં સ્ત્રીઓની એન્ટ્રી નહોતી થઈ. નાટકના સ્ત્રી પાત્રો પણ પુરુષો ભજવતા. આવા સમયે ગિરિષચંદ્ર ઘોષે એક અદભુત શરૂઆત કરી. તેમણે બંગાળના વેશ્યાઘરોમાં જન્મેલી વેશ્યાઓની છોકરીઓને નાની ઉંમરે તેમને વેશ્યાગીરીમાં મોકલી દેવામાં આવે તે પહેલાં પોતાના નાટકોમાં એક્ટ્રેસ તરીકે કામ આપવાનું શરૂ કર્યું. આ રીતે બે કામ થયા. એક ભારતીય થિયેટરોમાં એક્ટ્રેસ તરીકે સ્ત્રીઓની એન્ટ્રી થઈ અને એ બાળકીઓ ગણિકા બનતાં અટકી. ગિરિષચંદ્ર જે છોકરીઓને એક્ટ્રેસ તરીકે લાવ્યા એમાં સૌથી પ્રખર નામ હતું બીનોદીની. 1874માં 12 વર્ષની ઉંમરે જ બીનોદીનીએ ગિરિશશ્ચંદ્રના નાટકમાં પ્રથમવાર રાધાનો રોલ કર્યો. ત્યારબાદ સીતા, અહલ્યા, કૈકેયી, સાવિત્રી અને દ્રૌપદી જેવા અનેક પૌરાણિક પાત્રો ભજવી તે બંગાળી થિએટરનું મોટું નામ બની ગઈ.
1876 માં એકવાર ગિરિષચંદ્ર ગંભીર રીતે બીમાર પડયા અને મરણપથારીએ ચાલ્યા ગયા. એક રાત્રે જ્યારે તેમને લાગતું હતું કે હવે તે વધુ દિવસ નથી ત્યારે તેમને એક લાલ કિનારીવાળી સફેદ સાડી પહેરેલ સ્ત્રીનું દ્રશ્ય દેખાયું. તે સ્ત્રી તેમની પાસે આવી અને તેમના મોંઢામાં એક મીઠાઈ નાખતા કહ્યું, ‘બેટા, આ પ્રસાદ ખા. તું સાજો થઈ જઈશ.’ આશ્ચર્ય રૂપે બીજા દિવસથી ગિરિષચંદ્રનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. આ ઘટનાએ ગિરિષચંદ્રના નાસ્તિકવાદને હચમચાવી મુક્યો અને તે ઈશ્વર જેવી કોઈ પરમ શક્તિના અસ્તિત્વને શોધવા બેબાકળા બન્યા. આ શોધ તેમને પણ રામકૃષ્ણ પરમહંસ પાસે લઈ ગઈ જે બંગાળમાં એક મોટા સંત તરીકે પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. શરૂઆતના સાત વર્ષ સુધી ગિરિષચંદ્રની રામકૃષ્ણ સાથેની મુલાકાતો પરિણામહીન રહી. ના પરમહંસે તેમના પર કંઈ ધ્યાન આપ્યું, ના ગિરિષચંદ્રને પરામહંસમાં કંઈ આશા જાગી. આખરે, 1884 માં પરમહંસ ગિરિષચંદ્રનું એક નાટક જોવા આવ્યા જેમાં બીનોદીની ચૈતન્ય મહાપ્રભુનો રોલ કરી રહી હતી. નાટક જોયા પછી રામકૃષ્ણ પરમહંસ ખુશ થઈ ગયા અને બીનોદીનીના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપતાં કહ્યું, ‘હરિ જ તારો ગુરુ છે, તારો ગુરુ જ હરિ છે.’ તેના એક વર્ષ બાદ 23 વર્ષની ઉંમરે જ બીનોદીનીએ એક્ટિંગ કરવાનું છોડી દીધું અને આજીવન અનેક દગાઓનો શિકાર બની. આખરે, 1913 માં તેણે પોતાની આત્મકથા લખી જે દક્ષિણ એશિયામાં કોઈ એક્ટ્રેસ તરફથી લખાયેલી પહેલી આત્મકથા હતી. એ આત્મકથામાં તેણે લખ્યું હતું, ‘મારાથી આજીવન દગા થયા, લોકોએ મારો ઉપયોગ કર્યો. પણ જ્યારે પણ હું ભાંગી પડી ત્યારે ત્યારે રામકૃષ્ણનો એ પ્રેમભર્યો ચહેરો અને તેમના આશીર્વાદ મને યાદ આવી જતા અને હું ફરીથી એમ માની ઉભી થઇ જતી કે મારા ગુરુ મારા સાથે જ છે.’ તેની આજ આત્મકથા પર આધારિત ફિલ્મમાં ઐશ્વર્યા બીનોદીનીનો રોલ કરવા જઈ રહી છે.
બીનોદીની અભિનીત નાટક જોયું તે દિવસથી રામકૃષ્ણ પરમહંસે ગિરિષચંદ્રમાં પણ રસ લેવાનું શરૂ કર્યું. ગિરિષચંદ્ર હવે ધીરે ધીરે પરમહંસ તરફ ખેંચાતા ગયા અને તેમની પહેલી હરોળના શિષ્યોમાંથી એક બની ગયા. તેમણે થિએટર અને નાટક છોડવાની ઈચ્છા બતાવી તો રામકૃષ્ણે કહ્યું, ‘એ ક્યારેય કરવાની જરૂર નથી. તારા નાટકોથી કેટલા સારા વિચારો અને પાત્રો લોકો સુધી પહોંચે છે. આ કામને ક્યારેય છોડતો નહીં અને તેને હંમેશા મોટું કરવાના પ્રયાસ કરતો રહેજે.’ ત્યારબાદ ગિરિષચંદ્રે બંગાળી થિએટરને એક નવી ઊંચાઈ આપી. તે રાજ કપૂર સમાન હતા. પોતે નાટક લખતા, પ્રોડ્યુસ કરતા, ડાયરેકટ કરતા અને એક્ટિંગ પણ કરતા. સ્વામી વિવેકાનંદે તેમનું ‘બુદ્ધચરિત’ નામનું નાટક જોયેલું અને ગિરિષચંદ્રને બુદ્ધ તરીકે જોઈ પ્રભાવિત થઈ ગયેલા. તે દિવસથી વિવેકાનંદ અને ગિરિષચંદ્ર ઘોષ આજીવન ગાઢ મિત્રો બની રહયા, જ્યારે તેમની ઉંમરમાં વીસ વર્ષનો ફરક હતો. અમેરિકાથી વિશ્વવિજય કરીને પાછા ફર્યા બાદ જ્યારે વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી જનસેવા એજ પ્રભુસેવાનો આદર્શ આપ્યો અને સંસાર વચ્ચે સેવાભાવે પ્રવૃત્ત થવા કહ્યું ત્યારે તેમના કેટલાક ગુરુભાઈઓ અને રામકૃષ્ણના અન્ય સાંસારિક ભક્તોએ એ વાતનો વિરોધ કરેલો. તેમણે સંસાર વચ્ચે પ્રવૃત્ત થવાના આદર્શને રામકૃષ્ણથી વિપરીત કહેલો ત્યારે ગિરિષચંદ્રએ સૌપ્રથમ આગળ આવીને વિવેકાનંદને ટેકો આપ્યો હતો. ગિરિષચંદ્રે કહેલું, ‘તમારી જેમ વિવેકાનંદને હું એટલે નથી માનતો કે તેણે પોતાના જ્ઞાનથી આખી ધરતી ધ્રુજાવી મારી છે. હું તેમને એટલે માનું છું કારણકે દુઃખી અને પામર લોકો માટે તેમનું હૃદય તડપે છે. તે એ લોકોની લડાઈ લડવામાં જ ઈશ્વરની આરાધના જુએ છે. આજ રામકૃષ્ણ છે. અને તમે પણ ગુરુદેવને વિવેકાનંદમાં જ જીવંત જુઓ. એ જે પણ કહે એજ ગુરુદેવનો આદેશ છે એમ સમજો.’
વિવેકાનંદે શિવરાત્રીના ઉત્સવની એક રાત્રે ગિરિષચંદ્રને પોતાના હાથે ભૈરવના રૂપમાં તૈયાર કર્યા હતા અને કહેલું, ‘ગુરુદેવ મને કહેલું, “ગીરીશને મેં પહેલીવાર જોયો ત્યારે જ મેં જાણી લીધું હતું કે તે શિવનું ભૈરવ સ્વરૂપ છે, જે મારા કાર્યમાં મને મદદ કરવા આવ્યું છે.”‘ વિવેકાનંદ ગિરિષચંદ્રને G.C. કહેતા. એકવાર બેલુર મઠમાં વિવેકાનંદ પોતાના શિષ્યોને સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એ વિશેની ઋગ્વેદની સમજૂતી સમજાવી રહ્યા હતા. એવામાં ત્યાં ગિરિષચંદ્ર આવ્યા. વિવેકાનંદે તેમને આવકારતાં કહ્યું, ‘GC, તમારે સૃષ્ટિના સર્જનની આ કળાકૂટમાં પડવાની જરૂર જ નથી. તમને તો સ્વયં ભગવાન રામકૃષ્ણે પોતાના હદયથી લગાવી પ્રેમ અને કલાના માર્ગે કાર્ય કરવા નાખ્યા છે. તમારો તો સીધો શોર્ટ કટ છે.’
ગિરિષચંદ્રે વિવેકાનંદને કહ્યું, ‘સાચી વાત છે પ્રિય ભાઈ. પણ તમને ગુરુદેવે આ રસ્તે નાખ્યા છે કારણકે તે જાણતા હતા કે માનવજાતિને સૃષ્ટિના અસ્તિત્વ અને કારણ વિશેની સાચી સમજૂતી આપણા વેદોમાંથી તારવીને તમે જ આપી શકશો.’ (એ કામ ‘આ સર્જન નથી, આ છે અભિવ્યક્તિનું પ્રક્ષેપણ’ તથા ‘સૃષ્ટિનું સત્ય અને મનુષ્યની ઉત્પત્તિનું કારણ’ સાથે પૂરું થયું.)
ગિરીષચંદ્રની માં શારદાદેવી પ્રત્યેની ભક્તિ ત્યારે શરૂ થઈ જ્યારે 1991 માં તે પહેલીવાર શારદાદેવીને તેમના ગામે મળવા ગયા અને તેમને જોતાં જ તેમને યાદ આવ્યું કે 14 વર્ષ પહેલાં મરણપથારીએ પડેલા તેમને પ્રસાદ ખવડાવીને સાજા કરતી જે સ્ત્રી દેખાઈ હતી તે સ્ત્રી શારદાદેવી પોતે જ હતા. ત્યારબાદ ગિરિષચંદ્ર ત્યાં એક મહિનો રોકાયેલા અને પોતાની જાતને શારદાદેવીની સેવામાં પ્રવૃત્ત કરી દીધેલી. 1907 માં શારદાદેવીના સમ્માનમાં ગિરિષચંદ્રે દુર્ગા પૂજાનું આયોજન કરેલું જેમાં શારદાદેવીએ અતિશય બીમાર હોવા છતાં હાજરી આપી હતી. બીનોદીની બાદ ગિરિષચંદ્રે તૈયાર કરેલી બીજી એક મોટી એક્ટ્રેસે શારદાદેવીને મળીને તેમની શિષ્ય બની સન્યાસ લઈ લીધેલો. તે હંમેશા તેમની સાથે રહેતી અને તેમની સામે ભજન ગાતી. આમ, ગિરિષચંદ્ર આજીવન રામકૃષ્ણ મિશનના મુખ્ય અનુયાયીઓમાં રહ્યા અને પોતાના નાટકો મારફતે રામકૃષ્ણ પરમહંસના વિચારો ફેલાવતા રહયા. તેમણે લખેલી નોવેલ ‘ભક્ત ધ્રુવ’ પર અને તેમના પોતાના જીવન પર બંગાળી ભાષામાં ફિલ્મો બની ચૂકી છે.
—————–
એક ઈશારા : ઘણા લાંબા સમય સુધી હું એ સવાલનો જવાબ શોધતો રહેલો કે મારી એક્ટિંગ સ્ટાઇલ રાજ કપૂર જેવી ન હોઈને અમિતાભ બચ્ચન જેવી કેમ છે? આખરે, જવાબ રૂપે એ સત્ય જાણેલું કે અમિતાભ બચ્ચન પણ ક્યારેક રાજ કપૂર જેવા જ હતા. એ કળાની ઉત્ક્રાંતિનું પરિણામ છે. એમાં રિવર્સ નથી જઈ શકાતું.
** ઐશ્વર્યા વિશે આ રીતનો ઈશારો હું મહિનાઓ પહેલા કરી ચુક્યો છું.
Image : At Ramakrishna Mission Khar west, Mumbai 2019
Building in background is Sharadadevi Temple.
January 14 / 2020 / On Facebook

"તાન્હાજી - ધ અનસંગ વોરિયર" ફિલ્મ

એક અદભુત અનુભવ જે ઇતિહાસના સંઘર્ષ સાથે વર્તમાન પ્રત્યેની સજાગતા જીવંત કરી દે..​

તો આખરે તાનાજી જોઇ, અને બાહુબલી 2 પછી પહેલીવાર કોઈ ફિલ્મનો રીવ્યુ લખવા મજબુર કરી દે તેવી પરફેક્ટ ફિલ્મ સામે આવી. દશક પૂરો થતાં થતાં બાજીરાવ-મસ્તાની અને બાહુબલીના સમકક્ષ દરેક મામલે ઉભી રહે એવી ફિલ્મ આ ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટર ઓમ રાઉતે આપી છે. ગ્રેટ VFX, ગ્રેટ લોકેશન્સ, ગ્રેટ પરફોર્મન્સ, ગ્રેટ પેસ & ફ્લો અને પરફેક્ટ કાસ્ટિંગ. અજય દેવગણ અને સૈફઅલી ખાનના સુપર્બ પરફોર્મન્સ સાથે કાજોલ નાના રોલમાં પણ એક નેચરલ રિલેશન દેખાડતી ગઈ. સૌથી અદભુત રહ્યું પહેલીવાર હિન્દી સિનેમામાં પડદા પર શિવાજીને જોવાનું. અને શરદ કેલકરે જે સહજતા, શાલીનતા અને આભા સાથે શિવાજીનું પાત્ર જીવ્યું છે તે મધ્યકાલીન ભારતના એક આખા યુગને નજર સામે ઉભો કરી દે છે. તાન્હાજીના બલિદાન વિશે હંમેશા એક વાક્ય સાંભળ્યું હતું, ‘ગઢ જીત્યો પણ સિંહ ખોયો’. એ વાક્યની સાચી અહમીયત ફિલ્મ જોઈને જાણી.
ફિલ્મે ફરીવાર મનને સત્ય અને ધર્મના માર્ગે નીડર બની ચાલી નીકળવાની શક્તિ આપી. તેણે ફરીવાર યાદ કરાવ્યું કે કેવા બલિદાનો અને કેટલા ભયાનક સંઘર્ષો પછી આજે આપણે એક આઝાદ ભારતમાં ‘જીવિત હિન્દૂ સંસ્કૃતિ’ સાથે શ્વાસ લઈ રહ્યા છીએ. ફિલ્મે ફરી એ વિચાર માટે લડત લડવાની હિંમત આપી કે આ દેશમાં સેક્યુલરીઝમનો એક જ અર્થ છે અને એ છે ‘હિન્દૂ સભ્યતાની છત્રછાયા હેઠળ જીવાતી માનવતા’. ફરી તેણે માતૃભૂમિથી વિમુખ અને સંસ્કૃતિથી ભ્રષ્ટ થયેલા એ મિથ્યાજ્ઞાનીઓ સામે દહાડ કરવાનું યાદ કરાવ્યું કે શિવાજી અને બાજીરાવ જેવા મરાઠાઓ કોઈ રાજ્ય કે વિસ્તાર જીતવા માટે યુદ્ધો નહોતા લડ્યા. એમના દરેક યુદ્ધ, એમના દરેક પ્રહાર અને દરેક ઘા પાછળ એક જ મકસદ હતું- ભારતમાં હિન્દૂ સભ્યતાનું સ્વરાજ. આજે આપણી પાસે એ સ્વરાજ છે. પણ જે રીતે સ્વાર્થી અને મૂઢ બનીને એ સ્વરાજમાં આજે આપણે જીવી રહ્યા છીએ તે પછી શું ખરેખર શિવાજી અને તાન્હાજી જેવા એ બલિદાની યોદ્ધાઓ સાથે નજર મિલાવવા આપણે લાયક છીએ?
ફિલ્મ જોયા પછી બીજી પણ એક વાત ફરી સાબિત થતાં જોઈ આનંદ થયો. ફિલ્મ જોઈને અમે જ્યારે બહાર નીકળ્યા ત્યારે રસ્તામાં અડધે સુધી સુનમુન રહેલી ઝંખના ગાડીમાં બોલી, ‘અસલમાં આજે સાચી રીતે મને અહેસાસ થયો કે તમે જે જીવન જીવી રહ્યા છો તે શું છે. હવે મારું મન બિલકુલ સાફ છે. હું આટલી સારી રીતે ક્યારેય નહોતી સમજી.’
પાછલા કેટલાક મહિનાઓથી મેં મારા જીવનની દિશા બદલી ત્યારથી એના મનમાં હું એક બેચેની જોઈ રહ્યો હતો. તે ઘરના અન્ય સભ્યોની સાથે મને પ્રાઇવેટ ક્લિનિકના સ્થાને સરકારી નૌકરી સાઈડમાં રાખી જે થાય તે કરવાનું સૂચવે જતી હતી અને હું તેમણે ભરાવેલા ફોર્મમાં આપવા ખાતર પરીક્ષાઓ આપે જતો હતો. એ રીતે કે સમ્માન જળવાઈ જાય પણ પાસ થવાની શકયતા ન રહે. એ સમજી ગઈ હતી કે હું શું કરી રહ્યો છું અને એ વાતે નારાજ હતી. હું તેને કહી રહ્યો હતો કે ‘હું એ 100 કે 200 સીટોમાં આવવા માટે મહેનત જ નથી કરી શકતો. મને હંમેશા એ હજારો અને લાખો લોકોનું ધ્યાન રહે છે જે એ 100 કે 200 માં નથી આવવાના. એમને એ રીતે છોડીને હું એક આળસુ અને મૂઢ સરકારી નૌકરીનું જીવન કાઢું એ શક્ય નથી. તું જાણે છે મારે આગળ કઈ દિશામાં જવાનું છે, શું કરવાનું છે. નથી આવ્યા આપણે 30 વર્ષ બેઠો પગાર લઈ, રિટાયર્ડ થઈ સમાજના જડ દૂષણોના ઠેકેદાર બનીને મરી જવા માટે. હું જ્યારે કોલેજના અંતિમ વર્ષોમાં હતો ત્યારે મારા જુનિયરો મને હંમેશા પૂછતા, ‘કૌશિકભાઈ, કેમ આટલી મહેનત? એક બાજુ મેડિકલ ફિલ્ડ, બીજી બાજુ ફિલ્મોમાં આટલી સખત કોશિશ? શાના માટે?’ અને હું તેમને જે જવાબ આપતો એજ તને પણ આપું છું. અમેરિકા જ્યારે આઝાદ થયું ત્યારે તેની સ્વતંત્રતાનું એક ઘોષણપત્ર લખવામાં આવ્યું હતું જેને ‘Declaration of Independance’ કહે છે. એમાં એક સુંદર વાક્ય છે. ‘હવે પછીના અમેરિકાના પ્યારા નાગરિકો એક વાત હંમેશા યાદ રાખે. જીવનમાં ક્યારેય પણ કોઈ નાગરિકને એ અહેસાસ થાય કે તે દેશ અને સમાજ માટે કંઈક કરી શકે છે ત્યારબાદ એ નાગરિક માટે તે પસંદગીનો વિષય નથી રહેતો કે તે એ કરે કે ના કરે? તેને સમજવાનું છે કે હવે એ તેની જવાબદારી છે કે તે એ કરે જે તે માને છે કે તે કરી શકે છે. હવે એ તેની જવાબદારી છે, ચોઇસ નહીં.’ કોલેજકાળથી જ હું મારું જીવન આ સિદ્ધાંત પર જીવ્યો છું. અને એ પછી મેં જે પણ કર્યું છે, બ્રહ્માંડના કારણ વિશે બુક લખવી કે ગુજરાત સમાચારમાં રાજનીતિ અને હિન્દુત્વ વિશે આર્ટિકલ લખવા કે ગુજરાત સમાચાર છોડવું અને તે પછી પ્રેમ અને લગ્ન વ્યવસ્થામાં આવેલા દુષણો વિરુદ્ધ અવાજ ઉઠાવવા- આ બધું મારા એ સિદ્ધાંતના અનુસાર હતું. હું એ રીતે જ જીવી શકું છું. મને જે સત્ય દેખાય છે એનાથી હું નજર નથી ચોરાવી શકતો. હું એના માટે જ જીવું છું.’
આ આખી વાત ઝંખનાને અનેકવાર કહી હોવા છતાં હંમેશા એનામાં એક મૂંઝવણને મેં જોયેલી. પણ કાલે તાન્હાજી જોઈને આવ્યા પછી એના ચહેરા પર જે સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ ઉપસેલા જોયા એ અદભુત હતું. ફિલ્મો પ્રત્યેનો મારો ઝુકાવ જે એક કારણે છે એ કારણને તેણે સાચું પાડી દીધું. એજ કે અનેક શબ્દો અને ભાષણો જે કામ નથી કરી શકતા તે એક સારી અને સાચી ફિલ્મ કરી શકે છે. સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે એ સૌથી શ્રેષ્ઠ સ્થાન છે.
October 21 / 2019 / On Facebook

ધર્મ-અધર્મની ચેતના

એક ઇન્ટરવ્યૂ

સવાલ: એપ્રિલ 2017 માં તમે જીપીએસસીમાં જરૂરી સુધારા વિશે ત્રણ લેખ લખ્યા. અને એપ્રિલ 2017 પછી જીપીએસસીની પરીક્ષા પધ્ધતિમાં જે ધરખમ ફેરફારો આવ્યા તેના માટે ઘણા લોકો અંદરખાને તમને જવાબદાર માને છે. દાસા સાહેબે (જીપીએસસીના ચેરમેન) હમણાં તેમના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હવે ઓરલ એક્ઝામ વખતે પરીક્ષક માર્ક્સ સીધા તેમની સામે રાખેલા લેપટોપમાં નાખશે જે સિસ્ટમમાં તેજ સમયે જઈને કે કેન્ડીડેટના થીયરી માર્ક્સ સાથે જોડાઈ તેનું ફાઇનલ રિઝલ્ટ બનાવી દેશે. પછી જ બીજો કેન્ડીડેટ ઇન્ટરવ્યૂ માટે અંદર આવશે. છેલ્લા બે વર્ષમાં થયેલા આ બધા જ સુધારા એ છે જે તમે સૂચવ્યા હતા.
જવાબ: હું એમાં મારી જાતને બહુ જવાબદાર નથી માનતો. હા, એ વખતે મને મેસેજ મળ્યા હતા કે કેટલાક લોકો પર દિનેશ દાસા સાહેબનો ફોન આવ્યો હતો અને તેમણે જાણવાની કોશિશ કરી હતી કે ‘કૌશિક ચૌધરી કોણ છે?’ મને એ પણ કહેવાયું હતું કે એમનો મારા પર ફોન આવશે અને મેં કહ્યું હતું કે ફોન આવશે તો હું વિનમ્રતાથી મારા સુઝાવો અને ફરિયાદ આપીશ. એમનો ફોન નહોતો આવ્યો, પણ જે રીતે પરીક્ષા પદ્ધતિ બદલાવા લાગી અને તેમાં વધુને વધુ પારદર્શિતાને તેમણે ધ્યેય બનાવ્યું એ ખરેખર ક્રાંતિકારી છે અને હું એમના માટે તેમને ધન્યવાદ આપું છું. એ બધાનો પૂરો શ્રેય એમને જાય છે. છતાંય મારા બધા સજેશન પુરા થયા હોય એવું પણ નથી. ટેકનીકલ જીપીએસસીમાં ઓરલ ઇન્ટરવ્યુના 50% માર્ક્સથી હું અસહમત છું. ત્યાં ઘણી અપારદર્શિતા અને અનિયમિતતા હજી હાજર છે. ઓરલ ઇન્ટરવ્યુના માર્ક્સ 20% થી વધુ ન હોવા જોઈએ. નોન-ટેકનીકલ જીપીએસસીમાં પણ તે 10% જ છે. વધુમાં વધુ 300 માર્કસના થીયરી અને 100 માર્કસના ઇન્ટરવ્યૂ એમ થઈને 400 માંથી મેરીટ આપવું જોઈએ,જ્યાં ઓરલના 25% માર્ક્સ થશે. પણ એનાથી વધુ ઓરલને વેઇટેજ આપવું એ આજના પારદર્શી યુગમાં અયોગ્ય છે. એ માટે ટેક્નિકલ જીપીએસસીની થીયરી પરીક્ષાને વધુ ચોકસાઈ અને ગુણવત્તા સભર બનાવવા ખોટા જવાબ દીઠ (- 0.5) માર્ક્સનો નિયમ લાવી શકાય. જેથી થિયરીના માર્કસનું મૂલ્યાંકન પણ આદર્શ રહે. આ સુધારો પણ બાકીના બધા ઉત્તમ સુધારા સાથે બહુ જ જરૂરી છે.
સવાલ: રાઈટ. પણ લોકો તમારા આ રહસ્યમયી એટીટ્યુડથી આશ્ચર્યમાં છે. તમે આર્ટિકલ લખો છો અને જીપીએસસી જેવી સંસ્થામાં પરિવર્તન લાવનાર માણસ ત્યાં હાજર હોય છે. તમે દેશના અર્થતંત્રની નાજુકતાને સામે રાખીને વસ્તીવધારા પર એક વિચારશીલ લેખ લખો છો અને અઠવાડિયા જ પછી નરેન્દ્ર મોદી એજ વિષયને સૌપ્રથમવાર પ્રબળતા સાથે લાલ કિલ્લા પરથી પેશ કરે છે. તમે સ્વામિનારાયણ સંપ્રદાય પર પ્રહાર કરતા બે લેખ લખો છો અને એના પછી ત્રણ જ મહિનામાં મોરારીબાપુ તેમના જીવનમાં પહેલીવાર સ્વામિનારાયણ સંપ્રદાય વિશે એજ પ્રકારના પ્રહાર કરતા નિવેદન આપે છે અને મોટો વિવાદ થઈ જાય છે. તમે એ બંને સાથે તમારા પાછળના કનેક્શનની વાત તમારા આર્ટિકલ્સમાં કરી ચુક્યા છો. શું આમાં કોઈ ચમત્કારિક કે ટેલિપેથી જેવું કંઈ તમે કરી રહ્યા છો? (અમે બંને ખડખડાટ હસી પડયા.) ઘણા લોકો એવું માને છે.
જવાબ: સી.. જ્યારે કોઈ માણસમાં સત્ય પ્રત્યેની દ્રઢ નિષ્ઠા હોય, ત્યારે આસપાસ જે કંઈ અસત્ય ભરેલું હોય તે તેની નજરમાં તરત આવી જ જાય છે. એને કહે છે ધર્મ ચેતના. સત્ય શું છે એ જાણીને પોતાને એના માટે શું કરવું જોઈએ એની અનુભૂતિ એટલે ધર્મ ચેતના. જે માણસોમાં આવી ધર્મ ચેતના જાગ્રત છે તે ચાહે દિલ્લી બેઠા હોય, સૌરાષ્ટ્રમાં બેઠા હોય કે અમદાવાદ કે પાલનપુરમાં બેઠા હોય તે તેમની આસપાસ રહેલા તે સમયના અસત્યને જાણી જ લે છે અને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. એના માટે કોઈ એકે બીજા સાથે ટેલિપેથી કરવાની જરૂર નથી હોતી. સત્ય એક જ છે અને તે સર્વ સ્થાને છે. જે પણ સત્યને જાણે છે, તે અસત્યને પણ જાણે છે, ચાહે એ દુનિયાના કોઈપણ સ્થાને હોય.
સવાલ: મોરારીબાપુએ એમની કોમેન્ટ માટે માફી માંગી, એના વિશે તમે શું કહેશો?
જવાબ: જ્યાં સુધી મારી જાણકારીમાં છે એમણે માફી નથી માંગી. એમણે પતેતી નિમિત્તે મિચ્છામી દૂકડમ કહ્યું છે અને એમાં પોતાના નિવેદનથી કોઈને ખોટું લાગ્યું હોય તો માફીની વાત કરી છે. તેમણે પોતાના નિવેદનને પાછું નથી લીધું. એ ભારતીય સંસ્કાર છે. રામે રાવણને માર્યા પછી પણ એક વર્ષ સુધી તપસ્યા કરી પ્રાયશ્ચિત કર્યું હતું. કારણકે તે બ્રાહ્મણ હતો. આ રીતે કોઈપણ ધર્મનિષ્ઠ માણસ એ મેસેજ આપે છે કે હું જે કંઈ કહું છું કે કરું છું એમાં કંઇ વ્યક્તિગત નથી. એ લડાઈ કોઈ વ્યક્તિના વિરોધ માટે નથી, અસત્યના વિરોધ માટે છે.
સવાલ: જેટલા પણ એવા માણસોને હું મળ્યો જે તમને જાણે છે કે રૂબરૂ મળી ચુક્યા છે તે બધા તમારાથી અભિભૂત છે. લગભગ એ દરેકનું એવું માનવું છે કે ‘લોકોને કોઈ અંદાજો નથી આપણા વચ્ચે કોણ બેઠું છે.’ આમાં કોઈ અતિશયોક્તિ નથી. પણ સમજમાં એ પણ નથી આવતું કે કેમ તમે હજી પડદા પાછળ રહો છો. અને ક્યાં સુધી? ક્યારે અમે નરેન્દ્ર મોદી અને મોરારીબાપૂની જેમ તમને પણ કોઈ ક્ષેત્રમાં કામ કરતા જોઈશું.
જવાબ: મારું પહેલું લક્ષ્ય જે પર્સનલ કામ માટે હું આવ્યો છું એ કરવું હતું. પણ સાથે સાથે મેં એ સમયનો ઉપયોગ સૃષ્ટિ અને માનવ અસ્તિત્વ વિશેના ગૂઢ સત્ય આપવામાં કર્યો જે બહુ કિંમતી કાર્ય હતું. મારી બુક જ્યારે લોન્ચ થઈ અને હું ગુજરાત સમાચારમાં એ બધા આર્ટિકલ લખી રહ્યો હતો ત્યારે મને એક મહત્વપૂર્ણ સંગઠન અને પોલિટિકલ પાર્ટી તરફથી સારી સારી પોસ્ટ ઓફર થઈ હતી. હું રાષ્ટ્રીય કક્ષાના ઘણા લોકોને સતત મળી રહ્યો હતો. મને એક ગુજરાતી ટીવી શો કરવાની પણ ઓફર હતી જેનું ફોર્મેટ અમે નક્કી કરી રહ્યા હતા. પણ આ બધું હું સતત મારાથી દૂર કરતો રહ્યો કારણકે હું જાણતો હતો કે જે મૂળ કરવા હું આવ્યો છું એ કામ નીચેના લેવલે છે. વધુ મોટા સ્તરે પહોંચ્યા પછી અને ચકાચાંદમાં આવ્યા પછી એ કામ સારી રીતે થઈ શકે એમ નહોતું. મેં ગુજરાત સમાચાર છોડ્યું એના બિલકુલ મહિના પછી જ વિદેહિની એ સ્ટોરી જાગ્રત થઈ અને એ કામ શરૂ થયું. અને ત્યારથી લઈને આજસુધી મેં એ કામ કર્યું પણ છે તો એ જ રીતે કે સમાજમાં સત્ય વિશે જાગૃતિ ફેલાય. સમાજના જે દુષણોથી મારી મુલાકાત થઈ છે તેમના વિરુદ્ધ મેં ખાલી અવાજ જ નથી ઉઠાવ્યો, મેં તેમને દૂર કરી નવી સાચી વ્યવસ્થાની રૂપરેખા પણ આપી છે. બાકી જ્યાં સુધી પડદા પાછળથી આગળ આવવાની વાત છે, મારું વ્યક્તિગત કામ જે દિવસે પૂર્ણ થયું – જ્યારે પૂર્ણ થયું ત્યારે હું મારી બધી શક્તિઓને ખોલી દઈશ અને એ દિવસથી તમારી ફરિયાદ પુરી થઈ જશે.
સવાલ: પણ એ દિવસ પહેલા…? અને એ મહત્વપૂર્ણ સવાલ… કૌશિકી કોણ છે..? લોકો બહુ આશાસ્પદ છે એ ઘટના તરફ. રાહ જોઈ રહ્યા છે કે એ થાય.
જવાબ: ઓહહ…! હું અમદાવાદ જાઉં કે રાજકોટ, સુરત અને મુંબઈના કોઈ માણસ સાથે વાત કરું, આ સવાલ છેલ્લે આવી જ જાય છે. હું એના પર કોઈ પ્રેશર ઉભું કરવા નથી માંગતો અને એટલે જ એના વિશે હવે વધુ કંઈ નથી કહેતો. ઓલરેડી એ જે કરી રહી છે એ દબાણ અને મજબૂરીથી જ કરી રહી છે. હું નથી ચાહતો આ કામ પણ એ એ કારણે જ કરે. હું ચાહું છું એ હવે ફક્ત પ્રેમથી દોરાઈને મારી પાસે આવે. એ રીતે જ નિર્ણય લેતા અને જીવતા શીખે. કારણકે ક્યારેક હું પણ એ એનાથી જ શીખ્યો હતો.
October 06 / 2019 / On Facebook

ગુલામીનું કાદવ અને સત્યની ક્રાંતિ

(દુર્ગાઅષ્ટમી સ્પેશ્યલ)

એક વરિષ્ઠ એકેડેમિક લેખકશ્રીને ગુજરાતની એક પ્રતિષ્ઠિત લાઈબ્રેરીમાંથી મારું પુસ્તક ‘સૃષ્ટિનું સત્ય અને મનુષ્યની ઉત્પત્તિનું કારણ’ મળ્યું. વાંચ્યા પછી તેમણે ફેસબુક પર મને સર્ચ કર્યો અને FB પરના મારા આર્ટિકલ વાંચ્યા. માનનીય સાહેબશ્રીના પુસ્તકો પરથી શાળાના કેટલાક પાઠયપુસ્તકોનો અભ્યાસક્રમ રચાયો છે. FB પર લખેલા મારા લેખો વાંચ્યા પછી તેમણે મારો નંબર મેળવ્યો અને મને ફોન કર્યો. અમારા વચ્ચે જે લાંબી સવાલ જવાબની ચર્ચા થઈ તેને આજે દુર્ગા અષ્ટમીના પ્રસંગે અહીં આપી રહ્યો છું.
સવાલ: તમારા પુસ્તકથી અભિભૂત થઈને તમને FB પર શોધ્યા તો એક અલગ જ દુનિયા તમારા લેખો દ્વારા જાણી. આધ્યાત્મ અને વિજ્ઞાનને એક કરવામાં જે પ્રદાન તમે તમારા પુસ્તક મારફતે આપ્યું છે, તેનાથી ઘણું વધારે પ્રદાન તમારા આજની લગ્ન વ્યવસ્થામાં આવેલી મલિનતા પરના લેખોથી થયું છે એવું હું માનું છું. સામાન્ય રીતે તમારા જેવા આધ્યાત્મિક લોકો પોતે જે કરવા આવ્યા છે એ કામ પૂરું કરી દે પછી જ એ સ્ટોરી કહેતા હોય છે. કે પછી જીવનના છેલ્લા વર્ષોમાં આવી આત્મકથારૂપ વાત કરે છે. પહેલા મને એ કહો કે પોતાની આત્મકથારુપ વાતને પરિણામ આવ્યા પહેલા આટલી નાની ઉંમરે બહાર લાવી દેવાની હિંમત કેવી રીતે મળી?
જવાબ: અસલમાં મારા બાળપણથી હું વડીલો દ્વારા કહેવાતી પેલી વાત સમજી નથી શક્યો; ‘બાંધી મુઠી લાખની’. નાનપણથી આ સલાહમાં મેં સમાજની ભ્રષ્ટતા અને બનાવટ જ જોઈ છે. આધ્યાત્મિક આદર્શ એ છે કે એજ જીવન જીવો જે જાહેરમાં કહી શકાય. જે કહી શકાય એમ નથી તે કાં તો ન કરો, અથવા કર્યા પછી પોતાની ભૂલ અને પ્રાયશ્ચિત રૂપે સંસારને કહી દો. આજ આદર્શ ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય રહ્યું છે. મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આજ આદર્શનું પ્રતિબિંબ છે. હું બાળપણથી આજ સુધી આજ રીતે જીવ્યો છું અને મારા માતા-પિતાથી લઈને અન્ય કોઈ સગા-સંબંધીઓને મેં આ બાબતમાં મારી જાતને બદલવા મજબુર કરી શકે એટલો હક નથી આપ્યો. બસ મેં છેલ્લા એક વર્ષમાં લખ્યું એ આજ હતું જે બાળપણથી કરતો આવ્યો છું. fb પરના મિત્રોએ હવે જાણ્યું છે.
સવાલ: તમે 62 વર્ષના આ ડોસાને આત્મચિંતન કરવા માટે મજબૂર કરી દીધો છે આ કહીને (હસતા હસતા). નહીં, પણ લગ્ન વ્યવસ્થાની ભ્રષ્ટતા વિશે તમે અદભુત પ્રકાશ પાથર્યો છે. આ બદલાવ, એ શુદ્ધિકરણની જરૂર ખરેખર છે. તમે કહ્યું છે એમ ખરેખર મેં મારા જીવનમાં અનેક સ્થાને એવું જોયું છે જ્યાં પતિ સમાજના ડરે ડરેલી એક સ્ત્રીનો ઉપભોગ કરનારો રાવણ છે, તો કેટલાક સ્થાને પત્ની કોઈ રામને બાંધી રાખનાર શુર્ણપંખા છે.
જવાબ: ગુલામી એક કાદવ હોય છે. અને સદીઓ સુધી માણસ ગુલામ રહે એટલે એ કાદવને કાદવ તરીકે જોતો બંધ થઈ જાય છે. માણસ પોતાની કમજોરીના કારણે એવું માનવા લાગે છે કે આ કાદવમાં જ મારું કલ્યાણ છે. બસ આજ થયું છે આપણા સમાજ સાથે. આ વાત એક ઉદાહરણથી સમજાવું. કદાચ તમે જાણતા હોય. જ્યારે ચાણક્ય ચંદ્રગુપ્તને તૈયાર કરી મગધના રાજા ધનાનંદને ઉથલાવી દેવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે એકવાર તે બંને છુપા વેશે રાત્રે મગધ રાજ્યમાં ફરવા નીકળ્યા. તેમણે કેટલાક લોકોને વાતો કરતા સાંભળ્યા કે મગધના સૈનિકો દરેક ઘરમાં જે વધારે ચપળ અને શક્તિશાળી છોકરો હોય તેનો ભોગ ચડાવવા લઇ જતા અને બદલામાં રાજાના ચમચા પુરોહિતો પ્રજાજનોને કહેતા કે આ સૌથી ઊંચી બલી છે. તેનાથી તેમના અનેક જન્મોના પાપ ધોવાય છે અને તેમની અને રાજ્યની આર્થિક સુખાકારી જળવાઈ રહી છે. એ ગુલામ લોકો ખુશી ખુશી પોતાના છોકરાઓ આપતા અને રાજાને વફાદાર રહેતા. જ્યારે અસલમાં રાજા એવું એટલા માટે કરતો કારણકે તેને પોતાના અન્યાયી અને ભોગવિલાસી શાશનથી બળવો થઈ જવાની હંમેશા બીક રહેતી. એટલે તે બાળપણથી એવો બળવો કરી શકે એવા છોકરાઓને બલીના નામે મારી નંખાવતો. જ્યારે ચંદ્રગુપ્તે આ જોયું ત્યારે નિરાશ થઈ ગયો. તેણે ચાણક્યને કહ્યું, ‘આચાર્ય, આ લોકો જે ગુલામીને અપનાવી ચુક્યા છે, જેમને અહેસાસ પણ નથી કે તેમનું શોષણ થઈ રહ્યું છે તેમને કેવી રીતે મુક્ત કરાવવા? જે સામેથી જ ગુલામી અને કાદવમાં ખુશ રહેવાની કોશિશ કરી રહ્યું છે તેના માટે શું લડવું?’
ત્યારે ચાણક્યએ એજ કહ્યું જે મેં હમણાં કહ્યું, ‘લાંબો સમય કાદવમાં રહેવાથી માણસ તે કાદવને કાદવ તરીકે જોતો બંધ થઈ જાય છે. તે કાદવમાં જ પોતાનું કલ્યાણ જુએ છે. એટલે જ તો કેટલાક પ્રાણીઓ કાદવમાં જ રહે છે અને કેટલાક સ્વચ્છ સ્થાને. પણ એનો અર્થ એ તો નથી કે આપણે આવા કાદવમાં સપડાયેલા લોકોનો સમાજ આવનારી પેઢી સુધી જવા દઈએ. એ નવી પેઢી પણ આ કાદવમાં જ જન્મશે અને બે-ત્રણ પેઢી એ રીતે વીતતાં જ આ આખો સમાજ નષ્ટ થઇ જશે. આપણી લડાઈ ખાલી આ લોકો માટે નથી. આપણી લડાઈ એ આવનારી પેઢીઓ માટે છે. આપણા આ ભારતીય સમાજને નષ્ટ થવાથી બચાવવા માટે છે. એટલે ચિંતા ન કર. બસ એમને સતત સત્યનું ભાન કરાવતો જા. સતત સત્ય સામે આવતાં તેમને અનુભવ થવા લાગશે કે તેઓ કાદવમાં છે. અને એક દિવસ તે સામે ચાલીને તને સાથ આપશે. આપણે તે દિવસે લડીશું.’ ચાણક્ય અને ચંદ્રગુપ્તે જે કર્યુ તે આ હતું.
એટલે વાત આજ છે. ગુલામી કાળમાં હિંદુઓને એમની દીકરીઓ નાની ઉંમરે જ નજીકના ઓળખીતાના ઘરે પરણાવી દેવી પડતી, જેથી કોઈ અંગ્રેજ કે મુઘલ આવીને જવાન દીકરીને ઉપાડી ન જાય. એટલે એ છોકરીઓ કોઈ હિન્દુ પુરુષના ભોગ માટે જ કામ આવે અને હિન્દૂ વંશને જ જન્મ આપે. પણ મહાન પ્રાચીન ભારતમાં આવો કોઈ ડર નહોતો. એટલે ત્યારની ભારતીય સ્ત્રીઓ ખુલ્લેઆમ પ્રેમમાં પડતી અને પોતાના પ્રેમની કબૂલાત કરતા પત્રો લખીને સામેથી પુરુષો સામે લગ્નનો પ્રસ્તાવ મુકતી. અરે, કૃષ્ણના દીકરા પ્રદ્યુમનના દીકરા અનિરુદ્ધનું તો તેની પ્રેમિકા ઉષાએ ઘરના વિરોધને ટાળવા અપહરણ કરી દીધું હતું. પણ આજની સ્ત્રીઓ આઠસો વર્ષની ગુલામીમાં ભાંગી ચુકેલી વ્યવસ્થાઓ અને નષ્ટ પામેલા આદર્શો વચ્ચે જન્મેલી સ્ત્રીઓ છે. માતા-પિતા પોતાની ચિંતા ટાળવા તેમને જ્યાં સોંપી દે ત્યાં તેઓ પોતાના શરીરને સોંપી દે છે. આત્મા ત્યાં જોડાય એમ છે કે નહીં એ ચકાસ્યા વિના. આત્મા ન જોડાય એમ હોય અને સ્ત્રી ફરિયાદ કરે એટલે કહેવાય છે કે છોકરાં પેદા કરી દો. પછી પણ પ્રોબ્લેમ ચાલુ રહે તો એક માણસ બીજા પાસે આવીને કહે છે, ‘તમારી દીકરીને મોટી થઈ જવા દો, પછી બધું ઠાળે પડી જશે. મારી દીકરી સાત વર્ષની છે. કંઈ એવું થાય એટલે તરત મારી વાર લઈને એની મમ્મીને કહી દે છે, ‘મમ્મી કેમ આમ કરે છે?’ એકવાર એ દિવસ આવી ગયો પછી એ છટકી નહીં શકે.’
આ સમાજને હવે સમજવું પડશે કે આ બળાત્કાર છે. એક સ્ત્રી પર સમાજનો, તેના માતા-પિતાની ઈજ્જતનો અને સંતાનોનો ડર બતાવીને થતો સામાજિક બળાત્કાર. જ્યારે કોઈ સ્ત્રીનો આત્મા અને હૃદય કોઈ બીજા માટે તડપતું હોય કે જ્યાં છે ત્યાં જોડાયેલું ન હોય અને ઉપરથી જ્યારે સ્ત્રીનો સામાજિક, આર્થિક અને શારીરિક ઉપભોગ કોઈ બીજો કરી રહ્યો હોય ત્યારે એ સ્ત્રી માટે રોજ થતો એક બળાત્કાર જ હોય છે. ચારેબાજુ ફેલાયેલા સમાજના ઠેકેદારો સભ્યતાના નામે તેને એ બળાત્કારના કાદવને સ્વીકારી લેવાનું મૌન દબાણ કરતા રહે છે અને તેના વર્ષો કાઢતા રહે છે. સ્ત્રીના શરીર સાથે એની પવિત્રતાને કંઈ લેવાદેવા નથી. સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ એના શરીર સાથે શું થાય છે એ વાતનું કોઈ મહત્વ નથી. એ સંદેશ તો ‘રામ તેરી ગંગા મેલી’ ફિલ્મના અંતમાં જ આપી દેવાયો છે. સ્ત્રીની પવિત્રતા તેના અંતર આત્માની સ્પષ્ટતા અને પ્રામાણિકતા પર હોય છે. પણ કોઈપણ જાતનો બળાત્કાર સ્ત્રીના આત્મા પર થયેલો હુમલો છે. એમાં પણ આ રીતના સામાજિક બળાત્કાર ધીરે ધીરે સ્ત્રીના આત્માને કુંઠિત બનાવી દે છે. કારણકે તે રોજ પળે પળે તેના આત્માના અવાજ વિરુદ્ધ થતો ધીમો હુમલો હોય છે. આજીવન એ સ્ત્રી એવી હાલતમાં રહે છે કે ક્ષણિક એ કાદવને સ્વીકારી લીધા પછી ફરી ફરીને તેના અંદર આત્મસમ્માન અને પ્રેમની આગ ભભૂકતી રહે છે અને ક્ષણિક શાંત થતી રહે છે. આવું સ્થાન એક કાદવ છે. આવો સમાજ પહેલા વિરોધાભાસી વિકૃતિઓમાં સપડાય છે અને પછી નષ્ટ પામે છે.
આ પરિસ્થિતિમાં એક સંતાનને પણ યુવાન થતાં એ સમજાઈ જ જાય છે કે તેની માંને તેના પિતા સાથે કોઈ પ્રેમ કે લગાવ નથી, તે બસ સમાજ અને અમારા ડરે ત્યાં પડી રહી. ત્યારે એ સંતાન પોતાની માતા પ્રત્યે સમ્માન ઘુમાવી દે છે અને અંદરથી પિતાને એક સામાજિક રાવણ તરીકે ઓળખી જાય છે. ઉપરથી સમય આવ્યે તેને પણ તેની માતાનું ઉદાહરણ આપીને એજ કરવાનું કહેવાય છે, ‘તારી મમ્મીને પણ એવું હતું. પણ એ તારા માટે તારા પપ્પા પાસે પડી રહી. એટલે તારે પણ હવે તારા સંતાનો સામે જ જોવાનું હોય. તું તારે છોકરાં મોટાં કર. શું કરવો છે એને?’ વગેરે.. વગેરે.. આ રીતે આ ગુલામીનું કાદવ આગળ વધે છે. પણ જો એજ સંતાન એ જાણે કે તેની માતાએ સમાજ અને સંતાનોના ડરથી એવા પુરુષ પાસે બંધાઈ રહેવાનો ઇનકાર કરી દીધો જેનાથી તેને આત્મીય પ્રેમ નથી, અને એ સામાજિક બળાત્કારથી પોતાની જાતને છોડાવી મને દૂર લઈ આવી ત્યારે તે સંતાન પણ આજીવન પોતાની માંને ગર્વથી અને સ્પષ્ટતાથી જુએ છે. આજ કારણે એ સ્પષ્ટતા અને નીડરતા તેના જીવનમાં પણ આવે છે. તે સંતાન પોતાની માતાથી પ્રેરણા લઈ પહેલાથી જ પોતાને કોઈ એવા સ્થાને ફસાવા દેતું નથી. તે પહેલા જ દિવસથી પોતાના આત્માની લાગણીને મહત્વ આપે છે. બસ આદર્શ આવા સમાજનો જ છે. જ્યાં દરેક સીતા એના રામ પાસે હોય અને જ્યાં દરેક રામ એની સીતા પાસે હોય. વિરોધ લગ્ન વ્યવસ્થાનો નથી. લગ્ન વ્યવસ્થામાં આવેલા કાદવ અને મલીનતાનો છે.
સવાલ: બિલકુલ. અને આ વાત કહેવા માટે તમે જે કર્યું એ ખરેખર સાહસ જ નહીં મહાનતાનું કામ હતું. ખાસ કરીને કે જ્યારે એમાં હજી પરિણામ નહોતું આવ્યું.
જવાબ: આપણી વાતમાં જે થાય કે ન થાય એ આપણી વ્યક્તિગત સમસ્યા હોય છે. પણ કોઈ એકની કમજોરીના કારણે આખા સમાજમાં આ બદીને સભ્યતા અને સંસ્કારના નામે ફેલાતી કેવી રીતે જોઈ શકાય. આગળ જતાં જો મારી પાસે ક્યારેય વધુ પૈસા આવ્યા તો આવી સ્ત્રીઓને એવા સ્થાનોથી મુક્ત કરાવવા કાયદાકીય, આર્થિક અને સામાજિક મદદ કરતી સંસ્થા પણ હું ઉભી કરીશ. એવી સ્ત્રીઓ જે પ્રેમ ન હોવા છતાં કોઈ પુરુષ સાથે રહેવા મજબુર કરાઈ છે કે જેમનું દિલ અને આત્મા અન્ય કોઈ સાથે જોડાયેલા છે (સાસુઓ અને દેરાણી-જેઠાણીના કારણો આપીને છૂટવા માંગતી સ્ત્રીઓ માટે નહીં). સત્ય હંમેશા સાચા કારણ સાથે આચરવું જોઈએ. હું ત્યાં સુધી માનું છું કે આવી કોઈ એક સ્ત્રીની પુકાર પર તેને મુક્ત કરવા માટે જો પ્રલય કરી માનવજાતિની નવી શરૂઆત કરવી પડે તો એમાં પણ કંઈ ખોટું નથી. કારણકે જ્યાં જ્યાં આ અધર્મ ચાલી રહ્યો છે તે પ્રલયનો જ જનક છે. આ ચિત્ર માનવસમાજના નામ પર એક કલંક છે, જેને હવે મિટાવવું જરૂરી છે અને સમાજને પ્રાચીન ભારત જેવી સ્ત્રીઓથી ભરવો જરૂરી છે. એવી સ્ત્રીઓથી પેદા થયેલી સંતતિ જ પ્રાચીન ભારત જેવા મહાન આધ્યાત્મિક રાષ્ટ્રનું નિર્માણ અને વહન કરી શકે છે.
August 09 / 2019 / On Facebook

મનુષ્યજીવનમાં ચાલતા મુખ્ય દ્વંધનું કારણ અને તેનો ઉપાય

જ્યારે પણ હું યોગની દીક્ષા આપું છું ત્યારે ‘યોગ કેમ..?’ એ સવાલના જવાબમાં કેટલીક વાતો સમજાવું છું જેમાંની આ એક છે. આપણું અસ્તિત્વ બે વસ્તુઓનું મિશ્રણ છે. પદાર્થ અને ચેતના. પદાર્થ એટલે આપણું શરીર અને ચેતના એટલે આપણો આત્મા. શરીર એક ભૌતિક અસ્તિત્વ છે જે દરેક અનુભવની યાદ રાખે છે અને છેલ્લે એ યાદની જાળમાં ફરતું રહે છે. તમે જ્યાં સુધી શરીરને પંખાનો જ પવન આપો છો ત્યાં સુધી તેને વાંધો નથી. પણ એકવાર તેને એસીના ઠંડા પવનનું સુખ આપી દીધું પછી તે પંખાથી ચલાવી શકતું નથી. જ્યાં સુધી તમે સાઇકલ કે સ્કૂટર લઈને ફરો છો ત્યાં સુધી શરીર કોઈ ફરિયાદ કરતું નથી. પણ એકવાર એસી કારમાં ફરતા થઈ ગયા અને પછી એને સ્કુટરમાં ફેરવશો તો એ ફરિયાદ કરશે. એકવાર તેને પ્રતિષ્ઠા અને વાહવાહીની તાળિયો મળી ગઈ, પછી જો એ તાળીઓ છીનવાઈ જશે તો શરીર અને મન તેના વગર પાગલ થઈ ઉઠશે. આમ, શરીરને તમે જેમ વધુ સુખ અને સુરક્ષા આપો છો તેમ તે એ નવા સ્તરને રેકોર્ડ કરી લે છે, અને તમને એ ક્યારેય ન ગુમાવવા તરફ ડરાવતું રહે છે. પછી તમે એ શરીરની માંગો પુરી કરવા ગધેડો ભાર ઉપાડતો હોય તેમ નૌકરીઓ અને ધંધાઓ કરો છો, ભ્રષ્ટાચાર પણ કરો છો અને જૂઠ પણ બોલો છો, બનાવટી બનો છો અને દુનિયાના તમામ પ્રકારના અનિષ્ટ કરો છો. કારણકે તમને કોઈએ મજબુર કરી રાખ્યા છે અને તમે એની મજબૂરીને માની લીધી છે. આને જ કહે છે સુરક્ષાનો ભાવ.
શરીરનો સ્વભાવ આજ છે, બસ પોતાની સુરક્ષાની ચિંતા કરવી. કારણકે તે જાણે છે તે નષ્ટ થઈ જવાનું છે. અને અહીં જ તે આપણને છેતરે છે. કારણકે અસલમાં તે કોઈપણ ક્ષણે નષ્ટ થઈ જવાનું છે. જે કોઈપણ ક્ષણે નષ્ટ થવાનું છે તે નિશ્ચિત છે તેને બચાવવાની કોશિશોમાં જ માણસ તેના જીવનનો આપેલ સમય વેડફી નાખે છે. આ સમાજ અને તેના એ વ્યવહારો બસ માણસને તેની આ મુરખામીને સતત ભૂલીને રાખવા માટે મદદરૂપે ઉભા કરાયા છે. માણસ આખી જિંદગી શરીરને સુરક્ષા આપતો રહે છે અને સમાજની પંચાત કરીને પોતાના જ જેવા બીજા પાસે બેસીને સમય પસાર કરતો રહે છે. અંતે મૌત સામે આવે છે ત્યારે ડઘાય છે, રડે છે, પછતાય છે. અને એમનો એમ નષ્ટ થાય છે.
બીજી બાજુ આપણા જ અસ્તિત્વનો બીજો ભાગ છે આત્મા; જે પોતાની ચેતના વડે શરીરને અમુક નિશ્ચિત સમય માટે ચલાવે છે. આત્મા બ્રહ્માંડને ચલાવનારી સમગ્ર ઇશ્વરીય ચેતના સાથે એક હોય છે. તેનો સ્વભાવ હોય છે વિસ્તરવું. તેનો સ્વભાવ હોય છે સર્વસ્વથી એક થઈ જવું. એટલે બે આત્માઓને જોડતો દિવ્ય પ્રેમ અહીંયા જન્મે છે, અને શરીર સુખની કામના જગાડતી વાસના શરીરમાં જન્મે છે. શરીર તો મનુષ્યને બસ સુરક્ષાના ભાવથી ડરાવી ડરાવીને કોઈ ખીલે બાંધી રહેવા જ ધકેલે છે. જ્યારે આત્મા મનુષ્યને સતત વિકસિત થવા અને કંઈક શાશ્વત (જે ક્યારેય નષ્ટ ન થાય એવું) સુખ મેળવવા તરફ ધકેલે છે. જે હંમેશા કાયમ રહે છે તેવા સત્યને પામવા તરફ આત્મા આપણને ધકેલે છે. તે માણસને પોતાના શરીરને સાચવવાના ભાવથી આગળ વધી જીવનના આપેલ સમયમાં વિસ્તરવા માટે ધકેલે છે. બસ, દરેક મનુષ્યનું જીવન શરીર અને આત્માના સ્વભાવ વચ્ચેના આજ દ્વંધમાં ચાલતું હોય છે. સામાન્ય કોટિના માણસોમાં આ દ્વંધમાં શરીરનો સ્વભાવ અતિશય હાવી હોય છે. જ્યારે મહાન માણસોમાં આત્માનો સ્વભાવ શરીરના સ્વભાવ પર હાવી હોય છે. પણ યોગીઓમાં શરીરનો સ્વભાવ નષ્ટ પામી બસ આત્માનો સ્વભાવ જ જીવાતો હોય છે. યોગી એ છે જે શરીરની એ ‘હું જીવું ત્યાં સુધી મને સુખ આપે રાખો’ વાળી ચાલને સમજી ગયા છે. તેમણે પોતાની ઓળખ પોતાના આત્મા સાથે સાધી લીધી છે. અને આત્મા તો બ્રહ્માંડની સમગ્ર ઇશ્વરીય ચેતના સાથે જોડાયેલો હોય છે. એટલે આવા માણસો જાણી જાય છે કે મારે શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. તે બસ પોતાનો આત્મા કહે તે કરવા પોતાના શરીરનો ઉપયોગ કરતા રહે છે. જ્યારે સામાન્ય માણસમાં શરીર માણસનો ઉપયોગ કરે છે અને એ પણ એક જ કામ માટે – ‘મને બચાવે રાખો અને સુખ આપે રાખો.’ અને છતાંય તે ઘરડું અને કદરૂપુ બનીને નાશ પામે છે. તો આ છેતરામણીમાંથી મનુષ્યને બહાર કાઢવાનો જે માર્ગ છે તે યોગ છે. યોગ એટલે ‘આપણું આપણા આત્મા સાથે જોડાણ જે મૂળ ઇશ્વરીય ચેતનાથી એક છે.’
આ કાર્ય બેજ રીતે થાય છે. એક યોગથી. અને બીજું, તીવ્ર સાત્વિક પ્રેમથી. સાત્વિક એટલે એવો માર્ગ જેમાં કોઈપણ સંજોગોમાં સત્યની સીમાઓ ઓળંગવામાં નથી આવતી. જ્યારે સાત્વિક માણસમાં કોઈના પ્રત્યે પ્રેમ અતિશય તીવ્રતા ધારણ કરી લે છે ત્યારે તે આપોઆપ પોતાના શરીર અને તેના સાથે જોડાયેલી વાતોને સાચવવાના સ્વભાવમાંથી બહાર આવી જાય છે. તેની સુરક્ષાની ભાવના જતી રહે છે અને તે પ્રેમ માટે મરી મીટવા તૈયાર થઈ જાય છે. બસ જો એ પ્રેમ શરીર સુખ માટેની વાસનામાત્ર જ ન હોય (ભલે આગળ જતાં તે એક પડાવ તરીકે આવે) તો તે પ્રેમ જ તેને તેનો માર્ગ બતાવે છે. મતલબ, તે પ્રેમથી તેનો અંતરઆત્મા જાગ્રત થઈ જાય છે. તે શરીરના સ્વભાવથી આત્માના સ્વભાવ પર શિફ્ટ થઈ જાય છે. આજ કારણે મોટાભાગે સાચા પ્રેમીઓ અને સાચા ભક્તો સંસારના મહાન માણસો તરીકે ઉભરી આવે છે. કોઈપણ જાતની યોગસાધના વિના બસ તીવ્ર સાત્વિક પ્રેમનો માર્ગ તમને ઇશ્વરીય ચેતના સાથે જોડી દે છે. પ્રેમ ઈશ્વરનો શ્વાસ છે. તમે જ્યારે તે શ્વાસને પકડો છો, તમે ઈશ્વરને પકડો છો. એટલે જો તમે મીરાંની જેમ પ્રેમ અને નરસિંહ મહેતાની જેમ ભક્તિ કરી શકો છો, તો તમારે મારી પાસે આવવાની જરૂર નથી. હું તમારી પાસે આવીશ.
July 16 / 2019 / On Facebook

ગુરુપૂર્ણિમા નિમિત્તે પહેલા શિષ્યોમાંથી મળેલ પહેલો સંદેશ

આ વખતની ગુરુ પૂર્ણિમા થોડી ખાસ રહી. કારણકે પહેલીવાર મેં કોઈને અષ્ટાંગ યોગમાં દીક્ષિત કર્યા અને તે શિષ્યોના આજે બહુ પ્રેમભર્યા સંદેશ મળ્યા. ગુરુ છેલ્લે જતાં સંપૂર્ણ સત્યની પ્રાપ્તિમાં એક બાધા બની જતો હોય છે. એટલે જ હું ક્યારેય કોઈને પોતાના શિષ્ય તરીકે દીક્ષા નથી આપતો. હું દરેક દીક્ષા લેનારને કૈલાસ પર્વતની ટોચે સ્થિત થયેલ શિવત્વની ચેતના સાથે જોડું છું, જે સંસારની સૌથી ઊંચી ચેતના છે. હું બસ એક વાહક રહું છું, અને શિવ એમના સાચા ગુરુ બને છે. પણ મારું પહેલું વ્યક્તિગત કાર્ય પૂર્ણ થતાં જ મારી ચેતના એ શિવ ચેતનાને સમાંતર થઈ જવાની છે. એ સમયે મેં આપેલ દીક્ષાના માર્ગે પ્રામાણિક રીતે ચાલનાર દરેક સાધકની ચેતના મારાથી જોડાઈ જશે. એ આત્માઓનું કોઈના કોઈ સમયે મારી ચેતનામાં ભળવું નિશ્ચિત થઈ જશે. પણ ક્યારે..? એ જવાબ હું હંમેશા કહું છું તેમ બે વાતો પર આધાર રાખે છે. Attention અને Intensity. એકાગ્રતા અને તીવ્રતા સાધકમાં જેટલી વધારે હશે તેટલો તે લક્ષ્યને ઝડપથી પ્રાપ્ત કરશે. તો આજે આવેલા ગુરુ દક્ષિણાના સંદેશોમાંથી એક શિષ્યનો સુંદર મેલ અહીં આપી રહ્યો છું.
*********
મારા પરમ પૂજનીય ગુરુજી,
સાદર પ્રણામ….ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ…
તમારા જોડેથી દિક્ષા મેળવે આજે દસેક દિવસ થવા આવ્યા હું તમારી પ્રત્યેની મારી લાગણી સંસારિક શિષ્ટાચારના ડરના કારણે સારી રીતે અભિવ્યક્ત ના કરી શક્યો પરંતુ આ ભાવો હું મારા અંદર જ પડી રાખીશ તો હું મારા સાથેજ અન્યાય કરીશ એવું મને લાગે છે. ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે હું મારા અંદર આપના પ્રત્યે પડેલા લાગણીના ભાવો અભિવ્યક્ત કરું છુ.
આજથી લગભગ ૫ વર્ષ પેહલા અત્યંત ગાઢ પ્રેમ છૂટવાનો દર્દમાંથી હું ઉભરી રહ્યો હતો. તેવામાં મારા એક નજીકના સબંધીનું મૃત્યુ અને તેના પછી થયેલા મારા આજુબાજુના ઘણા વ્યક્તિઓના મૃત્યુના દરેક પ્રસંગો મને જિંદગીને એક અલગ આયામમાં જોવા મજબુર કરી ગયા. એના પછી મારી જીંદગી માત્ર આજ હકીકતની આજુબાજુ ગૂંથાવા લાગી અને મને સંસારની ક્ષણ ભંગુરતા તરફ વધારેને વધારે જાગરુક કરતી ગઈ અને આજ સચ્ચાઈ મને જીવનને કોઈ સાર્થક દિશામાં આગળ વધારવા પ્રેરણા આપતી ગઈ. મને બુદ્ધ પુરુષોની જીવની,તેમના પ્રવચન, વગેરે વધુને વધુ આકર્ષિત કરતા ગયા. હું જાણીને પણ મારી જાતને રોકી શકતો નહતો સાચું કહું તો હું કોઈ પ્રવાહ સાથે વહી રહ્યો હોઉં એવું મને લાગતું. આ પુસ્તકો ,પ્રવચનો મને મારી અજ્ઞાનતા અને પશુતાનો બોધ કરાવી ગઈ. કોઈકવાર આજુ બાજુના લોકોને જોઈ મને થતું કે હું કોઈ ખોટા માર્ગે નથીને અને અધ્યાત્મ મારું કોઈ એક વ્યસન માત્ર ન હોય. પણ થોડો સમય મારા પ્રયત્નો દ્વારા આનાથી દુર રહ્યા બાદ હું પાછો આ માર્ગે આવી જતો અને ખુબ સંઘર્ષ અનુભવતો.
પાછળના થોડા સમયમાં મેં વાંચેલી બુકો માની નીચેની ત્રણ બુકો મને તમારા સાથે સાચા ભાવથી જોડી ગઈ.(૧)AUTOBIOGRAPHY OF YOGi (૨)સદગુરુની આત્મકથા યુગન યુગન યોગી,,(૩)શ્રી એમ ની આત્મકથાના બન્ને ભાગ મેં વાંચી દીધા. આ ત્રણ યોગીઓની પુસ્તકો વાંચી પહેલીવાર સાચા અર્થમાં “ગુરુ” શબ્દથી મારો પરિચય થયો. AUTOBIOGRAPHY OF YOGI માં વર્ણિત શ્રી યુક્તેશ્વર ગીરી અને યોગાનંદજીના ગુરુ શિષ્યના પ્રેમને જોઇને ગુરુ શબ્દનો સાચો મર્મ હું સમજવા લાગ્યો. એક મુમુક્ષુ માટે ગુરુ શું છે એનો અંદાજો મને થવા લાગ્યો, એ બુકમાં વર્ણિત જુદા જુદા યોગીઓની શક્તિઓ, આત્મજ્ઞાન વગેરેની બાબતોમાં મને કઈ ખાસ રસ ના પડ્યો પરંતુ શ્રી યુંક્તેસ્વર ગીરી અને યોગાનંદ વચ્ચેના નિસ્વાર્થ, નિર્મલ પ્રેમને જોઈ મારા અંદર પણ એક ગુરુના ઉભરખા પેદા થવા લાગ્યા. હું રોજ ગુરુ પદુકાભ્યામ…..સ્તોત્રમ સંભાળતો અને ભાવ વિભોર થઇ જતો. ત્યાર પછી શ્રી એમની તેમના ગુરુ શ્રી મહેશ્વરનાથજી સાથેની હિમાલયની યાત્રનું વર્ણન મારામાં એક શિષ્યને જન્માવી ગઈ. એમાં વર્ણિત શ્રી એમ અને મહેશ્વરનાથજીના અંતિમ મુલાકત અને મહેશ્વરનાથજીના મહાસમાધિનાના પ્રકરણ વાંચ્યા પછી હું ખુબ રડ્યો. ધીમે ધીમે મને લાગવા લાગ્યું કે સાચો પ્રેમ માત્ર ગુરુ શિષ્ય વચ્ચે જ હોય. આપના પોસ્ટમાં વર્ણિત રામકૃષ્ણ પરમહંસની વાતો મારા અંદર રહેલા શિષ્યને વધુને વધુ જગાવતી ગઈ. રામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદના ફોટો જોઈ હું અનાયાસે જ રડી જતો. સમય વિતતા મારી જાતને સંભાળતા મને લાગતું આ બધું મારા જ માઈન્ડનો સાઈકોલોજીકલ ડ્રામા છે. આ બધી બુકો વાંચવાની અસર છે. લગે રહો મુન્નાભાઈ ઈફેક્ટ. મને લાગતું કદાચ ઈશ્વર જોડે લાગણીઓ ના પણ હોય. ઈશ્વરને આ કોઈ ફરિયાદ નહોતી બસ હું એક સંભવનાની જેમ એને જોતો કે કદાચ ઈશ્વર લાગણીઓને ના પણ સમજતો હોય. લાગણીઓ, દુખ, પ્રેમ, ઈર્ષ્યા, દ્વેષ, મોહ મારા જ શરીરની, મારાજ મનની ઉપજ હોય, મારા જ મશીનનો ફોલ્ટ. કદાચ ઈશ્વર જેવું કઈ હોય જ નહિ.
મેં તમારી બુક ‘સુષ્ટિનું સત્ય અને મનુષ્યની ઉત્પતિનું કારણ’ વાંચી જે મને અધ્યાત્મિક વિષયનો એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આપતી ગઈ અને તમારામાં રહેલી સંભાવના વિષે પણ મને અવગત કરાવતી ગઈ. હું તમને એક સંત તરીકે જોતો જે સત્ય જાણે છે પણ એને નાસમજ લોકોને એ સમજાવવામાં કોઈ ઉત્સુકતા નથી. જે સત્ય જેવું છે એવું કહેવામાં માને છે પણ એ પ્રમાણે લોકો વર્તે એવો એનો કોઈ આગ્રહ નથી. સદગુરુ અને શ્રી એમ ની જેમ તમારાથી પણ મને મારી પહોંચ ખુબ દુર લાગતી. મેં સપનામાંય નહોતું વિચાર્યું કે એક દિવસ તમને મળીશ. મારા માટે ખુબ સૌભાગ્યનો એ સમય રહ્યો હશે કે જયારે ઈશ્વરે તમારા અંદર અમારા જેવા લોકો માટે કરુણા મૂકી કે જેથી તમે દિક્ષા આપવાનું નક્કી કર્યું.
“…..જો ખુદા કે જોયા હૈ અર્શ પર વો ખુદા સે જાકે હો હમસખુન,
જિસે ખોજતા ફિરે ખુદ ખુદા મુજે ઉસ બશર કી તલાશ હૈ…”
તમારા જોડેથી દિક્ષા લીધે આજે એક અઠવાડિયું થઇ ગયું. આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે હું તમને કહું છુ કે તમારા જોડેથી દિક્ષા લેવી એ મારા માટે એક માત્ર કદમ નહિ એક છલાંગ જેવું હોય એવું મને લાગે છે. હું મારા જીવનમાં એક ઠહેરાવ મહેસુસ કરી રહ્યો છુ. મારો આંતરિક સંઘર્ષ ખતમ થવા લાગ્યો છે. ધ્યાન, પરમાત્મા, આત્મજ્ઞાન, સમાધિ એ બધા બસ શબ્દો છે મારા માટે, કદાચ તમારા થકી હું મારું આ જીવન કઈક અંશે સાર્થક બનાવીને જાઉં. અત્યાર સુધી આ બધી બાબતો મને મગજની માત્ર ખંજવાળ જ હોય એવું લાગતું હતું. પણ તમને મળ્યા પછી એવું લાગે છે કદાચ ઈશ્વર જોડે પણ દિલ હશે. એ પણ પ્રેમ અને લાગણીઓ સમજતો હશે. અને એને મારી તડપ અને મારા આંસુના પરિણામ સ્વરૂપ તમને મારા જીવનમાં મોકલ્યા હશે. બસ તમે આપેલ રાજયોગની દિક્ષાનો હું મારા જીવનમાં પૂરે પૂરો અંગીકાર કરવાનો નિષ્ઠાથી પ્રયાસ કરીશ. હવે કોઈ સંઘર્ષ નથી. હું ફોકસ રહી આપે સૂચવેલ માર્ગ પર મારા જીવનના અંતિમ શ્વાસ સુધી ચાલીશ. હું તમારા જોડે આત્મજ્ઞાન એવું મોટું કઈ માંગતો નથી. બસ એટલું માગું છુ કે તમારા ચરણમાં થોડી જગ્યા આપજો જ્યાં હું મારું દુખ, મારી પીડા, ઠાલવી શકું. તમને બહુ હેરાન નહિ કરું. જરૂર લાગશે ત્યારે જ તમારું માર્ગદર્શન મેળવવા તમને ડીસ્ટર્બ કરીશ.
ખુબ ખુબ પ્રેમ સહ. ચરણ સ્પર્શ…….
ગુરુપૂર્ણિમાની ખુબ ખુબ શુભકામનાઓ
LOVE YOU………..
– પવન, તમારો એક શિષ્ય
July 13 / 2019 / On Facebook

'મૅડ મેક્સ - ફ્યુરી રોડ' ફિલ્મ

“જ્યાં ખોવાયું હોય ત્યાં જ શોધવું પડે છે.”

2015 માં જ્યારે મેડ મેક્સ ફ્યુરી રોડ છવાયેલી રહી અને અનેક ઓસ્કાર જીત્યા ત્યારે મેં એ ફિલ્મ ડાઉનલોડ કરેલી. પણ ફિલ્મમાં લોકોના વિકૃત થઈ ગયેલા મોંઢા અને પાગલો જેવી વર્તણુક જોઈ એને જોવાનું મન નહોતું થતું. આખરે એને જોવાનો અવસર થયો ત્રણ વર્ષ પછી. ગયા વર્ષે ઓક્ટોમ્બર નવેમ્બરમાં હું એક વાતે થાકીને આ સ્થાનેથી નીકળવાની કોશિશમાં હતો. મારી ફિલ્મ સ્ક્રીપ્ટ અપડેટ કરી R. K. Films માં રણધીર કપૂરની સેક્રેટરી સાથે વાતચીત ચાલુ હતી ત્યાં ક્રિષ્ના કપૂરનું નિધન થયું અને બધી વાતચિત બંધ થઈ ગઈ. ઉપરથી RK Studio વેચવાની વાત ચાલી રહી હતી અને ત્યાં સુધી નવી મિટિંગ થાય એમ નહોતી. સરકારી નૌકરીની વાત હું બને ત્યાં સુધી ટાળવા માંગતો હતો ઍટલે મેં CAT આપીને IIM માટે પ્રયાસ કરવાનું નક્કી કર્યું. ઘરે બધાને વાત કરી દીધી અને 27000 રૂપિયાના દિલ્લીથી ચાલતા ઓનલાઈન કલાસીસ જોઈન કરવાનું નક્કી કરી દીધું. બીજા દિવસે હું કલાસીસની ફી ભરવાનો હતો. અંદર સતત બેચેની અને સંકેતો મળી રહ્યા હતા કે હું ખોટો વળાંક લઈ રહ્યો છું. એ બેચેની અને સંકેતોથી ભાગવા મેં રાતે લેપ ટોપ ખોલ્યું અને જાણી જોઈને એ પાગલોથી ભરેલા કેરેક્ટરો અને સતત એક્શન ધમાલવાળી મેડ મેક્સ ફિલ્મ ચાલુ કરી. પણ એ ફિલ્મ પુરી કર્યા પછી બીજા દિવસે હું એ ક્લાસિસમાં ફી ના ભરી શક્યો.
****
ફિલ્મમાં આજથી સો-બસો વર્ષ પછીની દુનિયા દેખાડી છે જ્યાં દુનિયામાં પાણી ઘટી ગયું છે અને પાણી માટેના યુદ્ધોથી તથા કોઈ વાઇરસ ફેલાવવાથી માનવજાતિ મોટાભાગે નષ્ટ થઈ ચૂકી છે. જે વધી છે એમાં પણ ઘણા લોકોને શરીર વિકૃત થઈ ચૂક્યા છે. ચારેબાજુ દૂર દૂર સુધી રણ ફેલાયેલું છે. આવી દુનિયામાં એક ‘જો’ નામનો માણસ એક વિશાળ બોરવેલથી એક સ્થાને પાણી મેળવે છે અને લોકોને સમજાવે છે કે તે ઈશ્વરનો દૂત છે જેને ઈશ્વરે આ મુશ્કેલ પરિસ્થિતિમાં પાણીનું નિયમન કરી માનવજાતિનું સંચાલન કરવાની જવાબદારી સોંપી છે. આ રીતે દૂર દૂરથી લોકો પાણી માટે ત્યાં ખેંચાઈ આવે છે. જો પાણીના નામે તેમનો ક્રૂર રાજા થઈ બેસે છે. લોકોને યુદ્ધમાં ઘાયલ સૈનિકો માટે બ્લડ બેન્ક તરીકે વાપરે છે, તો સુંદર સ્ત્રીઓને પોતાની પત્નીઓ બનાવે છે અને સતત પોતાના વંશજો પેદા કરતો જાય છે. જો ના રાજમાં બધા થોડા પાણી માટે તેના ગુલામ બનીને રહે છે. જો ની પોતાની આર્મી પણ છે જે બહારથી બીજા કોઈ લોકો પાણી માટે તેમના પર હુમલો ન કરી બેસે તેનું ધ્યાન રાખે છે. ફિલ્મ શરૂ થાય છે રાજાની એક સ્ત્રી જનરલથી જે પેટ્રોલનું એક મોટું ટેન્કર લઈને ત્યાંથી ભાગી જાય છે. તેના પાછળ રાજાના સિપાહીઓ તો ગાડી લઈને જાય જ છે, પણ જ્યારે રાજાને ખબર પડે છે કે તેનાથી અડધી ઉંમરની તેની પાંચ પત્નીઓ પણ તે સ્ત્રી જનરલ સાથે ભાગી ગઈ છે ત્યારે રાજા પોતે તેની તમામ આર્મી સાથે તેના પાછળ નીકળી પડે છે.
તે સ્ત્રી જનરલનું નામ હોય છે ફ્યુરીઓસા. તેના પાછળ આવતા રાજાના લશ્કરની ગાડીઓમાં એક અન્ય બંધી પણ હોય છે, જેનું બ્લડ ગૃપ યુનિવર્સલ ડોનર હોવાથી સિપાહીઓ તેને બ્લડ બેન્ક તરીકે સાથે લઈ આવ્યા છે. તે બંધીનું નામ છે મેક્સ, જે તેના પરિવારને ખોઈ ચુક્યો છે અને તેના લીધે હંમેશા ખોવાયેલો અને ચૂપ રહે છે. એટલે લોકો તેને કહે છે મૅડ મેક્સ. ફયુરીઓસા તેના ટેન્કરથી તેના પાછળ આવતા સિપાહીઓની ગાડી ઉડાવી દે છે અને મેક્સ મુક્ત થઇ જાય છે. શરૂઆતના વાદવિવાદ અને અવિશ્વાસ પછી મેક્સ પણ ફ્યુરીઓસા અને ઘરડા રાજાની પાંચ યુવાન પત્નીઓ સાથે તેમના ટેન્કરમાં જોડાઈ જાય છે. મેક્સ તેમને પૂછે છે કે તે ક્યાં જઇ રહ્યા છે. ફયુરીઓસા કહે છે, ‘લીલી ભૂમિ જ્યાં આજે પણ પાણી છે અને ધાન ઉગે છે.’ મેક્સ પૂછે છે કે તેને કેવી રીતે ખબર કે એવી કોઈ ભૂમિ અસ્તિત્વમાં છે અને તે આ રસ્તે જ છે? ત્યારે ફ્યુરીઓસા કહે છે કે તે ત્યાંજ પેદા થઈ હતી અને બાળપણમાં તેને કોઈ ચોરીથી જોના રાજમાં લઈ આવ્યું હતું. સતત ફાઈટ ચાલતી રહે છે અને મેક્સ અને ફ્યુરીઓસા સતત ટેન્કર ચલાવતા રહી અને લડતા રહી રાજાની સેનાની ગાડીઓને એક કાદવથી ભરેલા સ્થાને ફસાવવામાં સફળ થઈ જાય છે અને પોતે આગળ નીકળી જાય છે.
કલાકો સુધી આગળ ચાલ્યા પછી આખરે તે એક સ્થાને આવે છે જ્યાં કેટલીક સ્ત્રીઓ ફ્યૂરીઓસાને ઓળખે છે. ફ્યૂરીઓસા કહે છે કે ‘મારી પાસે ગાડી છે. ચાલો લીલી ભૂમિ પર જઈએ. ક્યાં છે એ..?’ તે ઘરડી અને આધેડ સ્ત્રીઓ તેને કહે છે કે એ ભૂમિ તો ફ્યુરીઓસા જે રસ્તે આવી ત્યાંજ રસ્તામાં હતી, પણ હવે ત્યાં પાણી કે લીલોતરી નથી. બસ કાદવ છે. આ સાંભળતા જ ફ્યુરીઓસા નિરાશાથી ભાંગી પડે છે. બધા નિરાશ થઈ જાય છે. રાત્રે ચંદ્રના પ્રકાશમાં એકલા ઉભેલા મેક્સ પાસે ફ્યુરીઓસા આવે છે અને કહે છે, ‘આ સ્ત્રીઓ પાસે ઘણા બાઇક છે. આપણે ટેન્કરમાંથી એટલું પેટ્રોલ સાથે લઈ શકીએ છીએ કે એ બધા બાઇક અહીંથી 160 દિવસ સુધી આગળની દિશામાં મુસાફરી કરી શકે. આપણે ટેન્કર છોડી જો ની સીમાઓથી ઘણા દૂર જતા રહીશું. હોઈ શકે પેલે પારની એ દુનિયામાં આપણને કોઈ પાણીવાળી ભૂમિ મળી જાય. એમાંથી એક બાઇક તારું છે. શું તું અમારી સાથે આવીશ..?’ મેક્સ કહે છે, ‘નહીં, હું મારા રસ્તે જઈશ.’ ફ્યુરીઓસા થોડી નિરાશા સાથે તેને ઓકે કહીને જતી હોય છે ત્યારે મેક્સ કહે છે, ‘આશા એક જાલ છે. જે તૂટી ચૂક્યું છે તેને જ્યારે તમે ફરી નથી જોડી શકતા ત્યારે તમે વિચિત્ર વિચારવા લાગો છો.’
ફ્યૂરીઓસા આ સાંભળી એક પળ વિચારમાં પડી ત્યાંથી ચાલી જાય છે. બીજા દિવસે સવારે ફ્યુરીઓસા સહિત તે બધી સ્ત્રીઓ બાઇક પર નીકળી જાય છે. પણ મેક્સને તેના મરેલા દિકરાના સતત સંકેતો દેખાતા હોય છે જે તેને પાછળની બાજુ બોલાવી રહ્યો હોય છે. આખરે, મેક્સ તેનું બાઇક લઈને ફ્યુરીઓસાના સમૂહ પાછળ જાય છે અને તેમને ઓવરટેક કરી તેમની આગળ બાઇક ઉભું કરી દે છે. તે ફ્યુરીઓસા પાસે આવીને એક નકશો બતાવે છે અને કહે છે, ‘હું જાણું છું પાણી ક્યાં છે. તે અહીં છે.’ ફ્યુરીઓસા ચોંકી જાય છે. તે એજ સ્થાન બતાવે છે જ્યાંથી તે આવ્યા છે. જો નો નિવાસ.
મેક્સ કહે છે, ‘160 દિવસ અહીંથી આગળ ગયા પછી એજ મળી શકે છે જે પહેલા મળ્યું. કાદવ. દુનિયા તબાહ થઈ ચૂકી છે. ભરપૂર પાણી હોય એવા એક જ સ્થાનને આપણે જાણીએ છીએ અને એ પાછળ છે. આપણે ત્યાંજ જવું જોઈએ. તમે લોકો ખોટી આશામાં સત્યથી ભાગી રહ્યા છો. ‘જો’ તેની આખી સેના સાથે રસ્તામાં છે. આપણે બિલકુલ તેમના વચ્ચેથી નિકળીશું અને તેમનાથી લડતા લડતા પેલી ખીણને ટેન્કર બ્લાસ્ટ કરી બંધ કરી દઈશું. તેની સેના આપણી પાછળ એ ખીણ પેલી પાર નહીં આવી શકે. ત્યાં સુધીમાં આપણે ત્યાં પહોંચીને જો ના સ્થાનને લોકોના કબજામાં લઇ લઈશું. અને લોકતંત્ર સ્થાપીશું.’
મેક્સની વાતથી ફ્યુરીઓસા સહિત બધા સંમત થઈ જાય છે. અને પછી…. પછી તે બધા ટેન્કર અને બાઇક સાથે પાછા જાય છે, બિલકુલ એજ રસ્તે પાછા જ્યાંથી તે ભાગતા ભાગતા આવ્યા હતા. તે બિલકુલ એજ સેનાના વચ્ચેથી ગુજરે છે જેનાથી તે બચતા બચતા આવ્યા હતા. ગાડીઓ સતત ચાલતી જાય છે. ભયાનક ફાઈટ થતી જાય છે અને લોકો મરતા જાય છે. આખરે ફ્યુરીઓસા અને મેક્સની ટીમ પેલી ખીણની આ પાર આવી ખીણને બ્લોક કરી દે છે. પણ રાજા ‘જો’ તેની ગાડી સાથે આ પાર આવી ચુક્યો હોય છે. ફ્યુરીઓસા અને મેક્સ એ ગાડીમાં રહેલા જો અને તેના આધેડ વયના દીકરાને મારી નાખે છે. ફ્યુરીઓસા પણ બુરી રીતે ઘાયલ થઈ જાય છે જેને મેક્સ બચાવે છે. તેઓ જો ની લાશને લઇ તેના સ્થાને પહોંચે છે અને તેની સત્તાને ખતમ કરી જનતાને પાણી વહેંચે છે. મેક્સ ફ્યુરીઓસાને એ લોકતંત્ર સંભાળવા આપી પોતે સામાન્ય જનતામાં પાછો ભળી જાય છે. એ વચન સાથે કે જ્યારે પણ ફ્યુરીઓસાને જરૂર હશે તે તેની પાસે આવી જશે.
તો, જે જ્યાં ખોવાયું હોય ત્યાંજ શોધવું પડે છે અને તેના માટે ત્યાંજ લડવું પડે છે. આ મેસેજ એ રાત્રે આ ફિલ્મથી મલ્યો. મેં CAT ની તૈયારીનો વિચાર છોડી દીધો. કારણકે IIM પાસ કરીને લાખો રૂપિયાની નૌકરી મળી શકે એમ હતી, પણ હું દેશના એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતો રહત. એ પેલા 160 દિવસ દૂર ભાગવાનું કાર્ય હતું જેનું છેલ્લું પરિણામ શૂન્ય હોઈ શકે એમ હતું. આખરે, હું ત્યાંજ રહી ગયો અને સમય આવ્યે સ્ટોરીને આગળના ગેઇરમાં લઇ ગયો જ્યાં બિલકુલ સીધો સંઘર્ષ, બિલકુલ સીધી બદનામીનો સામનો કરવાનો હતો. પણ જો એજ સત્યનો માર્ગ છે તો એજ આપણો માર્ગ પણ હોવો જોઈએ. સંઘર્ષથી ડરીને લેવાતા બાકી બધા માર્ગ એક જાલ છે, જે આપણા જીવનને જીવીએ ત્યાં સુધી નિરર્થક અને પીડા ભરેલું બનાવી દે છે.
July 13 / 2019 / On Facebook

સ્ટીફન હોકીંગ - એક નવીન મશાલ

આજે હું મારા પહેલા ગુજરાતી પુસ્તકનું ટ્રેલર લોન્ચ કરવાનો હતો અને એ દુઃખદ સમાચાર મળ્યા કે પ્રોફેસર સ્ટીફન હોકીંગ નથી રહ્યા. વીસમી સદીમાં આલબર્ટ આઈન્સ્ટાઈન પછી જે વૈજ્ઞાનિકનું નામ સૌથી વધુ પ્રચલિત થયું એ હતા સ્ટીફન હોકીંગ. આઇન્સ્ટાઇનની મહાન ઇન્દ્રિયાતીત શોધોની સાપેક્ષે હોકિંગની શોધો ઘણી નાની દેખાય એમ છે, છતાંય એ શું છે જેણે સ્ટીફન હોકિંગને આજની દુનિયામાં સૌથી મોટા સુપરસ્ટાર વૈજ્ઞાનિક તરીકે સ્થાપી દીધા. વેલ, ત્રણ વાતો મુખ્ય છે. એક, માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે મોટર-ન્યુરોન ડિસીઝ રૂપે આવેલી જીવલેણ બીમારી જેણે હોકિંગને કોલેજકાળમાં જ ના ખાલી પથારીવશ કરી દીધા પણ કોઈપણ દિવસે મૃત્યુ અચાનક આવી જાય એવી લટકતી તલવાર નીચે ગોઠવી દીધા. પણ કોઈપણ સમયે મૃત્યુના મુખમાં જતા રહેવાના ડર સામે પણ આજીવન વહીલચેરમાં રહેલા હોકીંગે ફિઝિક્સની શોધખોળો ચાલુ રાખી અને આજે જેના માટે પણ તેમને યાદ કરાય છે એ બધું તેમણે એ વહીલચેર પર લકવો મારી ગયેલા શરીરે જ કર્યું. બીજું કારણ, તેમનું પુસ્તક A Brief history of time જેમાં તેમણે સઘળા ભૌતિક વિજ્ઞાનને સરળ ભાષામાં સમજાવી સામાન્ય માણસોને ફિઝિક્સ વિષે વિચારતા કરી દીધા. એ પુસ્તક વાંચીને વૈજ્ઞાનિક બનવાના સપના જોયા હોય એવા કરોડો લોકો આ દુનિયામાં છે, જેમાંનો હું પણ એક છું.

            ત્રીજું કારણ છે હોકિંગનું બ્રહ્માંડને જોવાનું વિઝન, જે ભલે આપણને કોઈ મહાન શોધો ન આપી શક્યું હોય પણ આપણને મહાન માર્ગ તો તેણે બતાવ્યા જ છે. તેમણે જ બ્રહ્માંડની શરૂઆત અને અંત બ્લેકહોલ સ્થિતિમાં હોઈ શકે એ સંકલ્પના આપી જેનું હું મારા પુસ્તકમાં કારણ સાથે સમર્થન અને મારી સમજ મુજબ સુધારો કરી ચુક્યો છું. પણ જે સૌથી મોટું વિઝન તેમણે આપ્યું એ હતું યૂનિફાઇડ સાયન્સનું. ભૌતિક વિજ્ઞાનના સમગ્ર ઇતિહાસમાં સ્ટીફન હોકીંગ એવા પહેલા માણસ હતા જેમણે કહ્યું કે સૃષ્ટિનું એક સળંગ એકીકૃત વિજ્ઞાન હોવું જોઈએ. એટલે સત્યને અનેક વિજ્ઞાનોમાં અને શાખાઓમાં ખંડિત કરીને જોવાની પશ્ચિમની રીત આ અસ્તિત્વને સમજવામાં સફળ થઇ શકે એમ નથી. તેમનું સમગ્ર જીવન આવી એક ‘થિયરી ઓફ એવરીથીંગ’ શોધવાની કોશિશોમાં વીત્યું, જે તેમના પર બનેલી ફિલ્મનું પણ નામ છે. થીઅરી ઓફ એવરીથીંગ વિજ્ઞાનના ભવિષ્યનો માર્ગ નિર્ધારિત કરતી એક નવીન મશાલ હતી જે હોકીંગે પ્રગટાવી હતી. અને અહીં જ મારો હોકીંગ સાથેનો નાતો શરુ થાય છે. તેવીસ વર્ષની ઉંમરે આત્મસાક્ષાત્કારો દ્વારા સૃષ્ટિના વિજ્ઞાનને જાણ્યા પછી હું સૃષ્ટિને એક જ સળંગ વિજ્ઞાનમાં સમજાવવાની કોશિશમાં હતો. અને એવા જ સમયે સ્ટીફન હોકિંગના પુસ્તકો મારા હાથમાં આવ્યા જેમાં આવા સળંગ વિજ્ઞાનની શોધ માટેના સમર્પિત પ્રયાસો હતા.             એ પ્રયાસો બ્રહ્માંડનું એક સળંગ ગાણિતિક સૂત્ર મેળવવાના હતા. પણ મને લાગ્યું કે પહેલા તો આપણે ફિલોસોફિકલ અને થિએટરીકલ રીતે આવું એક સળંગ વિજ્ઞાન તૈયાર કરવું પડશે જેના પર આગળ જતા ગણિતને વિકસાવી શકાય. અને આ રીતે ભારતીય આધ્યાત્મના સિદ્ધાંતોને આધુનિક વિજ્ઞાનના માર્ગમાં ગોઠવી મેં વિશ્વનું પ્રથમ યૂનિફાઇડ સાયન્સ આપતું એ પુસ્તક તૈયાર કર્યું. પણ એ પુસ્તકમાં આધ્યાત્મ સાથે ફિઝિક્સમાં હું જેટલો ઊંડો ઉતર્યો છું એમાં હોકિંગના Brief history of time પુસ્તકનો ઘણો મોટો ફાળો છે. આજે પણ મારા એ પુસ્તકની અને એનું ગુજરાતી વર્ઝન જે આગામી મહિને તમારા હાથમાં આવશે એની પ્રસ્તાવના વિવેકાનંદના શબ્દોમાં છે, તો એના તરત પછીના પાને પુસ્તકની ઉદઘોષણા સ્ટીફન હોકિંગના શબ્દોમાં છે. જયારે અંગ્રેજી પુસ્તક પબ્લિશ થયું ત્યારે એની પહેલી કોપી મેં સ્ટીફન હોકિંગને એમની કેમ્બ્રિઝની ઓફિસમાં મોકલાવી હતી. એમની પર્સનલ આસિસ્ટન્ટ તરફથી મને ઈમેલ દ્વારા કહેવાયું હતું કે ‘સરે તમને થેન્ક્સ કહ્યું છે અને સમય મળશે તો પુસ્તક વાંચવાની ઈચ્છા પણ દર્શાવી છે.’

            આગળ જતા સર હોકીંગે એ પુસ્તકને કેમ્બ્રિઝના ફિલોસોફિકલ અને હિન્દૂ સ્ટડીઝના ડિપાર્ટમેન્ટમાં મોકલાવી દીધું હતું. આજે એજ પુસ્તકના ગુજરાતી અનુવાદના ટ્રેલરને લોન્ચ કરવાનો સમય છે અને હું એ ટ્રેલર સર સ્ટીફન હોકિંગને એક શિષ્યરૂપે પ્રણામ કરીને સમર્પિત કરું છું. હું નહિ કહું કે ભગવાન એમના આત્માને શાંતિ આપે. હું કહીશ ભગવાન એમના આત્માને એટલું મજબૂત અને વિકસિત શરીર આપે કે તે આ દુનિયાને એ યૂનિફાઇડ ગાણિતિક સૂત્ર આપવાનું કાર્ય પૂર્ણ કરી શકે. એમાં જ એ આત્માની શાંતિ છે.

October 06 / 2020 / On Facebook

પ્રિયંકાના જીવનથી જોડાઈને ખેડાયેલું મારું જીવન... "unfinished..."

તો, પ્રિયંકા ચોપરાની આત્મકથા જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહી છે. એમેઝોન પર એનું પ્રિબુકીંગ શરૂ થતાં જ બુક બેસ્ટસેલર બની ચૂકી છે. ત્રણ દિવસ પહેલા જ્યારે આ બુકનું કવરપેજ જોયું તો મારું પોતાનું જીવન નજર સામે ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયું. કારણકે આ જીવન પ્રિયંકાની યાત્રા સાથે જોડાઈને સમાંતર ચાલ્યું છે. તો આજે એ યાત્રાની વાત જેને આજ સુધી મેં છુપાવી રાખી છે.
પ્રિયંકા વિશે પહેલીવાર મેં જ્યારે સાંભળ્યું ત્યારે હું સાતમા ધોરણમાં હતો. હું સ્કૂલની લાઈબ્રેરીમાં મારા મિત્રો સાથે ફરતો હતો અને મારા એક મિત્રએ ન્યૂઝપેપર બતાવીને કહ્યું, ‘કૌશિક, આ વખતની આ મિસ ઇન્ડિયાની વાતો તો સાંભળ. બિલકુલ તારા જેવી વાત કરે છે. તારી જેમ એને પણ એરોનોટિકલ એન્જીનીયર બનીને નાસામાં જવું છે. મધર ટેરેસાની જેમ ગરીબો માટે કંઈક કરવું છે.’ મેં પહેલીવાર પેપરમાં એનો ફોટો જોયો. પ્રિયંકા ચોપરા એ વખતે નવું નવું ચર્ચાએ ચડેલું નામ હતું. એજ બધી વાતો એમાં કરેલી હતી જે હું મારા મિત્રો સામે કરતો રહેતો. મિસ વર્લ્ડ કોમ્પિટિશન શરૂ થયા પહેલા જ તે મિસ ઇન્ડિયા તરીકે સ્પર્ધા જીતવા માટે ફેવરિટ હતી. તેના મિસ વર્લ્ડ બન્યા પછી મારી બહેનો મને મજાકમાં કહેતી, ‘કૌશિક, તું ડોક્ટર બની જા. આપણે તારા લગ્ન પ્રિયંકા સાથે કરાવીશું. જેમ માધુરીએ ડોક્ટર સાથે કર્યા તેમ.’ અને હું સ્કૂલમાં મને ગમતી એક છોકરીની વાત કરીને કહેતો, ‘મારે કોઈ પ્રિયંકા, બ્રિયંકા નથી જોઈતી. મારે તો છે કોઈ.’ પણ દસમા ધોરણ સુધી રેન્કર રહેલો હું અગિયારમા ધોરણમાં એક બીજી સ્કૂલમાં જતાં જ બદલાવા લાગ્યો. ડોક્ટર બનવાનું ઘરેથી અને સ્કૂલમાં અપાતું લક્ષ્ય મને બહું નાનું, અર્થહીન અને ઘેટાંની ચાલ જેવું લાગવા લાગ્યું. પરીક્ષામાં માર્કસ લાવવાની મારી તીવ્રતા ખતમ થવા લાગી અને લોકો મારા આગળ થવા લાગ્યા. શું નથી કરવું એજ સ્પષ્ટ થયું હતું, પણ શું કરવું એ સ્પષ્ટ નહોતું થયું. અને પરિણામે ચારેક વર્ષ હું સતત નિષ્ફળતાઓ અને પરીક્ષા સમયના ડિપ્રેશનની ઝપાટો ખાતો રહ્યો. આ ચાર વર્ષ દરમિયાન પણ જ્યારે જ્યારે અતિશય નિરાશાની પળો આવતી ત્યારે કોઈના કોઈ રીતે પ્રિયંકાનું નામ, ફોટો કે કોઈ ઈન્ટરવ્યુ સામે આવી જતું. હું ક્ષણિક એ સંકેતોથી શક્તિ મેળવવાની કોશિશો કરતો અને પછી પોતાના પર હસી લેતો.
 
કોલેજના બીજા વર્ષ દરમિયાન સતત નિષ્ફળતાઓ અને હેરાનગતિઓથી થાકીને હું એક રાત્રે મારી હોસ્ટેલના ટેરેસ પર ઉભો હતો. મેં સામે ક્ષિતિજ સામે જોયું અને ઘોર નિરાશામય વિચારો મારા માનમાં ઉમટી પડયા. આગળ કોઈ દિશા, કોઈ લક્ષ્ય નહોતું અને જ્યાં હતો ત્યાં બધું ખોરવાઈ ચૂક્યું હતું. એ રાત્રે પહેલીવાર મારા મનમાં એ વિચાર આવ્યો કે ‘જો આજે હું અહીં આ ટેરેસથી પડીને મરી જાઉં તો એમાં દુઃખ ઓછું અને સુખ વધુ છે.’ કંઇક આવા જ વિચારોમાં હતો ને નીચે ટીવી રૂમમાંથી ક્રિશ ફિલ્મનું ‘આઓ સુનાઉ પ્યાર કી એક કહાની..’ ગીત સંભળાયું. ફરી પ્રિયંકાના સંકેતો, નિરાશાજનક સમયે. હું ત્યાંથી ઝપાટાબંધ નીચે ઉતર્યો અને ટીવી રૂમમાં ગયો તો પ્રિયંકાનું એક ઇન્ટરવ્યૂ ચાલતું હતું. તેને પૂછાયું કે ‘ફિલ્મોથી પૈસા અને પ્રસિદ્ધિ મળે છે એના સિવાય બીજો શુ ફાયદો છે?’ પ્રિયંકાએ કહ્યું, ‘અહિંથી એક વિચાર છોડવામાં આવે તો તે એકસાથે કરોડો લોકોના મન પર અસર કરે છે. આ એની સાચી શક્તિ છે.’ અહીં મારું માથું ખનકયું અને મને દેશ અને માનવજાતિ વિશેના મારા આજસુધીના ચિંતનને રજૂ કરવાનો એક માર્ગ દેખાયો. અહીંથી મારી મારા આઈડિયા મુજબની ફિલ્મ બનાવવા અને તેમાં એક્ટિંગ કરવાની કોશિશો શરૂ થઈ. બરોડાથી મુંબઈના આંટા શરૂ થયા. ત્રણ વર્ષ આ ચાલ્યું. બે એક વખત મારી ફિલ્મ સિલેક્ટ થયા પછી કોઈના કોઈ કારણે બનવાની શરૂ ન થઈ શકી. આવા જ સમયે ઇન્ટરનશીપમાં હું એ આધ્યાત્મિક સાક્ષાત્કારોમાંથી પસાર થયો અને આધ્યાત્મએ મારા જીવનમાં અચાનક બહુ તીવ્ર એન્ટ્રી મારી. જાણે લાંબા સ્વપ્નમાંથી જાગ્યો હોય એમ મારું પાછળનું જીવન ધૂંધળું દેખાવા લાગ્યું અને બદલામાં પાછલા જન્મોની યાદો ઉભરાવા લાગી અને એ ઓળખ વધુ સ્પષ્ટ બનવા લાગી. એ સાત જન્મોની યાત્રામાં મારા સાથે જોડાયેલા આત્માઓમાં જે પહેલા આત્માને મેં ઓળખ્યો તે પ્રિયંકા હતી. એ દિવસે હું આજ સુધી મળેલા એ સંકેતોનું રહસ્ય સમજી ગયો.
 
ચાર મહિના પછી કોલેજ પુરી થતાં જ હું મુંબઇ જતો રહ્યો અને સ્વતંત્ર ફિલ્મ પ્રોડ્યુસરોને મારી ફિલ્મ માટે તૈયાર કરવા લાગ્યો. જે મેલ સ્ટારને અમે લેવાની કોશિશ કરી રહયા હતા તેણે સત્તર કરોડ માગ્યા જે અમારી ફિલ્મનું કુલ બજેટ હતું. બધા પ્રોડ્યુસરોએ વિચાર માંડી વળ્યો. મેં એક છેલ્લા પ્રયાસ માટે તેમને મનાવ્યા. મેં મારી પટકથાને મેલમાંથી ફિમેલ સેન્ટ્રીક કરી દીધી અને પ્રિયંકાના મેનેજરની એપોઇન્ટમેન્ટ લઇ લીધી. પ્રિયંકા સ્ટેજ શો માટે ઇન્ડિયા બહાર હતી એટલે મેનેજરે તેના તરફથી જવાબ આપ્યો કે પ્રિયંકા સ્વતંત્ર પ્રોડ્યુસરો અને નવા ડિરેક્ટરો સાથે હવે કામ નથી કરતી. તો એ તૈયાર નહીં થાય. મારા ઘરેથી મને પાછા બોલાવવાના ઈમોશનલ પેંતરા ક્યારનાય ચાલુ હતા. અને અહીં મેં હાર માની, મારી બધી સ્ક્રિપ્ટ સમેટી લઇ પાલનપુર પાછો આવતો રહ્યો. મેં મારું ધ્યાન મારા મસ્તિષ્કમાં ચાલી રહેલા સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને એના કારણો જણાવતા દર્શનો તરફ કેન્દ્રિત કર્યું અને એને એક બુકનું સ્વરૂપ આપવાનું શરૂ કર્યું. બીજી બાજુ, પાછા આવીને લગ્ન માટે છોકરીઓ જોવાની શરૂ કરી જ્યાં હું મારા પાછલા જન્મોની યાત્રાના એક અન્ય જરૂરી કામથી રૂબરૂ થયો જેની વાત મેં વિદેહીકથા અંતર્ગત કરી છે. ખબર પડી કે આજ એ મુખ્ય કામ હતું જેના લીધે મારે પાછું આવવું પડ્યું હતું.
 
બીજી બાજુ, લગ્નના બે વર્ષ પછી જ્યારે મારી બુક વિશ્વભરમાં રિલીઝ થઈ ત્યારે પ્રિયંકાનું પણ હોલીવુડમાં ક્વોન્ટિકોની પહેલી સીઝનનું શૂટિંગ ચાલું હતું. તેની અમેરિકામાં વધતી નામના વિવેકાનંદની અમેરિકામાં થયેલી નામના જેમ જ હતી. હું મારા આધ્યાત્મિક જ્ઞાનની પબ્લિસિટી અને માર્કેટિંગ પ્રત્યે હંમેશા ઉદાસીન રહ્યો છું એનું એક રહસ્યમયી કારણ એ પણ છે કે જેમ રામકૃષ્ણ પરમહંસે તેમના જીવનના છેલ્લા પાંચ વર્ષમાં તેમનું બધું જ્ઞાન વિવેકાનંદને આપી દીધું હતું અને વિવેકાનંદે તેને આત્મસાત કરીને ફેલાવ્યું એવુ હું પણ મારા જ્ઞાન માટે કોઈને જોઈ રહ્યો છું. જે મેં તેમના માટે ગઈ વખતે કર્યું હતું, તે એમને આ વખતે મારા માટે કરવાનું છે. નરેન્દ્ર મોદી પણ જે રીતે પ્રિયંકાને મહત્વ આપતા રહયા, તેને વિવિધ યોજનાઓમાં નોમિનેટ કરવાથી લઈને બર્લિનમાં સ્પેશ્યલ મુલાકાત કરવાથી લઈને તેને પીએમઓમાં મળવા અને તેના લગ્નમાં હાજરી આપવા સુધી – એ બધું પણ એ માટે જ હતું. હું સમજી ગયો હતો કે એ પણ એજ જોઈ રહયા છે જે હું જોઈ રહ્યો છું. આ સિવાય આધ્યાત્મિક અને આત્મીય ભૂમિકાએ મેં તેના જીવનના કેટલાક નિર્ણયોમાં ઈન્ટરફિયર કર્યું છે પણ એની વાત અહીં આ સમયે કરવી મૂર્ખામી ગણાશે. એ પોતાના ઇન્ટરવ્યૂઝમાં કહેતી રહે છે કે ‘મેં ‘ધ સ્કાય ઓફ પિંક’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું એટલે નિક (જોનાસ) ક્યાંય પિક્ચરમાં જ નહોતો અને જ્યારે ફિલ્મ પુરી થઈ એટલે હું મારા લગ્નની શોપિંગમાં બીઝી હતી. આ બધું દસ મહિનામાં આટલી ઝલદી કેવી રીતે થઈ ગયું એ ખબર જ નથી પડતી. મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું.’
 
ગયા વર્ષે નવેમ્બરમાં હું જ્યારે આઠ વર્ષ પછી બૉલીવુડ માટેના મારા પ્રયાસો પુન: શરૂ કરવા મુંબઇ ગયો ત્યારે પારલેમાં તેની માતાના ક્લિનિકમાં ગયો હતો. મેં તેમને મારી અંગ્રેજી બુક અને વિદેહી કથાનું એક પચાસ પેજનું હિન્દી ટ્રાન્સલેશન ભેંટ આપ્યું અને કહ્યું, ‘વિદેહી વાંચી લેજો. હોઈ શકે કોઈ સમય આવે જ્યારે તમારે પ્રિયંકાને આ કહેવાની જરૂર પડે. ત્યાં સુધી એને તમારી પાસે જ રાખજો. હું સમય આવે આવી જઈશ.’ આ સાથે મેં એમને હું જો મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સેટલ થઇ શકું તો અઠવાડીયાના બે દિવસ તેમના ક્લિનિકના ડેન્ટલ ડિપાર્ટમેન્ટમાં ડોક્ટર તરીકે આવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી. અને પછી… પછી કોરોનાકાળ આવ્યો. તો, આ છે અત્યાર સુધીની આ સમાંતર યાત્રા. બાય ધ વે, મને બુકનું ટાઇટલ બહુ પસંદ આવ્યું.
Yes, it’s ‘unfinished’…