માનવજીવન અને સમાજ

All the text in the articles given below is Dr. Kaushik Chaudhary’s intellectual property. Sharing any part of it without giving attribution can be a criminal offense.

August 02 / 2015 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

જેણે એક જીવન બચાવ્યું તેણે આખી દુનિયાને બચાવી લીધી

“જો શીંડલર જેવો એક જર્મન એક વિરોધી પ્રજાતિ માટે પોતાની સઘળી સંપતિ વેડફી તેમનું જીવન બચાવી શકતો હોય તો આપણે આપણા જ દેશના એ ૩૫ કરોડ લોકો માટે કેમ કંઈ કરી નથી શકતા જેમને દિવસનું બે સમય જમવાનું અને પહેરવા માટે એક જોડી કપડા પણ નસીબ નથી.”

સપ્ટેમ્બર ૧૯૩૯. જર્મન સેનાએ બે જ અઠવાડિયામાં પોલેન્ડ જીતી લીધું. પૂર્વી પોલેન્ડના નાના વિસ્તારોમાં વસતા યહુદીઓને ક્રકોવ નામના એક મોટા શહેરમાં આવી જવાનો આદેશ આપવામાં આવ્યો અને તે આદેશ પ્રમાણે રોજ ૧૦,૦૦૦ થી પણ વધુ યહુદીઓ ક્રકોવમાં એકઠા થવા લાગ્યા. તેમને કોઈ અંદાજો નહોતો કે તેઓ કેવા પાશવી નરસંહારના ભોગ બનવાના હતા. આવા સમયે જર્મનીથી હિટલરની નાઝી પાર્ટીનો જ એક સભ્ય ઓસ્કાર શીંડલર યુધ્ધના માહોલમાં વેપારની તકો શોધવા આવ્યો. ભૂતકાળમાં એક નિષ્ફળ બીઝનેસમેન એવા શીંડલરે યહૂદીઓની એક ખાલી પડેલી વાસણોની ફેક્ટરી ત્યાંના જ પૈસાદાર યહુદીઓના ધનથી ખરીદી અને સૈન્ય માટે જરૂરી ધાતુની વસ્તુઓ બનાવવાની શરુ કરી. યુધ્ધ આગળ વધ્યું તેમ તેમ ખાલી હાથે ક્રકોવ આવેલો શીંડલર કરોડપતિ બની ગયો. બીજી બાજુ યહુદીઓને તેમના મહેલો જેવા ઘરોમાંથી કાઢી મૂકી તેમના માટે ખાસ બનાવેલી ઉંચી દીવાલોથી ઘેરાયેલી ‘ઘેટો’ નામની મોટી વસાહતમાં ધકેલી ખેંચી ખેંચીને શેરીઓમાં લાવવામાં આવ્યા. બીમાર અને કમજોર લોકોને ગોળીઓ મારી દેવામાં આવી અને જે લોકો સખત કામ-મજુરી કરી શકતા હતા તેમને એકબાજુ કરી બાકીના નાકામ યહુદીઓ સાથે ઘેટોની વસાહતને સળગાવી દેવામાં આવી. વધેલા યહુદીઓ જર્મનોના ગુલામો તરીકે કામ કરવા લાગ્યા જેમને કોઇપણ જર્મન ચાહે ત્યારે ગોળી મારી શકતો.

            ૧૯૪૪ આવતાં સુધીમાં જર્મની યુધ્ધમાં પૂર્વ સીમાથી હરવા લાગ્યું અને તેને ક્રકોવ છોડવાનો વારો આવ્યો. પરંતુ, તેના પહેલા વધેલા તમામ યહુદીઓને ગેસ ચેમ્બરમાં પૂરી પૂરીને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો. અને અહીંથી શરુ થઇ માનવતાની એ મહાન દાસ્તાન જે હિટલરની આખી ફૌજની ક્રુરતા પર ભારે પડી.  શીંડલરે પોતાની ફેકટરીના અને બીજા વધેલા યહુદીઓને આ ભયાનક નરસંહારથી બચાવવા જર્મન સૈન્યમાં ઊંચા પદે રહેલા અફસરો અને મિત્રોને ભેંટસૌગાદો આપીને પોતાની ફેક્ટરીને ચાલુ રાખવા માટે યહૂદી કારીગરોની જરૂર છે તેમ કહ્યું.  આ રીતે તેણે એક યહુદીની કીમત નક્કી કરી ૧૧૦૦ યહુદીઓને પોતાના કારીગર તરીકે ખરીદ્યા, જેમાં વૈજ્ઞાનિકો, ઈતિહાસકારો, વેપારીઓ અને અનેક બાળકો અને મહિલાઓ હતી. જેમ જેમ જર્મન સેના હારતી ગઈ તેમ તેમ શીંડલરની ફેક્ટરી પણ બંધ પડવા લાગી. પણ કોઇપણ જાતની ખરીદી વગર શીંડલરે પોતાની ફેક્ટરી ચાલુ રાખી, જેથી ૧૧૦૦ યહુદીઓને કારીગર તરીકે કામના બતાવી શકાય. આ રીતે યુધ્ધ પૂરું થાય ત્યાં સુધી ફેક્ટરી ચાલુ રાખવામાં અને જર્મન અફસરોને લાંચ આપવામાં પોતાની કમાયેલી સઘળી સંપત્તિ ઉડાવી દીધી અને કંગાળ બની ગયો. જે દિવસે જર્મન સેનાએ આત્મસમર્પણ કર્યું એ રાતે બાર વાગ્યા સુધી તે આ યહુદીઓને બચાવવા એમની સાથે રહ્યો અને પછી પોતાની પત્ની અને કપડાની એક સ્યુટકેસ લીને ખાલી હાથે પોતાની ગાડીમાં બેસીને નીકળવા તૈયારી કરવા લાગ્યો. જયારે તે ગાડીમાં બેસવા જતો હતો ત્યારે તે તમામ ૧૧૦૦ યહુદીઓ તેની આસપાસ હતા. તેમાંથી એક યહૂદી આગળ આવ્યો અને શીંડલરને સોનાની એક વીંટી ભેંટમાં આપતાં બોલ્યો, ‘હિબ્રુ ભાષામાં એક કહેવત છે, “જેણે એક જીવન બચાવ્યું, તેણે આખી દુનિયાને બચાવી લીધી”. અહિયાં ઉભેલા આ ૧૧૦૦ લોકોની આવનારી અનેક પેઢીઓ આપણી દેન હશે.’ આ સાંભળતાં જ શીંડલરને એક જીવનનું મહત્વ સમજાયું. તેણે પોતાની ગાડી સામે જોયું અને કહ્યું, ‘તો, મેં આ ગાડી કેમ રાખી? હું એણે વેચી દેત તો બીજા દસ માણસો બચાવી લેત.’ તેણે પોતાના કોટમાં ભરાવેલી સોનાની પીન જોઈ અને કહ્યું, ‘આ પીન કેમ રાખી મેં? આ આપી દેત તો હજી એક માણસને હું બચાવી લેત.’ તે અચાનક ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો અને બોલવા લાગ્યો, ‘હું હજી એક જીવન બચાવી શકતો હતો પણ મેં ના બચાવ્યું, મેં મરવા દીધો એ માણસને અને આ સોનાની પીન રાખી લીધી.’ શીંડલરની આ હદયદ્રાવક મહાનતા જોઇને ત્યાં. ઉભેલા બધા યહુદીઓ તેની પાસે આવ્યા અને તેને ભેંટી પડ્યા.

            બીજા વિશ્વના આ નરસંહારમાં ૬૦ લાખ યહુદીઓને મારી નાખવામાં આવ્યા હતા. પોલેન્ડમાં વિશ્વયુધ્ધ પહેલાં ૩૫ લાખ યહુદીઓ હતા જેમાંથી અત્યારે માત્ર ત્રણથી ચાર હજાર જ વધ્યા છે. શીંડલરે બચાવેલા એ ૧૧૦૦ યહૂદીઓની સંખ્યા આજે ૭૦૦૦ થી પણ વધારે છે જે અમેરિકા, યુરોપ અને ઈઝરાયેલમાં વસે છે. તેમને ‘શીંડલરના યહૂદી’ કહેવામાં આવે છે.       

            હવે, આપણે એ શીખવાનું છે કે જો શીંડલર જેવો એક જર્મન એક વિરોશી પ્રજાતિ માટે પોતાની સઘળી સંપત્તિ વેડફી તેમનું જીવન બચાવી શકતો હોય તો આપણે આપણા જ દેશના એ ૩૫ કરોડ લોકો માટે કેમ કઈ કરી નથી શકતા જેમને દિવસનું બે સમયનું જમવાનું અને પહેરવા માટે એક જોડી કપડા પણ નસીબ નથી. ઘરની તો વાત જ દૂર છે. સરકાર એમની ગરીબી દૂર કરી શકે એમ નથી. જો કરી શક્તિ હોત તો કરી ચુકી હોત. તો શું આપણે ‘એ તો સરકારને જોવાનું’ એવી અસંવેદનશીલ વૃત્તિ અપનાવીને આપણા જ એ ભાઈઓ અને માતાઓને મરતા જોઈ રહેવાના છીએ? આ જવાબ આજે કમસે કમ આપણે આપણા પાસેથી તો ળ[ જ લેવાનો છે. કારણકે જો આપણે ચાહીએ તો ઘણું કરી શકીએ એમ છીએ. શું આપણે ખાલી શરૂઆત રૂપે દરેક તાલુકામાં ખાલી ૫ એકર જમીન ન ભેગી કરી શકીએ? જો કરી શકીએ તો એમાં એક તરફ હોસ્ટેલ, એક તરફ ભોજનશાળા અને ત્રીજી તરફ એક શાળાની ઈમારત બાંધી બાકીની જગ્યાને મેદાનરૂપે ખુલ્લી છોડી એક આશ્રમ બનાવવામાં આવે. ફૂટપાથ પર રખડતાં હોય અને ભીખ માંગીને ખાતા હોય એવા વધુ નહિ પણ સો બાળકોનો આ હોસ્ટેલમાં વસવાટ કરાવવામાં આવે. તેમને બે સમયનું સાદું સાત્વિક ભીજ્ન અને બારમાં સુધીનું શિક્ષણ ત્યાં આપવામાં આવે.

            આટલું કામ તો આપણે સામાન્ય જનતા પણ એકથી થઈને કરી શકીએ છીએ. આપણામાંથી ઘણા એવા હોય છે જે સંતાન ન હોવાના કારણે કે ફક્ત દીકરી હોવાના કારણે પોતાની પાછળ પોતાની સંપત્તિનું ભાવી વિચારતા હોય છે. કોઈ સબંધીઓ પાસેથી દીકરાને દત્તક લે છે તો કોઈ બીજે ક્યાંકથી. પણ જો આવા લોકો પોતાની જમીન એ ગરીબ બાળકોના પુનર્વસન માટે આપે અને તે આશ્રમ પર પોતાનું નામ લખાવે તો તેમનું નામ શીંડલરની જેમ જ ઇતિહાસમાં સ્થાન પામે. પૈસાદાર વર્ગ અને જમીનદાર વર્ગ ભેગો મળીને એક તાલુકામાં પાંચ એકર જમીન તો લઈ જ શકે. તે તાલુકાના ધનાઢ્ય ડોકટરો અને ગર્ભ શ્રીમંતો ભેગા મળીને શાળા અને હોસ્ટેલની ઈમારત બનાવી આપે.  ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારો પોતાની આર્થિક સુખ સગવડો જળવાઈ રહે તે માટેની કૃપા મેળવવા મંદિરોમાં પૂજા અને યજ્ઞો કરીને તેમજ બ્રાહ્મણોને જમાડીને પુણ્ય કમાવવાની કોશિશ કરે છે તે દરેક પરિવાર કોઈ એક બાળકનું દિવસનું બે વાર જમવાનું પોતાના તરફથી આપે. ઘરના પાંચ સભ્યોના જમવાની સતાહે બીજા એક સભ્યનું જમવાનું વધારાનું બનાવે અને એક બાળકનું બાર વર્ષ સુધી ભરણપોષણ કરે. પોતાના બાળકોના ન ગમતાં અને આઉટ અઓફ ફેશન થઇ ગયેલાં કપડા તેમને આપે.  આમ કરવાનું પુણ્ય એ પથ્થરના ભગવાનને પૂજવાના પુણ્ય કરતા અનેક્ઘનું વધારે જ હશે. તો વળી, સંસારી લોકોના ફ્રષ્ટ્રેશન રૂપી અધધ સંપતિ જ્યાં એકથી થાય છે તેવા મંદિરો અને ડેવલો તો પોતાનો જ આવો એક આશ્રમ ચલાવી શકે અને દર વર્ષે સો નવા બાળકોનું એડમીશન કરાવી શકે એટલી શક્તિ ધરાવે છે.

            હવે બાકી રહી આશ્રમના બાળકોના શિક્ષણની વાત. તો એ જવાબદારી સરકાર સંભાળે. સરકાર આસપાસની શાળાના વધારાના અને નવરા બેસી રહેલા શીક્ષકોની ડયુટી અમુક સમય માટે આશ્રમમાં ગોઠવી આપે. આમ, એ સરકારી શિક્ષકોની રોટેશનલ પધ્ધતિથી તે બાળકોનું શિક્ષણ ચાલે. નવા યુગ મુજબ લાઈવ વિડીયો કોન્ફરન્સ કે એન્ડ્રોઇડ ટીવી મારફતે સીધા ઓનલાઈન કોર્સ પણ ચલાવી શકાય. સમાજનો દરેક શિક્ષિત નાગરિક, સમાજસેવક, શિક્ષક કે કોલેજ યુવક તે બાળકોને પોતાની દેશ પ્રત્યેની જવાબદારી સમજીને યોગ્ય સંસ્કાર, સાધન, માર્ગદર્શન અને લક્ષ્ય પ્રદાન કરે. આ રીતે દેશની સામન્ય જનતા તરફથી બારમાં ધોરણ સુધી ઉછેર, શિક્ષણ અને માર્ગદર્શન પામેલા એ બાળકોને આગળ ડીગ્રી અને સ્કીલ આપવાનું કાર્ય સરકાર કરે. આ રીતે ગરીબી ઉન્મૂલન સરકાર અને જનતાને જોડતું એક જનાંદોલન બની રહે તોજ ભારત દેશમાંથી અંગ્રેજોએ ભેંટમાં આપેલી ગરીબી દૂર થઇ શકે એમ છે.  યાદ રહે, દરેક તાલુકામાંથી ખાલી સો બાળકો પણ જો આ રીતે શિક્ષણ અને સ્કીલ મેળવી ભુખમરીમાંથી બહાર આવી જાય તો આ દેશના કુલ આઠ હજાર તાલુકાઓમાંથી આઠ લાખ લોકો ગરીબીમાંથી મુક્ત થાય. આ આઠ લાખ લોકો જે ફૂટપાથ પર ભૂખ અને બીમારીથી મારી જવા માટે સર્જાયા હતા, તેમની આવનારી અનેક પેઢીઓ ફૂટપાથ અને ભૂખમરાથી દૂર એક સ્વસ્થ જીવન કાઢી શકશે.

            આ બધું ભલે વધારે પડતું આશાવાદી લાગે, પરંતુ અસલમાં આ દેશમાં ગરીબોની સંખ્યા આ રીતે જ વધી છે. આઝાદી પછીના ૭૦ વર્ષોમાં કરોડો ગરીબોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે, છતાંય આજે દેશમાં ગરીબોની સંખ્યા પહેલા કરતા વધારે જ છે. આનું કારણ એ છે કે ૧૯૭૦ માં માનો કે દસ કરોડ ગરીબોમાંથી બે કરોડ લોકોને સરકારી યોજનાઓ મારફતે ગરીબીમાંથી ઉગારી લેવામાં આવ્યા. પણ બાકીના આઠ કરોડ લોકોના સંતાનો રૂપે બીજા આઠ કરોડ ગરીબો એજ ફૂટપાથ પર પેદા થયા. આમ, સરકાર આ રેશિયાને ક્યારેય પહોંચી જ ના શકી. એટલે ગરીબીને વધતી અટકાવવી હોય તો મુખ્ય લક્ષ્ય એ છે કે ગરીબોની જે સૌથી તાજા જન્મેલી પેઢી છે તે બાળકોને વધુને વધુ સંખ્યામાં ફૂટપાથ પરથી ઉઠાવી લો, જેથી તેમની આવનારી પેઢી ફૂટપાથ અને ઝુંપડપટ્ટીઓમાં ગરીબ તરીકે પેદા ન થાય. આ એક રામબાણ ઈલાજ છે ગરીબીને ડામી લેવાનો.  જ્યાં. સુધી આ વાત સમજવામાં નહિ આવે ત્યાં સુધી નવા ને નવા ગરીબો પેદા થતા જ રહેશે અને ‘ગરીબી હાટાઓ’ બસ એક ચુંટણીલક્ષી નારો જ બની રહેશે. જે માણસો ગરીબોના પુનર્વસન માટેના આ સામુહિક જનાંદોલનને દૂરનું ભવિષ્ય માનતા હોય તે કમસે કમ પોતાણા બાળકો સાથે ફક્ત એક અનાથ અને ગરીબ બાળકની જવાબદારી લે અને તેને અનાથાશ્રમમાં ભરતી કરાવી, તેના ભોજન, શિક્ષણ અને કપડાનો ખર્ચો આપે. સાથે જ અઠવાડિયામાં એકવાર તેને મળવા જઇ પોતાના બાળકની જેમ તેને પણ સાચા સંસ્કારો અને જ્ઞાન આપે.

            શીંડલરની જેમ આપણે બધાએ એ સમજી લેવાનું છે કે જયારે આપણે કોઈ એક માણસને બચાવીએ છીએ ત્યારે ફક્ત તે એક વ્યક્તિને જ નથી બચાવતા. પણ તેના મારફતે ભવિષ્યમાં ઉત્પન્ન થનારી અનેક પેઢીઓને પણ બચાવી લઈએ છીએ. આપણો બચાવેલો તે માનસ એક બીજ છે જે જયારે વૃક્ષ બનીને પાંગરશે ત્યારે વર્ષો પછી એક મોટા જ્નસમુદાયનો દાતા બનશે. તો ચાલો, આપણે બધા કમ સે કમ એક ગરીબ બાળકનું જીવન બચાવીએ અને ભવિષ્યના સમૃધ્ધ સમાજનો પાયો નાખીએ.

January 03 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

ભારતીય સ્ત્રી - શાસ્ત્રોમાં દેવી પણ સમાજમાં દૂધ પીતી

“આપણે દીકરીના ભવિષ્ય માટે માર્ક ઝુકરબર્ગ જેટલી સંપત્તિ ન પણ આપી શકીએ પણ શું એટલી માનવતા પણ ન ધારણ કરી શકીએ જે અર્ધનારેશ્વર શિવમાંથી નીકળેલા સૃષ્ટિના બે મૂળ રુપો સ્ત્રી અને પુરુષને સમાન જોઈ શકે?”

            નીલકમલ ફીલ્મના એ સંવેદનશીલ ગીત ”બાબુલ કી દુઆએ લેતી જા..”માં એક મુખડો આવે છે જેમાં પિતા દીકરીને કહે છે, ”જે ઘર સામે તારા ઘરનું બારણું હોય તે ઘરમાં પણ ક્યારેય દુઃખ ના આવે (જેથી તે ઘરનું દુખ જોઈને તારે દુઃખી ન થવું પડે.)” પરંતુ, આ પ્રેમ અને લાગણી ત્યારની છે જ્યારે દીકરી પિતાનું ઘર છોડીને સાસરે જાય છે. પણ જ્યારે તે દીકરી જન્મી હોય ત્યારે તો એક ‘બાય-ડીફોલ્ટ’ નિઃસાસો આ દેશના ‘લગભગ મોટાભાગના’ પિતાઓને તથા દાદા-દાદી અને નાના-નાનીઓન નીકળી જ જાય છે કે ”કાશ! છોકરો આયો હોત તો!” પણ આગળ જતાં કુદરતની એ ઈચ્છાને સહન કરવા બધા એક સાથે જ એક બીજું વાક્ય બોલી ઉઠે છે, ”ચાલો! લક્ષ્મી આવી.”

ભલુ થજો એ હોશિયાર માણનું જેણે દીકરીને લક્ષ્મી (સંપત્તિ) સાથે સરખાવી લોકોના મનમાં આ લાલચ નાખવાનું કામ કર્યું છે. કારણ કે આ બીજા વાક્યએ દેશમાં ઘણી ભૂ્રણ હત્યાઓને રોકી છે. પણ છતાંય ઘણા વિકૃત લોકો માટે એ લાલચ પૂરતી સાબિત નથી થઈ. આંકડા સ્પષ્ટ કહે છે કે એ વિકૃત માણસો મોટાભાગે પૈસાદાર અને ‘ઈજ્જતદાર’ કુટુંબોના છે. આપણા જે વડીલો પોતાની રૃઢીચુસ્ત માનસિકતાને પોષવા માટે મહાન ભારતીય સંસ્કૃતિનો દંભ ભરી પશ્ચિમી સંસ્કૃતિને ગાળો બોલવાનું કામ નિરંતર કરે છે તે વડીલોને સણસણતો જવાબ આપવાનું કામ પશ્ચિમના જ એક એકત્રીસ વર્ષના છોકરાએ કર્યું છે. અને એ છોકરો છે છેલ્લા દસ જ વર્ષમાં શૂન્યમાંથી સર્જન કરી વિશ્વનો સૌથી નાની વયનો અબજોપતિ બનનાર ફેસબુકનો માલિક માર્ક ઝુકરબર્ગ.
            આ મહિનાની શરુઆતમાં ઝુકરબર્ગના ઘરમાં એક દીકરીનો જન્મ થયો. પોતે દીકરીનો બાપ બન્યો હોવાનો ઉત્સવ મનાવવા તેણે એક જાહેરાત કરી કે તે પોતાની ત્રણ લાખ અગિયાર હજાર કરોડ ડોલરની સંપત્તિમાંથી ત્રણ લાખ આઠ હજાર કરોડ ડોલરની સંપત્તિ દાનમાં આપી દેશે. મતલબ આ દાનમાં આપ્યા પછી તેની પાસે ત્રણ હજાર કરોડ ડોલર જ રહેશે. પરંતુ, ઝુકરબર્ગે આ દાન પાછળનું જે કારણ આપ્યું છે તે એક મહાન વિચાર છે. તેણે કહ્યું કે, ”મારી પ્યારી દીકરી જે વિશ્વમાં એનું જીવન વિતાવવાની છે તે વિશ્વને સુંદર અને દુઃખવિહીન બનાવવા માટે હું મારી સંપત્તિ આપીશ. જેથી મારી દીકરીને એક દુખી દુનિયાને જોઈને જીવનભર દુખી ન થવું પડે.” આમ, તેણે આપણા પેલા ‘બાબુલ કી દુઆયે…’ ગીતના આદર્શને એક નવી ઉંચાઈ સાથે જીવી બતાવ્યો છે અને એકબાજુ ભારતમાં જ્યાં આપણે પુત્રીના જન્મને ‘લક્ષ્મી આવી’ એ આશ્વાસન સાથે સ્વીકારીએ છીએ ત્યાં ઝુકરબર્ગે પુત્રીના જન્મને પોતે કમાયેલી મોટાભાગની લક્ષ્મી દાનમાં આપીને સ્વીકાર્યો છે.

            હવે, આ મહાનતા સામે આપણે ક્યાં છીએ તેના કેટલાક આંકડા જોઈએ. યુનીસેફના એક સર્વે મુજબ ભારતમાં રોજ ૭૦૦૦ બાળકીઓને ગર્ભમાં મારી નાખવામાં આવે છે. લેન્સેટ નામના બ્રિટીશ મેગેઝીન મુજબ ભારતમાં ૧૯૮૦ થી ૨૦૧૦ સુધીમાં એક કરોડ બાળકીઓની ગર્ભમાં હત્યા થઈ છે જેમાં એકલા રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષમાં છ લાખ ગર્ભપાત થયા છે. પંજાબમાં રોજ ૨૭૫ બાળકીઓની ગર્ભમાં હત્યા થાય છે. ૧૯૯૧માં ભારતમાં દર ૧૦૦૦ છોકરાઓએ ૯૪૫ છોકરીઓ હતી. જે ૨૦૦૧માં ૯૨૭ અને ૨૦૧૧ સુધીમાં ૯૧૮ થઈ ગઈ. હરીયાણામાં દર ૧૦૦૦ પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ૭૭૫ થી ૮૩૭ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા વિકસિત રાજ્યોમાં આ સંખ્યા ૯૦૦થી નીચે છે જ્યારે અરુણાચલ પ્રદેશ જેવા પૂર્વોત્તરના અવિકસિત રાજ્યોમાં આ સંખ્યા હજારથી ઉપર છે. વધુ આંકડા આપીને હૃદયની આ અકળામણને વધારવી નથી અને એ ફાયદા-નુકસાનની ચર્ચામાં પણ ઉતરવું નથી કે આનાથી ભવિષ્યમાં છોકરાઓને લગ્ન માટે કેટલી તકલીફ પડશે કે સમાજમાં બળાત્કાર જેવા ગુનો કેટલા વધશે?
ચર્ચા એ જ કરવી છે કે આપણે માનવ છીએ કે નહી? આપણે જે કરી રહ્યા છીએ એને કુદરત ક્યારેય માફ કરશે કે નહી? કારણ કે આ પાપમાં આપણો આખો સમાજ શામેલ છે. કોઈ એવું માનીને પોતાને નિર્દોષ ન કહે કે ‘મેં તો દીકરીને જન્મ આપ્યો છે’. એ દરેક માતા-પિતા જેના ઘરમાં દીકરી જન્મતાં જ મનમાં પેલો ડીફોલ્ટ નિસાસો નંખાઈ જાય છે કે ‘કાશ! છોકરો આવ્યો હોત!’ એ દરેક માતા-પિતા એ જ બર્બરતા અને અમાનવીય બીજ લઈને ફરી રહ્યા છે જેને આખરી ઓપ આપવાનું કામ કેટલાક સભાનતા અને માનવતા ગુમાવી ચૂકેલા લોકો કરે છે. અત્યાર સુધી આપણે ફક્ત સમાજનો વાંક કાઢ્યો છે. પણ એ સમાજ તો આપણાથી જ બનેલો છે અને આપણા વિચારોથી જ એ સમાજના નિયમો બન્યા છે. આપણે આપણા જ વિચારોથી બનેલા એ નિયમોના ગુલામ બની ચૂક્યા છીએ. આપણે બદલાવની વાત કરતા સમાજથી નથી ડરતા. આપણે એકબીજાથી ડરીએ છીએ.
જે સંસ્કૃતિના શાસ્ત્રોની શરુઆત જ ત્યાંથી થતી હોય કે આ સૃષ્ટિનો ઉદ્ભવ જે સદાશિવમાંથી થયો તે પોતે સ્ત્રી અને પુરુષનું મિલન એવા અર્ધનારેશ્વર હતા. અને તે અર્ધનારેશ્વરમાંથી નારી સ્વરૃપે શક્તિ છૂટા પડયાં અને તેમણે પોતાનામાંથી જીવસૃષ્ટિનું વિસ્તરણ શરૃ કર્યું. જ્યારે પુરુષ રૃપે રહેલા શિવે સૃષ્ટિને આદાર આપ્યો. વાર-તહેવારે જે સાથિયો આપણે ઘરના પ્રવેશદ્વાર આગળ દોરીએ છીએ તે સાથિયાની આડી રેખા શક્તિ છે જે સૃષ્ટિનું વિસ્તરણ સૂચવે છે જ્યારે ઊભી રેખા શિવનો સ્તંભ સૂચવે છે. આપણા સમાજે સૃષ્ટિનું વિસ્તરણ કરતી એ શક્તિને જ એક પતિત સ્થાન આપ્યું છે. વિચિત્રતા એ છે કે પશ્ચિમના ધાર્મિક ગ્રંથોમાં સ્ત્રીને પતિત અને ઈશ્વરના માર્ગમાં એક રુકાવટ તરીકે ચીતરી છે પરંતુ ત્યાંના શિક્ષિત સમાજે પોતાની સ્વયંભૂ ચેતનાથી નારીને સમાજમાં પુરુષના બરોબરીનું સ્થાન આપ્યું છે. આ એ વાતની સાબિતિ છે કે ધર્મશાસ્ત્રો ગમે તેટલા મહાન કે તુચ્છ હોય છેલ્લે તો વર્તમાન સમાજનું ચરિત્ર જ ધર્મ અને માનવતાના અસ્તિત્વ માટે કારણભૂત બને છે.

            ભારતીય સમાજનો મોટો હીસ્સો અત્યારે મધ્યમવર્ગીય છે જ્યાં સમાજ જીવન એના રૃઢીગત માળખામાં જ જીવાઈ રહ્યું છે. દીકરી સાસરે જઈને પારકી બની જાય અને દીકરો પારકી દીકરીને વહુ બનાવીને ઘરે લાવે. આ કારણે મા-બાપના વૃધ્ધાશ્રમમાં દેખીતી રીતે દીકરો જ લાકડીની ગરજ સારે. અને આ જ પુત્ર જન્મની ઈચ્છાનું મુખ્ય કારણ છે. સમાજના વૃધ્ધોને સમ્માનભેર જીવન આપવાની આ પ્રાચીન ભારતની વ્યવસ્થા છે. આ માટે પશ્ચિમી સભ્યતાએ વૃધ્ધાશ્રમો ખોલ્યાં છે જેનો ખર્ચો સરકારો ઉપાડે છે અને તેમના દેશોના વૃધ્ધોની સેવા કરવા માટે નર્સિંગ ક્ષેત્રને ભારતીય લોકો માટે ખોલી દેવામાં આવ્યું છે. આજ કારણ છે કે વિદેશમાં નર્સિંગની ડીમાન્ડ છે. તેઓ ભારતીય યુવાનોને ડોલર અને ગ્રીનકાર્ડની લાલચ આપી પોતાના વૃધ્ધ લોકની સેવા માટે બોલાવે છે, પરંતુ ભારતમાં અધધ વસ્તી, વ્યવસ્થાહીન સરકારી ખાતું અને કુટુંબપ્રેમી સમાજ હોવાના કારણે આ શક્ય નથી. આ ઉપરાંત પુત્રજન્મની ઈચ્છા પાછળ બીજું એક મુખ્ય કારણ છે વારસો જાળવી રાખવાની ઈચ્છા. અસલમાં આ ઈચ્છા માણસના સ્વાર્થનું રીફ્લેક્શન છે. જેને પુત્ર ન હોય તે માણસને પોતે કમાયેલી અને વારસામાં મળેલી સંપત્તિ પોતાના ભાઈઓને અને ભાઈઓના દીકરાઓને આપી દેવી પડે છે. અને આખું જીવન જ્યાં ”હું અને મારું” એ વિચાર સાથે ગયું હોય ત્યારે આખા જીવન દરમિયાન રળેલું બધું બીજાને આપી દેવું પડે એ ક્યાંથી સહન થાય? આથી લોકો ગમે તે ભોગે એક દીકરો મેળવવાની કોશિશ કરે છે જેથી તેઓ મૃત્યુ વખતે ”મારી સંપત્તિ મારો વારિશ” એ આખરી ઈન્દ્રિયજન્ય સુખ સાથે મરી શકે. આમ, દીકરામાં જ વારસદાર જોવાની આ વૃત્તિ અસલમાં માણસની જીવનભર ચાલેલી ”હું અને મારું”વાળી વૃત્તિને મૃત્યુ સમયે પણ પોષણ આપવાની કોશિશ છે.
આમ, પુત્ર જન્મની ઈચ્છા પાછળની સમસ્યાઓ કેટલીક વ્યવહારીક છે તો કેટલીક સ્વાર્થ અને મુર્ખામીથી ભરેલી. એ વિદેશી વ્યવસ્થાના અનુકરણથી સુલજાય તેમ નથી. તેને આપણે ભારતીય સભ્યાને જ કેટલાક નવા વિચારોથી સજ્જ બનાવી સુલજાવી પડશે. અને એ કામ આપણે આવતા અંકમાં કરીશું.

January 10 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

દીકરીનો જન્મ

માનવજીવનની તમામ સમસ્યાઓને ઉકેલતું વરદાન

“આ સમાજ બીજું કોઈ નહીં આપણે જ છીએ. આપણે જ એકબીજાને સમાજના નામે ડરાવીએ છીએ. જ્યારે આપણે આપણી માનસિકતાઓે બદલીશું ત્યારે સમાજ તેની વ્યવસ્થાઓને બદલશે”

એક સ્ત્રીમાંથી બીજી સ્ત્રીનું ઉત્પન્ન થવું એટલે એક ઉદગમમાંથી બીજા ઉદ્ગમનું ઉદભવવું. એક સર્જનહારમાંથી બીજા સર્જનહારનું પેદા થવું. એક ગર્ભમાંથી બીજા ગર્ભનું તૈયાર થવું. પૃથ્વી પર આનાથી વધુ આનંદદાયક, ઉત્સવકારક અને અર્થસભર બીજી કોઈ ઘટના નથી. પરંતુ, મહદઅંશે હજુ પ્રાણીઓની સ્થિતિએ જ રહેલો આ માનવસમાજ તેના ઉદગમનો જ ઉત્પન્ન થતા પહેલા નાશ કરી દે એ વાત તેને પ્રાણીઓની કક્ષાએ પણ મૂકવા લાયક છોડતી નથી. કારણ કે માનવ સિવાય આટલું મુર્ખ અને વિકૃત કૃત્ય કરવાવાળો બીજો કોઈ જીવ આ પૃથ્વી પર હાજર નથી. આપણે ગયા લેખમાં સ્ત્રી-ભૃણ હત્યા થવા પાછળના બે મુખ્ય સામાજીક કારણોની વાત કરી હતી. આજે આપણે એ કારણોથી છૂટકારો મેળવવા સમાજને કયા નવા વિચારોથી સજ્જ કરવો એની ચર્ચા કરવાના છીએ.
પહેલું કારણ હતું ભારતીય મધ્યમ વર્ગમાં એક સામાન્ય માણસનું રીટાયરમેન્ટ પ્લાનિંગ. વૃધ્ધાવસ્થામાં કમજોર શરીર અને આછી નજરને સહારો આપવા કોઈ દીકરો અને પુત્રવધુ હોય તો આજીવન સાંસારીક તાપથી કથળેલા શરીરની સન્માનજક સારસંભાળ લેવાય છે. અલબત્ત, બાગબાન અને અવતાર જેવા કીસ્સાઓ થાય છે પણ છતાંય એમનું પ્રમાણ ઓછું છે અને એવરેજલી આપણો સમાજ એ બાબતમાં સારો એવો સંતુલીત અને જવાબદારીભર્યો છે. આમ, વર્તમાન સમાજવ્યવસ્થા પ્રમાણે દીકરો હોવો એ એક ‘સામાન્ય માણસ’ના જીવનની ‘સામાન્ય’ જરુરીયાત છે. એટલે દીકરો મેળવવાની કોશિશો એટલી જ તીવ્ર હોય છે જેટલી હવા, પાણી અને ખોરાક મેળવવા માટેની હોય છે. અને દીકરાને સ્થાને વારંવાર દીકરી વચ્ચે આવતી હોય તો તેને આ સામાન્ય જરૃરીયાત મેળવવાના રસ્તામાંથી હટાવી દેવો પણ ઉચિત સમજવામાં આવે છે. પણ સદીઓથી ભટકેલો આ સમાજ એ સાંભળવા તૈયાર નથી કે ખાલી દીકરો જ માતા-પિતાની સેવા કરી શકે અને દીકરી નહીં – એવું તો કોઈ ઉપનિષદ, વેદ કે મનુસ્મૃતિમાં આજદીન સુધી લખાયું નથી. તો આ કયા શાસ્ત્રનો કાયદો છે ?

            પ્રાચીન શાસ્ત્રોમાં એવું નથી લખાયું એનું કારણ તે સમયની આશ્રમ-વ્યવસ્થા હતી. માણસ પચાસ વર્ષ સુધી જ સાંસારીક જીવનમાં રહેતો. એના પછી કોઈ રાજા હોય કે સામાન્ય માણસ તેને પોતાના સંતાનોને તેમના અનુકૂળ કામકાજ સોંપીને વનમાં જવાનું રહેતું. વાનપ્રસ્થાશ્રમનો આ નિયમ અચૂક હતો. જ્યાં માણસ પોતાના સ્વાર્થ, અહમ અને કામનાઓને વશમાં કરવા માટે પચાસ વર્ષ સુધી રળેલું બધું છોડી દેતો અને મૃત્યુને જીતી શકાય તેવા આત્મસાક્ષાત્કાર માટે કોશિશો શરુ કરતો. આથી, પાછળ દીકરો હોય કે દીકરી બધું સરખું હતું. પણ જ્યારે આ આશ્રમવ્યવસ્થા લુપ્ત થઈ ગઈ અને મનુષ્યને સાંસારીક સુખની તલપ વધી ત્યારે લોકો આજીવન સંસારમાં રહેવા લાગ્યા. તેમને સંસારની લીલીવાડીઓ જોવાની ઇચ્છા થઈ. પરીણામે ‘કમાયેલું બધું મારી પાસે જ છે’ એવી ઇન્દ્રિયોની આખરી તરસ બુઝાવતાં બુઝાવતાં ડોળા ફાડીને લોકો મોતને ભેટવા લાગ્યા. આથી, દીકરો પિતા પાછળ તેનું ઘર સંભાળે અને દીકરી જ્યાં પરણી હોય તે ઘરે જઈને વસે – એ સમાજવ્યવસ્થા આ ભ્રષ્ટ જીવન પધ્ધતિની ઝપેટમાં આવી. આશ્રમવ્યવસ્થાને છોડી ચૂકેલા ઇન્દ્રિયગ્રસ્ત લોકોએ સંસ્કૃતિ અને પરંપરાના નામે એ સમાજવ્યવસ્થા બદલી નહીં. અને અહીંથી દીકરો માતા-પિતાને અંત સમયના સાંસારીક સુખો પૂરા પાડનારો સારથી બન્યો અને દીકરી પારકી થાપણ. આ ભ્રષ્ટ માનસિકતાએ દીકરાઓનું મૂલ્ય વધારી દીધું અને દીકરીઓને માતા-પિતા માટે એક બિનજરુરી બોજ બનાવી દીધી.
હવે, જો આ વિકૃતિમાંથી બહાર નીકળવું હોય તો વિકલ્પો બે જ છે. કાં તો આશ્રમ વ્યવસ્થા ફરી શરુ કરો, કાં તો દીકરીને પારકી થાપણ માનતી માનસિકતાને છોડી નવી સમાજવ્યવસ્થા ઉભી કરો. આશ્રમ વ્યવસ્થા બીા પણ અનેક પ્રશ્નોનું હંમેશા માટેનું સમાધાન છે અને તેન કેવી રીતે શરુ કરવી એમાં આપણો પ્રાચીન સમાજ શ્રેષ્ઠ માર્ગદર્શક છે. પણ જ્યાં સુધી એ ન થઈ શકે ત્યાં સુધી વર્તમાન સમાજવ્યવસ્થાને કંઈક આ રીતે બદલવી પડશે.

            સમાજ એ નવી માનસિકતાને અપનાવે કે દરેક મનુષ્યને જીવનમાં બે માતા-પિતા મળે છે. એક જે તેને જન્મ આપે છે અને બીજા જે તેને જીવન-સાથી આપે છે. આથી દરેક મનુષ્યને તેના જીવનસાથી સાથે મળીને આ બંને માતા-પિતાનું કોઈપણ હીસાબે ધ્યાન રાખવાનું છે. બસ, પ્રોબ્લેમ સોલ્વ. જે માતા-પિતાને ફક્ત દીકરી જ છે તેમનું ધ્યાન રાખવાની જવાબદારી તેમની દીકરી અને તે દીકરીના પતિની છે. સાથે સાથે દીકરીના પતિના માતા-પિતાનું ધ્યાન રાખવાની જવાબદારી પણ એમની જ છે. આપણે નાનપણથી જ બાળકોને ગળથૂથીમાં આ વાત શીખવવાની છે કે દરેક મનુષ્યને જીવનમાં બે માતા-પિતા હોય છે. એક તેમને જન્મતાં જ મળી રહે છે અને બીજા જીવનના મુખ્ય પડાવ એવા યુવાનીમાં મળે છે. જ્યારે બાળકો મોટા જ આ સંસ્કાર સાથે થશે ત્યારે આપોઆપ સમાજવ્યવસ્થા બદલાઈ જશે. તેઓ પોતાના નિર્ણયો પોતાના બંને માતા-પિતાને ધ્યાનમાં રાકીને લેતા થશે. દરેક માતા-પિતાને એકસાથે બે સંતાનોની અને દરેક સંતાનને એક સાથે બે જોડ માતા-પિતાના હૂંફ અને પ્રેમ મળી રહેશે. અને દીકરા અને દીકરી વચ્ચેના ભેદનું કારણ આ સમસ્યામાંતો બિલકુલ ભૂંસાઈ જશે.

            હવે, બીજું કારણ, ‘દીકરી એટલે ના જોઈએ કારણ કે તે પરણીને તેના સાસરે જતી રહેશે અને મેં આખી જીંદગી કમાયેલું અને બાપદાદાઓતી વારસામાં મેળવેલું બધું જ ભાઈઓને આપી દેવું પડશે કે બીજા કોઈને ટ્રસ્ટ કરી દેવું પડશે. મારી સંપત્તિ મારા જ વારીસના હાથમાં જોઈને હું મરું તો મને શાંતિ થાય.’ સ્ત્રી-ભૃણ હત્યા સમૃધ્ધ પરિવારોમાં થવા પાછળનું આ મુખ્ય કારણ છે. જીવનભર ચાલેલી ‘હું અને મારું’ વાળી વૃત્તિને મૃત્યુ સમયે પણ પોષણ આપવાની આ એક નાકામ કોશિશ છે. આપણે એક નાની સોય પણ મૃત્યુના પેલે પાર લઈ જઈ શકતા નથી. અને જ્યારે ‘હું’ જ નથી રહેતો તો મારો દીકરો શાનો અને દીકરી શાની ? જો મૃત્યુ સમયે આપણે બધું અહીંનું અહીં છોડીને જતા રહીએ છીએ તો એનો અર્થ એ છે કે જીવન દુનિયામાંથી કંઈ લઈ જવા માટે નહીં પણ કંઈક આપીને જવા માટે આવ્યું છે. અને જો જીવનનો અર્થ જ આપીને જવું છે તો એમાં દીકરીના માતા-પિતા હોવાથી વધુ ભાગ્ય બીજું કંઈ નથી. દીકરીને સાસરે મોકલ્યા પછી તમે તમારી અમુક સંપત્તિ દીકરી અને તેના પતિને આપી શકો છો. પણ બાકીની સંપત્તિનો એક મહાન ઉપયોગ કરી શકો છો. તમારા પાછળ તમારી જમીન કોને આપવી એની ચિંતા કરવા કરતાં તમે તે જમીન પર તમારા નામે બે હોસ્ટેલ બનાવી શકો છો. એકમાં ફૂટપાથ પર રજળતાં અનાથ બાળકોને લાવીને વસાવો અને બીજામાં એવા નિઃસંતાન વૃધ્ધ દંપત્તિને વસાવો જેમનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી. તે અનાથ બાળકોને માતા-પિતાનો પ્રેમ અને કેળવણી તથા વૃધ્ધ દંપત્તિઓને બાળકોની સેવા મળી રહેશે. તમારી બાકીની સંપત્તિના વ્યાજમાં બાળકો અને વૃધ્ધ દંપત્તિઓનો જીવન નિર્વાહ તથા બાળકોનું શિક્ષણ ચાલી શકે છે. વલી, દીકરી જ હોય તેવા બીજા દંપત્તિઓ પણ તેમની વધેલી ઘટેલી સંપત્તિ આમાં જોડી આ મહાન કાર્યને વધારે ઉંચાઈ પર લઈ જઈ શકે છે. એ અનેક બાળકોના ઉજ્જવળ ભવિષ્ય રૃપે તમારુ નામ તે બાળકોની આવનારી અનેક પેઢીઓ સુધી ગૂંજતું રહેશે. જીવનને સાર્થકતા આપનારું આ મહાન કાર્ય તમે તમારી દીકરીઓ અને દીકરા જેવા જમાઈઓને તમારી સાચી વિરાસત રૃપે વારસામાં આપી શકો છો. એ દરેક દંપત્તિ જેને ઈશ્વરે દીકરીનું વરદાન આપ્યું છે તે જો આ રસ્તે ચાલે તો આ વિશ્વમાંથી ગરીબી અશિક્ષા, અજ્ઞાાનતા અને મૂર્ખ ભૌતિકતા જેવી માનવજીવનની તમામ સમસ્યાઓનો હલ આવી શકે છે. આમ, દીકરીનો જન્મ એ એક એવું ઉત્તમ વરદાન છે જે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવી જાય છે.

            આ યુવાન લેખકડો પણ ઈશ્વર પાસે પોતાના પહેલા સંતાન રૂપે
એક દીકરીનું વરદાન માંગે છે જેથી તે એ દીકરીના જન્મને આ બધા સમાધાનોનું ઉદગમ બનાવી શકે. જેમને એ વરદાન પહેલાથી જ મળેલું છે તે જીવનને સાર્થક બનાવતા આ કાર્યોને શરુ કરવામાં વાર ના કરે.

(* આ લેખ લખ્યાના બે વર્ષ પછી લેખકને પહેલા સંતાન તરીકે અને ચાર વર્ષ પછી બીજા સંતાન તરીકે દીકરીનું વરદાન મળ્યું.)

October 11 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

સ્ત્રીના દમનનું એક અવગણાયેલું કારણ

“સ્ત્રીઓને પોતાની જટિલતા ત્યાગી પુરુષો પાસેથી સરળતા અને સાહસ શીખવા પડશે.”

તો આજે વર્લ્ડ ગર્લ ડે છે. સ્ત્રી ઉથ્થાન અને સ્ત્રી સશક્તિકરણ પર મેં ઘણું લખ્યું છે અને સમાજને તેના દોષ પણ દેખાડ્યા છે. પણ તાળી એક હાથે નથી વાગતી. સ્ત્રી સશક્તિકરણના માર્ગમાં મોટી રુકાવટ બનતો હોય એવો એક દોષ સ્ત્રીઓમાં પણ છે અને આજે આપણે એના પર વાત કરીશું, કારણ કે બુદ્ધિજીવી અને સ્ત્રીઓના ફેવરિટ બનવાની લાયમાં જો આપણે સ્ત્રીઓને તેમનો આ દોષ ન દેખાડી શક્યા તો મારા મતે તો સ્ત્રી સશક્તિકરણ હંમેશા માટે એક સ્વપ્ન જ રહેવાનું છે. તો ચાલો આજે વર્લ્ડ ગર્લ ડે ના દિવસે જ એ કારણ ચર્ચી લઈએ જેને કેટલાય વર્ષોથી હું સ્ત્રી ઉથ્થાનના માર્ગની સૌથી મોટી રુકાવટ માનતો આવ્યો છું.

            સંજય લીલા ભંસાલીની ‘પદ્માવતી’ ફિલ્મનું ટ્રેઇલર આવી ચૂક્યું છે. જ્યારથી હું ભારતના ઇતિહાસને જાણતો થયો છું ત્યારથી રાણી પદ્માવતીની કથા મારા હૃદયમાં એક તીક્ષ્ણ કાંટાની જેમ ભોંકાયેલી રહી છે. હું એકસાથે આટલી બધી રાજપૂત રાણીઓની આત્મહત્યાને સહન નથી કરી શક્યો. અને હવે ટ્રેઇલરમાં જયારે એ સીન જોયો જ્યાં તે બધી રાજપૂત માતાઓ એકસાથે જોહરની આગમાં કૂદવા જઈ રહી છે ત્યારે ટ્રેઇલરમાં જ ડાર્ક દેખાતી એ ફિલ્મ જોવા હું જઈ શકીશ કે કેમ એ એક સવાલ છે.

            સવાલ તો એ પણ છે કે શું આ ઘટનાના સાતસો વર્ષ વીતી ગયા પછી પણ આપણે ત્યાંના ત્યાંજ છીએ..? શું ફરી આવા કોઈ દિવસ દેશના કોઈ પ્રદેશમાં આવ્યા તો આપણી સ્ત્રીઓ આજ કરશે..? શું આજ આપણી સંસ્કૃતિ બની રહેશે જ્યાં પુરુષોની અડધી આબાદી નાશ પામી પછી સ્ત્રીઓની બાકીની અડધી આબાદી તો આત્મહત્યા કરીને જ નાશ પામશે..? શું આજે પણ આપણી સ્ત્રીઓ ઘરેણાં પહેરીને બેસવાવાળી આપણા ઘરની શોભા જ છે..? શું પદ્માવતી બનેલી દીપિકા પાદુકોણને વીસ કિલોના ઘરેણાં સાથે વીસ કિલોનું બખ્તર અને તલવાર પહેરવાની આવી હોત તો એ વધારે ગર્વ કરવા લાયક ઇતિહાસ ન હોત..? કારણ કે આપણી સંસ્કૃતિ શરુ થઇ ત્યારે સ્ત્રીઓ આ રીતે ઘરની શોભાનો ગાંઠિયો નહોતી.

            આપણે બધા રામાનંદ સાગરની રામાયણમાં જે સીતાને જોઈને પોતાની પત્નીને એવી બનાવવાની કોશિશ કરીએ છીએ એ સીતા તુલસીદાસના રામચરિત માનસની સીતા છે, જે આ પદ્માવતીવાળી ઘટનાના બસો વર્ષ પછી લખાઈ છે. એટલે એમાં એ જ પતિને સમર્પિત રહેતી સ્ત્રી ચાહવાવાળા સમાજનું પ્રતિબિંબ છે. પણ જો કોઈ મહર્ષિ વાલ્મિકી લેખિત મૂળ રામાયણ વાંચે તો એની સીતા ઘણી સ્વતંત્ર અને પોતાના નિર્ણયો પોતે લેનારી છે. એજ મહર્ષિ વાલ્મીકિએ લખેલી બીજી મુખ્ય આવૃત્તિ એવી ‘અદભુત રામાયણ’ માં તો સીતા એક યોદ્ધા છે. વાલ્મિકીની આ બે રામાયણનું મિશ્રણ કરીને અમીષ ત્રિપાઠીએ જે સીતા લખી છે તેમાં સીતાને એક સ્ત્રી વિષ્ણુ બતાવવામાં આવી છે જે બિલકુલ રામના સમકક્ષ યોદ્ધા છે અને મિથિલા રાજ્યની પ્રધાનમંત્રી છે. પણ એ સીતા આપણને પસંદ નથી આવતી, કારણ કે આપણે તો સ્ત્રીઓને એ જ પતિ પાછળ જોહર કરતી જોવા ટેવાઈ ગયા છીએ.

            પ્રાચીન ભારતની એ દ્રૌપદી લગ્ન પહેલા કૃષ્ણ સામે પોતાના પ્રેમનો એકરાર કરે છે અને કૃષ્ણના સમજાવ્યા બાદ પોતાના પાંચ પતિ સામે કૃષ્ણને મિત્ર માનીને પુરા અધિકારથી પોતાની મિત્રતા નિભાવે છે. શિશુપાલ વધ પછી શ્રીકૃષ્ણની આંગળી સુદર્શન ચક્રથી જખ્મી થાય છે તો પોતાના પતિઓ અને વડીલોથી ભરેલી એ સભા વચ્ચે દ્રૌપદી દોડતી આવે છે અને પોતાની સાડી ફાડી કૃષ્ણની આંગળી પર બાંધે છે. તો વસ્ત્રાહરણની રાજસભામાં જયારે તેના પતિ કામ નથી આવતા ત્યારે બધાના સામે તે કૃષ્ણને બોલાવે છે જે તેના મિત્ર છે. અરે, બાહુબલી જેવી કાલ્પનિક ફિલ્મમાં પણ તુલસીદાસના રામચરિત માનસ લખ્યાના નવસો વર્ષ પહેલા નર્મદા નદીના દક્ષિણે આવેલા માહિષ્મતી સામ્રાજ્યની રાની તરીકે શિવગામી અને દેવસેના જેવા શક્તિશાળી કાલ્પનિક પાત્રો દર્શાવ્યા છે. મતલબ, સ્ત્રીને બિલકુલ ઘરની શોભા બનાવી દેવાની આ વૃત્તિ ભારતમાં ઘણી પાછળથી આવી. અને એ વૃત્તિ આવી તો એના પાછળ ખાલી પુરુષનો હાથ નથી. એના પાછળ સ્ત્રીનો જટિલ અને રહસ્યમયી સ્વભાવ સૌથી વધુ કારણભૂત છે.

            જયારે સ્ત્રીઓ પુરુષના સમોવડી યોદ્ધા હતી ત્યારે તે બિલકુલ પુરુષના સમાન જ સ્પષ્ટ, પ્રામાણિક અને નિખાલસ વિચારો વ્યક્ત કરતી. પણ જેમ જેમ સ્ત્રીઓને ઘર તરફ ધકેલવામાં આવી તેમ તેમ તેમના સ્વભાવમાં જટિલતા વધતી ગઈ. જયારે હું અસલમાં એવું માનું છું કે જેમ જેમ સ્ત્રીની જટિલતા બહાર આવતી ગઈ અને તેની નિખાલસ વૃત્તિ દબાતી ગઈ તેમ પુરુષોએ તેને ઘર તરફ ઘકેલી દીધી. કારણ કે તે પુરુષોના જીવન માટે ખતરો બની ગઈ. પુરુષો સ્ત્રીઓથી પ્રેમમાં તો પડ્યા પણ સ્ત્રીને સમજવું તેમના માટે મુશ્કેલ થઇ ગયું. તેઓ સ્ત્રીની જટિલતામાં ફસાઈને બરબાદ થવા લાગ્યા. અને માનવ સ્વભાવની એક મુખ્ય ખાસિયત રહી છે કે એવી કોઈપણ વસ્તુ જે માનવને સમજાય નહિ અને નુકશાન પહોંચાડે તેને માનવ દબાવી દેવાની કોશિશ કરે છે. સ્ત્રીઓને ન સમજી શકવાથી મળતી હૃદયભંગની પીડા પુરુષો માટે અસહ્ય અને તેમના અસ્તિત્વને જોખમમાં મૂકે એવી હતી. અને એ જ કારણે જે પણ પુરુષ સ્ત્રીને પવિત્ર અને દિવ્ય પ્રેમ કર્યા બાદ સ્ત્રીના રહસ્યમયી સ્વભાવથી છેતરાયો તેણે સ્ત્રીને એક ક્ષણિક આનંદનું સાધન માની લીધું. પુરુષો ધીમે ધીમે સ્ત્રીની સુંદરતા મતલબ તેના શરીરની સુંદરતા અને સ્ત્રીને મેળવવી મતલબ તેના શરીરને ભોગવવું એવું માનવા લાગ્યા. અને અહીંથી સ્ત્રીનું સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહત્વ ઘટી ગયું. બહાર બસ પુરુષો જ રહ્યા અને ઘરમાં બેઠેલી સ્ત્રીઓ પુરુષોના ક્ષણિક મનોરંજન, ઉપભોગ અને સામાજિક પ્રતિષ્ઠા કે અભિમાનનું સાધન બનીને રહી ગઈ. રાણી પદ્માવતીની કથા સ્ત્રીને પોતાનું અભિમાન તેમજ ઉપભોગનું સાધન માનતા પુરુષપ્રધાન સમાજના સંઘર્ષની વાત છે. અલ્લાઉદીન ખીલજી જેવો એક ક્રૂર આક્રમણકારી પદ્માવતીના સૌંદર્યને સાંભળીને તેનો ઉપભોગ કરવા મેવાડ પર આક્રમણ કરે છે અને અંતે પોતાને બચાવવા પદ્માવતીને આગમાં કુદવું પડે છે.

            એટલે જો આ ચિત્ર બદલવું હોય તો સ્ત્રીને પોતાની જટિલતા છોડી ફરી પાછી પુરુષની નિખાલસતા અને સ્પષ્ટતા ધારણ કરવી પડશે. પુરુષને જયારે ખબર પડે છે કે કોઈ સ્ત્રીને તેનાથી પ્રેમ છે અને તે ચાહે છે કે તેમના વચ્ચે વાત થાય અને જયારે તેને પણ તે સ્ત્રીથી પ્રેમ હોય છે ત્યારે પુરુષ પોતાની અને સ્ત્રીની તડપ શાંત કરવા પ્રેમની કબૂલાત કરવા જાય છે. પણ જયારે તે પ્રેમની કબૂલાત કરી લે છે ત્યારે સ્ત્રીનો અહમ સંતોષાઈ જાય છે. હવે તેને પ્રેમ કરતા તે અહમમાં વધુ આનંદ આવવા લાગે છે. તે હવે નખરા કરવા લાગે છે, વાતને તોડવા મરોડવા લાગે છે કે મારા મનમાં તો કઈ નથી, હું તો ખાલી આમ માનતી હતી, તેમ માનતી હતી વગેરે વગેરે. તેને પ્રેમ છે પણ હવે તેને પ્રેમ કરતા અહમમાં વધુ આનંદ આવે છે કે ફલાણા પુરુષે મારી સામે શરણાગતિ સ્વીકારી. આ અહમમાં તેનો પ્રેમ અંદર જ દબાઈ જાય છે અને તે માને છે કે તે એ અહમના નશામાં જીવન કાઢી દેશે. આ જ સ્ત્રીઓની જટિલતા પાછળનું મુખ્ય કારણ છે. તે શરૂઆત પ્રેમથી કરે છે પણ એન્ડ અહમથી કરે છે. પરિણામે ગમે તેટલી પ્રતિભાશાળી સ્ત્રી હોય તો પણ સંસારના શ્રેષ્ઠ અને શક્તિશાળી પુરુષો તેના એ જટિલતાના પ્રદર્શન પાછળ સમય આપવા નથી માંગતા. તેમની શક્તિઓ તેમને મોટા કર્યો માટે આગળ ખેંચી રહી હોય છે. એટલે એવી જટિલ અને રહસ્યમયી બનતી સ્ત્રીઓ સામે હવે ચીલાચાલુ જીવન જીવવામાં રોકાયેલા છોકરા જ આવે છે જેમના માટે તે સ્ત્રી જ જીવનની સૌથી મોટી ઉપલબ્ધી હોય છે. તે અનેકવાર તિરસ્કાર ભોગવ્યા પછી પણ યેનકેન પ્રકારે જાણે કોઈ પ્રતિયોગિતા જીતવાની હોય તેમ લાગેલા રહે છે. આખરે થાકીને તે સ્ત્રીનો પેલો અહમ છૂટે છે અને તે એવા જ કોઈ પુરુષ સાથે લગ્ન કરી પોતાના અહમના ભારનો થાક ઉતારવા માંગે છે. પણ લગ્નના કેટલાક સમય પછી તે સાધારણ પુરુષથી તેમનો કંટાળો શરુ થઇ જાય છે. તે સ્ત્રીને તેની પ્રતિભા મુજબનો યોગ્ય સાથી નથી મળી શકતો. પરિણામે આવી સ્ત્રીઓ કોલેજ પછી અમુક જ વર્ષોમાં આત્મવિશ્વાસહીન અને નિરાશામય બનેલી નજરે પડે છે. આમ શ્રેષ્ઠ પુરુષોએ કરેલી પ્રેમની કબૂલાત સમયે ધારણ કરેલો અહમ તે સ્ત્રીને આજીવન ભારે પડે છે.

            બીજી બાજુ, સ્ત્રીના ચેનચાળાથી છેતરાયેલા પુરુષો સ્ત્રીને પવિત્ર મને દિવ્ય પ્રેમ કરતા બંધ થઇ જાય છે. સ્ત્રી એ નથી સમજી શકતી કે પુરુષ કેટલી મહેનત, કેટલા માનસિક સંઘર્ષ, અપમાન તથા નિષ્ફળતાના કેટલા ભય વચ્ચે એક સ્ત્રી સામે પોતાના અહમનો ત્યાગ કરી પ્રેમની કબૂલાત કરે છે. અને ત્યારબાદ જયારે સ્ત્રીની જૂઠી ‘ના’ થી પુરુષનો વિશ્વાસ તૂટે છે એટલે સ્ત્રી તેને પાંજરામાં મુકેલા મીઠાઈના ટુકડા જેવી લાગે છે, જેને લેવા જતા જ તેમનું હૃદય પીડા અને દુઃખના એક એવા ભયાનક પાંજરામાં કેદ થઇ જાય છે જેમાંથી બહાર નીકળતા તેમને મહિનાઓ-વર્ષો નીકળી જાય છે. આ કારણે સ્ત્રી પુરુષો માટે ખતરો બની જાય છે અને તે એને લગ્ન કરીને શરીરસુખ માણીને એકતરફ શાંત બેસાડી દેવા માંગે છે. કારણ કે હકીકતમાં લગ્ન પછી એક ખંભે બંધાઈ જતા સ્ત્રીની જટિલતા ઓછી થઇ જાય છે. પરિણામે ગમે તેટલી પ્રતિભાશાળી સ્ત્રીને પણ પુરુષપ્રધાન સમાજ ઘરસંસાર અને કૌટુંબિક સમીકરણોમાં બાંધેલી રાખે છે. સ્ત્રીઓ પર ગુજરાતું સામાજિક દમન પુરુષો દ્વારા સ્ત્રીની જટિલતાને નાથી લેવાની કોશિશોથી વધારે કઈ નથી. એટલે જયારે સ્ત્રીઓએ પુરુષો જેવી સરળતા અને સ્પષ્ટતા છોડી જટિલતામાં આનંદ મેળવ્યો ત્યારથી જ પુરુષોએ પોતાના સ્વબચાવમાં તેમને એકબાજુ દબાવી દેવાની કોશિશ શરુ કરી, જેથી તે પોતે વારંવાર સ્ત્રીની જટિલતાનો શિકાર ન બને.
આમ, જો ખરેખર આ દુનિયામાં સ્ત્રી સશક્તિકરણ લાવવું છે તો ‘સ્ત્રીને કોઈ સમજી ના શકે’ – આ જટિલતાનો દંભ સ્ત્રીઓને છોડવો પડશે. કારણ કે મનુષ્ય પોતાના સ્વબચાવમાં એ દરેક વસ્તુને દબાવી દેવા ટેવાયેલો છે જેને તે સમજી નથી શકતો.

            હવે હું પણ એક દીકરીનો પિતા છું. એટલે સમય આવે તેને આજ શીખ આપવાનો છું, ‘દેખ બેટા, આ દુનિયામાં આપણે બે જ પ્રકારના લોકો છીએ. એક સ્ત્રી અને બીજો પુરુષ. આ બંનેને એકબીજાની જરૂરત છે અને એકબીજા વગર ચાલવાનું નથી. પુરુષને સ્ત્રી પાસેથી પ્રેમ, મમતા, કરુણા, ચીવટ, દેખભાળ જેવા ગુણો શીખવાના છે જયારે સ્ત્રીને પુરુષની સરળતા અને સાહસ શીખવાના છે. એકબીજા સામે રહસ્યમયી બનવાની કે જટિલ બનવાની વૃત્તિ અસલમાં સામેવાળાનું અપમાન છે, એક રીતનો વિશ્વાસઘાત છે. આપણે શું છીએ અને શું ઇચ્છીએ છીએ તેને પોતે પહેલા જાણી લઈએ અને પછી એકબીજા સામે સ્વીકારી લઈએ. એટલે જો પુરુષના સમોવડી થઈને જીવવું હોય અને પોતાના જીવનની ચાવી પોતાના હાથમાં રાખવી હોય તો હંમેશા પુરુષો પ્રત્યે પ્રામાણિક, સ્પષ્ટ અને નિખાલસ રહેજે. જો પુરુષ સામે જટિલ બનવાની કોશિશ કરી તો પુરૂષ તને એકબાજુ દબાવી દેવાની કોશિશમાં લાગી જશે. તમે જયારે તમારા આત્માના અવાજને પોતાની જટિલતામાં છુપાવી દો છો ત્યારે પુરુષ માટે જોવાલાયક તમારું શરીર જ બચે છે. એટલે પુરુષ તમને આજીવન તમારા શરીરની ઉપયોગિતાથી જ મુલવતો થઇ જાય છે.’

            એટલે સુંદર પદ્માવતીઓને ઘરમાં શોભા બનીને અંતે ઘરની ઈજ્જત બચાવવા સળગી ન મરવું હોય અને ઘરની બહાર નીકળી સમાજને વિક્સાવતી અને સમાજને અત્યાચારીઓથી બચાવવા પુરુષોની જેમ લડતી સ્ત્રીઓ બનવું હોય તો સ્ત્રીઓને પોતાની જટિલતા ત્યાગી પુરુષો પાસેથી સરળતા અને સાહસ શીખવા પડશે. આના વિના સ્ત્રી સશક્તિકરણની એ બધી મોટી મોટી વાતો બેઈમાની છે.

August 23 / 2015 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

આપણી ભટકેલી શિક્ષણપ્રથા

“વિચારહીન સમાજ અને ગૂંચવાયેલી સરકારના મિશ્રણથી દેશને સતત પાયમાલ કરનારું એક ધીમું ઝેર”

‘હું આખા ભારતમાં ફર્યો પણ મેં એક પણ ભિખારી કે ચોર નથી જોયો. ઊંચા આદર્શો ધરાવતા અને તેમને પાળવાની ક્ષમતા ધરાવતા મહાન માણસોનો એ દેશ છે. આપણે ક્યારેય એ દેશને જીતી નહી શકીએ જ્યાં સુધી આપણે તે દેશની કરોડરજ્જુ સમાન ગુરુકુળની શિક્ષણ પધ્ધતિ ઉથલાવીને અંગ્રેજી શિક્ષણ પધ્ધતિ નહીં લાદીએ. આ રીતે ભારતીયોને આપણે સતત એ અહેસાસ કરાવીશું કે આપણી સંસ્કૃતિ તેમના ધર્મ અને તેમની સંસ્કૃતિ કરતાં ઘણી ઉંચી છે અને તેઓ પોતાનું સ્વાભિમાન ખોઈ બેસશે. આ જ એકમાત્ર રસ્તો છે યુગોથી શ્રેષ્ઠ રહેલા એ ભારત દેશને પોતાના પગ નીચે દબાવી દેવાનો.”

          તારીખ ૨જી ફેબુ્રઆરી ૧૮૩૫ના રોજ બ્રિટનની પાર્લામેન્ટને આપેલા લોર્ડ મેકુલેના ભાષણનો આ અંશ છે. ત્યારબાદ એ જ કરવામાં આવ્યું જે મેકુલેએ કીધું હતું. ગુરુકુલ પધ્ધતિને સ્થાને અંગ્રેજી શિક્ષણ પધ્ધતિ નાખવામાં આવી જેનો ઉદ્દેશ્ય હતો બ્રિટીશ રાજની વ્યવસ્થાને ચલાવવા માટેના કર્મચારીઓ અને અમલદારો ભારતીયોમાંથી તૈયાર કરવા. તેમને ઊંચા પગાર અને આર્થિક સુરક્ષા આપીને પોતાના પરિવાર અને તેના ભવિષ્ય સિવાયની બીજી કોઈ વાત વિશે વિચારતા બંધ કરી દેવા. જેવી કે તે સમયે આઝાદીની ઈચ્છા. અને મેકુલે એ હદે સફળ થયો કે આજે આઝાદીના ૭૦ વર્ષે પણ આપણે તે જ કર્મચારીઓ પેદા કરવાવાળી શિક્ષણ વ્યવસ્થાને ચલાવી રહ્યા છીએ. આજે આ વ્યવસ્થાએ આપણને ક્યાં લાવીને મૂક્યા છે તેના પર એક નજર નાખવી પડે એમ છે.
આજે ફક્ત ગુજરાતમાં જ વર્ષે સિત્તેર હજાર એન્જિનિયરો બહાર પડે છે જેમાંથી માંડ ૧૫ હજારને રોજગારી મળે છે. એક તરફ ગરીબ અને મધ્યમવર્ગીય માણસ માટેની સરકારી શાળાઓ બંધ થઈ રહી છે તો બીજી તરફ પૈસાદાર વર્ગ માટેની વર્ષે લાખો રૃપિયાની ફી સાથે એરકન્ડિશનર ઓરડાઓમાં ભણાવતી પ્રાઈવેટ શાળાઓ વધુ ને વધુ ખુલી રહી છે. સરકારને પોતાની યોજનાઓ સફળ બનાવવા માટે એવો આદેશ આપવો પડે છે કે ભલે બાળકને કંઈ ન આવડતું હોય પરંતુ તેને પરીક્ષામાં નપાસ તો ન જ કરવું અને તેને સાતમા ધોરણ સુધી ફરજિયાત લાવવું. પરિણામે વિદ્યાર્થીઓની સપ્લીમેન્ટરીમાં પોતે જ જવાબો લખી તેમને પાસ કરવાવાળા શિક્ષકો આજની શિક્ષણપ્રથાનું એક મિથક છે. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના લિસ્ટમાં દૂર દૂર સુધી ગુજરાતની તો ઠીક ભારતની પણ કોઈ યુનિવર્સિટી નથી. આપણી યુનિવર્સિટીઓમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના રીસર્ચ કરી શકે તેવી ફેકલ્ટી જ નથી. કારણ કે આ ફેકલ્ટી બની છે મેકુલેના વિચારોમાંથી નીકળેલા એક કર્મચારીનું DNA ધરાવતા શિક્ષકોથી. આજે BSC કરેલો કોઈ અમેરિકન કે યુરોપીયન સ્નાતક કોઈ એક ક્ષેત્રમાં રીસર્ચ કરવા તલપાપડ હશે જ્યારે આ જ ભણેલા ગુજરાતીએ પરીક્ષા આવે એટલે ઉપરછલ્લું જ્ઞાન લઈ ડીગ્રી મેળવી લેવાની જ વૃત્તિ રાખી હશે. કોલેજોના એન્જીનીઅરીંગના પ્રોફેસરોને પણ જ્યારે સરકાર પોતાના ખર્ચે ME કરવા મોકલે છે ત્યારે તે લોકો પણ ગમેતેમ કરીને ડીગ્રી મેળવી લઈ પગારનો ઊંચો ગ્રેડ મેળવી લેવા જ અભ્યાસ કરે છે. આ જ ફર્ક છે. આજે આપણે ભણીએ છીએ કર્મચારી બનીને પગાર મેળવવા. જ્યારે બે સદી પહેલાં આપણા જ પૂર્વજો ગુરુકુલમાં ભણતા હતા, જ્ઞાાન મેળવવા.

            એક અમેરિકન સર્વે પ્રમાણે ભારતમાં ૬૦ ટકાથી વધુ લોકોને પોતે જે કામ કરી રહ્યા છે તેનાથી સંતોષ નથી અને જે કામ તેમને કરવું છે તે ભારતની બંધિયાર શિક્ષણ પધ્ધતિના કારણે હવે તેમનાથી થઈ શકે તેમ નથી. આજે દસમું ધોરણ પાસ કરેલો વિદ્યાર્થી કોઈપણ ક્ષેત્રની કોઈપણ જાતની જાણકારી વગર એ નિર્ણય લે છે કે તેને અગિયારમા ધોરણમાં કયું ગુ્રપ રાખવું અને પરિણામે જે તે ડીગ્રીમાં ઘુસ્યા પછી પછતાય છે કે તે ડીગ્રી માટે તે લાયક જ નથી. સરકારે મેકુલેની આ વ્યવસ્થાને જેટલી સુધારવાની કોશિશ કરી એ તેટલી જ બગડતી ગઈ. અને એનું સૌથી ભયાનક પરિણામ આવ્યું શિક્ષણનું વ્યાપારીકરણ. આજે બાલમંદિરની ફી વર્ષે ૨૫ હજાર છે. એકથી સાતમા ધોરણમાં વર્ષે સાઠ હજાર. આઠથી દસમાં વર્ષે એક લાખ અને અગિયાર-બારમાં વર્ષે બેથી ત્રણ લાખ. એક બાજુ દેશના દર ૧૫ લાખે ૧૦ લાખ એન્જીનીઅરો બેકાર અને બીજી બાજુ તે બેકાર શિક્ષિતોના બાળકો માટે આટલી મોંઘી શિક્ષણવ્યવસ્થા. આઝાદી પછી જ સમાજવાદી વિચારધારા લઈને આપણે ચાલ્યા હતા તેનો આ સૌથી અંધકારમય સમય છે.

            સૌથી પહેલાં જરૃર છે કે સરકાર દરેક પ્રાઈવેટ અને સેમી ગવનર્મેન્ટ શાળાના ફી સ્ટ્રક્ચરને પોતાના નિયંત્રણમાં લઈ શિક્ષણને મુક્ત અર્થતંત્રની અસરથી દૂર કરે. તમામ સરકારી શાળાઓમાં અમદાવાદ જેવા મોટા શહેરોના કાબેલ શિક્ષકો દ્વારા વિડિયો કોન્ફેન્સિંગ મારફતે શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે. જો કોઈ શિક્ષિત મધ્યમવર્ગીય માતાપિતા જે સારો રોજગાર મેળવી નથી શક્યા તેમનું બાળક ભલે ક્યારેય શાળામાં ન ગયું હોય પણ તે કમસે કમ નવમા ધોરણમાં શાળામાં દાખલ થઈ શકે. આ માટે જે શાળામાં બાળકને એડમિશન લેવું હોય તે શાળા તેના માટે એકથી આઠ ધોરણના અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષા લે અને તેમાં ઉત્તીર્ણ થતાં જ ના ફક્ત તે બાળકને નવમા ધોરણમાં પ્રવેશ આપવામાં આવે પરંતુ તે જ શાળા તે બાળકે એકથી આઠ ધોરણનું જ્ઞાાન અર્જિત કરેલું છે એવું સર્વમાન્ય પ્રમાણપત્ર પણ આપે. આમ કરવાથી મધ્યમ વર્ગ જે મોંઘી પ્રાઈવેટ શાળાઓ સુધી નથી પહોંચી શકતો તે ઘરે જ પાઠયપુસ્તકો ખરીદી પોતાના બાળકોને ભણાવી શકશે અને મુખ્યધારાની શિક્ષણપ્રણાલીમાં પોતાને જાળવી પણ શકશે.

            વિદ્યાર્થી તેના માટે યોગ્ય ક્ષેત્રની જ પસંદગી કરે તેના માટે ૧૦માંનું રિઝલ્ટ આવી ગયા પછીનું એક વર્ષ ‘કારકિર્દી પસંદગી વર્ષ’ તરીકે રાખવામાં આવે. આ વર્ષના પહેલા ૬ મહિનામાં વિદ્યાર્થીઓને જગતમાં જેટલાં પણ ક્ષેત્રો હોય તે શું કાર્ય કરે છે અને કેમ કરે છે તેનું જ્ઞાાન આપવામાં આવે તથા તેમાં રહેલી તકો વિશે જાણકારી આપવામાં આવે. આ પછી દરેક વિદ્યાર્થીને બે મહિના આપવામાં આવે જ્યાં તે પોતાનું મનગમતું ક્ષેત્ર નક્કી કરી શકે અને તેના વિશે પોતાની રીતે જાણકારી મેળવી શકે અને જ્યારે તે વિદ્યાર્થી પાછો ફરે ત્યારે શાળા તે વિદ્યાર્થીએ નક્કી કરેલા ક્ષેત્રમાં જવા માટે અને તેમાં નક્કી કરેલ મુકામ હાંસિલ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ શું કરવું તેનો એક સંપૂર્ણ ડ્રાફ્ટ બનાવીને તેને આપી દે. આ રીતે તૈયાર થયેલ વિદ્યાર્થી જ્યારે અગિયારમું ધોરણ શરૃ કરશે ત્યારે તેની દિશા નક્કી હશે. આ રીતે પોતાના જ પસંદીદા કામમાં આગળ વધેલા લોકોથી જ્યારે આ સમાજ ભરાશે ત્યારે આપણને એવાં ચમત્કારી પરિણામો મળશે જેની આપણે કલ્પના પણ નહિ કરી હોય. નરેન્દ્ર મોદી સાહેબનું સ્કીલ ઈન્ડિયાનું સ્વપ્ન પણ ત્યારે જ સાકાર થઈ શકશે કારણ કે કોઈપણ કામમાં સ્કીલ ત્યારે જ આવે છે જ્યારે તે કામથી માણસને લગાવ હોય. અને આવું થયા પછી જ એ ૬૫ કરોડ યુવાનો સાચા અર્થમાં આ દેશ માટે કામ આવી શકશે. આમ, જ્યાં સુધી આ દેશમાં મુક્ત અર્થતંત્ર અને બંધિયાર શિક્ષણ વ્યવસ્થાનો વિરોધાભાસ છે ત્યાં સુધી આ દેશની સાચી ક્ષમતા બહાર નહિ આવી શકે.

March 19 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

જો ફિઝિક્સ અભ્યાસક્રમમાં છે તો વેદાન્ત કેમ નહિ?

ઈ. સ. ૧૯૨૯નું વર્ષ આધુનિક ભારતીયો માટે મોટો ટર્નિગ પોઈન્ટ હતો. ૧૯૨૯ પહેલાં આખું આધુનિક વિશ્વ અને આઈન્સ્ટાઈન સુધીના બધા મહાન વૈજ્ઞાાનિકો માનતા હતા કે આપણું બ્રહ્માંડ એક સ્થિર વસ્તુ છે, જે ના સંકોચાય છે ના વિસ્તરે છે. આથી ન તેની કોઈ શરૃઆત હશે. ના કોઈ અંત. પણ ૧૯૨૯માં ઈડવિન હબલ નામના એક વૈજ્ઞાનિકે ટેલિસ્કોપની મદદથી દૂરની આકાશગંગાઓની ગતિ જાણવાનો પ્રયાસ કર્યો. આખું વિશ્વ માનતું હતું કે આકાશગંગાઓની ગતિ આમતેમ અનિશ્ચિત દિશામાં હશે. પણ હબલે પ્રકાશની ડોપ્લર અસર વડે જે જોયું તેણે વિશ્વને સ્તબ્ધ કરી દીધું. તેણે જોયું કે આકાશગંગાઓ પૃથ્વીથી ચારેબાજુ આપણાથી દૂર જઈ રહી હતી. એનો અર્થ એ હતો કે બ્રહ્માંડ સ્થિર નહોતું, તે વિસ્તરી રહ્યું હતું. અને આવું ત્યારે જ શક્ય હતું જ્યારે ભૂતકાળમાં કોઈ એક ક્ષણે બ્રહ્માંડ સંકોચાયેલો એક બિંદુવત્ દડો હોય અને એ દડાના ફૂટવાથી તેમાં દબાયેલી ઊર્જા વિસ્તરવા લાગી હોય. આ રીતે આ બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું હોય ત્યારે જ તે આ રીતે વિસ્તરતું હોય એ શક્ય બને. અને આ તારણ સામે આવતાં જ વૈજ્ઞાાનિકોના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે આધુનિક વિજ્ઞાાનના પાંચસો વર્ષના ઈતિહાસમાં વિશ્વના મહાનતમ વૈજ્ઞાાનિકો જે નહોતા જાણી શક્યા તેની દસ હજાર વર્ષ પહેલા વેદો લખવાવાળા ભારતીય ઋષિઓને ખબર હતી.

            ભારતીય તત્વજ્ઞાનની શરૃઆત જ એ ઘટનાથી થતી હતી કે આ સૃષ્ટિના સર્જન પહેલાં એક નાનો અદ્વૈત પિંડ હતો, જેમાં આજના સમગ્ર બ્રહ્માંડની ઊર્જા દબાયેલી હતી. અને ત્યારબાદ એ પિંડમાંથી ક્રમશઃ શિવ અને વિષ્ણુ નામની ગોઠવણો સર્જાઈને વિસ્ફોટ સાથે બ્રહ્માંડનું સર્જન થયું અને ત્યારથી આ સમગ્ર સૃષ્ટિ વિસ્તરી રહી છે. સુન્ન બની ગયેલા વૈજ્ઞાાનિકોએ વેદોમાં દર્શાવેલી પિંડના વિસ્ફોટની એ ઘટનાને ‘બિગ બેંગ’ નામ આપ્યું અને આ રીતે ‘બિગ બેંગ’ થિયરીની શોધ થઈ. તે દિવસથી લઈને આજદિન સુધી વિશ્વનો કોઈ એવો મહાન વૈજ્ઞાાનિક નથી થયો જેણે વેદોના જ્ઞાાન વિભાગ ગણાતા ઉપનિષદો, જેને આપણે વેદાન્ત પણ કહીએ છીએ, તેનો આજીવન અભ્યાસ ન કર્યો હોય. આલ્બર્ટ આઈનસ્ટાઈનને તો આ ઘટનાનાં વીસ વર્ષ પહેલાંથી વેદાન્તમાં રસ હતો અને ભારતના અદ્વૈત તત્ત્વજ્ઞાાનમાંથી જ તેમને તેમના પ્રખ્યાત સૂત્ર E = mc 2 ની પ્રેરણા મળી હતી. અદ્વૈત તત્ત્વજ્ઞાાન મુજબ બ્રહ્માંડની સઘળી ઉર્જા એક જ છે. બસ તેનાં સ્વરૃપો અલગ છે. અને તે દરેક સ્વરૃપ એકબીજામાં રૃપાંતરિત થઈ શકે છે. આઈન્સ્ટાઈનના સૂત્રનો અર્થ પણ એ જ હતો કે બ્રહ્માંડની ઊર્જા મૂળભૂત રીતે બે જ સ્વરૃપોમાં છે. એક પદાર્થોનું દળ અને બીજું તરંગો રૃપેની મુક્ત ઊર્જા. અને આ બંને એકબીજામાં રૃપાંતરિત થઈ શકે છે. આમ, આઈન્સ્ટાઈનનું સૂત્ર ભારતીય અદ્વૈત વિચારધારાનું ગાણિતિક સ્વરૃપ હતુ જેમાંથી આખરે અણુ બોમ્બની શોધ થઈ.

            નોબેલ વિજેતા મહાન વૈજ્ઞાાનિક નિલ્સ બોહરે કહેલું કે, ‘હું ઉપનિષદોમાં સવાલો પૂછવા જાઉં છું.’ નિલ્સ બોહર અને પ્રખ્યાત વૈજ્ઞાાનિક સ્ક્રોડીંગરે આજીવન પોતાના ભૌતિક વિજ્ઞાાનના પ્રયોગો દરમિયાન ઉપનિષદોને સાથે રાખેલાં. તેઓ કહેતા કે ‘આ બંને એક જ છે.’ બોહર અને સ્ક્રોડીંગર સાથે પ્રખ્યાત ‘અનિશ્ચિતતાનો સિધ્ધાંત’ આપનાર મહાન વૈજ્ઞાાનિક હેઈસનબર્ગ પણ વેદાન્તના અભ્યાસમાં જોડાતા. સ્ક્રોડીંગરે તેમના એક ઈન્ટરવ્યુમાં કહેલું કે ”હું એકવાર હેઈસનબર્ગને મળવા મ્યુનિક ગયો અને તેમને ઉપનિષદોના પાના ઉપર પાના બતાવીને કહ્યું કે જુઓ આપણે જે હવે જાણી રહ્યા છીએ તે એક સંસ્કૃતિ હજારો વર્ષો પહેલા જાણી ચૂકી છે. મારા આશ્ચર્ય વચ્ચે હેઈસનબર્ગે કહ્યું કે, ‘હું એ દરેકને વાંચી ચૂક્યો છું અને હજુ અભ્યાસ કરી રહ્યો છું. કેટલાંક વર્ષો પહેલા જ્યારે ક્વૉન્ટમ મીકેનિક્સ (એટલે કે સૂક્ષ્મ કણોનું વિજ્ઞાાન) સામે આવવાથી આપણે બધા હચમચી ગયા ત્યારે હું પણ વિશ્વાસ ગુમાવી ચૂક્યો હતો. ત્યારે હું ભારત ગયો અને રવીન્દ્રનાથ સાથે ઉપનિષદો વિશે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી. ત્યારે હું જાગી ગયો કે આ સૂક્ષ્મ કણોનું ભયાનક વિજ્ઞાન હજારો વર્ષો પહેલાં પણ કોઈએ જાણ્યું હતું. એટલે આપણે સાચા છીએ. જે વેદાન્ત જાણે છે તેવા અભણ સાધુને પણ ક્વૉન્ટમ મીકેનિક્સથી આશ્ચર્ય નથી થતું. પણ આપણને થાય છે.’ પ્રખ્યાત જર્મન ભૌતિકશાસ્ત્રી હાન્સ-પીટર-ડયુર કહેતા કે ‘મેં પાંત્રીસ વર્ષ સુધી પદાર્થ વિજ્ઞાાન ભણ્યું અને અંતે જાણ્યું કે પદાર્થ અસ્તિત્વમાં છે જ નહી. પછી મને ખબર પડી કે આ જ તો આદિ શંકરાચાર્યએ ઉપનિષદોમાં કહ્યું હતું, ‘એ બધું જે આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ તે અસ્તિત્વમાં છે જ નહી.’ અને હવે તો હું જ્યારે પણ ક્વૉન્ટમ મીકેનીક્સ પર લેક્ચર આપતો હોઉં છું ત્યારે મને લાગે છે કે હું વેદાન્ત ભણાવી રહ્યો છું.” બ્રિટનના મહાન ગણિતશાસ્ત્રી આલ્ફ્રેડ નોર્થ વ્હાઈટહેડે કહ્યું હતું કે, ‘આધુનિક વિજ્ઞાાન આજે તેના સૌથી વિકસિત સ્વરૃપમાં પહોંચીને અસલમાં હજારો વર્ષો પાછળ રચાયેલા વેદાન્તની નજીક પહોંચ્યું છે. વેદાન્ત પૃથ્વી પર રચાયેલું અત્યાર સુધીનું શ્રેષ્ઠ ફિઝિક્સ છે.’

            તો પછી સવાલ એ છે કે જો આપણે એ ફિઝિક્સને અભ્યાસક્રમમાં ભણી શકીએ છીએ તો એ મૂળ સ્ત્રોત એવા વેદાન્તને કેમ નથી ભણી શકતા જેમાંથી પ્રેરણા મેળવીને પશ્ચિમી વૈજ્ઞાાનિકોએ આજનું ફિઝિક્સ રચ્યું છે. આખરે કેટલો સમય લાગશે આપણને એ સમજવામાં કે વેદાન્ત એ કોઈ ધાર્મિક પુસ્તક નથી. તે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, સાઈકોલોજી અને અધ્યાત્મને જોડતું એક સળંગ વિજ્ઞાાન છે, જેમાંથી આજનાં આ બધાં ખંડિત વિજ્ઞાાનો છૂટા પડયાં છે. મુસ્લિમોના કુરાન અને ખ્રિસ્તીઓના બાઈબલના સમાંતર હિંદુઓની ગીતા જ આવી જાય છે. જ્યારે ઉપનિષદો તો આજના આધુનિક વિજ્ઞાાનના સમાંતરે આવે છે. જો ઉપનિષદોના એ તાર્કિક અને વૈજ્ઞાાનિક અર્થોને ક્રમબધ્ધ ગોઠવીને પહેલા ધોરણથી બારમા ધોરણ સુધી ક્રમશઃ ભણાવવામાં આવે અને બીએસસી-એમએસસીમાં તથા પીએચડીમાં વેદાન્ત નામનો વિષય ઉમેરવામાં આવે તો આજથી પચ્ચીસ વર્ષ પછી ભારતીયોની એક એવી પેઢી તૈયાર થશે જે આજના અધવચ્ચે ફસાયેલા આધુનિક વિજ્ઞાાનને વેદાન્તના જ્ઞાાનથી પ્રકાશિત કરી સૃષ્ટિના આખરી સત્યને વૈજ્ઞાનિક રીતે સિધ્ધ કરી બતાવશે. એ પેઢીને કોઈએ હિંદુત્વ સમજાવવાની જરૃર નહી રહે. તે હિંદુત્વના મૂળ સ્ત્રોતને ધારણ કરી ચૂકી હશે. તે દિવસે કોઈ હિંદુ વિરોધી ડાબેરીઓ અને મિથ્યાજ્ઞાનીઓ ઉત્પન્ન નહી થાય કારણ કે સૃષ્ટિ શું છે અને મનુષ્યની ઉત્પત્તિનું કારણ શું છે તેનો સચોટ જવાબ દરેક ભારતીય શાળામાં ગળથૂથી રૃપે શીખી ચૂક્યો હશે.

મેં મારા પુસ્તક “આ સર્જન નથી, આ છે અભિવ્યક્તિનું પ્રક્ષેપણ” માં આ જ રીતે વેદાન્તના વિજ્ઞાનને બિલકુલ આધુનિક વિજ્ઞાનની ભાષામાં વર્ણવીને આધુનિક વિજ્ઞાનના લગભગ તમામ પ્રશ્નોનું નિરાકરણ આપવાની કોશિશ કરી છે. હાલમાં તે પુસ્તકની સરળ આવૃત્તિ તૈયાર થઇ રહી છે જે સૃષ્ટિના અંતિમ વૈજ્ઞાનિક સત્યોને સામાન્ય વાચક માટે તત્વજ્ઞાનની ભાષામાં રજુ કરશે. એ સરળ આવૃત્તિનું નામ છે ‘સૃષ્ટિનું સત્ય અને મનુષ્યની ઉત્પત્તિનું કારણ”.

March 05 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

વક્તાઓ અને વિચારકો હાર્યા છે અને મોકેલો જીત્યો છે

“આપણો આદર્શ મોકેલો હોવો જોઇએ. એણે આ માનવજાતિને એક મહાન માર્ગ દેખાડયો છે. એણે સાબિત કરી દેખાડયું છે કે ફક્ત એક શિક્ષણ વ્યવસ્થા બદલી દેવાથી હજારો વર્ષોથી સર્વશ્રેષ્ઠ રહેલી સભ્યતા પણ પતિત બની શકે છે.”

ભાષણો…ભાષણો… અને બસ ભાષણો… આહાહા… બસ ચારે તરફ વક્તાઓ અને તેમના પ્રવચનો. જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ પ્રવચનો અને સેમીનારો આપનારાઓની જાણે બહાર ખીલતી જાય છે. ઘર-ઘરમાં કથાકારો, વિચારકો અને વક્તાઓ ભરેલા છે. સાંભળનારા કરતાં બોલનારા વધારે છે. એક જણ વક્તાને સાંભળવા જાય છે અને કહે છે ‘બે દિવસ પછી મારું પણ લેકચર છે. તમે આવજો’. લેકચર આપવા કરતાં લેકચર આપતા ફોટા પાડવામાં અને વીડીયો ઉતારવામાં વધારે રસ હોય છે. વીસ-પચ્ચીસ જણાને ભેગા કરીને આપેલા લેકચરના પણ ફોટા ફેસબુક પર ફરતા કરવામાં આવે છે. ફેસબુક પેજ બનાવી વીડીયો ફેરવવામાં આવે છે. લોકલ છાપાઓમાં નાની ખબર રુપી એડવરટાઇઝ આપવામાં આવે છે. જાણે સ્ટાર બનવાનું અને વિખ્યાત બનવાનું લોકો પર ભૂત સવાર છે અને સોશિયલ મીડીયાના આ જમાનામાં નાના-મોટા વક્તા બની જવું એ તેના માટેનો શોર્ટકટ છે, એક દાયકા પહેલા મધ્યમ વર્ગી સમાજમાં ડોક્ટર બનાવવાનો જેવો ક્રેઝ જાગ્યો હતો તેવો જ ક્રેઝ હવે વક્તા અને વિચારક બનવાનો જાગ્યો છે.

            પણ આ બધા પછી પણ સત્ય એ છે કે દુનિયા જેવી હતી તેવીને તેવી જ છે. પર્સનાલીટી ડેવલપમેન્ટના સેમીનારો સાંભળીને કોઇની પર્સનાલીટી ખીલી ગઇ હોય અને તે ભઇ કોઈ મોટો ડેશીંગ અમિતાભ બચ્ચન બની ગયો હોય તેવું આપણે જોયું નથી અને જોવાના પણ નથી. વિવેકાનંદે અમેરીકાના તેમના એક પ્રવચનમાં કહ્યું હતું ‘જ્યાં સુધી તમારામાં સત્યનું આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી તમે એક એવા પથ્થરની મૂર્તિ છો જેની પ્રાણ-પ્રતિષ્ઠા નથી થઈ.’ એ ખોખલા અને ભાવવીહીન અંગ્રેજી શબ્દો બોલવાથી. એ ખોખલી અને બનાવટી બોડી લેન્ગ્વેઝ ઉભી કરવાથી જો કોઈ એમ સમજતું હોય કે તેનું પર્સનાલીટી ડેવલપમેન્ટ થઇ જશે તો એ એનું અમૂલ્ય જીવન વેડફી રહ્યો છે. ‘જીવનનું સત્ય શું છે અને એક માનવ તરીકે હું આ દુનિયા પર કેમ છું’ – જ્યારે માણસ આ સવાલના જવાબની શોધમાં નીકળે છે ત્યારે એ શોધની યાત્રામાં જ તેના વ્યક્તિત્વનું ઘડતર થાય છે અને તેના અંદરનું ઇશ્વરીય તત્ત્વ ઉપસે છે. સત્યના શોધની એ વ્યક્તિગત યાત્રા જ મનુષ્યના વ્યક્તિત્વ ઘડતરનો એકમાત્ર માર્ગ છે. પણ આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં માણસને પચ્ચીસ-ત્રીસ વર્ષ સુધી વધુમાં વધુ પૈસા કમાઈ શકાય તેવી ડીગ્રી કઇ રીતે લેવી ફક્ત તેનો જ કક્કો શીખવાડાય છે. અને પછી વધુને વધુ પેટ ભરવાના અને ઇન્દ્રિય સુખ મેળવવાના એકમાત્ર ધ્યેય પાછળ ભાગતા એ પશુને જો કોઈ ભાષણ આપીને મનુષ્ય બનાવવાની કોશિશ કરી રહ્યા છે તો તે તથાકથિત વક્તાઓ અને વિચારકો જરા છેલ્લા દોઢસો વર્ષના ઇતિહાસ પર નજર ફેરવી લે.

            ૧૮૫૦ પહેલા ભારતમાં જ્યારે ગુરુકુળો ચાલતાં હતાં ત્યારે દરેક બાળક જીવનનું અને અસ્તિત્વનું સત્ય તત્ત્વજ્ઞાનના વિષયમાં ભણતો. આ અસ્તિત્વ શું છે અને આપણે મનુષ્યોને આ અસ્તિત્ત્વમાં શું ભાગ ભજવવાનો છે તેનું જ્ઞાન દરેક બાળક એવી રીતે જ જાણતું હતું જેમ આજનું બાળક ‘ઘડિયા અને ટ્વીંકલ ટ્વીંકલ લીટર સ્ટાર’ જાણે છે. અને આ ભારત જોઇને મોકેલો નામનો એક અંગ્રેજ અમલદાર ઇંગ્લેન્ડ ગયો અને ૨જી ફેબુ્રઆરી ૧૮૩૫ના રોજ ઇંગ્લેન્ડની સંસદમાં તેણે આ એકમાત્ર ભાષણ આપ્યું. ‘હું આખા ભારતમાં ફર્યો પણ મેં એક પણ ભીખારી કે ચોર નથી જોયો. ઊંચા આદર્શો ધરાવતા અને તેમને પાળવાની ક્ષમતા ધરાવતા મહાન માણસોનો એ દેશ છે. આપણે ક્યારેય એ દેશને જીતી નહી શકીએ જ્યાં સુધી આપણે તે દેશની કરોડરજ્જુ સમાન ગુરુકુળની શિક્ષણ પધ્ધતિ ઉથલાવીને અંગ્રેજી શિક્ષણ પધ્ધતિ નહીં લાદીએ. એ જ એકમાત્ર રસ્તો છે યુગોથી શ્રેષ્ઠ રહેલા ભારત દેશને પોતાના પગ નીચે દબાવી દેવાનો.’ ત્યારબાદ એ જ કરવામાં આવ્યું જે મોકેલોએ કીધું હતું. ગુરુકુલ પધ્ધતિને સ્થાને અંગ્રેજી શિક્ષણ પધ્ધતિ નાખવામાં આવી જેનું ઉદ્દેશ્ય હતું બ્રિટીશ રાજની વ્યવસ્થાને ચલાવવા માટેના કર્મચારીઓ અને અમલદારો ભારતીયોમાંથી તૈયાર કરવા. તેમને ઉચા પગાર અને આર્થિક સુરક્ષા આપીને પોતાના પરીવાર અને તેના ભવિષ્ય સિવાયની બીજી કોઈ વાત વિશે વિચારતા બંધ કરી દેવા. અને ત્યારથી લઇને આજસુધી આપણે એ જ શિક્ષણ વ્યવસ્થા ચલાવી રહ્યા છે અને એવા જ ભારતીયો તૈયાર કરી રહ્યા છીએ જેવું મોકેલોએ આજથી બે સદી પહેલા ચાહ્યું હતું.

            મોકેલોએ ભારતની વ્યવસ્થા બદલ્યા પછી ભારતમાં સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, દયાનંદ સરસ્વતી, શ્રી પાંડુરંગ શાસ્ત્રી અને ઓશો રજનીશ જેવા મહાન વિચારકો અને આત્મજ્ઞાનીઓ આવ્યા જેમણે આખાને આખા જીવન મોકેલોની વ્યવસ્થા મુજબ તૈયાર થયેલા ભારતીયને જીવનનું સત્ય સમજાવવા માટે પ્રવચનો આપવામાં કાઢ્યા. પણ એ મહાન લોકોના આખા જીવન હોમાઈ ગયા પછી અને તેમના હજારો ભાષણોના કરોડો શબ્દો વડે ભારતની આ ભૂમિ ગૂંજી ઉઠયા પછી પણ ભારતીયો આજે એટલા જ ધર્મભ્રષ્ટ અને અજ્ઞાની છે જેટલા દોઢસો વર્ષ પહેલા હતા. તેમની ધર્મભ્રષ્ટતા અને ભટકાવમાં વધારો થયો છે પણ ઘટાડો નથી થયો. આટલા બધા જ્ઞાની પુરુષો, તેમના પ્રવચનો, કથાઓ અને સત્સંગો પછી પણ દરેક ભારતીય આજેપણ એ રીતે જ જીવે છે જેવું મોકેલોએ ચાહ્યું હતું. આ વાત એ સાબિત કરે છે કે ઓશો, વિવેકાનંદ અને દયાનંદ સરસ્વતી જેવા મહાન આધ્યાત્મિક પુરુષોથી લઇને છેલ્લા દોઢસો વર્ષમાં પેદા થયેલા દરેક વક્તાઓ અને વિચારકો હાર્યા છે અને મોકેલો એકલો જીત્યો છે. એ અનેક મહાપુરુષોના હજારો ભાષણો હાર્યા છે અને મોકેલોએ આપેલું એકમાત્ર ભાષણ જીત્યું છે. એ સેંકડો મહાપુરુષોનું આત્મજ્ઞાન હાર્યું છે અને મોકેલોની વ્યવસ્થા જીતી છે. તો આપણો આદર્શ જીતનારાનો માર્ગ હોવો જોઇએ, ન કે હારનારાનો. આપણો આદર્શ મોકેલો હોવો જોઇએ. એણે આ માનવજાતિને એક મહાન માર્ગ દેખાડયો છે. એણે સાબિત કરી દેખાડયું છે કે ફક્ત એક શિક્ષણ વ્યવસ્થા બદલી દેવાથી હજારો વર્ષોથી સર્વશ્રેષ્ઠ રહેલી સભ્યતા પણ પતિત બની શકે છે. તેણે સાબિત કરી દેખાડયું કે હજારો લાખો મહાપુરુષોની મહાનતા પણ એક ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થા સામે નકામી સાબિત થાય છે. મોકેલોએ આપણને માનવસભ્યતાનું સૌથી શ્રેષ્ઠ હથિયાર બતાવ્યું છે. બસ એણે એનો ઉપયોગ અધર્મ અને શોષણની સ્થાપના માટે કર્યો તો આપણે હવે તેનો ઉપયોગ ધર્મ અને સત્યની સ્થાપના માટે કરવાનો છે. વેદાંતના તત્વજ્ઞાન અને યોગનો પ્રેક્ટિકલ વિષય ધરાવતી એ શિક્ષણ વ્યવસ્થા જ માનવતા માટે એકમાત્ર આશા છે. એ શિક્ષણ વ્યવસ્થા વિના હવે આપણે નિહથ્થા છીએ.

            તો, હવે જરૃર છે કે રાજ્યના અને દેશના દરેક વક્તાઓ છેલ્લા દોઢસો વર્ષથી ચાલી આવતી આ પરીણામહીન ભાષણબાજીની પરંપરાને વિરામ આપે અને એકઠા બની સરકાર સાથે કદમ મીલાવી શિક્ષણ વ્યવસ્થામાં વેદાન્તી તત્ત્વજ્ઞાનનો એક વિષય પહેલા ધોરણથી લઇને બારમા ધોરણ સુધી સુઆયોજીત રીતે શામેલ કરવામાં પોતાનું જ્ઞાન, મહેનત અને સમય આપે. કાચી માટીને જ આકાર આપી શકાય છે પચ્ચીસ વર્ષે પાકીને તૈયાર થઇ ગયેલા વાસણને તત્વજ્ઞાન આપીને નવો આકાર આપવાનો શ્રમ વ્યર્થ છે.

January 09 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

બાળકને માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઇએ તેનું વિજ્ઞાન

“આપણે અંગ્રેજીને જાણકારી અને સમજ મેળવવાની ભાષા નથી બનાવવાની. એ કાર્ય માટે માતૃભાષા જ શ્રેષ્ઠ છે. અંગ્રેજીને આપણે આપણી જાણકારી અને સમજને ખાલી અભિવ્યક્ત કરવાની ભાષા બનાવવાની છે જે આસાન છે.”

ડો. અબ્દુલ કલામ સાહેબે એકવાર કહ્યું હતું કે ”જે દિવસે આપણે મેડિકલ, ઇજનેરી સહીતના તમામ ક્ષેત્રોનું શિક્ષણ માતૃભાષામાં જ આપીશું ત્યારે આપણે જાપાન અને ચીન જેવી વૈજ્ઞાનિક ક્રાંતિ કરી શકીશું. જાપાન અને ચીનમાં વિદ્યાર્થીઓને શાળાથી લઇને પોસ્ટ-ગ્રેજ્યુએટ અને પીએચડી સુધીના દરેક વિષયના અભ્યાસક્રમો તેમની માતૃભાષામાં જ ભણાવવામાં આવે છે જેથી ત્યાંના વિદ્યાર્થીઓ તેને વધુ ઉંડાણપૂર્વક આત્મસાત કરી શકે છે અને પ્રચંડ સંશોધનાત્મક વૃત્તિને જન્મ આપે છે.” ભારતમાં અને હવે ખાસ કરીને ગુજરાતમાં બાળકોને ક્યાંક સ્ટેટસ માટે તો ક્યાંક હરીફાઇને પહોંચી વળવા માટે અંગ્રેજી માધ્યમમાં મૂકવાનો ક્રેજ જ્યારે વધી રહ્યો છે ત્યારે જરુરી છે કે આપણે અબ્દુલ કલામ સાહેબની આ સલાહ પાછળનું નક્કર વિજ્ઞાન સમજી લઇએ.

            આપણા જાગ્રત મનના મુખ્ય ત્રણ ભાગ છે. મનસ, ચિત્ત અને બુધ્ધિ. મનસમાં દ્રષ્ટિ, શ્રવણ, સ્વાદ, સ્પર્શ જેવી જ્ઞાનેન્દ્રિયોના મસ્તિષ્ક-કેન્દ્રો આવેલા છે. આપણે જ્યારે આંખો વડે કોઇ વસ્તુ જોઇએ છીએ ત્યારે તે વસ્તુનું ચિત્ર આંખોના નેત્રપટલથી સીધું માનસમાં આવેલા દ્રષ્ટિ જ્ઞાનેન્દ્રિયના મસ્તિષ્ક-કેન્દ્રમાં આપાત થાય છે. અને ત્યારે આપણે તે વસ્તુને જોઇ શકીએ છીએ. આમ, આપણી સાચી ઇન્દ્રિયો આપણા આંખ, કાન, નાક જેવા અંગો નથી. આપણી ઇન્દ્રિયો મનસમાં આવેલાં મસ્તિષ્ક-કેન્દ્રો છે. જો મનસમાં આવેલું દ્રષ્ટિનું આ મસ્તિષ્ક-કેન્દ્ર ઈજા પામે તો આપણે આંધળા થઇ જઇએ ભલેને પછી આપણી આંખો સંપૂર્ણ તંદુરસ્ત હોય. હવે, મનસના મસ્તિષ્ક-કેન્દ્રો પર આપાત થતી આ ચિત્ર કે અવાજ જેવી સંવેદનાઓ મનસમાંથી ચિત્તમાં આવે છે. ચિત્ત મનનું એ ભાગ છે જ્યાં આ બધી સંવેદનાઓના પાછળના રેકોર્ડો સંગ્રહાયેલા હોય છે અને નવી સંવેદનાના રેકોર્ડ રચાય છે.

            તો, આ રીતે નાનું બાળક જ્યારે શરુઆતમાં ભાષાનો કોઇ નવો શબ્દ વાંચે કે સાંભળે છે ત્યારે તે તેના મનસમાં થઇને ચિત્તમાં આવે છે. જો એ શબ્દ એણે પહેલા સાંભળ્યો હશે અને એનો મતલબ સમજ્યો હશે તો ચિત્તમાં એનો રેકોર્ડ હશે. ચિત્ત તે શબ્દને તેના પહેલા સમજેલા મતલબ સાથે બુધ્ધિ પાસે મોકલી દેશે. અને બુધ્ધિ તેનો અર્થ સમજ્યા પછી સામે શું જવાબ આપવો એનો નિર્ણય લેશે. એટલે નાનું બાળક તેના માતા-પિતા અને સગા-સંબંધીઓ દ્વારા જે શબ્દો અને શબ્દોના અર્થ સાંભળે છે તે એના ચિત્તમાં ખાસ પ્રકારે જોડાયેલા ચેતાકોષોથી બનેલા એક જાળા સ્વરુપે સંગ્રહ પામે છે. ચેતાકોષોના જોડાવાથી બનેલા આ જાળાને ચેતાજાળ કહે છે. ધારો કે, એક બાળક ‘અણુ’ શબ્દ સાંભળે છે જે એના ચિત્તમાં એક નાની ચેતાજાળ સ્વરુપે સંગ્રહાય છે. હવે જ્યારે તેને ‘અણુ’ શબ્દનો અર્થ સમજાવવામાં આવશે ત્યારે તે પોતાના ચિત્તમાં તે સમજ મુજબનું અણુનું એક ચિત્ર તૈયાર કરી લેશે. આ ચિત્ર પણ બાળકના ચિત્તમાં એક બીજી ચેતાજાળ સ્વરુપે રચાશે જે ‘અણુ’ શબ્દની ચેતાજાળ સાથે જોડાયેલી હશે. કારણ કે એ તે શબ્દનો અર્થ છે. હવે, બાળક જો ‘પરમાણુ’ શબ્દનો અર્થ જાણે તો તેનો અર્થ જણાવતું ચિત્ર પણ એક ચેતાજાળ સ્વરુપે તેના ચિત્તમાં રચાશે. અને જ્યારે તે ‘અણુ’ અને ‘પરમાણુ’ વચ્ચેનો સબંધ જાણશે ત્યારે પરમાણુની ચેતાજાળ અણુની ચેતાજાળ સાથે જોડાઇ જશે. જેમ જેમ તે બાળક અણુ અને પરમાણુ વિશે વધારે સત્યો જાણતું થઇ જશે તેમ તેમ તે બધી જાણકારીની ચેતાજાળ બની અણુના અર્થની મૂળભૂત ચેતાજાળ સાથે જોડાતી જશે અને એ રીતે એ મૂળ ચેતાજાળ ક્રમિક જાણકારીનાં પગથીયાં ધરાવતી હોય તે રીતે મોટી થતી જશે.

            બાલ્યાવસ્થામાં સામાજીક અને શૈક્ષણિક જાણકારી આપતા આવા અસંખ્ય શબ્દો બાળક સતત પોતાના ચિત્તમાં ચેતાજાળ સ્વરુપે સંગ્રહતું જાય છે. તે શબ્દોનો અર્થ અને તેમના એકબીજા સાથેના સબંધ અલગ અલગ ચેતાજાળોને એકબીજા સાથે ગૂંથે જાય છે. આમ આપણા મસ્તિષ્કમાં કોઇ એક ભાષાના શબ્દોથી બનેલું જાણકારીનું એક બહુ વિશાળ જાળું હોય છે જ્યાં તે શબ્દોના અર્થોએ એકબીજા સાથે ગૂંથાઇને આપણી કુલ સમજ તૈયાર કરી હોય છે. હવે આ રીતે માતૃભાષામાં દુનિયાથી સતત રુબરુ થયેલો ઓગણીસ વર્ષનો છોકરો કોલેજમાં જઇને ધારો કે અંગ્રેજી માધ્યમમાં ‘એટમ’ શબ્દથી રુબરુ થાય છે. આથી તેના ચિત્તમાં ‘એટમ’ શબ્દ અને તેનો અર્થ સમજાવતા શબ્દોની એક અલગ ચેતાજાળ રચાય છે. તેનો અર્થ સમજાવતા શબ્દો તેના ચિત્તમાં એ જ ચિત્ર ઉપજાવે છે જે વર્ષો પહેલા ‘અણુ’ શબ્દથી ઉપજ્યું હોય છે.

            આથી, જેટલી વખત તે ‘એટમ’ શબ્દ સાંભળે છે તેટલી વખત તેને તેનો અર્થ આત્મસાત કરવા પહેલા ગુજરાતી ભાષાના ‘અણુ’ શબ્દની ચેતાજાળ પર આવવું પડે છે. આ રીતે તેને અંગ્રેજી ભાષાના દરેક શબ્દના અર્થ તેની માતૃભાષાના શબ્દોની ચેતાજાળોમાં શોધવા પડે છે. વળી કોલેજના ક્લાસરુમ સિવાયના જીવનમાં તે માતૃભાષામાં જ દુનિયાથી રુબરુ થતો હોય છે. આથી માતૃભાષાના શબ્દોમાં નવું જ્ઞાન પણ નવી ચેતાજાળો રુપે ઉમેરાતું રહે છે. આમ, બે અલગ અલગ ભાષાના શબ્દોની સતત વિકસતી જતી ચેતાજાળોને એકબીજા સાથે સંપૂર્ણ રીતે એકરુપ કરવી કોઇપણ મનુષ્ય માટે મુશ્કેલ બને છે. પરીણામે અંગ્રેજી ભાષાની ચેતાજાળો અને માતૃભાષાની ચેતાજાળો એકબીજા સાથે સંપૂર્ણ રીતે ગૂથાઇને એક બની શકતી નથી. આ કારણે માણસ અંગ્રેજી શબ્દોને તો જાણે છે પણ તેના અર્થોને ચિત્તની સૌપ્રથમ મૂળ ચેતાજાળના ઉંડાણ સુધી આત્મસાત કરી શકતો નથી. પરીણામે અંગ્રેજી ભાષામાં મળેલું જ્ઞાન તેના માટે પાયા વગરની ઇમારત જેવું બની રહે છે. આથી, ચિત્તમાંથી બુધ્ધિ સુધી જ્યારે તે અંગ્રેજી શબ્દોના અર્થ પહોંચે છે ત્યારે તે અર્થ એ શબ્દોના ઉદભવની અને ઉદભવના કારણની જાણકારી આપી શકતા નથી. પરીણામે, આવો માણસ ચાહે ગમે તેવી ડીગ્રી મેળવી લે તો પણ તે છીછરી સમજથી જાણેલા શબ્દોને બોલતો એક પોપટ જ હોય છે. આ જ કારણ છે કે અંગ્રેજી મીડીયમમાં ભણેલા છોકરાઓ વધારે પડતું દેખાવ કરતું અને છીછરું અંગ્રેજી બોલે છે. તેમની ભાષામાં નૈસર્ગિકતા અને ઠરેલતા નથી હોતી.

            પણ જો બારમા પછી એમબીબીએસ અને ઇજનેરી શાખામાં અભ્યાસક્રમો માતૃભાષામાં જ હોય તો બાળકના મનમાં અઢાર વર્ષ સુધી જે ભાષાના શબ્દોની ચેતાજાળ બની હશે તે જ ભાષાના શબ્દોથી તેને આગળનું નવું જ્ઞાન મળશે. આથી, તે દરેક નવા જ્ઞાનની ચેતાજાળ તેના બાળપણમાં બનેલી ચેતાજાળો સાથે પૂરી એકરુપતાથી સળંગ રીતે ગૂંથાશે અને આ કારણે દરેક નવા જ્ઞાનને તે તેના ચિત્તની સૌપ્રથમ મૂળ ચેતાજાળના મૂળથી સમજી શકશે. અને દરેક હકીકતનું મૂળ તપાસતાં જ તો તેના અસ્તિત્વનું કારણ મળે છે. આમ, માણસની સંશોધાત્મક શક્તિ સોળે કળાએ ખીલી ઉઠે છે.

            આમ, આપણે અંગ્રેજીને જાણકારી અને સમજ મેળવવાની ભાષા નથી બનાવવાની. એ કાર્ય માટે માતૃભાષા જ શ્રેષ્ઠ છે. અંગ્રેજીને આપણે આપણી જાણકારી અને સમજને ખાલી અભિવ્યક્ત કરવાની ભાષા બનાવવાની છે જે આસાન છે. એ માટે ગ્રેજ્યુએશન અને પોસ્ટ-ગ્રેજ્યુએશનના દરેક કોર્સને માતૃભાષામાં જ ભાષાંતરીત કરી એક વધારાનો અંગ્રેજી વિષય દાખલ કરવો જોઇએ જેમાં તે કોર્સમાં ઉંડાણપૂર્વક જાણેલા સત્યોને અંગ્રેજીમાં કયા શબ્દો સાથે કેવી રીતે વ્યક્ત કરવા તે શીખવાડવામા આવે.

April 02 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

જ્ઞાન વિનાની માહિતી : એક ભયંકર ભવિષ્યનું એંધાણ...!

“જો આપણે માહિતી અને જ્ઞાનનો ફર્ક નહીં સમજી શકીએ તો  અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે કે ભવિષ્યનું વિશ્વ કેટલું ભયાનક હશે?”

આજે ડીઝીટલ યુગ છે. દિવસનો એક-એક જીબી ડેટા ફ્રીના ભાવે મળે છે. છ-સાત વર્ષના બાળકથી લઇને સિત્તેર વર્ષના વૃધ્ધ માણસો ઇન્ટરનેટ પર કંઇક ને કંઇક વાંચી રહ્યા છે, જાણી રહ્યા છે, જોઇ રહ્યા છે. માહિતી મેળવવાની આટલી સરળતા માનવજાતિના ઇતિહાસમાં પહેલા ક્યારેય નહોતી. પરિણામે જેમ અતિશય પુરવઠો માંગ ઊભી કરે તેમ આજનો માનવ દરેક વસ્તુ જાણવા માગે છે. આધ્યાત્મિક જ્ઞાાન જે એક સમયે વૃધ્ધાવસ્થાએ પહોંચેલા માણસોનું ક્ષેત્ર ગણાતું એ આજે વીસ-પચ્ચીસ વર્ષના યુવાનોનું ક્ષેત્ર છે. તેઓ ઉપનિષદો વિશેની ઇબુક વાંચે છે. ઓશો, સદ્ગુરુ જેવા આધ્યાત્મિક ગુરુઓના વીડીઓ જુએ છે. સ્ટીફન હોકિંગની બ્રહ્માંડ વિશેની બુક વાંચે છે. તે બધું જ જાણે છે. પણ છતાંય નિરાશ છે, ઉદાસીન છે. આજે બાર-તેર વર્ષનું છોકરું પણ જાણે ઉદાસ થઇને જીવનમાંથી રસ ઊઠી ગયો હોય તેવું સોફા પર બેઠેલું જોવા મળે છે. આવું પહેલા તો ક્યારેય નહોતું. બાર-તેર વર્ષના બાળકનું ધ્યાન તો ખાલી રમત-ગમત અને મસ્તી-તોફાનનો આનંદ લેવામાં રહેતું. હવે એ આનંદ મહદ્અંશે નાશ પામ્યો છે. પણ કારણ શું છે…?

            કારણ છે વધુ પડતી માહિતીનો તેના પર થઇ રહેલો માર. માતા-પિતા પોતાના બાળકને રાતોરાત હોંશિયાર બનાવી દેવા માગે છે. તેમને દસ વર્ષના તેમના બાળકને ચોવીસ કલાક એન્ડ્રોઇડ ફોન પર જોઇને આનંદ થઇ રહ્યો છે કે તે બાળક જ્ઞાન મેળવી રહ્યું છે. પણ સત્ય એ છે કે આપણે સૌ એકસાથે એક ભયાનક અંધકાર તરફ બહુ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. કોઇપણ જાતના અનુભવ વગર જ્યારે માણસના મનમાં અતિશય માહિતી ભરી દેવામાં આવે ત્યારે તેનું મન એ માહિતીઓના પૃથક્કરણમાં ગૂંચવાઇ જાય છે. કારણ કે આ તમામ માહિતી બહારથી નાખવામાં આવેલો કચરો છે. એમાંનું કંઇ પણ એ મનની પોતાની ઊપજ નથી. આ કંઇક એવું જ છે કે જમીનના એક ટુકડા પર દુનિયાભરની વનસ્પતિનો ઢગલો કરી દેવામાં આવે. શું એ જમીન એમાંથી એકપણ વનસ્પતિને પોષણ આપીને મોટી કરશે..? નહીં. એ બધી વનસ્પતિઓ ધીમે ધીમે સડવા લાગશે અને એકસમયે આપણે તે જમીનના ટુકડાને ઉકરડો કહીશું. હવે એ જમીન પર કોઇ વનસ્પતિને ઉગાડવા માટે પહેલાં એ ઉકરડાને હટાવવો પડશે.

            બસ આપણા બધાનાં મન પણ એ જમીનની જેમ જ બહારથી નાખવામાં આવેલી માહિતીના ઉકરડા બની રહ્યાં છે. એ ઉકરડા જ્યાં કોઇ નવો રચનાત્મક અંકુર નથી ફૂટી રહ્યો અને મન એ માહિતીઓના પરિણામહીન પૃથક્કરણથી થાકી ગયું છે. અને પરિણામે નિરાશામાં ગરકાવ થઇ ગયું છે. નાની ઉંમરે યુવાનો અને બાળકોમાં વધી રહેલી નિરાશાનું કારણ આ અનુભવ વગરની માહિતીનું બોમ્બાર્ડીંગ જ છે. તેણે બ્રહ્માંડની દરેક આકાશગંગા અને દરેક તારા વિશે વાંચી અને સાંભળી લીધું છે. તેણે શરીરના દરેક કોષ અને અવયવની કાર્યપ્રણાલી વિશે વાંચી લીધું છે. તેણે ગીતા, કુરાન, બાઇબલ અને વેદોના તત્વજ્ઞાાનને વાંચી લીધું છે. હવે, એવું કંઇ નથી કે જે તેણે ન સાંભળ્યું હોય. પણ છતાંય તે જેવો હતો તેવો જ છે. તેના જીવનમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. આ બધું જાણીને પણ તેને કોઇ આનંદ કે સંતોષ થયો નથી. અને આવા યુવાનો પછી મોટાભાગે આનંદ મેળવવા નશા, ડ્રગ્સ અને વેશ્યાગમન જેવા ઇન્દ્રિય ભોગવિલાસના માર્ગે ચડે છે અને છેલ્લે એ ક્ષણિક આનંદથી પણ કંટાળી જાય એટલે આત્મહત્યા કરી દે છે. પશ્ચિમના દેશોમાં આ સિલસિલો કેટલાક દશકા પહેલાં શરૃ થઇ ગયો હતો અને આપણો દેશ હવે એ દિશા તરફ પૂરપાટ ઝડપે જઇરહ્યો છે. અને જો આ રીતે જ આપણે ચાલતા રહ્યા તો એ નિશ્ચિતપણે સમજી લેવું જોઇએ કે ૨૦૫૦માં ભારતના પચાસ ટકાથી પણ વધુ મનુષ્યો કોઇના કોઇ ડ્રગ્સના બંધાણી હશે અને દર સોએ પચ્ચીસ માણસો જીવનના કોઇના કોઇ તબક્કે આત્મહત્યા કરતા હશે.

            તો ઉપાય શું છે..? વાત ફરી ફરીને ત્યાં જ આવીને ઊભી રહે છે – શિક્ષણ વ્યવસ્થા. કેટલીક સદીઓ પહેલાં આ પૃથ્વી પર એક જ શિક્ષણ વ્યવસ્થા એવી હતી જે માહિતી બહારથી મેળવવાના સ્થાને જગત વિશેની માહિતીને પોતાનાં અંદર ઉત્પન્ન કરવાની રીત શીખવતી. એમાં દરેક સવાલનો જવાબ પોતાના જ મસ્તિષ્કમાં ખોજવામાં આવતો અને એ જવાબોને માહિતી નહીં પણ જ્ઞાન કહેવાતું. કારણ કે તેની ઉત્પત્તિ પોતાના સ્વઅનુભવથી થઇ હતી. માનવ મસ્તિષ્કમાંથી ઉત્પન્ન થયેલા આ જ્ઞાાનથી જ માનવજાતિના અત્યાર સુધીના સૌથી મહાન જ્ઞાાનદાયી ગ્રંથોનું નિર્માણ થયું, જેને આજ સુધી કોઇ પહોંચી શક્યું નથી. એ ગ્રંથો ઉપનિષદો હતાં અને એ શિક્ષણ વ્યવસ્થા વૈદિક ગુરુકુલોની હતી. પણ માનવજાતિની બાકીની સંસ્કૃતિઓ બહારથી જ માહિતી મેળવવાની કોશિશોથી નિરાશ થયેલી હતી. તે પોતાની નિરાશાઓથી છૂટવાની કોશિશોમાં સત્તા અને ભોગવિલાસની દૌડમાં કૂદી પડી. એ બાકીની સંસ્કૃતિઓ એક પછી એક ભારતમાં આક્રમણકારીઓ તરીકે આવી અને ધીમે ધીમે માનવ-મસ્તિષ્કમાંથી સત્ય જાણવાની આ દેશની એ ગુરુકુલ વ્યવસ્થાને અંધશ્રધ્ધાનું નામ આપી નષ્ટ કરી દીધી. પરિણામે એ પશ્ચિમી શિક્ષણ પધ્ધતિમાંથી આ દેશમાં પણ નેહરુ જેવા ભણેલાગણેલા લોકો પેદા થવા લાગ્યા, જે આજીવન માહિતીનો ખજાનો એકઠો કરીકરીને પણ અંતે એક હારેલા, નિરાશ અને કન્ફ્યુઝ માણસ તરીકે મૃત્યુ પામ્યા. આજના તમામ ડાબેરીઓ અને સ્યુડો-ઇન્ટેલેક્ચ્યુઅલોનું ભવિષ્ય પણ આ જ છે. પણ દુખ ત્યાં છે કે કમોવેશ આખી માનવજાતિ એ દિશામાં દોડી રહી છે.

            એટલે નિરાશાઓ, ગૂંચવણો અને અંધકારના જે યુગ તરફ આ વિશ્વ જઇ રહ્યું છે એ યુગમાં તેને લુપ્ત થતા બચાવનારો એક જ માર્ગ છે અને તે છે આ દેશની ગુરુકુલ શિક્ષણ પદ્ધતિ. પણ ભારતની સરકારોને આપણી એ શિક્ષણ વ્યવસ્થા ચાલુ કરવા માટે કંઇ એ અંધકારમય યુગની રાહ જોવાની જરૃર નથી. આપણે અત્યારથી જ આજના આધુનિક અભ્યાસક્રમો સાથે વેદાન્તનું અને વૈદિક ગણિત ભણાવવાનું શરૃ કરી શકીએ છીએ. અને એ તત્ત્વજ્ઞાાન અને ગણિતનો પોતાના મસ્તિષ્કમાં આત્મસાક્ષાત્કાર થઇ શકે તે માટે યોગ અને ધ્યાનસુત્રોનો પ્રેક્ટીકલ અભ્યાસ પીટીના વિષયમાં સામેલ કરી શકીએ છીએ.

            જે દિવસે આપણે આ કરી દીધું તે દિવસે આ દેશના ઘરઘરમાંથી રામાનુજ જેવા ગણિતશાસ્ત્રીઓ અને વિવેકાનંદ જેવા આત્મજ્ઞાાનીઓ પેદા થશે. અને કારણ કે શૂદ્રો અને અન્ય જાતિઓને શિક્ષણ વ્યવસ્થાથી દૂર રાખવાની ભ્રષ્ટતા આજે આ દેશમાંથી જતી રહી છે એટલે આજે તો આપણી એ પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા આપણને પ્રાચીન ભારત કરતાં પણ વધુ શ્રેષ્ઠ પરિણામો આપી શકે છે.

March 26 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

વિવેકાનંદનું વૈશ્વિક જ્ઞાન વિરુદ્ધ નેહરુની વૈશ્વિક માહિતી

“મોટાભાગે વિશ્વભરનાં પુસ્તકોમાંથી અને પ્રવચનમાંથી આપણે જે મેળવીએ છીએ તે ફકત માહિતી હોય છે. જ્યારે જ્ઞાન તેને કહે છે જે આપણા પોતાની અંદર આત્મચેતનાથી ઉત્પન્ન થાય છે.”

જે લોકો જવાહરલાલ નેહરુના ચાહકો છે તે લોકોના નેહરુ પ્રત્યેના આકર્ષણનું મુખ્ય કારણ છે નેહરુનું બૃહદ્ વૈશ્વિક જ્ઞાન. લગભગ બારસો પાનામાં લખાયેલ સમગ્ર વિશ્વનો ઇતિહાસ, તેનાથી અડધી સંખ્યાના પાનમાં લખાયેલ ભારતનો ઇતિહાસ અને જેલવાસ દરમિયાન દસ-બાર વર્ષની પુત્રી ઇન્દિરાને વિશ્વ વિશેની સમજ આપતા પત્રોનું પુસ્તક- એ નેહરુની એ બાજુ છે જેનાથી કોઈ પ્રભાવિત થયા વિના રહી શકે તેમ નથી. બ્રહ્માંડમાં સૂર્ય અને ગ્રહોની ઉત્પત્તિથી લઈને જીવનની શરૃઆત અને આદિમાનવોમાંથી માનવોની ઉત્ક્રાંતિથી લઈને ઇજીપ્ત અને બેબીલીઓન સંસ્કૃતિના ઉદય સુધી, તો વળી પ્રાચીન ભારતીય સંસ્કૃતિથી લઈને મધ્યકાલીન વિશ્વના ધર્મયુધ્ધોથી સમાજવાદ અને લોકશાહીના આધુનિક યુગ સુધીના વિશ્વને તેમણે પોતાની સમજ પ્રમાણે ખૂબ ઊંડાણપૂર્વક વર્ણવ્યું છે.

            મોટાભાગે વિશ્વભરનાં પુસ્તકોમાંથી અને પ્રવચનમાંથી આપણે જે મેળવીએ છીએ તે ફકત માહિતી હોય છે. જ્યારે જ્ઞાન તેને કહે છે જે આપણા પોતાની અંદર આત્મચેતનાથી ઉત્પન્ન થાય છે. માહિતીનો સ્રોત બાહ્ય છે. જ્ઞાનનો સ્રોત આપણા અંદરનું બ્રહ્મ છે. નેહરુએ આજીવન પશ્ચિમી વિદ્વાનોનાં ઇતિહાસ, વિજ્ઞાાન અને રાજનીતીને લગતાં પુસ્તકો વાંચ્યાં અને અઢળક માહિતી એકઠી કરી અને અંતે તે માહિતી પર પૃથક્કરણ કરીને પુસ્તકો લખ્યાં. તેમણે પોતે અનેક સ્થાને પોતાના પુસ્તકોમાં લખ્યું છે કે ‘હું ચાહવા છતાં હિન્દીમાં આ પુસ્તકો લખી નથી શકતો. કારણકે આ બધું જ્ઞાન મેં જે પુસ્તકોમાંથી વાંચીને મેળવ્યું છે તે અંગ્રેજીમા હતાં.’ માણસની જાણકારી તેના આત્મ-અનુભવમાંથી ન આવતાં કોઈ બીજાએ મેળવેલી માહિતીમાંથી આવતી હોય ત્યારે તે ફકત અત્યાર સુધીના સમયમાં જે થયું તેમાંનું કંઈ ફરી થાય તો શું કરવું એની જ જાણકારી ધરાવે છે. પણ દરેક નવો સમય એક નવી જ સમસ્યાને લઈને આવે છે. અને એ નવી સમસ્યાઓને કેવી રીતે સુલજાવવી એ આવી ઉછીની માહિતીથી સુલજાવી નથી શકાતી. અને એ જ નહેરુની મર્યાદાઓ, નિષ્ફળતાઓ અને અક્ષમતાઓનું કારણ છે. સમય સાથે ઉદ્ભવતી નવી સમસ્યાઓ સુલજાવવા માટે એવો આત્મજ્ઞાાની માણસ જરૃરી હોય છે જે જગતના સત્યને પોતાના ભીતરમાં જાણી ચૂક્યો હોય. એવો માણસ ગમે તેવી નવી અને જટિલ સમસ્યામાં પણ સત્ય શું છે તે ઓળખી જાય છે. અને તે રીતે નિર્ણય લે છે. કારણકે તેનું જ્ઞાન તેના પોતાના સત્યના અનુભવમાંથી ઉત્પન્ન થયું હોય છે. અને અહીં જ ઊપસી આવે છે રામ- રાજ્યનો સાચો અર્થ. રામરાજ્યના જાતજાતના અને ભાતભાતના અર્થો વિવિધ પ્રકારના જ્ઞાાનીઓ વડે કરવામાં આવ્યા છે. પણ એનો સીધો અને સરળ અર્થ એ જ છે કે રામ-રાજ્ય એટલે એક એવું રાજ્ય જેનો મુખ્યા રામ જેવો આત્મજ્ઞાાની બુધ્ધ પુરુષ હોય, જે તેના પોતાનામાં સત્યને જાણી ચૂક્યો હોય. જેથી ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ તેનામાં સત્યને અનુસરતો નિર્ણય લેવાની ક્ષમતા હોય. બસ, એવો આત્મજ્ઞાાની બુધ્ધ પુરુષ જે રાજ્યનો રાજા હોય તેવું રાજ્ય આપોઆપ જ રામ-રાજય બની જાય છે. નેહરુની આવી મર્યાદાઓના કારણે જ ગાંધીજીએ કલ્પેલા રામ રાજ્યની સ્થાપના તેમનાથી ન થઈ.

            અને અહીં વાત આવે છે વિવેકાનંદની જે પણ નહેરુ જેટલી જ વૈશ્વિક માહિતી ધરાવતા હતા. બસ ફર્ક એટલો હતો કે તે માહિતી મેળવ્યા પહેલાં તેમણે સમગ્ર અસ્તિત્વનું સત્ય શું છે તે અદ્વૈતનો આત્મસાક્ષાત્કાર કરી લીધો હતો. મતલબ, વિશ્વ વિશેની ભૌતિક માહિતી મેળવતા પહેલા તેમણે એ જ્ઞાાન પોતાના સ્વ-અનુભવથી મેળવી લીધું હતું કે અનેક બ્રહ્માંડોમાં ફેલાયેલું આ સમગ્ર અસ્તિત્વ અસલમા એક જ ઉર્જાની વિવિધતા ભરી અભિવ્યકિત છે. મતલબ, મૂળરૃપે આ સમગ્ર અસ્તિત્વ એક જ તત્ત્વ છે અને એ એકત્વ જ આ જગતનું આખરી સત્ય છે. એ દરેક નિર્ણય, એ દરેક ગતિ જે આપણને એ એકત્વ તરફ લઈ જાય તે સાચી છે અને એ દરેક નિર્ણય તથા ગતિ જે આપણને આપણા એ એકત્વથી વિપરીત લઈ જાય તે ખોટી છે. આ મૂળ આત્મજ્ઞાાનના પાયા પર વિવેકાનંદે વિશ્વના ઇતિહાસ અને પ્રવાહ વિશે જે પણ માહિતી મેળવી એ તેમનું જ્ઞાન બની ગયું. તે દરેક માહિતીએ તેમને સમજ આપી કે મનુષ્ય તેના ઇતિહાસમાં કેટલો એકત્વ તરફ સાચી દિશામાં ચાલ્યો છે અને કેટલો તે એકત્વથી વિપરીત ખોટી દિશામાં ચાલ્યો છે. આમ, વિવેકાનંદ પાસે વૈશ્વિક જ્ઞાન હતું જ્યારે નેહરુ પાસે વૈશ્વિક માહિતી જ હતી. વિવેકાનંદ પાસે આજીવન તેમના જ્ઞાનનો આખરી સાર અને આખરી નિષ્કર્મ મોજૂદ હતો કારણકે તેમનું વિશ્વ પ્રત્યેનું જ્ઞાન તેમના અંતરમાંથી ઊપજ્યું હતું. જ્યારે ‘ભારત એકબાજુ ચાલીસ લાખ બાવાઓનો ભાર ઉપાડી રહ્યો છે.’ – આવું નિવેદન આપનારા નેહરુ જીવનના અંતિમ સમયમાં કુંભના મેળામાં લખો નાગા બાવાઓને જોઈને બોલી ઉઠેલા ‘આટલા બધા લોકો એકસાથે મૂર્ખ ના હોઈ શકે.’ આ દર્શાવે છે કે નહેરુની માહિતી આજીવન બાહ્ય જ રહી. તેનો કોઈ નિષ્કર્ષ કે સાર નેહરુને ન મળ્યો. કારણ કે પશ્ચિમી વિચારોથી સજ્જ નહેરુ માટે પોતાના અંદર જ સત્યની અનુભૂતિ કરાવતું આધ્યાત્મ એક જુનવાણી વિચાર હતો.

            વિવેકાનંદ અને નેહરુના વૈશ્વિક જ્ઞાન વચ્ચેનું આ અંતર તેમના જીવનની ઉપજને પણ પ્રભાવિત કરે છે. વિવેકાનંદે ફકત ઓગણચાલીસ વર્ષની ઉંમરમાં પ્રાચીન હિંદુ સંસ્કૃતિની આધુનિક યુગમાં પુન : સ્થાપના કરી અને સમગ્ર વિશ્વમાં હિંદુ અધ્યાત્મ અને હિંદુ સનાતન વિચારધારાનો ફેલાવો કર્યો. અમેરિકાના મહાન વૈજ્ઞાનિક નિકોલા ટેલ્સાએ હિન્દુ વૈદિક ફિલોસોફી ઉપર વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ ખૂદ ટેલ્સાના પ્રશંસક હતા. સ્વામીજીએ એક વખત કહ્યું હતું : મારી દૃષ્ટિએ નિકોલ ટેલ્સા વર્તમાન સમયમાં ઈલેક્ટ્રિસિટીના ક્ષેત્રમાં મહાન સંશોધક છે. તેમની કેટલીક થીયરી ભારતીય દર્શન : સાંખ્યને ઘણી મળતી આવે છે.’ ટેલ્સાએ એકવાર કહેલું કે ‘વિવેકાનંદ અમેરિકામાં આવ્યા એ પછી મને એમ લાગે છે કે આપણે પરંપરાગત ખ્રિસ્તી ધર્મથી સ્હેજ અલગ હિન્દુઓની જેમ વિચારવાની જરૃર છે. તે લોકો એકબીજા માટે વિચારે છે અને અનંત કાળ સુધીની થીયરી રજૂ કરે છે. ઈશ્વર પ્રત્યે હિન્દુઓની વિચારવાની પદ્ધતિ આકર્ષક છે.’ જ્યારે બીજી બાજુ આટલી બહોળી જાણકારી ધરાવતા હોવા છતાં દેશના પ્રધાનમંત્રી બન્યા પછી પણ નેહરુને કાશ્મીર અને ચીનના સળગતા સવાલો ઉકેલવામાં સફળતા ન મળી. તેનાથી વિપરિત તેમણે મામલો વધુ ગૂંચવણભર્યો બનાવી દીધો. માહિતી અને જ્ઞાનમાં જે ફરક હોય છે એ ફરક નહેરુ અને વિવેકાનંદના વૈશ્વિક દર્શનમાં હતો. આ આપણા માટે એક મોટો સબક છે કે આપણે જીવનમાં શું મેળવવા માગીએ છીએ ? નહેરુ જેવી માહિતી કે વિવેકાનંદ જેવું જ્ઞાન …?

October 04 / 2015 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

પાટીદાર અંદોલનની માંગ અનામત આપો કે કાઢો કેટલી વ્યાજબી?

“યાત્રાના મધ્યને જ્યારે અંત સમજી લેવામાં આવે ત્યારે આવી અરાજકતાવાદી સ્થિતિ ઉત્પન્ન થાય છે”

આ યાત્રા છે અસમાનતાથી સમાનતા તરફ જવાની. પરંતુ સમાનતા કોને કહેવી ? જ્યારે હજારો વર્ષોથી તમારા જન્મને જ હીન અને અછૂત માની લેવામાં આવ્યો હોય ત્યાં આર્થિક સમાનતાનો શો અર્થ ? આ એ સમાજો છે જેમને મંદિરોમાં આવવા દેવામાં નથી આવ્યા. આ સમાજોને પૈસા નહીં વૈચારીક ક્રાન્તિની જરૃર હતી. જે તેમને ઉજળિયાત લોકોની સમકક્ષ લાવીને જ લાવી શકાય એમ હતી અને આ વિચાર સાથે જ અનામત શરૃ થયું હતું.

            પણ હજારોના એન્ડ્રોઈડ ફોન હાથમાં લઈને અનામત માગવાવાળા જે રીતે તેમની મજાક ઉડાડી રહ્યા છે કે – એક હોસ્પિટલ બનાવો જેમાં SC અને ST ના ૫૦ થી ૬૦ ટકા લાવેલા ડોક્ટરો પાસે નેતાઓની સારવાર કરાવો – એ લોકોને આપણે પૂછવું છે કે શું ગુજરાત, રાજસ્થાન અને બેંગ્લોરની બધી જ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં કરોડો રૃપિયાનું બ્લેક મની ઠાલવી ૫૦ થી ૬૦ ટકા લાવેલા કે બીજા ટ્રાયલે બારમુ પાસ થયેલા લોકો ડોક્ટરો બને છે તેમાં પાટીદારો મોટી સંખ્યામાં નથી ? ખરેખર જો એવી હોસ્પિટલ બનાવવામાં આવે જેમાં ૫૦ ટકાવાળા ડોક્ટરોને જ લેવાના હોય તો એમાં પણ તમે જ વધારે છો અને ત્યાં પણ એ ગરીબોનો નંબર નહીં આવે. મેગા સિટીમાં કરોડોની હોટેલો ધરાવતા તમારા લોકોના સંતાનો ૫૦ ટકે ડોક્ટર બને તેનો તમને વાંધો નથી, તો એક પટાવાળા અને કામવાળી બાઈનું સંતાન ૫૦ ટકા લાવીને ડોક્ટર બને છે તેનું અપમાન કેમ થઈ રહ્યું છે ? આ પછાત જાતિઓમાં તમને સામો જવાબ આપી શકે તેવા કોલમિસ્ટો કે વર્તમાનપત્રોના માલિકો હજુ પેદા નથી થયા. તે હજી માંડ થોડી ઘણી નોકરીઓ લઈને તમારી પાસે બેસતા શરૃ થયા છે અને એટલામાં તો તમે ‘અનામત આપો અથવા કાઢો’ની કૂટનિતિક ચાલ શરૃ કરી દીધી. વર્તમાન સમયમાં આ બંને માંગોનો એક જ તો અર્થ છે કે પછાત જાતિઓની ઉન્નતિને ઉગતી જ કાપી નાખવી.

            બે-ત્રણ વિગા જમીન ધરાવતો અને ડીગ્રી પતાવ્યા પછી નોકરી ન મળી હોય તેવો માણસ તમારા માટે ગરીબ છે અને એને તો તમે ‘પાટીદાર એકતા’ના આદર્શરૃપે તમારી ફેક્ટરીઓમાં નોકરી આપીને ધંધે પણ વળગાળો છો. પણ પારકી બે-ત્રણ વિગા જમીન વાવીને સંતાનોને ઉછેરતા અને છતાંય પૂરતું પ્રાથમિક શિક્ષણ ન આપી શકતા ઠાકોર, દલિત અને અન્ય ઓબીસી સમાજના લોકો તેમના સંતાનોને ક્યાં મોકલે ? આમ, તમારા ગરીબ અને પછાત જાતિઓના ગરીબમાં ઘણું અંતર છે. કારણ કે બંનેના સમાજમાં ઘણું અંતર છે અને જ્યાં સુધી આ અંતર છે આર્થિક અનામત શક્ય નથી અને એટલે જ સમાનતા તરફની આપણી આ યાત્રા હજુ મધ્ય સમયમાં જ પહોંચી છે. આર્થિક અનામત લાવી શકાય તેવા પૂર્ણતાના સમયે નહીં.

            અસલમાં આ દેશમાં સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈપણ મોટા વિચારને આમ જનતાને તૈયાર કર્યા વગર જ સીધો થોપી દેવામાં આવે છે. જેવી રીતે બિનસાંપ્રદાયિકતાને કોઈપણ જાતની પાયાની ફિલોસોફી વગર થોપી બેસાડવામાં આવી. તેવી જ રીતે અનામતનો મહાન વિચાર પણ લોકોને તેનો પાયાનો અર્થ સમજાવ્યા વગર લાદવામાં આવ્યો. જરૃર હતી ઉજળિયાત જાતિઓને મહાનતા તરફ પ્રેરવાની કે ”પછાત જાતિઓ સાથે સદીઓથી ભેદભાવ થયો છે અને હવે આઝાદ ભારતમાં આપણે એ ભેદ હટાવી તેમને આપણા સ્તરે લાવવાની કોશિશ કરવાની છે. આ માટે આપણે થોડો ભોગ આપવો પડશે અને પહેલી તકો એમને આપવી પડશે.” સરકારે પછાત જાતિઓને પણ આદર્શ સમજાવવાનો હતો કે, ”જુઓ, તમને ઉપર લાવવા માટે તમારા ભાઈઓ એમની તકો પહેલા તમને આપી રહ્યા છે. તમને વૈચારીક અને સામાજીક ઉન્નતિ તરફ લાવવા માટે તેઓ અન્યાય ભોગવશે. એટલે તમારે પણ તમારી જવાબદારી સમજવી પડશે અને જેટલું બને તેટલું જલદી તેમના સ્તરે ઉપર ઉઠીને બતાવવું પડશે. તમારામાંથી એક આગળ જાય એટલે પાછળના બીજા લોકો માટે રસ્તો તૈયાર કરે અને આ રીતે સમગ્ર સમાજને અજ્ઞાાન અને અછૂતતાના આ નર્કમાંથી બહાર લઈ જાઓ. આ દેશ એક પરિવાર છે અને પરિવારના દરેક સભ્યને સમાન સ્તર મળે તે માટે આપણે બધાએ એકબીજા માટે વિચારવાનું છે.” કેટલું સુંદર હોત જો આ ફિલોસોફી સાથે અનામતનો વિચાર જન જનના માનસમાં સ્થાયી કરવામાં આવ્યો હોત.

            પરંતુ આગળના એક અંકમાં આપણે જાણ્યું તેમ રાજકીય પક્ષોએ અનામતના નામે રાજનીતિ શરૃ કરી અને હવે તો એ હાલત છે કે જાતિઓ નિશ્ચિંત થઈ ચૂકી છે કે એકવાર અનામત આપી દીધું એટલે કોઈ માઈનો લાલ સત્તા જવાના ડરથી એને હટાવી નહીં શકે અને આ વાતે જ બધી મુસીબતોને જન્મ આપ્યો છે. પછાત જાતિઓમાં વૈચારીક અને સામાજીક ઉન્નતિમાં કોઈ ફર્ક પડયો ન હોવાથી પાટીદારોની ‘અનામત આપો કે કાઢો’ની માગ આ સમયે અશક્ય જ નહીં, અતિશયોક્ત અને અવ્યવહારિક છે. છતાંય બિનઅનામત જાતિઓના અતિગરીબ તબક્કા માટે વિચારવું પડે તેવા મધ્ય સમય આપણી આ યાત્રામાં જરૃર આવી ગયો છે.

            અનામત હવે આપણા લોકો માટે એક વ્યસન છે અને એક આખી પેઢી તો એ વ્યસન સાથે પેદા જ થઈ છે. અચાનક જ અનામત કાઢી નાખવાના વિચારથી એ જ થશે જે રોજ પચાસ સિગારેટ પીતા વ્યક્તિને અચાનક સિગારેટ પીતો રોકી દેવામાં આવે તો થાય છે. શરૃઆતમાં તે શાંતિથી સિગારેટ પાછી માંગશે અને નહીં આપો તો સિગારેટ પાછી મેળવવા ત્યાં હાજર આખી દુનિયાથી લડી લેશે. આથી, જરૃર છે વ્યસનને ધીમે ધીમે છોડાવવું જેથી વિગ્રહ ન થાય. બંને રાજકીય પક્ષોને આ મધ્ય ભાગમાં કમ સે કમ એ વાત માટે સંમત કરી શકાય કે અનામત આપેલી ઓબીસી જાતિઓની વર્તમાન સામાજીક અને આર્થિક સ્થિતિનું પુનઃમૂલ્યાંકન થાય અને જો ધારાધોરણો મુજબ કોઈ જાતિ પ્રગતિની રાહ પર આગળ વધી ચૂકી હોય તો તેનું અનામત ધીમે ધીમે અમુક સ્થાનો સુધી સીમિત કરવામાં આવે. આ ઉપરાંત, અનામત ધરાવતી જાતિઓને એ સ્પષ્ટ સંદેશ આપવામાં આવે કે તેમના માટે બીજો એક તબક્કો અન્યાય ભોગવી રહ્યો છે એટલે અનામત ધરાવતો દરેક સમાજ પોતાનું સંપૂર્ણ ધ્યાન શૈક્ષણિક અને સામાજિક સશક્તિકરણમાં આપે અને વહેલામાં વહેલી તકે અનામતના કલંકમાંથી બહાર નીકળવાની કોશિશ કરે. હોઈ શકે તો સરકાર દરેક જાતિને નિશ્ચિત લક્ષ્ય આપી તેની વર્તમાન સ્થિતિ મુજબ અમુક વર્ષોનું અલ્ટીમેટમ આપે જેથી તે જાતિઓનું માનસ વિકાસલક્ષી બનાવી શકાય. ઉન્નત બનેલી જાતિઓના અનામત દૂર થવાથી જે જગ્યા પડે તેમાં બિનઅનામત જાતિઓના અતિગરીબ તબક્કાને શામેલ કરી શકાય, પરંતુ અતિગરીબ હોવાના ધારાધોરણો અત્યંત સ્પષ્ટ હોવા જોઈએ. અહીંથી SEBC નું નામ બદલીને SEEBG કરવામાં આવે. જેનો અર્થ થાય ‘સોશિયલી, એજ્યુકેશનલી એન્ડ ઈકોનોમિકલી બેકવર્ડ ગૃપ’. નોટ કાસ્ટ.
આમ, સામાજીક અનામતને સંપૂર્ણ આર્થિક પરીપેક્ષ પર સ્થાયી કરવા માટે આ રીતે નાના ડગલાઓથી શરૃઆત કરવી પડશે. એક નાની પરંતુ નિશ્ચિત સફળતા જ આ સમયને ગૌરવ પ્રદાન કરશે. સમય પહેલા બધુ કબ્જે કરવાની કોશિશ ચાલુ રહી અને તેના કારણે જો ગામડાઓમાં પોસ્ટરવોરથી શરૃ થયેલો વર્ગવિગ્રહ શહેરો સુધી પહોંચ્યો તો આ સમયને આપણે હંમેશા એક ભયાનક સદમા તરીકે યાદ કરવો પડશે. ૧૯૮૫થી પણ વધુ ભયાનક, કારણ કે ઈલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા જેવા ભયાનક ઉદ્દીપકો તે સમયે નહોતા.
            એટલે જેમ ધૃતરાષ્ટ્ર દુર્યોધનના દુરાગ્રહમાં પોતાનો સ્વાર્થ જોતો હતો તે રીતે સમાજના વડીલો તોફાનો મચાવતા છોકરાઓમાં પોતાનો સ્વાર્થ જોવાનું બંધ કરે અને પરીપકવ વડીલો પોતાનો સ્વર ઉંચો કરી આગળ આવે અને ઉપર જણાવ્યા મુજબ SEEBG લાવવા માટે સમાજને એક પરીપકવ નેતૃત્વ પૂરું પાડે. જે પાટીદાર મિત્રો વિના જીવન અધૂરું લાગતું હોય તેવા ગાઢ મિત્રો દુશ્મન તરીકે સામે આવે તેવા વર્ગ વિગ્રહનો વિચાર પણ હૃદયને રોવડાવી દે તેવો છે. તો, આવી કોઈપણ શક્યતાને હટાવીને એક સાચા ભારતીય તરીકે એકબીજા માટે વિચારીએ અને સાચી સામાજિક સમાનતા માટે મંથન કરીએ. જેને ખાલી તોફાનો મચાવવા છે તેના ઈરાદા આત્મકેન્દ્રિત છે એમ જ સમજવું.

February 13 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

જો બકા ! અનામત માટે આટલું તો વિચારવું પડશે...

“જરૃર છે જાતિ અને સમુદાયથી ઉપર ઉઠીને ફક્ત એક ભારતીય તરીકે સમગ્ર ભારતીય સમાજને એકસમાન પૃષ્ઠભૂમિ પર લાવવાનો નિસ્વાર્થ વિચાર કરવાની.”

‘અનામત’ – એક એવી કોમોડિટી જે બીજું કંઈ કર્યા વગર ઘરે બેઠા બેઠા સત્તા મેળવી આપે. તો એક એવી મજબૂરી જેના વિષે ભીડથી અલગ બોલતા જ વિરોધ સહન કરવો પડે. અનામત વ્યવસ્થાની ઉણપોને દૂર કરવામાં સૌથી મોટી ઉણપ જે વસ્તુની વર્તાય છે તે છે નિ:સ્વાર્થતા. દરેક માણસ અનામત વિશે પોતાના વિચારો રજૂ કરે છે અને સલાહો પણ આપે છે. પણ એ સલાહો એક ભારતીય તરીકે રાષ્ટ્રીયતામાં અપાયેલી સલાહો નથી હોતી. તે કોઈ એક જાતિના માણસો તરીકે પોતાના ફાયદામાં અપાયેલી સલાહ હોય છે જેને દેશહિતના ચોગામાં લપેટવામાં આવી હોય છે. એટલે પહેલી જરૃર છે જાતિ અને સમુદાયથી ઉપર ઉઠીને ફક્ત એક ભારતીય તરીકે સમગ્ર ભારતીય સમાજને એકસમાન પૃષ્ઠભૂમિ પર લાવવાનો નિસ્વાર્થ વિચાર કરવાની. બીજી જરૃર છે અનામતને કોઈ એક રાજકીય પક્ષની કોમોડિટી ન બનાવીને પ્રજાને સ્પર્શતો એક અતિસંવેદનશીલ મુદ્દો બનાવવાની જેનું સમયાંતરે દરેક રાજકીય પક્ષો, મીડીયા હાઉસો અને સામાજિક સંસ્થાઓ એક જ મંચ પરથી જાહેરમાં વ્યાપક મંથન કરે અને અંતે એક નિષ્કર્ષ નિયમિત રૃપે રજૂ કરે. અને એ રીતે મંથન કરતા આજે અનામત વ્યવસ્થામાં આ ત્રણ મુખ્ય સવાલો ઉપસ્થિત છે. (૧) અનામત કેમ અપાયું અને જેમને અનામત અપાયું તેમનો ઉદ્ધાર આઝાદી પછી સિત્તેર વર્ષમાં કેમ ના થયો? (૨) જો પાછલા સિત્તેર વર્ષમાં એમનો ઉદ્ધાર ન થયો તો તેની ગેરન્ટી કેવી રીતે લેવી કે આવતા સિત્તેર વર્ષમાં એમનો ઉદ્ધાર થઈ જશે? (૩) જેમણે અનામતનો લાભ લઈને વિકાસ કર્યો તેમને ક્યાં સુધી લાભ મળતો રહે?

            આપણે જાણીએ છીએ કે અનામત પાછળ સદીઓથી સમાજના એક તિરસ્કૃત વર્ગને આઝાદ ભારતમાં સામાજિક ન્યાય આપવાનો મહાન ઉદ્દેશ્ય ગર્ભિત હતો. જે લોકો આજે અનામત નાબૂદ કરાવવા અમેરિકા અને બીજા દેશોના ઉદાહરણો સોશિયલ મિડિયા પર ચગાવે છે એ એકકેન્દ્રી માણસો પહેલાં એ ઇતિહાસ જાણી લે કે આજના અમેરિકનો ઇંગ્લેન્ડથી આવેલ અંગ્રેજો છે. તેમણે અમેરિકાના મૂળ આદિવાસીઓ એવા રેડ ઇન્ડિયનોનો ઓગણીસમી સદીના અંત સુધીમાં જ સંપૂર્ણ સફાયો કરી દીધો હતો. મતલબ એ કોઈ આદર્શ પ્રજા નથી જેનું ઉદાહરણ લઈ શકાય. એ કચડાયેલા અને અલ્પ વિકસિત વર્ગનું નિકંદન કાઢી દઈ બધું પોતાને હસ્તક કરી દેવાવાળી સ્વાર્થી પ્રજાતિ છે. આપણે એવા બની શકીએ એમ નથી. ૧૯૪૭માં ભારતના સવર્ણો, દલિતો અને આદિવાસીઓ એકસાથે આઝાદ થયા. અને એના બીજા જ વર્ષે પાડોશી દેશ ચીનમાં માઓ ઝેડોન્ગ નામના સરમુખત્યારે મજૂરો અને શોષિત વર્ગોના હાથોમાં હથિયાર પકડાવી દઈ હિંસક માર્ગે ચીનમાં સામ્યવાદી સરકાર સ્થાપી દીધી હતી. માઓની આ સફળતાએ ભારતની સામ્યવાદી પાર્ટીઓમાં પણ એવી આશા ઉપજાવી દીધેલી કે ભારતમાં એક બહુ મોટો વર્ગ દલિત અને આદિવાસીઓના રૃપે શોષિત છે. જો એ વર્ગ શોષણથી ત્રાસીને હથિયાર પકડી લે તો આખા ભારતને નહીં તો ભારતને અનેક ટુકડાઓમાં ખંડિત કરીને સામ્યવાદી સરકારો બનાવી શકે છે. આ કારણે જ તેઓ ભારતના ચૌદ- પંદર ટુકડા કરવા માગતા હતા અને આજે પણ માંગે છે. દેશના દલિતો અને આદિવાસીઓ એ હિંસક માર્ગે ન જાય તે માટે ભારતના બંધારણ રચવાવાળાઓએ તેમને જ્યાં સુધી તેઓ વિકાસની મુખ્ય ધારામાં આવી ન જાય ત્યાં સુધી અનામત આપવાનો રામબાણ ઉપાય શોધ્યો. પણ ત્યારબાદ આઝાદ ભારતમાં જે લોકોની સત્તા રહી તેમણે લોકોને અનામતનો મહત્તમ ઉપયોગ કરીને કઈ રીતે ઝડપી વિકાસ સાધી શકાય એ જાગૃતિ આપવાને બદલે તેમને ડરાવવાનું શરુ કરી દીધું કે, ‘અમારા સિવાય બીજા કોઈને વોટ આપશો તો એ તમારું અનામત છિનવી લેશે.’ અને અહીથી અનામતના નામે વોટબેંકની એ ગંદી રાજનીતિ શરુ થઈ જે આજ સુધી ચક્રવૃદ્ધિ વ્યાજના દરે વૃદ્ધિ જ પામતી રહી છે. આ કારણે આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ દલિતોની હાલત એમની એમ છે.

            હવે જો આ આખા ચક્રવ્યૂહથી નીકળવું હોય તો બે કામ કરવાના છે. પહેલું જે પરિવારોએ અનામતનો લાભ લઈ સસ્ટેન્ડેબલ એટલે કે કાયમી વિકાસ સાધી લીધો છે તેમને અનામતના લાભમાંથી બહાર કાઢવા માટેનો એક દરવાજો ખોલવાનો છે. આ કામ એ રીતે થઈ શકે કે જે પરિવારોની સતત બે પેઢીઓ વર્ગ ત્રણ અને વર્ગ બેની નોકરી કરી ચૂકી હોય તેવા પરિવારોની ત્રીજી પેઢીને અનામત નહીં મળે. તે પરિવાર ચાહે કોઈ પણ સમાજનો હોય તે હવે અનામત વ્યવસ્થાથી હંમેશ માટે બહાર છે. કારણ કે સતત બે પેઢી સુધી જે પરિવાર વર્ગ ત્રણ અને વર્ગ બેની કક્ષાએ શિક્ષણ મેળવી ચૂક્યા હોય તેમની ત્રીજી પેઢી શૈક્ષણિક, સામાજિક કે આર્થિક રીતે પછાત ન હોઈ શકે. હવે, બીજું કામ. જે લોકો આજે પણ પછાત છે તેમને કહી દેવામાં આવે કે ૨૦૫૦ સુધી જ આ દેશમાં અનામત વ્યવસ્થા રહેશે. એટલે કે જે લોકો ૩૧ ડિસેમ્બર ૨૦૫૦ પહેલા જન્મ્યા હશે તેમને જ અનામત મળશે. તે પછીનાને નહીં. મતલબ, જે આજે સોળ વર્ષનો પછાત છે તેને પોતે, તેના દીકરાને અને જો ૨૦૫૧ પહેલા જન્મે તો તેના પૌત્રને પણ અનામત મળશે. ત્યાં સુધીનો સમય સરકાર તેને આપી રહી છે કે તે તેની આ ત્રણ પેઢીમાં મહેનત કરીને અને અનામતનો લાભ લઈને વિકાસ સાધે અને સમૃદ્ધ લોકોની શ્રેણીમાં પહોંચી જાય. એના પછી એને કે તેની આવનારી પેઢીને અનામતનો કોઈ અવસર મળશે નહીં. આ માટે સરકાર એક સમિતિ બનાવે જેમાં દરેક પછાત જાતિનો એક પ્રતિનિધિ સતત સરકારના સંપર્કમાં હોય. અને સરકાર તે પ્રતિનિધિ દ્વારા તે પછાત વર્ગોને અનામતનો લાભ લેવા સતત જાગૃત રાખે.

            આમ, રાજકીય પક્ષોથી લઈને સામાન્ય માણસ જો આ રીતે વ્યક્તિગત હીત છોડી ફક્ત રાષ્ટ્રહિતમાં વિચારે તો આ ચક્રવ્યૂહનો તોલ સંભવ છે. પોતાની જાતને તટસ્થતાનો અવતાર સમજવાવાળા મીડીયાકર્મીઓ પણ અનામત પરની ચર્ચાને એક વિવાદાસ્પદ મુદ્દો ગણાવીને અછૂત બનાવી દેવાનું અને કોઈ એક પક્ષની નીતિ બતાવી દેવાનું બંધ કરે. ચૂંટણી પંચ પણ અનામતના મુદ્દાને રાષ્ટ્રીય નીતિનો મુદ્દો ઘોષિત કરી તેનો ચૂંટણી અને રાજનીતિ માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દે અને તેના વ્યાપક જાહેર મંથનને પ્રોત્સાહન આપે. આ જ રીતે રાજકીય પક્ષો રાજનીતિથી ઉપર ઉઠીને અનામતના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા મજબૂર બનશે.

February 19 / 2020 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

જો બકા! અનામત કાઢતા પહેલા આટલું કરવું પડશે...

“જાતિગત અનામતને તેના આખરી ચરણમાં લઇ જતા પહેલા ભારતીય સમાજમાં ઘણાબધા એવા જન્મજાત સામાજિક અને ધાર્મિક અનામત છે જેમને દૂર કરવા જરૂરી છે.”

ગયા લેખમાં આપણે ચર્ચા કરી કે અનામત વ્યવસ્થાને વધારે અસરકારક બનાવવા અને તેના દુરુપયોગને દૂર કરવા એવું એલાન કરવું જરૂરી છે કે ભારતમાં ૨૦૫૦ ના અંત સુધી જન્મેલા લોકોને જ અનામત મળશે. જે પણ આજે પછાત છે તેને આ તેત્રીસ વર્ષ આપવામાં આવે છે જેમાં તે તેની બે અથવા ત્રણ પેઢીને અનામતનો મહત્તમ લાભ આપીને અને મહેનત કરીને ૨૦૫૦ સુધીમાં એક વિકસિત પરિવારની શ્રેણીમાં આવી જાય. કારણકે ૨૦૫૧ થી જાતિ સમાજ માટે ચાહે ગમે તે હોય પણ દેશની રાજ્યવ્યવસ્થા માટે તેનું કોઈ મહત્વ નહીં હોય.

            પણ અનામતને આ રીતે તેના આખરી ચરણમાં લઇ જતા પહેલા ભારતીય સમાજમાં ઘણાબધા એવા જન્મજાત અનામત છે જેમને દૂર કરવા જરૂરી છે. અને એ અનામત દૂર કર્યા સિવાય આ અનામતને હટાવવાનો વિચાર કરવો પણ અન્યાય છે. એ અનામત છે જન્મજાત બ્રાહ્મણ હોવાનું અનામત. હિન્દૂ આધ્યાત્મમાં ‘બ્રાહ્મણ’ શબ્દ એ આત્મસાક્ષાત્કાર કરેલા બુદ્ધ પુરુષ માટે વપરાતો શબ્દ છે. બ્રાહ્મણ હોવું મતલબ બુદ્ધ હોવું. તે એક આધ્યાત્મિક સ્થિતિ છે જેને મેળવવી પડે છે. તે જન્મજાત પ્રાપ્ત થતી નથી. પણ જાતિ વ્યવસ્થા ભટકવાના કારણે વર્ષોથી કેટલાક પરિવારોમાં જન્મતા માણસોને જન્મ સાથે જ ‘બ્રાહ્મણ’ હોવાનું અનામત મળી જાય છે. પછી ભલેને એ ભાઈનો આત્મા ઇન્દ્રિઓની સૌથી નીચેની સ્થિતિ પર કાર્ય કરતો હોય. અને આ અનામત એવું છે જે ભારતીય સમાજ પર એ કેટલાક પરિવારોમાં જન્મેલા માણસોની અસીમિત ધાર્મિક સત્તા ઉભી કરે છે. એટલે જે વિચારકો સામાજિક અનામત આર્થિક માપદંડોના આધારે જ હોવું જોઈએ એમ કહી એને દૂર કરવાની વાતો કરે છે તે પહેલા આ ધાર્મિક અનામત પણ એમ કહી બંધ કરાવે કે ‘કોણ બ્રાહ્મણ છે અને કોણ નહિ એ જે તે માણસનો આધ્યાત્મિક વિકાસ નક્કી કરશે. એની જાતિ અને એનો જન્મ નહિ.’ જે લોકો જાતિગત અનામતથી દેશને હાનિ પહોંચવાની અને સમાજ વિભાજીત થવાની મહાન વાતો કરે છે એ પહેલા આ ધાર્મિક અનામત બંધ કરાવે. કારણ કે ભારતીય સમાજ વિભાજીત થવાનો શરુ એનાથી જ થયો છે. આ માટે આજના તથાકથિત બ્રાહ્મણોને કહેવામાં આવે કે જો ખરેખર તેમને હિન્દૂ સમાજની ચિંતા હોય એ આગળ આવે અને દરેક દલિતના ઘરે જઈને કહે કે ‘હે ભાઈ! જો હું વેદ અને ઉપનિષદ લઇ આવ્યો છું. તને આજસુધી આનાથી દૂર રાખવામાં આવ્યો અને મેં આજસુધી એનો ઉપયોગ ધાર્મિક સત્તા માટે કર્યો. આ કારણે આપણે બંને અજ્ઞાની જ રહ્યા. ચાલ, હવે સાથે આ જ્ઞાનનો સાક્ષાત્કાર કરી એ જાણી લઈએ કે આપણે બંને એ મૂળ તત્વ એવા અદ્વૈત બ્રહ્મથી જ બનેલા છીએ. આપણા વચ્ચે કોઈ ભેદ નથી. અને એ સ્થિતિએ પહોંચતા જ આપણે બંને ‘બ્રાહ્મણ’ કે ‘બુદ્ધ’ કહેવાઈશું. જો અજ્ઞાન જ ક્ષુદ્રતા છે તો આજે આપણે બંને શુદ્ર જ છીએ.’ જો કોઈ આ રીતે તેનું ધાર્મિક અનામત છોડવા તૈયાર નથી થતું તો એનો અર્થ એ છે કે એને હિન્દૂ ધર્મની કે ભારત દેશની કઈ નથી પડી. હિન્દૂ ધર્મને બચાવવાની તેની વાતો અસલમાં તેની ધાર્મિક સત્તા બચાવવાનું એક પાખંડ છે.

            તો, આ ધાર્મિક અનામત હટાવીને દલિતોને પણ અઠવાડિયાના અમુક દિવસ મંદિરોમાં પૂજા કરવાનો અને પૂજારી તરીકે રહેવાનો અધિકાર મળે. આધ્યાત્મિક જ્ઞાની હોય અને વેદમંત્રોના અર્થ તથા ઉચ્ચાર જાણતા હોય તેવા દલિતોને યજ્ઞ અનુસ્થાન કરવાની પણ પરવાનગી મળે. મરેલા જાનવર ઉપાડવાનું કામ કોઈ એક જાતિના માણસો જ કરે એ વ્યવસ્થા હવે આધુનિક ભારતમાં લુપ્ત થઇ જવી જોઈએ. સરકાર એક અલાયદું ચામડા મંત્રાલય સ્થાપે જેમાં મરેલા ઢોરને ઉપાડવાથી લઈને તેનું ચામડું નીકળવાના અને તેનું પ્રોસેસિંગ કરવાના કર્યો માટે સ્કિલ્ડ સરકારી કર્મચારીઓ રાખવામાં આવે જે ઇન્ફેક્શન કંટ્રોલ કરતા માસ્ક, મોજા અને એપ્રોનથી સજ્જ હોય. બિલકુલ એવું જેવું બીજા દેશોમાં થાય છે. આ સિવાય દલિતો અને આદિવાસીઓને ખાલી નીકરીઓ આપી દેવી એ તો ખાલી રોજી-રોટીનું સાધન બદલવા સમાન છે. કાલે એ ચામડું વેચીને કમાતા હતા તો હવે નોકરી કરીને કમાશે. એમાં એમની સામાજિક સ્થિતિ નહિ બદલાય. ઓશોને એકવાર પૂછવામાં આવ્યું કે ‘આ લુચ્ચા નેતાઓ અને ભ્રષ્ટ લોકોના શોષણથી ક્યારે આઝાદી મળશે?’ તો ઓશોએ જવાબ આપ્યો, ‘જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી શોષણ છે. જ્યાં સુધી તમે અજ્ઞાની છો ત્યાં સુધી કોઈને કોઈ તમારું શોષણ કરશે. સરકાર નહિ કરે તો પંડિતો કરશે. ધર્મના ઠેકેદાર કરશે.’ દલિત વર્ગનું શોષણ તેમનાથી સૃષ્ટિના સત્યનું તત્વજ્ઞાન છીનવી લેવાથી શરુ થયું હતું. તો એ હવે તેમને આપવામાં આવે. સરકાર વેદો ને ઉપનિષદોના પુસ્તકો વિના મુલ્યે દલીત વિદ્યાર્થીઓને અને તેમના માતાપિતાને પુરા પાડે. આધ્યાત્મિક જ્ઞાની પુરુષોના સતત નિરંતર સેમિનાર ગોઠવે. હિન્દૂ સંગઠનોની જેમ તેમના વચ્ચે ખાલી હનુમાનને લઇ જવાથી કઈ નહિ થાય. એમને એ આધાત્મિક જ્ઞાન આપવું પડશે જે તેમને બ્રાહ્મણ બનવા તરફની યાત્રામાં બાકીના સમુદાય જેવી જ સ્ટાર્ટિંગ લાઈન આપે. આમ, આધુનિક અને આધ્યાત્મિક એ બંને શિક્ષણ આપીને જ તે શોષિત સમાજને બાકીના સમાજની બરાબર લાવી શકાય છે.

            આ ઉપરાંત, પછાત જાતિઓના અનામતને ઓછું કરતા પહેલા મેડિકલ, ઇજનેરી અને અન્ય કોલેજોની ભરતીમાં મેનેજમેન્ટ સીટોની ભરતી સરકાર મારફતે જ મેરીટથી થાય. મેરીટમાં આવતા કોઈ ગરીબ વિદ્યાર્થીને પૈસાના અભાવે મેનેજમેન્ટ કોટાની સીટ ગુમાવવી ના પડે તે માટે સરકાર તેવા ગરીબ વિદ્યાર્થીઓની ફી પોતે ભરે અને એમાં કોઈ જાતિગત ભેદભાવ ના હોય. ટૂંકમાં, શોષિતો પાસેથી અનામત છીનવી લીધા પછી બારમામાં પચાસ ટકા લાવેલો કોઈ બિલ્ડરનો છોકરો રેડીયોલોજીસ્ટ ન બનવો જોઈએ. બધી સીટો પર દરેક આર્થિક વર્ગ પાસે સમાન તકો હોવી જોઈએ. તે જ રીતે જીપીએસસી અને અન્ય સરકારી ભરતીઓને બિલકુલ પારદર્શક બનાવવામાં આવે. ઇન્ટરવ્યુના માર્ક્સ બહુ ઓછા રાખવામાં આવે અને ઇન્ટરવ્યૂ લેનારને કેન્ડિડેટનું નામ અને અટક ખબર ના પડે તે રીતે ઇન્ટરવ્યૂ લેવામાં આવે. આ ઉપરાંત, સરકારી નોકરીના ઓર્ડર બહાર પાડતી આખરી કમિટી દલિત, આદિવાસી, ઓબીસી અને સવર્ણ એ દરેક વર્ગના પ્રતિનિધિઓથી બનેલી હોય જેથી સરકારી નોકરીઓ આપવામાં ગફલા ન થાય જેના આરોપો સવર્ણો પર લગાવવામાં આવે છે.

            બસ, આટલું કરી દીધા પછી ૨૦૫૧ થી ભારતમાં એક નવો સૂર્યોદય ઉગાવો જોઈએ જ્યાં રાજ્યવ્યવસ્થાની નીતિઓમાં જાતિ એક અપરિચિત શબ્દ થઇ જાય. ૨૦૫૧ થી દરેકના એલસી અને અન્ય પ્રમાણપત્રમાં એક જ ઓળખ લખી હોય- ‘હિન્દૂ સનાતનધર્મી’. શું આપણે આ મિશન ૨૦૫૧ ને શરુ કરવાની ઈચ્છા શક્તિ નથી ધરાવતા જે અનામત સાથે ગરીબી અને શોષણને પણ ભારતની ભૂમિ પરથી હંમેશા માટે નાબૂદ કરી દેવાની શક્તિ ધરાવે છે..?!!

September 05 / 2015 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

જાતીપ્રથાના વૈદિક સત્યને સમાજમાં પુન:સ્થાપિત કરીએ

“જાતિપ્રથાને સાચી સ્થિતિએ લાવવાનો મતલબ છે કે તેને જન્મથી હટાવીને કર્મ કે વ્યવસાયના પાયા પર ઉભી કરીએ.”

અનેક જન્મોમાં થતી મનુષ્ય-આત્માની યાત્રાને વેદોમાં તમસ, રજસ અને સત્વ એમ ત્રણ ગુણોમાં વહેંચવામાં આવી છે. આત્મા જ્યારે પહેલીવાર માનવજીવન મેળવે છે ત્યારે તે તમસ ગુણની અસર હેઠળ હોય છે. તમસ ગુણમાં માણસ ધગશ વિનાનો, વિચારહીન અને જીવનની પાયાની જરુરીયાતો પાછળ વીંટળાયેલો હોય છે. તેનાતી આગળ વધતાં રજસમાં મનુષ્ય મહત્વાકાંક્ષી, આક્રમક, સત્તાપ્રેમી, મહેનતુ અને ભૌતિક સુખો મેળવવા માટેની તીક્ષ્ણ બુધ્ધિ ધરાવતો હોય છે. રજસના ગુણો તૃપ્ત થઈ જાય ત્યારે મનુષ્ય સત્વ ગુણની અસર નીચે આવે છે અને ભૌતિક જીવન પ્રત્યે ઉદાસીન બને છે. તે જીવનનો અર્થ શોધવા અને સૃષ્ટિના સત્યનો સાક્ષાત્કાર કરવા જીવન વીતાવે છે. અને જ્યારે તે સત્યના અંતિમ સાક્ષાત્કારને મેળવી બ્રહ્મરૃપ બની જાય છે ત્યારે તે ત્રણેય ગુણોથી ઉપર ઉઠી જાય છે. અને તેને જ મનુષ્ય જીવનનો અંતિમ લક્ષ્ય એવો મોક્ષ કહેવામાં આવ્યો છે.

            આ ત્રણ ગુણો પર જ વેદોના સમયમાં જાતિપ્રથા રચાવામાં આવી અને માનવ સમાજને ચાર વર્ગોમાં વહેંચવામાં આવ્યો. માનવજીવનના શરુઆતી સમયમાં રહેલા તમસ ગુણની અસર ધરાવતા ઓછી બુદ્ધિ ક્ષમતાવાળા મનુષ્યોને મજૂરી, સફાઈ કામ તથા સેવક વર્ગ તરીકે રાખવામાં આવ્યો. જેને શુદ્ર કહેવામાં આવ્યો. રજસ તત્વની અસર હેઠળ રહેલા મનુષ્યોને બે વર્ગોમાં વહેંચવામાં આવ્યા. એક વર્ગ સમાજ અને દેશની રક્ષા કરવાવાળા સૈનિકો તથા રાજાઓનો હતો જેમને ક્ષત્રિય કહેવાયા. બીજો વર્ગ પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી ધન કમાવવાની ક્ષમતા ધરાવતા વેપારીઓનો હતો. જેમ વૈશ્ય કહેવામાં આવ્યા. જે સત્વ તત્વની અસર હેઠળ આવી શકયા હતા તેમને સત્યનું જ્ઞાન મેળવવાનું અને સમાજના બાકીના ત્રણ વર્ગોને સતત તે જ્ઞાન પુરુ પાડવાનું કામ સોંપાયું. આવા શ્રેષ્ઠ લોકોને બ્રાહ્મણ કહેવાયા. જે બ્રહ્મને જાણતા હતા. આમ, જાતિ અસલમાં મનુષ્યના આત્માની યાત્રા કયા સ્થાને પહોંચી છે તેની ઓળખ કરાવતી એક આધ્યાત્મિક વ્યવસ્થા હતી. પેદા થયેલું બાળક કિશોર અવસ્થાએ કયા ગુણોની અભિવ્યકિત કરે છે તેના ઉપરથી તેની જાતિ નક્કી થતી. આ જાતિઓમાં કોઈ ઉંચુ કે નીચું નહોતું. એ તો બસ બધાની ક્ષમતા પ્રમાણે કામની અલગ વહેંચણી કરવાની વ્યવસ્થા હતી જે દરેક નવી પેઢી સાથે બદલાતી. જેમ કે વાલ્મીકી અને વેદવ્યાસ જેવા બ્રાહ્મણો શુદ્ર પિતાની સંતાન હતા જયારે વિશ્વામિત્ર જેવા બ્રાહ્મણો ક્ષત્રિય પિતાની. પરશુરામ બ્રાહ્મણમાંથી ક્ષત્રિય બનેલા.
પરંતુ દ્રાપરયુગથી આગળ જતાં સમાજ ભ્રષ્ટ થઈ ગયો અને બ્રાહ્મણ માતા-પિતા પોતાના સંતાનોને બ્રાહ્મણ અને ક્ષત્રિય માતા-પિતા તેમના સંતાનોને ક્ષત્રિય જ બનવા માટે દબાણ કરવા લાગ્યા અને સમય જતાં આખી જાતિપ્રથા જનમના આધારે ગોઠવાઈ ગઈ. અને આ સાથે જાતિઓ જે ફક્ત મનુષ્યોની ક્ષમતા અને પ્રકૃતિનું જ એક નામ હતી તે હવે મનુષ્યના જન્મ સાથે જોડાઈ કૂળ અને વંશ બની ગઈ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એમ નામ રહી ગયા પરંતુ તેમાંના ગુણો લુપ્ત થઈ ગયા. શુદ્રો જેમાં ઘણા બ્રાહ્મણ કોટીના મનુષ્યો પણ પેદા થતા હતા તે બધાં શોષણ અને અસ્પૃશ્યતાના એવા અંધકારમાં ફસાયા કે તેમના આત્મસંમાનથી લઈને આત્માને પણ તુચ્છ ગણી ચગદી નાખવામાં આવ્યો. અને જાતિઓનો આ ભટકાવ જ આર્ય સંસ્કૃતિના પતનનું મુખ્ય કારણ બન્યું જે આજે પણ ચાલુ છે.
            સરકારે અનામતો આપીને ભારતીય સમાજમાં સમાનતા લાવવાની કોશિશ તો કરી પણ ઊંચી જાતિઓમાંની કેટલીક જાતિઓના કટ્ટર કોમવાદે સરકારી ખાતાઓમાં પણ એવો કબ્જો જમાવ્યો કે નીચે પટાવાળાથી ઉપર વર્ગ ૧ ના અધિકારીઓ સુધી તેમનો જ દબદબો રહ્યો. આ અસંતુલનને દૂર કરવા સરકારે બાકીની જાતિઓને અનામત આપ્યું જેથી સરકારી તંત્રમાં તેમની હાજરી દેખાવા લાગી. પાટીદારોએ એકબાજુ રાજ્યના તમામ નાનામોટા ઉદ્યોગો-ધંધાઓ, ફેક્ટરીઓ-હોસ્પિટલો, મોટા સરકારી કોન્ટ્રાકટરો અને બજારો પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. પરંતુ બાકીની જાતિઓએ ઉદ્યોગો અને સંપત્તિના અભાવે સરકારી તંત્રમાં જ નાની મોટી નોકરીઓ મેળવવા તનતોડ મહેનત શરુ કરી. આ એકલક્ષી મહેનતના કારણે તેઓ ભરતીઓમાં જનરલ કેટગરી જેટલુ ઉંચી મેરીટ મેળવવા લાગ્યા અને મોટા પ્રમાણમાં સરકારી તંત્રમાં ગોઠવાવા લાગ્યા. અને અસિમિત સંપત્તિના ધણી હોવા છતાં આજે પાટીદારો આ વાતથી ડર્યા છે. સરકારી તંત્રમાં હાજરી વધારવી એ જ તેમના આરક્ષણ માગવનું મુખ્ય કારણ છે. અને આ માટે હવે તેઓ એવો તર્ક આપી રહ્યા છે કે આ તોફાનો રોકવા પોલીસે કરેલો બળપ્રયોગ અસલમાં દમન છે જે પોલીસ તંત્રમાં OBC જાતિઓના વધેલા પ્રભુત્વનાં કારણે થયો છે. અને જો આ આરોપોમાં થોડું પણ સત્ય હોય તો એનો અર્થ એ છે કે આ સમાજ સમાનતા તરફ આગળ નથી વધ્યો બલ્કે ગોળ ચક્કર ફરીને પહેલાના અસંતુલન તરફ જ જઇ રહ્યો છે. ફક્ત જાતિઓની અદલા બદલી થઈ છે. જાતિઓને જ ‘સમાજ’ કહેતા આપણા લોકોએ અનામત વ્યવસ્થાને બીજી જાતિથી આગળ નીકળી જવાની કે તેને પછાડી દેવાની રેસ નું સાધન માની રાખ્યું છે. અને જ્યાં સુધી આ દેશમાં જાતિ જ સમાજનો પર્યાય છે ત્યાં સુધી સમાજીક સમરસતા અને સમાનતા એક મૃગજળ છે જે ક્યારેય આપણા હાથમાં નહીં આવે. સરકાર ગમે તેટલા અનામત આપી દે કે કોઈના અનામત પાછા લઈ લે. તેનો ઉપયોગ એક જાતિ બીજી જાતિ પર પ્રભુત્વ જમાવવા માટે જ કરશે. એક જાતિ ઉપર આવશે એટલે બીજી નીચે જશે. બીજી અનામત માગીને પાછી ઉપર આવશે એટલે પહેલીને દબાવશે. આ ચક્ર આમ જ ગોળ ગોળ ફરતું રહેશે. કારણ કે આપણા વડીલોને અભિમાન છે પોતાના જાતિવાદી હોવા પર અને જાતિવાદને જ તેઓ એક આદર્શ તરીકે નવી પેઢીને વિરાસતમાં આપે છે. આ આખા અધર્મમાં કોઈ નિર્દોષ નથી. ભાઈ ભાઈ વચ્ચેનો આ હૃદયને વલોવી નાખતો સંઘર્ષ રોકવો હોય તો ઉપાય હવે એક જ છે કે આપણે જાતિપ્રજાને તેની સાચી સ્થિતિએ પાછી લાવીએ.

            જાતિપ્રથાને સાચી સ્થિતિએ લાવવાનો મતલબ છે કે તેને જન્મથી હટાવીને કર્મ કે વ્યવસાયના પાયા પર ઉભી કરીએ. અને આજની ટેકનોલોજીના કારણે તો વૈદિક સમય કરતાં પણ આજે તે એક આસાન કાર્ય છે. આજે દરેક નવા જન્મેલા બાળકની ઓળખ તેની જ્ઞાાતિ અને પેટા જ્ઞાાતિથી થાય છે. આ વાતને કાઢી નાખી. દરેક બાળકના જન્મ પછી તેના જન્મનું રજીસ્ટ્રેશન કરી તેને એક નંબર આપવો જોઈએ. આ નંબર જ તે બાળકની આજીવન પહેચાન રહે જેના પરથી તેના સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ, ડીગ્રી સર્ટીફીકેટ, ડ્રાઇવીંગ લાઇસન્સ અને પાસપોર્ટની ઓળખ તથા વેરીફીકેશન થાય. આટલું થતાં જ માણસના અટક રુપે જાતિઓની જે ઓળખ આપણે ઉભી કરી છે તેને ઉથલાવી નાખવામાં આવે. માણસની અટક તે માણસ શું કાર્ય કરે છે તેની જ હોય અને તેને હંમેશા નામના આગળ જ લગાડાય. દા.ત. સિધ્ધાર્થ નામના મામસ માટે, જો તે શિક્ષક હોય તો ગુરુ સિધ્ધાર્થ, એન્જીનીઅર હોય તો ઇજનેર સિધ્ધાર્થ, ડૉક્ટર હોય તો વૈદ્ય સિધ્ધાર્થ, ખેડૂત હોય તો કીસાન સિધ્ધાર્થ, વેપારી હોય તો ઉદ્યોગી સિધ્ધાર્થ અને શ્રમજીવી હોય તો શ્રમિક સિધ્ધાર્થ, હવે. આ સિધ્ધાર્થનું સંતાન જ્યાં સુધી વિદ્યાર્થી હોય ત્યાં સુધી જ તેના નામની આગળ સિધ્ધાર્થની અટક લાગે. પણ જ્યારે તેનું સંતાન પોતાનો વ્યવસ્યા પસંદ કરી લે ત્યારે તેની અટક બદલાઈ જાય અને તેના વ્યવસાયની અટક જ તેના નામ આગળ લાગે. તે બાળકના માતા-પિતાનું નામ, વ્યવસાય તથા પૂર્વજો અને વંશજોની માહિતી તેના ઓળખ નંબર સાથે નોંધવામાં આવે જેને સરકાર તે નંબર મારફતે ચાહે ત્યારે મેળવી શકે. તે ઓળખ નંબર જ તેની નાગરીકતાની પહેચાન હોય અને તેનું નામ તેના કર્મની પહેચાન હોય. આમ, જ્યારે આપણી અટકોને આપણા કુળ અને વંશથી અલગ કરીને આપણા કર્મ સાથે જોડવામાં આવશે ત્યારે જ આપણે આ ભ્રષ્ટ જાતિપ્રથા અને તેનાથી ઉત્પન્ન થયેલા અગણિત દૂષણોથી મુક્ત થઈશું. અને ત્યારે જ આપણને હક મળશે જાતિપ્રથા માટે શાસ્ત્રોમાં લખેલા વાક્યોનું અર્થઘટન કરવાનો. કારણ કે તે વાક્યો આવી કર્મ આધારીત જાતિપ્રથા માટે જ લખવામાં આવ્યા છે, ન કે જન્મ આધારીત જાતિપ્રથા માટે. આમ, જો ક્યારેય આપણે આ ક્રાન્તિકારી પરીવર્તન કરી શક્યા તો તે આપણી લગભગ તમામ મુશ્કેલીઓનો હંમેશા માટેનો અંત હશે અને ભારતના નવા ભાગ્યોદયની શરુઆત હશે.

June 26 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

જાતિવાદ : એક અભિશાપ અને જાતિવ્યવસ્થા : એક આશીર્વાદ

“એક મોટી વ્યવસ્થા જાળવવા માટે વ્યવસ્થાને નાના સમુહોમાં વહેંચવી પડે છે. આ જ કુદરતનો નિયમ છે કારણ કે આ જ રીતે આ આખી સૃષ્ટિ ટકી રહી છે.”

 

કેટલાક સમય પહેલા મને મારી જાતિના એક મહાસંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો ત્યારે મેં આ ભાષણ આપ્યું હતું. અને હું મારી એ મર્યાદાને જાહેર કરી રહ્યો છું કે મને કોઈપણ જાતિ સંમેલનમાં બોલાવવામાં આવશે તો મારી પાસે કહેવા માટે મૂળ વાત રૂપે આનાથી વધારે કઈ નથી. બીજી બધી વાતો રાષ્ટ્ર અને માનવતાના વિકાસ માટે કોઈ જાતિનો વિકાસ કેવી રીતે કરવો એના પર જ કરી શકીશ. મને ના કોઈ જાતિ પર ગર્વ છે, ના કોઈ જાતિ પર શરમ છે. બસ, હું જ્યાં પણ જન્મ્યો છું તેનો મને આનંદ છે.

            પાનીપતના બીજા યુદ્ધની આગલી રાત્રે બહેરમખાન અને હેમુ-બીજાની છાવણીઓ સામ-સામે હતી. એવામાં બહેરમખાને દૂરથી જોયું કે હેમુની છાવણીમાં ઘણી બધી જગ્યાએથી પ્રકાશ આવતો હતો. તેણે તેના સેનાપતીને પૂછ્યું, ‘દુશ્મનની છાવણીમાંથી આટલી બધી જગ્યાએ પ્રકાશ કેમ છે ?’ સેનાપતિએ કહ્યું, ‘નામદાર, આપણે તો એક જ રસોડામાં ભોજન તૈયાર થાય છે. પણ હિંદુઓમાં જાતિઓ હોય છે અને એક જાતિ બીજી જાતિ સાથે નથી જમતી. એટલે સામે અલગ અલગ જાતિ માટે અલગ અલગ રસોડા બાંધવામાં આવ્યા છે.’ આ સાંભળી બહેરમખાન ખુશ થઈ ગયો. તેણે કહ્યું, ‘સમજી લો આપણે આ યુદ્ધ જ નહીં. આખુ હિંદુસ્તાન જીતી ગયા. જે લોકો સાથે જમી નથી શકતા. એ સાથે લડી શું શકવાના?’ અને એના પછી જે થયું એ ઇતિહાસ છે.

            હવે, આ વાત બોલવી તો આપણા માટે એફ ફેશન સ્ટેટસ થઈ ગયું છે કે આપણી પડતીનું મુખ્ય કારણ જાતિવાદ અને તેનાથી ઉત્પન્ન થયેલા ભેદભાવો છે. પણ સાલુ સુધરવું કેવી રીતે ? જાતિ એક એવું વ્યસન છે જે છૂટતું જ નથી. ઉપરથી વારસામાં એવું ને એવું સજ્જડ ઉતરે છે અને એ વ્યસન ન છૂટવાનું કારણ એ છે કે સુધારકો સીધી આખીને આખી જાતિઓ છોડી દેવાની કોશિશ કરે છે. જ્યારે અસલમાં જાતિઓ તો એક ફાયદાકારક વ્યવસ્થા છે. જરૃર તો છે બસ એમાં આવેલા જાતિવાદના ભ્રષ્ટાચારને છોડવાની.

            આપણે આપણી પડતી પાછળ જાતિઓને ગમે તેટલી ગાળો ભાંડીએ પણ સત્યની એક બાજુ એ પણ છે કે આજે આપણું અસ્તિત્વ જો ટકી રહ્યું છે તો એમાં જાતિવ્યવસ્થાનું મોટું યોગદાન છે. હા, એ સાચું છે કે આપણી જાતિઓ વચ્ચેના ભેદભાવોનો લાભ ઉઠાવીને વિદેશીઓએ આપણને ગુલામ બનાવ્યા. પરંતુ, એ પણ સત્ય છે કે તે જાતિઓ જ છે જેના કારણે તેઓ આપણને મીટાવી ન શક્યા. આપણી દરેક જાતિ એક નાની સેના સમાન છે. જો સીમા પર વિદેશી સેના ઘુસી આવી હોય અને દેશની સેનાને સરહદ પર બોલાવવી હોય તો શું કરવું પડે ? દરેક રેજીમેન્ટના મુખ્યાને ફોન કરી ખબર કરવામાં આવે કે પોતપોતાની ટુકડી લઈને સીમા પર પહોંચો અને અમુક જ સમયમાં દેશના જુદા જુદા ભાગમાં વિખરાયેલી સેના દરેક બાજુએથી સીમા તરફ ધસી જાય. પણ જો સેનામાં આવી કોઈ રેજીમેન્ટ જ ન હોય તો ? એ વીસ-તીસ લાખ સૈનિકોની સેનાને એક સાથે કેવી રીતે ભેગી કરવી? એ સુવ્યવસ્થિત સેના નહી, એક ટોળું બની જાય.

            આમ, એક મોટી વ્યવસ્થા જાળવવા માટે વ્યવસ્થાને નાના સમુહોમાં વહેંચવી પડે છે. આ જ કુદરતનો નિયમ છે કારણ કે આ જ રીતે આ આખી સૃષ્ટિ ટકી રહી છે. મોટા મોટા ગ્રહો, તારાઓ અને મનુષ્ય જેવા શરીરો સુક્ષ્મ એકમ અણુઓના સુવ્યવસ્થિત જોડાણથી ટકેલા છે. એ અણુમાં પણ પ્રત્યેક પ્રોટોન એક ઇલેક્ટ્રોનને પકડી રાખ્યો છે. આમ, આપણો વિરાટ ભારતીય સમાજ પણ નાની નાની જાતિઓની સુયોજીત વ્યવસ્થાથી જ ટકી શક્યો છે.

            ભારતીય સંસ્કૃતિ એક ત્રિકોણની જેમ છે. આ ત્રિકોણનો પાયો ભારતીય સમાજથી બનેલ છે અને ત્રિકોણની ટોચ હિંદુ ધર્મથી. સમાજ અનેક જાતિઓમાં વહેંચાયેલો હોવાથી ત્રિકોણનો પાયો છીદ્રાળુ છે. જાતિઓ વચ્ચેના ભેદભાવો એ છીદ્રો છે જેનો લાભ ઉઠાવીને વિદેશીઓ વારંવાર આ ત્રિકોણની અંદર ઘુસી ગયા છે અને આપણા લોકોને ગુલામ બનાવ્યા છે. પરંતુ, આપણને ગુલામ બનાવ્યા પછી જ્યારે એ વિદેશીઓએ આપણા ધર્મ રૃપી ત્રિકોણની ટોચ તરફ હાથ ઉઠાવ્યો ત્યારે આપણી તમામ જાતિઓ ચારેબાજુથી એમના પર તૂટી પડી. જ્યાં સુધી એમણે ક્ષત્રિયને વૈશ્ય સાથે અને બ્રાહ્મણને શુદ્ર સાથે લડાવ્યો ત્યાં સુધી એ સફળ થયા. પરંતુ, જ્યારે તેમણે રામને અને રામાયણને નષ્ટ કરવાની કોશિશ કરી ત્યારે તે બધા બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશયો અને શુદ્રો પરસ્પરના આંતર વિરોધ હોવા છતાં એ વિદેશીઓ પર એકસાથે તૂટી પડયા. કારણ કે રામ અને રામાયણ જ એ ટોચ હતી જે એ ત્રિકોણના પાયા રૃપી જાતિઓને એકત્વમાં બાંધતી હતી. આમ,જ્યાં સુધી વિદેશીઓએ આપણને ગુલામ બનાવવાની કોશિશ કરી ત્યાં સુધી આપણે આપણા ભેદભાવોના લીધે એમ થવા દીધું પણ જ્યારે તેઓએ આપણી સંસ્કૃતિ નષ્ટ કરવાની કોશિશ કરી ત્યારે આપણી દરેક જાતિ પોતપોતાના ઈશ્વર માટે એમના પર તૂટી પડી અને એમને નષ્ટ કરી દીધા.

            આ જ કારણ છે કે મુસ્લિમ ધર્મીઓ ઈરાનમાં ગુસ્યા અને વીસ વર્ષમાં આખુ ઈરાન મુસ્લિમ ધર્મી થઈ ગયું. તેઓ ઈજીપ્તમાં ઘુસ્યા અને અઢાર વર્ષમાં ઇજીપ્તનો ધર્મ નષ્ટ થઈ ગયો અને તેઓ મુસ્લિમ બની ગયા. ખ્રિસ્તીઓ યુરોપમાં ઘુસ્યા અને પચાસ વર્ષમાં જ એમણે આખા યુરોપને ખ્રિસ્તી બનાવી દીધું. પણ એ મુસ્લિમોએ ભારત પર આઠસો વર્ષ રાજ કર્યું અને એ ખ્રિસ્તીઓએ ભારત પર બસો વર્ષ રાજ કર્યું છતાંય આજે આ દેશમાં સો કરોડ હિંદુઓ છે. આ ચમત્કાર થયો છે આપણી એ જાતિઓના કારણે. જે જાતિઓના કારણે આપણે ગુલામ બન્યા. જેના કારણે આપણે આપણા પ્રદેશો અને લોકો ઘુમાવ્યા એ જ જાતિઓએ આપણને સંપૂર્ણ રીતે નષ્ટ થતાં પણ બચાવ્યા. જે આપણી કમજોરી છે એ જ આપણી શક્તિ પણ છે. જાતિવાદ આપણી કમજોરી છે, પણ જાતિ વ્યવસ્થા આપણી શક્તિ છે. જાતિ વ્યવસ્થા એક સાંકળ છે. લોકોના સમૂહને તોડવો સહેલો હોય છે. લોકોથી ગૂંથાયેલી સાંકળને નહીં.

            આમ, જાતિઓને છોડવામાં આપણો કોઈ ફાયદો નથી. એ ખોટી દિશામાં થઈ રહેલું ચિંતન છે. છોડવાનો છે જાતિવાદને અને અપનાવવાની છે જાતિની વ્યવસ્થાને. આપણે એકબીજાની કમજોરીનું કારણ નહીં, એકબીજાની શક્તિ બનવાનું છે. એટલે પોતાની જાતિ માટે વિચારીએ અને તેને ઉપર લાવવાની કોશિશ પણ કરીએ. પણ એટલા માટે નહીં કે બીજી જાતિઓને દબાવી દઈ એમના પર સત્તા ભોગવીએ. આપણે એક જાતિ તરીકે એટલા માટે વિકાસ નથી કરવાનો કે બીજી કોઈ જાતિને પાછળ ધકેલી દઈએ. આપણે એટલે વિકાસ સાધવાનો છે કે જેથી આપણી ગરીબી અને પછાતતાના કારણે આપણો દેશ નુકશાન ન ભોગવે. આપણને ઉપર લાવવામાં અને આગળ વધારવામાં દેશને એની શક્તિ, સાધન અને સમયનો ખોટો વ્યય ન કરવો પડે. આપણે એટલે વિકાસ સાધીએ કે જેથી બીજી કોઈ જાતિ પછાત રહી ગઈ હોય એને ઉપર લાવવામાં આપણે આ દેશની મદદ કરી શકીએ. આપણે એટલા માટે વિકાસ સાધીએ કે જેથી આપણા માટે બીજી કોઈ જાતિને નુકશાન ન ભોગવવું પડે. આપણે એટલા માટે વિકાસ સાધીએ કે જેથી જલ્દીમાં જલ્દી આપણે બીજી જાતિઓના સમકક્ષ બનીને રાષ્ટ્રનિર્માણમાં તેમના જેટલો જ ભાગ ભજવી શકીએ. આ રીતે જ જાતિ એક વાદ ન બનતાં એક મજબૂત વ્યવસ્થા બનશે.

            જંગલબુક ફિલ્મના ભેડિયાઓનું પેલુ ગીત આપણે બધાએ પણ રટવાનું છે. ‘જંગલ કા યે કાનુન હૈ, જો પાલે વો ફૂલે-ફાલે, જો તોડે વો મર જાયે પક્કા. હર ભેડિયે કી તાકત ઝૂંડ હૈ, ઝૂંડ કી તાકત હર ભેડિયા.’ દરેક જાતિની તાકાત એનું રાષ્ટ્ર છે અને રાષ્ટ્રની તાકાત દરેક જાતિ. જે જાતિ આ નિયમને અપનાવશે તે આગળ વધશે, જે બીજા પર પોતાનું વર્ચસ્વ સ્થાપવા જાતિવાદ અપનાવશે. તે સર્વસ્વ ગુમાવશે.

August 24 / 2020 / Rejected for 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily Due to Subject & Content

અસ્પૃશ્યતા નિવારણ : એક સામાજિક મૃગજળ

“દલિતોને કોઈ નેતાઓની જરૂર નથી. દલિતોને જરૂર છે પ્રેમ, સમ્માન અને જ્ઞાન આપી શકે તેવા સાચા સમાજની.”

ઉનામાં જે પણ બન્યું તેનાથી દરેક માનવ્તાવાદીનો આત્મા કંપી ઉઠ્યો છે. પણ એણે દલિતોનું દુર્ભાગ્ય કહો કે આ દેશનું, કે ઉનામાં બનેલા એ દલિત વિરોધી બનાવ પછી જે થઇ રહ્યું છે તે આખા શોરબકોરમાં દલિતોના સામાજિક ન્યાયની વાત ક્યાંય નથી. દલિતો સાથે વારંવાર બનતા આ દેશવ્યાપી બનાવો પાછળની સામાજિક માનસિકતા બદલવાનો વિચાર કરવાના બદલે ઘટનાનો લાભ ઉઠાવી સત્તાધીશ પક્ષના સત્તાપલટ માટેની મહત્વાકાંક્ષા વધુ છે. પણ એક સર્વે મુજબ, આઝાદી પછી દર વર્ષે દલિતો પર અત્યાચારના સરેરાશ ૪૦૦૦૦ બનાવો બને છે. અને ભાજપ તો સત્તા પર હમણાં જ આવ્યું છે. મતલબ એ છે કે આ સમસ્યા રાજકીય નથી. એ સામાજિક છે. કોઈ રાજકીય પક્ષ એટલો મુર્ખ અને અસંવેદનશીલ ન હોઈ શકે કે દલિત સાથે અત્યાચારોને ખુલી છૂટ આપે. ખાસ કરીને એ પક્ષ જે હિન્દુઓને એક કરવાની કોશિશમાં દલિતોને મનાવવા ધમપછાડા કરી રહ્યો હોય.

            તો સવાલ એ છે કે આખરે ક્યાં સુધી આપણે દલિતો પર થતા એ અમાનુષી અત્યાચારોને આપણી સ્વાર્થી રાજનીતિ માટે હાથો બનાવીને સદીઓથી તિરસ્કૃત એ સામાજિક તબ્કાનો ઉપહાસ કરતા રહીશું? દલિતો પ્રત્યેની હીન ભાવનાથી જે સમાજ ગ્રસ્ત છે એમાં ચુસ્ત કોંગ્રેસીઓ પણ છે, ચુસ્ત ભાજપીઓ પણ છે અને એસી ચેમ્બરોમાં બેસીને  દલિત ઉત્થાનની વાતો કરવાવાળા સેક્યુલર માંસીહાઓ પણ છે. પણ હકીકત એ છે કે એ જ બધા મહાન અને ઊંચા વિચારોવાળા માણસો શહેરમાં બનતી સોસાયટીઓમાં ભણેલા ગણેલા દલિતોને પણ ઘર ન આપવામાં આવે એવી માંગો બિલ્ડરો સામે કરે છે. જો કોઈ સોસાયટીમાં દલીતને ઘર વેચવામાં આવ્યું હોય તો એ સોસાયટીની વેલ્યુ ડાઉન થઇ જાય છે. તેઓ ગામડાઓમાં હતા તો તેમની વસ્તી ગામની ભાર અલગ રાખવામાં આવી. હવે આધુનિક ભારતના નારા સાથે શહેરીકરણ શરુ થયું તો શહેરોમાં પણ તેમને દૂર અલગ વસાહતોમાં રહેવા મજબુર કરવામાં આવી રહ્યા છે. આજેપણ ભણેલા ગણેલા જુનવાણી લોકો એક એન્જીનીઅર બનેલા દલિતના ઘરનું પાણી પિતા અચકાય છે. દલિતના હકો વિષે મોટી મોટી વાતો કરવાવાળા નેતાઓ તેમના ઘરમાં દલિતને પોતાનાથી દૂર ખાટલા નીચે બેસાડે છે. યુપી-બીજારના અમુક પ્રદેશોમાં આજેપણ કોઈ ઉંચી જાતિનો નેતા ગાડી લઈને જતો હોય તો રસ્તામાં ઉભેલા દલીતે પગમાંથી ચંપલ કાઢીને માથા પર મુકવા પડે છે, પછી એ નેતા કઈ પાર્ટીનો છે એનાથી કોઈ ફર્ક નથી પડતો.

            કોઈ દલિત ન સંભાળતો હોય ત્યારે તેમના વિષે જાત જાતના વિશેષણોથી વાત કરવાવાળો આ સભ્ય સમાજ પોતાની વિકૃતિઓ અને કુરુપ્તાને કોઈ એક પાર્ટી પર નિશાન તાકીને છુપાવી નહિ શકે. આવું કરીને એ રાજકીય નેતાઓ જ નહિ એ મિડીયાકર્મીઓ અને એ કહેવાતા સમાંજ્સેવીઓ પણ દલીતદ્રોહ કરી રહ્યા છે. એ મૂળ સમસ્યાને ઉકેલવા નથી માંગતા. બસ પોતાના સ્વાર્થ માટે એનો ફાયદો ઉઠાવવા માંગે છે. મૂળ સમસ્યા તો ઉકેલે પણ ક્યાંથી, એ સમસ્યામાં એ પોતે પણ સહભાગી છે. દલીત્પ્રેમના નામે રાજકીય પાર્ટીઓએ આજ કર્યું છે. દલિતોના નામ પર મુખ્યમંત્રી બનવાવાળા માયાવતી અબજોપતિ થઇ ગયા, રોડ પર તેમના કરોડોના પુતળા મુકાઈ ગયા, પણ દલિતો ત્યાંના ત્યાં જ છે. પહેલા દલિતો પરના અત્યાચારો આપણા સુખ્ચેનનું સાધન હતા અને હવે તે લોકશાહીના બજારમાં રાજનીતિ રમીને સત્તા હડપવાની ચાવી છે. આઝાદી પછીની લોકશાહીમાં દલિતોના કિસ્સામાં જો કંઈ બદલાયું હોય તો એ આટલું જ છે.

            આજે પણ આપણો સભ્ય સમાજ કંઈક આવી છુપી દલીલ આપી રહ્યો છે – ‘જાતિની આ ઊંચ-નીચ સાચી જ છે. નીચી જતીવાળાના વિચારો અને વ્યવહાર પણ એવા હીન જ હોય છે. આપણે સાથે રહેવું હોય તોય ના રહી શકીએ.’ પણ કોઈએ એ વિચારવાની કોશિશ ના કરી કે એમના એ હીન અને અજ્ઞાનભર્યા વિચારો કોના કારણે છે? સદીઓ સુધી એમણે કહેવામાં આવ્યું કે ‘આપણો ધર્મ કહે છે કે તમે હીન છો, અછૂત છો.’ અને જે ધર્મના સંદર્ભથી તેમને અછૂત કહેવામાં આવ્યા તે ધર્મ તેમને ક્યારેય જાણવા દેવામાં ન આવ્યો. તેમને મંદિરોની બહાર રાખવામાં આવ્યા. વેદ, ગીતાને સ્પર્શવા તો શું સંભાળવા દેવામાં ન આવ્યા. જીવનના શ્રેષ્ઠ વિચારોથી એમણે સતત દૂર રાખવાનું આ ઘોર પાપ આપણા પૂર્વજોએ કર્યું અને હવે આપણે જ એમણે કહી રહ્યા છીએ કે એમનામાં નૈતિકતા નથી, જ્ઞાન નથી, ઊંચા વિચારો નથી. બીજો તર્ક આવે છે પાપ યોનીનો – ‘એ તો પૂર્વજન્મમાં કર્મ એવા કર્યા હોય એટલે એવી હીન જગ્યાએ જન્મ મળે. એ હીન જગ્યાએ કર્મો ભોગવશે ત્યારે જ ઉપરના કુળમાં જન્મ મળશે.’ આવું કહેવાવાળા એ પાપીમનના માલિકો યાદ રાખે કે ગરીબી અને અજ્ઞાનતામાં જન્મ લીધા પછી તે ગરીબી અને અજ્ઞાનતાથી ઉપર ઉઠવાનો પૂરો હક કુદરત દરેકને સમાન રીતે આપે છે. પૂર્વ જન્મના પાપના લીધે મનુષ્યને ગરીબીમાં જન્મ મળી શકે છે, પણ એણે આજીવન ગરીબ હજ રહેવાનું એવું ફરમાન કુદરત નથી આપતી. કુદરત ક્યારેય કોઈ મનુષ્યને બીજા મનુષ્યની કમજોરીનો ઉપહાસ ઉડાવવાનો કે તેને હીન સમજવાનો હક નથી આપતી. મનુષ્યનો જન્મ તેના પૂર્વ જન્મના કર્મોના લીધે જોઈ શકે છે. પણ એ કર્મોના આધારે જન્મ લીધા પછી તે દરેક મનુષ્ય સમાન છે અને તે સ્થિતિથી આગળ વધવાનો તે દરેકને સમાન અધિકાર છે. કોઈ કોઈન એતેના જન્મથી હીન ગણી શકે એમ નથી. મનુષ્ય તેના કર્મોથી જ ઉચ્ચ અને હીન બને છે. મરેલા પશુઓને શેરીઓમાંથી દૂર લઇ જઇ શહેરો અને નગરોને સ્વચ્છ રાખવાવાળા અને લેધરના બેલ્ટ, શુઝ,પર્સ અને જેકેટ જેવા આપણા શોખ પુરા કરવા મરેલા પશુઓના ચામડાને અલગ કરવાવાળા એ દલિતો પોતાના કર્મથી ઉચ્ચ બન્યા છે. જયારે સામાજિક અને ધાર્મિક સત્તાના નશામાં ધુત થઈને એ દલિતોને મારવાવાળા એ તથાકથીત ગૌરક્ષકો પોતાના કર્મોથી હીન અને અછૂત બન્યા છે. આજ વેદોની જતીપ્રથાનો આત્મા છે. અને એજ આપણા બધાની સામાન્ય સમજ હોવી જોઈએ.

            જે માનસ પાસે પોતાને મોટો સમજવા માટે કોઈ આધાર નથી હોતો તે માણસ પોતાને મોટો માનવા માટે હમેશા પોતાના જન્મ અને કુળનો આધાર લે છે. એટલે જયારે કોઈ માણસ પોતાને પોતાની જાતિ, ધર્મ કે કુળના કારણે ઉચ્ચ ગણવાનું અભિમાન બતાવે તો એજ ક્ષણે સમજી લેવું કે એ ભાઈ પાસે પોતાના પર ગર્વ કરવા માટે બીજી કોઈ ક્ષમતા નથી. એટલે આપણે આ અજ્ઞાનતાનું પ્રદર્શન છોડીએ અને વહેલી તકે આપણા દરેક દલિત ભીના ઘર આગળ જઈને કહીએ, ‘હે ભાઈ, મારા પૂર્વજોના એ અક્ષમ્ય અત્યાચારો બદલ હું તારી માફી માંગું છું. એના પ્રાયશ્ચિત રૂપે હું આ વેદો લઈને આવ્યો છું. હું પણ એટલો જ અજ્ઞાની છું જેટલો તું છે. ચાલ આપણે બંને એનું અધ્યયન કરીએ. આપણામાંથી જે પણ આ જ્ઞાનનો સાક્ષાત્કાર કરશે એ જ બ્રાહ્મણ બનશે.’

            દલિતોને કોઈ નેતાઓની જરૂર નથી. દલિતોન એજરુર છે પ્રેમ, સમ્માન અને જ્ઞાન આપી શકે તેવા સાચા સમાજની. અને જો એ સમાજ આપણે એમને પૂરો નથી પડી શકતા તો કમસે કમ તેમના પર થતા અત્યાચારો ઉપર રાજનીતિ રમવાની તો બંધ કરીએ. એ રીતે કમસે કમ આપણા પૂર્વજોના પાપમાં આપણું પાપ ઉમેરતું અટકશે. 

 

February 23 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

દલિત ઉત્થાન હોય કે મનુષ્ય ઉત્થાન : આટલું જરૃરી છે...

“દલિત તરીકે જન્મેલા આંબેડકર જીવનભર પેલા પથ્થરની જેમ જ્ઞાનના માર્ગે આગળ વધી એક પ્રબુધ્ધ બ્રાહ્મણ બની સ્થિર થયા હતા.”

તમે ક્યારેય નદી કીનારે બેસીને નદીમાં પથ્થર ફેંક્યો છે? નદીમાં પથ્થર ફેંકતા જ એ પથ્થર નદીના તળ સુધી જવા માટે સૌથી નાનામાં નાનો સીધો રસ્તો શોધી લે છે. નદીનું તળ એનું લક્ષ્ય છે. તે નદીના પાણી વચ્ચેથી ગુજરે છે પણ માર્ગમાં પાણી સાથે ના તે કોઈ સંઘર્ષ કરે છે ના કોઈ વ્યવહાર સ્થાપે છે. બસ એના લક્ષ્ય તરફ જ નજર રાખી એ આગળ વધતો જાય છે. અને એકવાર એ નદીના તળ સુધી લક્ષ્ય સુધી પહોંચી જાય પછી આજીવન એ નદીના પાણી સાથે પોતાનો સંબંધ સ્થાપે છે.

            પથ્થરના આ ઉદાહરણથી શરુઆત એટલે કરી, કારણ કે મોટાભાગના મનુષ્યો જે નથી કરી શકતા એ આ પથ્થર કરી બતાવે છે. આપણે બધા પણ લક્ષ્ય સુધી પહોંચવાની શરુઆત તો જોરશોરથી કરીએ છીએ. પણ રસ્તામાં આપણો અહમ વચ્ચે આવી જાય છે.
લોકોના ટાણાં, સબંધીઓનો આપણા પરનો અવિશ્વાસ આ બધું આપણા અહમને ઠેસ પહોંચાડી દે છે. આપણો લક્ષ્યને પામવાનો હેતુ બદલાઈ જાય છે. હવે આપણે આપણા ઉત્થાન કે પ્રગતિ માટે નહી એ લોકોને બતાવી દેવા લક્ષ્ય મેળવવા માગીએ છીએ. અને એ માર્ગમાં જ્યારે અડચણો ઉભી થાય છે ત્યારે આપણો ગુસ્સો આપણા પર અવિશ્વાસ કરનારા એ લોકો પર ફૂટે છે. ધીરે ધીરે આપણું ધ્યાન લક્ષ્ય પરથી હટીને એ લોકો પર મંડાઈ જાય છે. તેઓ શું કરે છે, શું કહે છે અને તેમના ટાણાંઓનો શબ્દોથી કેવો જવાબ આપવો આ બધા નવા અર્થ વગરના કાર્યો ઊભા થાય છે જે લક્ષ્ય તરફની આપણી મહેનત અને એકાગ્રતાને છીન્નભિન્ન કરી નાખે છે. આ સંઘર્ષ આપણને આપણા લક્ષ્યથી ક્યાંય દૂર લઈ જાય છે. અંતે આપણે નિષ્ફળ જઈએ છીએ અને ત્યાંના ત્યાં જ રહીને એ લોકો વિશે આજીવન ફરીયાદ કરતા રહીએ છીએ. પણ આ બધુ પથ્થર સાથે નથી થતું. કારણ કે તે નિર્જીવ છે, તેને અહમ નથી. આપણે એ નથી કરી શકતા જે નદીના તળ તરફ જતો એ પથ્થર કરે છે. અને એ છે ‘આસપાસના વાતાવરણને અવગણવું’ .

            પણ કોઈ હતું જેણે એ કરી બતાવ્યું. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર. બાબાસાહેબ આંબેડકર એક દલિત હતા અને નાનપણથી જ દલિતો પ્રત્યે થતા રોજબરોજના અત્યાચારો અને ભેદભાવના ભોગ બનતા. તેમને શાળામાં બીજા દલિત વિદ્યાર્થીઓની જેમ વર્ગની બહાર બેસવું પડતું. પાણી પીવું હોય તો માટલામાંથી સીધુ ના પી શકાતું. શાળાનો પટાવાળો ગ્લાસમાં પાણી ભરી ઉપરથી રેડતો ત્યારે તેમે પાણી મળતું. આ માટે એકવાર એક લેખમાં તેમણે કટાક્ષરુપે લખ્યું હતું કે ‘જે દિવસે પટાવાળો ના આવ્યો હોય તે દિવસે પાણી ન મળતું. ‘No peon, No water’. પણ બીજા અનેક દલિત વિદ્યાર્થીઓ અને તેમના પોતાના ચાર ભાઈ-બહેનો વચ્ચે બાબાસાહેબ એકલા જ હતા જેમણે આ વાત પર રોષ ભરવાના સ્થાને એને જીવનની સ્થિતિ માની એનાથી ઉપર ઉઠવાની કોશિશો કરવામાં જીવન વાળી દીધું. પરીણામ એ આવ્યું કે તેમણે મુંબઈની ખ્યાતનામ એલ્ફીસટોમ હાઈસ્કૂલમાંથી મેટ્રીક પાસ કર્યું. આવું કરવાવાળા એ ભારતના પહેલા દલિત હતા. પણ આ વાત પર એમનું ધ્યાન નહોતું. નહોતું એમનું ધ્યાન ચારેબાજુથી ઉપહાસ, ઈર્ષા અને હીનતાની ભાવનાથી જોતા એ સમાજ પર. આંબેડકરે સમાજના તિરસ્કારથી વ્યથિત થવામાં અને તેના સામે નફરત કરવામાં શક્તિ વેડફવાને બદલે પોતાનું ધ્યાન શૈક્ષણિક રીતે વધુને વધુ શક્તિશાળી બનવામાં આપ્યું.

            તેમણે મુંબઈથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની પદવી મેળવી અને વડોદરા રાજ્ય તરફથી સ્કોલરશીપ મેળવી. એ સ્કોલરશીપમાંથી તેઓ અમેરીકા ગયા અને કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી પોસ્ટગ્રેજ્યુએશન કર્યું. આ એ સમય હતો જ્યારે તેઓ જ્હોન ડેવ્યુના લોકશાહીના સિધ્ધાંતોથી પ્રભાવિત થયા. પણ તેઓ આટલેથી ન અટક્યા. તે લંડન ગયા અને અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું. પોસ્ટગ્રેજ્યુએશન અને પીએચડીના વર્ષો દરમિયાન તેમણે ભારતના સામાજીક અને ધાર્મિક ઈતિહાસનો ઉંડો અભ્યાસ કર્યો. તે વિષય પર પુસ્તકો અને થીસીસ લખ્યા. ત્યારબાદ તેઓ ભારત આવ્યા. પણ ભારત ત્યાંનું ત્યાં હતું. ભારત આવી તેમણે એક પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટીંગ બિઝનેશ શરૃ કર્યો પણ દલિત હોવાના કારણે તેમને ગ્રાહકો ન મળ્યા.

            તેમણે મુંબઈની એક કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે નોકરી કરી. વિદ્યાર્થીઓ તેમનાથી અભિભૂત હતા, પણ સાથી પ્રોફેસરો તેમના સાથે પીવાના પાણીનો જગ પણ ભેગો રાખવા નહોતા માગતા. સમાજ તેમને આગળ વધતા જોઈ નહોતો શકતો, તે એમને સતત અવરોધી રહ્યો હતો. પણ તેમણે તે દંભી સમાજ તરફ સંપુર્ણ દુર્લક્ષ જ દાખવ્યું. જાણે તે છે જ નહીં એ રીતે આગળ વધતા રહ્યા. ૧૯૧૯માં તેમને ભારત સરકારના કાયદા ઘડવાવાળી સમિતિએ માર્ગદર્શક તરીકે બોલાવ્યા. તેમણે અછૂતો માટે રીઝર્વેશનની વાત મૂકી. તેમણે કોલ્હાપુરના મહારાજા શાહજી બીજાની મદદથી ‘મૂકનાયક’ નામે એક સાપ્તાહીક શરૃ કર્યું. આ રીતે તેમની કાયદાકીય અને રાજકીય પહોંચ વધતી ગઈ. જેનું આખરી મુકામ એ હતું કે સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટેની બંધારણ સમિતિના તેઓ પ્રમુખ બન્યા, પણ આ એમની આખરી પહેચાન નહોતી. પ્રાચીન ભારતથી ચાલી આવતી જાતિવાદી સમસ્યાથી લઈને ભારત-પાકીસ્તાનના વિભાજન અને દલિતોને ધર્મપરીવર્તન માટે મુસ્લિમ કે ખ્રિસ્તી કરતા બૌધ્ધ ધર્મ માટે પ્રોત્સાહીત કરવાના તેમના વિચારો એકવીસમી સદીના એક મહાન વિચારકનું સ્મારક છે.

            આંબેડકરનું જીવન એ પથ્થર સમાન જ રહ્યું જે નદીના તળ સુધી પહોંચ્યા સુધી આગળ વધ્યા સિવાય બીજું કોઈ કામ નથી કરતો. અને તળે પહોંચ્યા પછી અત્યાર સુધી એને અવરોધવાવાળા પાણી સાથે પ્રેમમય સબંધ બાંધે છે. તેમણે કહેલું ‘અમે બ્રાહ્મણોના વિરોધી નથી. અમે બ્રાહ્મણવાદના વિરોધી છીએ.’ જીવનની એ ઉંચાઈએ આરએસએસ અને અન્ય ધાર્મિક સમુહોના બ્રાહ્મણો સાથે તેમનો સારો ઘરોબો બનેલો. એ સ્થિતિએ તે જાણતા હતા કે આપણે બધા એક ભટકાવનો ભોગ બન્યા છીએ અને એ ભટકાવ આપણને બધાને વિરાસતમાં મળ્યો છે. એટલે એનાથી ઉપર ઉઠવા આપણે બધાએ ભૂતકાળ અને એ ભૂતકાળ સાથે ચોંટેલા લોકોને નદીના પાણીની જેમ અવગણવા પડશે.

            કહેવાય છે જ્યાં તમારી નજર હોય છે ત્યાં જીવન તમને દોરી જાય છે. તો સવાલ એ છે કે આપણે એ નકારાત્મક અને ભટકેલા લોકો તરફ નજર નાખીને એમના તરફ જવું છે કે જ્ઞાન તરફ નજર રાખીને પ્રબુધ્ધતા તરફ. હિંદુ ધર્મને પોતાની ધાર્મિક સત્તાનો અડ્ડો બનાવી બેઠેલા બ્રાહ્મણવાદીઓ અને ક્ષત્રિઓના તિરસ્કાર વચ્ચે એક દલિત માણસ પર એક અંગ્રેજે પ્રસિધ્ધ પુસ્તક લખ્યુ. ‘આંબેડકર – પ્રબુધ્ધ ભારત તરફ’. મતલબ, ભારતને ધાર્મિક ભેદભાવથી અધ્યાત્મ અને બુધ્ધતા તરફ લઈ જવું હોય તો આંબેડકરના વિચારોને અનુસરવું પડશે. આ એ વાતની સાબિતિ હતી કે દલિત તરીકે જન્મેલા આંબેડકર જીવનભર પેલા પથ્થરની જેમ જ્ઞાનના માર્ગે આગળ વધી એક પ્રબુધ્ધ બ્રાહ્મણ બની સ્થિર થયા હતા. એ બ્રાહ્મણ જેની પ્રબુધ્ધતા આજે દરેક રાજકીય પક્ષને તેમની પરસ્પર વિરોધાભાસી વિચારધારાઓ છતાં સમાન રુપે માર્ગદર્શન આપે છે.

બોધ : હિંદુ શાસ્ત્રોમાં એક વાક્ય છે. ‘જેનું મન ખાલી સંઘર્ષ, નફરત અને બદલો લેવા માટે જ રોકાયેલું છે તે મનુષ્યનું નહીં, પશુનું મન છે. એવા મનમાં ક્યારેય કોઈ રચનાત્મક ખયાલ. ક્યારેય કોઈ બુધ્ધતા પ્રગટશે નહી.’

October 18 / 2018 / On Facebook

ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલા - સિક્કાની બે બાજુઓ

“આ અસંતુલિત પરિસ્થિતિ જે મૂળ હકીકતના કારણે ઉપસી રહી છે યા રાજકીય લાભ લેવા ઉપસાવવામાં આવી રહી છે તે મૂળ કારણને ઠીક કરવામાં હવે પૂરું ધ્યાન આપવાની જરૂર છે.”

કેટલાક વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતના એક શહેરમાં મામલતદાર તરીકે એક ખાસ કોમ્યુનિટીના માણસ હતા. તેમણે યુપી-બિહારથી આવેલા તેમની કોમ્યુનિટીના માણસોને આધાર કાર્ડ બનાવી આપીને શહેરના એક કસ્બામાં સ્થાયી રહેવાની વ્યવસ્થા કરી આપેલી. તે આખી કોલોની તે એક જ કોમ્યુનિટીની હતી. કેટલાક સમય પછી તે શહેરમાં નાના બાળકો અને યુવાન છોકરીઓના અપહરણના કેસ સામે આવ્યા. અને તે દરેક કેસમાં બાળક અથવા તો છોકરી પોલીસને છેક આગ્રાથી મળ્યા. અને તે દરેક કેસમાં તે કોલોનીના માણસોની સંડોવણી હતી જેમને આધાર કાર્ડ બનાવી આપી યુપીવાળામાંથી ગુજરાતી બનાવી દેવાયા હતા.

            કંઈક આવા જ સમયે મારે તે સમયના એક મંત્રીજીના સંપર્કમાં આવવાનુ થયું. મેં તેમને આ વાત જણાવી અને કહ્યું, ‘હવે સમય આવી ગયો છે કે આપણે આઉટ સ્ટેટમાંથી આવીને ગુજરાતમાં વસેલા દરેક માણસનું અલાયદું રજિસ્ટ્રેશન રાખીએ. તેમનું એક અલાયદું કાર્ડ બનાવવામાં આવે જેમાં તે ગુજરાતમાં કયા કામથી ક્યાં રહી રહયા છે અને ગુજરાત બહારના રાજ્યમાં તેમના રહેઠાણનું એડ્રેસ શું છે તે દરેક વાતનો સરકારી રેકોર્ડ હોય. આનાથી પહેલો ફાયદો એ થશે કે બહારથી આવેલા લોકો ગુજરાતી અસ્મિતા અને ગુજરાતી સમાજ પ્રત્યે જવાબદાર બનશે. બીજું, તે ગમે તે કામ કરીને અદ્રશ્ય નહીં થઈ શકે એટલે ગુનો આચરતા ડરશે. તેમના સાથે ગુજરાતમાં કોઈ અન્યાય કે ભેદભાવ નહીં કરાય પણ તેમનો અલગ સરકારી રેકોર્ડ હોવો જરૂરી છે, સામાજિક સુરક્ષાના કારણોસર. કારણકે આ રીતે જ ગુજરાતમાં ગુનાખોરી યુપી-બિહારના લોકોથી વધતી રહી તો એ દિવસ દૂર નથી કે જ્યારે અહીંયા પણ રાજ ઠાકરે જેવા માણસો ઉભા થશે જે એ પરિસ્થિતિનો પોતાના રાજકીય ઉત્થાન માટે ઉપયોગ કરશે. અને તે દિવસે તમારા માટે આ બધું સંભાળવું મુશ્કેલ થતું જશે.’

            તે દિવસે પણ તે વડીલે એજ કહેલું જે આજે કહેવાય છે, ‘એવું કરવાથી પ્રદેશવાદ દેખાશે અને યુપી-બિહારની ચૂંટણીઓમાં પક્ષને નુકશાન થશે. હજી એટલા ખરાબ દિવસો આવ્યા નથી.’ યુપી-બિહારના જે લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું એની હું નિંદા તો કરું જ છું સાથે એ કહું છું કે અસલમાં આપણે એક સમસ્યામાંથી બીજી સમસ્યા ઉભી કરી છે જ્યારે પહેલી સમસ્યા એમની એમ છે. હું એ પણ કહેવા માગું છું કે યુપી-બિહારથી આવેલા અનેક હોંશિયાર અને ઈમાનદાર ઇજનેરો, ડોક્ટરો અને ફાર્મસીસ્ટ ને હું જાણું છું. પણ જે લોકો કારીગર અને મજૂર તરીકે આવે છે તે સાથે સાથે બીજા કયા કામમાં રોકાયેલા છે તે આપણે જાણી શકતા નથી. મારા ઘણા મિત્રો અને સંબંધીઓ જે પોલીસ ખાતામાં છે તેમના તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના ક્રાઈમ રેટમાં ઉત્તર ભારતથી આવેલા લોકો દ્વારા થતા ક્રાઇમનો દર મોટો છે. આજે દિલ્લી દેશનું ક્રાઈમ કેપિટલ છે જ્યારે મુંબઇ પ્રમાણમાં અનેકઘણું સુરક્ષિત ગણાય છે, એનું એક જ કારણ છે. દિલ્લીમાં યુપી-બિહારની એ અપરાધી માનસીકતાવાળી પબ્લિક મોટા પ્રમાણમાં વસી છે, જ્યારે મુંબઈમાં ગુજરાત અને કર્ણાટકના વિકાસ પ્રેમી લોકો મોટા પ્રમાણમાં વસ્યા છે. તો હું ખાલી યુપી-બિહારના લોકો જે આપણા જ ભારતવાસી ભાઈઓ છે તેમના પર થયેલા શરમનાક હુમલાઓને વખોડવા સુધી સીમિત નહીં રહુ. હું કહીશ કે આ અસંતુલિત પરિસ્થિતિ જે મૂળ હકીકતના કારણે ઉપસી રહી છે યા રાજકીય લાભ લેવા ઉપસાવવામાં આવી રહી છે તે મૂળ કારણને ઠીક કરવામાં હવે પૂરું ધ્યાન આપવાની જરૂર છે. જેથી મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગુજરાતી અસ્મિતાના મુદ્દે નવા રાજ ઠાકરેઓ ઉભા ન થાય અને પરિસ્થિતિને જાતિવાદ-પ્રદેશવાદનું કોકટેલ બનાવીને કાબુ બહાર ન કરી દે. હવે એટલા ખરાબ દિવસો આવી જાય એની રાહ જોવાની જરૂર નથી.

June 12 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

મથુરાની હિંસા : દેશમાં લોકતાંત્રિક અભિગમ ઘટી રહ્યો હોવાનો ખતરનાક સંકેત

“હિંસાત્મક માર્ગો આપણી બંધારણ પ્રત્યેની શ્રધ્ધાનો અભાવ દર્શાવે છે. સંવાદના માર્ગે દુનિયાને સત્ય સમજાવવાની આપણી અસમર્થતા છતી કરે છે. નિષ્કર્ષ રુપે તે આપણામાં બુધ્ધિજીવીતાનો અભાવ દર્શાવે છે.”

શિક્ષણ એટલે શું? દેશના લોકોને શિક્ષણ શા માટે આપવું જોઇએ? આ આખી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવાનો હેતુ શો? આપણા બધાના ભણેલા-ગણેલા શિક્ષિત માતા-પિતાઓને પૂછશો તો જવાબ મળશે – ‘શિક્ષણ એટલે ભણવાનું અને મોટી ડીગ્રી લેવાની.’ અને મોટી ડીગ્રીૂની વ્યાખ્યા કેવી રીતે કરવી? તો જવાબ આવે – ‘જે ડીગ્રીથી વધુમાં વધુ પૈસા કમાઇ શકાય તે મોટી ડીગ્રી.’ એટલે આજના માતા-પિતા માટે છોકરાને ડોક્ટર બનાવવો એ હોટ ફેવરીટ લક્ષ્ય છે. એમાંય વળી કોઇ IIM માં લાગી ગયો તો તો ડોક્ટરી-બોક્ટરી બાજુમાં. ચારેય બાજુ સમાજમાં ટોક ઓફ ધ ટાઉન. ભણેલા ગણેલા અને એન્જીનીઅર – ડોક્ટર બનેલાય એ યોધ્ધાથી અંજાયેલા ફરે. અને આ બધાનું કારણ શું ? એક જ – IIM માંથી બહાર પડે એટલે તો મોટામાં મોટું પેકેજ મળે. એનાથી મોટું તો બીજે ક્યાંય ના હોય’. પણ એ બધી કંપનીઓ અને આપણા દરેક ભોગવિલાસ જેના આધારે ટકેલા છે તે મશીનો અને ઉપકરણો શોધવાવાળા તો બિચારા બીએસસી વીથ ફીઝીક્સના વિદ્યાર્થીઓ હતા. શું એ ડીગ્રી લેનારાથી કોઇ અભિભૂત છે ? નહીં. કારણ કે એમાં સ્ટ્રગલ બહુ છે. શાની ? ”પૈસા કમાવવાની”, સંશોધનો કરવાની નહીં.

            આપણા દેશમાં શિક્ષણનું મહત્વ, તેની દિશા અને તેની સ્થિતિ આ જ છે. પરંતુ, આવું હંમેશા નહોતું. માનવજાતિમાં જ્યારે સભ્યતાની શરૃઆત થઇ, ત્યારે સમાજની વ્યવસ્થા અને શાંતિ જળવાય એના માટે નિયમો બન્યા. ત્યારે કોઇ ડીગ્રીઓ નહોતી. કોઇ કંપનીઓ નહોતી. કોઇ મેનેજમેન્ટ કોર્સ નહોતા. પણ શિક્ષણ વ્યવસ્થા તો હતી. લોકોને એ વાતનું શિક્ષણ આપવામાં આવતું કે આપણે માનવો કોણ છીએ અને બીજા પ્રાણીઓથી કેવી રીતે અલગ છીએ ? જ્યારે આ ફર્ક જણાતો એટલે વાત હજી ઉંડાણમાં જતી કે માનવ તરીકે આપણે આટલા વિચારશીલ અને વિકસિત કેમ છીએ ? માનવ તરીકે વિચારશીલ છીએ એનું ભાન થતાં એ પ્રશ્નો અને જવાબો ઉદભવ્યા કે આ સંસાર કેવડો છે અને ક્યાં સુધી ફેલાયેલો છે ? અને ખાસ, એ કંઇ રીતે કાર્ય કરે છે ? એના નિયમો શું છે ? આ શિક્ષણ વ્યવસ્થામાંથી જ ધીમે ધીમે ભારતીય આધ્યત્મ વિકસ્યું અને તે સમયના ગુરુકુલોમાં વેદોનું નિર્માણકાર્ય સંપન્ન બન્યું. સંસાર શું છે એ જાણ્યા પછી મનુષ્યની એ સંસારમાં ફરજો શી છે એનું શિક્ષણ શરૃ થયું. મનુષ્યને એક નાગરીક બનાવતા સામાજિક નિયમોનું એ શિક્ષણ હતું. એ નિયમો જેમાં લખેલા હતા તે મનુસ્મૃતિ તે સમયનું બંધારણ હતું.

            શિક્ષણ વ્યવસ્થાનો ત્યારે એક જ મુખ્ય ઉદેશ્ય હતો – બાળકને સમાજના નિયમો પ્રત્યે નિષ્ઠાવાન બનાવી ‘કોન્સ્ટિટયુશનલ સેન્સ’ એટલે કે ‘બંધારણીય અભિગમ’ આપવો. આમ, શિક્ષણ વ્યવસ્થા માનવસમાજને સ્થિર અને અખંડ રાખવાનો કેળવણી આપતો એક મુખ્ય સ્તંભ હતો. પહેલા સમાજની સ્થિરતા અને અખંડિતતા, પછી એના આધ્યાત્મિક વિકાસ અને ગૌરવની વાત. આજે એ માનવસમાજ રાજાઓના સમયથી ગુજરતો ગુજરતો ક્યાંક સરમુખત્યારોની ગુલામી વેઠીને લોકશાહી સુધી પહોંચ્યો છે. લોકશાહી એટલે કોઇ એક રાજા ઈચ્છે તે નહીં, પણ કરોડો-અબજોની સંખ્યામાં રહેલા માનવો બહુમતીમાં જે ઈચ્છતા હોય તેમ સમાજને જીવવાનું. હવે, જેટલા માણસો એટલા વિચાર. એ બધાની વિરોધાભાસી ઈચ્છાઓને ન્યાય કરી બધાને સાથે રાખવાના અને સમાજની સ્થિરતા અને અખંડિતતા જાળવી રાખવાની એ મુશ્કેલ કાર્ય તો છે જ. અને એટલે જ નિયમોનો આખો પીરામીડ તૈયાર કરવો પડયો છે. અને ભલે આપણે આપણી બાળપણની નાદાનીમાં એવું સાંભળી-સાંભળીને અને બોલી-બોલીને મોટા થયા હોય કે ‘ભારતનું બંધારણ જ બોગસ છે. લાંબામાં લાંબુ અને કામ વગરનું…’ પણ સત્ય એ છે કે એ દુનિયાનું સૌથી મહાન, માનવતાવાદી અને આદર્શવાદી બંધારણ છે. અને આપણે એ માનવતા અને આદર્શવાદને ધારણ નથી કરી શકતા એટલે એને બોગસ કહીએ છીએ. લોકશાહીમાં કોઇ એક જૂથની મરજી નથી ચાલતી. એક જૂથને પોતાની મરજી સાચી છે અને બધા માટે યોગ્ય છે એ વાત બીજા જૂથને સમજાવવી પડે છે. આ કારણે સમાજમાં ઉદારતા જળવાઇ રહે છે અને સ્વાર્થ, સંકુચિતતા અને તાનાશાહી પર અંકુશ લાગે છે.

            લોકશાહી એ મધપૂડા સમાન છે જેમાંથી પરસ્પરના સંવાદથી જેટલું મધ નીચોવો એટલું ઓછું છે. બસ, જરૃર છે એ કોન્સ્ટીટયુશનલ સેન્સ કેળવવાની. મતલબ, દરેક વસ્તુમાં સાચું શું અને ખોટું શું એ નક્કી કરવા ખાલી બંધારણને જ સંદર્ભ માનવાનો. જે બંધારણ કહે એ સાચું અને જે બંધારણ કહે તે ખોટું. હવે, અહીંયા સમસ્યા છે. મહાભારતનું ભીષ્મ પર્વ આપણને કહી ચૂક્યું છે કે ‘ફક્ત શાસ્ત્રોમાં લખેલા શબ્દો જ ધર્મ નથી. ધર્મ એટલે શું સાચું છે તેનું જ્ઞાાન. તે એક ચેતના છે. સતત જાગૃકતા. દરેક સમયનો પોતાનો ધર્મ હોય છે. કાલ સુધી જે સાચું હતું હોઇ શકે તે આજે ખોટું હોય અને ત્યારે શાસ્ત્રોને બદલવા પડે.’ આપણા બંધારણમાં ભીષ્મ પર્વમાં આપેલા આ સંદેશને પણ આત્મસાત કરવામાં આવ્યો છે. આમ, કોઇને લાગે છે કે દેશમાં કોમન સિવિલ કોડ હોવો જોઇએ, કોઇ કહે છે કે ધર્માંતરણનો દુરૃપયોગ થઇ રહ્યો છે, તે બંધ થવા જોઇએ. કે કોઇ કહે છે કે આરક્ષણ નીતિમાં હવે ફેરફાર થવો જોઇએ. – તો તે દરેક પરીવર્તન બંધારણીય માર્ગે લાવી શકાય છે, અને સમજદારીથી જોવામાં આવે તો બંધારણીય માર્ગે જ લાવી શકાય છે. લોકોને નક્સલવાદીઓના ગેટ-અપમાં શસ્ત્રોની તાલીમ આપવાથી કે હિંસા કરી પોતાની જાતિનું શક્તિ પ્રદર્શન બતાવવાથી તો તે ક્યારેય નહીં આવે. ઉપરથી પ્રશ્નો વધુ ગૂંચવાશે. આપણા એ બધા હિંસાત્મક માર્ગો આપણી બંધારણ પ્રત્યેની શ્રધ્ધાનો અભાવ દર્શાવે છે, તે સંવાદના માર્ગે દુનિયાને સત્ય સમજાવવાની આપણી અસમર્થતા છતી કરે છે. નિષ્કર્ષ રુપે તે આપણામાં બુધ્ધિજીવીઓનો અભાવ દર્શાવે છે.

            એટલે મથુરામાં થયેલી પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના પદો નષ્ટ કરવાની અને એક રૃપિયામાં ચાલીસ લીટર પેટ્રોલ આપવાની વાહિયાત માંગો દેશના લોકોમાં રહેલી બંધારણ પ્રત્યેની અસભાનતાનું પ્રદર્શન છે. અને આ દેશમાં એવો તો ઘણો મોટો જનસમુદાય છે જેને બંધારણના કક્કાની પણ ખબર નથી. તેઓ સ્વાર્થ, ગરીબી કે સત્તાના મનસુબાથી પ્રેરાઇને ક્યારે આવા મનોરોગી થઇ જશે એ કોને ખબર ? એટલે જરૃરી છે જલ્દીમાં જલ્દી શિક્ષણ વ્યવસ્થાને એ રીતે સુધારવાની કે શાળામાંથી બહાર નીકળેલો દરેક નાગરીક બંધારણીય અભિગમને એટલો જ સખત રીતે સમજેલો હોય જેટલો એ ગુણાકાર અને ભાગાકારને સમજેલો હોય છે. દરેક નાગરીકને બંધારણ પ્રત્યે સજાગ અને જવાબદાર બનાવવો એ જ ફરી આપણી શિક્ષણ વ્યવસ્થાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઇએ.

            આપણું બંધારણ એટલું વિરાટ છે કે મથુરાના એ મનોરોગી રામવૃક્ષ યાદવની વાહિયાત માગોને પણ પૂર્ણ કરવાનો માર્ગ ધરાવે છે. બસ, શરત છે કે એ દેશના બહુમતી લોકોને એના જેવા મનોરોગી બનાવી દે અને તેમને એ સમજાવવામાં સફળ થાય કે એ માંગોમાં જ દેશનું અને સમાજનું હીત છે. લોકશાહીનું રણમેદાન સંવાદ છે અને બુધ્ધિજીવીતા અને જ્ઞાાન તેનાં શસ્ત્રો છે. એટલે દેશનો દરેક યુવાન જ્ઞાાન અને બુધ્ધિજીવીતાની શરણે જાય અને પોતે જે રીતે દેશને ચલાવવા માગે છે તે રીતે દેશને સમજાવવા સંવાદના મેદાનમાં આવે, જો તે વિચાર સાચો, ઉદાર અને માનવતાવાદી છે, તો લોકશાહીમાં તે ચોક્કસ સ્વીકારાશે. આજ માનવતાની રીત છે. હિંસા કરીને એકબીજાને નુકશાન પહોંચાડવું એ તો પશુતા છે.

Date not found / 2015-16 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

ગાંધી આજે કેટલા પ્રાસંગિક..?

“પાલનપુરની એક પ્રખ્યાત શાળામાં યોજાયેલી એક વકતૃત્વ સ્પર્ધામાં બોલવા માટે એક બાર વર્ષની બાળકીને ગાંધીજી પર એક નિબંધ લાખી આપેલો. ચૌદ જીલ્લાઓ વચ્ચે થયેલી તે પ્રતિયોગિતામાં એ નિબંધનો પ્રથમ નંબર આવ્યો. એટલે અન્ય લોકો પણ એ નિબંધના વિચારોને જાની શકે એ માટે તેને અહી આપવામાં આવ્યો છે.”

ગાંધી આજે કેટલા પ્રાસંગિક..? આ સવાલના બે અર્થ નીકળી શકે છે. એક ગાંધીજીની વિચારધારા આજે કેટલી અમલમાં છે? અને બીજો, ગાંધીજીની વિચારધારા આજે કેટલી ઉપયોગી છે, કેટલી પ્રેક્ટીકલ છે? આ બંનેના જવાબ મેળવતા પહેલા એનો આછો ખ્યાલ મેળવી લેવો જરૂરી છે કે ગાંધીજીની વિચારધારા શું હતી?

            ગાંધીજીને ખાલી સત્ય અને અહિંસાના પુજારી તરીકે જ ઓળખવા એ તેમને ઓળખવાની આપણી અસમર્થતા કહેવાશે. ગાંધીજી માનવતાના પ્રતિનિધિ હતા. માનવતા એટલે મનુષ્ય અને તેનું સામર્થ્ય. મનુષ્યના સામર્થ્યને ગાંધીજીએ હમેશા મનુષ્યના સ્વાવલંબન રૂપે જોયું. જેટલો મનુષ્ય સ્વાવલંબી, જેટલી મનુષ્યને બીજા કોઈ મનુષ્યની કે બીજી કોઈ વસ્તુની જરૂર ઓછી પડે તેટલો તે શક્તિશાળી. આ તેમનું જીવનદર્શન હતું. તેમનું સત્ય ખાલી સાચું બોલવા સુધી સીમિત નહોતું. દુનિયા પરનો દરેક મનુષ્ય સમાન છે અને કોઈ એક જ પરમ શક્તિની પેદાશ છે, ચાહે તે શક્તિને ઈશ્વર, અલ્લાહ કે ગોળ જે નામથી બોલાવી લો. – ઉપનીષદોનું આ સનાતન સત્ય તેમના અંતરમાં સ્થિત થયેલું સાચું સત્ય હતું. અને આ સત્યમાંથી જ ઉત્પન્ન થતા તેમના પ્રેમ અને અહિંસાના આદર્શો. જો દરેક મનુષ્ય સમાન છે અને એક જ ઈશ્વરનું સંતાન છે તો મનુષ્ય-મનુષ્ય વચ્ચે એક જ વ્યવહાર હોઈ શકે અને તે છે પ્રેમ. અને જ્યાં પ્રેમ હોય ત્યાં હિંસા ન હોઈ શકે. તેમની અહિંસા પણ કોઈ મારધાડ કે કત્લેઆમના વિરોધ પુરતી સીમિત નહોતી. કોઈ એવો બિનજરૂરી શબ્દ જે બીજને દુખ પહોંચાડતો હોય એ પણ તેમના માટે હિંસા હતો. પરંતુ, તેમની અહિંસા કોઈ કાયરતાનું પ્રદર્શન નહોતી. તેમને એકવાર કહેલું કે ‘કો કોઈ સમયે કાયરતા અને  હિંસામાંથી કોઈ એકને પસંદ કરવાનું આવશે તો હું હિંસાને પસંદ કરીશ.’ તેમના માટે અહિંસા અન્યાયનો પ્રચંડ વિરોધ કરવા એક માનવતાવાદી હથિયાર હતું. પરંતુ, ત્યાં સુધી જ જ્યાં સુધી એણે માનવતા સમજવામાં આવે, કાયરતા નહિ.

            આમ, સમગ્રમાનવજાતિને માનવ્તાવાદની એક નજરે જોવાનું તેમનું સામર્થ્ય હતું. તેમના માટે શાસ્ત્રો અને ધર્મ ફક્ત બોલ્બની અને ચર્ચાઓ કરવાની વસ્તુઓ નહોતી. તેમના માટે ધર્મ એક જીવન પધ્ધતિ હતી જેનું તેમણે આજીવન પાલન કરી બતાવ્યું. ધર્મનો એક જ અર્થ છે અને તે છે તે પ્રમાણે જીવવું. આ એમની ધાર્મિકતા હતી. 

            હવે, આવા કેટલા મનુષ્યો ભારતમાં કે આ દુનિયા પર છેએ સવાલ થોડો દુઃખદાયી છે. કારણકે ગાંધીજીના આદર્શોને સંપૂર્ણપણે જીવી બતાવ્યા હોય તેવા લોકોને ગણવા માટે આંગળીના વેઢા પણ વધારે પડે તેમ છે. કોઈ ગાંધીજીની એક બાજુ જીવી બતાવે છે તો બીજી અનેક બાજુઓ રહી જાય છે. કોઈ બીજી બાજુ જીવી બતાવે છે તો પહેલી કેટલીક રહી જાય છે. આમ, આ દુનિયા છેલ્લા ૬૭ વર્ષમાં બીજો ગાંધી પેદા નથી કરી શકી અને કદાચ કરી શેક એમ પણ નથી. હવે, વાત રહી કે તેમની વિચારધારા કેટલી અમલમાં છે, તો જવાબ એક જ છે- ગાંધીજી ફક્ત આદર્શો અને પુસ્તકોમાં રહી ગયા છે અને દુનિયાએ જીવન તેમનાથી સાવ વિપરીત અપનાવ્યું છે. તેમણે મનુષ્યને સ્વાવલંબી બની સામર્થ્યશાળી બનવાની રાહ દેખાડી હતી. પરંતુ, મનુષ્યે વિજ્ઞાનને પણ પોતાના ભોગવિલાસ માટે વાપરી ટેકનોલોજી પર પરાવલંબન સ્વીકાર્યું છે અને પોતાનું સામર્થ્ય ગુમાવ્યું છે. ફક્ત સામર્થ્ય જ નહિ, મનુષ્યે પોતાની તંદુરસ્તી અને પર્યાવરણને પણ ગાંધીજીથી વિપરીત ચાલીને જોખમમાં મુક્યા છે. આજે ગ્લોબલ વોર્મિંગની ભયાનક સમસ્યાઓ તેનું જ કારણ છે. ધર્મ- જે મનુષ્યને એક કરવા માટે હતો, મનુષ્યે તે ધર્મના નામે જ માનવસમાજને ટુકડાઓમાં વહેંચ્યો છે અને પરસ્પર કત્લેઆમ ગુજારી છે. આમ, ગાંધીજીના વિચારો કમનસીબે આજે અમલમાં તો નથી પરંતુ તેમના વિચારોની પ્રાસંગિકતા સમય સાથે વધારે મજબુત બની છે. આ વાત પ્રધાનમંત્રીના હાલમાં જ બ્રિટનમાં અપાયેલા ભાષણથી પણ સાબિત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ‘આજે સમગ્ર માનવસમાજના અસ્તિત્વ સામે જયારે આતંકવાદ અને ગ્લોબલ વોર્મિંગની બે ભયાનક સમસ્યાઓથી જોખમ ઉભું થયું છે ત્યારે એકમાત્ર ગાંધીજીનું જ જીવન આપણને તે બંનેમાંથી મુક્તિ આપવાનું કાર્ય કરી શકે છે.’

            આતંકવાદને ગાંધીજી તરફથી જવાબ છે પ્રેમ અને અહિંસા, જે ઉપનિષદોના એ સંદેશથી ઉત્પન્ન થાય છે કે પૃથ્વી પર જીવતો દરેક માનવ કોઈ એક જ ઈશ્વરનું સંતાન છે. ગ્લોબલ વોર્મિંગને ગાંધીજી તરફથી જવાબ છે સાદગી અને સ્વાવલંબન. જેટલો મનુષ્ય સ્વાવલંબી બનશે અને સાદું જીવન અપનાવશે તેટલી તેને ટેકનોલોજીની ગુલામીમાંથી આઝાદી મળશે. કુદરતી ગેસ અને પેટ્રોલીયમનો વપરાશ ઘટશે તેમજ બીજા અનેક ભોગવીલાસોના સામાનોની ફેકટરીઓ બંધ થશે જે ધરતી પર કાર્બનના ઉત્સર્જનને અઓછું કરવાનું કાર્ય કરશે. જો દરેક માણસ સાદું જીવન જીવે અને પોતાની જરૂરીયાતોને માર્યાદિત બનાવી બિનજરૂરી ભોગ્વીલાસોથી મુક્ત થાય તો દુનિયામાં એટલા સંશાધનો તો છે કે પૃથ્વી પરના કોઈ માનવને ક્યારેય ભૂખ્યા ન સુવું પડે. પરંતુ, દુનિયાની નેવું ટકા સંપત્તિ આજે દીનુંઅના દસ ટકા લોકો પાસે કેન્દ્રિત થઇ ચુકી છે અને તેમના ભોગ્વીલાસોની કોઈ સીમા નથી. આ ભોગ્વીલાસી માનસિકતાએ જ મૂડીવાદને જન્મ આપ્યો છે અને મુડીવાદે ગરીબીને. આ બધાનો ઈલાજ ગાંધીજીના સાદગી અને સ્વાવલંબનના નારામાં આવી જાય છે.

            આજના અસંખ્ય ઢોંગી બાબાઓ, ધર્મગુરુઓ અને આ બંનેથી સતત છેતરતી ભોળી અને કેટલેક અંશે ગાંડી પ્રજાને ગાંધીજીનું જીવન એક જ સંદેશ આપે છે; ધર્મ કોઈ કથાઓ, ક્રિયાકાંડો અને તર્ક-વિતર્કોનો વિષય નથી. ધર્મ આચરણનો વિષય છે અને આચરણ મારફતે જ તેને જીવનમાં અને સમાજમાં સ્થાપિત કરી શકાય છે. આથી, દરેક માણસે ધર્મની મોટી મોટી ચર્ચાઓથી દૂર રહી ધર્મના સનાતન સિધ્ધાંતોને આચરણમાં મુકવા તરફ પુરુષાર્થ કરવો જોઈએ. છેલ્લે જે વિવાદ હમણાં બહુ ચર્ચામાં છે તે ભારતમાં ભારતીય અને વિદેશી સંસ્કૃતિના સંઘર્ષના વિષયમાં પણ ગાંધીજીના વિચારો અત્યંત પ્રેરણાદાયક છે. ગાંધીજીએ કહ્યું હતું, ‘હું ચાહું છું કે જેટલા દેશોની સમભાવ હોય તેટલા દેશોની સંસ્કૃતિઓ મારા દેશમાંથી ગુજરે. પરંતુ, એમાંથી કોઈપણ સંસ્કૃતિના દરવાજા આગળ હું કે મારી સંસ્કૃતિ અસહાય બની જાય એ મને સ્વીકાર્ય નથી. મને બીજી કોઈ સંસ્કૃતિના ઘરમાં એક ઘૂસપેઠિયા, એક ભિખારી કે એક દાસ તરીકે રહેવું પણ સ્વીકાર્ય નથી.’ આમ, ગાંધીજીનું સ્પષ્ટ માનવું હતું કે ચાહે જેટલી પણ વિદેશી સંસ્કૃતિઓ આ દેશમાં આવી જાય, પણ તેના સામે આપણી સંસ્કૃતિ પાંગળી થઇ જાય એ સ્વીકાર્ય નથી. બીજી અનેક સંસ્કૃતિઓને આપણે આ દેશમાં સ્થાન આપીએ પણ એનાથી આપણી સંસ્કૃતિનો પ્રવાહ જરા પણ બાધિત ન થવો જોઈએ. એટલે આપણે આપણા આ દેશમાં આપણી સંસ્કૃતિને જ મુખ્ય પ્રવાહ તરીકે સ્વીકારવાની છે, જેથી ભવિષ્યમાં આપણે કોઈ બીજી સંસ્કૃતિના ઘરમાં એક સાદ, ભીકારી કે ઘૂસપેઠિયા બનીને ન રહેવું પડે.

            આમ, વર્તમાન વિશ્વનો અને વર્તમાન ભારતનો કોઈ એવો પ્રશ્ન નથી જેનું સમાધાન ગાંધીજીના વિચારોમાંથી ન મળતું હોય. તેમની મહ્ન્તાનું મુખ્ય કારણ એ જ છે કે તેમના વચનો અને તેમણે કરેલા કર્મોમાં ક્યાંય વિરોધાભાસ જોવા મળતો નથી. અને એ કર્મોનું અનુસરણ જ આધુનિક વિશ્વની તમામ સમસ્યાઓનો અંત છે. આથી. સમાપન ગાંધીજીના એ મનપસંદ ગીતના સાર સાથે જ કરીએ…

“વૈષ્ણવજન તો એણે કહીએ જે પીડ પરાઈ જાને રે.

પરદુખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.”  અર્થાત –

ઈશ્વરના માર્ગે ચાલનારો માણસ એ જ છે જે બીજાના દુખોને જાણે અને તે દુખોને દૂર કરવા પ્રયત્ન કરે. છતાંય, તેને તેના આ ઉપકાર પ્રત્યે કોઈ અભિમાન ન હોય.

July 10 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

ભારતની ગરીબીનું કારણ : અધ્યાત્મનું ખોટું અર્થઘટન

“પશ્ચિમના સમાજનું લક્ષ્ય સાંસારિક ભોગવિલાસ અને સમૃદ્ધિ મેળવવાનું છે અને તે માટે તેઓ રાત-દિવસ અથાગ પરિશ્રમ કરે છે. આના કારણે તે સમૃદ્ધ છે. તેમનામા જીવનની સાર્થકતાનું જ્ઞાન નથી પણ ગરીબી પણ નથી”

મનુષ્યનો આત્મા એક પછી એક શરીરોમાં અનેક જન્મ લે છે. અનેક જન્મોની તેની આ યાત્રા તમસ, રજસ અને સત્ત્વ ગુણમાં ક્રમિક રીતે થાય છે. આ યાત્રાના કોઈ એક સમયે આ ત્રણેયમાંથી કોઈ એક જ ગુણ સક્રિય હોય છે. એક ગુણ જ્યારે સક્રિય થાય એટલે બાકીના બે ગુણોને ઢાંકી દે છે. એટલે મનુષ્ય જ્યારે તમસ ગુણ પ્રમાણે આળસુ અને અલ્પ બુદ્ધિશક્તિ ધરાવતો હોય ત્યારે તે રજસના ગુણ પ્રમાણે મહત્ત્વકાંક્ષી અને ભોગવિલાસો માટે ઉદ્યમી નથી હોતો. આ સમયે તે સત્ત્વ ગુણની જેમ જીવનની યથાર્થતા વિશે સવાલ પણ નથી કરતો. જ્યારે મનુષ્ય રજસ ગુણમાં આવે છે ત્યારે તે તમસ પ્રમાણે આળસુ અને મૂળભૂત જરૃરિયાતો પૂરતો સંતોષી નથી રહેતો. તે ભોગવિલાસી જીવન માટે મહેનત કરતો થાય છે. આ સમયે તે સત્ત્વ ગુણ પ્રમાણે સત્યનો શોધક પણ નથી હોતો. અને રજસ ગુણથી જ્યારે તે સત્ત્વ ગુણમાં પ્રવેશ કરે છે ત્યારે તે જીવન અન સૃષ્ટિના સત્યને જાણવા માટે છેલ્લામાં છેલ્લો પરીશ્રમ કરવા માટે તૈયાર થાય છે. તે સમયે તે તમોગુણી જેવો આળસુ અને રજસ ગુણી જેવો ભોગવિલાસી, સત્તાપ્રેમી અને કીર્તિપ્રેમી નથી હોતો.

            આમ, સત્યની શોધમાં નીકળેલો મનુષ્ય આળસુ અને ખાવાપીવાની ઇચ્છાઓ પૂરતો સીમીત ન હોઈ શકે. જે રુંવાટે રુંવાટે સત્યપ્રાપ્તિ માટે તલસતો હોય અને અથાગ અધ્યાત્મિક પરીશ્રમ કરતો હોય તે જ સત્યને પામી શકે. આ સાથે તે ભોગવિલાસ, સત્તા અને પ્રસિદ્ધિનો ભૂખ્યો પણ ન હોઈ શકે. તે એ બધી વાતોથી ઉપર ઉઠી ગયો હોય ત્યારે જ સત્વ ગુણમાં પ્રવેશી શકે. આમ, આ વિજ્ઞાન સત્ત્વ ગુણની અસરમાં રહેલા મનુષ્ય (બ્રાહ્મણ)નું સાચું ચરિત્ર દર્શાવે છે. આ જ વિજ્ઞાન પરથી સ્વામી વિવેકાનંદ એ તારણ પર પહોંચ્યા હતા કે ભારતના લોકો પહેલી નજરે ઘાર્મિક દેખાતા હોવાથી સત્ત્વગુણી લાગે છે પરંતુ અસલમાં તેઓ તમસ ગુણમાં લિપ્ત છે. તેઓ પુરાણોમાં આપેલી કથાઓને અને ભ્રષ્ટ બ્રાહ્મણોએ બતાવેલા ક્રિયાકાંડોને હિંદુ ધર્મ સમજી બેઠા છે. એ ક્રિયાકાંડો કરીને તેઓ સંતોષી થઈ ચૂક્યા છે કે જીવનના અર્થને તેમણે સર કરી દીધો છે. તેમનામાં ઉત્પન્ન થયેલો આ સંતોષ તેમને વિકાસ સાધવાથી તો ઠીક પૂરતું ભરણપોષણ મેળવવાથી પણ દૂર રાખે છે. આ તમો ગુણ નથી તો બીજું શું છે ? હિંદુ ધર્મ ક્રિયાકાંડોમાં નથી. હિંદુ ધર્મ ઉપનિષદોના જ્ઞાાનમાં છે અને જ્યાં સુધી એ જ્ઞાાનનો આત્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી સાચો ધર્મ ઉત્પન્ન થતો નથી. અને તે આત્મસાક્ષાત્કાર માટે તો સાંસારિક ભોગવિલાસ મેળવવા કરવો પડે તેના કરતા અનેકગણો વધારે પરિશ્રમ કરવો પડે છે. તમોગુણી પરિશ્રમ કરી શકતો નથી. તે આળસ માટેના બહાના શોધે છે અને ભારતમાં આધ્યાત્મિક હોવું એ આળસુ બનવાનું એક બહાનું બની ચૂક્યું છે.

            પશ્ચિમના સમાજનું લક્ષ્ય સાંસારિક ભોગવિલાસ અને સમૃદ્ધિ મેળવવાનું છે અને તે માટે તેઓ રાત-દિવસ અથાગ પરિશ્રમ કરે છે. આના કારણે તે સમૃદ્ધ છે. તેમનામા જીવનની સાર્થકતાનું જ્ઞાાન નથી પણ ગરીબી પણ નથી. તેઓને એ જ્ઞાાન નથી કે જીવનનો ઉદ્દેશ્ય શું ? તેઓ પણ આપણી જેમ અંધકારમાં ભટકી રહ્યા છે પણ એ અંધકાર તમસનો નથી. તેઓ રજસ ગુણમાં આવી ચૂક્યા છે. તમસ અને રજસ પછી જ સત્ત્વ આવે છે. આમ, તેઓ સત્ત્વગુણથી આપણા કરતા વધારે નજીક છે. સંસાર નાશવંત અને નિરર્થક હોવાનો અનુભવ અને સત્યનો સાક્ષાત્કાર પશ્ચિમ સમાજને આપણા કરતા પહેલા થશે.

            જીવન શાના માટે છે એનો શ્રેષ્ઠ જવાબ શોધવો હોય તો ત્યાં જવું પડે જ્યાંથી જીવન શરુ થયું હતું. એ સ્થાન છે બેક્ટેરિયા. પાણીમાં રહેલું તે બેક્ટેરિયા પોતાનું નાનકડું જીવન પાણીમાંથી જાતજાતના ઘટક પદાર્થો અને પોષકતત્ત્વો પોતાનામાં ખેંચી લેવામાં વિતાવે છે. તે પદાર્થોમાંથી ઊર્જાનું ઉત્પાદન કરે છે અને અમુકને વિવિધ કોશિકાઓ સ્વરૃપે એકઠા કરે છે. ત્યારબાદ જે પણ ઉત્પાદન કર્યું છે તેને તે પોતે નાશ પામી ઉત્પન્ન થતા બે નવા બેક્ટેરિયાને વહેંચી દે છે. બેક્ટેરિયાને જીવનનો અર્થ પૂછશો તો કહેશે, ‘જીવન એટલે દુનિયામાંથી વધુમાં વધુ અર્જિત કરવું અને પછી જે પણ અર્જિત કરવામાં આવ્યું છે તેને દુનિયામાં વહેંચી દેવું.’ પણ મનુષ્યોમાં બધા અર્થ લુપ્ત થઈ રહ્યા છે. મોટા ભાગના મનુષ્યો એવા છે કે જેમને પોતે મહેનત કરીને દુનિયામાં કંઈ નવું ઉત્પન્ન કરવું જ નથી અને બાકીના એવા છે જેમને ઉત્પન્ન તો કરવું છે પણ તેને દુનિયામાં વહેંચવું નથી. સારું છે એ બેક્ટેરિયા આપણા જેવા નહોતા. કારણ કે જો બેક્ટેરિયાએ કંઈક નવું ઉત્પન્ન કરવાની ના પાડી દીધી હોત તો DNA ના એ અણુઓ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં આવ્યા જ ન હોત. જીવન વિકસ્યું જ ન હોત અને મનુષ્યની ઉત્પત્તિ જ ન થઈ હોત. જીવનના વિકાસ અને આપણી ઉત્પત્તિ આ એક જ આદર્શનું પરિણામ છે કે પોતાને મળેલા સમયમાં વધુમાં વધુ ઉત્પન્ન કરવામાં આવે અને સમયના અંતે ઉત્પન્ન કરેલું તે બધું – ચાહે ધન હોય, વિદ્યા હોય, જ્ઞાન હોય કે આત્મસાક્ષાત્કાર હોય – તેને મૃત્યુ પહેલા દુનિયામાં પૂરેપૂરુ વહેંચી દેવામાં આવે. જો દરેક માણસ એ બેક્ટેરિયાની જેમ જીવે તો દરેક મનુષ્ય આ દુનિયાને કંઈકને કંઈક નવું અને વિશેષ આપતો જાય. જો દરેક મનુષ્ય પોતાના જીવનને દુનિયામાં કંઈક ઉત્પન્ન કરવાનો અને પછી એ ઉત્પાદનને વહેંચી દેવાનો યજ્ઞ કરીને જીવી જાય તો ના તે પોતે ક્યારેય ગરીબ રહે, ના તેની પાછળ કોઈ ગરીબ રહે. બેક્ટેરિયાનું એ જીવન રજસ ગુણોનું પ્રતીક છે અને તેનો અંત સત્ત્વ ગુણની શરુઆત છે. જે સમાજ, જે દેશ રજસ અને સત્ત્વ વચ્ચેના આ સમયમાં હશે તે જ ભવિષ્યમાં સાચા અધ્યાત્મ સુધી પહોંચી શકશે.

            ભારતીય અધ્યાત્મ કોઈ એક તરફી અંતિમવાદ નથી. એ તો સંતુલનનો એક જીવતો જાગતો પિંડ છે. તેના ચાર સ્તંભ છે. અર્થ, કામ, જ્ઞાન અને મોક્ષ. મૂળમાં આવે છે અર્થ એટલે કે વ્યક્તિની અને સમાજની આર્થિક સમૃદ્ધિ. પછી આવે કામ – એટલે કર્મ અને સંસારનો વિસ્તાર. મતલબ કે સૃષ્ટિ ચક્રને ચાલતુ રાખવામાં યોગદાન આપવું. પછી જ્ઞાન એટલે જીવન અને સૃષ્ટિનું સત્ય શું છે તથા બ્રહ્મ શું છે તેની જાણકારી. અને ચોથું છે મોક્ષ એટલે સૃષ્ટિના અદ્વૈત હોવાના જ્ઞાનનો સાક્ષાત્કાર કરી સ્વયં બ્રહ્મપુરુષ બની જવું. મોક્ષ અંતિમ લક્ષ્ય છે અને આર્થિક સ્થિરતા એ લક્ષ્યનો મુખ્ય પાયો. જો આર્થિક સ્થિરતા ન હોય તો સંસારનો વિસ્તાર મુશ્કેલ બને. ભૂખ્યા પેટે જ્ઞાન પણ ન આવે અને આત્મસાક્ષાત્કાર પણ ન થાય. એટલે ભારતીય અધ્યાત્મ ખાલી સંતોષવાદમાં અને ભક્તિમાં નથી. ભારતીય અધ્યાત્મ મૂળરૃપે આ ચાર સ્તંભોનું સંપૂર્ણ સંતુલન છે. જ્યારે દરેક મનુષ્યમાં આ ચાર સ્તંભો સંતુલિત બનશે ત્યારે જ ભારતીય સમાજમાં પણ એ સંતુલન દેખાશે. એ સંતુલન જ્યાં ગરીબી પણ નથી અને ભૌતિકવાદ પણ નથી. જ્યાં ફક્ત સત્ય છે. સંતુલન જ સત્ય છે.

April 16 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

ધર્માંતરણો - માનવતાનું અપમાન અને ભાવિ લુપ્તતાનું કારણ

“ધર્માંતરણોના માર્ગે ચાલી રહેલી ધર્મોની આ રેસ આ રીતે જ ચાલુ રહી તો એ તમામ વૈજ્ઞાનિકોની મહેનત હંમેશા માટે એળે જવાની છે. કારણ કે મનુષ્યો ઈશ્વરના નામે ધાર્મિક વસ્તી ઉભી કરી એકબીજા પર સત્તા ભોગવવાના સંઘર્ષમાં અંદરો અંદર લડીને લુપ્ત થઇ જશે”

આફ્રિકાના જંગલોમાં આદીમાનવો માંથી આધુનિક મનુષ્ય બનેલા માનવોએ આફ્રિકાથી બહાર નીકળી સિંધુખીણની સંસ્કૃતિ રૂપે સમાજજીવન શરુ કર્યું. આ સમાજજીવનમાં પહેલું કામ તેમણે એ જાણવાનું કર્યું કે આપણે કોણ છીએ અને આ ધરતી પર કેમ છીએ..? વર્ષોની શોધખોળ પછી તેમને જવાબ એ મળ્યો કે આ આખા અસ્તિત્વનો કણ-કણ એક જ ઉર્જાથી બનેલો છે અને તે જ ઉર્જા તેની સર્વોચ્ચ ક્ષમતા સાથે મનુષ્યમાં પણ વાસ કરે છે. સમગ્ર અસ્તિત્વમાં ફેલાયેલી એ ઉર્જાનો પોતાનામાં અનુભવ કરી સમગ્ર અસ્તિત્વ સાથે એકાકાર થઇ જવું એ જ મનુષ્યની મુક્તિ છે. અને એ મુક્તિ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. આ જ્ઞાન થવાના કારણે માનવજાતિની એ સૌપ્રથમ સંસ્કૃતિએ એક આદ્યાત્મિક જીવન પધ્ધતિ વિકસાવી જેમાં કહેવામાં આવ્યું કે – ‘સમગ્ર અસ્તિત્વ સાથે એકાકાર થઇ જવાનો સાક્ષાત્કાર મનુષ્યજીવનનું લક્ષ્ય છે. આથી, તે સાક્ષાત્કાર મેળવવા મનુષ્ય પોતાને યોગ્ય લાગે તે માર્ગ પસંદ કરવા સ્વતંત્ર છે. બસ, તેને યાદ રાખવાનું છે કે એ માર્ગ તે બીજા કોઈ પર થોપી શકશે નહિ. ના તે એવું સિદ્ધ કરવાની કોશિશ કરી શકશે કે એનો માર્ગ જ બીજા માર્ગોથી શ્રેષ્ઠ છે. એણે બીજા મનુષ્યોએ પસંદ કરેલા માર્ગોને પણ સાચા માની તેમનું પોતાના માર્ગ જેટલું જ સમ્માન કરવું પડશે.’ આ વિચારને આપણે વેદોમાં વ્યક્ત કરાયેલો હિન્દુત્વનો સનાતન વિચાર કહીએ છે. જે સનાતન હિન્દૂ ધર્મનું મૂળ છે.

            શરૂઆતની આ મજિયારી સંસ્કૃતિમાંથી ધીમે ધીમે જે નવી સંસ્કૃતિઓ છૂટી પડી તે સમય સાથે સત્તાલોલુપ અને ભૌતિકવાદી બનતી ગઈ. એવા રાજાઓ પેદા થયા જે પોતાને જ ઈશ્વર માનતા. આવા સમયે ઈશુ ખ્રિસ્તે સૌ મનુષ્યોના પરમપિતા એવા એક ઈશ્વરને પૂજવાનો સંદેશ આપ્યો. અને તેમના અનુયાયીઓએ સૌપ્રથમવાર એક નિશ્ચિત માર્ગે તે એક ઈશ્વરને પૂજવા લોકોને અપીલ કરી. એ અપીલ નમ્રતા, પ્રેમ અને અહિંસાના માર્ગે સ્વબલિદાન આપી કરાતી હતી. પણ એના ૭૦૦ વર્ષ પછી એક બીજી વિચારધારા ઉત્પન્ન થઇ જેણે એ જ ઈશ્વરને એક બીજું નામ આપી તે નામ સાથે જ ઈશ્વરને પૂજવાની હાકલ કરી. અને આ હાકલ હિંસક હતી. લોકો પર કાંતો અમારો માર્ગ અપનાવો કાંતો મરવા તૈયાર રહો એવા આખરી અલ્ટીમેટમ સાથે એ માર્ગ થોપાવા લાગ્યો. આમ, સનાતન હિન્દૂ વિચારધારા સાથે વિશ્વમાં બીજી બે એવી વિચારધારાઓ ઉત્પન્ન થઇ જે પોતપોતાનાની રીતે બીજાને પોતાનો માર્ગ અપનાવવા અપીલ કરી રહી હતી. આ બે વિચારધારાઓ વચ્ચે હવે વધારે મનુષ્યોને પોતાના માર્ગે લાવવાની હોડ લાગી. અને અહીંથી શરુ થયો ધર્માંતરણોનો એ દૌર જેણે માનવજાતિના ઇતિહાસના સૌપ્રથમ ધર્મયુધ્ધોને જન્મ આપ્યો. પહેલીવાર મનુષ્યો એકબીજાને એ ઠસાવવા મારી રહ્યા હતા કે ઈશ્વરને પૂજવાનો મારો માર્ગ તારા કરતા વધુ સાચો છે. અને ધર્માંતરણોની આ મૂર્ખ રેસ આજે પણ ચાલુ છે. આજે પણ આ બે વિચારધારાઓ દ્વારા વિવિધ દેશોમાં જઈને ત્યાંના લોકોને પોતાને માર્ગે જ ઈશ્વરને માનતા કરી દેવાની યેનકેન પ્રકારે કોશિશો થાય છે. અને આમા મનુષ્યો એના એ જ રહે છે, બસ તેમના નામ, કપડાં, ક્રિયાકાંડો અને ઈશ્વરનું નામ બદલાઈ જાય છે. આ રીતે એક ધાર્મિક વસ્તી ઉભી કરવામાં આવે છે અને તેના આધારે દેશોની સત્તા કબ્જે કરવામાં આવે છે. છેલ્લે એનાથી માનવજાતિને ઈશ્વર તો મળે કે ના મળે પણ ભયંકર કત્લેઆમ તો આજે પણ મળી રહી છે. કારણ કે આ બે વિચારધારાઓના પોતાનો માર્ગ બીજા પર થોપવાના ઝનૂન સામે બીજા ધર્મો પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા સ્વ-બચાવના સંઘર્ષમાં પડ્યા છે. અને આ સંઘર્ષે વિશ્વનું ચિત્ર એવું કરી દીધું છે કે એ તરફ કેટલાક મનુષ્યો માનવને લાબું આયુષ્ય મળે એ કોશિશોમાં એઇડ્સ અને કેન્સરની દવાઓ શોધવા કલાકોના કલાકો લેબોરેટરીઓમાં કાઢી રહ્યા છે અને બીજી બાજુ કેટલાક મનુષ્યો ‘ઈશ્વરને પૂજવાનો મારો માર્ગ જ સાચો છે’ – એવી દાદાગીરી કરીને એક મિનિટમાં સેંકડો મનુષ્યોની કત્લેઆમ મચાવી દે છે. અને જો ધર્માંતરણોના માર્ગે ચાલી રહેલી ધર્મોની આ રેસ આ રીતે જ ચાલુ રહી તો એ તમામ વૈજ્ઞાનિકોની મહેનત હંમેશા માટે એળે જવાની છે. કારણ કે મનુષ્યો ઈશ્વરના નામે ધાર્મિક વસ્તી ઉભી કરી એકબીજા પર સત્તા ભોગવવાના સંઘર્ષમાં અંદરો અંદર લડીને લુપ્ત થઇ જશે.

            ધર્માંતરણો માનવતાનું અપમાન છે. કારણ કે તે માનવ પાસેથી એ સમ્માન છીનવી લે છે જે આફ્રિકાથી બહાર નીકળેલા એ શરૂઆતી માનવોએ માનવજાતિને આપ્યું હતું. અને એ સમ્માન છે- ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે પોતાનો મનપસંદ માર્ગ પકડવાની સ્વતંત્રતા અને સમગ્ર માનવસમાજમાં પોતાના માર્ગની સ્વીકૃતિ. એટલે સમય આવી ગયો છે કે આપણે ફરી આ ધરતી પર વેદોના એ સનાતન વિચારને સ્થાપીએ કે પોતાના ઈશ્વરીય રૂપનો સાક્ષાત્કાર કરવા માટે મનુષ્ય કોઈપણ માર્ગ લેવા સ્વતંત્ર છે. બસ તે એ માર્ગને બીજાના પર થોપી શકશે નહિ અને પોતાના માર્ગને બીજા કરતા મહાન કહેવાનો પણ તેને હક નથી. વિશ્વના દરેક મનુષ્યને બીજા મનુષ્યોના ઈશ્વરપ્રાપ્તિના માર્ગને સાચા માની પોતાના માર્ગ જેટલું જ સમ્માન આપવું પડશે.

            ગ્લોબલાઈઝેશનની દુનિયામાં ફરી એક મજિયારી સંસ્કૃતિ બનવા જઈ રહેલી આ માનવજાતિને સાચા પાયે એક કરવા શરૂઆતની એ મજિયારી સંસ્કૃતિનો આ સનાતન વિચાર ફરી અમલમાં લાવવો જરૂરી છે. અને એની શરૂઆત ભારતે જ કરવી જોઈએ. કારણ કે ભારત એ સનાતન વિચારનો વાહક છે. એટલે વિશ્વને એક નવું જીવન આપવા માટે હવે ભારતમાં આ એલાન કરી દેવામાં આવે કે – ‘વિશ્વના તમામ ધર્મો પર ધરતી પરના તમામ મનુષ્યોનો સમાન અધિકાર છે. અને એ અધિકાર તેમને ત્યારે જ મળશે જયારે તેમને કોઈ ધર્મને જાણવા-સમજવા કે અનુસરવા માટે પોતાની ઓળખ નહિ બદલવી પડે. આથી, વિશ્વના તમામ ધર્મો સાચા જ છે અને એક જ ઈશ્વરના સાક્ષાત્કાર તરફ લઇ જાય છે એવું માનીને આજથી આ દેશમાં ધર્માંતરણો હંમેશા માટે બંધ કરવામાં આવે છે. આજથી આ દેશનો દરેક નાગરિક દરેક ધર્મને પોતાની ઓળખ બદલ્યા વગર પોતાના માર્ગ તરીકે ચકાસી શકે છે.’ તો, બીજી બાજુ લવ-જેહાદ જેવા ષડયંત્રકારી માર્ગે ધાર્મિક વસ્તી વધારવાના મનસુબાઓને રોકવા અલગ નિયમ એ બને કે – કોઈ પણ અન્ય ધર્મનો છોકરો જો હિન્દૂ ધર્મની છોકરી જોડે લગ્ન કરશે તો બંનેમાંથી કોઈને પોતાનો ધર્મ બદલવાની જરૂર નથી, પણ તેમનું આવનારું સંતાન ભારત દેશની સનાતન સંસ્કૃતિનું વાહક હોવાથી તેનું નામ અને ઓળખ ભારતીય હિન્દૂ સંસ્કૃતિની હશે. આમ, તમામ ધર્મોને સ્વીકૃતિ પણ ધર્મના નામે સત્તા હડપવાના કાવત્રાઓ માટે તમામ માર્ગ બંધ. સમગ્ર વિશ્વમાં જયારે આ નીતિ અમલમાં મુકવામાં આવશે ત્યારે જ સાચા ધર્મનિરપેક્ષ વિશ્વની સ્થાપના થઇ શકશે. અને એવા વિશ્વમાં જ હિન્દૂ આત્મા, મુસ્લિમ શરીર અને ખ્રિસ્તી હૃદય ધરાવતા સાચા માનવધર્મની સ્થાપના સંભવ છે.

December 04 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

રેડીક્લાઈઝેશન અને ધાર્મિક રેડીક્લાઈઝેશન ચાલો પહેલા શબ્દોના અર્થ સમજીએ

“રેડીક્લાઇઝેશનનો અર્થ જો ‘મૂળ તરફ જવું’ એવો છે તો એનો અર્થ એ છે કે રેડીક્લાઇઝેશન સારું કે ખરાબ એનો આધાર એ મૂળ સારું છે કે ખરાબ એના પર રહેલો છે.”

‘રેડીકલ’- આ શબ્દ આજની દુનિયામાં એટલો બદનામ થઈ ચૂક્યો છે કે દરેક માણસ બચીને ચાલે છે ક્યાંક આ શબ્દ કોઈ આપણા સાથે ન જોડી દે. સમાજ, રાજનીતિ અને મીડિયા વર્ગના મોટાભાગના ઉદારવાદીઓની ઉદારતાનું મૂળ કારણ એ જ છે કે જો કઠોર થઇને નગ્ન સત્ય બોલવા જઈશું તો દુનિયા ‘રેડીકલ’ માની બેસશે. શબ્દનો અર્થ સમજાયો હોય કે ન સમજાયો હોય પણ એનો ટેરર લોકોમાં ઉંડો ઉતરેલો છે.

            ‘રેડીકલ’ શબ્દનો અર્થ ડિકશનરીમાં શોધશો તો મળશે – આમૂલ, મૂળભૂત, રેડીકલ એટલે પાયા તરફ. કોઈ મુદ્દા કે વાતના મૂળ તરફ. રેડીકલ ચેન્જીઝ એટલે આમૂલ પરીવર્તન, જે અસલમાં વિવેકાનંદનો મૂળ મંત્ર રહેલો. આજનો નોટબંધીનો નિર્ણય પણ પાયામાંથી થતો સુધારો ગણાય. એટલે એ પણ રેડીકલ ચેન્ઝ છે. તૂર્કીને પરંપરાગત મુસ્લિમ રાષ્ટ્રથી એક આધુનિક રાષ્ટ્ર બનાવવા કમાલ પાશાએ કરેલા ઐતિહાસિક નિર્ણયો રેડીકલ ચેન્ઝ હતા. એ તો ધાર્મિક ઓળખથી વિપરીત આધુનિકતા તરફના સુધારા હતા. તો પણ તેને રેડિકલ ચેન્ઝીઝ કહેવાય છે કારણ કે તે વ્યક્તિ અને રાષ્ટ્રની મૂળભૂત ઓળખમાં કરેલા ફેરફારો હતા. અરે આપણા વડીલો અને સમાજના બુદ્ધિજીવીઓ પણ આપણને બધાને સતત પોતાના મૂળથી જોડાયેલા રહેવાના જ લેકચરો આપે છે. મતલબ, એક રીતે તે આપણને રેડિક્લાઇઝ બની રહેવાનું કહે છે. તો પછી એ જ બુદ્ધિજીવીઓના મનમાં આ ‘રેડીકલ’ શબ્દનો ટેરર કેમ ? કારણ છે તેના સાથે જોડાતો એક બીજો શબ્દ ‘રીલીજીઅસ રેડીક્લાઇઝેશન.’ મતલબ, ‘ધાર્મિક મૂળભૂતતા.’ જે લોકો આ શબ્દથી ડરે છે એમાંના કેટલાક એનો અર્થ ‘ધાર્મિક કટ્ટરતા’ કરે છે. જે ખોટું છે. ધાર્મિક કટ્ટરતાને અંગ્રેજીમાં ‘રીલીજીઅસ એક્સ્ટ્રીમીઝમ’ કહે છે.

            પણ કેટલાક બુધ્ધિજીવી તો ‘ધાર્મિક મૂળભૂતતા’ શબ્દથી જ ડરે છે. કારણ કે આજના ગ્લોબલાઇઝેશનના જમાનામાં ધાર્મિક ઓળખ લોકોમાં ભેદભાવ ઉભો કરે છે. અને આજના વૈશ્વિક જીવનમાં દરેક માણસ બીજા માણસથી સતત જોડાયેલો રહેવા માગે છે. આથી, બુધ્ધિજીવી વર્ગ ધર્મને વ્યક્તિગત માની છુપાવે છે. અને જે માણસ પોતાની ધાર્મિક પહેચાનને ન છુપાવે તેને ‘ફંડામેન્ટાલીસ્ટ’ કે ‘રેડીકલ’ કહે છે. તો માનવું કોનું ? એકબાજુ ઘરમાં બેઠેલા આપણા વડીલો કહે છે પોતાના મૂળને વળગી રહો. એને ભૂલતા નહીં. બીજી બાજુ બુધ્ધિજીવીઓ કહે છે પોતાની મૂળ ઓળખને છોડો અને વૈશ્વિક બનો.

હવે, આ બુધ્ધિજીવીઓનું માનીને જો દરેક માણસ પોતાની ધાર્મિક પહેચાન પ્રત્યે શરમ અનુભવતો થાય અને એને છુપાવતો થાય તો એનો અર્થ એ છે કે રામ, કૃષ્ણ, વૈદિક ઋષિઓ, બુધ્ધ, મહાવીર, ઈસુ અને મહોમ્મદ જેવા માનવજાતિના ઇતિહાસમાં થયેલા શ્રેષ્ઠ માણસોને અનુસરવા એ શરમની વાત છે. એને છુપાવવી જોઇએ. અને જો ધર્મોના શાશ્વત તત્વજ્ઞાાનને છુપાવી દઈએ તો માનવજાતિના ઇતિહાસમાં વધે છે શું ? ક્ષણિક ઉભા થયેલા સામ્રાજ્યોની કથાઓ અને તેમના ખંડેર બનેલા કીલ્લાઓ. બસ વેપાર કરો. ખાઓ-પીવો અને મરી જાઓ. રીલીજીઅસ રેડીક્લાઇઝેશનને છોડી દઇએ તો માનવજાતિ પાસે આ એક જ કામ વધે છે. આ બ્રહ્માંડ કઈ રીતે કાર્ય કરે છે ? એ બ્રહ્માંડમાં માનવજાતિના અસ્તિત્વનો હેતુ શું ? આ બધા સવાલ-જવાબોની માથાકૂટથી દૂર થઈ જવું. કારણ કે આ બધા એવા સવાલો છે જેના જવાબો ગમે તેવા નાસ્તિક મનથી વૈજ્ઞાાનિક રીતે શોધવા નીકળ્યા તો પણ એક ના એક દિવસ ઉપનિષદોના ચરણોમાં આવીને ઉભા રહી જવું પડશે. જ્યાં સુધી એ વિજ્ઞાન મહાવીર અને બુધ્ધના માર્ગમાં ભળી નહીં જાય ત્યાં સુધી માનવના અસ્તિત્ત્વનું કારણ મળી શકે એમ નથી. અને જે દિવસે એ વિજ્ઞાાન એ મહાપુરુષો અને ઉપનિષદોના તત્ત્વજ્ઞાાનમાં ભળી ગયું તે દિવસે એ તત્વજ્ઞાાન પર ઉભા થયેલા ધર્મો ફરી પાછા લોકોના ઘરોમાંથી બહાર નીકળશે. આમ, રીલીજીઅસ રેડીક્લાઇઝેશનથી દૂર ભાગીને આપણે આખું ચક્કર ફરીને પાછા જ્યાં હતા ત્યાં જ આવીને ઉભા રહેવાના. તો પછી કરવું શું ?

            રેડીક્લાઇઝેશનનો અર્થ જો ‘મૂળ તરફ જવું’ એવો છે તો એનો અર્થ એ છે કે રેડીક્લાઇઝેશન સારું કે ખરાબ એનો આધાર એ મૂળ સારું છે કે ખરાબ એના પર રહેલો છે. મતલબ, જો કોઈ માણસ રેડીક્લાઇઝ થઈ ગયો તો એ ખરાબ થઇ ગયો એવું ના કહી શકાય. એ ક્યા મૂળ તરફ રેડીક્લાઇઝ થાય છે એ પરથી નક્કી થાય છે કે એને સારું કર્યું કે ખોટું. જેમ કે કોઈ માણસ જો વેદાંત તરફ રેડીકલાઈઝ થાય તો તે સમગ્ર જીવસૃષ્ટિને સનાતન ધર્મના અદ્વૈતના વિજ્ઞાાન મુજબ એક માનતો થઈ જાય છે. એ દરેક જીવને તેની પ્રકૃતિ મુજબ પાંગરવાની તક આપે છે અને ધ્યાન રાખે છે કે કોઇ એક જીવ બીજા જીવ પર પોતાનો માર્ગ થોપી બેસાડવાની કોશિશ ના કરે. કોઈ જીવ ખાલી પોતાનો માર્ગ જ સાચો છે એવી જોહુકમી બીજા સામે ન કરે. આમ, વેદાન્ત તરફ રેડીક્લાઇઝ થવું એ એક શ્રેષ્ઠ માનવ બનવાનું લક્ષણ છે. પણ જો કોઈ બ્રાહ્મણવાદ તરફ રેડીક્લાઇઝ થાય છે તો એ બ્રાહ્મણવાદના એ બધા ભ્રષ્ટ બનેલા નિયમો દુનિયામાં સ્થપાય એની કોશિશ કરવા લાગે છે અને હિંદુ ધર્મને જ્ઞાાનવીહીન ક્રિયાકાંડો કરતા બ્રાહ્મણોની સત્તામાં બાંધી રાખવાની કોશિશ કરે છે. તેનું રેડીક્લાઈઝેશન સમાજ માટે હાનિકારક છે. જો કોઈ સુફીઝમના વૈદિક ઇસ્લામ તરફ રેડીક્લાઇઝ થાય છે તો તે ‘મુસ્લિમ’ (સ્થિતપ્રજ્ઞા) શબ્દનો અર્થ સાકાર કરવા પોતાની ઇચ્છાઓ ઇશ્વર-અલ્લાહની ઇચ્છામાં ભેળવી દે છે અને સમગ્ર સૃષ્ટિને અદ્વૈત અલ્લાહનું સર્જન માની પ્રેમ કરતો થઇ જાય છે. તે સમજી જાય છે કે દરેક મનુષ્ય જાતે જ મુસ્લિમ બની શકે છે, ના તે કોઈ બીજાને મુસ્લિમ બનાવી શકે છે ના કોઈ બીજો તેને મુસ્લિમ બનાવી શકે છે. આમ, તેનું રેડીક્લાઇઝેશન ઇચ્છનીય છે. પણ જો કોઈ આરબના વહાબી ઇસ્લામ તરફ રેડીક્લાઇઝ થાય છે તો તે મુસ્લિમ વેશભૂષા ધારણ કરવાને જ મુસ્લિમ હોવું માની લે છે. અને દુનિયામાં દરેક પર મુસ્લિમ વેશભૂષા અને કાયદાઓ થોપવા નીકળી પડે છે. અને જે તે વેશભૂષા અને કાયદા માટે તૈયાર ન થાય તેની હત્યા કરવા તત્પર બને છે. આમ, એ માણસનું રેડીક્લાઇઝેશન સમગ્ર માનવજાતિ માટે ખતરનાક છે.

            આમ, રેડીકલ અને રેડીક્લાઇઝેશન શબ્દનો અંધાધૂંધ ઉપયોગ કરીને માનવજાતિ માટે ઉપયોગી અને હાનિકારક એવા બંને મૂળ એકસમાન જોવા એ એક ભયાનક ભૂલ છે. ઔરંગઝેબ આખા ભારતને ઇસ્લામધર્મી કરવા માંગતો હતો. આથી, તે રેડીકલ હતો. અને ઔરંગઝેબના એ અમાનવીય ઇરાદાઓને રોકવા યુદ્ધે ચડનાર શિવાજી પણ સનાતન ધર્મના સિદ્ધાંતો તરફી રેડીકલ હતા. એનો અર્થ એમ નથી કે તે બંનેને રેડીકલ કહીને એક જ હરોળમાં ચીતરવામાં આવે. આઝાદી પછીના ડાબેરીઓ અને સ્યુડોસેક્યુલરોએ એ જ પાપ કર્યું છે. અસલમાં આ સંઘર્ષ છે ધર્મ તરફ રેડીકલ લોકો અને અધર્મ તરફ રેડીકલ લોકો વચ્ચેનો. જે માનવતા તરફ રેડીકલ છે તે ધાર્મિક છે. અને જે સ્વાર્થ અને સત્તા તરફ રેડીકલ છે તે અધર્મી છે. મતલબ , શિવાજી અને ઔરંગઝેબનો ભાઈ દારા-શુકોહ ધાર્મિક હતા અને ઔરંગઝેબ અધર્મી હતો. આમ, શબ્દોના સાચા અર્થ વ્યાખ્યાયિત કરીએ તો માનવતા તરફનું ધાર્મિક રેડીક્લાઇઝેશન જ માનવજાતિનો સાચો આદર્શ છે.

October 30 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

પાકિસ્તાની કલાકારોનો વિવાદ : કાલ્પનિકતા વિરુદ્ધ વાસ્તવિકતાનો સંઘર્ષ

“દેશનું સૈન્ય ખાલી દેશની સીમાઓની કે દેશના લોકોની જ રક્ષા નથી કરતું. તે એ દેશના આદર્શ મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાની પણ રક્ષા કરે છે. આપણો વારસો ગહન વૈચારિક ચિંતનનો છે.”

પાકીસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવાનો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદમાં સાચા અને ખોટા તર્ક કંઈક એ રીતે મીક્ષ થયા છે કે પહેલી નજરે જાણવું મુશ્કેલ થઈ પડે કે કઈ બાજુ સાચી છે ? પ્રિયંકા ચોપરાએ હમણા આ વિષય પર બોલતા

પહેલા જ એક શબ્દ કહ્યો કે, ‘ઇટ્સ અ ટ્રીકી નાઉ.’ મતલબ. હવે આ વિષય એક કોયડો બની ગયો છે કે કઈ બાજુ બોલવું ? બહુ ઉદાર થઈને બોલવા જઈએ તો દેશદ્રોહીનું લેબલ લાગે અને બહુ કડક બોલવા જઈએ તો કટ્ટરવાદીનું લેબલ લાગે. અને બંને બાજુવાળા આપણા પર એ લેબલ ચીપકાવવા તૈયાર બેઠા છે. તો ચાલો આજે આપણે આ વિવાદના મૂળને તપાસીએ.

            આ વિવાદની ન સમજેલી મૂળ વાત એ છે કે અસલમાં આ વિવાદ કાલ્પનિક દુનિયા અને વાસ્તવિક દુનિયા વચ્ચેનો ટકરાવ છે. આ ટકરાવ છે યશ ચોપરાના બગીચાઓ, નદીઓ અને હીમાલયથી ઘરાયેલા કાશ્મીર અને આતંકવાદીઓ, સેના અને બોમ્બ વિસ્ફોટકોથી ઘેરાયેલા કાશ્મીર વચ્ચેનો. એક બહુ જ સુંદર દુનિયા છે પણ કાલ્પનિક છે. જ્યારે બીજી બદસુરત દુનિયા છે પણ વાસ્તવિક છે. સમાજના સામાન્ય માણસ લગભગ એવું માનીને જીવે છે કે કલ્પનાઓ એક છલાવો છે એટલે કલ્પનાઓમાં જીવતા માણસોને અવગણવા જોઈએ. જ્યારે દુનિયાના મહાનતમ માણસો આઇસ્ટાઇનના એ વાક્યને જીવે છે કે ‘કલ્પનાઓ હકીકતો કરતાં વધુ શક્તિશાળી છે. કારણ કે તે ભવિષ્યનો પાયો નાખે છે. જેવી તમારી આજની કલ્પના હશે તેવું જ વિશ્વ તમે ભવિષ્યમાં ઉભું કરશો.’ પણ આ પછી તરત સંતુલન તરફ લઈ જવા માટે હેરી પોટરના ગુરુ ડમ્બલડોરનો આ ડાયલોગ આવે છે. ‘કલ્પનાઓમાં જીવવું સારું છે પણ કલ્પનાઓમાં જઈને હકીકતને ભુલાવી દેવી ખતરનાક છે. એ પોતાના અસ્તિત્વને ખતમ કરી દે એવી ભૂલ છે.’ અને અહીંથી જ આપણા ફીલ્મસ્ટારો અને ફીલ્મ મેકરોનો વાંક શરુ થાય છે.

            આપણા દેશમાં વિશ્વના મહાનતમ કહી શકાય એવા ફીલ્મમેકરો, લેખકો, સંગીતકારો, ગીતકારો અને ચિંતકો પેદા થયા છે. અને એ એટલા માટે જ કારણ કે ગહન ચિંતન એ આ દેશની હિંદુ સભ્યતાનો મુખ્ય વારસો રહ્યો છે. આપણી સભ્યતા જ એ ઋષિ-મુનિઓથી શરુ થાય છે જેમણે ગહન વિચારશીલતા દ્વારા વેદો અને ઉપનિષદો રચીને આપણને મહાન આધ્યાત્મિક અને વૈજ્ઞાાનિક સિદ્ધાંતોની ભેટ આપી. એના પછી આવેલા પુરાણોમાં પણ અત્યંત રોચક, કાલ્પનિક કથાઓનો ભંડાર છે જેને રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો દ્વારા સુંદર ફીનીશીંગ મળે છે. આપણા ફિલ્મ મેકરોએ પણ આપણને મધર ઇન્ડિયા, મોગલે આઝમ, શોલે, દિવારથી લઈને પ્રેમ રોગ, રામ તેરી ગંગા મેલી, હીના અને વીરઝારા સુધીની સુંદર કૃતિઓ આપી છે. વેદો- પુરાણો અને મહાભારતથી લઈને આ ફિલ્મો આજે આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. હીના અને વીર-ઝારા જેવી ફિલ્મોમાં બતાવેલી પ્રેમ અને માનવતાથી ભરેલી કાલ્પનિક દુનિયા આપણને પસંદ આવી છે. એ જોઈને આપણે બધાએ એવી કામના કરી છે કે, ‘કાશ દુનિયા આવી નફરતવીહીન હોત !’

            તો હવે, સમજવાનું એ છે કે સરહદો અને ધર્મોથી ઉપર ઉઠીને માનવતાને જોડતી આવી કાલ્પનિક દુનિયા વિચારવાળા લોકોના વિચારો ખરેખર એ ઉંચાઈએ સ્થિર થયા હશે ત્યારે જ તો તે એવી ફિલ્મો બનાવી શક્યા હશે. એ સમયે આપણે તેમનાથી અભિભૂત થઈને તેમને મહાન કહીએ છીએ પણ જ્યારે કોઈ આતંકવાદી હુમલાથી એ કાલ્પનિકતા તૂટે છે એટલે આપણે આપણી એ કાલ્પનિક દુનિયા તૂટવાનો બધો ગુસ્સો એ લોકો પર જ કાઢીએ છીએ જેમણે આપણને એ કાલ્પનિક દુનિયા બતાવી હતી. આ જ આપણી સામાન્ય પ્રજાની સાઇકોલોજી છે. શું આપણે ક્યારેય એ વિચારવાની કોશિષ કરી કે જે કાલ્પનિક દુનિયા આપણે ખાલી જોઈ છે અને આપણને આટલો ગુસ્સો આવે છે, તો જે લોકોએ એને ઊભી કરી છે એ લોકોને એ દુનિયા પર આઘાત થતા ગુસ્સો નહીં આવતો હોય ? પણ માનવતાની જે ઉંચાઈ પર તેમના મન પહોંચેલા હોય છે ત્યાં એ હજી આશાવાદી હોય છે કે આ માત્ર એક બનાવ છે અને શાંતિથી પ્રયાસ કરીએ તો હજી એ કાલ્પનિક દુનિયા બચી જશે. અને આ એક માનસિક અવસ્થાના કારણે ગુસ્સો અને આરપારની નફરત બતાવવામાં તે આપણા કરતા મોડા પડે છે. જેમ કરણ જોહર મોડો પડયો. તો શું જેમણે આપણને એટલી સુંદર રચનાત્મકતા આપી છે તેમને એટલો સમય આપવાની આપણી જવાબદારી નથી ?

            દેશનું સૈન્ય ખાલી દેશની સીમાઓની કે દેશના લોકોની જ રક્ષા નથી કરતું. તે એ દેશના આદર્શ મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાની પણ રક્ષા કરે છે. આપણો વારસો ગહન વૈચારિક ચિંતનનો છે. જે દિવસે સેનાને હિંમત આપવાના બહાને આપણે એ વિચારશીલતાના વારસાને નષ્ટ કરી દઈશું તે દિવસે સીમાઓ ઉપર ઉભેલી આપણી સેનાની પ્રાસંગિકતા પણ ખતમ થઈ જશે. કારણ કે તે પછી સેના ભારતીયતાની રક્ષા નહીં કરતી હોય. આપણા ગહન વિચારશીલતાના વારસાને જાળવી રાખવો એ જ આપણા સૈન્યનું સન્માન કરવા સમાન છે. કારણ કે એ પણ એની જ રક્ષા કરી રહ્યું છે. તે આપણને આપણા બૌદ્ધિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે શાંતિમય વાતાવરણ આપવાનું કાર્ય કરે છે એટલે મોડા મોડા પણ પોતાની ભૂલનો એકરાર કરનારા અને સૈન્ય તથા દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવનારા કરણ જોહરને પ્રેમપૂર્વક સ્વીકારી લેવો એમાં જ સેનાના કાર્યનું અને આપણા મૂલ્યોનું સન્માન છે.

            આટલું મૂળભૂત રીતે સમજ્યા પછી હવે વાત કરીએ હજી પણ પોતાની કાલ્પનિકતામાં વાસ્તવિકતાને ભૂલાવીને જીવનારા સલમાન ખાન અને શ્યામ બેનેગલ જેવા ગુનેગારોની. એ લોકોને સમજી લેવાનું છે કે, કલ્પનાઓ ત્યારે જ રચી શકાય છે જ્યારે વાસ્તવિક દુનિયામાં અસ્તિત્વ જળવાઈ રહે. સીમા પર લડવાવાળો એક સૈનિક તેની વ્યક્તિગત લડાઈ નથી લડી રહ્યો. આતંકવાદીઓ સાથે એની કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. એ આપણા જેવા લોકો કાલ્પનિકતા અને વિચારશીલતા દ્વારા ભવિષ્યના સુંદર વિશ્વનો પાયો નાખી શકે તે માટે સીમા પર મોતને ભેટે છે. તેને પણ ઘરે બેસીને કલ્પનાઓ કરવી છે અને પ્રેમ તથા માનવતાની વાતો કરવી છે. પણ એ વાસ્તવિક દુનિયાના રક્ષણની જવાબદારી લે છે અને એટલે જ સૈનિકો કોઈ પણ માનવ સભ્યતા માટે સાચા મહાન માણસો છે. તેઓ જ મુખ્ય નાગરિકો છે. તેઓ જ આપણા સાચા હીરો છે અને એ હીરો જ્યારે આપણા માટે સીમા પર શહીદ થાય ત્યારે આપણે આપણી બધી કલ્પનાઓ અને વિચારો છોડીને વાસ્તવિક દુનિયામાં આવવું જોઈએ અને આંખમાં આંસુ અને સમ્માન સાથે એનું ઋણ માનવું જોઈએ. અને જો કોઈ એવું કરવા નથી માંગતુ તો સૈનિકોને હક છે કે એવા કાલ્પનિક દુનિયામાં ખોવાયેલા માણસને સીમા પર લઈ જઈને ઊભો કરી દે અને કહે કે, ‘હવે અહીંયા ઉભા રહીને તારે કલ્પનાઓના જે ઘોડા દોડાવા હોય એ દોડાય. હવે તું જાણે અને સામેથી આવતો પેલો આતંકવાદી જાણે કે તારા સાથે શું થશે. અમે તારી જવાબદારીમાંથી છૂટી રહ્યા છીએ.’ એ ભાઈ તરત વાસ્તવિક દુનિયામાં આવી જશે અને સૈન્યના પગમાં પડી જશે.

May 01 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

Batman vs Superman એટલે મનુષ્ય વિરુદ્ધ ઈશ્વર

“જો ઈશ્વર આપણી વચ્ચે હોય તો આપણે તેને ઓળખવા સક્ષમ છીએ ખરા…?”

બેટમેન વર્સિસ સુપરમેન ફિલ્મ આવી ચૂકી છે. અત્યાર સુધીની આ શ્રેષ્ઠ સુપરમેન ફિલ્મને વિવેચકો અને દર્શકોએ તેની જટીલતાના કારણે અને સરળ મનોરંજનના અભાવે વખોડી છે. પણ લોકો તો બેટમેનની ડાર્ક નાઇટને પણ ‘પેલા જોકરે કેવી જોરદાર એક્ટીંગ કરી છે.’ એના માટે જ મસ્ત ફિલ્મ માને છે. ‘મનુષ્યની અંદર રહેલી નકારાત્મકતા ગુરુત્વાકર્ષણ સમાન છે. એક નાનો ધક્કો વાગે એટલે મનુષ્ય સીધો બુરાઈના કેન્દ્રમાં જઈને પડે.’ જોકરના પાત્ર દ્વારા આપવામાં આવેલો આ સંદેશ ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યો છે. એવું જ બેટમેન વી સુપરમેન સાથે પણ થયું છે.

            ખર્ચા કરતા ત્રણ ગણી કમાણી કરી ચૂકેલી આ ફિલ્મ એક મહાન સંદેશ ધરાવે છે. સંદેશ એ છે કે જે ઇશ્વરીય શક્તિને આપણે આપણા દુ:ખો દૂર કરનારી એક પવિત્ર શક્તિ તરીકે જોઈએ છીએ એ જો મનુષ્ય રુપે આપણી વચ્ચે જીવતી હોય તો શું આપણે તેને ઓળખી શકીએ ખરાં ? કે પછી આપણે તેને પણ આપણા વિચારો પ્રમાણે ચાલવા મજબૂર કરીએ અને એવું ન થાય તો એને મૃત્યુ સુધી ધકેલી દઈએ ?

            પહેલા ભાગ મેન ઓફ સ્ટીલ્સમાં બતાવ્યા પ્રમાણે પૃથ્વીથી ઘણે દૂર આવેલો ક્રિપ્ટોન ગ્રહ જ્યારે નષ્ટ થવાના આરે આવ્યો ત્યારે ત્યાંના લોકો જે મનુષ્ય કરતા પણ અનેકગણા શક્તિશાળી હતાં તે અસ્તિત્વ માટે અંદરોઅંદર યુદ્ધે ચડયા. આવા સમયે રાજાનો એક વફાદાર વૈજ્ઞાનિક પોતાના નવા જન્મેલા પુત્રને પોતાની જાતિના અસ્તિત્વને ચાલુ રાખવા માટે એક નાના યાનમાં બેસાડીને પૃથ્વી પર મોકલી દે છે. તે નાનું બાળક પૃથ્વી પર એક સંતાનહીન દંપતી વડે મોટું થાય છે. તેનામાં અસિમિત શક્તિઓ છે. તે મોટી બસો અને જહાજો ઉપાડી શકે છે. આગ, બંદૂકની ગોળી અને બોમ્બ તેને અસર નથી કરતા. તે હવામાં રોકેટની ઝડપે ઉડી શકે છે. બીજાના શરીરની અંદરના અંગો જોઈ શકે છે અને તેમના મનમાં ચાલતી વાતો સાંભળી શકે છે. ઇન શોર્ટ એ દરેક શક્તિ જે આપણે ભગવાનમાં માનીએ છીએ તે આ બાળકમાં છે અને એટલે જ તેના કારનામા દુનિયા સામે આવતા જ દુનિયા તેને સુપરમેન કહેવા લાગે છે.

            સુપરમેનના પૃથ્વી પરના પિતા બાળપણથી જ તેને પોતાની શક્તિઓને છુપાવવા દબાણ કરતા રહે છે. તે તેને માનવજાતિની સારી- ખોટી આદતોથી રૃબરૃ કરાવી માનવતાથી પ્રેમ કરતો કરે છે જેથી સમય આવ્યે તે તેની શક્તિઓને માનવજાતિની ભલાઈ અને રક્ષા માટે વાપરે. તેની શક્તિઓ સમય પહેલા દુનિયા સામે ન આવી જાય તે માટે તેના પિતા જાણી જોઈને એક વંટોળમાં મોતને ભેટે છે. એવામાં નષ્ટ થયેલા ક્રિપ્ટોન ગ્રહના અમુક ફરાર યુદ્ધ કેદીઓ પૃથ્વી પર આવી પહોંચે છે. તેઓ પૃથ્વીનું વાતાવરણ બદલી દઈ મનુષ્ય જાતિને નષ્ટ કરી દેવા માંગે છે અને પૃથ્વીને ક્રિપ્ટોનવાસીઓનો નવો ગ્રહ બનાવવા માગે છે. સુપરમેન માનવ જાતિની રક્ષા માટે તેમનાથી લડે છે અને તેમનો નાશ કરે છે. પરંતુ આ લડતમાં અમેરિકાનું મેટ્રોપોલીસ શહેર તબાહ થઈ જાય છે. અસંખ્ય સ્થાનિકો મૃત્યુ પામે છે અને અપંગ બને છે. અહીંથી સુપરમેન પર દુનિયા વહેંચાઈ જાય છે. દુનિયાનો એક હિસ્સો સુપરમેનને તે હજારો લોકોની મૃત્યુ માટે જવાબદાર માને છે અને સુપરમેને પૃથ્વી છોડી દેવી જોઈએ એવું સરકારો પર દબાણ કરે છે. બીજું જૂથ માને છે કે હવે જ્યારે ખબર પડી ચૂકી છે કે બ્રહ્માંડમાં આપણાથી શક્તિશાળી પરગ્રહીઓ છે ત્યારે સુપરમેન જેવો એક રક્ષક પૃથ્વી પર હોવો જરૃરી છે. અહીંથી ફિલ્મ બેટમેન વી સુપરમેન શરુ થાય છે.

            સુપરમેનના વિરુદ્ધ હોય તેવા જૂથમાં બે મુખ્ય લોકો છે. એક અબજોપતિ બ્રુસ વેઇન જે છેલ્લા વીસ વર્ષથી સમાજમાં ગુનાખોરીને નાથવા રાત્રે બેટમેન બનીને ગુનેગારો પર ત્રાટકી રહ્યો છે. મેટ્રોપોલીસ શહેરની તબાહીમાં તેના ઘણા મિત્રો અને કર્મચારીઓ માર્યા ગયા છે. એટલે તેને સુપરમેનથી નફરત છે. તેને ડાર્ક નાઇટના જોકરનો અનુભવ થઈ ચૂક્યો છે. તે માને છે કે સુપરમેન જેવો શક્તિશાળી માણસ જે ક્ષણે નકારાત્મક બન્યો તે દિવસે માનવજાતિ નાશ પામશે. તેનું અસ્તિત્વ માનવજાતિ માટે એક જોખમ છે. સુપરમેનનો બીજો વિરોધી છે લેક્સ લુથર નામનો યુવાન ઉદ્યોગપતિ જેને હિંદ મહાસાગરમાં ક્રિપ્ટોન ગ્રહ પરથી આવેલું એક એવું તત્વ મળી જાય છે કે જેનાથી સુપરમેન જેવા ક્રિપ્ટોનવાસીને મારી શકાય છે. તે અમેરિકાની સરકાર સામે ઓફર મૂકે છે કે તે તત્ત્વની અમેરિકામાં આયાત થવા દેવામાં આવે અને તેનાથી હથિયારો બનાવવામાં આવે જેથી સુપરમેન અને અન્ય પરગ્રહવાસીઓ સામે લડી શકાય. લુથરનો વિચાર ફિલ્મનું મુખ્ય હાર્દ છે કે શક્તિ ક્યારેય નિર્દોષ હોતી નથી. મતલબ કે સુપરમેન જેટલો શક્તિશાળી માણસ ક્યારેય નિર્દોષ અને માસુમ ન હોઈ શકે. તે ગમે ત્યારે તાનાશાહ બની જશે અને માનવજાતિને તેની ગુલામ બનાવશે. આથી માનવી પાસે તેની વિરુદ્ધ કોઈ હથિયાર હોવું જોઈએ. પણ સરકારો સુપરમેન પરના વિશ્વાસને કારણે તેની મંજૂરી આપતી નથી.

            આથી લુથર મિડલ ઇસ્ટના કેટલાક આતંકી સંગઠનો પર એવી રીતે હુમલા કરાવે છે કે જેથી સુપરમેનનું નામ આવે. આથી સુપરમેન પર રાજનીતિમાં હસ્તક્ષેપ કરવાનો આક્ષેપ લાગે છે. દુનિયાભરમાં સુપરમેન પર કાનુની નિયંત્રણો લગાવવાની વાત પર ચર્ચા શરુ થાય છે. એક બાજુ સુપરમેન લોકોને દુર્ઘટનાઓ અને ગુનેગારોથી સતત બચાવતો હોય છે અને બીજી બાજુ મેટ્રોપોલીસમાં અપંગ બનેલા લોકોના તેના પર કેસ થાય છે. તે કોર્ટ સમક્ષ હાજર થાય છે અને એવામાં જ કોર્ટમાં બ્લાસ્ટ થાય છે. સુપરમેન સામે કેસ કરનારા પીડિતો માર્યા જાય છે. બ્લાસ્ટ લુથરે કરાવ્યો હોય છે. ફરી સુપરમેન સામે રોષ ભભૂકી ઊઠે છે.

            હવે બેટમેન સુપરમેનને ખતમ કરવા ઉતાવળો બને છે. તે હિંદ મહાસાગરમાંથી મળેલું પેલું તત્ત્વ ચોરે છે અને તેનું હથિયાર બનાવી સુપરમેનને મારવા સામે આવે છે. બંને વચ્ચે સંઘર્ષ થાય છે સુપરમેન બેટમેનને તેની નિર્દોષતા સમજાવવાની કોશિષ કરે છે પણ બેટમેન સમજતો નથી. અંતે સુપરમેનની પ્રેમિકા અને પત્રકાર એવી લુઇસ લેન બેટમેનને સમજાવે છે. બેટમેનને સુપરમેનમાં તેના જેવો જ એક અનાથ બાળક દેખાય છે જે પોતાના માતાપિતાને ખોઈ ચૂક્યો છે. તે તેની તમામ શક્તિઓ સાથે પણ દુનિયામાં એકલો છે. તે દુનિયાથી ઝઝૂમીને દુનિયાને જ બચાવી રહ્યો છે.

            આ બાજુ લુથર કોઈ પણ ભોગે સુપરમેનને મારવા માગે છે. તે ક્રિપ્ટોનના એક યુદ્ધ કેદીની લાશને ક્રિપ્ટોનિયન પદ્ધતિથી જીવીત કરે છે અને બીજા પરગ્રહવાસીઓને પૃથ્વી પર આવવાનો સંદેશ મોકલે છે. જીવિત બનેલા ક્રિપ્ટોનિયન રાક્ષસથી પૃથ્વીને બચાવવા સુપરમેન અને બેટમેન ભેગા થઈને લડે છે જેમાં આખરે સુપરમેન મૃત્યુ પામે છે. (જો કે છેલ્લા સીનમાં તે જીવતો છે તેવો સંકેત છોડવામાં આવ્યો છે.) માનવજાતિ સુપરમેનને ભીની આંખથી વિદાય આપે છે અને તેની મહાનતાને ઓળખે છે. સુપરમેન લુથરને ખોટો પાડી દે છે અને સાબિત કરે છે કે સૌથી શક્તિશાળી માણસ પણ માસુમ અને સારો હોઈ શકે છે. ભારતીય શાસ્ત્રોમાં તેને શિવ કહેવામાં આવ્યો છે. એવો માણસ જેણે બ્રહ્માંડની તમામ શક્તિઓને ધારણ કરી લીધી છે. છતાંય તે શાંત છે અને તેની શક્તિનો ઉપયોગ જરૃર પડયે સારા કામ માટે જ કરે છે. સુપરમેન અંતે શિવ સાબિત થાય છે.

 

બોધ : સદીઓથી માનવજાતિ એવા તારણહારની શોધમાં ફરી છે જે એને દુ:ખોથી મુક્ત કરાવે. પણ જ્યારે જ્યારે એ તારણહાર એને મળ્યો છે. તે એને ઓળખી નથી શકી. તેણે તે તારણહાર પર જ પોતાનું અજ્ઞાાન અને સ્વાર્થી નિયમો થોપ્યા છે. તેણે પહેલા તેને મોતના મુખમાં ધકેલ્યો છે અને પછી એને જ ભગવાન માની પૂજવા લાગી છે. બુદ્ધ અને ઇસુના એ ભાગ્યમાં સુપરમેન પણ જોડાય છે.

April 03 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

પ્રકૃતિ માતા

ઋગ્વેદના પુરુષ-પ્રકૃતિથી આજની જુલિયા રોબર્ટ્સ સુધી

“પૃથ્વી પર એક તરફ અંધકાર થાય છે ત્યારે બીજી તરફ અજવાળું થઈ ચૂક્યું હોય છે. પ્રકૃતિના વિજ્ઞાનને સમજવાવાળો પૂર્વનો જે સૂર્ય ડૂબ્યો તે હવે પશ્ચિમમાં ઉગી ચૂક્યો છે.”

માનવ જાતિના સૌથી પહેલા ગ્રંથ કહેવાતા ઋગ્વેદમાં સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન પુરુષ અને પ્રકૃતિના રૃપમાં છે. બ્રહ્માંડની ઉત્પત્તિ પછી બ્રહ્મમાંથી શિવ અને શક્તિ સ્વરૃપે બે વિરોધાભાસી તત્ત્વો છૂટા પડયાં. શિવને પુરુષ કહેવામાં આવ્યા અને શક્તિને પ્રકૃતિ. પુરુષે બ્રહ્માંડને મધ્યમાંથી આધાર આપ્યો અને પ્રકૃતિએ શિવની આસપાસ વિસ્તરણ કરી સર્જનને વેગ આપ્યો. આ જ સંરચનામાંથી પરમાણુના કેન્દ્રમાં ધન વીજભારીત પ્રોટોન (પુરુષ- શિવ) અને તેની ફરતે ઋણ વીજભારીત ઇલેક્ટ્રોન (પ્રકૃતિ- શક્તિ)ની સંરચનાનું જ્ઞાાન મળ્યું આ રીતે સમગ્ર બ્રહ્માંડમાં પુરુષ પ્રકૃતિના ગર્ભમાં સમાયો.
આગળ જતાં તે પ્રકૃતિ પાંચ તત્ત્વો જમીન, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ સ્વરૃપે વિસ્તરી અને પુરુષ સજીવોના અંદર પ્રાણ તરીકે સ્થાન પામ્યો. પ્રકૃતિના પાંચ તત્ત્વોમાંથી સજીવોના શરીર બન્યા અને પુરુષથી તે સજીવોનો પ્રાણ એવો આત્મા બન્યો.

            આમ જે પ્રકૃતિ આપણી આજુબાજુના નદીઓ, પર્વતો, અગ્નિ, પવન, આકાશ, પુષ્પો, પ્રાણીઓ વગેરેથી બનેલા વિશ્વરૃપે હાજર છે. તે જ પ્રકૃતિ આપણા શરીર અને ઇન્દ્રિયો તરીકે હાજર છે અને તેના ગર્ભમાં આપણે આત્મા તરીકે નિવાસ કરીએ છીએ. એટલે પ્રકૃતિને વેદોમાં ‘પ્રકૃતિ માતા’ કહેવામાં આવે છે. આ જ કારણે ભારતમાં પ્રકૃતિના વિવિધ સ્વરૃપો તરીકે નદીઓ, પહાડો, વૃક્ષો અને પ્રાણીઓની પૂજા થાય છે અને તેમનું રક્ષણ કરવું એ ભારતીય સંસ્કૃતિની એક કેન્દ્રિય આસ્થા ગણાય છે.
પરંતુ, આ ગૂઢ વિજ્ઞાાનને જીવતા સમાજનું ચિત્ર એ સમયનું છે જ્યારે ભારતની ભૂમિ ઋષિઓ રૃપે રહેલા મહાન વૈજ્ઞાાનિકો અને તત્વજ્ઞાાની રાજાઓથી ભરાયેલી હતી. તે સમયે યુરોપ, અમેરિકા અને એશિયા- માઇનોર ઝાડના પાંદડા પહેરીને ફરતા આદિવાસીઓથી ભરેલું હતું. પરંતુ હવે ચક્ર ઘૂમી ચૂક્યું છે. જે તે સમયે જેવો ભારતનો આર્યસમાજ હતો તેટલો સમૃદ્ધ આજે પશ્ચિમનો સમાજ છે. જ્યારે આજનું ભારત પાખંડી, અજ્ઞાાની અને ધર્માંધ લોકોથી ભરેલું છે.

            પ્રાચીન ભારતમાં પ્રકૃતિના તત્ત્વોની પૂજા એ સમજથી થતી કે માનવ પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી અને સમજુ જીવ છે. તેને સમજવાનું છે કે પ્રકૃતિના દરેક કણમાં જીવ વસે છે. બસ ફર્ક એટલો છે કે મનુષ્ય સિવાય તેમાંનું કોઈ પોતાની લાગણીઓની અભિવ્યક્તિ નથી કરી શકતું. આથી વૃક્ષો, નદીઓ, જંગલો, સરોવરો, ગાય, હરણ, શ્વાન, ઘોડા વગેરેની જાળવણી મનુષ્યને એ જ રીતે કરવાની છે જેમ તે એક મૂંગા બાળકની કરે છે. તે પ્રજાપતિ છે. પોતાના ભૌતિક સ્વાર્થ માટે તેમને મારતા પહેલાં જો તે પ્રાણીઓની આંખોમાં જોશે તો તેને સમજાશે કે તેમના અંદર પણ ઘણી બધી લાગણીઓ અને વ્યથાઓ છે. બસ એ બોલીને કહેવા માટે સક્ષમ નથી. આ જ વાત માનવને વૃક્ષો, પર્વતો અને નદીઓના કિસ્સામાં પણ અનુભવવા મળશે. બસ ઘડીકવાર પોતાના ફાયદા માટે વિચારવાનું બંધ કરો. ભૌતિકતાથી પોતાને થોડી અલગ કરો અને ચારે બાજુ ફેલાયેલી પ્રકૃતિને સાંભળો. તમારો આત્મા તમને એ અનુભૂતિ કરાવી દેશે કે તમે એ પ્રકૃતિના ગર્ભમાં છો. એ તમને દરેક ક્ષણે જીવન આપી રહી છે અને તમે એને નષ્ટ કરી રહ્યા છો. તમારે પ્રકૃતિની સંભાળ લેવાની છે જેથી એ તમારી સંભાળ લઈ શકે. એ તમને જીવન આપનારી મા છે અને તમારે બદલામાં એની જાળવણી કરવાની છે. આ જ આપણું પ્રકૃતિ સાથેનું સહજીવન છે. આ જ કારણથી આપણે ગૌહત્યા, વૃક્ષોનું નિકંદન અને નદીઓનું પ્રદૂષણ એક સાથે રોકવાનું છે.

            પણ પૃથ્વી પર એક તરફ અંધકાર થાય છે ત્યારે બીજી તરફ અજવાળું થઈ ચૂક્યું હોય છે. પ્રકૃતિના વિજ્ઞાનને સમજવાવાળો પૂર્વનો જે સૂર્ય ડૂબ્યો તે હવે પશ્ચિમમાં ઉગી ચૂક્યો છે. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિનો વિકાસ શરુ થયો ત્યારે તે પ્રકૃતિના ભોગે હતો. કારણ કે તેમને પ્રકૃતિ સાથેના જોડાણનું આધ્યાત્મિક જ્ઞાન નહોતું. પરંતુ હવે પશ્ચિમની વૈચારિક ઉન્નતિ પ્રાચીન ભારતના ઋષિઓની સમાંતરે આવી ચૂકી છે. એનું તાજું ઉદાહરણ છે કન્વર્ઝેશન ઇન્ટરનેશનલ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે બનાવેલી ટૂંકી ફિલ્મો. આ સંસ્થા દ્વારા ‘પ્રકૃતિ બોલી રહી છે’ એ વિષય પર અગિયાર જેટલા વિડિયો બનાવવામાં આવ્યા છે.

          આ વિડિયોમાં હોલીવુડના અનેક મોટા કલાકારો પ્રકૃતિના અલગ અલગ સ્વરૃપો બનીને બોલી રહ્યા છે. ઉંચા દરજ્જાની સમ્માનીય અભિનેત્રી ગણાતી જુલીઆ રોબર્ટસ ‘પ્રકૃતિ માતા’ તરીકે બોલી રહી છે. એડવર્ડ નોર્ટન માટી તરીકે, હેરીસન ફોર્ડ સમુદ્ર, પેનેલોપ ક્રુઝ પાણી, રોબર્ટ રેડફોર્ડ લાકડા તરીકે, કેવીન સ્પેસી જંગલો તરીકે અને લી પેસ પર્વતો તરીકે બોલી રહ્યા છે. આ વિડિયોમાં પ્રકૃતિનું દરેક સ્વરૃપ પોતાની લાગણીઓ, પોતાનું મહત્ત્વ અને વ્યથાઓ કહી રહ્યું છે. તેમનું બેકગ્રાઉન્ડ સંગીત, શબ્દો અને ચિત્રો એટલા સુંદર છે કે જાણે કેટલીક મિનિટો માટે આપણે સાચે જ પ્રકૃતિના ગર્ભમાં જતા રહીએ છીએ અને આસપાસની માનવસર્જિત વસ્તુઓથી આપણો મોહભંગ થવા લાગે છે.
કેવીન સ્પેસીના અવાજમાં જંગલો કહે છે, ‘મેં મારું સર્વસ્વ મનુષ્યોને આપ્યું છે. તેઓ એટલા બુદ્ધિશાળી છે કે મને કાપી કાપીને મોટી મોટી મહાન વસ્તુઓ બનાવે છે. તેમને મારી શું જરૃર છે? પણ, તેઓ હવાથી જીવે છે અને હું તે હવા બનાવું છું. શું એની તેમને ખબર છે ? મનુષ્યો ખરેખર બુદ્ધિશાળી છે. શું તે હવા બનાવી શકવાના છે ?’
હેરીસન ફોર્ડના અવાજમાં સમુદ્ર કહે છે, ‘હું સમુદ્ર છું. હું આ ગ્રહનો મોટા ભાગનો હિસ્સો છું. મેં તેને આકાર આપ્યો છે… આ ખાલી મનુષ્યનો ગ્રહ નથી. ના ક્યારેય હતો ના ક્યારેય હશે. પરંતુ, તેઓ તેમના હક્કથી વધારે આ ગ્રહ પરથી લે છે. તે મને ઝેરી કરે છે અને પછી મારાથી જીવન માંગે છે… હું અહીંયા મનુષ્ય સાથે રહું કે મનુષ્યો વગર મારા માટે તે સરખું છે. હું સમુદ્ર છું. એક સમયે મેં આ આખા ગ્રહને ઢાંકી દીધો હતો અને હું તે ફરીથી કરી શકું છું. બસ મારે આટલું જ કહેવું છે.’

            પણ પ્રકૃતિનો સાચો સ્પર્શ તો જુલીઆ રોબર્ટસના અવાજમાં છે. જુલીઆએ જે અંતરના અવાજથી શબ્દો છોડયા છે તેના લીધે બધા વિડિયોમાં તેનો વિડિયો સૌથી વધુ લોકપ્રિય અને અસરકારક બન્યો છે. ‘આઇ એમ નેચર’ નામના તેમના વિડિયોમાં તેને સાંભળીને એવું લાગે છે જાણે મા શક્તિ રૃપે સાક્ષાત પ્રકૃતિ બોલી રહી છે. કદાચ તેનું કારણ એ પણ છે કે જુલીયાએ પાંચ વર્ષથી હિંદુ ધર્મ સ્વીકાર્યો છે અને તે હિંદુ ધર્મને તેના સાચા ઉંડાણથી સમજે છે અને પાળે છે. તેણે તેના ત્રણ સંતાનોના નામ પણ લક્ષ્મી, ગણેશ અને ક્રિષ્નબલરામ રાખ્યા છે. ચાલો, આ લેખનો અંત પણ જુલીઆના પ્રકૃતિ રૃપે બોલેલા એ શબ્દો સાથે કરીએ: ”કેટલાક મને પ્રકૃતિ કહે છે, કેટલાક મને પ્રકૃતિ-માતા કહે છે. હું અહીંયા ૪૫૦ અબજ વર્ષથી રહું છું. તમારાથી ૨૨,૫૦૦ ગણી મોટી. મારે લોકોની જરૃર નથી પણ લોકોને મારી જરૃર છે. હા, તમારું ભવિષ્ય મારા પર આધારિત છે. જ્યારે હું વૃદ્ધિ પામું છું, તમે પણ વૃદ્ધિ પામો છો. જ્યારે હું ડગમગું છું ત્યારે તમે પણ ડગમગો છો. પરંતુ હું અહીંયા યુગોથી છું. મેં તમારાથી ઘણા મોટા સજીવોને પોષ્યા છે અને તમારાથી ઘણા મોટા સજીવોને ભૂખ્યા પણ રાખ્યા છે. મારા સમુદ્રો, મારી માટી, મારા ઝરણાં, મારા જંગલો તે બધા તમને સ્વીકારી શકે છે કે ત્યાગી શકે છે. તમે દરેક દિવસને કેવી રીતે જીવવાનું પસંદ કરો છો, મારું સમ્માન કરીને કે મને અવગણીને એની મને કોઈ પરવા નથી. એક રીતે યા તો બીજી રીતે તમારા કર્મો તમારા ભવિષ્યને નક્કી કરશે. મારા નહી. હું પ્રકૃતિ છું. હું આગળ વધતી રહીશ. હું સક્ષમ છું ઉત્ક્રાંતિ પામવા માટે… શું તમે છો… ?”

April 13 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

પ્રાચીન ભારતથી અર્વાચીન પશ્ચિમ

જ્ઞાનના સુર્યની પૂર્વથી પશ્ચિમ તરફ ઢળવાની યાત્રા

“પ્રાચીન ભારતમાં હતો કંઈક એવો જ જ્ઞાન જીજ્ઞાસુ અને ઉદાર સમાજ વ્યવસ્થા ધરાવતો સમાજ આજે એ પશ્ચિમી વિશ્વમાં ઉભો થઈ ચૂક્યો છે જ્યાં પ્રાચીન ભારતના સુવર્ણકાળ દરમિયાન ઝાડના પાંદડા પહેરતા આદિવાસીઓ વસતા હતા.”

માનવજાતિના ઈતિહાસનું એ સુવર્ણ પ્રકરણ છે. તેણે માનવના અસ્તિત્વ વિશેના સૌથી વધુ રહસ્યોનો ઉકેલ મેળવ્યો છે. મનુષ્ય જીવનનું કારણ શું, તે કારણ અનુસાર જીવન કેવી રીતે જીવવું અને તે જીવન અનુસાર સમાજ કેવી રીતે તૈયાર કરવો તે જવાબો માનવજાતિના સુવર્ણકાળ એવા એ વૈદિક સંસ્કૃતિમાં પ્રેક્ટીકલ સ્વરૃપ જોવા મળે છે. ત્યાં સુધી કે આજે ભૌતિક રીતે મંગળ પર પહોંચી ચૂકેલું ભૌતિક વિજ્ઞાાન પણ જે નવું સત્ય શોધે છે તે કાં તો વેદાન્તની મદદથી હોય છે કાં તો તે વેદાન્તમાં પહેલેથી હાજર હોય છે.

ઉત્તરમાં અફઘાનિસ્તાનથી અરૃણાચલ સુધી ફેલાયેલી હિંદુકુશ પર્વતમાળા અને દક્ષિણ પૂર્વ, દક્ષિણ તેમજ દક્ષિણ પશ્ચિમમાં હિંદ મહાસાગર, આ કુદરતી કિલ્લેબંધી વચ્ચે એક અનોખી આબોહવા ધરાવતા ભારતીય ઉપખંડમાં શરૃઆતી સમયના એ હોમો સેપિચન્સોએ કંઈક એવી ગહનતા મેળવી કે જે આજે પણ વિશ્વ માટે એક સ્વપ્ન સમાન છે. તેમણે પ્રકૃતિ સાથે પોતાનો સંપર્ક સાધ્યો અને કદાચ આ સંપર્કમાં જ પ્રકૃતિએ, તેમને કહી દીધું કે સત્ય માનવ શરીરથી બહાર નહીં માનવ શરીરના અંદર ઝાંકવાથી મળશે. તેમનું માનવું હતું કે મનુષ્યનું મસ્તિષ્ક એ બ્રહ્માંડની પ્રતિકૃતિ છે. જેટલી બ્રહ્માંડમાં આકાશગંગાઓ છે એટલા મસ્તિષ્કમાં ચેતાકોષો છે (૧૦૦ અબજ). બંનેની રચના એકસમાન છે.

            આથી, મસ્તિષ્કને જાણવાથી બ્રહ્માંડને જાણી શકાશે. આ જાણેલા તે માનવો મસ્તિષ્કના કંઈક એવા ઉંડાણમાં ઉતર્યા કે જેણે તેમની સામે બ્રહ્માંડના તમામ સત્યોને ખુલ્લા મૂકી દીધા. પૃથ્વીનો આકાર, સૌરમંડળની રચના, ગુરુત્વાકર્ષણ, ગ્રહોની સ્થિતિ અને જ્યોતિષશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, મનુષ્ય શરીરની રચના, મન, મસ્તિષ્ક અને આત્માનો સંબંધ, સૃષ્ટિના મૂળભૂત કણો અને તેમનું પરસ્પર જોડાણ જેવી દરેક ગૂઢ હકીકતને તેમણે કોઈપણ જાતના ટેલિસ્કોપ અને કોઈપણ જાતની લેબોરેટરી વગર જાણી. આ એ સમય હતો જ્યારે પશ્ચિમી વિશ્વ જંગલોથી ભરાયેલું હતું અને ત્યાંના માનવો મહદ અંશે હજુ પ્રાણીઓના વેશમાં જ હતા. આર્યવ્રતની ભૂમિ તે સમયે પૃથ્વી પર જ્ઞાન-વિજ્ઞાન અને માનવતાના અસ્તિત્વની ભૂમિ હતી. ત્યાંનો સમાજ પણ મનુષ્યની આધ્યાત્મિક શક્તિ પ્રમાણે વ્યવસાય કરવામાં વહેંચાયેલો હતો. વ્યવસાયોના તે વર્ગોને જાતિઓ કહેવામાં આવતી. મનુષ્યનું જીવન આશ્રમ વ્યવસ્થા રૃપે ચાર હિસ્સાઓમાં વહેંચવામાં આવ્યું હતું. આશ્રમવ્યવસ્થામાં – સૃષ્ટિ અને સત્યનું જ્ઞાાન મેળવવું, એ જ્ઞાન વડે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી સૃષ્ટિચક્રને ફરતું રાખવું. પોતાનું પ્રદાન આપી દીધા પછી વનમાં જઈને તમામ બંધનોને ત્યજી દેવા અને છેલ્લે સંપુર્ણ સંન્યાસનું પાલન કરીને આત્મસાક્ષાત્કાર કરી મૃત્યુને જીતી લેવું – આ ક્રમિક જીવન પદ્ધતિ અપનાવી માનવજીવનનો ઉદ્દેશ્ય પુર્ણ કરવાનું કહેવામાં આવતું. આમ, તે સંપૂર્ણ રીતે માનવતાના અર્થને સાકાર કરતો સમાજ હતો.

            પણ આજે એકવીસમી સદીના ભારતમાં તો એના ઝીર્ણ થયેલા અવશેષો પણ ભાગ્યે જ જોવા મળે છે. આધ્યાત્મ અને માનવતાવાદના દર્શન કરાવતા એ પ્રાચીન ભારતીય સિદ્ધાંતો આજે ‘જય શ્રી રામ’ અને ‘ભારત માતા કી જય’ જેવા કેટલાક નારાઓ પૂરતા સિમિત થઈ ગયા છે. સભાનતા પર ભાવનાઓ હાવી છે. જ્ઞાન પર મોહ હાવી છે, સત્ય પર સ્વાર્થ હાવી છે અને આધ્યાત્મ પર રાજનીતિ હાવી છે. પણ પ્રાચીન ભારતમાં હતો કંઈક એવો જ જ્ઞાન જીજ્ઞાસુ અને ઉદાર સમાજ વ્યવસ્થા ધરાવતો સમાજ આજે એ પશ્ચિમી વિશ્વમાં ઉભો થઈ ચૂક્યો છે જ્યાં પ્રાચીન ભારતના સુવર્ણકાળ દરમિયાન ઝાડના પાંદડા પહેરતા આદિવાસીઓ વસતા હતા.

            છેલ્લી એક સદીમાં મળેલા જીનેટીક, ભૂસ્તરશાસ્ત્રીય અને સાહિત્યિક પુરાવાઓથી એ સિદ્ધ થયું છે કે શરૃઆતી વૈદિક સંસ્કૃતિમાંથી જ સમયે સમયે અમુક માનવ સમૂહોએ પશ્ચિમ તરફ સ્થાનાંત કર્યું. ક્યાંક એમાં સામાજીક અને સાંસ્કૃતિક વિખવાદો કારણભૂત હતા તો ક્યાંક નવી સંભાવનાઓ અને સ્વતંત્રતાની તલાશ. પશ્ચિમ તરફ ધસેલો આ આખો માનવ સમૂહ ભૌતિકવાદી હતો. તે શરીરથી બહાર પ્રકૃતિમાં સત્ય ખોજવાની કોશિશ કરતો અને શરીરને જ આખરી સત્ય માનતો. એ સમૂહોમાં સૌથી પ્રાચીન ઈજીપ્તીઅન સમાજ હતો. ઈજીપ્તઅનો પણ ધીરે ધીરે અન્ય સ્થાને સ્થાનાંતર પામ્યા અને તેમાંથી ગ્રીક અને આરબ સંસ્કૃતિનો ઉદય થયો. એવામાં પાયથાગોરાસ નામનો એક ગ્રીક વિચારક જ્ઞાનની શોધમાં પ્રાચીન ભારત આવ્યો. ભારતમાં તે વેદોની સાંખ્ય ફિલોસોફી, આધ્યાત્મ, ગણિત અને ખગોળશાસ્ત્રથી અવગત થયો.

            પાયથાગોરાસ તે ભારતીય જ્ઞાનને લઈને ગ્રીક પાછો ફર્યો અને ગ્રીક સંસ્કૃતિમાં તત્ત્વજ્ઞાાનની શરૃઆત કરી. પાયથાગોરાસનો ચેલો બન્યો સોક્રેટિસ, સોક્રેટિસનો ચેલો બન્યો પ્લુટો અને પ્લુટોનો ચેલો બન્યો એરીસ્ટોટલ. પણ ગ્રીકો ક્યારેય ભારતીય આધ્યાત્મના આત્માને ન મેળવી શક્યા અને એરીસ્ટોટલ સુધી આવતાં આવતાં ગ્રીક તત્ત્વજ્ઞાાન બિલકુલ ભૌતિક અર્થમાં વિકસવા લાગ્યું. અને ત્યાંથી ભૌતિક વિજ્ઞાનનો પાયો નંખાયો. ગ્રીક સામ્રાજ્ય રોમન સામ્રાજય રૃપે સમગ્ર યુરોપમાં ફેલાયું અને ખ્રિસ્તી ધર્મના ઉદય પછી એક ધાર્મિક રાજ્ય બન્યું. ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો અવૈજ્ઞાાનિક અને કાલ્પનિક હતા. આથી, છેક સોળમી સદી સુધી પશ્ચિમી સમાજ ચર્ચની ઝપેટમાં રહ્યો અને વિજ્ઞાનનો વિકાસ ન થયો. પણ સત્તરમી સદીના પૂર્વાર્ધમાં ગેલેલીયોના ચર્ચ સામેના સંઘર્ષથી વિજ્ઞાનનો પુર્નજન્મ થયો. અને ત્યાર પછી તો ન્યૂટન, મેક્સવેલ, ફેરાડે, એડિસન જેવા મોટા દરજ્જાના વૈજ્ઞાનિકો ઉભા થયા અને ઓગણીસમી સદીના અંત સુધીમાં પશ્ચિમના વિજ્ઞાાને વિશ્વમાં ક્રાંતિ સર્જી દીધી. આ ક્રાંતિ પ્રાચીન ભારતની આધ્યાત્મિક ક્રાંતિ કરતાં જુદી હતી. ભારતના આધ્યાત્મમાં મનુષ્યના અસ્તિત્વના કારણની શોધ અને તે કારણની પૂર્તિ એ કેન્દ્રિય વિચાર હતો. જ્યારે પશ્ચિમનું ભૌતિક વિજ્ઞાન પ્રકૃતિની વસ્તુઓનો ઉપયોગ કરીને મનુષ્યજીવનને સગવડભર્યું બનાવવાનો કેન્દ્રિય વિચાર ધરાવતું હતું. પણ વીસમી સદીની શરૃઆતમાં આઈન્સ્ટાઈને પોતાની સાપેક્ષતાવાદી શોધોથી ભૌતિક વિજ્ઞાનને પ્રાચીન ભારતના એ વિચાર પર ગંભીર બનવા મજબૂર કર્યું કે સત્ય ભૌતિકતાની હદોથી ઉપર છે અને ઈન્દ્રિયાતીત છે. અને ત્યારથી લઈને આજસુધી ભૌતિક વિજ્ઞાાનીઓનો એક મોટો સમુહ એ બધી શોધખોળો પર લાગેલો છે જે બ્રહ્માંડ શું છે, તેનો ઉદ્દેશ્ય શું છે અને માનવની તેમાં ભૂમિકા શી છે એ વાત પર સંશોધનો કરી રહ્યું છે. એકવીસમી સદીમાં થયેલી બે મોટી શોધો હીગ્ઝ બોઝોન અને ગ્રેવિટેશનલ વેવ્ઝ તે જ સંશોધનોનો એક ભાગ છે.

            વર્તમાન પશ્ચિમી સમાજની પરીપકવતા, વિચારશીલતા, સ્ત્રી સમ્માન, ઉદારતા અને વૈસ્વિકતા એ બધું પ્રાચીન ભારતના સનાતન સિદ્ધાંતોના સમકક્ષ છે. તેમની સતત વિશ્વિને કંઈક નવું આપવાની ભાવના જ તેમને આધુનિક વિશ્વના વિશ્વકર્મા બનાવે છે. ભારતીયોમાં એક સમયે આ સતત નવું સંશોધન કરવાની ભાવના મંદ પડવા લાગેલી અને તેની નવી પેઢીઓ પોતાના મહાન પૂર્વજોનું અને તેમની સિદ્ધિઓનું ગુણગાન કરવામાં લીન બની ગયેલા. અને અહીંથી જ ભારતની ગુલામીના રસ્તા ખુલ્યા.

આજે પણ આપણે વિશ્વને નવી દિશા આપી શકે તેવી વૈજ્ઞાનિક શોધખોળો કરવાને સ્થાને વેદોના વિજ્ઞાનનો મહીમામંડન કરવામાં જ વધુ રોકાયેલા રહીએ છીએ. ‘અમારા પૂર્વજો તો આવા મહાન હતા’, ‘તમે જે શોધ્યું છે એ તો અમે યુગો પહેલા શોધી કાઢેલું’ આ બધી આત્મશ્લાઘા આપણી મહાનતા નહીં આપણી દુર્બળતા અને સમય સાથે ચાલવાની આપણી અસમર્થતાનું પ્રદર્શન છે.

            બીજી બાજુ પશ્ચિમી વિજ્ઞાન પ્રાચીન ભારતીય વિજ્ઞાન કરતાં વધુ ચોક્સાઈવાળું, તાર્કીક અને સચોટ તો છે, પણ તેના માર્ગો પ્રકૃતિથી વિપરીત અને ઈન્દ્રિયોની સીમામાં બંધાયેલા છે. એટલે પ્રાચીન ભારતમાં ઉપજ્યું હતું એવા સંપૂર્ણ સત્યનું જ્ઞાન ભૌતિક વિજ્ઞાન ઉપજાવી શક્યું નથી. ઉપરથી, છેલ્લા સો વર્ષમાં તેણે પ્રકૃતિને એટલું નુકશાન પહોંચાડયું છે કે જેટલું એના પહેલાના હજારો વર્ષોમાં કોઈએ નહોતું પહોંચાડયું. આમ, પ્રાચીન ભારતમાં આધ્યાત્મ રૃપે વિજ્ઞાનનો જે સૂર્ય ઉદય પામ્યો હતો, તે હવે પશ્ચિમમાં ભૌતક વિજ્ઞાન રૃપે આવી ચૂક્યો છે. પણ પશ્ચિમમાં આવતા સુધીમાં તેણે પ્રકૃતિ માટે એક સૂર્યાસ્તને નિમંત્રણ આપી દીધું છે. એટલે જો આધુનિક ભારત રૃપે એ સૂર્ય પૂર્વમાં ફરી પ્રકાશિત કરવો હોય તો એમાં પશ્ચિમની તાર્કીકતા અને સચોટતા સાથે પૂર્વની ઈન્દ્રિયાતીત આધ્યાત્મિકતાનું મિશ્રણ થવું જોઈએ. આ જ એક શ્રેષ્ઠ માર્ગ છે જે આધુનિક સમયમાં માનવને તેના ઉદ્દેશ્યનું એક તાર્કીક, વૈજ્ઞાનિક અને સચોટ જ્ઞાન આપી શકે છે.

November 13 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

એન્ટીબાયોટિક પ્રલય' : વિનાશ નજીક છે, શું તમે તૈયાર છો?

”WHO એ પણ કહ્યું છે કે, વિશ્વમાં એન્ટીબાયોટીકોનો બેફામ ઉપયોગ થયો છે જેના કારણે આજે એન્ટીબાયોટીક રેસીન્ટન્સ માનવજાતિના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો સાબિત થયો છે.”

ઇ.સ. ૧૯૨૮માં વિશ્વની કુલ માનવ વસ્તી બસો કરોડ હતી. આજે ૨૦૧૬માં તે સાડા સાતસો કરોડ છે. મતલબ, પૃથ્વી પર માનવ વસવાટના એંશી હજાર વર્ષ પછી ૧૯૨૮ સુધી માનવ વસ્તી બસો કરોડ જ થઈ અને પછીના છેલ્લા અઠયાસી વર્ષમાં એ સાડા પાંચસો કરોડ જેટલી વધીને સાડા સાત અબજ થઈ ગઈ. માનવ વસ્તીમાં આવેલી આ નાટકીય છલાંગ પાછળ મુખ્ય કારણ છે – એન્ટીબાયોટીક દવાઓની શોધ.

            પહેલા એ સમજી લઈએ કે આ એન્ટીબાયોટીક છે શું ? ‘એન્ટી’ એટલે વિરુદ્ધ અને ‘બાયો’ એટલે જીવન. આપણા શરીરમાં કરોડો બેક્ટેરિયા હોય છે. તેમાં કેટલાક લાભદાયી હોય છે તો કેટલાક હાનિકારક હોય છે. હાનિકારક બેક્ટેરિયાને આપણા શરીરના શ્વેતકણો મારી દે છે અને આપણને બચાવે છે. પણ કેટલીકવાર જ્યારે શરીરમાં પોષક તત્ત્વોના અભાવે શ્વેતકણોની સંખ્યા ઘટી જાય કે અન્ય કોઈ કારણસર બહારથી હાનિકારક બેક્ટેરીઆનો મારો વધી જાય ત્યારે શ્વેતકણો તેમને મારવા પૂરતા સાબિત થતા નથી. આાવા સમયે શરીરને બહારથી કેટલાક એવા પદાર્થોની જરૃર પડે છે જે પેલા હાનિકારક બેક્ટેરીઆને મારી શકે. ઇ.સ. ૧૯૨૮માં એલેક્ઝાન્ડર ફ્લેમીંગે પહેલીવાર પેનીસીલીન નામના આવા એક રાસાયણિક પદાર્થની શોધ કરી જે આવા હાનિકારક બેક્ટેરીયાને મારી શકતા હતા. આથી એ પદાર્થની જાતિને એન્ટીબાયોટીક નામ આપવામાં આવ્યું. પેનીસિલીન વિશ્વની પ્રથમ એન્ટીબાયોટીક હતી જેનો ચિકિત્સા પદ્ધતિમાં વ્યાપક ઉપયોગ ૧૯૪૦ના દશકથી શરુ થયો. એના પરીણામો અદ્ભુત આવ્યા. લોકો જે નાની મોટી બીમારીઓથી મૃત્યુ પામતા હતા તેમને હવે બચાવી શકાયા અને સરેરાશ માનવજીવન લંબાયું. અને કંઈક એવું લંબાયું કે છેલ્લા આઠ દશકમાં માનવ વસ્તી પહેલા કરતા ત્રણ ગણી થઈ ગઈ.

            હવે, આ સુખદ સ્ટોરીમાં બે ટ્વીસ્ટ આવ્યા. પહેલો એ કે બેક્ટેરીઆ પણ છેલ્લે તો આપણા જેવો જીવ જ છે. તે પણ તેના અસ્તિત્વ સામે કોઈ સંકટ ઊભું થાય એટલે તેના ઘટકદ્રવ્યોમાં પરીવર્તન કરી અસ્તિત્વ ટકાવી રાખવા કોશિષ કરે છે. આ કારણે બન્યું એવું કે એન્ટીબાયોટીકોના વપરાશ પહેલાં જે બેક્ટેરીયા ઘણીવાર શરીરના શ્વેતકણોથી પણ મરી જતા તેમણે હવે આ એન્ટીબાયોટીકો સામે લડતા લડતા પોતાના ડીએનએને બદલી દીધું. અને આ બદલાયેલા ડીએનએથી એ એન્ટીબાયોટીક એમને અસર કરતી બંધ થઈ જ ગઈ. સાથે સાથે આપણા શ્વેતકણો પણ તેમની આગળ બેઅસર થઈ ગયા. આમ, માનવજાતિ ફસાઈ. હવે વિકલ્પ એક જ હતો – એન્ટીબાયોટીકને હજી એવી રીતે વિકસાવવી કે જેથી તે આ રેસીસ્ટ થઈ ગયેલા બેક્ટેરીયાના નવા ડીએનએને પણ મારી શકે. આ રીતે આપણે એક પછી એક વધુ ખતરનાક એન્ટીબાયોટીકો શોધવી પડી જે એ ખતરનાક બની ગયેલા બેક્ટેરીયાને મારી શકે. આ ખતરનાક બનેલી એન્ટીબાયોટીકો હવે એ હાનીકારક બેક્ટેરીઆ સાથે શરીરના લાભદાયી બેક્ટેરીઆને પણ મારવા લાગી. આ કારણે ઊભી થઈ એન્ટીબાયોટીકની ગંભીર સાઇડ ઇફેક્ટો. આ રીતે બેક્ટેરીઆ અને એન્ટીબાયોટીકો વચ્ચે ચાલતા આ અવિરત યુદ્ધમાં ૧૯૮૭ સુધીમાં આપણે એન્ટીબાયોટીકોના બીજા સો group શોધી લીધા પણ હવે બીજો ટ્વીસ્ટ આવ્યો. ૧૯૮૭ પછી એવા રસાયણો મળતા બંધ થઈ ગયા જે ખતરનાક બની ગયેલા એ બેક્ટેરીઆને મારી શકે. પરિણામે ૧૯૮૭ પછી બેક્ટેરીઆનું કોઈ નવું group આજ સુધી શોધાયું નથી. આથી છેલ્લી શોધાયેલી એન્ટીબાયોટીકોના બંધારણમાં જ અમુક ફેરફારો કરીને નવી પેઢીની એન્ટીબાયોટીકો બનાવવામાં આવી રહી છે, જ્યાં ક્રમશ: તેમનો ડોઝ અને સમયગાળો વધારવામાં આવી રહ્યા છે.

            અમેરિકામાં તમામ એન્ટીબાયોટીકો સામે રેસીન્ટન્ટ બેક્ટેરીઆ અસ્તિત્વમાં આવી ચૂક્યા છે. આ કારણે ત્યાં ૧૯૭૦માં શોધાયેલી કોલીસ્ટીન નામની એન્ટીબાયોટીકને ફરી ચાલુ કરવામાં આવી છે. જેને ભયંકર સાઇડ ઇફેક્ટોના કારણે ૧૯૭૦માં બંધ કરી દેવામાં આવેલી પણ ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં એક અમેરિકન મહીલાના મૂત્રમાર્ગના ઇન્ફેક્શનમાં એવા બેક્ટેરીઆ મળી આવ્યા જે કોલીસ્ટીન સામે પણ રેસીસ્ટન્ટ છે. આ પછી WHO એ પણ કહ્યું છે કે, ‘વિશ્વમાં એન્ટીબાયોટીકોનો બેફામ ઉપયોગ થયો છે જેના કારણે આજે એન્ટીબાયોટીક રેસીન્ટન્સ માનવજાતિના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો સાબિત થયો છે.’ બ્રિટન સરકારના ચીફ મેડીકલ ઓફિસર ડેમ ડેવિસનું કહેવું છે કે, ‘એન્ટીબાયોટીક્સ સામે રેસીસ્ટન્સ એ આતંકવાદ જેટલો જ ભયાનક ખતરો છે. બ્રિટન ઓગણીસમી સદીના એ સમયમાં પાછું ધકેલાઈ રહ્યું છે જ્યાં એક સામાન્ય ઇન્ફેક્શન કે એક નાનું ઓપરેશન દર્દીનો જીવ લઈ લેતો હતો.’ ભારતમાં પણ એન્ટીબાયોટીક રેસીસટન્સનો દર ખૂબ ઊંચો છે.

            આપણા દેશમાં તો ગામડામાં પ્રેક્ટીસ કરતા આયુર્વેદિક ડોક્ટરો કે બની બેઠેલા દસમુ ફેલ ડોક્ટરોથી લઈને મોટા નગરોના એમ.ડી. ડોક્ટરો સુધી ઉંચી ઉંચી એન્ટીબાયોટીકો આપીને જલ્દીમાં જલ્દી પેશન્ટને સાજું કરી પોતાની પ્રેક્ટીસ ચમકાવવામાં લાગેલા છે. અસલમાં એ ડોક્ટરો આપણા દેશના એ અજ્ઞાાની દર્દીઓની દેન છે જેમના મનમાં ‘જે જલદી સાજા કરી દે તે ડોક્ટર સારો’ એ સૂત્ર ઘર કરી ગયું છે. પછી એ કઈ દવા આપીને સાજો કરે છે એનું એમને ના જ્ઞાન છે ન પરવા છે. ઉંચી એન્ટીબાયોટીક ગળીને આવેલા દર્દીઓને સામાન્ય રોગમાં પણ પ્રાથમિક કક્ષાની એન્ટીબાયોટીક અસર કરતી નથી. પરિણામે એવા દર્દીઓને વધુ ઉંચી એન્ટીબાયોટીક જ આપવી પડે છે અને તેવા દર્દી બહુ જલદી આખરી પ્રાપ્ય એન્ટીબાયોટીકના રેસીન્ટન્સ તરફ ધકેલાઈ જાય છે અને આખરી હાજર એન્ટીબાયોટીકથી જે રેસીન્ટન્ટ થઈ જાય તે માણસને પછી એ ખતરનાક બેક્ટેરીઆથી બચાવવાવાળું કોઈ રહેતું નથી. એના માટે આ પૃથ્વી પર પ્રલય આવી ચૂક્યો છે. આવી છેલ્લી હદે રેસીન્ટન્ટ થયેલા બેક્ટેરીઆ તે માણસોમાંથી બીજા માણસોમાં ફેલાઈ શકે છે અને તે દરેક માણસને બેસહાય અવસ્થામાં ધકેલી શકે છે. આમ, ‘એન્ટીબાયોટીક પ્રલય’નો એ સમય એકવાર શરુ થયા પછી કેટલો ઝડપથી પ્રસરશે તેનો અંદાજો પણ આપણે લગાવી શકીએ તેમ નથી. એટલે તો વિદેશોમાં શક્ય હોય ત્યાં સુધી એન્ટીબાયોટીકનો ઉપયોગ ન કરવાની ચેતવણી ડોક્ટરોને આપી દેવાઈ છે. પણ ભારતના જવાબદાર ડોક્ટરો જ્યારે સ્વનિષ્ઠાએ એન્ટીબાયોટીકોનો ઉપયોગ હળવો કરવાની કોશિષ કરે છે ત્યારે ઊંચી એન્ટીબાયોટીકો ગળીને રેસીસ્ટન્ટ બનેલું ભારતીય પેશન્ટ તેનો કેસ બગાડે છે. પરિણામે ‘સારા ડોક્ટર’ ની પ્રતિષ્ઠા જાળવી રાખવા તેને પણ બધાની સાથે એન્ટીબાયોટીકના ભારેખમ ઉપયોગ સાથે ચાલવું પડે છે. આ આજના ભારતની સ્થિતિ છે. પણ આપણા અંગુઠાછાપ, જાતિવાદી અને સત્તાલાલચુ નેતાઓ માટે આ આખો વિષય એક બાઉન્સર છે.

            ખેર, છેલ્લે સારા સમાચાર. ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં ટેઇક્સોબેક્ટીન નામનું એક નવું એન્ટીબાયોટીક group શોધી કઢાયું છે જેના પ્રયોગો ઉંદર ઉપર સફળ થયા છે. માણસો પરના એના પ્રયોગો સફળ થયા પછી તે પાંચ વર્ષની અંદર બજારમાં આવી જશે અને ત્યાર પછી જ તેનાથી થનારી સાઇડ ઇફેક્ટો વિશે માહિતી મળી શકશે. ટેઇક્સોબેક્ટીનની રેન્જ એટલી ફેલાયેલી છે કે આવનારા ત્રીસ વર્ષ સુધી બેક્ટેરીઆ તેનાથી રેસીસ્ટન્ટ નહીં થઈ શકે. મતલબ, આવનારા ત્રીસ વર્ષ સુધી ‘એન્ટીબાયોટીક પ્રલય’ની તારીખ ટળી ગઈ છે. પણ જો તે ભારતના એ બેફામ ડોક્ટરોના હાથમાં લાગી જશે તો આ પ્રલયની તારીખ ઘણી નજીક આવી જશે એ નક્કી છે.

July 09 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

સમાજમાં વધતા બળાત્કારોનું વૈજ્ઞાનિક કારણ

“તમામ પ્રકારના ભૌતિક ભોગવિલાસોને ભોગવી લીધા પછી પણ આ માનવ સમાજને એ શાશ્વત પરમ આનંદ નથી મળ્યો જે એને જોઈએ છે. આ કારણે તે એ પરમઆનંદની એક નાનકડી ક્ષણિક બૂંદ જ્યાં મળી રહી છે તે તરફ ઝડપથી વળી રહ્યો છે”

કોઈ કહે છે કે નેતાઓના બેજવાબદાર નિવેદનોથી બળાત્કાર વધી રહ્યા છે તો કોઈ કહે છે કે વેલેન્ટાઇન ડેના લીધે વધી રહ્યા છે. માણસ ન સમજાય તે દરેક વાતનો પોતાના સ્વાર્થ અનુકૂળ અર્થ કરવા ટેવાયેલો છે. પણ અસલમાં બળાત્કારોનું કારણ છેક સૃષ્ટિની શરુઆત સાથે જોડાયેલું છે. બિગ બેંગના વિસ્ફોટ સાથે આ સૃષ્ટિની ઊર્જા પોતાના મૂળ સ્વરૃપ એવા અદ્વૈત પિંડને ત્યાગી બે પરીમાણો ધરાવતી એક રચનામાં આવી, જેને આજે શિવની ઉત્પત્તિ કહેવાય છે. ત્યાંથી આગળ તે ઊર્જા સાત પરિમાણોની રચનામાં આવી. જેને આપણે વિષ્ણુની ઉત્પત્તિ કહીએ છીએ. વિષ્ણુના આ સાત પરીમાણો સામ-સામે ઉભેલા બે વિભાગોમાં વહેંચાયેલા હતા, જે આકૃતિ પ્રમાણે દરેક પરીમાણમાં ઉર્જાની બે વિરોધી પ્રકૃતિઓ ધરાવતા હતા. એક લિંગ આકારની બહિર્ગામી પુરુષ પ્રકૃતિ અને બીજી યોની આકારની અંતર્ગામી સ્ત્રી પ્રકૃતિ.

            વિષ્ણુથી આગળ સૃષ્ટિ વિસ્તરતા ઊર્જા હજુ વધારે ખંડિત થઈને અસંખ્ય સૂક્ષ્મ કણોમાં ફેરવાઈ ગઈ જે ત્રણ પરીમાણમાં જ હતા. આ કણોએ ભેગા થઈને તારાઓ, ગ્રહો અને ઉપગ્રહો જેવા અવકાશી પદાર્થો અને મનુષ્ય જેવા સજીવ પદાર્થોરૃપે આજનું આપણું ત્રિપરીમાણીય બ્રહ્માંડ બનાવ્યું. પણ મનુષ્યના અંદર ઉર્જાએ પોતાની જાતને એટલી સંગઠિત કરી દીધી હતી કે તે સૃષ્ટિની શરુઆતમાં ઉત્પન્ન થયેલા વિષ્ણુની રચનામાં આવી પહોંચી હતી. મનુષ્ય શરીરના સાત ચક્રો અસલમાં એ સાત પરીમાણો જ છે જે વિષ્ણુ સ્થિતિની સૃષ્ટિમાં રચાયા હતા. આમ, આજે મનુષ્યના બહારનું બ્રહ્માંડ ત્રણ પરીમાણોમાં છે અને તેની અંદરનું બ્રહ્માંડ સાત પરીમાણોમાં. એટલે મનુષ્ય બહારના બ્રહ્માંડમાં કોઈ ભૌતિક વસ્તુ ત્યારે જ જોઈ શકે છે જ્યારે તે વસ્તુ તેના અંદરના સાત પરીમાણીય બ્રહ્માંડમાં રચાય. મતલબ મનુષ્ય દરેક વસ્તુને બહારના બ્રહ્માંડમાં નહી પણ પોતાના મસ્તિષ્કના બ્રહ્માંડમાં જ જુએ છે.

            હવે, મનુષ્યના શરીરમાં જે સાત પરીમાણો છે તે પણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વિભાગમાં વહેંચાયેલા છે. પણ પ્રાણીઓના શરીરમાં લિંગભેદની ઉત્ક્રાંતિ થતાં જ તેમના શરીર પુરુષ શરીર અને સ્ત્રી શરીરમાં વિભાજીત થઇ ગયા. આ સમયે મહત્વપૂર્ણ ઘટના એ બની કે તેમના શરીરના પરિમાણો જે બે વિભાગમાં વહેંચાયેલા હતા તેમાંથી એક જ વિભાગમાં રહેલી પ્રકૃતિઓની અભિવ્યક્તિ શરીરમાં. થઇ, જયારે બીજા વિભાગની ઉર્જા તેમના સુષુપ્ત મનમાં રોકાઈ ગઈ. એજ પ્રાણીઓમાં જયારે સત પરિમાણો ધરાવતા મનુષ્ય શરીરનું નિર્માણ થયું ત્યારે તેમાં પણ કોઈ એક જ વિભાગની પ્રકૃતિઓ અભિવ્યક્ત થઇ જયારે બીજા વિભાગની પ્રકૃતિઓ શરીરમાં બીનઅભિવ્યક્ત રહી. આમ, મનુષ્ય શરીરનું નિર્માણ તેમાંના જ એક વિભાગની પ્રકૃતિઓ પ્રમાણે થાય છે. બંને વિભાગમાં પુરુષ અને સ્ત્રી પ્રકૃતિ હાજર હોય છે. એક વિભાગમાં પુરુષ પ્રકૃતિ વધુ હોય છે અને સ્ત્રી પ્રકૃતિ ઓછી, તો તેના સામેવાળા વિભાગમાં એનાથી બિલકુલ ઉલટું. વધુ પુરુષ પ્રકૃતીવાળો વિભાગ શરીરમાં અભિવ્યક્ત થાય તો તે શરીર પુરુષનું અને વધુ સ્ત્રી પ્રકૃતિવાળો વિભાગ અભિવ્યક્ત થાય તો તે શરીર સ્ત્રીનું બને છે. એટલે આકૃતિ મુજબ, ડાબી બાજુનો વિભાગ શરીરમાં અભિવ્યક્ત થાય છે ત્યારે સ્ત્રીનું શરીર બને છે અને જમણી બાજુનું શરીર અભિવ્યક્ત થાય એટલે પુરુષનું શરીર બને છે. બંનેમાં તેમના સામેવાળો ભાગ બિનઅભિવ્યક્ત રહે છે.

            એટલે મનુષ્ય જ્યારે બીજા મનુષ્યને જુએ છે ત્યારે સામેવાળા મનુષ્યનું ભૌતિક શરીર અને તેના અંદરના બ્રહ્માંડમાંથી નીકળતા તરંગો બંને પહેલા મનુષ્યના આંતરિક બ્રહ્માંડમાં રચાય છે. જો પુરુષ કોઈ સ્ત્રીને જોશે તો તેણીનું શરીર પુરુષના અભિવ્યક્ત વિભાગમાં એક ભૌતિક વસ્તુ તરીકે રચાશે જ્યારે તેણીના સાત પરીમાણીય બ્રહ્માંડમાંથી નીકળતા ઊર્જાના તરંગો પુરુષના બિનઅભિવ્યક્તિય વિભાગમાં રચાશે. કારણ કે એ સ્ત્રીનો અભિવ્યક્ત વિભાગ એ જ પુરુષનો બિનઅભિવ્યક્ત વિભાગ છે. એટલે જ્યારે કોઈ સ્ત્રી પુરુષ સામે આવે છે ત્યારે પુરુષના બિનઅભિવ્યક્ત વિભાગ સાત પરીમાણોની વિરોધી પ્રકૃતિઓ સક્રિય થઈ જાય છે. અને તે પુરુષના અભિવ્યક્ત વિભાગની પ્રકૃતિઓને આકર્ષે છે. પરીણામે પુરુષ સ્ત્રીને જોતાં જ પોતાના અંદરના બ્રહ્માંડની ઊર્જામાં બે વિભાગો વચ્ચે ગજબનું આકર્ષણ અનુભવવા લાગે છે.

            આ આકર્ષણ વડે પુરુષની સમગ્ર ઊર્જા એકબીજામાં ભળીને તે શરીરમાં જ પોતાનું મૂળ સ્વરૃપ એવી અદ્વૈત સ્થિતિ પ્રાપ્ત કરવાની કોશિષ કરે છે. પરિણામે પુરુષ સામેવાળી સ્ત્રી સાથે સંભોગ કરવા આતુર બને છે. સંભોગના અંતે પ્રાપ્ત થતી એ અદ્વૈત સ્થિતિ સૃષ્ટિની ઊર્જાની સંપૂર્ણતા છે. આથી, તે સ્થિતિ પ્રાપ્ત કરતાં જ શરીરમાં ચરમસીમાનો પરમ આનંદ અનુભવાય છે. પણ સંભોગની ચરમસીમાનો આ અનુભવ ક્ષણિક હોય છે. કારણ કે, મનુષ્યનું અસ્તિત્વ તો તેનું જાગ્રત મન છે, જે તેના અભિવ્યક્તિ વિભાગનો મહત્તમ પાંચ ટકા જેટલો જ ભાગ ધરાવે છે. એટલે કોઈ પણ સ્ત્રીને જોવાથી પુરુષના બિનઅભિવ્યક્ત વિભાગમાં પણ દરેક પરીમાણના મહત્તમ પાંચ ટકા ઊર્જા જ સક્રિય થાય છે.

            આમ, મનુષ્યના શરીરમાં સંભોગની ક્રિયા તેના અભિવ્યક્ત વિભાગની પાંચ ટકા અને બિનઅભિવ્યક્ત વિભાગની પાંચ ટકા એમ શરીરની કુલ દસ ટકા ઊર્જા વચ્ચે જ થાય છે. આ દસ ટકા ઊર્જા જ ચરમસીમા સમયે સાતમા પરિમાણમાં એક થાય છે અને ચરમસીમાનો અનુભવ પ્રાપ્ત કરે છે. પણ જેવી તે ચરમસીમા આવે છે. શરીરની બાકીની નેવુ ટકા ઊર્જા તેને પાછી નીચે તરફ ખેંચે છે. આથી, ચરમસીમાની એ ઊંચાઈએથી દસ ટકા ઊર્જા ઝડપથી નીચે પટકાય છે. ઊર્જા સાતમા ચક્રથી નીચે ઉતરતા જ ચરમસીમાનો અનુભવ જતો રહે છે. આમ, સંભોગની ચરમસીમાનો અનુભવ સમગ્ર સૃષ્ટિમાં શક્ય હોય તેવો મહત્તમ સુખદ અનુભવ છે. તેનાથી વધુ સુખદ અનુભવ સૃષ્ટિમાં શક્ય નથી. કારણ કે તે ઊર્જાની આખરી અદ્વૈત સ્થિતિએ પ્રાપ્ત થાય છે પણ આ અનુભવ ક્ષણિક છે અને ઊર્જાને હણી લેનારો છે. એકવાર મનુષ્યને ચરમસીમાનો એ મહત્તમ ચૈતન્ય ધરાવતો અનુભવ થઈ જાય પછી એનાથી નીચેના કોઈ આનંદમાં તેનું મન માનતું નથી. એટલે જો મનુષ્યને કોઈ એવો માર્ગ બતાવવામાં ન આવે જેના દ્વારા તે પોતાના અંદરની સો ટકા ઊર્જાને સાતમા પરીમાણમાં એક કરી શકે અને ત્યાં સ્થિર રહી ચરમસીમાના પરમ ચૈતન્ય અનુભવ પર સદા સ્થિર રહી શકે તો તે સંભોગના ક્ષણિક અનુભવ પાછળ વારંવાર ભાગશે અને આ માટે તેની એકમાત્ર જરૃરિયાત હશે સ્ત્રીનું શરીર.

            એટલે સમાજમાં સ્ત્રીના રૃપમાં ફરી રહેલી અડધી વસ્તી બાકીની અડધી વસ્તી માટે જીવનનો સર્વશ્રેષ્ઠ અનુભવ મેળવવા માટેનું એકમાત્ર સાધન છે. અને જીવનનો એ સર્વશ્રેષ્ઠ અનુભવ કંઈક એવો છે કે સામે માણસને ફાંસીની સજારૃપી મોત દેખાતું હોય તો પણ તે ક્ષણિક અનુભવ માટે મૌતને સ્વીકારી લેવાની મન:સ્થિતિમાં આવી જાય છે. આવે પણ કેમ નહીં. તેના અંદરની સમગ્ર ઊર્જા જે લક્ષ્ય માટે જીવન વિતાવી રહી છે તે અદ્વૈત સ્થિતિનો એક નાનો- ક્ષણિક અનુભવ તે સંભોગની ચરમસીમામાં કરે છે. એટલે એના માટે શરીર છોડવા પણ તૈયાર થઈ જવું એ તેની અંદરની ઊર્જામાંથી ઉઠતો એક નૈસર્ગિક ભાવ છે. એ વાત અલગ છે કે ચરમસીમાની એ ક્ષણ જતી રહ્યા પછી અને સ્ખલનમાં બધી ઊર્જા ગુમાવી દીધા પછી સામે પડેલું સ્ત્રીનું શરીર તેને ફક્ત એક ભૌતિક પદાર્થ લાગે છે અને તે સમયે પોતાના જીવન વિશેનો મોહ પાછો આવી ગયો હોય છે. પણ ત્યાં સુધીમાં તે અપરાધ કરી ચૂક્યો હોય છે. બસ. આને સમસ્યા કહો કે ધર્મસંકટ કહો. આપણી પરિસ્થિતિ આ છે. સમાજમાં બળાત્કારી માનસિકતા વધી રહી હોવાનું કારણ આ છે.
તમામ પ્રકારના ભૌતિક ભોગવિલાસોને ભોગવી લીધા પછી પણ આ માનવ સમાજને એ શાશ્વત પરમ આનંદ નથી મળ્યો જે એને જોઈએ છે. આ કારણે તે એ પરમઆનંદની એક નાનકડી ક્ષણિક બૂંદ જ્યાં મળી રહી છે તે તરફ ઝડપથી વળી રહ્યો છે અને એ અનુભવની ઉત્કંઠા એટલી તીવ્ર છે કે માનવને પાપ અને નર્કનો તો શું કાયદા અને મૌતનો ડર પણ વિસરાઈ રહ્યો છે. તો જરા ભવિષ્ય વિચારી જુઓ.

કાઉન્ટર સવાલ: તો તો સ્ત્રીમાં પણ અદ્વૈતનો અનુભવ કરવાની ઉતકંઠા હોવી જોઈએ. તો સ્ત્રી બળાત્કાર કેમ નથી કરતી..?

જવાબ: સ્ત્રીની પ્રકૃતિ અંતર્ગામી એટલે કે સ્વીકારવાની છે. જયારે પુરુષની પ્રકૃતિ બહિર્ગામી-આક્રમક. એટલે પુરુષમાં સામે ચાલીને સંભોગ કરવાનો ઉન્માદ વધારે હોય છે, જે અમુકવાર બળાત્કારનું સ્વરૂપ લઇ લે છે. જયારે સ્ત્રીને સંભોગ માટે તૈયાર થવું પડે છે.

એકવાર તે સ્વીકારવા તૈયાર થાય પછી એ પુરુષ કરતા પણ વધુ તીવ્રતાથી સંભોગમાં વર્તે છે. સ્ત્રીને સ્વીકારવા માટે તૈયાર કર્યા વગર સંભોગ કરવો એને જ
બળાત્કાર કહે છે.

August 17 / 2017 / On Facebook

કૃષ્ણ અને કૃષ્ણાનો મહારાસ

સમાજને વ્યભિચાર, બળાત્કાર અને પ્રેમના દમનથી બચાવવાનો એકમાત્ર માર્ગ

“આપણી સમસ્યા એ છે કે પ્રેમની અભિવ્યક્તિ આપણે ખાલી શરીરથી કરવાનું જાણીએ છીએ. અને એ માર્ગ સંભોગનો છે જે અનેક સમસ્યાઓ અને મર્યાદાઓથી ભરેલો છે. સંભોગની તમામ મર્યાદાઓને દૂર કરતો કોઈ માર્ગ છે તો એ છે સંગીત અને મિત્રતા.”

પાછલા લેખમાં આપણે બળાત્કારોનું વૈજ્ઞાનિક કારણ સમજ્યા હતા. હવે એ બળાત્કારો અને વ્યભિચારથી સમાજને બચાવવાનો એકમાત્ર માર્ગ આપણે જાણવાનો છે.

            સૃષ્ટિમાં બ્રહ્મ જે પાંચ તત્વો રૂપે વિકસ્યું છે તે પાંચ તત્વો મનુષ્યના પહેલા પાંચ ચક્રોની ઉર્જામાં પણ નિર્માણ પામે છે. અને આ પાંચ તત્વો સાથે પહેલા પાંચ ચક્રોમાં પાંચ ઈન્દ્રીઓ પણ ઉત્પન્ન થાય છે જે બહારના પાંચ તત્વોમાંથી આવતી સંવેદનાને શરીરમાં નોંધીને બુદ્ધિ સુધી પહોંચાડે છે. બુદ્ધિ આ પાંચેય પ્રકારની સંવેદનાઓને સમજે છે અને તેને જવાબ આપે છે. આમ, બુદ્ધિ જે છઠા ચક્ર આગળ આવેલી છે ત્યાં બ્રહ્મના પાંચેય તત્વોની સંવેદના અને તેમની સમજ એકઠી થાય છે. આમ, છઠા ચક્રની ઉર્જા એવી બુદ્ધિ પાંચેય તત્વોના એકઠા થવાથી બનતા બ્રહ્મનો જ એક ભાગ હોય છે. જેમ જેમ મનુષ્યની બુદ્ધિ વધતી જાય છે તેમ તેમ તે બ્રહ્મના સંપૂર્ણ સ્વરૂપથી નજીક આવતી જાય છે. આથી જ બુદ્ધિની ઉર્જાને મનુષ્યની જાગ્રત ઉર્જા કહે છે, જાગેલી ઉર્જા.

            તો જે વિષય પર આપણે બધા આપણી ટીન એજથી ચર્ચા કરતા આવીએ છીએ કે ફલાણી છોકરીથી આપણને પ્રેમ છે કે આકર્ષણ- તેનો જવાબ અહીં છે. મનુષ્યની જાગ્રત ઉર્જા એવી બુદ્ધિ લલાટમાં ભ્રમર વચ્ચે આવેલા છઠા ચક્ર પર સ્થિત છે. એટલે મનુષ્યની આંખો અને મુખ પર તેની જાગ્રત ઉર્જા અભિવ્યક્ત થાય છે. જે સ્ત્રીનું ફક્ત મુખ જોવાથી તમને આકર્ષણ થાય તે પ્રેમ છે. તે તમારા બંનેની જાગ્રત ઉર્જા વચ્ચેનો પ્રેમ છે. બ્રહ્મનો બ્રહ્મ સાથેનો પ્રેમ છે. પણ જો કોઈને નગ્ન જોઈને કે તેના અંગો-ઉપાંગો જોઇને તમને આકર્ષણ થયું છે તો એ એવું જ ભૌતિક આકર્ષણ છે જેવું ચુમ્બક્ના બે વિરોધી ધ્રુવો સામસામે લાવવાથી તેમના વચ્ચે થાય છે. તે બે ભૌતિક પદાર્થો વચ્ચેનું આકર્ષણ છે, આત્માઓ વચ્ચેનું નહિ. ચુમ્બક્ના ધ્રુવો એક જ પરિમાણમાં વિરોધી પ્રકૃતિ ધરાવે છે એટલે તેમનું આકર્ષણ એક જ પરિમાણમાં થાય છે. જયારે મનુષ્ય સાત પરિમાણોમાં વિરોધી પ્રકૃતિ ધરાવે છે એટલે તેમનું આકર્ષણ સાત પરિમાણોમાં થાય છે. એટલે લગ્ન પહેલા સ્ત્રી-પુરુષ વચ્ચે થતું આકર્ષણ ચહેરો જોઈને જ થતું હોવાથી તે પ્રેમની જ શરૂઆત હોય છે. અને આવા પ્રેમથી જોડાઈને લગ્ન બાદ પતિ-પત્ની બનેલા યુગલ વચ્ચે જયારે સંભોગ થાય છે ત્યારે તેમની જાગ્રત ઉર્જા સામેવાળા પાત્રની જાગ્રત ઉર્જા સાથે સાતમા પરિમાણની ટોચે એક થાય છે. આ સમયે તેમને ચરમસીમા અનુભવાય છે અને આ સમયે તે બંનેએ એકબીજાના શરીરને સખ્તાઈથી જકડી રાખેલા હોય છે. હવે, જાગ્રત ઉર્જા એટલે જાગ્રત મનની ઉર્જા. એટલે સાતમા પરિમાણની ટોચે પુરુષની જાગ્રત ઉર્જા સાથે સ્ત્રીની જાગ્રત ઉર્જા એક થાય છે ત્યારે સ્ત્રીની જાગ્રત ઉર્જાની આવૃત્તિ એટલે કે તેનું માપ પુરુષના જાગ્રત મનમાં આવી જાય છે. અને કારણ કે આ સમયે પુરુષે સ્ત્રીના શરીરને જકડી રાખેલું હોય છે એટલે સ્ત્રીની જાગ્રત ઉર્જા પુરુષના જાગ્રત મનમાં સ્થપાતી વખતે પુરુષને અનુભવાય છે કે ચામડાનું આ શરીર કે ચામડાનો આ પદાર્થ હું જ છું. બીજી બાજુ સ્ત્રીને પણ પુરુષના શરીર પ્રત્યે આ ક્ષણે એવું જ અનુભવાય છે કે આ ચામડાનો પદાર્થ હું જ છું.

            જેમ જેમ પતિ-પત્ની વચ્ચેનો સંભોગ વધતો જાય છે તેમ તેમ તેમની જાગ્રત ઉર્જા એકબીજાના જાગ્રત મનમાં સ્થપાતી જાય છે. પરિણામે તેમને એકબીજાને જોવાથી થતું આકર્ષણ નાશ પામે છે. કારણ કે તેમના મનમાં આ ભાવ પ્રબળ બનતો જાય છે કે ‘સામેનું પાત્ર એક ચામડાનો પદાર્થ છે અને એ પદાર્થ હું જ છું. (કારણ કે હવે બંનેના શરીર બે છે પણ જાગ્રત ઉર્જા એક છે.) બસ, લગ્નના શરૂઆતના વર્ષોમાં જ આ સ્થિતિ આવી જતા પતિ-પત્નીને એકબીજાના ચહેરાથી થતું આકર્ષણ બંધ થઇ જાય છે. હવે તેઓ સંભોગ માત્ર પેલી ચરમસીમા મેળવવા કરે છે અને તે માટેનું આકર્ષણ ઉત્પન્ન કરવા તેમને એકબીજાના નગ્ન શરીરનો સહારો લેવો પડે છે. માત્ર ચહેરો હવે એ કામ નથી કરી શકતો. સંભોગ તેમના પ્રેમની ચેતનાને ખતમ કરી દે છે અને તેમની ઉર્જાના જોડાણને લીધે એકત્વના ભાવને જન્મ આપે છે. હવે તેમના વચ્ચે પ્રેમની ચેતના ન હોતા એક બંધન હોય છે. તેઓ ચાહે તો પણ એકબીજાથી છૂટી નથી શકતા કારણ કે તેઓ એકબીજાની જાગ્રત ઉર્જાનો ભાગ બની ચુક્યા છે. એટલે કે એકબીજાના અહમ અને અસ્તિત્વનો ભાગ બની ચુક્યા છે. પણ તેમના વચ્ચે હવે પ્રેમની એ તીવ્રતા કે સ્પંદન નથી હોતું જે સંભોગ પહેલા તેમના વચ્ચે હતું. આ કારણે લગ્ન પછી દરેક પતિ-પત્ની એકબીજાના શરીરથી ઉબી જાય છે. અને આ કડવા સત્યથી બચવા માટે તેમનું ધ્યાન બાળકોમાં, નોકરી-ધંધામાં કે અન્ય મહત્વાકાંક્ષાઓ તરફ વાળી દે છે. પણ આ જ પતિ-પત્ની જયારે અન્ય કોઈ સુંદર સ્ત્રી કે વ્યક્તિત્વશાળી પુરુષને જુએ છે ત્યારે તેમના ચહેરાને જોતા જ પ્રેમનું પેલું સ્પંદન પાછું આવી જાય છે. મોટાભાગના લોકો એ પ્રેમના સ્પંદનને અનૈતિક માની તેનું દમન કરવામાં જીવન કાઢી દે છે તો કેટલાક લોકો લગ્નજીવનથી બહાર નીકળી તે પ્રેમને મેળવવા કોશિશ કરે છે. પણ કમનસીબે આ કોશિશ પણ સંભોગ અને શારીરિક સંબંધોના માર્ગે જ હોય છે. એટલે કેટલાક વર્ષોમાં તે સ્ત્રી કે પુરુષ તે બીજા પાત્રના ચામડાના શરીરથી પણ ઉબી જાય છે. પરિણામે અત્યાર સુધી એક માણસ સાથે સ્પંદનહીન બંધનથી જીવતા હતા તેવું હવે બીજા એક માણસ સાથે પણ જીવવું પડે છે. સંભોગ સ્ત્રી-પુરુષની જાગ્રત ઉર્જાને બાંધી દે છે અને માણસ ભલે સામાજિક બંધનથી છૂટી જાય પણ તે માનસિક બંધનથી છૂટી શકતો નથી. આ સંસારનું એ કડવું સત્ય છે જેનાથી કોઈ બાકાત નથી. અને કોઈ સ્ત્રી કે પુરુષ આ બાબતમાં એકલી કે એકલો નથી.

            આમ, આપણી સમસ્યા બે છે. એક સંભોગ ન કર્યો હોય તેવા લોકો સંભોગમાં કોઈ અનંત અલૌકિક પરમાનંદની શોધમાં બળાત્કાર જેવા અપરાધ કરવા તૈયાર થઇ જાય છે. જયારે જે સંભોગના માર્ગે જાય છે તે પણ અમુક સમય પછી તેના જીવનસાથીના શરીરથી ઉબી જાય છે અને બીજા પાત્રો સાથે વ્યભિચાર તરફ વળે છે. જે એક મૃગજળથી વધુ કઈ નથી હોતું. તો સમાધાન શું છે..?

            પહેલા વીસમી સદીમાં જીવેલા બે મહાપુરુષોની વાત કરી લઈએ જેમણે આ મૃગજળમાંથી બહાર નીકળવાની પોતપોતાના વિચારો પ્રમાણે કોશિશ કરી હતી. એક છે મહાત્મા ગાંધી અને બીજા છે ઓશો રજનીશ. મહાત્મા ગાંધી નાની ઉંમરથી પોતાની પત્ની સાથે સંભોગના બંધાણી રહેલા. પણ પત્નીથી નીરસતા અને અન્ય સ્ત્રીઓથી આકર્ષણ એ પરિસ્થિતિનો સામનો તેમણે આજીવન કરેલો. સાહીઠ વર્ષ ઉપર પહોંચેલા ગાંધીજી પોતાની ત્રીસ-પાંત્રીસ વર્ષની સ્ત્રી શિષ્યોને પોતાની પાસે પથારી કરાવીને નગ્ન સુવાડતાં અને પોતે પણ નગ્ન સુતા. એટલું જ નહિ તેઓ તેમની સાથે નાહવા પણ જતા અને વિચારો પર કાબુ ન રહે તો આંખો બંધ કરી દેતા. બંને સ્થળે શર્ત એ રહેતી કે બંનેમાંથી કોઈએ શરીર કે સેક્સ વિષે વાત ન કરવી. ગાંધીજીનો પ્રયાસ એ હતો કે સ્ત્રીના શરીરથી એટલું ટેવાઈ જવું કે તે સામે હોય તો પણ તે આકર્ષી ન શકે. આ તંત્ર વિદ્યાની એક રીત છે જેના અંશો ખજુરાહોના મંદિરોમાં જોવા મળે છે. ગાંધીજીને આ માર્ગે કેટલું મળ્યું અને તે કેટલા સફળ થયા એ તો એ જ જાણે. પણ ઓશોને આ વાત જીવનની નૈસર્ગીકતાનું દમન લાગી. ઓશોના મતે સત્યને દબાવવાથી નહિ સ્વીકારવાથી શાંતિ મળે છે. સામે પડેલા સ્ત્રીના નગ્ન શરીરને જોવાથી આકર્ષણ થાય છે એ કુદરતી પ્રક્રિયા છે. તો કુદરતી પ્રક્રિયા ને વહેવા દેવી જોઈએ. આથી, ઓશો રજનીશ મુક્ત સેક્સના આગ્રહી બન્યા. તેમણે કહ્યું પતિ-પત્નીને લગ્ન પછી અન્ય સ્ત્રી કે પુરુષ જોડે સંભોગ કરવો જોઈએ. એ ન કરવામાં સત્યનું અને પ્રકૃતિનું દમન છે. એમણે ત્યાં સુધી કહ્યું કે જો સ્ત્રી અન્ય પુરુષ સાથે કે પુરુષ અન્ય સ્ત્રીઓ સાથે પણ પ્રેમ થતા સંભોગ કરશે તો તેના મનમાંથી પ્રેમનું દમન હટી જશે. આથી તેનો તેની પત્ની કે તેના પતિ સાથે બંધ પડેલો પ્રેમનો પ્રવાહ ફરી શરુ થશે.

            મારા મતે ગાંધીજીના માર્ગમાં ઓશોએ કહ્યું તેમ સત્યનું દમન અને ટોર્ચરિંગ છે તો ઓશોનો મુક્ત વ્યભિચારનો માર્ગ કેમ ખોટો છે તેનું વિજ્ઞાન આપણે આગળ જાણ્યું. તે એક મૃગજળ સમાન અને ટૂંકાગાળાની શાંતિ આપનાર પણ લાંબાગાળે મુસીબતને વધારનાર માર્ગ છે.

            તો આ મુસીબતથી નીકળવાનો માર્ગ શું છે…? જવાબ છે- હજારો વર્ષ પહેલા કૃષ્ણએ બતાવેલો મહારાસનો માર્ગ, જેને આપણા પંડિતોએ અને પૂર્વજોએ ભગવાનની લીલા માનીને અવગણી દેવાની સલાહ આપી હતી. અસલમાં પાંચ હજાર વર્ષ પહેલા કૃષ્ણએ બતાવેલો માર્ગ આજે પાંચ હજાર વર્ષ પછી પ્રાસંગિક બને એટલો સમયથી આગળ હતો. પણ આજની પરિસ્થિતિમાં તે માર્ગ ભર્યા ઉનાળામાં તપેલા રણ પર અચાનક વરસી પડતી પહેલી હેલી જેટલી રાહત આપનારો છે. આપણી સમસ્યા એ છે કે પ્રેમની અભિવ્યક્તિ આપણે ખાલી શરીરથી કરવાનું જાણીએ છીએ. અને એ માર્ગ સંભોગનો છે જે અનેક સમસ્યાઓ અને મર્યાદાઓથી ભરેલો છે. સંભોગની તમામ મર્યાદાઓને દૂર કરતો કોઈ માર્ગ છે તો એ છે સંગીત અને મિત્રતા.

            સૃષ્ટિમાં ચારે બાજુ બ્રહ્મનું કંપન ચાલુ છે. બ્રહ્મ એટલે કે ઉર્જાનું જયારે કંપન થાય છે ત્યારે ધ્વનિનો એક સ્વર ઉત્પન્ન થાય છે. સૃષ્ટિમાં ચારે બાજુ આવા અનેક કંપનોથી ઉત્પન્ન થતા અનેક સ્વર પરસ્પર જોડાઈને સંગીત બનાવે છે. આમ, સૃષ્ટિના રોમેરોમમાં સંગીત અને સ્વર છે. જયારે બે અણુ જોડાય છે ત્યારે તેમના જોડાણમાં પણ ઉર્જાનું કંપન હોય છે. એટલે કે સૃષ્ટિનો દરેક પદાર્થ પોતાની ભીતરમાં કોઈ એક સ્વર વડે જ જોડાયેલો છે. આ રીતે જ મલ્હાર રાગમાં ખાસ પ્રકારના સ્વરોને કંપન આપી વાદળના અણુઓનું કંપન વધારી દેવામાં આવે છે. પરિણામે એક સમયે વાદળ તૂટી પડતા વરસાદ પડવા લાગે છે. તો આ રીતે મનુષ્યના સાત ચક્રોની ઉર્જામાં પણ કંપન થવાથી દરેક ચક્રમાં એક સ્વર ઉત્પન્ન થાય છે. આ સાત સ્વર છે ‘સા રે ગા મા પા ધ ની’. આ સાત સ્વરોની શોધ સાધકો વડે આ ચક્રોમાં જ થઇ છે અને ત્યાંથી જ આ સ્વરોને જોડીને શાસ્ત્રીય સંગીત બનાવવાની શરૂઆત થઇ. સંગીતના ચોક્કસ રાગ ચોક્કસ ચક્રોની ઉર્જાને જાગ્રત કરે છે. એટલે આત્મસાક્ષાત્કાર કરવા માટે છઠા ચક્રની ઉર્જાને જાગ્રત કરવા પણ સંગીત સાધન તરીકે વપરાય છે અને પ્રેમી-પ્રેમિકાના પ્રેમને અભિવ્યક્ત કરવાના સાધન તરીકે પણ સંગીતના સુર સાધન તરીકે વપરાય છે. એટલે જો સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રેમની અભિવ્યક્તિ શરીરના સ્થાને સંગીતના માધ્યમથી થતી હોય તો સંગીત સ્ત્રી અને પુરુષના અભિવ્યક્ત અને બિનઅભિવ્યક્ત એ બંને વિભાગોની ઉર્જાને જાગ્રત કરી તેમનું મિલન કરાવે છે. એકબીજાને જોઈને કે એકબીજા વિષે ફક્ત વિચારીને જો કોઈ પ્રેમી-પ્રેમિકા પ્રણય સંગીતમાં શામેલ થાય છે અને સંગીતના લય સાથે પોતાના મનમાં કે બહાર
નૈસર્ગીક અભિનય દ્વારા પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરે છે તો તે સંભોગથી અનેકગણો વધુ શાશ્વત આનંદ આપનારો અને શાશ્વત મિલન કરાવનારો માર્ગ છે. સામેવાળા પાત્ર વિષે વિચારવાથી, તેને જોવાથી કે કોઈ ચોક્કસ કિસ્સામાં વાસનાહિન પ્રેમભાવે સ્પર્શવાથી બિનઅભિવ્યક્ત વિભાગમાં સામેવાળાની ઉર્જા જાગ્રત થઇ જાય છે અને સંગીત તે ઉર્જાને આપણા અભિવ્યક્ત વિભાગ સાથે એક કરાવે છે. સંગીતમય પ્રેમની આ અભિવ્યક્તિ રાધાની જેમ પ્રેમીની હાજરીમાં પણ થઇ શકે છે અને મીરાની જેમ પ્રેમીના શરીરની ગેરહાજરીમાં પણ.

સંગીતની ઉપયોગીતા વિશેનું આ જ્ઞાન ભારતમાં હજારો વર્ષોના આધ્યાત્મિક ચિંતનનું ફળ છે. ભારતીય સંગીતે આત્મજ્ઞાનના સાધન તરીકે વપરાતા શાસ્ત્રીય સંગીત અને ભજનોથી બૉલીવુડ ફિલ્મોના કર્ણપ્રિય પ્રણય ગીતો અને એ.આર. રહેમાનના ચૈતન્ય જગાડનારા સંગીત સુધીની સફર ખેડી છે. દશકોથી લગભગ મોટાભાગની ભારતીય ફિલ્મો હોલીવુડની કોપી રહી હોવા છતાં તેમાં આવતા કર્ણપ્રિય પ્રણય ગીતો અને પ્રેમની અભિવ્યક્તિ કરતુ અભિનય સાથેનું નૃત્ય સંગીતને અભિવ્યક્તિનું સૌથી શક્તિશાળી સાધન ગણતા ભારતીય વિચારનું પ્રતિનિધિત્વ કરે છે. પણ આજે આપણે આપણી ફિલ્મોમાં પશ્ચિમી ડિસ્કો મ્યુઝિકને પ્રબળ બનાવી ભારતીય મેલોડી સંગીતને લુપ્ત કરી રહ્યા છીએ. જયારે અસલમાં આવનારા સમયમાં સમગ્ર વિશ્વને પ્રેમની અભિવ્યક્તિ માટે ભારતીય સંગીતની જરૂર પડવાની છે. તો આપણે એ વિષયમાં આપણી જવાબદારીને થોડી સમજી લઈએ.

            જેમ જેમ સંગીત અને એકબીજા પ્રત્યેના પ્રેમનો અભિનય આગળ વધતો જાય છે તેમ તેમ બંને વિભાગો પહેલા ચક્રથી એક થતા થતા ચોથા ચક્ર સુધી પહોંચે છે. ચોથા ચક્ર પર આવેલા પ્રેમીઓને હવે એકબીજાના સ્પર્શની કે શરીરની જરૂર રહેતી નથી. હવે તેમના માટે એકબીજાના ચહેરા કોઈ ઈશ્વરની મૂર્તિ કે યંત્ર સમાન બની રહે છે. આ રીતે જ તેમના બંને વિભાગોની સમગ્ર ઉર્જા એક થતી થતી છઠા અને સાતમા ચક્ર સુધી પહોંચે છે. અને અહીં તેઓ પોતાના પ્રેમી સાથે અનેરું એકત્વ અનુભવે છે. આ સંભોગની ચરમસીમા જેવી જ સ્થિતિ હોય છે. પણ તે ક્ષણિક નહિ હંમેશા માટે રહેનારી હોય છે. આ રીતે જ તે પ્રેમીઓનો આત્મા એકબીજામાં એક થઈને મોક્ષ પામે છે. આ જ રાધા-કૃષ્ણનો એકબીજા સાથે એક થવા માટેનો દિવ્ય માર્ગ છે. અહીં ના શરીરની કોઈ સીમા છે ના શરીરનું કોઈ બંધન. અહીં પ્રેમ ક્યારેય નષ્ટ નથી થતો કે તે ક્યારેય બંધન નથી બનતો. તે મોક્ષની આખરી ઘડી સુધી એમનો એમ ધબકતો રહે છે અને સતત આનંદ આપતો રહે છે.
અને સંગીતના આ માર્ગ સાથે આપોઆપ બીજો માર્ગ જે શરુ થાય છે તે છે મિત્રતા. મિત્રતા બે આત્માઓ વચ્ચે અહમના ભેદ નષ્ટ થવાનું નામ છે. બે મિત્રો વચ્ચે જેટલા ભેદ ઓછા હશે એટલી તેમની મિત્રતા વધુ ગાઢ હશે. એટલે કે તેમનું એકત્વ એટલું ગાઢ હશે. આમ, જે કામ સંગીત આધ્યાત્મિક રીતે કરે છે તે જ કામ મિત્રતા સામાજિક રીતે કરે છે- બે આત્માઓ વચ્ચે એકત્વ લાવવાનું. આ બંને માર્ગને એકસાથે અપનાવવાથી બે આત્માઓ કે બે પ્રેમીઓ એકબીજાના શરીરની સીમમાં પ્રવેશ્યા વિના આખરી મિલન કરી શકે છે.

            એટલે જયારે જેને જેનાથી પણ પ્રેમની અનુભૂતિ થાય ત્યારે તેનું દમન કરવાના સ્થાને તેને સ્વીકારી લો અને ચારે તરફ ગુંજતા સંગીતના દરેક સ્વર સાથે મિત્રતારૂપે તે પ્રેમની અભિવ્યક્તિ કરો. પ્રેમ કોઈ કોન્ટ્રાકટ નથી કે એક ને થાય પછી બીજા કોઈથી ક્યારેય ન થાય. પ્રેમ એ આખરી સત્ય છે જે સમગ્ર સૃષ્ટિને જોડે છે. કોઈ એકથી પણ સાચો દિવ્ય પ્રેમ થયેલો હશે તો જ પતિ કે પત્ની તરીકે જે પાસે છે તેનાથી સાચો પ્રેમ થશે. આજ મહારાસ છે, જ્યાં જેનાથી દિવ્ય પ્રેમ હોય તે આપણા પ્રેમનું કેન્દ્ર બને છે અને બાકીની સમસ્ત સૃષ્ટિને આપણે તે પ્રેમના કેન્દ્ર મારફતે પ્રેમ આપવા સક્ષમ બનીએ છીએ. મહારાસની સ્થિતિમાં આવ્યા બાદનો સ્પર્શ હવે સંભોગની વાસના માટેનો સ્પર્શ નહોતા દેવી- દેવતાની મૂર્તિને પ્રેમભાવથી પૂજતી વખતે થતા સ્પર્શ જેવો સનાતન પ્રેમનો સ્પર્શ હોય છે.

            મહારાસના આ આનંદ સામે સંભોગ તો માત્ર એક ક્રિયાકાંડ છે જે સંતતિ પેદા કરવા કરવું પડે છે. એક યજ્ઞ જે ફળ મળતા બંધ કરી દેવો જોઈએ. તે પ્રેમની અભિવ્યક્તિનો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી. પ્રેમની અભિવ્યક્તિનો માર્ગ સંગીત અને મિત્રતા છે. અને આપણે એ માર્ગ માટે માનવજાતિને તૈયાર કરવી પડશે. આપણે સંભોગના મૃગજળનું અને સંગીત-મિત્રતાના સાધનનું આ વિજ્ઞાન આપણાં બાળકોને શાળાઓમાં ભણાવવું પડશે. આપણે સંગીતને સૌથી અનિવાર્ય વિષય તરીકે પહેલા ધોરણથી શામેલ કરવો પડશે. આપણે દરેક મનુષ્યને સંગીતમાં એટલો પાવરધો બનાવવો પડશે કે તે પોતાની દરેક લાગણીની અભિવ્યક્તિ સંગીતના માધ્યમથી કરી શકે. આ રીતનો એક સંગીતમય મ્યુઝીકલ માનવસમાજ જ આપણા અહિંસક, આધ્યાત્મિક અને પ્રેમી માનવસમાજનું સ્વપ્ન સાકાર કરી શકે છે. જો આપણે ખરેખર સંભોગના મૃગજળમાં સડતા આ બળાત્કારી અને વ્યભિચારી સમાજથી મુક્તિ મેળવવી છે તો કૃષ્ણ અને કૃષ્ણાના મહારાસને માનવસમાજનો મુખ્ય માર્ગ બનાવવો પડશે. એ જ માનવજાતિનું એક નિશ્ચિત અને અનિવાર્ય ભવિષ્ય છે.

August 24 / 2017 / On Facebook

બહુપત્નીત્વ અને યુનિફોર્મ સિવિલ કોડ

વૈજ્ઞાનિક ઉપાયની શોધ

“જો તમારે એકસાથે ઘણીબધી પત્નીઓ રાખવી છે તો સ્ત્રીને પણ એકસાથે અનેક પતિ રાખવાની છૂટ રહેશે. બોલો, તૈયાર છો બહુપતિત્વ માટે..? સ્ત્રીને માનવસમાજમાં કેવી રીતે જીવવું એનો નિર્ણય હવે પુરુષો નહિ લે.”

સો, ટ્રિપલ તલાક ઇઝ ગોન. હવે આ દેશને સાચા અર્થમાં આધુનિક અને સેક્યુલર બનાવવા જેની સૌથી વધુ જરૂર છે તે યુનિફોર્મ સિવિલ કોડનો માર્ગ ખુલ્લો થયો છે. પણ આ માટે સૌથી મોટો પડકાર એ છે કે હિન્દુઓના હાલના એક પત્નીત્વ અને મુસ્લિમોના બહુ પત્નીત્વવાળા સમાજ વચ્ચે કયો પસંદ કરવો…? મુસ્લિમ ધર્મમાં બહુપત્નીત્વની છૂટ સાતમી સદીના અરબી સમાજ પર આધારિત છે. મુસ્લિમ ધર્મના ઉદય પહેલા આરબ સમાજમાં સ્ત્રીઓ પરનો અત્યાચાર અને સ્ત્રીઓનો વેપાર ચરમ પર હતો. આથી આરબોનું જયારે ઇસ્લામીકરણ થયું ત્યારે મુસ્લિમ ધર્મમાં સ્ત્રીઓની રક્ષા માટે દરેક પુરુષને ચાર પત્નીઓ રાખવાની છૂટ આપવામાં આવી. આમ, સમય સાથે આરબ સમાજ તો બદલાઈ ગયો પણ કાયદો રહી ગયો. અને હવે તો તે આરબ પૂરતો સીમિત પણ રહ્યો નથી. બીજી બાજુ હિંદુઓમાં બહુપત્નીત્વનો સિદ્ધાંત અન્ય બીજા સિદ્ધાંતોની જેમ વેદાંતના વિજ્ઞાન પર આધારિત હતો.

            આ વિજ્ઞાન હતું મનુષ્યની જાગ્રત ઉર્જાનું જેના વિષે મેં કૃષ્ણના મહારાસ વિશેના ગયા લેખમાં વાત કરી હતી. દરેક મનુષ્યની બુદ્ધિ-ક્ષમતાના પ્રમાણને તેની જાગ્રત ઉર્જા કહે છે. જાગ્રત ઉર્જા એટલે પોતાના મસ્તિસ્કમાં સમગ્ર સૃષ્ટિને સમાવી ચુકેલો મનુષ્ય તે મસ્તિષ્કનો કેટલા ટકા ભાગ વાપરે છે તેનું માપ. મોટાભાગના મનુષ્યોમાં આ જાગ્રત ઉર્જા એક કે બે ટકાથી પણ ઓછી હોય છે. કોઈ બે મનુષ્યોની જાગ્રત ઉર્જા બિલકુલ સમાન ન હોતા, થોડી વધ-ઘટ હોય છે. સ્ત્રી અને પુરુષ શરીરમાં તેમની જાગ્રત ઉર્જા વિરોધી પ્રકૃતિથી અભિવ્યક્ત થાય છે. એટલે તેમના એકબીજા સામે આવતા તેમને સામેવાળાની જાગ્રત ઉર્જા સાથે એક થઇ જવાનું મન થાય છે. તેમના વચ્ચે થતા આ આકર્ષણની પ્રક્રિયા કેમેસ્ટ્રીના તત્વોની પ્રક્રિયા જેવી જ હોય છે.

            જેમ કે સોડિયમ +1 વીજભાર ધરાવે છે અને ક્લોરીન -1 વીજભાર. મતલબ બંનેની જાગ્રત ઉર્જા સમાન છે પણ વિરુદ્ધ છે. એટલે સોડિયમ અને ક્લોરીન સામે આવતા જ તેઓ એકબીજા સાથે જોડાઈને સંતૃપ્ત અને સ્થિર થઇ જાય છે. પણ જો ક્લોરીન સામે કેલ્શિયમ આવશે તો કેલ્શિયમનો વીજભાર +2 છે. એટલે કેલ્શિયમને સંતૃપ્ત કરવા ક્લોરિનના બે અણુઓને તેની સાથે જોડાવું પડશે. પણ જો ક્લોરિનના સ્થાને ઓક્સિજન કેલ્શિયમના સામે આવશે તો ઓક્સીજનની જાગ્રત ઉર્જા -2 હોવાથી તેનો એક અણુ કેલ્શિયમને સંતૃપ્ત કરી શકે છે. મનુષ્યોમાં પણ આવું જ છે. બસ આપણી પાસે મનુષ્યની જાગ્રત ઉર્જા માપવાનો કોઈ એકમ નથી. પણ સમજૂતી માટે ધારો કે કોઈ પતિની જાગ્રત ઉર્જા +5 અને પત્નીની -2 છે. તો તે પતિ-પત્નીના સંભોગથી જયારે તેમની જાગ્રત ઉર્જા એકબીજાના જાગ્રત મનમાં સ્થપાય છે ત્યારે પત્નીને શારીરિક સંતૃપ્તતા મળી રહેશે, પણ પતિની +3 જેટલી જાગ્રત ઉર્જા હજી જોડાયા વગર રહી જાય છે. આથી એવા પતિને બહારની સ્ત્રીઓ સાથે જોડાવાની અને એક થવાની ઈચ્છા થશે. જયારે તેની સંતૃપ્ત થયેલી પત્નીને પતિના શરીરથી ઉબી જઈને પણ બહાર કોઈ પુરુષ સાથે શારીરિક રીતે જોડાવાની ઈચ્છા નહિ થાય. તેને બસ બીજા પુરુષથી પ્રેમ અને આનંદની લાગણી થશે. પણ તેનો પતિ અસંતૃપ્ત હોવાથી તેને બીજા શરીરોની જાગ્રત ઉર્જાથી એક થવું છે. એટલે એવા પતિને શાંત કરવા -3 કે તેથી વધુ જાગ્રત ઉર્જા ધરાવતી બીજી સ્ત્રી સાથે પરણાવવો જરૂરી છે. પણ જો તેને -2 વાળી કોઈ સ્ત્રી સાથે પરણાવી દીધો તો હજી તેને -1 જેટલી જાગ્રત ઉર્જા ધરાવતી સ્ત્રી સાથે ત્રીજા લગ્ન કરવા પડશે. આ ત્રણ પત્નીઓમાં જેની જાગ્રત ઉર્જા વધારે હશે તેના સાથે તે પતિનો લગાવ વધારે હશે. મતલબ, તે રાજાની ચહીતી રાણી હશે.

            હવે વાત પત્નીની. જો પતિની જાગ્રત ઉર્જા +2 હોય પણ પત્નીની -5 હોય તો..? તો સંભોગ બાદ પતિને સંતૃપ્તતા મળી જશે પણ પત્નીને નહિ મળે. તો તો પછી પત્નીને પણ દ્રૌપદીની જેમ એકથી વધુ પતિ રાખવાની છૂટ હોવી જોઈએ. પણ સદભાગ્યે (પુરુષની દ્રષ્ટિએ) સ્ત્રી પાસે પોતાની જાગ્રત ઉર્જાને સંતૃપ્ત કરવાનો બીજો એક માર્ગ છે. અને તે છે માતૃત્વ. સંતાન સ્ત્રીના ગર્ભમાં નવ મહિના રહે એટલે તેમની જાગ્રત ઉર્જા સતત જોડાયેલી રહે છે. ઓશોએ તેને નવ મહિના ચાલેલો સંભોગ કહ્યો છે જ્યાં બે જીવ એક શ્વાસે શ્વાસ લે છે અને એક કોળિયે જમે છે. આ કારણે સંતાન બહાર આવે એટલે તેના સાથે પિતા કરતા માતાનું જોડાણ હજારો ઘણું વધારે હોય છે. સ્ત્રીની જાગ્રત ઉર્જા તેના સંતાનમાં સંતૃપ્ત થયેલી હોય છે. આથી સંતાન આવતા જ પત્નીનું ધ્યાન પતિથી હટીને સંતાનો પર કેન્દ્રિત થઇ જાય છે. આ કારણે પ્રાચીન સમયમાં ભારતીય સમાજનું સ્વરૂપ એવું બન્યું કે પુરુષને સંતૃપ્તતા મેળવવા એક કરતા વધુ પત્નીઓ રાખવાની છૂટ હતી, જયારે સ્ત્રીને પોતાના સંતાનોમાં સંતૃપ્તતા મેળવવાની રહેતી. પણ આ સંતૃપ્તતા કંઈ મોક્ષ નહોતો. એ ખાલી સંભોગના શારીરિક આકર્ષણથી મુક્તિ હતી. પત્ની સાથે સંભોગના આકર્ષણથી મુક્ત થઈને પુરુષો પોતાની પત્નીઓથી ઉબી ગયા અને દુનિયા પર સત્તા અને ભોગવિલાસ મેળવવાની દોડમાં લાગી ગયા. બીજી બાજુ સ્ત્રીઓ પોતાના પતિઓથી ઉબીને પોતાના સંતાનોમાં મહત્વાકાંક્ષાઓ જોવા લાગી. આ કારણે કુટુંબજીવન અને રાજમહેલોનું જીવન તો સંઘર્ષ અને પ્રપંચોથી ભરાયું જ સાથે માનવસમાજ પણ હિંસામય બન્યો.

            આ કૌટુંબિક અને સામાજિક સંઘર્ષ ટાળવા માટે પ્રાચીન ભારતના ઋષિઓ સ્ત્રીઓને લગ્ન પછી એવો આશીર્વાદ આપતા કે ‘દસ સંતાનોની માતા થા અને પછી તારો પતિ જ તારો અગિયારમો પુત્ર બને.’ એટલે કે દસ સંતાનો સુધીમાં તમારી જાગ્રત ઉર્જા સંતૃપ્ત થઇ જશે અને તમને એકબીજા પ્રત્યે શારીરિક આકર્ષણ નહિ થાય. એ સમયે તમારા વચ્ચે બ્રહ્મના બે તત્વો એવા પુરુષ અને પ્રકૃતિ રૂપે ભક્તિ શરુ થઇ જવી જોઈએ, જ્યાં પ્રકૃતિ માતા છે અને પુરુષ તેના ગર્ભને આધાર આપતું સંતાન. આ રીતની ભક્તિથી પતિ-પત્ની બંનેમાં જેની જાગ્રત ઉર્જા ઓછી હોય તે આત્મા જેની જાગ્રત ઉર્જા વધારે હોય તે આત્મામાં મોક્ષ મેળવે છે. અને બે આત્માઓના મિલનથી બનેલો એ સંયુક્ત આત્મા નવું શરીર ધારણ કરી વધારે ઉત્ક્રાંતિ સાથે આગળની યાત્રા કરે છે. પણ પતિ-પત્ની વચ્ચે આ ભક્તિ ભાગ્યે જ જોવા મળી. કારણ કે પતિથી ઉબીને જ તો પત્નીનું ધ્યાન સંતાનો પર ગયું હતું અને પત્નીથી ઉબીને જ તો પુરુષ સત્તા પાછળ ભાગ્યો હતો. તેમના વચ્ચે પ્રેમનું પેલું સ્પંદન ખતમ થઇ ચૂક્યું હતું. અને એ પ્રેમનું સ્પંદન જયારે નિસ્વાર્થ અને અતિતીવ્ર બની જાય ત્યારે તેને જ ભક્તિ કહે છે. આથી, પતિ-પત્ની એકબીજા તરફ પાછા ફરીને ભક્તિ ન કરી શક્યા. તેમણે આધ્યાત્મ તરફ યાત્રા શરુ કરી તો પણ એ બીજા માર્ગે હતી, એકબીજાના માર્ગે નહિ. અને આ નિષ્ફળ માર્ગના વિકલ્પ તરીકે જ કૃષ્ણ મહારાસનો વૈજ્ઞાનિક માર્ગ લઇ આવ્યા જે સંસારના સમસ્ત સ્ત્રી-પુરુષોથી પ્રેમના માર્ગે પતિ-પત્નીમાં પ્રેમની ચેતના પુન: જાગ્રત કરી શકતો હતો. પણ ખાલી થોથા વાંચી વાંચીને જડ બની ગયેલા પંડિતોએ એ માર્ગને ભગવાનની લીલા કહી ઊંડા ઉતરવાની ના પાડી દીધી. પરિણામે બહુપત્નીત્વથી કૌટુંબિક સંઘર્ષ ઝેલી રહેલો ભારતીય સમાજ વીસમી સદી સુધી એમનો એમ ચાલ્યો અને આઝાદી પછી હિન્દૂ કોડ બિલ સાથે જરૂરી સુધારો કરી હિન્દૂ સભ્યતાને એક પત્નીત્વ પર લાવી દેવામાં આવી.

            પણ મુસ્લિમ તુષ્ટિકરણ માટે અને દેશના વિભાજન પછી ભારતમાં મુસલમાનો સાથે ઈમિડિએટ સંઘર્ષ ટાળવા માટે બંધારણમાં મુસ્લિમ સમાજને સમાન કાયદા માટે તૈયાર થવાનો સમય આપવામાં આવ્યો. અને કહેવામાં આવ્યું કે દેશનો દરેક નાગરિક ભવિષ્યમાં સમાન નાગરિક ધારા માટે કોશિશ કરશે. હવે સિત્તેર વર્ષે એ સમય નિકટ આવી રહ્યો છે. તો શું શીખ્યા આપણે ઇતિહાસમાંથી..? પહેલું એ કે સ્ત્રીઓને જે માર્ગે ધકેલવામાં આવી તે માર્ગે સમય જતા તેમને બાળકો પેદા કરવાના એક સાધન તરીકે સ્થાઈ કરી દીધી. બીજું, પુરુષને બહાર અને સ્ત્રીને ઘરમાં ધકેલી દેવાથી સમાજમાં પુરુષ પ્રધાનતા અસીમિત બની. સ્ત્રીઓને સંસ્કૃતિ, ઈજ્જત, મર્યાદા અને બીજા અનેક નામે ઘરમાં સીમિત કરી દેવાના અને બહાર નીકળે તો ઢાંકીને રાખવાના નુસખા પ્રચલિત બન્યા. ‘સ્ત્રીને જોવાથી પુરુષ આકર્ષાય છે એટલે સ્ત્રીને ઢાંકીને રાખો.’ – આ પુરુષ પ્રધાન સમાજનું સૌથી વરવું સ્વરૂપ છે. આ કંઈક એવું જ છે કે જો સ્ત્રીપ્રધાન સમાજ હોય તો સ્ત્રીઓ કહે ‘સ્ત્રીને જોવાથી પુરુષ આકર્ષાઈ જાય છે એટલે પુરુષ આંખે પટ્ટી બાંધીને જ બહાર નીકળે.’ હવે, એકવીસમી સદીના વૈજ્ઞાનિક સમાજમાં આ બકવાસ સ્વીકાર્ય નથી. આજે મનુષ્ય વિજ્ઞાનની એરણે દરેક સત્યને તપાસતો થયો છે. તે એ મૂળ વાતને સ્વીકારવાની સ્થિતિમાં આવ્યો છે કે આ સમગ્ર સૃષ્ટિ શિવ અને શક્તિમાં સમાન રીતે વહેંચાયેલી છે. સ્ત્રી ખાલી પુરુષના જીવનની જ નહિ આ સમગ્ર સૃષ્ટિની અડધી ભાગીદાર છે. એટલે દરેક સ્થાને, દરેક મોરચે સ્ત્રી-પુરુષમાં સમાનતા હોય એજ સમાજ સાચો. એટલે મુસ્લિમો સાથે કેટલાક હિંદુઓ પણ જે બહુપત્નીત્વની વકાલત કરે છે તેમને કહેવું જરૂરી છે કે જો તમારે એકસાથે ઘણીબધી પત્નીઓ રાખવી છે તો સ્ત્રીને પણ એકસાથે અનેક પતિ રાખવાની છૂટ રહેશે. બોલો, તૈયાર છો બહુપતિત્વ માટે..? સ્ત્રીને માનવસમાજમાં કેવી રીતે જીવવું એનો નિર્ણય હવે પુરુષો નહિ લે. બંધારણનો સમાનતાનો મૂળભૂત અધિકાર સ્ત્રીઓને એ દરેક લાભ માંગવાનો અધિકાર આપે છે જે પુરુષોને મળે છે. એટલે સમાજને એ અસ્થિરતાથી બચાવવા સમયની માંગ છે કે માનવસમાજ એક પત્નીત્વના સિદ્ધાંતને આત્મસાત કરી લે. તો પછી પતિ પત્નીની અધૂરી રહેતી સંતૃપ્તતાનું શું..? જેની જાગ્રત ઉર્જા વધારે હશે તેને તે એક પત્ની કે એક પતિથી આગળ પણ બીજા વ્યક્તિ સાથે જોડાવાનું આકર્ષણ થશે. તો શું માનવજાતિને એ નૈસર્ગીક પ્રેમનું દમન કરવું..? નહિ, એ પ્રેમને સંતૃપ્ત કરવા આપણે કૃષ્ણ અને કૃષ્ણાના મહારાસના માર્ગને અપનાવવાનો છે.

            જેને પણ લગ્ન બહાર બીજા કોઈ વ્યક્તિથી પ્રેમ થાય છે તે પહેલા તો સ્વીકારી લે કે તેને તે વ્યક્તિથી પ્રેમ છે પણ શારીરિક સંભોગના માર્ગે જવાથી એ પ્રેમ ખતમ થઇ જશે. એ તો તે વ્યક્તિથી ઉબી જવાનો માર્ગ છે. પ્રેમ પૂર્ણ થશે પોતાનો અહમ છોડી પ્રેમની કબૂલાત કરી લેવાથી અને જીવનના દરેક સંગીત વડે તે પ્રેમની નૈસર્ગીક અભિવ્યક્તિ કરવાથી. પ્રેમ આપવાની વસ્તુ છે, માંગવાની નહિ. મોટાભાગે આપણે જયારે કોઈને કહીએ છીએ કે ‘હું તને પ્રેમ કરું છું’ ત્યારે અસલમાં આપણે તેના પાસે પ્રેમ, તેનું શરીર અને વફાદારીના નામે તેના પર પોતાનું આધિપત્ય માગી રહ્યા હોઇએ છીએ. એટલે જ તો જયારે સામેથી ‘ના’ આવે છે ત્યારે આપણે દુઃખી થઇ જઈએ છીએ કે આપણને તેના પર સત્તા ના મળી. પ્રેમને મેળવીને રચાયેલા આપણા બધા સબંધો અસલમાં પ્રેમ કરતાં મેનેજમેન્ટ વધુ છે. જ્યાં સુધી તમે એ જ કરો છો જે તમારા પતિ કે પત્નીને સ્વીકાર્ય છે ત્યાં સુધી તે સબંધ ટકે છે, જયારે તમે એ કરો છો જે તેમને સ્વીકાર્ય નથી એટલે તે સબંધ મુશ્કેલીમાં મુકાય છે. આમ, કોઈના સાથે તમારો ટકેલો સબંધ એ તમારા પ્રેમ કરતા તમારા મેનેજમેન્ટની સફળતા વધુ છે. ઘણુંબધું જે તમને અનુભવાય છે તેને દબાવ્યું છે, છુપાવ્યું છે, ઘણુંબધું જે તમારે કરવું હતું તે નથી કર્યું અને નહોતું કરવું તે કર્યું છે ત્યારે તે સબંધ ટક્યો છે. અને તેને ટકાવવામાં કંઈ ખોટું પણ નથી. તે જીવનનો એક મહત્વપૂર્ણ આધાર છે. પણ એ આધારને ટકાવવાના ચક્કરમાં આપણે પ્રેમ ગુમાવી ચુક્યા છીએ. પરિણામે આપણે જીવનને મૂલ્યહીન અને દિશાહીન બનાવી દીધું છે. અને એક લગ્ન બાદ બહાર પ્રેમ મેળવવાના ચક્કરમાં આપણે બીજા લગ્નના રૂપમાં કે લગ્નેતર સબંધોના રૂપમાં બીજા એવા સબંધો ઉભા કરી દઈએ છીએ જ્યાં પણ અમુક સમય પછી પ્રેમ નથી હોતો. બાકી વધે છે પાખંડ વડે થતું ખાલી મેનેજમેન્ટ. બહુપત્નીત્વ આ જ છે. તે સમસ્યાનું સમાધાન નથી. તે સમસ્યાને બે ગણી, ત્રણ ગણી કે ચાર ગણી કરી દેવાનો માર્ગ છે.

            એટલે આપણે આપણી આવનારી પેઢીઓને કંઈક એવો માનવસમાજ આપવાનો છે જ્યાં લગ્ન જીવનનો આધાર તો હોય પણ પ્રેમના નૈસર્ગીક પ્રવાહનું દમન ન હોય. લગ્ન પછી પણ પ્રેમ થાય તો મનુષ્ય બસ પ્રેમને આપવાનું શરુ કરી દે. જેને પ્રેમ આપવો જ છે તે તો પવિત્રભાવે કહી દે છે કે ‘હું તમને પ્રેમ કરું છું’ અને પછી પોતાની જ એ સ્થિતિમાં લિન રહે છે. તેનાથી તેના પ્રેમીને કોઈ છીનવી શકતું નથી. કારણ કે તેને પ્રેમી પાસેથી કંઈ લેવું નથી. ના શરીર, ના વફાદારીના નામે ગુલામી, ના સંબંધ બચાવવાનું મેનેજમેન્ટ. તેના માટે પ્રેમ એક અનંત આનંદ આપતી સ્થિતિ છે જે તેને એક સમયે સમસ્ત બ્રહ્મ સાથે એક કરી દે છે. આમ, પ્રેમ આપવાથી સત્ય મળે છે. એકપત્નીત્વના સિદ્ધાંતવાળો સમાજ લગ્ન પછી પ્રેમના નૈસર્ગીક પ્રવાહનો આ રીતે સ્વીકાર કરીને સત્યની આખરી સંતૃપ્તતા પ્રાપ્ત કરી શકે છે. લગ્ન પછી અન્ય વ્યક્તિ સાથે થતા પ્રેમની અભિવ્યક્તિ કેવી રીતે કરવી તેનું શ્રેષ્ઠ માર્ગદર્શન કૃષ્ણ અને દ્રૌપદીના જીવનમાં મળે છે.

            કૃષ્ણને અનેક પત્નીઓ હતી, જયારે દ્રૌપદીને પાંચ પતિ હતા. છતાં પ્રેમની સાચી ચેતના કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે જીવંત હતી. કૃષ્ણ દ્રૌપદીને પોતાના જેવી જ માનતા હતા. એટલે તેમણે તેને ‘કૃષ્ણા’ નામ આપેલું. કૃષ્ણને દ્રૌપદીના સ્વયંવરમાં ભાગ લેવા કહેવાયું તો તેમણે ના પાડી દીધી. તેમણે તેને બહેન પણ ના કહી. તે દ્રૌપદીને સખી કહેતા અને દ્રૌપદી તેમને સખા. જાણે, અનંત પ્રેમથી જોડાયેલા બે મિત્ર. કૃષ્ણ દ્રૌપદીને ગળે પણ ભેટતા. તે તેના માથા પર, પીઠ પર કે ખભા પર હાથ પણ મુકતા. પણ એ સ્પર્શમાં ક્યાંય વાસના નહોતી. તેમાં દિવ્ય મિત્રતા હતી અને સંસારના પુરુષ-પ્રકૃતિ વચ્ચેનો સનાતન પ્રેમ હતો. શિશુપાલ વધ પછી કૃષ્ણની આંગળી ઘાયલ થતાં સૌથી પહેલા દ્રૌપદી દૌડી આવી અને ભરી સભા વચ્ચે પોતાની સાડી ફાડીને કૃષ્ણની આંગળી પર બાંધી દીધી. સામે વસ્ત્રાહરણ સમયે પણ કૃષ્ણ જ દ્રૌપદીના બચાવમાં આવ્યા. એક રીતે દ્રૌપદી કૃષ્ણને લગ્ન બાદ મળેલી બીજી રાધા હતી, જેમના વચ્ચેનો સનાતન પ્રેમ દિવ્ય મિત્રતા સ્વરૂપે અભિવ્યક્ત થયો. આમ, લગ્ન બાદ પતિ કે પત્ની સિવાયના મનુષ્યથી અનુભવાતી પ્રેમની ચેતનાને કેવી રીતે અભિવ્યક્ત કરવી તે કૃષ્ણ અને દ્રૌપદીએ શ્રેષ્ઠ રીતે જીવી બતાવ્યું. તે એ જ સનાતન પ્રેમ હતો જેને કોઈ નામની જરૂર નથી. સંસારના સર્વ સાત્વિક સ્ત્રી-પુરુષો વચ્ચે જયારે આ પ્રેમ સ્થપાશે ત્યારે જ તેમના એકત્વની શરૂઆત થશે, જેને આપણે મોક્ષ કહીએ છીએ. એટલે હવે બહુપત્નીત્વના માર્ગે ભૂતકાળમાં જીવવાનો સમય નથી. સમય છે સ્ત્રીને દુનિયામાં તેનો સમાન અધિકાર પાછો આપવાનો અને મહારાસના સનાતન પ્રેમના માર્ગે આગળ વધવાનો. આ જ એકમાત્ર માર્ગ છે માનવસમાજને સત્યુગમાં લઇ જવાનો.

સાર: સભ્યતા અને સબંધો કોઈ તળાવ નથી કે જેને હંમેશા માટે અમુક નિયમોથી બાંધીને રાખી શકાય. તે એક વહેતી નદી જેવા હોય છે. જેમ ગંગાના પ્રવાહને રોકી દેવાથી તે અશુદ્ધ અને દુષણયુક્ત બની જાય છે અને જેમ તેના પ્રવાહને મુક્ત કરી દેતા તે જાતે જ પોતાની અશુદ્ધિઓને ધોઈ નાખે છે, તેમ સભ્યતા અને સબંધોને પણ પ્રેમ અને સત્યના પ્રવાહમાં સતત વહેવા દેતાં તે જાતે જ પોતાના દુષણોને સાફ કરી દે છે.

September 02 / 2017 / On Facebook

સતયુગનું જરૂરી સામાજિક પરિવર્તન

“પશ્ચિમનું અનુકરણ કરીને સહિયારા વિનાશ તરફ જવાનો આ સમય નથી. આ સમય છે ભારતીય આધ્યત્મમાંથી સમસ્યાઓનો ઉકેલ શોધી સમગ્ર વિશ્વ સામે તે ઉકેલને જીવી બતાવતા વિશ્વગુરુ બનવાનો.”

માનવસમાજમાં બળાત્કાર અને વ્યાભિચારના કારણોથી લઈને તેના ઉપાયોની ચર્ચા આપણે પાછળના લેખોમાં કરી. કેટલાકને એ લેખ ક્રાંતિકારી અને સમાધાન આપનારા લાગ્યા તો કેટલાકને સમય કરતા એડવાન્સ લાગ્યા. તો કેટલાકને એમ પણ થયું હશે કે આ બધું ઊંડું વિચારીને મગજ બગાડ્યા વગર જેમ જીવીએ છીએ તેમ જીવે રાખવું જોઈએ. અસલમાં આ દુનિયા હંમેશા બે પ્રકારના લોકોથી ભરાયેલી રહી છે. પહેલા એ જે પોતાની સીમાઓથી બહાર નીકળી સમાજ અને વિશ્વ વિષે ચિંતા કરતા થાય છે. તેઓ જાણે છે કે સમસ્યાઓ બહુ વિકરાળ છે અને કોઈ નિશ્ચિત સમાધાનની તુરંત જરૂર છે. જયારે બીજા પ્રકારના લોકો એ છે જે પોતાની સીમાઓથી બહાર નીકળી શક્યા નથી અને પોતાનું જીવન સાંભળી લેવામાં કે પોતાના લાભ-હાનિના ગણિતમાં જ રોકાયેલા છે. વિશ્વની સમસ્યાઓ તરફ આવા લોકોનું ધ્યાન ત્યારે જ જાય છે જયારે તેમાંની કોઈ સમસ્યા તેમના ઘરમાં આવી પડે. અને તે દિવસે તેમની પાસે કોઈ સમાધાન નહિ, બસ આક્રંદ અને આક્રોશ જ હોય છે. આપણે એ વાત પુરી જવાબદારી સાથે સ્વીકારી લેવી જોઈએ કે જે સમાજમાં આપણે જીવી રહ્યા છીએ તેમાં ઉભા થયેલા દુષણોનું કારણ ક્યાંકનું ક્યાંક આપણી સામાજિક જીવનપદ્ધતિમાં જ છુપાયેલું છે. અને એ આપણી જવાબદારી છે કે આપણે સમાજમાં મંથન કરી એ દુષણને દૂર કરીએ જેથી એ દુષણ આપણી આવનારી પેઢીઓને આપણા તરફથી વારસામાં ન મળે. આ વિષય પર આખરી આંકલન કરતો અને આખરી નક્કર માર્ગ દેખાડતો આ છેલ્લો લેખ છે. લેખ બહુ લાંબો હોવાથી બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે, જેથી સમય અનુસાર તેને અલગ અલગ પણ વાંચી શકાય.

 

ભાગ ૧ : સમસ્યા

           

જળચર પ્રાણીઓમાં જયારે પહેલીવાર લિંગભેદ ઉત્પન્ન થયો ત્યારે પહેલીવાર સ્ત્રી અને પુરુષ એમ બે અલગ શરીરો અસ્તિત્વમાં આવ્યાં. આ બંને શરીરો અધૂરી સર્કિટ હતા. પુરુષ શરીરમાં એક વિભાગની પ્રકૃતિઓ અભિવ્યક્ત થઇ હતી તો સામેવાળા બીજા વિભાગની પ્રકૃતિઓ સુષુપ્ત હતી. જયારે એ સામેવાળા વિભાગની પ્રકૃતિઓ સ્ત્રીમાં અભિવ્યક્ત થઇ હતી અને પુરુષમાં અભિવ્યક્ત થયેલી પ્રકૃતિઓ સ્ત્રીમાં બિનઅભિવ્યક્ત હતી. આમ, સ્ત્રી-પુરુષ એક એવી અધૂરી સર્કિટ તરીકે અસ્તિત્વમાં આવ્યાં જે એકબીજાના પૂરક હતા અને એકબીજા સાથે જોડાવાથી તટસ્થ થતાં હતાં. આથી, તેમના શરીરો વચ્ચે પરસ્પર આકર્ષણ હતું. પ્રાણીઓ આવી અધૂરી સર્કિટ તરીકે વિકસતાં વિકસતાં જ મનુષ્ય શરીરના સ્ત્રી-પુરુષ સુધી પહોંચ્યાં. શરૂઆતની એ માનવજાતિ પ્રાણીઓ જેવું જ સામાજિક જીવન ધરાવતી હતી. જયારે પણ સ્ત્રી-પુરુષ સામે આવતા ત્યારે ઈચ્છા થાય તો સંભોગ કરી લેતાં અને પોતાના માર્ગે આગળ વધતાં. એવું જ જેવું આપણે આજે પશુઓમાં જોઈએ છે. તે સમયે સંતાનો તેમની માતાના નામે ઓળખાતા. કારણ કે પિતાની ખબર ભાગ્યે જ હોતી. બાઇબલમાં આ શરૂઆતી માનવસમાજને સતયુગ કહેવાયો છે. ભારતીય શાસ્ત્રોમાં પણ સત્યુગનું વર્ણન આવા જ સત્યના યુગ તરીકે છે જ્યાં કોઈ પાખંડ, બંધન કે દમન નહોતું. ત્યાં ના કંઈ પાપ હતું ના પુણ્ય. મનુષ્ય જે સત્ય અનુભવતો તેવું જ વર્તન કરી આગળ વધતો. પણ ધીરે ધીરે માનવો ખેતી કરતા થયા અને તેમનું જીવન સ્થિર બન્યું. આથી પુરુષોમાં મનગમતી સ્ત્રીઓ માટે અને સ્ત્રીઓમાં મનગમતા પુરુષો માટે કત્લેઆમ શરુ થઇ. આ અરાજકતાભર્યા સમાજને જળપ્રલયથી નષ્ટ કરી માનવસભ્યતાની નવેસરથી શરૂઆત કરવા વિષ્ણુ મત્સ્ય સ્વરૂપે મનુ પાસે આવ્યા અને કેટલાક માનવોને ત્યાંથી દૂર લઇ જવા કહ્યું. બાઇબલમાં આજ ઘટના રૂપે ઈશ્વરના દૂતો નોહ પાસે આવ્યા અને એજ કરવા કહ્યું. આ રીતે મનુ કે નોહ એ જળપ્રલયમાંથી કેટલાક લોકોને બચાવી દૂર લઇ આવ્યા અને તે લોકોના સંતાનો વડે નવો માનવસમાજ ઉભો કર્યો. પણ એ નવો સમાજ પહેલાની જેમ સ્ત્રી-પુરુષો માટેના સંઘર્ષમાં નષ્ટ ન થાય તે માટે મનુસ્મૃતિના કાયદા ઘડવામાં આવ્યા. આ કાયદા નૈસર્ગીક પ્રેમના પ્રવાહને જાળવવા કરતા સમાજની સ્થિરતા જાળવવા તરફ વધુ કેન્દ્રિત હતા. સમય સાથે એ કાયદાઓમાં પરિવર્તન પણ આવતા ગયા પણ એ પરિવર્તનોનું લક્ષ્ય પણ સમાજની સ્થિરતાનું જ હતું. આમ, નિયમો ચુસ્ત બનતા ગયા અને સ્ત્રી-પુરુષો વચ્ચે ઉદ્ભવતા એ સનાતન નૈસર્ગીક પ્રેમનું દમન વધતું ગયું. અને હજારો વર્ષોથી દમન પામતું એ પ્રેમરૂપી સત્ય આજે બળાત્કારો અને વ્યભિચારોનો દુષિત પ્રવાહ બનીને નદીના પૂરની જેમ આપણી સભ્યતાને નષ્ટ કરી રહ્યું છે.

            સમસ્યા એટલી વિકરાળ છે કે ભારતમાં દર ચોવીસ મિનિટે એક સ્ત્રી સાથે બળાત્કાર થાય છે. જે કેસ નોંધાતા નથી તેનો અંદાજો લગાવીએ તો દર પંદર મિનિટે એક. વિકૃતિ એ હદે છે કે લોકો ત્રણ વર્ષની બાળકીઓને પણ નથી છોડી રહ્યા. ધાર્મિક બાબાઓ કૃષ્ણની ગોપીઓ સાથેની પ્રેમલીલાને વિકૃત રીતે પેશ કરી પોતાની સાધ્વીઓ અને શિષ્યાઓ પર બળાત્કાર કરે છે. જેમ જેમ બળાત્કારની સજા કડક થતી જાય છે તેમ તેમ બળાત્કાર કરીને સ્ત્રીને મારી નાખવાનું કે બાળી દેવાનું કાર્ય વધી રહ્યું છે, પણ બળાત્કાર નથી ઘટી રહ્યા. મોડર્ન લોકો આનાથી બચવા છોકરા-છોકરીઓને મુક્ત સેક્સ અપનાવવાની હિમાયત કરી રહ્યા છે, જેવું અમેરિકા જેવા પશ્ચિમી દેશોમાં છે. પણ સત્ય એ છે કે ભારતથી ચાર ઘણી ઓછી વસ્તી ધરાવતા અમેરિકામાં દર વર્ષે ભારત કરતા ચાર ઘણા વધુ બળાત્કાર થાય છે. મતલબ, ભારતની સ્થિતિ તેના કરતા સોળ ઘણી સારી છે. બસ ભારતમાં બળાત્કારનું સામાજિક પ્રતિબિંબ વધારે ભયાનક હોય છે જેનાથી સમસ્યા વધુ ભયાવહ લાગે છે. હવે વાત વ્યાભિચારની. ૨૦૧૪ માં ભારતના દસ મોટા શહેરોમાં થયેલા એક સર્વેમાં ૭૫,૦૦૦ પરણિત લોકોને પૂછવામાં આવ્યું તો ખબર પડી કે તેમાંની ૭૬ ટકા સ્ત્રીઓને અને ૬૧ ટકા પુરુષોને લગ્નેતર સબંધો હતા જેમાંથી ૯૧ ટકા કિસ્સામાં તેમના જીવનસાથીને એ વાતની ખબર નહોતી. તે દરેક લગ્નેતર સંબંધોને ખોટું કાર્ય નહોતા માનતા. એટલું જ નહિ, કેનેડાની પરણિત લોકોને લગ્નેતર સબંધો બાંધવા માટે ચાલતી મેરેજ બ્યુરો જેવી એક પ્રખ્યાત વેબસાઈટે ભારતમાં તેની બ્રાન્ચ ખોલી તો પહેલા જ દિવસે ૫૦,૦૦૦ પરણિત ભારતીયોએ તેમાં એકાઉન્ટ ખોલાવ્યું, જે એક રેકોર્ડ હતો.
            તો આ છે આપણા મોટા શહેરોની હાલત. હજી એક પેઢી જશે ત્યારે આ હવા આપણા નાના શહેરોમાં અને ગામડાઓમાં આવી જશે. અને આપણા પૌત્રોની યુવાની આવતા સુધીમાં તો આ વ્યભિચારી સમાજ મુક્ત સેક્સના સમાજમાં ફેરવાઈ ચુક્યો હશે, જેવો પશ્ચિમના દેશોમાં છે. હવે પશ્ચિમના દેશોમાં ઓછી વસ્તી હોવા છતાં ભારત કરતા સોળ ઘણા બળાત્કાર થતા હોવાનું કારણ આ મુક્ત સેક્સ જ છે. અમેરિકામાં દર ત્રીજી સ્ત્રી અને ચોથા પુરુષ સાથે તેના જ ભૂતપૂર્વ, વર્તમાન કે ભવિષ્યના સેક્સ સાથીદાર વડે બળાત્કાર, શારીરિક હિંસા કે હત્યા થાય છે. અમેરિકામાં દર વર્ષે આવા એક કરોડ વિસ લાખ અપરાધ નોંધાય છે. આ બધું થાય છે આપણાથી ચોથા ભાગની વસ્તીમાં. તો જરા વિચારો જયારે બે પેઢી પછી ભારતીય સમાજનું સ્વરૂપ એવું બનશે ત્યારે આપણા સમાજની હાલત શું હશે..? આ આખું વૈશ્વિક દ્રશ્ય કહી રહ્યું છે કે માનવજાતિ આ સદી પુરી થતા પહેલા જ સ્ત્રી-પુરુષ વચ્ચેના જાતીય સંબંધોના કારણે થયેલા એજ કત્લેઆમ તરફ જઈ રહી છે જે શરૂઆતી માનવસમાજમાં સત્યુગના અંતે થયો હતો. એક લાખ વર્ષ, એક લાખ વર્ષ આ ધરતી પર કાઢ્યા પછી પણ આપણે સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રેમને કેવી રીતે અભિવ્યક્ત કરવો એ નથી શીખી શક્યા અને ફરી પાછા એજ વિનાશ તરફ જઈ રહ્યા છીએ. આપણે એ બધા ઈશ્વરો, ધર્મો અને પયગંબરોને નિષ્ફળ બનાવી દીધા છે જે આ એક લાખ વર્ષમાં આપણને મળ્યા. અને હજી બચવું હોય તો માર્ગ એક જ છે… કૃષ્ણના મહારાસનો મધ્યમાર્ગ.

 

ભાગ ૨ : શાશ્વત ઉપાય

 

મહારાસના લેખમાં આપણે વાત કરી હતી કે આપણે શાળાઓમાં શરૂઆતથી જ સંગીતનો વિષય દાખલ કરવો પડશે અને બાળકોને શરૂઆતથી જ જ્ઞાન આપવું પડશે કે પ્રેમને અભિવ્યક્ત કરવાનો એકમાત્ર શ્રેષ્ઠ માર્ગ સંગીત છે, શરીર નહિ. જેથી કિશોરાવસ્થામાં પ્રેમની અભિવ્યક્તિની ઉત્તેજનામાં તે સંભોગ અને બળાત્કારના માર્ગે ન જાય. આપણે તેમને શીખવવું પડશે કે પ્રેમ ફક્ત આપવાની વસ્તુ છે, મેળવવાની નહિ. જે પ્રેમને આપવા માંગે છે તેના સ્પર્શમાં પ્રેમ હોય છે, જે પ્રેમ મેળવવા માંગે છે તેના સ્પર્શમાં વાસના હોય છે. પ્રેમ આપવાનું નામ છે, વાસના મેળવવાનું. સંભોગ વાસનાનું હળવું સ્વરૂપ છે અને બળાત્કાર તેનું સૌથી વિકૃત સ્વરૂપ છે. બાળકોને આટલું મૂળભૂત શિક્ષણ આપ્યા પછી બળાત્કારોને રોકવા આપણે એ ઉદાર સમાજ બનાવવો પડશે જ્યાં એક છોકરો વિના સંકોચે કોઈ છોકરી પાસે જઈને કહી શકે કે ‘હું તને પ્રેમ કરું છું.’ અને છોકરી તેના સામે નમસ્કારની મુદ્રામાં હાથ જોડીને કહે, ‘થેન્ક્સ, મને પ્રેમ કરવા બદલ. હું આ યાદ રાખીશ. જો કોઈ દિવસ મને તારાથી એવી જ પ્રેમની લાગણી થશે તો હું સામેથી તને કહેવા આવીશ. અને ત્યારે આપણે સંગીતથી આપણો પ્રેમ અભિવ્યક્ત કરીશું. જો મને એ લાગણી નહિ થાય તો હું હંમેશા તારી આભારી રહીશ કે તે મને પ્રેમ કર્યો. અને હું તને જીવનભર મને યાદ કરીને સંગીત વડે તારો પ્રેમ અભિવ્યક્ત કરવાની પરવાનગી આપું છું. પણ હવે આગળનો નિર્ણય હું કરીશ. ફરી મને આ કહેવા આવી મારા પર દબાણ લાવવાની કોશિશ ન કરતો.’ જો કોઈ છોકરી છોકરા સામે પ્રેમની કબૂલાત કરવા આવે તો છોકરો પણ આજ કહે.

            પણ આ રીતે બંને તરફથી પ્રેમની સ્વીકૃતિ થઈને કે એરેન્જ મેરેજ થઈને જયારે છોકરો-છોકરી સંભોગમાં પરોવાય છે ત્યારે શરૂઆતના વર્ષોમાં જ એકબીજાના શરીર અને ચહેરાથી રસ ગુમાવી દે છે. પતિ-પત્ની વચ્ચેનો સંભોગ તેમના પ્રેમને નષ્ટ કરી તેમના એકત્વને સ્થાપે છે. સામેવાળાની જાગ્રત ઉર્જા પોતાનામાં આવી જતા પતિ-પત્નીને સામેવાળાનું શરુર પણ પોતાનું જ અનુભવાય છે. અને આપણને પોતાના શરીરથી પ્રેમ નથી હોતો, આપણને બસ તેની પરવાહ કે ચિંતા હોય છે. આપણું ધ્યાન હંમેશા આપણા શરીરથી બહાર હોય છે. પણ જો એ શરીરમાં કંઈ તકલીફ ઉભી થાય તો એને દૂર કરવા આપણે આકાશ પાતાળ એક કરી દઈએ છીએ. કારણકે આપણું શરીર આપણા અહમનો અને અસ્તિત્વનો હિસ્સો છે, આપણે તેને ગુમાવવા નથી માંગતા. બસ સંભોગ પછી પતિ-પત્ની વચ્ચે આવું જ હોય છે. પતિના શરીરથી ગમે તેટલી નીરસતા આવી ગઈ હોય તો પણ તે શરીર હવે પત્નીના અહમ અને અસ્તિત્વનો હિસ્સો બની ચૂક્યું હોય છે. એટલે જો પતિ બીમાર થઇ જાય તો તેને સાજો કરવા પત્ની છેક યમરાજ સુધી લડતી આવે છે. આવું જ જરૂર પડ્યે પતિ પત્ની માટે પણ કરે છે. તો આ એક સીધું વિજ્ઞાન છે. પતિ-પત્ની હવે જોડાયેલા છે, બે શરીર પણ એક પ્રાણ (જાગ્રત ઉર્જા) છે. એટલે હવે કોઈ પ્રેમગીત વાગે તો પતિ-પત્નીના એક બનેલા પ્રાણમાં કોઈ સ્પંદન થતું નથી. અહીં પતિ-પત્નીમાંથી જેની જાગ્રત ઉર્જા ઓછી હોય તેનું શરીર સંતૃપ્ત થઇ જાય છે. આથી, તેને હવે બહાર બીજા વ્યક્તિ સાથે શારીરિક રીતે જોડાવાનું આકર્ષણ થતું નથી. તેને અન્ય સુંદર સ્ત્રી કે પુરુષ જોઈને બસ તેમની સુંદરતાથી આનંદ થાય છે. પણ તેને સ્પર્શવાનું આકર્ષણ થતું નથી. એટલે આવા માણસને તેના પતિ કે પત્નીનું સાનિધ્ય જ ઘર જેવી હૂંફ આપે છે. આવો માણસ તેના જીવનસાથીની એકલક્ષી ભક્તિ કરી તેના આત્મામાં મોક્ષ મેળવી શકે છે. પણ સંભોગ પછી હાલત કફોડી એ માણસની બને છે જેની જાગ્રત ઉર્જા તેના પતિ કે પત્નીથી વધારે છે.

            તેને હવે પ્રેમગીત સાંભળવાથી તેના પતિ કે પત્ની સાથે પ્રેમનું સ્પંદન થતું નથી, પણ બીજા કોઈ પુરુષ કે સ્ત્રી પ્રત્યે થાય છે. તે હજી સંતૃપ્ત નથી. તેને પાસે જે છે (તેનો જીવનસાથી) તેને ઘુમાવવો નથી, પણ બહારથી બીજું મેળવવાની તેની અતૃપ્તતા હજી હાજર છે. ભારતમાં થયેલા પેલા સર્વેમાં પરણિત લોકોએ વ્યભિચાર કરવાનું કારણ આજ આપ્યું હતું. પહેલા આ અતૃપ્ત લોકો પોતાની ઉર્જાનું શક્ય એટલું દમન કરે છે. પણ જેમ તેમનું પોતાની જ જાગ્રત ઉર્જા પર દમન વધતું જાય છે તેમ તેમના પતિ કે પત્ની પ્રત્યે તેમની નીરસતા અને ફરિયાદ વધતી જાય છે. અને એકસમયે તે સહનશક્તિ હટી જતા તે વ્યાભિચાર તરફ વળી જાય છે. જેમ જેમ માનવજાતિની બુદ્ધિક્ષમતા વધતી જાય છે તેમ તેમ તે વૈજ્ઞાનિક અને તર્કવાદી બનતી જાય છે. આ કારણે પોતાની જાગ્રત ઉર્જા પર દમન કરવાની આ ક્ષમતા ઘટતી જાય છે. આજ વધી રહેલા વ્યાભિચારનું કારણ છે. પણ જો વ્યાભિચાર એટલો જ વૈજ્ઞાનિક અને નૈસર્ગીક હોય તો તે સમાજમાં અરાજકતા અને વિનાશ કેમ લાવે છે…?

            કારણકે માણસ વ્યાભિચારમાં પણ એજ કરવા જાય છે જે તેણે તેના જીવનસાથી સાથે કર્યું છે. અને તે છે સંભોગ. આ કંઈક એવું છે કે તમને એક સુંદર ફૂલ આકર્ષી રહ્યું હતું અને તમે તમારું ધ્યાન ત્યાંથી હટાવી નહોતા શકતા. એટલે તમે એ ફૂલને તોડીને મસળી દીધું. બસ, સંભોગ આ રીતે જ પ્રેમને મસળીને ખતમ કરી દે છે. હવે લગ્નબહાર સંભોગ કરેલા માણસની જાગ્રત ઉર્જામાં બે પુરુષો કે બે સ્ત્રીઓ હોય છે, જેમાંથી હવે એકે સાથે તેને પ્રેમનું સ્પંદન નથી. આથી, આવા માણસોનું જીવન સંભોગ વડે લોકોના શરીરથી ઉબવામાં અને તે નવા સંબંધોને પાખંડ સાથે મેનેજ કરવામાં જાય છે. તે ક્યારેય પ્રેમની ચેતના અને તેનો શાશ્વત આનંદ નથી મેળવી શકતા. સમાજ જયારે આવા ડબલ અને ટ્રિપલ સબંધો ધરાવતા માણસોથી ભરાય છે ત્યારે સ્ત્રી-પુરુષમાં એકબીજાના શરીર મેળવવા માટેની સ્પર્ધા વધે છે. જે માનવજાતિને પહેલા અમેરિકા જેવા અતિશય બળાત્કારો અને હિંસાયુક્ત સમાજ તરફ અને આખરે શરૂઆતી માનવસમાજ જેવી આંતરિક કત્લેઆમ તરફ લઇ જાય છે. તો બચવાનો માર્ગ શું છે..? માર્ગ છે નમસ્કાર-યોગ અને મિત્રતાથી મહારાસ તરફ.

 

નમસ્કાર-યોગ:

દરેક પુરુષના અભિવ્યક્ત વિભાગમાં ૬૦ ટકા પુરુષ પ્રકૃતિ અને ૪૦ ટકા સ્ત્રી પ્રકૃતિ છે, તો સ્ત્રીના અભિવ્યક્ત વિભાગમાં ૬૦ ટકા સ્ત્રી પ્રકૃતિ અને ૪૦ ટકા પુરુષ પ્રકૃતિ છે. જયારે આપણે આપણી બંને હથેળીને જોડીને નમસ્કાર કરીએ છીએ ત્યારે આપણા અંદરની એ વિરોધી પ્રકૃતિઓ એકબીજા સાથે જોડાઈને વર્તે છે. અને જો કોઈ પુરુષ હાથ જોડીને નમસ્કાર કરતા કોઈ સ્ત્રી વિષે પ્રેમભાવે વિચારે તો તે સ્ત્રીની પ્રકૃતિઓ પુરુષના સુષુપ્ત વિભાગમાં સક્રિય થઇ જાય છે. આથી આ સમયે પુરુષની જોડાયેલી હથેળીઓ પુરુષ અને સ્ત્રીની સહિયારી વિરોધી પ્રકૃતિઓને જોડે છે. આ યોગને નમસ્કાર યોગ કહે છે. આવું જ સ્ત્રીને પણ પુરુષને યાદ કરી નમસ્કાર યોગ કરવાથી થાય છે. એટલે જયારે તમને અન્ય કોઈ પુરુષ કે સ્ત્રીથી પ્રેમ થાય ત્યારે તે પ્રેમને સ્વીકારી લો અને રોજ એકાંતમાં તે સ્ત્રી કે પુરુષને યાદ કરી નમસ્કાર યોગ કરો. નમસ્કારની મુદ્રામાં આંખો બંધ કરી બાજુમાં કોઈ પ્રેમગીત ચાલુ કરી દો અને તે સ્ત્રી કે પુરુષ સાથે બંધ આંખે સંગીત વડે પ્રેમની અભિવ્યક્તિ કરો. બીજી રીત એ છે કે જો તે સ્ત્રી કે પુરુષનો ફોટો તમારી પાસે હોય તો નમસ્કારની મુદ્રામાં તેની સામે જોતા રહીને પ્રેમભાવે સતત કહેતા રહો, ‘હું તમને પ્રેમ કરું છું. અને તમારી સામે મારા અહમનું સમર્પણ કરું છું. મારે તમારા પાસેથી કંઈ નથી જોઈતું. બસ હું તમને કહેવા માંગુ છું કે હું તમને પ્રેમ કરું છું.’ પાંચ મિનિટ આ રીતે નમસ્કાર યોગ કરવાથી તે સ્ત્રી કે પુરુષથી તમારો પ્રેમ ઉપરના ચક્રો તરફ જતો જશે અને શરીરથી ઉપર ઉઠતો જશે. જેથી શારીરિક આકર્ષણ ઘટશે અને ગાઢ પ્રેમ સાથેની મિત્રતા રચાશે. સામાજિક રીતે તે સ્ત્રી કે પુરુષ સાથે તમારો સબંધ હવે કૃષ્ણ-દ્રૌપદી જેવો મિત્રતાભર્યો બનતો જશે. જેમ જેમ આ નૈસર્ગીક પ્રેમ બંધનહીન બનીને ફેલાતો જાય છે તેમ તેમ પ્રેમ તમારી જાગ્રત ઉર્જાનો મૂળ સ્વભાવ બનતો જાય છે. એટલે હવે તમારી જાગ્રત ઉર્જા સાથે એક થયેલ તમારા પતિ કે પત્ની સાથે પણ તમારા પ્રેમની ચેતના શરુ થઇ જાય છે. આ રીતે લગ્ન બહાર જયારે જયારે કોઈથી પ્રેમ થાય ત્યારે તેને નમસ્કાર-યોગ દ્વારા સ્વીકારી લેવો જોઈએ અને સમાજમાં મિત્રતાભર્યા પ્રેમસંબંધ રૂપે તેને સ્થાપવો જોઈએ. જેમ જેમ તમારો આ નૈસર્ગીક પ્રેમ વિસ્તરતો જાય છે તેમ તેમ તમારું પ્રેમ-પાત્ર સનાતન પ્રેમના કેન્દ્રમાં આવી જાય છે. તમને જેનાથી પ્રેમ છે તે તમારા પ્રેમનું કેન્દ્ર- તમારા પ્રેમનો સ્ત્રોત બને છે, જેનાથી હવે તમે સૃષ્ટિમાં કોઈને પણ સાચો નિસ્વાર્થ પ્રેમ આપવા સમર્થ બનો છો. આ જ મહારાસની સ્થિતિ છે જ્યાં કૃષ્ણ સાથે રાધા કેન્દ્રમાં છે અને ગોપીઓ ચારે તરફ, છતાં દરેક ગોપી પાસે તેમની જાગ્રત ઉર્જા મુજબનો કૃષ્ણ હાજર છે. (જુઓ મહારાસનો વિડિઓ) આ મહારાસ જ માનવસમાજને ચલાવવાનો સાચો મધ્યવર્તી માર્ગ છે. આ માર્ગ સ્થપાયા બાદ જ માનવજાતિમાં સાચા સતયુગ અને સાચા આધ્યાત્મની શરૂઆત થઇ શકે છે. તે પહેલા નહિ. કારણ કે લગ્નજીવન માનવસભ્યતાનું મુખ્ય લક્ષ્ય નથી. માનવસભ્યતાનું મુખ્ય લક્ષ્ય મહારાસની આ સામાજિક વ્યવસ્થા છે. જ્યાં સુધી એ વ્યવસ્થાને આવતી રોકવામાં આવશે ત્યાં સુધી બળાત્કાર અને વ્યભિચારના દુષણો આ માનવસમાજને વિનાશના માર્ગે ધકેલતા રહેશે.

            આ મહારાસ બીજું કંઈ નહિ પણ મોક્ષ મેળવવા માટે બુદ્ધે બતાવેલો આઠ અંગોવાળો મધ્ય માર્ગ છે. એ આઠ અંગો હતા સમ્યક દ્રષ્ટિ, સમ્યક ઉકેલ, સમ્યક વાણી, સમ્યક વ્યવહાર, સમ્યક જીવન, સમ્યક પ્રયત્ન, સમ્યક વિચાર અને સમ્યક સમાધિ. સમ્યક એટલે સાચી, મધ્યમાર્ગી. સમ્યક દ્રષ્ટિ મતલબ કોઈને (આપણા લેખમાં સ્ત્રીને કે પુરુષને) ના તિરસ્કારથી-દમનથી જુઓ ના તેને કામવાસનાથી જુઓ. તેને ફક્ત પ્રેમથી જુઓ. કોઈ ઉકેલ લાવો, કોઈની સાથે બોલો, વિચાર કરો, પ્રયત્ન કરો કે સમાધિ કરો તો તે દમન સાથે ન કરો, ના વાસના સાથે કરો. તે ફક્ત પ્રેમ સાથે અને પ્રેમ માટે કરો. પ્રેમ જ એ સમ્યક મધ્યમાર્ગ છે. તેનું લગ્નજીવનમાં ના દમન કરો ના લગ્ન બહાર નીકળીને વાસનામય સંભોગથી તેનો નાશ કરો. પ્રેમ જ સત્ય છે. તેને પોતાની સ્થિતિ બનાવો. એજ મહારાસની સ્થિતિ છે. મહારાસ કૃષ્ણ અને બુદ્ધના વિરોધાભાસી જીવનોનું મિલનસ્થાન છે. પ્રાચીન ભારતમાં ઊંડા ઉતરીએ તો આપણને ખબર પડે છે કે આપણા તે પૂર્વજો આજના પશ્ચિમી સમાજ જેટલા જ ઉદાર, વિસ્તૃત અને વૈજ્ઞાનિક હતા. બસ તેમની દરેક ઉદારતા આધ્યાત્મિક વિજ્ઞાન વડે વ્યાખ્યાયિત થયેલી હતી. તે પોતાના દરેક સ્વતંત્ર અને ઉદાર વિચારનું વિજ્ઞાન જાણતા હતા કે તે કેટલી હદ સુધી સાચો છે અને ક્યાંથી ખોટો. એટલે પ્રાચીન ભારતીય સમાજ ઉદાર, સ્વતંત્ર અને સમૃદ્ધ હોવા સાથે સંતુલિત હતો, જયારે આજનો પશ્ચિમી સમાજ એની ઉદારતા અને સ્વતંત્રતાના કારણે જ અસંતુલિત અને સ્વચ્છંદી બની ગયો છે. કારણ કે તેમની ઉદારતા અને સ્વતંત્રતાનું નિયમન કરનારું કોઈ આધ્યાત્મિક વિજ્ઞાન તેમની પાસે નથી. તેમની પાસે ખાલી ભોગવિલાસો કરવાનું ભૌતિક વિજ્ઞાન છે. એટલે પશ્ચિમનું અનુકરણ કરીને સહિયારા વિનાશ તરફ જવાનો આ સમય નથી. આ સમય છે ભારતીય આધ્યત્મમાંથી સમસ્યાઓનો ઉકેલ શોધી સમગ્ર વિશ્વ સામે તે ઉકેલને જીવી બતાવતા વિશ્વગુરુ બનવાનો.

 
સારાંશ: એકવાર રામકૃષ્ણ પરમહંસે પોતાના પરમ શિષ્ય નરેન્દ્રને કહ્યું, ‘ગીતા અને ઉપનિષદોનું કોરું જ્ઞાન બહુ વાંચી લીધું. હવે થોડી આ ભાગવત વાંચ.’ નરેન્દ્રનાથે ભાગવતમાં આવતી મહારાસની કૃષ્ણ પ્રેમલીલા વાંચી અને તે બ્રહ્મચારીનું મન છટક્યું. તેમણે પરમહંસ સામે આવીને ભાગવત પટક્યું અને કહ્યું, ‘આ છે તમારો ભગવાન..? મારે બ્રહ્મચારી થઈને આ બધું વાંચવાનું..?’ પરમહંસે કહ્યું, ‘નરેન, જો આ મહારાસ નથી સમજાઈ તો કંઈ નથી સમજાયું. તારી એ ગીતા અને ઉપનિષદોનું કોરું જ્ઞાન આ મહારાસના આનંદને સમજવા માટે જ અપાયું છે. આજ અંતિમ લક્ષ્ય છે.’
એ જ નરેન્દ્દનાથે કેટલાક વર્ષો પછી સ્વામી વિવેકાનંદ રૂપે અમેરિકામાં એક કલાક સુધી એ સમજાવતું ભાષણ આપ્યું હતું કે કેવી રીતે મહારાસ જ એ અંતિમ સ્થિતિ છે જેના માટે આ બધું આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવે છે. એ કૃષ્ણની ચેતનાનો નિચોડ છે.