રાજનીતિ

All the text in the articles given below is Dr. Kaushik Chaudhary’s intellectual property. Sharing any part of it without giving attribution can be a criminal offense.

October 15 / 2015 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

આપણા દેશનું નામ રાજા ભરત પરથી જ કેમ પડ્યું...?

“જ્યાં રામ જેવા ઈશ્વર કક્ષાના માણસો થઈ ગયા હતા તે આર્યવ્રત ભરત જેવા એક રાજાના નામ પરથી ભારત કેમ કહેવાયું ? શું છે એક ભારતીય હોવાનો અર્થ ?”

દસમા ધોરણના ક્લાસમાં એકવાર ઈન્સપેક્શનવાળા સાહેબ આવ્યા. તેમણે વિદ્યાર્થીઓને એક સવાલ પૂછ્યો. સવાલ હતો કે ભારત દેશનું નામ રાજા ભરત પરથી જ કેમ પડયું ? વિદ્યાર્થીઓ એક ક્ષણ શાંત થઈ ગયા. બધાને ખબર હતી કે ભારતનું નામ રાજા ભરત પરથી પડયું. પણ ભરત પરથી જ કેમ પડયું એ સવાલ તેમણે પહેલીવાર સાંભળ્યો હતો. એક વિદ્યાર્થી જેની મમ્મી હાઈસ્કૂલ ટીચર હતી. તેણે જવાબ આપ્યો, ”કારણ કે તે બહુ પરાક્રમી હતા. નાના હતા એટલે સિંહના મોંઢામાંથી દાંત ગણતા હતા.” સાહેબ ખડખડાટ હસ્યા અને બોલ્યા, ”એટલે એના ઉપરથી આખા દેશનું નામ પાડી દીધું ?” તેમણે સાચો જવાબ આપવા માટે વાત શરૃ કરી.

            રાજા ભરત – જે યયાતિના પાંચ પુત્રોમાંના એક પુત્ર રાજા પુરુના વંશજ દુષ્યંતનો પુત્ર હતો – તે એક મહાન સમ્રાટ હતો. ભરત જ્યારે વૃદ્ધ થવા આવ્યો ત્યારે હસ્તિનાપુર (આજનું દિલ્લી) ની ગાદી સોંપવા યોગ્ય વારસદાર શોધવા લાગ્યો. તેના કુલ નવ પુત્રો હતા. તેણે આ નવે પુત્રો માટે વિવિધ પ્રતિયોગીતાઓ યોજી તેમાંથી શ્રેષ્ઠને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. આ એકેય પ્રતિયોગીતા તેના એકપણ પુત્રએ પાસ ન કરી. પરંતુ તેના એક અંગરક્ષક ભુમાયુએ આ તમામ પરીક્ષાઓ પાસ કરી. આ પહેલા પણ એકવાર યુદ્ધમાં રાજા ભરત ઘાયલ થતાં તેની સેનામાં ભગદડ મચી ગયેલી અને સેનાપતિ સુધ્ધાં છોડી રાજાને લઈ ભાગવા લાગેલા. પરંતુ, તે સમયે સેનામાં એક સામાન્ય સૈનિક તરીકે રહેલા ભુમાયુએ આખી સેનાને ભાગતાં અટકાવી ફરીથી યુદ્ધમાં જોડેલી અને યુદ્ધ જીતેલું. ભરતે જોયું કે એક રાજા બનવા માટેના કોઈ ગુણ તેના નવ પુત્રોમાં નથી, પરંતુ એ બધા જ શ્રેષ્ઠ ગુણ ભુમાયુમાં છે. અંતે ભરતે પોતાના નવ પુત્રોને અવગણી ભુમાયુને નવા સમ્રાટ તરીકે પોતાનો અનુગામી જાહેર કર્યો.

            ભરતના આ નિર્ણયથી તેના પુત્રો, ત્રણ પત્નીઓ અને તેની માતા શકુંતલા નારાજ થયા. શકુંતલાએ જ્યારે વિરોધ કર્યો ત્યારે ભરતે કહ્યું, ”મા, તમે એક માતા છો. તમને મમતાએ બાંધી રાખ્યા છે. હું એક રાજા છું. મને રાજધર્મે બાંધી રાખ્યો છે. તમને તમારા પુત્રોની ચિંતા છે. મને મારી પ્રજાની. મનુષ્યની ઓળખ તેના કર્મથી હોય છે. જન્મથી નહીં. જે લાયક છે તે જ રાજા બનશે.” ભરતનો આ નિર્ણય સમગ્ર આર્યવ્રત માટે એક ક્રાંન્તિકારી વિચાર હતો. અસલમાં તે સમયની જાતિપ્રથા પણ કર્મ આધારિત હતી. જે શિક્ષણ આપવાનું કર્મ કરતાં તે બ્રાહ્મણ હતા. યોદ્ધા અને રાજધર્મનું વહન કરતા લોકો ક્ષત્રિય, વેપાર કરનાર વૈશ્ય અને મજૂરીયાત વર્ગ શુદ્ર કહેવાતો. પરંતુ આ કર્મ આધારીત જાતિપ્રથાનું પાલન કરીને કોઈ રાજા પોતાના વંશને અવગણી દે અને એક સામાન્ય માણસને રાજા બનાવી દે એવું આર્યવ્રતની ધરતી પર આ પહેલીવાર બન્યું હતું. આથી, ભરતના નામ દ્વારા કર્મથી જ મનુષ્યને ઓળખવાના ભારતીય જાતિપ્રથાના એ મહાન સિદ્ધાંતને યુગો સુધી બળ મળી રહે અને તે મહાન સિદ્ધાંત ક્યારેય લુપ્ત ન થાય તે ઉદ્દેશ્યથી તે સમયના બ્રાહ્મણો અને બુદ્ધિજીવીઓએ આખા આર્યવ્રતને ‘ભારતવર્ષ’ નામ આપવાનું નક્કી કર્યું. ભરતના વિચારોનું વહન કરતો પ્રદેશ અને આ જ એક ભારતીય હોવાનો સાચો અર્થ છે. ભારતીય એટલે એક એવો મનુષ્ય જે દરેક મનુષ્યને તેના કર્મથી મૂલવે છે.

            પરંતુ, ભરતનો જ વંશ શાંતનુ સુધી આવતાં આ સિદ્ધાંતથી ભટકી ગયો. શાંતનું એક સુંદરી સત્યવતીના પ્રેમમાં પડયો અને સત્યવતીના પિતા સમક્ષ લગ્નની માંગ મૂકી. સત્યવતીના પિતાએ શરત મૂકી કે જો શાંતનુ તેના પુત્ર દેવવ્રતના સ્થાને સત્યવતીના ભવિષ્યમાં જન્મવાવાળા પુત્રને રાજા બનાવે તો જ સત્યવતી સાથે લગ્ન કરી શકે. આ શરતના લીધે ઉદાસ થયેલા પિતાને જ્યારે દેવવ્રતે જોયા તો સત્યવતીના પુત્રને જ રાજા બનાવવાની ગેરેન્ટી રૃપે પોતે ક્યારેય રાજા ન બનવાની અને આજીવન બ્રહ્મચારી રહેવાની ભીષણ પ્રતિજ્ઞાા લઈ લીધી અને મહાન ભિષ્મ કહેવાયા. આમ, એક મહાન અને શક્તિશાળી સમ્રાટ બનવાની ક્ષમતા ધરાવતા ભિષ્મ સામે સત્યવતીના ન જન્મેલા બાળકને રાજા બનાવવાનું નક્કી થયું. જન્મના નામે રાજા બનવાની આ ભ્રષ્ટતા ધૃતરાષ્ટ્રના સમયમાં એની પરાકાષ્ઠાએ પહોંચી અને તેણે આજીવન ધર્મરાજ કહેવાતા યુધિષ્ઠિર સામે પોતાના દુર્ગુણી અને મૂર્ખ પુત્ર દુર્યોધનને રાજા બનાવવાની કોશિશોમાં મહાભારતના ભીષણ યુદ્ધને નિમંત્રણ આપ્યું. શાંતનુ અને ધૃતરાષ્ટ્રના સમયની આ ભ્રષ્ટતા રાજપરીવારમાંથી સામાન્ય સમાજમાં પણ પહોંચી અને જાતિપ્રથાના ઉચ્ચ સિદ્ધાંતો કુંઠીત બન્યા. લોકો પોતાનો વ્યવસાય સંતાનોને વારસામાં સોંપવાની કોશિશ કરવા લાગ્યા. આમાં સૌથી વધુ ફાયદો ઉચ્ચ ગણાતા બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ગને હતો અને તે બંને વર્ગો શક્તિશાળી હોવાથી બાકીના વર્ગ માટે તેનો વિરોધ કરવો મુશ્કેલ બની રહ્યો. લોકો પોતાના સંતાનોને તેમના જન્મ સાથે જ ઉંચા કહેવડાવવાનું સર્ટીફિકેટ મેળવવા લાગ્યા. આ આખી ભ્રષ્ટતામાં સૌથી વધુ અન્યાય અને શોષણ શુદ્રોને થયું. શુદ્ર પિતાના ઘરમાં પેદા થયેલા કેટલાક મહાજ્ઞાાની અને ગુણવાન માણસોને પણ શુદ્ર ગણી ધિક્કારવામાં આવ્યા અને અહીંથી ભારતનું ક્રમિક પતન શરૃ થયું. કારણ કે ભારતવર્ષમાંથી ‘ભારતીય’ શબ્દનો અર્થ જ ખતમ થઈ ગયો.

            બ્રાહ્મણોએ તેમની સત્તાને નિરંકુશ બનાવવા માટે શુદ્રોના દમનના નવા નવા નિયમો બનાવ્યા જેમ કે તેમને વેદો અને ગીતા સાંભળવાની મનાઈ ફરમાવામાં આવી. તેમનો સ્પર્શ પણ વર્જીત ગણવામાં આવ્યો. તેમના માટે મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. અરે, તેમને થૂકવા માટે પણ એક માટલી ગળામાં રાખવી પડતી. આમ, જે મહાન ભરતે કર્મના આધારે એક સામાન્ય માણસને રાજા બનાવી દીધેલો, તેના જ વંશજોએ નિરંકુશ ધાર્મિક અને સામાજીક સત્તા માટે તે જ સામાન્ય માણસોને જાનવરોથી પણ બત્તર જીવન ગુજારવા મજબૂર કર્યા. અને આ દમન એક નહીં તો બીજી રીતે આજે પણ ચાલુ છે. છ મહિના પહેલા હરીયાણાના એક ગામમાં ઊંચી જાતિના કહેવાતા કેટલાક આદમખોરોએ ગામના દલિતોને ગામમાંથી નીકળી જવાની ધમકી આપી. તેમના ઘર સળગાવી દીધા. દલિતો પોતાના ઘરબાર એમના એમ મૂકી ગામ છોડી નીકળી ગયા અને રેલવે પ્લેટફોર્મો પર રાતો ગુજારી. પરંતુ એક દલિત પરીવાર ત્યાં રહી ગયો. તેને ધમકી આપવામાં આવી કે જો ગામ નહીં છોડે તો તેનો વંશ ખતમ કરી નાખશે. અને અઠવાડિયા પછી એ લોકોએ તે દલિત યુવકના ત્રણ વર્ષના દીકરા અને એક વર્ષની દીકરીને જીવતા સળગાવી દઈ તેનો વંશ સાચે જ ખતમ કરી દીધો. આ બનાવ આજના એકવીસમી સદીના ડીજીટલ ઈન્ડિયાના સમયનો છે.
            આપણે કઈ ભારતીયતાનો દંભ ભરીને ગર્વ કરીએ છીએ એ સમજાતું નથી. ભારતીયતા તો આપણે ક્યારના ય ખોઈ ચૂક્યા છીએ. આપણે ભારતીય નથી રહ્યા અને આવા લોકોને એ મહાન ભરતના નામ સાથે જોડવા એ તે મહાન પૂર્વજનું અપમાન છે. જ્યાં સુધી આ દેશમાં એક પણ અછૂત છે ત્યાં સુધી આ આખો દેશ અછૂત છે. આ સમગ્ર માનવજાતિ અછૂત છે. જે સમાજ એક જીવતા જાગતા મનુષ્યને તેના જન્મના કારણે નીચ કહે છે તે આખો સમાજ જ નીચ છે. આપણે બધા નીચ છીએ. જ્યાં સુધી આપણામાંથી એકપણ માણસ તેના જન્મના કારણે અપમાન અને ધૃણા મેળવે છે ત્યાં સુધી આપણે સભ્ય નથી બન્યા. સામાજીક, ધાર્મિક અને આર્થિક સત્તાના લોભમાં આપણે તો એ જાનવરોથી પણ બત્તર બન્યા છીએ જેમનામાંથી આપણી ઉત્ક્રાંતિ થઈ હતી. જો ખરેખર કોઈ પોતાને ભારતીય સમજતું હોય, જો ખરેખર કોઈ પોતાને માનવ સમજતું હોય તો તે પહેલા આ ધરતી પર તિરસ્કાર અને શોષણ પામેલા એ મનુષ્યો પાસે જાય અને તેમની વેદનાને સાંભળે અને તેમના માનવ તરીકેનું સન્માન પાછું આપવા જાનવરોથી ભરેલા આ ભ્રષ્ટ સમાજ સામે સંઘર્ષ કરે.

            આટલું સાંભળી દસમા ધોરણનો પેલો વિદ્યાર્થી જ્યારે ઘરે આવ્યો ત્યારે તેણે બે વર્ષ પછી નિવૃત્ત થનારી તેની હાઈસ્કૂલ ટીચર મમ્મીને એ જ સવાલ પૂછ્યો, ”મમ્મી, આપણા દેશનું નામ ભરત પરથી જ કેમ પડયું ?” મમ્મીએ કહ્યું, ”અરે ! એ બહુ પરાક્રમી હતો. સિંહના મોંઢામાંથી દાંત ગણી લેતો હતો, એટલે !!!???” (આ જ છે આપણું શિક્ષણ!)

January 16 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

હિંદુ રાષ્ટ્ર અને હિંદુ રાજ્ય વચ્ચેનો ફર્ક

“હિંદુ રાષ્ટ્રનો મહાન વિચાર સેક્યુલારીઝમના વિચારથી પણ અનેકગણો ચડિયાતો છે, જો દેશનો દરેક નાગરીક એ વિચારને સમજી લે તો ભારતની ગંદી રાજનીતી એને વિકૃત બનાવતી અટકી શકે.”

૧૮૯૩ની શિકાગોની ધર્મ પરીષદમાં સમગ્ર વિશ્વને હિંદુ સંસ્કૃતિના મહાન સિધ્ધાંતોનું દર્શન કરાવ્યા પછી જ્યારે લોકો સ્વામી વિવેકાનંદથી પુરી રીતે અભિભૂત થઈ ચૂક્યા હતા, ત્યારે વિવેકાનંદે તે હજારોની સંખ્યામાં આવેલા લોકોને કહ્યું, ”ડરો નહીં. મારા ધર્મની આ મહાનતા બતાવીને હું તમને વતલાવવા નથી આવ્યો. હું કોઈ ખ્રિસ્તીને હિંદુ બનાવવા નથી આવ્યો. હું કોઈ મુસ્લિમને હિંદુ બનાવવા નથી આવ્યો. ના કોઈ મેથોડોલોજીસ્ટને હિંદુ બનાવવા આવ્યો છું. હું એ ધર્મનો પ્રતિનિધિ છું જે કહે છે કે દરેક ખ્રિસ્તી હજુ વધારે સારો ખ્રિસ્તી બને, જેથી તે સત્યને પામી લે. દરેક મુસ્લીમ હજુ સારો મુસ્લીમ બને જેથી તે સત્યને પામી શકે. દરેક મેથોડોલોજીસ્ટ કે વૈજ્ઞાનિક હજી વધારે સારો વૈજ્ઞાનિક બને જેથી તે સૃષ્ટિના સત્યને પામી લે. સત્ય એ જ છે કે આપણે બધા એક જ અદ્વૈત શક્તિમાંથી બન્યા છીએ અને આપણે બધાને છેલ્લે એ અદ્વૈતની સ્થિતિએ પહોંચી જવાનું છે. તમે તમારા ખ્રિસ્તી કે મુસ્લીમ રસ્તેથી ત્યાં પહોંચો. હું મારા હિંદુ રસ્તાથી ત્યાં પહોંચીશ. સત્યના તે સ્થાને આપણે બધા ભેગા મળીશું. આપણે બધા એક હોઈશું.”

            આ જ છે હિંદુત્વ. આ જ છે ભારતીય વિચારધારા અને આ જ છે ભારતીય સંસ્કૃતિ. જે વ્યક્તિ જે સ્થાને છે ત્યાં જ રહીને સત્ય સુધી પહોંચે. પોત-પોતાના માર્ગે. કોઈ બીજા પર પોતાનો માર્ગ થોપે નહીં. સત્ય લક્ષ્ય છે. સંપ્રદાય માર્ગ. લક્ષ્ય મુખ્ય છે, માર્ગ ગૌણ. આ ભારતીય વિચારધારાને સુપ્રીમ કોર્ટે હિંદુત્વની વ્યાખ્યા માની છે અને તેને ભારતીય સંવિધાનનું હાર્દ કહ્યું છે, ”હિંદુત્વ ઈઝ ધી કોર ઓફ ઈન્ડિયન કોન્સ્ટીટયુશન”. આમ, જો કોઈ હિંદુ કોઈ મુસલમાનને એમ કહે કે તારા નમાઝ કરતાં મારી પ્રાર્થના અને તારી ટોપી કરતાં મારા તિલક અને ભગવા કપડાં વધુ સાચા છે તો એ હિન્દુરાષ્ટ્રનો જ વિરોધ કરી રહ્યો છે એમ કહેવાય. હિંદુરાષ્ટ્ર એટલે હિંદુઓ રાજ કરતા હોય તેવું રાષ્ટ્ર નહીં. હિંદુરાષ્ટ્ર એટલે હિંદુઓની આ સનાતન વિચારધારા પ્રમાણે ચાલતું હોય તેવું રાષ્ટ્ર. હિંદુઓ રાજ કરતા હોય તેવા રાષ્ટ્રને ‘હિંદુરાજ્ય’ કહેવામાં આવ્યું છે. હિંદુરાજ્યનો ઝંડો કેસરીયો છે. ઈસ્લામી રાજ્યનો ઝંડો લીલો છે. પરંતુ, હિંદુરાષ્ટ્રનો ઝંડો તિરંગો છે. કેસરીયા અને લીલા કલર સાથે શાંતિ અને સત્યનો સફેદ રંગ દર્શાવતો તિરંગો એટલે હિન્દુરાષ્ટ્રનું સાચું પ્રતિક.

            આમ, હિન્દુરાષ્ટ્રની વિચારધારાથી મોટું કોઈ સેક્યુલારીઝમ નથી. સેક્યુલારીઝમ શબ્દ પણ દુનિયામાં એક તટસ્થ ધાર્મિક નીતિના રૃપે અમલમાં આવ્યો હતો. જ્યારે દરેક ધર્મના લોકો દરેક દેશોમાં એકસાથે રહેવા લાગ્યા ત્યારે તેમના વચ્ચે વૈમનસ્ય ઘટાડવા માટે એક એવી વિચારધારાને જન્મ આપવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે ધર્મ દરેક વ્યક્તિનો અંગત વિષય છે. તેને રાજ્યના વહીવટ સાથે કોઈ સંબંધ નથી. રાજ્યના કાયદા દરેક માણસ માટે સમાન હશે, તેમાં ધર્મને વચ્ચે લાવવામાં નહીં આવે. કેટલાક દેશોમાં તો ધર્મને એ હદે વ્યક્તિગત વિષય માનવામાં આવ્યો કે કોઈ માણસ જાહેરમાં પોતાના ધર્મની વિચારધારા કે તેના ચિહ્નોનું પ્રદર્શન જ ન કરી શકે. એકરીતે જાણે ધર્મ કોઈ અનિષ્ટ હોય અને તેને છુપાવવું પડે કે, ઘરમાં જ રાખવું પડે તેવા વિચારનો જન્મ એટલે સેક્યુલારીઝમ. પરંતુ, હિન્દુરાષ્ટ્ર સેક્યુલારીઝમથી પણ મહાન વિચાર છે.

            હિંદુરાષ્ટ્રમાં પણ કાયદો તો દરેક માણસ માટે સમાન હોય જ પરંતુ, અહીં રાજ્ય જ દરેક ધર્મને પોતાના માર્ગે આગળ વધવા પ્રેરીત કરે છે અને સત્યની આખરી સ્થિતિએ પહોંચવા બધા ધર્મોને આહવાન કરે છે. આમ, હિંદુરાષ્ટ્રમાં માનવજાતિના સત્ય પ્રાપ્તિના લક્ષ્યને મુખ્ય માનવામાં આવ્યું છે અને ત્યાં સુધી પહોંચવા માટેના કોઈપણ સંપ્રદાયના રસ્તાને પ્રશાસનિક સ્વીકૃતિ આપવામાં આવી છે. પરંતુ, એક સંપ્રદાય પોતાના રસ્તાને બીજા કરતા ચડિયાતો સમજે તેનો એમાં તીવ્ર વિરોધ છે. ભારતમાં કેટલીક રાજકીય પાર્ટીઓએ ફક્ત સત્તા માટે હિંદુરાષ્ટ્રના આ મહાન વિચારને ‘હિન્દુરાજ્ય’ના સાંપ્રદાયિક વિચાર સાથે જોડી તેનો દુષ્પ્રચાર કર્યો છે. તેઓ મુસ્લીમ તુષ્ટિકરણ કરવા માટે તિરંગામાંથી લીલા રંગને વધારે ખેંચે છે અને તેની સામે હિંદુ વિચારધારાનો કક્કો પણ ન જાણતા લોકો ભગવો રંગ ખેંચવા લાગે છે. પરીણામે વચ્ચે રહેલો સત્યનો સફેદ રંગ ચીરે ચીરા થઈને નષ્ટ પામે છે.

            હિંદુ કોઈ ધર્મ નથી. તે એક જીવન પધ્ધતિ છે. ‘સમગ્ર બ્રહ્માંડ એક જ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. આથી જે પણ માર્ગ યોગ્ય લાગે તે માર્ગે બ્રહ્મની તે આખરી એકતાને ધારણ કરવી’ – આ જ હિંદુ જીવન પધ્ધતિ છે. તો આ જીવન પધ્ધતિ પ્રમાણે મુસલમાન અલ્લાહને પોકારે, નમાઝ પઢે કે ટોપી પહેરે કે દાઢી વધારે તેને હિંદુરાષ્ટ્ર સાથે કોઈ વિરોધાભાસ નથી. જ્યાં સુધી તે એ માર્ગ દ્વારા અલ્લાહ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો છે તે હિંદુત્વનું જ પાલન કરી રહ્યો છે. પરંતુ, જ્યારે કોઈ મુસલમાન પેલી સાઉદી આરબની વિચારધારાને મનમાં વસાવે છે કે – ”મુસ્લીમ જ એકમાત્ર પવિત્ર છે અને જ્યાં સુધી આખી દુનિયા મુસ્લિમ ઉપાસના પધ્ધતિ અને મુસ્લીમ વેશભૂષા નહી અપનાવે ત્યાં સુધી પવિત્ર નહી થાય.” – ત્યારે તે સનાતન ભારતીય સંસ્કૃતિનું અપમાન કરે છે. પેશ્વા બાજીરાવ પહેલાને જ્યારે કહેવામાં આવ્યું કે ”તું એકબાજુ મુસલમાનોથી લડે છે અને બીજી તરફ બાજુ એક મુસ્લીમ છોકરી મસ્તાનીને પ્રેમ કરે છે.” ત્યારે બાજીરાવે કહેલું ”આપણી લડાઈ મુસ્લીમ ધર્મ સાથે નથી, આપણી લડાઈ તેમની સલ્તનત અને તેમની અત્યાચારો દ્વારા પોતાનો ધર્મ બીજા પર થોપી બેસાડવાની વિદેશી વિચારધારા સામે છે.” શિવાજીએ જે હિંદુ-રાષ્ટ્રનો વિચાર આપ્યો તે પણ આ જ હતો. સાવરકરના હિંદુરાષ્ટ્રની કલ્પના પણ આ જ હતી.

            આમ, હિન્દુરાષ્ટ્રના મુસલમાનોનો કોઈ વિરોધ નથી. પણ સત્ય સુધી પહોંચવાનો અમારો માર્ગ જ સાચો છે અને બાકીના ખોટા-આરબોની એ મુસ્લીમ વિચારધારાનો હિંદુરાષ્ટ્ર ઘોર વિરોધ કરે છે. આ વિચારધારા પરદેશી છે અને તે ભારતીય સંસ્કૃતિ માટે અપમાનજનક છે. આ કારણે જ હિન્દુરાષ્ટ્રની વિચારધારામાં ધર્માંતરણ પણ અપ્રાસાંગિક છે. હિન્દુરાષ્ટ્રમાં કોઈ હિન્દુને મસ્જીદ જવું હોય તો જાય. કુરાનના તત્ત્વજ્ઞાાનનો અભ્યાસ કરે, અલ્લાહને પૂજે અને નમાઝ પણ પઢે. તે જે ઉપાસના પધ્ધતિ ચાહે અપનાવી શકે છે. સત્ય મુખ્ય છે. માર્ગ ગૌણ, પરંતુ, આવું કરવા માટે જયારે તે હિન્દુને કાશીરામ માંથી કરીમ ખાન બનાવવામાં આવે છે ત્યારે ભારતીય વિચાર જડમૂળથી વિરોધ નોંધાવે છે. નામ અને વેશભૂષા બદલવાની આ ચાલાકી ધર્મ નથી. તે સંખ્યાબળની રાજનીતિ છે. ધર્માંતરણનું આ દૂષિત રાજકારણ જ્યાં સુધી આ દેશમાં છે ત્યાં સુધી હિંદુરાષ્ટ્રનો આ મહાન સનાતન વિચાર આપણા દેશમાં અધૂરો છે. ધર્માંતરણ સાથે સાથે જ્યાં સુધી આ દેશમાં ધર્મના નામે કાયદા અલગ અલગ છે ત્યાં સુધી આપણે હીંદુરાષ્ટ્ર તો શું તેનાથી નીચેની સ્થિતિ એવા સેક્યુલર રાષ્ટ્ર પણ નથી.

            આ ઉપરાંત, હિંદુરાષ્ટ્ર દરેક ધર્મના તત્વજ્ઞાાનને સત્યપ્રાપ્તિના લક્ષ્ય માટે મુખ્ય સાધન માને છે. આથી, હિંદુરાષ્ટ્રની સંપૂર્ણ સ્થાપના માટે દરેક ધર્મના ક્રિયાકાંડો અને ઉપાસના પધ્ધતિઓને એક બાજુ રાખી તે ધર્મોના તત્વજ્ઞાાન અને આધ્યાત્મને એકસૂત્રતામાં બાંધવા જરૃરી છે, જેથી તે સહીયારા તત્વજ્ઞાાનને એક વિષય તરીકે શાળામાં બાળકોને ભણાવી શકાય. બધા ધર્મોનું એ સહીયારું તત્વજ્ઞાાન જ કરોડો હિંદુવાસીઓને તેમનું લક્ષ્ય એક હોવાની અનુભૂતિ કરાવશે અને તેમને એકબીજા સાથે જોડશે.

            આમ, સમય આવી ચૂક્યો છે કે આપણે ભારતના નાગરીકો જ હિન્દુરાષ્ટ્રના સાચા આ અર્થનેેે સમજી લઈએ જેથી બીજો કોઈ આપણને તેનો વિકૃત અર્થ સમજાવવા ન આવે. આપણે જ એને કહીએ કે ”હા, હું હિંદુ છું અને એ જ મારા સેક્યુલર હોવાનું પ્રમાણ છે. હિંદુરાષ્ટ્ર કોઈ ધર્મનું નહીં પણ માનવતાનું રાજ્ય છે. જ્યારે આખું વિશ્વ એ સનાતન હિંદુરાષ્ટ્રનો વિચાર સમજશે ત્યારે જ માનવતા તેનું સાચું ધ્યેય પ્રાપ્ત કરી શકશે. હિંદુરાષ્ટ્રના વિચારની આ સાચી સમજ વગર માનવજાતિ તેના લક્ષ્યના માર્ગમાં નિહથ્થી છે.”

October 17 / 2015 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

તથાકથિત હિન્દુરાષ્ટ્ર શરુ થતાં દેશની હાલત શું હશે તેનું ટ્રેઇલર શરુ થઇ ચુક્યું છે

“જ્યાં સુધી હિંદુ હોવાનો સાચો અર્થ જનમાનસમાં સ્થાપિત નહીં થાય ત્યાં સુધી હિંદુ રાષ્ટ્રનો વિચાર આ દેશના ભવિષ્ય માટે જોખમકારક છે”

૧૬મી મે, ૨૦૧૪ના દિવસે સોળમી લોકસભાનું પરીણામ આવ્યું અને એક ખુલ્લો સંદેશ ભારતીય રાજનીતિમાં ગયો. એ સંદેશ હતો કે મુસલમાન કોઈ વોટબેંક નથી. એ ભારતીય નાગરીક છે. અને છતાંય જો તેને વોટબેંક બનીને જ એકસાથે વોટીંગ કરવું હોય તો સમજી લે કે આ દેશમાં ૭૯ ટકા હિંદુઓ છે અને સરકાર તેમની જ બનશે. આ એક સ્પષ્ટ સંદેશ હતો જે ભારતની દરેક રાજનૈતિક પાર્ટીએ સમજવો પડયો. એ.કે. એન્ટોનીએ કોંગ્રેસની હાર માટેના જે કારણો રજૂ કર્યા તેમાં એક જ મુખ્ય કારણ મુસ્લિમ તુષ્ટીકરણ હતું. અને એટલે જ મુસ્લિમ તુષ્ટિકરણને જ પોતાની યુએસપી માનતી પાર્ટીઓએ હિંદુ વિરોધી વલણને દૂર કરવાની કોશિશ શરુ કરી. તાજેતરમાં બનેલા દાદરી કાંડમાં એક મુસ્લિમ ગૌમાંસ ખાય છે એવી માત્ર અફવાના પગલે એક ધર્મઝનૂની ટોળાએ તેની હત્યા કરી દીધી. મુલાયમ સિંહ યાદવે તેની રીપોર્ટ કેન્દ્ર સરકારને મોકલી તો એમાં ગૌમાંસનો મુદ્દો જ ગાયબ હતો. રાહુલ ગાંધી તે ગામમાં જઈને આવ્યા અને ટ્વીટર એક જ કોમેન્ટ આપી કે ત્યાંના લોકો શાંતિ જાળવવા કટીબધ્ધ છે. આમ, જે હિંદુ રાષ્ટ્ર બનાવવાના સ્વપ્ન સંઘે જોયા હતા તેનું એક ટ્રેઈલર તો કમસે કમ હવે શરૃ થઈ ચૂક્યું છે. અને એટલે જ એનું સર્વગામી પૃથ્થકરણ કરવું જરૃરી છે કે આ ટ્રેઈલર ભારતના અને સનાતન હિંદુ ધર્મના ખરેખર કેટલા ભલામાં છે અને કેટલા બુરામાં.

            આ રાજનૈતિક પરીવર્તનના કારણે એક વર્ષમાં ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ ઓવેશી જેવા કટ્ટર મુસ્લિમ નેતાઓ અને આતંકવાદીઓના હાથા બની ચૂકેલા કશ્મીરી મુસલમાનો પહેલાથી વધુ ઉગ્ર બન્યા અને આ કારણે દેશમાં ધર્મનું રાજનિતીકરણ વધુ તેજ બન્યું. બીજી તરફ ગુજરાતને ફરીથી રાજનિતિની લેબોરેટરી બનાવવામાં આવી પણ આ વખતે ધર્મના સ્થાને પૃષ્ઠભૂમિ તરીકે જાતિ હતી. રાજ્યમાં એક એવી જાતિએ અનામત મેળવવાની આક્રમક માંગ શરૃ કરી જે આર્થિક રીતે સૌથી સંપન્ન અને શૈક્ષણિક રીતે સૌથી વધુ જાગૃત હતી તેમજ રાજ્યમાં મુખ્યમંત્રીથી લઈને આઠ મંત્રીઓ અને ૪૪ ધારાસભ્યો ધરાવતી હતી. જાતિ આધારીત આરક્ષણ દૂર કરવા શરૃ થયેલા આ પ્રયોગમાં રાજ્યની પછાત જાતિઓનું અનામતનો લાભ લેવાના આરોપસર વારંવાર અપમાન કરવામાં આવ્યું. સરદાર જેવા રાષ્ટ્રીય લોકનાયકને એક જાતિની પ્રાઈવેટ પ્રોપર્ટી બનાવી દેવાઈ અને તેમના નામનો ઉપયોગ એવા વિચારો માટે કરવામાં આવ્યો જેનાથી સરદારને પોતાને નફરત હતી. કરોડોની સરકારી સંપત્તિને આગ ચાંપવામાં આવી, કેટલાક નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવ્યા અને અસામાજીક તત્વોને પોતાની વિકૃતિઓ બતાવવાનું ખુલ્લું મેદાન મળ્યું. સરકારે તરત જ બિનઅનામત જાતિઓના ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારો માટે લાભદાયી પેકેજ જાહેર કર્યું અને કેટલીક જોગવાઈઓ દૂર કરી ન્યાય કર્યો. પણ હજીયે આંદોલન ચાલુ છે અને આંદોલનના નામે તોફાનો મચાવતા, લોકોના ગુપ્તાંગ કાપી નાખવા અને રાજ્યના પોલીસ અધિકારીઓને મારી નાખવાનો આદેશ આપતા લોકો ખુલ્લે આમ ફરી રહ્યા છે. અને સરકાર કોઈ કારણસર ચૂપ છે એટલે આગળ શું થશે એ એક રહસ્ય છે.

            જેમ હંમેશા થયું છે તેમ ગુજરાતનો પ્રયોગ દેશમાં આગળ વધ્યો અને આરએસએસ સુપ્રીમોએ બહાર આવીને વર્ષો જૂના પોતાના અનામત વિરોધી એજન્ડાને આગળ ધર્યો અને એટલામાં તો લાલુ અને માયાવતી મેદાનમાં આવ્યા. લાલુએ ”કોઈના બાપની તાકાત હોય તો અનામત હટાવે” જેવા ખુલ્લા જાતિવાદી નિવેદનો આપીને આખા બિહાર ઈલેક્શનને ઉજળિયાત જાતિઓ વિરુધ્ધ પછાત જાતિઓની લડાઈનું રૃપ આપી દીધું. માયાવતીએ પણ ‘મરી જઈશ પણ અનામત નહીં જવા દઉં’ના ડાયલોગ મારી દલિત સમાજને ટાઈટ કર્યો. આજે પણ ગુજરાતમાં અમેરીકાની શેરીઓમાં, ઝુકરબર્ગના ફેસબુક એકાઉન્ટમાં અને રાજકોટ વન ડે મેચમાં અનામત માગવાના અને બિહારમાં આગલી અને પાછલી જાતિઓને લડાવવાના નવા નવા નુસખા રોજ બહાર આવી રહ્યા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં જે મુસલમાન સમાજના વિરોધમાં મતદાન થયું એ તો બિચારો ચૂપચાપ પોતાના ઘરમાં બેઠો ધંધો કરી રહ્યો છે. જ્યારે આ આખો નગ્ન નાચ તો આપણા એ જ તથાકથિત હિંદુરાષ્ટ્રનો છે જેની આજ સુધી આપણે રાહ જોઈ રહ્યાં હતાં.

            મુસ્લિમ અને અંગ્રેજ સંસ્કૃતિ આ દેશમાં આવી અને પહેલા પણ આ દેશમાં જાતિઓ વચ્ચેનો આ જ નગ્ન નાચ ચાલતો હતો. સો ટકા હિંદુઓના દેશમાંથી જો આજે ૭૯ ટકા હિંદુઓ થઈ ગયા હોય તો એના પાછળ આ જ સ્વાર્થી જાતિવાદ છે. ભારતના એ સત્તર કરોડ મુસલમાનો અને ત્રણ કરોડ ખ્રિસ્તીઓ કોઈ વિદેશમાંથી આયાત નથી થયા. તે આ દેશના જ શોષિતો હતા જેમને તેમના જન્મના કારણે તુચ્છ ગણીને અડકવા લાયક સમજવામાં નહોતા આવ્યા. અને આ પૃથ્વી ઉપર જન્મ લીધા પછી કંઈક સન્માનજનક જીવન જીવી શકાય તે માટે તેમણે વિદેશી સંસ્કૃતિ અને વિદેશી ધર્મનો આશરો લીધો. પરંતુ હિંદુરાષ્ટ્રની એક નાની ઝલક જ જો આવી છે કે જ્યાં કહેવાતી ઉચ્ચ જાતિઓ પોતાના આર્થિક શક્તિ પ્રદર્શન અને રાજનૈતિક મીલીભગતના જોરે પોતાની સામાજીક સત્તા થોડીપણ ઢીલી પડવા દેવા તૈયાર નથી. જો શોષિત અને કચડાયેલા વર્ગને દબાવી રાખી તેમના ઉપર રાજ કરવાની તેમની માનસિકતા આજે પણ એમની એમ જ છે તો એનો અર્થ એ છે કે સદીઓ વીત્યા પછી અને આટલી યાતનાઓ વેઠયા પછી પણ હિંદુ સમાજમાં કંઈ બદલાયું નથી. આપણે આપણી ભૂલોમાંથી કંઈ નથી શીખ્યા.

            આથી જો હિંદુરાષ્ટ્ર કદાચ બન્યું પણ તો જે લોકો આજે હિંદુ અને મુસ્લિમને અલગ પાડીને રાજ કરે છે તે પછી બ્રાહ્મણને ક્ષત્રિયથી અને ક્ષત્રિયને વૈશ્યો અને શુદ્રોથી અલગ પાડીને રાજ કરશે. જે લોકો આજે એમ કહે છે કે આ દેશ હિંદુઓનો છે તે પછી એમ કહેશે આ દેશમાં બ્રાહ્મણ સૌથી ઉચ્ચ છે કારણ કે તે વિષ્ણુના માથામાંથી પેદા થયો છે અને શુદ્ર તુચ્છ છે કારણ કે તે વિષ્ણુના પગમાંથી પેદા થયો છે. ગાંધી અને દીનદયાલ ઉપાધ્યાય જેવા એક બે વિચારકો તો ઉત્પન્ન થઈ જશે પણ એમની વાતો તાળીઓ પાડવા અને ચોપડીઓમાં ભણાવવા પૂરતી જ રહેશે. સમાજ એવો જ રહેશે જેવો આટઆટલી ગુલામી વેઠયાના બારસો વર્ષ પછી પણ આપણે જોઈ રહ્યા છીએ. જાતિને જ આપણો સમાજ માની બેઠેલા આપણને ઘોર આત્મમંથનની જરુર છે. એક બહુ મોટા વૈચારીક મંથનની જે આપણને જાતિગત સ્વાર્થની હદોથી બહાર લઈ જઈ શકે અને એકબીજા માટે વિચારતા કરી શકે. કારણ કે જાતિગત સ્વાર્થની આ પરાકાષ્ઠામાં આપણામાંથી કોઈ નિર્દોષ નથી. જનરલ કેટેગરીવાળો પોતાને ઓબીસી વાળો એસ.સી. કેટેગરીવાળાને જોઈને અને એસ.સી. વાળો એસ.ટી. વાળાને જોઈને પોતાને ઉંચો કહે છે. જનરલ, ઓબીસી અને એસસી કેટેગરીની જાતિઓ અંદરોઅંદર પણ એકબીજાથી ઉચ્ચ હોવાના દંભ સાથે જીવે છે. આવા દંભી અને સ્વાર્થી હિંદુસમાજથી આપણે એક રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરી શકીશું?

            આપણાથી દૂર ગયેલા એ સત્તર કરોડ મુસ્લિમો અને ત્રણ કરોડ ખ્રિસ્તીઓ આપણી સૌથી મોટી હાર છે. જ્યાં સુધી આપણે તેમને પોતાના નથી બનાવી શકતા ત્યાં સુધી આપણે સાચા હિંદુ કહેવડાવવાને લાયક નથી. હિંદુ તો એ લોકો હતા જે સિંધુ નદીના કિનારે સનાતન વિચારધારાથી જીવતા હતા. જેમના વિચારોમાં દરેક ઉપાસના પધ્ધતિ અને દરેક તત્વજ્ઞાનને સમાવી લેવાની શક્તિ હતી. હિંદુ સભ્યતા એ હતી જેના ખોળે જે પણ જતો એ પોતાની ઉપાસના પધ્ધતિઓ અને માન્યતાઓનો આધાર ઉપનિષદોના એ અથાગ જ્ઞાાનસાગરમાં મેળવી લેતો અને એ જ હિંદુ સંસ્કૃતિમાં પોતાને ઓગાળી તેનો એક ભાગ બની જતો. પરંતુ જો લોકો પાછળથી એવું ન કરી શક્યા તો એનો અર્થ એ જ છે કે આપણે આપણી વિસ્તૃતતા અને મહાનતા ગુમાવી. આપણે સંકુચિત અને સ્વાર્થી બન્યા. અને જ્યાં સુધી પોતાના જ લોકોથી પોતાને ઉચ્ચ કહી સત્તા ભોગવવાની આ વિકૃતિ આપણામાં છે. હિંદુ સમાજ પુનઃઉત્થાન પામી શકે તેમ નથી. તો ચાલો સાચી હિંદુ વિચારધારા માટે આત્મમંથન કરીએ. ઉત્તિષ્ઠ ભારત…

December 19 / 2015 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

ભારતને અખંડિત રાખવા માટે આજે પણ ચાણક્ય શ્રેષ્ઠ માર્ગદર્શક

“જેણે છોડ વાવ્યો હોય તેને જ જમીનની સાચી ખબર હોય તેમ ભારતની અખંડિતતા માટે પાયાના વિચારો શું છે તે અખંડ ભારતના સૌપ્રથમ નિર્માતા એવા ચાણક્ય પાસેથી જ જાણી શકાય.”

મગધનો ભોગવિલાસી અને ભ્રષ્ટ શાસક ધનાનંદ અડધી રાતે તેના સભાગૃહમાં બેઠો પૂર્વમહામંત્રી શક્ટારની રાહ જોઈ રહ્યો છે. તેના ચહેરા પર એટલી પીડા છે કે હાલ શક્ટાર આવે અને તે તેનો આક્રંદ શરુ કરે. હમણા થોડા દિવસ પહેલાં જ તેણે જે પુત્રને યુવરાજ ઘોષિત કર્યો હતો તેની થોડી ક્ષણો પહેલા હત્યા થઈ ચૂકી છે અને તે હત્યા કરી છે તેના જ બીજા પુત્રએ. મગધના સેનાપતિએ આ બીજા પુત્રને સાથ આપ્યો છે. જ્યારે ઉપસેનાપતિ રાજાને વફાદાર રહ્યા છે. આમ, મગધની સેના બે ટુકડીમાં વહેંચાઈને અંદરો અંદર લડાઈ રહી છે. આ બીજા યુવરાજે પિતા ધનાનંદને પણ બંધી બનાવી રાજાના તમામ વફાદારોની હત્યા કરવા કહ્યું હતું. આ કારણે રાજાના ખાસ વફાદાર અને હીતચિંતક એવા આમાત્ય રાક્ષસ ક્યાંક છુપાઈ ચૂક્યા છે. એવામાં તો બંધી બનેલા રાજા સુધી સમાચાર આવ્યા કે તેમનો બીજો પુત્ર પણ આ ગૃહયુધ્ધમાં માર્યો ગયો છે અને સેના મરેલા સેનાપતિઓના નામે અંદરો અંદર લડી રહી છે. રાજા ધનાનંદ હવે મુક્ત છે પરંતુ આ કાળી રાત્રીના થોડા કલાકોમાં જ છેલ્લા દોડસો વર્ષથી મગધ પર રાજ કરતો તેનો નંદવંશ નાશ પામ્યો છે. એકબાજુ ચંદ્રગુપ્ત તેના સાથી રાજાઓની સેના સાથે મગધ બહાર છાવણી નાખીને બેઠો છે અને બીજી બાજુ મગધ ગૃહયુધ્ધમાં સળગી રહ્યું છે. આ બધા વચ્ચે ધનાનંદના દરેક રાજકીય નિર્ણયો લેતા આમાત્ય રાક્ષસ તેના સુધી પહોંચી શકે તેમ નથી. આથી, ધનાનંદે પૂર્વ મહામંત્રી શક્ટારને બોલાવ્યા છે જેમણે વર્ષો પહેલાં ધનાનંદના ભ્રષ્ટાચારી સામે અવાજ ઉઠાવ્યો હતો અને બદલામાં ધનાનંદે ”મગધ મારી મુઠીમાં છે અને હું જ મગધ છું.” એમ કહીને તેમને પદભ્રષ્ટ કર્યા હતા.

            શક્ટારના આવતાં જ ધનાનંદ આક્રંદ કરી મૂકે છે કે, ”મારો સમગ્ર વંશ ખતમ થઈ ગયો હવે તું જ બોલ હું મગધનું શું કરું?” શક્ટાર ધનાનંદને કહે છે કે આ સંજોગોમાં તને એક જ માણસ ઉગારી શકે છે અને તે છે વિષ્ણુગુપ્ત ચાણક્ય. ત્યારે ધનાનંદને સમજાય છે કે એક રાત્રીમાં ઉભો થયેલો આ વિદ્રોહ છેલ્લા કેટલાક મહિનાઓથી તક્ષશિલા મગધ આવી પહોંચેલા વિવાદાસ્પદ આચાર્ય ચાણક્યએ જ જન્માવ્યો છે. તેણે જ તેના બીજા પુત્રની સત્તાલાલચનો ફાયદો ઉઠાવી સેનાપતિને તેના સાથે ભેળવ્યો હતો. અને જ્યારે તે બંનેએ યુવરાજને મારી નાખ્યો એટલે ચાણક્યના જ ગુપ્તચરોએ બીજા રાજકુમાર અને સેનાપતિને પણ મારી નાખ્યા. અને આખું કાવતરું એવી રીતે ઘડવામાં આવ્યું કે જેથી આખા ષડયંત્ર પાછળ બધા જ પ્રમાણો છુપાઈ ગયેલા. આમાત્ય રાક્ષસ વિરુધ્ધ જાય. પરંતુ, હવે મોડું થઈ ગયું હતું અને ધનાનંદ કંઈ હરકત કરે તો ચંદ્રગુપ્ત મગધમાં ઘુસી બધું તહેસ-નહેર કરી દે તેમ હતો. આથી, ધનાનંદે પોતાની હાર સ્વીકારી ચાણક્યને ચાણક્યએ આવીને ધનાનંદને વાનપ્રસ્થાશ્રમ માટે વનમાં મોકલી દીધો. આમ, એક જ રાત્રીમાં મગધનું સત્તાપરીવર્તન થયું અને નંદવંશનો અંત આવ્યો.

            પરંતુ, ચાણક્ય માટે અસલી મુસીબતો તો હવે શરૃ થઈ. દોડસો વર્ષ સુધી નંદ વંશના ત્રણ રાજાઓએ રાજ કર્યું હોવાથી પાટલીપુત્રના નગરશેઠો, વેપારીઓ અને આચાર્યોમાં તેમના અનેક હીતચિંતકો અને ફેમીલી ફ્રેન્ડસ હતા. આમાત્ય રાક્ષસ, ઉપસેનાપતિ, વર્તમાન મહામંત્રી અને ગુપ્તચર વિભાગના વડા ભગુરાયણ જેવા મગધની રાજ્યવ્યવસ્થાના લોકો ચાણક્યને મગધ પર આક્રમણ કરનારા આક્રાંતા તરીકે જોવા લાગ્યા. અને પ્રજામાં પણ એવું પરસેપ્શન ઉભુ કરવામાં આવ્યું કે ચાણક્યએ ષડયંત્ર કરીને આપણા રાજપરીવારની હત્યા કરાવી દીધી. ધનાનંદથી પ્રજા ત્રાસેલી હતી પણ છતાંય રાજપરીવારની હત્યા અને આમાત્ય રાક્ષસ જેવા રાજ્યનિષ્ઠ લોકોની દુશ્મનાવટના લીધે લોકો પણ ચાણક્યને એક સત્તાલાલચુ કુટિલ બ્રાહ્મણ તરીકે જોવા લાગ્યા. આમાત્ય રાક્ષસની ટોળકીએ ચંદ્રગુપ્ત અને ચાણક્યને મારી નાંખવાના અનેક ષડયંત્રો કર્યા પરંતુ ચાણક્ય દરેક વખતે તેમનાથી બે કદમ આગળ હતો. ચાણક્ય શું કરવા માગે છે એ હવે ચંદ્રગુપ્તની પણ સમજ બહાર હતું. તેણે હવે ચાણક્યને પૂછ્યું કે ”તમે આ આમાત્ય રાક્ષસ અને તેની ટોળકીની હત્યા કેમ નથી કરાવી દેતા?” તો ચાણક્યએ કહ્યું કે ”આમાત્ય રાક્ષસ અને ભગુરાયણ જેવા ધર્મનિષ્ઠ અને રાજ્યનિષ્ઠ માણસોને ભારતની ભૂમિ પરથી ઓછા કરવા એમાં મારી હાર છે. તેમની સમસ્યા એ છે કે તેઓ દશકોથી નંદોના શાસનને કારણે નંદવંશને જ મગધ માનવા લાગ્યા છે. અને હું તેમને જણાવા માગું છું કે નંદો પહેલા પણ મગધ હતું અને નંદો પછી પણ મગધ હશે. મગધ અહીં વસતા લોકો અને મગધનું હીત અહીં વસતા લોકોનું હીત છે. હું તેમને જણાવવા માગું છું કે ચંદ્રગુપ્ત તેમનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ શાસક બને તેમ છે જો એમનો સાથ એને મળી રહે.” આ વિચારથી ધીરે ધીરે તે મહામંત્રી, ઉપસેનાપતિ અને ભગુરાયણને મનાવી લે છે. પૂર્વ મહામંત્રી શક્ટાર આમાં તેની મદદ કરે છે. પરંતુ છુપાયેલો આમાત્ય રાક્ષસ હજી તેના પ્રિય રાજાનો બદલો લેવા માંગતો હોય છે. આથી, ચાણક્ય તેના પરીવારને તેમજ તેના નગરશેઠ મિત્રોને કેદ કરે છે અને જો રાક્ષસ ચાણક્ય સામે ઉપસ્થિત ન થાય તો તેમને ફાંસી આપવાનું ખોટું ફરમાન જારી કરે છે. આથી પોતાના પરીવાર અને મિત્રોને બચાવવા ગુસ્સે ભરાયેલા રાક્ષસ ચાણક્ય સામે આવે છે. તે સામે આવતાં જ ચાણક્ય પોતે મગધનું આમાત્યપદ છોડી રાક્ષસને સજા તરીકે સમ્રાટ ચંદ્રગુપ્ત મોર્યના આમાત્ય તરીકે ઘોષિત કરે છે. અહીં આમાત્ય રાક્ષસ સમજી જાય છે કે ચાણક્યનું સ્વપ્ન અને તેનો ધર્મ ધનાનંદ કરતાં ઘણો ઊંચો છે તથા નાશ તો નંદવંશનો જ થયો છે. મગધને તો પુનર્જીવન મળ્યું છે.

            હવે જેમ દોડસો વર્ષ રાજ કરવાથી નંદવંશના આંધળા હીતેચ્છુઓ તરીકે કેટલાક ધર્મનિષ્ઠ લોકો હતા તે રીતે છેલ્લા સાહીંઠ વર્ષથી આઝાદ ભારત પર રાજ કરતા નહેરુ-ગાંધી વંશના હીતેચ્છુ તરીકે પણ આવા ઘણા સારા લોકો છે. આ લોકોમાં ઘણા શ્રેષ્ઠ સાહિત્યકારો છે તો કેટલાક શ્રેષ્ઠ પત્રકારો. કોઈ શ્રેષ્ઠ મૂર્તિકારો અને વૈજ્ઞાાનિકો તો કોઈ શ્રેષ્ઠ બુધ્ધિજીવો. આ લોકોના નહેરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીથી ગાઢ અને પ્રેમભર્યા સંબંધ રહ્યા છે. પ્રેમ હંમેશા આંધળો હોય છે. જેમ આપણે આપણા સંબંધીઓના દોષ જોઈ નથી શકતા એમ ઈન્દિરા ગાંધીની મહાનતા અને નહેરુ તથા રાજીવ ગાંધીના ઉંચા આદર્શોવાળી વાતોથી અંજાયેલા આ લોકો એ સમજવા તૈયાર નથી કે નહેરુ-ગાંધી પરીવારના અત્યારના વંશજોમાંથી ભારતીયતા ખોવાયેલી છે અને એટલે જ ભારતની જ જનતાએ તેમને આટલા તળિયે ફેંક્યા છે.

          એટલે જ્યારે દશકો જૂના કોઈ શાસનનો અંત આવે ત્યારે તેના ”એવોર્ડ વાપસી અભિયાન” જેવા આફ્ટર શોક્સ હંમેશા જોવા મળતા હોય છે. આવા સમયે નવા શાસક પક્ષને ચાણક્યનિતિથી તેમને પોતાના બનાવવાનું કામ કરવું પડે છે અને એ સમજાવવું પડે છે કે દરેક સમય પોતાની જરૃરીયાત પ્રમાણે નવો શાસક લઈને આવે છે. આપણે આપણા વ્યક્તિગત સંબંધોને અને વિચારોને સમયના આ વહાણમાં અડચણ બનાવવાના સ્થાને તેને સમયને અનુકૂળ બનાવી સમયની માંગ સમજી લેવી જોઈએ. અને ભારતમાં આ સમયની માંગ છે સમાનતા… ભારતના દરેક નાગરીક માટે સમાન કાયદો. ના કોઈ બહુમતી. ના કોઈ લઘુમતી. જે કંઈ મળશે તે બધા ભારતીયોને જ મળશે. હિંદુઓને, મુસલમાનોને કે ખ્રિસ્તીઓને નહી. પરંતુ, આવી સમાનતાવાદી નીતિની વાત કરતી મોદી સરકારે સત્તાપરીવર્તનથી હૃદયભંગ થયેલા આ લોકોને પોતાના વિચારો સમજાવવાની કે તેમને પોતાના બનાવવાની તૈયારી નથી બતાવી. તેણે પોતાના કાર્યમાં શ્રેષ્ઠ રહેલા આ લોકોને દેશવિરોધી કહેવામાં સમય કાઢ્યો છે અને તેણે જ સરકાર વિરુધ્ધ આ અસહિષ્ણુતાના મુદ્દાને વેગ આપી દેશને બદનામ કર્યો છે. ચાણક્યએ જ અખંડ ભારતની સૌપ્રથમ સ્થાપના કરી હતી અને સમાજના શ્રેષ્ઠ લોકો શાસનથી વિમુખ ન થઈ જાય તે માટેના ચાણક્યનો પુરુષાર્થ જ અખંડ ભારતનું મૂળ છે. આશા રાખીએ કે આપણી સરકાર ચાણક્યની એ મહાનતાને ધારણ કરવા સક્ષમ બને.

December 19 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

પશ્ચિમ બંગાળ બીજું કાશ્મીર બનવાના પંથે તો નથી ને...?

“જે લોકો ભારત દેશની મહાનતા બતાવીને વિકૃત સેક્યુલરવાદને પેશ કરે છે. તે પહેલા એ સમજી લે કે આ દેશનું નામ ‘ભારત’ ત્યાં સુધી જ છે જ્યાં સુધી અહીં હિન્દુ વિચાર બહુમતીમાં છે. એના પછી ના ‘ભારત’ હશે ના એની મહાનતા”

કમલેશ તિવારીના વિવાદાસ્પદ નિવેદન પછી ડિસેમ્બરના આખરી અઠવાડિયામાં જ્યારે દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હતા ત્યારે પશ્ચિમ બંગાળના માલદા જીલ્લાના કાલીઆચાક વિસ્તારમાં ઘરે ઘરે એક પેમ્પલેટ વહેંચાઈ રહ્યું હતું. કાલીઆચાકની ૩,૯૨,૦૦૦ ની વસ્તીમાંથી ૩,૫૦,૦૦૦ જેટલી નેવું ટકા વસ્તી મુસ્લિમ છે. આ પેમ્પલેટ બધા મુસ્લિમોને ત્રીજી જાન્યુઆરીએ કમલેશ તિવારીના નિવેદનનો વિરોધ કરવા એકસ્થળે ભેગા કરવા માટે હતું. ત્રીજી તારીખે સમગ્ર કાલીઆચાક વિસ્તારના દોઢ લાખથી વધુ મુસ્લિમો ભેગા થયા અને ભડકાઉ ભાષણો સાંભળીને ઉન્માદે ચડયા. ભારે સાંપ્રદાયિક ઉન્માદ સાથે તે ટોળુ રસ્તાઓ પર ઉતરી આવ્યું અને નેશનલ હાઇવેને બ્લોક કરી દીધો. અને ત્યારબાદ શરુ થયો એ ઘટનાક્રમ જેણે કાશ્મીરી પંડિતોના વિસ્થાપન દિવસની યાદ કરાવી દીધી.

            ટોળાએ ત્યાં ઉભેલી પોલીસ અને બીએસએફની ગાડીઓને આગ ચાંપી દીધી અને ત્યાંના પોલીસ સ્ટેશનમાં ઘુસી ગયું. ત્યાંના પોલિસ અધિકારીઓ સ્ટેશન છોડી ભાગી ગયા તો ટોળાએ બધી મહત્વપૂર્ણ કેસ-ફાઇલો સળગાવી દીધી. પણ આટલેથી ટોળુ અટક્યું નહીં. તે હવે ત્યાં લઘુમતીમાં ફેરવાઇ ગયેલા હિન્દુઓના મકાનો અને દુકાનો તરફ વળ્યું. તેણે હિન્દુઓના મકાનો અને દુકાનોને આગ લગાડવાનું અને લૂંટવાનું શરુ કર્યું. કેટલાકને રીવોલ્વરથી ગોળી મારી ઘાયલ કર્યા. હિન્દુ સ્ત્રીઓ સાથે ગેરવ્યવહાર કર્યો. કલાકો સુધી ચાલેલા અત્યાચારો પર આખરે બીએસએફની એક મોટી ટુકડીએ આવીને લગામ કસી. એકસાથે લાખોની સંખ્યામાં ઉતરેલા અને ‘દુશ્મન’ ને સબક શીખવવાનું આહવાન કરતા એ ટોળાને જોઈને ત્યાંના હિન્દુ રહેવાસીઓ એ હદે ડર અને અસલામતિ અનુભવવા લાગ્યા કે બીજા જ દિવસથી તેમાંના ઘણાખરા પોતાના ઘર અને સંપત્તિ છોડી છોડીને માલદાથી બહાર ચાલ્યા ગયા. અને હવે હિન્દુઓની એ સંપત્તિ તેની મૂળ કિંમતથી દસ-વીસ ટકા કિંમતે ત્યાંના સ્થાનિક મુસલમાનો ખરીદી રહ્યા છે. આ આખી વાતને જીણવટથી અહીંયા એટલે કહેવામાં આવી છે કારણ કે દાદરીમાં એક મુસલમાનના મૃત્યુ પર એવોર્ડ પાછા કરનારા સેંકડો સાહિત્યકારો, સુપરસ્ટારો અને ‘સેક્યુલર મસીહા’ એવા પત્રકારોના મોંઢામાંથી માલદાની આ ‘એલાર્મિંગ’ ઘટના વિશે ‘ચું’ પણ નીકળ્યું નથી.

            આ લોકો ૧૯ જાન્યુઆરી ૧૯૮૯ના એ દિવસે પણ નહોતા બોલ્યા જ્યારે કાશ્મીરની એક મસ્જિદમાંથી એવી ઘોષણા થઈ હતી કે કાશ્મીરમાં હવે હિન્દુ પુરુષો માટે કોઈ જગ્યા નથી. અહીં ફક્ત હિન્દુ સ્ત્રીઓ જ રહી શકે છે. માલદાની જેમ ત્યાં પણ એ રાત્રે લાખો લોકો હથિયાર લઈને રસ્તાઓ પર આવી ગયા અને શરૃ કર્યો કત્લેઆમ, બળાત્કાર અને અત્યાચારોનો એ ખેલ જેણે ભારતના આત્માને કંપાવી મૂક્યો. ૧૧૦૦ કાશ્મીર પંડિતોને મારી નાંખવામાં આવ્યા. ત્રણ થી ચાર લાખ પંડિતો પોતાના આલીશાન મકાનો છોડી હાથમાં જે આવ્યું તે લઇને ત્યાંથી ભાગી આવ્યા અને વર્ષો સુધી તંબુઓમાં જીવન કાઢ્યું. એ વખતની ફારુક અબ્દુલ્લા સરકાર પણ એ રીતે જ શાંત હતી જે રીતે મમતા બેનર્જીની સરકાર માલદામાં શાંત છે. આજે કાશ્મીરમાં ફક્ત ૩૭૦૦ પંડિતો છે. જે એક સમયે હિંદુ આધ્યાત્મની રાજધાની ગણાતા કાશ્મીરની આજની એકમાત્ર હિન્દુ વસ્તી છે.
હિન્દુઓ પર થતા આ અત્યાચારો વિશે લખવું એ આજે આ દેશમાં સાંપ્રદાયિકતા કહેવાય છે. એટલા માટે ગમે તેટલી આદર્શ હોય તો પણ હિંદુત્વની વાત લખતાં અને વિચારતાં દરેક બુદ્ધિજીવી ડરે છે. તે ડરે છે કે હમણાં કોઈક ઉભું થઈને તેને રાઇટવીંગ કે આરએસએસનો એજન્ટ કહી દેશે. અને એટલે જ મોટાભાગના બુદ્ધિજીવીઓ ઓફ ધ રેકોર્ડ હિન્દુઓના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરે છે પણ જાહેરમાં બોલવાનું ટાળે છે. હિન્દુ હિતની વાત કરતાં આટલો ડર તો ત્યારે પણ નહીં લાગ્યો હોય જ્યારે અહીંયા મોગલો રાજ કરતા હતા. અને એટલે જ હિન્દુ ઇતિહાસનો આ સૌથી કસોટીભર્યો અને નિર્ણાયક સમય છે. જ્યારે આઝાદી મળી ત્યારે ભારતે તેની બે બાજુઓને પાકિસ્તાન અને બાંગ્લાદેશ રુપે એ માટે કાપીને અલગ કરી દીધી હતી કે જેથી ફક્ત મુસ્લિમલક્ષી નિતિઓ બનાવવા માગતા અને મુસ્લિમ તુષ્ટિકરણ કરવા માગતા લોકો એ જમીન પર જઈને વસે અને ધર્મના નામે તુષ્ટિકરણની નિતીથી ભારતની આ ભૂમિ પર બચી શકાય. પરંતુ, સત્તા માટે કેટલાક રાજકીય પક્ષોએ મુસ્લિમ તુષ્ટિકરણને આ વધેલા ભારતમાં પણ એવો વેગ આપ્યો કે પાકિસ્તાન પણ શરમાઈ જાય.

            અને આ જ પાકિસ્તાની નીતિને પૂરબહારમાં ખીલવવાનું કામ હવે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ શરુ કર્યું છે. મમતા બેનર્જીની સરકારે અત્યારે પશ્ચિમ બંગાળમાં મદરેસાઓમાં ભણાવતા મુસ્લિમ ઉલેમા અને ઇમામોને પગાર આપે છે. મદરેસાઓમાં જવા માટે મુસ્લિમ બાળકીઓને સાઇકલ અને મદરેસાઓમાં ઉંચા ગુણ લાવનારા મુસ્લિમ વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવે છે. ઉર્દુને બંગાળની બીજી રાજકીય ભાષા ઘોષિત કરવામાં આવી છે. અરે, કલકત્તાની આત્મા એવા દુર્ગા પૂજાના મહોત્સવને મુસલમાનો ઇદની ઉજવણી ખુલા મનથી કરી શકે તે માટે મોકૂફ રાખવામાં આવે છે. માલદાની ઘટનામાં મમતા બેનર્જી સરકારે ખાલી નવ લોકોની ધરપકડ કરી હતી જેમાંના છ લોકોને તાત્કાલીક જામીન મળી ગયા કારણ કે તેમના પર બહુ સામાન્ય કલમો લગાડવામાં આવેલી. આજે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ વસ્તી ૨૭ ટકા છે જે એક સાથે એક બ્લોક બનીને વોટ કરે છે અને આ કારણે કોઈપણ પાર્ટી માટે તે સૌથી મોટી વોટ બેંક છે. પણ ક્ષણિક સત્તા માટે દેશના ભવિષ્યને હંમેશા માટે તાક પર મૂકી રહેલી આ પાર્ટીઓ એ હકીકતથી આંખ આડા કાન કરી રહી છે કે દુનિયાના એ તમામ ૫૬ દેશો જ્યાં મુસ્લિમ વસ્તી ૫૦ ટકા ઉપર ગઈ છે ત્યાં બાકીની લઘુમતીનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. અને ભારતમાં પણ એ જ સ્ટાઈલનું અનુસરણ થઈ રહ્યું છે. તેના ભયાનક સંકેતો કાશ્મીર અને માલદાના બનાવો આપી ચૂકયા છે. આપણે એ ખોટા ભ્રમથી સંતુષ્ટ છીએ કે આટલી સદીઓની ગુલામી પછી પણ હિન્દુઓ ભારતમાં એમના એમ ટકી રહ્યા છે. પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે ક્યારેક હિન્દુઓના દેશ અને લોકો તરીકે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા પણ હતા. જ્યાં આજે શરીઆ કાનુન ચાલે છે. બાકી વધેલા ભારતમાં પણ કાશ્મીર તથા બંગાળ અને આસામના માલદા જેવા જીલ્લાઓમાં હિન્દુ સંસ્કૃતિ લુપ્ત થવાના આરે છે. આપણે ક્રમિક રીતે આપણું ઘર ગુમાવી રહ્યા છીએ. બસ એની ગતિ ધીમી છે એટલે તત્કાલ અનુભવાતી નથી.
ઇતિહાસ હંમેશા સદીઓમાં પલટાય છે. ૧૬૦૦ની સાલમાં અંગ્રેજો ભારતમાં વેપાર કરતા હતા. ૧૭૫૭માં તેઓ ભારતમાં રાજ કરતા થઈ ગયેલા અને ૧૮૫૭ સુધીમાં તો ભારત એમની એટલી સખત કેદમાં હતું કે એક આખો વિપ્લવ પણ તેમને ઉથલાવી શક્યો નહોતો. આમ, આજે આપણે એ જાણી લેવું પડશે કે જે રીતે આ દેશ આજે ચાલી રહ્યો છે તે રીતે જ જો સો વર્ષ ચાલતો રહેશે તો ૨૧૧૬માં પણ હિન્દુઓ સંખ્યામાં તો કરોડો હશે પણ પૃથ્વી પર એક પણ પ્રદેશ એવો નહીં હોય જેને તેઓ પોતાનો કહી શકે. તેઓ દુનિયામાં એ રીતે જ લાવારીસ ફરતા હશે જેમ તિબેટીઅન બૌધ્ધો આજે ફરે છે અને જેમ ક્યારેક યહૂદીઓ સદીઓ સુધી ફર્યા હતા. એ દિવસે આ દેશનું નામ ભારત નહીં હોય. તેને આરબ નામ અને આરબ સંસ્કૃતિ આપી દેવામાં આવ્યા હશે. અને પેલા વિકૃત સેક્યુલરવાદીઓની આવનારી પેઢીઓ તેમના જ કર્મોની સજા ભોગવતી હશે. આ કોઈ કલ્પના નથી. આ એક નિમંત્રિત થઈ રહેલું ભવિષ્ય છે.

January 23 / 2018 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Dail​y

ભારતને આઝાદી ગાંધી નહિ બોઝના લીધે મળી હતી...?

“ભારતની આઝાદી બોજના આઝાદી અને સાર્વભૌમત્વની રક્ષા માટે યુધ્ધે ચડવું એ જ ધર્મ છે – એ આદર્શનું પરીણામ હતું.”

નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશેની ગુપ્ત રખાયેલી ફાઈલો ખુલવાની શરુ થતા અને જનરલ જી.ડી. બક્ષીના પુસ્તક ‘બોઝ- ધી ઇન્ડીઅન સામુરાઈ’માં થયેલ ખુલાસાઓ પછી ફરીથી એ દર્દનાક હકીકત બહાર આવી રહી છે કે કેવી રીતે કેટલાક લોકોની સત્તાને જાળવી રાખવા માટે આપણો સાચો ઇતિહાસ મીટાવી દેવામાં આવ્યો છે. પરંતુ, સત્ય ક્યારેય હારતું નથી. સિત્તેર વર્ષ સુધી ભારતની બબ્બે પેઢીઓને જે કૂંઠીત ઇતિહાસ કહેવામાં આવ્યો છે એનો પાયો હવે ધરાશાયી થવા લાગ્યો છે. અને પાયો બન્યો છે એ મૂળ પ્રશ્નથી કે ભારતને આઝાદી કોણે અપાવી ? અહીંસા અને શાંતિપ્રિય સત્યાગ્રહો કરવાવાળા ગાંધીજીએ કે આખી ફોજ ઊભી કરી અંગ્રેજો સાથે યુધ્ધ ચડેલા નેતાજી સુભાષચંદ્ર બોઝે ?
ફેબુ્રઆરી ૧૯૫૫માં બીબીસીના ફાન્સીસ વોટસનને આપેલા એક ઇન્ટરવ્યુમાં બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે, ‘હું નથી જાણતો કેમ વડાપ્રધાન એટલી અચાનક ૧૯૪૭માં ભારતને આઝાદી આપવા તૈયાર થઈ ગયા. આ એક રહસ્ય છે જે હું માનું છું કે એટલી એક દિવસ જરુર બહાર પાડશે. એ બોઝ અને તેમણે ઉભી કરેલી આઝાદ હિંદ ફોજ હતી જેણે અંગ્રેજોને ગભરાવી મૂકેલા. અંગ્રેજો જાણતા હતા કે ગાંધીનો અહીંસાવાળો માર્ગ બ્રિટીશ સેનામાં રહેલા ભારતીય સૈનિકોને આઝાદી માટે જાગૃત નહીં કરી શકે. અને સેનામાં રહેલા ભારતીય સૈનિકો સિવાય બ્રિટીશ સરકારને ભારતમાંથી કોઈ ઉથલાવી શકે તેમ નહોતું. પણ બોઝે અંગ્રેજોના એ ભ્રમના ટુકડે-ટુકડા કરી દીધા. બોઝે બતાવી દીધું કે ભારતીય સૈનિકોને બ્રિટીશ રાજ વિરુધ્ધ દેશની આઝાદી માટે તૈયાર કરી શકાય છે. આઝાદ હિંદ ફોજ પ્રત્યે ભારતીય સૈનિકોમાં સહાનુભૂતિ અને દેશપ્રેમ ઉભો થઈ ચૂકેલો અને ભારતમાં રહેલા બ્રિટીશ અમલદારો એનો સામનો કરવા તૈયાર નહોતા. આથી, તેમણે જ બ્રિટનની સરકારને હિંદ છોડવા દબાણ કર્યું.

            આંબેડકરના આ ઇન્ટરવ્યુંના એક વર્ષ પછી ૧૯૫૬માં જ ક્લેમેન્ટ એટલી, કે જેમણે ૧૯૪૭માં બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતને આઝાદ કરવાના નિર્ણય પર સહી કરી હતી. તેમણે આંબેડકરની આ વાતને કબૂલી. ૧૯૫૬માં એટલી ભારત આવેલા અને તે સમયના કલકત્તાના રાજ્યપાલ જસ્ટીસ પી. બી. ચક્રવર્તીના મહેમાન બનેલા. પી. બી. ચક્રવર્તીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે તેમણે એટલીને સીધો જ સવાલ પૂછયો કે, ‘જ્યારે ગાંધીની હિંદ છોડો ચળવળ ૧૯૪૩માં જ ઠરી ગયેલી ત્યારે છેક ૧૯૪૭માં અંગ્રેજોને એવો કયો ડર લાગ્યો કે તેમણે ભારત છોડવું જરુરી માન્યું ? એટલીએ કહ્યું કે મુખ્ય કારણ એક જ હતું. નેતાજી બોઝે ભારતીય સૈનિકોમાં બ્રિટીશ રાજ પ્રત્યેની વફાદારી નષ્ટ કરી દીધેલી. મેં અમારી વાતચીતના અંતમાં એમને પૂછયું કે ભારત છોડવાના બ્રિટનના નિર્ણય પાછળ ગાંધીનો પ્રભાવ કેટલો માનો છો ? તો એમણે દબેલા હોઠે સ્માઇલ આપી અને ધીમા અવાજે કહ્યું, મામુલી’ (minimal).’

            ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને જ કોંગ્રેસમાં આવેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ ૧૯૩૦ના દશકના અંત સુધી ગાંધીના વિચારોથી અલગ પડવા લાગ્યા હતા. ૧૯૩૯માં તેમણે કહ્યું કે અંગ્રેજોને છ મહીનામાં ભારત છોડવાનું અલ્ટીમેટમ આપી દેવું જોઈએ. પરંતુ, ગાંધી અંગ્રેજોને એવું દબાણ કરવાને પણ એક રીતની હીંસા માનતા હતા. તે જ વર્ષે બોઝ ગાધી દ્વારા ઉભા કરાયેલા સીતારમૈયાને હરાવી જ્યારે કોંગ્રેસ-પ્રમુખ બન્યા ત્યારે ગાંધીજીએ પોતાનો અણગમો સ્પષ્ટ વ્યક્ત કરતાં કહ્યું, ‘સુભાષની જીત એ મારી હાર છે.’ કોંગ્રેસ અંદરના આ વૈચારીક ટકરાવથી કંટાળીને બોઝે થોડા જ સમયમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. ૧૯૪૨માં ગાંધીજીએ બોઝે કહ્યું હતું કંઈક એવા જ વિચારવાળું ‘હિંદ છોડો’ આંદોલન ચાલુ કર્યું પણ એક વર્ષની અંદર જ તે સમેટાઈ ગયું. એ જ ૧૯૪૨માં બોઝે અંગ્રેજો વિરુધ્ધ ભારતીય સૈનિકોમાં પ્રાણ ફૂંકયો અને સૈનિકો, સ્ત્રીઓ અને યુધ્ધકેદીઓને ભેગા કરી ૬૦,૦૦૦ લડવૈયાઓની એક આખી ફોજ બનાવી. જેમાં સ્ત્રીઓની એક આખી બટાલીઅન હતી. તેમણે આ ફોજને ‘આઝાદ હીંદ ફોજ’ અને તેને ચલાવતી સરકારને ‘આઝાદ હિંદ સરકાર’ નામ આપી મંત્રીપદો સ્થાપ્યાં. આ એક લલકાર હતો કે ભારતની આઝાદી હવે માંગવામાં નહીં આવે. છીનવામાં આવશે. આઝાદ હિંદ ફોજે જાપાનમાં લશ્કરી તાલીમ અને હથીયાર મેળવ્યા અને જાપાનની મદદથી ભારતના પૂર્વોત્તર ભાગ પર હુમલો કરી દીધો. તેમણે અંદમાન નિકોબાર જીતી લીધો અને ઇમ્ફાલ અને કોહીમામા ચડી આવ્યા. પરંતુ ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતાં આઝાદ હિંદ ફોજને મળતી મદદ બંધ થઈ ગઈ. છેલ્લી ક્ષણો સુધી લડયા બાદ રંગૂનમાં તેની હાર થઈ. આ યુદ્ધમાં આઝાદ હિંદ ફોજના ૨૬૦૦૦ સૈનિકો માર્યા ગયા અને ૨૩૦૦૦ યુધ્ધકેદી બન્યા. સુભાષચંદ્ર બોઝ ફોજના અન્ય સૈનિકો સાથે છટકીને રંગુનથી નીકળી ગયા. બોઝ લડાઈ ચાલુ રાખવા મદદ માટે જાપાન રવાના થયા અને રસ્તામાં પ્લેન અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું જે આજે પણ સવાલોના ઘેરામાં છે.

            બોઝના મૃત્યુ પછી આઝાદ હિંદ ફોજના યુધ્ધ કેદી સૈનિકો પર દેશદ્રોહ અને હત્યાની કલમ લગાડીને કોર્ટ માર્શલ કરવા લાલ કિલ્લામાં લાવવામાં આવ્યા. અને અહીં આખા દેશમાં રોષ ભભૂકી ઉઠયો. ભારતની પ્રજા અને બ્રિટીશ રાજના ભારતીય સૈનિકો આ યુધ્ધકેદીઓને સ્વતંત્રસેનાની ગણાવ્યા અને તેમના પર લગાવેલા આરોપોને રદ કરવાની દેશવ્યાપી માંગ શરુ કરી. નેહરુ અને કોંગ્રેસે પણ તેમને દેશદ્રોહી ન માનતા ‘ભટકેલા લોકો’ કહીને સજા માફ કરવાની માંગ કરી. નવેમ્બર ૧૯૪૫ આવતા સુધીમાં કલકત્તા, લાહોર, કોહાટ, અલાહાબાદ, બામરોલી, કાનપુર જેવા અનેક શહેરોમાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા. દરેક સામાજીક વર્ગ અને દરેક સામાજીક તથા ધાર્મિક સંસ્થાએ આ સભાઓ માટે દાન આપ્યું. દીલ્લીમાં એવા ખુલ્લેઆમ પોસ્ટરો ચીપકાવવામાં આવ્યા કે આઝાદ હિંદ ફોજનો એક સૈનિક મરશે તો એના સામે દસ અંગ્રેજોને મરવું પડશે. આમ, નેતાજી અને આઝાદ હિંદ ફોજ યુધ્ધ હારીને પણ બાજી જીતી ગયા.

            પણ બ્રિટીશ રાજના પગ નીચેથી જમીન તો ત્યારે સરકી ગઈ જ્યારે ફેબુ્રઆરી ૧૯૪૬માં બ્રિટીશ ભારતની નેવીના ૨૦,૦૦૦ ભારતીય સૈનિકોએ ૭૮ જહાજોમાં બ્રિટીશ રાજ વિરુધ્ધ વિદ્રોહ કરી દીધો. તેમણે જહાજમાં રહેલા અંગ્રેજ અમલદારોને કેદ કરી તેમની પાસે ‘જય હિંદ’ બોલાવડાવ્યું અને જહાજ પરથી બ્રિટીશ ઝંડો ઉતારી તિરંગો લહેરાવી દીધો. તેઓ આ જહાજો લઈને મુંબઈ પહોંચ્યા. તે પછીના દિવસોમાં એર ફોર્સના સૈનિકો અને જબલપુરમાં પેદલ સેનાના ભારતીય સૈનિકોએ પણ આ રીતે વિદ્રોહ કર્યો. તે સમયની બ્રિટીશ સેનામાં અંગ્રેજ સૈનિકો ચાલીસ હજાર હતા જ્યારે ભારતીય સૈનિકો ૨૫ લાખ હતા. અંગ્રેજ સૈનિકો અને અમલદારો સમજી ગયા કે તેઓ સળગતી ભઠ્ઠીમાં જીવી રહ્યા છે. આથી, તેમણે બ્રિટન સામે ભારત છોડવાના ઇરાદા જાહેર કરી દીધા. અને તે જ મહિને બ્રિટનના એક સંસદસભ્ય વડાપ્રધાન એટલીને મળીને કહ્યું, ‘આ સ્થિતિમાં આપણી પાસે બે જ વિકલ્પો છે. એક, હિંદ છોડવાની તૈયારી શરુ કરો કે બીજુ, રાહ જુઓ એ જાણવા માટે કે આપણને કેવી રીતે કાઢવામાં આવે છે.’ અને ત્યારબાદ ભારતના સૈનિકો આવી કોઈ હરકત ના કરે એ હેતુથી ૧૯૪૭ની શરુઆતમાં જ એટલીએ એલાન કરી દીધું કે બ્રિટન ૧૯૪૮ પહેલા ભારત છોડી દેશે.

            આમ, ભારતની આઝાદી બોજના આઝાદી અને સાર્વભૌમત્વની રક્ષા માટે યુધ્ધે ચડવું એ જ ધર્મ છે – એ આદર્શનું પરીણામ હતું. પરંતુ, આ વાતને દબાવવા માટે નેહરુએ આઝાદી પછી એક જાહેરનામુ બહાર પાડયું જેમાં કહેવામાં આવ્યું કે ભારતની આઝાદી ગાંધીના અહીંસાવાળા ‘સોફ્ટ’ રસ્તાથી જ મળી છે. ત્યારબાદ નેહરુના રેશમી ઇતિહાસકારોએ ભારતની સ્વતંત્રતા-સંઘર્ષના ઇતિહાસમાંથી બોઝનું પત્તું કાપી નાખ્યું અને ગાંધીજીને એકમાત્ર આદર્શ સ્થાપીને નેહરુને તેમના પ્રિય શિષ્ય તરીકે ઉપજાવી કાઢ્યા. ગાંધીજીના આદર્શો સામાજીક અને આધ્યાત્મિક જીવન માટે ઉત્તમ હતા. પણ સ્વાર્થ અને સત્તા માટે બેલગામ દુનિયામાં અસ્તિત્વ ટકાવી રાખવાના રાજનૈતિક ઉદ્દેશ્યમાં એ મહાત્માના વિચારો અવ્યવહારીક નીકળ્યા. જો બોઝના પ્રદાનને રાજનીતિનું ગ્રહણ લગાડવામાં આવ્યું ન હોત અને આઝાદ ભારત માટે ગાંધી અને બોઝના શ્રેષ્ઠ આદર્શોનો ઉત્તમ સમન્વય કરવામાં આવ્યો હોત તો POK અને સીયાચીન આજે આપણી પાસે હોત.

February 21 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

ગાંધી, સરદાર અને બોઝ

ભારતની મહાનતા ટકાવી રાખવા માટેનો ત્રિવેણીસંઘમ

“જેમ ગુલાબના ફૂલની આજુબાજુ પણ કાંટાઓનું સંરક્ષણ હોય છે તેમ માનવતાવાદી ગાંધી વિચારોની આજુબાજુ સરદાર અને બોઝનું સુરક્ષાકવચ જરુરી છે.”

ગુલાબ વિશ્વને સુંદરતા અને સુગંધ બક્ષે છે. એ હકારાત્મકતાનું પ્રતિક છે. દુનિયા હકારાત્મક અને નકારાત્મક તત્વો વચ્ચે સમાનરુપે વહેંચાયેલી છે અને તેમના વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે. હકારાત્મકતા પ્રેમ, મહાન આદર્શો અને સંયમ સાથે જોડાયેલી હોય છે જ્યારે નકારાત્મકતાના કોઇ નિયમો હોતા નથી. તે બસ બધું પોતાની સત્તામાં લઇ લેવા માગે છે. આમ, એક રીતે આ સંઘર્ષ સત્ય અને સત્તા વચ્ચે છે. ગાંધીના વિચારો સત્યની હકારાત્મકતાનું પ્રતિક છે જ્યારે ખાલી સત્તા મેળવવાના વિચારો નકારાત્મકતાનું પ્રતિક. પણ સત્ય ફક્ત સાચુ બોલવુ, અહિંસા અને પ્રેમ રાખવા ત્યાં સુધી જ સિમિત નથી. અહીંસા અને પ્રેમના દુશ્મનો જ્યારે ક્રૂર બનીને પોતાના વિરોધીઓને નષ્ટ કરી દેવા માગતા હોય ત્યારે તે જ પ્રેમ અને અહીંસાનું સમાજમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડવું એ પણ સત્યની જ પરીભાષામાં આવે છે. આ જ વાત ગીતામાં ભગવાન ક્રિષ્નએ અને કરબલાના મેદાનમાં પયંગબર મોહમ્મદ સાહેબે શીખવાડી હતી અને એ જ વાત ગુલાબનું રક્ષણ કરતા કાંટા પણ આપણને શીખવાડે છે.

            પરંતુ, આઝાદ ભારતમાં ભગવાન ક્રિષ્ન અને મોહમ્મદ સાહેબના એ સંદેશને બાજુમાં કરી દેવામાં આવ્યો છે અને ગાંધીની વિચારધારાને કાયરતા અને કમજોરીના પ્રતિક સમાન બનાવી દેવામાં આવી છે. ગાંધીજી મહાન છે એ વાત સત્ય છે, પણ ફક્ત ગાંધીજી જ મહાન છે એ વિચાર ફરી એ જ સત્તાલાલચુ નકારાત્મક લોકોએ પોતાના ફાયદા માટે ફેલાવ્યો છે. ગાંધી સાચા છે એ આપણો ગર્વ છે. પણ ફક્ત ગાંધી જ સાચા છે, એ વાત આપણી કમજોરીનું કારણ બની ચૂકી છે.

            ગાંધીના વિચારો માનવતાને સશક્ત અને અર્થસભર બનાવવા માટે હતા. પરંતુ, જ્યારે સત્તાની લાલચ માટે ઝીણાએ ભારતના ભાગલા પાડવાની વાત કરી અને લાખો લોકોની હત્યાને નિમંત્રણ આપ્યું ત્યારે તે ગાંધીજીના માનવતાવાદી વિચારોની કાબુ બહાર જતો રહેલો. અને આવા સમયે એન્ટ્રી થઇ સરદાર પટેલની. આવો સમય ફરી ત્યારે આવ્યો જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્યની વહેંચણી કરવાની વાત આવી. ગાંધીજીએ કહ્યું આપણે તો અહીંસાના માર્ગે દેશને ચલાવવાનો છે. આપણે સૈન્યની શું જરુર છે. બધું જ સૈન્ય પાકિસ્તાનને આપી દો. તે સમયે સરદારે ગાંધીજીથી ઉપરવટ જઇને નિર્ણયો લીધેલા અને કહેલું કે ”તમારા કહેવાથી કદાચ આઝાદી મળી હશે પણ દેશ નહીં ચાલે.” આજે આપણે સમજી શકીએ છીએ કે જો આખુ સૈન્ય પાકિસ્તાનને આપી દેવામાં આવ્યું હોત તો તે કાશ્મીરની સાથે આખુ ભારત પડાવી લેત. ગાંધીજી જે રીતે ભારતને જીવાડવા માગતા હતા તે રીતે તે સમયે તિબેટ જીવતું હતું. ના કોઇ સૈન્ય, ના કોઇ વિદેશનીતિ. ફક્ત અધ્યાત્મ અને અહીંસાના રસ્તે જીવન જીવતો દેશ. પરંતુ. ગાંધીજીના મૃત્યુના બે વર્ષો પછી જ ચીને તિબેટમાં સૈન્ય મોકલીને દસ લાખ તિબેટીઅનોનો નરસંહાર કર્યો અને તિબેટને પોતાના કબજામાં લઇ લીધું. આમ, આઝાદી પછી તરત જ પાકિસ્તાનના કાશ્મીર પરના હુમલા અને ચીનના તિબેટ અને ભારત પરના હુમલાઓએ એ વાત સાબિત કરી દીધી હતી કે ગાંધીજીના આદર્શો સત્યનો એક જ હીસ્સો દર્શાવે છે. સત્ય ગાંધીજીથી આગળ પણ કંઇક છે. અને એ બાકીનું અધૂરું સત્ય છે સરદાર અને બોઝ. એટલે તો દુનિયાને પણ સરદાર અને બોઝની મહાનતાની સાચી જાણ ત્યારે જ થઇ જ્યારે ગાંધીજીનો માર્ગ પરિણામહીન દેખાવા લાગ્યો. જ્યાં ગાંધીજીનું સત્ય પૂરું થયું ત્યાંથી સરદાર અને બોઝનું સત્ય શરુ થયું.

            સરદારનું સત્ય એ હતું કે માનવતા ધારણ કરવા માટે પહેલા માનવનું અસ્તિત્વમાં રહેવું જરૃરી છે. એવો કોઇ પણ મહાન આદર્શ કે માનવના અસ્તિત્વને જોખમમાં મૂકી દે, તે ક્યારેય સત્ય ન હોઇ શકે. સરદારે સેંકડો રજવાડાં ભેંગા કરીને એક ભારતનું નિર્માણ કરવા માટે જે સામ, દામ, દંડ, ભેદની રીત અપનાવી તે તેમના એ આદર્શનું પ્રતિબિંબ હતી કે કોઇપણ આદર્શ જ્યાં સુધી વ્યવહારીક હોય ત્યાં સુધી જ એ સત્ય છે. સત્ય વ્યવહારીકતામાં છે, ખોખલા અને અવ્યવહારીક આદર્શોમાં નહીં. સરદારે કાશ્મીર અને ચીનના મુદ્દામાં નેહરુને આપેલી સલાહો અને બોઝની આઝાદ હિંદ ફોજ એ જ કૃષ્ણનીતિનું પ્રતિનિધિત્વ હતું જેનું પાલન કૃષ્ણએ મહાભારતમાં કર્યું હતું.
સરદાર અને સુભાષચંદ્ર બોઝ બંનેએ પોતાના રાજનૈતિક કેરીઅરની શરુઆત ગાંધીજીના અહીંસાના સિધ્ધાંતોથી જ કરી હતી. પરંતુ, ઘણા વર્ષો સુધી ભારતે અહીંસાના માનવતાવાદી માર્ગે વિરોધ કર્યો હોવા છતાં જ્યારે અંગ્રેજો ટસના મસ ના થયા ત્યારે બોઝે તે અન્યાય સામે એકલા હાથે યુધ્ધે ચડવાનું શરૃ કર્યું. બોઝનો આદર્શ એ કહે છે કે તમે એક મહાન વિચારને આગળ ધરી તમારા માનવતાવાદી ઈરાદા બતાવી રહ્યા છો અને કહી રહ્યા છો કે જે પણ થઇ રહ્યું છે તે માનવતાના વિરુધ્ધ છે. છતાંય જો સામે પક્ષે એની અસર નથી અને આપણી માનવતાને તેઓ કાયરતા સમજી બેઠા છે તો આપણે એ માનવતાના રક્ષણ માટે જ એ અન્યાયી લોકો સામે યુધ્ધે ચડવું જોઇએ. માનવતા આ પૃથ્વી પર જીવતી રહે તે માટે માનવતાવાદી માણસે પોતાના છેલ્લા ઉપાય તરીકે યુધ્ધ માટે હંમેશા તૈયાર રહેવું જોઇએ. ગાંધીજીના જે મહાન આદર્શોથી પ્રભાવિત થઇને બોઝ અને સરદાર સ્વાતંત્ર સંગ્રામમાં જોડાયા હતા. તે જ આદર્શો આ દુનિયા પર ભારતીયો દ્વારા જીવતા રહે તે માટે સરદાર અને બોઝે ગાંધીજીથી વિરુધ્ધ માર્ગ અપનાવ્યો હતો.
            આમ, ભારતીય સમાજમાં બેશક ગાંધીજીના પ્રેમ અને અહીંસા જ આપણા મુખ્ય આદર્શ છે. તે આપણને વેદોના એ મહાન સંદેશને વારંવાર યાદ કરાવે છે કે માનવતા મનુષ્યની મુખ્ય પહેચાન છે અને તે જ રસ્તે મનુષ્ય તેના મુખ્ય ધ્યેયને પહોંચી શકશે. પરંતુ, એ મહાન સિધ્ધાંતો પૃથ્વી પરની આવનારી પેઢીઓ સુધી પહોંચી શકે તે માટે તેના વિરુધ્ધ ઉઠવાવાળા દરેક હાથને જડમૂળથી ઉખાડી ફેંકવો એ પણ આપણી મુખ્ય જવાબદારી છે. એ પણ વેદોના જ્ઞાાનકાંડ એવા ઉપનિષદો અને ભાગવત ગીતાનો મુખ્ય સંદેશ છે. અને એ સંદેશ સરદાર અને બોઝે અનુસરી બતાવ્યો. આમ, ગાંધી, સરદાર અને બોઝના આદર્શોનો ત્રિવેણી સંગમ જ સદીઓથી ચાલી આવતી ભારતીય સંસ્કૃતિના મુખ્ય આદર્શ છે. તે જ ભારતીય વિચારધારાનું સંપૂર્ણ સત્ય છે. પરંતુ, આઝાદી પછી ભારતીય રાજનીતિમાં વ્યક્તિગત સ્વાર્થ માટે એ સંપૂર્ણ સત્યનું દમન થયું છે અને એના લીધે જ ગોડસે જેવા અને ગોડસેનું મંદિર બનાવવાવાળાઓ જેવા વિકૃત લોકો સમાજમાં પેદા થયા છે. ગાંધીજીના આદર્શો બગીચામાં ઉગેલા ગુલાબના સુગંધિત ફુલ સમાન છે અને સરદારના આદર્શો તે ગુલાબની રક્ષા કરનારા કાંટા છે. જ્યારે બોઝ એ બગીચાના માળી છે. જે એ ગુલાબના ફૂલને તોડીને નષ્ટ કરવા ઊઠતા દરેક હાથ સામે યુધ્ધે ચડે છે અને તેને ઉખાડી ફેંકે છે.

            આ ત્રણ આદર્શોનો ત્રિવેણી સંગમ જ ભારતીય રાજનીતિની મુખ્ય નીતિ હોવી જોઇએ જેથી ભારત દેશને માનવતાના એક ઉત્તમ પ્રતિનિધિ તરીકે આ દુનિયા પર હંમેશા જીવંત રાખી શકાય અને ભારત દ્વારા માનવજાતિની આવનારી પેઢીઓ એ જાણી શકે કે માનવતા શું છે અને તેનું રક્ષણ કેવી રીતે કરવું.

February 28 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

સામ્યવાદી લેફ્ટ : આદર્શવાદ અને આતંકવાદ વચ્ચે ઝોલાં ખાતી વિચારધારા

“JNU માં ઉભા થયેલા દેશવિરોધી જીનમાં જેહાદી અને સામ્યવાદી વિચારોનું કોકટેલ છે. પરંતુ, નવી પેઢી જેના વિશે બહુ જ ઓછું જાણે છે તે સામ્યવાદ આતંકવાદ માટે જેહાદ કરતાં પણ અનેકગણી મૂળભૂત સહમતિ ધરાવે છે.”

ઓગણીસમી સદીના મધ્ય સુધીમાં મૂડીવાદ એની ચરમસીમાએ હતો અને તેણે વિશ્વને અમીર અને ગરીબ એમ બે વર્ગોમાં વહેંચી નાખ્યું હતું. જ્યારે આ બંને વર્ગો વચ્ચેની ખાઇ વધુને વધુ મોટી થવા લાગી ત્યારે કેટલાક બુધ્ધિજીવીઓને વિચાર આવ્યો કે જે મનુષ્યજાતિ એકસાથે અસ્તિત્વમાં આવી છે અને જેના પૂર્વજો એકસાથે આફ્રિકાથી બહાર આવ્યા છે તે માનવજાતિનો એક વર્ગ પૃથ્વી પરની મોટા ભાગની સંપત્તિનો માલિક છે અને બીજો વર્ગ એટલો અસહાય છે કે તેને બે સમયનનું જમવાનું પણ માંડ મળે છે..? આવું કેમ ? જવાબ એક જ હતો, ઉત્પાદનની અસમાન વહેંચણી. ‘મુઠ્ઠીભર પૂંજીપતિઓના હાથમાં દેશની તમામ સંપત્તિ જતી રહે અને બાકીનો મોટો જનસમુદાય એમણે ફેંકેલા ટૂકડાઓ પર જીવે – આ રચના મનુષ્યોએ જ ઉત્પન્ન કરી છે. આ કોઇ કુદરતનો નિયમ નથી.’ આવી જ કંઇક વિચારધારા કાર્લ માર્કસ ૧૮૫૧માં પોતાના પુસ્તક ‘ધી કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો’માં લઇને આવ્યો.

            કાર્લ માર્કસના એ વિચાર મુજબ મૂડીવાદી વ્યવસ્થા એક રાક્ષસ છે અને તેણે મનુષ્યને અનેક વર્ગોમાં વિભાજીત કરી દીધો છે. દરેક મનુષ્યનો પૃથ્વી પરની સંપત્તિ પર સમાન અધિકાર છે. આથી તે સંપત્તિ દરેકમાં સમાન રુપે વહેંચાવી જોઇએ. આ રીતની વ્યવસ્થાને તેણે ‘સામ્યવાદ’ કે અંગ્રેજીાં ‘કોમ્યુનિઝમ’ નામ આપ્યું. પરંતુ, આ વ્યવસ્થા લાવવી કઇ રીતે ? તેણે આ માટે બે નામ આપ્યા. એક ‘પૂંજીપતિઓની સરમુખત્યારશાહી’ અને બીજો ‘મજૂરીયાતવર્ગની સરમુખત્યારશાહી’. એણે કહ્યું કે કોઇ પણ સરકાર છેલ્લે તો આર્થિક સશક્તિકરણને જ મૂળ લક્ષ્ય માનશે. આથી, ઉદ્યોગપતિઓ અને જમીનદારોને જ એને પ્રોત્સાહન આપવું પડશે. અને તેનાથી ઊભી થશે સામંતશાહી અને મૂડીવાદી વ્યવસ્થા જે એક રીતે કોઇ લોકશાહી સરકાર નહીં પણ પૂંજીપતિઓની સરમુખત્યારશાહી જ છે. દુનિયામાં જરુર છે મજૂરોની સરમુખત્યારશાહીની. જ્યાં મજૂરો દેશનું રાજનૈતિક નિયંત્રણ સંપૂર્ણપણે પોતાના હાથમાં લઇ લે અને ત્યારબાદ દેશમાં જે પણ ઉત્પાદન થાય તેનો અમુક હિસ્સો દેશના વિવિધ વિભાગોને ચલાવવા માટેના ખર્ચમાં અને અમુક હિસ્સો દેશના સંરક્ષણ ખર્ચમાં વાપરવામાં આવે. અમુક હિસ્સાનો દુષ્કાળ, ભૂકંપ કે યુધ્ધ જેવા કટોકટીના સમય માટે સંગ્રહ કરવામાં આવે. આ પછી જે હિસ્સો વધે તેને લોકોમાં તેમણે કરેલી મજૂરીના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે. જેની મજૂરી વધારે તેને વધારે વેતન. જેની ઓછી તેને ઓછુ. આ રીતની રાજકીય વ્યવસ્થાથી સમાજમાંથી ઉંચનીચના બધા વર્ગો સંપૂર્ણપણે નષ્ટ થઇ જશે. શાસન પ્રણાલીમાં પણ એક કામને નીચે વાળો માણસ કરીને ઉપરવાળાને આપે તો ઉપરવાળો નીચેવાળાનો આભાર માને કે ‘ધન્યવાદ, તેં આટલું કામ કરી આપ્યું જેથી હું હવે આગળનું કરી શકીશ.’ તે પોતાનું કામ કરીને આગળ મોકલે આગળવાળો તેને ‘થેંક યુ’ કહે. આમ, દરેક કામ ક્રમબધ્ધ રીતે થાય પણ કોઇ કોઇનો સાહેબ નહીં. દરેકને પોતાની મજૂરી પ્રમાણે સરખું વેતન મળે. એક રીતે જાણે મજૂરોની સરકાર, જેમાં કોઇ પૂંજીપતિ ન બની શકે. ૧૮૫૧માં ‘કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો’થી શરૃ કરેલો આ વિચાર માર્ક્સ ૧૮૭૬માં પોતાના પુસ્તક ‘ધી ક્રિટીક ઓફ ગોથા પોગ્રામ’ સાથે પૂરો કર્યો.
માર્ક્સની સામ્યવાદી વિચારધારા ઓગણીસમી સદીની સૌથી મોટી ખોજ અને ક્રાન્તિ હતી. સ્વાભાવિક રીતે જ સંવેદનશીલ બુધ્ધિજીવીઓ, યુવાનો અને ચિંતકો તેના પ્રત્યે આકર્ષાયા. તે માનવતાના સમાન હોવાના સ્વપ્નને પૂર્ણ કરવાનું એક શક્તિશાળી હથિયાર અને આશાનું કિરણ હતું. પરંતુ, સવાલ એ હતો કે આ સામ્યવાદને લાગુ કેવી રીતે કરવો. જ્યાં સુધી શક્તિશાળી ઉદ્યોગપતિઓ અને તેમના ખીસ્સામાં રહેલા નેતાઓ પાસે સત્તા હતી ત્યાં સુધી મજૂરોની સરમુખત્યારશાહી કેવી રીતે આવે ? અહીં ૧૮૭૬ બાદ કેટલાક જર્મન વિચારકોએ સુજાવ આપ્યો ‘સમાજવાદ’નો. સમાજવાદ એટલે આ રીતે એક વર્ગહીન સમાજ બનાવવાની વિચારધારા પણ તેમાં સરકાર ધીરે ધીરે પોતાની નીતિઓને પૂંજીપતિઓથી ફેરવીને ગરીબો અને મજૂરો લક્ષી બનાવે અને પૂંજીપતિઓની અઢળક સંપત્તિ ટેક્ષ દ્વારા ધીરે ધીરે ગરીબો સુધી પહોંચાડવામાં આવે અને તેમને સશક્ત બનાવવામાં આવે. ભારત એક સમાજવાદી રાષ્ટ્ર છે. આ એક ધીમો અને હળવો માર્ગ હતો સામ્યવાદની સંપૂર્ણ સમાનતા તરફ પહોંચવાનો. વિશ્વભરમાં સમાજવાદી વિચારકો આગળ આવ્યા અને સરકારો પર મૂડીવાદી વ્યવસ્થામાંથી સમાજવાદી વ્યવસ્થા બનવા દબાણ કરતા આંદોલનો કર્યાં. વીસમી સદીના પૂર્વાર્ધ સુધી આ બધાં સમાજવાદી આંદોલનો ચાલ્યાં પણ સરકારોએ તેમને આપેલાં વચનો પૂરાં કર્યાં નહીં કે એક રીતે મૂડીવાદી વિશ્વ સામે સમાજવાદનો આદર્શવાદ અવ્યવહારીક સાબિત થયો. અને અહીં એન્ટ્રી થઇ લેનિનની.

            રશિયન ક્રાન્તિકારી લેનિને જાહેર કર્યું કે જે રીતે દુનિયા પૂંજીપતિઓના કબ્જામાં છે તે રીતે હિંસક આંદોલનો સિવાય સામ્યવાદના વર્ગહીન સમાજની સ્થાપના અશક્ય છે. તેણે કહ્યું કે પૂંજીપતિઓ અને તેમની સાથે સંકળાયેલા નેતાઓના લોહી વહેવડાવીને અને તેમને માર્ગમાંથી હટાવીને જ મજૂરો દેશની સંપર્ણ સત્તા પોતાના હાથમાં લઇ શકશે. અને લેનિને ૧૯૧૭માં રશિયામાં એ રીતની સોવિયેત ક્રાન્તિ કરીને માર્કસના વિચારોને હિંસા, આતંકવાદ અને દમનના રસ્તે વ્યવહારીક બનાવ્યા. આ રીતે જન્મ થયો સામ્યવાદી સોવિયેત યુનિયનનો. અને અહીંથી સામ્યવાદ વ્યવહારીક બની ગયો. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી ક્રાન્તિ થવા લાગી. ભારતમાં પણ અંગ્રેજોને ખદેડી સામ્યવાદી વ્યવસ્થા સ્થાપવા ૧૯૨૫માં ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા’ની સ્થાપના થઇ જે મહાત્મા ગાંધીના અહિંસાના માર્ગથી વિપરીત હતી. ભગતસિંહ જેવા ક્રાન્તિકારીઓ પણ લેનિનના ચાહક બન્યા. ચીનમાં પણ માઓ ઝેન્ડોન્ગે આ રીતે જ હજારો લોકોના લોહી વહેવડાવીને ચીની સામ્યવાદની સ્થાપના કરી. માઓ ઝેન્ડોન્ગે વિખ્યાત નિવેદન કર્યું ”સત્તા બંદૂકની નળીમાંથી જ નીકળે છે.” આ પરથી સામ્યવાદ સ્થાપવા માટે લેનિનના માર્ગ પરથી ‘લેનીનીસ્ટ’ અને માઓ ઝેડોન્ગના માર્ગ પરથી ‘માઓઇસ્ટ’ પંથો અમલમાં આવ્યા.જે બંને હિંસક માર્ગ સૂચવતા હતા.

            હવે સામ્યાવાદી વિચારધારા વિશ્વમાં એક વાઇરસની જેમ પ્રસરી અને આના કારણે યુરોપ અને અમેરિકા જેવી મૂડીવાદી અર્થવ્યવસ્થાઓ સામે સંકટો ઊભા થયા. અમેરિકાના પડોશી ક્યુબામાં ફિડલ કાસ્ટોએ આ રીતના આતંકવાદથી જ સામ્યવાદી ક્રાન્તિ સર્જી. જેમણે હોલીવુડની ફિલ્મો જોઇ હશે તે જાણતા જ હશે કે જ્યોર્જ કેનેડીના સમયમાં ફિડલ કાસ્ટો સાથે અમેરિકા કેટલા ભયાનક સંઘર્ષમાં ઉતલેવું. કારણ એક જ હતું અમેરિકાને સામ્યવાદથી બચાવવું. પરંતુ, ધીરે ધીરે સામ્યવાદની ખામીઓ બહાર આવવા લાગી. લોકો પાસે આર્થિક સમાનતા તો આવી પણ વેતનની વહેંચણી ખાલી મજૂરીના આધારે થતી. આથી, બુધ્ધિમતાની ઉપેક્ષા થવા લાગી. પરીણામે વિજ્ઞાાન, ટેકનોલોજી અને ઔદ્યોગિક ક્રાન્તિ જેવા ક્ષેત્રોમાં અમેરિકા જેવા મૂડીવાદી દેશો સામ્યવાદી દેશોથી જોજનો આગળ નીકળી ગયા. વળી, આગળ વધવાની માનવસહજ ઈચ્છાનું સામ્યવાદી સમાજમાં દમન થતું અને એવું લાગ્યું જાણે ગરીબ બની રહેવું એ જ માનવતા છે. વિકાસનો વિરોધ એટલે સામ્યવાદ – એવા નવા અર્થઘટનો સામે આવ્યા. પરીણામે ચીન જેવા દેશોને પણ ૧૯૮૦ પછી સામ્યવાદી સમાજવ્યવસ્થામાં મૂડીવાદી અર્થવ્યવસ્થા ઘુસેડવી પડી.

            આમ, મૂડીવાદી દેશોની શક્તિ વધવા લાગી અને સામ્યવાદ માનવતા કરતાં કમજોરી અને ગરીબીનો પર્યાય બની ગયું. હવે સામ્યવાદી વિચારધારા માટે બે જ વિકલ્પો હતા. એક – પોતાની વિચારધારાને અવ્યવહારીક ઘોષિત કરીને ખતમ કરી દેવી. અથવા બીજો – દુનિયામાંથી તમામ મૂડીવાદી દેશોને ખતમ કરી આખી દુનિયાને સામ્યવાદી બનાવી દેવી જેથી સામ્યવાદથી મોટી શક્તિ બીજે ક્યાંય ઊભી ન થાય.અને આ રીતે સામ્યવાદી પાર્ટીઓ ચાહે જે પણ દેશમાં હોય તેઓ માટે દેશોની જમીની સીમાઓ કરતાં સામ્યવાદના લાલ ઝંડાની સીમાઓ મુખ્ય બની. જ્યાં જ્યાં સામ્યવાદ હોય તે આપણો દેશ, જ્યાં ના હોય તે દુશ્મન દેશ. ભલે ભારતમાં રહેતા હોય, કોઇપણ ધર્મ પાળતા હોય પણ ભારતમાં સામ્યવાદ નથી… તો એના ટુકડે ટુકડા કરીને લેનિન કે ઝેડોન્ગના રસ્તે તેને સામ્યવાદી બનાવવો એ જ કોઇપણ સામ્યવાદી પાર્ટીનું લક્ષ્ય છે. હવે સમજાઇ ગયું ને કે JNU માં પેલા જેહાદીઓ સાથે નારા લગાવવાવાળા હિંદુઓ કોણ હતા અને કેમ તે નારા લગાવતા હતા?

March 06 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

ભારતમાં સામ્યવાદનો ઈતિહાસ : લોકશાહી માર્ગ થી નક્સલવાદી માર્ગ સુધી

“તે સમયે ચારુ મજુમદાર અને સાન્યાલને મહાત્મા ગાંધીની જેમ મહાન નેતાઓ માનવામાં આવતા. પરંતુ, ત્યારબાદ તેમની હિંસક લડત ભટકી ગઈ અને નિર્દોષોની પણ હત્યાઓ થવા લાગી.”

રશિયન ક્રાંતિ પછી ભારતમાં ૧૯૨૫માં સામ્યવાદી પાર્ટીની સ્થાપના થઈ. પરંતુ, અસલમાં ભારતીય સામ્યવાદી પાર્ટીની સ્થાપના તેના પાંચ વર્ષ પહેલા રશિયાના તાશ્કંદમાં થઈ હતી. એમ.એન. રોય, અબાની મુખર્જી અને તે બંનેની વિદેશી પત્નીઓ સહિત બીજા કેટલાક સામ્યવાદી ભારતીયોએ ૧૯૨૦માં આંતરરાષ્ટ્રીય સામ્યવાદ સભા દરમિયાન ભારતની સામ્યવાદી પાર્ટીની સ્થાપના કરી. પરંતુ તેમાંના મોટાભાગના જ્યારે ભારતમાં આવ્યા ત્યારે અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી દીધી.

            આ કારણે ભારતમાં મુંબઈ, પંજાબ, મદ્રાસ, કલકત્તા જેવા શહેરોમાં છૂટાછવાયા સામ્યવાદી સંગઠનો બન્યા. અને આ બધા સામ્યવાદી સંગઠનોએ ૨૫ ડીસેમ્બર ૧૯૨૫ના રોજ કાનપુરમાં એક જ સંયુક્ત પાર્ટીમાં વિલિનીકરણ કરી ‘ભારતની સામ્યવાદી પાર્ટી’ (કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા- CPI) ની સ્થાપના કરી. સીપીઆઈ તે સમયે કોંગ્રેસના સત્યાગ્રહ અને લેનીનના હિંસક ક્રાન્તિના સહીયારા વિચારપ્રવાહમાં વહેતી હતી. આથી, તેલાંગાના, ત્રિપુરા અને કેરલમાં તેના સભ્યોએ હથિયારોથી ક્રાન્તિ કરવાની કોશિશ કરી. પરંતુ, અંગ્રેજોએ તેને ડામી દીધી.

            ત્યારબાદ પાર્ટીએ હિંસક રસ્તાથી આઝાદી મેળવવાની નીતિને બંધ કરી દીધી. કોમ્યુનિસ્ટ પાર્ટી ભારતને સંપૂર્ણપણે અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરી ત્યાં સામ્યવાદ લાવવાની હાકલ કરતી. પરંતુ, તેમનો દ્રષ્ટિકોણ અખંડ ભારતનો નહોતો. ૧૯૪૬માં સીપીઆઈએ એક જાહેરનામું બહાર પાડયું જેમાં કહેવામાં આવ્યું કે ભારત કોઈ એક દેશ નથી. એ તો ઘણા બધા નાના દેશોનો સમુહ છે. આથી, ભારતના ત્રણ નહીં ચૌદથી પંદર ટૂકડા કરવા જોઈએ. આઝાદી પહેલા અંગ્રેજોએ કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોને મોટાભાગે જેલમાં જ રાખ્યા અને પાર્ટીને ક્યારેય સેટલ ન થવા દીધી.

પરંતુ, આઝાદી પછી સીપીઆઈએ ભારતના ગરીબો, મજૂરો અને ખેડૂતોમાં સારી એવી ક્રાન્તિ જગાડી. ગુરુ રાધા કિશને દિલ્લીના ટેક્ષટાઇલ વર્કરોના હિતોની રક્ષા માટે ચોવીસ કલાક આમરણ અનશન કર્યું. આ કારણે કોમ્યુનિઝમ પ્રત્યે લોકોની દ્રષ્ટિ બદલાઈ. ત્યાં સુધી લોકો તેને એક હિંસક ક્રાન્તિકારીઓની ટોળકી માનતા, પણ હવે, લોકો તેને શોષિતો અને ગરીબોના હિતોની રક્ષા કરતી એક સંસ્થા તરીકે જોવા લાગ્યા. આનું પરીણામ તરત જ દેખાયું. ૧૯૫૨ની પહેલી લોકસભા ચૂંટણીમાં તે મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી આવી. ઈસ ૧૯૫૭માં કેરલમાં તેણે દેશની સૌપ્રથમ બિનકોંગ્રેસી સરકાર સ્થાપી. આ એ સમય હતો જ્યારે ભારત અને રશિયાના રાજકીય સંબંધો પૂરબહારમાં ખીલેલા હતા. અને રશિયાએ વારંવાર ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટીને નેહરુ અને કોંગ્રેસને સાથ આપવા અપીલ કરી હતી. પરંતુ, ૧૯૬૦માં રશિયા અને ચીનની સામ્યવાદી પાર્ટીઓમાં મતભેદ થયા. ચીન રશિયન પાર્ટીને મૂળ સામ્યવાદી માર્ગથી ભટકતી હોય એવું માનતી હતી. આ ભેદથી ભારતની સામ્યવાદી પાર્ટીમાં પણ બે જૂથ ઉત્પન્ન થયા. ત્યારબાદ ૧૯૬૨માં જ્યારે ચીને ભારત પર આક્રમણ કર્યું, ત્યારે એક જૂથ એવું હતું જેણે ચીનના આક્રમણનો વિરોધ કર્યો અને બીજું જૂથ એવું હતું જે ચીનના ભારત પરના આક્રમણને સાચું માનતું હતું. આ બીજા જૂથે કલકત્તાની સડકો પર ‘ચીન અને માઓ ઝેડોન્ગ જીંદાબાદ’ના નારા લગાવ્યા. આથી, એ લોકોને સરકારે જેલ પાછળ ધકેલી દીધા. આ બીજુ જૂથ આંતરરાષ્ટ્રીય સામ્યવાદ સાથે જોડાઈ રહેવાના ઉદ્દેશ્યથી ચીનનું સમર્થન કરતું હતું.

            એસ.એ. ડાંગે નામના સીપીઆઈ પ્રમુખે આ બે જૂથોને એક કરવાની કોશિશ કરી પણ ૧૯૬૪માં બંને પાર્ટીઓની સહીયારી મીટીંગમાં ૩૨ સભ્યોએ વોક-આઉટ કર્યું, તેમનું કહેવું હતું કે ડાંગે કોંગ્રેસ અને ભારતની તરફેણ કરીને સામ્યવાદી એકતા અને સામ્યવાદી મૂલ્યોનો વિરોધ કરે છે. આમ, ભારતની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં પણ સ્વદેશની તરફેણ કરતું રાઈટ વીંગ અને પરદેશી સામ્યવાદ સાથે જોડાઈ રહેવા માગતું લેફ્ટ વીંગ અસ્તિત્વમાં આવ્યા. આ લેફ્ટ વીંગ ખુલ્લેઆમ મજૂરો અને ગરીબોની સરમુખત્યારશાહી લાવવાની હાકલ કરવા લાગ્યું અને ‘માઓ ઝેડોન્ગ ઝીંદાબાદ’ના નારા લગાવવા લાગ્યા. પરીમલ દાસ ગુપ્તાએ બંને છેડાઓને ભેગા કરી એક કોમન મીનીમમ પ્રોગ્રામ આપવાની કોશિશ કરી જેને ચારુ મજુમદારની કેટલાક માંગો સાથે સીલીગુરીની મીટીંગમાં સ્વીકારવામાં આવ્યો. પરંતુ, બંગાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના અધિવેશનમાં તે પ્રસ્તાવ લઘુમતીમાં રહ્યો.

            આમ, કુલ સામ્યવાદીઓના ૬૦ ટકા સામ્યવાદીઓ જે વૈશ્વિક સામ્યવાદ સાથે કદમ મીલાવવા ચીનની તરફેણમાં હતા તેમણે કલકત્તામાં પોતાની સ્વતંત્ર બેઠક બોલાવી અને એક સ્વતંત્ર પાર્ટી બનાવવાની ઘોષણા કરી જેનું નામ રાખવામાં આવ્યું ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા – માર્કસીસ્ટ’ (CPI-M કે CPM), અને જે લોકો ભારતની વ્યક્તિગત સામ્યવાદી પાર્ટી ચલાવવા માંગતા હતા તે ડાંગેના નેતૃત્વમાં મુંબઈમાં ભેગા મળ્યા અને તેમણે પોતાની પાર્ટીનું નામ સીપીઆઈ તરીકે ચાલુ રાખ્યું. આમ, ભારતમાં સામ્યવાદીઓ બે ભાગમાં વહેંચાઈ ગયા.

            સીપીઆઈ-એમ મજૂરો અને ગરીબોની કટ્ટર વકાલત કરતું હોવાથી તેનો પ્રભાવ વધતો ગયો. જ્યારે સીપીઆઈનું સમાવેશીપણું સીપીઆઈ-એમની કટ્ટરતા સામે હારતું ગયું. પશ્ચિમ બંગાળમાં હવે સીપીઆઈ-એમની સીટો વધી રહી હતી. પરંતુ, આ સમય દરમિયાન સીપીઆઈ-એમમાં પણ કેટલાક લોકો એવા હતા જે લોકશાહી રીતે આગળ વધવા માગતા હતા જ્યારે કેટલાક લોકો જેમ માઓ ઝેડોન્ગે હિંસક ક્રાન્તિથી ચીનની સત્તા હાથમાં લઈ લીધેલી એ રીતે ભારતની સત્તા હાથમાં લઈ લેવાના મતમાં હતા. એવામાં ૨૫ મે, ૧૯૬૭માં સીલીગુડીના નક્સલબારી ગામમાં કેટલાક ખેડૂતો અને ખેતમજૂરો પોતાની જમીન મેળવવા સત્યાગ્રહ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર ફાઈરીંગ કર્યું અને તેમાં બે બાળકો સહીત અગીયાર લોકોના મોત નીપજ્યા. જવાબમાં ભડકેલા લોકોએ તીર મારીને એક પોલીસ ઓફિસરની હત્યા કરી દીધી. આ ઘટનાએ જોર પકડયું અને જમીનદારો અને પોલીસના શોષણથી ત્રાસેલા મજૂરોએ પોલીસ અને જમીનદારોને મારવાનું શરૃ કરી દીધું અને તેમની જમીનો છીનવી લીધી. સીપીઆઈ-એમના ચારુ મજુમદાર કનુ સાન્યાલ અને જંગલ સંથાલ જેવા નેતાઓએ મજૂરોના આ કૃત્યને યોગ્ય ઠહેરાવ્યું.

            ચારુ મજુમદારે આ ઘટનાને એક ક્રાન્તિ બતાવતા ”ઐતિહાસિક આઠ દસ્તાવેજો” બહાર પાડયા. જેણે સમાજમાં ચકચાર મચાવી દીધી. મજુમદાર અને તેના સાથીઓ ૧૯૬૯માં સીપીઆઈ-એમથી અલગ થઈ ગયા અને ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા – માર્કસીસ્ટ-લેનીનીસ્ટ’ (CPI-LM) ની સ્થાપના કરી. તેમાં શોષણ પામેલા ગરીબો, મજૂરો, ખેડૂતો ભળવા લાગ્યા, નક્સલબારી ગામના નામ પરથી તેમને નક્સલવાદી કહેવામાં આવ્યા. તે સમયે ચારુ મજુમદાર અને સાન્યાલને મહાત્મા ગાંધીની જેમ મહાન નેતાઓ માનવામાં આવતા. પરંતુ, ત્યારબાદ તેમની હિંસક લડત ભટકી ગઈ અને નિર્દોષોની પણ હત્યાઓ થવા લાગી. આથી, ૧૯૭૦માં ચારુ મજુમદાર અને કનુ સાન્યાલની ધરપકડ કરવામાં આવી, જ્યાં ૧૯૭૨માં જેલ દરમિયાન જ મજુમદારનું મૃત્યુ થયું.

            તેમના મૃત્યુ પછી સાન્યાલે જેલમાંથી જ હિંસા છોડી લોકશાહી ઢબે ચુંટણી પ્રક્રિયાથી લડત આપવાનું નક્કી કર્યું. આથી, જેલ બહાર સીપીઆઈ-એલએમ નું પણ વિઘટન થઈ ગયું અને તેમાંથી અનેક નક્સલવાદી સંગઠનો ઉત્પન્ન થયા. જે હિંસક માર્ગને છોડવા માગતા નહોતાં. તેઓ આજે નક્સલવાદીઓ કે માઓવાદીઓ કહેવાય છે. બીજી બાજુ સીપીઆઈ-એમ બંગાળમાં સત્તા પર આવી અને તેના નેતા જ્યોતિ બસુ ૨૫ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. બસુએ ૧૯૭૭માં સાન્યાલને જેલમાંથી છોડાવ્યા પણ ત્યાં સુધી નક્સલવાદ ભારતીય પોલીસ, સૈન્ય અને સરકારના સામે પડીને અને ચીન જેવા દુશ્મન દેશોનો હથિયાર બનીને એક આતંકવાદ બની ચૂક્યો હતો. સાન્યાલે ઘણા પ્રયાસો કર્યા પણ નક્સલવાદીઓને સાચા રસ્તે ન લાવી શક્યા. અંતે ૨૩ માર્ચ ૨૦૧૦ના રોજ તેમણે સીલીગુડીના તેમના ઘરમાં આત્મહત્યા કરી લીધી. બીલકુલ એ જ સ્થાનેથી જ્યાંથી નક્સલવાદ પેદા થયો હતો.

            બીજી બાજુ સીપીઆઈએમ પણ બંગાળમાં પોતાના ૩૫ વર્ષના શાસન બાદ ૨૦૧૧માં બુરી રીતે તૃણમુલ કોંગ્રેસથી હારી ચૂક્યું છે. જયારે આ લખી રહ્યો છું ત્યારે કેરલમાં પણ કોમ્યુનિસ્ટ પાર્ટી સત્તાથી હટી ચૂકી છે. આમ, વિકાસનો વિરોધ અને ગરીબો કરતાં ગરીબીની વકાલત જેવા અવ્યવહારીક સિદ્ધાંતોથી સામ્યવાદ વિશ્વમાં જ નહીં ભારતમાં પણ હાંશિયામાં ધકેલાઈ રહ્યો હતો, તેવામાં જેએનયુમાં એ દેશવિરોધી સૂત્રો મારફતે તેના આ ભૂલા-ભટકેલા ઈતિહાસની પુનઃચર્ચા શરૃ થઈ છે. જેએનયુના કેમ્પસમાં પણ ઉદાર કોમ્યુનિસ્ટ, માર્કસવાદી અને માઓવાદી વિદ્યાર્થીઓ એકબીજામાં એવા ભળેલા છે કે તેમાં કોણ ભવિષ્યમાં દેશ માટે મોટો ખતરો બનીને બહાર આવશે તે કહેવું મુશ્કેલ છે.

May 22 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

RSS : આધ્યાત્મ અને સંપ્રદાય વચ્ચે ગૂંચવાયેલી વિચારધારા

“વિવેકાનંદે કહ્યું હતું કે જેના વિશે તમે સતત વિચારતા રહો છો, સમય સાથે તમે પણ તેના જેવા જ થઈ જાઓ છો. સંઘે ઋષિઓના આધ્યાત્મ કરતા વિદેશી સંપ્રદાયોના કાવતરાઓ વિષે વધારે ચિંતન કર્યું છે. એટલે દુર્ભાગ્યે દેશમાં આજે સંઘની છાપ તે વિદેશી સંપ્રદાયો જેવી જ ઉપજી ગઈ છે.”

ઈ સ. ૧૮૯૭માં મદ્રાસના વિક્ટોરીયા હોલમાં આપેલા એક ભાષણમાં વિવેકાનંદે કહ્યું, ‘જેમ મનુષ્યનું ચરિત્ર હોય છે તેમ દરેક રાષ્ટ્રનું પણ એક ચરિત્ર હોય છે. યુરોપનું ચરિત્ર રાજનિતિ છે. એટલે યુરોપમાં હું હિંદુધર્મનો પ્રચાર ત્યાં સુધી ન કરી શક્યો જ્યાં સુધી મેં તેમને એ ન જણાવ્યું કે આ ધર્મથી તેમને રાજનીતિમાં કેટલો ફાયદો થશે. એ જ રીતે ભારતનું ચરિત્ર અધ્યાત્મ છે. ભારતમાં તમારે રાજનીતિ પણ કરવી હશે તો લોકોને એ સમજાવવું પડશે કે તે રાજનીતિથી તેમના આધ્યાત્મિક જીવનમાં શું લાભ થશે.’ બસ, અહીંથી શરુઆત થાય છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS ની વિચારધારા. એ જ કે ભારતમાં રાજનીતિનું મૂળ અને કેન્દ્ર આધ્યાત્મ હોવું જોઈએ.

            વાત શ્રેષ્ઠ હતી. પણ સમસ્યા એ નડી કે આધ્યાત્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ આ ભૂમિ પરથી ભૂંસાઈ ગયો. આઠસો વર્ષની ગુલામી પછી સમગ્ર બ્રહ્માંડ અને જીવસૃષ્ટિને પોતાનામાં સમાવી લેતો સનાતન ધર્મ હવે એ હિંદુ ધર્મ બની ચૂક્યો હતો જેનામાં ઈસુ અને મોહમ્મદ પયગંબરના અનુયાયી હોય તેવા મનુષ્યોને પણ સમાવવાની શક્તિ નહોતી. ભારતીયોનો ધર્મ હવે કોઈ આધ્યાત્મ ન હોતાં નિશ્ચિત ક્રિયાકાંડો અને દેવીદેવતાઓ ધરાવતો એક સંપ્રદાય હતો. એવો જ જેવો ઈસ્લામ અને ખ્રિસ્તી સંપ્રદાય છે. આમ, એક રીતે હિંદુધર્મ એ વેદાન્તના સનાતન ધર્મનું ઈસ્લામીકરણ હતું અને હિંદુઓ જેવા બન્યા હતા તેવો જ તેમનો સંઘ (RSS) પણ બન્યો. સામે કહેવામાં આવતું કે મુસ્લિમ ધર્મ શ્રેષ્ઠ છે તો અહીં કહેવામાં આવતું હિંદુધર્મ શ્રેષ્ઠ છે. ત્યાં કોઈ કહેતું કે ‘દેશનો આટલો ભાગ મુસ્લિમોનો છે. હિંદુ અહીંયાથી જતા રહે’ તો આ તરફ કહેવામાં આવતું ‘આટલો ભાગ હિંદુઓનો છે, મુસ્લિમો અહીંથી જતા રહે.”

            પણ સંઘના લોકોને ચાહે ગમે તેટલા ધર્મઅંધ કે અંધ-ભક્ત કહી દેવામાં આવે તોય સત્ય તો એ છે કે હીંસા અને ષડયંત્રોથી ધર્મનો ફેલાવો કરવાવાળી વિદેશી તાકાતો સામે તેઓ આપણા બધા માટે તેમની શક્તિ અને બુધ્ધિ મુજબ લડયા છે. અને આજે કોઈ હિંદુ ધર્મમાંથી પાછો વેદાન્તના જ્ઞાન તરફ જવાનું વિચારી શકે છે તો ફક્ત એટલા માટે કારણ કે ‘ભાગ્યું ભાગ્યું તોય ભરુચ’ એવો હિંદુધર્મ આ ભૂમિ પર જીવતો રહ્યો છે. આજે પણ જ્યારે આપણે પોતાના ઘરે પત્ની અને બાળકો સાથે વેકેશન મનાવી રહ્યા છીએ અને મલ્ટીપ્લેક્સોમાં ફીલ્મો જોઈ રહ્યા છીએ ત્યારે સંઘના હજારો સ્વયંસેવકો દેશભરના જંગલો અને પહાડોમાં જીવન ગુજારી આદીવાસીઓને હિંદુ સંસ્કૃતિ વિશે જાગૃત કરી રહ્યા છે.

            હમણાં પ્રખ્યાત પત્રકાર શેખર ગુપ્તાએ પોતાની કોલમમાં લખ્યું હતું કે ‘એ વાત મને સારી રીતે ધ્યાનમાં છે કે જ્યારે અરુણાચલ પ્રદેશના આદીવાસી પ્રદેશોમાં ખ્રિસ્તી મિશનરીઓ ભરાવા લાગી ત્યારે ઈન્દિરા ગાંધીની ઉંઘ હરામ થઈ ગયેલી. અને ઈન્દિરાએ સંઘના નાના દેશમુખને બોલાવીને કહેલું, ‘નાના. મારે અરુણાચલમાં એક પણ મિશનરી ના જોઈએ. હું અરુણાચલનું હિંદુકરણ કરવા માંગુ છું.’ ત્યારબાદ નાના દેશમુખે સંઘના સ્વયંસેવકોને અરુણાચલમાં ઠાલવી દીધા અને આજે અરુણાચલ અને અસમ ભારત સાથે જોડાણ અનુભવે છે એનું કારણ છેલ્લા પાચસ વર્ષથી ત્યાં કાર્ય કરી રહેલા સંઘના સ્વયંસેવકો છે. તેમણે પોતાનાં ઘર ત્યાગ્યાં છે. માતા-પિતા, ભાઈ-બહેન અને પત્ની તથા બાળકોને ત્યાગ્યાં છે. બસ એક જ ઉદ્દેશ્ય માટે કે ભારતની આવનારી પેઢીઓને ભારતીય સંસ્કૃતિ જોવા મળે.

            તો પછી સમસ્યા ક્યાં છે? સંઘ વિશે આટલી બેચેની કેમ? કેમ કોઈ ખુલીને એમ નથી કહી શકતું કે હું સંઘની શાખામાં જાઉ છું? કેમ હંમેશા એક પારદર્શિતાનો અભાવ દેખાય છે જે સંઘને ફેશનેબેલ બુધ્ધિજીવી સ્ટેટસ માટે એક ખતરો બનાવી દે છે? કારણ એ જ ગુલામી છે. જેમ કોંગ્રેસ માટે ભારતનો ઈતિહાસ ગાંધીજી અને નેહરુની જુગલબંધીથી જ શરુ થાય છે તેમ સંઘ માટે પણ ઈતિહાસ તેમના શરુઆતના સંસ્થાપકો ડૉ. હેડગેવાર અને ગુરુજી ગોલવાલકરથી જ શરુ થાય છે. વધુમાં વધુ દુર તેઓ જાય છે સત્તરમી સદીમાં શિવાજી સુધી. આજે પણ મોટાભાગના સંઘના લોકો એ જ ધર્મયુધ્ધની મનઃસ્થિતિમાં છે જે શિવાજીએ ઔરંગજેબ સામે છેડયું હતું. તેમનો મોટાભાગનો સમય વિરોધી સંપ્રદાયોની ખામીઓ અને કવાદાવાઓની સમીક્ષા કરવામાં અને ભારતમાં હિંદુ ધર્મનું સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપવાની મહત્વાકાંક્ષાઓમાં જાય છે.

            ગુરુજી ગોલવાલકરની એ વાત તેમના મનમાં બેસી ચૂકી છે કે સંઘમાં ગણવેશથી લઈને બધું જ બદલાઈ શકે છે પણ એ વિચાર બદલાઈ શકે તેમ નથી કે ભારત એક હીંદુરાષ્ટ્ર છે. પણ હીંદુરાષ્ટ્રની વ્યાખ્યા શું કરવી તેમાં અલગ અલગ વક્તાઓની પોત-પોતાની ક્ષમતા પ્રમાણેની અલગ માન્યતા છે. કોઈ કહે છે કે મુસ્લિમ એમાં આવી જાય છે પણ એમને માનવાનું કે તેઓ છે તો હિંદુઓના જ વંશજ. કોઈ કહે મુસ્લિમ આવી જાય પણ તેને ‘ભારત માતા કી જય’ તો બોલવાનું જ. પણ આ બધુ તેમને કેમ બોલવાનું? તો એ બધા ગોળગોળ જવાબોનો એક જ અર્થ નીકળે કે ‘બસ, અમારા હિંદુઓનો અહમ સંતોષાય એટલે.’ પણ રોજ ‘જય સરદાર’ બોલવાવાળો એક ઓબીસી હિંદુ જો પાટીદારોના દુરાગ્રહને વશ થઈને ‘જય સરદાર’ બોલવા તૈયાર ન હોય તો કોઈ મુસ્લિમ આપણા દુરાગ્રહથી આ બધું બોલવા અને માનવા શું કામ તૈયાર થાય? અને એ બધુ બોલીને અને માનીને પણ જો મુસ્લિમ એ જ ધર્માંતરણો કરાવતા રહે તો શું સંઘ ખુશ છે?

મતલબ, સંઘમાં એક ભયંકર ખોટ છે એવા બુધ્ધિજીવીઓની જે ભારતમાં હિંદુહિતની નીતિઓને સર્વસમાવેશી રાષ્ટ્રના અભિગમથી પારદર્શી રીતે રજૂ કરી શકે. એમની મનોવૃત્તિ મુજબના લેખો છાપામાં આવે એટલે તેને સોશ્યલ મીડિયા પર ફેલાવવાના અને તેમની ખામીઓ તરફ આંગળી ચીંધતી વાત સામે આવે એટલે તેને તથાકથિત સેક્યુલર કે કોંગ્રેસી કહી દેવાનો. તિરંગા ઝંડા કરતાં મોઘલોના લીલા ધ્વજ સામે શિવાજીએ ઉઠાવેલા કેસરીયા ધ્વજને જ વધારે સાચો માનવો. આમ, ભારતમાંથી મોઘલો જતા રહ્યા, ઈસ્લામી શાસનમાંથી ભારત એંશી ટકા હિંદુઓ ધરાવતી લોકશાહીમાં આવી ગયું પણ વૈચારીક રીતે આજે પણ સંઘ મોગલોની ગુલામીમાં જ છે અને આજે પણ દીલ્લી જીતી લઈ હિંદુ સંપ્રદાયનો કેસરીયો લહેરાવી દેવાની આસ સેવી રહ્યો છે. પછી પારદર્શિતા ક્યાંથી આવે?

            સંઘને એ સમજી લેવાનું છે કે હિંદુઓ હવે આ દેશમાં આઝાદ છે અને બહુમતીમાં છે. હવે તો તેમને દુનિયાના તમામ પયગંબરો અને તેમની ઉપાસના પધ્ધતિઓને સમાવી લેતા પોતાના મૂળ વેદાન્ત ધર્મ તરફ પાછા ફરવાનું છે. મસ્જિદને તોડવા કરતાં તેમને એ કહેવાનું છે કે ‘મુસ્લિમો જેને અલ્લાહ કહે છે તેને જ અમે બ્રહ્મ કહીએ છીએ અને રામના દેહત્યાગ પછી તેઓ બ્રહ્મમાં જ વિલીન થઈ ગયા હતા. એટલે દેશના તમામ મસ્જિદોમાં મુસ્લિમ ભાઈઓ સાથે અમે પણ રામના બ્રહ્મરુપની બંદગી કરવા માગીએ છીએ.’ કૃષ્ણએ કહ્યું હતું કે પૃથ્વી પર જ્યાં જ્યાં ધર્મની હાનિ થશે ત્યાં હું આવીશ. તો મોહમ્મદ પયગંબર અને ઈસુ ખ્રિસ્તને કૃષ્ણના અવતાર તરીકે ન જોઈને શું આપણે કૃષ્ણના જ ઉપદેશનું ઉલ્લંઘન નથી કરી રહ્યા? આપણા પૂર્વજોએ આપણને એટલો વિસ્તૃત ધર્મ વિરાસતમાં આપ્યો છે કે તેની સીમાઓની બહાર બીજા કોઈ ધર્મ માટે જગ્યા જ નથી. પણ આપણે આપણા ધર્મને એક સંપ્રદાય બનાવીને ભારતની સીમાઓમાં જ સંકોચી દીધો છે.

            દુનિયા પરના અનેક સંપ્રદાયોમાંના કોઈ એક સંપ્રદાય એવા હિંદુધર્મને બચાવવામાં તો આ બ્રહ્માંડને પણ કોઈ દીલચશ્પી નથી. એવા તો અનેક સંપ્રદાયો એણે નામશેષ કરી દીધા. પણ ઋષિમુનીઓના એ વેદાન્ત ધર્મની આ બ્રહ્માંડને હંમેશા જરુર રહી છે. અને એટલે જ તેણે કોઈના કોઈ પ્રકારે આપણને જીવતા રાખ્યા છે. એટલે શિવાજીના સમયથી જરુરી સબક લઈ એ ઋષિમુનીઓ સુધી પહોંચીશું અને તેમના સનાતન સિધ્ધાંતોને આત્મસાત કરી સમગ્ર દુનિયાને પોતાનામાં સમાવી લઈશું તો જ એ હજારો સ્વયંસેવકોના બલીદાનોનું સાચું વળતર મળશે.

May 31 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના બે સંભવિત ભવિષ્ય

“આરએસએસ પોતાની વિચારધારાને સંપ્રદાયના ભગવા રંગમાંથી અધ્યાત્મના ભગવા રંગમાં લાવી શકશે કે નહીં એ જ નક્કી કરશે કે તે આવનારા સમયમાં આ બે ભવિષ્યમાં કયા ભવિષ્ય તરફ ઢળશે”

સફળતા પ્રસિદ્ધિ અપાવે છે અને પ્રસિદ્ધિ… ? પ્રસિદ્ધિ તમને દુનિયાની વચોવચ લાવીને મૂકી દે છે. તમારી દરેક તાકાત અને નબળાઈ જે અત્યાર સુધી બંધ દરવાજા પાછળ છૂપાયેલી હતી તે હવે દુનિયા સામે હોય છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૨૮૨ સીટો પછી ભાજપ અને આરએસએસ સાથે કંઈક આવું જ થયું. દેશભરમાં લોકો આરએસએસ અને ભાજપના સભ્ય બનવા લાગ્યા. આરએસએસની શાખાઓમાં જઈ તેના વિશે જાણવાની અને હિંદુત્વ વિશેની દેશવ્યાપી ચર્ચામાં શામેલ થવાની મહેચ્છા લોકોને થવા લાગી. પણ રાતોરાત બનેલા એ કરોડો સભ્યો પછી પણ દિલ્લી અને બિહારમાં તેમની ભયંકર હાર થઈ. દેશનો બુદ્ધિજીવી વર્ગ તેનાથી દૂર જવા લાગ્યો. જેએનયુની ઘટના પછી સબૂતોના અભાવ છતાં કનૈયાને પકડવામાં થયેલી ઉતાવળે કનૈયાને હીરો બનાવી દીધો અને દેશભક્તિના નામે કનૈયાને સીધો જ ફટકારવા આવેલ સંઘના રાષ્ટ્રવાદી લોકો વિચારશક્તિ વિહોણા ભાવુક ભક્તો તરીકે ઉપસી આવ્યા. એક બાજુ કાર્લ માર્કસથી માઓ ઝેડોન્ગ સુધીની પોતાની વિચારધારાને પોપટની જેમ સ્પષ્ટ બોલી જતા ‘આઇડીઓલોજીકલી સાઉન્ડ’ લેફ્ટના વિદ્યાર્થીઓ અને બીજી બાજુ બસ ‘ભારત માતા કી જય’ બોલીને પોતાના વૈચારિક દેવાળિયાપણાનું પ્રદર્શન કરતા સંઘ અને ભાજપના લોકો. આ બધું છેલ્લા બે વર્ષમાં જ જોવા મળ્યું છે.

            આ બધાથી અસમ જેવા દશકોથી હિન્દુ સમ્માન માટે સંઘર્ષ કરતા રાજ્યો તો જીતાઈ જાય પણ પશ્ચિમ બંગાળ, કેરલ, તમિલનાડુ અને ઉડિસા જેવા શાંત અને સર્વસહિષ્ણુતાનો સ્વભાવ ધરાવતા રાજ્યો (ત્યાંની સહિષ્ણુ અને શાંત હિન્દૂ વસ્તીના સ્વભાવના કારણે) કેવી રીતે જીતાય? દરેક રાજ્યમાં ચૂંટણી આવે એટલે કોઈને કોઈ હિંદુ ભાવનાઓને ભડકાવતો મુદ્દો ઉભો કરવો અને મતોનું ધુ્રવીકરણ કરવું. દાદરી જેવી ખોટી હત્યાને ગૌમાંસનો મુદ્દો બનાવી જસ્ટીફીકેશન આપવું કે હિંદુ ગૌરવમાંથી હિંદુ દાદાગીરી દેખાવા લાગે તેવા નિવેદનો આપવા. આ બધું ઉત્તરપ્રદેશ માટે જો ફરી શરું થયું તો સંઘ અને ભાજપને લાંબાગાળાનું ઘણું મોટું નુકસાન વેઠવું પડશે. કારણ કે સદીઓથી શાંતિ અને જ્ઞાાનની હિમાયત કરતું હિંદુ માનસ હવે આ આખી અંધભક્તિથી ઉબવા લાગ્યું છે. ભાજપ અને આરએસએસ આ બે વર્ષમાં એ મુખ્ય વાત સમજવામાં નિષ્ફળ ગયા છે કે કટ્ટરતા ક્યારેય હિંદુ માનસની ઓળખ નથી રહી. શિવાજી અને બાજીરાવ પેશ્વા જેવા મોઘલ સત્તાને જડમુળથી ઉખાડી દેવા યુદ્ધે ચડનારા હિંદુઓ પણ મુસ્લિમ ધર્મ પ્રત્યે આજીવન સહિષ્ણુ રહ્યા હતા. અરે, સર્વધર્મસમભાવથી રાજ કરતો અકબર જેવો મુસ્લિમ રાજા પણ આ દેશના હિંદુઓએ સહર્ષ સ્વીકાર્યો હતો. પણ જ્યારે ઔરંગઝેબે ભારતનું ઇસ્લામીકરણ કરવાની હરકત કરી ત્યારે મરાઠાઓ ઉભા થયા અને મુઘલ સામ્રાજ્યના પતનને આરંભ કરી દીધું.

            આમ, વિવેકાનંદે શિકાગોમાં કહેલી – ‘હિંદુ ધર્મ જગતના તમામ ધર્મને સાચા માને છે અને તેમનું સમ્માન કરે છે.’- એ વાત અસલમાં હિંદુ માનસનું પ્રતિબિંબ છે. સર્વધર્મ સમભાવ અને વૈશ્વિક સહિષ્ણુતા દરેક હિંદુનો નૈસર્ગિક સ્વભાવ છે. એ સ્વભાવ પર જ્યારે આઘાત થાય છે ત્યારે જ હિંદુ યુદ્ધમાં ઝંપલાવે છે. પછી એ યુદ્ધ ચાહે પોતાને મુસ્લિમ કહેતા માણસથી હોય કે પોતાને હિંદુ કહેતા માણસથી. હિંદુ માનસ સામેવાળાની એ એકતરફી કટ્ટરતાને ટકવા દેતું નથી. એટલે ભાજપ અને સંઘને એ સ્થાને જ સફળતા મળી રહી છે જ્યાં આ વિશ્વબંધુત્વના હિદુ સ્વભાવ પર બીજા સંપ્રદાય વડે આઘાત થઈ રહ્યો છે. જે સ્થાને આવી કોઈ પરિસ્થિતિ નથી ત્યાં ભાજપ પોતે જ તે સ્વભાવ પર એક આઘાત સાબિત થાય છે અને એટલે ત્યાંનું હિન્દુ વોટિંગ પણ તેના વિરુદ્ધમાં થાય છે. આ જ એ મુખ્ય ફર્ક છે જે ભારતના ધર્મને આરબ અને યુરોપના ધર્મોથી અલગ પાડે છે. હિંદુમાનસનું આ રહસ્ય સંઘને જેટલું શક્ય બને તેટલું ઝડપી સમજી જવું પડશે.

            આ ૧૯૭૦નું ભારત નથી. આ એકવીસમી સદીનું જાગૃત ભારત છે. જે પાર્ટી ગરીબોને ગરીબ બનાવી રાખી વોટબેંક તરીકે વાપરતી હતી તેને તે જ ગરીબોએ સાવ તળિયે ધકેલી દીધી છે. એટલે આરએસએસ સામે હવે બે જ ભવિષ્ય છે. એક – જેમ આજ સુધી અવૈચારિક હિંદુભક્તિથી લોકોને ક્ષણિક પોતાના તરફી કર્યા છે તેમ હજી પણ નવા નુસખા અને બહાના સાથે ચાલુ રાખે. જેમાં આગળ જતા જેમ ગરીબો છેલ્લે પેલી પારિવારિક પાર્ટીને ઓળખી ગયા તેમ હિંદુઓ એક દિવસ આ વિચારવિહીન પાર્ટીને ઓળખી જશે અને ત્યાં સુધીમાં જો કોઈ બીજી પાર્ટીએ વૈશ્વિક સ્વીકૃતિ ધરાવતા આધ્યાત્મિક હિંદુવાદને પોતાની વિચારધારા તરીકે પેશ કરી દીધું તો તે દેશમાં આરએસએસનો શ્રેષ્ઠ વિકલ્પ બની જશે. પછી તો તે હિંદુ સંસ્કૃતિ વિરુદ્ધ ચાલતા રાજનૈતિક અને ધાર્મિક ષડયંત્રોને પણ લોકશાહીના માર્ગે નાથવા દેશના તમામ હિંદુઓને પોતાની હિંદુ બૌદ્ધિકતાથી મનાવી લેશે.

            અથવા બીજું ભવિષ્ય – આરએસએસ પોતે જ ફક્ત સાંસ્કૃતિક સંગઠનમાંથી એક હિંદુ બુદ્ધિજીવી સંગઠન બની જાય. પણ તે માટે તેને અત્યારથી જ યુદ્ધના ધોરણે ઘોર વૈચારિક મંથન શરુ કરવું પડશે. તેને પોતાની કાર્યપદ્ધતિ, વિચારધારા અને રાજનૈતિક દ્રષ્ટિકોણને વેદાન્તના અધ્યાત્મને અનુરૃપ બનાવવા પડશે. તેને પ્રાચીન ઋષિઓના પ્રતિનિધિ બનવું પડશે. શ્રી દલાઈ લામાએ હમણાં જ તેમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો દુનિયાને હિંસાથી મુક્ત કરવી હોય તો એકવીસમી સદી સંવાદની સદી બનાવવી પડશે. સંવાદની એ સદીમાં હુલ્લડો નહી ચાલે. એમાં તો એટલી તાર્કિકતા અને પારદર્શિતા કેળવવી પડશે કે સો મુસ્લિમ અને સો ખ્રિસ્તી મિત્રો સામે આપણે જે શબ્દો સાથે આપણી વિચારધારા કહીએ બિલકુલ તે જ શબ્દો સાથે તે વિચારધારા આપણે બંધ દરવાજા પાછળ અંગતમાં આપણા હિંદુ મિત્રોને પણ કહેતા હોવા જોઈએ એટલી સ્પષ્ટ અને વૈશ્વિક વિચારધારા કે જેને યુનાઇટેડ નેશન્સમાં જઈને આખી દુનિયા સામે ગૌરવથી રજૂ કરી શકાય. વિવેકાનંદના વિચારો અનુસાર તે વિચારધારા કંઈક આ પ્રમાણે કહી શકાય.

            વેદાન્તનો હિંદુ ધર્મ કોઈ ખ્રિસ્તીને હિંદુ બનવાનું નથી કહેતો. ન કોઈ મુસ્લિમને કે ના યહુદીને, તે કહે છે કે દરેક ખ્રિસ્તી હજુ વધારે સારો ખ્રિસ્તી બને અને સત્યને પામી લે. દરેક મુસ્લિમ હજુ સારો મુસ્લિમ બને અને સત્યને પામી લે. દરેક મેથોડોલોજીસ્ટ અને વૈજ્ઞાાનિક જે નાસ્તિક છે તે હજી વધારે સારા તર્ક અને વિજ્ઞાાન વિકસાવે જેથી તે સૃષ્ટિના આખરી સત્યને પામી લે. સત્ય એક જ છે અને એને જે પણ રસ્તે મેળવી શકાતું હોય તે દરેક રસ્તો વેદાન્તમાં સ્વીકારાયો છે અને હિંદુત્વ તે દરેકનું સમ્માન કરે છે. એક નાસ્તિક પણ જો પોતાની સ્વયંભૂ ચેતનાથી સત્યની શોધમાં હોય તો તે પણ હિંદુત્વનું જ પાલન કરી રહ્યો છે. તો પછી ધર્માંતરણો શાના? ધર્માતરણોમાં ક્યાંય ધર્મ નથી, બસ રાજનીતિ છે. ધર્મના નામે સત્તા મેળવવાની અને અહમ સંતોષવાની રાજનીતિ. ધર્માંતરણોએ આ દુનિયાને બિનજરૃરી હરિફાઈમાં ઝીંકીનેે બદસૂરત બનાવી દીધી છે. તેણે માનવજાતિને રક્તપાત, અમાનુષી અત્યાચારો અને ષડયંત્રોથી કલંકિત કરી છે. એટલે જરૃરી છે કે ભારત જ નહીં સમગ્ર વિશ્વ વેદાંતના આ સેક્યુલર માર્ગને અપનાવે અને સત્યપ્રાપ્તિને માનવજાતિનું મુખ્ય ધ્યેય માને. દરેક ધર્મોના તત્ત્વજ્ઞાાનના શ્રેષ્ઠ પાસાઓને દુનિયાભરની શાળાઓમાં ભણાવવામાં આવે જેથી માનવ જાતિની આવનારી પેઢીઓ અનુભવી શકે કે આપણે બધા છેલ્લે મનુષ્યો જ છીએ અને એક જ સત્યને પામવા મથીએ છીએ. વેદાન્તના આ માર્ગે જ આપણા ધર્મો સાચા અર્થમાં માનવજાતિને જોડવાનું કાર્ય કરશે અને એ જ તો ‘ધર્મ’, ‘મજહબ’ અને ‘રીલીજન’ શબ્દનો અર્થ છે – ‘જોડવું.’

            હિંદુત્વનો ભગવો રંગ ઋષિઓના અધ્યાત્મનું પ્રતિક છે અને અધ્યાત્મ જ સત્યપ્રાપ્તિના એકમાત્ર માર્ગ છે. આમ, આરએસએસ પોતાની વિચારધારાને સંપ્રદાયના ભગવા રંગમાંથી અધ્યાત્મના ભગવા રંગમાં લાવી શકશે કે નહીં એ જ નક્કી કરશે કે તે આવનારા સમયમાં આ બે ભવિષ્યમાંથી કયા ભવિષ્ય તરફ ઢળશે. હિંદુત્વ કોઈ એજન્ડા નથી. એ માનવ જાતિએ સર્જેલો અત્યાર સુધીનો શ્રેષ્ઠત્તમ વિચાર છે. તે એક જવાબદારી છે. એના પ્રતિનિધિ બનવા માટે પહેલા એના લાયક બનવું જરૃરી છે.

March 27 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

ધ લાસ્ટ સામુરાઇ: જાપાનમાં આધુનિકતા અને પરંપરાના અદભૂત સમન્વયનું કારણ

“આજે ભારતના નેતાઓ જે ન્યુ ઇન્ડિયા બનાવવાનું સ્વપ્ન પેશ કરી રહ્યા છે એમાં જાપાનના ઇતિહાસની આ ઘટના મહત્વપૂર્ણ પ્રેરણા આપી શકે છે.”

જાપાનમાં સામુરાઈ યોધ્ધાઓનો ઇતિહાસ ઇ.સ. ૭૯૪થી શરૃ થાય છે. તે સમયે સામુરાઈઓ જાપાની જમીનદારોના સહાયક તરીકે ફરજ બજાવતા. પરંતુ બારમી સદીના ઉત્તરાર્ધ સુધીમાં આ જમીનદારોની તાકાત એટલી વધી ગઈ કે ધીરે ધીરે જાપાનની સત્તા સમ્રાટના હાથથી ખસીને જમીનદારોના હાથમાં આવી ગઈ. તેમા વળી ઇ.સ. ૧૧૮૦ થી ૮૫ સુધી આવા શક્તિશાળી જમીનદારો જાપાનની સત્તા માટે અંદરો અંદર લડાયા. આ લડાઈ તેમના સામુરાઈઓ વચ્ચે હતી, જેમાં જાપાની ઇતિહાસમાં અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ સામુરાઈ ગણાતા મીનામોટોની જીત થઈ.

            આથી મીનામોટોનો જમીનદાર વંશ જાપાનની સત્તા પર બેઠો અને તમામ રાજકીય સત્તાઓ સામુરાઈઓના હાથમાં આવી. આવા સમયે ભારતમાંથી વાયા ચીન જાપાન પહોંચેલો બૌધ્ધ ધર્મ ઝેન બુધ્ધિઝમના નામે આગળ આવ્યો. સામુરાઈઓ ઝેન બુધ્ધિઝમથી પ્રભાવિત થયા અને એક આક્રમક યોધ્ધામાંથી આધ્યાત્મિક યોધ્ધા બન્યા. તેમની જીવન પધ્ધતિ એક યોગી જેવી બની. આગળ જતાં તેઓમાં કોન્ફિશિયસની વિચારધારા પણ ભળી. સામુરાઈ શબ્દનો અર્થ હતો ‘સેવા કરવી’. હવે તેઓ આ અર્થને મોટા પરીપેક્ષમાં જીવવા લાગ્યા. તેમની તલવાર હવે તેમના સમ્માનનું પ્રતિક હતી. સામુરાઈઓ એ હદે સમ્માનપ્રેમી હતા કે કોઈ સામુરાઈ તેની ઉપયોગિતા નષ્ટ થઇ જાય તો આત્મહત્યા કરી લેતો. અને તે એક સમ્માનીય મોત ગણાતું.

            તેરમી સદીમાં જાપાન પર થયેલા મોગોલીયાના આક્રમણોને પરાસ્ત કરવામાં સામુરાઈઓની સત્તા નબળી પડી. અશીકાગા નામના એક યોધ્ધાએ આવા સમયે સામુરાઈઓ સામે બળવો કર્યો અને ૧૩૩૬માં ક્યોટોમાં અશીકાગા સરમુખત્યારશાહી સ્થાપી. આમ, જાપાન બે સત્તાઓ વચ્ચેના સંઘર્ષમાં આવ્યું. દોઢ સદી પછી અશીકાંગા સરમુખત્યારશાહીની સેના સામુરાઈઓ સામે હારી. પરંતુ, હજુ કેટલાક જમીનદારોનાં જૂથ સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખવામાં સફળ રહ્યાં. આ રીતે અલગ અલગ સત્તા-કેન્દ્રો ધરાવતા જાપાનને છેક ૧૬૧૫માં ટોકુગાવા લેયાસુ નામના યોધ્ધાએ એક સત્તા હેઠળ એકત્રિત કર્યું. આ ટોકુગાવાના વંશજો હવે રાજા કહેવાતા જેમના રક્ષણની અને રાજ્ય ચલાવવાની જવાબદારી સામુરાઈઓની હતી. સામુરાઈનો મુખ્યા રાજાનો ગુરુ ગણાતો.
પરંતુ ઓગણીસમી સદીના પુર્વાર્ધમાં જાપાન દુષ્કાળ. અછત અને ગરીબીની જપેટમાં આવ્યું. એક બાજુ વિશ્વ પશ્ચિમી ઔદ્યોગીકરણ અને આધુનિકીકરણથી સજ્જ થઇ રહ્યું હતું. આવા સમયે ૧૮૫૩માં અમેરીકન નેવીનો એક ઓફીસર મેથ્યુ પેરી તે સમયના પચીસ વર્ષના જાપાની રાજા મેઇજીને મળવા આવ્યો. તેણે રાજાને આધુનિકીકરણ અપનાવા અને વૈશ્વિક વેપાર માટે જાપાનના દ્વાર ખોલવા માટે આહ્વાન કર્યું. મેઇજીએ તે સ્વીકારી લઇ જાપાનને સંપૂર્ણ રીતે આધુનિક રંગમાં રંગવાનો નિર્ણય લીધો. અમેરીકાથી અન્ય માટે આધુનિક હથિયાર અને તાલીમ માટે યોધ્ધાઓ. જર્મનીથી આર્કીટેક્ટ. હોલેન્ડથી એન્જીનીયર અને રશિયા, બ્રિટન તેમજ ફ્રાન્સથી અન્ય મદદ મંગાવવામાં આવી. ટૂંકમાં જાપાનનું ‘મેક ઇન જાપાન’ અભિયાન શરૃ થયું.

            આ સાથે સામુરાઈઓ પાસેથી રાજકીય વહીવટ છીનવી લઇ રાજાની દેખરેખ હેઠળ ચાલે તેવી લોકશાહી ઢબની સરકાર શરૃ થઈ. પરંતુ, સત્સુમા નામના મુખ્ય સામુરાઈએ રાજાના આ નિર્ણયનો વિરોધ કર્યો. જ્યારે કેટલાક સામુરાઈઓ રાજાના નિર્ણય સાથે ઉભા રહ્યા. અહીંથી સત્સુમાએ વિરોધી સામુરાઈઓનું નેતૃત્વ લઇને રાજા સામે વિદ્રોહ કરી દીધો. આમ, જાપાનના પ્રાચીન અને આધુનિક યુગ જાપાનના ભવિષ્ય માટે લડવા લાગ્યા. લડવું એ જ સામુરાઈઓનું હજારો વર્ષોથી એકમાત્ર કામ હતું.
આથી, રાજાએ મદદ માટે અમેરીકાથી આધુનિક હથિયારો સાથે કેટલાક ભાડાના યોધ્ધાઓ પણ મગાવ્યા. એવા યોધ્ધાઓમાં કેપ્ટન નેથન અલગ્રેન નામનો એક યોધ્ધો જાપાનમાં આવ્યો. અહીંથી ફીલ્મ ‘ધ લાસ્ટ સામુરાઈ’ શરુ થાય છે. એલગ્રેન (ફીલ્મમાં ટોમ ક્રુઝ) અમેરીકામાં પણ ત્યાંના મૂળ રહેવાસી એવા રેડ ઇન્ડિયનોના વિદ્રોહી કબીલા વિરુધ્ધ લડતા નિર્દોષ સ્ત્રી-પુરુષો અને બાળકોની હત્યા કરી ચૂક્યો છે. આ વાત તેના આત્માને સતત ચૂભી રહી છે અને તે એ યાદોથી છૂટવા માગે છે. આમ લડતાં લડતાં મૃત્યુ પામીને જીવનથી છૂટકારો મેળવવા તે જાપાન આવ્યો છે.

            અહીં તે જાપાનના ખેડૂતોમાંથી સૈનિકો બનેલા લોકોને બંદૂક ચલાવતા શીખવે છે અને સામુરાઈઓ સામે યુધ્ધમાં તેમનું નેતૃત્વ કરે છે. પરંતુ, કાચા સૈનિકો સામુરાઈઓ સામે અધવચ્ચેથી ભાગી જાય છે અને અલગ્રેન એકલો સામુરાઈઓ સામે લડતો રહે છે. તેને લડતો જોઈ સામુરાઈઓનો મુખ્યા કાત્સુમોટો (ફીલ્મમાં સત્સુમાનું નામ બદલવામાં આવ્યું છે) સામુરાઈઓને તેની હત્યા કરતા અટકાવે છે. તે ઘાયલ અલગ્રેનને બંધી બનાવી તેના ગામડામાં લઇ જાય છે અને તેની ડાયરી વાચે છે. કાત્સુમોટો અલગ્રેન સાથે વાતચીત કરી તેના દુશ્મનને જાણવા માગે છે અને અલગ્રેન સામુરાઈઓના જીવનને. શિયાળામાં બરફ પડવાથી કાત્સુમોટોના ગામનો રસ્તો જાપાનની રાજધાનીથી કપાઈ જતો હોય છે.
આથી, ચાર મહીના અલગ્રેન ત્યાં જ રહે છે અને સામુરાઈઓના આધ્યાત્મિક અને સંતુલિત જીવનથી પ્રભાવિત થાય છે. તે અને કાત્સુમોટો હવે મિત્રો બને છે. અલગ્રેન હવે શાંત બને છે અને જીવનના અર્થને પામે છે. આધ્યાત્મિકતા બોલવાથી નહીં જીવવાથી અસર દેખાડે છે એ સંદેશ ફીલ્મમાં સામુરાઈઓની જીવન પધ્ધતિ દ્વારા સુંદર રીતે ઉપજાવવામાં આવ્યો છે.

            ઉનાળામાં કાસ્તુમોટો અન્ય સામુરાઈઓ અને અલગ્રેન સાથે રાજા સામે વાટાઘાટો માટે આવે છે. કાત્સુમોટો રાજાને સમજાવે છે કે આ આધુનિકીકરણ જાપાનના કેટલાક ઉદ્યોગપતિઓના ફાયદા માટે છે અને તેઓ કાત્સુમોટોને રસ્તામાંથી હટાવી જાપાનની સત્તા હડપી લેવા માંગે છે. પણ રાજા સમજતો નથી તે સંસદમાં ઠરાવ પાસ થવા દે છે કે સામુરાઈ યુગ હવે સમાપ્ત થઇ ચૂક્યો છે. એટલે કાત્સુમોટોએ પોતાની તલવાર રાજાને સોંપી દેવી. સામુરાઈની તલવાર જ એનું સમ્માન હોય છે. કાત્સુમોટો તલવાર સોંપતો નથી અને ત્યાંથી જતો રહે છે. પોતાની જરુર ન રહેતાં હવે તે સામુરાઈ રીવાજ મુજબ આત્મહત્યા કરવા જતા હોય છે.

            એવામાં અલગ્રેન આવે છે અને કહે છે કે શું સામુરાઈ યુગ આ રીતે પૂરો થશે ? સામુરાઈનો અર્થ હતો સેવા કરવી અને રાજાને અત્યારે તેની સૌથી વધારે જરુર છે જ્યારે તે કેટલાક લાલચું અને સ્વાર્થી માણસોથી ઘેરાયેલા છે. આ સમય છે સામુરાઈના સિધ્ધાંતોને ગમે તે ભોગે રાજા સુધી પહોંચાડવાનો. કાત્સુમોટો વાત સમજી જાય છે અને રાજા સામે આખરી યુધ્ધ છેડે છે. અલગ્રેન પણ તેના તરફથી લડે છે.
પાંચસો સામુરાઈઓ તલવાર અને તીર સાથે બંદૂક, મશીનગન અને તોપગોળા ધરાવતા બે હજાર જાપાની સૈનિકો અને અમેરીકી અફસરો સામે યુધ્ધ કરે છે. છેવટે બધા સામુરાઈ મૃત્યુ પામે છે અને કાત્સુમોટો તેમજ અલગ્રેન ઘાયલ થાય છે. કાત્સુમોટો અલગ્રેનને કહે છે કે તેણે તેનો સંદેશપહોંચાડી દીધો. હવે તેને શાનથી મરવા દે. અલગ્રેન તેને આત્મહત્યા કરવામાં મદદ કરે છે અને તેની તલવાર લઇને રાજા પાસે પહોંચે છે. તલવાર જોઇને રાજાને સામુરાઈઓના શૌર્ય, આત્મસમ્માન અને શિસ્તબધ્ધ આધ્યાત્મિક સિધ્ધાંતોની યાદ આવે છે. તે જાપાનના આધુનિકીકરણમાં પોતાનો સ્વાર્થ સાધતા ઉદ્યોગપતિઓને ઓળખે છે અને તેમને જેલમાં પૂરે છે. સામુરાઈની તલવાર જોઇને રાજા સમજી જાય છે કે ચાહે કેટલી પણ આધુનિકતા ધારણ કેમ ન કરી લઇએ પણ આપણે ક્યારેય ન ભૂલવું જોઇએ કે મૂળત: આપણે કોણ છીએ. આપણી સંસ્કૃતિ જ આપણું મૂળ છે અને તે આપણે હંમેશા સાચવી રાખવાનું છે.

            આમ, સામુરાઈઓનો યુગ સમાપ્ત થઇ જાય છે પણ ત્યારબાદ રાજા જે પણ નિર્ણયો લે છે તેમાં આધુનિકતા સાથે જાપાનની સભ્યતાની જાળવણીને પણ મહત્ત્વ આપે છે. મેઇજીના શાસનમાં શરૃ થયેલો જાપાનનો આ બદલાવ 1868 થી 1912 સુધી ચાલ્યો. જેના અંતે વીસમી સદીની શરૃઆતમાં જ જાપાન વિશ્વનો એક અતિઆધુનિક દેશ બન્યો. પરંતુ તેમાં જાપાની સભ્યતા અને પરંપરાનું દર્શન કેન્દ્રમાં હતું. અને આજે પણ તે આપણે જાપાનમાં જોઈ શકીએ છીએ જે અસલમાં છેલ્લા સામુરાઈએ આપેલા સંદેશનું પરીણામ છે. આજે ભારતના નેતાઓ જે ન્યુ ઇન્ડિયા બનાવવાનું સ્વપ્ન પેશ કરી રહ્યા છે એમાં જાપાનના ઇતિહાસની આ ઘટના મહત્વપૂર્ણ પ્રેરણા આપી શકે છે.

October 16 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

અર્જુનનો વિષાદયોગ : ડાબેરી વિચારધારાની ઉત્પત્તિનું મૂળ

“સત્ય અને ધર્મની રક્ષા માટે જ્યારે લડવાનો સમય આવે ત્યારે માણસ એ યુધ્ધથી ડરીને શાંતિ, ઉદારતા અને માનવતાવાદી વાતો શરુ કરી દે ત્યારે એને વિષાદયોગ કહે છે.”

‘આ યુધ્ધમાં મારા પોતાના સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ થતું હું જોતો નથી. હું આ સ્વજનોને હણીને કોઈ સુખ, વિજય કે રાજ્યની કામના કરી શક્તો નથી.’ (ગીતા, અધ્યાય-૧, શ્લોક ૩૧) – આવું કહેવું જો અર્જુનની મહાનતા હોય તો આજના બધા ડાબેરીઓ અને સ્યુડોસેક્યુલરો મહાન છે. પણ જો કૃષ્ણએ અર્જુનને આવી મહાનતા અનુસરવા દીધી હોત તો યુધ્ધ દુર્યોધન જીતી જાત અને કૃષ્ણના જ શબ્દોમાં ‘દુર્યોધન ઇતિહાસકારો પાસે એવું લખાવી દેત કે પાંડવો અધર્મી હતા અને દ્રૌપદી એક વેશ્યા હતી જે પાંચ પુરુષો સાથે રહેતી હતી. અને દુર્યોધને એમને હણીને ધર્મની સ્થાપના કરી.’ પોતાની જ ભાભીના ભરી સભામાં વસ્ત્રો ખેંચનારા દુનિયા પર રાજ કરત અને પ્રજા સુધી એ સંદેશ જાત કે જીત છેલ્લે અધર્મી અને કપટી લોકોની જ થાય છે. જેવો રાજા એવી પ્રજા પ્રમાણે સમગ્ર સમાજ અધર્મ અનુસરવામાં જ ભલાઈ સમજત અને આજે આપણા સુધી ‘અધર્મ જ જીતે છે’ – એ આદર્શ પહોંચ્યો હોત. કે પછી અધર્મને અનુસરીને જીવનારો એ સમાજ આ એકવીસમી સદી સુધી પહોંચી શક્યો હોત કે કેમ એ પણ એક સવાલ છે. આમ, જે ‘સત્યમેવ જયતે’ ના સુત્ર સાથે આપણે આપણા બંધારણને રચ્યું છે એ સૂત્ર આપણા સુધી ન પહોંચ્યું હોત જો અર્જુને ખરેખર ઉપર જણાવી એવી લેફ્ટીસ્ટ મહાનતા બતાવી હોત તો.

            આજે અર્જુનના એ વિષાદયોગને યાદ કરવો એટલે જરૃરી બન્યો છે કારણ કે ઉદારતાના બહાના પાછળ પોતાની કાયરતા છુપાવનારી એ ડાબેરી વિચારધારા આજે ફેશનેબલ, બુધ્ધિજીવી અને મહાન વિચારક હોવાનો એક સ્ટેમ્પ બની રહી છે. દ્વારીકાધીશ કૃષ્ણના ઘર ગણાતા આપણા ગુજરાતમાં પણ આવી અધર્મને પોષણ આપનારી ઉદારતા ધારણ કરનારાઓ વધી રહ્યા છે. મહાભારતના યુધ્ધ પહેલા અર્જુનમાં ઉભી થયેલી એ દુર્બળતાને વિષાદયોગ કહે છે. સત્ય અને ધર્મની રક્ષા માટે જ્યારે લડવાનો સમય આવે ત્યારે માણસ એ યુધ્ધથી ડરીને શાંતિ, ઉદારતા અને માનવતાવાદી વાતો શરુ કરી દે ત્યારે એને વિષાદયોગ કહે છે. વિવેકાનંદના શબ્દોમાં ‘અર્જુનને થયું કે યુધ્ધ સામે જોઇને એનામાં સત્વગુણ ઉત્પન્ન થયો છે. જ્યારે અસલમાં એ તમોગુણ હતો. માનવતા માટે જે જરુરી હતું એ ધર્મકાર્યમાંથી એ ખરા સમયે થતું પલાયન હતું અને એ પલાયનને ઉદાર અને માનવતાવાદી વાતોથી છુપાવવાની કોશિશ અર્જુન અજાણતાં જ કરી રહ્યો હતો.’ આ તમોગુણી પલાયનવાદમાંથી જ ડાબેરી એટલે કે લેફ્ટ વિચારધારાની ઉત્પત્તિ થાય છે. પોતાની વ્યક્તિગત શાંતિ અને પ્રસિધ્ધિમાં ક્યાંક ઉણપ ન આવે એટલા માટે કેટલાક લોકો આવી બનાવટી ઉદારતાનું પાખંડ ધારણ કરે છે. જ્યારે અસલમાં એના મૂળમાં સત્યને અનુસરવાની શક્તિનો અભાવ જ હોય છે.

            સત્ય કહેવાની કેવી નૈતિક શક્તિહીનતાથી ડાબેરી વિચારધારા જન્મે છે એ સમજીએ. ઇ.સ. ૭૧૨માં મોહમ્મદ બીન કાસીમે ભારતના સિંધને જીતી લીધું ત્યારે તેણે સિંધ પ્રદેશના હજારો હિંદુ પુરુષોના ગળા કાપી નાખ્યા અને હિંદુ સ્ત્રીઓને ગુલામ બનાવી. એ ગુલામ સ્ત્રીઓમાંથી પાંચમા ભાગની સ્ત્રીઓને આરબમાં તેના ખલીફા સુધી મોકલવામાં આવતી અને બાકીની એંશી ટકા સ્ત્રીઓ તેના મુસ્લિમ સૈનિકોમાંગુલામ તરીકે વહેંચી દેવામાં આવતી. સિંધ અને બલુચિસ્તાનું ધર્માતરણ કંઇક આ રીતે શરુ થયેલું.
જે રાજપુત અને બ્રાહ્મણ સ્ત્રીઓ આરબોના હાથમાંથી બચી ગઈ તે ‘જૌહર’ કરીને જીવતી સળગી ગઈ. અહીંથી જૌહરની એ પ્રથા શરુ થઇ જે છેક અઢારમી સદી સુધી મોગલોથી બચવા રાજપુત સ્ત્રીઓ અપનાવતી. આ ઇતિહાસ અમેરિકાની વિસ્કોન્સીન-મેડિસન યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે.

            પણ ભારતમાં જે મહાન અને ઉદાર ડાબેરીઓએ ઇતિહાસ લખ્યો એમણે લખ્યું ‘સાતમી સદીમાં મુસ્લિમ આરબોનું ભારતમાં ‘આગમન’ થયું અને તેમણે ઇસ્લામનો પ્રચાર પ્રસાર કર્યો.’ નેહરુની ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ અને શ્યામ બેનેગલની ભારત એક ખોજમાં તો રાણા સાંઘા જાણે કોમેડિયન હોય અને બાબરે ભારત પર આક્રમણ કરી ભારત ઉપર ઉપકાર કર્યો હોય એવું બતાવવામાં આવ્યું છે. શિવાજી અને રાણા પ્રતાપને આ મહાન લોકો ‘ભટકેલા દેશભક્તો’ કહે છે. કેમ ? કારણ કે તેમણે મુસ્લિમ રાજાઓને ભારતમાંથી ભગાડવા યુધ્ધ કર્યા. એ ‘ભટકેલા’ હતા કારણ કે એ એવું ન સમજી શક્યા કે મુસ્લિમોએ આવીને બધાને મુસ્લિમ બનાવવાની કોશિશ કરી તો એમાં શું થઇ ગયું ? એ પણ મનુષ્ય છે અને આપણે પણ મનુષ્ય છીએ. એ રાજ કરે કે આપણે એમાં શું ફર્ક ? એ મુસલમાન બનાવે તો બની જવાનુ. એ કહે એમ અલ્લાહને ભજવાનું એમાં શું ફર્ક છે ? ઇશ્વર તો બધાનો એક જ છે. એમાં લડવાની ક્યાં જરુર છે ? જેમ અર્જુન બોલતો હતો કે ‘યુધિષ્ઠિર રાજ કરે કે દુર્યોધન એમાં શું ફર્ક છે ? મારે શું કામ લડવું ? હું ના શાંતિથી જંગલમાં જઇને મુનિ બની જાઉં ?’ જેમ અર્જુન પોતાની એ ક્ષણિક કાયરતામાં યુધિષ્ઠિર અને દુર્યોધન વચ્ચે ફર્ક નહોતો કરી શક્તો તેમ આ ડાબેરીઓ રામ અને રાવણમાં ફર્ક કરવા માગતા નથી. તેઓ કહે છે કે શૂર્પણખા રામ માટે આતંકવાદી હતી તો હનુમાન રાવણ માટે આતંકવાદી હતા.

આમ, જે લોકો સત્યના પડખે ઊભા રહેવાની પોતાની નૈતિક નપુંસકતાને છુપાવવા માટે સદીઓથી માનવજાતિનું રક્ષણ કરતી હિંદુ વિચારધારા અને સદીઓથી માનવજાતિનું ભક્ષણ કરતી એક વિચારધારા વચ્ચે ફર્ક નથી કરવા માગતા, જે લોકો વિશ્વના તમામ માનવોને પોતપોતાના માર્ગે ઇશ્વર મેળવવા પ્રોત્સાહન આપતી હિંદુ સનાતન વિચારધારા અને સમગ્ર વિશ્વને યા તો અમારા માર્ગને અનુસરો અથવા મરવા તૈયાર રહો એવું અલ્ટીમેટમ આપતી એક વિચારધારામાં ફર્ક નથી કરવા માગતા, જે રામ અને રાવણ, યુધિષ્ઠિર અને દુર્યોધનમાં ફર્ક નથી કરવા માગતા એ અસલમાં કોઇ પરગ્રહવાસીઓ નથી. એ અસલમાં અર્જુનના પેલા પલાયનવાદી વિષાદયોગમાંથી ઉત્પન્ન થયેલી એક નવી વિકૃત પ્રજાતિ છે. આધુનિક ભારતમાં આધ્યાત્મિક ચિંતનનો અભાવ જ ડાબેરીઓની ઉત્પત્તિનું કારણ છે. અર્જુનને તો કૃષ્ણએ બચાવી લીધો પણ બિનસાંપ્રદાયિકતાના પાખંડ હેઠળ આ આધુનિક ડાબેરીઓ સુધી કૃષ્ણનું ચિંતન પહોંચી શક્યું નથી. એટલે વૈચારીક રીતે કોરી સ્લેટ એવા એ વિચારકો ફેશનેબલ દેખાવા માર્કસના પશ્ચિમી નાસ્તિકવાદને અપનાવી લે છે કારણ કે એ રીતે તેઓ પશ્ચિમના એ ફેશનેબલ લોકો સાથે હાથમાં શેમ્પેઇનનો ગ્લાસ લઇને મહાન વાતો કરી શકે છે.

            માનસિક કાયરતા ઉપર ઊભી થયેલી આ ડાબેરી વિચારધારા એક બૌધ્ધિક આતંકવાદ છે જે અધર્મી શક્તિઓને સમાજમાં સ્વીકૃતિ આપે છે. આ બૌધ્ધિક આતંકવાદ કોઇ ગોળીથી નહીં પણ કૃષ્ણ અને ગીતાના ગહન સામાજીક ચિંતનથી જ ખતમ કરી શકાશે. એટલે જરુરી છે વર્તમાન રાજવ્યવસ્થાથી અલગ રહીને એક વ્યાપક સામાજીક આધ્યાત્મિક ચિંતન શરૃ કરવામાં આવે જે ઘરઘરમાં પેદા થયેલા આ વિષાદયોગી અર્જુનોને સત્ય અને અસત્યનું ભાન કરાવે.

October 23 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

મહારાણા પ્રતાપ : અકબરની ગૌરવગાથા નીચે દબાયેલો એક મહાન સંદેશ

“સ્વતંત્રતાની કિંમતે મળેલી શાંતિ શાંતિ નહીં, કાયરતા છે. સ્વતંત્રતા જ મનુષ્યનું સ્વાભિમાન છે. અને સ્વાભિમાન ગુમાવીને કોઇ શાંતિ મેળવી શકાતી નથી.”

મુઘલોના જ સુબેદાર દ્વારા પરાજીત રાજા ભારમલે રાજ્ય અને પરિવારની રક્ષા કરવા અકબર સામે પોતાની દીકરી હરખાબાઇ કે જોધાબાઇ જોડે લગ્ન કરવાની ઓફર મૂકી. આ રીતે રાજા ભારમલે અકબરને આધીન થઇ પોતાના રાજ્યનો વહિવટ પાછો મેળવ્યો અને ભત્રીજા માનસિંહને અકબરના દરબારમાં પોતાના જામીન તરીકે મોકલ્યો. આ બનાવે અકબરને એક નવા માર્ગની પ્રતિતિ કરાવી. તેણે હવે યુદ્ધમાં ખુવારી વેઠવાને બદલે નાના નાના રાજપૂત રાજ્યોને યા તો વિશાળ મુઘલ સેના સાથે યુદ્ધ કરો યા તો પોતાની કોઇ દીકરી કે બહેનને પોતાના સાથે પરણાવી મુઘલોના સંબંધી અને આધીન બનીને વહીવટ કરો- એ બે શરતો મૂકી. મોટાભાગના રાજપૂત રાજાઓ વિશાળ મુઘલ સેના સાથે યુદ્ધ કરી ખુવાર થવાના બદલે પોતાની દીકરીઓ કે બહેનોને અકબર સાથે પરણાવી તેના આધિન થવા લાગ્યા અને આ રીતે મોટાભાગના રાજપૂત રાજ્યો અકબરની સલ્તનત હેઠળ આવ્યા. પણ મેવાડના સિસોદીયા વંશના રાજા રાણા પ્રતાપે પોતાના પૂર્વજોની જેમ કોઇપણ રીતે અકબરની આધીનતા સ્વીકારવાની ના પાડી દીધી.

            અકબરે પ્રતાપને મનાવવા એક પછી એક ચાર દૂત મોકલ્યા. છેલ્લે પોતાના ખાસ વિશ્વાસુ, રાજપૂત દરબારી માનસિંહને મોકલ્યો. પણ પ્રતાપે કહ્યું ‘અમારી સ્ત્રીઓ અમારું સ્વાભિમાન છે અને અમે સ્વાભિમાનનો સોદો નથી કરતા.’ ત્યારબાદ અકબરે તેના આધીન બનેલા બીજા એક રાજા ટોડરમલને પ્રતાપ પાસે મોકલ્યા. સંદેશ હતો કે ”રાણા પ્રતાપ ખાલી તેના કોઇ એક રાજકુમારને બાદશાહ અકબરના દરબારમાં મોકલી દે અને મેવાડને મુઘલ સામ્રાજ્યનો ભાગ માની લે તો અકબર તેને મેવાડ જ નહીં અડધા ભારતનો સુબેદાર બનાવી દેશે.’ પ્રતાપે કહ્યું, ‘મેવાડની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતાથી મૂલ્યવાન કંઇ નથી.’ હવે ગુસ્સે ભરાયેલા અકબરે માનસિંહના નેતૃત્વમાં મોટી મુઘલ સેના મેવાડ પર આક્રમણ કરવા મોકલી. પણ એના પહેલા કે તે આક્રમણ કરે રાણા પ્રતાપની સેના હલ્દીઘાટીના સાંકડા મેદાનમાં ચારેબાજુથી એમના પર તુટી પડી. અકબરના પોતાના મુસ્લિમ ઇતિહાસકાર બદાયુંના શબ્દોમાં ‘હલદીઘાટીનું એ આક્રમણ એટલું ભીષણ હતું કે ક્ષણભરમાં મોઘલોની સેના છિન્ન ભિન્ન થઇ ગઇ અને દક્ષિણમાં બનાસ નદી તરફ ભાગવા લાગી.’ રાણા પ્રતાપની સેના બનાસ નદી પાસે પહોંચી અને ત્યાં ફરી ભીષણ યુદ્ધ થયું. પણ યુદ્ધ વચ્ચે પ્રતાપનો ઘોડો ચેતક ઘાયલ થઇ ગયો અને પ્રતાપને યુદ્ધ છોડીને જવું પડયું. ચેતક પ્રતાપને યુદ્ધથી બહાર લઇ ગયો અને મૃત્યુ પામ્યો.

            હલદીઘાટીના યુદ્ધ પછી રાણા પ્રતાપે ઘણા વર્ષો ડુંગરો અને જંગલોમાં ભીલો સાથે કાઢ્યા. આ એ સમય હતો જ્યારે રાણા પ્રતાપ અને તેમનો પરિવાર ઘાસથી બનાવેલી રોટલી ખાતા. તેમણે પ્રતિજ્ઞાા લઇ રાખી હતી કે જ્યાં સુધી હું સંપુર્ણ મેવાડને પાછું નથી લઇ લેતો ત્યાં સુધી કોઇપણ પ્રકારના સુખ નહીં ભોગવું.’ આવા સમયે શેઠ ભામાશાહ જેવા સાહુકારો તેમની મદદે આવ્યા અને તેમના ધનથી રાણા પ્રતાપે ફરી મેવાડની સત્તાને સંકલિત કરી. તેમણે મેવાડની રાજધાની ચાવંડકુંડમાં સ્થાપી અને ૨૫,૦૦૦ ભીલ સૈનિકોની એક મોટી સેના ઉભી કરી જેણે મુઘલ સેના સાથે ગોરીલા યુદ્ધ શરૃ કરી દીધું. રાણા પ્રતાપના આ ગોરિલા યુદ્ધથી અકબરના નાકમાં દમ આવી ગયો. તેની સેનાની ભયંકર ખુવારી થઇ. અકબર આ પરીણામથી એટલો નિરાશ હતા કે તેણે માનસિંહના પોતાના સામે આવવા પર પ્રતિબંધ મૂકી દીધો. રાણા પ્રતાપના સંઘર્ષે આખા ભારતમાં ચેતના જગાડી કે કેવી રીતે પોતાની સ્વતંત્રતા માટે લડવાવાળા એક નાના રાજ્યના રાણાએ વિશાળ મુઘલ સેનાને હંફાવી. અકબર ક્યારેય મેવાડને પૂરી રીતે ના જીતી શકયો. ના તે રાણા પ્રતાપને પોતાના આધિન કરી શક્યો. જ્યાં સુધી રાણા પ્રતાપ જીવ્યા ત્યાં સુધી તેમણે મુઘલોના કબજામાં રહેલા મેવાડના પ્રદેશો મુક્ત કરાવવા ગોરીલા યુદ્ધ ચાલુ રાખ્યું. અને એક સ્વતંત્ર રાજા તરીકે જ તેઓ ચાવંડમાં એક ઝુંપડીમાં મૃત્યુ પામ્યા. કહેવાય છે કે રાણા પ્રતાપના મૃત્યુના સમાચાર જ્યારે અકબરને મળ્યા ત્યારે તેની આંખોમાં પાણી ભરાઇ ગયા. તેણે ગમગીન મને તેના દરબારી કવિ દુસરા ઓરાને પ્રતાપ વિશે કંઇક ગાવા કહ્યું. કવિએ ગાયું ”હે રાણા પ્રતાપ, તારા મૃત્યુ પર બાદશાહે દાંતો વચ્ચે જીભ દબાવી અને શ્વાસ છોડીને આંસુ ટપકાવ્યા. કારણ કે તેં ક્યારેય તારા ઘોડાઓ પર મુઘલોનો ડાઘ ના લાગવા દીધો. ના તે તારી પાઘડીને કોઇના સામે ઝુકવા દીધી. તારી રાણીઓ ક્યારેય નવરોજો પર ના ગઇ. ના તે ક્યારેય બાદશાહના ડેરાઓ પર હાજરી આપી. તું ક્યારેય બાદશાહી ઝરોખાઓ નીચે ઉભો ના રહ્યો, પણ તારો રૌફ આખી દુનિયા પર છવાયેલો રહ્યો. હું એ જ કહું છું કે બધી રીતે તું જ જીતી ગયો અને બાદશાહ અકબર હારી ગયો.” કહેવાય છે કે આ સાંભળીને અકબરના દરબારમાં બેઠેલા માનસિંહ સહિતના તમામ રાજપુતોના માથા શરમથી ઝૂકી ગયા અને અકબરે તે હિંદુ કવિને એમ કહીને ઇનામ આપ્યું કે ‘તેં મારા મનની લાગણીઓને બિલકુલ સાચી રીતે વ્યક્ત કરી.’

            કહેવાય છે કે રાજપૂત સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા પછી અકબર બદલાઇ ગયો હતો. તેણે હિંદુઓના તીર્થ પર લાગતા કર અને હિંદુઓના ધર્માંતરણને વેગ આપવા માટે લગાવેલો જજીયાવેરો નાબૂદ કર્યો હતો. તેણે ગૌહત્યા પર પ્રતિબંધ મૂકેલો. તેણે ‘દિનેઇલાહી’ નામની એક ધર્મનિરપેક્ષ શાસન પ્રણાલી ઉભી કરેલી જેમાં દરેક ધર્મને ઇશ્વર સુધી લઇ જવાવાળા સાચા માર્ગ તરીકે માનવામાં આવ્યો હતો. તેણે હિંદુમાંથી મુસ્લિમ બની ગયેલા લોકોને ફરી પોતાના ધર્મમાં જવાની છુટ આપી હતી. તેની એકપણ રાજપૂત રાણીનો ધર્મ બદલવામાં આવ્યો નહતો અને તેમના માટે મંદિરોની વ્યવસ્થા મહેલમાં જ કરવામાં આવી હતી. તે તેની હિંદુ રાણીઓ સાથે યજ્ઞમાં પણ ભાગ લેતો. તેણે સાચા અર્થમાં એક ધર્મનિરપેક્ષ શાસન ચલાવ્યું. જેના કારણે તેના આધીન રાજપૂત રાજાઓની વફાદારી તેની સાથે ટકી રહી. પણ પ્રતાપનો આદર્શ અકબરના શાસનમાં એક મહત્વપૂર્ણ ખૂટતી કડીરૃપ હતો. એક ધર્મનિરપેક્ષ શાસન ક્યારેય કોઇ એક ધર્મની સત્તા કે ઝંડા હેઠળ શક્ય નથી. અકબરે તેની રાણીઓના ધર્મ પરિવર્તન ન કરાવ્યા. પણ તે રાણીઓથી અકબરના જે સંતાનો થયા તે બધા મુસ્લિમધર્મી હતા અને તેમનામાં જ આગળ જતાં ઔરંગઝેબ જેવો ધર્મઝનૂની રાજા થયો જેણે અકબરની નીતિઓને ઉથલાવી આખા ભારતને મુસ્લિમધર્મી કરી દેવાની કોશિષ કરી. આમ, રાણા પ્રતાપ જાણતા હતા કે અકબરની આધીનતા એ ખાલી આજની રાજકીય પરાધીનતા નથી. તે તેમની આવનારી પેઢીઓની સાંસ્કૃતિક અને ધાર્મિક પરાધીનતા પણ છે.

            જે રાજપૂત રાજાઓએ આજના ડાબેરી અને સ્યૂડો-સેક્યુલર લોકોની જેમ શાંતિ મેળવવા અકબરની આધીનતા સ્વીકારી લીધી તેમને રાણા પ્રતાપનો સંદેશ હતો કે ધર્મથી પતિત, આદર્શોથી ભ્રષ્ટ અને માતૃભૂમિના હિતથી વિમુખ થઇને શાંતિ મેળવવાની કોશિશ માણસથી એની સ્વતંત્રતા છીનવી લે છે અને સ્વતંત્રતાની કિંમતે મળેલી શાંતિ શાંતિ નહીં, કાયરતા છે. સ્વતંત્રતા જ મનુષ્યનું સ્વાભિમાન છે. અને સ્વાભિમાન ગુમાવીને કોઇ શાંતિ મેળવી શકાતી નથી. આમ, મહારાણા પ્રતાપના સંઘર્ષે પરાજીત હિંદુ માનસને સ્વતંત્રતાની કિંમત સમજાવી અને સ્વાધીનતાના એવા મૂળ રોપ્યા કે જે આગળ જતાં શિવાજી અને બાજીરાવ પહેલાના સમયમાં વટવૃક્ષ બનીને બહાર આવ્યા.

March 13 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

જેને ભારત પર રાજ કરવું છે તે પહેલા ભારતને સમજી લે

માનવસમાજને ક્રિયા અને પ્રતિક્રિયામાં જ રસ છે

(Title was changed in Newspaper article by the owners)

“દેશમાં રહેલો વિરોધાભાસ એક મુખ્ય સવાલનો જવાબ ન જાણવાના કારણે છે. સવાલ એ છે કે જેને શ્રેષ્ઠ, વિકસિત અને સુખી-સંપન્ન બનાવવાની વાત છે તે આપણો ભારત દેશ અસલમાં છે શું ?”

‘આઘાત અને પ્રત્યાઘાત સરખા મૂલ્યના અને પરસ્પર વિરોધી હોય છે’ – ન્યૂટનનો આ ત્રીજો નિયમ દુનિયા પર જેટલો સફળ સાબિત થયો છે એટલો ભાગ્યે જ કોઈ બીજો નિયમ થયો હશે. ભારતમાં જમણેરી વિચારધારા કહેવાતા ભાજપની સરકાર જેવી બની તેની સામે મૃતપ્રાય થઈ ગયેલી ડાબેરી વિચારધારાને વિરોધ કરવાનું નવું જોમ મળ્યું. અને ફરી સાબિત થયું કે આ માનવસમાજને ક્રિયા અને પ્રતિક્રિયામાં જ રસ છે. માનવ એક કટ્ટરવાદનો વિરોધ બીજા કટ્ટરવાદથી કરે છે. એક ખરાબીને ઉથલાવી બીજી ખરાબીને સ્થાપે છે. પણ મધ્યમાર્ગનું સત્ય સ્થાપવા જલદી તૈયાર થતો નથી. એટલે વિરોધાભાસી પાર્ટીઓની આ ધમાલ અસલમાં ભારતની સનાતન વિચારધારાથી વિમુખ થયેલા ભારતીય સમાજનું જ પ્રતિબિંબ છે.

            દેશમાં રહેલો આ વિરોધાભાસ એક મુખ્ય સવાલનો જવાબ ન જાણવાના કારણે છે. સવાલ એ છે કે જેને શ્રેષ્ઠ, વિકસિત અને સુખી-સંપન્ન બનાવવાની વાત છે તે આપણો ભારત દેશ અસલમાં છે શું ? શું ભારત ગુજરાતથી અરુણાચલ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાયેલો ભૂમિનો એક ટુકડો છે ? કે પછી તે એકસો પચ્ચીસ કરોડ લોકોનો બનેલો એક વિશાળ જનસમુહ છે જે અનેક ભાષાઓ, ધર્મો, જાતિઓ અને રીવાજો ધરાવે છે. કે પછી તે કોઈ એક નિશ્ચિત સંપ્રદાય અને સંસ્કૃતિ ધરાવતો ધાર્મિક દેશ છે જેનાથી અલગ તેની કોઈ બીજી પહેચાન શક્ય નથી. જો ભારત ખાલી જમીનનો ટુકડો છે તો દેશની મૂળ નીતિ તે ભૂમિના ટુકડાના રક્ષણ માટે જ હોવી જોઈએ. એક આક્રમક સંરક્ષણ નિતી, જેવી ઈઝરાયેલની છે. પણ જો ભારતનો અર્થ તેમાં રહેતા સો કરોડ લોકોને માની લઈએ, તો સૌથી પહેલી વાત તેમાં રહેલા સિત્તેર ટકા ગરીબોની કરવી પડે. આ સંખ્યામાં એ ખેડૂતો પણ શામેલ છે.

            જે પોતે મજૂરી કરીને દેશના ગોદામ ભરે છે પરંતુ, સાંજે તેમના વાસણોમાં અનાજ નથી હોતું. બાળકોની શિક્ષા તો દૂર, તાવ અને મેલેરીઆ જેવી સામાન્ય બિમારીઓથી બચવાની દવાઓ પણ તે ખરીદી શકે તેમ નથી. જો એકસો પચ્ચીસ કરોડ લોકોના જનસમુહને જ ભારત કહેવો હોય તો એ ધ્યાન પહેલું કરવું પડે એમ છે કે આ એકસો પચ્ચીસ કરોડમાંના એક ટકા લોકો પાસે આખા દેશની નેવું ટકા સંપત્તિ કેદ છે. બાકીના નૌવાણું ટકા લોકો દસ ટકામાં પોતાનું પેટ ભરી રહ્યા છે. પેલા એક ટકો ધરાયેલા પણ હિંદુ છે અને નવ્વાણું ટકા ભૂખ્યાઓમાં પણ હિંદુ છે. છતાંય તે ધરાયેલા ભૂખ્યાઓને મરતા જોઈ રહે છે. એટલે ધર્મની વાત એક છલાવો છે અને તમામ મનુષ્યોને તેમની મજૂરીના આધારે સમાન વેતન આપીગરીબ અને અમીર વચ્ચેનો ભેદ દૂર કરવો એ જ રાજનિતીનું મુખ્ય કાર્ય છે. આ જ ડાબેરીઓની સોચ છે.

            અને જમણેરી સોચ કહે છે કે ભારતની ઓળખ હિંદુ સંસ્કૃતિ છે. સતત થયેલા વિદેશી આક્રમણો અને આંતરીક ગદ્દારોના કારણે આ સંસ્કૃતિ ક્રમિક રીતે નષ્ટ થઈ રહી છે. શ્રીમતી એની બેસન્ટ જેવી દીર્ઘદ્રષ્ટાએ પણ કહ્યું હતું કે ‘આધ્યાત્મ જ ભારતીય માનસનું મૂળ છે, જેની ઉપજ મહાન હિંદુધર્મ છે. એટલે હિંદુત્વ વગર ભારતનું કોઈ ભવિષ્ય નથી.’ એટલે સતત ચાલતા ષડયંત્રો અને રાજનીતિથી આ હિંદુત્વનું રક્ષણ કરવું એ જ આ દેશમાં મુખ્ય કાર્ય છે. થોડું ઓછું ખાશું પણ આપણા મૂળિયાને બચાવી રાખીશું તો ભવિષ્યમાં ફરી પાંગરીશું.

            તો, આ વિરોધાભાસી માનસિકતાવાળા લોકોમાં દેશની સત્તા કોને આપવી ? બે છેડાઓમાંથી કોને પકડવો ? એવું નથી કે આપણી પાસે જવાબ નથી. ઉપનિષદો લખવાવાળા ઋષિઓથી લઈને ભગવાન બુદ્ધ આપણને એ કહી ચૂક્યા છે કે પીડા અને દુખરહીત જીવનનો એક જ માર્ગ છે – મધ્ય માર્ગ. જ્યારે જ્યારે દુખ આવે, પીડા અનુભવાય, અસંતુલન અને અરાજકતા ઉત્પન્ન થાય, ત્યારે સમજો કે મધ્યમાર્ગથી આપણી ગાડી ઉતરી છે. આ મધ્યમાર્ગ જ સત્ય છે અને એ મધ્યમાર્ગના સત્યને સતત આપણી સામે રજૂ કરતો વિચાર એટલે આપણો ભારત દેશ. ભારતનો નકશો અનેકવાર બદલાયો છે. સંપ્રદાય પણ અનેક આવ્યા છે અને ગયા છે. જનસમુદાયો પણ અનેક બહારથી આવીને વસ્યા છે. પણ આ શબ્દ ‘ભારત’ બદલાયો નથી. કારણ કે તે કોઈ ભૂમિનો ટુકડો કે સંપ્રદાય નથી. ભારત એક વિચાર છે. ઉપનિષદોનો સનાતન વિચાર.

            ભારતના એ સનાતન વિચારને જ આપણે સનાતન ધર્મ કે હવે હિંદુધર્મ કહીએ છીએ. ઉપનિષદો કહે છે કે આ માનવસમાજમાં દરેક મનુષ્ય તમસ, રજસ અને સત્વ ગુણની યાત્રામાં છે. જે તમસમાં છે તે આળસુ અને જીવનની મૂળ જરૃરીઆતો પૂરતો સિમિત રહે છે. ત્યાંથી આગળ વધતાં તે રજસ ગુણમાં આવે છે જ્યાં તે ભૌતિક સુખો અને માન સમ્માન મેળવવા માટે મહેનતુ, બુદ્ધિશાળી અને મહત્ત્વાકાંક્ષી બને છે. તમામ ભૌતિક સુખોથી પણ જ્યારે તેને તૃપ્તિ નથી મળતી એટલે તે સત્વ ગુણમાં પ્રવેશે છે અને જીવનના ઉદ્દેશ્યની શોધમાં નીકળે છે. અહીં તે જાણે છે કે આ બ્રહ્માંડ એક જ શક્તિનાં ભિન્ન સ્વરૃપોનું બનેલું છે અને તે તમામ સ્વરૃપોને એક કરવા તરફ પ્રયાણ કરવું તે જ મનુષ્ય જીવનનું ધ્યેય છે. તે તમામ સ્વરૃપોની એકતાને જ્યારે મનુષ્ય ધારણ કરે છે ત્યારે તેને મોક્ષ પ્રાપ્ત થયો એમ કહેવાય છે. આમ, દરેક મનુષ્ય આ એક યાત્રામાં જ આગળ-પાછળ છે. જે આગળ છે તે મહાન અને શક્તિશાળી દેખાય છે, જે પાછળ છે તે કમજોર અને તુચ્છ. પણ આ યાત્રામાં આજે નહીં તો કાલે દરેક તુચ્છ મહાન બનવાનો છે. કારણ કે જે આજે મહાન છે તે પણ ક્યારેક તુચ્છ હતો.

            આમ, ભારતનો સનાતન વિચાર કહે છે કે આપણા બધાનું લક્ષ્ય એક જ છે. યાત્રા પણ એક જ છે. તો ચાલો એકબીજાને મદદ કરીએ. જે આગળ છે અને શક્તિશાળી છે તે હજી આગળ વધે અને શક્તિશાળી બને પણ એ સમજી લે કે આ યાત્રા તેના એકલાના આગળ વધવાથી પૂર્ણ નથી થવાની. જ્યારે તમામ મનુષ્યો પોતાની યાત્રા પૂર્ણ કરશે ત્યારે જ આ બ્રહ્માંડ એકત્વ ધારણ કરી શકશે. એટલે પોતાને આગળ વધારવા સાથે દરેકના જીવનનો બીજો ઉદ્દેશ્ય એ છે કે જે પોતાના પાછળ છે તેને તે પોતાના સ્થાન સુધી ખેંચી લાવવામાં જીવન વિતાવે. જેણે ધનની શક્તિ મેળવી છે તે ધન દ્વારા ગરીબોને આગળ વધારે. જેણે જ્ઞાનની શક્તિ મેળવી છે તે સત્વગુણી માણસ ગરીબોને અને રજોગુણી ભોગવિલાસી બૌદ્ધિકોને જીવનના સત્યનું જ્ઞાન આપે. જેથી તેઓ યાત્રામાં ભટકે નહીં. આ ઉપનિષદોનો સમાજવાદ છે. તે સ્વીકારે છે કે તમસ ગુણી ગરીબ, રજસગુણી ભોગવિલાસી અને સત્વગુણી આધ્યાત્મિક હોવો સ્વાભાવિક છે. તેમની ક્ષમતાઓ જુદી જુદી છે. એટલે તે બધાને ફક્ત મજૂરીના દરે જ વેતન આપવાનો સામ્યવાદી વિચાર રજસગુણીની બૌદ્ધિકતા અને સત્વગુણોના જ્ઞાનનું અપમાન છે. આ સનાતન હિંદુવિચારમાં બધાને પોતપોતાના માર્ગે આ એક જ યાત્રામાં આગળ વધવાનું છે. કોઈને પોતાનો માર્ગ જ મહાન છે કે સાચો છે તેવું અજ્ઞાાન બીજા પર થોપવાનું નથી. જે આ સમજે છે તે ધર્માતરણો કરાવીને સંખ્યાબળની રાજનીતિમાં નથી પડતો. એવો સનાતનવાદી કોઈ મસ્જિદ તોડીને મંદિર બનાવવાનું પણ નથી કહેતો. કારણ કે બંને સ્થાન સત્ય સુધી પહોંચવા માટેનાં જ સાધનો છે. આમ, ભારતનો આ સનાતન વિચાર ગરીબીથી લઈને સાંપ્રદાયિકતા અને ગ્લોબલ વોર્મિંગ સુધીની તમામ સમસ્યાનો મધ્યમાર્ગી ઉકેલ છે.

            વર્તમાન સમયમાં દેશની અસ્થિરતા અને અરાજકતાનું કારણ એ છે કે આપણી કોઈપણ રાજકીય પાર્ટી ભારતની મુખ્ય પહેંચાન એવા આ સનાતન વિચારને સમજી કે અપનાવી નથી શકી. તે દરેક ભારત પર રાજ કરવા માગે છે પણ એ ભૂલી ગઈ છે કે ભારત કોઈ જમીનનો ટુકડો કે કરોડોનો જન સમુદાય નથી. ભારત હિંદુત્વનો એ સનાતન વિચાર છે. જે માનવસમાજને સંતુલન આપી સત્ય સુધી લઈ જાય છે. ભારતને જે ચલાવવા માગે છે તેને પહેલા આ સમજી લેવાનું છે.

July 03 / 2016 /'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

લેફ્ટ, મિડલ અને રાઇટ

ભારતમાં આ ત્રણનો ત્રિવેણી સંગમ ક્યાં ?

“ભારતમાં જો કોઇ સાચો રાઇટ બની શકે તો તે જ લેફ્ટ પણ બની જાય અને મધ્ય પણ. એટલે સનાતન વૈદિક સંસ્કૃતિ જ એ ત્રિવેણીસંગમ છે જ્યાં આ દેશનું લેફ્ટ-રાઇટ બંધ થશે.”

ભારતનો મધ્યમવર્ગ હવે જાગૃત, વિચારશીલ અને બુધ્ધિજીવી બની રહ્યો છે. ભારતને પોતાના વિચારો પ્રમાણેની દિશા આપવા મથતી દેશની ત્રણેય પ્રમુખ વિચારધારાઓને તે સમજવાની કોશિશ કરી રહ્યો છે. તો ચાલો આજે ભારતની એ લેફ્ટ, મિડલ અને રાઇટ વિચારધારાઓનું મંથન કરી દેશહિત માટે કોઇ સાચું અમૃત મેળવવા પ્રયાસ કરીએ.

            શરૃઆત લેફ્ટથી. લેફ્ટ એટલે કે ડાબેરીઓ. ડાબેરીઓ અસલમાં ઊંચા આદર્શવાદના વ્યસની છે. તે બહુ વિસ્તૃત અને ખુલ્લા મનના ભણેલા ગણેલા ઉદાર લોકો છે. એવા ઉદાર કે તેમનું મન જાતિ, રાજ્ય, ધર્મ એ બધાથી ઉપર ઊઠીને ફક્ત આપણે બધા માનવો છીએ અને આ પૃથ્વી આપણું ઘર છે એવી આખરી સામાજીક એકતા પર સ્થિર છે. સાંભળવા અને બોલવામાં બહુ જ આકર્ષક અને આદર્શવાદી પણ વ્યવહારીક રીતે અતિ નિષ્ફળ. આ લેફ્ટના લોકોનું કહેવું છે કે કોઇ જાતિ, રાષ્ટ્ર કે ધર્મ વિશે વિચારવું એ તો ખોટી ભાવુકતા છે. જે બુધ્ધિજીવીતાને રુંધી નાખે છે. મૂળ વાત તો એ જ છે કે સમગ્ર માનવજાતિને કેવી રીતે મજબૂત અને સમૃધ્ધ બનાવી શકાય. જે મનુષ્યો ગરીબી અને ભૂખમરાથી મરી રહ્યા છે તેમને કેવી રીતે બચાવી શકાય. ટૂંકમાં, નાની નાની વાતો ના કરીને મોટી મોટી મોટી મહાન વાતો પર જ ધ્યાન કેન્દ્રિત રાખવું એ ડાબેરીઓની માનસિકતા છે. હવે, આ વાત કંઇક એવી છે જાણે પૃથ્વી જેવા કોઇ મોટા ગ્રહનો એક નાનો અણુ એટલી ઊંચી અને મહાન વાતો કરવા લાગે કે ‘આ અણુ પરમાણુવાળી વાતો ભૂલી જાઓ. સંયોજનોના પરસ્પરના જોડાણને નજરઅંદાજ કરો. બસ, એ જુઓ કે આ ગ્રહ કેવી રીતે મજબૂત અને સમૃધ્ધ બની રહે છે ?’

            આ ઊંચા ડોળાવાળાઓને કેવી રીતે સમજાવવું કે એ ગ્રહનું અસ્તિત્વ જ એટલે છે કારણ કે દરેક અણુ બીજા અણુ સાથે, પરમાણુ બીજા પરમાણુ સાથે અને દરેક સંયોજન બીજા સંયોજન સાથે ઉર્જાની આપ-લે દ્વારા જોડાયેલું છે. એમના પરસ્પરના વ્યવહારથી જ એ વિશાળ ગ્રહ બન્યો છે. એમના એ પરસ્પરના વ્યવહારને નજરઅંદાજ કરી દઇએ તો આખો ગ્રહ વિખેરાઇને ધૂળ બની જાય. આ રીતે પૃથ્વી પરનો માનવસમાજ પણ અસંખ્ય જાતિઓ, સમુદાયો, ધર્મો અને રાષ્ટ્રોના પરસ્પરના વ્યવહારથી જ ગુંથાયેલો છે. માનવતાની અને ઊંચા વિચારોની વાતો વચ્ચે જો દેશ, જાતિ અને ધર્મ વચ્ચેના એ વ્યવહારોને અનૈતિક માની લેવામાં આવે તો માનવસમાજ પળભરમાં ઢોરોના સમૂહની જેમ વિખેરાઇ જાય. જે ભાવુકતાથી ડાબેરીઓને એલર્જી છે એ ભાવુકતા જ માનવસમાજને પરસ્પર જોડી રાખતો ગુંદર છે. દેશ પ્રત્યેની એ ભાવુકતાને લીધે જ એક સૈનિક પોતાના દેશવાસીઓની રક્ષા કાજે ભર યુવાનીમાં મોતને ભેટે છે. ડાબેરીઓ શું સેનાના જવાનને ભાવુકતા છોડવાનું કહી શકશે જે તેમના જેવા ડાબેરી પોતાના ઘરમાં બેઠા બેઠા દોઢડહાપણ કરતા રહે તે માટે પોતાના પત્ની-બાળકોને છોડી મોતના મુખમાં ચાલ્યો જાય છે? રાષ્ટ્ર પ્રત્યેની ભાવુકતા નષ્ટ કરવી એ રાષ્ટ્રને નષ્ટ કરવાનું સૌથી પહેલું અને પાયાનું પગથીયું છે. અને ડાબેરીઓ રાષ્ટ્રોની સીમાઓ વિખેરી નાંખવા એ ભાવુકતાના ગુંદરને નષ્ટ કરી દેવા માગે છે. એટલે ન્યુઝ ચેનલોના એ જબરુ જબરુ બોલતા ડાબેરી ટી.વી. એન્કરોથી સાવધાન રહેવું જે જેએનયુ જેવા મુદ્દા પર પણ તમને ભાવુકતાથી ઉપર ઊઠવાની સલાહ આપે છે.

            હવે, વાત ‘મીડલ વે’ એટલે કે મધ્ય માર્ગને પેશ કરતી વિચારધારાની. અસલમાં એ વિચારધારાનો ઉદભવ તો ગાંધીજી, સરદાર અને આઝાદી પહેલાની કોંગ્રેસથી શરૃ થાય છે. પણ આઝાદી પહેલાની કોંગ્રેસમાંથી આઝાદી પછીની કોંગ્રેસના નેતા બનવા માટે જેને એકપણ વોટ નહોતો મળ્યો એ જવાહરલાલ નહેરુ આઝાદી પછીની કોંગ્રેસના મુખ્ય ચહેરા બન્યા. એટલે આઝાદી પહેલાની કોંગ્રેસનો એ મધ્ય માર્ગ આઝાદી પછી નહેરુના આંતરરાષ્ટ્રીયતાના શોખ નીચે દબાઇ ગયો. નેહરુ પણ ડાબેરીઓની જેમ રાષ્ટ્રીયતા કરતાં આંતરરાષ્ટ્રીયતાના પ્રત્યે વધુ સજાગ હતા. કાશ્મીરના મુદ્દાને યુએનમાં લઇ જવાના અને ચીનના તિબેટ પરના આક્રમણને પ્રાદેશિક કરતાં આંતરરાષ્ટ્રીય મુદ્દો ગણવાના તેમના ભયાનક નિર્ણયો એનો પૂરાવો છે. નહેરુનો આંતરરાષ્ટ્રીયવાદ ડાબેરીઓના આંતરરાષ્ટ્રીયવાદથી એટલો જ અલગ હતો કે નહેરુ રાષ્ટ્રના અસ્તિત્વને જુઠલાવતા નહોતા. પણ પોતાના રાષ્ટ્રની પ્રાચીન અને આધ્યાત્મિક સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ લેવાના સ્થાને તેઓ ભારતને પણ વિશ્વના બજા અનેક દેશોમાંના એક દેશ તરીકે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિથી જોતા. આ વાત આપણે તેમના જ્ઞાનથી ભરપૂર પુસ્તકોમાં પણ અનુભવી શકીએ છીએ. ‘ડીસ્કવરી ઓફ ઈન્ડિયા’માં તેમણે લખેલા ભારતનો ઈતિહાસ પણ કંઇક એ રીતે જ છે કે જાણે કોઇ ભારતીય દૂરથી પોતાના દેશને એક શુષ્ક નિષ્પક્ષ નજરે જોઇ રહ્યો હોય. એ શુષ્કતા પુસ્તકમાં ત્યાં પણ જણાઇ આવે છે જ્યાં એમણે લખ્યું છે કે ચાણક્ય અને ચંદ્રગુપ્તે સત્તા મેળવવા માટે અખંડ ભારતના બહાના હેઠળ એ સમયના સંજોગોનો ભરપૂર ફાયદો ઊઠાવ્યો. તેમણે આર્યો ભારત બહારથી આવતા હતા એ અંગ્રેજો દ્વારા ઘડાયેલી થીયરીને જ પોતાના પુસ્તકમાં સ્થાન આપ્યું હતું. જ્યારે અસલમાં એના દાયકા પહેલા જ એવા પુરાવા મળવા લાગેલા કે યુરોપના જ ઈતિહાસકારો અને પુરાતન વિજ્ઞાનીઓએ એ થીયરીને ખોટી ગણાવી દીધી હતી. આર્યો ભારત બહારથી આવ્યા હતા એ આખી થીયરી ભારતીયો પાસેથી તેમની સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ છીનવી લેવાનું એક કાવતરું હતું.

            આમ, નહેરુના આંતરરાષ્ટ્રીયવાદે પંચશીલ સિધ્ધાંતો રુપે આદર્શવાદી વાહવાહી તો મેળવી પણ દેશની સીમાઓને તેણે અપાર નુકશાન પહોંચાડયું. નહેરુની નિષ્ફળતાએ ઈન્દિરા ગાંધીની આંખો ખોલી દીધી અને ઈન્દિરાએ પોતાના શાસન વડે ખરેખર એક આદર્શ મધ્યમમાર્ગીય રાષ્ટ્રવાદને જન્મ આપ્યો. ભૂખમરો વેઠીને પણ પહેલા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી અને રાષ્ટ્ર વિરુધ્ધ ઉદભવતી દરેક સંભાવનાને જડમૂળથી નષ્ટ કરી દેવી એ ઇન્દિરા ગાંધીની કાર્યપ્રણાલી રહી. પણ ઈન્દિરા-યુગનો અંત આવતાં ભારતીય માનસ એ મધ્યમાર્ગીય રાષ્ટ્રવાદથી આગળ વધીને હિંદુ રાષ્ટ્રવાદ તરફ ધકેલાયું. અને અહીં ઉદય થયો ભારતની રાઇટ પંથી જમણેરી વિચારધારાનો.

            કોઇપણ દેશની જમણેરી વિચારધારા એટલે તે દેશની સંસ્કૃતિ અને ધર્મને જ બાકી બધી વસ્તુઓથી શ્રેષ્ઠ માની દેશના લોકોને તેમની સાંસ્કૃતિક ઓળખ પ્રત્યે ગૌરવશાળી અને ભાવુક બનાવવા. આ કારણે દેશની ઓળખ તે નિશ્ચિત સંસ્કૃતિથી જ બને અને તેના લીધે આંતરરાષ્ટ્રીય એકરુપતામાં ખલેલ ઊભી થાય. આ કારણે કોઇપણ દેશની જમણેરી વિચારધારાવાળા લોકોને બાકીનું વિશ્વ સંકુચિત માનસવાળા લોકો સમજે. તો બીજી બાજુ કેટલાક લોકો વિશ્વભરમાં ઉદાર અને આદર્શવાદી દેખાવા માટે પોતાના સાંસ્કૃતિક મૂળને જ નજરઅંદાજ કરીને રાષ્ટ્રના અસ્તિત્વને જોખમમાં મૂકી દે તેવી આંતરરાષ્ટ્રીયતાને અપનાવે.

            પણ ભારતને વૈદિક સંસ્કૃતિ રુપે એક આશીર્વાદ મળેલો છે. ભારતની જમણેરી વિચારધારા જો ભારતીય વૈદિક સાંસ્કૃતિને તેના સાચા અર્થમાં પેશ કરે તો એના જેટલી સનાતન અને વૈશ્વિક બીજી કોઇ વિચારધારા જ નથી. એ સનાતન વિચારધારા જ્યાં રાષ્ટ્રીયતા જ શ્રેષ્ઠત્તમ આંતરરાષ્ટ્રીયતાને જન્મ આપે છે. ભારતમાં જો કોઇ સાચો રાઇટ બની શકે તો તે જ લેફ્ટ પણ બની જાય અને મધ્ય પણ. એટલે સનાતન વૈદિક સંસ્કૃતિ જ એ ત્રિવેણીસંગમ છે જ્યાં આ દેશનું લેફ્ટ-રાઇટ બંધ થશે. પણ જો વૈદિક સંસ્કૃતિને ખાલી બ્રાહ્મણવાદના ચીલામાં લપેટવાવાળા રાઇટપંથીઓ રહ્યા તો આ દેશનું લેફ્ટ-રાઇટ તેના વિકાસને અવરોધતું જ રહેવાનું છે.

November 27 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

નોટબંધીનું સમુદ્ર-મંથન

વિષને પચાવવા અને અમૃતને વહેંચવા સક્ષમ છીએ… ?

“લોકશાહીમાં પ્રજાહીત અને રાષ્ટ્રહીતના મૂલ્યોથી કપાઈ ચૂકેલા આ કટી પતંગ નેતાઓ જ લોકશાહી સમાજનું સાચું વિષ છે જેમના કારણે આ લોકશાહીમાં ભ્રષ્ટાચાર, ગરીબી અને આતંકવાદ જેવી ગંદકી ઉભી થઈ છે.”

એકવાર સમુદ્રનું પાણી ગંદુ થઈ જતાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ત્રીપુટીએ સમુદ્ર-મંથન કરવાનો આદેશ આપ્યો. આથી મેરુ પર્વત અને શેષનાગ વડે વલોણુ બનાવી એક બાજુ દેવતાઓ અને બીજી બાજુ દાનવો વડે સમુદ્રનું મંથન શરુ થયું. મંથન કરવાથી સમુદ્રની જે ગંદકી હતી તે પહેલા ભેગી થઈ. એ ગંદકી એટલી વિષ સમાન હતી કે તેનો સંસર્ગ ભલભલુ નષ્ટ કરી નાખે. આવા સમયે સૃષ્ટિને એ વિષથી બચાવવા શિવ આગળ આવ્યા અને તેમણે એ વિષ પી લીધુ. હવે, સ્વચ્છ સમુદ્રને વલોવાથી જેમ દહીમાંથી માખણ નીકળે તેમ અમૃત નીકળ્યું. એટલે દેવો અને દાનવો મંથન બાજુમાં મૂકીને એ અમૃત માટે જગડવા લાગ્યા. અને એ લડાઇમાં અમૃત ખોરવાઇ ન જાય તે માટે ફરી પાછા ભગવાનોની પેલી ત્રીપુટીમાંથી વિષ્ણુ આવ્યા. તેમણે મોહીની નામની સ્ત્રીનું રુપ લઇને તે અમૃત દેવોમાં વહેંચી દીધુ અને દાનવોને તેનાથી દુર રાખ્યા.

            શાસ્ત્રોમાં લખાયેલી આ કથા ખાલી વ્યાસપીઠ પર બેસીને કથાઓ કરવા માટે નથી. એ કથા એટલા માટે લખવામાં આવી છે કે જ્યારે જ્યારે માનવસમાજ રૃપી આ સમુદ્ર મંથન થશે ત્યારે આ બધી ઘટનાઓ એ જ સિકવન્સમાં બનશે. અને તે સમયે માનવસમાજ સૌથી પહેલા નીકળવાવાળા એ હળાહળ વિષ માટે અને તે પછી અમૃત માટે થનારા ઝઘડા માટે તૈયાર રહે. અને આવું જ એક મંથન આજે સરકાર દ્વારા નોટબંધીનો અમલ કરીને કરવામાં આવ્યું છે. આપણી લોકશાહીનો માનવસમાજ એ સમુદ્ર છે જે ભ્રષ્ટાચાર, ગરીબી અને આતંકવાદથી દૂષિત બની ચૂકયો છે. મેરુ પર્વત સત્યનું પ્રતિક છે અને શેષનાગ મનુષ્યમાં રહેલી સત્ય પ્રત્યેની ચેતના છે. દેવતાઓ એટલે એ માણસો જે સમાજ અને રાષ્ટ્રના નિયમોનું નિષ્ઠાથી પાલન કરે છે અને દાનવો એટલે એ લોકો જે પોતાના વ્યકિતગત સ્વાર્થ માટે એ નિયમોનું ઉલ્લંઘન કરી ભ્રષ્ટ-આચાર સાથે જીવે છે. સારા અને ખરાબ આ બંને પ્રકારના લોકોમાં સત્ય શું છે તેની ચેતના રહેલી હોય છે અને તે બંને સત્ય સ્થપાય એમાં મને કે કમને તૈયાર હોય છે. દેવો અને દાનવોના શેષનાગ અને મેરુ પર્વત વડે થતા મંથનથી આ સત્ય દર્શાવવામાં આવ્યું છે. અને એ કેટલુ સાચુ છે એ આપણે આજની પરિસ્થિતિઓ પરથી સમજી શકીએ છીએ.

            નોટબંધીના નિર્ણયને પ્રામાણિકતા સાથે જીવનારા સારા માણસોએ તો વખાણ્યો જ છે. પણ ભ્રષ્ટાચારથી પોતાના ઘર, ગોડાઉન અને લોકરો ભરીને જેણે નોટો છુપાવી રાખી છે તેવા ભ્રષ્ટ સરકારી બાબુઓ, બિલ્ડરો, હીરા ઉદ્યોગના વેપારીઓ, ડોકટરો અને ઉદ્યોગપતિઓએ પણ આ નિર્ણયને આવકાર્યો છે. લાઇનમાં લાગેલા એક ગરીબ કે મધ્યમવર્ગીય માણસથી લઇને વર્ષોથી જમા કરેલી પોતાની કાળી કમાણીનો એક ઘણો મોટો હીસ્સો જેઓ ઘુમાવી દેવાના છે અને બને તેટલી નોટોને ધોળી કરવાનો આખરી પ્રયાસ જેઓ કરી રહ્યા છે તેવા લોકોને પણ જઇને પૂછશો તો કહેશે, ‘હા, તકલીફ પડી રહી છે. પણ જે થઇ રહ્યું છે તે સાચું છે.’ આ જ ભારતના ઋષિઓનું એ દર્શન છે જેમણે હજારો વર્ષ પહેલા દેવો અને દાનવોને એકસાથે સત્યની ચેતના સાથે સમાજનું મંથન કરતાં બતાવ્યા હતા. ભ્રષ્ટાચાર કરતા દાનવો પણ મનુષ્યો છે જેમનામાં આત્મ રૃપી સત્ય પડેલું છે. જે દિવસે મંથનનો સમય આવશે તે દિવસે એ સત્યની ચેતના તેમનામાં પણ જાગી ઉઠશે – ઋષિઓની એ વાત સાચી પડી છે. ઋષિઓનો અનુભવ કેટલો સચોટ છે કે તેમણે એવા ભ્રષ્ટાચારી દાનવોને વિષ નથી કહ્યા. ‘દેવો અને દાનવો બંને જ્યારે મંથનમાં રોકાયેલા હશે ત્યારે સૌથી પહેલી જે ખતરનાક વસ્તુ સમાજ સામે આવશે એ વિષ હશે’ – એવું સમુદ્ર-મંથનના પ્રસંગ દ્વારા એ ઋષિઓ કહે છે. અને આજે પણ જ્યારે એ પ્રમાણિક અને ભ્રષ્ટ બંને માણસો પોતાના પૈસા ઠેકાણે કરવા ભિન્ન ભિન્ન પ્રકારે ચૂપચાપ લાઇનમાં લાગેલા છે ત્યારે આ મંથનને રોકવા માટે ધમપછાડા કરતું એ વિષ બહાર આવી ચુકયું છે. અને એ વિષ છે નોટબંધીનો વિરોધ કરતા નેતાઓ. મતલબ પોતાના વ્યક્તિગત સ્વાર્થો માટે આ મહાન મંથનનો વિરોધ કરતા આ ભ્રષ્ટ નેતાઓ જ એ વિષ હતા જેમના કારણે આ લોકશાહી ભ્રષ્ટ થયેલી હતી. એટલે જ મંથન શરુ થતા એ નેતાઓ જ સૌથી પહેલા રાડો પાડતા બહાર નીકળ્યા છે કે આને બંધ કરો.

            ભ્રષ્ટ નેતાઓનું આ વિષ કેટલું ઝેરી છે એ લોકોને હવે સમજાઈ રહ્યું છે કે રાષ્ટ્રહીતના આવા મહાયજ્ઞમાં પણ તેઓ ‘લોકોને તકલીફ પડી રહી છે, લોકો મરી રહ્યા છે, લોકોમાં રોષ છે’ એવા જનહીતના પાખંડ સાથે પોતાના સ્વાર્થ સાધી રહ્યા છે. પોતાના સ્વાર્થમાં અંધ બનેલા આ નેતાઓને એ નથી સમજાઈ રહ્યું કે જો લોકોમાં રોષ હોત તો એ ચૂપચાપ લાઇનમાં ન લાગત. એ રોષમાં રસ્તાઓ પર ઉતરી આવત અને આંદોલનો કરીને બસો સળગાવત. લોકશાહીમાં પ્રજાહીત અને રાષ્ટ્રહીતના મૂલ્યોથી કપાઈ ચૂકેલા આ કટી પતંગ નેતાઓ જ લોકશાહી સમાજનું સાચું વિષ છે જેમના કારણે આ લોકશાહીમાં ભ્રષ્ટાચાર, ગરીબી અને આતંકવાદ જેવી ગંદકી ઉભી થઈ છે. આ જ એ વિષ છે જેણે દાનવોને તૈયાર કર્યા છે. અને લોકશાહીનું આ વિષ આજે નોટબંધીના મંથન સમયે પહેલીવાર આટલા સ્પષ્ટરૃપે પ્રજા સામે આવ્યું છે. તો હવે સવાલ એ છે કે એને પીવું કોને ? પીવું તો એને જ પડશે જેણે મંથનનો આદેશ આપ્યો હતો. અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે એ જ્યારે આ વિષને પીવે ત્યારે દેવો અને દાનવોથી બનેલા આ સમાજે તેને સાથ, સહકાર અને સમ્માન આપવું જ પડશે.

            પણ હવે વાત સુવ્યવસ્થા, પારદર્શિતા, વિકાસ અને સમૃધ્ધિના એ અમૃતની જે આ મંથનનું મૂળ ઉદ્દેશ્ય છે. વિષ ઠેકાણે લાગતાં જ એ અમૃત બહાર આવી જશે. પણ શું ફરી એ એ જ ભ્રષ્ટાચારી દાનવોના હાથમાં જશે ? નોટબંધીનું અભિયાન પૂર્ણ થતાં જ ભારતનું તમામ નાણું સફેદ થઇ જશે. બેંકો અને સરકારી ખજાનો સમૃધ્ધ બનશે. પ્રજાહીત અને રાષ્ટ્રહીતની નવી યોજનાઓ ચાલુ થઈ શકશે. જાહેર મિલકતો સસ્તી થશે, કદાચ મોંઘવારી પણ ઘટે. પણ શું આ આખી સુવ્યવસ્થાના અમૃતને ફરી એ જ ભ્રષ્ટાચારી દાનવોના હાથમાં જતા રોકવાના કોઇ પ્લાન એ મંથનનો આદેશ આપવાવાળાઓ પાસે છે? શું એમની પાસે વિષ્ણુનું કોઈ મોહિની રૃપ છે જે આ અભિયાનમાં પોતાના કોઇ દોષ વિના રાષ્ટ્રહીત માટે કષ્ટ ભોગવવાવાળા દેવતાઓના પવિત્ર હાથોમાં આ સમગ્ર મંથનનું અમૃત વહેંચી શકે અને રાષ્ટ્રને એક સ્થિર સમૃધ્ધ ભવિષ્ય આપી શકે ? જો નહીં તો આ અભિયાન સમુદ્ર-મંથન ન બનતાં મંચ પર ભજવાતો એક સ્ટંટ સાબિત થશે. અને એ કીસ્સામાં સ્ટંટનો આદેશ આપનારાના ગળામાંથી ભ્રષ્ટ નેતાઓ રુપી પેલુ વિષ ઉલટી થઇને પાછુ આવશે જે આ સમુદ્રરૃપી સમાજમાં પાછુ ભળી પહેલાં કરતાં પણ વધારે ખતરનાક બનશે. એટલે શિવ બનીને વાહવાહી લુંટવામાં જો મોહીની બનવાનું ચૂકાઇ ગયું તો આ મંથનને માથાનો દુખાવો બનતા વાર નહીં લાગે.

January 01 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

'જાગતે રહો..!' નવો યુગ દેશના નયન ચૂમી રહ્યો છે...

“આ સ્ટોરી આઝાદીના ફક્ત નવ વર્ષ બાદ ૧૯૫૬માં આવેલી રાજ કપૂરની અત્યંત સમ્માનીય ફીલ્મ ‘જાગતે રહો’ ની છે. જે બિલકુલ એ જ પરિસ્થિતિ વર્ણવે છે જે આજે ૨૦૧૬માં આપણા ભારતીય સમાજમાં છે.”

અડધી રાતે ગામડામાંથી નોકરીની શોધમાં મુંબઇ આવી પહોંચેલો એક ગરીબ ખેડૂતનો છોકરો ફાટેલા-તૂટેલા કપડા સાથે સૂમસામ શેરીઓમાં તરસ્યો ફરી રહ્યો છે. એવામાં તે એક સોસાયટી પાસે પહોંચે છે જ્યાં સોસાયટીના દરવાજાની અંદર પાણીનો નળ છે. તે દરવાજામાં રહેલા એક નાના છીંડામાંથી સોસાયટીમાં જતો રહે છે. પણ એ પહેલા કે તે પાણી પીવે તે સોસાયટીનો ચોકીયાત એને જોઇ ‘ચોર..ચોર..’ની બૂમો પાડવાનું શરૃ કરી દે છે. એની બૂમો સાંભળતા જ ગરીબ છોકરો દરવાજા તરફ ભાગે છે પણ ત્યાં બીજો એક ચોકીદાર આવી પહોંચે છે. છોકરો સીધો સોસાયટીના રહેઠાણો તરફ ભાગે છે. ચૌકીદારોની ‘ચોર-ચોર’ની બૂમો સાંભળતા જ રહીશો હાથમાં લાકડીઓ લઇને બહાર દોડી આવે છે અને ચોરને શોધવા નીકળી પડે છે.

            ગરીબ છોકરો સોસાયટીના એક ઘરમાં છુપાઇ જાય છે. પણ ઘરમાં પહેલાથી જ એક ચોર હાજર હોય છે. તે હોય છે ઘરના માલીકની છોકરીનો પ્રેમી જે તે છોકરી સાથે અડધી રાતે રોમાન્સ કરવા આવ્યો હોય છે. એવામાં સોસાયટીના રહીશો લાકડી લઇને ત્યાં આવી પહોંચે છે. ગરીબ છોકરો એ ટોળામાં ભળી જઇ માંડ બચે છે અને બીજા એક ઘરમાં ઘુસી જાય છે. બીજા ઘરમાં પણ એ એક ચોર જુએ છે. એ ઘરનો માલીક સટ્ટો રમવાના પૈસા મેળવવા પોતાની સૂતેલી પત્નીના ઘરેણા ચોરતો હોય છે. ગરીબ છોકરો ચોરી ટાળવા કંઇક ટીખળ કરી પત્નીને ઉઠાડી દે છે. પણ એવામાં પતિ-પત્નીની નજર એ છોકરા પર પડતાં એ બંને ‘ચોર.. ચોર’ ની બૂમો પાડવા લાગે છે. ત્યાંથી ભાગીને એ ગરીબ છોકરો ત્રીજા ઘરમાં જાય છે. અહીં એક દારુડિયો ધનવાન પતિ પોતાની સંસ્કારી પત્નીને દારુ પીવાવાળી, નાચવા-ગાવાવાળી અને ટૂંકા કપડા પહેરવાવાળી ફેશનેબલ પત્ની બનાવવા દમન કરતો હોય છે. એ ન જોઈ શકતા એ છોકરો તે ઘરમાંથી પણ નીકળી જાય છે. હવે સોસાયટીના કેટલાક લોકો પોલીસને બોલાવી દે છે. ચોર તો મળતો નથી પણ પોલીસને એક ઘરના ઓરડામાં દેશી દારુ બનાવવાની ભઠ્ઠી મળે છે. પોલીસ તે રહીશને કેદ કરી લે છે. હવે સોસાયટીના બીજા રહીશો ડરે છે કે જો ચોરની શોધમાં પોલીસ બધાના ઘરમાં ફરી તો તેમના ઘરનું કાળુ-ધોળુ બધું બહાર આવી જશે. આથી, રહીશો પોલીસને પાછી મોકલી દે છે અને ચોરને પકડવાની જવાબદારી સોસાયટીના યુવાન સ્વયંસેવકોને આપે છે. યુવાન સ્વયંસેવકોને ચોર તો મળતો નથી પણ પોતાની જ સોસાયટીના ઈજ્જતદાર રહીશોના ઘરોમાંથી ક્યાંક નકલી દવાઓ તો ક્યાંક અફીણ-ગાંજો મળે છે. છેલ્લે તે ગરીબ છોકરો સોસાયટીના સૌથી ઈજ્જતદાર શેઠના ઘરમાં સંતાય છે. એ શેઠના બે ફ્લેટમાંથી એકમાં નકલી નોટો છપાતી હોય છે. છોકરો શેઠની આ અસલિયત જોઈ જાય છે. શેઠના માણસો ગરીબ છોકરાને જોઇ જાય છે અને પકડી પાડે છે. શેઠ એને ઝહેરનું ઈન્જેકશન આપી મારી નાખવાનો હુકમ કરે છે. પણ એ જ ક્ષણે સોસાયટીના સ્વયંસેવકોની ફોજ ચોરની શોધમાં ત્યાં આવી પહોંચતાં ગરીબ છોકરો ભાગવામાં સફળ થાય છે અને બિલ્ડિંગના ટેરેસ પર જતો રહે છે. પણ લોકો ત્યાં પણ આવી પહોંચતા ભોગદોડથી કંટાળેલો છોકરો આખરે એક લાકડી ઉપાડી લે છે અને રોષ સાથે બોલી ઊઠે છે, ‘તમે મને ચોર કહી રહ્યા છો ? ખરા ચોર તો તમારા ઈજ્જતદારોના ઘરોમાં છુપાઇને બેઠા છે. અમારા જેવા તરસ્યા-ભૂખ્યા લોકોને ચોર કહીને પીટવામાં જ તમારી બહાદુરી છે? હું ફક્ત પાણી પીવા તમારી સોસાયટીમાં આવ્યો હતો પણ આજે રાતે તમે મને શીખવ્યું કે તમારા જેવા મોટા ચોર બન્યા સિવાય અમીર બનાતું નથી.’

            આટલું સાંભળ્યા પછી ટોળુ તેના તરફ ધસતાં તે છત પરથી પાઇપ વડે નીચે ઉતરી એક બીજા ઘરમાં જતો રહે છે, જ્યાં એક નાની બાળકી ઊભી હોય છે. છોકરો બાળકીને એ સમજાવતાં રડી પડે છે કે તે ચોર નથી. એવામાં ફરી પોલીસ મોટી ટુકડી લઇને આવી પહોંચે છે. પોલીસની સાયરન સાંભળીને એ છોકરો ગભરાહટથી હોશ ગુમાવી જમીન પર પડે છે. એવામાં એક મધુર ગીત તેના કાને પડે છે. એ દરવાજા બહાર જોવે છે તો પ્રભાત થઇ ચૂકી હોય છે અને એ ગીત સોસાયટી પાસેના એક મંદિરમાં એક સ્ત્રી ગાઇ રહી હોય છે. નાની બાળકી તેને કહે છે કે ‘જો તે કંઇ ચોર્યું નથી તો શું કામ ડરે છે.’ આ સાંભળી તે છોકરો બહારની તરફ ચાલવાનું શરૃ કરે છે. તે સ્ત્રીનું ગીત સાંભળતો સાંભળતો પોલીસથી બચવા આમતેમ દોડી રહેલા સોસાયટીના રહીશો વચ્ચેથી જ બહાર નીકળે છે અને કોઇને તેના સામે જોવાની પણ ફુર્સદ નથી હોતી. અંતે એ બધા સાચા ચોરોને પોલીસ પકડી લે છે અને ગરીબ છોકરો પેલી સ્ત્રીનું ગીત સાંભળતો સાંભળતો સોસાયટી બહાર નીકળી એ મંદિરના પ્રાંગણે આવી પહોંચે છે. ત્યાં એ સ્ત્રી એને પ્રેમથી પાણી પાય છે અને એ રીતે આખરે તેની તરસ બુઝે છે. એ સ્ત્રી જે ગીત ગાઈ રહી હોય છે તેના શબ્દો હોય છે, ‘જબ ઉજિયાલા છાયે, જબ મન કા અંધેરા જાયે, કિરણો કી રાની ગાયે … જાગો રે.. મેરે મન, મોહન.. પ્યારે.. જાગો મોહન પ્યારે જાગો… નવયુગ ચૂમે નૈન તુમ્હારે.’

            આ સ્ટોરી આઝાદીના ફક્ત નવ વર્ષ બાદ ૧૯૫૬માં આવેલી રાજ કપૂરની અત્યંત સમ્માનીય ફીલ્મ ‘જાગતે રહો’ ની છે. જે બિલકુલ એ જ પરિસ્થિતિ વર્ણવે છે જે આજે ૨૦૧૬માં આપણા ભારતીય સમાજમાં છે. આ એ અહેસાસ કરાવે છે કે આપણા પાપો કેટલા જૂના છે અને આપણો આત્મા કેટલા લાંબા સમયથી સૂતેલો છે. આઝાદી પછીનો એ નવયુગ હજી સુધી આવ્યો નથી જ્યાં દેશના નાગરીકો અને સરકારો પોતાના સૂતેલા આત્માને જગાડે અને એક માનવ તરીકે માનવસમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે. પણ નોટબંધી પછી પ્રભાતની એ પહેલી કીરણ આવી ચૂકી છે જે સરકારને કહી રહી છે કે નોટબંધીને હજી આગળ લઇ જઇ સો ઉપરની બધી નોટો બંધ કરો. પ્રભાતનું એ ગીત નાગરીકોને આહવાન કરી રહ્યું છે કે, ‘હે ભારતીયો ! સ્વાર્થી પ્રાણી બનીને બહુ જીવી લીધું. હવે થોડું માનવ બનીને જીવી જોવો. તમારા સૂતેલા આત્માને જગાડો અને એક આદર્શ કેશલેસ વ્યવસ્થાનું પાલન કરી તમારા ટેક્સ દ્વારા દેશના ગરીબો સુધી એમનો હીસ્સો પહોંચાડો. જાગો, એક નવો યુગ દેશના નયન ચૂમી રહ્યો છે. એ નવા યુગને સફળ બનાવો.’

            એક્સ્ટ્રા શોટ: ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં રાજ કપૂરનું આટલું સમ્માન કેમ છે તેનો જવાબ આપતી આ ફિલ્મનો છેલ્લો સીન નરગીસ અને રાજ કપૂરનો ઓનસ્ક્રીન છેલ્લો સીન હતો. લગ્ન થવાની કોઈ સંભાવનાઓ ન દેખાતા ૧૯૫૬ માં આવેલી તેમની છેલ્લી ફિલ્મ ‘ચોરી ચોરી’ પછી રાજ કપૂર-નરગીસે પોતાના માર્ગ અલગ કરી દીધા. પણ રાજ કપૂર નરગીસથી એ રીતે છુટા પડવા નહોતા માંગતા. તેમણે પોતાના ડાયરેકશનમાં બની રહેલી ફિલ્મ ‘જગતે રહો’ માં ફિલ્મના અંતે મંદિરમાં ગીત ગાતી સ્ત્રીનો સ્પેશ્યલ રોલ કરવા નરગીસને કહ્યું. નરગીસે પોતાનું બીજું ઘર રહેલા આરકે સ્ટુડીઓમાં છેલ્લીવાર શૂટિંગ કર્યું અને એક સદાબહાર ગીત આપ્યું. ગીતનો છેલ્લો સીન ફિલ્મનો પણ છેલ્લો સીન હતો અને રાજ કપૂર-નરગીસની જોડીનો પણ છેલ્લો સીન હતો, જ્યાં તરસ્યો રાજ કપૂર નરગીસ સામે ઘૂંટણિયે બેઠેલો છે અને નરગીસ તેને ઘડામાંથી પાણી પાઇ રહી છે. આજેપણ એ સીન ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી સંવેદનશીલ સીન તરીકે યાદગાર છે.

December 18 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

ભારતને કેશલેસ બનાવવા હવે એક જ જાહેરાત જરૃરી...

“આપણો ટેક્સ આપણી આપણા ગરીબ દેશવાસીઓ પ્રત્યેની જવાબદારી છે. એ દેશવાસીઓ જેમના સંતાનો સિવિલ હોસ્પિટલની લાઇનોમાં મૃત્યુ પામે છે અને તેમની લાશોને સ્મશાન સુધી લઇ જવા માટે એમ્બ્યુલન્સો નથી મળતી.”

દેશમાં રહેલી પાંચસો અને હજારની બધી જૂની નોટો સાચા-ખોટા બધા માર્ગે બેંકોમાં જમા થવા લાગી છે અને નવી બે હજારની નોટો બજારમાં ફરતી થવા લાગી છે. જેમ જેમ એ બે હજારની નોટો વધુ ફરતી થશે તેમ તેમ તે ફરી કાળા નાણાનું સ્વરૃપ લેતી થઇ જશે અને હજારના બદલે બે હજારની નોટ નીકળી હોવાથી આ વખતે કાળુ નાણું પહેલા કરતાં બે ગણી ઝડપે વધશે. કારણ કે આપણે ભારતીયો ઈમાનદારીની વાતો કરવા સાથે નિયમોમાં બારીઓ મળતી હોય ત્યાં સુધી દેશ કરતાં પોતાનો ફાયદો પહેલો જોવામાં પણ આગળ પડતા છીએ. તો આપણી દવા શું છે ? બ્લેક મની ઉત્પન્ન કરવાની આપણી આ વ્યસનને કેવી રીતે મીટાવવી ? સરકાર તો કહી જ રહી છે કે આ માટે હજી તેમના મનમાં ઘણુ બધુ ચાલી રહ્યું છે. પણ આજે આપણે પણ આપણા તરફથી કેટલાક સુજાવો આપી જોઈએ. કદાચ, સરકારની ફરી કોઈ ચૂક થતી હોય તો મનમાં ને મનમાં સુધરી જાય…!

            નોટબંધી પછી નોટ પાસે રાખવાની બાબતે લોકોના મનમાં જે ગભરાટ ઉભો થયો છે પહેલા તો તેને હજી એક નવા આયામે લઈ જવાનો છે. સૌથી પહેલા સરકાર એક દિવસ અચાનક એવી જાહેરાત કરી દે કે ‘કોઈપણ સમયે તમારા પાસે પહોંચેલી આ પાંચસો અને બે હજારની નવી નોટોને પણ બંધ કરી દેવામાં આવશે. અને એ દિવસ ગમે ત્યારે આવી શકે છે. બે મહિનામાં કે બે વર્ષમાં. પણ હવે જે દિવસે આ નવી નોટો બંધ થશે તે દિવસે પરીવાર દીઠ (એકાઉન્ટ દીઠ નહી) ફકત પચાસ હજાર રૃપિયાની નોટો જ બેંક પાછી સ્વીકારશે. ઘર દીઠ પચાસ હજારથી વધુની આ મોટી નોટો સ્વીકારવામાં નહીં આવે. ભલે તે સરકારી નોકરીના પગારની નોટો કેમ ના હોય. એટલે એ સમયે મુસીબતમાં ન મુકાવવું હોય તો આજથી જ રૃપિયા બેંકમાં રાખીને વ્યવહાર કરો.’ આવી ઓચિંતી જાહેરાત માટે આપણે તૈયારી રાખવી પડશે.

            આ જાહેરાત એક રામબાણ ઈલાજ સાબિત થઇ શકે છે. માની લો કે આ જાહેરાત પછી કોઈ વીસ લાખનો પ્લોટ ખરીદે છે અને પાંચ લાખનો જ દસ્તાવેજ કરાવે છે તો બાકીના પંદર લાખ એ ક્યાં મૂકશે ? એ પૂરી કોશિશ કરશે કે કોઈપણ સમયે તેના પૂરા પરીવારના મળીને બે હજારની અને પાંચસોની નોટના રૃપમાં પચાસ હજારથી વધારે રૃપિયા બેન્કથી બહાર ન હોય. એટલે એ બાકીના પંદર લાખ કોઈના રૃપે બેંકમાં તો નાખશે જ. એટલે આપણો એ મૂળ હેતુ તો સધાઈ જશે કે દેશના પ્રતિ ઘર દીઠ પચાસ હજારથી વધુ કેશ બેંક-વ્યવસ્થાથી બહાર નહી રહે. આમ, પાંચસો અને બે હજારની નોટ હાલ બંધ ન કરી શકાય એમ હોય તો પણ આવી અગોતરી ઘોષણા દેશને ઘણો ફાયદો કરાવી શકે છે અને સરકાર ફરી એ નિંદાથી પણ બચી શકે છે કે તેણે લોકોને સમય નહોતો આપ્યો. પણ આ આખી ઘોષણાનો મુખ્ય અસરકારક ભાગ એ છે કે જે દિવસે ફરી નોટબંધી થઇ એ દિવસે ઘરદીઠ પચાસ હજારથી વધુ પાછા લેવામાં નહીં આવે. ઇ.સ ૧૯૬૯માં અમેરિકામાં પણ પ્રમુખ રીચાર્ડ નીક્સને સો ડોલરથી ઉપરની બધી નોટો બંધ કરી ત્યાર પછી જ અમેરિકામાં ડેબીટ કાર્ડ અને ક્રેડીટ કાર્ડનું ચલણ શરૃ થયુ હતું. મજબૂરી જ માણસને વાળે છે અને સવલત માણસને લલચાવે છે. મોટામાં મોટી નોટ સો રૃપિયાની જ હોય તો માણસ રૃપીયાની ગદડીઓ અને થેલાઓ ભરીને વ્યવહાર કરવામાં અને તેનો સંગ્રહ કરવામાં કંટાળે તથા ડરે. મનુષ્ય સ્વભાવથી જ એટલો સ્વકેન્દ્રી છે કે તે આ ડર અને અસુવિધા વગર સાચા રસ્તે ચાલવામાં માને એમ જ નથી. એટલે જે કેશલેસ પ્લાસ્ટીક ઇકોનોમી તરફ સરકાર દેશને લઈ જવા માગે છે તે સો થી ઉપરની બધી નોટોને બંધ કર્યા સિવાય શક્ય જ નથી. પણ એ નોટબંધી પહેલા સરકારને યુદ્ધના ધોરણે દેશમાં સ્વાઇપ મશીનો ઉપલબ્ધ કરાવવા પડશે અને તેના પર સબસીડી આપવી પડશે જેથી નાના હજામથી લઇને પાઉભાજીની લારીવાળો પણ ચાહે તો સ્વાઇપ મશીન રાખી શકે. ઇન્ટરનેટ ક્નેક્સન ઝડપી બનાવવા પડશે અને તેથી પણ વધારે દેશમાં સાઇબર સુરક્ષાની ગુણવત્તા સુધારવી પડશે જેથી દેશના કરોડો લોકોની મૂડી વિદેશી હેકરો ઘરે બેઠા લૂટી ના લે.

            આ નિર્ણયથી ગરીબોને વધુ કોઈ નુકશાન નથી કારણ કે દેશના મોટાભાગના ગરીબોનું જીવનધોરણ ડેબીટ કાર્ડનો ઉપયોગ ના શીખે તો પણ સો ની નોટથી ચાલે એવું જ છે. પણ આપણા જેવા મધ્યમ વર્ગને આ નિર્ણય થોડું નુકશાન પહોંચાડી શકે છે. પોતાની સફેદ કમાણીને કાળી કરી-કરીને ઉચ્ચ મધ્યમવર્ગ ઉંચા ભાવે જે મિલકતો વસાવી હશે તેના ભાવ તળીયે આવી જશે. એ નુકસાનને મધ્યમ વર્ગ આજ સુધી કાળા-ધનના બજારને ધમધમતુ રાખવામાં તેના તરફથી જે સહયોગ મળ્યો એ પાપનું દેશહિત અને ગરીબોના હિતમાં થયેલું પ્રાયશ્ચિત સમજી લે. કારણ કે ખરેખર જો આ દેશમાં કેશલેસ ચલણ સર્વોપરી બને તો આ દેશના ગરીબોની સ્થિતિ સુધારવામાં વધારે સમય લાગે તેમ નથી. આપણે કોઈ અવ્યવહારિક સામ્યવાદનો આદર્શ નથી અપનાવાનો જ્યાં માણસની ધન કમાવવાની ક્ષમતાઓનું દમન કરીને તેને ગરીબોની હરોળમાં ઉભો કરવામાં આવે છે. આપણો આદર્શ એક સમાજવાદી રાષ્ટ્રનો છે જ્યાં દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે ધન કમાવવાની છૂટ છે પણ એ કમાયેલા ધનનો અમુક હીસ્સો તેના જ ગરીબ દેશવાસીઓના ઉદ્ધાર માટે તેને ટેક્સ પેટે આપવાનો રહે છે. હા, એ જ આપણા ટેક્સનો મતલબ છે.   આપણો ટેક્સ આપણી આપણા ગરીબ દેશવાસીઓ પ્રત્યેની જવાબદારી છે. એ દેશવાસીઓ જેમના સંતાનો સિવિલ હોસ્પિટલની લાઇનોમાં મૃત્યુ પામે છે અને તેમની લાશોને સ્મશાન સુધી લઇ જવા માટે એમ્બ્યુલન્સો નથી મળતી. જ્યારે આપણે ટેક્સની ચોરી કરીએ છીએ. જ્યારે આપણે સફેદ ધનને કાળુ બનાવીએ છીએ ત્યારે એક સમાજવાદી રાષ્ટ્રમાં આપણે આપણા એ ગરીબ દેશવાસી ભાઇનો હક છીનવીએ છીએ. પોતાના સંતાનોની લાશોને ખભા પર નાખી સ્મશાન તરફ ભાગતા એ ગરીબોના ચિત્રો ઉપજાવવામાં ક્યાંકનો ક્યાંક આપણે બધાએ એક બેજવાબદાર નાગરિક તરીકે ભાગ ભજવ્યો છે. એ બધા પૈસા જે આપણી સોનાની લગડીઓમાં, જમીનના આસમાની ભાવોમાં. બિલ વગર લીધેલી વસ્તુઓમાં અને ગોડાઉનોમાં ભરેલા કોથળાઓમાં રોકાઇ ગયા એ પૈસા પરનો ટેક્સ એ ગરીબ સુધી પહોંચવાનો હતો. પણ આપણી બેજવાબદાર અને સ્વાર્થી જીવનપદ્ધતિથી એ ત્યાં ના પહોંચ્યો. આથી, સરકાર કોઇપણ નિર્ણય કરે તે પહેલા બહુ જરૃરી છે કે ઐતિહાસિક બદલાવના આ પડાવે આપણે આપણા ભૂતકાળના પાપોનું પ્રાયશ્ચિત કરી લઇએ અને એક સાચા ભારતીય તરીકે સમાજવાદનો રાષ્ટ્રીય આદર્શને સમજી લઇએ. જ્યાં સુધી એ આદર્શ આપણે નહીં સમજી શકીએ ત્યાં સુધી ‘કેશલેસ ભારત’નું સાચું મહત્વ પણ આપણે નહી સમજી શકીએ. કારણ કે સુવ્યવસ્થા ખાલી સરકારી કાયદાઓથી નથી આવતી, તે નાગરિકોની નૈતિક સમજદારીથી આવે છે.

January 22 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

શું આપણે ખરેખર સ્વ-તંત્ર છીએ ?

ભાગ ૧ – જમણેરીઓની પરતંત્રતા

“જો આધ્યાત્મના ભગવા રંગને દેશી રાજ-સત્તાનું પ્રતિક બનાવવામાં આવ્યો હોત તો આધ્યાત્મિક સિદ્ધાંતો જ સત્તાના કાયદા બની જાત અને આધ્યાત્મિક સિદ્ધાંતો વિરુધ્ધ સવાલો પૂછવાની મનુષ્યની સ્વતંત્રતા ખતમ થઇ જાત.”

ચાણક્યના દિશા નિર્દેશ અનુસાર ચંદ્રગુપ્તની સેનાએ પશ્ચિમ ભારતના તમામ રજવાડાઓને સિકંદરના સેનાપતિ સેલ્યુક્સ નિકેટર પાસેથી જીતી લીધા. ચાણક્યએ ચંદ્રગુપ્તને એ પશ્ચિમ રજવાડાઓનો રાજા ઘોષિત કર્યા અને એ ઘોષણા સમયે ચંદ્રગુપ્તે પ્રજા સમક્ષ ગુરુ ચાણક્યના આ વિચારો રજૂ કર્યા. ‘ગુરુદેવ કહે છે કે ખાલી વિદેશી આક્રમણખોરોના હારી જવાથી કે તેમના ચાલ્યા જવાથી પરતંત્રતા ખતમ નથી થતી. પર-તંત્રનો અર્થ છે કોઇ બીજાનું તંત્ર. અને સ્વ-તંત્રનો અર્થ છે પોતાનું તંત્ર. જ્યાં સુધી આપણે એ વિદેશીઓના વિચારોથી બનેલા તંત્રથી મુક્ત થઇને આપણા પૂર્વજોએ બતાવેલા વિચારોના તંત્ર મુજબ નથી જીવતા ત્યાં સુધી આપણે પર-તંત્ર જ રહીએ છીએ. સ્વ-તંત્ર બનવું મતલબ પોતાની સંસ્કૃતિના આદર્શો અને સિધ્ધાંતો પ્રમાણે જીવન જીવવા સક્ષમ બનવું.’

            હજારો વર્ષો પહેલા જંગલોમાં અને પહાડો પર તપસ્યા કરીને ભારતીય ઋષિમુનિઓએ મહાન આધ્યાત્મિક સિધ્ધાંત રજૂ કર્યા. એ આધ્યાત્મિક સિધ્ધાંતોથી જ આપણા આજના હિંદુ ધર્મનો પાયો નંખાયો. એ ઋષિમુનિઓ એક સિધ્ધાંત શોધતા અને પછી તેના સામે સવાલ ઊભો કરતા. અને એ સવાલના જવાબ રુપે તેમને આગળનું સત્ય મળતું. આ રીતે ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મનો વિકાસ થતો ગયો અને તેનો પ્રતિક બન્યા ઋષિઓ અને સંન્યાસીઓએ ધારણ કરેલા ભગવા કપડા. ભગવો રંગ સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને સમયના આકાશનો રંગ દર્શાવે છે. તપ અને યોગ દ્વારા ઉત્પન્ન થતું આત્મજ્ઞાાન જ્ઞાાનના સૂર્યોદયનું પ્રતિક હતું અને આત્મજ્ઞાાનના માર્ગે છેવટે પ્રાપ્ત થતો મોક્ષ સૂર્યાસ્તનો પ્રતિક હતો. આમ, ભગવો રંગ જગતની તમામ ભૌતિક સત્તાઓથી વિરક્ત થઇને સૃષ્ટિની અંતિમ સત્તા એવા બ્રહ્મ સાથે એકરુપ થવાના કાર્યનો પ્રતિક હતો. મતલબ તે અધ્યાત્મ અને વૈરાગ્યનો પ્રતિક બન્યો. આથી, આગળ જતાં એ આધ્યાત્મ પર જે સનાતન હિંદુ ધર્મ ઉત્પન્ન થયો તેના પ્રતિક રુપે પણ મંદિરો પર ભગવા રંગની ધજા રાખવામાં આવી. પણ એ ભગવા ધ્વજને સત્તાના પ્રતિક રુપે પ્રાચીન ભારતની રાજ્યવ્યવસ્થામાં ક્યારેય દાખલ કરવામાં ન આવ્યો. ત્યાં સુધી કે ભારતના ઈતિહાસનું સૌપ્રથમ અખંડ ભારત સ્થાપવાવાળા ચાણક્યએ પણ સમ્રાટ ચંદ્રગુપ્ત મોર્યના શાસનના પ્રતિક તરીકે ભગવા રંગને ન સમાવતાં સિંહ અને ચોવીસ આરા ધરાવતા ચક્રની આકૃતિઓ સમાવી. કારણ એ જ હતું કે જે ભગવો રંગ તમામ ભૌતિક સત્તાઓથી વૈરાગ્યનો પ્રતિક છે તેને રાજ-સત્તાના પ્રતિક તરીકે કેવી રીતે રાખી શકાય ? બીજું કારણ એ હતું કે મનુષ્યમાં આધ્યાત્મનો વિકાસ ત્યારે જ થતો જ્યારે શાસ્ત્રોમાં કહેવામાં આવેલા સત્ય વિરુધ્ધ તે સંદેહ ઊભો કરતો. આ સંદેહોના જવાબ મનુષ્યને મળતા ત્યારે શાસ્ત્રોમાં કહેલું જ્ઞાાન મનુષ્યના મનમાં ઉત્પન્ન થતું અને એ રીતે જ ભારતીય આધ્યાત્મનો સતત વિકાસ થતો ગયેલો. આ રીતે જ ભારતીય આધ્યાત્મ ખાલી ઉપનિષદોના અદ્વૈત તત્વજ્ઞાાન સુધી સિમિત ન રહેતાં જ્યોતિષશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, શાસ્ત્રીય સંગીત, આયુર્વેદ અને સુશ્રુત સંહિતાની પ્લાસ્ટિક સર્જરી તથા આંખના ડોળાની સર્જરી સુધી વિકસેલું.

            પણ જો આધ્યાત્મના ભગવા રંગને દેશી રાજ-સત્તાનું પ્રતિક બનાવવામાં આવ્યો હોત તો? તો આધ્યાત્મિક સિદ્ધાંતો જ સત્તાના કાયદા બની જાત અને સત્તાના કાયદાઓને આંખો બંધ કરીને પાળવા પડતા હોવાથી એ આધ્યાત્મિક સિદ્ધાંતો વિરુધ્ધ સવાલો પૂછવાની મનુષ્યની સ્વતંત્રતા ખતમ થઇ જાત. પરીણામે મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ અટકી જાત અને સત્તાધીશ લોકો શાસ્ત્રોના અનુકૂળતા મુજબ અર્થ કરીને ધર્મના નામે રાજકીય સત્તા ઊભી કરત. એટલે આધ્યાત્મ પર ઊભો થયેલો ધર્મ મનુષ્યની મુક્તિનો માર્ગ ન બનતાં તેમની ગુલામીનો માર્ગ બની જાત. ભારતના ઋષિઓએ ટાળેલી આ ભૂલ આરબમાં મોહમ્મદ પયગંબરે ઇસ્લામના ઝડપી ફેલાવાની કોશિશમાં કરી દીધી. તેમણે હજી તો ખાલી એક અલ્લાહના નામે એકેશ્વરવાદનો સિધ્ધાંત જ શોધ્યો હતો ત્યાં જ તે સિધ્ધાંતને લીલા રંગનું પ્રતિક આપી સત્તાનું કેન્દ્ર બનાવી દીધું. પરીણામ એ આવ્યું કે છેક સાતમી સદીમાં મોહમ્મદ પયગંબરે શોધેલા આધ્યાત્મિક સિધ્ધાંતોથી આગળ ઇસ્લામમાં કોઇ નવો આધ્યાત્મિક વિકાસ ન થયો અને મોહમ્મદના અનુયાયીઓ દુનિયાભરમાં એ અધૂરા સિધ્ધાંતો પર તૈયાર કરાયેલા ક્રિયાકાંડો સ્થાપવા લીલા રંગના ઝંડા સાથે નીકળી પડયા. આ અનુયાયીઓ જ્યારે ભારતમાં પ્રવેશ્યા ત્યારે ઘણીબધી સદીઓ સુધી ભારતીયોને ખબર જ ન પડી કે આમના સાથે લડવું કઇ રીતે. કારણ કે તલવાર લઇને કત્લેઆમ કરી ધર્મનો ફેલાવો કરતા આક્રાંતાઓ તેમણે પહેલીવાર જોયા હતા. આખરે રાજપૂતો સમજ્યા કે અસલમાં આ કોઇ વિસ્તારની લડાઇ નથી. આ આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાનના અસ્તિત્વની લડાઇ છે. પરીણામે રાજપૂતોએ એ મુસ્લિમ આક્રમણખોરોના લીલા ઝંડા સામે ભારતીય આધ્યાત્મનો ભગવો ધ્વજ પકડી લીધો અને એક નવા સંઘર્ષને શરૃ કર્યો. આ રીતે રાણા પ્રતાપ, શિવાજી અને બાજીરાવ પેશ્વાના સમય સુધીમાં ભગવો ધ્વજ ભારતના હિંદુ રાજ્યોનો પ્રતિક બન્યો અને લીલો રંગ ભારતના મુસ્લિમ રાજ્યોનો. આમ, મોગલોના પર-તંત્ર સાથે લડવાની કોશિશમાં આપણે ભગવા ધ્વજને સત્તાથી દૂર રાખવાનું સ્વ-તંત્ર ગુમાવ્યું. ભગવા અને લીલા રંગના ધ્વજોની એ લડાઇ વીસમી સદી આવતા સુધીમાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાના રુપમાં ફેરવાઇ ગઇ. અને ભારતની આઝાદી વખતે એ પર-તંત્રમાં ફસાઇ ગયેલા લોકોએ ભગવા ધ્વજને ભારતનો રાષ્ટ્રધ્વજ બનાવવાની માંગ કરી. પણ સદભાગ્યે ગાંધીજીના રુપમાં વેદોનું આધ્યાત્મ કંઇક અંશે વીસમી સદીના ભારતમાં જાગૃત થયું હતું. જેણે ભગવા ધ્વજના સ્થાને તિરંગાને પસંદ કર્યો જે ક્રમિક બદલાવ પછી અશોકના અખંડ ભારતના પ્રતિક એવા અશોક ચક્ર ધરાવતા આજના તિરંગામાં બદલાયો. આ રીતે આઝાદ ભારતમાં એટલું સ્વ-તંત્ર તો આપણે પાછું મેળવ્યું.

            પણ મોઘલોના એ જ પરતંત્રમાં કેદ કેટલાંક તથાકથિત હિંદુવાદી આજેય ભગવા ધ્વજને દેશની સત્તાનું પ્રતિક બનાવવા માગે છે. આપણે તેમને જમણેરી કહીએ છીએ જે પોતાના પૂર્વજોના સ્વ-તંત્રમાં આવી શક્યા નથી. આ કારણે તેમની માનસિકતા પણ ધીરે ધીરે એવી જ થતી જાય છે જેવી સાતમી સદી પછી ક્રમિક રીતે મુસ્લિમોની થઇ હતી. જેમ મુસ્લિમો લીલા રંગ સામે જોઇને સાતમી સદીથી આગળ વધી નથી શકતા તેમ આ જમણેરીઓ ભગવા રંગને જોઇને આરએસએસની સ્થાપના અને શિવાજી-રાણા પ્રતાપનો ભગવો ધ્વજ પકડયાના સમયથી પાછળ નથી જઇ શકતા. તેમને ના વેદો-ઉપનિષદો રચવાવાળા ઋષિઓનું કોઇ જ્ઞાન છે ના તેમના આધ્યાત્મનું. તેમના શ્રેષ્ઠ વિચારકો પણ ૧૯૨૫ પછી દેશમાં થયેલી રાજનીતિના જ વિચારકો છે, હિંદુ આધ્યાત્મના નહીં. આ કારણે આઝાદ ભારતમાં ભગવો રંગ ઋષિઓના આધ્યાત્મનું પ્રતિક ન બનતાં રાજનીતિ માટે વપરાતા એક કોસ્મેટીક હિંદુ સંપ્રદાયનો પ્રતિક બની ચૂક્યો છે. આ વાતનો પૂરો લાભ અંગ્રેજોના પરતંત્રમાં જીવતા ડાબેરીઓ અને મિથ્યાજ્ઞાનીઓ ઊઠાવે છે અને ભગવા રંગને સાંપ્રદાયીકતાના પ્રતિક તરીકે ચીતરી બદનામ કરે છે. એ બદનામીથી બચવા આજનો બુધ્ધિજીવી નવયુવાન આત્મજ્ઞાનના સૂર્યોદયનું પ્રતિક એવા એ ભગવા રંગથી દૂર ભાગે છે અને પરીણામે દેશમાં જેની સૌથી વધારે જરુર છે તે પ્રાચીન ભારત જેવી આધ્યાત્મિક ક્રાંતિ થઇ નથી શકતી. આ બધું થયું છે વિદેશી આક્રાંતાઓના ચાલ્યા ગયા પછી સ્વ-તંત્રના આદર્શોને ફરી ધારણ ન કરી શકવાના કારણે. આવા જ એક બીજા પરતંત્રમાં જીવતા ડાબેરીઓ અને મિથ્યાજ્ઞાનીઓની વાત આવતા લેખમાં.

January 29 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

શું આપણે ખરેખર સ્વ-તંત્ર છીએ ?

ભાગ ૨ – ડાબેરીઓ અને મિથ્યાજ્ઞાનીઓની પરતંત્રતા (Title was changed in Newspaper article by the owners)

“અંગ્રેજોએ ગુલામ ભારતમાં ગુરૃકુળ વ્યવસ્થા બંધ કરી દીધી અને અંગ્રેજોની શિક્ષણપ્રથા અમલમાં મૂકી દીધી જેનું મૂળ બસ નોકરી મેળવીને કર્મચારી બનવાનું હતું.  ભારતમાં ગુરૃકુળોનું સ્વ-તંત્ર નષ્ટ પામ્યું અને અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિનું પર-તંત્ર અસ્તિત્વમાં આવ્યું.”

આફ્રિકાથી બહાર નીકળેલી માનવજાતિ સૌપ્રથમવાર પ્રાચીન ભારતીય સભ્યતા રૃપે જ એક સંસ્કૃતિ બની. મતલબ, મનુષ્યોને કુદરત દ્વારા બીજા પ્રાણીઓ કરતા ઘણી વધારે શક્તિઓ મળી છે એવું વિચારવાવાળા અને એ શક્તિઓ કેમ મળી છે એનું સત્ય શોધવાવાળા આપણે ભારતીયો આ ધરતી પર પહેલા હતા. અને એ સત્ય શોધ્યુ આપણી સંસ્કૃતિના વૈજ્ઞાાનિકો કહેવાતા ઋષિઓએ. અને જે વિજ્ઞાન દ્વારા એ સત્ય શોધવામાં આવ્યું એ હતું ‘આધ્યાત્મ’. આધ્યત્મ મતલબ ‘આત્માનું અધ્યયન.’ સ્વયંના આત્માનું અધ્યયન કરીને જ એ ઋષિઓએ સમગ્ર બ્રહ્માંડ અને મનુષ્યની ઉત્પત્તિના કારણને જાણ્યું હતું. એ આત્માના અધ્યયને જ તેમને કહ્યું કે આ સમગ્ર બ્રહ્માંડ ‘બ્રહ્મ’ નામની એક જ પ્રકારની ઉર્જાથી બનેલું છે અને આજે અસ્તિત્વ ધરાવતા આ બધા તારાઓ, ગ્રહો, પહાડો, નદીઓ, વૃક્ષો, પશુ-પક્ષીઓ અને મનુષ્યો બ્રહ્માંડની ઉત્પતિ પહેલા આ જ બ્રહ્મના એક બિંદુવત દડા રૃપે એક સ્પંદનમાં ધબકી રહ્યા હતા. સ્પંદિત થતો બ્રહ્મનો એ બિંદુવત પિંડ જ તે સમયની સૃષ્ટિ હતો. આથી, તેને અદ્વૈત (જ્યાં બીજું કંઈ નથી તે) પિંડ કહે છે.

            ત્યારબાદ કોઈ કારણથી તે અદ્વૈત પિંડ ફૂટયો અને બ્રહ્મ વિખેરાઈ ગયું અને સમય જતાં આજના વિવિધ રૃપોમાં ફેરવાઈ ગયું. તારાઓ, ગ્રહો, પહાડો, નદીઓ, વૃક્ષો, પશુ-પક્ષીઓ અને મનુષ્યો જેવા આજના આ બધા રૃપો એક જ અદ્વૈત પિંડમાંથી છૂટા પડયા છે. આ કારણે તેઓ એકબીજા વિના અધૂરા છે અને એકબીજા તરફ પોતાની અભિવ્યક્તિ કરી રહ્યા છે. તેમની આ અભિવ્યક્તિ એકબીજા સાથે ફરી જોડાઈ જવાનો પ્રયાસ છે. પણ કારણ કે તેમની ઈન્દ્રિયો તેમના અલગ અલગ શરીરોને જુએ છે, તે ઈન્દ્રિયો તેમના મનમાં એ અલગાવવાદનો રેકોર્ડ સ્થાપી દે છે કે ‘હું બાકીના સ્વરૃપોથી અલગ છું’. દરેક પ્રાણીના મનમાં રચાયેલા આ અલગાવવાદના રેકોર્ડને જ કહે છે – અહમ, જે બ્રહ્મના તે વિવિધ સ્વરૃપોને એકબીજા સાથે જોડાવા નથી દેતો. એટલે વિલન શરીરો નથી. વિલન આ અહમ છે જે ઈન્દ્રિયોની મર્યાદાથી ઉભો થયો છે. ‘હું બધાથી અલગ છું’ એ અહમ જો તૂટી જાય તો પ્રાણી જાણી જાય કે હું બ્રહ્માંડના દરેક રૃપોમાં રહેલું અદ્વૈત બ્રહ્મ છું. સમસ્ત હું જ છું.’ શરીર તો એક સાધન છે. જ્યાં સુધી અહમ તેને ચલાવે છે તે એ એક પ્રાણીના મન મુજબ ચાલે છે, જ્યારે અહમ તૂટી જાય છે ત્યારે સમગ્ર સૃષ્ટિનું બ્રહ્મ તેને ચલાવે છે. અને એવા શરીરને આપણે ઈશ્વર કે ઈશ્વરના અવતારો કહીએ છીએ.

            આમ, મનુષ્યને સૌપ્રથમ આત્માનું અધ્યયન દ્વારા અહમ તોડી પોતાના અદ્વૈત બ્રહ્મ સ્વરૃપને જાણી લેવાનું છે. આ કાર્યને જ મોક્ષ કહે છે જે મનુષ્યના આત્મારૃપી બ્રહ્મને સૃષ્ટિના બ્રહ્મ સાથે અદ્વૈતની સ્થિતિએ એક કરી દે છે. બધા પ્રાણીઓમાં પોતાના આત્માનું અધ્યયન કરી મોક્ષ મેળવવાની ક્ષમતા મનુષ્ય જ ધરાવે છે. અને એ જ મનુષ્યની ઉત્પતિનું કારણ છે. બ્રહ્મ પ્રાણીઓના આત્મારૃપે ઉત્ક્રાંતિ પામતું પામતું મનુષ્ય શરીરમાં આવી અદ્વૈત પિંડ સ્વરૃપે મોક્ષ મેળવે છે. જેમ જેમ વધુને વધુ બ્રહ્મ મનુષ્યશરીરથી મોક્ષ પામી અદ્વૈત સ્થિતિને પ્રાપ્ત કરતુ જશે તેમ તેમ ફરી પોતાના વિવિધ રૃપોને એક જ સ્પંદનમાં સમાવી લેતો અદ્વૈત પિંડ બની જશે. આમ, અલગ પડી ગયેલા બ્રહ્મના આ વિવિધ રૃપોને ફરી એકત્વમાં બાંધવાનું કામ મનુષ્ય રૂપે જન્મેલા દરેક આત્માનું છે. આ રીતે વેદોના આધ્યાત્મ મુજબ જે તે એકત્વ તરફ આગળ વધવા કર્મ કરે છે તે સાચો છે અને જે પોતાના અહમનો ગુલામ બનીને વ્યક્તિગત સ્વાર્થ માટે કર્મ કરે છે તે ખોટો છે.

            આટલુ જાણી લેતાં જ પ્રાચીન ભારતમાં ગુરૃકુળો રૃપે શિક્ષણવ્યવસ્થા ઉભી થઈ જ્યાં દરેક મનુષ્ય આ આધ્યાત્મના માર્ગે પોતાના અસ્તિત્વ પાછળનું કારણ જાણતો. અહીં, દરેક મનુષ્ય જાણતો કે પોતાના બ્રહ્મરૃપનો સાક્ષાત્કાર જ મુખ્ય લક્ષ્ય છે અને જ્યાં સુધી એ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધીનું જીવન તેને પ્રકૃત્તિના આ વિવિધ રૃપોને પોતાના જ રૃપો માનીને તેમનું સંવર્ધન કરવામાં વિતાવવાનું છે. આમ, દરેક મનુષ્યમાં પ્રગટેલું એ આધ્યાત્મ ભારતીય સંસ્કૃતિના સામાજીક, આર્થિક, રાજનૈતિક અને ધાર્મિક એમ દરેક પાસાનું મુખ્ય અંગ બન્યું. સદીઓ સુધી આ રીતે ચાલતો ભારતીય સમાજ અનેક વિદેશી આક્રમણો છતાં છેક ઓગણીસમી સદીના પૂર્વાધ સુધી પોતાની આ ગુરૃકુળ શિક્ષણપ્રથા જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. પણ ૧૮૩૫માં મોકેલોએ એ જાણી લીધું જે તેના પહેલાના કોઈ વિદેશી આક્રાંતાએ નહોતું જાણ્યું. તેણે જાણ્યું કે, ‘આ લોકોના ઉપનિષદોએ તો મનુષ્યની ઉત્પત્તિના કારણને જ છતુ કરી દીધું છે અને બધા ભારતીયો જન્મથી જ બાયડીફોલ્ટ એ અદ્વૈતના જ્ઞાાન સાથે જીવન જીવે છે. આ આધ્યાત્મ જ એમનુ મૂળ છે જે તેમને ગુરૃકુળોમાં મળે છે. જ્યાં સુધી આધ્યાત્મનું મૂળ તેમની સાથે છે તેઓ ક્યારેય બીજા કોઈ વિદેશી વિચારને નહીં અપનાવે કારણ કે વિશ્વનો કોઈ બીજો વિચાર સત્યની આટલી સંપૂર્ણતાએ પહોંચ્યો નથી.’ બસ, તેની આ સલાહ પછી અંગ્રેજોએ ગુલામ ભારતમાં ગુરૃકુળ વ્યવસ્થા બંધ કરી દીધી અને અંગ્રેજોની શિક્ષણપ્રથા અમલમાં મૂકી દીધી જેનું મૂળ બસ નોકરી મેળવીને કર્મચારી બનવાનું હતું. આમ, ભારતમાં ગુરૃકુળોનું સ્વતંત્ર નષ્ટ પામ્યું અને અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિનું પર-તંત્ર અસ્તિત્વમાં આવ્યું.

            ત્યારબાદ ભારતમાં જે પણ ભારતીયો પેદા થયા તેમનો તેમના પૂર્વજો એવા ઋષિમુનિઓથી અને તેમના આધ્યાત્મથી સબંધ ખતમ થઈ ચૂક્યો હતો. કોરી સ્લેટ જેવા આ ભારતીયોના મનને અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ વડે પશ્ચિમના નાસ્તિક અને ભૌતિકવાદી તત્ત્વજ્ઞાાનથી ભરવામાં આવ્યું. જ્યારે બીજી બાજુ હિંદુ ધર્મના પુરાણોથી લઈને રામાયણ-મહાભારત સુધીના દરેક શાસ્ત્રનું મૂળ વેદોનું આધ્યાત્મ હતું. આથી, ભારતના આ હિંદુઓ પણ ભારતીય શાસ્ત્રોને એ જ છીછરી ભૌતિક દ્રષ્ટિથી મૂલવવા લાગ્યા જે રીતે પશ્ચિમના ઈન્દ્રિયગ્રસ્ત લોકો મૂલવતા હતા. પરિણામે એ ભારતીયો માટે પણ હિંદું ધર્મ કોઈ આધ્યાત્મિક ચિંતન ન રહેતાં બીજા ધર્મો જેવો એક સંપ્રદાય બની ગયો જેને તેઓ બીજા સંપ્રદાયોની જેમ જ મનુષ્યો વચ્ચે ભેદ ઉત્પન્ન કરતું એક નકારાત્મક પરીબળ ગણીને નફરત કરવા લાગ્યા. બ્રહ્મના એકત્વનું લક્ષ્ય વિસરાઈ જતાં આ હિંદુઓની સાચા-ખોટાની પરિભાષાઓ જ બદલાઈ ગઈ. તેઓ કાર્લ માર્ક્સની એ પશ્ચિમી નાસ્તિકવાદી વ્યાખ્યામાં ફસાયા કે – ‘કોણ સાચું અને કોણ ખોટું એ નક્કી કરવાનો કોઈને અધિકાર નથી. દરેક માણસ પોતાના સ્થાને સાચો છે. મનુષ્ય જીવનનું કોઈ લક્ષ્ય આપણને ખબર નથી. એટલે જેને જે કરવું હોય તે કરી શકે.’ અંગ્રેજોના પરતંત્રમાં ફસાયેલા આવા હિંદુઓને આપણે ડાબેરીઓ અને સ્યુડોઈન્ટેલેક્યુઅલ્સ કહીએ છીએ, જે પોતાના જ હિંદુ સ્વ-તંત્રને ગાળો આપવામાં પોતાની શાન માને છે. તેઓ આજે પણ અંગ્રેજોના ગુલામ છે અને એ વિદેશી પરતંત્રતા જ તેમની ઓળખ છે.

February 05 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

આપણે રાઇટ કે લેફ્ટ નથી, આપણે આર્ય છીએ!

“એક સમય હતો જયારે સમગ્ર પૃથ્વી પર આપણે જ આધ્યાત્મના માર્ગે આત્મજ્ઞાન મેળવનારા લોકો હતા. એ વખતનો આપણો સનાતન ધર્મ સમગ્ર માનવજાતિને સત્યનો બોધ આપતો.”

એકવાર એક રસ્તે ચાલતા માણસે ફૂટપાથ પર બેઠેલા બે અનાથ છોકરાઓને તેમના બાપ પર ગાળ દીધી. એટલે એક છોકરાએ તે માણસ સાથે સામસામી ગાળો બોલવાનું અને ઝઘડવાનું શરૃ કરી દીધું. પણ બીજા છોકરાએ કહ્યું, ‘હશે ! મારો બાપ એવો જ હશે.’ એમ કહીને તેણે પોતે જ પોતાના બાપને બે ગાળ આપી દીધી. હકીકત એ હતી કે બેમાંથી એકે ય છોકરાને તેમનો બાપ કોણ છે એ ખબર નહોતી. પણ છતાં ય એક માટે તેનો બાપ અહમનો વિષય હતો એટલે તેણે ઝઘડો શરૃ કર્યો, જ્યારે બીજાને માટે તેનો બાપ નાસ્તિકતાનો વિષય હતો એટલે એને પોતાના જ બાપને ગાળ બોલવામાં કોઈ વાંધો નહોતો. અહીં પહેલો છોકરો જમણેરી કહેવાશે, જ્યારે બીજો ડાબેરી. માણસ જ્યારે ‘હું કોણ છું’ એ મૂળ જાણકારી ગુમાવી દે છે ત્યારે કાં તો ડાબેરી બને છે કાં તો જમણેરી. બંને ભટકાવ છે. બંને અજ્ઞાાન છે. જ્યાં સુધી મનુષ્ય પોતાની એ બ્રહ્મરૃપી મૂળ ઓળખથી રૃબરૃ નથી થતો ત્યાં સુધી તે આ બે બાજુઓમાં ભટકતો રહે છે. આ બંને માર્ગ પર કોઈ સત્ય કે સફળતા પ્રાપ્ત થતી નથી. તે બંને માર્ગ એક હદથી આગળ જઈ કટ્ટરતા પ્રાપ્ત કરી દે છે અને સત્યને જ હાનિ પહોંચાડે છે.

            આપણે ભારતીયો ક્યારેય આવી રાઇટ-લેફ્ટમાં વહેંચાવાવાળી પ્રજાતિ નથી રહ્યા. આપણે આર્ય છીએ. ભારતની આર્ય સંસ્કૃતિમાં મનુષ્યનું જીવન ‘હું કોણ છું ?’ એ સત્યનો સાક્ષાત્કાર કરવાના કાર્યથી જ શરૃ થતું. આ રીતે ભારતીય જ્યારે એ જ્ઞાનથી રૃબરૃ થતો કે, ‘હું સમગ્ર સંસારમાં ફેલાયેલું અદ્વૈત બ્રહ્મ છું જે એક આત્મારૃપે આ શરીરમાં અભિવ્યક્તિ કરી રહ્યું છે.’ – ત્યારે તે આર્ય કહેવાતો. આર્ય એટલે – ‘જે જાગેલો છે તે’. આર્ય મતલબ પ્રબુદ્ધ. આવા પ્રબુદ્ધ આર્યોથી બનેલી આર્ય સંસ્કૃતિ જ ભારતનું સ્વતંત્ર છે જેને આપણે આધુનિક ભારતમાં ગુમાવી ચૂક્યા છીએ. પરિણામે આપણે લેફ્ટ અને રાઇટમાં ભટકી ગયા છીએ અને પોતાનો અહમ્ સાચો સાબિત કરવા અંદરો-અંદર લડી રહ્યા છીએ. આ આખા માર્ગમાં ક્યાંય સત્ય નથી કે શ્રેષ્ઠતા પણ નથી. એ બસ પરતંત્રતા છે.

            આર્ય- સંસ્કૃતિનો સનાતન ધર્મ સમગ્ર બ્રહ્માંડના જડ અને ચેતન વસ્તુઓની એકતાને વ્યાખ્યાયિત કરતો હતો. સત્યના સંદેશને જીવી બતાવનાર દરેક મનુષ્યને સનાતન ધર્મમાં બ્રહ્મનો અવતાર કહેવામાં આવતો. અને એ અવતાર તેના દરેક જન્મ વખતે આ વાત કહેતો કે ‘ધરતી પર જ્યારે જ્યારે અધર્મ ઉત્થાન પામશે ત્યારે ત્યારે તે સ્થાને હું આવીશ.’ નાજરેથમાં પ્રેમ અને એકત્વનો સંદેશ આપનાર ઇસુ હોય કે આરબમાં એક ઇશ્વરનો બોધ આપનાર મોહમ્મદ હોય, ઇરાનીઓના જરથુષ્ટ્ર હોય કે યહૂદી તથા આરબોના અબ્રાહમ અને મોસીસ- તે સનાતન ધર્મના જ બ્રહ્મના અવતારો હતા. ભારતમાં ઋષિઓએ આત્મજ્ઞાાનના પ્રતીકરૃપે સૂર્યોદયનો ભગવો રંગ અપનાવ્યો હતો. પણ આરબના રણમાં વસંત ઋતુમાં ખીલતા ખજૂરીનાં લીલાં પાંદડાં જ પ્રકૃતિના ઉદયની નિશાની હતી. આથી ત્યાં પેદા થયેલા પયગંબરને જ્યારે આત્મજ્ઞાાન થયું ત્યારે તેમણે તેને અજ્ઞાાનની શુષ્કતામાંથી જ્ઞાાનની પ્રકૃતિ ખીલવાનું પ્રતીક માની લીલા રંગનાં કપડાં ધારણ કર્યા. આમ, પૃથ્વી પરના એક સ્થાને જે આત્મજ્ઞાનનો પ્રતીક ભગવો રંગ છે એ જ આત્મજ્ઞાાનનો પ્રતીક પૃથ્વી પરના એક બીજા સ્થાને લીલો રંગ છે. આપણે ખાલી ભગવા રંગને જ આપણો માનીશું તો પૃથ્વી પર તે એક સ્થળના અને તે એક સંપ્રદાયના માનવી બનીને રહી જઈશું. પણ જો પૃથ્વી પર આત્મજ્ઞાનના પ્રતીક એવા દરેક રંગ અને પ્રતીકને પોતાનું માનીશું તો આપણા સ્વ-તંત્ર એવા સનાતન ધર્મના પ્રતિનિધિ બનીશું.

            એક સમય હતો જયારે સમગ્ર પૃથ્વી પર આપણે જ આધ્યાત્મના માર્ગે આત્મજ્ઞાન મેળવનારા લોકો હતા. એ વખતનો આપણો સનાતન ધર્મ સમગ્ર માનવજાતિને સત્યનો બોધ આપતો. પણ સમય સાથે વિશ્વમાં અન્ય સંસ્કૃતિઓમાં પણ આત્મજ્ઞાનના માર્ગે બીજા ધર્મો અને તેમના પ્રતીકાત્મક રંગો અસ્તિત્વમાં આવ્યા. એટલે શું હવે આપણે તે બીજા ધર્મો અને તેમના રંગોને પારકા સમજવાના? નહિ. આપણો સનાતન ધર્મ આપણને એની મંજૂરી નથી આપતો. આપણે માટે એ રંગ પણ એટલા જ પૂજ્ય છે જેટલો ભગવો રંગ છે. આપણે જગતના એ ભિન્ન ભિન્ન ધર્મોને તેમના જ્ઞાનના પ્રતીક એવા રંગો સાથે પોતાનામાં સમાવી લેવાના છે. આપણે દેશની દરેક મસ્જિદો પર એમ કહીને હક કરવાનો છે કે અમે પણ મસ્જિદોમાં જઈને એ નિરાકાર બ્રહ્મની પ્રાર્થના કરવા માગીએ છીએ, જેને મુસ્લિમ ભાઈઓ ‘અલ્લાહ’ કહે છે. નિરાકાર બ્રહ્મની બંદગી કરવી એ અમારા સનાતન વેદાન્ત ધર્મની એક શાખા છે. એ જ રીતે આપણે જેમ જન્માષ્ટમી, રામનવમી અને શિવરાત્રિ ઊજવીએ છીએ તેમ ભગવાન ઇસુના જન્મદિવસ નાતાલને પણ એટલા જ પ્રેમ અને ભક્તિભાવથી ઉજવવાનો છે. કારણ કે જગતમાં સત્યનો ઉપદેશ આપનારો દરેક પયગંબર આપણા માટે બ્રહ્મનો અવતાર છે. નાતાલની ઉજવણી કરવાનું આ કામ સવા સો વર્ષથી બેલુર મઠમાં ચાલુ છે જે સનાતન ધર્મના મહાન એમ્બેસેડર ગણાતા વિવેકાનંદે શરૃ કરાવ્યું હતું. આમ, આપણે જગતના દરેક સંપ્રદાયને આપણા સનાતન ધર્મની એક શાખા બનાવી પોતાનામાં સમાવી લેવાનો છે. એ જ આપણું સ્વતંત્ર છે. સદીઓ સુધી વિદેશી સંસ્કૃતિઓની ગુલામી ભોગવડાવીને આપણને આઝાદ કરનાર બ્રહ્મ એ ગુલામી દ્વારા આપણને આ જ સંદેશ આપી રહ્યું છે.

            આપણા સ્વતંત્રમાં કોઈ પણ સંપ્રદાયના માર્ગે સત્ય સુધી પહોંચવાની કોશિશ કરતો દરેક મનુષ્ય સમાન છે એટલે દેશની રાજ્યવ્યવસ્થામાં કોઈ પણ સંપ્રદાય પાળતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો આવશ્યક છે. આ ઉપરાંત આપણું સ્વતંત્ર સત્યપ્રાપ્તિને મનુષ્ય જીવનનું લક્ષ્ય માને છે, સત્તાને નહી. આથી આપણા સ્વતંત્રમાં દરેક મનુષ્યનો દરેક સંપ્રદાય પર સમાન અધિકાર છે. પણ ધર્માંતરણોના માર્ગે ખાલી નામ, દેખાવ અને ગણવેશ બદલીને સંપ્રદાયના નામે સત્તા ઊભી કરવાનો સખ્ત વિરોધ છે. આપણું સ્વતંત્ર માનવજાતિને તેની મુક્તિના માર્ગે ધકેલતી એક એવી સંતુલિત વ્યવસ્થા છે જેનું મુખ્ય સાધન તેની અધ્યાત્મ પ્રેરિત શિક્ષણવ્યવસ્થા છે. બાળપણથી જ મનુષ્યને અસ્તિત્વનું ધ્યેય સમજાવતી એ શિક્ષણ વ્યવસ્થા પુન : શરૃ કર્યા સિવાય આપણું એ સ્વતંત્ર પાછું ફરી શકે તેમ નથી. આથી, આપણે તમામ સંપ્રદાયોમાંથી ક્રિયાકાંડોને અલગ કરી તેમના અસ્તિત્વ વિશેના તત્ત્વજ્ઞાાનને એકસૂત્રતામાં બાંધવાનું છે અને તેને પહેલા ધોરણથી જ તત્ત્વજ્ઞાનના વિષયરૃપે શિક્ષણ વ્યવસ્થામાં સામેલ કરવાનું છે. આ રીતે આપણે મોગલો અને અંગ્રેજોના પરતંત્રમાંથી બહાર નીકળી આપણા આર્ય-સંસ્કૃતિના સ્વતંત્રમાં પાછું ફરવાનું છે, જ્યાં દરેક સંપ્રદાયને સત્યના માર્ગે આગળ વધવાનો સમાન અવસર આપવામાં આવે છે અને ધાર્મિક બહુમતીના માર્ગે દુનિયા પર આધિપત્ય સ્થાપવાના ધર્માંતરણોના માર્ગને બંધ કરી દેવામાં આવે છે.

બોધ : આપણા સ્વતંત્રમાં ખાલી શિવાજીને માનનારા પણ ખોટા છે અને ખાલી ગાંધીને માનનારા પણ ખોટા છે. એક હિંદુ શું છે તેનો જવાબ આર્યોની ગર્ભ-સંસ્કારની વિધિમાંથી મળે છે. ગર્ભસંસ્કારની વિધિમાં ગર્ભવતી સ્ત્રીને એક ઔષધી પિવડાવવામાં આવે છે, જેમાં પીપળાની, વડની અને ગળોની છાલનો રસ હોય છે. પીપળો અધ્યાત્મિક પવિત્રતાનું પ્રતીક છે (ગાંધીજી), વડ એ આધ્યાત્મિક જ્ઞાનને દુનિયામાં ચારે બાજુ વિસ્તારવાનું પ્રતીક છે (વિવેકાનંદ) અને કડવી ગળો અધર્મ અને રોગ ઉત્પન્ન કરતી શક્તિઓનો નાશ કરવાનું પ્રતીક છે (શિવાજી), જે માણસમાં આ ત્રણમાંથી એક પણ ગુણ ગેરહાજર હોય તેને પોતાની જાતને હિંદુ કહેવાનો અધિકાર નથી. ગર્ભસંસ્કારના આ ત્રણ ગુણોને એક સાથે ધારણ કરનાર હિંદુ જ સ્વતંત્ર બન્યો છે એમ કહી શકાય.

October 09 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

'મ્યુનિક' : ઇઝરાયેલના લડાયક અભિગમની કિંમત સમજવી જરૃરી

“આ ફીલ્મ આપણને ઇઝરાયેલના પ્રખ્યાત લડાયક મિજાજની બીજી બાજુ સમજાવે છે.”

એકવાર એક રસ્તે ચાલતા માણસે ફૂટપાથ પર બેઠેલા બે અનાથ છોકરાઓને તેમના બાપ પર ગાળ દીધી. એટલે એક છોકરાએ તે માણસ સાથે સામસામી ગાળો બોલવાનું અને ઝઘડવાનું શરૃ કરી દીધું. પણ બીજા છોકરાએ કહ્યું, ‘હશે ! મારો બાપ એવો જ હશે.’ એમ કહીને તેણે પોતે જ પોતાના બાપને બે ગાળ આપી દીધી. હકીકત એ હતી કે બેમાંથી એકે ય છોકરાને તેમનો બાપ કોણ છે એ ખબર નહોતી. પણ છતાં ય એક માટે તેનો બાપ અહમનો વિષય હતો એટલે તેણે ઝઘડો શરૃ કર્યો, જ્યારે બીજાને માટે તેનો બાપ નાસ્તિકતાનો વિષય હતો એટલે એને પોતાના જ બાપને ગાળ બોલવામાં કોઈ વાંધો નહોતો. અહીં પહેલો છોકરો જમણેરી કહેવાશે, જ્યારે બીજો ડાબેરી. માણસ જ્યારે ‘હું કોણ છું’ એ મૂળ જાણકારી ગુમાવી દે છે ત્યારે કાં તો ડાબેરી બને છે કાં તો જમણેરી. બંને ભટકાવ છે. બંને અજ્ઞાાન છે. જ્યાં સુધી મનુષ્ય પોતાની એ બ્રહ્મરૃપી મૂળ ઓળખથી રૃબરૃ નથી થતો ત્યાં સુધી તે આ બે બાજુઓમાં ભટકતો રહે છે. આ બંને માર્ગ પર કોઈ સત્ય કે સફળતા પ્રાપ્ત થતી નથી. તે બંને માર્ગ એક હદથી આગળ જઈ કટ્ટરતા પ્રાપ્ત કરી દે છે અને સત્યને જ હાનિ પહોંચાડે છે.

            આપણે ભારતીયો ક્યારેય આવી રાઇટ-લેફ્ટમાં વહેંચાવાવાળી પ્રજાતિ નથી રહ્યા. આપણે આર્ય છીએ. ભારતની આર્ય સંસ્કૃતિમાં મનુષ્યનું જીવન ‘હું કોણ છું ?’ એ સત્યનો સાક્ષાત્કાર કરવાના કાર્યથી જ શરૃ થતું. આ રીતે ભારતીય જ્યારે એ જ્ઞાનથી રૃબરૃ થતો કે, ‘હું સમગ્ર સંસારમાં ફેલાયેલું અદ્વૈત બ્રહ્મ છું જે એક આત્મારૃપે આ શરીરમાં અભિવ્યક્તિ કરી રહ્યું છે.’ – ત્યારે તે આર્ય કહેવાતો. આર્ય એટલે – ‘જે જાગેલો છે તે’. આર્ય મતલબ પ્રબુદ્ધ. આવા પ્રબુદ્ધ આર્યોથી બનેલી આર્ય સંસ્કૃતિ જ ભારતનું સ્વતંત્ર છે જેને આપણે આધુનિક ભારતમાં ગુમાવી ચૂક્યા છીએ. પરિણામે આપણે લેફ્ટ અને રાઇટમાં ભટકી ગયા છીએ અને પોતાનો અહમ્ સાચો સાબિત કરવા અંદરો-અંદર લડી રહ્યા છીએ. આ આખા માર્ગમાં ક્યાંય સત્ય નથી કે શ્રેષ્ઠતા પણ નથી. એ બસ પરતંત્રતા છે.

            આર્ય- સંસ્કૃતિનો સનાતન ધર્મ સમગ્ર બ્રહ્માંડના જડ અને ચેતન વસ્તુઓની એકતાને વ્યાખ્યાયિત કરતો હતો. સત્યના સંદેશને જીવી બતાવનાર દરેક મનુષ્યને સનાતન ધર્મમાં બ્રહ્મનો અવતાર કહેવામાં આવતો. અને એ અવતાર તેના દરેક જન્મ વખતે આ વાત કહેતો કે ‘ધરતી પર જ્યારે જ્યારે અધર્મ ઉત્થાન પામશે ત્યારે ત્યારે તે સ્થાને હું આવીશ.’ નાજરેથમાં પ્રેમ અને એકત્વનો સંદેશ આપનાર ઇસુ હોય કે આરબમાં એક ઇશ્વરનો બોધ આપનાર મોહમ્મદ હોય, ઇરાનીઓના જરથુષ્ટ્ર હોય કે યહૂદી તથા આરબોના અબ્રાહમ અને મોસીસ- તે સનાતન ધર્મના જ બ્રહ્મના અવતારો હતા. ભારતમાં ઋષિઓએ આત્મજ્ઞાાનના પ્રતીકરૃપે સૂર્યોદયનો ભગવો રંગ અપનાવ્યો હતો. પણ આરબના રણમાં વસંત ઋતુમાં ખીલતા ખજૂરીનાં લીલાં પાંદડાં જ પ્રકૃતિના ઉદયની નિશાની હતી. આથી ત્યાં પેદા થયેલા પયગંબરને જ્યારે આત્મજ્ઞાાન થયું ત્યારે તેમણે તેને અજ્ઞાાનની શુષ્કતામાંથી જ્ઞાાનની પ્રકૃતિ ખીલવાનું પ્રતીક માની લીલા રંગનાં કપડાં ધારણ કર્યા. આમ, પૃથ્વી પરના એક સ્થાને જે આત્મજ્ઞાનનો પ્રતીક ભગવો રંગ છે એ જ આત્મજ્ઞાાનનો પ્રતીક પૃથ્વી પરના એક બીજા સ્થાને લીલો રંગ છે. આપણે ખાલી ભગવા રંગને જ આપણો માનીશું તો પૃથ્વી પર તે એક સ્થળના અને તે એક સંપ્રદાયના માનવી બનીને રહી જઈશું. પણ જો પૃથ્વી પર આત્મજ્ઞાનના પ્રતીક એવા દરેક રંગ અને પ્રતીકને પોતાનું માનીશું તો આપણા સ્વ-તંત્ર એવા સનાતન ધર્મના પ્રતિનિધિ બનીશું.

            એક સમય હતો જયારે સમગ્ર પૃથ્વી પર આપણે જ આધ્યાત્મના માર્ગે આત્મજ્ઞાન મેળવનારા લોકો હતા. એ વખતનો આપણો સનાતન ધર્મ સમગ્ર માનવજાતિને સત્યનો બોધ આપતો. પણ સમય સાથે વિશ્વમાં અન્ય સંસ્કૃતિઓમાં પણ આત્મજ્ઞાનના માર્ગે બીજા ધર્મો અને તેમના પ્રતીકાત્મક રંગો અસ્તિત્વમાં આવ્યા. એટલે શું હવે આપણે તે બીજા ધર્મો અને તેમના રંગોને પારકા સમજવાના? નહિ. આપણો સનાતન ધર્મ આપણને એની મંજૂરી નથી આપતો. આપણે માટે એ રંગ પણ એટલા જ પૂજ્ય છે જેટલો ભગવો રંગ છે. આપણે જગતના એ ભિન્ન ભિન્ન ધર્મોને તેમના જ્ઞાનના પ્રતીક એવા રંગો સાથે પોતાનામાં સમાવી લેવાના છે. આપણે દેશની દરેક મસ્જિદો પર એમ કહીને હક કરવાનો છે કે અમે પણ મસ્જિદોમાં જઈને એ નિરાકાર બ્રહ્મની પ્રાર્થના કરવા માગીએ છીએ, જેને મુસ્લિમ ભાઈઓ ‘અલ્લાહ’ કહે છે. નિરાકાર બ્રહ્મની બંદગી કરવી એ અમારા સનાતન વેદાન્ત ધર્મની એક શાખા છે. એ જ રીતે આપણે જેમ જન્માષ્ટમી, રામનવમી અને શિવરાત્રિ ઊજવીએ છીએ તેમ ભગવાન ઇસુના જન્મદિવસ નાતાલને પણ એટલા જ પ્રેમ અને ભક્તિભાવથી ઉજવવાનો છે. કારણ કે જગતમાં સત્યનો ઉપદેશ આપનારો દરેક પયગંબર આપણા માટે બ્રહ્મનો અવતાર છે. નાતાલની ઉજવણી કરવાનું આ કામ સવા સો વર્ષથી બેલુર મઠમાં ચાલુ છે જે સનાતન ધર્મના મહાન એમ્બેસેડર ગણાતા વિવેકાનંદે શરૃ કરાવ્યું હતું. આમ, આપણે જગતના દરેક સંપ્રદાયને આપણા સનાતન ધર્મની એક શાખા બનાવી પોતાનામાં સમાવી લેવાનો છે. એ જ આપણું સ્વતંત્ર છે. સદીઓ સુધી વિદેશી સંસ્કૃતિઓની ગુલામી ભોગવડાવીને આપણને આઝાદ કરનાર બ્રહ્મ એ ગુલામી દ્વારા આપણને આ જ સંદેશ આપી રહ્યું છે.

            આપણા સ્વતંત્રમાં કોઈ પણ સંપ્રદાયના માર્ગે સત્ય સુધી પહોંચવાની કોશિશ કરતો દરેક મનુષ્ય સમાન છે એટલે દેશની રાજ્યવ્યવસ્થામાં કોઈ પણ સંપ્રદાય પાળતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો આવશ્યક છે. આ ઉપરાંત આપણું સ્વતંત્ર સત્યપ્રાપ્તિને મનુષ્ય જીવનનું લક્ષ્ય માને છે, સત્તાને નહી. આથી આપણા સ્વતંત્રમાં દરેક મનુષ્યનો દરેક સંપ્રદાય પર સમાન અધિકાર છે. પણ ધર્માંતરણોના માર્ગે ખાલી નામ, દેખાવ અને ગણવેશ બદલીને સંપ્રદાયના નામે સત્તા ઊભી કરવાનો સખ્ત વિરોધ છે. આપણું સ્વતંત્ર માનવજાતિને તેની મુક્તિના માર્ગે ધકેલતી એક એવી સંતુલિત વ્યવસ્થા છે જેનું મુખ્ય સાધન તેની અધ્યાત્મ પ્રેરિત શિક્ષણવ્યવસ્થા છે. બાળપણથી જ મનુષ્યને અસ્તિત્વનું ધ્યેય સમજાવતી એ શિક્ષણ વ્યવસ્થા પુન : શરૃ કર્યા સિવાય આપણું એ સ્વતંત્ર પાછું ફરી શકે તેમ નથી. આથી, આપણે તમામ સંપ્રદાયોમાંથી ક્રિયાકાંડોને અલગ કરી તેમના અસ્તિત્વ વિશેના તત્ત્વજ્ઞાાનને એકસૂત્રતામાં બાંધવાનું છે અને તેને પહેલા ધોરણથી જ તત્ત્વજ્ઞાનના વિષયરૃપે શિક્ષણ વ્યવસ્થામાં સામેલ કરવાનું છે. આ રીતે આપણે મોગલો અને અંગ્રેજોના પરતંત્રમાંથી બહાર નીકળી આપણા આર્ય-સંસ્કૃતિના સ્વતંત્રમાં પાછું ફરવાનું છે, જ્યાં દરેક સંપ્રદાયને સત્યના માર્ગે આગળ વધવાનો સમાન અવસર આપવામાં આવે છે અને ધાર્મિક બહુમતીના માર્ગે દુનિયા પર આધિપત્ય સ્થાપવાના ધર્માંતરણોના માર્ગને બંધ કરી દેવામાં આવે છે.

બોધ : આપણા સ્વતંત્રમાં ખાલી શિવાજીને માનનારા પણ ખોટા છે અને ખાલી ગાંધીને માનનારા પણ ખોટા છે. એક હિંદુ શું છે તેનો જવાબ આર્યોની ગર્ભ-સંસ્કારની વિધિમાંથી મળે છે. ગર્ભસંસ્કારની વિધિમાં ગર્ભવતી સ્ત્રીને એક ઔષધી પિવડાવવામાં આવે છે, જેમાં પીપળાની, વડની અને ગળોની છાલનો રસ હોય છે. પીપળો અધ્યાત્મિક પવિત્રતાનું પ્રતીક છે (ગાંધીજી), વડ એ આધ્યાત્મિક જ્ઞાનને દુનિયામાં ચારે બાજુ વિસ્તારવાનું પ્રતીક છે (વિવેકાનંદ) અને કડવી ગળો અધર્મ અને રોગ ઉત્પન્ન કરતી શક્તિઓનો નાશ કરવાનું પ્રતીક છે (શિવાજી), જે માણસમાં આ ત્રણમાંથી એક પણ ગુણ ગેરહાજર હોય તેને પોતાની જાતને હિંદુ કહેવાનો અધિકાર નથી. ગર્ભસંસ્કારના આ ત્રણ ગુણોને એક સાથે ધારણ કરનાર હિંદુ જ સ્વતંત્ર બન્યો છે એમ કહી શકાય.

June 10 / 2017 / In Sadhana Magazine, Issue 36, Page 18-19

મોદી, બ્રીકઝીટ અને હવે ટ્રમ્પ: મીડિયાના લિબરલ રોમાન્સને તમાચો

“આ ત્રણેય ચૂંટણીઓમાં એક એવી વાત જોવા મળી જે પહેલા ક્યારેય જોવા નહોતી મળી. આ ત્રણેય વખતે લોકોનો રોષ નેતાઓ કરતા અખબારો અને ન્યુઝ ચેનલોના પત્રકારો તથા ન્યુઝ ચેનલો પર ચર્ચા કરવા આવતા બુદ્ધિજીવીઓ પર વધારે હતો.”

કેટલાક દિવસો પહેલા ભારતના એક અંગ્રેજી અખબારના જાણીતા મહિલા પત્રકારે એક તલસ્પર્શી નિષ્કર્ષ પેશ કર્યો. તેમને કહ્યું કે , “અમે ૨૦૧૪ ની ભારતની લોકસભા ચૂંટણી દરમિયાન ભારતમાં, ચાલુ વર્ષે બ્રીકઝીટની ચૂંટણી દરમિયાન બ્રિટનમાં અને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી વખતે અમેરિકામાં કવરેજ કર્યું. આ ત્રણેય ચૂંટણીઓમાં એક એવી વાત જોવા મળી જે પહેલા ક્યારેય જોવા નહોતી મળી. આ ત્રણેય વખતે લોકોનો રોષ નેતાઓ કરતા અખબારો અને ન્યુઝ ચેનલોના પત્રકારો તથા ન્યુઝ ચેનલો પર ચર્ચા કરવા આવતા બુદ્ધિજીવીઓ પર વધારે હતો. કારણ ગણા બધા છે પણ નિષ્કર્ષ એ છે કે પત્રકારોએ વિશ્વસનીયતા ગુમાવી છે અને લોકો તેમને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગે છે કે ‘તમે અમને ના કહો કે અમારે શું કરવું જોઈએ અને ક્યાં વોટ આપવો જોઈએ. એ અમે જાણીએ છીએ.'”

            પ્રજાના આ રોષનું કારણ અસલમાં ઊંડું છે. આ ત્રણ ચૂંટણીઓની એક બીજી પણ ખાસ બાબત હતી. ૨૦૧૪ ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી મુસ્લિમ વિરોધી ચહેરો હતા અને આખી ચૂંટણી મોદી ને લાવવા કે ન લાવવા એના પર હતી. બ્રીકઝીટનો આખો મુદ્દો મધ્યપૂર્વમાંથી યુરોપમાં આવતા શરણાર્થીઓના કારણે ઉભો થયો હતો. ઇરાક અને સીરિયામાં આઈએસનો આતંક શરુ થતા જ મધ્યપૂર્વ દેશોના મુસ્લિમ રહેવાસીઓ દેશ છોડી છોડીને યુરોપમાં રેફ્યુજી તરીકે ઘુસવા લાગ્યા અને ઉદારતાને પોતાની ઓળખ માનતા યુરોપીઅન યુનિયને આ મુસ્લિમ શરણાર્થીઓને સ્વીકારવામાં જ પોતાની શાન સમજી. આ શરણાર્થીઓમાંથી ઘણાબધાની વિચારધારા સ્ટીરીયો ટાઇપ ઇસ્લામિસ્ટની હતી. તેમણે યુરોપમાં ચોરી અને હત્યાઓ કરવાનું શરુ કર્યું. યુરોપીઅન યુવતીઓની છેડખાની અને બળાત્કાર થવાના કિસ્સા બહાર આવ્યા. અને આરોપી તરીકે જયારે આ મુસ્લિમ શરણાર્થીઓ પકડાયા ત્યારે તેમણે કહ્યું ‘ઇસ્લામમાં મુસ્લિમ ન હોય તેવી સ્ત્રીનો બળાત્કાર કરવાની છૂટ આપવામાં આવી છે.’ બીજી બાજુ પેરિસમાં ત્યાંના જ મુસ્લિમો વડે ભયાનક આતંકવાદી હુમલા શરુ થયા.

            આ બધું જોઈને પ્રમાણમાં રૂઢિવાદી વિચારો ધરાવતું બ્રિટન સમજી ગયું કે અસંખ્ય માત્રામાં રોજ યુરોપમાં ઘુસતા આ શરણાર્થીઓ યુરોપના રાજનૈતિક અને સામાજિક સમીકરણોને જ બદલી નાખશે. બ્રિટિશરો આ શરણાર્થીઓને બ્રિટનમાં ઘુસવા દેવા માંગતા નહોતા. પણ સંઘમાં રહેલા દરેક દેશને સંઘે કરેલો શરણાર્થીઓને સ્વીકારવાનો નિર્ણય માનવો જ પડે એમ હતો. આથી, બ્રિટનના અનેક રાજકીય અને સામાજિક સંગઠનોએ યુરોપીઅન સંઘને છોડવાની માંગ શરુ કરી. અને આ કારણે બ્રિટનનો સમાજ પણ એ જ બે ભાગોમાં વહેંચાયો જે ભાગોમાં ૨૦૧૪ માં ભારતીય સમાજ વહેંચાયો હતો. એક તરફ અવ્યવહારિક ઉદારતાને પોતાની બુદ્ધિજીવીતા સમજી બેઠેલા ઉદારવાદીઓ અને બીજી તરફ નજરે દેખાતા કડવા સત્યને અવગણવાને બદલે તેનાથી બચવાનો માર્ગ શોધતા વાસ્તવવાદીઓ. આ સમયે અમેરિકામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પની ઉમેદવારી પછી આ જ માહોલ હતો. ટ્રેમ્પે મુસ્લિમોને અમેરિકામાં આવતા રોકી દેવાની વાત કહીને સામાન્ય લોકોના ગુપ-ચૂપ અવાજને સમગ્ર વિશ્વ સામે લાવી દીધો. બીજી બાજુ અમેરિકાની કેટલીક એજન્સીઓએ એવા રિપોર્ટ રજુ કર્યા કે સાઉદી આરબ વિશ્વભરમાં ઇસ્લામ સ્થાપવા ત્રણ કર્યો માટે પૈસા મોકલે છે. એક આતંકવાદનો ફેલાવો, બીજો જે તે દેશના હિલેરી ક્લિન્ટન જેવા લિબરલ નેતાઓને શક્તિશાળી બનાવવા જેથી ઇસ્લામના વિસ્તરણનો વધુ વિરોધ ના થાય અને ત્રીજો વિશ્વભરના દેશોમાં મુસ્લિમોની વસાહતો સ્થપાય તે રીતે હાઉસિંગ માટે પૈસા મોકલવા. સ્વભાવે ઉદાર ગણાતા અમેરિકનો માટે આ બધા રિપોર્ટો એટલા અસહ્ય હતા કે સામે છેડે મહિલાઓ પ્રત્યે સાવ હીન વિચારો અને ચરિત્ર ધરાવતા ટ્રમ્પને પણ તેમણે તેના મુસ્લિમ વિરોધી મિજાજ માટે સમર્થન આપ્યું.

આમ, આ ત્રણેય ચૂંટણીઓમાં એક તરફ પોતાના દેશમાં મુસ્લિમોના વધતા પ્રભાવને રોકવા માંગતા લોકો હતા અને બીજી બાજુ ઇસ્લામના વિરોધને જ કટ્ટરવાદ કહી મુસ્લિમ વિરોધીઓને હરાવવાની હાકલ કરતા તથાકથિત ઉદારવાદીઓ હતા.

            ન્યુઝ ચેનલો અને વર્તમાનપત્રોના મોટાભાગના પત્રકારો પણ આ ત્રણેય ચૂંટણીમાં લોકો સામે એ જ ઉદારવાદી ચહેરા સાથે હાજર થયા અને ઇસ્લામિક વિચારોનો દેશમાં પ્રભાવ ઓછો કરવા લડતા લોકોને સાંપ્રદાયિક કહ્યા. દેશની પ્રજાને સાંપ્રદાયિકતા શું અને ધર્મનિરપેક્ષતા શું એ સમજાવવાની જાણે હોડ લાગી. એમાં સેલિબ્રિટીઓ પણ જોડાયા. દરેકને પોતાની જાતને બુદ્ધિજીવી અને ઉદાર સિદ્ધ કરવી હતી. જાણે જમીન પર રહીને દેશની દરેક મૂળભૂત સમસ્યાનો રોજ સામનો કરતી દેશની પ્રજા મૂર્ખ હોય અને ટીવી કેમેરા સામે જનતાનો અવાજ દબાવવાની કોશિશ કરતા એ પાખંડીઓ સાચા હોય. પણ પરિણામ તો આખરે એ ત્રણેય લોકશાહીમાં લોકોને જ આપવાનું હતું. ત્રણેય ચૂંટણીઓમાં એ જૂથ જ વિજેતા બન્યું જે વિશ્વમાં વધી રહેલી ઇસ્લામિક કટ્ટરતાથી પોતાના દેશને બચાવવા માગતું હતું. મતલબ, વિશ્વના અલગ અલગ ભૌગોલિક સ્થિતિમાં આવેલા એ ત્રણેય દેશોની પ્રજાએ લિબરલ રોમાન્સમાં રાચતા એ મીડિયાને અને બુદ્ધિજીવીઓને જોરદાર તમાચો જડી દીધો. કેટલાક એ લિબરલ રોમાન્સમાંથી બહાર આવીને આત્મમંથન કરવા લાગ્યા જયારે બીજા કેટલાક હજી એ જ રોમાન્સમાં જીવી રહ્યા છે અને દેશની પ્રજાએ લોકતાંત્રિક માર્ગે કરેલા નિર્ણયને વિભિન્ન માર્ગે ઉથલાવવા કોશિશ કરી રહ્યા છે. પણ રોમાન્સનો અર્થ જ એ છે કે – એક કાલ્પનિક આનંદ જે સત્યને ભુલાવીને જીવવાથી મળે છે. રોમાન્સ હંમેશા ક્ષણિક હોય છે. કારણ કે સત્યનું પુન:ઉત્થાન થતા જ એ નાશ પામે છે. ગાંધીજીનો લિબરલ રોમાન્સ ઇસ્લામના નામે દેશના વિભાજનથી નાશ પામ્યો હતો અને નહેરુનો રોમાન્સ કાશ્મીર અને અક્સાઈ ચીનના ભાગો ગુમાવીને શાંત થયો હતો. એટલે આવા લિબરલ રોમાન્સવાળા માણસો જો સત્તા પર આવી જાય તો દેશને કેવું ભોગવવાનું આવે છે તે કદાચ આજના સમયની માનવજાતિ જાણે છે. અને એ જ આ ચૂંટણીઓના સમાન પરિણામનું કારણ છે.

            વિશ્વભરમાં આ એકતરફી ચુકાદો આપીને માનવસમાજે વિશ્વભરના મુસ્લિમ સમાજને પણ એક કડક સંદેશ આપ્યો છે. તે સંદેશ એ છે કે પૃથ્વી પર વસતી આ માનવજાતિ કોઈના બાપની મિલકત નથી કે તે આવીને કહેવા લાગે કે ‘સૃષ્ટિના એ એકમાત્ર ભગવાનને અમે જે નામ આપીએ એ જ સાચું અને એ નામ પાછળ અમે જે નિયમો બનાવીએ એ જ બધાએ પાળવાના. જે એવું નહી કરે તેને જીવવાનો હક નથી.’ આવું કહેવાવાળાઓને આ ત્રણ દેશોની પ્રજાએ પોતાના લોકશાહી ચુકાદા વડે આ જવાબ આપ્યો છે, “તમે કોણ છો એ નક્કી કરવાવાળા કે આ માનવજાતિને શું માનવું અને શું ન માનવું? તમે આ દુનિયા પર એકમાત્ર ધર્મ નથી. અસલમાં તમે આ દુનિયા પર એ જાણવાવાળા છેલ્લા માણસો છો જે અમે હજારો વર્ષોથી જાણીને બેઠા છીએ. એટલે આ મૂર્ખ વિચારો છોડો અને એક માનવ તરીકે બાકીના માનવસમાજ સાથે ભળી જાઓ. માનવજાતિએ સર્જેલા દરેક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સિદ્ધાંતને સમજવાની કોશિશ કરો અને માનવે પૃથ્વી પર ઉભી કરેલી દરેક સંસ્કૃતિનું સમ્માન કરો. આ રીતે જ આપણું સહજીવન શક્ય છે. એ સહજીવનને કોઈપણ વિચાર, વાણી કે કર્મથી નુકશાન પહોંચાડવું એ જ આતંકવાદ છે. અને આતંકવાદ હવે આ માનવસમાજમાં સ્વીકાર્ય નથી.’

June 18 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

વિશ્વનું ભવિષ્ય: પશ્ચિમી સેક્યુલારીઝમ કે સનાતની હિંદુત્વ?

“સેક્યુલારિઝમ હેઠળ લોકોને પોતાના ધર્મને પોતાનાં ઘરોમાં રાખવાનું દમન તો કરાયું પણ ધાર્મિક સંઘર્ષ માટે જવાબદાર મુખ્ય પરિબળ એવા ધર્માંતરણો પર કોઇ લગામ કસવામાં ન આવી.”

સત્તરમી સદીના યુરોપીયન સમાજ અને યુરોપની રાજસત્તા પર રોમન કેથોલિક ચર્ચની જબરદસ્ત પક્કડ હતી. અવૈજ્ઞાાનિક ખ્રિસ્તી ધર્મે જીવનને ઉત્પન્ન કરતી સંભોગની ક્રિયાને જ મુખ્ય પાપ કહી દીધેલી. એટલે ખ્રિસ્તી ધર્મ મુજબ આપણે બધા માનવો પાપમાંથી પેદા થયા છીએ અને આપણે આખું જીવન ભગવાન સામે પશ્ચાત્તાપ કરી- દુખો વેઠીને પાપનો નાશ કરવામાં કાઢવાનું છે. આ કટ્ટરતા એટલી વધારે હતી કે સંભોગની ઇચ્છા દર્શાવતી આઝાદ ખયાલવાળી હજારો સ્ત્રીઓને મારી નાખવામાં આવેલી. ધર્મની ભયંકર ગુલામીમાં સપડાયેલા આ યુરોપિયન સમાજમાં જ્યારે ગેલેલીયો જેવા વૈજ્ઞાનિકોએ ચર્ચ વિરુદ્ધ બંડ પોકારી બ્રહ્માંડને વૈજ્ઞાાનિક રીતે સમજાવ્યું ત્યારે કેથોલિક ચર્ચના સિદ્ધાંતો ખોટા પડવા લાગ્યા. આ વૈજ્ઞાાનિક શોધોથી યુરોપિયન સમાજમાં ચર્ચના અત્યાચારોથી મુક્ત થવાની આશા જન્મી અને વોલ્ટર જેવા કેટલાક વિચારકોએ ‘સેક્યુલારિઝમ’ નામના એક નવા વિચારને પેશ કર્યો. જેમાં કહેવાયું કે રાજ્યના વહીવટને ધર્મથી અલગ રાખવો જોઇએ જેથી ધર્મથી હટીને નાગરિકો વિજ્ઞાાન જેવી બીજી વસ્તુઓ પર ધ્યાન આપી શકે. સેક્યુલારિઝમના જન્મ પાછળ બીજુ કારણ એ હતું કે તે સમયે યુરોપના ખ્રિસ્તી ધર્મ અને આરબના મુસ્લિમ ધર્મ વચ્ચે સતત ધાર્મિક સંઘર્ષ ચાલતો હતો. વેપારી માનસિકતાવાળા યુરોપિયનો આ ધાર્મિક સંઘર્ષથી છૂટી આરબના દેશોમાં વેપાર કરવા જવા માગતા હતા. આ ચાહના કારણે પણ તેમણે યુરોપના સમાજમાં સેક્યુલારિઝમના વિચારને વધુ જોર આપવાનું શરૃ કર્યું.

            હવે સેક્યુલારિઝમની મદદથી પશ્ચિમનું જે વિજ્ઞાન વિકસ્યું તે દરેક નવી શોધ પછી ભારતના વેદાન્તની વધુ નજીક આવવા લાગ્યું. આ કારણે યુરોપિયન વૈજ્ઞાનિકો ભારતીય શાસ્ત્રોના ઘેલા બન્યા અને આઇઝેક ન્યુટનથી લઇને વોલ્ટેર, હેઇસનબર્ગ, નિલ્સ બોહર, સ્ક્રોડીંગર, આઇન્સ્ટાઇન અને નિકોલા ટેલ્સા જેવા લોકોએ પોતાની શોધોને વેદાન્તથી પ્રેરિત બતાવી. આમ, સેક્યુલારિઝમના માર્ગે પોતાના ધર્મથી ભાગીને યુરોપિયનો ભારતના વેદાન્ત ધર્મ તરફ આવ્યા. પણ ભારતમાં એ જ અંગ્રેજોએ જ્યારે તેમની અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ દાખલ કરી ત્યારે યુરોપનો ધર્મથી ભાગવાનો સેક્યુલારિઝમનો વિચાર તેમણે ભારતીયોને પણ ગળથૂથીમાં ભણાવ્યો. પરીણામે ભારતીયોમાં મેકોલેની અંગ્રેજી શિક્ષણ પદ્ધતિથી બ્રેઇનવોશ થયેલા એવા બુદ્ધિજીવીઓ પેદા થયા છે જે ભારતીય સમાજને તેના ધર્મથી દૂર ભાગવા હાકલ કરી રહ્યા છે. પરિણામ એ આવ્યું છે કે આજે પશ્ચિમનો સમાજ તેમના ધર્મથી ભાગીને ભારતના વેદાન્તી ધર્મ નજીક આવી રહ્યો છે અને ભારતીયો તેમના વેદાન્તથી ભાગીને પશ્ચિમના અલ્પવિકસિત નાસ્તિક વિચાર તરફ જઇ રહ્યા છે. આજે ભારતમાં હિન્દુત્વની વાત કરવી સાંપ્રદાયિકતા કહેવાય છે અને હિન્દૂ વિરોધમાં બોલવું બુદ્ધિજીવીતા. જયારે યુરોપ અને અમેરિકામાં વેદાંત સોસાયટીઓ ખુલી છે, ત્યાં વેદાંત પર પીએચડી થઇ રહી છે અને સંસ્કૃત ભાષાને શાળાઓમાં ફરજીયાત ભણાવવામાં આવી રહી છે. આમ, તેઓ ભારતીયતા મેળવી રહ્યા છે અને આપણે ભારતીયતા ગુમાવી રહ્યા છીએ. અને આ બધું થઇ રહ્યું છે સેક્યુલારિઝમ જેવા એક પ્રાદેશિક વિચારના આંધળા અનુકરણથી.

            બીજી બાજુ સેક્યુલારિઝમનો વિચાર વિશ્વમાં ધર્મો વચ્ચેના સંઘર્ષને ટાળવામાં પણ નિષ્ફળ ગયો છે. કારણ કે સેક્યુલારિઝમ હેઠળ લોકોને પોતાના ધર્મને પોતાનાં ઘરોમાં રાખવાનું દમન તો કરાયું પણ ધાર્મિક સંઘર્ષ માટે જવાબદાર મુખ્ય પરિબળ એવા ધર્માંતરણો પર કોઇ લગામ કસવામાં ન આવી. પરિણામે ઇસ્લામનાં આક્રમક ધર્માંતરણોએ એક સદીમાં સ્વયં યુરોપની જ સામાજિક સ્થિતિ બદલી દીધી. અને સેક્યુલારિઝમનો એ યુરોપિયન વિચાર આજે તેમના માટે જ ઘાતક બની રહ્યો છે. તો જે વિચાર તેને જન્મ આપનારા લોકોને જ બચાવી નથી શક્યો તે બાકીની માનવજાતિને તો ક્યાંથી બચાવશે. એટલે હવે સમગ્ર માનવજાતિને એકસૂત્રતામાં બાંધે તેવા નવા વિચારની જરૃર ઊભી થઇ છે અને તે વિચાર છે સનાતનવાદી હિંદુત્વ. હિંદુત્વ દરેક મનુષ્યને કહે છે કે આ સમગ્ર સૃષ્ટિ એક જ નિરાકાર ઊર્જામાંથી અસ્તિત્વમાં આવી છે અને આપણે મનુષ્યો એ નિરાકાર ઊર્જાનું સૌથી વિકસિત સ્વરૃપ છીએ. આપણે એ નિરાકાર ઊર્જા જ છીએ એવો આત્મસાક્ષાત્કાર કરી સમગ્ર સૃષ્ટિ સાથે એક થઇ જવું એ જ આપણા અસ્તિત્વનું એકમાત્ર કારણ છે. એટલે આપણી સમગ્ર રાજનીતિ અને સમાજનીતિ એ કારણને પરિપૂર્ણ કરવા તરફ હોવી જોઇએ.’

            ધર્મો વચ્ચેના વિખવાદને ટાળતા હિંદુત્વ કહે છે કે ‘સૃષ્ટિને ઘડવાવાળી એ નિરાકાર ઊર્જાને દરેક મનુષ્ય પોતે ચાહે તે નામથી સંબોધી શકે છે અને પોતે ચાહે તે માર્ગથી તેને આત્મસાત કરી શકે છે. દરેકના માર્ગ સમાન રીતે સાચા છે અને દરેકને એક યા બીજી રીતે તે નિરાકાર ઊર્જા સુધી જ લઇ જાય છે. એટલે કોઇ મનુષ્યએ બીજા મનુષ્યને પોતાના માર્ગે લાવવાનો પ્રયાસ કરવાનો નથી. તે એક જઘન્ય અપરાધ છે. દરેક મનુષ્યએ બીજા દરેકના માર્ગને પોતાના માર્ગ જેટલું જ સન્માન આપીને માનવ સહજીવનને સંઘર્ષમુક્ત બનાવવાનું છે.’ બસ, આ જ છે. હિંદુત્વ. ધર્મ અને સંસ્કૃતિ દરેક માનવનું મૂળ છે જ્યાંથી એ સિંચન મેળવે છે. સેક્યુલારિઝમે માનવજાતિને તેના એ મૂળથી અલગ કરી દુનિયાને અજ્ઞાાની અને આક્રમણકારી શક્તિઓથી ભરી દીધી છે. જ્યારે હિંદુત્વ માનવજાતિને તે ધર્મ અને સંસ્કૃતિના મૂળથી બાંધે છે અને કોઇ મનુષ્ય બીજા મનુષ્યને તેના મૂળથી અલગ કરવાની કોશિશ ના કરે તેની દેખરેખ રાખે છે. એટલે હિંદુત્વ જ માનવજાતિનું ભવિષ્ય છે જે આ સદીના અંત સુધીમાં નિષ્ફળ જઇ રહેલા સેક્યુલારિજમના યુરોપિયન વિચારની જગ્યા લઇ લેશે.

 

બોધ: પશ્ચિમી સભ્યતા નાશવંત ભૌતિકતા ઊભી કરવામાં પાવરધી ભલે હોય પણ પોતાનું અસ્તિત્વ બચાવતાં તેને નથી આવડયું. ભારતીય સભ્યતાનાં હજારો વર્ષ પછી ઊભી થયેલી તેમની ઇજીપ્તિયન સંસ્કૃતિ, ગ્રીક સંસ્કૃતિ અને રોમન સંસ્કૃતિ આજે આ ધરતી પરથી લુપ્ત થઇ ચૂકી છે. અને હવે આજની તેમની ખ્રિસ્તી સંસ્કૃતિ પણ આ સદીના અંત સુધીમાં મોટાભાગના યુરોપમાંથી લુપ્ત થવાની તૈયારીમાં છે. જ્યારે માનવજાતિની શરૃઆત સાથે શરૃ થયેલા આપણે આપણા અધ્યાત્મ સાથે હજીયે એમનાએમ ઊભા છીએ. આ ચમત્કાર પાછળનું રહસ્ય વેદોના આ વાક્યમાં છે. ‘સત્યની સ્થાપના કરવાવાળા એ મહાપુરુષોને સમજવા અઘરા છે. તે એક સમયે વજ્રથી પણ કઠોર હોય છે તો બીજી પળે ફૂલથી પણ કોમળ.’ છેલ્લી એક સદીથી એ દુષ્પ્રચાર કરાયો છે કે હિંદુઓ સોફ્ટ છે. જ્યારે હકીકત વેદોનું આ વાક્ય છે. જ્યાં સુધી માનવધર્મનું પાલન થઇ રહ્યું છે, હિંદુઓ દુનિયાની સૌથી કોમળ વસ્તુ એવા ફૂલથી પણ કોમળ છે. પણ જ્યારે માનવધર્મ મુસીબતમાં આવે છે ત્યારે તે જ હિંદુઓ બ્રહ્માંડની સૌથી કઠણ વસ્તુ એવા વજ્રથી પણ વધુ કઠોર થઇ જાય છે. બસ, આ રીતે જ આપણે આપણી સભ્યતા જાળવી રાખી છે. મહાત્મા ગાંધીનું એ પ્રખ્યાત વાક્ય, ‘અહીંસો પરમો ધર્મ:’ મહાભારતના ભીષ્મ પર્વમાંથી લેવામાં આવ્યું છે. પણ તે અધૂરું છે. ભાગવદ્ ગીતા જેમાં સમાયેલી છે તે ભીષ્મ પર્વનું આખું વાક્ય આ છે. ‘અહિંસા પરમો ધર્મ: ધર્મહિંસા તદૈવ ચ.’ અર્થાત્ ‘અહિંસા સૌથી મોટો ધર્મ છે. પણ ધર્મસ્થાપના માટે કરાયેલી હિંસા એનાથી પણ મોટો ધર્મ છે.’ ગીતાનો આ આદર્શ જ સંપૂર્ણ ભારતીય આદર્શ છે. આપણે એ પૂર્ણ આદર્શને જ વળગી રહેવાનું છે. પાછળથી ઉપજાવી કાઢેલા કોઇ અધૂરા આદર્શને નહી. એ સંપૂર્ણ આદર્શનું પાલન કરીને જ આપણે માનવજાતિને અધ્યાત્મ શીખવતી આપણી સભ્યતાને ટકાવી રાખવાની છે. ત્યાં સુધી જ્યાં સુધી આખરી મનુષ્ય આ ધરતી પર ફરી રહ્યો છે. આ આપણી જવાબદારી છે.

August 09 / 2017 / On Facebook

રાજ્યસભામાં અહેમદ પટેલની જીતથી ભાજપને મળતો સબક

“જયારે કોઈ સામેવાળી પાર્ટી કે વિચારધારા બીજી પાર્ટીને સીધી નષ્ટ કરવાની કોશિશ કરે છે ત્યારે લોકતંત્રમાં તે હંમેશા વિરોધમાં જાય છે.”

તો આખરે અહેમદભાઈ બચી ગયા. પણ એ પોતે કેટલાને મારતા ગયા છે એતો વિધાનસભા ચૂંટણીમાં જ ખબર પડશે. પણ કુદરતે પેલા બે ધારાસભ્યો પાસે જે મુર્ખામી કરાવી એ પછી અહેમદભાઈની અડધા વોટથી થયેલી આ જીતને ખાલી ‘જો જીતા વો સિકંદર’ કહીને સમેટી લેવાય એમ નથી. ભાગ્યના જોરે થયેલી આ નાટકીય અને અનિશ્ચિત જીતમાં કુદરતની ઇચ્છા છે એવો સ્પષ્ટ અણસાર આવે છે. ખાલી એક રાજ્યસભાની સીટ જીતીને પણ કોંગ્રેસને વિસ વર્ષમાં પહેલીવાર કોઈ મોટું સેલિબ્રેશન કરવા મળ્યું છે, જે તેને એક સંજીવની આપી રહ્યું છે.

            આ નાટકીય હાર વડે કુદરતે બીજેપીને સમય પહેલા ચેતી જવાનો એક જરૂરી સબક આપ્યો છે. એ સબકને સમજતા પહેલા ઇતિહાસના આ બનાવોને સમજી લઈએ.

અકબર જયારે ભારત પર રાજ કરતો હતો ત્યારે તેનું રાજ્ય ઉદારતા અને સેક્યુલારિઝમના ચહેરાથી ઓળખાતું હતું. પણ સત્ય એ જ હતું કે દેશ પર એક મુસ્લિમ શાષક રાજ કરી રહ્યો હતો. એટલે ભારતીય સમાજ એ હદે જ ઇસ્લામના પ્રભાવ હેઠળ હતો જેમ આજે લોકશાહીના ચહેરા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને કાશ્મીરનો હિન્દૂ સમાજ છે. છતાંય અકબરના ઉદાર અને સેક્યુલર ચહેરા સામે એ બધું ઢંકાયેલું રહેતું. એટલે મહારાણા પ્રતાપ સિવાય આખા ભારતમાં કોઈ હિન્દૂ રાજાએ તેના સામે સ્વતંત્રતા માટે સંઘર્ષ ન કર્યો. બધા અકબરની શરણમાં તેના દરબારી બનીને બેઠા હતા. રાણા પ્રતાપનો સ્વતંત્રતા માટેનો સંઘર્ષ તે સમયે ખાસ સ્વદેશી ચેતના ઉભી ન કરી શકેલો. જો અકબર જેવું જ શાષન ચારસો વર્ષ ચાલ્યું હોત તો આજે ભારતમાં હિન્દૂ સંખ્યા લઘુમતીમાં હોત. પણ ભારતના સદભાગ્યે સો વર્ષ પછી અકબરના વંશમાં ઓરંગઝેબ આવ્યો અને તેણે હિંદુઓને કચડી દઈ ભારતનું ઇસ્લામીકરણ કરવાની નીતિ ચાલુ કરી. અને અહીં સો વર્ષ પહેલાના રાણા પ્રતાપના સંઘર્ષે શિવાજી જેવા મરાઠા રાજાઓમાં ક્રાંતિના જોમ પૂર્યા. અને પરીણામ એ આવ્યું કે ઓરંગઝેબનો કાળ મુગલ સામ્રાજ્યના પતનની શરૂઆતનો કાળ બન્યો. ત્યાં સુધી કે પેશ્વા બાજીરાવ પહેલાએ અડધું ભારત જીતી લીધું અને ભારતમાં મરાઠા સામ્રાજ્ય મોગલ સામ્રાજ્યના સમકક્ષ બની ગયું.

            ગત યુપીએ સરકારે એજ ભૂલ કરી. તેઓ અકબર તો હંમેશાથી હતા, પણ 2004 થી 2014 વચ્ચે તો તેઓ ઓરંગઝેબ બની ગયા. હિન્દૂ આતંકવાદનો એ ભ્રમ એટલે ફેલાવાયો કે જેથી હિન્દૂ સુરક્ષાની વાત કરતા આરએસએસ જેવા સંગઠનોને આતંકવાદ સાથે જોડી દેવામાં આવે અને તેમનું નૈતિક સમર્થન બંધ થઇ જાય. અને આ કારણે વર્ષો સુધી કોંગ્રેસના એ પરિવારની સત્તાને પડકારનારું કોઈ રહે નહિ.

            હવે જો બીજેપીનું કોંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન પણ ખાલી પોતાની સત્તાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે જ છે તો એ યાદ રાખે કે તે એજ ભૂલ કરી રહી છે જે ઓરંગઝેબ અને યુપીએએ કરી હતી. આ દેશની પ્રજાનું અને પ્રજાના પ્રતિનિધિઓનું માનસ એ વિપક્ષહિન એકતરફી રાજનીતિના ભવિષ્યને ક્યારેય સ્વીકારશે નહિ. એટલે કોંગ્રેસને નષ્ટ કરવાના સીધા હુમલા કરવાનું બંધ કરી દો. વિચારધારા અને આદર્શ વિનાનો હુમલો જનમાનસમાં હંમેશા નકારાત્મક ભાવ ઉત્પન્ન કરે છે. આ દેશની પ્રજાએ તમને જે કરવા મોકલ્યા છે તે કામ હવે શરુ કરો. યુનિફોર્મ સિવિલ કોડના બિલને સંસદમાં લઇ આવો, આર્ટિકલ ૩૭૦ અને ધર્માંતરણો પર પ્રતિબંધ મુકવાના બિલ લઇ આવો. અને એમાં જયારે કોંગ્રેસ વિરોધ કરશે ત્યારે પ્રજા સામે ચાલીને એને નષ્ટ કરી દેશે. અને છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીયોએ એ જ કર્યું છે. જયારે પ્રજાને ખબર પડી કે કોંગ્રેસ સરકારને રાજસભામાં કામ નથી કરવા દેતી ત્યારે તેણે જાતે જ કોંગ્રેસ વિરોધી વોટિંગ કરી તેને રાજ્યોમાંથી હટાવી દીધી. લોકતંત્રમાં કઈ પાર્ટીને કે કઈ વિચારધારાને ખતમ કરવી એનો નિર્ણય ફક્ત પ્રજા કરે છે. અને જયારે કોઈ સામેવાળી પાર્ટી કે વિચારધારા બીજી પાર્ટીને સીધી નષ્ટ કરવાની કોશિશ કરે છે ત્યારે લોકતંત્રમાં તે હંમેશા વિરોધમાં જાય છે. એટલે બીજેપી એ ભૂલ કરવાનું ટાળે જે એમના વિરોધીઓએ કરી છે. જે કરવું હોય એ પ્રજા મારફતે કરો અને એ ત્યારે જ થશે જયારે તમે એ કામ શરુ કરશો જેના માટે તમને ત્યાં મોકલવામાં આવ્યા છે અને (હરિયાણામાં બીજેપી પ્રમુખના છોકરાને બચાવવાના અને વ્યાપમ જેવા ઘોટાળાઓને કવર કરવાના) એ કામ બંધ કરશો જેને રોકવા તમને ત્યાં મોકલવામાં આવ્યા છે.

            આ સમગ્ર સૃષ્ટિનો કણ કણ પોઝિટિવ અને નેગેટિવ એ બે વિરોધી શક્તિઓથી યુક્ત છે. સૃષ્ટિમાં સતત આ બે વિરોધી શક્તિઓ વચ્ચે સંતુલન જળવાઈ રહે છે. એક સ્થાને એક વધે છે અને બીજી ઓછી થાય છે તો બીજા સ્થાને બીજી વધે છે અને પહેલી ઓછી થાય છે. સૃષ્ટિનું લક્ષ્ય છે કે આ બંને શક્તિઓને તેમના મધ્યમાં લાવીને
એકબીજામાં ભેળવીને તટસ્થ બનાવી દેવી. એ આખરી તટસ્થતા જ આ સૃષ્ટિનો અને આપણા બધાનો મોક્ષ છે. અને તે મોક્ષ એક શક્તિના તેની વિરોધી શક્તિ પર સીધા આક્રમણ કરવાથી પ્રાપ્ત નથી થતો. એ રીતે તો હંમેશા વિસ્ફોટ થાય છે.
તે મોક્ષ એક શક્તિ દ્વારા પોતાની ખરાબીઓ છોડી મધ્યમાં આવીને સામેવાળી શક્તિને મધ્યમાં ખેંચી લાવવાના સામર્થ્યથી પ્રાપ્ત થાય છે. એટલે પહેલા પોતાની ખરાબીઓ છોડો અને પછી સામેવાળાને એની ખરાબીઓ છોડાવવા સંસદમાં લઇ આવો. આ રીતે જેમ જેમ એ ભારતહિતના કાયદા પસાર થશે તેમ તેમ તમારી સત્તાનું ભવિષ્ય આપોઆપ સુરક્ષિત થતું જશે. એના માટે સીધા અખતરા કરવાની જરૂર નથી.

 

સ્પષ્ટીકરણ: જે લોકો મને કહે છે કે હું કઈ બાજુ છું એ સમજમાં નથી આવતું તેમની સમજ થોડી આસન કરી દઉં. હું એક સાચા સેક્યુલર ભારતને જોવા માંગુ છું જ્યાં દેશના દરેક નાગરિક પર દરેક મામલે સમાન કાયદો લાગતો હોય. ભારતની હજારો વર્ષો જૂની આધ્યાત્મિક સંસ્કૃતિ ધરતી પરના આખરી મનુષ્ય માટે પણ આમની આમ હાજર રહે એવા સખત કાયદા અમલમાં હોય. જેથી ભારતનું કોઈ કાળે ઇસ્લામીકરણ ન થઇ શકે. જેથી દેશનો દરેક ધર્મ પાળતો દરેક નાગરિક ચિંતામુક્ત થઈને ફક્ત રાષ્ટ્રના, વિજ્ઞાનના અને માનવજાતિના ઉત્થાનમાં રોકાયેલો રહે. અને હું માનું છું કે નરેન્દ્ર મોદી આ ભારત બનાવી શકે છે. એટલે હું એમનું સમર્થન કરું છું અને તેમના માટે ચિંતિત રહુ છું. પણ હું કોઈ રાજાનો રાજગુરુ હોઈ શકું છું, ભાટ નહીં.

December 28 / 2015 / On Facebook

સ્થાપના દિને જ કોંગ્રેસની ફજેતી..

“આજે 2015 માં કોંગ્રેસ ફરી એજ પડાવે છે જ્યાં એ 1915 માં હતી. 100 વર્ષનું ચક્ર ફર્યા પછી કોંગ્રેસે ફરી પાછી ભારતીયતા ગુમાવી છે અને એ ભારતીયતા પાછી અપાવે અને એક સત્તાલાલચુ પરિવારની ગુલામીમાંથી કોંગ્રેસને મુક્ત કરે એવા સાચા ગાંધીની ફરી જરૂર ઉભી થઇ છે.”

કોઈ પણ પક્ષની વિચારધારા તેના ઉદભવ સાથે જોડાયેલી હોય છે. પરંતુ કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જે કોઈ પણ બેઝીક વિચારધારા ધરાવ્યા વગર આજે 131 મો સ્થાપના દિવસ મનાવવાના મુડમાં હતી. પરંતુ તેના સ્થાપના દિવસે તેના જ એક મુખપત્રએ વર્ષોથી દબાયેલા એક અવાઝને ઉઠાવી ભવિષ્ય માટે ઘણી શુભ સંભાવનાઓને જન્મ આપ્યો છે.

            કોંગ્રેસની સ્થાપના 1885 માં એક અન્ગ્રેઝ એ. ઓં. હ્યુમે કરી. તેના 28 વર્ષ પહેલા જ 1857 નો વિપ્લવ થયેલો અને બ્રિટીશ રાજ સમજી ગયેલું કે હવે ભારતમાં રાજ કરવું હશે તો ભારતીય લોકોની એક પોલીટીકલ પાર્ટી બનાવી તેમને બ્રિટીશ રાજ સમક્ષ પોતાના વિચારો રજુ કરવાની જગ્યા આપવી પડશે. જેથી ફરી 1857 જેવો બળવો ન થાય. આમ, અંગ્રેજો દ્વારા જ ભારતીયોને ફોસલાવવા માટે કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી. આમાં મોતીલાલ નેહરુ, જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ અને જીના જેવા વકીલો અને ધનાઢ્ય લોકો જોડાયા. આ લોકો 1915 સુધી ફેશનેબલ અંગ્રેજી કપડા પહેરી હોમ રૂલની ખોખલી વાતો કરતા. પણ 1915 માં ગાંધીજી એ આવીને લોકોને યાદ કરાવ્યું કે ભારતનો મતલબ છે ગામડાઓમાં રહેતા કરોડો દેહાત. જ્યાં સુધી કોંગ્રેસ એમની પ્રતિનિધિ નથી બનતી ત્યાં સુધી તે ભારતની પાર્ટી નહિ બની શકે. આમ પહેલીવાર અંગ્રેજી હેતુથી હટીને કોંગ્રેસને ગાંધીના વિચારો રૂપે પહેલી ભારતીય વિચારધારા મળી. હવે 1946 સુધી આ જે ગાંધીની કોંગ્રેસ હતી એના 21 સભ્યોમાંથી 17 સભ્યોએ સરદાર પટેલને આઝાદ ભારત માટે પોતાના નેતા પસંદ કર્યા. નેહરુએ ત્રણ દિવસ આ 21 લોકોને મનાવવાની કોશિશ કરી ત્યારે ખાલી ચાર લોકો તટસ્થ રહેવા તૈયાર થયા. પણ કોઈ નેહરુને વોટ આપવા તૈયાર ના થયું. પણ નેહરુએ લાજ શરમ નેવે મૂકી કોઈપણ ભોગે સત્તા મેળવવાની ખુલી જીદ કરી બાપુને મનાવી લીધા. આમ જે કોંગ્રેસે આપણને આઝાદી અપાવી તેનો એકપણ માણસ જેને વોટ આપવા તૈયાર નહોતો તેવો માણસ આઝાદ ભારતમાં કોંગ્રેસની મુખ્ય પહેચાન બન્યો અને તેના વંશજોએ 60 વર્ષ ભારતીયો પર કોઈપણ ભોગે રાજ કર્યું. આજે પણ આખા ભારતમાં ફેલાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ એ જ વંશમાં પેદા થયેલા બાબલા અને બેબલીઓને પ્રધાનમંત્રી બનાવવા માટે લોકો પાસે વોટ માંગવા જાય છે. કોઈપણ ભોગે એ વંશના બાબલાઓને પ્રધાનમંત્રી બનાવવા એ જ આજની કોંગ્રેસની વિચારધારા છે.

          ગાંધીજી આ દિવસોને જોઈ ચુક્યા હતા. એ જાણતા હતા કે સત્તાલાલચુ નેહરુ અને તેના વંશજો સત્તા માટે આઝાદી પહેલાની કોંગ્રેસને હથિયાર બનાવીને પેશ કરશે. એ કોંગ્રેસ જેમાંથી કોઈ નેહરુને આઝાદ ભારતના નેતા તરીકે જોવા નહોતું માંગતું. એટલે જ ગાંધીજીએ આઝાદી પછી કોંગ્રેસનું વિસર્જન કરી નવો પક્ષ ઉભો કરવા કહેલું. પણ ગાંધીજીના વારસદાર તરીકે પોતાને સ્થાપવા ઉત્સુક નેહરુ આના માટે તૈયાર નહોતા. અને આજે એ ઐતિહાસિક દિવસ છે જયારે એક બહાદુર કોન્ગ્રેસીએ કોંગ્રેસના જ મુખપત્ર ‘કોંગ્રેસ દર્શન’ માં નેહરુનું એક ગેરલાયક પ્રધાનમંત્રી તરીકે અને સોનિયા ગાંધીને એક ફાસિસ્ટ પિતાનું સંતાન બતાવી પોતાની રાષ્ટ્રભાક્તિને પોતાના સ્વાર્થથી ઉપર ઉઠાવી છે. આ બધા વચ્ચે લાલબહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ, પ્રણવ મુખરજી, નરસિંહ રાવ, શરદ પવાર, સંગમા જેવા આઝાદ માણસોએ સમયે સમયે અવાઝ ઉઠાવી કોંગ્રેસનેઆ એક પરિવારની ગુલામીમાંથી મુક્ત કરવાની કોશિશો કરી છે.

            પોતાના સ્વાર્થને નીચે રાખી સત્ય માટે અવાઝ ઉઠાવનારા એ લોકોને સલામ. અને નાની મોટી સત્તામાં ટકી રહેવા માટે જે લોકો આજે પણ એ બાબલાઓની ચાપ્લુંસીમાં લાગેલા છે એ પોતાને સવાલ પૂછે કે એમના જીવનનો ઉદેશ્ય શું છે? મેમસાહેબ અને બાબલાસહેબની ભાટાઈ કે આઝાદી પહેલાની એ સાચી કોંગ્રેસ માટેની લડાઈ જે ગાંધીની સત્યતા અને સરદાર પટેલના ત્યાગ સાથે ચાલી ગઈ.

            આજે સ્થાપના દિવસે કોંગ્રેસનો દરેક કાર્યકર્તા પોતાનું આ મંથન જરૂર કરે. આજે 2015 માં કોંગ્રેસ ફરી એજ પડાવે છે જ્યાં એ 1915 માં હતી. 100 વર્ષનું ચક્ર ફર્યા પછી કોંગ્રેસે ફરી પાછી ભારતીયતા ગુમાવી છે અને એ ભારતીયતા પાછી અપાવે અને એક સત્તાલાલચુ પરિવારની ગુલામીમાંથી કોંગ્રેસને મુક્ત કરે એવા સાચા ગાંધીની ફરી જરૂર ઉભી થઇ છે. અને આજે 131 માં સ્થાપના દિને આ આઝાદી માટેની બુમ સ્વયં કોંગ્રેસમાંથી જ નીકળી છે.

 

સારાંશ: સત્ય ખોટા લોકોથી હાની નથી પામતું. તે ખોટા લોકોને પોતાના સ્વાર્થ માટે સાચા કહેનારાઓથી સત્ય હાની પામે છે.

August 16 / 2018 / On Facebook

અટલ બિહારી વાજપાઈ

શાલીનતા સાથેની મક્કમતાના યુગનો અંત

“વાજપાઈના વ્યક્તિત્વમાં જે બે વાત મને સૌથી મનપસંદ હતી તે હતી તેમની શાલીનતા સાથેની આક્રમકતા અને બુદ્ધિજીવીતા સાથેની પારદર્શિતા.”

તો અટલજી હવે નથી રહ્યા. જો કે દુનિયા માટે તો તે લગભગ 2009 થી અદ્રશ્ય જ રહ્યા છે, પણ સિંહ ચાહે ગમે તેટલો મરણતોલ હોય તો પણ જ્યાં સુધી શરીર ન છોડે ત્યાં સુધી તેના પરથી નજર ન હટાવી શકાય એવું જ વાજપાઈ માટે અનુભવાતું. આઝાદી કાળથી વાજપાઈની યાત્રાના અનેક યાદગાર પડાવો છે. જેમ કે એકવાર નેહરુએ કહેલું કે ‘આ છોકરો એક દિવસ દેશનો પ્રધાનમંત્રી હશે.’ એજ પ્રધાનમંત્રી નહેરુને એ યુવાન છોકરાએ પાર્લામેન્ટમાં કહી દીધેલું કે ‘તમારું વ્યક્તિત્વ વિભાજીત વ્યક્તિત્વ છે. તેમાં ચેમ્બરલીન (ની કાયરતા) પણ છે અને ચર્ચિલ (ની જીદ) પણ.’

            મારા માટે અટલ બિહારી વાજપાઈ હમેશા એક સ્પેશ્યલ નામ રહેશે કારણ કે આજ એ માણસ હતો જેની લોકપ્રિયતાએ માત્ર નવ વર્ષની ઉંમરે મને દેશની રાજનીતિમાં રસ લેતો કરી દીધેલો. જ્યારે તે 13 દિવસ માટે પીએમ બન્યા, જ્યારે તેમણે પહેલીવાર સંસદનું લાઈવ પ્રસારણ શરૂ કરાવ્યું અને એ યાદગાર ભાષણો આપ્યા જે આજે વોટ્સએપ પર ફરતા હશે, જ્યારે તે 13 મહિના માટે પીએમ બન્યા અને પછી 5 વર્ષ માટે. મારા બાળપણના એ સમયના બે જ હીરો હતા; એક સચિન તેંડુલકર અને બીજા અટલ બિહારી વાજપાઈ. વાજપાઈનો આ સમય જ એ સમય હતો જ્યારે અમારા ઘરમાં વિરોધાભાસી વોટિંગ શરૂ થયેલું. મમ્મી નાના રિટાયર્ડ કોંગ્રેસી નેતા હોવાના કારણે કોંગ્રેસમાં વૉટ આપતી અને પપ્પા ના ખાલી વાજપાઈને વોટ આપતા પણ લોકોને વોટ આપવા આહવાન પણ કરતા. હું ત્યારે વોટ આપવા જેટલી ઉંમરે નહોતો પહોંચ્યો પણ અમારા ઘરના દરેક સભ્યએ એક જ પાર્ટીને વૉટ આપ્યો હોય તેવું પહેલીવાર 2014 ની ચૂંટણીમાં જ બન્યું. હું એને મારા ઘરના સ્વતંત્ર અને લોકતાંત્રિક વિચારોનું મિથક માનું છું.

            બાળપણના એ વર્ષોમાં પણ વાજપાઈજીના કારણે હું રાજનીતિમાં કેટલો ઊંડો ઉતર્યો હતો તેનું એક ઉદાહરણ આપું. 1999 માં હું સાતમા ધોરણમાં હતો અને એક વકતૃત્વ સ્પર્ધામાં મારે અંગ્રેજીમાં સ્પીચ આપવાની હતી જેનો વિષય હતો ‘Modern India’. મારા અંગ્રેજી ટીચરે મને એક સ્પીચ લખી આપી જે ગોખીને બોલવામાં હું બહુ અટકતો હતો. મેં કહ્યું, ‘હું કાલે પોતાની સ્પીચ લખી લાવીશ. મારુ લખેલું મારે ગોખવું નહિ પડે એટલે હું સારી રીતે બોલી શકીશ અને સ્પર્ધા જીતવાના ચાન્સીસ વધી જશે.’ હું બીજા દિવસે સ્પીચ લખી આવ્યો તો ટીચર દંગ હતા. કારણ કે તે સમયે વાજપાઈ અને અમેરિકાના પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન વચ્ચે CTBT ના કોન્ટ્રેક્ટ થયેલા જે ભારતને ન્યુક્લિયર પાવર યુઝ કરવામાં કન્ટ્રોલ કરવા માટે હતા. એ સમજોતા વિશે મેં એટલું ડિટેઇલમાં લખ્યું હતું કે મારા ટીચરે કહ્યું, ‘તારા પપ્પાએ લખી આપ્યું..?’ મેં કહ્યું, ‘નહીં. હજી પપ્પાને વંચાવ્યું નથી. હું વાજપાઈના ભાષણો નિયમિત સાંભળું છું એટલે આ જાણું છું’. સર શૉકમાં હતા અને આજે હું પોતે પણ એ યાદ કરીને શૉક અનુભવું છું કે એ સમયે હું ક્યાંથી એટલું બધું જાણતો હતો. પણ કદાચ એજ વાજપાઈનો જાદુ હતો કે એક અગિયાર વર્ષનો છોકરો પણ દેશના ન્યુક્લિયર કોન્ટ્રાક્ટની જોગવાઈઓ જાણતો હતો. કારણ કે 2004 માં વાજપાઈ સરકાર ગયા પછીના દસ વર્ષ દેશની રાજનીતિમાં હું એટલો જ અજાણ રહેલો જેટલો સચિન તેંડુલકરના રિટાયર્ડ થયા પછી આજે ક્રિકેટથી અજાણ છું.

વાજપાઈના વ્યક્તિત્વમાં જે બે વાત મને સૌથી મનપસંદ હતી તે હતી તેમની શાલીનતા સાથેની આક્રમકતા અને બુદ્ધિજીવીતા સાથેની પારદર્શિતા. આરએસએસના વિચારોને એના સાચા ઊંડાણ સાથે શાલીનતાથી સંપૂર્ણ રીતે સમજાવી શકનારા માણસોમાં વાજપાઈ છેલ્લા માણસ હતા. એમના પછી કોઈ દેખાયું નથી. જ્યારે એમને વારંવાર કહેવાતું કે વાજપાઈ પોતે સારો માણસ છે પણ ખોટી પાર્ટીમાં છે ત્યારે તેમણે બહુ સુંદર જવાબ આપતા કહેલું, ‘જો હું સારો માણસ છું તો ખોટી જગ્યાએ ન હોઈ શકું. અને જો હું ખોટી જગ્યાએ છું તો મતલબ છે કે હું સારો માણસ નથી. એટલે વિરોધીઓ તેમની આ વાત વિશે કોઈ એક સાઈડ નક્કી કરે.’

            અફઘાનિસ્તાન, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડના મુસ્લિમોમાં પણ હિન્દૂ ધર્મ અને રામ પ્રત્યે કેટલું પોતાનાપણું છે તે સમજાવતી તેમની સ્પીચ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ છે. તે કહેતા, ‘સત્ય જ મારું હથિયાર છે. આમ પણ સરકારી જગ્યા પર બીજા કોઈ હથિયારની મનાઈ છે.’ આ સત્ય જ તેમની પારદર્શિતાનું કારણ હતું. અને અહીં જ એ નરેન્દ્ર મોદી કરતાં વધુ સમ્માનીય દેખાય છે. તેમના અંદર અને બહાર એક જ વિચાર હતા. જે તેમના વિચારોમાં હતું એજ કર્મોમાં હતું અને જે વિચારોમાં નહોતું તે કર્મોમાં પણ નહોતું. આજ કારણ હતું કે તેમણે ક્યારેય કોઈ વાતને મૌન રાખીને કે ઉડાઉ જવાબ આપીને જતી કરી નથી અને ક્યારેય કોઈ વિરોધી તેમને કોઈ વાતમાં પકડી શક્યો નથી. તેમની પાસે દરેક મુશ્કેલમાં મુશ્કેલ સવાલ પર એક પારદર્શી અને સ્પષ્ટ ચિંતન હતું અને તે તેને પેશ કરી દેતા. તે સ્પષ્ટ કહી દેતા કે કેમ તે યુનિફોર્મ સિવિલ કોડ લાવવામાં અને આર્ટિકલ 370 ને રદ કરવામાં માને છે અને તે વિચારો એટલી બુદ્ધિજીવીતાથી પેશ થતા કે કોઈ તેમને સાંપ્રદાયિક કહેવાની હિંમત ન કરી શકતું. દેશની રાજનીતિમાં સંપ્રદાયિકતાના નામે અછૂત માનવામાં આવતી ભારતીય જનતા પાર્ટીને છ વર્ષ સુધી દેશની સત્તામાં સ્થાપી દેવાનું કામ તેમની આ વિશેષતાના લીધે જ થઈ શકેલું. અને એટલે જ વાજપાઈએ મજબૂત બનાવેલા પાયા પર નરેન્દ્ર મોદીની ભાજપ જ્યારે આજે ઇમારત ઉભી કરી રહી છે ત્યારે તેમને વાજપાઈની આ બે વિશેષતાઓને સમજવી જરૂરી થઈ પડશે. શાલીનતા સાથેની આક્રમકતા અને બુદ્ધિજીવીતા અને સત્યતા સાથેની પારદર્શિતા. વાજપાઈના આ બે ગુણોના લીધે જ ભાજપ દેશની સતામાં આવવા લાયક બન્યું છે અને એટલે જ એ સત્તાને ટકાવી રાખવા તેણે વાજપાઈના આ બે ગુણોને પણ ટકાવી રાખવા પડશે.

અટલ બિહારી વાજપાઈ વિશે સૌથી સારી વાત મેં મારા પિતાથી સાંભળી હતી. તેમણે ચાર વર્ષ પહેલાં એકવાર કહેલું, ‘જો સમયને પાછળ લઇ જવાનું કોઈ સાધન હોય તો હું બસ એક જ કારણે પાછળ જવા માંગુ છું. હું ફરીથી વાજપાઈને એ રીતે શક્તિશાળી જોઈને તેમના ભાષણો ફરી સાંભળવા માંગુ છું.’

July 13 / 2018 / On Facebook

હિંદુસ્તાન અને પાકિસ્તાનનો ફર્ક

“શશી થરૂર અને હામિદ અન્સારીને જવાબ”

થરૂરભાઈ (શશીભાઈ એટલા માટે ન લખ્યું કારણ કે એ મેં અત્યાર સુધી જાણેલા સૌથી સારા માણસ ‘શશી કપૂર’ સાથે જોડાયેલું નામ છે, એ નામ આ ઓવર સ્માર્ટ એટલે કે ડોડ ડાહ્યા માણસ માટે ન લેવાય) બોલ્યા, “2019 માં ભાજપ જીતશે તો ભારત ‘હિન્દૂ પાકિસ્તાન’ બની જશે. મને હિંદુ હોવા પર ગર્વ છે એટલા માટે કારણ કે હિન્દૂ ધર્મમાં બધી જ શ્રદ્ધાઓને સ્થાન છે જ્યારે પાકિસ્તાનમાં બધા પર એક જ શ્રદ્ધા થોપી બેસાડવાની કોશિશ થાય છે.” દસ વર્ષ દેશના ઉપરાષ્ટ્રપતિ રહેલા, પણ તન, મન અને ધનથી આજીવન ઇસ્લામવાદી રહેલા હામિદભાઈ સમર્થનમાં આવ્યા અને બોલ્યા, ‘થરૂર એક ઉમદા લેખક છે, તેમણે કહ્યું હશે એ યોગ્ય જ હશે.’ હવે આજ હામિદભાઈ બે દિવસ પહેલા ભારતમાં શરીયા કોર્ટનું સમર્થન કરતાં એમ બોલ્યા હતા કે ‘ભારતમાં દરેક ધર્મને તેના ધાર્મિક-સામાજિક નિયમો પાળવાની છૂટ છે તો શરીયા કોર્ટ ભારતમાં હોવી જ જોઈએ.’

            હવે આ બંને ભ્રષ્ટ લોકોને પહેલા હિન્દૂ ધર્મના સેક્યુલરીઝમને સમજાવીને શરૂઆત કરીએ. હિન્દૂ ધર્મમાં દરેક ધર્મ અને વિચારનું સમ્માન એ વાક્ય સાથે કરાયું છે કે ‘એકમ સત્ય, વિપ્રા: વદંતી બહુધા’. સત્ય એક છે જ્ઞાનીઓ તેને અલગ અલગ શબ્દો વડે કહે છે. મતલબ, ઈશ્વર એક છે તેને શિવ કહેવો હોય તો શિવ કહો, બ્રહ્મ કહો, અલ્લાહ કહો કે ગોડ કહો, તે એક જ સત્યનું નામ છે. સાથે જ ગીતામાં બીજો શ્લોક એ છે કે

‘જેમ અલગ અલગ નદીઓ તેમના અલગ અલગ માર્ગે વહીને પણ છેલ્લે એક જ સાગરમાં ભળે છે તેમ દરેક ધર્મ તેમના અલગ માર્ગ સાથે આખરે એક જ સત્ય સુધી પહોંચે છે.’

            તો આ છે હિન્દુઓનું સેક્યુલરીઝમ. દરેકનો માર્ગ સત્ય છે. દરેક પોતાના માર્ગે એ એક સત્ય સુધી પહોંચે. કોઈએ બીજાના માર્ગને નાનો કે ખોટો કહેવાનો હક નથી કે કોઈએ બીજાને તેનો માર્ગ છોડાવી પોતાના માર્ગે લાવવાની જરૂર નથી. મતલબ ધર્માંતરણ હિન્દૂ ધર્મમાં એક અધર્મ છે. એટલે જ તો આખી દુનિયાને યોગ અને આધ્યાત્મ આપવાવાળા હિન્દૂ સંતોએ ક્યારેય એમ ન કહ્યું કે ‘પહેલા તમારું નામ બદલીને હિન્દૂ નામ ધારણ કરો તો જ આ યોગ અને આધ્યાત્મ અસર કરશે.’ તો જ્યાં સુધી એક મુસ્લિમ એ એક ઇશ્વરને ‘અલ્લાહ’ કહીને પોકારે છે અને ભક્તિ કરે છે ત્યાં સુધી તે હિન્દૂ ધર્મના સનાતન સેક્યુલરીઝમનું પાલન કરે છે. પણ જ્યારે કોઈ મુસ્લિમ ‘અલ્લાહ જ એકમાત્ર ઈશ્વર છે, બીજું કોઈ નહીં.’ એમ કહીને ઇસ્લામને જ એકમાત્ર સાચો ધર્મ માને છે ત્યારે તે હિંદૂ સભ્યતાના સેક્યુલરીઝમનું ઉલ્લંઘન કરે છે. જ્યારે તે ફક્ત ઇસ્લામને જ સાચો ધર્મ માની દલિતોનું અને પ્રેમમાં ભગાડેલી છોકરીઓનું ધર્માંતરણ કરાવે છે ત્યારે થરૂરભાઈ તે તમારા પ્રિય હિન્દૂ ધર્મને હીન બતાવી તેને નષ્ટ કરવાની કોશિશ કરે છે.

            જ્યારે કોઈ ખ્રિસ્તી આ દેશમાં આદિવાસીઓને વટલાવીને એમ કહે છે કે – ‘પરમપિતા ગોડ એક જ છે અને ઈસુ ખ્રિસ્ત જ તેમનો એકમાત્ર પુત્ર છે જેણે આપણને ધર્મ શીખવ્યો. આપણે બધાએ ઘેટાઓની જેમ ઈસુ ખ્રિસ્તને અનુસરીને તેમની પાછળ પરમપિતા સુધી પહોંચવાનું છે.’ – ત્યારે તે આ દેશમાં પેદા થયેલા રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર જેવા વિશ્વના મહાન પાયગંબરોને ખોટા કહી દે છે. અને થરૂરભાઈ, તમારા મહાન હિન્દૂ ધર્મની મૂળભૂત વિચારધારા આ વાતને મનુષ્યનું અને બીજા ધર્મનું અપમાન ગણે છે. કારણકે આ દેશમાં કહેવાયું છે કે ‘મનુષ્ય ઈશ્વરનું સૌથી દિવ્ય સ્વરૂપ છે. મનુષ્ય પોતાની દિવ્યતાને જ્યારે સંપૂર્ણરીતે પ્રાપ્ત કરી લે છે ત્યારે તે પયગમ્બર કે ઈશ્વરનો પુત્ર બની જાય છે. આપણે બધાએ કોઈનું અનુકરણ કરીને એના પાછળ નથી ચાલવાનું, આપણે બધાએ કૃષ્ણ, બુદ્ધ અને ઈસુની જેમ પોતે ઈશ્વરના પુત્ર બની ઈશ્વરમાં ભળી જવાનું છે.’ એટલે હિન્દૂ-મુસ્લિમના કે હિન્દુ-ખ્રિસ્તીના મુદ્દાને દેશની બહુમતી સંખ્યા પર જોવાની જરૂર નથી. દેશના મોટા ભાગના લોકો જેમની બુદ્ધિ હમણાં હમણાં જ ચાલતી થઈ છે તે રાતો રાત બુદ્ધિજીવી અને મહાન બની જવા માટે આ રીતે વિચારે છે કે પાકિસ્તાનમાં બહુમતી મુસ્લિમોએ લઘુમતી હિંદુઓ જોડે જે કર્યું તે ભારતમાં બહુમતી હિંદુઓ લઘુમતી મુસ્લિમો જોડે કરે છે. અલ્યા ડફોળો, થોડી તો RTI કરીને રેકોર્ડ જોઈ જોવો. આઝાદી પછી ભારતમાં મુસ્લિમોની સંખ્યા વધવાનો દર બાકી બધા ધર્મો કરતાં વધુ છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આઝાદી વખતે રહેલા 23-24% હિંદુઓ આજે 6 અને 8 % થઈ ગયા છે. એટલું જ નહીં આજે મોદી સરકારના ચાર વર્ષ દરમિયાન પણ દેશભરમાં 75 થી 80 % ધર્માંતરણ હિન્દુઓનું મુસ્લિમ ધર્મમાં થાય છે, 10 થી 15 % હિન્દુઓનું ખ્રિસ્તીમાં થાય છે અને બાકીના 8 % જ બીજા ધર્મમાંથી હિન્દૂ બને છે. તો થરૂરભાઈ, તમને તમારા જે સૌથી મહાન ધર્મ પર ગર્વ છે એમાંથી સીમિત માનસિકતા ધરાવતા ધર્મોમાં આટલા ધર્માંતરણ કેમ થાય છે..? ત્યાં તમને કંઈ બોલવાની જરૂર નથી લાગતી..?

નહીં, એતો હિંદુઓ બહુમતીમાં છે એટલે હિંદુઓ જ વધુ વટલાય ને..?

તો પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કેમ બહુમતીઓ નથી વટલાતા..?

નહીં. આપણે એમના જેવા નથી થવાનું.

            ઓહ, તો વાત અહીંયા છે. આપણે ભારત, જે એકમાત્ર દેશ બચ્યો છે હિન્દુઓનો, એમાંથી પણ હિંદુઓને ઓછા કરવાના છે. એ રીતની નીતિ પર જે ચાલશે એના પર જ થરૂરભાઈનો, હામિદભાઈનો અને અન્ય કોંગ્રેસીઓનો સેક્યુલરીઝમનો થપ્પો વાગશે. જવાબ એક જ છે સત્યભ્રષ્ટ લોકો, તમે વિકૃત થઈ ચૂક્યા છો અને તમારો દરેક શબ્દ અમારા એ યકિનને વધુ દૃઢ કરે છે. એટલે જેમ તમે આ બધું વધુ બોલશો એમ મોદી સરકારને વોટ નહિ મળવાના હોય એ પણ મળશે. કારણ કે બીજી બાજુ તો તમારા જેવા વિકૃત થઈ ચૂકેલા ગુલામો છે.

            છેલ્લે, હિન્દૂ ધર્મ એ માણસને જ પોતાની સહિષ્ણુ સનાતન વિચારધારામાં સમાવે છે જે એમ કહે કે

‘હા, ઈશ્વર એક છે. તમે તેને શિવ કહો છો હું એને અલ્લાહ કહું છું અને પેલો માણસ એને ઈસુના પિતા કહે છે. છેલ્લે આપણે એક જ તત્વને પુજી રહ્યા છીએ. તમે તમારા માર્ગે આગળ વધો, હું મારા માર્ગે આગળ વધુ છું. આખરે આપણે સત્ય પર મળીશું. કોઈ કોઈના માર્ગને પોતાના માર્ગથી હીન માનશે નહીં, આપણામાંથી કોઈ પોતાનો અહમ સંતોષવા બીજાને પોતાના માર્ગમાં વટલાવશે નહીં.’

            આજ સાચું સેક્યુલરીઝમ છે અને આજ સાચું સનાતન હિંદુત્વ છે જેના પર થરૂરભાઈને ગર્વ છે. અને આપણે એ સ્થાપવાનું છે. એ થરૂરભાઈ અને હામિદભાઈ જેવા ભ્રષ્ટ અને વતલાઈ ગયેલા લોકો તો સ્થાપી શકે એમ નથી એટલે છેલ્લી આશા તરીકે અમે 2019 માં ફરી મોદીને જ વોટ આપીશું. જેથી દેશમાં ચાલતો ધર્માંતરણોનો આ અપવિત્ર ધંધો બંધ થાય અને સાચા અર્થમાં બધા ધર્મો એક જ સત્ય તરફ લઈ જતા માર્ગ તરીકે એકબીજાનું સમ્માન કરી શકે. જેથી હિંદુસ્તાન અને પાકિસ્તાનમાં ખરેખર ફર્ક દેખાઈ શકે. અત્યારે તો બંને સ્થાને એક જ સીન દેખાય છે, મુસ્લિમોની સંખ્યા વધવી અને હિન્દુઓનું મુસ્લિમોમાં ધર્માંતરણ થવું. અને થરૂરભાઈ અને હામિદભાઈને એ સીન જાળવી રાખવો છે. આ બધી બકવાસ એની છે, બીજું કંઇ નથી.

March 21 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

બાબા વાન્ગાની રાજનૈતિક ભવિષ્યવાણીઓનું અર્થઘટન

“બાબા વાન્ગાની પહેલાની ભવિષ્યવાણીઓની સફળતા જોતાં જો હવે પછીની ભવિષ્યવાણીઓ સાચી પડે તો તે ભવિષ્યમાં આજના વર્તમાન માટે શું સંદેશ છે તે જોવું જરૃરી છે.”

ઈ.સ. ૧૯૮૯માં તેમણે કહ્યું, ‘ત્રાહીમામ ! અમેરીકાના તે બે ભાઇઓ સાથે સ્ટીલના પક્ષીઓ અથડાશે. ભેડિયા જંગલમાં ગરજતા હશે અને નિર્દોષોનું લોહી વહેશે..’ આ વાત ત્યારે સાચી પડી જ્યારે ૨૦૦૧માં બે વિમાનો અમેરીકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરને અથડાયાં. ૧૯૮૦માં તેમણે કહ્યું, ”સદીના અંતે ૧૯૯૯ કે ૨૦૦૦ના ઓગસ્ટમાં કુર્સ્ક પાણીમાં ડુબી જશે.” કુર્સ્ક રશિયાનું એક મોટું શહેર છે. આથી લોકો આ ભવિષ્યવાણીને મજાકમાં લઇ રહ્યા હતા. પણ ઓગસ્ટ ૨૦૦૦માં રશિયાનું એક સબમરીન જેને તે શહેરના નામ પરથી ‘કુર્સ્ક’ નામ આપવામાં આવેલું તે પાણીમાં ડૂબી ગયું અને તેમાં ૧૧૮ લોકોના મોત નિપજ્યાં. તેમણે ૨૦૦૪માં આવેલી સુનામીની ભવિષ્યવાણી કરતાં કહેલું, ‘એક મોટું મોજું બહુ મોટા કીનારાને ઢાંકી દેશે અને લોકો તેમના ગામ અને શહેરો સાથે પાણીમાં અદ્રશ્ય થઇ જશે.’

            આ બધી ઘટનાઓને સમય પહેલા જોઇ ચૂકેલી તે ભવિષ્યવેત્તા એક આંધળી સ્ત્રી હતી. જે ૧૯૯૬માં મૃત્યુ પામી. પરંતુ, મૃત્યુ પહેલા તે આજથી ત્રણ હજાર વર્ષ પછી સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓની ભવિષ્યવાણી કરતી થઇ છે. આ સ્ત્રીનું નામ હતું વાન્ગાલીઆ ડીમીટ્રોવા. તેમનો જન્મ ૩૧ જાન્યુઆરી ૧૯૧૧ના રોજ આધુનિક મેસાડોનિઆમાં થયો હતો. બાર વર્ષની ઉંમરે વાન્ગા એક ચક્રવાતની ઝપટમાં આવીને ફેંકાઇ ગઇ હતી. અમુક કલાકો પછી તે રેતીના ઢગલામાંથી મળી આવી જ્યાં તેની આંખોમાં રેતી અને કાંકરા ઘુસી ચુકેલા હતા. આ કારણે તે બાર વર્ષની વયે નેત્રહીન બની.

            પરંતુ આ તેના માટે એક વરદાન હતું. આંખોની શક્તિ ગુમાવ્યા પછી તેની આંતરીક શક્તિઓ અસામાન્ય રીતે વધવા લાગી. હવે તે ભવિષ્યમાં ઝાંકી શકતી હતી. સોળ વર્ષની ઉંમરે તેણે તેના પિતાને ચોરાઇ ગયેલું એક ઘેટું શોધી આપ્યું. તેણે પિતાને તે વાડાનું ચોક્કસ સરનામું કહ્યું જ્યાં ચોરેએ ઘેટાને સંતાડી રાખ્યું હતું. ત્રીસ વર્ષની વય પછી વાન્ગાની ભવિષ્યકથનની શક્તિ હજુ વધારે વિકસિત અને ચોક્કસ બની. હવે, તે તેના પ્રદેશની મહાન ભવિષ્યવેતા ‘બાબા વાન્ગા’ કહેવાતી હતી. એકવાર હીટલર પણ તેના ઘરે આવેલો અને જ્યારે તે ભવિષ્ય સાંભળીને બહાર નીકળ્યો ત્યારે અત્યંત ઉદાસ હતો. બાબા વાન્ગાએ તેમના જીવનના આખરી વર્ષો બલ્ગેરીઆના રુપીટ પ્રદેશમાં ગાળ્યા અને આખરે ૧૯૯૬માં ત્યાં જ મૃત્યુ પામ્યા.

            હવે, સવાલ એ છે કે આજે પ્રોજેક્ટરમાં આપણે બાબા વાન્ગાને કેમ યાદ કરી રહ્યા છીએ ? તો જવાબ એ છે કે અલગ અલગ સમય અને વર્ષો માટે તેમણે કરેલી ભવિષ્યવાણીઓ એક પછી એક બધી સાચી સાબિત થઇ છે. અને તેમની ક્રમિક ભવિષ્યવાણીઓમાં હવે જે વર્ષનો નંબર છે તે છે ૨૦૧૬. બાબા વાન્ગાની ભવિષ્યવાણી મુજબ ૨૦૧૬ એ વર્ષ હશે જે વર્ષ મુસ્લિમો યુરોપ પર આક્રમણ કરશે. અને ૨૦૧૫માં જ જે રીતે ઈરાક, સિરીયા અને જોર્ડનના કરોડો રીફ્યુજી યુરોપમાં ઘુસ્યા છે અને જે રીતે આઇએસઆઇએસ પેરીસ પર હુમલો કરી ચૂક્યું છે તે રીતે આ ભવિષ્યવાણી સાચી પડવાની સંભાવના પૂરેપૂરી છે. આ પછીની બાબા વાન્ગાની ભવિષ્યવાણી એ છે કે ૨૦૧૮માં ચીન દુનિયાની મહાસત્તા હશે અને અમેરીકાથી આગળ નીકળી ચૂક્યું હશે. ત્યાંથી અમેરીકા માટે પરિસ્થિતિઓ એટલી વણસસે કે એ આફ્રિકન અમેરીકન રાષ્ટ્રપતિ અમેરીકાના આખરી કાર્યકારી રાષ્ટ્રપતિ હશે. ૨૦૨૩માં પૃથ્વીની સૂર્ય આસપાસની પરીક્રમણ કક્ષા બદલાશે અને તેનાથી ધુ્રવ પ્રદેશ પીગળશે અને મધ્ય-પૂર્વના દેશોમાં અગ્નિ વરસસે. ૨૦૨૮માં ઉર્જાના નવા સ્ત્રોત માટે માનવ શુક્ર જેવા બીજા ગ્રહ પર પહોંચશે.

            ૨૦૪૩માં સિરિયામાં મોટું ઈસ્લામિક યુધ્ધ છેડાઇ જશે જે અંતે રોમ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેશે. યુધ્ધના કારણે યુરોપ માણસો રહીત એક વેરાન પ્રદેશ બનશે. ૨૦૭૬માં એક નવો સૂર્ય ઉગશે જે પૃથ્વીના અંધકારને પ્રકાશિત કરશે. આ વાત કદાચ ૨૦૦૮માં શરુ થયેલા એ વૈજ્ઞાાનિક પ્રોજેક્ટની પૂર્ણાહૂતિ સૂચવે છે જે ન્યુક્લિઅર ઉર્જાના સતત જોડાણથી સૂર્ય જેટલી શક્તિ પૃથ્વી પર ઉત્પન્ન કરવા માટે શરૃ કરાયો છે. ૨૧૩૦માં પરગ્રહીઓ પૃથ્વી પર આવી પહોંચશે. ૨૧૭૦માં વૈશ્વિક મંદી અને દુષ્કાળ પડશે. ૨૨૬૨માં મંગળ પર મોટા ઉલ્કાપાત થશે. ૩૦૦૫માં મંગળ પર યુધ્ધ થશે જે પૃથ્વીનો અવકાશી માર્ગ બદલી દેશે. ૩૭૯૭માં પૃથ્વી નષ્ટ પામશે. પરંતુ માનવજાતિ બીજા સૌરમંડળમાં જવાની શક્તિ મેળવી ચૂકી હશે. ૫૦૭૯માં બ્રહ્માંડનો અંત આવશે.

            આમાંથી કેટલું સાચું સાબિત થશે એ જોવા આપણામાંથી કોઇ રહેવાનું નથી. અત્યારે તો આ બધી ભવિષ્યવાણીઓ આપણને સારી ફીલ્મી પટકથાઓ લખવા જ કામ આવી શકે છે. પણ બાબા વાન્ગાની આગળની ભવિષ્યવાણીઓની સફળતા જોઇને આ ભવિષ્યવાણીઓ સાચી પડશે એવું માની લઇએ તો આ ભવિષ્ય આજે આપણને શું સંદેશ આપે છે ? જે બે સમુદાય અને વિચારધારા આખી દુનિયા પર પોતાનું રાજ સ્થાપવા માટે સદીઓ અને દશકોથી કાર્યરત છે તે મુસ્લિમો અને સામ્યવાદીઓ યુરોપ પર રાજ કરવામાં સફળ થશે તેવું આ ભવિષ્યવાણી કહી રહી છે. પણ ઈસ્લામના યુરોપ જીતી લેવામાં એટલા મનુષ્યનો રક્ત વહેશે કે યુરોપ લગભગ મનુષ્યવિહીન થઇ જશે. કોઇ એક જ સંપ્રદાય સાચો છે અને બાકી ખોટા એ ધર્મઅંધતા સમૃધ્ધ યુરોપને એક વેરાન પ્રદેશ બનાવી દેશે તેની આમાં ચેતવણી છે. એ વેરાન પ્રદેશમાં રહેલા સહેલા મનુષ્યોથી વિશ્વમાં કોમ્યુનિઝમ પાછું ફરશે એની પણ એમાં વાત છે.

            આ એ તરફ ઈશારો છે કે જ્યાં સુધી આપણો સઘળો ભોગવિલાસ અને સમૃધ્ધિ એકવાર તબાહ ન થઇ જાય ત્યાં સુધી આપણે નીચા પાયદાનની સમાનતા વિચારી નથી શકતા. એ સમૃધ્ધિ કમજોરી છે. આપણે તે છીનવાઇ જવાથી ડરીએ છીએ અને એટલે જ કોમ્યુનિઝમ જગ્યાએ જગ્યાએ સ્થપાઇ ગયા પછી પણ નિષ્ફળ જાય છે. પણ એકવાર તે સમૃધ્ધિ આપણાથી છીનવાઇ જશે ત્યારે જ આપણે તમામ મનુષ્યોને ખરા અર્થમાં સમાન જોઇ શકવા સક્ષમ બનીશું, જે સાચા કોમ્યુનિઝમની સ્થાપના કરાવશે અને તેને ટકાવશે. ત્યારે જ મનુષ્યનું જીવન પણ પ્રકૃતિને અનુરુપ થશે. જેની ભવિષ્યવાણી ૨૦૮૪ની સાલ માટે કરવામાં આવી છે.

            પરગ્રહીઓ સાથે માનવનો સંપર્ક થવાની વાત એ સંદેશ આપે છે કે માનવજાતિના ઈતિહાસમાં દરેક સમય નવો છે. જેમાં નવી સંભાવનાઓ રહેલી છે. એવું કંઇ જ નથી જે આજસુધી નથી થયું એટલે હવે ન થઇ શકે. તે આજદીન સુધી એટલે નથી થઇ શક્યું કારણ કે તે હવે થવાનું છે. આજદીન સુધીનો સમય આપણી તેના માટેની તૈયારીમાં વિત્યો છે. વારંવાર થતી પ્રાકૃતિક સમસ્યાઓની ભવિષ્યવાણી આપણને એ સમજાવે છે કે આપણા અસ્તિત્વની છેલ્લી દોરી પ્રકૃતિના હાથમાં છે તે આપણે ભૂલવાનું નથી. વિજ્ઞાાનનો વિકાસ પણ પ્રકૃતિ માટે હોય, પ્રકૃતિના ભોગે નહીં એનું ધ્યાન રાખવાનું છે. છેલ્લે પૃથ્વીના વિનાશ પછી પણ મનુષ્યના કોઇ બીજા સૌરમંડળમાં જવાની શક્યતાઓ અને તેના તેરસો વર્ષ પછી બ્રહ્માંડના વિનાશની વાત વેદોના એ જ નાશવંતતાના સંદેશને વિજયી બનાવે છે કે ચાહે ગમે તેટલા ભાગી લો નાશવંતતા જ અંતિમ સત્ય છે. બધી સફળતાઓ, સિધ્ધિઓ અને પીડાઓ ત્યાં અંત પામે છે.

            આથી તેનાથી ભાગવાના સ્થાને, નાશવંત ન હોય તેવી વસ્તુની શોધ કરવી એ જ મનુષ્યજીવનનું એકમાત્ર ધ્યેય છે. અને તે વસ્તુ છે આત્મસાક્ષાત્કાર અને તેનાથી ઉપજતું આત્મજ્ઞાન. દરેક વસ્તુના વિનાશ પછી પણ જે રહેવાનું છે તે બ્રહ્મ જ જો આપણે છીએ, તો આપણો કોઇ અંત નથી. આપણો કોઇ વિનાશ શક્ય નથી. આ જ્ઞાનનો સાક્ષાત્કાર કરી લેવો એ જ માનવજીવનનો એકમાત્ર ઉદેશ્ય છે એ વાત બાબા વાન્ગાની આ ભવિષ્યવાણીઓથી સાબિત થાય છે. અને કદાચ એટલે જ માનવજાતિનો સૌથી જૂૂૂનો અને પહેલો ગ્રંથ ગણાતો ઋગ્વેદ પણ તેની મુખ્ય પ્રાર્થનામાં એ જ માગે છે, ”અમને અસત્યમાંથી સત્ય, અંધકારમાંથી પ્રકાશ અને વિનાશમાંથી અમરત્વ તરફ લઇ જા.”

July 05 / 2020 / On Facebook

ચીનનો સાચો વિરોધ કઈ રીતે શક્ય બનશે?

ચીનથી જીતવું કઈ રીતે શક્ય બનશે?

ચાઇનાની 59 એપ બૅન કરવા પર દિવાળી મનાવવાવાળા આજે બપોરે 12 વાગે અમેઝૉન પર ONE PLUS ની સસ્તી પણ ફિચર લોડેડ સ્માર્ટ એન્ડ્રોઇડ ટીવી ખરીદવા એવી પડાપડી કરશે કે કલાકમાં જ કંપનીનો સ્ટોક ખતમ થઈ જશે. ભારત માતાની જય કરીને ત્યાં પણ તુટી પડવાવાળા ઘર ઘરમાં છે. ONE PLUS, REDME, MI, TCL, OPPO, VIVO આ બધી કંપનીઓ ચીનની છે જે સસ્તા દરે ખરેખર ગજબની ટેકનોલોજીકલ પ્રોડક્ટ આપી રહી છે. એ ચીનની તાકાત છે, કારણકે છેલ્લા બે દશકમાં સોની, એપલ અને માઇક્રોસોફ્ટ જેવી વિશ્વની સ્ટાન્ડર્ડ કંપનીઓએ ચીનમાં પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખ્યા અને એમાં કામ કરી કરીને ચીનાઓ એની બનાવટ શીખી ગયા. પછી તેમણે એજ પ્રોડક્ટ સસ્તી ચીજોથી કેવી રીતે બનાવી શકાય એ તેમની મહારતને ઉપયોગમાં લીધી અને છેલ્લા આઠ વર્ષમાં જ ચીની કંપનીઓ શરુઆતથી લઈને વેચાણના ટોચે પહોંચી ગઈ. તમે સેમસંગમાં ચાર હજાર વધુ આપવાના બદલે MI અને RedMe ના ફોન અને ટીવી ખરિદ્તા રહ્યા. અને એજ ફોનથી સોશિયલ મિડીયા પર ચીની સામાન ન ખરીદવાનું જેહાદ લોકો કરતા રહ્યા. આજે પણ કરી રહ્યા છે. અસલમાં હકીકત આજ છે. બે રુપિયા બચાવવામાં જ જેમના આદર્શો ઢળી પડતા હોય એવા અશક્ત લોકો જ સૌથી વધુ ચીની સામાનના બહિષ્કારના મેસેજ મોકલી પોતાના દેશપ્રેમને પણ સસ્તામાં નિપટાવવાની કોશિશ કરતા હોય છે.
પણ એવું નથી કે હું એમાં બચ્યો છું. મેં હંમેશા સેમસંગ કે મોટોરોલાના (2014 માં ચીની લિનોવોઍ તેને ટેકોવર કરી તે પહેલા) જ ફોન વાપર્યા, ગમે તેટલું લલચાવે તો પણ ચીની કંપનીઓના ફોન તરફ જોયું પણ નહીં. પેલી 59 એપમાંથી પણ મારા પાસે ખાલી ઝેન્ડર જ હતી, એ પણ તેના ચીની ડીએનએની જાણકારીના અભાવમાં. પણ જ્યારે મેં મારા ડેન્ટલ ક્લિનિકના સાધનો જોયા તો અડધાથી વધુ મેડ ઇન ચાઇના હતા. જે ઉપકરણો ભારતીય કંપનીના સમજીને ખરીદ્યા હતા એ પણ ચાઇનાના જ હતા, બસ કોઇએ વધુ માત્રામાં ખરિદ્યા હતા તો ચીનીઓએ તેના પર ભારતીય ભાઇને જે જોવતું હતું તે નામ છાપી આપેલું. એટલે એ ભારતની કંપનીનું ઉપકરણ તેના જેવા જ ચીની ઉપકરણથી 15% મોંઘુ હતું. અને આવું અનેક ઉપકરણોમાં છે. તો ડેન્ટલ ફિલ્ડની જેમ આવા ઘણા ફિલ્ડ છે જ્યાં વેપારીઓ કે પ્રોફેશનલ બિઝનેસ ઓનર ચીની સામાન પર આધારિત છે. એટલે જમીન પર રહેલા ઉપભોક્તા તરીકે ચીની સામાનનો બહિષ્કાર એ તો પહેલું લક્ષ્ય, પહેલો પડકાર અને પહેલો ત્યાગ છે. એના પછી તો આપણે ધીરે ધીરે આ ઔધોગિક ઉપકરણો અને પછી કાચા માલમાં ચીનથી મુક્ત થવાનું છે. પણ પહેલા ચરણમાં જ આપણી લાલચ છૂટતી નથી એ આજ સાંજ સુધીમાં અમેઝૉન પર ખબર પડી જશે.
તો ચીનથી સાચા અર્થમાં જીતવાનો ઉપાય શું છે? ઉપાય કેટલાક તત્કાલિન છે અને કેટલાક દૂરના ભવિષ્ય માટે છે. પણ એ બંને પ્રકારના ઉપાય આપણી માનસિકતામાં આમૂલ પરિવર્તન લાવવાથી જ થાય એમ છે.
1. સ્માર્ટફોનની બાબતમાં હાલ પુરતું સેમસંગ પર અને સ્માર્ટ ટીવીની બાબતમાં સેમસંગ, LG, ઓનિડા (ભારતીય કંપની) અને પેનાસોનિક પર જ આધારિત રહેવું. ચીની કંપનીની પ્રોડક્ટને જોવી પણ નહીં.
2. સીધો બજારમાંથી વ્યક્તિગત ઉપયોગ માટે ખરીદવાનો હોય તેવો કોઇપણ સામાન કે વસ્તુ ચીની ન જ હોય તેની ખાતરી કરવી અને ચીની વસ્તુ જ વપરાતી હોય તેવી બાબતોમાં ભારતીય રીતો અને પરંપરાઓને અવકાશ આપવો. જેમ કે ડેકોરટિવ લાઇટીંગ સિરિઝ અને બર્થ ડે સેલિબ્રેશન માટેની વિવિધ ચીની વસ્તુઓના બદલામાં દીપક પ્રજ્વલિત કરવા.
3. હવે પછીના ત્રીસ વર્ષોને એક રાષ્ટ્ર તરીકે નવી નવી વસ્તુઓના ઉત્પાદન અને નવી નવી ટેકનોલોજીની શોધખોળ અર્થે અર્પણ કરી દેવા.
4. અત્યારે પ્રાથમિક અને માધ્યમિક સ્કુલમાં છે તે બાળકોની પેઢીને અત્યારથી જ દેશમાં કેવા પ્રકારની વસ્તુઓ અને ઉપકરણોના ઉત્પાદનની તથા કેવા કેવા પ્રકારની ટેકનીલોજીની શોધની જરુર છે તેની જાણકારી, માર્ગદર્શન અને તાલિમ સુઆયોજિત રીતે આપવા લાગવું. આ પેઢી હવે પેલા ઘેટાં-બકરાંની જેમ બારમું કર્યા પછી ગ્રેજ્યુએશન કરી અલગ અલગ સરકારી નૌકરીઓ માટે તૈયારી કરતી અને આજીવન કેટલા ટકા ઇન્ક્રીમેન્ટ અને મોંઘવારી વધી એ વાતે સરકાર સામે જોઇ રહીને લાળ ટપકાવતી ન બને એ જોવાની મુખ્ય જરુરીયાત છે અને એ માટેનું આમૂલ પરિવર્તન યુધ્ધના દરે થવું જોઇએ.
5. દેશમાં વિવિધ ક્ષેત્રે કેવી કેવી વસ્તુઓના ઉત્પાદનની જરુર છે અને એ માટે ફેકટરી કે ઉધોગો કેવી રીતે વિકસાવી શકાય એની ઉંડાણપુર્વકની જાણકારી અને માર્ગદર્શન સરકાર તરફથી વેબસાઇટ, ટેલિવિઝન કાર્યક્રમો, ઓનલાઈન કોર્સ અને ટ્રેઇનિંગ દ્વારા દેશના ઘર ઘર સુધી પહોંચાડવી પડશે. આ રીતે દેશના દરેક પરિવાર સુધી આપણે મેન્યુફેક્ચરિંગનું એક ઘેલું વાતાવરણ ઉભું કરવું પડશે જે દેશને ગુલામ ભારતથી ચાલી આવતી સરકારી નૌકરીની આરામદેહ અને મૂઢ માનસિકતામાંથી મુક્ત કરી શકે.
6. સૌથી મહત્વપૂર્ણ છે ડિગ્રીનું અર્થહીન કાગળિયું લઈને આવતા આળસું અને કામચોર યુવાનોમાંથી વિવિધ ટેકનિકલ અને શ્રમયુક્ત કાર્યમાં સ્કીલ મેળવેલા તાલીમબધ્ધ યુવાનો બનાવવા. ચાઇનાની મેન્યુફેક્ચરિંગ હબ તરીકેની સફળતાનું સૌથી મોટું કારણ છે ત્યાંના તાલીમબધ્ધ, શિસ્તબદ્ધ અને નિષ્ઠાપૂર્ણ શ્રમિકો અને કારીગરો. એવા લોકો જેમને તેમના કામથી પ્રેમ છે, જેમના ઈગો કોઇ ડિગ્રીના કાગળિયાના વજનથી ભારે થયેલા નથી અને નિષ્ઠા મફતમાં કમાઇ લઈને પૈસા ઉડાવવાની મૌજ કરવામાં ખોવાયેલી નથી. જેવું ભારતમાં છે. જે સ્ત્રીઓ ઘરમાં રાંધતિ હોય છે તે ઓછું ખાઇને પણ વધુ સંતોષ મેળવે છે. કોઇ નવી સારી વાનગી બનાવી હોય તો પણ સૌથી છેલ્લે અને સૌથી ઓછી ખાઇને પણ તે આનંદિત હોય છે. કારણકે તે એ વસ્તુના મેન્યુફેકચરીંગનો આનંદ મેળવી ચૂકી છે. તે સર્જનનો આનંદ મેળવી ચૂકી છે જે એક ઉપભોક્તાના આનંદ કરતાં અનેકઘણો વધુ હોય છે. એટલે નવરા બેસીને ખાનારા પાંચ પિઝામાં પણ નથી ધરાતા અને તે પોતે બનાવેલા બે પિઝા ખાઇને પણ ખુશ અને સંતૃપ્ત હોય છે. આપણા ભારતનું યુવાધન મૌજશોખ માટેના પૈસા કમાવવા જ્યાં ત્યાં નૌકરી કરીને કામચોરી કરવાવાળું છે, જે પૈસાથી તે ચીની સ્માર્ટફોન ખરીદી ચીની ટીકટૌક પર પોતાના નવરાપણાનું પ્રદર્શન કરે છે. જો તે સ્માર્ટફોન બનાવનાર સ્કીલ્ડ કારીગર બની જશે તો એ બેફામ ખર્ચા કરીને ગુટખા સોપારી ખાઇને જ્યાં ત્યાં પોતાની બેકારીનું પ્રદર્શન કરવાનું આપોઆપ બંધ કરી દેશે. તેને એ કામથી જ આનંદ આવવા લાગશે જે કામથી તે સ્માર્ટફોન બનાવવામાં તેનો ફાળો આપે છે. આ એક બેઝિક હકીકત છે જેને ભારતમાં આપણે સમજી નથી શક્યા.
તો આટલું વિશાળ છે આ અભિયાન. જ્ઞાન, મહેનત, નિષ્ઠા અને ત્યાગ માંગી લેતું. એટલે હવે પછી પાનના ગલ્લા પર, સગા સબંધીઓના ઘરે નવરા પડી ગપ્પા મારતી વખતે જ્યારે ચીની સામાનના વિરોધની વાત કરો કે ચીનને આ બાબતમાં હરાવવું અશક્ય છે એ કામચોરી ધારણ કરી લો ત્યારે યાદ રાખવું કે આ અશક્ય તો નથી જ, પણ વાતો કરવા જેટલું સહેલું પણ નથી. બસ આ દેશ તેના માટે આપણાથી એક મહાન જનઆંદોલન અને સાચી રાષ્ટ્રભક્તિયુક્ત એક સાચા જીવનની માંગ કરી રહ્યો છે.
June 29 / 2020 / On Facebook

કોરોના ટ્રીટમેન્ટનો પ્રાઇવેટ હોસ્પિટલનો ખર્ચ

સંકટ સોયેલી માનવતા જગાવવા માટે હોય છે, સોયેલી માનવતાને દફનાવી દેવા માટે નહીં.

તો, હવે જ્યારે દરેક સરકાર કોરોનાને પબ્લિકના ભાગ્ય પર છોડી ચૂકી છે ત્યારે સદીની સૌથી મોટી મહામારીના સમયમાં સરકારને કરવા માટે શું બચે છે? અમદાવાદ સિવિલનો ડેથ રેટ દેશમાં સૌથી ઊંચો છે ત્યારે રાજ્યની અન્ય સિવિલ હોસ્પિટલો પર સામાન્ય પ્રજા કેટલો ભરોસો કરી શકે છે એ એક સવાલ છે. અને જે પ્રાઇવેટ હોસ્પિટલોને કોરોના પેશન્ટની ટ્રીટમેન્ટની પરમિશન અપાઇ છે તે દર્દી પાસેથી દિવસના ચાલીસ હજાર લેખે પૈસા લઈ રહી છે. એક એવી બિમારી માટે જેની કોઇ દવા નથી. જે બિમારી વિશે જેટલી પણ જાણકારી છે તે બધી પબ્લિક ડોમેઇનમાં છે. કોરોના બિમારીએ જ્યારે અમીર-ગરીબ બધાને સમાન રાખ્યા છે ત્યારે, મતલબ બચાવવા માટે અમીરને વિશેષ રુપે આપી શકાય એવું કંઇ નથી ત્યારે, દરેક પેશન્ટની સારવાર એક નિશ્ચિત ગાઇડલાઇન મુજબ જ દરેક સ્થાને સમાન થવી જોઇએ. પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે થઈ શકતી હોય તે સરકારી હોસ્પિટલમાં થવી જ જોઇએ. અને જો સરકારી હોસ્પિટલોમાં જે થાય છે તેજ બેઝિક સારવાર પ્રાઈવેટમાં પણ થાય છે તો આટલી બધી ફી શાની?
કોરોના જ્યારે હવે સોસાયટી-સોસાયટી અને ઘર-ઘર સુધી પહોંચી રહ્યો છે ત્યારે સમસ્યા એ છે કે જનતા મૌતથી ઓછી અને તેમની આજીવન બચત કે આજીવન કમાણીને પ્રાઇવેટ હોસ્પિટલની દાન પેટીમાં ગુમાવી દેવાથી ડરી રહી છે. જ્યારે પોતાના કોઇ સ્વજનને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થાય ત્યારે પૈસા જોવા કોઇ તૈયાર નથી હોતું (અલબત્ અમૂક નમૂનાઓ સિવાય જેમના માટે આજીવન દરેક સબંધ ફાયદા-નુકશાનની ગણતરી સાથે બનાવટથી જીવાયો હોય છે) અને જ્યારે એ સ્વજન એક કરતાં વધુ હોય ત્યારે માણસ બધું ફના કરવા પણ તૈયાર થઈ જાય છે. અને આવા સમયે જો એમના આખા જીવનની કમાણી કે બચતને લુંટી લેવા આપણે સામેની બાજુ તૈયાર બેઠા છીએ, તો એ લુંટનો હિસ્સો મેળવનાર દરેક માણસે પોતાના ભણતર જ નહીં, પોતાનામાં વહેતા લોહી પર પણ એકવાર શરમ કરી લેવી જોઇએ. પાંચ-સાત દિવસ ફક્ત ઓક્સિજન આપવાના ચાર-ચાર લાખ રુપિયા..? એ જે માણસ કેટલીક જાણકારી લઈને ઘરે પણ લઈ શકે છે. વેન્ટીલેટરની તો વાત જ નથી. ચોખ્ખા ધંધામાં પણ જ્યારે ગ્રાહકોની સંખ્યા વધે એટલે પ્રોડક્ટની કિમત સસ્તી કરવાની માનવતા દેખાડવામાં આવે છે. અહિં તો રોજ સેંકડો પેશન્ટો વધી રહ્યા છે અને આગળ વધવાના જ છે ત્યારે શું આ ધંધામાં માનવતા લાવવાની યોજના સરકાર પાસે નથી?
દરેક નાના શહેરોની પ્રાઇવેટ હોસ્પિટલોમાં એક અલાયદો ભાગ કોવિડનો રાખવાની કે દરેક શહેરની અમૂક હોસ્પિટલોને કોવિડ માટે અલાયદી કરી એક ડેંગ્યુના પેશન્ટને જે દરે ટ્રીટમેન્ટ મળે એજ દરે કોવિડ પેશન્ટને સારવાર મળે એની વ્યવસ્થા કરાવો. એ સરકારની જવાબદારીમાં આવે છે. ફક્ત કોઇ મોંઘી ટેબલેટ, ઇન્જેક્શન કે પ્લાઝમા થેરાપી આપવામાં આવતી હોય તોજ એનો વધારાનો દર લેવાય અને એમાં પણ નફાનું નીચામાં નીચું ધોરણ સરકાર નક્કી કરે. એટલે, આ પરવાનગી અપાયેલ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલોની લૂંટ બંધ કરાવો. જો બિમારી લોકો પર છોડી દીધી છે તો બિમારીનો ઇલાજ પણ રાજ્યના તમામ પ્રાઇવેટ, સહકારી અને સરકારી હોસ્પિટલોમાં વહેંચી દો. અમીર-ગરીબ દરેક કોવિડ પેશન્ટ માટે સારવારની ગાઇડલાઇન એક જ હોવી જોઇએ અને એનો રેટ પણ ડેંગ્યુ અને ફ્લુ જેવી સામાન્ય બિમારીઓ જેટલો જ નિશ્ચિત કરાયેલ હોવો જોઇએ. કારણકે બિમારી ડેંગ્યુ અને ફ્લુ જેવી માઇલ્ડ જ છે, બસ એક સાથે અનેકને થઈ રહી છે અને કેસ ક્રિટિકલ થઈ જાય તો બચવાનો કોઇ ઉપાય નથી એટલે સંભાળવી મુશ્કેલ છે. તો આ વાત તો કોઇ એવી પ્રોડકટના વધારે ગ્રાહકો હોવાવાળી વાત છે જે પ્રોડક્ટના પરિણામની કોઇ ગેરેન્ટી નથી. એટલે એની સારવાર તો ઉપરથી પેશન્ટ વધે એમ સસ્તી થવી જોઇએ.
કોરોના એક-બે વર્ષ સુધી આ રીતે રહેવાનો જ છે અને આપણી માનવતાને બરાબરની ચેક કરવાનો છે. સૌથી પહેલા એ એજ બે ક્ષેત્રને ચેક કરી રહ્યો છે જ્યાં સૌથી વધુ માનવતાની જરુર હતી અને જ્યાં સૌથી વધુ ઝડપે આપણે માનવતા ગુમાવી રહ્યા હતા. એ બે ક્ષેત્ર છે રાજનીતિ અને તબિબિ ક્ષેત્ર. ત્રીજું એવું ક્ષેત્ર જ્યાં માનવતા ઘટી રહી છે અને જે હવે કોરોનાની ઝપેટમાં આવવામાં નેક્ષ્ટ નંબરે છે તે છે શિક્ષણ ક્ષેત્ર. એટલે આ ક્ષેત્રો સાથે સંકળાયેલ દરેક માણસ હવે પોતાના અંતરઆત્માને એ સવાલ પૂછી લે એ જરુરી છે કે શું આપણા આ ક્ષેત્રમાં આવવા પાછળનો ઉદેશ્ય ફક્ત ધંધો જ હતો? જો જવાબ હા મળી રહ્યો છે તો સમજો તમે એક માનવ બનવાની રેસ હારી ચૂક્યા છો. તમારે બસ હવે એક પશુ તરીકે મરવાનું જ બાકી છે. સંકટ સોયેલી માનવતા જગાવવા માટે હોય છે, સોયેલી માનવતાને દફનાવી દેવા માટે નહીં.
નોંધ: આખા આર્ટીકલની કોઇપણ વાત કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર તબીબો માટે કહેવાઇ નથી. એ તબિબિ ક્ષેત્રને એક કોર્પોરેટ ક્ષેત્ર તરીકે ચલાવનાર લોકો માટે કહેવાયેલ છે.
May 06 / 2020 / On Facebook

અધિકારીઓ જયંતિ રવિ અને વિજય નહેરાને સાઇડમાં કર્યા બાબત જરુરી સબક

“જ્યારે અડધી નજર જ વિષયમાં અને બાકીની અડધી કેમેરા સામે લાઇમલાઇટ મેળવવામાં હોય ત્યારે કામમાં થતો ભવાડો…”

જ્યારથી કોરોના કેસ ગુજરાતમાં શરું થયા અને જયંતિ રવિ બહેનને પ્રેસ કોન્ફરન્સ કરતા જોયા ત્યારથી હું મારા ઘરમાં કહી રહ્યો હતો કે આ બહેનના ચહેરા પર અને બોડી લેન્ગવેઝમાં ગંભીરતાના સ્થાને કેમેરા સામે લાઇમલાઇટની કોન્શિયસનેસ વધુ છે. રોજ અલગ અલગ ક્લાસિકલ સાડીઓ પહેરીને કેમેરા સામે ટીવી પર આવવું જ્યાં માસ્ક પણ સાડીના મેચિંગમાં હોય. લાલ સાડી હોય તો લાલ માસ્ક, લીલી સાડીમાં લીલો અને બ્લુ સાડીમાં બ્લુ. એ આવા મહામારીના સમયમાં એક બ્યુરોકેટ્સ તરફથી મિડિયાના કેમેરા સામે પોતાના આઉટલુક અને સ્ટાઇલ પ્રત્યેની કોન્શિયસનેસ દેખાડે છે. જ્યારે જે બોલવાનું સબસ્ટન્સ હોય એ ઉપરછલ્લું અને પ્રભાવહીન. આ કંઈક એવું જ છે કે જ્યારે 26/11 ના હુમલા દરમિયાન હોટલ તાજમાં આતંકવાદીયો વિરુધ્ધ ઓપરેશન ચાલતું હતું ત્યારે ગૃહમંત્રી શિંદે દિવસમાં ત્રણવાર મિડીયા સામે આવ્યા અને ત્રણેયવાર એમના કપડા અલગ અલગ હતા. એ વખતે પણ મિડીયામાં અને પોલિટિક્સમાં આ વાતને અસંવેદનશીલ કહી વખોડવામાં આવી હતી.
કદાચ આજ કારણે જે હું માનતો હતો તે કેટલાક દિવસો પછી મારા ઘરમાં અન્ય સભ્યો પણ એ કહેવા લાગ્યા જે હું કહેતો હતો. હજી એક-બે દિવસ થયા એટલે એક-બે મિત્રોના પણ ફોન આવ્યા અને મને આજ વિષયે પુછ્યું, ‘તમને આ છિછરુ અને અસર વગરનું નથી લાગતું..? વિજય નહેરાના પણ કામના વખાણ કરનાર એક વર્ગ છે. પણ પોતાનો ચહેરો ફ્રંટમાં દેખાડવાના અને ફેસબુક લાઇવથી લોકોથી વાતો કરવાના અભરખા એમનામાં પણ છે અને જ્યાં પરિણામ દેખાડ્વાનુ છે ત્યાં તો સતત ભવાડો છે.’ બીજા કેટલાક દિવસો ગયા અને ગુજરાતમાં કેસ વધવા લાગ્યા એટલે બે સિનિયર ડોક્ટરો સાથે પણ સામેથી આજ વાત થઈ. તેમણે કહ્યું, ‘આ હેલ્થ ડિપાર્ટમેન્ટના અગ્ર સચિવમાં મેડિકલ સબજેક્ટની જે સિરિયસનેસ અને ડેપ્થ હોવી જોઇએ એ નથી. કોઇક આર્ટીકલ લખીને વાત ઉઠાવોને તો મેડિકલ એશોશિએશન પણ સલાહ આપે કે કોઇ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા આઇએસ ઓફિસર કે અગ્રણી ડોક્ટરને આ જવાબદારી સોંપો.’ પણ આવા ગંભીર સમયમાં નેગેટિવિટી ફેલાય અને વિષયમાંથી ધ્યાન ભટકે એવી કોઇપણ પોસ્ટથી મેં દૂર રહેવાનું નક્કી કર્યું હોવાથી હું એ ટાળતો રહ્યો. જ્યારે બીજી બાજુ સોશિયળ મિડિયા પર જયંતિ રવિના જે લોકો વખાણ કરી રહ્યા હતા એમાં એક એ કોલેજીયન છોકરીઓનો વર્ગ હતો જે ટીવી સિરિયલોમાં પણ લોકોના કપડા અને ઘરના પડદા જ નોટિસ કરતી હોય છે. અને બીજો વર્ગ પચાસ વર્ષ આસપાસના અને રિટાયર્ડ થયેલા એ સરકારી નૌકરિયાત કાકાઓનો હતો જે ઉપરી અધિકારી તરીકે આવું ઉંચુ શિક્ષણ મેળવેલી અને શુધ્ધ સુશોભિત વર્તન કરતી સ્ત્રી અધિકારીથી પ્રભાવમાં હતા. એ પોસ્ટ અને કોમેન્ટો પણ એમના દેખાવ વિશે વધુ હતી. બાકી કોરોના રોકવાના કામમાં તો વખાણવા લાયક ગુજરાતમાં હજુ કંઇ થયું જ નથી.
જે કેરલમાં સૌથી પહેલા 150 કેસનો આંકડો આવ્યો હતો ત્યાં 1000 કેસ થતા પહેલા જ કોરોનાના કેસ આવતા બંધ થઈ ગયા છે. જ્યારે જે ગુજરાતમાં શરુઆત સૌથી છેલ્લે થઈ હતી તે આજે દેશમાં બીજા નંબરે છે. શું નરેન્દ્ર મોદી સીએમ હોત તો આવું થયું હોત..? સવાલ જ નથી. સાફ સુથરા સુવાળા શબ્દો કેમેરા સામે અપાતી બ્રિફીંગમાં પણ સારા નથી લાગતા જો એ શબ્દોમાં જમીન પર પરિણામ લવડાવવાનો પ્રભાવ ન હોય. આ વાત તો ગુજરાતની નૌકરશાહીથી લઇને છેક સીએમ ઓફિસ સુધી સમજવાની છે. એટલે કોરોનાને રોકવામાં નિષ્ફળતાને ખાલી આ બે અધિકારીઓને હટાવી ઢાંકવાની કોશિશ ન થાય.
તો જ્યારે હવે જયંતિ રવિ બહેન અને ભાઇ વિજય નહેરાને એ સ્થાનેથી હટાવાયા છે ત્યારે આ લખી રહ્યો છું કારણકે નવા આવનારા અધિકારીઓને પાછળના લોકોથી ક્યાં ભૂલ થઈ એ ખબર હોય. આ ફિલ્મી હિરો જેવા ઉપસી આવવાના જે એક અભરખા આપણી માનસિકતામાં આપણી ફિલ્મોએ નાખેલા હોય છે એનાથી બહાર રહીને વાસ્તવિકતામાં રહેવાનું છે. બસ પોતે જે કરવાનું છે એમાં જે શ્રેષ્ઠ કરી શકીએ છીએ એ કરતા રહેવાનું છે. ટીવી પર કોણ આવે છે, કેટલું આવે છે એ બધી વાતોને સાઇડમાં રાખીને. એટલે સરકાર હવે અધિકારીઓને પ્રેસના કેમેરા સામે બ્રિફીંગ અપાવવાનું બંધ કરે અને કેમેરા વિનાની એક ટુંકી પ્રેસ વાર્તા કરી જરુરી જાણકારી આપી દે જે કોઇના ચહેરા વિના ન્યુઝ ચેનલોમાં ટેક્સટ રુપે આવી જશે. જેમ યુપી અને દિલ્લીમાં જરુર પડે ફક્ત સીએમ જ કેમેરા સામે આવીને નાગરિકો સાથે વાત કરે છે તેમ આવા સમયમાં રાજ્યના લોકોને કેમેરા સામે આવીને કંઇ કહેનાર એક જ ચહેરો હોવો જોઇએ અને એ રાજ્યના વડાનો (સીએમનો) હોવો જોઇએ. બાકી બધા જ સરકારી અધિકારીઓના વ્યક્તિગત ફેસબુક લાઇવ બ્રિફીંગ અને વિડિયો પોસ્ટ પર પ્રતિબન્ધ હોવો જોઇએ. જે પણ કહેવું છે એ સરકારના માધ્યમથી પ્રેસને જાણકારી આપીને કહો. આ રીતે પોતે સામે આવીને વ્યક્તિગત ચહેરો ચમકાવવાનું બંધ કરો. કારણકે જે પેલા PSI, PI અને DSP કક્ષાના લોકોને સિંઘમ અને સિંબાના પોઝમાં વિડિયો પોસ્ટ કરતા આપણે જોયા હતા એવું હવે આવા મહામારીના કાળમાં નહીં ચાલે. બ્યુરોકેસીમાંથી ડિસીપ્લીન અને ધીરગંભીરતા જતી રહે એટલે તે એનો પ્રભાવ ગુમાવી બેસે છે.
જ્યાં સુધી જયંતિ રવિજીની વાત છે, હું એમનું અંગત રીતે સમ્માન કરું છું કારણકે તેઓ શાસ્ત્રીય સંગીતના જાણકાર છે અને તેનાથી પણ વધારે તેઓ એક ન્યુક્લિયર ફિઝિસિસ્ટ રહી ચુક્યા છે. પણ એક ન્યુક્લિયર સાયન્ટિસ્ટનો એ મુખ્ય ગુણ એમનામાં મીસીંગ છે. એક વૈજ્ઞાનિક અને ડોક્ટરનો મુખ્ય ગુણ એ હોય છે કે તે વર્ષો સુધી એક વીસ બાય વીસના ઓરડામાં ચુપચાપ પોતાના સંશોધનો કરતો રહે છે. બહારની દુનિયામાં તેને કોઇ ઓળખે છે કે નહીં એની એને પડી નથી હોતી. એને બસ એના કાર્યની સફળતામાં જ રસ હોય છે અને એના માટે તે દશકોના દશકો એક લેબમાં કાઢી નાખે છે. કાર્યની સફળતા પછી પણ તેને લાઇમલાઇટ નથી જોઇતી. શું તમે એ માણસનું નામ જાણો છો જેણે લેબમાં પહેલી ટીવી કે મોબાઇલ બનાવ્યો હતો..? શું તમે દુનિયાના મોટાભાગના રોગની રસી, દવા અને સર્જરી શોધનાર ડોક્ટરનું નામ જાણો છો..? એનો ચહેરો જોયો છે..? નહીં. તમે બસ એ કંપનીઓને જાણો છો જે એ વસ્તુઓ બનાવે છે અને તેમના એમ્બેસેડર બનેલા સેલેબ્રિટિઓને જાણો છો. કોરોનાની આ મહામારી જ્યાં મહીના પછીના હાલાત કેટલા ભયાનક હશે તે પણ કહી શકાય એમ નથી ત્યાં રાજ્યના સરકારી અધિકારીઓ એ પ્રભાવશાળી વૈજ્ઞાનિકોની જેમ કામ કરતા હોવા જોઇએ, ના કે સેલિબ્રિટીઓની જેમ. આવું ન થઈ શકે અને એનું પરિણામ પ્રજા ભોગવે તો જવાબદારી મુખ્યાની જ હોય છે. એટલે હજી સમય છે ભૂલો સુધારી લેવાનો અને ખાલી સમાજમાં લોકોને બતાવવા માટે છોકરાંને ડોક્ટર બનાવવાવાળા ગુજરાતીઓમાંથી થોડા એકેડેમિક અને પ્રોફેશનલ ગુજરાતી બની જવાનો જે મહામારીમાં પ્રજાજનોનું મોટું નુકશાન થતું અટકાવે.
આજ વાતની બીજી બાજુ તરીકે એ પણ સત્ય છે કે જયંતિ રવિ બહેને અને ભાઇ વિજય નહેરાએ છેલ્લા બે મહીનાની કોરોના સામેની લડાઈમાં પોતાનો પરિશ્રમ આપ્યો હશે અને યથાશક્તિ કાર્ય પણ કર્યું હશે. પણ એ કાર્ય કરવામાં જે ભૂલ થઈ રહી હોય કે જે રહી ગયું હોય એવું મને લાગ્યું છે ત્યાં ધ્યાન દોરવા મેં આ લેખ લખ્યો છે. એટલે એ બાબતે રાખેલ મારા વિચારોથી તેમને દુખ થયું હોય તો તેની એડ્વાન્સમાં માફી પણ માંગુ છું. વિરોધ કે પૂર્વગ્રહ કોઇ વિશે નથી. બસ જે તરફ ધ્યાન દોરવું જરુરી લાગ્યું એ દોરવાની કોશિશ કરી છે જેથી એ ચૂક આગળ થતી અટકે અને ગુજરાતને એના નુકશાનથી બચાવી શકાય.
August 01 / 2019 / On Facebook

વસ્તીવધારો - હવે જાગવાનો સમય..

શરૂ ક્યાંથી કરવું..?

દેવામાં ડૂબેલા Cafe Coffee Day ના માલિક વી.જી.સિદ્ધાર્થ આખરે મૃત અવસ્થામાં મળી આવ્યા. તેમના મૃત્યુના આગળ દિવસે જ ગુમ થયેલા સિદ્ધાર્થ વિશે આનંદ મહિન્દ્રાએ એક ટ્વિટ કર્યું હતું, ‘હું આ માણસને નથી જાણતો. હું એમની આર્થિક પરિસ્થિતિને પણ નથી જાણતો. પણ નવા ઉધોગ સાહસિકો બિઝનેસની નિષ્ફળતાને તેમના આત્મવિશ્વાસને નષ્ટ ન કરવા દે. તે ભારતમાં બિઝનેસના ભવિષ્યને ખતમ કરી દેશે.’ અને આજે સિદ્ધાર્થના મૃત્યુના સમાચાર આવ્યા. અસલમાં ભારતમાં પરિસ્થિતિ એ છે કે બહુ વધુ સંપત્તિ ધરાવતા ઉધોગપતિઓ વધુને વધુ ક્ષેત્રોમાં પ્રવેશી રહ્યા છે અને નાના ઉદ્યોગો ખતમ થઈ રહયા છે. મહિન્દ્રા જેવી મોટી ઓટોમોબાઈલ કંપની નાના બાળકોના કપડાં વેચતી ફર્સ્ટક્રાય જેવી ઓનલાઈન શોપિંગ એપ્લિકેશન પણ ચલાવે છે. રિલાયન્સ જીઓ બીએસએનએલને ટેકઓવર કરવાની વાતો ઘણા સમયથી થઇ રહી છે તો મોટી મોટી ટેલિકોમ કંપનીઓને સાઈડમાં કરી દેનાર રિલાયન્સ જીઓ હવે એસબીઆઈ સાથે ભાગીદારીમાં સૌથી મોટી પેયમેન્ટ બેન્ક તરીકે એન્ટ્રી લઇ રહી છે.
આમ, નાના વેપારો, ફેક્ટરીઓ અને મિલો બંધ થવાનો સિલસિલો જે કેટલાક વર્ષો પહેલા શરૂ થયો હતો તે હવે આવી મધ્યમ શક્તિની કંપનીઓ દેવામાં ડૂબી બંધ થવા સુધી પહોંચ્યો છે. એકતરફ બેફામ વસ્તીવધારાથી ફેલાતી બેકારી અને બીજીબાજુ દેખાદેખીથી ભૌતિક સુખ ભોગવવામાં જ જીવનની સફળતા હોવાનો મૂઢ ખ્યાલ. જો કોઈ એક નવો ધંધો ખોલે છે તો એના પહેલા કે તે કંઇક કમાય બીજા અનેક તેજ ધંધો ખોલી કોમ્પિટિશનમાં આવી જાય છે. પરિણામ એ છે કે દશકો સુધી વેપાર કરનાર લોકો પણ સરકારી નૌકારીઓ તરફ ધસી રહ્યા છે. ભવિષ્ય એ તરફ જઈ રહ્યું છે કે બે દશકમાં ભારતમાં ખાલી બે જ વર્ગ હશે. એક મોટા ઉદ્યોગપતિઓ અને બીજા સરકારી નૌકારીયાતો. આ સિવાયના બાકી બધા નાગરિકો સરકારી યોજનાઓ પર નભતા શ્રમિકો હશે. અને આ એજ ચિત્ર છે જે આર્થિક રીતે બરબાદ થઈ ચૂકેલા ગ્રીસમાં એ બરબાદી પહેલા આવ્યું હતું. સરકારી નૌકારીયાતોની ખરીદી ક્ષમતા સીમિત હશે. બાકીના નાગરિકો મોટી ખરીદી કરવાની હાલતમાં નહીં હોય. પરિણામે મોટા ઉદ્યોગોની કમાણી પણ સતત ઘટશે અને તેમના ટેક્સથી સરકારને થતી આવક ઘટતી જશે. સરકાર પર લોકોનો બોજો વધતો જશે. પહેલા ગરીબો માટે ચાલતી યોજનાઓ પડી ભાંગશે અને પછી નૌકરીયાતોને પગાર નહીં ચુકવી શકાય. બસ, આ સ્થિતિ આવ્યા પછી એને સંભાળવાની હદો બહાર જતી રહે છે અને ગ્રીસ જેવી સ્થિતિ આવી જાય છે જ્યાં આખો દેશ ‘પાર્ટી ઉઠી ગઈ છે’ નું બોર્ડ લગાવી દે છે. આજ પરિસ્થિતિ એ સામ્યવાદને જન્મ આપશે જેની ભવિષ્યવાણી બાબા વાંગા અને કાર્લ માર્ક્સથી લઈને સ્વામી વિવેકાનંદ સુધીના લોકોએ એકવીસમી સદીના મધ્ય પછીના સમય માટે કરી છે. આજે ભલે આપણે 7 % વિકાસદર અને ઊંચા GDPના આંકડાઓ જોઈને હરખાઈએ પણ યાદ રહે તે ખાલી ઉપરના મોટા ઉદ્યોગોની સફળતા અને GST ના કારણે ટેક્સમાં પારદર્શિતા આવવાના કારણે છે. બાકી મેન્યુફેક્ચરિંગ દેશમાં છેલ્લા પાંચ વર્ષથી સતત ઘટી રહ્યું છે. દેશના નાના ઉદ્યોગો બંધ થવાનો દર પણ સતત ઊંચો જઇ રહ્યો છે. ક્ષણિક સફળતા પાછળ છુપાયેલી ભવિષ્યની તબાહી જોતા આપણને આવડવી જોઈએ. અને જો જોઈ શકાય તો એ સમજાઈ જશે કે એ પરિસ્થિતિને ઉભી કરી રહેલું જો એકમાત્ર મોટું પરિબળ હોય તો તે છે વસ્તીવધારો.
વસ્તીવધારાનું મુખ્ય કારણ છે ભારતીયોનું પોતાના શરીરનો હિસ્સો હોય તેવા મનુષ્યોને જ પોતાના સમજવાનો એક સ્વાર્થી અને મૂઢ ઝુકાવ. એ પણ ભૌતિકતાનો જ એક હિસ્સો છે. કારણકે પોતાના બાળકનું પણ ખાલી શરીર જ આપણા તરફથી હોય છે. એના અંદરનો આત્મા તો કોઈ બીજો જ છે. અને આપણું તો પોતાનું શરીર પણ ભાડાનું છે, જેને આપણે અહીં છોડીને જતા રહીશું અને લોકો તેને સળગાવી દેશે. પછી એ શરીરથી જોડાયેલી કોઈ વસ્તુ કે વ્યક્તિથી તમારી ઓળખ નહીં રહે. મતલબ, ગયા જન્મમાં મેં કોઈ કાર્ય દ્વારા કરોડો રૂપિયા કમાયા અને મુંબઈના ચારેબાજુ અબજો રૂપિયાની પ્રોપર્ટી ઉભી કરીને મરતા પહેલા પોતાના છોકરાઓને આપી દીધી. આજે મારું શરીર બદલાઈ ગયા પછી મારે એ છોકરાઓને મળવા માટે પણ મહિનાઓ સુધી પ્રયાસો કરી એપોઇન્ટમેન્ટ લેવી પડશે. તેમની પ્રોપર્ટી કે બીજી વાત તો છોડી જ દેવી જોઈએ. તો આ સંપૂર્ણ સત્ય સામે જે અંધ જીવન આપણે મારા ચામડાનો અંશ હોય એજ મારું બાકીનું પારકું વિચારધારા સાથે જીવીએ છીએ તે આપણને એક સ્વાર્થી અને અસંવેદનશીલ સમાજ બનાવે છે. અને એક દિવસ આપણે એની જ કિંમત ચુકાવીશું.
આ મૂઢતાને યોગદીક્ષા ધરાવતી શિક્ષણવ્યવસ્થા સ્થાપી દૂર કરવાની છે. બીજી બાજુ, દેશમાં એક સુઆયોજિત અનાથ આશ્રમોનું માળખું તૈયાર કરવાનું છે. દેશના તમામ અનાથ અને રસ્તા પર ફરતાં અને અન્ય સ્થાનોનાં તમામ ગરીબ અનાથ બાળકોની દરેક જીલ્લામાં નોંધણી કરવામાં આવે અને સમાજમાં સંતાન દત્તક લેવાની પ્રથાને પ્રોત્સાહન આપવામાં આવે. આદર્શ રૂપે દેશમાં દરેક પુરુષ દીઠ બેજ બાળકો હોવા જોઈએ. ત્યારબાદ કોઈ સંતાન જોઈએ છે તો દત્તક જ લેવાનો નિયમ હોવો જોઈએ. નિયમ પુરુષ દીઠ એટલા માટે કારણકે બાળકોની ઓળખ પિતાના નામથી થાય છે. પણ એક કિસ્સામાં પુરુષને તેનું ત્રીજું સંતાન લાવવાની શરતી પરવાનગી અપાયેલી હોય. ત્રીજા સંતાનની છૂટ એટલા માટે કે એક પત્નીથી બે સંતાનો થઇ ગયા હોય અને બીજા લગ્ન થાય તો બીજી પત્નીને પણ તે પુરુષ સ્ત્રીની ઈચ્છા હોય તો એક સંતાનનું સુખ આપી શકે. પણ આ સાથે તે દંપતીને ફરજીયાતપણે એક ગરીબ બાળકને જીલ્લામાં નોંધણી કરાવેલ સ્થાનેથી દત્તક લેવું પડશે અને પોતાના સંતાનની જેમ તેનો ઉછેર કરવો પડશે એ અનિવાર્ય નિયમ હોય. આ સિવાય અન્ય લોકોમાં પણ દેશના ગરીબ બાળકોને દત્તક લેવાની અલગ અલગ પ્રોત્સાહન યોજનાઓ ચલાવવાની છે. આ રીતે વસ્તીવધારા પર અંકુશ લાવી શકાય છે અને ગરીબોની નવી પેઢી તરીકે જે બાળકો રોડ પર પેદા થાય છે તેમને ત્યાંથી હટાવી સંપન્ન દેશવાસીઓના ઘરમાં સ્થાન આપી શકાય છે. આજ સાચો સમાજવાદ છે અને સમાજને એ તરફ ધકેલવો જ પડશે. આ સમાજને તેની હાલની બદીઓ અને ભ્રષ્ટતાઓ સાથે આગળ વધવાની ખુલી છૂટ આપી શકાય એમ નથી. તે વસ્તીવધારા અને સ્વકેન્દ્રીત જીવનસરણી રૂપે ભયાનક ભવિષ્યને આમંત્રણ આપી રહ્યો છે.
જ્યાં સુધી મારી વાત છે. કોલેજમાં હું ભણતો હતો ત્યારે મેં નિશ્ચય કર્યો હતો કે મારા જેટલા સંતાનો હશે એટલે બીજા બાળકોને હું દત્તક લઈશ. અને એ દત્તક બાળકો મારા કોઈ સંબંધીના કે ઓળખીતાના નહીં હોય. તો સમય આવ્યે હવે હું એ નિશ્ચય પૂરો કરવાનો છું. બાકી સાંસારિક રીતે તો જેમ તમે જાણો છો તેમ મારું વ્યક્તિગત સાંસારિક જીવન મારી બે બાયોલોજીકલ દીકરીઓ અને એક માનસ દીકરી સાથે મારી પત્નીની રાહ જોવામાં જઇ રહ્યું છે. બસ, એ સાથે જે સાર્વજનિક કર્યો કરવાના છે તે આત્મકથામાં આવી જશે. મને અપાયેલો સિલેબર્સ.
બાય ધ વે, આ પરિસ્થિતિને સુધારવા કેટલાક અન્ય પરિવર્તન પણ જરૂરી છે. અમેરિકામાં મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટમાંથી બહાર પડનારા લોકોને ઇન્સ્ટિટયૂટ તરફથી એક જ વાત કહેવાય છે કે ‘જો નૌકરી કરનારા બનવાને સ્થાને નૌકરી આપનારા બન્યા તોજ સમજજો કે તમે આ ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા હતા.’ આપણા IIM ના ઇન્સ્ટિટ્યૂટમાં પણ એજ કહેવાય છે, પણ મોટાભાગે લોકોને મોટા પેકેજ લઈ કોર્પોરેટ જોબમાં નૌકરી કરવામાં જ રસ છે. વસ્તીવધારા સાથે આ માનસિકતા પણ બદલવાની જરૂર છે. અને સરકારી નૌકારી માટે ધમપછાડા કરનારા પણ સરકારી નૌકરી મળતાં જ ટિપિકલ મૂઢ સરકારી નૌકર ન બની જાય. જે આર્થિક સુરક્ષા એમને નૌકરીમાંથી મળે છે એનો ઉપયોગ કરી દેશના ઉત્પાદનમાં અને ઉન્નતિમાં અન્ય કોઈ રીતે ઉપયોગી બની શકીએ એ રાષ્ટ્રીય ચિંતનને સતત ધારણ કરીએ. બીજી બાજુ વ્યક્તિમાં આધ્યાત્મિક ચેતના પ્રગટે અને આધ્યાત્મિક જાગૃતિનું સુખ દરેક નાગરિકને મળતું થાય એ માટે શિક્ષણ વ્યવસ્થામાં યોગ દીક્ષા અનિવાર્યરૂપે અપાય. જેથી નાગરિક પોતે પોતાનામાં સુખ અને આનંદ મેળવી કે અને તેની ભૌતિકતા પાછળની આંધળી દોટ બંધ થાય. જો આ નથી થતું તો સામ્યવાદ આવ્યો જ સમજો. અને સામ્યવાદમાં જો આધ્યાત્મ નહીં હોય તો એ નાસ્તિક સામ્યવાદ જ ભારતના પતનનું કાર્ય બનશે. એટલે વૈશ્વિક અર્થનીતિના નષ્ટ થવા સાથે સામ્યવાદ આવતો હોય તો ભલે આવે પણ ત્યાં સુધી આપણે આપણી આધ્યાત્મિક સભ્યતા પાછી મેળવી લીધેલી હોવી જોઈએ. આધ્યાત્મિક, સાંપ્રદાયિક નહીં જે હનુમાને અમર બનાવેલા ‘જય શ્રી રામ’ના નારાને પણ કલંકિત કરી દે.
April 21 / 2019 / On Facebook

હું મારો વોટ મોદીને આપીશ.. કારણ કે...

સ્કુલ અને કોલેજ બંને સ્થાને મારા મિત્રોનું ગૃપ મારા જેવું જ બનેલું. અમે કલાકો બેસીને દેશની હાલત સુધારવા શું શું કરવું જોઇએ એની ચર્ચા કરતા રહેતા. એ વખતે અમે કહેતા ‘ભ્રષ્ટાચાર મિટાવવા અને સરકારી યોજનાઓ ગરીબો સુધી પહોંચે તે માટે સરકારી પૈસા સરકારથી સીધા ગરીબો સુધી પહોંચે એવી વ્યવસ્થા હોવી જોઇએ.’ અમે બોલી તો દેતા પણ હંમેશા કલ્પના જેવું લાગતું.
અમે કહેતા, ‘પાકિસ્તાન તરફથી કોઇપણ આતંકવાદી હુમલાનો દસ ઘણો શક્તિશાળી વળતો જવાબ આપવો જોઇએ. પીઓકેના કેમ્પમાં ઘુસી તેમને તબાહ કરી દેવા જોઇએ કે ત્યાં સીધા ફાઇટર પ્લેનથી બૉમ્બ ફેંકી દેવા જોઇએ.’ અમે બોલી તો દેતા પણ એ નરી કલ્પના જેવું જ લાગતું. અમે કહેતા, ‘દરેક સૈનિકો પાસે બુલેટપ્રુફ જેકેટ હોવું જોઇએ. એટલી સુરક્ષા તો એને મળવી જોઇએ.’ પણ આ પણ કલ્પના જ લાગતી. અમે કહેતા ‘એવી વ્યવસ્થા માટે પગલાં લેવાં જોઇએ જ્યાં માણસ નાના-મોટા કોઇ વ્યાપારમાં ચાહે તો પણ ટેક્સ ચોરી ના કરી શકે. દરેક ઘરમાં વિજળી હોવી જોઇએ, ગેસ કનેક્શન હોવું જોઇએ. અમેરિકાની જેમ નવા ધંધા ખોલવાવાળા લોકોને ઝડપી અને આસાનીથી લોન મળવી જોઇએ. ગરીબો અને નિમ્ન મધ્યમવર્ગ માટે ઉંચા દરજ્જાની સ્વાસ્થ અને શિક્ષણ સેવા મફત હોવી જોઇએ.’ આહા, આવું બોલીને તો અમે એવા વિચારે વળતા કે આપણી કઈ પેઢી આ જોઇ શક્શે? પણ છેલ્લા પાંચ વર્ષ, ફક્ત પાંચ વર્ષમાં આ બધું જ શક્ય બની ચુક્યું છે અથવા શક્ય બનવાનું શરું થઈ ચુક્યું છે. અને એટલે જ ‘મોદી હૈ તો મુમકિન હૈ’ નારો કોઇ પોલો રાજકીય નારો ન લાગતાં, દેશના જનસમુદાયની અવાજ વધુ અનુભવાય છે.
2014 માં મોદી સરકાર સત્તા પર આવી ત્યારે દેશની હાલત શું હતી એ પેલા રિપોર્ટૉથી ખબર પડેલી કે દેશ પાસે હવે ખાલી વીસ દિવસ ચાલે એટલો જ દારુગોળો છે. મતલબ, યુધ્ધ થાય તો વીસ દિવસ આપણે લડી શકીએ. પછી દેશ દુશ્મનને થાળીમાં સજાવી ધરી દેવો પડે. આ હાલતવાળો મોંઘવારી અને લુંટાઇ ચુકેલ તિજોરીવાળો દેશ મોદી સરકારને મળેલો. મોદી સરકારે દેશની તિજોરીને ભરી દેશને દુનિયાનિ છઠ્ઠા નંબરની મોટી ઇકોનોમી બનાવી એના સાથે બીજા કેવા અકલ્પનિય કાર્ય કર્યા એ જોઇઍ.
અમારી સ્કુલ કોલેજના સ્વપ્નોની જેમ મોદીએ શરુઆત કરી જનધન ખાતાં ખોલવાથી. એટલા ઝડપી કે ગિનીસ બુકમાં રેકોર્ડ લખાઇ જાય. આજે દેશના મોટાભાગના દરેક માણસ પાસે પોતાનું બેન્ક એકાઉન્ટ અને એટીએમ કાર્ડ છે અને ગરીબો, ખેડુતો તથા આમ જનતા સાથે જોડાયેલી કુલ 425 યોજનાઓ માટેના પૈસા સીધા લોકોના ખાતાંમાં જમા થાય છે. ગરીબોને નડતો નાના સરકારી બાબુઓનો ભ્રષ્ટાચાર એકી ઝાટકે ખતમ. મેક ઇન ઇન્ડિયા યોજના દ્વારા એ ભવિષ્યનો પાયો નાખવામાં આવ્યો જ્યાં દુનિયાની મોટાભાગની દરેક વસ્તુ પર ‘મેડ ઇન ચાઇના’ ના સ્થાને લખ્યું હશે ‘મેડ ઇન ઇન્ડિયા’. મોટાભાગની ચાઇનીઝ મોબાઇલ કંપનીઓના મોબાઇલ પર ‘મેડ ઇન ઇન્ડિયા’ લખાતું થઈ ગયું છે અને આઇફોન પછી દુનિયાની બીજા નંબરની સૌથી મોટી અને સ્ટાન્ડર્ડ કંપની ગણાતી સેમસંગે દુનિયાનો સૌથી મોટો મોબાઇલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ભારતમાં નાખ્યો છે. કાર બનાવતી અનેક ઓટોમોબાઇલ કંપનીઓ પણ દેશભરમાં અનેક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ‘મેક ઇન ઇન્ડિયા’ સ્કિમ મુજબ સ્થાપી ચુકી છે. ત્યાં સુધી કે કોંગ્રેસ સરકારમાં દસ વર્ષની ઉઠક બેઠક પછી બંધ થઈ જનાર રાફેલ ફાઇટર પ્લેનની ડિલને પણ ફરી એ રીતે કરાઇ છે કે શરુંના દસ પ્લેન ભારતમાં એસેમ્બલ થયા પછી બાકીના પ્લેન ભારતમાં મેક ઇન ઇન્ડિયા સ્કિમ અનુસાર બનશે. અમેઠીમાં વિશ્વની સૌથી આધુનિક ગણાતી સૈન્ય રાયફલ AK 203 નું મેન્યુફેક્ચરિંગ પ્રખ્યાત રશિયન કંપની સાથે શરું કરાયું છે. હવે ભારતીય સેના માટે રાયફલો બહારથી નહીં ખરીદવી પડે, ઉપરથી વિદેશમાં તેની નિકાસ શરું થશે. 2009માં સેનાએ સૈનિકો માટે દોડ લાખ બુલેટપ્રુફ ઝાકેટની માંગ કરી હતી. પણ ઘોટાળાઓમાં દેશની તિજોરી ફુંકી મારનાર તે સમયની સરકારે 2014 સુધી તે ના આપ્યા. મોદી સરકાર અત્યાર સુધી સેનાને માંગ કરતાં વધુ એટલે કે અઢી લાખ બુલેટપ્રુફ ઝેકેટ આપી ચુકી છે. દશકોથી ચાલી આવતી સેનાની વન રેન્ક વન પેન્શનની માંગને પણ આજ સરકારે પુરી કરી. તબિબિ ક્ષેત્રે આયુષ્યમાન યોજના બહુ મોટી ક્રાન્તિ છે. ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગના નાગરિકોને દર વર્ષે 5 લાખ સુધીની ટ્રિટમેન્ટનો ખર્ચો સરકાર આપે છે. આ ઉપરાંત હાર્ટ સર્જરી માટેના સ્ટેન્ડની કિમતમાં ધરખમ ઘટાડો કરાયો છે અને જનઔષધિ સ્ટોર રુપે સસ્તી દવાઓ પણ ગરીબો માટે ઉપલબ્ધ બની છે.
સેના અને દેશના ગરીબો માટે જેટલું કરાયું છે એટલું જ બીજી બાજુ વ્યાપારને ઉત્તેજન આપવા માટે કરાયું છે. સ્ટાર્ટ અપ સ્કિમ વડે નવા નવા ઉધોગોને અતિનિમ્ન વ્યાજે સરળતાથી લોન અપાય છે. અત્યાર સુધી 14 કરોડ લોકોને નવો વ્યાપાર શરું કરવા મુદ્રા યોજનાથી આવી લોન મળી ચુકી છે. સ્કીલ ઇન્ડિયા સ્કિમ અંતર્ગત ઓટોમોબાઇલ અને કૃષિ ક્ષેત્રમાં કાબેલ કારીગરો તૈયાર કરતી સંસ્થાઓ શરું થઈ ચુકી છે. જીયોની ઇન્ટરનેટ ડેટા ક્રાન્તિ પછી હજારો ગામોને અને રેલ્વે સ્ટેશનોને ઓપ્ટીકલ ફાઇબર નેટવર્કથી જોડાયા છે. આ બધું રિલાયન્સ સાથે મળીને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે આયુષ્યમાન યોજના જેવી ઐતિહાસિક યોજના લાવવા માટે થઈ રહ્યું છે, જ્યાં દેશની દરેક સરકારી સ્કુલમાં શહેરોમાં મળતું ગુણવત્તાભર્યુ શિક્ષણ ડાયરેકટ ઇન્ટરનેટ વડે અપાશે. આઝાદી પછી સૌથી ઉંચા દરે સડક અને રેલ નિર્માણનું કાર્ય આ પાંચ વર્ષમાં થયું છે. દેશની પહેલી બુલેટ ટ્રેન માટેનું કાર્ય શરું થઈ ચુક્યું છે. દેશના દરેક ગામ અને ઘરને વિજ કનેક્શનથી જોડી દેવાયા છે જ્યાં હવે પછીનું લક્ષ્ય 24 કલાક વિજળી આપવાનું છે. સૌર ઉર્જાના ઉત્પાદનમાં છેલ્લા પાંચ વર્ષમાં 8 ગણો વધારો થયો છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામ અને શહેરોમાં ગંદકીના પ્રમાણમાં ધરખમ ઘટાડો આવ્યો છે. 2014માં ફક્ત 38 ટકા ગામોમાં સંડાસનો ઉપયોગ થતો હતો જે આજે ઓનપેપર 98 ટકા આવી ચુક્યો છે. કાશીમાં ગંગાના ઘાટોની સ્વચ્છતાથી લઈને કૂંભ મેળાનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ આયોજન અને સ્વચ્છતા જળવાવી તથા કાશી વિશ્વન્નાથ મંદિર સુધીના કોરીડોરના નિર્માણનું કાર્ય શરું થવું એ વિકાસ અને સુશાષનનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે.
આ બધા સાથે 2004 થી 2014 સુધી દિલ્લી, વારાણસી, બંગલોર, અમદાવાદ અને મુંબઈ જેવા અનેકો અનેક શહેરોમાં થતા સિરિયલ બ્લાસ્ટ અને 26/11 જેવા સામાન્ય નાગરીકો પરના આતંકિ હુમલાઓ જાણે કોઇ વિતેલા યુગની જુની યાદો હોય તેવું લાગે છે. કાશ્મિર અને તેને સંલગ્ન પંજાબમાં થયેલા સેના પરના કેટલાક હુમલાઓ સિવાય આ પાંચ વર્ષમાં દેશમાં એકપણ આતંકવાદી હુમલો થઈ શક્યો નથી. અને સેના પર કરાયેલા હુમલાના સર્જીકલ સ્ટ્રાઇક અને ઍર સ્ટ્રાઇકથી એવા જવાબ અપાયા છે જેણે વિશ્વભરમાં ભારતની એક મજબુત રાષ્ટ્રની છબી ઉભી કરી છે અને પાકિસ્તાનને તેની આતંકવાદની પોલિસી પર ફરી વિચારતું કરી મુક્યું છે. ડોકલામમાં મહિનાઓ સુધી ચીનની ખુલ્લી ધમકીઓ સામે ન ઝુકનાર મોદી સામે આખરે ચીનને સેના હટાવી પોતાનું થુકેલું પોતે જ ચાટવું પડે એવી નામોશી ઝીલવી પડે છે. અને આ બધામાં મોટો ફાળો છે મોદીની વિદેશનીતિનો. પ્રધાનમંત્રી મોદીની બહુચર્ચિત વિદેશયાત્રાઓથી આજે વિશ્વભરમાં ભારત પ્રત્યે સહકાર અને સમ્માનનો ભાવ છે. દરેક દેશ ભારત સાથે વિકાસ અને વ્યાપારમાં જોડાવવા માંગે છે અને આતંકવાદ વિરુધ્ધ ભારતને સાથ આપવા માંગે છે. નોટબંધી અને જીઍસટી ઉપરા ઉપરી લાવીને મોટાથી લઈને મધ્યમ ઉધોગો સુધી ટેક્સ ચોરીને લગભગ અસંભવ બનાવી દેવામાં આવી છે. હા, આજ સાહસિક કદમોના લીધે દોડેક વર્ષ નાના અને મધ્યમ વ્યાપારીઓને અતિ મંદીના દિવસો જોવા પડ્યા અને કેટલાકે નૌકરીઓ ગુમાવી. પણ આઝાદીના સિત્તેર વર્ષમાં દેશના ભીતર જ કાળું નાણુ બનવાની એવી ઉંડી વ્યવસ્થાઓ બની ચુકી હતી કે તેમને જડમૂળથી ઉખાડવા અને દેશના વ્યાપારને લિગલ ટેક્સ સિસ્ટમમાં લાવવા આ કઠોર કદમો અતિશય જરુરી હતા. આજે એનાથી નુકશાન એ વ્યાપારીઓને જ છે જેમનો ધંધો બ્લેકમાં ચાલતો હતો. આપણે બસ હવે રાષ્ટ્રહિતમાં વ્હાઇટમાં ધંધો કરવાની ટેવ પાડવાની છે. અને એ ટેવ પાડવા આપણને મજબુર કરવા એ બંને કદમો રાષ્ટ્રહિતમાં જરુરી હતા. એ બંને નિર્ણયોથી દેશને દર વર્ષે જે વધારાના અબજો રુપિયા મળતા થયા તેનાથી જ તો દેશની સેના અને ગરીબોને મજબુત કરવાના કાર્યો થઈ શક્યા છે. આજે આખા દેશમાં એક જ ટેક્સ છે અને ટેક્સ માળખાના આ સરળીકરણે વિદેશી રોકાણમાં (FDI માં) ભારતને વિશ્વમાં પ્રથમ ક્રમે લાવીને મૂકી દિધું છે. વ્યાપાર કરવા માટે ઉત્તમ દેશોના લિસ્ટમાં ભારત આ પાંચ વર્ષમાં 140 મા સ્થાનેથી 68 મા સ્થાને આવી ચુક્યું છે. વિવિધ વિમા યોજનાઓનો ગરીબો અને ખેડુતોએ લાભ મેળવ્યો છે. 330 રૂપિયામાં 2 લાખ રુપિયાના વિમાની સહાય 12 કરોડ ગરીબ પરિવારોને મળી ચુકી છે. આવાસ યોજનામાં બે કરોડથી વધુ ગરીબોને પાકા ઘર મળી ચુક્યા છે અને 2022 સુધીમાં દરેક ભારતીયને રહેવા માટે પોતાનું પાકું ઘર આપવાનો લક્ષ્યાંક છે. આ સિવાય પેલું ટ્રીપલ તલાકવાળું બંધ કરાવ્યું અને ભારતમાં ધર્માનતરણોમાં લિપ્ત અમેરિકાની સૌથી મોટી ખ્રિસ્તી સંસ્થાને બંધ કરી એની વાત તો કરી જ નથી.
દેશનું દેવું વધવું:
કેટલાક લોકો એવો ભ્રામક પ્રચાર કરે છે કે મોદી સરકારમાં દેશનું દેવું વધી ગયું. તો એના ઓફિશિયલ આંકડા પણ આ છે. March 2004માં ભારતનું external debt 111.6 billion ડોલર હતું જે UPA 1 માં 2009 માં 225 million ડોલર થયું. પાંચ વર્ષમાં ડબલથી પણ વધારે વધ્યું. 2009 ના માર્ચમાં ભારતનું external debt હતું 225 billion ડોલર જે march 2014માં 446.4 billion US ડોલર થયું. મતલબ, કોંગ્રેસની UPA 2 સરકારના 5 વર્ષમાં તે 221 billion ડોલર વધ્યું (allmost double). 2019 march માં external debt છે 521 billion ડોલર. મતલબ 2014 થી અત્યાર સુધી 5 વર્ષમાં 75 billion ડોલર વધ્યું. માનસિક દેવાળીયા લોકો ખાલી એ તર્ક લઈ આવ્યા છે કે ભારતનું દેવું વધ્યું, જે 1970 થી આંકડામાં સતત વધે જ જાય છે. જોવાનો હોય એના વધવાનો દર અને દેશની GDP સાથે એની ટકાવારી. 2014માં દેશનું દેવું GDP ના 23.7 ટકા હતું, જે 2019માં 20.1 ટકા છે. તો આટલું બધું કામ કર્યાં પછી પણ દેશના વધતા દેવામાં આટલો સારો કંટ્રોલ. એ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. બીજી એક એક્ષટ્રા જાણકારી એ આપી દઉ કે external debt એ ખાલી દેશની પડતીનું નિશાન નથી હોતું જેમ સામાન્ય લોકોમાં માનવામાં આવે છે. ચીન, અમેરિકા, બ્રિટન અને લગભગ દરેક વિકસિત યુરોપિયન દેશનું દેવું ભારત કરતાં વધારે છે અને GDP થી તેના parcentage પણ ભારત કરતાં અનેકગણા વધારે છે. મોટા દેશોમાં ખાલી ચીનની GDP સાથે debtની ટકાવારી ભારતથી ઓછી (15%) છે. એટલે ‘ઇન્દિરા તો દેવી છે અને કોંગ્રેસ અમારી માઇ-બાપ છે’ એ યુગના ભોળા ભારતીયો સામે દેશના દેવાની વાત કરીને મીસગાઇડ કરી શકાય, આજના જાગૃત ભારતીય સામે નહીં. આજે આખું ઇકોનોમિકસ સમજવું પડે અને પછી કંઇ વાત કરાય. ઉપર આપેલી વિગતો લગભગ દરેક વેબસાઇટ પર સમાન જ છે. એટલે અહીં લિંક અને સ્નેપ શોટ આપીને chaos નથી કરી રહ્યો.
તો, રાષ્ટ્રનિર્માણના દરેક ક્ષેત્ર અને દરેક સ્થાન પર જે પ્રધાનમંત્રીએ માત્ર 5 વર્ષમાં આટલું ઐતિહાસિક કાર્ય કર્યું છે, જેને સાઉદી આરબ અને રશિયા જેવા દેશો પોતાના સર્વોચ્ચ નાગરિક સમ્માન આપે છે, જેને વિશ્વનો દરેક નેતા એક વર્લ્ડ લીડર માની સમ્માનથી જૂએ છે એ મોદીને વોટ ના આપવાનું મારી પાસે કોઇ કારણ નથી. હા, એક ઉચ્ચ ગર્વ અને સંતોષ જરુર છે કે આ એ માણસનું કામ છે જેને મેં 2014 માં મારો વોટ આપીને પ્રધાનમંત્રી બનાવવામાં મારું યોગદાન આપ્યું હતું. બાકી, અસહિષ્ણુતા અને મોબ લીનચિઁગના એ કાલ્પનિક મોદી વિરોધી મુદ્દા તો કોંગ્રેસના અતિબુધ્ધિજીવી ગુલામોની જ સમજમાં આવી શકે, આપણા જેવા સામાન્ય માણસની સમજ અને જાણથી તો એ બહાર જ રહ્યા હતા અને બહાર જ રહેવાના. એ બધું એ નવરા પડેલા ગુલામોનો ટાઇમપાસ હતો જે સર્જીકલ સ્ટ્રાઇક અને ઍરસ્ટ્રાઇક પછી સેનાના કાર્યનો સબુત પણ માંગી શકે છે. એ લોકો જેમના માલિકો દેશની રાજધાનીમાં ‘ભારત તેરે ટૂકડે હોંગે’, ‘ભારત તેરી બર્બાદિ તક જંગ રહેગી’ જેવા નારાઓને અભિવ્યક્તિની આઝાદીના નામે સમર્થન આપે છે અને દેશદ્રોહની કલમ નિકાળી દેવાની ઘોષણા કરીને દેશના એ દુશ્મનોને મજબુતી આપે છે.
એટલે 23 એપ્રિલે મારો વોટ મોદી, મોદી અને ફક્ત મોદીને જશે. બાકી તો આ દેશમાં લોકતંત્ર એક ગુટબાજીનો ખેલ બની ગયો છે. કોઇને 70 વર્ષ પહેલા અનામત આપ્યું એટલે તે એક પાર્ટીનો ગુલામ છે, કોઇને અનામત મળતા પહેલા તોફાન મચાવવા બદલ થોડા દંડા પડ્યા એટલે કોઇનો વિરોધી છે. કોઇના બાપ-દાદા એ પાર્ટીમાં હતા કે છે એટલે એ પાર્ટીનો વફાદાર છે. તો કોઇ વળી એક પાર્ટીમાં ટિકિટ ના મળી કે લાઇન બહુ લાંબી છે એટલે એનો વિરોધી છે. કોઇ હિંદુ વિરોધી છે એટલે એક પાર્ટીનો વિરોધી છે અને એના સિવાયની બધી પાર્ટી એને પ્યારી છે. આ વ્યક્તિગત સમીકરણો અને ગુટબાજીથી ઉપર ઉઠી થોડીઘણી પણ તટસ્થતાથી જે ફક્ત રાષ્ટ્રહિતને જુએ છે એ સ્પષ્ટ જોઇ શકે છે કે કોંગ્રેસ પાર્ટી હવે એક પરિવારના ભ્રષ્ટ નબીરાઓને દેશના બોસ બનાવવા માટે ચાલતી કંપનીથી વધુ કંઇ નથી. છેલ્લા પાંચ વર્ષમાં દેશનું આર્થિક, સામાજીક, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે જે ભલું થયું છે એના પછી પણ મોદીમાં દોષ દેખાતો હોય અને રાહુલ ગાંધી જબરો લાગતો હોય તે લોકોને આ જીવનમાં મનુષ્ય તરીકે પોતાની ગુલામ બનેલી માનસિકતા પર ચિંતા કરવી જરુરી છે. જય હિન્દ.
August 06 / 2019 / On Facebook

રાહુલ ગાંધીને જવાબ

રાહુલભાઈએ 24 કલાકની ઊંઘમાંથી બહાર નીકળી આર્ટિકલ 370 હટાવવા વિશે જે ટ્વીટ કર્યું એમાં કહ્યું, ‘બંધારણનું ઉલ્લંઘન કરીને, ચૂંટાયેલા સભ્યોને જેલમાં પુરીને અને જમ્મુ કાશ્મીરને બે ભાગમાં તોડીને દેશની અખંડિતતા જરાય વધી નથી. દેશ લોકોથી બને છે, જમીનના ટુકડાઓથી નહીં.’
હવે જો કોઈને એ આશ્ચર્ય થતું હોય કે રાહુલ ભાઈના મગજમાં આવી બુદ્ધિજીવી વાત ક્યાંથી આવી તો હું કહી દઉં કે આ વાક્ય ‘દેશ લોકોથી બને છે, જમીનના ટુકડાથી નહીં’ – એ તેમની દાદીના પપ્પા જવાહરલાલ નહેરુની બુક ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ ની શરૂઆતમાં આવતું વાક્ય છે. અને હું વર્ષોથી એ વાક્યનો વિરોધી રહ્યો છું, જેનો જવાબ આજે રાહુલભાઈની કોમેન્ટના જવાબમાં આપીએ.
જવાબ: દેશ લોકોથી બને છે, પણ એ લોકોને રહેવા માટે કોઈ જમીન ના હોય તો તે કોઈ દેશના ‘દેશવાસી’ નથી કહેવાતા. તે ‘રેફ્યુજી’ કહેવાય છે. જ્યારે કોઈ દેશના દેશવાસીઓને રહેવા જમીન ના રહે ત્યારે તે દેશના લોકોને પૃથ્વી પર લાવારીસ ફરવું પડે છે. એવું જ જેવું ઇઝરાયેલની સ્થાપના પહેલા યહૂદીઓને સદીઓ સુધી ફરવું પડ્યું અને જેવું ભારતમાં શરણ લીધેલા તિબેટીઅન બુદ્ધિસ્ટોને સહવું પડ્યું. એટલે આ પૃથ્વી પર એક રાષ્ટ્રને બનાવવા અને ટકાવી રાખવા માટે જે પહેલી જરૂરિયાત છે તે છે જમીનની. આજ એ વાત હતી જે જવાહરલાલ નહેરુના ભેજામાં 1940થી ઉતરેલી નહોતી જ્યારે તેમણે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ લખી. અને એજ અર્ધજ્ઞાની માનસિકતાના કારણે 1947 માં આપણે 19 ટકા લોકો માટે ભારતની 32 ટકા જમીન પાકિસ્તાન અને બાંગ્લાદેશ રૂપે આપી દીધી. એજ માનસિકતા સાથે નહેરુએ પાકિસ્તાનને POK પર કબજો કરવા દીધો. એજ માનસિકતાના કારણે નહેરુએ સિયાસીન ચીનને આપી દીધું અને સંસદમાં જવાબ આપ્યો, ‘અરે, એ ટુકડા માટે આટલું કેમ રડો છો? ત્યાં તો ધાનનો એક દાણો પણ નથી ઉગતો.’ સવા લાખ ચોરસ કિમિ વિસ્તાર ઘુમાવી દીધા પછી નહેરુનો આ જવાબ હતો. જેના વિરોધમાં તેમની જ પાર્ટીના એક મંત્રીએ ઉભા થઈને કહેલું, ‘મારા આ માથામાં એકપણ બાલ નથી ઉગતો. એટલે શું એને હું કાપીને ફેંકી દઉં..?’ તો આ એ માનસિકતા છે જેણે આઝાદ ભારતની સીમાઓની એ બધી સમસ્યાઓને જન્મ આપ્યો. એટલે નહેરુ અને તેમના જ વિચારોને કોંગ્રેસની વિચારધારા ગણાવતા તેમના વંશજોની આ માનસિકતાને ભારતની રાજનીતિમાંથી કાઢ્યા પછી હવે આ દેશના ચિંતનમાંથી પણ કાઢી દેવાની છે.
બીજું, જમીન સાચવ્યા પછી દેશ બિલકુલ તે દેશના લોકોથી બને છે. પણ દેશ એવા લોકોથી બને છે જે તે દેશને પોતાનો માને છે અને ચાહે છે. જે લોકો દેશની આર્મી સામે બંદૂકો અને પથ્થરો લઈને તે જમીનને દેશથી અલગ પાડવા માટે લડતા હોય તેવા લોકોથી દેશ નથી બનતો. એવા લોકો જ દેશના દુશ્મન કહેવાય છે, જેમના ઇરાદાઓને નિષ્ફળ બનાવવાના નિર્ણયો લેવાના હોય છે. એટલે જમીનથી ઉખડી ચૂકેલા આવા અવ્યવહારિક વિચારોને રાહુલભાઈ અને તેમની બેન નહેરુજીની સમાધિ પર જઈને હવે પધરાવી આવે. ભૂતકાળમાં દેશનું સત્યાનાશ કરી ચૂકેલા આ મૂર્ખ વિચારો દેશવાસીઓ તરફ ના ફેંકે. જ્યાં સુધી પોતાના પૂર્વજોની મૂર્ખામીઓ અને ખામીઓનું પ્રામાણિક મંથન ન થાય ત્યાં સુધી નવી પેઢી તેની અસરમાંથી બહાર નીકળી શકતી નથી.