ઈતિહાસ

All the text in the articles given below is Dr. Kaushik Chaudhary’s intellectual property. Sharing any part of it without giving attribution can be a criminal offense.

September 03 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

'મોંહેજોદરો' - ઇતિહાસથી લઇને ફિલ્મ સુધી ષડયંત્રોનું શિકાર

“૧૯૮૦ના દશકથી આર્યોના આ અતિક્રમણની થીયરીનું એવું પતન શરુ થયું કે આજે ૨૦૧૬માં અમેરીકન અને યુરોપીયન ઇતિહાસકારો, પુરાતત્ત્વવિદો અને જીનેટીક સાયન્ટીસ્ટો આર્યોના અતિક્રમણ વિશે એક શબ્દ સાંભળવા માગતા નથી.”

ઇ.સ. ૨૦૦૪ની સાલ. શાહરુખ ખાનની ‘વીરઝરા’ અને ‘મેં હું ના’ સુપરહીટ થઇ હતી અને વર્ષના અંતે આશુતોષ ગોવારીકરની લગાન પછીની બીજી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘સ્વદેશ’ રીલીઝ થઇ હતી. પણ પહેલા જ દિવસથી સ્વદેશ પર માછલા ધોવાવા લાગ્યા. અત્યંત ધીમી અને કોઈપણ જાતની એકશન કે રોમાંચ વગરની એ ક્લાસિક ફીલ્મને લોકોએ અને વિવેચકોએ એટલી વખોડી કે સમાચાર પત્રોમાં હેડલાઈનો જોવા મળેલી કે ‘સ્વદેશ શાહરુખ ખાનની બાદશાહત ખતમ કરી દેશે.’ પણ આજે એ અત્યંત ધીમી ફીલ્મ શાહરુખ ખાનની વર્સેટાલીટી અને અભિનય ક્ષમતાનો એકમાત્ર પૂરાવો મનાય છે અને એ સમયે એને ધીમી ફીલ્મ કહેવાવાળા આજે શાંતિથી બેસીને સ્વદેશને વારંવાર જોવા માગે છે. આવું જ કંઇક થયું છે આશુતોષ ગોવારીકરની હમણા રીલીઝ થયેલી ફીલ્મ ‘મોંહેજોદરો’ સાથે.

            પણ ‘મોંહેજોદરો’ના ચિંથરે હાલ થવા પાછળ બીજા ઘણા કારણો એક સાથે ભેગા થયા છે. ફીલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુમતીમાં રહેલા ડાબેરીઓને જ્યારે ખબર પડી કે આશુતોષ ગોવારીકર મૃતપ્રાય અવસ્થામાં પહોંચેલી આર્યોની ભારતમાં અતિક્રમણની થીયરીને પોતાની ફિલ્મ દ્વારા એક મોટો ફટકો મારવા જઇ રહ્યા છે ત્યારે તે લોકોએ ગોવારીકરની ફીલ્મને સહકાર ન આપવાનું નક્કી કરી દીધું હતું. આ પૂર્વઆયોજીત વિચારમાં બીજી બે વાતો ભળી. ફીલ્મના હીરો ઋત્વિક રોશન અને કંગના રાણાવત વચ્ચેના વિવાદમાં ઇન્ડસ્ટ્રીના મોટાભાગના લોકોએ ઋત્વિક રોશનનો વાંક કાઢી કંગનાને સાથ આપ્યો. બીજું અક્ષયકુમારની રુસ્તમની રીલીઝ ડેટ એ જ દિવસે ફળવાઈ. બસ, પછી તો આખી ઇન્ડસ્ટ્રી એક સુરમાં અક્ષયકુમારની ફીલ્મનું પ્રમોશન કરવા લાગી. લોકો પહેલા રુસ્તમ જોવા ગયા અને અક્ષયકુમારની શાનદાર એક્ટીંગ સિવાય એક એવરેજ ફીલ્મ જેવી રુસ્તમે સો કરોડના ખર્ચે તૈયાર કરાયેલી મોંહેજોદરોની સિંધુ ખીણની સંસ્કૃતિને સિંધુના પાણીની જેમ ઢાંકી દીધી. ઐતિહાસિક અને ક્લાસિક ફીલ્મોના શોખીન હોય તેવા લોકોને ફીલ્મ ગમી અને બાકીના લોકોએ ફીલ્મ જોઇને એ જ કહ્યું જે તેમણે સ્વદેશ જોઇને કહ્યું હતું. ‘લગાન’ અને ‘ગદર એક પ્રેમકથા’ના સાથે રીલીઝ થયા પછી ગદરની કમાણીએ લગાનની કમાણીને દબાવી દીધી હતી કંઇક એવું જ પણ એનાથી બદતર રુસ્તમ સામે મોંહેજોદરોનું થયું. તો ચાલો હવે એ મૂળ વાત જોઈએ કે એવું શું બતાવ્યું આશુતોષ ગોવારીકરે મોંહેજોદરોના ઇતિહાસમાં.

            ઓગણીસમી સદીના અંતમાં મેક્સ મુલર જેવા યુરોપિયન ઇતિહાસકારોએ ભારતીય શાસ્ત્રોના ખોટા અર્થ કાઢીને એક એવી થીયરી બહાર પાડી કે ‘ભારતમાં તો પહેલા દ્રવિડો રહેતા હતા અને તેમની સંસ્કૃતિ હતી સિંધુખીણની સંસ્કૃતિ. ત્યારબાદ આજના યુરોપ કે મધ્ય-પૂર્વના પ્રદેશમાંથી આર્યો નામની એક વિચરતી પ્રજાતિ આવી અને તેણે સિંધુ નદી પરના બંધ તોડી દઈ દ્રવિડોની કત્લેઆમ મચાવી. આર્યોએ સિંધુખીણની સંસ્કૃતિને નષ્ટ કરી દ્રવિડોને ભારતના દક્ષિણમાં તગેડી મૂક્યા અને પોતે ઉત્તરમાં ગંગાકિનારે આવીને વસ્યા અને ત્યાં રહીને વેદોની રચના કરી.’

            આ થીયરી રચવા પાછળ યુરોપીયનોના ત્રણ મુખ્ય લક્ષ્ય હતા. એક, તેઓ કહેવા માગતા હતા કે આ વેદો અને ઉપનિષદોને રચવાવાળા આર્યો અમારા યુરોપમાંથી જ આવ્યા હતા. મતલબ, દુનિયાની બુધ્ધિશાળી પ્રજાતિ તો અમારી જ છે. બીજુ, તેઓએ એ બતાવવાની કોશિશ કરી કે અમારા (અંગ્રેજોના) અત્યાચારો કંઇ ખોટા નથી કારણ કે વર્ષો પહેલા તમે આર્યોએ પણ દ્રવિડો સાથે આ જ કર્યું છે. અને ત્રીજુ, તેમણે આ થીયરી વડે ભારતના ઉત્તર અને દક્ષિણના લોકોને આર્ય અને દ્રવિડ એમ બે પ્રજાતિઓમાં વહેંચી દીધા અને તેમના વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન કર્યું. તે સમયના કેટલાક સુખી-સંપન્ન અને ઉચ્ચ વર્ગીય ભારતીયોએ અંગ્રેજોની આ થીયરીને સમર્થન આપી બળ આપ્યું, કારણ કે ‘અમારા પૂર્વજો યુરોપમાંથી જ આવ્યા હતા’ એમ કહીને તેઓ તેમના પર રાજ કરતા અંગ્રેજોના સમકક્ષ બની જતા હતા. જ્યારે ભારતીય આધ્યાત્મ અને સંસ્કૃતિના જાણકારોએ આ વિકૃત થીયરીને એક ષડયંત્ર કહી એનો વિરોધ કર્યો. તે સમયે યુરોપમાંથી આવેલા કેટલાક સંસ્કૃતના જાણકાર ઇતિહાસકારોએ પણ આ થીયરીને ‘વંશીય’ અભિયાન કહયું. પણ ભારત આઝાદ ન થયું ત્યાં સુધી અંગ્રેજો અને ભારતનાએ ઉચ્ચ વર્ગે આ થીયરીને પોષણ આપે રાખ્યું. પરંતુ, ભારતની આઝાદી પછી ઘણા બધા ભારતીય ઇતિહાસકારો અને બાબાસાહેબ આંબેડકર જેવા વિચારકોએ આ થીયરીનો વિરોધ શરુ કર્યો.

            ધીરે ધીરે અમેરીકા અને યુરોપના અનેક ઇતિહાસકારોએ પણ આ દ્વંદ્વમાં ઝંપલાવ્યું. ૧૯૨૧માં શોધી કઢાયેલા મોંહેજોદરો અને હડપ્પાના અવશેષોમાંથી મળતા પુરાવા, દુનિયાની અન્ય એકેય પ્રાચીન સંસ્કૃતિમાં આર્યોનો ઉલ્લેખ ન મળવો અને ભારતીય શાસ્ત્રોના સંસ્કૃત શબ્દોના સાચા અર્થઘટન કરતાં ખબર પડવા લાગી કે અસલમાં સિંધુ સભ્યતામાં જ વૈદિક પરંપરા શરુ થઇ ગયેલી જેણે ગંગા કીનારે આવીને સંપૂર્ણ સ્વરૃપે ખીલેલી એક આર્ય જીવન પધ્ધતિનું રુપ લઇ લીધું. એ જીવન પધ્ધતિ પ્રમાણે જીવતા લોકોને આર્ય કહેવામાં આવતા જેઓમાં દેવ, ગંધર્વ, દ્રવિડ, મ્લેચ્છ, યક્ષ જેવી અનેક જાતિઓ હતી.

            ૧૯૮૦ના દશકથી આર્યોના આ અતિક્રમણની થીયરીનું એવું પતન શરુ થયું કે આજે ૨૦૧૬માં અમેરીકન અને યુરોપીયન ઇતિહાસકારો, પુરાતત્ત્વવિદો અને જીનેટીક સાયન્ટીસ્ટો આર્યોના અતિક્રમણ વિશે એક શબ્દ સાંભળવા માગતા નથી. પરંતુ, ભારતમાં આઝાદી પહેલાનો પેલો ઉચ્ચ વર્ગ આઝાદી પછી ડાબેરી અને સેક્યુલરવાદી બની ગયો છે. એ કોઈપણ ભોગે આ થીયરીને ચાલુ રાખવા માગે છે. આ થીયરીથી એ વર્ગ એવું ફલિત કરવા માગે છે કે ‘વેદોનો હિંદુ ધર્મ કઇ ભારતની પેદાશ નથી. એ પણ બહારથી આવેલા લોકોએ જ ઉભો કર્યો છે. એટલે આ દેશની કોઈ સંસ્કૃતિ નથી. અહીં બધા હિંદુ, પારસી, મુસ્લિમ, ખ્રિસ્તી બહારથી જ તેમની સંસ્કૃતિ લઇને આવ્યા છે.’ ડાબેરી ઇતિહાસકાર રોમિલા થાપરે કેટલાક વર્ષો પહેલા અમેરીકાના ઇતિહાસકારોની એક કોન્ફરન્સમાં જેવી આર્યોના અતિક્રમણની વાત ચાલુ કરી એવી તરત જ તેને એમ કહીને બેસાડી દેવામાં આવી કે ‘તમારા ભારતમાં જે રાજનીતિ ચાલતી હોય એ ભલે ચાલે. અહીં અમેરીકામાં આર્યોના અતિક્રમણની વાત કોઈ માનતું નથી.’ અને આ છે આપણું દુર્ભાગ્ય. આશુતોષ ગોવારીકરે ફીલ્મમાં બતાવ્યું કે મોંહેજોદરો વિનાશ કોઈ બહારથી આવેલા આર્યોએ નહીં પણ અંદરો-અંદરના સત્તાના કલહથી થયો હતો અને જે લોકો મોંહેજોદરોમાં જીવતા હતા એ જ લોકો મોંહેજોદરોના વિનાશ પછી ગંગા કિનારે આવીને વસ્યા અને આર્યો કહેવાયા. એટલે ડાબેરી અને મુસ્લિમ બહુમતીથી ભરેલી ફીલ્મ ઇન્ડસ્ટ્રીએ અક્ષયકુમારની રુસ્તમના હથિયારથી મોંહેજોદરોને હરાવી અને ક્યાંકને ક્યાંક આપણે બધાએ એમનો સાથ આપ્યો.

            ખેર, એ આર રહેમાનનું પ્રાચીન યુગમાં લઇ જતું અભૂતપૂર્વ સંગીત અને ભારત, પાકીસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા આજના તમામ લોકોના પૂર્વજોએ હજારો વર્ષ પહેલા ઉભી કરેલી સિંધુ ખીણની સભ્યતાનું સુંદર ચિત્રણ થીયેટરમાં જોવાનું ચૂકી ગયા હોય તો કંઇ નહીં. સમય મળે ઘરે અચૂકપણે જોઈ લેજો. સ્વદેશ, મેરા નામ જોકર અને અગ્નિપથની જેમ આ ફિલ્મ પણ સમય સાથે વધુ લોકપ્રિય થશે એવી શક્યતા પૂરી છે. સત્ય સાગરના મોજાની જેમ આવેગમાં નથી ઉછળતું. તે નદીની જેમ ધીમે ધીમે વિસ્તરે છે.

September 11 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

ભારતીય ઉપખંડ : વિશ્વની તમામ સભ્યતાઓનો જનક

નવા વૈજ્ઞાનિક પુરાવા પ્રમાણે

“ડીએનએની આ વૈજ્ઞાનિક શોધખોળ આપણને જવાબ આપે છે કે સિંધુખીણની વૈદિક સંસ્કૃતિ એ આફ્રિકાથી બહાર નીકળેલા માનવોના સૌથી પહેલા સમૂહે ઉભી કરેલી સભ્યતા હતી જેમાંથી સમયે સમયે લોકો સ્થળાંતર કરીને અલગ અલગ પ્રદેશોમાં ગયા.”

એ હવે સર્વવિદિત થઇ ચૂક્યું છે કે માનવની ઉત્પત્તિ આફ્રિકા ખંડમાં થઇ. આફ્રિકાના જંગલોમાં જ ચિમ્પાન્ઝીઓમાંથી હોમો ઇરેક્ટસ જેવા આદિમાનવો ઉત્ક્રાંતિ પામ્યા. આફ્રિકામાંથી આખી દુનિયામાં માનવજાતિ કેવી રીતે ફેલાઈ એની અત્યાર સુધી એક થીયરી હતી. આ થીયરી પ્રમાણે હોમો ઇરેક્ટસ નામના આદિમાનવો જ આફ્રિકાથી બહાર નીકળ્યા અને યુરોપ, મીડલ ઇસ્ટ અને ભારતીય ઉપખંડના માર્ગે આખી દુનિયામાં ફેલાયા. અને સમય સાથે આખી દુનિયામાં ફેલાયેલા એ આદિમાનવો દુનિયાના એ અલગ અલગ પ્રદેશમાં આધુનિક માનવો તરીકે હોમો સેપિયન્સમાં એટલે કે આપણામાં ઉત્ક્રાંતિ પામ્યા. આ થીયરી પહેલા મનુષ્યના કોષમાં રહેલા રૃ રંગસૂત્ર પર આધારીત હતી. પરંતુ, છેલ્લા કેટલાક દશકોમાં વિજ્ઞાાને પ્રગતિ કરી અને હવે કોષોના કણાભસૂત્રમાં રહેલા ડીએનએને પણ ચકાસી શકાયું. અને આ શોધે માનવ ઇતિહાસ વિશેની આપણી સમજને એક નવો વળાંક આપી દીધો.

            કણાભસૂત્રીય ડીએનએની એક ખાસીયત છે કે તે ફક્ત સ્ત્રીમાં જ હોય છે. એટલે કે તે માતાથી તેની પુત્રીમાં જ વારસાગત રીતે આવે છે. પુત્રમાં નહીં. આ કારણે માનવને જન્મ આપનારી માતાનું જ મૂળ જાણવાની તક મળી. ૧૯૯૦ના દશકથી આ કામ શરુ થયું અને એની શરુઆત કરનારાઓમાં એક હતા બ્રિટીશ વૈજ્ઞાાનિક સ્ટીફન ઓપેનહેર. ઓપેનહેરે વિશ્વના અલગ અલગ દેશો અને ખંડોમાં જઇ દરેક પ્રકારની પ્રજાતિઓના ડીએનએ સેમ્પલ લીધા અને વર્ષો પછી તેમના સંશોધન પરથી તારણ કાઢીને ૧૯૯૮માં એક પુસ્તક બહાર પાડયું ‘ઇડન ઇન ધ ઇસ્ટ’. મતલબ આદમ અને ઇવનું નિવાસસ્થાન પૂર્વમાં છે.

            ઓપેનહેરે કણાભસૂત્રીય ડીએનએના અભ્યાસ પરથી જાણ્યું કે અસલમાં આજના સમયમાં આફ્રિકાની બહાર જેટલી પણ માનવજાતિ વસે છે તે દરેક આફ્રિકાથી કોઈ એક સમયે બહાર આવેલ કોઈ એક જ માનવસમૂહના વંશજ છે. મતલબ, આપણી પહેલાની પૂર્વધારણા કે-આધુનિક માનવ પહેલા જે આદિમાનવો આફ્રિકા બહાર જુદા જુદા પ્રદેશોમાં ગયા હતા. તેમનામાંથી જ ઉત્ક્રાંતિ પામેલા આધુનિક માનવો આજે તે પ્રદેશમાં વસતા માનવોના વંશજ છે – તે હવે ખોટી સાબિત થઇ છે. આદિમાનવો આફ્રિકા બહાર ગયા હતા પણ તેઓ આજના આફ્રિકા બહાર રહેલા આધુનિક માનવોના પૂર્વજ નથી. તેઓ લુપ્ત પામ્યા હતા.

            ઓપેનહરે વિશ્વની વસ્તી કેવી રીતે ફેલાઈ એનો સુંદર જીનેટીકલ રીસર્ચ વિશ્વ સામે તેમના વિવિધ પુસ્તકો અને ડોક્યુમેન્ટરી ફીલ્મો મારફતે પ્રગટ કર્યો છે અને આજે તેમના કાર્ય અને સંશોધનને બીબીસી અને યુનેસ્કો સુધી પ્રમાણિત કરી ચૂક્યા છે. ઓપેનેહરે કહ્યું કે, કણાભસૂત્રમાં એક સ્ત્રીનું ડીએનએ તેના આગળના વંશમાં થોડું થોડું ઉત્ક્રાંતિ પામતુ જાય છે. અને અમુક પેઢીઓ પછી તે નવી ઉત્ક્રાંતિ પામ્યા હોય તેવા જીન્સની એક આખી ડાળી બનાવી દે છે. અમુક પેઢીઓ પછી એ ડાળીથી આગળ ઉત્ક્રાંતિ પામીને બીજી ડાળી બને છે અને એમાંથી ત્રીજી. આમ, કણાભસૂત્રીય ડીએનએ એક વૃક્ષની જેમ ફેલાતું જાય છે જેમાં તમે એક છેલ્લી ડાળીને પકડીને તે ડાળી ક્યાંથી આવે છે તે શોધવા નીકળો તો એના થડ સુધી પહોંચી શકો છો. આ રીતે શોધતાં ખબર પડી કે આજની મહિલાઓના કણાભસૂત્રીય ડીએનએની ડાળીઓમાં નીચેની તરફ જતાં એક એવું સ્થાન આવે છે જે આફ્રિકન મહિલાઓમાં પણ છે અને આફ્રિકા બહારની મહિલાઓમાં પણ. આ સ્થાનને L૩ નામ આપવામાં આવ્યું છે. આ L૩ પછી જેટલી પણ નવી ડીએનએની ડાળીઓ બની તે આફ્રિકા બહારની મહિલાઓમાં જ જોવા મળે છે. મતલબ, આ L૩પ્રકારનું કણાભસૂત્રીય ડીએનએ ધરાવતી મહિલા આફ્રિકા બહાર નીકળી અને એ પાછી આફ્રિકા ક્યારેય ન ગઈ. તેમના જે પણ સંતાનો આવ્યા તેમણે આફ્રિકા બહાર જ જીવન કાઢ્યું હવે બીજો મહત્ત્વપૂર્ણ ખુલાસો. આ L૩ પછી જીન્સની જે પહેલી ડાળી બની તેને M , બીજી ડાળીને N અને ત્રીજી ડાળીને R નામ આપવામાં આવ્યું છે.

            આ M ડાળીવાળી મહિલાઓ મળી છે આજના અફઘાનિસ્તાન અને ઇરાનના પ્રદેશમાં એટલે કે પ્રાચીન સિંધુખીણની સંસ્કૃતિના પ્રદેશમાં, N વાળી મહિલાઓ મળી છે. મધ્ય-દક્ષિણ ભારત, દક્ષિણ પૂર્વ એશિયાના પ્રદેશ અને ઓસ્ટ્રેલીયાના મૂળ રહેવાસીઓમાં અને R ડીએનએવાળી મહિલાઓ છે મધ્ય-પૂર્વ એશિયા એટલે કે આરબ દેશોમાં. R પછીની જે ડાળી મળી છે તે જાય છે દક્ષિણ અને મધ્ય યુરોપમાં. અને ત્યાંથી પછી ધીરે ધીરે સમગ્ર વિશ્વની મહિલાઓની ડીએનએ લાઈન અને તેમનો સમય મળે છે.

            તો આ રીતે સ્ટીફન ઓપેનહેર અને તેમના વિશ્વ વિખ્યાત બ્રેડ-શો ફાઉન્ડેશને માનવજાતિના વિશ્વભરમાં સ્થળાંતર કરવાની જે સંપૂર્ણ રુપરેખા આપી છે તે કંઇક આ પ્રકારે છે. આજથી આશરે એક લાખ પચાસ હજાર વર્ષ પહેલા આધુનિક મનુષ્ય એટલે કે હોમો સેપિન્સના કણાભસૂત્રીય ડીએનએની શરુઆત આફ્રિકામાં થાય છે. પંદરેક હજાર વર્ષ આફ્રિકામાં રખડયા પછી આ આધુનિક માનવોનો એક સમૂહ પહેલીવાર આફ્રિકા બહાર જવાની કોશિશ કરે છે. ૧,૩૫,૦૦૦ થી ૧,૧૫,૦૦૦ વર્ષ પહેલા આ સમૂહ સહારાના ઉત્તરેથી મેડિટેરીઅન સમુદ્ર ઓળંગી દક્ષિણ યુરોપના લીવેન્ટ પ્રદેશમાં જ્યાં આજે ક્રીટ ટાપુ આવેલો છે ત્યાં પહોંચે છે. પરંતુ ૯૦,૦૦૦ વર્ષ પહેલાના સમય સુધીમાં આ પ્રદેશ અતિશય વરસાદ અને શીત યુગના પ્રદેશમાં ફેરવાઈ જાય છે અને ત્યાં પહોંચેલા તમામ હોમો સેપિયન્સ નાશ પામે છે.

            ક્રીટમાંથી મળેલા એમના અવશેષોમાંથી ડીએનએ અભ્યાસ કરતાં ખબર પડી કે તેઓ હોમો સેપિયન્સનું જ કણાભસૂત્રીયડી એનએ ધરાવે છે. પરંતુ તેમના ડીએનએની આગળની કોઈ ડાળીઓ વિશ્વમાં ક્યાંય મળતી નથી. આ ઘટનાના દસ હજાર વર્ષ બાદ અને આજથી ૮૦,૦૦૦ વર્ષ પહેલા આફ્રિકાના હોમો સેપિયન્સોનો બીજો એક સમૂહ આફ્રિકા બહાર નીકળે છે. પરંતુ તે ઉત્તર તરફ ન જતાં પૂર્વ તરફ રાતા સમુદ્રની ધુનીને ઓળંગી ભારતીય ઉપખંડ તરફ પ્રયાણ કરે છે. કણાભસૂત્રીય ડીએનએ પ્રમાણે આફ્રિકા બહારની આજની સમગ્ર માનવજાતિ આ ભારતીય ઉપખંડ તરફ ગયેલા માનવસમૂહની વંશજ છે. આ સમૂહ આજના ઇરાન અને અફઘાનિસ્તાનના પ્રદેશમાં સભ્યતા ઉભી કરે છે. એના પાંચ હજાર વર્ષથી દસ હજાર વર્ષ સુધીના સમયગાળામાં આ સભ્યતાનો એક માનવસમૂહ આજના મધ્ય અને દક્ષિણ ભારત તથા દક્ષિણ એશિયા અને ઓસ્ટ્રેલીયા તરફ જાય છે. એના વીસ હજાર વર્ષ પછી અને આજથી આશરે પચાસ હજાર વર્ષ પહેલા ભારતીય ઉપખંડની એ મૂળ માનવ વસાહતમાંથી કેટલોક સમૂહ આજના મધ્ય-પૂર્વ દેશો અને યુરોપ તરફ પ્રયાણ કરે છે. ત્યારબાદ આજથી આશરે ૪૦,૦૦૦ વર્ષ પહેલા કેટલાક લોકો આ મૂળ ભારતીય વસાહતમાંથી ચીન, જાપાન અને ઉત્તર એશિયા તરફ પહોંચે છે. અને ત્યાં પહોંચેલો માનવસમૂહ આજથી લગભગ ૧૯,૦૦૦ વર્ષ પહેલા આજના ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડોમાં પહોંચે છે.

            આમ, ડીએનએની આ વૈજ્ઞાનિક શોધખોળ આપણને જવાબ આપે છે કે સિંધુખીણની વૈદિક સંસ્કૃતિ એ આફ્રિકાથી બહાર નીકળેલા માનવોના સૌથી પહેલા સમૂહે ઉભી કરેલી સભ્યતા હતી જેમાંથી સમયે સમયે લોકો સ્થળાંતર કરીને અલગ અલગ પ્રદેશોમાં ગયા, ના કે કોઈ બહારથી એમાં આવ્યા. આર્યોના અતિક્રમણની થીયરી ઉંધા માથે પટકાણી એના પાછળ આ બધા વૈજ્ઞાાનિક સંશોધનો છે. હવે એ વિકૃત થીયરીને આપણા ઇતિહાસના પુસ્તકોમાંથી ક્યારે મુક્તિ મળે છે એ જોવાનું છે.

September 17 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

માનવ-સભ્યતાની મઝીયારી શરૂઆત અંગે શાસ્ત્રોના સંકેતો

“મનુને સંસ્કૃતમાં મનુ: તરીકે ઉચ્ચારવામાં આવે છે. ‘મનુહ’ માંથી ‘મનોહ’ અને તેમાંથી ધીરે ધીરે ‘નોહ’ થયું.”

ગયા અંકમાં આપણે આફ્રિકાથી બહાર નીકળેલી માનવજાતિનું વિશ્વભરમાં સ્થળાંતર તેના ડીએનએ રીપોર્ટથી જોયું. આજે આપણે એ જોઈએ કે આફ્રિકાથી બહાર નીકળેલ એ માનવસમૂહે જે શાસ્ત્રો લખ્યાં એમાં તેમની મઝીયારી શરુઆત વિશે શું સંકેત મળે છે. ભારતીય શાસ્ત્રોમાં શરુઆતના સમયનું વર્ણન ‘સતયુગ’ કે ‘ક્રીત-યુગ’ તરીકે આવે છે. આદમ અને ઈવના પેલા ફળ અરોગ્યા પહેલા આવા જ એક સુવર્ણયુગની વાત બાઈબલના જૂના કરારમાં પણ છે. હવે, બંને શાસ્ત્રોમાં આ સતયુગના અંતિમ સમયમાં માનવજાતિના એક રક્ષકની વાત આવે છે. ભારતીય શાસ્ત્રોમાં તેને ‘મનુ’ અને બાઈબલમાં તેને ‘નોહ’ તરીકે ઓળખાવાયો છે.

            સતયુગના અંતિમ સમયે મત્સ્ય સ્વરુપે સ્વયં ઈશ્વર આ મનુ પાસે આવ્યા અને કહ્યું કે આજથી અમુક સમય પછી એક ભયંકર પૂર આવશે અને માનવ વસવાટના આ પ્રદેશને પાણીથી ઢાંકી દેશે. આથી, મનુએ એક મોટું જહાજ બનાવવું અને મનુષ્ય સહિત બાકીના તમામ સજીવોના અમુક પ્રતિનિધિઓને તેમના બીજ તરીકે તે જહાજમાં બેસાડી અહીંથી દૂર લઈ જવા. બાઈબલમાં બિલકુલ આ જ રીતે ઈશ્વરના દૂતો નોહ પાસે આવ્યા અને તેને પણ તમામ સજીવોના બીજને એક મોટા જહાજમાં લઈ ત્યાંથી દૂર લઈ જવા આદેશ આપ્યો. મનુ અને નોહે ઈશ્વરના કહેવા અનુસાર કર્યું અને પૂર સમયે તમામ પ્રાણીઓ અને વનસ્પતિઓના બીજ લઈને તે જહાજમાં આગળ નીકળી ગયા અને એક પર્વતની ચોટી પર જઈને જહાજ પાર્ક કર્યું. મનુની વાતમાં એ પર્વતને મલય પર્વત કહે છે અને નોહની વાતમાં એને ‘હર-મેની’ પર્વત કહે છે. પાણી જ્યારે ઓસરી ગયું ત્યારે તે તમામ સજીવ બીજોમાંથી સજીવ સૃષ્ટિ આગળ વિકસી. મનુના વંશજો જ ‘મનુ-ષ્ય’ કહેવાયા જેના પરથી ‘માનવ’, ‘મેન’, ‘હુમન’ વગેરે નામો અપભ્રંશ થયા.

            હવે, બેબીલોનીઓન સંસ્કૃતિના શાસ્ત્રોમાં પણ બિલકુલ આ જ વાર્તા ‘ઉત્તનાપીશ્તીમ’ નામના રક્ષક સાથે કહેવામાં આવી છે. ઓસ્ટ્રેલીયાના મૂળ રહેવાસીઓમાં પણ માનવજાતિના રક્ષકની બિલકુલ આવી જ વાર્તા છે. તો શું દુનિયાની દરેક સભ્યતામાં પૂર આવ્યું અને તે દરેક જગ્યાએ વસતા લોકોમાંથી કોઈ એક પાસે ઈશ્વર કોઈના કોઈ સ્વરુપે આવ્યા અને તે દરેકને બોટ બનાવવાનું જ કહ્યું અને સજીવોના બીજ લઈને એક પર્વતની ટોચે પહોંચવા કહ્યું? યા તો પછી બીજી શક્યતા છે જે વધારે પ્રબળ છે. એ કે અસલમાં આવી એક જ ઘટના બની, જેનું નિરુપણ માનવજાતિના કોઈ એક શરુઆતી સમૂહે પોતાના શાસ્ત્રોમાં કર્યું. અને જ્યારે તે સમૂહમાંથી માનવોના ટોળાઓએ અલગ અલગ સ્થાને સ્થળાંતર કરી નવી સભ્યતાઓને જન્મ આપ્યો ત્યારે તે દરેક સભ્યતામાં માનવજાતિના મૂળ રક્ષક એવા મનુ, નોહ કે ઉત્તનાપીશ્તીમની વાત ચાલુ રાખવામાં આવી. એ રક્ષકના અલગ અલગ નામો પાછળ પણ સામ્યતા મળી આવે છે.

            મનુને સંસ્કૃતમાં મનુ: (મનુહ) તરીકે ઉચ્ચારવામાં આવે છે. આ ‘મનુહ’માંથી ‘મનોહ’ અને તેમાંથી ધીરે ધીરે ‘નોહ’ થયું. મહાભારતમાં ‘ઉત્તાનપાદ’ નામના મનુના પુત્રની વાત છે જેનું રાજ્ય પશ્ચિમમાં હતું. મનુની વાત બેબિલોનીઓનોમાં મનુના પુત્ર એવા આ ઉત્તાનપાદના નામે ચઢી હશે એવું માનવામાં આવે છે. અને આવું ત્યારે જ થાય જ્યારે બાઈબલ અને બેબિલોનીઓન સંસ્કૃતિ શરૃ કરવાવાળા લોકો ક્યારેક મનુની લખવાવાળી એ શરુઆતી વૈદિક સભ્યતાના અંગ રહ્યા હોય. આ તર્કને બીજો પૂરાવો એ મળે છે કે ખાલી વૈદિક સભ્યતા જ આવી છે જેના શાસ્ત્રોમાં આફ્રિકાનું વર્ણન છે. મહાભારતમાં, બૌધ્ધ અને જૈન ધર્મના શાસ્ત્રોમાં અને આપણા પાનબાઈના ભજનોમાં વારંવાર સાંભળવા મળતો ‘મેરુ પર્વત’ અસલમાં આફ્રિકામાં છે. હા, ‘માઉન્ટ મેરુ’ એટલે કે ‘મેરુ પર્વત’ નામે ઓળખાતો એ પર્વત આફ્રિકાના તાન્ઝાનીઆ દેશના આરુશ પ્રદેશમાં આવેલો છે. આરુશ પ્રદેશ જે નદીના કીનારે આવેલો છે તે નદીનું નામ ઉષા છે. મહાભારતમાં આરુશ પ્રદેશથી આવેલી મનુની પુત્રી આરુશીનો ઉલ્લેખ છે. તન્ઝાનીઆ એ જ પ્રદેશ છે જ્યાંથી આધુનિક માનવોએ આફ્રિકાથી બહાર ભારતીય ઉપખંડ તરફ સ્થળાંતર કર્યું હતું. પણ વિશ્વભરમાં જેણે ભારે સન્નાટો ફેલાવ્યો હોય એવો કીસ્સો તો છે આફ્રિકાની પ્રખ્યાત નાઈલ નદીના પુરાણોમાં મળતા ઉલ્લેખનો.

            ઓગણીસમી સદીની શરૃઆતમાં સર રીચાર્ડ બર્ટને તેમના કમીશન સાથે મળીને નાઈલ નદીના ઉદગમને તન્ગાન્યીકા તળાવ પાસે શોધેલું, પણ એ શોધ સાચી હોવાના પૂરાવા હજી નહોતા મળ્યા. એવામાં ઈ.સ. ૧૮૪૪માં જ્હોન સ્પીક નામનો એક અંગ્રેજ ભારતમાં એક બનારસી પંડિતના સંપર્કમાં આવ્યો. પંડિતે તેને કહ્યું કે ‘તમે લોકોએ શોધેલું નાઈલનું મુખ ખોટું છે. અમારા પુરાણોમાં નાઈલને ‘નીલા’ અને ‘કાલી’ એમ બે નામથી ઓળખવામાં આવે છે અને એ બંનેનું મુખ સોમગીરી પર્વતની તળેટીમાં આવેલા એક વિશાળ તળાવમાં છે.’ રોબર્ટ સ્પીકે સોમગીરીનું અંગ્રેજીમાં અનુવાદ કરતાં તેને ખબર પડી કે ‘સોમ’ એટલે ‘મૂન’ અને ગીરી એટલે માઉન્ટેઈન. પંડિત મધ્ય આફ્રિકાના પ્રખ્યાત ‘મૂન માઉન્ટેઈન’ની તળેટીમાં આવેલા ‘વિક્ટોરીઆ તળાવ’ની વાત કરતા હતા. સ્પીકે નાઈલ એક્સપેન્ડીટર કમીશનને પત્ર લખીને આ વાત જણાવી અને પંડિતની વાત સાચી પડી. નાઈલ નદીનું સાચું ઉદગમ ત્યાં જ મળ્યું જ્યાં પંડિતે કહ્યું હતું. આ વાત જ્હોન સ્પીકે તેમના ૧૮૬૩માં પ્રસિધ્ધ થયેલ પુસ્તક ‘જર્નલ ઓફ ધ ડીસ્કવરી ઓફ ધ સોર્સ ઓફ નાઈલ’માં કરી છે.

            ભારતીય શાસ્ત્રોમાં આ બધા વર્ણનો પરથી એવું લાગે છે કે આફ્રિકાથી બહાર નીકળેલા મનુષ્યો તેમની જન્મભૂમિ આફ્રિકાને ભૂલ્યા નહોતા. મેરુ પર્વત તેમના માટે શ્રધ્ધાનું કેન્દ્ર હતો. તેઓએ જ્યાં જ્યાં કોઈ ઉંચો પર્વત જોયો તેને તેઓએ મેરુ કહ્યો કે મેરુ સાથે સરખાવ્યો. પશ્ચિમના કેટલાક સંશોધકો મેરુ પર્વતને એ જ ‘હર-મેની’ પર્વત માને છે જ્યાં નોહે પોતાનું જહાજ પાર્ક કર્યું હતું. કારણ કે આફ્રિકામાં મેરુને ‘મેની પર્વત’ પણ કહે છે.

            મનુ કે નોહ સમયના સતયુગ વિશે પણ હવે એવું માની શકાય એમ છે કે આધુનિક માનવોએ આફ્રિકાથી ઉત્તરમાં લીવેન્ડ તરફ પહેલું સ્થળાંતર કરીને જ્યારે ક્રીટ ટાપુ પર વસવાટ કર્યો તે સભ્યતા જ સતયુગ કે ‘ક્રીત યુગ’ હોઈ શકે. કારણ કે તે ટાપુનું નામ ‘ક્રીટ’ ક્યાંથી પડયું એની પશ્ચિમમાં કોઈ જાણકારી નથી. ગ્રીક કે બીજી અન્ય પશ્ચિમની ભાષામાં એવો કોઈ શબ્દ જ નથી. હોઈ શકે એ સંસ્કૃત શબ્દ ‘ક્રીત’ પરથી જ આવ્યો હોય. હોઈ શકે એ સભ્યતા જ્યારે પૂર અને શીત યુગથી નાશ પામી ત્યારે જ મનુ જેવો એક રક્ષક સજીવોના એક સમુહને પાછો આફ્રિકા લઈ આવ્યો હોય. અને દસ હજાર વર્ષ પછી જ્યારે આધુનિક મનુષ્યોએ આફ્રિકાથી બીજી વાર બહાર નીકળી ભારતીય ઉપખંડમાં સભ્યતા ઉભી કરી ત્યારે ‘ક્રીત-યુગ’ અને મનુની કથાના વર્ણન સાથે જ પોતાના શાસ્ત્રો શરૃ કર્યા હોય. અને ત્યારબાદ જે પણ છૂટા છવાયા મનુષ્યો અને જાતિઓ તેમના સંપર્કમાં આવ્યા હોય તેમને તેમણે મનુના જ પુત્ર કે પુત્રીની ઓળખ આપી બાકીની માનવજાતિ સાથે એકસૂત્રતામાં બાંધવાની કોશિશ કરી હોય.

            આમ, હિંદુ શાસ્ત્રો અને સભ્યતા કોઈ એક ધર્મની જ સભ્યતા નથી. તે આફ્રિકા બહાર નીકળેલા એ સૌ પહેલા માનવોનો દસ્તાવેજ છે જેને આપણે ભારતીયોએ આટલા હજારો વર્ષો સુધી માનવજાતિની એક અમૂલ્ય વિરાસતની જેમ જાળવી રાખ્યો છે.

September 24 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

ઈજીપ્તના પિરામિડોવાળી સંસ્કૃતિ ભારતીયોએ ઊભી કરી હતી

“ઈજીપ્તે ભારત પાસેથી જે ધર્મ મેળવ્યો એમાં ઘણી સમાનતા છે. ઈજીપ્તમાં આર્યોની ચાર વર્ણોમાં વહેંચાયેલી સામાજીક વ્યવસ્થાની જેમ જ પુજારી સર્વોચ્ચ છે. રાજા બીજો. વેપારી ત્રીજો અને મજૂર વર્ગ ચોથો છે.”

જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓ માટે જો આજે પણ તમે એ આઉટ ઓફ કોન્ટેક્સ થઇ ચૂકેલો ઈતિહાસ વાંચતા હોય કે માનવસભ્યતાનું પારણું એટલે પ્રાચીન ઈજીપ્તઅન સંસ્કૃતિ, તો હવે સજાગ રહેવું કારણ કે બહુ જલદી વૈશ્વિક સ્તરે એ ઈતિહાસ બદલાઇ શકે છે. આઇઆઇટી ખડગપુર અને આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના વૈજ્ઞાાનિકોએ વર્ષોના સંશોધન પછી એવા પ્રમાણ રજૂ કર્યા છે કે સિંધુખીણની સંસ્કૃતિ જે આજસુધી પાંચ હજાર વર્ષ જૂની મનાય છે તે અસલમાં નવ હજાર વર્ષ જૂની (ઈસ પૂર્વે ૭૦૦૦ વર્ષની) છે. આ રીતે તે પ્રાચીન ઈજીપ્તીઅન સંસ્કૃતિથી પણ એક હજાર વર્ષ જૂની છે અને ચાલુ વર્ષે ૨૫ મેના રોજ ભારતીય વૈજ્ઞાાનિકોની આ શોધને વિશ્વના સૌથી સમ્માનીય એવા ‘નેચર’ મેગેઝીને એવા શબ્દો સાથે પ્રકાશિત કરી છે કે ‘વિશ્વભરના ઈતિહાસલક્ષી પાઠયપુસ્તકોને ફરીથી લખવાનો સમય આવી ચૂક્યો છે.’

          અસલમાં આ શોધ કંઇ આજની નથી. છેક ઈસ પૂર્વના સમયમાં પ્રખ્યાત ગ્રીક લેખક ઉસેબીઅસે લખ્યું હતું કે ‘શરુઆતી ઈજીપ્તીઅનો સિંધુ કીનારેથી સ્થળાંતર પામી ઈજીપ્તમાં આવ્યા હતા.’

          ઈસ ૧૬૪૨માં બ્રિટીશ ઈતિહાસકાર એડવર્ડ પોકોક કહે છે કે, ‘સિંધુના મુખ પાસે દરીયાખેડૂ, સાહસિક અને સક્રિય લોકો વસતા હતા જે પશ્ચિમ તરફ સ્થળાંતર કરતા રહ્યા અને રાતા સમુદ્રને પાર કરી ઈજીપ્ત, નબીઆ અને એબીસિનીઆ રાજ્યો ઊભા કર્યા.’

          અઢારમી સદીના ઈજીપ્તોલોજીસ્ટ અર્નોલ્ડ હર્મન લુડવિંગ કેરેને કહ્યું છે કે, ‘એ સંપૂર્ણ રીતે માની લેવું જોઇએ કે સિંધુ કીનારેના વેપારી પરીવારો આફ્રિકા ગયા અને ત્યાં પોતાના વ્યવસાય જ નહીં ધર્મને પણ લઇ ગયા.’

          સર વિલીયમ જોન્સ કહે છે કે, ‘વિશ્વએ એક સ્વરમાં કહ્યું છે કે ઈથોપીયાની સભ્યતા હિંદુઓએ શરુ કરી હતી. ઈથોપીયા અને ભારત બંને સભ્યતાઓ એક જ મહાન જાતિના લોકોએ ઊભી કરી છે. સ્કન્ધ પુરાણમાં ઈજિપ્તને સચ-દ્વિપ કહેવામાં આવ્યો છે.’

            ફ્રેન્ચ લેખક લુઇસ જેકોલીઓટ લખે છે કે ‘ઈજીપ્તે ભારત પાસેથી જે ધર્મ મેળવ્યો એમાં આટલી બધી સમાનતા છે – ઈજીપ્તમાં પણ આર્યોની ચાર વર્ણોમાં વહેંચાયેલી સામાજીક વ્યવસ્થા હતી જેમાં પુજારી સર્વોચ્ચ છે. રાજા બીજો. વેપારી ત્રીજો અને મજૂર વર્ગ ચોથો છે. ઈજીપ્તીઅનો પણ સૂર્યને પણ મુખ્ય દેવ માને છે અને ગાય, નદી, પર્વત વૃક્ષોની પૂજા કરે છે. ઈજીપ્તમાં પણ બ્રહ્માંડના સર્જન પહેલા આદિજળની વાત છે. હિંદુઓમાં બ્રહ્મજળમાંથી વિષ્ણુ અને વિષ્ણુની નાભિમાંથી કમળ નીકળે છે એ રીતે પ્રાચીન ઈજીપ્તીઅનોમાં આદિજળમાંથી એક ઢગલો બને છે અને એ ઢગલામાંથી કમળ નીકળે છે. ભારતમાં એ કમળ પર બ્રહ્મા બેસે છે અને સૃષ્ટિનું સર્જન કરે છે જ્યારે ઈજીપ્તમાં તે કમળ પર તેમના મુખ્ય દેવતા ‘રા’ (સૂર્ય) બેસે છે અને સૃષ્ટિને પ્રકાશિત કરે છે. આર્યોની અદીતી ઈજીપ્તમાં ઈસીસ છે. ઈજીપ્ત અને બેબિલોનીઓનોનું આખું ખગોળશાસ્ત્ર રજેરજ ભારતીયો જેવું છે.’

            ભારતીયોની મૃત્યુ પછી પુનર્જન્મની માન્યતા જ ઈજીપ્તના લોકોમાં મૃત્યુ પછી એ જ શરીરમાં ફરી જીવન મેળવવાની માન્યતા રુપે પરીવર્તન પામી હતી. આ માટે તેઓ મૃતદેહોને ભારતમાંથી જ આવતા સુતરાઉ કાપડમાં લપેટીને પીરામીડોમાં સંગરતા હતા. હવે તો લોથલ અને મોંહેજોદરોમાં પણ આવું સુતરાઉ કાપડમાં લપેટાયેલું મમી મળી આવ્યું છે જે ઈશારો કરે છે કે સિંધુ-ખીણ સંસ્કૃતિમાં પણ કોઇ કોઇ સમૂહો આ માન્યતા ધરાવતા હતા અને એ જ સમૂહોએ ઈજીપ્ત તરફ સ્થળાંતર કર્યું હોઇ શકે. ઓગણીસમી સદીના પ્રખ્યાત લેખક એડોલ્ફ ઈર્મન કહે છેકે ‘પ્રાચીન ઈજીપ્તીઅનો કહેતા કે તેઓ કોઇ પુન્ટ પ્રદેશથી આવ્યા છે. તેઓ એ પ્રદેશના વર્ણનમાં કહેતા કે ”તે પ્રદેશને ચારે બાજુએથી સમુદ્ર ધોતો હતો, ત્યાં અસંખ્ય ખીણો અને નદીઓ હતી, ત્યાં તડકો હતો, મોંઘી ધાતુઓ હતી, ચિત્તા, વાઘ, કૂતરા અને લાંબી પૂંછડીઓવાળા વાંદરા હતા. ત્યાં અસંખ્ય ઘટાદાર વૃક્ષો અને નાળીયેરીઓ હતી.” આ વર્ણન કોઇ રીતે ભારતથી ભિન્ન બીજા કોઇ દેશ તરફ ઈશારો નથી કરતું. પ્રાચીન ઈજીપ્તીઅન મંદિરોમાં જોવા મળતી વેંતિયાઓની પ્રતિમાઓ ભારતમાં જોવા મળતી વેંતિયા ‘યક્ષો’ની પ્રતિમાઓ જેવી જ છે.’

            પુસ્તક એમ્પાયર ઓફ સોલમાં પોલ વિલીયમ રોબર્ટસ કહે છે કે ‘વર્તમાન સંશોધનો એવું સ્પષ્ટ બતાવે છે કે વૈદિક સંસ્કૃતિ એ એક ખોવાયેલી સભ્યતા છે જેને પ્રાચીન ઈજીપ્તીઅનો અને આજના ભારતીયોએ અપનાવી હતી.’ આ સિવાય ઈજીપ્તના મૂળ અંગે બીજા અનેક ઈતિહાસકારો અને લેખકોના પુસ્તકો, જર્નલો અને લેખના લેખ ભર્યા પડયા છે પણ આપણે આ લીસ્ટને ઈજીપ્ત વિશે ઈતિહાસના સૌથી વિશ્વસનીય ઈતિહાસકાર હેનરીચ કાર્લ બુ્રગચના આ શબ્દો સાથે સમેટી લઇએ, ‘આપણને અધિકાર છે શક કરતાં વધુ વિશ્વાસ કરવાનો કે આઠ હજાર વર્ષ પહેલા ભારતે ઈજીપ્તમાં એક વસાહત મોકલી જે પોતાની સાથે તેમની કળા અને સભ્યતા લઇ ગઇ અને પ્રાચીન ઈજીપ્તીઅન સંસ્કૃતિની શરુઆત કરી.’

            તો પછી સવાલ એ છે કે સદીઓથી આટલા બધા ખ્યાતનામ ઈતિહાસકારોના કહેવા છતાં આપણે કેમ ભણતા રહ્યા કે ઈજીપ્ત વિશ્વની સૌથી જૂની સભ્યતા છે ? કારણ હતું ભારતની ગુલામી. અંગ્રેજો હતા ત્યાં સુધી તેમણે ઈજીપ્ત અને મેસોપોટેમીઅન સભ્યતાને જ મૂળ બતાવવાના પ્રયાસો પણ કર્યા કારણ કે તે સભ્યતાઓને આજની પશ્ચિમી સભ્યતાની જનક માનવામાં આવે છે. અંગ્રેજોના ગયા પછી તેમના ચેલાઓ તરીકે ડાબેરીઓ અને સ્યુડો-સેક્યુલરો આવ્યા જેમનામાં પોતાની જ સભ્યતા પ્રત્યે અંગ્રેજોએ હીનતાની ભાવના જન્માવેલી હતી. પરંતુ, નસીબ આગળનું કે સત્ય આગળનું પાંદડુ ત્યારે ખસ્યું જ્યારે ઈસ ૧૯૭૪માં ફ્રેંન્ચ પુરાતત્વવિદ જીન ફ્રાન્કોઇસ જેરીની અગુવાઇમાં ૧૯૭૪થી ૧૯૮૬ સુધી અને ૧૯૯૭થી ૨૦૦૦ સુધી બલુચિસ્તાનના મેહરગાહ ખાતે ખોદકામ કરવામાં આવ્યું અને ત્યાંથી સિંધુખીણની સંસ્કૃતિની શરુઆત દર્શાવતું આશરે બે ચો.કીમીમાં ફેલાયેલું એક શહેર મળી આવ્યું. જ્યારે રેડિયોકાર્બન પધ્ધતિથી તેનો સમય માપવામાં આવ્યો ત્યારે સ્થાપિત ઈતિહાસ પર અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડયો. કારણ કે તે શહેર ઈસ પૂર્વે ૭૦૦૦ વર્ષમાં બનેલું હતું. મતલબ, આજથી નવ હજાર વર્ષ પહેલા, જ્યારે માનવસભ્યતાનું પારણું મનાતા ઈજીપ્તની સંસ્કૃતિનો સૌથી જૂનો અવશેષ ઈસ પૂર્વે ૬૦૦૦ આસપાસ જ મળે છે. મતલબ, સિંધુખીણ સંસ્કૃતિનું આ શહેર ઈજીપ્તની સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી એના એક હજાર વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતું હતું. ત્યારબાદ આઇઆઇટી ખડગપુર અને એએસઆઇના વૈજ્ઞાાનિકોએ મેહરગાહ ઉપરાંત ભિરાના અને રાખીગારી (હરીયાણા), લોથલ, ધોળાવીરા, કાલીબન્ગન, મોંહેજોદરો અને લોથલ એ તમામ સિંધુખીણ સભ્યતાના શહેરો પર એક સળંગ સંશોધન હાથ ધર્યું અને સિંધુખીણની સભ્યતાને વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતા સાબિત કરતા આખરી વૈજ્ઞાાનિક પૂરાવા નેચર મેગેઝીન મારફતે દુનિયા સામે જાહેર કર્યા. આ જાહેરાતે માનવ સભ્યતાના પારણા વિશે વૈશ્વિક પુનઃચિંતન શરૃ કરી દીધું છે. ખેર, વિશ્વમાં ઈતિહાસલક્ષી પુસ્તકોમાં તો દર છ વર્ષે નવા સંશોધનો અનુસાર સુધારા કરવામાં આવે છે એટલે ત્યાં તો ઈતિહાસ બદલાઇ જશે. પણ ઉદારતાના નામે નિષ્ક્રિય બનેલી ભારતની વ્યવસ્થા જોતાં લાગે છે કે હજી આપણી આવનારી પેઢીને પણ જીપીએસસી અને યુપીએસસીના પેપરમાં ઈજીપ્તને જ માનવ-સભ્યતાનું પારણું લખવું પડશે.

 

October 01 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily

અબ્રાહમ અને ગ્રીક સંસ્કૃતિનું વૈદિક મૂળ

“વેદોના વરુણ દેવ ગ્રીકોમાં ઓરેનોસ કહેવાય છે અને વેદોની પ્રભાતની દેવી ઉષા ગ્રીકોમાં ઔરોરા કહેવાય છે. વેદોમાં ક્રોધ માટે જાણીતા રુદ્ર દેવ (શિવ) ગ્રીક સભ્યતામાં ક્રોધી દેવતા પોસાયડન કહેવાય છે. બંનેનું મુખ્ય શસ્ત્ર પણ ત્રિશૂળ છે.”

પહેલાં આપણે આજના માનવ-ડીએનએ પરથી જાણ્યું કે આફ્રિકા બહાર જીવતા આજના તમામ માનવો એક લાખ વર્ષ પહેલા આફ્રિકાથી બહાર નીકળેલા કોઇ એક જ સમૂહના વંશજ છે. આ માનવસમૂહે સૌપ્રથમ આજના અફઘાનિસ્તાન અને બલુચીસ્તાનના પ્રદેશમાં વૈદિક સભ્યતા ઊભી કરી. સદીઓ વીતતાં ધીમે ધીમે એ સભ્યતામાંથી માનવોનાં ટોળાં દુનિયાના અન્ય વિસ્તારોમાં સ્થળાંતર પામ્યા અને નવી સભ્યતાઓ ઊભી થઇ. આ વાત આપણે વિશ્વના વિવિધ શાસ્ત્રોમાં મળતા પૂરાવાના આધારે પણ ચકાસી જોઇ. આપણે જાણ્યું હતું કે વૈદિક સભ્યતાના લોકોએ જ સ્થળાંતર કરીને બીજા નંબરની સૌથી પ્રાચીન ગણાતી ઈજીપ્તની સભ્યતા ઊભી કરી હતી. અને આજે આ સફરના છેલ્લા પડાવ પર આપણે જાણીશું કે ઈજીપ્ત પછી ઉત્પન્ન થયેલી બીજી બે પ્રાચીન સભ્યતાઓ, ગ્રીક અને અબ્રાહમની સભ્યતાઓનું મૂળ પણ વૈદિક સંસ્કૃતિમાં જ છે.

            પુરાણોમાં અને મહાભારતમાં ગ્રીકોને યવનો કહેવામાં આવ્યા છે. ભારતીય શાસ્ત્રોમાં યવનો વિશેનો સૌથી પહેલો ઉલ્લેખ છેક યયાતિથી શરૃ થાય છે. યયાતિના ચાર પુત્રોમાંથી સૌથી નાના પુત્રનું નામ હતું યવન, જેને યયાતિએ પશ્ચિમમાં સૌથી દૂરના પ્રદેશમાં રાજ્ય સ્થાપવા કહ્યું હતું. આ યવનના વંશજો કે એક રીતે તેણે સ્થાપેલા રાજ્યના નાગરીકોને યવનો કહેવામાં આવ્યા. વૈદિક સંસ્કૃતિના જ આ એક રાજકુમાર દ્વારા પશ્ચિમમાં જઇને ગ્રીક રાજ્ય ઊભું કરવાનો મહાભારતનો આ દાવો વીસમી સદીના જાણીતા ઈતિહાસકાર એલન ડેનિયલોઉની આ પ્રખ્યાત નોંધમાં સાચો સાબિત થાય છે, ‘ગ્રીકો હંમેશા એવું કહેતા કે ભારત તેમના દેવ ડાયોનિસસની પવિત્ર ભૂમિ છે. સિકંદરના ઈતિહાસકારોએ એવું સ્પષ્ટ લખ્યું છે કે પુરાણો જ ડાયોનિસસની કથાઓનો સ્ત્રોત છે.’

            વૈદિક સભ્યતાની શરૃઆતમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિનો વિચાર નહોતો આવ્યો ત્યારે સ્વર્ગના દેવોને પૂજ્ય ગણવામાં આવતા. દેવો ઉપર સ્વર્ગમાં રહેતા અને મનુષ્યો ધરતી પર, મનુષ્યો પોતાની જરૃરીઆતો પૂરી કરવા માટે દેવોને રીઝવતા. બિલકુલ આ જ રીતની પૌરાણિક દંતકથાઓથી ગ્રીક સંસ્કૃતિ શરૃ થાય છે. ત્યાં પણ સ્વર્ગના દેવતાઓ છે અને ધરતી પર વસતા મનુષ્યો છે જે તેમને પૂજે છે. પરંતુ, વૈદિક કાળમાં આગળ જતાં બ્રહ્મ અને અદ્વૈતવાદનું જે વિજ્ઞાાન વિકસ્યું એ ગ્રીક સભ્યતામાં દેખાતું નથી. મતલબ, વૈદિક સંસ્કૃતિમાં એ ઉત્ક્રાંતિ શરૃ થયા પહેલા જ તેના એક સમૂહે પશ્ચિમ તરફ સ્થળાંતર કરી નવી ગ્રીક સભ્યતા ઊભી કરી હતી, જેમાં ફક્ત દેવતાઓના નામ જ બદલવામાં આવ્યા હતા.

            વૈદિક દેવતાઓ અને ગ્રીક દેવતાઓમાં કેટલું સામ્ય છે એ જોઇએ. વેદોમાં આકાશના દેવતા અને દેવોના પિતા ‘દ્રૌષપિતૃ’ કહેવાય છે, જેને ‘ડાયસ (Dyaus)’ પણ કહે છે. એ જ આકાશના દેવતાને ગ્રીકો ‘ઝીઅસ (Zeus)’ કહે છે જે પણ દેવતાઓના પિતા છે. વેદોના વરુણ દેવ ગ્રીકોમાં ઓરેનોસ કહેવાય છે અને વેદોની પ્રભાતની દેવી ઉષા ગ્રીકોમાં ઔરોરા કહેવાય છે. વેદોમાં ક્રોધ માટે જાણીતા રુદ્ર દેવ (શિવ) ગ્રીક સભ્યતામાં ક્રોધી દેવતા પોસાયડન કહેવાય છે. સમાનતાની હદ ત્યાં છે કે બંનેનું મુખ્ય શસ્ત્ર પણ ત્રિશૂળ છે. પ્રજા ઉત્પન્ન કરનારા વેદોના પ્રજાપતિ ગ્રીક સભ્યતામાં પ્રોટોગોનોસ તરીકે ઓળખાય છે. પ્રોટોગોનોસના ચાર મસ્તક છે, એક અજગરનું, એક બળદનું, એક મનુષ્યનું અને એક દેવતાનું. એ જ રીતે બ્રહ્માંડ પુરાણમાં પ્રજાપતિને પણ ચાર મસ્તકવાળા કહેવામાં આવ્યા છે. જ્યાં તેમનું એક મસ્તક દેવતાનું, એક ઋષિનું, એક પિતૃઓનું અને એક મનુષ્યનું છે. ભારતીય નામોને બદલીને ગ્રીક નામ આપવાનું ગ્રીકોનું આ ચલણ ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક સુધી ચાલુ રહ્યું હતું. ગ્રીસમાં ચંદ્રગુપ્ત મૌર્યને એન્ડ્રોકોટસ અને અશોકને એલીટ્રોકેડસ તરીકે ઓળખવામાં આવતા હતા.

            વેદોમાં સંસ્કૃત શ્લોકોના યોગ્ય ઉચ્ચારણને ‘વાક’ કહેવામાં આવ્યું છે. ‘વાક’ એક શક્તિશાળી દેવી છે જે પોતાનામાં દેવતાઓને ધારણ કરીને આગળ વધે છે અને લોકોમાં દિવ્યતા ઉત્પન્ન કરે છે. ગ્રીકોમાં બિલકુલ આ જ દૈવી ઉચ્ચારણને ‘લોગોસ’ કહેવામાં આવ્યું છે. વેદોમાં જે લોકો યોગ્ય રીતે વાકનો ઉચ્ચાર ન કરે તેમને ‘બાર્બર’ (તોતડા) કીધા છે. ગ્રીકોમાં તેમને ‘બાર્બરોઇ’ કીધા છે. પ્રાચીન ગ્રીક લેખક હોમરના ઇલિયાડ અને ઓડિસી મહાકાવ્યોમાં દર્શાવેલ સમાજજીવન અને વેદો તથા મહાભારતમાં દર્શાવેલ સમાજજીવનમાં અદભુત સામ્યતા છે. હોમરની રચનાઓમાં દર્શાવેલા દેવતાઓ ઘોડાઓથી બાંધેલા રથ લઇને આવે છે. જ્યારે ઘોડાથી ચાલતા રથ ફક્ત વૈદિક આર્યોની ઓળખ હતી.

            હવે વાત અબ્રાહમની. અબ્રાહમ એટલે યહુદીઓ અને આરબોના પૂર્વજ. અબ્રાહમના બે દિકરા હતા. એક ઇસાક અને બીજો ઇસ્માઇલ. ઇસાકના વંશજો યહૂદી કહેવાયા અને ઇસ્માઇલના વંશજો આરબો કહેવાયા. એ યહૂદીઓમાંથી ખ્રિસ્તી ધર્મ અસ્તિત્વમાં આવ્યો અને આરબોમાંથી મુસ્લિમ ધર્મ અસ્તિત્વમાં આવ્યો. ઇસ ૩૭ થી ઇસ ૧૦૦ વચ્ચે થઇ ગયેલા પ્રખ્યાત યહુદી ઈતિહાસકાર ફ્લેવીઅસ જોસેફ્સે નોંધ્યું છે કે ‘સોક્રેટીસ, પ્લુટો અને એરીસ્ટોટલ એવું કહેતા હતા કે આ યહુદીઓ ભારતમાંથી આવેલા પેલા બ્રાહ્મણ તત્વચિંતક અબ્રહામના વંશજ છે.’ એરીસ્ટોટલનો સમકાલીન ઇતિહાસકાર ક્લીઅરકુશ લખે છે કે ‘યહુદીઓ ભારતીય ફીલોસોફરના વંશજ છે જે ભારતમાંથી સિરિયા તરફ સ્થળાંતર પામ્યા.’ ઇસ પૂર્વે ૩૦૦માં સેલ્યુકસ નીકેટરે મેગાસ્થેન્સ નામના એક સંશોધકને ભારત મોકલેલો જેણે ભારતના સંશોધન પરથી નોંધ્યું હતું કે ‘યહુદીઓ અસલમાં પશ્ચિમ ભારતની કલાની જાતિના બ્રાહ્મણો છે.’

            અઢારમી સદીના સૌથી મહાન આત્મજ્ઞાાની લેખક અને વિચારક ગણાતા વોલ્ટેરે લખ્યું છે કે ‘અબ્રાહમ ભારતના પશ્ચિમ છેડામાંથી આવેલા બ્રાહ્મણ હતા જેમણે પશ્ચિમમાં જ્ઞાાનનો ફેલાવો કરવા માટે ભારત છોડયું.’ બાઇબલના જૂના કરારમાં કહેવામાં આવ્યું છે કે અબ્રાહમ પૂર્વમાં આવેલા ‘ચૌલ્ડીઅનોના ઉર’માંથી સ્થળાંતર કરી પશ્ચિમના બેબિલોનીઓન પ્રદેશમાં ગયા હતા, જ્યાં તેમણે એકેશ્વરવાદનો સંદેશ આપ્યો. ‘ઉર’નો અર્થ થાય છે ‘પ્રદેશ’. ચૌલ્ડીઅન અસલમાં પ્રાચીન સમયના ‘કૌલ પંડિતો’માંથી આવેલી કાશ્મીરી બ્રાહ્મણોની જાતિ હતી, જે તે સમયે આજના અફઘાનિસ્તાન સુધી ફેલાયેલી હતી. અબ્રાહમને જે ઉર પ્રદેશમાંથી આવેલા મનાય છે તે આજના અફઘાનિસ્તાન અને ઇરાનની સીમા પર આવેલો બેક્ટ્રીયા પ્રદેશ છે તેવું સંશોધકો અને પ્રાચીન ઇરાનીઓ માને છે.

            અબરાહમના નામનો અર્થ પણ કાશ્મીરી પંડિતોની ભાષામાંથી જ મળે છે. ‘અબ’નો કાશ્મીરીમાં અર્થ થાય છે પિતા. અને ‘રહમ’ શબ્દ ‘રામ’ શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે ‘સર્વોચ્ચ બ્રાહ્મણ’. આમ, અબરાહમ કાશ્મીરી પંડિતોની જ એક જાતિના બ્રાહ્મણ હતા જેમણે એકેશ્વરવાદનો ફેલાવો કરવા પશ્ચિમ તરફ પ્રયાણ કર્યું અને યહૂદીઓ અને આરબોના જનક બન્યા. યહુદીઓને પોતાની કાશ્મીરી મૂળની જાણ હતી. એટલે જ તો જ્યારે જ્યારે યહુદીઓ પર અત્યાચાર થયા ત્યારે ત્યારે તેમના સમૂહો સીધા કાશ્મીરમાં આવીને વસ્યા. મોસીસ જેવા પયગંબર પણ અંતિમ સમયે કાશ્મીરમાંં રહ્યા હતા એવા સંકેત મળ્યા છે. મુસ્લિમ ધર્માંતરણ થયા પહેલા કાશ્મીરમાં યહુદી વસ્તી સારા એવા પ્રમાણમાં જોવા મળતી હતી.

            આમ, જગતની કોઇ એવી સભ્યતા નથી જેના મૂળ પૂર્વની પ્રાચીન ભારતીય સભ્યતામાં ન મળતા હોય. આ તથ્યો એ વૈજ્ઞાાનિક અને જીનેટીકલ પૂરાવાઓને સહમતિ આપે છે કે ભારતીય સભ્યતામાંથી છૂટી પડીને જ જગતની બાકી બધી માનવ સભ્યતાઓ અસ્તિત્વમાં આવી છે.

August 12 / 2018 / On Facebook

આદિવાસી વિરુદ્ધ શહેરી કે માનવ વિરુદ્ધ પ્રકૃતિ

“લેખકશ્રી હરિભાઈ દેસાઈનો 9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિન પરનો લેખ ગમ્યો. ઘણી સારી માહિતી છે એમાં પણ કેટલાક મુદ્દાઓ પર મારો વિરોધ છે અને તેને હું અહી કહી રહ્યો છું.”

પહેલા તો લેખકે અને તેમણે જે સંશોધનકર્તાનું નામ આપ્યું છે તેમને ‘આદીવાસી’ શબ્દની વ્યાખ્યા કરવી જોઈએ. ‘જે જંગલમાં રહેતા હોય એ આદિવાસી’ એવી વ્યાખ્યા પર આધારિત આ તારણ હોય તો જસ્ટિસ કાતજુનું વિવરણ કે ભારત 92 ટકા આદિવાસીઓનો દેશ હતો અને પછી સમયે સમયે બહારના લોકોએ આવીને તેમનાથી દેશ પચાવી પાડ્યો- એ ગામ સામે ગોળા નાખવાની તથાકથિત લિબરલ અને માર્કસિસ્ટ સોચનું પ્રતિબિંબ છે. કારણ કે આખી માનવજાતિ આફ્રિકાના જંગલોમાંથી જ આવી છે અને એ જંગલોમાંથી માઈગ્રેશન કરીને જ હોમોસેપિયન્સ મેદાની પ્રદેશોમાં આવ્યા હતા. મતલબ જેમણે મેદાની સભ્યતા શરૂ કરી તે માનવો પણ ક્યારેક આદિવાસી હતા. ભારત નહીં આખી પૃથ્વી આદિવાસીઓની જ હતી. મેદાની સભ્યતા ઉભી કરનાર આદિવાસીઓ જ્યારે હજી જંગલોમાં વસતા આદિવાસીઓ સાથે સંપર્કમાં આવ્યા ત્યારે હંમેશની જેમ બે સમાંતર પ્રક્રિયાઓ શરૂ થઈ. એક, જંગલની આદિવાસી પ્રજા મેદાની સભ્યતાની આધુનિકતા, આકર્ષકતા અને સમૃદ્ધિથી અંજાઈ. અને બીજું, મેદાની લોકોની લાલચી દ્રષ્ટિ

આદિવાસીઓની જમીનો અને વિવિધ ઔદ્યોગિક કાચો માલ આપતા જંગલો પર પડી. આદિવાસીઓની મેદાની પ્રદેશની સમૃદ્ધિ મેળવવાની ઈચ્છાને જાણી જતાં મેદાની પ્રદેશના લોકો આદિવાસીઓને પોતાના કામ સોંપી એ સભ્યતાનો હિસ્સો બનાવતા થયા. આ રીતે આ બે સભ્યતાઓ સંપર્કમાં પણ આવી અને આગળ જતાં એકબીજાના સંસાધનો પર વર્ચસ્વ જમાવવાના સંઘર્ષમાં પણ. આદિવાસીઓને મેદાની પ્રદેશની સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા અને લાલચ ન જાગી હોત તો આદિવાસીઓનું ક્યારેય કોઈ બગાડી ન શકત. પણ તેમની એ લાલચે તેમને મેદાની સભ્યતાના ગુલામ બનવા તરફ ધકેલ્યા અને પછી એ સભ્યતાનો મુખ્ય હિસ્સો બનવાના સંઘર્ષ તરફ. આ લગભગ પૃથ્વીના દરેક હિસ્સામાં બન્યું. બસ ભારત જ એ દેશ છે જ્યાં અમેરિકા અને યુરોપની જેમ આદિવાસી સભ્યતાને મારીને સંપૂર્ણપણે લુપ્ત કરવામાં નથી આવી અને આદિકાળથી હંમેશા પરસ્પરના સંઘર્ષને મટાવી તેમને મેદાની સભ્યતાનો એક સ્પેશિયલ હિસ્સો બનાવવાની કોશિશ થઈ છે. વાલ્મિકી, વેદ વ્યાસ અને ભૃગુ જેવા બીજા અનેક ઋષિમુનિઓ એ આદિવાસી લોકોમાંથી આવ્યા અને તેમના ગ્રંથો આજેપણ હિન્દૂ સભ્યતાનું મૂળ છે. આજ એકમાત્ર દેશ છે જ્યાં આદિવાસી લોકોએ લખેલા ગ્રંથોને મેદાની સભ્યતાના લોકો પોતાના ધર્મગ્રંથો માનીને પૂજે છે અને તેનું અનુસરણ કરે છે. આ આદિવાસીઓને આત્મજ્ઞાની ઋષિઓ બનાવી દેનાર દેશ છે. સાચું ચિત્ર આ છે. એનો મતલબ એ નથી કે આજે આદિવાસીઓ સાથે કોઈ અન્યાય થતો હોય તો પ્રાચીન ભારતની આ મહાનતાને આગળ ધરી તેનાથી આંખ આડા કાન કરવા, પણ એનો અર્થ એ પણ નથી કે ‘ભારત આદિવાસીઓનો દેશ હતો અને પછી બહારથી આવેલા લોકોએ તેમનાથી બધું છીનવી લીધું’ – આવા નિવેદનોને પ્રત્સાહન આપવું, જે અસલમાં માર્કસવાદને સમર્થન અને નક્સલવાદને શક્તિ આપવાનું કામ કરે છે. બુદ્ધિજીવી બનવાની લાયમાં આ બનાવટી માન્યતાને સમર્થન આપવાના સ્થાને સ્વતંત્ર રહીને પોતાનું સ્વતંત્ર ચિંતન કરવું જોઈએ જે સંપૂર્ણ અને સાચા ચિત્રને પેશ કરે. લેખકશ્રી અને તેમણે જે સંશોધકશ્રીનો ઉલ્લેખ કર્યો છે તે બંનેને મારી આ સલાહ અને વિનંતી છે.

જ્યાં સુધી મારી અંગત રાય છે, મને આદિવાસીઓની કોઈ ચિંતા નથી. મને જંગલોની અને પ્રકૃતિની ચિંતા છે. આદિવાસીઓ પણ માનવો જ છે અને જેમ મેં કહ્યું તેમ બધા માનવો ક્યારેકને ક્યારેક આદિવાસી જ હતા. મેદાની સભ્યતાની આધુનિકતા એક બહુ મોટા પરિવર્તન તરીકે ઉપસી આવી જે આદિવાસીઓને લાલચાવનારી તો હતી જ સાથે એટલી શક્તિશાળી પણ હતી કે આદિવાસીઓને ગમે ત્યારે પોતાના ગુલામ બનાવી શકે. એટલે જંગલમાં વસતા માનવો સમૃદ્ધિની લાલચ અને અસ્તિત્વ ટકાવી રાખવાની વૃત્તિના જોરે મેદાની પ્રદેશમાં આવ્યા અને પોતાનું સ્થાન શોધવાનો પ્રયાસ કર્યો. સાથે સાથે ભૌતિક સમૃદ્ધિના લાલચી બની ચૂકેલા મેદાની પ્રદેશોના લોકોની નજર આદિવાસીઓની જમીન અને જંગલો પર પડી. જ્યારે આવું થયું ત્યારે અમેરિકાએ તો ત્યાંના રેડ ઇન્ડિયન આદિવાસીઓ સામે હિંસક સંઘર્ષ કરી તેમને લુપ્ત કરી દીધા, ભારતના બ્રિટિશ રાજે તેમની જમીનો પડાવી તેમને ખેત મજૂર બનાવી દીધા. પણ આઝાદ ભારતમાં તેમને અનામત આપી મુખ્યધારામાં લાવવાની કોશિશ થઈ અને તેના સુંદર પરિણામો મળ્યા છે. એટલે ડોકટર, એન્જીનીઅર અને સરકારી બાબુ બનેલા એ આદિવાસી હવે આદિવાસી રહેવાના નથી. એમની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. એમને હવે આદિવાસી નહીં પણ માનવ તરીકે કે ભારતીય તરીકે જોવાના છે. પણ જે જંગલો એ છોડીને આવ્યા છે તે જંગલોને તે આદિવાસીઓના મેદાની બાબુ બનવાથી નુકશાન જ થવાનું છે. એ લોકો જંગલોનું હવે એવું સંવર્ધન નહીં કરે જેવું પહેલા કરતા હતા. મેદાની પ્રદેશોની ભૌતિક ભાગદોડમાં પ્રવેશીને ક્યારેક તે એ જંગલોને કાપીને આધુનિક વ્યવસાયો પણ ઉભા કરે. તો, સાચી ચિંતા આદિવાસીઓની નહીં, તેમના રહેઠાણ એવા જંગલો અને જમીનની કરવાની છે. આદિવાસી તરીકે પણ તે સુખી છે અને પ્રકૃતિને સાચવી રહ્યા છે. પણ વોટ માટે કે ધર્માંતરણ કરાવવા માટે તેમને ભૌતિકવાદી બનાવવાની આ જે રેસ ચાલી છે એમાં નુકશાન છેલ્લે જંગલોનું અને પ્રકૃતિનું જ છે. ક્રિસ્ટીઅન મિશનરીઓ અને તેમને સંલગ્ન સંસ્થાઓ આદિવાસીઓના ઉદ્ધારના નામે આદિવાસીઓની કેટલીયે જમીન પર કબજો કરી ચુકી છે, જેમાં કેટલાક નેતાઓનો પણ ભાગ હોય છે. એટલે આદિવાસી વિરુદ્ધ શહેરીનો સંઘર્ષ સંપૂર્ણ રાજકીય પેદાશ છે. અસલી સંઘર્ષ છે માનવ વિરુદ્ધ પ્રકૃતિનો.

February 05 / 2018 / On Facebook

આખરે, પદમાવત જોયું..

તો, કાલે પદ્માવતિ જોયું. રાતે એક વાગે જયારે ફિલ્મ પુરી થઇ ત્યારે છેલ્લા અડધો કલાકથી ભરાઈ રહેલી પીડા આંસુ બનીને નીકળી પડી. મેં પહેલા પણ કહેલું છે કે ભારતના ઇતિહાસમાં સીતા અને પદ્માવતી સાથે જે થયું એ હું ક્યારેય સહન નથી કરી શક્યો. પણ કાલે રડવું ખાલી માં પદ્માવતીના બલિદાન પર ના આવ્યું. કાલે રડવું આવ્યું આ દેશના દુર્ભાગ્ય પર કે જે ફિલ્મ રિલીઝ થતા સમયે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ હોવો જોઈતો હતો, જે ફિલ્મ જોવા માટે જેમ સૈનિકો માર્ચ કરતા હોય તેમ દરેક નાગરિક થિએટરમાં પ્રવેશતો હોવો જોઈતો હતો તે ફિલ્મ અને તેને બનાવવાવાળાઓને આ હદે હેરાન કરવામાં આવ્યા. રડવું આવ્યું એ બનીબેઠેલા મૂર્ખ દેશભક્તો અને હિન્દુભક્તો પર જે વગર ફિલ્મ જોયે સડકો પર અને સોશ્યિલ મીડિયા પર ફિલ્મનો વિરોધ કરવામાં પોતાના જીવનની સાર્થકતા સમજી રહ્યા હતા. રડવું આવ્યું એ વાતનું કે લેફટીસ્ટ અને મુસ્લીમોથી ભરેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યાં અકબર પર તો બે બે મોટી ફિલ્મો બની ગઈ પણ મહારાણા પ્રતાપ પર એક ફિલ્મ બનાવવાનું કોઈનામાં સાહસ ન થયું એવી ઇન્ડસ્ટ્રીમાં પેશ્વા બાજીરાવ અને રાની પદ્માવતી પર બે-બે ભવ્ય ફિલ્મો બનાવનાર સંજય લીલા ભણસાલી પર જે અત્યાચારો થયા એ પછી શું બીજો કોઈ આ મૂર્ખ હિંદુઓ માટે કોઈ ફિલ્મ બનાવવાનું સાહસ કરશે..? રાની પદ્માવતીને ઊંડાણથી જીવી લેનાર દીપિકા પાદુકોણના માથા વાઢી લાવવાની ઘોષણાઓ થઇ ત્યારે એને શું થયું હશે કે પદ્માવતીએ આખરે કોના માટે બલિદાન આપ્યું..? આ જીવાત માટે..? રડવું આવ્યું એ વાહિયાત નેતાઓ પર જે ફિલ્મોનો ‘ફ’ પણ ન જાણતા હોવા છતાં ખાલી કોઈના વોટ લેવા માટે ફિલ્મને રિલીઝ ન થવા દેવાની ધમકીઓ અને ઘોષણાઓ કરી રહ્યા હતા. વાહિયાત એટલા માટે કારણ કે એ લોકોની હૈસિયત જ નથી હિન્દુત્વ માટે કંઈ કરવાની, એમને તો બસ એમના વોટ જોઈએ છે. હિંદુત્વ અને ક્ષત્રીયતાને સાચા અર્થમાં પ્રગટાવી મૂકે એવું કામ તો આ ગુજરાતી ફિલ્મ મેકરે કર્યું છે, જેની ફિલ્મ ગુજરાતમાં જ રિલીઝ ન થવા દેવાઈ. તો ટૂંકમાં,
Shame! Shame! Shame! On that every fool and bastard who gave his/her bit to harass this film without watching it.

            હવે ફિલ્મની વાત. રાજા રતનસિંહ મોતીનો હાર તૂટી જવાથી રિસાયેલી એમની પહેલી પત્નીને મનાવવા સિંઘલ દેશમાં મોતી લેવા જાય છે. ત્યાં સિંઘલની સુંદર રાજકુમારી પદ્માવતી અને રાજા રતનસિંહ પ્રેમમાં પડે છે. બંને લગ્ન કરીને જ મેવાડ પાછા આવે છે. મેવાડમાં પદ્માવતીની સુંદરતાથી અંજાયેલો એક બ્રાહ્મણ જે રાજા રાતનસિંહનો ગુરુ પણ છે તે ચોરી છુપે રતનસિંહ અને પદ્માવતીના પ્રણયને જોવાની કોશિશ કરે છે. પદ્માવતી આ જાણી જાય છે અને તે બ્રાહ્મણને દેશ નીકાળો કરાવી દે છે. બ્રાહ્મણ પદ્માવતીનો બદલો લેવા દિલ્લીના ઘાતકી અને સ્ત્રીઓના શોખીન સુલતાન અલ્લાઉદ્દીન ખીલજી પાસે જાય છે અને કહે છે, ‘આખા ભારતની સૌથી સુંદર સ્ત્રી તો પદ્માવતી છે. જો તમે એને નથી મેળવી તો બીજું કંઈ નથી મેળવ્યું.’ આ સાંભળતા જ ક્રૂર ખીલજી પદ્માવતીને મેળવવા સેના લઈને મેવાડ પર ચડાઈ કરવા આવી જાય છે. અને અહીંથી શરુ થાય છે પોતાની રાણીની શાન બચાવવા માટે મેવાડના બહાદુર રાજપૂતોનો સંઘર્ષ. ખીલજી સામે બહાદુરીથી લડતો રતનસિંહ જાણે ખાલી પોતાની પત્ની અને પ્રેમ માટે જ ન લડતા પોતાની સંસ્કૃતિ માટે લડતો હોય તેવો દેખાય છે. જયારે તે અલ્લાઉદ્દીન ખીલજીને હરાવીને મારવા જ જતો હોય છે ત્યારે ખીલજી કપટથી તેને મારી નાખે છે. આ સમાચાર મળતા જ પદ્માવતી બધી રાજપૂતાણીઓને પોતાના ભવનમાં બોલાવી દઈ ભવન બંધ કરાવી દે છે. અહીં પદ્માવતીએ રાજપૂતાણીઓને જૌહર કરી લેવા આપેલી સ્પીચ ભવ્ય છે. ખીલજી અને તેના સૈનિકો ભવનમાં પ્રવેશે તે પહેલા પદ્માવતી પાછળ બધી રાજપૂતાણીઓ જૌહર કરીને સળગી જાય છે. જે અલ્લાઉદ્દીન પદ્માવતીને મેળવવા આવ્યો હોય છે, તેને પદ્માવતીનો ચહેરો તો દૂર તેનો પડછાયો કે તેનું મૃત શરીર પણ જોવા નથી મળતું. આજ તેની મોટી હાર હોય છે.

            ઇસ ૭૧૨ માં પહેલો ઇસ્લામી આક્રાંતા મોહમ્મદ બિન કાસમ ભારતમાં આવ્યો ત્યારથી આજ ઇસ્લામનું યુદ્ધ મોડલ હતું. કાસમની સેનાએ સિંધ અને બલુચિસ્તાનમાં હિન્દૂ પુરુષોને ગળું કાપીને મારી નાખેલા અને તેમની સ્ત્રીઓને ગુલામ બનાવેલી. એ ગુલામ સ્ત્રીઓમાંથી પાંચમા ભાગની સ્ત્રીઓ આરબમાં તેમના ખલીફાને મોકલવામાં આવતી અને બાકીની સેનાના સૈનિકોમાં વહેંચી દેવામાં આવતી. આ સમયથી આ જાનવરોથી બચવા હિન્દૂ સ્ત્રીઓએ પોતાનું શરીર જ બાળીને ભસ્મ કરી દેવાની જૌહરની રીત શોધેલી. એક યા બીજી રીતે આજેપણ જે જે વિસ્તાર મુસ્લિમ બહુમતી હેઠળ આવ્યો ત્યાં અન્ય ધર્મોની સ્ત્રીઓ સાથે આજ કરવામાં આવ્યું છે, ચાહે તે પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય કે કાશ્મીર ઘાટીમાં પંડિતો સાથે જે થયું તે હોય. પણ માં પદ્માવતીનું જૌહર આ બધામાં ગૌરવશાળી ગણાય છે કારણ કે તે કોઈ ડરથી કરાયેલું જૌહર નહોતું. તે જૌહર ખીલજીને હરાવવા માટે કરાયું હતું. એમાં જ ખીલજીની હાર હતી. અને જૌહર કરતી વખતે દીપિકા પાદુકોણે એજ સ્વાભિમાની હાવભાવ આપ્યા છે જે માં પદ્માવતીની ઓળખ છે. આખરી સંવાદો અને દ્રશ્યોમાં પદ્માવતી એક દેવી તરીકે ઉપજી આવે છે જે અધર્મને હરાવવા અને સત્યની રક્ષા કરવા ગર્વભેર આગની જ્વાળાઓમાં ચાલી જાય છે. આજ એ બલિદાન છે, આજ એ સ્વાભિમાન છે જેણે આઠસો વર્ષ સુધી આ જાનવરો જેવા વિદેશી શાશકોથી આ સભ્યતાને બચાવી છે. આ ફિલ્મનો વિરોધ ટીવી ચેનલો પર મોહમ્મદ બિન કાસમ, અલ્લાઉદ્દીન ખીલજી અને ઔરંગઝેબને ખુલ્લેઆમ પોતાના હીરો ગણાવતા ભારતીય મૌલાના અને મૌલવીઓએ કર્યો હોત તો સમજી શકાય એમ છે. પણ જેમના સ્વાભિમાન માટે ફિલ્મ બનાવાઈ એ લોકોએ જ છેલ્લા કેટલાક મહિનાઓમાં જે કર્યું તેણે ખરેખર આપણને દુનિયા સામે હાસ્યાસ્પદ બનાવી દીધા છે. એકબાજુ ડાબેરી પત્રકારો અને ફિલ્મકારો આ ફિલ્મને મુસ્લિમ વિરોધી અને પ્રખર હિન્દુવાદી કહીને સંજય લીલા ભણસાલીને લતાડી રહ્યા છે અને બીજી બાજુ પ્રખર હિન્દુવાદીઓએ જ ફિલ્મને અનેક રાજ્યોમાં રિલીઝ થવાથી રોકી રાખી છે. આ કિસ્સામાં દીપિકા પાદુકોણે જે કહ્યું એજ પૂરતું છે, ‘આપણે (આટલા અત્યચારો અને ગુલામી પછી) રિગ્રેસીવ થઇ ગયા છીએ.’ આપણો આત્મવિશ્વાસ ખોવાઈ ચુક્યો છે. આપણે દરેક વાતને સંદેહથી જોઈએ છીએ. કઈ વસ્તુ આપણા સારા માટે છે અને કઈ વસ્તુ આપણા ખોટા માટે એ ઓળખવાની શક્તિ આપણે ખોઈ ચુક્યા છીએ. આપણે આપણા જ લોકોને અને આપણા જ હિત માટે થતા કાર્યોને નિષ્ફળ બનાવવાની કોશિશ કરીએ છીએ. એક રીતે માં પદ્માવતીના બલિદાનનું વર્તમાન પરિણામ આ જ છે, જે આપણને માં પદ્માવતી પર ફિલ્મ બનવાથી જ ખબર પડી.

            છેલ્લે, જેએનયુમાં દેશવિરોધી નારા લગાવનારાઓનું સમર્થન કરનારી ડાબેરી માનસિકતાવાળી, ‘પ્રેમ રતન ધન પાયો’ માં સલમાન ખાનની બહેનનો રોલ કરનારી સ્વરા ભાસ્કરને જવાબ. આ બહેને પદ્માવતી જોઈને એક ડાબેરી વેબસાઈટ પર પત્ર લખી કહ્યું, ‘બકવાસ ફિલ્મ. ફિલ્મ પત્યા પછી ખાલી એટલો જ સંદેશ મળ્યો કે મારી વજાઇનાનું કંઈક મૂલ્ય છે.’

            ડીઅર સ્વરા, એમાં એવું છે બકા કે આ દેશની સંસ્કૃતિ જયારે શરુ થઇ ત્યારે માં તરીકે અને શક્તિ તરીકે વજાઇનાની જ પૂજા કરાતી હતી. કારણ કે ત્યાંથી જ આપણું અસ્તિત્વ શરુ થાય છે. એટલે કેટલીક વજાઈના ખરેખર બહુ દિવ્ય અને મૂલ્યવાન હોય છે કારણ કે તે કેટલાક મહાન લોકોને જન્મ આપે છે તો કેટલાક મહાન લોકોના સંતાનોને જન્મ આપે છે. પણ બેશક, કેટલીક વજાઈના મૂલ્યહીન જ હોય છે. કારણ કે તે દરેક માટે ઈઝીલી અવેલેબલ હોય છે અને તેમાંથી મોટાભાગે ઉત્પાત મચાવનારા કીડા જ જન્મે છે. અને આવી કોઈ વજાઇનાને જો આ ફિલ્મ જોવાથી પોતાનું થોડું મૂલ્ય સમજાયું હોય તો ખરેખર એજ આ ફિલ્મની મુખ્ય સફળતા છે.

February 06 / 2018 / On Facebook

પદ્માવતીનું જૌહર આજના સમય મુજબ કેટલું સાચું..?

તો કાલનો પદ્માવતીવાળો આર્ટિકલ ઘણો ગુંજ્યો. ઘણા બધા વખાણ મળ્યા તો કેટલાક વિરોધના સવાલો પણ. મોટાભાગના સવાલો ફિલ્મનો વિરોધ કરનારા લોકોના હતા જે હજી ખોટા ફેક્ટ્સ સાથે પોતાનો આખરી વધ્યો-ફૂટ્યો લૂલો બચાવ કરી રહ્યા હતા. હવે તો તેમના માટે એ પણ મુશ્કેલ બની જશે કારણ કે ગયા શુક્રવારે કરની સેનાની રાષ્ટ્રીય શાખાએ પણ ફિલ્મના વખાણ કરી આંદોલન પાછું ખેંચવાની ઘોષણા કરી દીધી છે. પણ છતાંય એક સવાલ બહુ સુંદર અને બુદ્ધિજીવી હતો જેના પર અમારા વચ્ચે જે ચર્ચા થઇ એ જ્ઞાનવર્ધક છે. એ ચર્ચા અહીંયા આપી રહ્યો છું.

સવાલ: તમે સ્વરા ભાસ્કરને જે જવાબ આપ્યો એ અદભુત છે. કાશ દીપિકા અને શાહિદે જે જવાબ આપ્યા એ પણ આટલા આકરા હોત. છતાંય મેં જયારે સ્વરા ભાસ્કરનો એ પત્ર વાંચ્યો એટલે આટલો ડાઉટ મને પણ થયો હતો કે શું આધુનિક સમય મુજબ રાની પદ્માવતીની આત્મહત્યા વધારે પડતું ન કહેવાય..? શું સ્ત્રીના જીવનનું મહત્વ ખાલી તેની વજાઇનાને સાચવવામાં જ છે..? શું રાની પદ્માવતીનું જ્ઞાન, તેમની હોંશિયારી અને તેમની બીજી બધી ખૂબીઓ ખાલી એ માટે જતી રહી કે કોઈ તેમના સાથે સેક્સ ના કરી શકે..? મારા ખ્યાલથી આ સવાલને ખાલી ધાક-ધમકી અને વિરોધોથી દબાવી દેવામાં આવે એમાં નુકશાન છે કારણ કે આપણે જે રીતે મોડર્ન અને લિબરલ થઇ રહ્યા છીએ અને જે રીતે સ્ત્રી સશક્તિકરણની ઝુંબેશ પ્રબળ બની રહી છે એમાં કોઈ દિવસ આ સવાલ બહુ પ્રબળતાથી સામે આવશે. પણ આ સવાલને હું જાહેરમાં પૂછીને મુસીબત માથા પર ન ઉઠાવી લઉં એટલે તમને અંગતમાં પૂછ્યો. કારણ કે હિન્દુવાદી લોકોમાં ભારતીય સભ્યતાને તાર્કિકતાથી સમજાવવાની તમારી ક્ષમતા ખરેખર ક્રાંતિકારી છે.

જવાબ: તમારો સવાલ ખરેખર સુંદર છે અને એ પૂછવામાં ડરવાની કોઈ જરૂર નહોતી કારણ કે પ્રાચીન ભારતમાં આવા વિરોધાભાસી સવાલો પર હંમેશા સખત બહેસો થતી અને એના પછી જ કોઈ વિચારને સ્વીકારાતો. પણ આજે આપણે આવા મુશ્કેલ સવાલોનો જવાબ આપવા સક્ષમ નથી રહ્યા એટલે ભાવનાઓ આહત થઇ જવાના નામે એને ગાળો બોલીને દબાવી દઈએ છીએ.

            રાની પદ્માવતીના જૌહરને પતિ પાછળ સતી થતી પત્ની તરીકે પુરુષ પ્રધાન સમાજે ફેલાવ્યું, કારણ કે એમાં સ્ત્રીઓને ફરી સીતા જેવી કોઈ દેવી દેખાડીને પુરુષો પ્રત્યે સમર્પિત રહેવાનું કહેવામાં આસાની થઇ. આ વાતથી સમાજમાં સતી પ્રથાની ખરાબીને નૈતિક જોર મળેલું જેને દૂર કરતા કરતા છ સદીઓ વીતી ગયેલી. રાની પદ્માવતીના જૌહરને રાજપુતી આદર્શોની શાન સાથે રાજપૂતોએ જોડ્યું, જેમાં હું ખાસ કંઈ નુકશાન થયેલું જોતો નથી. પણ અસલમાં છેલ્લા આઠસો વર્ષના ઇતિહાસમાં હજારો રાજપૂતાણીઓના જૌહર આગળ રાની પદ્માવતીનું જૌહર સૌથી સમ્માનીય એટલા માટે ગણાય છે કારણ કે તે પોતાના પ્રેમ માટે અપાયેલું એક બલિદાન હતું. રાજા રતનસિંહ અને પદ્માવતીના પ્રેમને હજી એક વર્ષ પણ નહોતું થયું અને અલ્લાઉદીન ખીલજી નામનો એક બળાત્કારી વિલન તેમને વિખૂટો પાડવા આવી ગયો. તે બંને એકબીજાના ગાઢ પ્રેમમાં હતા, બે શરીર એક આત્માની જેમ, અને એક બળાત્કારી ગુન્ડો તેમાંથી એકને બીજા પાસેથી છીનવા આવી ગયો. તે બંને એ બળાત્કારીથી લડ્યા. રાજા રતનસિંહ યુદ્ધભૂમિમાં અને પદ્માવતી પોતાના મહેલમાં. જેમાં રાજા રતનસિંહને કપટપૂર્વક મારી દેવામાં આવ્યા. પદ્માવતીનું જૌહર કે જેને તમે આત્મહત્યા કહી તે એ માણસને નિષ્ફળ કરી દેવા માટે હતી જેણે પદ્માવતીથી એનો પ્રેમ છીનવ્યો. જો પદ્માવતી અને અન્ય રાજપૂતાણીઓ તલવારથી લડી હોત તો પણ ખીલજી અને તેના સૈનિકો પદ્માવતીને જીવતી પકડવા જ કોશિશ કરત. અને એનાથી બચવા તેને બીજી રીતે આત્મહત્યા કરવી પડત. પણ પદ્માવતીએ જે કર્યું તેનાથી ખીલજીને તેનું શરીર તો દૂર પદ્માવતી કેવી હતી તે જાણવા તેણીનો ચહેરો પણ જોવા ન મળ્યો. આજ ખીલજીની મોટી હાર હતી અને એ જૌહરથી જ થઇ શકે એમ હતું. પદ્માવતીએ ઇજ્જતના ડરથી જૌહર ના કર્યું. તેણે પોતાના પ્રેમને જીતાડવા અને પોતાના આત્માને એક બળાત્કારીની છાપથી દૂર રાખવા જૌહર કર્યું. અને એ આજે નહિ આજથી પાંચ હજાર વર્ષ પછીના અતિઆધુનિક સમયમાં પણ સાચું જ કહેવાશે. કોઈપણ બળાત્કારી સામે તાબે થવા કરતા તેની સામે લડીને મરવું જ ધર્મ છે. એમાં વાત વજાઇનાની નથી, વાત છે સ્ત્રીના આત્મસમ્માનની. મૂલ્ય વજાઇનાનું નથી, મૂલ્ય છે મનુષ્યના આત્માનું જે કોઈ સાથે પ્રેમથી જોડાયેલો છે અને કોઈ બીજાનો પડછાયો પણ પોતાના પર પડવા દેવા માંગતો નથી. આ પ્રેમ વિરુદ્ધ બળાત્કારની લડાઈ છે. આ આત્માના પ્રેમ વિરુદ્ધ શારીરિક વાસનાની લડાઈ છે અને માં પદ્માવતી
વાસના સામે પ્રેમને જીતાડવા જૌહર કરે છે. એટલે જ તેને અધર્મનો નાશ કરી સત્યને જીતાડતી દેવી તરીકે પૂજવામાં આવે છે. પ્રેમ સત્ય છે અને શારીરિક વાસના અધર્મ છે. એટલે જ આજે પણ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં કેટલાક સ્થાને પદ્માવતીના મંદિરો છે અને પ્રેમીઓ પોતાના પ્રેમને જીતાડવા તથા પ્રેમમાં રુકાવટ બનતા પરિબળોને હરાવવા ત્યાં પ્રાર્થના કરવા જાય છે.

સવાલ: તો શું આજેપણ કોઈ સ્ત્રી કે છોકરીએ સામે કોઈ બળાત્કારી આવી જાય તો લડવું કે મરવું એજ બે વિકલ્પ વિચારવા જોઈએ..?

જવાબ: નહિ, નહિ. હજી તમે બે વચ્ચેનો ફર્ક સમજવામાં ભૂલ કરી રહ્યા છો. આજે
કોઈ છોકરી આવા કોઈ બળાત્કારીઓ વચ્ચે ફસાઈ જાય તો સ્વબચાવ માટે સંઘર્ષ કરવો જોઈએ પણ જીવ બચાવી લેવો જોઈએ. બળાત્કાર થઇ પણ ગયો તો કોઈ ઈજ્જત નથી લૂંટાઈ જતી. એમાં આત્મહત્યા કરવાની જરૂર નથી. બળાત્કારથી શરીરમાંથી કંઈ લૂંટાઈ નથી જતું, ના કોઈ વજાઈના અપવિત્ર થઇ જાય છે. સ્ત્રીનું શરીર એક મંદિર છે. અને એ મંદિરમાં સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ પ્રવેશવું એ તેના આત્મસમ્માન પર હુમલો છે. બળાત્કાર બસ આજ છે. તેને એનાથી મોટું મહત્વ આપવાની જરૂર નથી. બળાત્કાર થયેલ છોકરીએ એટલા જ સ્વાભિમાનથી જીવવાનું છે જેટલા બીજા જીવે છે. તેને તેના આત્મસમ્માનનું હનન કરનાર લોકોને સજા અપાવડાવવાની છે અને એ બધાથી વધારે એક એવું સમૃદ્ધ જીવન જીવવાનું છે કે જે વિશ્વ માટે પ્રેરણારૂપ બને, જેવું અમેરિકન એંકર ઓપ્રાહ વિન્ફ્રેએ બળાત્કાર થયા પછી જીવી બતાવ્યું.

            પણ રાની પદ્માવતીનો કિસ્સો અલગ છે. અહીં પદ્માવતીના જીવવાનું કારણ એવો તેનો પ્રેમ તેણીને બચાવતા મૃત્યુ પામી ચુક્યો છે. હવે તેણી પાસે જીવવા જેવું કંઈ વધ્યું નથી અને રતનસિંહના બલિદાનને સફળ બનાવવાનો તેની પાસે એક જ માર્ગ છે કે ખીલજીના હાથમાં તેનું શરીર તો શું તેનો પડછાયો પણ ન આવે. અને એ માટે તે સૌથી મુશ્કેલ માર્ગ અપનાવે છે, પોતાના શરીરને અગ્નિના હવાલે કરી દેવાનો. તો ટૂંકમાં ફર્ક આ છે, જો પદ્માવતી કુંવારી હોત અને ખીલજી સામે આ રીતે આવ્યો હોત તો તેણી એની સામે પોતાના આત્મસમ્માન માટે શસ્ત્રથી યુદ્ધ કરત. જો કદાચ ખીલજી તેણી સાથે બળજબરી કરી ચુક્યો હોત તો પણ તેણી આત્મહત્યા ન કરત. એ ખીલજીને એની સજા આપવા જીવન વીતાવત. પણ જો રતનસિંહ સાથે તે પ્રેમમાં હોત પણ હજી લગ્ન ન થયા હોત અને ખીલજી આ રીતે સામે આવ્યો હોત તો પણ રાતનસિંહના મૃત્યુ પછી તે ખીલજીને હરાવવા આ રીતે જ જૌહર કરત. એમાં જ તેના પ્રેમની અને તેના આત્માની જીત હતી. સત્ય અને અસત્ય વચ્ચે બારીક તફાવત હોય છે. પદ્માવતીએ વિપરીત સમયમાં સત્યના સાચા માર્ગને ઓળખી કાઢ્યો, જે સૌથી વધુ પીડાદાયક હતો. છતાંય તેણીએ એ માર્ગને ગર્વ સાથે ચાલી બતાવ્યો. આજ વાતે તેને પદ્માવતીમાંથી ‘માં પદ્માવતી’ અને ‘દેવી પદ્માવતી’ બનાવી.

April 07 / 2020 / On Facebook

પેશ્વા બાજીરાવ અને મેવાડના રાણા વચ્ચેનો ઐતિહાસિક પ્રસંગ

ઇસ 1736 માં પેશ્વા બાજીરાવ પોતાની બંને પત્નિઓ કાશિબાઇ અને મસ્તાની સાથે રાજસ્થાનની યાત્રાએ ગયા. સાથે તેમની સેનાની એક ટૂકડી પણ હતી. સૌપ્રથમ તે મેવાડ પ્રાંતના રાણા જગત સિંહ કે જે મહારાણા પ્રતાપના વંશજ હતા તેમને મળવા ઉદેપુર ગયા. પેશ્વા બાજીરાવ ઉદેપુર આવી રહ્યા છે એ જાણતાં જ રાણા જગત સિંહ તેમના તમામ દરબારી મંત્રીઓ અને રાજ્યના મુખ્ય સામાન્તો સાથે શહેરની બહાર મુખ્ય દ્વાર સુધી ગયા અને બાજીરાવનું તેમના કાફલા સાથે સ્વાગત કર્યું. આ એ સમય હતો જ્યારે પેશ્વા બાજીરાવે પોતાના સોળ વર્ષના કેરિયરમાં 35થી વધુ યુધ્ધ લડ્યા હતા અને દરેકમાં વિજય મેળવી લગભગ બે તૃતીયાંશ ભારત પર ભગવો ધ્વજ લહેરાવી દીધો હતો. આ એ સમય હતો જ્યારે બાજીરાવની સમગ્ર ભારતના સૌથી મોટા અને અપરાજીત યોધ્ધા તરીકે ચારે બાજુ ધાક હતી. તમામ હિંદુ રાજાઓ અને હિંદુ પ્રજાનો તે હિરો અને આશાનું કિરણ હતો. લોકો માની રહ્યા હતા કે જે ઝડપે બાજીરાવ મોગલોના હાથમાંથી ભારત કબ્જે કરી રહ્યો હતો ઍ ઝડપે બીજા દસ કે પંદર વર્ષમાં તે સમગ્ર ભારત પર મરાઠા સામ્રાજ્ય સ્થાપી દેશે અને સદીઓ બાદ ફરી દિલ્લીમાં હિંદુ રાજા રાજ કરતો હશે. પણ બાજીરાવના પોતાના મનમાં મહારાણા પ્રતાપ વિશે બાળપણથી જ એક પૂજ્યભાવ અને આદર્શભાવ બંધાયેલો હતો. તે ચાહતો હતો કે જ્યારે તે દિલ્લી કબ્જે કરે ત્યારે દિલ્લીના હિંદુ રાજા તરીકે છત્રપતિ શિવાજીના વંશજ સાહુ નહીં, પણ મહારાણા પ્રતાપના વંશજ એવા કોઇ રાણા બેશે. આ રીતે તે મોગલો સામે સ્વતંત્રતા માટે લડતાં શિખવનાર મહારાણા પ્રતાપને આઝાદ હિંદુ પ્રજા તરફથી એક શ્રધ્ધાંજલિ આપવા માંગતો હતો. આ કારણે તે મેવાડના રાણા સાથે અંગત અને પારિવારિક સબંધ સ્થાપવાના ઉદેશ્યથી પોતાની સેના અને સામન્તોના સ્થાને પોતાની બે પત્નિઓને સાથે લઈને આવ્યો હતો.
 
રાણા જગતસિંહે શહેર બહાર આવી પેશ્વા સામે નમન કર્યું અને જવાબમાં બાજીરાવે તેમને બ્રાહ્મણ તરીકે આશીર્વાદ આપ્યા. પેશ્વા અને તેમના સમગ્ર કાફલાને વિશાળ ચમન બાગમાં ઉતારો આપવામાં આવ્યો. ચમન બાગ અને ઉદેપુરના મહેલને પ્રકાશ અને ફૂલોથી શણગારવામાં આવ્યો અને સમગ્ર મેવાડ પ્રાંતના જાગીરદારોને પેશ્વાની મુલાકાતે મોકલવામાં આવ્યા. બીજા દિવસે પેશ્વાને ઉદેપુરના મહેલમાં દરબારમાં આમંત્રિત કરવામાં આવ્યા, જ્યાં સામે બે રાજ સિંહાસન બાજુ બાજુમાં રાખવામાં આવ્યાં હતાં. પેશ્વાએ એનું કારણ પુછ્યું તો રાણાએ કહ્યું, ‘તમારાથી ઉપર બેસી શકે એવો કોઇ રાજા નથી પેશ્વા અને કારણકે આ મારા પૂર્વજોએ સ્થાપેલું સિંહાસન છે એટલે અહિં હું કોઇથી નીચે બેસી શકું એમ નથી. એટલે હું મારા બરોબર તમને સિંહાસન પર બેસવા આમંત્રણ આપું છું.’
 
પેશ્વા આગળ વધ્યા અને તેમાંના એક સિંહાસનના નીચે બેસી ગયા. રાણા સહિત ત્યાં હાજર સેંકડો માણસો અવાચક રહી ગયા. રાણાએ કહ્યું, ‘આ શું શ્રીમંત..? આપ..’ પેશ્વાએ કહ્યું, ‘જે સિંહાસન પર મહારાણા પ્રતાપ બેસેલા હોય તેની બરોબરીમાં હું કેવી રીતે બેસી શકું છું રાણા..? એ આપનું સ્થાન છે, આપ બેસો. હું સાચા સ્થાને બેઠો છું.’
 
આ અસામાન્ય વાત રાજસ્થાનના રાજ્યોમાં વાયુવેગે પ્રસરી. એ વાત જયપુરના રાજા સવાઇ જયસિંઘ સુધી પહોંચી અને પેશ્વા પણ ઉદેપુરથી સીધા જયપુર જ જવાના હતા. પેશ્વા જયપુર પહોંચ્યા એટલે સવાઇ જયસિંઘે પણ પેશ્વાની એવી જ ભવ્ય આગતા સ્વાગતા કરી. જયસિંઘની ઈચ્છા હતી કે પેશ્વા જયપુરના દરબારમાં જયસિંઘને પણ રાણા જેવું જ સમ્માન આપે. પેશ્વાએ દરબારમાં પ્રવેશતા જ જોયું કે એક જ સિંહાસન છે. તે જયસિંહની મનની વાત કળી ગયા. પેશ્વાએ જયસિંહને કહ્યું, ‘રાજા, સિંહાસન કેમ એક જ છે..? તમે ક્યાં બેસશો..?’ આ સાંભળી જયસિંહની આંખો પહોળી થઈ ગઈ. જયસિંહે કહ્યું, ‘શું તમે મને રાણા જેવું સમ્માન નહી આપો..?’
 
પેશ્વાએ કહ્યું, ‘જયસિંહ, મેવાડના રાણાઓએ ક્યારેય મોઘલોની આધિનતા સ્વીકારી નથી. તેમણે ઘન-વૈભવ ગુમાવી દીધો પણ પોતાની સ્વતંત્રતા ક્યારેય ન છોડી. એવું જ અમે મરાઠાઓએ પણ હમેશાં કર્યું છે. એટલે તે અમારા સમકક્ષ છે. જ્યારે તમારા પૂર્વજોએ અને ખુદ તમે પણ સમયે સમયે પોતાનું રાજ્ય અને વૈભવ બચાવવા મોઘલોની આધિનતા સ્વીકારી છે. તમે અમારા કરતાં ઉતરતા છો. છતાંય, હું તમને આજે મારા સમકક્ષ બેસવાની પરવાનગી આપું છું. બીજું સિંહાસન મૂકાવો અને મારી સાથે બેસો.’
 
આખો દરબાર સ્તબ્ધ હતો. જયસિંહે વિનમ્ર બનીને એ કર્યું. આ બનાવ પેશ્વાની સ્પષ્ટ વિચારધારા, આત્મવિશ્વાસ, શૂરવીરતા, કુનેહ અને દુરદ્રષ્ટિભરી કૂટનીતિનો પરિચય આપે છે. આ એક મુલાકાતથી તેણે રાણાને સમય આવ્યે દિલ્લિમાં બેસાડવાની તમામ તૈયારી કરી દીધેલી. તેણે મેવાડના રાણાને પોતાના સમકક્ષ બતાવી અને જયસિંહને તેમનું સ્થાન દેખાડી રાજસ્થાનના અન્ય રાજપુત રાજાઓમાં રાણાની સ્વિકાર્યતા સ્થાપવાનું કાર્ય કર્યું હતું, જેથી આગળ જતાં એ રાજાઓ રાણાની ઇર્શામાં તેમના વિરૂધ્ઘ કાર્ય ન કરે અને તેમને યાદ રહે કે રાણા ઉપર મરાઠા સામ્રાજ્યનો હાથ છે.
 
કમનસીબે, ચાર વર્ષ બાદ પેશ્વાની તબિયત લથળી અને તે યુધ્ધ અભિયાન દરમિયાન જ નર્મદા કિનારે મૃત્યુ પામ્યા. અને આ આખી યોજના અધુરી રહી ગઈ. એકવીસ વર્ષ બાદ મરાઠાઓ દિલ્લી પર પોતાનું શાષન સ્થાપવામાં સફળ થયા, પણ પરિસ્થિતિઓ એવી હતી કે તેમને મોઘલ વંશના જ કોઇ વંશજને કઠપૂતળી રાજા તરીકે દિલ્લીમાં બેસાડવો પડ્યો. અને એ જ સમયે પાણીપતમાં મરાઠાઓ હારતાં તેમની તાકાત કમજોર થઈ ગઈ અને અંગ્રેજો રુપે એક નવી વિદેશી શક્તિનો ઉદય થયો.
February 29 / 2024 / On Facebook

પેશ્વાઓથી થયેલી એક મોટી ભૂલ જે આજના હિંદુ સંગઠનો અને વિવિધ ગાદી પર બેઠેલા આચાર્યો માટે એક મોટો સબક છે...

છત્રપતિ શિવાજીએ સ્થાપેલું હિંદુ સ્વરાજ તેમના પૌત્રનો સમય આવતાં આવતાં સમેટાઇને એક તાલુકા જેવડું બની ગયું હતું. એમાં પણ શિવાજીની વિવિધ પત્નીઓથી થયેલા પુત્રો વચ્ચે મરાઠા રાજ્યની ગાદી માટે પણ સંઘર્ષ ચાલુ હતો. શિવાજીની બીજી પત્નીના પુત્ર રાજારામની પત્ની તારાબાઈ અને પહેલી પત્નીના પુત્ર સાંભાજીના દીકરા સાહુ વચ્ચે મરાઠા રાજ્યનો સાચો વારસો કોના પાસે છે એનો સંઘર્ષ ચાલુ હતો. તારબાઈએ પોતાના બાળવયના પુત્રને રાજા ઘોષિત કરી દિધો હતો, અને આ બાજુ સાહુએ પોતાને છત્રપતિ ઘોષિત કરી દીધા હતા. આ આખા સંઘર્ષનો અંત લાવ્યો સાહુના સેનાપતિ તરીકે નિમાયેલા ચિતપાવન કુળના પહેલા પેશ્વા બાલાજી વિશ્વનાથે. બાલાજી વિશ્વનાથે યુધ્ધો અને સંઘીઓ કરીને મુગલો સહિત બીજા રાજાઓ સામે એ સ્થાપિત કરી દીધું કે છત્રપતિ શિવાજીના વંશજ રૂપે મરાઠા રાજ્ય છત્રપતિ સાહુ પાસે જ છે. એક તાલુકા જેટલા પ્રદેશમાં ફેલાયેલા મરાઠા રાજ્યને બાલાજી વિશ્વનાથે એક જિલ્લા જેટલું બનાવ્યું, અને ૧૭૨૦ માં મૃત્યુ પામ્યા. અને પછી પેશ્વા પદે આવ્યા તેમના પુત્ર બાજીરાવ પ્રથમ. બાજીરાવ એ ક્રાંતિ હતી જેણે ૧૭૨૦ થી ૧૭૪૦ સુધીમાં એક જિલ્લામાં ફેલાયેલા મરાઠા રાજ્યને બે તૃતિયાંશ ભારતમાં ફેલાવી મરાઠા સામ્રાજ્ય બનાવી દીધું. હવે દિલ્લી હાથવગુ હતું. અનેકવાર અવસર મળતા કે દિલ્લી જીતી બાદશાહને હટાવી મરાઠાઓ બેસી જાય. પણ બાજીરાવ પેશ્વા જે પોતાના જીવનમાં લડેલા ૪૧ યુદ્ધોમાંથી એકેયમાં હાર્યા નહોતા, તેમની દૂરંદેશી દૃષ્ટિ કાર્ય કરી રહી હતી.
 
બાજીરાવે મરાઠાઓને સ્પષ્ટ સૂચના આપી, ‘દિલ્લીના બાદશાહને હટાવવાની ઉતાવળ ક્યારેય ન કરતા. એ સૌથી છેલ્લું કાર્ય છે, અને સમજદારીથી કરવાનું છે.’ બાજીરાવે મહારાણા પ્રતાપ પ્રત્યેના પોતાના પુજ્યભાવના કારણે મેવાડના તત્કાલીન રાણાને વાત પણ કરી રાખી હતી કે ‘જો બાદશાહને હટાવીને આપણે બેસવાનું થાય, તો દિલ્લીની ગાદી પર મહારાણા પ્રતાપના વંશજ તરીકે તમારે બેસવાનું છે.’ શિવાજીનો વંશ આંતરિક વિખવાદ અને યુધ્ધ સ્તરે નિષ્ક્રિયતાના કારણે બાજીરાવની દિલ્લી યોજનામાં નહોતો એ અહીં દેખાય છે. પણ ૧૭૪૦ માં બાજીરાવનું લીવરની તકલીફના લીધે મૃત્યુ થયું, અને તેમના પછી પેશ્વા બનેલા તેમના પુત્ર નાનાસાહેબે બાજીરાવે કહ્યું હતું એનાથી સાવ ઊલટું કર્યું. ૧૭૪૭ માં છત્રપતિ સાહુના મૃત્યુ પછી નાનાસાહેબે સાહુનાં વંશજોને કિનારા પર લગાવી, આખું મરાઠા સામ્રાજ્ય પોતાના આધીન કરી દીધું. મરાઠા સામ્રાજ્યનું કેન્દ્ર છત્રપતિઓના સતારાથી હટીને પેશ્વાઓના પુણેમાં કેન્દ્રિત થઈ ગયું. માનસિકતા કાંઈક એજ હતી કે બધી લડાઈઓ અમે જીતીએ છીએ, કામ અમે સંભાળીએ છીએ, તો સત્તા પણ અમારી પાસે હોવી જોઈએ. પેશ્વા નાનાસાહેબ રાજા બની પુણેમાં સ્થિર થયા, અને બાજીરાવે તૈયાર કરેલા અને તે પછીની પેઢીના મરાઠા સરદારો યુધ્ધ અભિયાનો ચલાવતા. ધીરે ધીરે આખું ભારત મરાઠાઓના આધીન થઈ ગયું. ૧૭૫૭ માં જ્યારે અંગ્રેજોએ બંગાળમાં પ્લાસીનું યુધ્ધ જીતી ભારતમાં સત્તાનો પાયો નાખ્યો, ત્યારે દિલ્લીનો બાદશાહ મરાઠાઓને ટેકસ ભરતો હતો, તેમનો રબર સ્ટેમ્પ હતો. પેશ્વા નાનાસાહેબે બાદશાહને હટાવી પોતાના દીકરાને ત્યાં બેસાડી દેવાની કોશિશો પણ શરૂ કરી દીધી હતી. પણ અહિંથી આગળ જે થયું એ બાજીરાવની દૂરંદેશી સમજનો પુરાવો હતો, અને મરાઠાઓની ભૂલનું પરિણામ હતું.
 
પેશ્વા તરીકે પુણેમાં બેસી રહેતા નાનાસાહેબ સાથે પણ એજ થવા લાગ્યું જે તેમણે સાહુના વંશજો સાથે કર્યું હતું. બાજીરાવ નીચે તૈયાર થયેલા સરદારો જે જે પ્રદેશમાં યુધ્ધો જીત્યા ત્યાંની જાગીર અને રાજ્ય પોતાના હાથમાં રાખ્યા. બધું માન ખાતર પેશ્વાના મરાઠા સામ્રાજ્યનું કહેવાતું, પણ એની સત્તા એ મરાઠા સરદારો સ્વતંત્ર બની સંભાળતા. એવામાં ૧૭૬૧ માં પાણીપતનું યુધ્ધ મરાઠાઓ હાર્યા, અને ખુવાર થયા. મુખ્ય મુખ્ય યોધ્ધાઓ યુધ્ધમાં વીરગતિ પામ્યા, અને નાનાસાહેબ એ સહન ન થતાં મહેલમાં મૃત્યુ પામ્યા. અને પછી પેશ્વાની ગાદી માટે બાજીરાવની પેઢીમાં પણ એજ થવા લાગ્યું જે શિવાજીના વંશજોમાં થયું હતું. એક ઘટના તો મુગલો જેવી બની. નાનાસાહેબના નાના ભાઈએ પેશ્વા પદે બેસેલા નાનાસાહેબના નાના દીકરાને શનિવાર વાડાના એજ મહેલમાં મરાવી દીધો, જે પેશવાઇ પર એક કલંક સમાન બની રહ્યો. ૧૭૭૧ માં પેશ્વા માધવરાવે આવી અમુક સમય સુધી મરાઠા સામ્રાજ્યને ફરી મુગલોના ઉપર રાજ કરતું બનાવ્યું, પણ ત્યાં સુધીમાં અંગ્રેજી શક્તિશાળી થવા લાગ્યા હતા. અંગ્રેજોએ એ અલગ અલગ સ્થાનોએ રાજા સમાન બની બેઠેલા મરાઠા સરદારોને વિવિધ સંધીઓ કરી, વેપાર અને પેન્શનના વ્યસની બનાવી તલવારો અને યુધ્ધ છોડાવી દીધા. સિંધિયા, ભોંસલે, ગાયકવાડ, શિંદે, રાજે જેવા એ મરાઠા સરદારો જે ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં રાજાની જેમ જીવતા હતા, તેમના બેસી ગયા પછી પુણે જીતવું આસાન હતું. છેલ્લે ૧૮૧૮ માં બાજીરાવ બીજા નામે એક તદ્દન કાયર મનાતો પેશ્વા આવ્યો જેણે અંગ્રેજો સામે બધી રીતે શરણાગતિ સ્વીકારી લીધી. કોઈ યુધ્ધ વિના, બસ પેન્શન મેળવી બેઠા બેઠા જાહોજલાલી કરવા. તો, આ રીતે અંગ્રેજોએ મુઘાલોને નહીં મરાઠાઓને હરાવી ભારત કબ્જે કર્યું.
 
તો, આ આખી કથા એટલે કરી જેથી સમજી શકાય કે બાજીરાવની યોજના કયાં જઈ રહી હતી, અને એની વાતથી વિપરીત જઈ મરાઠાઓ કંઈ દિશામાં ગયા! બાજીરાવ ભલ્લાડ એ મૂળ વાતને જાણતા હતા કે રાષ્ટ્ર અને સમાજની રક્ષા કરવા લડવાવાળા સેનાપતિઓ અલગ વસ્તુ છે, અને સત્તાના કેન્દ્ર તરીકે રાજગાદી પર બેઠેલો વ્યક્તિ અલગ વસ્તુ છે. રાજાશાહીમાં રાજા કે લોકશાહીમાં સરકાર સેનાના કારણે જ ગાદી પર બેસેલી રહે છે. જો સેના પોતાની શક્તિનો ઉપયોગ પોતાના જ રાજા ઉપર કરે તો રાજા તો હટી જાય છે, પણ તમારા માટે એ સ્થાન નથી રહેતું જેના માટે તમે લડી રહા છો. બાજીરાવે ભારત કબજે કરતી વખતે સાહુને એ કેન્દ્ર સ્થાન તરીકે જાળવી રાખ્યા હતા. અને આગળ દિલ્લીની મોટી ગાદી હલાવતાં પહેલા એ ત્યાં બેસવા રાણા પ્રતાપના વંશજ ને તૈયાર કરી રહ્યા હતા. રાજા અને તેનું સિંહાસન એક પવિત્ર આદર્શના પ્રતિક રૂપે હોય છે, એને સત્તાનું સ્થાન સમજી સૈનિકો જો રાજાને પદભ્રષ્ટ કરી એ સ્થાને ગોઠવાઈ જવાનું કોશિશ કરવા લાગે, તો હાલત પાકિસ્તાન જેવી થાય છે. એટલે હિંદુ સંગઠનો જેમ પોતાની સામાજિક અને રાજકીય શક્તિ વધે તેમ સનાતન ધર્મના એ મૂળ કેન્દ્ર સ્થાનોને પોતાના હસ્તક લેવાની અને હિન્દુત્વ શું છે, સનાતન ધર્મ શું છે એના પોતાના સગવડિયા અર્થઘટનો સમાજ પર થોપવાની ભૂલ ન કરે. આ આખું હિન્દુત્વ, આ આખી ભારતીય સભ્યતા વેદાંતના એ કેન્દ્રની ફરતે છે, જે પુરાણોના પંચદેવ રૂપે સાકાર ઇશ્વરો તરીકે સામે દેખાય છે. એને યથાસ્વરુપ જાળવી રાખો, અને એ જ્ઞાનને આત્મસાત કરેલા સાચા લોકોને હંમેશા ત્યાં કેન્દ્રમાં માર્ગદર્શન માટે અને પ્રતીક તરીકે જાળવી રાખો. સમાજની રક્ષા કરનારા સૈનિક છો, તો એજ બની રહો, પોતાના પર બળજબરી કરીને એ બની રહો, જેમ બાજીરાવ કરી રહ્યા હતા.
 
વિવિધ શાખાઓના આચાર્યોને પણ કહેવાનું કે ચાહે આદિ શંકરાચાર્ય હોય કે રામાનુજાચાર્ય હોય, તે આત્મજ્ઞાની મનુષ્યો હતા, જેમણે મનુષ્ય જીવનના એ પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી દીધું હતું. તેમણે પોતાના પાછળ મઠો કે ગાદીઓની સ્થાપના કરી ત્યારે એ પણ જાણતા હતા કે આત્મજ્ઞાનની એ દિવ્યતા તો ગાદીઓ પર બેસવાથી નહીં આવે. કે ગાદી પર બેઠેલ વ્યક્તિ એવો આત્મજ્ઞાની હશે જ એ પણ જળવાવવાનું નથી. પણ છતાંય તેમણે એ ગાદીઓ અને મઠો સ્થાપ્યા. કેમ? સમાજની સેવા માટે. જેથી એ ગાદી પર બેઠેલા આચાર્યો સમાજમાં સનાતન ધર્મના સાચા જ્ઞાનનું અને એ જ્ઞાન મુજબના સાચા જીવનનું માર્ગદર્શન આપતા રહે. જ્યારે તેમણે નિયમ આપ્યો કે આચાર્ય પદે બેસનાર બ્રાહ્મણ હોવો જોઈએ અને શાસ્ત્રોનો જાણકાર હોવો જોઈએ, ત્યારે તે એ સત્વગુણી બ્રાહ્મણની વાત કરી રહ્યા હતા જેની ચેતના ફક્ત અને ફક્ત સત્યની શોધ અને સત્યના ચિંતનમાં રહે છે. જે કોઈપણ જાતની સત્તાને મેળવવા કે ધારણ કરવા નથી માંગતો. એવો વ્યક્તિ જ શાસ્ત્રોના અર્થ સાચી રીતે સમજી શકે છે, અને તેના જ અર્થઘટનોમાં પવિત્રતા જળવાય છે. એવા બ્રાહ્મણ ગુણ અને ચરિત્રના માણસ મઠની ગાદી પર બેઠા હોય તો સમાજને ધર્મ પ્રત્યે જાગૃત રાખી શકે. સમાજમાં ધર્મના નામે અધર્મ અને પાખંડ ના પ્રગટે. તો એ આચાર્યગણ પણ સેવક છે. ના ભગવાન છે, ના ખાલી એ ગાદી પર બેસવાથી સનાતન ધર્મમાં સર્વોચ્ચ અવસ્થા ગણાતા બ્રહ્મજ્ઞાની છે. તો, એ પણ સેવક ભાવથી જ કાર્ય કરે, અને આત્મજ્ઞાનથી સામે આવતા વિવેકાનંદ, સદગુરૂ જેવા યોગીઓને માનવજાતિની સફળતાના પ્રતીક તરીકે જુએ. એ બ્રહ્મજ્ઞાની લોકો ધર્મના કેન્દ્ર સ્થાને રહેલા એ આદર્શ પ્રતીકો છે. એમાંથી જ સમય આવ્યે નવી પેઢીના આદિ શંકરાચાર્ય બહાર આવે છે, ગાદીઓથી નહિ. ધર્મની સફળતાનું પ્રતિક ગણાતા એ આત્મજ્ઞાનીઓને એ કેન્દ્ર સ્થાનેથી હટાવી પોતાને મૂળ કેન્દ્ર બનાવવાની કોશિશ કોઈ ગાદીપતિ આચાર્યગણ ન કરે એજ ઈચ્છનીય છે. જે સત્તા ગુણ અને આત્માની અવસ્થાઓ સાથે દાયિત્વ રૂપે આવે છે, તેને જન્મ અને પદ સાથે જોડીને ધર્મની સીમાઓનું અતિક્રમણ ન કરે. એ કેન્દ્રને બચાવી રાખો જે તમને સાર્થકતા આપે છે, જેના માટે તમારા બધા કર્મો છે.
 
 
 
 
July 05 / 2024 / On Facebook

આખરે, ભારતે પોતાનું 'સ્વ' ક્યાં ગુમાવ્યું?

આપણે લગભગ સાતસો વર્ષ મુસ્લીમ આક્રાંતાઓથી લડ્યા, અને અઢારમી સદીમાં મરાઠાઓએ દિલ્લીના બાદશાહને ચોથ ભરતો કરી દઈ ફરી ભારત પોતાના હાથ નીચે લઈ લીધું. મુસ્લિમ પંથમાં પણ એક જ ઈશ્વર એવા નિરાકાર અલ્લાહની વાત હતી, પણ એ સાતસો વર્ષમાં ક્યારેય કોઈ હિંદુ ધર્મમાં સુધારણાના આંદોલનો ન થયા. બસ સાચા સંતોના ભક્તિ આંદોલનો થયા જેણે વિદેશી સંસ્કૃતિની સત્તા હેઠળ પણ ભારતીયતાને બચાવી રાખી. અને એ બધા ભક્તિ આંદોલનો વિષ્ણુ, શિવ, શક્તિ અને ગણેશ જેવા સાકાર ઈશ્વરો પાછળ જ થયા. કોઈ સુધારણાની વાત નહિ. પણ ૧૭૭૦ ના દશકથી પ્લાસી અને બક્સરના યુધ્ધ સાથે અંગ્રેજોએ બંગાળમાં પોતાની રાજધાની સ્થાપી, અને અંગ્રેજ શાસનનો પાયો નખાયો. અને ૧૭૯૮ માં રાજા રામમોહન રૉય જેમને અંગ્રેજી શિક્ષણ આપી અંગ્રેજો દ્વારા બાઇબલનું ભારતીય ભાષાઓમાં અને ભારતીય ગ્રંથોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું કામ અપાયું હતું, તેમણે હિંદુ સમાજમાં સુધારણાનો પવન ફૂંક્યો. સતી પ્રથા અને વિધવા પુનર્લગ્ન જેવા નાના મોટા સામાજિક મુદ્દાઓ સાથે બે આધ્યાત્મિક મુદ્દા તેમણે ઉઠાવ્યા જ્યાં ભારતના ધર્મને અબ્રહામિક પંથોથી નિમ્ન અને અતાર્કિક બતાવ્યો. આવો જોઈએ એ બે મુદ્દા.

૧. એક જ ઈશ્વર, અને ૨. નિરાકાર ઈશ્વર:

અંગ્રેજો અને મુસ્લિમો – ‘ભગવાન તો એક જ છે. અંગ્રેજો માટે ભગવાન એટલે God. અને ગોડ તો એક જ છે, જે નિરાકાર છે. તે પોતે સંસારની આ રમતમાં આવતો નથી, પણ તેણે જીસસ રૂપે પોતાના દીકરાને મોકલ્યો હતો સત્ય કહેવા. ઇસ્લામમાં એ એક જ નિરાકાર ભગવાનને અલ્લાહ કહે છે, જેના સંદેશ મોહમ્મદ પયગંબરે માનવજાતિને આપ્યા. તમે તો કેવા અંધશ્રધ્ધા અને મુર્ખામીથી ભરેલા છો. તમારે તો ૩૩ કરોડ દેવતાઓ છે. ભગવાન પણ કેટલા? વિષ્ણુ, શિવ, અને પાછા માતાજી, અને હાથીની સૂંઢ વાળા ગણેશ. તમે એ બધી ચિત્ર વિચિત્ર મૂર્તિઓને ભગવાન કહો છો, જે પથ્થરની બનેલી છે. હા.. હા.. હા. આવો તે ધર્મ હોય કે આવા તે ભગવાન હોય.’

સનાતન ધર્મનું સત્ય શું હતું? – સનાતન ધર્મમાં કોઈ GOD કે ભગવાન નહોતો. સનાતન ધર્મમાં સમગ્ર સૃષ્ટી એક તત્વથી વ્યાપ્ત હતી, જેને બ્રહ્મ અને પરબ્રહ્મ કહેવાયું. એ તત્ત્વ જ એકમાત્ર ઈશ તત્ત્વ છે, આ કારણે તેને ઇશ્વર કહેવાય છે. એ ઈશ તત્વ મૂળ રૂપે નિરાકાર, અવ્યક્ત અને નિર્ગુણ છે. પણ તેણે આકાર ધારણ કરી પોતાને વ્યક્ત કર્યું અને જીવસૃષ્ટિ રૂપે સગુણ અભિવ્યક્તિ કરી. એટલે બ્રહ્માંડમાં જે પણ બન્યું તે એ મૂળ તત્વ જ હતું, અને તેની જ અભિવ્યકિત હતી. આ કારણે આકાશ, વાયુ, જળ, અગ્નિ, પર્વત વગેરે સ્વરૂપોને પણ દેવ રૂપે દેખાડી તે તત્વનું આહવાન કરાયું. પ્રકૃત્તિ પૂજા આ સિદ્ધાંતથી શરૂ થઈ. જીવસૃષ્ટિમાં એ તત્ત્વ પ્રાણીઓના આત્મા રૂપે રહીને પોતાની અભિવ્યકિત કરતું હતું. આ કારણે મહાન અને આત્મજાગૃત મનુષ્યો રૂપે એ તત્વની સર્વોચ્ચ અભિવ્યક્તિ થઈ. અહીં તે તત્વના સર્વોચ્ચ ગુણ, ભાવ, કાર્યો અને લક્ષણો દર્શાવવા માટે પંચદેવ તરીકે તે તત્વને સાકાર મનુષ્ય રૂપમાં દર્શાવવામાં આવ્યું. આ રીતે પંચદેવની સાકાર મૂર્તિની આરાધના દ્વારા તે નિરાકાર તત્વ સાથે એકરૂપ થવાનો માર્ગ વેદોમાં આવ્યો. એ પંચદેવ છે વિષ્ણુ, શિવ, શક્તિ, ગણેશ અને સૂર્ય કે બ્રહ્મા. સાધક અને ભક્ત પોતાની સ્થિતી અને પ્રકૃતિ મુજબ એ પાંચમાંથી કોઇપણ એકને પોતાના આરાધ્ય માને છે, અને બાકીના ચારને તે એકના જ અન્ય સ્વરૂપ માને છે. આટલો લિબરલ ધર્મ સ્થપાયો ભારતમાં જેણે મનુષ્યને તેની પ્રકૃતિ મુજબ તે ઈશ તત્વ સુધી પહોંચવાના અનેક માર્ગ આપ્યા. એક જ માર્ગ, અને એક જ લક્ષણ કે આકારમાં સંસારના કારણરૂપ એ ઈશતત્વને ન સ્થાપ્યું.

હવે જોઈએ કે અઢારમી અને ઓગણીસમી સદીમાં આપણા સુધારકોએ અંગ્રેજોને આ જવાબ આપવાના સ્થાને શું કર્યું.

રાજા રામ મોહન રૉય : જી, જી, જી, નામદાર. ભૂલ થઈ છે, ધર્મમાં સડો પેસી ગયો છે. વેદોમાં તો એક જ નિરાકાર બ્રહમની વાત છે ઈશ્વર તરીકે. વેદાંતમાં પણ મૂર્તિ પૂજા કે સાકાર ઈશ્વરની વાત નથી. આ બધું પુરાણોમાં ઘુસાડી દેવાયુ છે.

દયાનંદ સરસ્વતી: દયાનંદ સરસ્વતીને ખબર પડી કે વેદાંતમાં અદ્વૈતની વાત છે, જે પ્રકૃતિમાં અને દરેકે દરેક કણમાં ઈશ્વરીય ચેતનાની વાત કરે છે, મનુષ્યના આત્માને પણ પરમાત્મા રૂપે એજ બ્રહ્મ કહે છે. તો દયાનંદજીએ વેદોમાંથી બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદો એટલે કે વેદાંતને અલગ કરી દીધું, અને કહ્યું વેદો ખાલી સંહિતાઓ છે. એટલે રામમોહન રૉય વેદાંતથી સુધારાની વાત કરતા હતા એમાં પણ દયાનંદજીએ સુધારો કર્યો, અને વેદોને વેદાંતથી મુક્ત કરી સંહિતા સુધી સીમિત કર્યા. એ વેદાંતનો સાર ગણાતી ભગવત ગીતાને પણ તેમણે ૭૦૦ શ્લોકોમાંથી ૭૦ શ્લોકોની કરી દીધી. શ્રીકૃષ્ણની એ બધી ‘હું જ પર્વત છું, હું જ ઋષિ છું, હું જ નદી છું’ વાળી અહમ બ્રહ્માસ્મિ વાળી વાતો ગાયબ કરી દીધી. પણ હજી એક સમસ્યા હતી. સંહિતાઓમાં પણ નિરાકાર ઈશ્વર પ્રકૃતિના તત્વો રૂપે વ્યાપ્ત હતો, અને ઈશ્વરનું આહ્વાન એ પ્રકૃતિના દેવો રૂપે થતું હતું. ૩૩ પ્રકારના દેવો એ સંહિતાઓમાં જ હતા. આનો પણ તોલ દયાનંદજીએ કાઢ્યો.

તેમણે સંસ્કૃત શબ્દોના અર્થ પલટી નવા વેદ કે નવી સંહિતાઓ બહાર પાડી, જેમાં જ્યાં જ્યાં ઋચાઓમાં અગ્નિ, વરુણ, મિત્ર, ઈન્દ્ર, વિષ્ણુ, રુદ્ર, દેવી વગેરે દેવતાઓના નામ આવતા હતા, ત્યાં તેમણે એક જ અર્થ કર્યો. અને એ હતો – ઈશ્વર. મતલબ, આ બધા નામે તે એક નિરાકાર ઈશ્વરને જ પુકારાઈ રહ્યા છે. એટલે પ્રકૃતિ પૂજા છે જ નહિ હિંદુ ધર્મમાં. થઈ ગઈ સુધારેલી વાનગી તૈયાર અંગ્રેજો અને મુસ્લિમો માટે. વેદોમાં મૂર્તિ પૂજા નથી, પ્રકૃતિ પૂજા નથી. અલ્લાહ અને God ની જેમ ઇશ્વર પણ જીવથી એટલે કે આત્માથી અલગ છે, અને પ્રકૃતિ એ બંનેથી અલગ છે. એટલે જેમ તમે એ નિરાકાર અલ્લાહની નમાજ પઢો છો, તેમ હિંદુ ધર્મમાં એ નિરાકાર ઈશ્વરના આહ્વાન માટે યજ્ઞ થાય છે. બસ, આવું કહી તેમણે પાછો નારો આપ્યો, ‘વેદો તરફ પાછા ફરો’, જેનો અસલમાં અર્થ થતો હતો એ સુધારેલી (બગાડેલી) સંહિતાઓને જ સાચી માનો. આમ કહી તેમણે મુસ્લિમોને હિંદુ ધર્મમાં ઘર વાપસી કરાવવાનું શુદ્ધિ આંદોલન પણ શરૂ કર્યું, પણ એનું પરિણામ હિંદુ સમાજમાં જ એ આવ્યું કે ભારત અને પાકિસ્તાનના એ સંયુક્ત પંજાબ પ્રાંતમાં હિંદુ ધર્મ આર્યસમાજ જેવો થઈ ગયો. પરિણામે ગરીબ અને મુસ્લિમ એરિયામાં ફસાયેલા હિન્દુઓનું ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં મતાંતરણ વધુ સરળ થઈ ગયું. આજના પંજાબની સ્થિતિમાં આ વાતનો બહુ મોટો ફાળો છે.

સહજાનંદ સ્વામી: આપણા આ સ્વામી સંપ્રદાયના સહજાનંદ સ્વામીનું યોગદાન આમાં કેવી રીતે ભુલાય, કારણકે તેમણે પેલો એક જ ઈશ્વરને ભજવાનો તોલ કાઢ્યો. ખ્રિસ્તી પંથમાં ઉપર બેઠેલા તે નિરાકાર God અને તેના પુત્ર જીસસ હવે એક થવા લાગ્યા હતા. બસ એ ખ્રિસ્તી સંપર્કમાં આવીને સહજાનંદ સ્વામીએ તેમને મળેલા ઉદ્ધવ સંપ્રદાય કે જે એક કૃષ્ણ ભક્તિનો વૈષ્ણવ સંપ્રદાય હતો, તેને જીસસ જેવા એક સર્વોપરી ભગવાન પાછળ ચાલતા પંથમાં ફેરવી દીધો. ભગવાન વિષ્ણુના એક નામને ચોરીને સહજાનંદ પોતે જિસસ જેવા ઈશ્વર થઈ બેઠા અને સનાતન ધર્મના બધા સાકાર ઈશ્વરોને પોતાના દાસ બનાવી દીધા. બિલકુલ એજ રીતે જેમ મોહમ્મદ પયગંબરે આરબ સભ્યતાના અનેક દેવી દેવતાઓ ઉપર એકમાત્ર ઈશ્વર એવા અલ્લાહને બેસાડી દીધા હતા. રીત એ ઇસ્લામની હતી, સ્વરૂપ ખ્રિસ્તી પંથનું સાકાર જીસસનું હતું.

તો આ રીતે આપણે ગુલામી માનસિકતામાં ખ્રિસ્તી પંથ અને ઇસ્લામના બંને મૂળભૂત સ્વરૂપોને સ્વીકારી, આપણા હિંદુ ધર્મમાં ફેરફાર કરી, સનાતન ધર્મને તેમના પંથ જેવો બતાવવાની કોશિશ કરી. અને આજે પણ અનેક સનાતાનીઓ આ બે પંથોમાં હિંદુ નામ સાથે ઇસ્લામ અને ખ્રિસ્તી પંથના સિદ્ધાંતો જીવે છે. લગભગ ૧૮૧૦ ના દશકથી રાજા રામમોહન રોય, ૧૮૩૦ થી સહજાનંદનો સ્વામી સંપ્રદાય અને ૧૮૫૦ થી દયાનંદ સરસ્વતીજી દ્વારા સુધારાના નામે જે આ બધું ચાલ્યું, ત્યાંજ હજાર વર્ષથી ચાલી આવતી ગુલામીમાં ભારતે પહેલીવાર પોતાનો સ્વ ગુમાવ્યો. આનો પહેલો આધ્યાત્મિક વિરોધ રામકૃષ્ણ પરમહંસ દ્વારા મા કાળીની મૂર્તિ મારફતે આત્મ સાક્ષાત્કાર થવાથી થયો, અને પછી તેમના હેઠળ તૈયાર થયેલા સ્વામી વિવેકાનંદે સુધારા નામે હિંદુ ધર્મમાં ચાલતી એ વિનાશકારી પ્રવૃત્તિનો વિરોધ કરી ૧૮૯૦ ના દશકમાં એના પર બ્રેક લગાવી દીધી. પણ જે સંસ્થાઓ અને સંપ્રદાયો એ માનસિકતામાં રચાઈ ગયા તે આજે પણ હિંદુત્વના ઓઠા હેઠળ એજ રીતે ચાલે છે. તેમને હવે સાચા માર્ગે લાવવાની જરૂર છે. એ કામ હિંદુ સમાજ અને હિંદુ સંગઠનોએ બહાર બીજે લડવા જતાં પહેલાં કરવાનું છે.

May 31 / 2024 / On Facebook

સ્વામી વિવેકાનંદનું કન્યાકુમારીમાં ધ્યાન કયા ઐતિહાસિક ટરનિંગ પૉઈન્ટનું મૂળ છે?

નરેન્દ્ર મોદીજીનું ચૂંટણી પ્રચાર પછી વિવેકાનંદ રૉક મેમોરિયલ પર કેમેરા લઈને ધ્યાન કરવા જવું નૈતિક રીતે યોગ્ય છે કે નહિ? બિલકુલ છે. એ પરિસ્થિતિમાં કે જ્યારે સામેનો આખો વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિમાં હિંદુ વિરોધી માનસિકતાવાળો બની ચૂક્યો છે. ચૂંટણીમાં કર્મ યોગ કર્યા પછી તમે ઈટલીના પબમાં જાઓ, એનો પણ ફોટો સોશિયલ મીડિયા પર મૂકી શકો છો કે ‘જુઓ, હવે રિલેક્સ થાઉં છું.’ એજ રીતે કોઈ વ્યક્તિ ધ્યાન કરવા જઈ રહ્યો છે તો એનો ફોટો મૂકી રહ્યો છે. એનો એ ફોટો મૂકવાથી તમને ચૂંટણીમાં નુકશાન થશે એ ભય અને અહેસાસ થઈ રહ્યો છે તે જ તમને આત્મ મંથન કરવા પ્રેરવો જોઈએ કે એવું કેમ છે? શું ભારત દેશ જે સનાતન ધર્મની સભ્યતાનું ઘર અને ઉદભવસ્થાન છે, તેના બંને પક્ષના રાજકીય નેતાઓ ચૂંટણી પછી આ રીતે સાચા હૃદયે ધ્યાન કરવા જતાં હોત, તો નાગરિકો સભ્યતાની સુરક્ષા બાબતે બેફિકર થઈને બીજા મુદ્દાઓ પર વોટ ના આપી શકત? પણ બીજો પક્ષ હિંદુ સભ્યતાના વિનાશને આમંત્રણ આપવા તુષ્ટિકરણની જે વિકૃતિ ધારણ કરી ચૂક્યો છે તેને નરેન્દ્ર મોદીનું આ એક પગલું પણ ખોટા અને ભટકેલા સાબિત કરે છે. તો આ વાત થઈ ભાજપના પક્ષમાં જે વાત છે તેની. પણ હવે વાત કરીએ ભાજપના લોકોની વિવેકાનંદ પ્રત્યેના અજ્ઞાની છીછરાપણાની.

કાલથી ભાજપના અનેક મોટા નેતાઓ અને પ્રવક્તાઓના મોંઢે અલગ અલગ વાત સાંભળી ચૂક્યો છું કે વિવેકાનંદ ત્યાં ધ્યાન કરવા કેમ ગયા હતા? અને દરેકની વાત ખોટી તો ખોટી, હાસ્યાસ્પદ છે. એક જમાનામાં સ્કૂલમાં જે વાત અમે સાંભળતા તે આજે આટલા મોટા નેતાઓને ખબર નથી એ તેમના રાજનીતિ માટે વિવેકાનંદના નામનો ઉપયોગ કરવાના છીછરાપણાનું ઉદાહરણ છે. કાલે તમિલનાડુ બીજેપીના પોસ્ટર બોય અનનામલાઈએ પણ કહ્યું, ‘નરેન્દ્રનાથ દત્ત નામનો એક સામાન્ય માણસ તેની ભારત ભ્રમણ યાત્રા દરમિયાન ૧૮૯૨ ના ડિસેમ્બર મહિનાની ૨૪ તારીખે આ રૉક પર આવ્યો અને તેણે ત્રણ રાત્રી ત્યાં ધ્યાન કર્યું અને તે સ્વામી વિવેકાનંદ બનીને બહાર આવ્યો.’ બીજાની વાતો પણ આવી જ છીછરી છે. તો, આ આખી વાતનું સત્ય કાંઈક આવું ઐતિહાસિક છે.

અસલમાં નરેન્દ્રનાથ દત્ત અને તેમના ગુરુભાઈઓએ રામકૃષ્ણ પરમહંસના આખરી દિવસોમાં સન્યાસ લઈ લીધેલો, અને પોતાના સન્યાસી નામ રાખી દીધેલા. નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદ ત્યાં બન્યા. એ પહેલાં જ તેમને રામકૃષ્ણ પરમહંસના સાનિધ્યમાં આત્મ સાક્ષાત્કારની નિર્વિકલ્પ સમાધિનો અનુભવ થઈ ચૂકેલો. રામકૃષ્ણ પરમહંસના દેહ છોડ્યા પહેલાં તેમણે તેમના તમામ શિષ્યોની જવાબદારી સ્વામી વિવેકાનંદને સોંપી અને તે કહે તેમ બીજા ગુરુભાઈઓને કરવા કહ્યું. ગુરુના નિધન પછી વિવેકાનંદનો ગુરુભાઇઓને પહેલો આદેશ હતો ભારત ભ્રમણ કરી ભારતને જાણવાનો અને સાથે આત્મજ્ઞાન માટે સાધના કરવાનો. આ રીતે વિવેકાનંદ પોતે પણ ભારત ભ્રમણ પર નીકળ્યા.

આજ સમયે અમેરિકાના શિકાગોમાં પહેલી વિશ્વધર્મપરિષદની તૈયારીઓ ચાલી રહી હતી. વિશ્વભરમાં દરેક ધર્મના લોકોને તેમના પ્રતિનિધિઓ મોકલવા નિમંત્રણ પત્રિકાઓ મોકલાઈ રહી હતી. ભારતમાં બુદ્ધિજીવીઓમાં મંથન ચાલી રહ્યું હતું કે હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે કોને મોકલવા? વિવેકાનંદ તેમની યાત્રામાં ઉત્તર ભારતથી પશ્ચિમ કિનારા તરફ આવી દક્ષિણ ભારત તરફ જઈ રહ્યા હતા અને માર્ગમાં રાજસ્થાનમાં ખેતડીના રાજા, ગુજરાતમાં રાજા ગાયકવાડથી લઈને મુંબઈ, મૈસોર અને મદ્રાસ સુધી જે પણ રાજા, રંક, અધ્યાપક કે છાત્રને તે મળ્યા, ભારતીય આધ્યાત્મની આત્મઅનુભૂતિ વાળી વાતોથી તે બધાને આંજી દીધા. આ સમય દરમિયાન વિવેકાનંદે શિકાગોની ધર્મ પરિષદના આયોજન વિશે એ લોકોથી જ સાંભળ્યું. ખેતડી અને મૈસોરના રાજા અને મદ્રાસ યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વિવેકાનંદને એ ધર્મપરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા દબાણ કરતા રહ્યા. પણ વિવેકાનંદે એ કહીને હંમેશા ના પાડી કે હિંદુ સન્યાસીને દરિયો ન ઓળંગવાનો નિયમ છે. પણ જ્યારે મદ્રાસ (આજનું ચેન્નાઇ)માં વિદ્યાર્થીઓએ તેમને કહ્યું કે કોઈ માણસ તેમની જેમ આત્મઅનુભૂતિ સાથે સનાતન ધર્મના જ્ઞાનને દુનિયા સામે નહીં રાખી શકે, આ કામ તેમને જ કરવું જોઈએ – તો એ વાત વિવેકાનંદના મનમાં ઘમાસાણ મચાવવા લાગી.

તે મદ્રાસથી નીકળી ગયા અને કન્યાકુમારી આવી દરિયાકિનારે પહોંચ્યા. તેમનું મન દ્વન્ધોથી ભરેલું હતું. તેમણે સામે દરિયામાં એક પથ્થર જોયો. તેમણે શાંતિ મેળવવા દરિયામાં ઝંપલાવી દીધું અને તરતા તરતા એ પથ્થર પર પહોંચ્યા. તેમણે ત્યાં પલાંઠીવાળી અને તેમના ગુરુદેવને પ્રાર્થના કરીને કહ્યું, ‘જ્યાં સુધી તમારો આ બાબતે આદેશ નહિ મળે, ત્યાં સુધી અહીંથી ઉઠીશ નહિ.’ આખરે, બે દિવસ ત્યાં એકાંતમાં ધ્યાન કર્યા બાદ તેમને ધ્યાનમાં રામકૃષ્ણ પરમહંસ દેખાયા, જે તેમને પોતાના પાછળ આવવાનો ઈશારો કરી રહ્યા હતા. અને પછી તે દરિયા પર પેલે પાર જવા માટે ચાલવા લાગ્યા.’ આ સ્પષ્ટ સંકેત મળતાં જ વિવેકાનંદની આંખો ખુલી ગઈ. તેમના મનનું કોહરામ શાંત થઈ ચૂક્યું હતું. તે ફરી પાછા મદ્રાસ આવ્યા, અને પોતાનો નિર્ણય સંભળાવ્યો. મદ્રાસ યુનિવર્સિટીના અધ્યાપક અને વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને ઘરે ઘર ફરી તેમની યાત્રાના ખર્ચ માટે ફાળો ઉઘરાવવા લાગ્યા. પાંચ મહિના પછી, ૩૧ મી મે ૧૮૯૩ ના રોજ સ્વામી વિવેકાનંદે મુંબઈથી શિકાગો જવા માટેનું સ્ટીમર લીધું.

આ રીતે ભારતના હજારો વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ આત્મજ્ઞાની સન્યાસીએ દરિયો ઓળંગી વિશ્વના બીજા છેડે સનાતન ધર્મના જ્ઞાનનો પરિચય કરાવ્યો. છેલ્લી કેટલીક સદીઓથી ગુલામ રહેલી પ્રજાનો એક પ્રતિનિધિ તેને ગુલામ બનાવનારી સભ્યતા વચ્ચે જઈને પોતાની સભ્યતાનો પરિચય કરાવતાં જે બોલ્યો, તેણે પશ્ચિમી વિશ્વને હચમચાવી મૂક્યું. ત્યાંના વર્તમાન પત્રોએ લેખ લખ્યા, ‘આવા આધ્યાત્મના ઊંડાણથી ભરેલા દેશને ધર્મ શીખવવા આપણે ખ્રિસ્તી મિશનરીઓ મોકલીએ છીએ તે ઇતિહાસનો સૌથી મોટો મજાક છે.’ અમેરિકા અને યુરોપના અનેક સ્ત્રી – પુરુષો સન્યાસ લઈ વિવેકાનંદ પાછળ ચાલી નીકળ્યા. કેટલાક ત્યાંજ વેદાંત સેન્ટર ચલાવવા લાગ્યા, તો કેટલાક ભારત આવી ભારતની સેવામાં લાગી ગયા. આવું ભારતના ઇતિહાસમાં પહેલીવાર થયું હતું. અને અહીંથી ભારતની પ્રજાએ, ભારતના યુવાનોએ જે આત્મવિશ્વાસ મેળવ્યો, તેણે જ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના આંદોલનને જન્મ આપ્યો. વિવેકાનંદના વિચારોમાંથી જ રવીન્દ્રનાથ ટાગોર, મહર્ષિ અરવિંદ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. એની બેસંટ, અને ગાંધીજી જેવા લોકો નીકળ્યા. આ આખો ટનિંગ પોઇન્ટ એ પથ્થર પર કરેલા ધ્યાનથી આવ્યો હતો, જે આજે વિવેકાનંદ રૉક મેમોરિયલ બની ચૂક્યો છે.

August 08 / 2024 / On Facebook

સનાતન પરંપરામાં જૈન પંથની સ્થાપના અને તેનો સમયકાળ

બહુ જ પ્રચલિત અર્થમાં મનાય છે કે જૈન પંથની સ્થાપના મહાવીર સ્વામી દ્વારા થઈ, અને તેમના અગિયાર શિષ્યો વડે ભગવાન મહાવીરના ઉપદેશો પરથી જૈન દર્શન અને તત્વજ્ઞાન ઘડાયું. જૈન શબ્દ સંસ્કૃત શબ્દ ‘જીન’ પરથી આવે છે જેનો અર્થ થાય છે સ્વયં (ઇન્દ્રિયો) પર વિજય પ્રાપ્ત કરવો. જે એવું કરી દે છે તે આત્મા અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત આનંદને પ્રાપ્ત કરી અરિહંત બની જાય છે. અને પોતાના આત્માને એવા અરિહંત બનાવી દેનાર વ્યક્તિને કહેવાય છે તીર્થંકર. મોટા ભાગે જે પહેલા તીર્થંકર ભારતમાં ખ્યાતિ પ્રાપ્ત થયા કે સામે આવ્યા તે મહાવીર જ હતા, અને જૈન દર્શન તેમના આપેલા ઉપદેશો અને તત્વજ્ઞાનથી જ રચાયું. પરંતુ, મહાવીરના શિષ્યો દ્વારા તેમની શ્રમનિક પરંપરા જે શૈવ યોગીઓની પરંપરાથી મળતી આવતી હતી, તેને મહાવીરથી પાછળ ભૂતકાળમાં જઈને એક ઇતિહાસ અપાયો. કહેવાયું કે મહાવીર પહેલા તીર્થંકર નથી, તે અસલમાં ચોવીસમા અને છેલ્લા તીર્થંકર છે. સૌથી પહેલા તીર્થંકર આદિનાથ હતા જેમને ઋષભદેવ પણ કહેવાય છે.

આ રીતે ઋષભદેવ કે આદીનાથની કથા સામે આવી, અને તેમના પછી આવેલા મહાવીર સિવાયના બીજા બાવીસ તીર્થંકરના નામ સામે આવ્યા. તેમાંથી કોઈ રામના સમયે થઈ ગયેલા હતા તો કોઈ અરિષ્ટનેમી નામે કૃષ્ણના સંબંધીઓમાંથી એક નામ હતું. આ રીતે જૈન પંથને વેદોના સમયથી સમાંતર ચાલતી પરંપરા બતાવવાની કોશિશ થઈ. કાંઈક એવું જ જેમ આરબમાં મોહમ્મદ પયગંબરે ઇસ્લામ સાથે એક નવો પંથ સ્થાપ્યો, પણ સાથે ભૂતકાળના બીજા પયગંબરોને પણ એ નવા પંથ અને નવા ઈશ્વર સાથે જોડ્યા, અને પોતાને છેલ્લા કહ્યા. બૌદ્ધ પંથ સિવાય લગભગ દરેક નવા પંથ સાથે આ કાર્ય થયું છે, એ નવા પંથને ભૂતકાળનો એક આધાર આપવાનું કામ.

વેદો અને ઉપનિષદોમાં ઋષભ શબ્દ કેટલાક સ્થાને બળદ માટે વાપરવામાં આવ્યો છે જ્યાં અગ્નિ દેવને પ્રાર્થના કરાઈ રહી છે, તો કેટલાક સ્થાને તે કોઈપણ નર પ્રાણી માટે તો કોઈ સ્થાને શ્રેષ્ઠ શબ્દના પર્યાયવાચી તરીકે. ઋગ્વેદના દસમા મંડળના એકસો છાસઠમા સુક્તમાં રુદ્ર દેવને ‘મને સમાન પદવાળા વ્યક્તિઓમાં શ્રેષ્ઠ બનાવ’ એવી પ્રાર્થના કરાઈ છે, જ્યાં ઋષભનો શબ્દનો અર્થ ‘શ્રેષ્ઠ’ એવો કરવામાં આવ્યો છે. આ સિવાય અથર્વવેદ અને તૈતેરેય બ્રાહ્મણમાં પણ ઋષભ શબ્દ આવા અર્થ સાથે ઉપલબ્ધ છે. પણ પુરાણોમાં આવતાં આવતાં ઋષભ શબ્દ એક અવતાર અને દેવનું સ્થાન લઈ લે છે. લિંગ પુરાણમાં તે શિવના ૨૮ અવતારોમાંથી એક છે, તો શ્રીમદ ભગવદમાં તે વિષ્ણુના ૨૪ અવતારોમાંથી એક બતાવાયા છે, અને જૈન પંથની સ્થાપના એમના દ્વારા થઈ એવું પણ કહેવાયું છે. અને મોટાભાગના પુરાણોની રચના મહાવીર અને બુદ્ધના સમય દરમિયાન તો કેટલાકની તે પછી થઈ હોવાનું પ્રમાણિત થયેલું છે. આમ, ઋષભદેવ કે આદિનાથ જૈન પંથના સ્થાપક અને પહેલા તીર્થંકર તરીકે મહાવીરના સમય પછી જ સ્થાપિત થયા એ લગભગ પ્રમાણિત દેખાય છે. એનું સૌથી મોટું પ્રમાણ આદિનાથની કથા કહેતા આદીપુરાણથી મળે છે.

ઇસ સાતમી સદીમાં આચાર્ય જીનસેન દ્વારા લખાયેલ આદિપુરાણમાં આદિ તીર્થંકર ઋષભનાથ કે આદિનાથના પૂર્વ જન્મો અને તેમના આદિનાથ તરીકેના જીવનનું વૃત્તાંત કહેવામાં આવ્યું છે. અને એ વૃત્તાંતમાં આદીનાથ અયોધ્યાના રાજા નાભિરાજ અને તેમની પત્ની મરુદેવીના પુત્ર તરીકે જન્મે છે. મરુદેવીનું ધરતી પરનાં ઈન્દ્રાણી તરીકે વર્ણન કરાયું છે. આદિનાથના જન્મ પહેલાં ઇન્દ્ર શ્રી, હ્રીં, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ વગેરે દેવીઓને ગર્ભવતી માતા મરુદેવીની સેવા કરવા માટે મોકલે છે. જ્યારે આદિનાથનો જન્મ થાય છે ત્યારે ઇન્દ્રાસન કંપી ઊઠે છે, અને ઇન્દ્ર પોતાનું આસન ડગમગાતું જોઈ ભયભીત થઈ ઊઠે છે. ઇન્દ્ર આસન ઉપરથી ઉતરી બાળક આદીનાથને પ્રણામ કરે છે, અને દેવી દેવતાઓને તેમના દર્શન કરવા સ્વર્ગમાંથી ધરતી પર મોકલે છે, જ્યારે પોતે ઈન્દ્રાણી સાથે એરાવત હાથી પર સવાર થઈને નીકળે છે. તે અયોધ્યા આવી આદિનાથને ભગવાન તરીકે હાથમાં લે છે અને પ્રણામ કરે છે, અને ત્યાર પછી સતત ભગવાન આદિનાથની સેવા અર્થે સમયે સમયે આયોધ્યા આવી તેમના કાર્ય કરે છે. આ આખું વર્ણન હિંદુ પુરાણોના સ્વર્ગની ગાદી પર બેસેલા ઇન્દ્ર અને ઈન્દ્રાણીનું છે, જે વૈદિક ધર્મમાં વેદ અને મુખ્ય ઉપનિષદોની રચના સમયે વૈદીક ગ્રંથોમાં નથી. વેદોના ઈન્દ્ર એક નિરાકાર દેવ છે, જેનું યજ્ઞો મારફતે આહવાન થાય છે.

એટલે જ વેદોમાં અને ઉપનિષદોમાં ઋષભ શબ્દનો અર્થ બળદ, નર પશુ કે શ્રેષ્ઠતા માટે ઉપયોગમાં છે, પણ કોઈ દેવ તરીકે નહિ. ત્યાં સુધી કે ઉપનિષદો બાદ પણ પુરાણો પહેલાં લખાયેલા રામાયણ અને મહાભારત જેવા બૃહદ ઇતિહાસ ગ્રંથમાં પણ જૈન પરંપરા કે તેમના કોઈ તીર્થંકરનો કોઈ ઉલ્લેખ નથી. તેનો ઉલ્લેખ ફક્ત પુરાણોમાં જ મળે છે. ભગવાન મહાવીરના સમય બાદ વેદોના ઋષભ શબ્દનો ઉપયોગ કરી હિંદુ પુરાણોના સમયમાં જૈન પંથને એક ભૂતકાળ આપવાનો પ્રયાસ થયો છે, જેનું વર્ણન વેદો અને ઉપનિષદો જેવું ન હોતાં પુરાણોના દેવી દેવતા જેવું જ છે. એક રીતે પુરાણોના પંચદેવ જેમ ઇન્દ્ર અને સ્વર્ગથી ઉપર પરબ્રહ્મ તરીકે એક સ્થાન ધરાવે છે, તે રીતે જ આદિનાથને જૈન માર્ગના ભગવાન તરીકે ઇન્દ્ર અને સ્વર્ગથી ઉપર તીર્થંકરનું સ્થાન આપી તેમનું એક સિદ્ધાલય નામે ધામ અપાયું છે. આ સિધ્ધાલયમાં તમામ અરિહંત બનેલા આત્માઓ અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત આનંદ સાથે હંમેશા માટે નિવાસ કરે છે. જૈન પંથમાં એજ મુક્તિ કે મોક્ષની સ્થિતિ છે.

આ સિવાય જૈન પંથમાં અન્ય એક અપ્રમાણિત વાત કહેવાય છે જે પણ અહીં ખોટી સાબિત થાય છે. જૈન પંથમાં આદિનાથના સૌથી મોટા દીકરાનું નામ હોય છે ભરત. અને જૈન પંથમાં કહેવાય છે કે આપણા દેશનું નામ ભારત એ રાજા ભરતથી પડ્યું છે. આ પણ પ્રમાણથી વિમુખ છે. કારણકે રામાયણમાં આપણા દેશને જંબુદ્વીપ અને આર્યાવર્ત કહેવામાં આવ્યું છે. બસ મહાભારતમાં કુરુવંશી દુષ્યંતના દીકરા રાજા ભરતના કાળ બાદ જ મહાભારતમાં પણ ભારતવર્ષ શબ્દ આવે છે. અને જેમ આપણે જાણ્યું કે જૈન માર્ગ કે તેના કોઈ તીર્થંકર વિશેનો કોઈ ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં નથી. જૈન સાહિત્ય જે રામાયણ અને મહાભારત બાદના પૌરાણિક કાળમાં લખાયું છે, તે રામ અને કૃષ્ણના કાળમાં કોઈ અજાણ્યા પુરુષોને તીર્થંકર બતાવી રહ્યું છે. જ્યારે આદિનાથ અને તેમના દીકરા ભરતને જૈન પંથમાં રામાયણથી પણ પ્રાચીન વેદોના સમયમાં કહેવાયા છે.

આમ, જૈન પંથ ભગવાન મહાવીર સાથે શરૂ થયેલો માલૂમ પડે છે, અને ત્યારબાદ તેના અન્ય તીર્થંકરોના પૌરાણિક સ્વરૂપને ઘડવામાં આવ્યું છે. આ વાત એ તથ્યને પ્રમાણિત કરે છે કે જૈન પંથ પુરાણોના સમયમાં રચાયો છે, અને વેદ અને ઉપનિષદના સમયમાં જૈન શ્રમણિક પરંપરાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહોતું. જો કોઈ શ્રમણીક જેવી સાધનાનું અસ્તિત્વ હતું, તો તે વૈદિક ઋષિમુનિઓની સાધનાની કોઈ વિધિઓ તરીકે જ હતું. કારણકે જૈન તત્વ અને દર્શન બિલકુલ વૈદિક ધર્મના સાંખ્ય અને યોગ દર્શનનું જ આબેહૂબ નિરૂપણ છે. અને સાંખ્ય દર્શનનું વર્ણન રામાયણ અને મહાભારતમાં આવે છે. આમ, અલગ શબ્દો સાથેનું જૈન દર્શન, તત્વજ્ઞાન કે સાધનાનો માર્ગ તે સમયે નહોતો. તે ભગવાન મહાવીર પછી રચાયું, જેમાં ડગલે ને પગલે વૈદિક દર્શનોનું આબેહૂબ નિરૂપણ જોવા મળે છે. આવનારા લેખોમાં આપણે એ સુંદર અને પવિત્ર તપ સાધનના મૂર્તિ સમાન જૈન તત્વદર્શનને જાણીશું.