ભારતનો ધર્મ
All the text in the articles given below is Dr. Kaushik Chaudhary’s intellectual property. Sharing any part of it without giving attribution can be a criminal offense.
July 26 / 2015 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
ઉપનીષદોનો સનાતન ધર્મ અને આજનો હિંદુ ધર્મ
“ભારતનું પુનઃઉત્થાન કરવું હોય તો સમય આવી ગયો છે કે હવે આપણે આ બંને વચ્ચેનું અંતર સમજી લઇએ”
ઇ.સ. પૂર્વેના વર્ષોમાં ભારત દેશ એટલે પૂર્વમાં ઇન્ડોનેશિયાથી પશ્ચિમમાં આજના અફઘાનિસ્તાન સુધીનો પ્રદેશ. અફઘાનિસ્તાનની પશ્ચિમી સીમાથી શરૃ થતું ભારત જેટલું જ વિશાળ એવું પર્સિઆ. આ પર્સિઆ એટલે આજનું ઇરાન. અસલમાં પર્સિઆમાં વસવાટ કરનાર પર્સિઅનો ભારતની આર્ય સંસ્કૃતિના અસુર જાતિના લોકો હતા. આ અસુર જાતિના લોકોએ મહાભારત પછીના સમયમાં સંસ્કૃતિક અને ધાર્મિક વિખવાદના કારણે દક્ષિણ ભારતથી પશ્ચિમ તરફ કૂચ કરેલી અને પર્સિઆમાં પોતાનો વસવાટ કરી પર્સિઅન બનેલા. આ પર્સિઅનોની ભાષા હતી અવેસ્તા અને આ અવેસ્તાના વ્યાકરણમાં ‘સ’ શબ્દનું અસ્તિત્વ જ નહોતું. ‘સ’ ની જગ્યાએ તેઓ ‘હ’ બોલતા. જેમ કે તેમના દેવતા ‘અસુર’ ને તેઓ ‘અહુર’ કહેતા. અને ભારત જે તે સમયે ‘સપ્ત-સિંધુ’નો પ્રદેશ (સાત નદીઓનો પ્રદેશ) કહેવાતો તેને તેઓ ‘હપ્ત-હિંધુ’નો પ્રદેશ કહેતા. આ સપ્ત સિંધુના પ્રદેશમાં રહેતા લોકોને તેઓ ‘હિંધુ’ કહેતા જે સમય સાથે ‘હિંદુ’ બની ગયેલું. આમ, જે હિંદુ શબ્દ પર આંચ આવતાં જ આજે આપણે બધા લડવા માટે તૈયાર થઇ જઇએ છીએ તે શબ્દને ઇતિહાસની તે ક્ષણ સુધી ભારતમાં કોઈ નહોતું જાણતું. ભારતમાં રહેવાવાળા લોકો આર્યો કહેવાતા અને તેમનો ધર્મ હતો સનાતન ધર્મ જે સમગ્ર બ્રહ્માંડની એકતાનો સંદેશ આપતો. જેને અદ્વૈતનો સંદેશ કહે છે.
આઠમી સદીમાંદિલ્હીના તખ્તા પર ઇસ્લામ રાજ્ય સ્થપાયું. તેમણે ભારતીય પ્રજાને હિંદુ તરીકે જ બોલાવી જે નામથી ઇરાનીઓ બોલાવતા હતા. તેમણે ભારતીયોને કહ્યું ‘અમે મુસ્લિમ છીએ અને તમે હિંદુ છો. અમારો ધર્મ મુસલમાન ધર્મ અને તમારો ધર્મ હિંદુ ધર્મ.’ આ રીતે આપણે આર્યોમાંથી હિંદુ બન્યા અને આપણો ધર્મ ઉપનિષદોના સનાતન ધર્મમાંથી હિંદુ ધર્મ બન્યો. આમ, હિંદુ શબ્દ અસલમાં આપણી ગુલામીની માનસિકતાનો પ્રતિક છે. જ્યારે આપણે પહેલીવાર ગુલામી સ્વીકારી ત્યારે પહેલીવાર આપણે હિંદુ શબ્દને પણ સ્વીકાર્યો અને આપણા વાસ્તવિક ધર્મ અને તેના સનાતન મુલ્યોને ભૂલવા લાગ્યા.
આ નવો હિંદુ ધર્મ જગતના બીજા ધર્મોની જેમ જ એક સંપ્રદાય હતો. મોહમ્મદ પયગંબર. ઇસુ અને બુધ્ધથી હટીને તેના પોતાના ભગવાનો હતા. જેમ કે રામ, ક્રિષ્ન, શિવ, વિષ્ણુ અને બીજા ૩૩ કરોડ દેવતાઓ. આ ઉપરાંત અંબા, દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી જેવી દેવીઓ તો ખરી જ. આમ, હિંદુ ધર્મ એ બીજુ કંઇ નહી પણ ઉપનિષદો કેન્દ્રિત તત્ત્વજ્ઞાાનથી પુરાણો કેન્દ્રિત અને ક્રિયાકાંડ ધરાવતા સંપ્રદાયનો જન્મ હતો જે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વડે લાલચ અને ષડયંત્રોના જોરે કરાવાતા ધર્માન્તરણ સામે સંઘર્ષ કરતો રહ્યો. જે મહંમદ અલી ઝીણાએ મુસલમાનોના નામે આખો એક દેશ ભારતમાંથી અલગ કરી દીધો તે ઝીણાા પિતા હિંદુ હતા. અને ફારુક અબ્દુલ્લા જેમના કાશ્મીરના મુખ્યમંત્રી તરીકેના શાસન વખતે જ ચાર લાખ કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને તેમના પિતા શેખ અબ્દુલ્લા જેમણે આઝાદી સમયે કાશ્મીરના ભારત સાથેના વિલીનીકરણનો વિરોધ કરી ૩૭૦ જેવી અલગાવવાદી કલમ નાખી દીધી (કે નહેરુ પાસે નંખાવડાવી) તે શેખ અબ્દુલ્લાના પિતા અને ફારુક અબ્દુલ્લાના દાદા કાશ્મીરી પંડિત જ હતા. આમ, જેમ વિવેકાનંદે કહ્યું છે તેમ. ‘તમે જેનાવિશે સતત વિચારતા રહો છો અને લડતા રહો છો. સમય જતા તમે પણ તેના જેવા થઇ જાઓ છો.’ આવા ધર્માંતરણના બદઈરાદાઓ સામેના સતત સંઘર્ષમાંથી ઉભા થયા કેટલાક હિંદુત્વના હિમાયતીઓ તો કેટલાક કટ્ટર હિંદુત્વવાદી વિચારધારાવાળા લોકો જેમણે ગાંધી જેવા મહામાનવને પણ ગોળી મારતાં વિચાર ન કર્યો. બીજી બાજુ કરોડો દેવીદેવતાઓને પૂજતોહિંદુ સમાજ ભક્તિ અને ક્રિયાકાંડના નામે ઢોંગી બાબાઓ અને ચરિત્રહીન આધ્યાત્મિક ગુરુઓના શિકંજામાં ફસાયો. આમ, ઉપનિષદોના સનાતન ધર્મમાંથી હિંદુ ધર્મનું એ રૃપાંતરણ ભારતીય આર્ય સંસ્કૃતિના ક્રમિક પતનની જેમ જ બની રહ્યું.અને જો આ સ્થાનેથી આપણે ભારતનું પુનઃઉત્થાન કરવું હોય તો એક જ માર્ગ છે અને તે એ કે આપણે જેમ બને એમ ઝડપથી આપણા વાસ્તવિક સનાતન ધર્મમાં પાછા ફરીએ.
તો ચાલો હવે એ જોઇએ કે આપણો એ ધર્મ અસલમાં શું હતો.
ઉપનિષદોના એ સનાતન ધર્મનું તત્ત્વજ્ઞાન અદ્વૈતના વિચાર સાથે સંકળાયેલું હતું. એ દુનિયાનો એકમાત્ર ધર્મ હતો જે આ સૃષ્ટિથી પર હોય એવી ઇશ્વર જેવી કોઈ વ્યક્તિ હોવાનું ખંડન કરતો હતો. તેમાં વાત હતી આકારહીન. રંગહિન, ગંધહીન શક્તિની જે સર્વત્ર ફેલાયેલી હતી. આ શક્તિને ‘બ્રહ્મ’ કહેવામાં આવી હતી. અને આ બ્રહ્મને જ ઇશ્વર માનવામાં આવતો. બ્રહ્મ જ્યારે વિસ્તરવા લાગ્યું ત્યારે તે પહેલા શિવ અને પછી વિષ્ણુ એમ શક્તિની બે ક્રમિક ગોઠવણોમાંથી પસાર થયું. અને તેનાથી આગળ જતા જડ અને ચેતન એવા શક્તિના બે અલગ સ્વરુપોથી રચાયેલું બ્રહ્માંડ અસ્તિત્ત્વમાં આવ્યું. બ્રહ્માંડ એટલે બ્રહ્મનો અંડ. મનુષ્યને આ સનાતન ધર્મમાં બ્રહ્મનુ સૌથી વધુ ઉત્ક્રાન્તિ પામેલું સ્વરૃપ ગણવામાં આવતું કારણ કે મનુષ્ય જ એકમાત્ર એવું સર્જન હતો જે તેની ઉચ્ચ અવસ્થાએ બ્રહ્મ રુપ બની શક્તો. આવો બ્રહ્મરુપ મનુષ્ય સમગ્ર બ્રહ્માંડની એકતાને પામી લેતો અને આથી તેના ચરિત્રમાં જ બ્રહ્મના ગુણો અને શક્તિઓની અભિવ્યક્તિ થતી. બ્રહ્મ કે ઇશ્વર શું છે તે માનવ સમાજ આવા બ્રહ્મરુપ બનેલા મનુષ્યો મારફતે જ જાણી શક્તો. આથી એ મનુષ્યોને ઇશ્વરના અવતારો કહેવામાં આવતા. દરેક મનુષ્ય એની યાત્રાના છેલ્લા ચરણમાં આવો બ્રહ્મરુપ અવતાર બનીને જ પ્રગટ થાય છે અને તેનાથી આગળ વધી એ જ સનાતન બ્રહ્મમાં ભળી જાય છે. આ ઘટનાને મોક્ષ કહે છે જે દરેક મનુષ્યની યાત્રાનો અંત છે. આમ, મર્યાદાઓ, પીડા, જન્મ-મરણ અને સીમીતતાઓથી મુક્તિ જ મનુષ્યનું અંતિમ લક્ષ્ય છે – આ વૈશ્વિક સંદેશ આપનાર ધર્મ એટલે ઉપનીષદોનો સનાતન ધર્મ.
પૃથ્વી જ નહીં, સમગ્ર બ્રહ્માંડમાં કોઈ મનુષ્ય કે અન્ય જીવ જયારે આ બ્રહ્મરૂપ અવસ્થાને ધારણ કરે ત્યારે પ્રાચીન ભારતના સનાતનધર્મી આર્યો માટે તે ઈશ્વરનો અવતાર જ હોતો. આમ, સમગ્ર બ્રહ્માંડની જીવસૃષ્ટિને આવરી લેનારા ઉપનિષદોના એ સનાતન ધર્મમાં જ સાચી ધર્મનિરપેક્ષતાનો સિધ્ધાંત મૂર્તિમંત થયેલો હતો. આજ કારણ હતું કે ભારતીયોએ લગભગ દુનિયાના સમગ્ર ધર્મોને પોતાની ધરતી પર ખુલ્લા હાથે સ્વીકારેલા. એમના માટે પોતાનો ધર્મ અને બીજાનો ધર્મ એવું કઈ નહોતું. એતો સૃષ્ટિને કાલાવનારા સનાતન સિધ્ધાંતો અને વિજ્ઞાનના પુજારી હતા. તેમનો કોઈ એક પયગંબર પણ નહોતો. દુનિયાના દરેક બ્રહ્મજ્ઞાની મનુષ્યને તે ઈશ્વરનો અવતાર જ માનતા.
આમ, સમગ્ર બ્રહ્માંડનો આ ‘યુનિવર્સલ રીલીજ્ન’ જ આપણો સાચો અને સ્વદેશી ધર્મ છે. તેની સાચી તાકાત તેની ઉદારતા અને વિસ્તૃતતા છે. આપણે એ સમજી લેવું જોઈએ કે ભારતના મુસલમાનો અને ખ્રિસ્તીઓ પણ આપણા જ ભાઇઓ છે અને આપણે તેમને પ્રેમ અને સ્વીકૃતિ આપી આપણા સનાતન ધર્મમાં સમાવી લેવાના છે. વિશ્વના બીજા કોઈ મુસલમાનો કે યુરોપિયન ખ્રિસ્તીઓ સાથે તેઓ સહવાસ નહિ કેળવી શકે કારણકે તેમનું dna હિન્દુઓનું છે. જો કોઈ દિવસ આખી દુનિયા મુસ્લિમ કે ખ્રિસ્તી થઇ જાય તો ભારતના મુસ્લિમ અને ખ્રિસ્તીઓને અપવિત્ર કે હીન મુસ્લિમ અને ખ્રિસ્તી ગણીને ટારગેટ કરવામાં જ આવશે. આ દેશના મુસ્લિમ અને ખ્રિસ્તીઓને આ વાત સમજી લેવાની જરૂર છે કે તેઓ આજે બસ એક હથિયાર છે. એટલે જ્યાં સુધી વાત છે ભારતમાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓની હિન્દુઓના ધર્માંતરણ કરાવવાની પ્રવૃતિઓની, તો તેનું સંપૂર્ણ નિકંદન આક્રમક સરકારી નીતિઓ મારફતે લાવી દેવું જોઈએ, ભડકાઉ નિવેદનો આપીને વાણીવિલાસ કરવાના સ્થાને. ઘર વાપસીના કાર્યક્રમ ચલાવનારા અને સાંઈબાબાનો વિરોધ કરનારા એ સાધુઓ અને સાધ્વીઓને સમજી લેવાનું છે કે હિન્દુત્વની પડતીનું એક મહત્વપૂર્ણ કારણ તેઓ પોતે પણ છે. થોડા પૈસા અને નૌકારીની લાલચમાં જે લોકો પોતાની ધાર્મિક ઓળખ બદલવા તૈયાર થઇ ગયા તેમને તમે એ જાણવા જ નહોતું દીધું કે તેમનો ધર્મ શું છે. અને આવા તો હજુય ઘણા લોકો છે જેમને તમે અછૂત કહીને ધર્મથી દૂર રાખ્યા છે. તમે કોની કોની રખેવાળી કરવા જવાનો છો? જેટલો અસમર્થ નીચલી કક્ષાનો માનસ ઉપરની કક્ષાએ હોય છે તેટલો જ અસમર્થ ઉપરની કક્ષાનો માનસ નીચલી કક્ષાએ હોય છે. આ ધર્માંતરણના કાર્યક્રમો એક સનાતન ધર્મીની પ્રકૃતિ બહારના કામ છે અને તેમાં તમે એ લોકો સામે નહિ ટકી શકો જે તેમના જન્મથી જ આ કરતા આવ્યા છે. આપણી શક્તિ છે પૃથ્વી પરના દરેક માણસને આપણા સિદ્ધાંતોમાં સમાવી લેતો આપણો વૈજ્ઞાનિક સનાતન ધર્મ. જો તમને ખરેખર તમારા ધર્મની પડી હોય તો એ સનાતન સિદ્ધાંતોને પોતાના જીવનમાં અંકિત કરો અને પછી નીકળી પડો ઉપનીશદો લઈને અને દેશના દરેક વ્યક્તિના મનમાં આપણા સનાતન વૈજ્ઞાનિક સિદ્ધાંતો અંકિત કરી દો. તેમને એટલા તૈયાર કરો કે ગામના એક દલિત કે જંગલમાં રહેતા એક આદિવાસીને પણ જો કોઈ એમ કહેવા જાય કે ‘તારા ભગવાનો ખોટા છે અને એક અલ્લાહ જ સાચો છે. કુરાનમાં કહ્યું છે કે મુસ્લિમ જ આ દુનિયા પર સૌથી પવિત્ર છે અને છેલ્લે આ દુનિયા પર ફક્ત એજ રાજ કરશે.’ – તો તમારો તૈયાર કરેલો સાચો સનાતન ધર્મી કંઈક આ પ્રમાણે જવાબ આપવો જોઈએ: ‘પ્રિય! તું જેણે અલ્લાહ કહે છે તેને જ હું ઈશ્વર કહું છું. મુસ્લિમનો અર્થ છે ‘જે પોતાની જાતને અલ્લાહની ઈચ્છાએ સોંપી ડે છે તે’. અને આજ માણસને અમે સ્થિતપ્રજ્ઞ કહીએ છીએ. જે પોતાના દરેક કર્મોને ઈશ્વરના કાર્ય માટે સમર્પિત કરીને જીવે છે તે. એટલે તારી વાત તો સાચી જ છે કે આવો સ્થિતપ્રજ્ઞ માણસ જ પવિત્ર છે અને ઇન્દ્રિયોના ગુલામ લોકો જે સ્વાર્થ અને વાસનાઓ પાછળ ભાગવામાં જીવી રહ્યા છે તે કાફીરો જ છે. આજ તો કૃષ્ણનો સંદેશ છે ગીતામાં. એજ મહોમ્મદ પયગંબર સાહેબે કીધું છે. અમારા માટે મોહમ્મદ પયગંબર પણ સનાતન ધર્મના અવતાર જ છે. એજ રીતે ઇસુ ખ્રિસ્ત, અઓશો જરથુષ્ટ, અબ્રાહમ, મુસા, બુધ્ધ અને મહાવીર પણ અમારા સનાતન ધર્મના જ અવતારો છે. કાલે ઉઠીને આફ્રિકાના જંગલોમાં કોઈ માણસ બ્રહ્મજ્ઞાની બનીને સામે આવશે અને નવો ધર્મ સ્થાપશે તો એ પણ અમારા સનાતન ધર્મનો જ અવતાર ગણાશે. અરે! બ્રહ્માંડના બીજા કોઈ ગ્રહ પર પણ જો કોઈ આત્મજ્ઞાની થશે તો તે પૃથ્વી પરના અમારા સનાતન ધર્મનો પણ અવતાર ગણાશે. આમ તું જે કહે છે એજ હું પણ કહું છું. તું આપણા એ એક ઈશ્વરને પામવાની કોશિશ તારી રીતે કર અને મને એજ ઈશ્વરને પામવાની કોશિશ મારી રીતે કરવા દે. આપણા વચ્ચે ખાલી બે જ વસ્તુઓનું આદાનપ્રદાન થઇ શકે છે, અને તે છે પ્રેમ અને સમ્માન. તું મને મુસ્લિમ બનાવવાની જીદ છોડી દે. હું મુસ્લિમ જ છું, કારણકે હું સ્થિતપ્રજ્ઞ છું. બસ, તું હવે મુસ્લિમ બનવાની શરૂઆત કર અને એમાં કોઈ મદદની જરૂર પડે તો કહેજે, હું તારી ઓળખ બદલવાની જીદ કાર્ય વિના તારી મદદ કરીશ. સપ્તસીન્ધુના આ પ્રદેશમાં રહેનારા દરેક માણસને હિંદુ કહેવાયો હતો, ચાહે તે કોઈપણ ધર્મ કે જાતિ પાળતો હોય. એ રીતે આપણે બન્ને હિંદુ જ છીએ. તારો માર્ગ ઇસ્લામનો છે, મારો મારો સનાતન ધર્મનો છે જેમાં જગતના દરેક બ્રહ્મરૂપ બનેલા મનુષ્યોને પૂજવામાં આવે છે. જો આ દુનિયાના એક પણ પયગમ્બરને સમાવવાનો રહી જાય તો અમારો સનાતન ધર્મ અધુરો રહી જાય. એટલે તું એક હિન્દુને બીજા હિન્દુમાં વતલાવવાની મુર્ખામી છોડી દે અને નક્કી કર કે આપણે હિંદુ અને મુસ્લિમ શબ્દના સાચા અર્થોને લઈને આગળ ચાલવું છે કે તેમના ભ્રષ્ટ થયેલા સાંપ્રદાયિક અર્થોને લઈને.’
આમ, જે દિવસે આ દેશનો દરેક દલિત અને આદિવાસી આ શબ્દો બોલતો થઇ જાય ત્યાં સુધી કોઈ હિન્દુવાદી કે સનાતન ધર્મી બીજાનો દોષ જોવામાં સમય ન વેડફે. આપણે જરૂર છે હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી નામના એ વાડાઓથી બહાર નીકળી સમગ્ર માનવજાતિ માટે આપવામાં આવેલા સનાતન ધર્મના વૈજ્ઞાનિક સિધ્ધાંતોને અપનાવવાની.
October 24 / 2015 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
ધર્મમાં દોષ છે, ફક્ત એટલા માટે કે મનુષ્યમાં દોષ છે.
“જ્યાં સુધી સત્યનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી માયાના આવરણો તોડી શકાતા નથી. અને ત્યાં સુધી મનુષ્ય અહમને જ પોતાનું અસ્તિત્વ માની સ્વાર્થને જન્મ આપે છે.”
આસમગ્ર જીવ સૃષ્ટિ બે જ મુખ્ય બીજ ઉપર વિકસી છે. એક માયા અને બીજુ સત્ય. માયા મનુષ્યને બાકીની સૃષ્ટિથી અલગ હોવાનો અનુભવ કરાવે છે. આથી મનુષ્યમાં અહમનો અંકૂર ફુટે છે. જ્યારે અદ્વૈત સત્યની અનુભૂતિથી પ્રેમનો અંકુર ફુટે છે. અહમ સ્વાર્થને જન્મ આપે છે અને પ્રેમ ધર્મને જન્મ આપે છે. આમ, અહમ અને પ્રેમ એ બે મુખ્ય અંકુરોમાંથી માનવસમાજનાં બે વિરોધાભાસી વટવૃક્ષો સ્વાર્થ અને ધર્મનું સર્જન થાય છે જે સતત એકબીજાને હરાવવા મથે છે.
ધર્મ શબ્દ સંસ્કૃત ધાતુ ‘ધૃ’ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે ‘ધારણ કરવું’ અથવા ‘સાંધી દેવું’. મહાભારતમાં કહ્યું છે કે ‘ધર્મનો અર્થ ‘સંભાળી રાખવું’ કે ‘સાંધી દેવુ’ તેવો છે. જો સત્યથી સર્વ લોકો એકમેકથી સંકળાયેલા રહે અને જેનાથી સર્વનું કલ્યાણ થાય તે સત્યને ધારણ કરવું કે સંભાળી રાખવું તે ધર્મ છે.’ અરબી શબ્દ ‘મજહબ’નો અર્થ છે ‘માર્ગ’. કુરાનમાં કહ્યું છે કે ‘લોકોએ પોતપોતાના વાડા બાંધ્યા છે પણ સૌએ એક જ પ્રભુ પાસે જવાનું છે.’ મહંમદ સાહેબની એક ઉપદેશ કથામાં કહ્યું છે કે ‘સકળ સૃષ્ટિ પ્રભુનું કુટુંબ છે. જે આખા કુટુંબનું ભલું કરે છે તે પ્રભુનો વહાલો છે.’ અંગ્રેજી શબ્દ રીલીજન પણ જે ધાતુમાંથી લેવામાં આવ્યો છે તેનો અર્થ છે ‘બાંધવું’. જે એકબીજાને સાંકળી રાખે છે તે ધર્મ. આમ, દરેક સંપ્રદાયમાં અલગ અલગ ભાષામાં ધર્મનોએક જ અર્થ કરવામાં આવ્યો છે. ‘જે મનુષ્યને સ્વાર્થથી ઉપર ઉઠાવી બધા સાથે જોડે તે ધર્મ. ‘પરંતુ જ્યાં સુધી સત્યનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી માયાના આવરણો તોડી શકાતા નથી. અને ત્યાં સુધી મનુષ્ય અહમને જ પોતાનું અસ્તિત્વ માની સ્વાર્થને જન્મ આપે છે. પ્રત્યેક મનુષ્યમાં પ્રગટતા સ્વાર્થને ઉઠલાવી જીવાત્માઓની છેલ્લી એકતામાં ભળી જવા મનુષ્યને સંદેશ આપતો હતો. પણ આ ધર્મો અલગ અલગ પ્રદેશો અને અલગ સંસ્કૃતિઓમાં રચાયા હોવાથી તેમના સંદેશોની ભાષા અલગ હતી. જેમ કે મુસ્લિમ શબ્દનો અર્થ થાય છે ‘પોતાની ઇચ્છાઓ ઇશ્વરને સોંપી દઇ તેની મરજી મુજબ જીવવું’ હવે, આ જ સંદેશ ગીતામાં શબ્દે શબ્દે આપવામાં આવ્યો છે કે ‘તું હાર-જીત, લાભ-હાનિ, માન-અપમાનથી ઉપર ઉઠી મારામાં સ્થિત થઇ જા અને કર્મ કર. આને જ સ્થિતપ્રજ્ઞા મુનિ કહે છે અને એ જ મોક્ષનો માર્ગ છે.’
સ્થિતપ્રજ્ઞા બનવાનો જે આદેશ ક્રિષ્નએ ગીતામાં આપ્યો એ જ આદેશ મહંમદ સાહેબે કુરાનમાં મુસ્લિમ શબ્દ સાથે આપ્યો. અને કહ્યું કે જ્યારે આ સર્વ મનુષ્યો મુસ્લિમ (સ્થિતપ્રજ્ઞા) બનશે ત્યારે ધરતી પવિત્ર થઇ જશે. આ વાત બિલકુલ સાચીહતી કે જ્યારે મનુષ્યો ઇંદ્રિયોથી ઉપર ઉઠી સ્થિતપ્રજ્ઞા બનશે ત્યારે ધરતી પવિત્ર બની જશે. પરંતુ સત્યના સાક્ષાત્કારથી દૂર તેમના અનુયાયીઓએ મુસ્લિમ શબ્દને પોતાના અહમ સાથે જોડી દીધો. આવું જ ઇસાઈ ધર્મમાં થયું. ઇસુ ખ્રિસ્તના ઉપદેશોને પોતાની સત્તા માટે વાપરી રોમન કેથોલિક ચર્ચે સદીઓ સુધી વૈજ્ઞાાનિકો પર અત્યાચાર કર્યા અને સત્તા માટે રાજાઓ સાથે સંઘર્ષ કર્યો. બાકી વધેલા હિંદુઓ પણ મોઘલો અને અંગ્રેજોના ભારતમાં આવ્યા પછી તેમની સાથે પોતાની સંસ્કૃતિ બચાવવાના સંઘર્ષમાં ઉતર્યા અને વખત જતાં તેમના જેવા જ થઇ ગયા. અને એક સમયે સમગ્ર બ્રહ્માંડને પોતાના આધ્યાત્મિક સંદેશોમાં સંકેલી લેતા હિંદુઓ આજે તેમના જ દેશના એ મનુષ્યોને પોતાના નથી કહી શક્તા જે તે જ સંદેશોને મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મની ભાષા સાથે અનુસરે છે. અને આવું જ સામેના પક્ષે પણ છે. આથી, આવા સમયે ઓશોના શબ્દો યાદ આવે છે કે ‘માનવ સભ્યતાની આટલી સદીઓ વિત્યા પછી એક વાત સાબિત થઇ છે કે માણસનો અહમ અને સ્વાર્થ જીત્યો છે અને ધર્મો હાર્યા છે.’
આવું એટલા માટે થયું છે કારણ કે ધર્મોને આપણે આપણામાં અહમ તરીકે રોપ્યા છે. આજે જ્યારે કોઈ એમ કહે છે કે તારા અલ્લાહ કરતાં મારા રામ મોટા છે કે તારા રામ કરતા મારા અલ્લાહ મોટા છે ત્યારે અસલમાં એ એમ કહી રહ્યો છે કે હું તારા કરતા ચડિયાતો છું- બુધ્ધિશાળી છું. જો બીજાના પયગંબર કરતાં આપણો પયગંબર નીચો થઇ જાય તો આપણે બીજા કરતાં નીચા અને ખોટા ઠરીશું અને એ આપણા અહમ પર એક મોટો ઘા છે. અને આપણે એ અહમ માટે જ તો લોકોથી લડી લઇએ છીએ. બસ નામ આપણા ધર્મ અને પયગંબરોનું આપીએ છીએ. બીજા કરતા ચડિયાતા બનવા માટે આપણે આપણા ધર્મો અને મહાન પયગંબરોનો ઉપયોગ કરીએ છીએ. આપણે બીજા સામે ધર્મોની વ્યાખ્યા એ રીતે જ કરીએ છીએ જે રીતે આપણો અહમ સંતોષાતો હોય અને આ રીતે જ આપણે બધાએ આપણા ધર્મોને ભ્રષ્ટ કર્યો છે.
આથી, અહમ અને સ્વાર્થ માટે પોતાના ધર્મોનો ઉપયોગ કરતા આવા મનુષ્યોને તેમના ધર્મના નામે ઓળખવા ઉચિત નથી. ફક્ત સાંસારીક સ્વાર્થ માટે જીવવાવાળી આ પ્રજા ભગવાન જેવી કોઈ વાતમાં માને પણ છે તો ખાલી લાલચ માટે. બાકી એને ભગવાનથી કોઈ લેવા દેવા નથી. તે સાંસારીક સુખોને શ્રેણીબધ્ધ માંગો પૂરી કરવા અંબાજી અને વૈષ્ણોદેવીના મંદિરે પગપાળા ચડે છે અને સ્વાર્થને શ્રધ્ધાનું મનોહર નામ આપે છે. પોતાને ઇશ્વર અને સત્ય સાથે સંપર્ક કેળવવાનો પુરુષાર્થ કરવો નથી. પણ જ્યાં પણ બાબાઓ દેખાય તેમના પગમાં પડી જઇ સાંસારીક સુખ ભોગવવા ભગવાનની કૃપા શોર્ટ કટમાં મેળવી લેવી છે. લોકોના આ જ સ્વાર્થે ધર્મને આજે વિશ્વનો સૌથી ધમધમતો ધંધો બનાવી ઢોંગ બાબાઓને ઉત્પન્ન કર્યા છે. કર્મયોગનો મહાન સંદેશ આપનારા આ દેશમાં આજે રોજ નવા કથાકારો પેદા થાય છે અને એ પણ પચ્ચીસ-ત્રીસની યુવાનવયના. કદાચ પૈસા, પ્રસિધ્ધિ અને જનમાનસ પર સત્તા મેળવવાનો આનાથી વધારે સરળ બીજો કોઈ રસ્તો તેમને દેખાયો નથી.
બીજી બાજુ ઇસ્લામ ધર્મમાં પેલી મુસ્લિમ બનાવવાની મૂર્ખ કટ્ટરતા એમની એમ છે. બસ તલવારોનું સ્થાન એ.કે. ૪૭ અને રોકેટ લોન્ચરોએ લઈ લીધું છે. ઇસુના અનુયાયીઓ સત્તા અને પ્રોફીટ માટે અડધી દુનિયાને ગુલામ બનાવી લૂંટી ચુક્યા છે. પ્રેમ અને કરુણાનો ઉપદેશ આપનારા બુધ્ધના અનુયાયીઓ આતંકવાદીઓને હથિયારો પૂરા પાડી રહ્યા છે અને બીજા દેશોની જમીનને પડાવી પાડવાના ષડયંત્રોમાં ડૂબેલ છે. સૂક્ષ્મ જંતુની પણ હિંસા ન કરવાનો સંદેશ આપતા જૈન ધર્મના અનુયાયીઓ સામંતશાહી યુગમાં ગરીબ અને ભોળા ખેડૂતોનું શોષણ કરી ચૂક્યા છે અને લોકોમાં જ્યારે શિક્ષણ અને જાગૃતિ આવી ત્યારે ગામડાં છોડી મોટા શહેરોમાં ઉદ્યોગોના માલિક બની ચૂક્યા છે જેમાં કતલખાનાઓ પણ સામેલ છે. સ્વાર્થ જ મૂળ હિંસા છે અને પ્રેમ જ મૂળ અહિંસા. એ મૂળ ઉપદેશ આજે પણ બહુ ઓછા જૈનો જાણે છે.
આમ, દુનિયાના સર્વ ધર્મો સમગ્રરુપે એક ધર્મ-તત્ત્વ છે જે સૃષ્ટિને અદ્વૈતમાં જોડી રાખવાનો સંદેશ આપે છે. પરંતુ મનુષ્ય સ્વાર્થના પ્રચંડ પ્રવાહમાં તણાઈ આ ધર્મ-તત્ત્વથી વિખૂટો પડી ચૂક્યો છે. તેણે ધર્મના નામે જ દુનિયાને ટૂકડાઓમાં વિભાજીત કરી છે. આથી આપણે મનુષ્યના દોષને કોઈ ધર્મના દોષ રુપે જોવાનું બંધ કરી દેવું જોઇએ. આ દુનિયા બે પ્રકારના લોકોમાં વર્ગીકૃત થઈ ચૂકી છે. એક પોતાના અહમને ધર્મનું અને સ્વાર્થને શ્રધ્ધાનું નામ આપી માનવસમાજને ખંડિત કરનાર મનુષ્યો અને બીજા દુનિયાને અદ્વૈતમાં જોડનારા સાચા ધાર્મિક મનુષ્યો. આપણે પણ કોઈપણ મનુષ્યને આ બેમાંથી જ કોઈ એક રીતે ઓળખવાનો છે. કારણ કે આ રીતે જ આપણે ધર્મને માણસના સ્વાર્થ અને અહમથી છોડાવી સમાજમાં સ્થાપી શકીશું.
September 12 / 2015 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ
સૃષ્ટિની શરૂઆતમાં ઉત્પન્ન થયેલી શક્તિની ત્રણ વિશિષ્ટ ડીઝાઈનો
“જેમને આપણ ઇશ્વરની પદવી આપી ચૂક્યા છીએ તેવા બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો સાચો વૈજ્ઞાનિક અર્થ જ આપણને તેમની વધુ નજીક લાવી શકશે.”
ચાલુ વર્ષે જ ઉપનિષદોના વિજ્ઞાનને વિશ્વભરમાં આધુનિક ભાષામાં પુનઃઅવતરીત કરવામાં આવ્યું. તે પુસ્તક છે ‘It’s not a Creation, It’s a Projection through Expression’. આ પુસ્તકમાં બ્રહ્માંડ અને માનવજીવનના દરેક ગૂઢ રહસ્યનું સ્પષ્ટ વૈજ્ઞાાનિક સ્પષ્ટિકરણ આપવામાં આવ્યું છે. જેમાંથી આજે આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે ઉભી થયેલી શક્તિની એ ત્રણ વિશિષ્ટ ડિઝાઈનોની વાત કરીશું જેમને આપણે ઇશ્વરની ઉપમા આપી છે અને તે સમજ્યા બાદ જ આવતા અંકમાં સેક્સ અને ભક્તિના ગૂઢ રહસ્યોને પ્રોજેક્ટ કરીશું.
પુસ્તક મુજબ આ સૃષ્ટિ પહેલા શક્તિના એક નાના પિંડ સ્વરૃપે હતી. આ શક્તિને ઉપનિષદોમાં બ્રહ્મ કહેવામાં આવ્યું છે આથી તે પિંડને બ્રહ્મનો પિંડ કહે છે. ત્યારબાદ તે પિંડ વિસ્ફોટરૃપે ફૂટ્યો અને પિંડની તટસ્થ ઉર્જા પુરુષ શક્તિ અને સ્ત્રી શક્તિ એમ બે વિરુધ્ધ પ્રકૃતિઓમાં છૂટી પડી વિસ્તરવા લાગી. આ વિસ્ફોટકને વિજ્ઞાાન આજે બિગ બેંગ કહે છે.
આધુનિક વિજ્ઞાન બિગ બેંગના વિસ્ફોટ પછી તરત જ વિસ્તરણ શરુ થયું તેને જ બ્રહ્માંડ કહે છે જ્યારે ઉપનિષદોએ તેમાં પણ સૂક્ષ્મ ભેદ રાખ્યો છે. વિસ્ફોટ બાદ શરુઆતમાં શક્તિ પ્રમાણમાં એકત્રિત હતી જે ધીરે ધીરે ખંડિત થતી ગઈ. આ શરુઆતની પ્રમાણમાં એકત્રિત શક્તિએ જે પહેલી ડિઝાઈન રચી તેને ઉપનિષદોમાં શિવ નામ આપવામાં આવ્યું. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે શિવના સ્ટેજમાં પિંડની ઉર્જા બે વિભાગોમાં વહેંચાયેલી હતી. અને આ બંને વિભાગોમાં પુરુષ અને સ્ત્રી એ બંને પ્રકૃતિઓ હતી. પુરુષ પ્રકૃતિ બહારની તરફ જતી બહિર્ગામી અભિવ્યક્તિ ધરાવે છે (શિવ સ્ટેજના ચિત્રમાં ડાબી બાજુ ઉપર અને જમણી બાજુ નીચે). આથી તેને શિવના લીગનું પ્રતિક આપી ‘શિવ પ્રકૃતિ’ પણ કહેવામાં આવી છે. જ્યારે સ્ત્રી શક્તિ અંદરની તરફ ખેંચાણ ધરાવતી અંતર્ગામી અભિવ્યક્તિ ધરાવે છે. (શિવ સ્ટેજના ચિત્રમાં ડાબી બાજુ નીચે અને જમણી બાજુ ઉપર). આથી તેને સ્ત્રીની યોનીનું પ્રતિક આપી ‘શક્તિ પ્રકૃતિ’ પણ કહે છે.
આમ, શિવ સ્ટેજના બંને વિભાગોમાં શિવ અને શક્તિ એમ બંને પ્રકૃતિઓ સમાન માત્રામાં સામેલ હતી. આથી જ શિવને ‘અર્ધ નારેશ્વર’ કહેવામાં આવે છે. શિવ સ્ટેજમાંથી સ્ટેજમાંથી આગળ બ્રહ્મ જ્યારે વિસ્તર્યું ત્યારે તેની શક્તિ એવા બે વિભાગોમાં વહેંચાઈ જે સાત પરીમાણોમાં વહેંચાયેલા હતા. આ સ્ટેજને વિષ્ણુ કહેવામાં આવ્યા. ચિત્રના વિષ્ણુ સ્ટેજમાં બતાવ્યા પ્રમાણે સૌથી નીચેનું પરીમાણ પહેલું પરીમાણ છે જે ડાબી બજુના વિભાગમાં અંતર્ગામી અને જમણી બાજુના વિભાગમાં બહિર્ગામી હતું. તેના ઉપરનું બીજુ પરીમાણ ડાબી બાજુના વિભાગમાં બહિર્ગામી અને જમણા વિભાગમાં અંતર્ગામી હતું. આમ, બાજુ બાજુના પરીમાણો વિરુધ્ધ પ્રકૃતિ ધરાવતા હતા તથા કોઈ એક પરીમાણના બંને વિભાગો પણ વિરુધ્ધ પ્રકૃતિ ધરાવતા હતા. અને જ્યારે વિષ્ણુથી આગળ બ્રહ્મ વિસ્તર્યું ત્યારે તેની શક્તિ એટલી ખંડિત થઇ ગઈ કે તે ફક્ત ત્રણ જ પરીમાણો બનાવી સકી અને બાકીના પરીમાણો નાના-નાના કણોની શક્તિમાં વિખેરાઈ ગયા. આ ત્રણ પરીમાણો ધરાવતી જે ડિઝાઈન અસ્તિત્ત્વમાં આવી તેને ઉપનિષદોએ બ્રહ્માંડ કીધું, બ્રહ્મનો અંડ. જેની રચના બ્રહ્માએ કરી હતી અને આજે પણ એ તેની સતત રચના કર્યા જ કરે છે.
તો સવાલ એ છે કે આ બ્રહ્મા કોણ છે ? ઉપનિષદોમાં ‘બ્રહ્મા’ શબ્દ હકીકતમાં શક્તિના એ સ્વરૃપ માટે વાપરવામાં આવ્યો છે જે આ બ્રહ્માંડમાં દળને ઉત્પત્તિ આપે છે અને ઉપનિષદોની મહાનતા સામે અહીં જ આપણને મસ્તક નમાવી દેવાનું મન થાય છે કારણ કે દળને ઉત્પન્ન કરતું શક્તિનું સ્વરૃપ બીજુ કોઈ નહી ૨૦૧૨માં શોધાયેલો અને વિશ્વભરમાં ચર્ચાયેલો ‘હિગ્સ બોઝોન’ છે. આધુનિક વિજ્ઞાાનમાં પણ કેટલાક વિજ્ઞાાનિકોએ જ્યારે હિગ્સ બોઝોનને ‘ગોડ પાર્ટીકલ’ કે ‘ઇશ્વરીય કણ’ કહેલો ત્યારે વિવાદ થયો હતો પરંતુ સત્ય એ છે કે લગભગ આઠ હજાર વર્ષ પહેલા ઉપનિષદોમાં પણ શક્તિના આ સ્વરૃપને ‘બ્રહ્મા’ નામ સાથે ઇશ્વર જ કહેવામાં આવ્યો હતો. આથી જ આજના બ્રહ્માંડને બ્રહ્માનું સ્ટેજ કહેવામાં આવ્યું. જે ત્રણ પરીમાણો બ્રહ્માના સ્ટેજમાં બન્યા એ આપણા અવકાશ અને સમયના પરીમાણો છે અને હિગ્સ બોઝોન કે બ્રહ્મા વડે જે નાના-નાના કણો તેમાં બન્યા તે ઇલેક્ટ્રોન અને પોઝીટ્રોન હતા.
જેને આપણે સદીઓથી ‘બ્રહ્મા’ કહીએ છીએ એ બીજું કંઇ નહી વિજ્ઞાાને હમણાં જ શોધેલો ‘હીગ્ઝ બોઝોન’ છે.
હવે બ્રહ્માંડનું ઝડપી વિસ્તરણ શરૃ થઇ ચૂક્યું હતું, પરંતુ બ્રહ્માંડ પોતાના આ વિસ્તરણને રોકીને ફરી પાછા પેલા પિંડ સ્વરૃપમાં ફેરવાઈ જવાની કોશિશ કરતું હતું. કારણ કે એ અદ્વૈત પિંડ જ બ્રહ્માંડની શક્તિનું મૂળ સ્વરૃપ હતું. આમ, પોતાના મૂળ અદ્વૈત સ્વરૃપને પાછું મેળવવા એ વિસ્તરણ રોકવું જરૃરી હતું જેની કોશિશોમાં બ્રહ્માંડે એ નાના નાના કણોને જોડીને પરમાણુ અને અણુ બનાવવાની શરુઆત કરી. અણુઓને જોડીને ભારે તત્ત્વો અને તે તત્ત્વોથી બનેલા મોટા મોટા તારાઓ અને આકાશગંગાઓ બનાવી. આમ છતાં, એ વિસ્તરણ બંધ ના થયું. આથી બ્રહ્માંડની શક્તિએ એક ક્રાન્તિકારી વળાંક લીધો અને અપાર શક્તિને એક સૂક્ષ્મ પદાર્થમાં સમાવી તેની બહારની પ્રકૃતિ સાથે આપ લે શરુ કરી. આ પદાર્થ બેક્ટેરીઆ હતો અને તે જીવનની શરૃઆત હતી. આ જીવન આગળ વધીને માછલીઓ વાંદરાઓ અને આદિમાનવોથી થઇને મનુષ્ય રુપે વિકસ્યું. અને મનુષ્યની આ ઉત્પત્તિ બ્રહ્માંડ માટે એક બહુ મોટી ઉપલબ્ધિ હતી કારણ કે મનુષ્ય બીજું કંઇ નહી પણ બ્રહ્માંડની શરુઆતમાં ઉભી થયેલી વિષ્ણુના સ્ટેજની જ ડિઝાઈન હતી. વિષ્ણુ સ્ટેજના એ સાત પરીમાણો માનવના મસ્તિષ્કમાં કેદ થયેલા હતા અને એ પરીમાણોની શક્તિ માનવશરીરના સાત ચક્રોમાં સંચિત થયેલી હતી. આથી જ કહેવાયું છે કે ‘નર(મનુષ્ય) એ જ નારાયણ’ મનુષ્ય જ્યારે તેના આ સાતેય પરીમાણોને પૂર્ણ સ્વરૃપમાં અભિવ્યક્ત કરવા લાગે છે ત્યારે તે સમગ્ર બ્રહ્માંડની શક્તિને સાત અલગ પરીમાણોમાં અભિવ્યક્ત કરે છે. આવા લોકોને વિષ્ણુના અવતારો કહેવામાં આવ્યા છે અને તેમની અભિવ્યક્તિ સાત પરીમાણોમાં રહેલા અનેક ગુણોમાં થતી હોવાથી વિષ્ણુને ‘પૂર્ણ પુરુષોત્તમ’ કહે છે.
મનુષ્યના સાત ચક્રોમાના પહેલા પાંચ ચક્રો માનવશરીરની પાંચ ઇન્દ્રિયો સાથે જોડાયેલા છે. જ્યારે છઠ્ઠુ ચક્ર મનુષ્યની બુધ્ધિ સાથે જોડાયેલું છે જેનું સ્થાન ભ્રુકુટી વચ્ચે સ્થિત છે. બુધ્ધિ મનુષ્યની પાંચ ઇન્દ્રિયોનું નિયમન કરે છે અને આ કારણે બુધ્ધિ સાથે જોડાયેલું છઠ્ઠુ ચક્ર પાંચ ઇન્દ્રિયો સાથે જોડાયેલા પ્રથમ પાંચ ચક્રોની શક્તિને પોતાનામાં કેન્દ્રિત રાખે છે. આ કારણે મનુષ્યની સર્વ શક્તિ અને ચરિત્ર તેના લલાટ પર રહેલા છઠ્ઠા ચક્રથી અભિવ્યક્ત થાય છે. આ ઉપરાંત વિષ્ણુસ્ટેજના પરીમાણોની જેમ મનુષ્યમાં પણ પાંચમા અને છઠ્ઠા ચક્રની પ્રકૃતિ પુરુષ કે સ્ત્રી પ્રકૃતિ એમ એકબીજાથી વિરુધ્ધ હોય છે. આમ, મનુષ્યનો ચહેરો છઠ્ઠા ચક્ર રુપે સમગ્ર શરીરની પરીમાણી ઉર્જા અને પાંચમા અને છઠ્ઠા બંને ચક્રો રૃપે સૃષ્ટિની બંને વિરોધી પ્રકૃતિઓ અભિવ્યક્ત કરી દે છે. જે બ્રહ્માંડના શિવ સ્ટેજની રચના છે. આમ, મનુષ્યનું સમગ્ર શરીર વિષ્ણુ સ્ટેજમાં છે જ્યારે તેની મુખાકૃતિ શિવ સ્ટેજમાં છે. આ કારણે જ આપણે મનુષ્ય રુપમાં મૂર્તિ પુજા કરીએ છીએ. કારણ કે મનુષ્યની મુખાકૃતિ સમગ્ર બ્રહ્માંડને બે જ પરીમાણોમાં એકત્ર કરતી રચના છે. જ્યારે મનુષ્યનું શરીર સમગ્ર બ્રહ્માંડને સાત પરીમાણોમાં એકત્ર કરતી રચના છે. આ કારણે મૂર્તિ-પૂજા દ્વારા આપણે બ્રહ્માંડની સમગ્ર શક્તિને એક જ મૂર્તિમાં કેન્દ્રિત થયેલી જોઈ તેનાથી એકરૃપ થઇ શકીએ છીએ. આ જ છે મૂર્તિ-પૂજાનું રહસ્ય. આ ઉપરાંત મનુષ્ય જેમ જેમ આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ કરતો જાય છે. તેમ તેમ તેની શક્તિ છઠ્ઠા ચક્રમાં કેન્દ્રિત થાય છે. એટલે કે તે શિવ સ્વરૃપમાં સ્થાયી થાય છે અને તેનાથી આગળ વધતાં, શક્તિ સાતમા ચક્રનું ભેદન કરી બ્રહ્માંડ સાથે એકરુપ બને છે. આને જ મોક્ષ કહે છે.
આમ, મનુષ્ય વિષ્ણુમાંથી શિવ બની છેલ્લે મોક્ષ મેળવે છે. આથી, શિવને વિષ્ણુથી આગળ એવા મહાદેવ કહેવામાં આવ્યા છે. આમ, મનુષ્યની મોક્ષ તરફની યાત્રા બ્રહ્માંડના વિસ્તરણની વિરુધ્ધ દિશામાં હોવાથી તે બ્રહ્માંડના વિસ્તરણને અવરોધે છે. આથી બ્રહ્માંડના વિસ્તરણને રોકવા મોક્ષ મેળવવો એ જ મનુષ્યના અસ્તિત્વનું એકમાત્ર કારણ છે.
September 20 / 2015 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
સેક્સ - એક અનંત મૃગજળ અને ભક્તિ - એક અનંત સેક્સ
“સની લીયોનીને બાળપણમાં ભજન- કીર્તનમાં રસ હતો, પણ મોટી થઈને તે દુનિયાભરમાં એક સિમ્બોલ બની. જે મહાત્મા ગાંધીએ ૧૬ વર્ષની ઉંમરે પત્ની સાથે સેક્સ માણવા પિતાને મરણ પથારીએ છોડી દીધેલા તે આગળ જઈને દુનિયાભરમાં આધ્યાત્મિક સિમ્બોલ બન્યા હતા. શું કનેક્શન છે આ બંનેમાં?”
ગયા અંકમાં આપણે જોયું કે, મનુષ્ય એ વિષ્ણુનું સ્ટેજ બ્રહ્માંડ છે અને વિષ્ણુના સ્ટેજના સાત પરિમાણો માનવ શરીરમાં સાત ચક્રો સાથે જોડાયેલા છે. હવે જે વાત ગયા અંકમાં બાકી રહી ગયેલી એ તે કે વિષ્ણુ સ્ટેજના બ્રહ્માંડમાં સાતેય પરિમાણો બે વિભાગમાં વહેંચાયેલા હતા પરંતુ, જીવનની ઉત્ક્રાંતિ મનુષ્ય સુધી પહોંચી ત્યાં સુધીમાં જીવન સ્ત્રી અને પુરુષ એમ બે શરીરોમાં વહેંચાઈ ગયેલું. આમ, વિષ્ણુના સ્ટેજના બે વિભાગોમાંથી માનવ શરીરમાં એક જ વિભાગ અભિવ્યક્ત થયો અને સામેનો બીજો વિભાગ તે શરીરમાં કામ કરતા અર્ધજાગ્રત મનની શક્તિમાં વિખેરાઈ ગયો. જો વિષ્ણુ સ્ટેજના ચિત્રમાં બતાવેલા વિભાગોમાં ડાબી બાજુનો અર્ધો વિભાગ અભિવ્યક્ત થાય તો સ્ત્રીનું શરીર બને કારણ કે તેનું પહેલું પરિમાણ અંતર્ગામી છે જે સ્ત્રીની યોનિ રૃપે અભિવ્યક્ત થાય છે. તેનું ચોથુ પરિમાણ બહીર્ગામી છે જે સ્ત્રીના સ્તન તરીકે અને પાંચમુ ચક્ર અંતર્ગામી હોઈ સ્ત્રીના તીણા અવાજ સ્વરૃપે અભિવ્યક્ત થાય છે. આ સંબંધમાં ચિત્રમાંનો જમણો વિભાગ સ્ત્રી શરીરના અર્ધજાગ્રત મનની શક્તિ તરીકે કામ કરે છે. આ રીતે ચિત્રમાંનો જમણી બાજુનો વિભાગ અભિવ્યક્ત થાય તો પુરુષનું શરીર બને છે અને ડાબી બાજુની વિભાગ પુરુષના અર્ધજાગ્રત મનની શક્તિ તરીકે કાર્ય કરે છે. આ પુરુષ શરીરમાં પહેલું પરિમાણ બહિર્ગામી હોઈ શિશ્નરુપે અભિવ્યક્ત થાય છે તથા ચોથુ ચક્ર અંતર્ગામી હોઈ પુરુષમાં સ્તન અલ્પ વિકસીત રહે છે. પાંચમા ચક્રની બહીર્ગામી પ્રકૃતિ પુરુષના ઘેેેરા અવાજ અને દાઢી- મૂછો માટે જવાબદાર હોય છે. આમ, સ્ત્રીનો અભિવ્યક્ત વિભાગ એ પુરુષના શરીરનો બિનઅભિવ્યક્ત વિભાગ છે અને પુરુષનો અભિવ્યક્ત વિભાગ સ્ત્રીના શરીરનો બિનઅભિવ્યક્ત વિભાગ છે. આમ, સ્ત્રી અને પુરુષના સાતેય ચક્રોની પ્રકૃતિ એકબીજાથી વિરુદ્ધ હોય છે જે વિષ્ણુના સ્ટેજના વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા વિભાગોના કારણે છે.
આ કારણે જ્યારે સ્ત્રી અને પુરુષ એકબીજાની સામે આવે છે ત્યારે તેમના સાતેય ચક્રોની વિરુદ્ધ પ્રકૃતિ એકબીજાથી આકર્ષાય છે. પરંતુ જે સૌથી મોટું રહસ્ય છે તે એ કે અસલમાં સ્ત્રી અને પુરુષ એકબીજાથી નથી આકર્ષાતા. તેઓ પોતાના જ શરીરના પેલા બિનઅભિવ્યક્ત વિભાગથી આકર્ષાય છે. હા, જ્યારે કોઈ સ્ત્રી પુરુષની સામે આવે છે ત્યારે તે સ્ત્રીના ચક્રોમાંથી નીકળતા તરંગોમાં પુરુષોના બિન અભિવ્યક્ત વિભાગોને સક્રિય કરી દે છે. કારણ કે સ્ત્રીના ચક્રોમાંથી નીકળતા તરંગો પુરુષના બિન અભિવ્યક્ત વિભાગોને સક્રિય કરી દે છે. કારણ કે સ્ત્રના ચક્રો એ પુરુષનો બિનઅભિવ્યક્ત વભાગ છે. આમ, પુરુષ શરીરમાં સક્રિય બનેલો એ બિનઅભિવ્યક્ત વિભાગ જ પુરુષના અભિવ્યક્ત વિભાગને એકબીજામાં ભળી તટસ્થ ઊર્જા બનવા આકર્ષે છેય આમ, સેક્સની આખી ક્રિયા પુરુષના જ શરીરમાં આ બે વિભાગો વચ્ચે થાય છે. આ જ રીતે સ્ત્રીના શરીરમાં પણ સેક્સની ક્રિયા તેના જ બે વિભાગો વચ્ચે થાય છે. આ જ કારણ છે કે એકાંતમાં પણ જ્યારે પુરુષ કોઈ સ્ત્રી કે સ્ત્રી પુરુષ વચ્ચે વિચારે છે ત્યારે તે વિચારમાત્રથી તેનો બિનઅભિવ્યક્ત વિભાગ સક્રિય થઈ જાય છે અને જનનેન્દ્રિયને ઉત્તેજન આપતા જ શરીરના બે વિભાગોની વિરુદ્ધ પ્રકૃતિઓનું મિલન શરુ થઈ જાય છે જેને આપણે હસ્તમૈથુન કહીએ છીએ. આ જ રીતે જ્યારે સ્ત્રી અને પુરુષ પરસ્પર સેક્સની ક્રિયા કરે ત્યારે સેક્સની ક્રિયા તે બંને શરીરોમાં સ્વતંત્ર રીતે જ થાય છે. શરીરો તો માત્ર જનીન અંગોનેે ઘસીને ઉત્તેજના આપવા માટેની એક સપાટી જ પૂરી પાડે છે. આમ જો આપણે સેક્સને બે આત્માઓનું મિલન ગણતા હોઈએ તો અસલમાં સેક્સ માટે વિરોધી લીંગના શરીરની કોઈ જરૃર નથી. ઉપરથી શરીર તો સેક્સની ક્રિયામાં એક અવરોધ છે અને એ કેવી રીતે સેક્સને અવરોધે છે તે જ સેક્સ વિશેનું બીજું સૌથી મોટું રહસ્ય છે.
પુરુષ અને સ્ત્રી જ્યારે એકબીજાથી આ સાત પરીમાણોમાં આકર્ષાય છે ત્યારે તેમને વિરોધી પ્રકૃતિઓનું મિલન કરી એક તટસ્થ ઊર્જા બની જવાનું મન થાય છે પરંતુ તેઓ આમ કરવા જાય છે ત્યારે તેમનું મિલન તો શરીરોની મારફતે જ શક્ય બને છે અને અહીં શરુ થાય છે સેક્સની સૌથી મોટી મર્યાદા. પુરુષ અને સ્ત્રીને થઈ રહેલું આકર્ષણ સાત પરીમાણોમાં છે જ્યારે તેમના મિલનનું એકમાત્ર સાધન એવું તેમનું શરીર ત્રણ પરીમાણોમાં છે. આથી સેક્સની ક્રિયા દરમિયાન તેમને એવો અહેસાસ થાય છે કે જાણે તેમનું શરીર તેમને તેમના પ્રિય પાત્રથી મળતા રોકી રહ્યું ચે. તેઓ ઘણી કોશિષ કરે છે તે શરીરનો અવરોધ હટાવીને સામે વાળી વ્યક્તિના સાથે સાતેય પરીમાણોમાં એક થઈ જવાની પરંતુ તેઓ શરીરના એ ત્રણ પરિમાણોથી આગળ નથી જઈ શકતા અને અંતે પોતાના જનનેન્દ્રિય અંગોને ઘસીને ચરમસીમાનો અનુભવ કરી લઈ શાંત થવા માગે છે. આવું જ્યારે વારંવાર બને છે ત્યારે મનુષ્ય તેના પ્રિય પાત્રથી છેતરાયો હોવાનું અનુભવે છે. સેક્સના આ સત્યની જાણ ન હોવાથી ઘણીવાર પુરુષો કે સ્ત્રીઓ લગ્નેત્તર સંબંધો તરફ વળે છે. કદાચ બીજી વ્યક્તિ સાથેના સેક્સમાં તેમને સંતૃપ્તતા મળશે પરંતુ આવો કોઈ પુરુષ દુનિયાની સુંદરમાં સુંદર હીરોઈન સાથે પણ સેક્સ માણવા જાય છે ત્યારે તેની મુલાકાત ફરીથી એ જ ચરબી, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી બનેલા ચામડાથી થાય છે અને તે ચામડાને અથડાઈને અતૃપ્ત જ પાછો ફરે છે. આમ, સેક્સ એ પૃથ્વી પરનું ક્યારેય ખતમ ન થવાવાળું મૃગજળ છે જે તમને સતત મિલન માટે લલચાવે છે પરંતુ ક્યારેય તે સંપૂર્ણ મિલનને પૂરું પાડતું નથી. તે આવા ક્યારેય સમાપ્ત ન થવાવાળા મિલન પાછળ દોડાવી દોડાવીને મનુષ્યને અંતે ખતમ કરી દે છે.
તો પછી સ્ત્રી અને પુરુષના સંપૂર્ણ મિલનનો રસ્તો કયો ? જવાબ છે સંગીત. સંગીત ભક્તિનું સાધન છે. સંગીતના સાત સૂરો શરીરના સાત ચક્રો સાથે જોડાયેલા છે. સ્વરોની વિવિધ ગોઠવણથી નીકળતું સંગીત વિવિધ ચક્રોને ઉત્તેજિત કરવાનું કાર્ય કરે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનો પાયો એના ઉપર જ ટકેલો છે. શાસ્ત્રીય સંગીત આધ્યાત્મની સાધના સાથે સંકળાયેલું હોવાથી બે ભ્રમરોની વચ્ચે આવેલા છઠ્ઠા ચક્રને જાગૃત કરવાનું લક્ષ્ય ધરાવે છે. જ્યારે પશ્ચિમી સંગીત મોટે ભાગે આવેગ અને કામુકતાને ઉત્તેજીત કરતા પ્રથમ ચક્રને જાગૃત કરે છે. ક્રિષ્નના રાધા સાથેના દિવ્ય પ્રેમનો અર્થ જે લોકો ન સમજ્યા હોય તે આજે સમજી લે તેમનો પ્રેમ એટલે દિવ્ય હતો કે તેમનું મિલન શરીર અને ઇન્દ્રિયોથી થતું અધૂરું મિલન નહોતું તેમનું મિલન સાતેય પરિમાણોમાં થતું અને તે મિલન માટેનું સાધન હતો ક્રિષ્નની મુરલીમાંથી નીકળતા મધુર સ્વરો જે બંનેના ચક્રોને એક પછી એક ઉત્તેજીત કરી અને સાતમા ચક્રમાં તેમનું સંપૂર્ણ મિલન કરાવતા. આ કારણે રાધા અને ક્રિષ્ન વચ્ચેનો ભેદ ભૂલાઈ જતો. કારણ કે સ્ત્રી અને પુરુષના બંને વિભાગોના સંપૂર્ણ મિલનથી જ મનુષ્ય તટસ્થ પિંડ સ્વરૃપમાં રૃપાંતરિત થઈ શકે છે અને એ જ મોક્ષ છે. રાધાકૃષ્ણનો આ દિવ્ય પ્રેમ જ ભક્તિ છે અને આવી ભક્તિ દ્વારા મોક્ષ મેળવવા જ પતિ- પત્ની વચ્ચેનો લગ્ન સંબંધ અમલમાં મૂકાયો હતો. આ કારણે જ રુક્મણિ અને ક્રિષ્નના સ્થાને રાધા-ક્રિષ્નની મૂર્તિઓને એક આદર્શ તરીકે મંદિરોમાં સ્થાપવામાં આવી હતી. આમ, ભક્તિમાં થતું મિલન કે ભક્તિ દ્વારા થતા સેક્સ અનંત છે કારણ કે તેમાં શરીરનો અવરોધ નથી ભક્તિ જ મોક્ષનું સાધન છે.
આમ, વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા બે વિભાગો આપણા બધાના શરીરમાં છે અને સંસારમાં સ્ત્રી અને પુરુષો પણ ચારેય બાજુ છે. આથી તટસ્થ ઊર્જાનો એક પિંડ બની જવાની બ્રહ્માંડની નૈસર્ગિક ઇચ્છાના કારણે સ્ત્રી પુરુષનું પરસ્પર મિલન માટનું આકર્ષણ તો રહેવાનું જ. પરંતુ સવાલ એ છે કે તે મિલન આપણે ક્યા માર્ગથી કરીએ છીએ ? શરીરથી જ જે વારંવાર મિલન કરવા જાય છે તે સની લીઓનીના માર્ગે સરકી જાય છે અને જે સંગીત દ્વારા ભક્તિના માર્ગને પકડે છે તે સીધો ગાંધી તરફ જાય છે. એક નિરંતન અસંતૃપ્તા. બાકી જગત નિર્દોષ છે. જે આજે સની લીઓની છે તે ક્યારેક ગાંધી બનશે જ. કારણ કે જે આજે ગાંધી બન્યા છે તે પણ ક્યારેક સની લીઓની હતા.
May 08 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
'હિંદુ' શબ્દ : આપણી ગુલામીની માનસિકતાનું સૌથી સજ્જડ પ્રતિક
“આપણને ગુલામ બનાવનારાઓએ આપણને જે નામ આપ્યું એનાથી આટલો મોહ શા માટે ? આપણી તમામ સામાજીક અને સાંસ્કૃતિક સમસ્યાઓનું મૂળ આ વિદેશી નામ જ તો છે. હે ભારતીયો ! ચાલો હવે આપણી એ મૂળ ઓળખ તરફ પાછા ફરીએ.”
લેખનું શીર્ષક વાંચીને જો તમારો અહ્મ ઘવાઈ ગયો હોય અને તમારી લાગણીઓ દુભાઈ ગઈ હોય તો આ લેખ ખરેખર તમારા માટે એક ટેસ્ટ છે. આપણામાંથી કેટલા જાણે છે કે જે હિંદુ ધર્મની વાત આવતાં જ હવે આપણે ભાવુક અને ઝનૂની થવા લાગ્યા છીએ. તે ‘હિંદુ’ શબ્દને સાંભળ્યો હોય તેવો એકેય માનવ ઈસુ પછીની સાતમી સદી સુધી ભારતમાં જીવ્યો નહોતો. આ શબ્દના ચાર વેદોમાંથી એકેયમાં છે, ના કોઈ ઉપનિષદ, ના કોઈ પુરાણ, ના કોઈ સ્મૃતિ કે ના કોઈ અરણ્યકમા. વળી, આધ્યાત્મિક રીતે જોઈએ તો નવમી સદીની શરૃઆતમાં શંકરાચાર્ય જે ધાર્મિક સિદ્ધાંતો આપ્યા તે પણ અદ્વૈત વેદાન્ત નામે હતા, બારમી સદીની શરૃઆતમાં રામાનુજાચાર્યે જે સિદ્ધાંત આપ્યા તે વિશિષ્ટાદ્વેત વેદાન્ત અને સોળમી સદીમાં ચૈતન્ય મહાપ્રભુએ જે શાખા વિકસાવી તેને પણ ભક્તિ વેદાન્તના નામે જ હતી. આમ, ભારતીય શાસ્ત્રોમાં કે આધ્યાત્મિક જ્ઞાનમાં તો ‘હિંદુ’ શબ્દ ક્યાંય છે જ નહીં. તો પછી આ શબ્દ આવ્યો ક્યાંથી ?
ઈસ પૂર્વે ૮૦૦૦ સુધીમાં ભારતીય ઉપખંડમાં જે લોકો રહેલા હતા તે પોતાની જાતને આર્યો કહેતા. તે આર્યોમાં ઋષિઓ નામે વૈજ્ઞાાનિકો હતા જે બ્રહ્માંડના સત્યોની ખોજમાં તપસ્યા કરતા અને પોતે જાણેલી વિગતોને પુસ્તકોમાં લખતા. આ પુસ્તકો સંકલિત થઈને વેદો કહેવાયા. આવા ચાર વેદો તેમણે રચ્યા. દરેક વેદ બે ભાગમાં વહેંચાયેલો હતો. એક કર્મકાંડ અને બીજો જ્ઞાાનકાંડ. કર્મકાંડમાં મનુષ્યને સમાજમાં કેવી રીતે વર્તવું, પ્રકૃતિ સાથે કેવી રીતે વર્તવું, સત્યની ખોજમાં અને જીવનના ધ્યેયને પૂર્ણ કરવામાં કેવી રીતે વર્તવું એની ફરજો હતી. જ્યારે બીજા ભાગ જ્ઞાનકાંડમાં ઋષિઓએ જાણેલું બ્રહ્માંડનું વિજ્ઞાન હતું.
આ વિજ્ઞાનમાં ખગોળશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને માનવ આત્માના રહસ્યો ઉકેલતું સાંખ્યશાસ્ત્ર હતું. પણ વેદોના એ જ્ઞાાનકાંડમાં આ બધા વિજ્ઞાાનો આજના વિજ્ઞાાનની જેમ છૂટા છવાયા વિષયો નહોતા. તેઓ એકબીજા સાથે એક જ મૂળભૂત કારણથી શૃંખલાબદ્ધ જોડાયેલા હતા. આમ, જ્ઞાાનકાંડનું વિજ્ઞાાન ખંડિત નહીં પણ સળંગ હતું. આ જ્ઞાાનકાંડને જ આગળ જતાં ઉપનિષદ કહેવામાં આવ્યા. ઉપનિષદોને જાણ્યા પછી વેદોમાં બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. આથી, ઉપનિષદોને વેદોનો અંત એટલે કે ‘વેદાન્ત’ પણ કહેવામાં આવ્યું.
આ વેદાન્તનું જ્ઞાાન કોઈ એક સમુદાય, પ્રદેશ કે રાજ્ય માટે નહોતું, તે સમગ્ર બ્રહ્માંડને પોતાના સિદ્ધાંતોમાં આવરી લેતું હતું. આથી, તે જ્ઞાાનને સનાતન જ્ઞાાન અને તે જ્ઞાાન અનુસાર જીવતા ધર્મને સનાતન ધર્મ કહેવામાં આવ્યો. વેદાન્તનો આ સનાતન ધર્મ જ પ્રાચીન ભારતમાં વસતા આર્યોનો એકમાત્ર ધર્મ હતો. પરંતુ, જેમ આજે દરેક માણસ એસ્ટ્રો-ફીઝીક્સ અને પાર્ટીકલ ફીઝીક્સ નથી સમજી શકતો તેમ તે સમયે પણ બ્રહ્માંડના એ જટીલ સત્યોને સમજી શકે તેટલી શક્તિ દરેક માણસમાં નહોતી. આથી, તે સમયના ઋષિમુનિઓએ પુરાણો નામે બીજા ગ્રંથ રચ્યા અને તેમાં વેદાન્તના સત્યોને રોચક વાર્તાઓ અને દૈવી પુરુષોના જીવનચરિત્રો રૃપે રજૂ કરી. સામાન્યલોકો માટે વેદાન્તના વિજ્ઞાાન સાથે જોડાયેલા કેટલાક નવા ક્રિયાકાંડો વેદોના કર્મકાંડવાળા પહેલા ભાગમાં ઉમેરવામાં આવ્યા. સામાન્ય લોકો તે પૌરાણિક ગાથાઓ અને ક્રિયાકાંડો સાથે વેદાન્તના સત્યોની નજીક તો આવ્યા પણ તેમની નજર છીછરી હતી.
ધીરે ધીરે તેઓ એ કથાઓ અને ક્રિયાકાંડો પૂરતા સિમિત થઈ ગયા અને વેદાન્તનું વિજ્ઞાાન પાછળથી ગાયબ થઈ ગયું. આમ, વેદાન્ત કેન્દ્રી ભારતીય સમાજ ધીરે ધીરે પુરાણ કેન્દ્રી ભારતીય સમાજ થઈ ગયો. જાતિઓ કર્મના આધારથી ખસી જન્મના આધારે ગોઠવાઈ ગઈ. બ્રહ્મનો સાક્ષાત્કાર કરનારો બ્રાહ્મણ કહેવાતો હતો તેના સ્થાને હવે બ્રાહ્મણ પિતાના ઘરે જન્મવાવાળો જન્મજાત બ્રાહ્મણ કહેવાવા લાગ્યો. બીજી બાજુ શુદ્ર પિતાના ઘરે જન્મેલો કોઈ મનુષ્ય જો બ્રહ્મનો સાક્ષાત્કાર કરતો તો પણ તેને હવે બ્રાહ્મણ તરીકે ઓળખવામાં ન આવતો. તેને તેનું જીવન શુદ્ર તરીકે જીવવું પડતું, આમ, આર્યોના સમાજમાંથી સાચા બ્રાહ્મણો લુપ્ત થવા લાગ્યા. ‘બ્રાહ્મણતત્વ’ જતું રહ્યું અને ‘બ્રહ્મણવાદ’નો જન્મ થયો. આમ, ઋષિઓના પુરાણો લખવાના નિર્ણયથી વેદાન્ત ધર્મ આખા આર્યસમાજમાં ફેલાયો તો ખરો પણ આગળ જતાં તેણે મૂળ ધર્મનું સ્વરૃપ જ બદલી નાખ્યું.
શંકરાચાર્ય જેવા કોઈ સમયે સમયે પેદા થઈ જતા સાચા બ્રાહ્મણોના કારણે આઠમી સદી સુધી મૂળ સનાતન ધર્મ જીવતો થતો રહ્યો. પણ ભ્રષ્ટ બનેલી જાતિપ્રથાનું સાચું પરીણામ હવે આયું. આઠમી સદીમાં મુસ્લિમ આક્રમણકારીઓ ભારતમાં ઘુસી આવ્યા અને ભારતની જાતિઓ વચ્ચેના વિખવાદોનો ફાયદો ઉઠાવી દીલ્લી જીતી લીધું. આ મુસ્લિમો પડોશી દેશ પર્સિઆ (ઈરાન)માંથી આવ્યા હતા. અને અહીંયા છુપાયેલું છે આપણા આ ‘હિંદુ’ શબ્દનું મૂળ.
મુસ્લિમોના ઈરાનમાં પ્રવેશ્યા પહેલા ત્યાં જરથુષ્ટ્ર ધર્મના ઈરાનીઓ રહેતા હતા. ઈરાનીઓની ભાષા હતી અવેસ્તા અને આ અવેસ્તાના વ્યાકરણમાં ‘સ’ શબ્દનું અસ્તિત્વ જ નહોતું. ‘સ’ની જગ્યાએ તેઓ ‘હ’ બોલતા. એટલે ભારત જે તે સમયે ‘સપ્ત-સિંધુ’નો પ્રદેશ (સાત નદીઓનો પ્રદેશ) કહેવાતો તેને તેઓ ‘હપ્ત-હિંધુ’નો પ્રદેશ કહેતા. આ સપ્ત સિંધુના પ્રદેશમાં રહેતા લોકોને તેઓ ‘હિંધુ’ કહેતા જે સમય સાથે ‘હિંદુ’ બની ગયેલું. મહમ્મદ પયગંબરના મૃત્યુના થોડાક જ વર્ષોમાં મુસ્લિમોએ ઈરાન પર આક્રમણ કરી ઈરાન જીતી લીધું. ઈરાનીઓને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા. મુસ્લિમ ધર્મ સ્વીકારો કાં તો મુસલમાનોના ગુલામ બનો કાં તો મરવા તૈયાર થાઓ. ચાર દશકમાં આખું ઈરાન મુસ્લીમધર્મી કરી દેવામાં આવ્યું. અને ત્યારબાદ તે મુસ્લિમો ભારતમાં પ્રવેશ્યા. તેઓ ભૂતકાળના ઈરાનીઓ જ હતા. તેમણે ભારતના લોકોને ‘હિંદુ’ અને તેમના ધર્મને ‘હિંદુ-ધર્મ’ કહ્યો. ભારતને પણ તેમણે ‘હિંદુસ્તાન’ કહ્યું.
આપણે ગુલામ બન્યા. શરૃઆતમાં આપણા લોકોએ સંઘર્ષ કર્યો કે અમે આર્યો છીએ અને અમારો ધર્મ સનાતન ધર્મ છે, પણ પાછળથી વિદેશીઓની ગુલામી સાથે આપણે તેમનો આપેલો ‘હિંદુ’ શબ્દ પણ સ્વીકારી લીધો. છતાંય આગળ વાત કરી તેમ આધ્યાત્મિક રીતે તો છેક સોળમી સદી સુધી સનાતન ધર્મના જે પણ શાસ્ત્રો લખાયા તે વેદાન્ત નામે જ હતા. પણ સામાજીક અને રાજકીય જીવનમાં આપણે હિંદુ શબ્દ સ્વીકારી ચૂક્યા હતા. એ હદે કે સત્તરમી સદીના મધ્યમાં જ્યારે શિવાજીએ મુઘલો સામે યુદ્ધ છેડયું ત્યારે તે ભારતમાં ‘હિંદુઓના’ સ્વરાજ્ય માટે હતું. આમ, જે સમયે આપણે વિદેશીઓ સામે સાંસ્કૃતિક ગુલામીથી મુક્તિ માટે તલવાર ઉઠાવી તે સમયે આપણે પોતાને હિંદુ અને પોતાના ધર્મને હિંદુધર્મ તરીકે સ્વીકારી તેમની માનસિક ગુલામી સ્વીકારી ચૂક્યા હતા. આ હિંદુ ધર્મ પેલો ભ્રષ્ટ બનેલો પુરાણોનો ધર્મ હતો.
અને આજે તો એ હાલત છે કે આપણે ‘હિંદુ’ શબ્દ વિરુદ્ધ કંઈ સાંભળવા માંગતા નથી. હદ તો ત્યાં છે કે પોતાને હિંદુધર્મના લડવૈયા ગણતા ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ પોતાના અહમને સંતોષવા ‘હિંદુ’ શબ્દને વેદોમાં શોધે છે. આ જ આપણી ગુલામી છે. વિવેકાનંદના પુસ્તકો જેણે ધ્યાનથી વાંચ્યા હશે તે જાણતા હશે કે વિવેકાનંદે વારંવાર એ વાત પર જોર આપ્યું હતું કે ‘આપણે હિંદુ નહીં વેદાન્તી છીએ.’ આપણો ધર્મ વેદાન્ત ધર્મ છે. અને જ્યારે આપણે એ વેદાન્તના સનાતન ધર્મને આત્મસાત કરીશું ત્યારે જ વિદેશીઓની વૈચારીક ગુલામીમાંથી મુક્ત થઈ શકીશું.
તમે દરેક પણ પોતાની જાતને એ કહેવાની કોશિશ કરી જુઓ કે ”આ ‘હિંદુ’ શબ્દ તો મારા દુશ્મનો અને વિદેશીઓએ આપેલો છે. હું હિંદુ નથી. હું તો વેદાન્તી છું. ચાલ, મને વેદાન્ત તરફ જવા દે. વેદાન્તને જાણવાની શરૃઆત કરવા દે.” આટલું બોલતા જ તમારો અહમ તમને અવરોધશે. કેટલીક ભાવનાઓ, કોઈક મોહ, કોઈક માયાએ તમને જકડી રાખ્યા છે એવું લાગશે. તે કોઈ ભાવના કે મોહ નથી, તે ગુલામી છે. માનસિક ગુલામી. એ આપણા મન અને મસ્તિષ્ક પર થોપી દેવામાં આવી છે. ચાલો એનાથી બહાર નીકળીએ. આપણે એ મહાન ઋષિમુનિઓના વંશજ છીએ. પુરાણોથી ભ્રષ્ટ બનેલા આ હિંદુ ધર્મમાંથી આપણે એ મહાન પૂર્વજોના વેદાન્ત ધર્મ તરફ પ્રયાણ કરવાનું છે. એ જ આપણું મૂળ છે, એ જ આપણી મુક્તિનો માર્ગ છે અને એ જ આપણા પુર્નઉત્થાનની આખરી ઉમ્મીદ છે.
November 09 / 2015 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
જડભરત : એક એવો અવતાર જેણે માર્કેટિંગ ના કર્યું
“હજારો કૃષ્ણ ગુમનામીમાં ધકેલાઇ ગયા ત્યારે એક કૃષ્ણનું નામ થયું. હજારો બુધ્ધ નિર્વાણ પામી ગયા ત્યારે દુનિયાએ એક બુધ્ધને જાણ્યો.”
ભુમાયુને શાસન સોંપ્યા બાદ રાજા ભરતે સંન્યાસ લઇ વનવાસ ગમન કર્યું ત્યાં સુધીની અને તે પછીની વાત મહાભારતના આદી પર્વમાં છે. વનવાસમાં સંન્યાસીની માફક જીવતા ભરતે એકવાર એક હરણના બચ્ચાને દોડતું જોયું જેની પાછળ વાઘ શિકાર માટે પડયો હતો. ભરત જંગલી પ્રાણીઓથી બચવા બનાવેલા કામ ચલાઉ ધનુષ્ય-બાણ લઇને વાઘની સામે ચાલ્યા ગયા. તેનાથી ડરીને વાઘે પોતાની દિશા બદલી અને ત્યાંથી ભાગી ગયો. ભરત એકબાજુ ડરીને ઉભા રહી ગયેલા બચ્ચા તરફ ગયા. તેમણે આસપાસ જોયું પણ તેની મા દેખાઇ નહી. ભરતને લાગ્યું કે જો તે એને છોડી દેશે તો કોઇ દીવસ જંગલી પ્રાણીનો શિકાર બની જશે. આથી, ભરતે તે હરણના બચ્ચાને ઉછેરવાનું શરૃ કર્યું. રોજ નિયમિત ભોજન પૂરુ પાડયું. જંગલી પ્રાણીઓથી બચાવ્યું અને ભરપૂર લાડ લડાવ્યા. ધીરે ધીરે રાજા ભરત ઘરડા થયા અને મૃત્યુશયા પર આવી ગયા. હવે તેમને હરણની ચિંતા થવા લાગી કે તેમના મૃત્યુ પછી તેનું શું થશે ? આ ચિંતા સાથે જ રાજા ભરતના પ્રાણ ગયા અને જીવનના અંતિમ વર્ષો અને ક્ષણો સતત હરણનું ચિંતન કર્યું હોવાથી તેમનો આગલો જન્મ હરણનો થયો.
પરંતુ, સંન્યાસના તપ અને એક ધર્મનિષ્ઠ જીવનના કારણે હરણના શરીર રૃપે પણ તેમને તેમની પાછલો જન્મ યાદ હતો અને તેમને જ્ઞાાન થઇ ચૂક્યું હતું કે તેમણે કેટલી મોટી મૂર્ખામી કરી હતી. જે રાજા આખા ભારતવર્ષનું રાજપાટ છોડીને આત્માનું ચિંતન કરવા વનમાં આવ્યો હતો તે એક હરણના બચ્ચાના મોહમાં પડયો અને તેના જ ચિંતનમાં મર્યો. આ બોધ થયો હોવાથી હરણના શરીરમાં રાજા ભરતે કોઇ જ ઇન્દ્રિય સુખમાં રસ ન લીધો અને મોક્ષ મેળવવા જરૃરી એવો મનુષ્ય અવતાર ફરી માંગવા ભગવાન વિષ્ણુના રટણ સાથે હરણનો દેહ છોડયો. આ કારણે ભરતને મનુષ્ય દેહ મળ્યો અને તે એક બ્રાહ્મણના ઘરે ફરી જન્મ્યા અને આ વખતે પણ તેમને બાળપણથી જ પાછલા બંને જન્મોનું જ્ઞાાન હતું.
ભરત આ મનુષ્ય- જન્મમાં હવે કોઇપણ જાતની માયાથી દૂર રહ્યા. તે ભાગ્યે જ બોલતા અને માતા-પિતા, ભાઇ-બહેનો જેવા સંબંધોથી સંપૂર્ણ અનાસક્ત રહ્યા. તેમના માતા-પિતા અને ભાઇઓએ તેમને એક મુર્ખ અને કામ વગરનો માણસ માની વારંવાર અપમાન કર્યું પણ ભરતે પોતાના પૂર્વજન્મ કે આત્માના જ્ઞાાન વિશે કોઇ શબ્દ ઉચ્ચાર્યો નહી. સાંસારીક વાતો પ્રત્યે જડ ઉદાસીનતા બતાવવાથી ભરતના આ જન્મને ‘જડ-ભરત’ નામ આપવામાં આવ્યું. માતા-પિતાના મૃત્યુ પછી ભાઇઓએ તેનો તિરસ્કાર કરતાં જડભરતે મુક્ત વિચરતું જીવન શરૃ કર્યું. જ્યાં ક્ષણિક નોકરી કરતો ત્યાં પણ તેનું મન બ્રહ્મના વિવિધ રૃપો પ્રત્યે પ્રેમ અને કરુણામાં જ રહેતું. તે નિરંતર અદ્વૈતની ભૂમિકાએ જ રહેતો અને કામમાં તેનું ધ્યાન ઓછું રહેતું. આ કારણે એકવાર તેના માલિકે તેને કાઢી મૂક્યો. નિરંતર તિરસ્કાર અને અપમાનથી થાકીને તે ગામથી દૂર એક વૃક્ષના નીચે બેઠો અને બ્રહ્મમાં લીન થયો. એવામાં ત્યાંથી સૌવીરના રાજા રાહુગણ એક પાલખીમાં બેસી કપિલ ઋષિના આશ્રમે આત્મજ્ઞાાન લેવા જઇ રહ્યાં હતા. રાજાની નજર ઝાડ નીચે બેઠેલા જડભરત પર પડી. તેણે જડભરતને પણ પાલખી ઉપાડવામાં સાથ આપવા કહ્યું. જડભરત તરત પાલખી ઉપાડી ચાલવા લાગ્યો પરંતુ તેનું ધ્યાન રસ્તામાં આવતા કીડી-મકોડાઓ પર હતું. તે કોશિશ કરી રહ્યો હતો કે કોઇ કીડી-મકોડો તેના પગ નીચે આવીને મરી ન જાય કારણ કે તેમનામાં પણ જીવાત્મા છે એ વાત તે જાણતો હતો. તે ક્યારેક ધીમેથી પગલા ભરતો તો ક્યારેક કીડીને બચાવવા કૂદતો. આમ કરવાથી રાજાનું માથું પાલખીના ઉપરના ભાગે અથડાયું. રાજા ક્રોધિત થઇ ગયો અને પાલખી ઉભી રખાવી જડભરતને બોલવા લાગ્યો, ”હૈ મૂર્ખ, તારાથી આ એક નાનું કામ પણ નથી થઇ શકતું ? તું આ ધરતી પર શું કામનો છે ? તને એટલી પણ ખબર નથી કે હું એક રાજા છું ?” રાજાના અભિમાનથી જડભરતનો વર્ષોથી દબેલો ગુસ્સો નીકળી પડયો. તે પહેલીવાર ઉંચા અવાજે બોલ્યો, ‘તું કોણ છે અને હું કોણ છું એનો અર્થ જ ક્યાં છે જ્યારે તેની ઓળખ ખાલી આ નાશવંત શરીરથી જ હોય. આ શરીર મૃત્યુ પામશે અને તેની સાથે એ રાજા પણ. તારાથી પણ મોટો કેટલાય સમ્રાટો આવ્યા અને નષ્ટ થઇ ગયા અને આગળ પણ નષ્ટ થશે. જે એકમાત્ર વસ્તુ નષ્ટ નથી થતી તે હું છું તે છે આત્મા. હું તેને ઓળખી ચૂક્યો છું અને તું હજી એનાથી અજાણ છે એટલે જ આ વ્યર્થ અભિમાનને ધારણ કરીને ફરી રહ્યો છે.’
આટલું સાંભળતા જ સ્તબ્ધ બનેલો રાજા જડભરતના પગમાં પડી ગયો અને બોલ્યો, ”હે પ્રભુ ! મને માફ કરો. મૈં જ્ઞાાન તો ઘણા પાસે સાંભળ્યું છે પણ આટલા આત્મઅનુભવથી ભરેલા અને સૂતેલા આત્માને જગાડી દે તેવો નક્કર શબ્દો મેં આજ સુધી નથી સાંભળ્યા. હે પ્રભુ, તમે કોઇ આદીઋષિ છો અને હું તમને જ મારા ગુરુ તરીકે સ્વીકારું છું. મને આત્મજ્ઞાાન પ્રદાન કરો.” અને આ રીતે રાજા રાહુગણ જડભરતનો પહેલો અને એકમાત્ર શિષ્ય બન્યો જેને આત્મસાક્ષાત્કાર કરાવી જડભરત વનમાં જતા રહ્યાં અને બ્રહ્મલીન થઇને દેહત્યાગ કર્યો.
જડભરતની આ કથા આપણને ઘણા નગ્ન સત્યોની જાંકી કરાવે છે. એક તો એ કે ભૌતિક અને નાશવંત સુખો પાછળ ભાગતી આ મુર્ખ દુનિયામાં જે સાચો જ્ઞાાની હોય છે તેને જ દુનિયા મૂર્ખ ઘણે છે અને વારંવાર અપમાન કરે છે. કરોડો જુઠા માણસોની બહુમતી વચ્ચે તે સાચા માણસનો હંમેશા ઉપહાસ થાય છે.
બીજો સૌથી મોટો સંદેશ છે કીર્તિના મોહનો. આધ્યાત્મિક ઉન્નતિની યાત્રામાં છેલ્લો અને સૌથી મુશ્કેલ ત્યાગ કીર્તિનો મોહનો હોય છે અને જ્યાં સુધી આ મોહ ના છૂટે ત્યાં સુધી મનુષ્ય બ્રહ્મ સ્વરૃપને પામી શકતો નથી અને આ જ આજના મોટાભાગના સાધુસંતોની મૂળ સમસ્યા છે. ‘હું સન્યાસી બની જાઉ. પણ મોટો સંન્યાસી. ચારે બાજુ જેની ચર્ચા હોય. નામ હોય.’ આ કીર્તિની ઇચ્છા જ તેમને મોહમાયાના ચક્રવ્યૂહમાં એવા ફસાવે છે કે જે છેલ્લે તેમને એક પાખંડી બનાવીને બહાર પાડે છે. ‘હું બાકીની સૃષ્ટિતી અલગ છું.’ એવો ખયાલ હજી બાકી રહી ગયો હોય ત્યાં સુધી કીર્તિનો મોહ હાજર રહે છે. અદ્વૈતનું જ્ઞાાન ફક્ત શબ્દો રૃપે હાજર હોય પરંતુ તેનો સાક્ષાત્કાર હજુ થવાનો બાકી હોય. આવા લોકો માટે જડભરત એક આદર્શ અવતાર છે. જેનામાં રામ,કૃષ્ણ અને બુધ્ધ જવા વિષ્ણુના અવતારો જેટલી જ દિવ્યતા છે પરંતુ તે દિવ્યતાને તેણે પોતાની અંદર શૂન્યતા રૃપે સમાવી લીધી છે. આ જ શિવત્વ છે. શિવને વિષ્ણુથી મોટા દેવ કહેવામાં આવ્યા છે કારણ કે તેમનામાં વિષ્ણુ જેટલી જ શક્તિ અને દિવ્યતા છે. પરંતુ તે શક્તિની અભિવ્યક્તિ કરવાની લાલસા નથી. સમગ્ર સૃષ્ટિની શક્તિને પોતાની અંદર શૂન્યતામાં સમાવીને પણ તે સ્થિર છે. આથી જ શિવ મહાદેવ છે અને જડભરતની કથા એ જ શિવતત્વનું સચોટ દર્શન છે.
આવા જડભરતો આજે પણ હરદ્વાર, ઋષિકેશ અને હિમાલયમાં જોવા મળે છે જે એક સિધ્ધ આત્મજ્ઞાાની હોવા છતાં જંગલોમાં એકાકી જીવન કાઢે છે અને બ્રહ્મરૃપમાં લીન રહે છે. તેઓ કોઇને ઉપદેશ આપવાના કે દાદ મેળવવાની લાલસાથી સંપૂર્ણ મુક્ત હોય છે. આ જડભરતો પાસેથી કીર્તિના મોહમાં સપડાયેલા અને પોતાને અવતાર કે ભગવાન કહેવડાવવાની લાલસામાં પડેલા આપણા મેટ્રો સીટીઓના બાપાઓને ઘણું શીખવાનું છે. હજારો કૃષ્ણ જડભરતની જેમ ગુમનામીમાં ધકેલાઇ ગયા ત્યારે એક કૃષ્ણનું નામ થયું છે. હજારો બુધ્ધ નિર્વાણ પામી ગયા ત્યારે દુનિયાએ એક બુધ્ધને જાણ્યો છે અને હજારોમાંથી તે એક કીર્તિ મેળવનારો કોણ હશે તે કુદરત પોતે નક્કી કરે છે. આપણે નહી. આપણું કામ તો બસ કીર્તિના મોહને છોડવાની એ છેલ્લી પરીક્ષા પાસ કરવાનું છે. આટલું કરતાં જ કુદરત આપણા માટે ઇતિહાસમાં કોઇને કોઇ સ્થાન શોધી લેશે.
November 14 / 2020 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
યયાતિ-સિન્ડ્રોમ પૃથ્વી અને માનવસમાજની બદહાલીનું મૂળ કારણ
“નવા વર્ષના પ્રારંભે ભારતીય વૈદિક સંસ્કૃતિના એ સૌપ્રથમ અને મુખ્ય ઉપદેશને યાદ કરીએ જે આજે પણ એટલો જ પ્રાસંગિક છે જેટલો તે સમયે હતો.”
મહાન રાજા ભરત જે ચંદ્રવંશના વંશજ હતા તે વંશના ત્રીજા પૂર્વજનું નામ હતું યયાતિ. યયાતિ પહેલા ચંદ્રવંશી હતા જેમણે ગંગા નદી કિનારે પોતાનું રાજ્ય સ્થાપી હસ્તિનાપુરને પોતાની રાજધાની બનાવી હતી જે આજ સુધી દિલ્લી નામે ચાલુ રહી છે. એકવાર રાજા યયાતિ એક ઉદ્યાનવાટીકા આગળથી પસાર થતા હતા ત્યારે તેમણે બે સુંદર સ્ત્રીઓને વાર્તાલાપ કરતા જોઈ.
તે બે સ્ત્રીઓમાં એક હતી અસુર રાજા વૃષપર્વની પુત્રી શર્મિષ્ઠા અને બીજી હતી અસુરોના ગુરુ શુકરાચાર્યની પુત્રી દેવયાની. આ બંને સહેલીઓ રાજા યયાતિના પરાક્રમો અને વ્યકિતત્વથી પ્રેમમાં હતી. યયાતિ રથ પરથી ઉતરી શર્મિષ્ઠા અને દેવયાની પાસે આવ્યા. બંનેની સુંદરતા મોહક હતી. પરંતુ દેવયાનીમાં પ્રથમદ્રષ્ટિએ સ્પર્શી જાય તેવી આકર્ષકતા હતી જયારે શર્મિષ્ઠામાં એક પરીપકવ સુંદરતાના દર્શન વધુ હતા.
યયાતિને સામે જોઈ દેવયાનીએ તેમના પ્રત્યે પોતાના પ્રેમને વ્યક્ત કરી દીધો અને પોતાની સાથે લગ્ન કરવા વિનંતી કરી. યયાતિએ દેવયાનીની વાતને સ્વીકારી પણ દેવયાની બ્રાહ્મણ હોવાથી ક્ષત્રિય અને બ્રાહ્મણના વિવાહ માટે શુકરાચાર્યની આજ્ઞાા માંગવાની જરુર બતાવી. શુકરાચાર્યે આજ્ઞા આપતાં યયાતિ અને દેવયાનીના લગ્ન થયા.
તેમના લગ્નના કેટલા વર્ષો પછી શર્મિષ્ઠા દેવયાનીને મળવા હસ્તિનાપુર આવી. આવા સમયે રાજા યયાતિ ઉદ્યાનમાં ટહેલતા હતા અને તેમનો ભેટો ત્યાં ઉદ્યાન જોવા આવેલી શર્મિષ્ઠા સાથે થયો. આ મુલાકાતમાં શર્મિષ્ઠાએ પણ યયાતિને કહી દીધું કે તે પણ તેમને પ્રેમ કરતી હતી પરંતુ કહી ન શકી. અને યયાતિ તેની સાથે લગ્ન કરી શકે છે કારણ કે તે ક્ષત્રિય છે.
સુંદર સ્ત્રીઓથી હંમેશા આસક્ત રહેલા યયાતિએ શર્મિષ્ઠાની માંગ પણ સ્વીકારી લીધી અને તેનાથી વિવાહ કરી લીધા. પરંતુ યયાતિ અને શર્મિષ્ઠાએ આ વિવાહ દેવયાનીથી છૂપા રાખ્યા. હવે, વર્ષો વિત્યા. દેવયાનીને બે પુત્રો યદુ અને યવન થયા અને બીજી બાજુ શર્મિષ્ઠા ત્રણ પુત્રો દુહુ, અનુ અને પુરુની માતા બની. પરંતુ એક દિવસ દેવયાનીને યયાતિના શર્મિષ્ઠા સાથેના આ બીજા લગ્નની અને તેમના ત્રણ પુત્રોની જાણ થઈ ગઈ.
દગો અનુભવેલી દેવયાની પિતા શુકરાચાર્ય પાસે પહોંચી અને પોતાનું દુ:ખ જણાવ્યું. ગુસ્સે ભરાયેલા શુકરાચાર્યે રાજા યયાતિને બોલાવ્યા અને શ્રાપ આપી દીધો કે તે જ ક્ષણે તે એક વૃધ્ધ અને નપુસંક પુરૃષ બની જાય. તરત જ યયાતિ એક વૃધ્ધ પુરુષમાં ફેરવાઈ ગયા. યયાતિ શુકરાચાર્યના પગમાં પડી ગયા અને ભારે હૃદયે માફી માંગવા લાગ્યા.
ગુસ્સો થોડો શાંત પડતાં શુકરાચાર્યને દયા આવી પરંતુ આપેલો શ્રાપ પાછો લઈ શકાતો નથી આથી શુકરાચાર્યે શ્રાપમાં થોડું કન્શેસન આપ્યું. તેમણે કહ્યું કે યયાતિ ચાહે તો તેના પાંચ પુત્રોમાંથી કોઈ એક પાસેથી પોતાનું યૌવન પાછું લઈ શકે છે અને બદલામાં તે પુત્રને બુઢાપો આપી શકે છે.
યયાતિ બધા પુત્રોને વારેવારે પાસે બોલાવે છે અને તેમના યૌવનને પોતાના બુઢાપા સાથે એક્સચેન્જ કરવાની ઓફર મૂકે છે. તેના પ્રથમ ચારેય પુત્ર આ ઓફર ઠુકરાવી દે છે. પરંતુ તેનો સૌથી નાનો પુત્ર પુરુ પિતા માટે આ બલીદાન આપવા તૈયાર થાય છે. આમ, યયાતિ ફરી યુવાન બને છે અને પુરુ યુવાનીમાંથી વૃધ્ધ. યુવાન યયાતિ વર્ષો સુધી પોતાના યૌવનને માણે છે અને દરેક પ્રકારના ઇન્દ્રિય સુખો ભોગવે છે. પરંતુ, આખરે ભોગવિલાસોથી અતૃપ્ત જ રહેતાં નિરાશ અને દુખી થઈને પુરુ પાસે પાછો ફરે છે અને જે વચનો ઉચ્ચારે છે તેને આજે પણ ભારતીય તત્વચિંતનનું મૂળ માનવામાં આવે છે.
અતૃપ્ત અને નિરાશ યયાતિ કહે છે, ‘આ વાતને ચોક્કસપણે માની લે કે…. જેની ઇન્દ્રિયો પોતાના વશમાં નથી તેના માટે આ દુનિયાની બધી જ સ્ત્રીઓ. ધન અને ખાદ્યસામગ્રી પણ પૂરતી નથી. ભોગવિલાસ કરવાથી ઇન્દ્રિયોની તલપ ઘટતી નથી. ઉપરથી આગમાં ઘી નાખવામાં આવે તે રીતે ભભૂકી ઉઠે છે.
જે પણ મનુષ્ય જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માગે છે તેને ઇન્દ્રિય સુખની આ ઇચ્છાથી પોતાની જાતને વહેલી તકે દૂર કરી દેવી જોઈએ અને તે તત્વને પામવાની કોશિશ કરવી જોઈએ જે શરીર સાથે ના ઘરડું થાય છે ના મૃત્યુ પામે છે. તે તત્વની પ્રાપ્તિ જ સર્વ સુખો અને શાંતિનો એકમાત્ર સ્ત્રોત છે.’ આટલું કહીને યયાતિએ પુરુને તેનું યૌવન પાછું આપ્યું અને પોતાની વૃધ્ધાવસ્થા પાછી મેળવી સંન્યાસ લઈ લીધો અને તપ કરી સ્વર્ગ મેળવ્યું.
પુરુએ પિતા માટે કરેલા ત્યાગને લીધે યયાતિએ તેને પોતાના મુખ્ય વારસ તરીકે હસ્તિનાપુરનું રાજ્ય સોંપ્યું. પુરુના વંશમાં પરાક્રમી ભરત રાજા પેદા થયા અને એ જ વંશ આગળ જતાં શાંતનુ, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને યુધિષ્ઠિર રુપે આગળ વધ્યો. આ ઉપરાંત શર્મિષ્ટાના પહેલા પુત્ર દૂહુને ત્વીપ્રા રાજ્ય આપવામાં આવ્યું જ્યાં તેનો વંશ ભોજવંશ કહેવાયો. શર્મિષ્ઠાના બીજા પુત્ર અનુએ મ્લેચ્છ જાતિને જન્મ આપ્યો અને તેને આજના પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વાળો ઉત્તર-પશ્ચિમ વિસ્તાર મળ્યો.
દેવયાનીના પુત્ર યદુએ યાદવવંશને જન્મ આપ્યો જેમાં કૃષ્ણ પેદા થયા. આ દેવયાનીના બીજા પુત્ર યવને પશ્ચિમમાં જઈને યવન પ્રદેશ અને યવનવંશને જન્મ આપ્યો. આ યવન પ્રદેશ એટલે બીજુ કંઈ નહીં પણ આજનું ગ્રીસ અને યવનના વંશજો એટલે પ્રાચીન ગ્રીકો.
રાજા યયાતિને થયેલા બોધને વૈદિક સંસ્કૃતિમાં મૂળ બોધ માનવામાં આવે છે. યયાતિની જેમ સતત ઇન્દ્રિય સુખો ભોગવવાની અંતહીન તલપ થવાના રોગને ‘યયાતિ સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. યયાતિના હજારો વર્ષ બાદ આજે પણ ‘યયાતિ-સિન્ડ્રોમ’ માનવ સમાજનો મુખ્ય રોગ છે અને કદાચ છેલ્લો મનુષ્ય દુનિયા પર રહેશે ત્યાં સુધી યયાતિનો એ બોધ માનવજાતિને આ રોગથી સાવધાન કરવાનું કામ કરતો રહેવાનો છે.
યયાતિના આ જ બોધના લીધે વૈદિક સમાજમાં બાહ્ય ભૌતિક વસ્તુઓ પ્રત્યે ઉદાસીનતા અને માનવ-મસ્તિષ્કમાં જાંકીને જીવનના સનાતન સત્યને પામી લેવાની વૃત્તિને મહત્વ મળ્યું હતું. આજે આપણે જ્યારે પૃથ્વીના ઇતિહાસનું એક નવું વર્ષ શરુ કરી ચૂકયા છીએ ત્યારે યયાતિનો આ ઉપદેશ એટલા માટે જરુરી છે કારણ કે આજ સુધી આ ઉપદેશથી વિપરીત ચાલીને જ આપણે પૃથ્વીનું સંતુલન બગાડયું છે.
પશ્ચિમી સંસ્કૃતિને ક્યારેય આ ઉપદેશ મળ્યો નહોતો. યયાતિના પુત્ર યવનના પૂર્વજો ગ્રીકો કહેવાયા જેમણે દુનિયાને પોતાની ઇન્દ્રિયોથી જ જાણવાની કોશિશો કરી. અને જ્યારે તેઓ માનવજીવનના કોઈ નક્કર ઉદ્દેશ્યને ન જાણી શક્યા ત્યારે તેમણે નરી ભૌતિકતા તરફ દોટ મૂકી. અને આ કારણે આધુનિક વિજ્ઞાન જે ક્યારેક સૃષ્ટિના સત્ય શોધવાનો એક માર્ગ હતો તે આજે આપણા માટે નવી નવી ટેકનોલોજીઓ દ્વારા માનવસમાજને હજુ વધારે ભોગવિલાસ કરાવતા ઉપકરણ શોધવાનો માર્ગ બની ચૂકયો છે. આ આખો ભૌતિકવાદ અને ઉદ્યોગીકરણ આપણને લાગુ પડેલા ‘યયાતિ-સિન્ડ્રોમ’નું જ પરીણામ છે જે આપણને હજી વધુને વધુ ઇન્દ્રિય સુખ ભોગવવાની તલપમાં ફરવે રાખે છે.
અને જુઓ આપણી આ તલપે પૃથ્વીની શું હાલત કરી છે ? કાર્બનનું પ્રમાણ દરરોજ વધી રહ્યું છે અને ધુ્રવો પરનો બરફ પીગળવાથી આવતાં વિનાશક તોફાનો વધી રહ્યાં છે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા યોજાતી યુનાઇટેડ નેશન્સની બધી સમિટો ફેલ જાય છે કારણ કે આપણે આપણા ‘યયાતિ-સિન્ડ્રોમ’ માંથી બહાર નીકળી શકીએ તેમ નથી.
સ્ટીફન હોકિંગે કહી દીધું છે કે એક હજાર વર્ષની અંદર અંદર માનવજાતિને વસવાટ માટે બીજો કોઈ ગ્રહ શોધી લેવો પડશે કારણ કે પૃથ્વી મનુષ્યને રહેવા લાયક નહીં બચી હોય. પણ રોજ માર્કેટમાં આવતા નવા નવા વાઇરસ, કેન્સરના વધતા કેસો અને ડાયાબીટીસ, અસ્થમા અને હૃદય રોગ સાથે જીવતા મોટાભાગના જનસમુદાયને જોઈએ છીએ તો લાગે છે જાણે આપણી લુપ્તતાની શરુઆત તો થઈ ચૂકી છે.
આજે હજારો વર્ષો પછી પણ માનવજાતિને લુપ્તતાથી બચાવવા એક જ આશાનું કિરણ સામે દેખાય છે અને તે છે યયાતિને થયેલું જ્ઞાન. તેને આપણે આપણી આવનારી પેઢીને ગળથુથીમાં શીખવવું પડશે. પણ ખબર હવે એ નથી પડતી કે જો યયાતિની આ કથા આપણી શાળાઓમાં ભણાવવામાં આવે તો એમાં આપણી બીનાસંપ્રદયીકતાના ફુગ્ગાને ક્યાંથી કેવડું કાણું પડે છે…? કોઈના પાસે જવાબ હોય તો મોકલવા વિનંતી છે.
August 21 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
ગ્રેવીટેશનલ ટાઈમ ડાઈલેશન : શ્રીમદ ભાગવતથી ઇન્ટરસ્ટેલર સુધી
“એવું નથી કે આ શોધ માનવજાતિમાં પહેલીવાર આઈન્સ્ટાઈને જ કરી. ‘ગ્રેવીટેશનલ ટાઈમ ડાઈલેશન’ વિશે પ્રાચીન ભારતીયો જાણતા હતા તેનો નક્કર પુરાવો શ્રીમદ્ ભાગવતમાં છે”
ન્યૂટને ગુરુત્વાકર્ષણની શોધ તો કરી દીઘી, પણ જીવનના અંત સુધી એ ક્યારેય ન સમજી શક્યો કે આ પથ્થર, ધૂળ, અગ્નિ અને રાખના બનેલા ગ્રહો અને તારાઓ એકબીજાને કેવી રીતે આકર્ષી શકે છે ? તે ક્યાં ચુંબક છે ? એનો જવાબ એના અઢીસો વર્ષ પછી આલ્બર્ટ આઈન્સ્ટાઇને ૧૯૧૫માં તેમની સામાન્ય સાપેક્ષવાદની થીયરીમાં આપ્યો. આઈન્સ્ટાઇને પૃષ્ઠભૂમિ તૈયાર કરતાં કહ્યું કે ‘સમય કોઈ અચળ રાશિ નથી. તે પદાર્થની ઝડપ પર આધાર રાખે છે. આ બ્રહ્માંડમાં પ્રકાશની ઝડપથી વધારે કોઈની ઝડપ નથી. અને તે ઝડપ છે ૩,૦૦,૦૦૦ કીમી/સેકન્ડ. જો પ્રકાશની ઝડપે તમે ગતિ કરો તો તમારા માટે અવકાશ અને સમય શૂન્ય થઇ જાય છે.’
ચાલો આ વાત એક ઉદાહરણથી સમજીએ. ધારો કે સ્થાન A અને સ્થાન B વચ્ચેનું અંતર ૩,૦૦,૦૦૦ કીમી છે. હવે જો કોઈ પદાર્થ પ્રકાશની ૩,૦૦,૦૦૦ કીમી/સેકન્ડની ઝડપે ગતિ કરે તો એનો અર્થ એ છે કે તે એક સમયે સ્થાન A પર હોય અને બીજી જ ક્ષણે સ્થાન B પર હોય, જ્યાં A અને B વચ્ચેનું અંતર ૩,૦૦,૦૦૦ કીમી છે.
હવે ૩,૦૦,૦૦૦ કિમી એટલે પૃથ્વીની આસપાસ સાત આંટા પૂરા કરો એટલું અંતર. અને આટલા મોટા અંતરની સાપેક્ષે તે એક સેકન્ડને અવગણો તો એનો અર્થ એ થાય કે એક પદાર્થ એક ક્ષણે સ્થળ A પર છે. તે જ ક્ષણે તે પદાર્થ ૩,૦૦,૦૦૦કીમી દૂર આવેલા સ્થળ B પર પણ છે. અને આવું ત્યારે જ થઇ શકે જ્યારે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સ્થળ A અને સ્થળ B વચ્ચેનો અવકાશ વળી ગયો હોય અને A અને B એક જ સ્થાન E આગળ આવી ગયા હોય. આમ, પ્રકાશની ઝડપે ગતિ કરતાં અવકાશ અને સમયનો લય થઇ જાય છે.
હવે જો પદાર્થની ઝડપ ૩,૦૦,૦૦૦ કીમી/સેકન્ડથી ઘટીને ૧,૦૦,૦૦૦ કીમી/સેકન્ડ થઇ જાય તો પદાર્થને સ્થળ A થી સ્થળ B સુધી જવામાં ત્રણ સેકન્ડ લાગશે. અને આ કેસમાં બિંદુ E આગળ રહેલો અવકાશનો વળાંક ઓછો થશે અને આકૃતિ iii માં બતાવ્યા પ્રમાણે સ્થળ A અને સ્થળ B વચ્ચે થોડો અવકાશ અને ત્રણ સેકન્ડ જેટલો સમય ઉત્પન્ન થશે. આમ, જેમ જેમ આપણી ઝડપ પ્રકાશની ઝડપથી ઓછી થતી જાય છે તેમ તેમ આપણા માટે સમય અને અવકાશ એક સાથે વધતા જાય છે.
આમ, આઈન્સ્ટાઈને કહ્યું કે સમય એક ચોથું પરિમાણ છે જે અવકાશ સાથે જોડાયેલું છે. અવકાશ વળે છે એટલે સમય પણ વળે છે. એટલે કે ધીમો પડે છે. બંને એક સાથે ઉત્પન્ન થાય છે અને એકસાથે જ લય પામે છે. આમ, આપણું બ્રહ્માંડ અવકાશ-કાળની ચાદર છે અને આ ચાદરમાં જ્યારે કોઈ દળ ઉત્પન્ન થાય છે ત્યારે તે ચાદર તે દળની આસપાસ વળે છે. અને એ વળેલી ચાદરમાં જો કોઈ પદાર્થ આવી જાય તો એ સીધો સરકીને એ દળના કેન્દ્રમાં જઇને પડે. દળ તરફ સરકવાની એ ઘટનાને જ આપણે ગુરુત્વાકર્ષણ કહીએ છીએ. આમ, ગુરુત્વાકર્ષણ અવકાશ અને સમયના વળવાથી ઉત્પન્ન થતી અસર છે. અને આગળ આપણે સમજ્યા કે જ્યારે અવકાશ વળે છે ત્યારે સમય ધીમો પડે છે. આથી, ગુરૃત્વાકર્ષણ બળ સમયને ધીમો કરે છે.
જ્યાં ગુરુત્વાકર્ષણ વધારે હોય ત્યાં સમય ધીમો ચાલે છે અને જ્યાં ઓછું હોય ત્યાં સમય ઝડપી ચાલે છે. એવા પ્રયોગો સફળ થઇ ચૂક્યા છે કે અવકાશયાત્રીઓને બારીક સમય નોંધી શકે તેવી ઘડિયાળ સાથે અમુક વર્ષ અવકાશી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા. તો જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેમની ઘડિયાળો આપણી પૃથ્વી પરની ઘડિયાળો કરતા આગળ હતી. ખાલી અવકાશ કરતા પૃથ્વી પરનું ગુરૃત્વાકર્ષણ વધુ હોવાથી અહીંયા ઘડિયાળો ધીમી ચાલી હતી. અવકાશ-કાળ વળવાથી સમયના સંકોચાવાની આ ઘટનાને ‘ગ્રેવીટેશનલ ટાઈમ ડાઈલેશન’ કહે છે.
ગયા વર્ષે રીલીઝ થયેલી ક્રિષ્ટોફર નોલનની ‘ઇન્ટરસ્ટેલર’ ફિલ્મ મોટા પાયે આજ સિધ્ધાંત પર આધારીત હતી, જ્યાં એક યુવાન પિતા તેની ૧૨ વર્ષની પુત્રીને પૃથ્વી પર મૂકી માનવ વસવાટ માટે નવા ગ્રહ શોધવા અવકાશની યાત્રાએ જાય છે. અવકાશમાં તે એવા ગ્રહ પર પહોંચી જાય છે કે જેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા અનેકગણું વધારે હોય છે. આથી, ત્યાં સમય એટલો ધીમો ચાલતો હોય છે કે ત્યાં વિતાવેલા એક કલાક બરાબર પૃથ્વી પર સાત વર્ષ વીતતા હોય છે. અને જ્યારે તે પિતા પૃથ્વી પર પાછો આવે છે ત્યારે તે યુવાન જ હોય છે પરંતુ તેની પુત્રી વૃધ્ધાવસ્થાના છેલ્લા તબક્કામાં હોય છે.
પણ એવું નથી કે આ શોધ માનવજાતિમાં પહેલીવાર આઈન્સ્ટાઈને જ કરી. ‘ગ્રેવીટેશનલ ટાઈમ ડાઈલેશન’ વિશે પ્રાચીન ભારતીયો જાણતા હતા તેનો નક્કર પુરાવો શ્રીમદ્ ભાગવતમાં છે, જેમણે ભાગવત પુરાણ વાંચ્યું છે કે જેણે રામાનંદ સાગરની શ્રીકૃષ્ણા ટીવી સીરીયલ જોઈ છે એને આ પ્રસંગ યાદ હશે. એકવાર દેવતાઓ દાનવો સામેના યુધ્ધમાં પરાજીત થયા. તેમની પાસે સ્વર્ગ બચાવવા એક જ ઉપાય હતો કે પૃથ્વી પર આવી ઈક્ષ્વાકુ વંશના રામના પૂર્વજ એવા રાજા મુચુકુન્ડની મદદ માંગવી. તેઓ મુચુકુન્ડ પાસે આવ્યા અને રાજા મુચુકુન્ડે તેમના સેનાપતિ તરીકે દાનવો સામે લડવાની સંમતિ આપી. મુચુકુન્ડ સ્વર્ગમાં ગયા અને કેટલાક વર્ષો સુધી અવકાશમાં દાનવો સામે લડયા. તેમણે ત્યાં સુધી દાનવોને પરાજીત કરી રાખ્યા જ્યાં સુધી દેવોને કાર્તિકેય રૂપે નવા સેનાપતિ ના મળ્યા.
જ્યારે કાર્તિકેયે સેનાનો ભાર ઉપાડયો ત્યારે દેવોએ રાજા મુચુકુન્ડને ધન્યવાદ કહેતા કહ્યું, ‘હે રાજા, અમે દેવતાઓ તમારા ઋણી છીએ કે તમે તમારા રાજ્ય અને પરીવારનું બલીદાન આપીને અમારી રક્ષા કરી. તમે સ્વર્ગમાં છો. સ્વર્ગના એક વર્ષ બરાબર પૃથ્વી પર ત્રણસો સાહીઠ વર્ષ વીતે છે. તમે સ્વર્ગમાં વીતાવેલ વર્ષો સામે પૃથ્વી પર અનેક સદીઓ વીતી ગઇ છે. તમારું રાજ્ય અને પરીવાર હવે અસ્તિત્વમાં નથી. પણ અમે દેવતાઓ તમારા ઋણી છીએ એટલે તમને આગ્રહ કરીએ છીએ કે તમે અમારા પાસે મોક્ષ સિવાય કોઈપણ વરદાન માંગો. કારણ કે મોક્ષ આપવા માટે ફક્ત નારાયણ જ સમર્થ છે.’ આથી, રાજાએ કહ્યું, ‘હવે મોક્ષ જ મારી પીડાને શાંત કરી શકે છે.
મને વરદાન આપો કે મને પૃથ્વી પર નારાયણથી મોક્ષ મળે. અને તે સમય સુધી સ્વજનોના શોકથી બચવા હું ચીર નિંદ્રામાં રહું.’ દેવોએ કહ્યું ‘તમે ત્રેતાયુગમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરશો.અને તે સમય સુધી ચીર નિંદ્રામાં રહેશો. પણ જ્યારે નિંદ્રામાંથી ઉઠશો ત્યારે જે પહેલા માણસ પર તમારી દ્રષ્ટિ પડશે તે બળીને ભસ્મ થઇ જશે.’ જ્યારે જરાસંઘે શ્રીકૃષ્ણને મારવા કાલયવનને મોકલ્યો ત્યારે શ્રીકૃષ્ણએ આ મુચુકુન્ડનો ઉપયોગ કરીને કાલયવનને ભસ્મ કર્યો હતો. કારણ કે કાલયવનને કોઈપણ અસ્ત્ર-શસ્ત્રથી મૃત્યુ ન પામવાનું વરદાન હતું.
આમ, પશ્ચિમી સમાજ આજે એકવીસમી સદીમાં જેમ ઇન્ટરસ્ટેલર જેવી કાલ્પનિક વાર્તાઓ રચી આધુનિક વિજ્ઞાાનના સત્યોને સામાન્ય લોકો સુધી પહોંચાડે છે તેમ પ્રાચીન ભારતમાં પણ ભાગવત પુરાણની દંતકથાઓમાં ઉપનિષદોના વિજ્ઞાાનને રજૂ કરી સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવતું હતું. કેટલી સામ્યતા છે પ્રાચીન ભારતીયોમાં અને આજના પશ્ચિમી સમાજમાં !
August 29 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
ભારતનો ધર્મ : એક અલ્લાહથી તેત્રીસ કોટી દેવો સુધી
“ભારતનો ધર્મ કોઈ સંપ્રદાય નથી. સૃષ્ટિના વિજ્ઞાનની આધ્યાત્મિક ખોજ એ જ ભારતનો ધર્મ છે.”
તેર સદી પહેલાં અરબના લોકો રણપ્રદેશમાં કબીલાઓમાં રહેતા હતા. અનેક દેવી દેવતાઓમાં માનતા અને દારૃ, જુગાર, ભ્રષ્ટાચાર, વ્યભિચારથી દૂષિત થયેલા એ સમાજમાં એક પયગંબર ઉભા થયા જેમણે કહ્યું કે ઇશ્વર એક જ છે અને તે કોઈ આકાર કે રૃપ વિનાનો છે. તે એક ઇશ્વરને તેમણે ‘અલ્લાહ’ નામ આપ્યું. તે પયગંબર મોહમ્મદે આરબોને એકેશ્વરવાદનો સિદ્ધાંત આપી દૂષણોથી મુક્ત કર્યા. સારું- સ્વસ્થ જીવન જીવવાની રીતો સમજાવી તેને અલ્લાહની મરજી અથવા આદેશ માનીને અનુસરવા માટેના ચુસ્ત નિયમો ઘડયા. અને એ નિયમો પ્રમાણેની રાજ્ય વ્યવસ્થા શરુ કરવામાં આવી. પણ પયગંબરના અવસાન પછી તેમના અનુયાયીઓ દૂષિત આરબ સમાજને સ્વસ્થ બનાવવા માટે ઘડવામાં આવેલા એ નિયમોને આખી દુનિયામાં સ્થાપવા નીકળી પડ્યા, એવું કહીને કે આ એકમાત્ર એવા ઇશ્વર ‘અલ્લાહ’નો આદેશ છે.
હવે પયગંબર મોહમ્મદ સાહેબના જન્મના આશરે આઠ હજાર વર્ષ પહેલા ભારતીય ઉપખંડમાં વૈદિક ઋષિઓ રુપે વૈજ્ઞાનિકો રહેતા હતા. તેમણે પણ એ વાત જાણી હતી કે આ સૃષ્ટિને ઘડવાવાળો ઇશ્વર એક જ છે. તેને કોઈ આકાર કે સ્વરૃપ નથી. બસ તેમણે એને અલ્લાહના સ્થાને ‘બ્રહ્મ’ નામ આપ્યું હતું. પણ ચારે બાજુ સમુદ્ર અને હિંદુકુશની પર્વતમાળાઓથી ઘેરાયેલા ભારતના એ ઋષિઓને રાજ્ય વ્યવસ્થાની ચિંતા નહોતી. એ કામ રાજા કરતો. એટલે તેઓ તેમના સંશોધનમાં આગળ વધ્યા અને એકેશ્વરવાદથી આગળ વધીને બીજો સવાલ ઉઠાવ્યો કે, જો ઇશ્વર એક જ છે તો તેના સ્વરૃપોમાં આટલી વિવિધતા કેમ? ધીરે ધીરે તેમને ખબર પડી કે મનુષ્યો જ આ બધું વિચારી શકે છે અને જાણી શકે છે એટલે આ દુનિયામાં જે પણ છે તે આપણી (મનુષ્યની) ભીતર પણ ક્યાંક હોવું જોઈએ. આ રીતે તેમને ખબર પડી કે, મનુષ્યનું મસ્તિષ્ક આ બ્રહ્માંડની પ્રતિકૃતિ છે. જેમ જેમ મસ્તિષ્કને જાણવામાં આવશે તેમ તેમ બ્રહ્માંડના રહસ્યો પણ ખૂલતા જશે. આથી તેમની શોધખોળ તેમના ભીતરમાં તેમના મસ્તિષ્ક મારફતે શરુ થઈ.
આ રીતે તેમણે જાણ્યું કે, આ બ્રહ્મ પહેલા એક નાના દડા જેવડા કદમાં સંકોચાઈને રહેલું હતું. એ દડામાં બ્રહ્મની કોઈ વિવિધતા નહોતી. તે ઊર્જાના એક જ સ્વરૃપે હતું. આથી તેમણે એ દડાને અદ્વૈત (જેનું બીજું કોઈ રૃપ નથી તેવો) પિંડ કહ્યો. અસિમિત ઉર્જાના ભયાનક દબાણને તે પિંડ લાંબા સમય સુધી જીરવી ન શક્યો અને વિસ્ફોટરૃપે ફૂટી પડયો.
આથી, હવે બ્રહ્મ ફેલાયું અને તેમાંથી બે ભિન્ન પ્રકૃતિઓ ઉદ્ભવી જે એક ખાસ ગોઠવણમાં ગોઠવાઈ. આ બે પ્રકૃતિઓ હતી પુરુષ પ્રકૃતિ અને સ્ત્રી પ્રકૃતિ. ઋષિઓએ પુરુષ પ્રકૃતિને ‘શિવ’ અને સ્ત્રી પ્રકૃતિને ‘શક્તિ’ કહી. વિસ્ફોટ પછીની પહેલી ગોઠવણમાં બ્રહ્મ બે પરિમાણોમાં વહેંચાઈ ગયું હતું. જે બંને પરીમાણમાં પુરુષ અને સ્ત્રીની પ્રકૃતિ સમાન માત્રામાં હતી. આ પહેલી ગોઠવણની ઉત્પત્તિને ઋષિઓએ અદ્વૈત પિંડમાંથી ‘શિવ’ ઉત્પન્ન થયા એમ કહ્યું. અને કારણ કે આ ગોઠવણમાં પુરુષ અને સ્ત્રીની પ્રકૃતિ સમાન હતી આથી શિવને ‘અર્ધનારેશ્વર’ કહેવામાં આવ્યા.
હવે, શિવ ગોઠવણથી આગળ બ્રહ્મ હજુ વધારે વિસ્તર્યું એટલે વધારે ખંડિત થયું. આથી, હવે બેના સ્થાને સાત પરીમાણોમાં વહેંચાયું. આ સાત પરીણામોવાળી ગોઠવણને વિષ્ણુ કહેવામાં આવ્યા અને વિષ્ણુથી આગળ જ્યારે બ્રહ્મ વિસ્તર્યું ત્યારે એટલું ખંડિત બની ચૂક્યું હતું કે હવે તેની અડધી ઊર્જા તો તરંગો રૃપે વિખેરાઈ ગઈ અને બાકીની અડધી ઊર્જામાંથી ત્રણ જ પરીમાણમાં હોય એવા ઊર્જાના ગોળ દડા બન્યા. આ ગોળ દડાઓને ‘બ્રહ્મા’ કહેવામાં આવ્યા. જ્યારે તરંગોમાં વહેંચાઈ ગયેલું અડધું બ્રહ્મ આ ગોળ દડાઓ વચ્ચેથી પસાર થયું ત્યારે તે તરંગોને આ બ્રહ્માની ઊર્જા મળી અને તરંગો ભારે બન્યા. આ ભારે તરંગો એકબીજા સાથે અથડાયા એટલે ત્રણ પરીમાણમાં હોય એવા દળદાર સૂક્ષ્મ કણો ઉત્પન્ન થયા.
આ દળદાર કણોને કે તેમના દળને ઋષિઓએ પ્રજાપતિ કીધા. આ ત્રિ-પરિમાણીય સૂક્ષ્મ કણોરૃપે રહેલા દળ કે પ્રજાપતિએ એકબીજા સાથે જોડાઈને પરમાણુ, અણુ અને ભારે તત્ત્વો બનાવ્યા. અને આ અણુઓ અને ભારે તત્ત્વોમાંથી સૂર્ય જેવા તારાઓ, આકાશગંગાઓ, ગ્રહો અને ઉપગ્રહો બન્યા. આમ, બ્રહ્માએ પ્રજાપતિને ઉત્પન્ન કર્યા અને પ્રજાપતિએ પોતે જોડાઈને ત્રિ-પરિમાણીય બ્રહ્માંડનું સર્જન કર્યું. આ ઋષિઓને જેને બ્રહ્મા કહ્યા તે ગોળ દડાઓને આજનું વિજ્ઞાન ‘હિગ્ઝ બોઝોન’ કહે છે અને ઋષિઓએ જેને પ્રજાપતિ કીધા તેને આજનું વિજ્ઞાન ‘દળ’ કહે છે.
હવે ગ્રહો પર હવા, પાણી, અગ્નિ, ધરતી અને આકાશરૃપે પંચ મહાભૂતોનું નિર્માણ થયું અને એ પંચમહાભૂતોમાંથી સજીવ સૃષ્ટિ નિર્માણ પામી. પછી મનુષ્યો ઉત્પન્ન થયા. ઋષિમુનિઓને ખબર પડી કે અસલમાં મનુષ્ય શરીરના સાત ચક્રો એ વિષ્ણુ ગોઠવણના સાત પરીમાણો જ છે. અને મનુષ્ય તપ, સાધના અને કુંડલીની શક્તિથી એ સાત ચક્રોની ઊર્જાને પોતાનામાં ધારણ કરી શકે છે. આવું જે જે માણસોએ કરી બતાવ્યું એવા માણસોને વિષ્ણુના અવતારો કહેવામાં આવ્યા. પછી ઋષિઓએ જાણ્યું કે મનુષ્યનું છઠ્ઠું ચક્ર બુદ્ધિ સાથે સંકળાયેલું છે. એટલે જો છઠ્ઠા ચક્રને સક્રિય કરી દેવામાં આવે તો સમગ્ર શરીરની શક્તિ છઠ્ઠા ચક્ર પર સ્થિત થઈ જાય અને વિષ્ણુ ગોઠવણથી મનુષ્ય શિવની બે પરીમાણોવાળી ગોઠવણમાં આવી શકે. શિવના એ બે પરીમાણો માનવ ચહેરાના બે ચક્રોમાં (પાંચમું ગરદન પર અને છઠ્ઠું લલાટ પર) સક્રિય થાય. ત્યારબાદ ખબર પડી કે શિવત્વથી આગળ વધીને મનુષ્ય પોતાની શક્તિને સાતમા ચક્રમાં ભેળવી દે તો શરુઆતમાં હતો એવો બ્રહ્મનો અદ્વૈત પિંડ બનીને મોક્ષ પામી શકે. આમ, બ્રહ્માંડમાં મનુષ્યની ઉત્પત્તિ સાતમા ચક્રમાં મોક્ષ મેળવવા જ થઈ છે જેથી આ સમગ્ર બ્રહ્માંડને વળી પાછું પેલા અદ્વૈત પિંડ સ્વરૃપમાં લાવી શકાય. એ જ મનુષ્યની ઉત્પત્તિનું કારણ છે.
આમ, જ્યાં આરબોનો ધર્મ સમાજને દૂષણહીન કરવાની કોશિશમાં સત્તા તરફ વળ્યો, ત્યાં પ્રાચીન ભારતનો ધર્મ એકેશ્વરમાં રહેલી વિવિધતાના કારણને શોધવા વિજ્ઞાન તરફ વળ્યો અને આ વિજ્ઞાને તેમને સમજ આપી કે, ‘ઇશ્વર એક જ છે એને જે નામથી બોલાવવો હોય તે બોલાવો.’ પવન, અગ્નિ, જળ, ધરતી, ગાય જેવા પશુ, ધર્મનિષ્ઠ માનવ વગેરે જેવા બ્રહ્મના તેત્રીસ પ્રકારના વિવિધ રુપોને દેવો કહેવામાં આવ્યા. સંદેશ એ હતો કે, તે દરેક સ્વરૃપ બ્રહ્મમાંથી પેદા થયું છે. આથી તે દરેકને સમાન ભાવે જોઈને ઇશ્વરને આપીએ તેટલું સન્માન અને પ્રેમ આપવો. ઇશ્વરના કોઈ પણ રુપને હીન સમજવું એ સ્વયં ઇશ્વરને હીન સમજવા સમાન છે.
આમ, આ સ્વતંત્ર દિને એ જાણી લેવું જરૃરી છે કે, ભારતીયતાનો એક જ અર્થ છે કે જે પણ ધર્મ કે સંપ્રદાયને આપણે માનીએ છીએ તેનો ઉપયોગ સૃષ્ટિના વિજ્ઞાનનો સાક્ષાત્કાર કરવા માટે કરવો, સત્તા માટે નહીં. જે લોકોએ ધર્મનો ઉપયોગ સત્તા માટે કર્યો તેમણે તેમના જ દેશોની શું હાલત કરી એ આપણે આપણા પાડોશી દેશથી લઈને મધ્ય-પૂર્વ એશિયાના છેલ્લા છેડા સુધી જોઈ શકીએ છીએ. ભારતનો ધર્મ કોઈ સંપ્રદાય નથી. સૃષ્ટિના વિજ્ઞાનની આધ્યાત્મિક ખોજ એ જ ભારતનો ધર્મ છે.
November 05 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
ભારતીય દર્શનશાસ્ત્રમાં પ્રસન્નતા
“એ બધા ભોગ, પીડા, સુખ, દુખ, આનંદ અને શોક એ ફક્ત લાગણીઓ (emotions) છે જે મનથી જોડાયેલી છે. જ્યારે પ્રસન્નતા એ એક ચીર સ્થાયી અનુભવ (feeling) છે, જે શાશ્વત છે. તે મનની સીમાથી બહાર છે.”
દર્શનશાસ્ત્ર એટલે શું ? જવાબ છે – દર્શનનું શાસ્ત્ર. અને દર્શન શાનું ? તો સત્યનું. જે માણસ સત્યનું સાક્ષાત દર્શન કરતો હોય અને તે દર્શન કરેલા સત્યને જ વ્યક્ત કરતો હોય તે માણસને દાર્શનિક કહે છે. અને એક દાર્શનિક બનીને સત્યને કેવી રીતે અનુભવવું અને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું એનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર એટલે દર્શનશાસ્ત્ર. ભારત હંમેશા દાર્શનિકોનો દેશ રહ્યો છે. ભારત ક્યારેય વિચારોકોનો દેશ નથી રહ્યો. દાર્શનિકો દ્વારા જે સત્ય સમાજને કહેવામાં આવે તેના પર પોતાની ઇન્દ્રિયગ્રસ્ત સમજ વડે તર્કો-વિતર્કો અને વિચારો રજૂ કરવાનું કાર્ય કરતા લોકોને વિચારકો કહે છે. તે દાર્શનિક કરતાં નીચેની સ્થિતિ છે. ગ્રીકો હંમેશા વિચારક હતા. વિચારકો, ફીલોસોફરો કે તત્ત્વચિંતકો એ ગ્રીકોની દેન છે. ભારતની દેન વિચારો અને મનથી ઉપર ઉઠી સત્યના સાક્ષાત્કારની છે. તે દર્શનશાસ્ત્ર છે.
દર્શનશાસ્ત્રનું લક્ષ્ય ભૌતિક અને ઇન્દ્રિયગ્રસ્ત સૃષ્ટિથી આગળ વધીને સૃષ્ટિને ચલાવનારી અંતિમ સત્તા પર સ્થિર થવાનું છે. એ અંતિમ સત્તા છે બ્રહ્મ. સમગ્ર સૃષ્ટિ બ્રહ્મના જ અલગ અલગ સ્વરૃપોથી વ્યાપ્ત છે. એ સ્વરૃપો દ્રશ્ય છે. બ્રહ્મ અદ્રસ્ય. એ સ્વરુપો રંગમંચ પરના કલાકાર, લેખક અને ડાયરેકટર છે, બ્રહ્મ પ્રોડયુસર છે. જ્યાં સુધી આપણી નજર એ પ્રોડયુસર પર સ્થિર નથી થઇ ત્યાં સુધી આપણે બ્રહ્મના આ સ્વરુપો વડે રચાતો ખેલ સમજી શકીશું નહીં. આવું જ આપણા શરીરમાં પણ છે. આપણું શરીર બ્રહ્મનું સ્વરુપ છે જે એક કલાકાર છે. મન એ ડાયરેક્ટર છે જે નાટકને દિશા આપે છે જ્યારે આપણો આત્મા પ્રોડયુસર છે જે કલાકાર અને ડાયરેક્ટર બંનેને આ નાટક ભજવવા શક્તિ આપે છે, તે એમને ઉત્પન્ન કરે છે. જ્યાં સુધી આપણે ખાલી આપણા શરીરને સ્વયં માનીએ છીએ ત્યાં સુધી આપણે ફક્ત કલાકાર છીએ જે ડાયરેક્ટરના કહેવા પ્રમાણે નાટક કરવા બંધાયેલો છે. આ સમય સુધી આપણે તમસ ગુણની અસર નીચે હોઈએ છીએ. જ્યારે આપણે પોતાની ખોજમાં નીકળીને એ જાણીએ કે આપણે મન છીએ ત્યારે આપણે ડાયરેકટર બનીએ છીએ. હવે આપણે મનને તૃપ્ત કરવા માટે અને પૂર્ણ સંતોષ આપવા માટે શરીર પાસે કાર્ય કરાવીએ છીએ. અહીં આપણે રજસ ગુણમાં હોઈએ છીએ. પણ મન તો એક એવું પીપ છે જેનું કોઈ તળ નથી. તે એક એવું વિશાળ પાત્ર છે જે બંને બાજુ ખુલ્લું છે. તે ક્યારેય ભરાતું નથી.
મનને પૂર્ણ સંતોષ આપી દેવા આપણે શરીર પાસે ભૌતિક વિકાસ કરાવી મોજશોખ કરાવીએ છીએ પણ મન ધરાતું નથી. એ ભૌતિક સંપત્તિનો ઉપયોગ કરીને આપણે પ્રસિદ્ધિ અને વાહવાહી મેળવીએ છીએ પણ મન એનાથી પણ ધરાતું નથી. આ કારણે હવે આપણે મનને ઊંચા વિચારો અને તત્વજ્ઞાનથી ભરીએ છીએ પણ મન એનાથી પણ ધરાતું નથી. આથી તત્વજ્ઞાન છોડી આપણે ભક્તિ કરીએ છીએ , ઈશ્વરને ચાહીએ છીએ. ઈશ્વરનું દર્શન કરીએ છીએ પણ મન તોય ધરાતું નથી. એને વારંવાર ઈશ્વરનું દર્શન કરવું હોય છે. એને સતત ઈશ્વરને ભજવો હોય છે અને સતત ભજીને પણ એને સંતોષ નથી હોતો. તે હજી વધારે માંગે છે. આમ, એ એક છલાવો છે કે ભોગવિલાસોથી હટીને આધ્યાત્મિક જ્ઞાાન અને ભક્તિ માણસને તૃપ્ત કરી દેશે. આપણું મન તૃપ્ત થવા માટે બન્યું જ નથી. તે માત્ર ડાયરેક્ટર છે. તે અંતિમ સત્તા નથી. આથી, તે સંતોષ નથી પામી શક્તું. મોજશોખથી હટીને ઉચા આધ્યાત્મિક વિચારો કે ભક્તિ તરફ વળવું એ કંઇક એવું જ છે જાણે શારિરીક ભોગવિલાસમાંથી માનસિક ભોગવિલાસમાં આવવું. ભોગ અને સુખમાંથી આનંદમાં આવવું. એ બધા ભોગ, પીડા, સુખ, દુખ, આનંદ અને શોક એ ફક્ત લાગણીઓ(emotions) છે જે મનથી જોડાયેલી છે. જ્યારે પ્રસન્નતા એ એક ચીર સ્થાયી અનુભવ (feeling) છે, જે શાશ્વત છે. તે મનની સીમાથી બહાર છે. તો એ પ્રસન્નતા મેળવવી કેવી રીતે ? જે ક્ષણ તમે જાણી જશો કે તમારું મન એ એક એવું પાત્ર છે જે ક્યારેય ભરાઈ શકે તેમ નથી, તે એક એવો ડાયરેક્ટર છે જે ક્યારેય પૂર્ણ સંતોષ પામી શકે તેમ નથી ત્યારે તમારો એનાથી મોહભંગ થશે. અને જેવો તમારો તમારા મનથી મોહભંગ થશે તે જ ક્ષણે તમને અનુભૂતિ થશે કે તમે તો પહેલાથી જ પૂર્ણ રીતે ભરાયેલા છો. તમે આ અસંતોષી ડાયરેકટરના માલિક એવા પ્રોડયુસર છો. તમે જ એ અંતિમ સત્તા આત્મા છો જે સમગ્ર બ્રહ્માંડમાં બ્રહ્મરુપે વ્યાપ્ત છે. મનથી મોહભંગ થઇને પોતાના આત્માને ઓળખવાની આ ઘટનાને જ કહે છે સાક્ષાત્કાર, દર્શન. અને આ જ ક્ષણે ઉત્પન્ન થાય છે પ્રસન્નતાનો એ ચીર સ્થાયી અનુભવ જે હવે તમારાથી ક્યારેય અલગ થતો નથી.
તમારો આત્મા તમારું મૂળ સ્થાન છે. તમારું ગ્રાઉન્ડ સ્ટેટ. એ સમગ્ર બ્રહ્માંડનું મૂળ સ્થાન છે કારણ કે તે સ્વયં બ્રહ્મ છે. એટલે પ્રસન્નતાનો એ શાશ્વત અનુભવ આ સમગ્ર સૃષ્ટિના એ મૂળ સ્થાન પર સ્થિત થઇને જ મળે છે. સમગ્ર સૃષ્ટિની એ આખરી સત્તા સાથે એકરુપ થવાની ક્ષણે જ પ્રસન્નતાની ઉત્પત્તિ થાય છે. કારણ કે આ જ એકમાત્ર સમય છે મનુષ્યના જીવનનો જ્યારે તે પોતાની સાચી ઓળખથી રૃબરુ થાય છે. અને તે જ પ્રસન્નતાની ઉત્પત્તિનું કારણ છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં સુખ, આનંદ, ખુશી, ઉલ્લાસ એ બધાને લાગણીઓ કહીને એક આવેગ ગણવામાં આવ્યા છે. જ્યારે પ્રસન્નતાને આપણા અસ્તિત્ત્વની મૂળ સ્થિતિ ગણવામાં આવે છે. આવેગ ક્ષણિક હોય છે. જ્યારે પ્રસન્નતા શાશ્વત હોય છે. એટલે બ્રહ્મરુપી આત્મા આપણું મૂળ સ્વરુપ છે અને તે ક્ષણે ઉત્પન્ન થતી પ્રસન્તા એ આપણી મૂળ સ્થિતિ છે. એ પ્રસન્નતા જ આપણું લક્ષ્ય છે. પ્રસન્નતા જ મોક્ષની સ્થિતિ છે. પ્રસન્નતાને પામવી મતલબ પોતાના આત્માને પામવો. એ શાશ્વત સ્થિતિ છે. જો તમારી પ્રસન્નતા નષ્ટ પામે છે, તો સમજો એ પ્રસન્નતા નથી તે આવેગ છે. હજી તમારી પહોંચ તમારા આત્મા સુધી નથી પહોંચી. જ્યારે મનુષ્ય તેના આત્માને જાણી લે છે, ત્યારે તે દાર્શનિક બની જાય છે. ત્યાંથી જ શરુ થાય છે દર્શનશાસ્ત્ર અને ત્યાં જ ઉત્પન્ન થાય છે મનુષ્યની પ્રસન્નતા. પ્રસન્નતા અને દર્શનશાસ્ત્રની ઉત્પત્તિ એક સાથે થાય છે. આથી ફક્ત દર્શનશાસ્ત્ર અને દાર્શનિક જ તેને વ્યખ્યાયિત કરી શકે છે. શારિરીક ભોગવિલાસોમાંથી માનસિક ભોગવિલાસો તરફ વળેલો વિચારક નહીં. અને દર્શનશાસ્ત્રએ પ્રસન્નતાની વ્યાખ્યા કંઈક આ રીતે કરી છે: “પ્રસન્નતા મનુષ્યના જાગૃત આત્માનું કાર્ય છે. જયારે અપ્રસન્નતા મનુષ્યના સુષુપ્ત આત્માનું કાર્ય છે.”
બોધ : જ્યારે આત્મા સિવાય તમામ સ્વરુપો નાશ પામે છે ત્યારે પ્રસન્નતા ઉદ્ભવે છે. જ્યારે તમે મોહભંગ બનીને કહી દેશો કે મારે મારા મનમાં હવે કંઇ જ નથી ભરવું, પ્રસન્નતા પણ નહીં. ત્યારે બીજી જ ક્ષણે તમારામાં જે ભરાયેલું અનુભવાશે તે પ્રસન્નતા હશે. તે જ તમારી મૂળ ઓળખ છે. તે તમારો જાગૃત બનેલો આત્મા છે.
February 26 / 2017 / On Facebook
ગૌ-હત્યા કોઈ પ્રાણીની નહિ માનવતાની હત્યા છે
“અદ્વૈતનો વિચાર અમલમાં આવતા જ પ્રાચીન ભારતમાં જીવહત્યા પર સંપૂર્ણ રોક લાગી ગઈ. પરંતુ, મોટાભાગે બલિપ્રથામાં જીવહત્યા ગાયોની જ થતી હોવાથી ગૌ-હત્યા નિષેધ પર વધુ જોર આપવું પડ્યું.”
આધુનિક ભારતના એક ઋષિની જેમ ઉપસી આવેલા દક્ષિણ ભારતના સદગુરુ જગ્ગી વાસુદેવનું ઇન્ટરવ્યુ કેટલાક મહિના પહેલા હિન્દૂ વિરોધી અને ડાબેરી છબી ધરાવતી પત્રકાર બરખા દત્તે લીધું. તેણે સવાલ કર્યો, ‘કટ્ટર હિંદુઓ ગૌ-માંસનો વિરોધ કરીને બીજા લોકોની સ્વતંત્રતા પર તરાપ મારે છે તેના વિષે તમારું શું કહેવું છે.’ સદગુરૂએ જે લાંબો વૈજ્ઞાનિક જવાબ આપ્યો એના કેટલાક અંશો કંઈક આવા હતા:
‘દેશના ૭૦ ટકા લોકો ગાય સાથે આત્મીયતાથી સંકળાયેલા છે અને ગાયનું દૂધ પીએ છે. અને તમે જેનું દૂધ પીઓ છો તેને સ્વાભાવિક રીતે જ માતા તરીકે જુઓ છો. અને કોઈ તમારી માતાને કાપીને ખાય તે તમે કેવી રીતે જોઈ શકો? એટલે એમનો ગુસ્સો બને ત્યાં સુધી તો તેમના શાંત હિન્દૂ સ્વભાવના લીધે દબાયેલો રહે છે પણ જયારે તેઓ સહનશક્તિ ગુમાવી બેસે છે એટલે આક્રમક બની જાય છે અને તમારા જેવા બુદ્ધિજીવીઓ વડે બદનામ થાય છે. તમે બધા જે દૂધ પીઓ છો, કોલ્ડ કોફી, ચા, આઈસ્ક્રીમ અને અન્ય દૂધની બનાવટો ખાઓ છો તે ગાય આપે છે અને પૌષ્ટિક અનાજ માટે છાણીયું ખાતર આપે છે. જે પ્રાણી તમને જીવવા માટે આટલું બધું આપે છે તેને જ તમે કાપીને ખાવા માંગો છો. અને એનો દોષ શું છે? એટલો જ કે તે તમારા જેમ બોલી નથી શકતી. મેં મારી આંખે જોયું છે કે ઘરમાં ખેડૂત મરી ગયો હોય તો તેના ઘરે બાંધેલી ગાયના આંખમાંથી આંસુ નીકળતા હોય છે. મતલબ, એનામાં એટલી જ લાગણીઓ છે જેટલી આપણામાં છે. બસ એને તે શબ્દોમાં બોલી નથી શકતી. એના ડીએનએમાં એ ઉત્ક્રાંતિ નથી થઇ શકી. પણ તેની આ એક ઉણપના કારણે એને મારીને ખાવાનો અધિકાર આપણને કોણે આપ્યો? અને માનવજાતિને આટલું બધું આપનારી ગાયને કાપીને ખાવામાં કઈ વાંધો નથી તો પછી તને કાપીને તારા અંગોને રાંધીને ખાવામાં શું વાંધો હોઈ શકે? ગાયની ઉપયોગીતા સામે તો તારી ઉપયોગીતા કઈ નથી. તો હું પણ તને રાંધીને ખાવા માટે સ્વતંત્ર છું. કોઈએ મારાથી પણ મારી એ ખાવાની સ્વતંત્રતા ન છીનવવી જોઈએ. પણ નહિ. એ આપણા માટે અમાનવીય કાર્ય છે. ગુનો છે. પણ એક મૂંગા જીવને મારીને ખાવું એ ગુનો નથી. એમાં આપણી માનવતા પર કોઈ સવાલ ઉભો નથી થતો.’
એવું નથી કે ભારતીય સંસ્કૃતિમાં ગૌ-હત્યાનો વિરોધ શરૂઆતથી જ છે. વૈદિક સંસ્કૃતિની શરૂઆતમાં જયારે ભારતીય આધ્યાત્મ પૂરતું વિકસ્યું નહોતું ત્યારે પણ ગાય ખેતી પર નભતા દરેક માણસ માટે આજીવિકાનું સાધન હતી. તે સમયે ગાય જ માણસની આર્થિક સંપતિનું માપદંડ હતી. તે સમયે જો કોઈ ખેડૂતના ઘરે બ્રાહ્મણ આવી પધારે તો તે ખેડૂત તે બ્રાહ્મણના માનમાં સારામાં સારા વાછરડાની બલી ચઢાવી તે બ્રાહ્મણને ભોજન રૂપે આપતો. આ એ સમય હતો જયારે ગૌ-માંસ ખાવું એ બ્રાહ્મણોની અને દેવતાઓની (દૈવી પુરુષોની) શાન ગણાતી. ઋગ્વેદના શરૂઆતી અંશોમાં અને મનુસ્મૃતિના શરૂઆતી શ્લોકોમાં આ વાતનો ઉલ્લેખ છે (મનુસ્મૃતિ 5/50, ઋગ્વેદ 6/17). પણ ત્યારબાદ ભારતીય આધ્યાત્મ અદ્વૈતની સીમાએ વિકસ્યું જ્યાં ભારતીયોએ એ જ્ઞાન મેળવ્યું કે ‘આ સંમગ્ર સૃષ્ટિને રચવાવાળો ઈશ્વર કોઇ એક જ ઉર્જા છે. અને તેના પોતાનામાંથી જ આ સમગ્ર સૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે. એટલે કે સૃષ્ટિના દરેક રૂપમાં ઈશ્વર છે. આમ, સૃષ્ટિના કોઈપણ એક રૂપને પકડી તેની આરાધના દ્વારા એ મૂળ ઈશ્વર કે અલ્લાહ સુધી પહોંચી શકાય છે.આ રીતે તે પ્રાચીન ભારતીયોને એ વાત પણ સમજાઈ કે કેમ ઈશ્વરે આ બધા પ્રાણીઓને ઉત્પન્ન કર્યા પછી મનુષ્યને ઉત્પન્ન કર્યો. કારણ કે મનુષ્ય જ તેની બુદ્ધિશક્તિથી આ અદ્વૈતનો સિદ્ધાંત સમજી શકે એમ હતો અને નદી, પહાડ, વૃક્ષો અને પ્રાણીઓથી બનેલી આ પ્રકૃતિને પોતાનો અંશ માની તેનું સંવર્ધન કરી શકે તેમ હતો. આમ, ઈશ્વરે મનુષ્યને પ્રજાપતિ રૂપે પ્રકૃતિનું સંવર્ધન કરવાની જવાબદારી આપી છે અને પોતાની જરૂરિયાત મુજબ પ્રકૃતિનું દોહન કરવાની પરવાનગી આપી છે. ગાયનું દૂધ લેવું એ પ્રકૃતિનું દોહન છે જયારે ફક્ત સ્વાદ માટે તેને મારીને ખાવી એ પ્રકૃતિનું શોષણ છે.
આમ, અદ્વૈતનો વિચાર અમલમાં આવતા જ પ્રાચીન ભારતમાં જીવહત્યા પર સંપૂર્ણ રોક લાગી ગઈ. પરંતુ, મોટાભાગે બલિપ્રથામાં જીવહત્યા ગાયોની જ થતી હોવાથી ગૌ-હત્યા નિષેધ પર વધુ જોર આપવું પડ્યું. આ રીતે પ્રાચીન ભારતમાં ગૌ-હત્યા રોકવાની એક દેશવ્યાપી ઝુંબેશ ઉભી થઇ જે વેદો અને પુરાણોના મધ્યભાગના લખાણોથી જોઈ શકાય છે. આ રીતે ગૌહત્યા રોકવાની ઝુંબેશ રૂપે ગાયના દૂધથી લઈને તેના છાણ અને મૂત્રના ઔષધિ રૂપેનાં ઉપયોગો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું અને ગાયને એક માતા તથા તેત્રીસ દેવોના સ્વરૂપ ધરાવતી એક કામધેનુના રૂપમાં સ્થાપવામાં આવી. આમ, ગૌ-હત્યા રોકવાનું કારણ ના પ્રાચીન ભારતમાં કોઈ ધાર્મિક અંધશ્રદ્ધા હતી, ના આજે છે. ગૌ-હત્યા નિષેધ પ્રતીક છે એ સમયનું જયારે માનવે આ ધરતી પર તેના અસ્તિત્વનું કારણ અને જવાબદારી સમજ્યા. તે પ્રતીક છે એ સમયનું જયારે માનવે એક પ્રાણીથી આગળ વધીને એક મનુષ્ય તરીકે ઉત્ક્રાંતિ સાધી. એ પ્રતીક છે એ સમયનું જયારે પૃથ્વી પર સાચા અર્થમાં માનવતાની શરૂઆત થઇ. આથી, ગૌ-હત્યા એ કોઈ પ્રાણીની નહિ પણ માનવતાની હત્યા છે.
આમ, ગૌ-હત્યા રોકવી એ કોઈ મુસ્લિમ વિરોધી અભિયાન નથી. ઇસ્લામની હદીસમાં પણ કહેવાયું છે કે ‘ગાયનું દૂધ લાભકારી છે અને તેનું માંસ હાનિકારક છે.’ આજે ગૌમાંસ ખાવાવાળાઓમાં મુસ્લિમો સાથે પોતાની માનવતાવાદી સંસ્કૃતિથી વિમુખ થઇ ચૂકેલા હિન્દુઓની સંખ્યા પણ ઘણી મોટી છે. આરટીઓ ચેકપોસ્ટ પર કતલખાનામાં જતી ગાયોને રિશ્વત લઈને જવા દેવાવાળા પણ હિંદુઓ જ હોય છે. ઓડિસા અને રાજસ્થાનના કેટલાક હિન્દૂ સમાજોમાં આજે પણ બલી પ્રથા થોડાઘણા અંશે ચાલુ છે. પિન્ક રિવોલ્યૂશનનો વિરોધ કરીને વોટ મેળવનારાઓના રાજમાં પણ ભારત ગૌમાંસની નિકાસ કરવાવાળો વિશ્વનો સૌથી મોટો દેશ છે. અને કતલખાના ચલાવનારી જૈન કંપનીઓ તરફથી તેમને ચૂંટણીમાં દાન પણ મળી રહ્યું છે. તો ગૌહત્યાનો વિરોધ કરતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે વિરોધ કોના સામે કરવાનો છે અને શાનો કરવાનો છે. ગૌહત્યા અને કતલખાના બંધ કરવાની માંગ એ લોકો સમક્ષ કરવાની છે જે સત્તામાં બેઠા છે અને જેમણે ગૌહત્યા રોકવાના મુદ્દે જ સત્તા મેળવી છે. અને બીજું એ કે માંગ ખાલી ગૌહત્યા નિષેધની નથી કરવાની. માંગ જીવહત્યા નિષેધની કરવાની છે. એટલે ત્યાગનો ઉત્સવ ગણાતા રમઝાન મહિનામાં આગલા દિવસે બકરી લાવીને બીજા દિવસે એને મારી નાખવામાં ત્યાગ સમજવામાં ન આવે. રમઝાનની મૂળ ભાવના પ્રમાણે મહિનાના પહેલા દિવસે બકરી લાવી એક મહિનો તેને સંતાનની જેમ ઉછેરી અંતે ત્યાગના પ્રતીક તરીકે મારી નાખવાના સ્થાને તેને જંગલમાં જઈને છોડી મુકવામાં આવે તો એ પણ આપણા માટે ત્યાગ જ ગણાશે અને એ મૂંગા પ્રાણીને એનું મુક્ત પ્રાકૃતિક જીવન પાછું મળશે. આ રીતે જ મનુષ્યો અને પ્રાણીઓમાં એકસાથે વસેલો એ અલ્લાહ સાચા અર્થમાં આપણાથી ખુશ થશે અને આ રીતે જ આપણે એકવીસમી સદીમાં માનવ તરીકે એક જરૂરી ઉત્ક્રાંતિ સાધી ગણાશે.
April 14 / 2017 /'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
હિંદુ આત્મા, મુસ્લિમ શરીર અને ખ્રિસ્તી હૃદય એટલે સંપૂર્ણ ધર્મ
“વિવેકાનંદે કહેલું : ‘માનવજાતિને હિંદુ આત્મા, મુસ્લિમ શરીર અને ખ્રિસ્તી હૃદયની જરૃર છે.’”
ગૌતમ બુધ્ધને તેમના અંતિમ દિવસોમાં તેમના શિષ્યોએ પૂછ્યું, ‘તમે કોણ છો ?’ તથાગતે જવાબ આપ્યો, ‘હું એક જાગેલો મનુષ્ય છું. સૃષ્ટિની આ એ સર્વોચ્ચ સ્થિતિ છે જ્યાં મનુષ્ય અને ઈશ્વર વચ્ચેનો ભેદ સમાપ્ત થઇ જાય છે. દરેક માનવે આ સ્થિતિએ પહોંચીને જ પોતાની યાત્રા પૂરી કરવાની છે. આજે હું પહોંચ્યો છું, કાલે તમે પહોંચશો. એ જ નિયતિ છે. એટલે મારા શરીર છોડયા પછી મારી મૂર્તિઓ બનાવીને મંદિરો ઊભાં ન કરતા. મને તમારી અંદર મેળવવાની કોશિશ કરજો. હું એ જ છું જે તમે છો.’ આ એ જ જ્ઞાાન હતું જે સદીઓથી વેદો-ઉપનિષદો રચવાવાળા ઋષિઓથી લઇને રામ અને કૃષ્ણ જેવા આવા જાગેલા મહાપુરુષોએ વારંવાર આપ્યું હતું. પણ છતાંય બુધ્ધના દેહ છોડયાના પચાસ વર્ષોમાં જ રામ અને કૃષ્ણની જેમ તેમનાં પણ હજારો મંદિરો તેમના જ અનુયાયીઓએ ચારેબાજુ ઊભાં કરી દીધાં.
ભારતીય અધ્યાત્મમાં સમગ્ર સૃષ્ટિને એક નિરાકાર બ્રહ્મની વિવિધતા ધરાવતી અભિવ્યક્તિ કહેવામાં આવી છે. મતલબ, નદી, પહાડ, વૃક્ષોથી લઇને પ્રાણીઓ અને મનુષ્ય સુધી તમામ બ્રહ્મથી યુક્ત છે. પણ મનુષ્ય જ ખાલી એવું સ્વરૃપ છે જે પોતાના એ બ્રહ્મસ્વરૃપનો સાક્ષાત્કાર કરી શકે છે. આથી, ભારતમાં મનુષ્યને એ સાક્ષાત્કાર કરવા માટે બ્રહ્મના જે પણ સ્વરૃપથી શરૃઆત કરવી હોય તે સ્વરૃપને પસંદ કરવાની છૂટ આપવામાં આવી. દરેકમાં બ્રહ્મ જોતા આ વિચારને હિંદુ સનાતન વિચાર કહેવામાં આવે છે. આ સનાતનવાદના કારણે એક ફાયદો થયો અને એક નુકસાન. ફાયદો એ થયો કે લોકોમાં અધ્યાત્મ પ્રત્યે કટ્ટરતા ન આવી અને પોતાના માર્ગને બીજાના કરતાં વધુ યોગ્ય કહેવાના માનવસહજ સ્વભાવ પર લગામ લાગી ગઇ. આ કારણે હજારો વર્ષોની ભારતીય સંસ્કૃતિમાં આજસુધી એક દિવસ એવો નથી વીત્યો જ્યાં બુધ્ધ અને કૃષ્ણ જેવા આત્મસાક્ષાત્કાર કરેલા મહાપુરુષો આ દેશના કોઇના કોઇ હિસ્સામાં હાજર ન રહ્યા હોય. પણ નુકશાન એ થયું કે સામાન્ય માણસોએ સાક્ષાત્કાર કરવા માટે બ્રહ્મનું જે સ્વરૃપ કે મૂર્તિ પકડી તે એના પર જ અટકી ગયા અને તે સ્વરૃપ મારફતે નિરાકાર બ્રહ્મનો આત્મસાક્ષાત્કાર કરવાનું મૂળ ધ્યેય વીસરાઇ ગયું. પરિણામે હજારોની સંખ્યામાં દેવી-દેવતાઓ અને તેમની આજુબાજુ થતા ક્રિયાકાંડો અસ્તિત્વમાં આવ્યા. આ બધુ કંઇક એવું હતું કે કૈલાસ પર્વત ચડવા માટે તમારો ભોમિયો તમને પર્વતની ચોટી બતાવતો રહે અને તમે એ ભોમિયાને અને તેની આંગળીને જોવામાં જ જીવન કાઢી નાખો. કંઇક એવું કે તમે તમારાં માતા-પિતાના ફોટાને તો સાફસુથરો રાખી પૂજા કરો અને આગળ શ્રેષ્ઠ મીથાઇ પીરસો પણ સાચુકલાં માતા-પિતા બીજા ઓરડામાં ભૂખે મરે. આમ, આ ભટકાવના કારણે ભારતીય સમાજમાં ધર્મનાં પાખંડો શરૃ થયાં અને એક રીતે હિંદુ ધર્મ એક શ્રેષ્ઠ આત્મા તો બન્યો પણ એટલું સ્વચ્છ અને સ્પષ્ટ શરીર ના ધારણ કરી શક્યો.
પણ આ ભટકાવની જાણે મોહમ્મદ પયગંબરને જાણ થઇ હતી. એટલે જ તેમણે સખત કાયદા તરીકે એ આદેશ આપી દીધો કે ‘નિરાકાર બ્રહ્મ એટલે કે અલ્લાહ જ એકમાત્ર આખરી સત્તા છે. તેના સિવાય બીજા કોઇનો ફોટો પણ નહીં બનાવવાનો. મારો પણ નહીં. એટલે તમે બીજા કોઇ સ્વરૃપોમાં ભટકો નહીં અને નિરાકાર બ્રહ્મ તરફ તમારું ધ્યાન સતત જળવાઇ રહે.’ આ જ કારણ છે કે મુસ્લિમ ‘વંદે માતરમ’ નથી બોલતા. કારણ કે નિરાકાર બ્રહ્મ સિવાય બીજા કોઇને પણ પૂજો તો ફરી પાછું બીજું સ્વરૃપ ઊભું થાય અને અદ્વૈતમાંથી દ્વૈતની સ્થિતિ ઊભી થાય. આ જ કટ્ટરતાના કારણે મુસ્લિમ સમાજ રૃપે એક એવી પ્રજાતિ અસ્તિત્વમાં આવી કે જે ચાહે ધરતી પરના કોઇપણ દેશમાં રહેતી હોય એના માટે એ નિરાકાર બ્રહ્મ સિવાય કોઇ વધારે મહત્ત્વપૂર્ણ નથી. મતલબ, એક રીતે આખી ધરતી પરની સમગ્ર માનવજાતિને એક જ મૂળ સત્તાની ભક્તિના માર્ગે એક કરવાનો લાજવાબ માર્ગ મોહમ્મદ પયગંબરે શોધી કાઢ્યો. આ એક સુંદર ધાર્મિક શરીરનું નિર્માણ હતું. પણ એ નિરાકાર ઈશ્વર આપણામાં પણ છે અને એને આપણા પોતાનામાં અનુભવી લેવો એ જ માનવજીવનનું મુખ્ય લક્ષ્ય છે એ મૂળ વિચાર ઇસ્લામમાં ન પ્રગટયો. આ કારણે એક ઈશ્વરના નામ સાથે એકઠા થયેલા લોકોએ એ એક જ ઈશ્વરના નામ સાથે કઇ રીતે જીવવું તેના પોતાની અનુકૂળતા મુજબના અરબી નિયમો બનાવ્યા. અને આખા મુસ્લિમ ધર્મનો મૂળ નિષ્કર્ષ જ એ ઊપસી આવ્યો કે જે તે નિયમોને ચુસ્તતાથી પાળશે તે મૃત્યુ પછી સ્વર્ગમાં જશે અને સુખ ભોગવશે. અને જે નિયમો તોડશે તે નર્કમાં જશે. મતલબ માનવજીનનું મુખ્ય લક્ષ્ય સ્વર્ગમાં જવું છે. પણ સમસ્યા એ છે કે એના માટે પહેલાં તમારે મરવું પડશે. અને મર્યા પછી સ્વર્ગમાં કે નર્કમાં ગયો હોય તેવો કોઇ હજુ એ કહેવા પાછો આવ્યો નથી કે ખરેખર ત્યાં કોઇ સ્વર્ગ કે નર્ક છે કે નહીં. એટલે આ વિચાર હવે ખાલી આતંકવાદી સંગઠનોના એ આકાઓના જ કામ આવી રહ્યો છે, જે સોશિયલ મિડીયા પર ”ગૈરમુસ્લિમોને મારીને મરી જવામાં જ જન્નત મળે છે’ એ જ્ઞાાન આપી વિશ્વભરમાં આતંકવાદીઓની ભરતી કરે છે. તો આમ, એક બહુ જ સુંદર શરૃઆત પછી ઈસ્લામ એ ઉદારતા, બુધ્ધિજીવિતા અને માનવતાને ના ધારણ કરી શક્યો જેની માનવજાતિને જરૃર હતી. આમ, ઈસ્લામનું સ્વરૃપ એક એવા સુંદર શરીરનું બન્યું જેમાં આત્મા ગાયબ હતો. અને જો ઈસ્લામના આ શરીરને અને આત્મસાક્ષાત્કારને ધ્યેય માનતા સનાતનવાદી હિંદુ આત્માને એક કરી દેવામાં આવે તો માનવજાતિને જેની સખત જરૃર છે એવો એક સાચો માનવધર્મ મળી શકે છે.
પણ આ માનવધર્મમાં જ્યાં સુધી ખ્રિસ્તી હૃદય નહીં મળે ત્યાં સુધી એ અધૂરો છે. ખ્રિસ્તી ધર્મમાં કોઇ મહાન તત્ત્વજ્ઞાાન કે માનવજાતિને એક કરવાના વિચારો નથી. તે ધર્મ એક જ મૂળ વાત પર ટકેલો છે અને તે છે અનુકંપા. માનવ પ્રત્યેની કરુણા અને સેવા. જનસેવા એ જ પ્રભુસેવાનો આદર્શ હિંદુત્વમાં પણ છે પણ મોટાભાગે હિંદુઓ અદ્વૈતના તત્ત્વજ્ઞાાનની ચર્ચાઓમાં જ પોતાની ધાર્મિકતા સમજે છે. જ્યારે ખ્રિસ્તી ધર્મમાં દુખીઓનાં દુખ દૂર કરવા એ જ સ્વર્ગનો માર્ગ છે. બેશક આ રીતે તેમણે ધર્માંતરણો પણ કરાવ્યાં છે પણ અનેક બીમાર અને દુખી લોકોની સેવામાં આખા ને આખાં જીવન પણ આપ્યાં છે. એટલે ઈસ્લામ જો માનવજાતિને એક નિરાકાર ઈશ્વરની ભક્તિ હેઠળ એક થવાનો વિચાર આપે છે અને હિંદુ જો એ નિરાકાર ઈશ્વરને પોતાનામાં અનુભવી લઇ મનુષ્ય અને ઈશ્વર વચ્ચેનો ભેદ દૂર કરી દેવાનું ધ્યેય આપે છે તો ખ્રિસ્તી ધર્મ આપણને સમજાવે છે કે દુખી અને પીડિત જીવોનાં દુખો દૂર કરવાનો પ્રયાસ કરવો એ જ તે એકમાત્ર નિરાકારી ઈશ્વરની આરાધના કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. કારણ કે તે દરેકમાં વસેલો છે, આથી જ વિવેકાનંદે કહેલું : ‘માનવજાતિને હિંદુ આત્મા, મુસ્લિમ શરીર અને ખ્રિસ્તી હૃદયની જરૃર છે.’
May 28 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
શિવલિંગ : આપણી મૂળ સ્થિતિનું દર્શન
“આજે મંદિરોમાં શિવલિંગ તો રહી ગયાં છે પણ તેનીં સાથે મનુષ્યને તેના મોક્ષ સુધી લઇ જનારો આ વૈજ્ઞાનિક માર્ગ લુપ્ત થઇ ચૂક્યો છે.”
હવે, જેમ જેમ પુરુષ પ્રકૃતિ સ્ત્રી પ્રકૃતિના શૂન્યાવકાશમાં ભળતી જાય છે તેમ તેમ બંને પ્રકૃતિઓ પોતાની સ્વતંત્ર સ્થિતિ ઊર્જા ગુમાવતી જાય છે. તેમની આ ગુમાવેલી સ્થિતિ-ઊર્જા પણ તેમના મિલનથી બનતા તટસ્થ ઊર્જાના દડામાં ભળે છે. (આકૃતિ C).આથી તેમના વ્યક્તિગત આકારો નષ્ટ પામે છે અને તેમના મિલનથી બનેલા તટસ્થ-ઊર્જાના દડાની ઊર્જા વધે છે પણ કદ સંકોચાય છે. પરિણામે તે દડાની ઊર્જા-ઘનતા અતિશય વધી જાય છે. આ સમયે તે પિંડની ઊર્જા બહારની ચારે દિશાઓથી અને અંદરની તરફથી સમાન હોય છે. મતલબ, તે ઊર્જા હવે અદ્વૈત (જેનું બીજુ કોઈ રૃપ નથી તેવી) હોય છે. આ અદ્વૈત ઊર્જા ધરાવતા પિંડને અદ્વૈત પિંડ કહે છે. આપણી સૃષ્ટિની શરૃઆત પહેલાં બ્રહ્માંડની સમગ્ર ઊર્જા આવા એક અદ્વૈત પિંડ રૃપે હતી. જેને અંગ્રેજીમાં ‘સિન્ગ્યુલારીટી (SINGULARITY)’ એટલે કે એકત્વ કહે છે.
હવે, સમસ્યા એ થાય છે કે આ અદ્વૈત પિંડની ઉચી ઊર્જા-ઘનતા તેના કેન્દ્રને અસ્થિર કરી દે છે. આથી, આ અસ્થિર કેન્દ્રની ઊર્જા સ્થિરતા મેળવવા પિંડની સમગ્ર ઊર્જાને કેન્દ્રથી પરીઘ તરફ જોરદાર ધક્કો મારે છે અને આ ધક્કાના કારણે પિંડ વિસ્ફોટ સાથે તૂટી પડે છે અને આ વિસ્ફોટ સાથે સ્ત્રી પ્રકૃતિના ગર્ભમાંથી ફરી પાછી પુરુષ પ્રકૃતિ બહાર નીકળી જાય છે અને ન્યૂનતમ ઊર્જા સાથે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ મેળવી શાંતિ મેળવે છે. આમ, તટસ્થ ઊર્જા બનતા જે પુરુષ પ્રકૃતિ સ્ત્રી પ્રકૃતિના ગર્ભમાં સમાય છે તે તટસ્થ ઊર્જાનો પિંડ ફૂટતાં ફરી પાછી સ્થિતિ-ઊર્જાનો મોટો જથ્થો લઇને લિંગમ્ સ્વરૃપ ત્યાંથી બહાર નીકળી જાય છે. આથી, સ્ત્રીના ગર્ભમાં ફરી શૂન્યાવકાશ ઉત્પન્ન થાય છે અને તે યોની સ્વરૃપે અંતર્ગામી પ્રકૃતિ બને છે. આમ, તટસ્થ ઊર્જાના વિસ્ફોટથી ફરી પાછી બહિર્ગામી અને અંતર્ગામી પ્રકૃતિઓ ઉત્પન્ન થાય છે. આ રીતે જ અદ્વૈત પિંડના ફૂટવાથી બિગ-બેંગનો વિસ્ફોટ થયો અને બે વિરોધી પ્રકૃતિઓમાં વહેંચાયેલી આપણી આ સૃષ્ટિ શરૃ થઈ.
આથી, સૃષ્ટિમાં પણ અલગ-અલગ સ્વરૃપે રહેલી આ બે વિરોધી પ્રકૃતિઓ એકબીજાની નજીક આવે એટલે પુરુષ પ્રકૃતિ સ્ત્રી પ્રકૃતિના શૂન્યાવકાશ ધરાવતા ગર્ભમાં સ્થિર થવા માગે છે અને સ્ત્રી પ્રકૃતિ પુરુષ પ્રકૃતિને પોતાના ગર્ભમાં સ્થાપી દેવા માગે છે. કારણ કે એ રીતે જ આ સમગ્ર સૃષ્ટિ જેમાંથી આવી છે તે મૂળ અદ્વૈત પિંડ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ અદ્વૈત પિંડ સ્થિતિ આપણા બધાની મૂળ સ્થિતિ છે. તે આ બ્રહ્માંડની ઊર્જા એવા બ્રહ્મની કે ઇશ્વરની મૂળ સ્થિતિ છે. એ જ આપણી સંપૂર્ણતા છે. એ સ્થિતિ જ આપણો મોક્ષ છે. અને એ સ્થિતી ત્યારે જ આવે છે જ્યારે પુરુષ સ્ત્રીના ગર્ભમાં સ્થિર થાય. આ જ કારણે આ સૃષ્ટિમાં પુરુષ પ્રકૃતિ રૃપે રહેલા એક સૂક્ષ્મ કણથી લઈને મનુષ્યરૃપી પુરુષ પણ સ્ત્રીના ગર્ભમાં સ્થિર થવાની કોશિશ કરે છે. આ જ પુરુષ અને સ્ત્રી વચ્ચે સંભોગના આકર્ષણનું કારણ છે. સંભોગમાં પણ પુરુષ સ્ત્રીના ગર્ભમાં સમાઈ જવાની કોશિશ કરે છે અને સ્ત્રી પુરુષને પોતાના ગર્ભમાં સ્થાપી દેવાની કોશિશ કરે છે. પણ કારણ કે બંનેનાં મોટાં શરીરો વચ્ચે હાજર છે એટલે આ થઈ નથી શકતું અને તેઓ આ કાર્ય તેમના નાના જનીન અંગોથી પૂરું કરે છે, જ્યાં પુરુષ પોતાની સમગ્ર ઊર્જાના પ્રતિનિધિ તરીકે વીર્યને સ્ત્રીના ગર્ભમાં છોડે છે અને સ્ત્રી તેનો પોતાના ગર્ભમાં સ્વીકાર કરે છે. અને સૃષ્ટિની આ મૂળ સ્થિતિએ કરેલા કાર્યથી જ એક નવા જીવનું સર્જન થાય છે.
આપણાં મંદિરોમાં સ્થપાયેલાં શિવલિંગ આ જ મૂળ સ્થિતિની રચના ધરાવે છે. શિવલિંગની રચનામાં લિંગ જ્યાં ઊભુ છે તે સ્ત્રીનો ગર્ભ છે, જે જમણી બાજુ યોની સાથે જોડાયેલો છે. શિવલિંગની રચના આપણા બધાની મૂળ સ્થિતિ એવા અદ્વૈત પિંડની રચના છે. પ્રાચીન ભારતમાં જ્યારે હજુ રામ અને કૃષ્ણ જેવા ઇશ્વરના અવતારોનો જન્મ પણ નહોતો થયો ત્યારે ઋષિમુનિઓએ મનુષ્યોને પોતાના મૂળ સ્વરૃપનું સતત ભાન કરાવવા માટે શિવલિંગના આકારની રચના કરી હતી. તે સમયના ભારતીયો કોઈ બીજા ઈશ્વર કે પ્રતીકની પૂજા નહોતા કરતા. તેઓ માત્ર આ શિવલિંગની પૂજા કરતા અને આજીવન શિવલિંગનું ધ્યાન કરતા. પુરુષ ધ્યાનમાં પોતાને લિંગરૃપે સમગ્ર સ્ત્રીઓના ગર્ભમાં સ્થિર થયો હોવાની અનુભૂતિ કરતો અને સ્ત્રી ધ્યાનમાં તમામ પુરુષોને સંતાન તરીકે પોતાના ગર્ભમાં સ્થાપિત કર્યા હોવાની અનુભૂતિ કરતી. આ રીતે જ તેઓ ધીરે-ધીરે પોતાના પુરુષ કે સ્ત્રી હોવાના ભાવથી ઉપર ઊઠતા જતાં અને એક સમયે અદ્વૈત પિંડની મૂળ સ્થિતિની અનુભૂતિ કરી મોક્ષ મેળવતાં. તો આ છે શિવલિંગ. વિજ્ઞાન, અધ્યાત્મ અને ક્રિયાકાંડનો અદભુત સંગમ. આજે મંદિરોમાં શિવલિંગ તો રહી ગયાં છે પણ તેનીં સાથે મનુષ્યને તેના મોક્ષ સુધી લઇ જનારો આ વૈજ્ઞાનિક માર્ગ લુપ્ત થઇ ચૂક્યો છે. ચાલો, એને પુનર્જીવિત કરીએ.
એકસ્ટ્રા બેનીફીટ : જો પુરુષ કોઈ સ્ત્રી પ્રત્યેના સતત આકર્ષણથી મુક્ત થવા ઇચ્છતો હોય તો તેણે આંખો બંધ કરીને એવું ધ્યાન કરવું જોઈએ કે હું તે સ્ત્રીના ગર્ભમાં લિંગ રૃપે સ્થિર થયેલો છું. તે જ રીતે સ્ત્રી કોઈ પુરુષના આકર્ષણથી મુક્ત થવા એ ધ્યાન કરે કે તે પુરુષ તેણીના ગર્ભમાં સમાયેલો છે. પોતાના મનને શિવલિંગની આ સ્થિતિએ સતત સ્થિર રાખતાં સંભોગનું આકર્ષણ લુપ્ત થવા લાગે છે.
June 04 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
આત્મન અને બ્રાહ્મણ વચ્ચેનો ફર્ક
“બાળપણથી જ શાસ્ત્રો રટી લેવાથી કોઈ શુદ્ર સ્થિતિનો આત્મા બ્રાહ્મણ નથી બની શક્તો. અને આજીવન શાસ્ત્રોથી દૂર રાખીને કોઈ બ્રાહ્મણ સ્થિતિના આત્માને શુદ્ર નથી બનાવી શકાતો.”
આપણા શરીરની ઇન્દ્રિયો આજના બ્રહ્માંડમાં રહેલાં ત્રણ પરિમાણોથી જ બનેલી છે. વિજ્ઞાાન કહે છે કે બ્રહ્માંડનાં આ ત્રણ પરિમાણો બ્રહ્માંડની કુલ ઉર્જાનો ત્રીસ ટકા ભાગ જ છે. જ્યારે બાકીની સિત્તેર ટકા ઉર્જા તો અદ્રશ્ય છે. હવે, જે ત્રીસ ટકા ઉર્જાથી આપણા બ્રહ્માંડના પદાર્થો બન્યા છે એમાં પણ ખાલી પાંચ ટકા પદાર્થો જ દ્રશ્ય છે. મતલબ, બ્રહ્માંડની સમગ્ર સો અબજ આકાશગંગાઓ અને દરેક આકાશગંગાના સો અબજ તારાઓને ભેગા કરીએ તો તે સમગ્ર બ્રહ્માંડની માત્ર પાંચ ટકા ઉર્જા જ છે. ત્રણ પરિમાણોમાં બનેલા બાકીના પચ્ચીસ ટકા અવકાશી પદાર્થો પણ અદ્રશ્ય છે. બસ, આ જ હકીકત સાથે જોડાયેલું છે આપણું મન.
શરીરની સો ટકા ઉર્જાથી બનેલું કુલ મન આકૃતિમાં બતાવેલા ત્રણ ભાગમાં વહેંચાય છે. જે ભાગ બ્રહ્માંડની સિત્તેર ટકા અદ્રશ્ય ઉર્જા સાથે સંલગ્ન છે તેને કહે છે સુષુપ્ત મન. જે ભાગ બ્રહ્માંડનાં ત્રણ પરિમાણોથી બન્યો છે તે બે વિભાગોમાં વહેંચાયેલો છે. દ્રશ્ય બ્રહ્માંડ પાંચ ટકા જ હોવાથી કોઈ મનુષ્ય બ્રહ્માંડના તમામ પદાર્થોને જોઈ લે તો પણ તે તેના કુલ મનની પાંચ ટકા ઉર્જા જ વાપરી શકશે. પણ આટલા વિશાળ બ્રહ્માંડના તમામ પદાર્થોને કોઈ જોઈ શક્તું નથી એટલે મોટા ભાગના મનુષ્યોમાં આ જાગ્રત ઉર્જા એક-બે ટકા સુધી જ સક્રિય હોય છે. એટલે મહત્તમ પાંચ ટકા ક્ષમતા ધરાવતા એ ભાગને કહે છે જાગ્રત મન- જે ઇન્દ્રિયો સાથે સીધું સંકળાયેલું છે. જ્યારે આ પાંચ ટકા સિવાયનો બાકીનો પચ્ચીસ ટકા ભાગ જે જાગ્રત હોવા છતાં બ્રહ્માંડમાં દ્રશ્ય પદાર્થોના અભાવે નિષ્ક્રિય રહે છે તે કહેવાય છે અર્ધજાગ્રત મન. આમ, અર્ધજાગ્રત મન એક એવું જાગ્રત મન છે જેના ભાગે કોઈ કામ નથી આવ્યું. આથી તે જાગ્રત અને સુષુપ્ત મનની વચ્ચે રહીને બંને સાથે સબંધ સ્થાપે છે.
આપણે આંખ, કાન, નાક, ત્વચા જેવી જ્ઞાાનેન્દ્રિયોથી જે સંવેદનાઓ ગ્રહણ કરીએ છીએ તે જાગ્રત મનમાં સંગ્રહાય છે. જ્યારે એ સંવેદનાઓનો આપણે કર્મેન્દ્રિયો દ્વારા જે જવાબ આપીએ છીએ જેમ કે બોલવું, દોડવું, પકડવું વગેરે- તે આપણા અર્ધજાગ્રત મનમાં સંગ્રહાય છે. આમ, આપણાં કર્મોનો રેકોર્ડ આપણા અર્ધજાગ્રત મનમાં સંગ્રહાય છે જે મૃત્યુ પછી એક શરીરમાંથી બીજા શરીરમાં પણ જાય છે અને આપણા બીજા જન્મની પરિસ્થિતિને નક્કી કરે છે. હવે, નિંદ્રા એ સમય છે જ્યારે મનુષ્ય તમામ ઇન્દ્રિયોનો સંપર્ક છોડી દે છે. આ કારણે નિંદ્રા દરમિયાન આ ત્રણેય મનની કુલ સો ટકા ઉર્જા એકબીજામાં ભળી જાય છે, જે મનુષ્યના મનમાં ‘હું જ આ સમષ્ટિની સમગ્ર ઉર્જા છું’- એવો એકત્વનો ભાવ ઉત્પન્ન કરે છે. પણ જ્યારે મનુષ્યની ઊંઘ ઊડે છે ત્યારે તે ફરી ઇન્દ્રિયોના હાથમાં જતો રહે છે અને ફરી પેલા પાંચ ટકાથી ઓછા જાગ્રત મનને જ પોતાનું અસ્તિત્વ સમજવા લાગે છે. આ કારણે નિંદ્રા દરમિયાન ઉદ્ભવેલો પેલો એકત્વનો ભાવ અર્ધજાગ્રત મનમાં જતો રહે છે અને અર્ધજાગ્રત મન સતત જાગ્રત મનને એટલે કે મનુષ્યને એ અહેસાસ કરાવે છે કે તે અધૂરો છે. અને આ કારણે શરૃ થાય છે મનુષ્યના આધ્યાત્મિક વિકાસની યાત્રા.
આત્મા જ્યારે પ્રાણીઓમાંથી નવો નવો મનુષ્ય શરીર ધારણ કરે ત્યારે તે મનુષ્યશરીરનાં સાત ચક્રોમાંથી સૌથી નીચેના પહેલા ચક્ર પર હોય છે. આવા મનુષ્યનું ધ્યાન ફકત અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૃરી એવી ભોજન, રહેઠાણ અને કપડાની જરૃરિયાતો પર જ સીમિત હોય છે. આ સમયે તે તમસ ગુણમાં હોય છે. પરંતુ નિંદ્રા પછી ઉદ્ભવતી પેલી અધૂરાપણાની લાગણી તેને પૂર્ણતા મેળવવા ધકેલે છે. એટલે મનુષ્યની ઉર્જા ઉપર ચડી બીજા ચક્ર પર કેન્દ્રિત થઈ જાય છે. હવે, મનુષ્ય વધુ ધન કમાઈ ભોગવિલાસ કરી ઇન્દ્રિયોને સંતૃપ્ત કરવાની કોશિશ કરે છે. આમ, તે રજસ ગુણમાં આવે છે. પણ અહીં પણ પેલી અધૂરાપણાની લાગણી ત્યાં જ હોય છે. આથી, મનુષ્યની ઉર્જા ત્રીજા ચક્ર પર આવી જાય છે, જેથી મનુષ્યને પ્રસિધ્ધિ મેળવવાની ઇચ્છા થાય છે. જ્યારે પ્રસિધ્ધિ પણ અધૂરાપણાની લાગણીને ખતમ નથી કરી શકતી એટલે તેની ઊર્જા ચોથા (હૃદય) ચક્ર પર આવીને કેન્દ્રિત થાય છે. હવે, તે પ્રેમ અને લાગણીના સંબંધોથી પૂર્ણતા મેળવવા ચાહે છે. પણ નથી મળતી. ફરી ઉર્જા ઉપર ચડે છે અને પાંચમા ચક્ર પર કેન્દ્રિત થાય છે. હવે તે તત્ત્વજ્ઞાાન અને ફિલોસોફીઓ પાછળ ભાગે છે. પણ એ વૈચારિક ભોગવિલાસ પછી પણ તેની અધૂરાપણાની લાગણી ત્યાં જ હોય છે. આથી, હવે તેની ઉર્જા છઠ્ઠા ચક્ર પર ચડે છે. અહીં આવતાં જ તે સત્ત્વ ગુણમાં પ્રવેશે છે. તેણે સંસારની દરેક વસ્તુને ચકાસી જોઈ છે પણ છતાંય પૂર્ણતા નથી મળી. આથી, તે સંસાર છોડીને ફકત સત્યના સાક્ષાત્કાર માટે ભટકવાનું શરૃ કરે છે. સાચા સંન્યાસીઓ આ સ્થિતિએ હોય છે. અહીં, મનુષ્યના પોતાના માટે થતાં કર્મ બંધ થઈ જાય છે અને સત્યપ્રાપ્તિના માર્ગે યાતનાઓ શરૃ થાય છે. આથી, તેના જાગ્રત મનમાં નવો અહમ્ બનતો બંધ થઈ જાય છે અને યાતનાઓથી અહમના જૂના રેકોર્ડ તૂટે છે. અને જે સમયે જાગ્રત મનમાં બનેલા અહમના તમામ રેકોર્ડ તૂટી જાય છે તે જ ક્ષણે મનુષ્યના જાગ્રત મનની પાંચ ટકા ઉર્જા અને અર્ધજાગ્રત મનની પચ્ચીસ ટકા ઉર્જા એક થઈ જાય છે. આથી, અર્ધજગત મનમાં રહેલો સૃષ્ટિ સાથેના એકત્વનો રેકોર્ડ તેના કુલ ત્રીસ ટકા જાગ્રત મનનો હિસ્સો બને છે. આ આત્મસાક્ષાત્કારને ‘આત્મજ્ઞાાન થયું’ એમ કહે છે. આ સ્થિતિનો માણસ ‘આત્મન’ કહેવાય છે.
હવેથી તે આત્મન પોતાનાં તમામ કર્મો સૃષ્ટિને એક જાણીને જ કરે છે. આથી, ધીરે ધીરે બીજી યાતનાઓ દ્વારા તેના અર્ધજાગ્રત મનમાં સંગ્રહાયેલાં કર્મોના રેકોર્ડ પણ નાશ પામે છે અને છેલ્લો કર્મ-રેકોર્ડ તૂટતાં મનુષ્યનું ત્રીસ ટકા જાગ્રત મન અને સિત્તેર ટકા સુષુપ્ત મન પણ એક થઈ જાય છે. આ ક્ષણે મનુષ્યની સમગ્ર ઉર્જા એક થઈ જવાથી તે સૃષ્ટિના સમગ્ર બ્રહ્મ સાથે એકાકાર થઈ જાય છે. તે બ્રહ્મને જાણી લે છે. હવે, તે શરીરમાં કોઈ મનુષ્ય નહી, સૃષ્ટિનું સમગ્ર બ્રહ્મ કાર્યરત થાય છે. આ બીજા સાક્ષાત્કારને ‘બ્રહ્મજ્ઞાન થયું’ એમ કહે છે. અને આવા બ્રહ્મ સાથે એક બનેલા મનુષ્યને ‘બ્રાહ્મણ’ કહે છે, જે એક સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થિતિ છે ના કે કોઈ જાતિ. જ્યારે પ્રાણીમાંથી શરૃઆતી માનવશરીર ધારણ કરનાર તમસગુણી મનુષ્ય જેની ઉર્જા પહેલા ચક્ર પર જ સ્થિર હોય છે અને જે ખાલી ભોજન-રહેઠાણ મેળવી અસ્તિત્વ ટકાવી રાખવાના વિચારો પૂરતો
જ સીમિત હોય છે તેવા મનુષ્યને ભારતીય શાસ્ત્રોમાં ‘શુદ્ર’ કહેવાયો છે. તે પણ એક આધ્યત્મિક સ્થિતિ છે, ના કે કોઈ જાતિ. બ્રાહ્મણ અને શુદ્ર કોઈના પણ ઘરમાં જન્મ લઈ શકે છે. બાળપણથી જ શાસ્ત્રો રટી લેવાથી કોઈ શુદ્ર સ્થિતિનો આત્મા બ્રાહ્મણ નથી બની શક્તો. અને આજીવન શાસ્ત્રોથી દૂર રાખીને કોઈ બ્રાહ્મણ સ્થિતિના આત્માને શુદ્ર નથી બનાવી શકાતો.
June 11 / 2017 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
વિષ્ણુ અને શિવ બનવાથી મોક્ષ સુધીનો માર્ગ
“બ્રહ્મ વિષ્ણુ તરીકેની પોતાની અભિવ્યક્તિ સંકોચી લઇને શિવ તરીકે અસ્તિત્વમાં આવે છે.”
ગયા લેખમાં આપણે જાણ્યું કે નિંદ્રા દરમિયાન મનુષ્યના જાગ્રત, અર્ધજાગ્રત અને સુષુપ્ત મન એક થઇ જવાથી મનુષ્ય સમગ્ર અસ્તિત્વ સાથે એકત્વ અનુભવે છે. પણ નિંદ્રામાંથી બહાર આવતા મનુષ્ય પાંચ ટકા જાગ્રત મનને જ પોતાનું અસ્તિત્વ જાણે છે. એટલે તેના અર્ધજાગ્રત મનમાં પોતે અધૂરો અને અતૃપ્ત છે એવી અધૂરાપણાની લાગણી જન્મે છે જે આજીવન તેના મનમાં હાજર રહે છે અને પ્રબળ બનતી જાય છે. મનુષ્યના મનમાં સ્થાયી બનેલી આ અધૂરાપણાની લાગણી જ સમગ્ર માનવજગતને ચલાયમાન રાખે છે. તેના કારણે જ માનવ સતત સુખ મેળવવાની ઇચ્છા કરે છે. પણ એ સુખની કામના અસલમાં એ એકત્વ કે પૂર્ણતા મેળવવાની જ કામના છે, જે નિદ્રા સમયે આપણા મનને પ્રાપ્ત થાય છે. પણ પહેલા ચક્ર પર જેની ઊર્જા સ્થિર છે તેવો માણસ આ સમજી શકતો નથી એટલે તે ભૌતિક ભોગવિલાસો મેળવીને સુખ મેળવવાનો પ્રયાસ કરે છે. આથી તેની ઊર્જા બીજા ચક્ર પર આવે છે. આ ભોગવિલાસો પણ જ્યારે તેને પૂર્ણતાનું સુખ નથી આપી શકતા ત્યારે પ્રસિધ્ધિ, પ્રેમ અને તત્ત્વજ્ઞાાન પાછળ ભાગે છે. પણ દરેક વખતે તેનું સુખ અધૂરું હોય છે અને તેની ઊર્જા ક્રમશ: ઉપરનાં ચક્રો તરફ ચડતી જાય છે. અંતે જ્યારે છઠ્ઠા ચક્ર પર મનુષ્યના જાગ્રત, અર્ધજાગ્રત અને સુષુપ્ત મનની ઊર્જા એકબીજામાં ભળી જઇ બ્રાહ્મણત્વ પ્રગટે છે ત્યારે જ મનુષ્ય સંપૂર્ણતાનું આખરી સુખ પ્રાપ્ત કરે છે. તેને જ બુધ્ધે નિર્વાણ કહ્યું છે.
હવે, આવો નિર્વાણ પામેલો બ્રાહ્મણ કે બુધ્ધ (બંનેના અર્થ એક જ છે) જો સંસારથી અલગ રહીને પોતાનું જીવન કાઢે તો તે એવો ચમત્કારી ઋષિ બને છે જેવા હિમાલયના જંગલોમાં જોવા મળે છે. આવા મનુષ્યોમાં બ્રહ્મ સતત સંચય પામતું રહે છે. આથી તેઓ એ દરેક ચમત્કાર કરી શકે છે જે સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલું બ્રહ્મ કરી શકે છે. પણ જો આવો બ્રાહ્મણ મનુષ્ય બુધ્ધત્વ ધારણ કર્યા પછી સંસારમાં પ્રવેશે તો તે તેનામાં જાગ્રત બનેલા બ્રહ્મને પોતે જાણેલા સત્યને સંસારમાં સ્થાપવા માટે વાપરે છે.
આવા સંસારમાં પાછા ફરેલા બ્રાહ્મણને વિષ્ણુ કે વિષ્ણુનો અવતાર કહે છે. વિષ્ણુ બનેલો મનુષ્ય માનવશરીરનાં સાતેય ચક્રોની ઊર્જા અલગ અલગ વિષયોમાં વાપરી સમાજમાં સત્યની સ્થાપના કરવાનો પ્રયાસ કરે છે. આવા મનુષ્યોનું બ્રહ્મ તેમનાં સાંસારિક કાર્યોમાં વપરાતું રહેતું હોવાથી તેમનામાં ચમત્કારો કરવાની ક્ષમતા ઓછી હોય છે.
આવો વિષ્ણુ પહેલા ચક્રની સ્થિતિએ એક શૂદ્રની જેમ શ્રમ પણ કરે છે (રામનો વનવાસ), તો બીજા ચક્રની સ્થિતિએ વૈશ્ય બનીને વેપાર કરી ધન પણ કમાય છે (કૃષ્ણની વેપાર માટેની સમૃધ્ધ દ્વારાકા નગરી), તે ત્રીજા ચક્રની સ્થિતિએ ક્ષત્રિય બનીને રાજનીતિ અને શૌર્યનું દર્શન કરાવે છે અને પ્રસિધ્ધિ મેળવે છે (રામ અને કૃષ્ણનો ક્ષત્રિય અવતાર) તો ચોથા ચક્રની સ્થિતિએ પ્રેમલીલા પણ કરે છે (કૃષ્ણની રાસલીલા). તે પાંચમા ચક્રનું તત્ત્વજ્ઞાાન પણ પ્રગટ કરે છે (ભગવદ્ ગીતા) તો છઠા ચક્રનું વૈરાગ્ય પણ ધારણ કરે છે (બુધ્ધનો સંન્યાસ). આમ, વિષ્ણુ ચારેય વર્ણ ધારણ કરીને એક પૂર્ણપુરુષોત્તમ રૃપે સાચા સત્યને સમાજમાં સ્થાપે છે. આ કારણે વિષ્ણુને વિશ્વના પાલનહાર કહેવામાં આવે છે.
પણ આપણે અગાઉ જાણ્યું હતું કે બ્રહ્મની મૂળ સ્થિતિ તો અદ્વૈત પિંડ સ્થિતિ છે. એટલે બ્રહ્મ વિષ્ણુ સ્થિતિના મનુષ્યમાં થતી સાત ચક્રોની અભિવ્યક્તિને ધીમે ધીમે સંકોચવા લાગે છે અને તેને પાંચમા અને છઠ્ઠા ચક્ર પર સંકોચીને કેન્દ્રિત કરે છે. હવે તે મનુષ્યની અભિવ્યક્તિ પાંચમા અને છઠા ચક્રોના ગુણો પ્રમાણે જ થાય છે. એટલે કે જ્ઞાન અને વૈરાગ્ય. આવા મનુષ્યને શિવ કહે છે. આમ, બ્રહ્મ વિષ્ણુ તરીકેની પોતાની અભિવ્યક્તિ સંકોચી લઇને શિવ તરીકે અસ્તિત્વમાં આવે છે. આવો શિવ બનેલો મનુષ્ય રાજનીતિ, કૂટનીતિ અને પ્રેમલીલાઓ જેવા અભિનય માંગતા ગુણોથી વૈરાગ્ય અનુભવે છે. તે સતત ધ્યાનમાં રહીને સૃષ્ટિના સમગ્ર બ્રહ્મ સાથે એકત્વમાં સ્થિર રહે છે. આ રીતે તે સંદેશ આપે છે કે માનવજીવનમાં અનંત સુખ, શાંતિ અને આનંદ મેળવવાનો આ એક જ માર્ગ છે – પોતાનામાં પૂર્ણત્વ મેળવી તેમાં સ્થિર રહેવું. બહારની તરફ મેળવવામાં આવતું કોઇપણ સુખ અધૂરું અને ક્ષણિક છે.
એટલે માનવજાતિ જે શાશ્વત સુખની લાલસામાં આંધળી બનીને ફરી રહી છે તે આ શિવત્વની સ્થિતિ પ્રાપ્ત કરીને જ મળી શકે છે, બીજે નહીં. એટલે શિવત્વ આપણું લક્ષ્ય છે. આ જ કારણ છે કે શિવને મહાદેવ કહેવામાં આવે છે, કારણ કે તેનામાં વિષ્ણુ જેટલી જ શક્તિ અને જ્ઞાન છે, પણ તેનામાં એ જ્ઞાાન અને શક્તિની બાહ્ય અભિવ્યક્તિ કરવાની લાલસા નથી. જે આપણને કહે છે કે સુખનો માર્ગ અભિવ્યક્તિથી વિમુખ થઇ જવામાં છે. પણ આ વિમુખતામાં ધર્મ અને જવાબદારીથી વિમુખતા નથી. આવા શિવ સ્થિતિમાં રહેલા માણસને જ્યારે ખબર પડે છે કે તેની આસપાસ સત્યની હાનિ થઇ રહી છે અને અધર્મ પ્રબળ બની રહ્યો છે ત્યારે એ તે વૈરાગ્યની સ્થિતિમાંથી બહાર નીકળે છે અને પોતાની તમામ શક્તિ સાથે અધર્મી શક્તિઓ પર તૂટી પડે છે. આ ક્ષણ માટે કહેવામાં આવ્યું છે કે – ‘શિવની ત્રીજી આંખ ખુલી જવી’.
આમ, શાશ્વત સુખ માટે ધ્યાનમાં લીન રહેવાવાળા શિવ પાસે સમાજમાં સત્ય અને ધર્મની સ્થાપના જળવાઇ રહે તે માટે ત્રીજા નેત્રની જાગૃકતા પણ છે જે જરૃર પડે ખૂલી જાય છે. આમ શિવત્વ એ કોઇ વ્યક્તિગત શાંતિ મેળવવાની બેજવાબદારીભરી સ્વાર્થી સ્થિતિ નથી. તે માનવજીવનની સૌથી આદર્શ સ્થિતિ છે. શિવત્વ દરેક માણસને શાશ્વત સુખ આપતા અને સત્યની રક્ષા કરવાની જવાબદારી શીખવતા સાચા જીવનનો માર્ગ શિખવાડે છે.
બસ, તો શિવ એ આખરી પડાવ છે મનુષ્યની ચેતનાનો, જ્યાંથી બ્રહ્મ પોતાની જાતને સંકોચીને સાતમા ચક્રમાં પ્રવેશે છે. સાતમુ ચક્ર એક ગળણી જેવું હોય છે જેનો ખુલ્લો છેડો નીચે છઠ્ઠા ચક્ર તરફ હોય છે અને અણીવાળો છેડો ઉપરની ખોપડી તરફ. એ અણીવાળા છેડાની ટોચે બ્રહ્મરંધ્ર છીદ્ર આવેલું હોય છે. શિવ સ્થિતિના મનુષ્યની સમગ્ર ઊર્જા આ સાતમા ચક્રની ટોચે પહોંચી એકત્વ ધારણ કરે છે ત્યારે બ્રહ્મરંધ્ર છિદ્ર ખૂલી જાય છે અને તે અદ્વૈત બનેલો શિવનો આત્મા બ્રહ્મરંધ્રને છેદી બ્રહ્માંડના એ કેન્દ્રમાં જતો રહે છે, જ્યાં એવા બીજા અનેક અદ્વૈત સ્થિતિના આત્માઓ એકઠા થયેલા હોય છે. આ અદ્વૈત સ્થિતિ બ્રહ્મની મૂળ સ્થિતિ હોવાથી તે આત્માઓ ક્યારેય જન્મ-મરણના ચક્રમાં પાછા ફરતા નથી. આથી, આત્માની આ અદ્વૈત સ્થિતિને જ મોક્ષ કહે છે, જેને બુધ્ધે ‘મહાનિર્વાણ’ કહ્યું છે. આવા મોક્ષ પામેલા બહુ બધા આત્માઓથી બ્રહ્માંડનું કેન્દ્ર જ્યારે ભરાય છે ત્યારે તે એટલું પ્રબળ બને છે કે તે બ્રહ્માંડને કેન્દ્ર તરફ સંકોચવાનું શરૃ કરી દે છે, અને અંતે બ્રહ્માંડ પણ સંકોચાઇને અદ્વૈત પિંડ બની જાય છે. આમ, મનુષ્યનો મોક્ષ સમગ્ર બ્રહ્માંડને અદ્વૈત પિંડની સ્થિતિએ લાવવા માટેનું ઉપયોગી કાર્ય છે, અને એ કાર્ય માટે જ મનુષ્યની ઉત્પત્તિ થઇ છે.
October 05 / 2015 / On Facebook
આત્માના જન્માંતરોનું વિજ્ઞાન : માતા-પિતા માટે એક રેડસિગ્નલ
“આત્મા શરીરમાં ક્યારે પ્રવેશે છે અને કઈ રીતે..? આ એ સવાલ છે જેનો જવાબ વિજ્ઞાન પાસે તો નથી જ પણ વેદોના સમયથી લઈને આજસુધીના દાર્શનિકોએ જે જવાબ આપ્યા છે તેમાં પણ કેટલીક સામ્યતા છે તો કેટલીક ભિન્નતા. હું મારા દર્શનથી જે સમજ્યો છું તે અહીં આપ્યું છે.”
માતાના ગર્ભમાં અંડકોષ અને શુક્રકોષનું મિલન થઇ ફલિત ઈંડુ બને છે. અંડકોષમાં માતાનું અને શુક્રકોષમાં પિતાનું dna હોય છે જે તેમના દેખાવ, કદ-કાંઠી અને સ્વભાવ તથા બુદ્ધિશક્તિનો રેકોર્ડ ધરાવે છે. આ સ્વભાવ અને બુદ્ધિશક્તિનો રેકોર્ડ ધરાવતા જિનને ‘બુદ્ધિ જિન’ (Intelect genes) કહે છે, જેને હજી સુધી વૈજ્ઞાનિકો dna માં શોધી શક્યા નથી, પણ તેની અસરને માને છે. હું આ બુદ્ધિ જિનના કોયડામાં એક નવી વાત એ લઇ આવ્યો છું કે અસલમાં dna માં બે ભાગ છે; એક ‘જડ dna અને બીજું ચૈતન્ય dna જડ dna માણસના રંગ, રૂપ અને કદ-કાંઠીનો રેકોર્ડ રાખે છે. જયારે ચૈતન્ય dna માણસની બુદ્ધિ શક્તિના વિકાસનો રેકોર્ડ રાખે છે. કોઈ માણસનો આત્મા પહેલા ચક્ર પર સ્થિત છે તો તે સામાન્ય વિચારોવાળો, અસ્તિત્વ ટકાવવાની ઈચ્છાઓ પૂરતો માર્યાદિત હશે, જો તેનો આત્મા બીજા ચક્ર પર હશે તો તેને વધારે પૈસા કમાવવાની અને સંપત્તિ દેખાડવાની ભૂખ હશે. જો ત્રીજા ચક્ર પર હશે તો તેને ધનસંપત્તિ કરતા પણ પોતાની પ્રતિષ્ઠા અને આદર્શોની રક્ષા પસંદ હશે. આવા લોકો નેતૃત્વ પણ સામે ચાલીને પસંદ કરશે. ચોથા ચક્રવાળા લોકો પ્રેમી, સમર્પિત અને માનવતાવાદી હોય છે તો પાંચમા ચક્રવાળા તત્વજ્ઞાની હોય છે. છઠા ચક્ર પર આત્મા આવ્યો હોય તેવા લોકો સત્યની શોધમાં અને વૈરાગી હોય છે. અને જયારે છઠા ચક્ર પર આત્મા સંપૂર્ણ કેન્દ્રિત થઇ જઈ સંપૂર્ણ આત્મસાક્ષાત્કાર કરી લે છે ત્યારે માણસ શરીરથી ઉપર ઉઠી જાય છે.
માણસ જે ચક્ર પર સ્થિત હોય તે ચક્રના બુદ્ધિ જિન તેના dna માં તેની જીવંત અવસ્થામાં સક્રિય હોય છે. જો તે ત્રીજા ચક્ર પર સ્થિત હોય તો તેના dna માં પહેલા ચક્રથી ત્રીજા ચક્ર સુધીના બુદ્ધિ જિન્નની એક આખી શૃંખલા જીવિત હોય છે. આને જ ચૈતન્ય dna કહે છે. જયારે માણસ મરી જાય એટલે તેમાં જડ dna તો મળી રહે છે પણ ચૈતન્ય dna નથી મળતું. કદાચ એટલે જ તે વૈજ્ઞાનિકોના હાથમાં નથી આવતું.
પુરુષનો શુક્રકોષ અને સ્ત્રીનો અંડકોષ જીવિત અવસ્થામાં જ શરીરમાં હોવાથી તે તેમના ચૈતન્ય dna ને પણ ધરાવે છે. મતલબ, ફલન સમયે માતા-પિતાની બુદ્ધિ-ક્ષમતા જેટલી અને જેવી છે તેનો રેકોર્ડ ચૈતન્ય dna માં હોય છે. તેના બે વર્ષ પછી જો તેમના શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય તો બે વર્ષમાં તેમના સ્વભાવમાં અને બુધ્ધિક્ષમતામાં આવેલો બદલાવ તેમના ચૈતન્ય dna માં પણ મૌજુદ હોય છે. આથી, એક જ માતા-પિતાના અલગ અલગ સમયે પેદા થયેલા સંતાનોના સ્વભાવમાં વધુ પડતો ફર્ક હોય તો તેનું એક કારણ આ પણ છે.
હવે આત્મા શરીરમાં કયા ચક્ર પર છે અને મનુષ્યમાં કયા ચક્રનો સ્વભાવ સક્રિય છે તેનો રેકોર્ડ અર્ધજાગ્રત મનમાં હોય છે. આ સિવાય આપણે જે પણ કર્મ કરીએ છીએ તેનો અને તેના નિષ્કર્ષનો રેકોર્ડ પણ આપણા અર્ધજાગ્રત મનમાં સંગ્રહાય છે. એટલે માણસના કર્મથી ક્યાં કેવું ઋણ બંધાયું તે અર્ધજાગ્રત મનમાં કેદ હોય છે. માણસના મૃત્યુ સાથે તેનું જાગ્રત મન નાશ પામે છે પણ અર્ધજાગ્રત મનના રેકોર્ડ આત્મા સાથે શરીર છોડે છે. એટલે આત્મા પાછલા શરીરમાં કયા ચક્ર સુધી યાત્રા પહોંચી અને કયા ઋણ બનાવ્યા તેનો રેકોર્ડ લઈને શરીર છોડે છે અને અવકાશમાં નવા શરીરની શોધમાં ફરે છે. અને એ શરીર એ કેવીરીતે મેળવે છે તે સમજવા પાછા આવીએ માતાના ગર્ભમાં. અંડકોષ અને શુક્રકોષના મિલનથી બનતા ઈંડામાં માતા-પિતાના dna નું મિશ્રણ થાય છે. એટલે આ ઈંડામાં બાળકનું રૂપ, રંગ, કદ-કાંઠી, લિંગ, સ્વભાવ અને બુદ્ધિક્ષમતાની માહિતી નક્કી થાય છે, જે માતા-પિતા બંનેમાંથી કોઈ એકની વધુ કે બંનેના સંપૂર્ણ મિશ્રણવાળી હોય છે. પણ dna ધરાવતું આ ઈંડુ ફક્ત શરીરનું ખોખું તૈયાર કરે છે. તેનામાં માનવજીવન નથી હોતું. તે એક એવા મશીન સમાન હોય છે જે dna ના રેકોર્ડ મુજબ પોતાનું વિભાજન કરતા કરતા એકમાંથી બે અને બેમાંથી ચાર કોષો બનાવતું એક શરૂઆતી શરીર તૈયાર કરે છે. આ શરીર ગર્ભના પહેલા ૪૦ થી ૫૦ દિવસમાં તૈયાર થઇ જાય છે. અહીં પ્રાણી શરીરની એક શરૂઆતી આવૃત્તિ બની હોય છે જ્યાં મગજ, હૃદય અને કરોડરજ્જુના ભાગો નિર્માણ પામ્યા હોય છે. પણ અહીંથી આગળ વધવાની શક્તિ તે શરીરમાં કે તે ખોખામાં નથી હોતી. આ સમયે જ તેને તે શરીરમાં ઉર્જાનો એક મોટો જથ્થો જોઈએ છે જે શરીર નિર્માણના કાર્યને આગળ ધપાવે. ટેસ્ટટ્યુબમાં તૈયાર કરવામાં આવેલું ઈંડુ પણ આટલા સુધી જ આવીને અટકી જાય છે.
અવકાશમાં ઘુમતા આત્મા આ સ્થિતના શરીરોની જ શોધમાં હોય છે. મુક્ત આત્મા પોતે જ બ્રહ્મ હોવાથી તે સમગ્ર સૃષ્ટિમાં ફેલાયેલા બ્રહ્મના નેટવર્કથી સીધો જોડાયેલો હોય છે. એટલે તે એવું શરીર અને પરિસ્થિતિઓ શોધે છે જેનાથી તેની બે શરતો પૂર્ણ થાય. પહેલી એ કે તે શરીરમાં અને તે સંજોગોમાં પોતાના ઋણ ઉતારી શકાય. અને બીજી, તેની યાત્રા જે ચક્ર પર પહોંચી છે ત્યાંથી આગળ ધપાવવાની પરિસ્થિતિ અને સંજોગો મળી રહે. જયારે આત્માને લાગે કે આ બે શરતો પૂર્ણ થશે ત્યારે જ તે કોઈ ગર્ભમાં માતાની નાભિ દ્વારા પ્રવેશ કરે છે. અને જયારે તે ૪૦ થી ૫૦ દિવસના શરૂઆતી શરીરમાં આત્મા પ્રવેશે છે ત્યારે આપણો ગાયનેક ડોક્ટર આપણને કહે છે ‘ધબકારા શરુ થઇ ચુક્યા છે.’ પણ આ છેલ્લો નિર્ણય નથી હોતો. આત્મા ૮૦ થી ૯૦ મા દિવસ સુધી તે શરીરના dna અને તેના બુદ્ધિ જિનને ચકાસી જુએ છે કે શું ખરેખર આ શરીરમાં તે તેના ઋણ અને તેની જે તે ચક્ર પરની વાસના (ઈચ્છા) પુરી કરી શકશે..? જો તેને જવાબ ‘ના’ મળે તો ૮૦ થી ૯૦ મા દિવસ સુધીમાં એટલે કે ત્રણ મહિના સુધીમાં તે એ શરીર છોડી દે છે. અને આપણો ગાયનેક ડોક્ટર કહે છે કે ‘બાળકનો વિકાસ નથી. ધબકારા બંધ થઇ ગયા છે.’ એટલે માંસના એ લોચાને માતાના શરીરમાંથી બહાર કાઢવો પડે છે. પણ જો આત્માને વિશ્વાસ આવી જાય કે આ શરીરમાં તેને તેનું જીવનકાર્ય અને ઋણ નિભાવવાની પરિસ્થિતિઓ મળી રહેશે તો માનવશરીર બનવાનું કાર્ય આગળ વધે છે. આત્મા તે શરીરમાં પોતાના ગયા જન્મના કર્મોના, ઋણોના અને જે તે ચક્ર પરની સ્થિતિના રેકોર્ડ તે શરીરમાં અર્ધજાગ્રત મન તરીકે સ્થાપી દે છે. ગયા જન્મની તેની યાત્રા જે ચક્ર સુધીની હોય તેના બુદ્ધિજીન પણ હવે તે શરીરના dna માં સક્રિય થાય છે. ગયા જન્મના શરીરમાંથી આવેલા અર્ધજાગ્રત મનના રેકોર્ડને તે બાળકના ‘પૂર્વજન્મના સંસ્કાર’ કહે છે, જે માતા-પિતાના dna માંથી આવેલા બુદ્ધિજીન સાથે મળી તે બાળકના નિર્ણયો અને વિચારોને પ્રભાવિત કરે છે. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેનું પોતાનું પણ જાગ્રત મન વિકસતું જાય છે. અને તેના અનુભવો પણ અર્ધજાગ્રત મનમાં સંગ્રહાય છે. હવેથી પૂર્વજન્મ સંસ્કાર અને માતા-પિતાના dna માંથી આવેલા સંસ્કાર સાથે તેના પોતાના અનુભવોનું આ જ્ઞાન પણ તેના નિર્ણયોને પ્રભાવિત કરે છે.
આમ, માતા-પિતા જયારે પોતાના સંતાનને જુએ છે ત્યારે તે બહારથી તેમના જડ dna ની જ પ્રોડક્ટ હોય છે. અંદરથી પણ તેમનું ફલન સમયનું ચૈતન્ય dna બાળકના સ્વભાવમાં કેટલોક ભાગ ભજવતું હોય છે. આ કારણે માતા-પિતા સંતાનને જુએ છે ત્યારે તેમને તે પોતાની જ પ્રતિકૃતિ દેખાય છે અને અનુભવાય છે. તેમને લાગે છે કે જાણે સામેના શરીરમાં પણ હું જ છું. પણ આ એક છલાવો હોય છે. કારણ કે એ શરીરને ચલાવનારો ડ્રાઇવર એવો આત્મા કોઈ બીજો જ હોય છે જે પોતાના જ ઋણ અને ચક્ર પ્રમાણેની ઈચ્છાઓ તથા જીવનકાર્ય લઈને આવ્યો છે. અહીં દુનિયાના દરેક માં-બાપ છેતરાય છે.
૨૦૧૩ ના જાન્યુઆરી મહિનામાં હું બેલુર મઠ છોડીને સાંસારિક જીવન જીવવાના નિશ્ચયથી ઘરે આવી રહ્યો હતો. પપ્પાએ મારા પાછા આવવાની ખુશીમાં ફ્લાઈટની ટિકિટ બુક કરાવી દીધી તો મારે ફ્લાઈટમાં આવવું પડ્યું. ફ્લાઈટમાં મારી બાજુમાં એક પંજાબી ભાઈ આવીને બેઠો જે તેની પત્ની અને બે ૮-૧૦ વર્ષના દીકરાઓ સાથે હતો. તેણે મને કહ્યું, ‘શું યાર, મોદીને ગુજરાતમાંથી છોડો, દિલ્લી આવવા દો. એની જરૂર છે.’ મેં કહ્યું, ‘અમે પણ એજ ચાહીએ છીએ. એટલે જ તો ગયા મહિને ત્રીજીવાર એમને ગુજરાતના સીએમ બનાવ્યા.’ તેણે ફરી પાછું કહ્યું, ‘કમાલનો બંદો છે ભાઈ. છોકરા નથી ને એટલે. છોકરા આવે એટલે માણસ પોતાનું જીવન સ્ટોપ કરી દે છે અને છોકરાઓમાં જ પોતાનું જીવન જોતો થઇ જાય છે. એટલે પછીનું એનું જીવન છોકરાઓને જોઈ રહેવામાં જ જાય છે.’
એ ભાઈનું હું નામ પણ જાણતો નથી. ફરી કદાચ મળીશ તો ઓળખીશ પણ નહિ. પણ સાંસારિક જીવન શરુ કરવા જ પાછા આવી રહેલા એવા મને એણે તે દિવસે સમય પહેલા જે જ્ઞાન આપ્યું એ અદભુત હતું. જયારે પાછળથી મેં આ વિજ્ઞાન જાણ્યું ત્યારે સૌથી પહેલા મને તે જ યાદ આવ્યો કે તે કેટલો સાચો હતો. મોટાભાગના સામાન્ય માં-બાપ આ ભૂલ કરે છે. તે ત્રીસ વર્ષની ઉંમરે માં-બાપ બને છે અને ત્યાંથી પોતાના સંતાનમાં જ પોતાનું જીવન શોધતા અને જીવતા થઇ જાય છે. તેમનું પોતાનું જીવન એકરીતે તેઓ ખતમ કરી દે છે અને જે કરે છે તે બસ સંતાન માટે કરે છે. ત્રીસ વર્ષની ઉંમરે તેમને તેમના ચહેરામાંથી રસ ઉઠવા લાગે છે અને તે ફેસબુક અને વોટ્સએપના પ્રોફાઈલ પિકમાં પોતાના સ્થાને પોતાના સંતાનોના જ ફોટા મુકતા થઇ જાય છે. એક રીતે ત્રીસ વર્ષની ઉંમરે જ તે મરી જાય છે. તે આત્મા જે જીવનકાર્ય અને ઉત્ક્રાંતિની સંભાવનાઓ લઈને આવ્યો હતો તે ખતમ થઇ જાય છે. હવે તે એક નાના શરીરમાં પોતાનું ભવિષ્ય જોવાની કોશિશ કરે છે. પણ જેમ જેમ સંતાન મોટું થતું જાય છે તેમ તેમ તેના શરીર અને મન પર માતા-પિતાનો કાબુ ખતમ થતો જાય છે. હવે સંઘર્ષ ઉત્પન્ન થાય છે, જેને આપણે જનરેશન ગેપ કહીએ છીએ. પણ અસલમાં એ સંઘર્ષ એક જ શરીર પર બે માલિકોના અધિકારનો સંઘર્ષ છે. માતા-પિતા એ સ્વીકારી નથી શકતા કે જે શરીરને તે આટલા વર્ષોથી પોતાની પ્રતિકૃતિ માનીને જીવી રહ્યા હતા, જેમાં તે પોતાને જોઈ રહ્યા હતા તે શરીરનો માલિક બીજો કોઈ છે. તે શરીરમાં એક બીજો આત્મા છે જે પોતાનું એક સ્વતંત્ર ભાગ્ય લઈને આવ્યો છે, જે પોતાનું એક અલગ જીવનકાર્ય લઈને આવ્યો છે. પણ આ સમજતા સમજતા માતા-પિતાનું શરીર વૃદ્ધાવસ્થાના દ્વારે આવી ચૂક્યું હોય છે. અસલમાં તે ત્યારે જ વૃદ્ધ થઇ ગયા હોય છે જયારે ત્રીસ વર્ષની ઉંમરે તેમણે તેમનું જીવન ખતમ કરી બીજાના શરીરમાં પોતાનું જીવન જીવવાની કોશિશ શરુ કરી હતી. તેમણે જીવનનો અમૂલ્ય સમય આ ભ્રમમાં વિતાવી દીધો કે ‘મારા સંતાનમાં પણ હું જ છું.’ જયારે અસલમાં તેમાં એક બીજો જ માલિક, બીજો જ ખિલાડી પોતાનું અલગ વિશ્વ ઘડી રહ્યો હતો. પણ હવે પોતાના સંતાનના શરીર અને વ્યક્તિત્વ પર માતા-પિતા પોતાનો અધિકાર જવા દે એ સ્થિતિમાં નથી હોતા. આ જ વસ્તુ બે પેઢીઓ વચ્ચેના સંઘર્ષને અને ‘માં-બાપને ભૂલશો નહિ’ વાળા આપણા એ ક્લાસિકલ રાગડાઓને જન્મ આપે છે.
તો એનો અર્થ એ નથી કે પોતાના સંતાનોને પ્રેમ ના કરીએ. કે પ્રોફાઈલ પિકમાંથી તેમના ફોટા કાઢી દઈએ. એ બધું જ કરીએ. એમને ભરપૂર પ્રેમ આપીએ, જીવન શું છે, વિશ્વ શું છે, સત્ય શું છે, અસત્ય શું છે એની શ્રેષ્ઠ તાલીમ આપીએ. પણ ત્યાં આપણા અધિકારોની અને સત્યની સીમા પુરી થાય છે. ત્યાં આપણે અટકી જવાનું છે. ત્યાંથી આપણે તેમને તેમના ઋણ ચૂકવવા તથા પોતાની ચક્રોની યાત્રાને આગળ ધપાવવા જવા દેવાના છે અને આપણે પોતાની યાત્રા જ્યાં છે ત્યાંથી આગળ લઇ જવાની છે. આપણે પોતે જે જીવનકાર્ય અને જે ઋણ લઈને આવ્યા છીએ તેને પુરા કરવાના છે. એમાં જ આપણા જીવનની સફળતા છે અને એમાં જ આપણા આત્માની મુક્તિ. ગાંધીજીથી લઈને સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ધીરુભાઈ અંબાણી, અબ્રાહમ લિંકન અને પ્રાચીન સમયના રામ, કૃષ્ણ અને દ્રૌપદી સુધીના મહાન લોકોએ પોતાના સંતાનોના આવ્યા પછી સંતાનો પાછળ ક્યારેય પોતાની જાતને ખતમ નહોતી કરી દીધી. તેમણે આજીવન પોતાના વ્યક્તિગત જીવનકાર્ય અને ઋણોને નિભાવવા પર ધ્યાન આપ્યું અને પોતાની જીવનયાત્રા દ્વારા જ સંતાનોને માર્ગદર્શન અને તાલીમ આપતા રહ્યા. પોતાના જીવનને સંતાન આવતા જ ત્રીસ વર્ષે ખતમ ના કરી દેવાના કારણે જ તેઓ મહાન અને ઐતિહાસિક માનવો સાબિત થયા. એ રીતે જ તેમણે સમગ્ર વિશ્વ સાથે પોતાના સંતાનોની પણ અનેક પેઢીઓનું માર્ગદર્શન કર્યું.
પણ છોકરાઓને જ પોતાનું જીવન સમજી લઇ પોતાની ત્રીસીમાં જ ઘરડા થઇ જતા આપણે, સતત ઇન્ક્રીમેન્ટ, પગાર પંચ, ટેક્સ બચત અને વીમા પોલિસીઓથી હજી કેટલા વધારે પૈસા મળશે એ ગણવામાં ઘરડા થઇ જતા આપણે આખરે આપણા સંતાનોને પણ શું બનાવીએ છીએ..? એજ પૈસા ગણતો, ત્રીસ વર્ષે છોકરા આવતા જ ઘરડો થઇ જતો એક કર્મચારી કે ધંધાદારી..? આ દુનિયાને જરૂર છે મહાપુરુષોની, મહાન સ્ત્રીઓની જે સૃષ્ટિના વિજ્ઞાન અનુરૂપ પોતાના જીવનને તેની આખરી ક્ષણ સુધી વિકસાવે અને પોતાના સંતાનોને પોતાનું મહાન જીવન વિરાસતમાં આપીને જાય. ત્રીસ વર્ષે ઘરડું થઇ જતું એક ગધેડાનું જીવન નહિ જે બસ સવારે પાંચ વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી જીવનનો ભાર ઊંચકવામાં ક્યારે ખતમ થઇ જાય છે તેની એને પોતાને પણ ખબર ન હોય.
July 17 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
હરમન હેસનો સિધ્ધાર્થ : રજસ પછી જ સત્વ આવે છે
“બંને જણ બુદ્ધને મળવા જાય છે. તેમનું પ્રવચન સાંભળે છે. પ્રવચન સાંભળી ગોવિંદને લાગે છે કે આખરે તેને તેનો માર્ગ મળી ગયો. પરંતુ, સિધ્ધાર્થ હજી સંતુષ્ટ નથી હોતો.”
એક લેખમાં આપણે વાત કરી હતી કે સંસાર પાર કરવાની આળસ ક્યારેય સત્વગુણ ન હોઈ શકે. એ તમસ ગુણ છે. જે સંસારમાં ગરીબીને જન્મ આપે છે. આજે વાત કરીએ એ જ વાતને સમર્થન આપતી એક મહાકથાની જે લખી છે નોબેલ વિજેતા જર્મન સાહિત્યકાર હર્મન હેસ. હર્મન હેસના દાદા અને તેમના પિતા બંને આજીવન ભારતીય તત્વજ્ઞાાનના ગહન અભ્યાસુ રહેલા. ખુદ હર્મન હેસે ઘણો સમય ભારતમાં વિતાવ્યો હતો. અને આ ત્રણ ત્રણ પેઢીના ભારતીય તત્વજ્ઞાાનના અભ્યાસનો નીચોડ એટલે હર્મન દ્વારા લખાયેલી માત્ર સો પાનાની જગવિખ્યાત નોવેલ ‘સિધ્ધાર્થ.’
તથાગત બુદ્ધના સમયમાં જીવેલા સિધ્ધાર્થ નામના એક બ્રાહ્મણ પુત્રની આ વાત છે. સિધ્ધાર્થ બાળપણથી જ સંસારના મૂળ તત્વની શોધમાં હતો. ધ્યાન કરવું, ધર્મની ચર્ચાઓ કરવી એ બધી પ્રક્રિયા એના બાળપણથી જ શરૃ થઈ ગયેલી. તેના ઘણા મિત્રોમાંનો એક ગોવિંદ સિધ્ધાર્થને એક દિવ્ય આત્મા માનતો. એટલે ગોવિંદે જીવનમાં હંમેશા સિધ્ધાર્થ સાથે રહેવાનું નક્કી કરેલું જેથી સિધ્ધાર્થ સાથે સાથે પોતાને પણ મોક્ષ મળી શકે. કિશોર અવસ્થા પાર કરતાં કરતાં સિધ્ધાર્થને પિતાની બ્રાહ્મણ દિનચર્યા અને ક્રિયાકાંડોથી રસ ઉઠવા લાગ્યો. તેને ખબર પડી કે બધા વેદોને જાણીને પણ તેના પિતા જ્યારે પ્રવચન આપવા અને ધર્મની ચર્ચાઓમાં ભાગ લેવા જાય છે ત્યારે એ જ જ્ઞાાની તરીકેનો દંભ અને કીર્તિનો મોહ તેમનામાં હાજર હોય છે. મતલબ, પિતા હજી તેમના આત્મા રૃપી બ્રહ્મ સાથે એકાકાર થઈ શક્યા નથી.
એવામાં એક દિવસ તેના ઘર આગળથી શ્રમણો પસાર થાય છે. શ્રમણો એટલે નાગા બાવાઓ જેવા તપસ્વીઓની ટોળી જે પોતાના દેહનો નિગ્રહ કરી આત્મા સાથે એકરૃપ થવાની કોશિશો કરે છે. સિધ્ધાર્થ ગમે તેમ કરીને પિતાને મનાવી આત્મસાક્ષાત્કારના ધ્યેય સાથે ઘર છોડી શ્રમણો સાથે નીકળી પડે છે. ગોવિંદ પણ તેના સાથે જાય છે. બંને વર્ષો સુધી શ્રમણો સાથે રહે છે. ભૂખ-તરસને મારે છે. એક પગે ઉભા રહી તપસ્યા કરે છે, ચપ્પલ વગર કાંટાળા માર્ગે પ્રવાસ કરે છે. દ્રશ્ય સંસાર ભ્રમ છે. એનો સતત તિરસ્કાર કરવો અને તેના પાછળ રહેલા બ્રહ્મને જોવાની કોશિશ કરવી એ એમનું જીવન હતું. પણ કેટલાક વર્ષો વિતાયા પછી સિધ્ધાર્થને લાગ્યું કે તેના સૌથી મોટા શ્રમિક ગુરુ સાહીઠ વર્ષથી શ્રમિક છે. એનો અર્થ એ છે કે ત્રીસ વર્ષ પછી સાહીઠ વર્ષની ઉંમરે તે પોતે પણ શ્રમિક જ હશે. સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલો યોગી નહીં. આથી, સિધ્ધાર્થ ગોવિંદને સાથે લઈને શ્રમિકોની ટોળીને છોડી દે છે. રસ્તામાં તેમને સમાચાર મળે છે કે ભગવાન ગૌતમ બુધ્ધ નજીકના કોઈ સ્થળે તેમના અનુયાયીઓ સાથે આવી પહોંચ્યા છે. આ બંનેએ તેમના વિશે ખુબ સાંભળ્યું હોય છે અને સિધ્ધાર્થ બુદ્ધની જેમ જ સાક્ષાત્કાર મેળવવા માંગતો હોય છે.
બંને જણ બુદ્ધને મળવા જાય છે. તેમનું પ્રવચન સાંભળે છે. પ્રવચન સાંભળી ગોવિંદને લાગે છે કે આખરે તેને તેનો માર્ગ મળી ગયો. પરંતુ, સિધ્ધાર્થ હજી સંતુષ્ટ નથી હોતો. તે બુધ્ધને મળે છે. બંને વચ્ચે ચર્ચા થાય છે જેનો સાર એ હોય છે કે સિધ્ધાર્થ કોઈ અનુયાયી નહીં પણ સ્વયં બુદ્ધ બનવા માંગતો હોય છે. અને તેનું માનવું હોય છે કે અભ્યાસથી કે પ્રવચનો સાંભળવાથી તે નહીં થઈ શકે. એટલે તે બુદ્ધને પણ છોડી દે છે અને આગળ વધે છે. પણ આ વખતે ગોવિંદ તેની સાથે નથી હોતો. ગોવિંદને તે બુદ્ધ પાસે રહેવાની સલાહ આપે છે.
સિધ્ધાર્થ અત્યાર સુધી શ્રમણોનો સંસારના તિરસ્કારનો માર્ગ અને બુદ્ધનો સંસારથી અનાસક્ત રહેવાનો મધ્ય માર્ગ પારખી જોયો હોય છે. પણ હવે તેનું મન આ ઈન્દ્રિય નિગ્રહથી ત્રાસી જાય છે. બ્રહ્મના એ દરેક રૃપો વૃક્ષ, નદીઓ, પહાડો, પશુ-પક્ષીઓ અને મનુષ્યો જેને આજ સુધી તેણે માયા ગણીને તિરસ્કાર્યા હોય છે તેને હવે તે પ્રેમ કરતો થાય છે. હવે તે જંગલ છોડી સંસારને જાણવા માગે છે. તે એક નગરમાં પ્રવેશ કરે છે. નગરમાં પ્રવેશતાં જ તેની નજર કમલા નામની એક રૃપસુંદરી પર પડે છે. તે કમલાથી આકર્ષાય છે. પણ કમલા કહે છે કે તેની પાસે આવતા પુરુષો તો સુંદર રીતે તૈયાર થયેલા અને ખૂબ ધન કમાયેલા હોય છે. એટલે કમલા માટે તે બજારમાં જઈ કામ કરવાનું શરૃ કરે છે. તેમાંથી આગળ વધી એ વેપારી બની જાય છે અને ખૂબ ધન કમાય છે. તે કમલા પાસે પહોંચે છે અને કહે છે કે ‘તું મને શીખવ કે તુ બધાને એક જેવો પ્રેમ કેવી રીતે કરી શકે છે ?’ ધીરે ધીરે બંને નજીક આવે છે અને સાથે રહેવા લાગે છે. સિધ્ધાર્થ તેને તેના સંન્યાસ જીવનની વાતો કહે છે. વર્ષો સુધી સિધ્ધાર્થ ધનના નશામાં રહીને જુગાર રમે છે, મદિરાપાન કરે છે અને કમલા સાથે શરીર સુખ માણે છે. પણ એક દિવસ તેને કમલાના ચહેરા પર કરચલીઓ દેખાય છે. તે પોતાનો ચહેરો પણ ફીક્કો અને ઘરડો થઈ ગયેલો જુએ છે. તેને અહેસાસ થાય છે કે આ બધું હવે નષ્ટ થવા આવ્યું છે અને તે ત્યાંનો ત્યાં જ છે. એ બધા ભોગવિલાસથી એણે કંઈ મેળવ્યું નથી. એ રાત્રે એને સ્વપ્ન આવે છે કે કમલાના ઘરમાં પાંજરામાં જે ચકલી રાખેલી છે, તે ચકલી પાંજરામાં જ મરી જાય છે અને પાંજરામાં સન્નાટો વ્યાપી જાય છે. એ દ્રશ્ય જોતા જ સિધ્ધાર્થ નિંદ્રામાંથી જાગી જાય છે અને તેના શરીરમાં એક કંપારી છૂટી પડે છે.
તે સમજી જાય છે કે તેનો અંત પણ આ રીતે જ આ શરીર અને સંસારના પાંજરામાં થશે. એ તે જ ક્ષણે ઘર છોડી જંગલ તરફ ચાલતો થઈ જાય છે. અને હવે પછી જે ઘટનાઓ બને છે તે સિધ્ધાર્થને સાચા આત્મસાક્ષાત્કારનો ભેટો કરાવે છે. હવે પછી તેના સાથે જે થાય છે તે તેને સાચો બુદ્ધ બનાવે છે. બોધ તો સિધ્ધાર્થના ફરી જંગલમાં ગયા પછી પણ ઘણા મળે છે. પણ અત્યાર સુધીની વાતમાંથી જે બોધ મળે છે તે એ છે કે સૃષ્ટિના વિજ્ઞાનથી વિપરીત આધ્યાત્મ પણ નથી. જ્યાં સુધી રજસ ગુણના ટોચે પહોંચીને સંસારના નિસાર અને નાશવંત હોવાનો સ્વ-અનુભવ ન થાય ત્યાં સુધી સાચો સત્વગુણ પ્રગટ નથી થતો. તમસ, રજસ અને સત્વની આ આધ્યાત્મિક યાત્રામાં કોઈ શોર્ટકટ નથી. સિધ્ધાર્થ ગૌતમ પણ ગૌતમ બુદ્ધ એટલે બન્યા કારણ કે તેઓ રાજસ્વ, પત્ની અને સંતાન સાથેના છેલ્લા ભોગવિલાસો ભોગવી ચૂક્યા હતા. અને રજસની એ અંતિમ ચોટી પરથી જ તેમનામાં સત્વ ગુણની શરૃઆત થઈ હતી. રજસ ગુણ ભોગવ્યા પહેલા આધ્યાત્મિકતાની વાત એક આળસ અને કાયરતા છે. તે ગરીબી અને કમજોરીને જન્મ આપે છે. જ્યારે સત્વ ગુણ તો નિર્ભયતા અને શક્તિનો જન્મદાતા છે.
સિધ્ધાર્થના ઘર છોડીને ચાલ્યા ગયા પછી કમલા પેલી ચકલીને પાંજરામાંથી ઉડાડી દે છે અને પોતાનો વિહાર બૌદ્ધ ભિક્ષુઓને દાનમાં આપી દઈ સિધ્ધાર્થથી થયેલા તેના પુત્રને લઈ બુદ્ધને મળવા નીકળી પડે છે.
July 24 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
સિધ્ધાર્થનો સાક્ષાત્કાર : બ્રાહ્મણ જન્મથી બ્રાહ્મણ સ્થિતિ સુધી
“તે જાણી ગયો કે ખાલી સુખ, મિલન અને આનંદને જ અપનાવવામાં સત્ય નથી. સંસારનું અદ્વૈત સ્વરૃપ સુખ-દુખ, મિલન-વિરહ, આનંદ-શોક અને અંધકાર-પ્રકાશ એ બધાનું એકત્વ છે.”
જેમ બહુ બધું જમી લીધા પછી માણસને ઈચ્છા થાય કે હાલ એક ઉલટી થઈને બધુ નીકળી જાય અને મને શાંતિ મળે, કંઈક એવી જ ઉલટીનો ઝટકો જંગલમાં આવેલો સિધ્ધાર્થ ચાહતો હતો. એ ઝટકો જે સંસારના અતિશય ભોગવિલાસથી ગંધાઈ ઉઠેલા એ શરીરથી અને ખરાબ રીતે ઉપયોગમાં લીધેલા એ આત્માથી મુક્ત કરી દે. તે હવે નદીમાં ઝંપલાવી દઈ પોતાના એ ભટકી ચૂકેલા જીવનથી છૂટકારો ચાહતો હતો. પણ જ્યારે તે નદી પાસે ગયો તો નદીની અવિરલ ધારા અને ખળખળ થતો એનો મધુર અવાજ સાંભળીને રોકાઈ ગયો. એને લાગ્યું જાણે નદી એના પર હસી રહી હતી. પ્રકૃતિના એ નિર્મળ અવાજમાં જાણે એને ‘ઓમ’ સંભળાયો. એ નિર્મળ અવાજ સાંભળતા જ એ પાછો પડયો અને ઝાડ નીચે બેસીને ઓમ-ઓમના જાપ સાથે થાકેલા મને સૂઈ ગયો.
બહુ લાંબી અને સ્વપ્ન રહીત નિંદ્રામાંથી તે જ્યારે ઉઠયો તો તે એ એક નવું જીવન હતું. એ શાંત હતો અને ભોગવિલાસો નીચે દબાઈ ગયેલી તેની દિવ્યતા ફરી ઉપસી આવી હતી. પાછલી જીંદગી હવે એટલી દૂર જણાતી હતી જાણે એ કોઈ ગયા જન્મની વાત હોય. હવે તેને ખબર પડી કે તેનું જીવન આ માર્ગે કેમ ગયું. એ સાંસારીક જીવને તેને બે વાતો શીખવી હતી. એક તો એણે તેને સ્વથી મુક્ત કરાવ્યો હતો. બાળપણના બ્રાહ્મણ તરીકેના દિવસોથી લઈને શ્રમણ તરીકેના જીવન સુધી દરેક નવી આધ્યાત્મિક સફળતા સાથે તેનો સ્વ વધુ મજબૂત થતો જતો હતો. તેણે સૃષ્ટિ અદ્વૈત હોવાના સત્યને તો જાણી લીધું પણ તે જાણનારો સિધ્ધાર્થ છે એ ભાવ હંમેશા ત્યાં હતો. એ સિધ્ધાર્થ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી તેનો આત્મા બાકીના બ્રહ્મ સાથે એકત્વ અનુભવે તેમ નહોતો. અને જ્યારે તે કમલાની સુંદરતાથી લલચાઈને સાંસારીક જીવનમાં પ્રવેશ્યો ત્યારે તેનો એ સ્વ વધુને વધુ મજબૂત બનતો ગયો. ધનિક વેપારી તરીકે, દારુડિયા જુગારી તરીકે અને કમલાના પ્રેમી તરીકે તેનામાંનો સિધ્ધાર્થ વધુને વધુ ફૂલાતો ગયો. અને જેમ અતિશય ફૂલાતો ફુગ્ગો ફૂટે તેમ તેનો સ્વ જ્યારે ફૂટયો ત્યારે તેને તે જીવન વ્યર્થ લાગ્યું. તે મરવાની ઇચ્છા તેના એ જ સ્વના નષ્ટ થવાના કારણે હતી. અને જે ક્ષણે એ સ્વ નષ્ટ થયો બિલકુલ એ જ ક્ષણે તેને નદીનો એ નિર્મળ અવાજ સંભળાવા લાગ્યો.
બીજું, તે સાંસારીક જીવને તેને પ્રેમ કરતા શીખવ્યો. કમલાને ચાહતી વખતે તેણે અનુભવ્યું કે આનાથી સુંદર અનુભૂતિ તો શ્રમણ તરીકે જ્ઞાાનના એ ઉચા શિખરો પર પણ ક્યારેય નહોતી મળી. મતલબ, જ્ઞાાન ખાલી પ્રેમને નિઃસ્વાર્થ બનાવવાનું કામ કરે છે. એનાથી વધુ જ્ઞાાનનું કોઈ મહત્વ નથી. નથી ઉંચા વિચારોનું કોઈ મહત્ત્વ. પ્રેમ જ મુખ્ય છે. સંસારના કણ કણથી પ્રેમ. બસ એ જ એકત્વની અનુભૂતિનો માર્ગ છે. આટલું સમજીને તે હવે જંગલમાં આગળ ચાલ્યો. તે જંગલમાં હોડી વડે લોકોને નદી પાર કરાવનારા એક માંજીને મળ્યો. વર્ષો પહેલાં કમલાના નગરમાં આવતી વખતે પણ એ માંજીએ જ તેને મફતમાં નદી પાર કરાવી આપેલી. તે વખતે તે માંજીએ તેને કહ્યું હતું કે હું અહીં આ નદી સાથે રહું છું અને નદી સાથે જ વાતો કરું છું. હવે સિધ્ધાર્થને સમજાયું હતું કે નદી સાથે વાતો કરી શકનાર માણસ કેવો હોય? સિધ્ધાર્થ તેને મળ્યો અને વીસ વર્ષ પહેલાનો પ્રસંગ યાદ કરાવ્યો. તેને પોતાના જીવનની કથા કહી. બંને હવે સાથે રહેવા લાગ્યા અને લોકોને નદી પાર કરાવવા સાથે નદીને સાંભળવાનો પ્રયાસ કરવા લાગ્યા. ધીરે ધીરે સિધ્ધાર્થનું આત્મજ્ઞાાન વધતું ગયું અને હવે તેને લાગવા લાગ્યું કે તે સાચો જ હતો કે કોઈ ગુરુ જ્ઞાાન અને સિધ્ધાંત તો આપી શકે, પણ મોક્ષ નહીં. એ તો દરેક માણસે પોતે જ પ્રાપ્ત કરવો પડે.
એવામાં સમાચાર આવ્યા કે તથાગત બુધ્ધ બહુ બિમાર છે અને અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. કમલાએ જ્યારે આ સાંભળ્યું તો તે સિધ્ધાર્થ અને તેના પુત્રને લઈને બુધ્ધને મળવા નીકળી પડી. પણ માર્ગમાં જંગલમાં કમલાને સાપ કરડયો. તેનાથી થોડે દૂર માંજી અને સિધ્ધાર્થની ઝુંપડી હતી. માંજીએ તે જોયું અને તે મૂર્છીત કમલાને ઝૂંપડીમાં લઈ આવ્યો. સિધ્ધાર્થ તેને અને તેના પુત્રને જોતા જ ઓળખી ગયો. તેણે ઔષધી લગાવી કમલાને હોશમાં લાવી. કમલાએ સિધ્ધાર્થને તેનો પુત્ર સોંપ્યો અને સિધ્ધાર્થ સામે જોતા કહ્યું ”તને શાંતિ મળી ચૂકી છે સિધ્ધાર્થ. મને પણ હવે મળી જશે.” સિધ્ધાર્થે કમલાની સામે ધ્યાનથી જોયું અને કહ્યું, ‘જો, તને પણ મળી ગઈ છે.’ કમલા વર્ષોથી બુધ્ધની શાંત અને કોમળ મુખમુદ્રા જોવા માગતી હતી. અને એટલે જ તેમના મૃત્ય પહેલાં તેમને એકવાર જોઈને શાંતિ મેળવવા માંગતી હતી. પણ હવે તેને અફસોસ નહોતો કારણ કે તેણે જોયું કે સિધ્ધાર્થનો ચહેરો હવે બુધ્ધ જેવો જ શાંત અને કોમળ બની ચૂક્યો હતો. આમ કમલાએ આખરે એક બુધ્ધના દર્શન કરીને જ પ્રાણ ત્યાગ્યા.
કમલાના મૃત્યુ પછી સિધ્ધાર્થ તેમના પુત્રને ઉછેરવા લાગ્યો. તેના પુત્ર પ્રત્યેનો તેનો પ્રેમ બધી હદો પાર કરી મોહ બની ગયો. પણ તેનો પુત્ર તેનાથી ધૃણા કરતો હતો. તે મહેલોમાં નોકર-ચાકર વચ્ચે ઉછરેલો હતો. અને સિદ્ધાર્થ એને જંગલમાં એક સન્યાસીની જેમ ઉછેરતો હતો. આખરે એકદિવસ કંટાળીને તેનો પુત્ર નાસી ગયો. સિદ્ધાર્થે તેને શોધવાની ઘણી કોશિશો કરી પણ તે ન મળ્યો. પુત્રવિયોગની વેદનાથી કણસતો સિધ્ધાર્થ નદી પાસે આવ્યો અને નદીમાં તેણે તેનો ચહેરો જોયો જે બિલકુલ તેના પિતા જેવો હતો. હવે તેની પીડામાં વધારો થયો. તેને અહેસાસ થયો કે તે પણ તેના પિતાને છોડીને આવતો રહ્યો હતો અને ક્યારેય પાછો ન ગયો. તેના પિતા પણ આખરી સમય સુધી આવી જ વેદના સાથે મૃત્યુ પામ્યા હશે. સિધ્ધાર્થ ફરી સંસારીઓની જેમ વિલાપ કરવા લાગ્યો. આખરે તેનો મિત્ર માંજી તેને નદી પાસે લઈ ગયો અને નદી શું કહે છે તે સાંભળવા કહ્યું. સિધ્ધાર્થે નદીથી આ છેલ્લું સત્ય જાણ્યું.
આ સંસાર નદીની જેમ વહેતો જાય છે, પણ નદીની જેમ ત્યાં જ છે. તેના અને તેના પિતાથી લઈને કમલા, ગોવિંદ અને તેના પુત્ર સુધીના બધા ચહેરા બ્રહ્મના સ્વરૃપો જ હતા જે નદીના વહેતા પાણીની જેમ વહેતા ગયા પણ તત્વરૃપે તે નદીની જેમ ત્યાં જ હતા. તેણે નદીના ખળખળ અવાજમાં પ્રેમ, નફરત, આનંદ, શોક, મિલન અને વિરહના અલગ અલગ સૂરોનું મિલન સાંભળ્યું. તે જાણી ગયો કે ખાલી સુખ, મિલન અને આનંદને જ અપનાવવામાં સત્ય નથી. સંસારનું અદ્વૈત સ્વરૃપ સુખ-દુખ, મિલન-વિરહ, આનંદ-શોક અને અંધકાર-પ્રકાશ એ બધાનું એકત્વ છે. એ બધાને સમાન સમજવાવાળો, એ બધાને સાથે લઈને નદીની જેમ વહેવાવાળો જ બ્રહ્મપુરુષ બુધ્ધ બની શકે છે. આ એ આખરી બાકી વધતું સત્ય હતું જે સિધ્ધાર્થે તેના જીવનમાં પુત્રવિયોગના નાટકથી જાણ્યું. હવે તે સંપૂર્ણ સ્થિર તથાગત બુધ્ધ હતો. આ રીતે ‘જન્મથી બ્રાહ્મણ’ સિધ્ધાર્થ આટલી લાંબી, અટપટી અને પુરુષાર્થથી ભરેલી યાત્રા પછી ‘બ્રહ્મને જાણનાર’ સાચો બ્રાહ્મણ બન્યો.
April 17 / 2016 / 'Projector' Column In Ravipurti Magazine of Gujarat Samachar Daily
મહાન દલાઈ લામાની ભારતીય યુવાનોને આજીજી
”પ્રાચીન ભારતીયો અમારા ગુરુઓ હતા અને આજના ભારતીયો અમારા શિષ્ય સમાન પણ નથી. હું હાથ જોડું છું આજના ભારતીય યુવાનોને કે મહેરબાની કરીને તમારી સંસ્કૃતિને ભૂલો નહીં. એને જીવતી રાખો. એ ધરતી પર એકમાત્ર આશાનું કિરણ છે.”
સાતમી એપ્રિલે એક અંગ્રેજી ન્યુઝ ચેનલ પર તિબેટના બૌધ્ધ ગુરુ શ્રી દલાઇ લામાનું ઇન્ટરવ્યુ પ્રસારીત થયું. તેમાં તિબેટના પ્રશ્નો, ચીન સાથેની વાટાઘાટો, વિશ્વની દિશા તથા નહેરુથી લઇને મોદી સુધીના ભારતીય પ્રધાનમંત્રીઓની વાતચીત થઇ. એ બધી રાજનીતિની વાતો પછી વિશ્વના આધ્યાત્મિક જીવન અંગે જે સવાલ જવાબ થયા તે એક દુર્લભ દ્રશ્ય હતું. કેટલીક એવી ક્ષણો જે જીવનમાં ભાગ્યે જ આવે છે. દલાઇ લામાના આજીવન આધ્યાત્મિક જીવનની એ દિવ્યતા હતી. તેમણે કહ્યું કે ‘હું ચૌદ વર્ષે દલાઇ લામા બન્યો હતો. તે સમયે મને પવિત્ર દલાઇ લામા તરીકે બાકી બધા માનવોથી અલગ થઇ જવું પસંદ નહોતું અને તે આજે પણ નથી. એ મને એકલતા આપે છે. સાથે અહમ અને બિનજરુરી દંભ પણ. પરંતુ, જ્યારે હું એવું માની લઉં છું કે હું પૃથ્વી પરના એ સાતસો કરોડ મનુષ્યોમાંથી જ એક છું, ત્યારે એ મને બધા સાથે જોડે છે અને બધાની સેવા કરવા વધારે પ્રેરણા આપે છે.’
વર્તમાન દલાઇ લામા તિબેટના ચૌદમા દલાઇ લામા છે. તેમનો જન્મ ૧૯૩૫માં થયો હતો અને ૧૯૩૭માં જ તેમને તેરમા દલાઇ લામાના પુનર્જન્મ તરીકે સ્વીકારી લેવામાં આવ્યા હતા. ૧૯૩૯માં પાંચ વર્ષની ઉંમરે તેમને ચૌદમા દલાઇ લામા જાહેર કરવામાં આવ્યા અને ૧૯૫૦માં જ્યારે ચાઇનીઝ આર્મી તિબેટમાં ઘુસી આવી ત્યારે તેમણે તિબેટના રાજકીય વડા તરીકેની જવાબદારી પણ લઇ લીધી. તે સમયે પંદર વર્ષના દલાઇ લામાએ ચીન સાથે કરાર કર્યા જેમાં તિબેટની ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતાને સ્વીકારવામાં આવી. પરંતુ રાજકીય અને પ્રશાસનિક રીકે તિબેટ ચીનનો ભાગ બન્યું. પરંતુ, ચીને તરત જ કરારોનું ઉલ્લંઘન કર્યું અને તિબેટના ધર્મ અને સંસ્કૃતિનું નિકંદન કાઢવાની શરૃઆત કરી. આ કારણે ૧૯૫૯માં તિબેટના પાટનગર લ્હાસામાં બળવો ફાટી નીકળ્યો જેમાં ચીની સૈનિકોએ એંશી હજારથી વધારે તિબેટી બળવાખોરોની હત્યા કરી.
પરિસ્થિતિ એટલી વણસી કે દલાઇ લામા જે તિબેટીઅન ધર્મ અને સમાજનું સર્વોચ્ચ સ્થાન હતું તેમનો જીવ પણ જોખમમાં મૂકાયો અને તેમણે તિબેટ છોડી ભારતમાં શરણ લીધી. જવાહરલાલ નેહરુએ તેમને ધર્મશાળામાં એક આખો વિસ્તાર રીફ્યુજી તિબેટી સરકાર ચલાવવા માટે આપ્યો અને ત્યારની તેવીસ વર્ષની ઉંમરથી આજે એક્યાશી વર્ષની ઉંમર સુધી દલાઇ લામા ભારતમાં છે. તેઓ ગર્વથી કહે છે કે ‘હું જન્મથી તિબેટી છું, પણ ઉછેરથી ભારતીય છું. પ્રાચીન ભારતીયો અમારા ગુરુઓ છે અને હું પ્રાચીન ભારતીય જ્ઞાનનો દૂત છું.’
દલાઇ લામા છેલ્લા પચાસ વર્ષોથી દુનિયાભરમાં ફરી રહ્યા છે અને તિબેટની સ્વતંત્રતા, અહિંસા, આધ્યાત્મિકતા અને સ્ત્રી સમ્માનના ભારતીય વિચારો તેમજ અર્થતંત્ર અને વૈશ્વિક રાજનીતિ પર પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. સાતમી એપ્રિલના ઇન્ટર્વ્યુમાં તેમણે સ્ત્રી શક્તિ અને અહિંસાના સિધ્ધાંતને ક્રાંતિકારી રીતે એકબીજા સાથે જોડયા. તેમણે કહ્યું, ‘એક લાખ વર્ષ પહેલા જ્યારે માનવ સમાજ હજી આમતેમ ભટકી રહ્યો હતો અને સંખ્યામાં પણ ઓછો હતો ત્યારે તેમનો કોઇ નેતા નહોતો. તેઓ જે મળે એ બે સમયનું જમી લેતા અને ભ્રમણ કરતા રહેતા. આ જ તેમનું સમાજ જીવન હતું, પણ પછીથી માનવો નદી કીનારે વસવા લાગ્યા અને ખેતી કરતા થયા. આથી ઉત્પાદનો ઉત્પન્ન થયા અને તેમનામાં તે ઉત્પાદનો પર માલીકીનો ભાવ ઉત્પન્ન થયો. આમ, વ્યક્તિગત સ્વાર્થની શરુઆત થઇ. આથી, તેવા સમાજને નિયંત્રણમાં રાખવા માટે એક નેતા તરીકે કોઇ પુરુષને પસંદ કરવાની શરુઆત થઇ. આ પુરુષપ્રધાન સમાજની શરુઆત હતી.
એ પુરુષ નેતા દરેકના સ્વાર્થનું નિયંત્રણ કરતો. ન્યાય કરતો અને બીજા કબીલા સાથે સંપતિનો વિવાદ થતાં યુધ્ધમાં પોતાના કબીલાની આગેવાની પણ કરતો. આમ, માનવોમાં પરસ્પર હિંસાની પણ શરુઆત થઇ. જે અસલમાં સમાજનું નેતૃત્વ પુરુષોને આપવાનું પરીણામ હતું. જો તે વખતે સ્ત્રીઓને સમાજની નેતા બનાવવામાં આવી હોત તો માનવજાતિનો ઇતિહાસ આટલો હિંસક અને નિર્દયી ન હોત. આ ઇતિહાસ પ્રેમ અને જાળવણીનો હોત. પ્રાચીન ભારતીય જ્ઞાાન કહે છે કે સ્ત્રી પ્રકૃતિ છે, તેનું શારીરિક અને માનસિક બંધારણ જ બીજાની જાળવણી કરવાનું છે. એટલે જ કુદરતે તેને માતૃત્વની જવાબદારી આપી છે.
જે દિવસે આ દુનિયામાં સ્ત્રી નેતા હશે – જે દિવસે દરેક દેશમાં સ્ત્રી પ્રધાનમંત્રી અને પ્રેસીડેન્ટ હશે – તે દિવસે જ માનવસમાજમાંથી હિંસા નાબૂદ થશે. તે દિવસે માનવ એકબીજાને હણવાના સ્થાને એકબીજાની જાળવણી અને સંભાળ પર ધ્યાન આપશે. કારણ કે તેનું સ્ત્રી નેતૃત્વ તેને એવું કરવા માટે પ્રોત્સાહીત કરતું હશે. આજની દુનિયામાં જોવા મળતા આ ભીષણ યુધ્ધો અને સંઘર્ષ કોઇ પ્રજાની દેન નથી, તે તે પ્રજાનું નેતૃત્વ કરતા પુરુષોની દેન છે. એટલે સ્ત્રીને શક્તિશાળી અને પ્રમુખ બનાવવી એ જ એક અહિંસક અને પ્રકૃતિની જાળવણી કરતા માનવસમાજની માંગ છે.’
સાતમી એપ્રિલના આ ઇન્ટર્વ્યુમાં તેમનામાં અત્યંત દિવ્યતા, આધ્યાત્મિકતા અને ઘણાખરા અંશે ભાવુકતા નજરે પડી રહી હતી. નવા દલાઇ લામાની નિયુક્તિ વિશે તેમણે કહ્યું કે ‘હોઇ શકે હું આખરી દલાઇ લામા સાબિત થાઉ. આ દુખદ છે કે સુખદ એ વિચારવા જેટલી સાંસારીકતા હવે મારામાં રહી નથી. પણ જો ખરેખર મારા પાછળ કોઇની જરુર છે જે તિબેટીઅન સમુદાયને માર્ગદર્શન આપી શકે તો હું ગંભીરપણે એવી દિવ્યતાની શોધમાં છું જે તિબેટના રીવાજ, સંસ્કૃતિ અને સમાજને માર્ગદર્શન આપે.’ તિબેટમાં દરેક નવા દલાઇ લામા જૂના દલાઇ લામાનો પુર્નજન્મ ગણાય છે. એટલે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે તમારો નવો જન્મ કયા સ્વરુપમાં લેવા માંગો છો, ત્યારે તેમણે કહ્યું, ‘હું ચાહું છું હું પહેલા દલાઇ લામા તરીકે જન્મું. હું તે સમયે ખીલેલી અમારી તિબેટીઅન સભ્યતાને જોવા માંગુ છું. પહેલા દલાઇ લામાએ કહ્યું હતું કે હું એવા સ્થાને જન્મ લેવા માંગુ છું જ્યાં સૌથી વધુ મુસીબતો હોય, દુખ હોય અને સમસ્યાઓ હોય. જેથી મને માનવસેવા કરવાનો તેમજ માનવના દુખો અને સમસ્યાઓને દૂર કરવા માટે સંઘર્ષ કરવાનો પૂરતો અવસર મળે. બસ હું પણ પહેલા દલાઇ લામાની જેમ એ જ માંગુ છું.’ અહીં દલાઇ લામાનું ઇન્ટરર્વ્યુ પૂરું થયું.
પરંતુ, ઇન્ટરર્વ્યુના આખરની ઔપચારીકતા પૂરી થઇ ગયા પછી તેમણે ત્યાં બેઠેલા ભારતીય યુવાનો સામે આંગળી ચીંધી અને અત્યંત આત્મીયતાના સૂરમાં કહ્યું, ‘તમે, તમે ભારતીય યુવાનો, તમારા પર ઘણો મોટો દારોમદાર છે. તમે દુનિયાના એ એકમાત્ર દેશમાં પેદા થયા છો જેની સંસ્કૃતિએ શરીર અંદરના આત્માને જાણીને બ્રહ્માંડના ગૂઢ રહસ્યોને ઉકેલ્યા છે. પ્રાચીન ભારતીયોના એ આધ્યાત્મ અને સાઇકોલોજી સામે આજનું વિજ્ઞાાન અને આજની સાઇકોલોજી બાળક છે. તમારે દુનિયાના કલ્યાણ માટે એને ફરી જીવંત બનાવવી પડશે. પ્રાચીન ભારતીયો અમારા ગુરુઓ હતા અને આજના ભારતીયો અમારા શિષ્ય સમાન પણ નથી.’ તેમણે રીતસરના હાથ જોડયા અને આજીજી કરતા હોય એવા સૂરમાં કહ્યું, ‘પ્લીઝ ! મહેરબાની કરીને તમારી સંસ્કૃતિને ભૂલો નહીં. એને જીવતી રાખો. એ આ ધરતી પર એકમાત્ર આશાનું કિરણ છે. પશ્ચિમના વૈજ્ઞાનિકો ઇન્દ્રિયગ્રસ્ત છે, તે ભૌતિકતાની છેલ્લી સીમાઓએ અટકી જશે. ત્યાંથી આગળના જે સત્યો છે તે પ્રાચીન ભારતીય જ્ઞાનમાં છે.
માનવ આત્માના ઉંડાણમાંથી નીકળતા એ જ્ઞાનને ફરી જીવંત કરો અને તેને આજના ભૌતિક વિજ્ઞાન સાથે જોડો. તે બંનેનું મિલન કરાવો. એ જ આ માનવજાતિનું સાચું કલ્યાણ કરશે અને તેને મુક્તિના માર્ગે માર્ગદર્શન આપશે. આ ભારતીયો સિવાય કોઇ નહીં કરી શકે. તમે મહાન ઋષિઓના વંશજો છો. તમારી સાચી વિરાસતને ફરી જીવંત કરો અને એ તમારે આજના યુવાનોને કરવાનું છે. મહેરબાની કરીને આ કરો.” અને આટલું કહીને તેમણે હાથ જોડીને ઇન્ટર્વ્યુ પૂરું કર્યું.
August 07 / 2018 / On Facebook
મનુષ્યધર્મ
વેદોમાં સત્યને ઢાંકી દેનારી વિસ્મૃતિને ‘માયા’ અથવા ‘આવરણ’ કહેવાયું છે. બૌદ્ધ શાસ્ત્રોમાં તેને ‘સંવૃતિ’ કહેવાયું.
સત્યને આગળ ધપાવનાર કાર્યને ‘પ્રક્ષેપ’ કહે છે અને સત્યને અવરોધીને અસત્ય સ્થાપિત કરનારા કાર્યને ‘વિક્ષેપ’ કહે છે.
વેદો અને બૌદ્ધ શાસ્ત્રોમાં આ વિશે લખેલા કેટલાક વાક્યો નીચે મુજબ છે.
‘સંવૃત્તિ ખોટો અર્થ બતાવે છે અને જે સાચો અર્થ છે તેને ઢાંકી દે છે.’
‘સંવૃત્તિ મૂળ અનુભૂતિને ઢાંકી દે છે, ઘણીવાર આપણા મૂળ સ્વભાવને પણ. તે જે ન હોય તે દર્શાવે છે. મૂળ સત્યને ઢાંકી દે છે અને અસત્યને પ્રદર્શિત કરતી રહે છે.’
‘સંવૃત્તિ એ બધી બાજુથી ઢાંકી દેનારું અજ્ઞાન છે. તે મોહ ઉત્પન્ન કરનારી છે. તે કપટ જ સત્ય છે એમ બતાવે છે.’
‘એક નાનું વાદળું આડે આવી જાય ત્યારે મનુષ્ય માટે સૂર્યના અગાઢ પ્રકાશને પણ ઢાંકી દે છે. બસ એ વાદળું સંવૃત્તિ છે, આવરણ છે અને તેના વચ્ચે આવવાનું કાર્ય વિક્ષેપ છે, જે સત્યને ઢાંકી અસત્યને સ્થાપિત કરવાની કોશિશ કરે છે.’
દરેક મનુષ્ય સીધો આ માયાના આવરણમાં કે સંવૃત્તિમાં જન્મ લે છે. એટલે મનુષ્યધર્મ એટલો જ છે કે તે પોતાના આજુબાજુ ફેલાયેલી એ સંવૃત્તિ પાછળના મૂળ સત્ય અને પોતાની મૂળ અનુભૂતિને ઓળખે તથા તેને બહાર સ્થાપિત કરવાની કોશિશ કરે. સંવૃત્તિ કે અસત્યના આવરણ સામે સતત સંઘર્ષ કરવો અને સત્યને આગળ ધપાવવું એ જ દરેક મનુષ્યનો મૂળ ધર્મ છે. જે લોકો આ સંવૃત્તિના આવરણને દૂર નથી કરી શકતા તે તેમના કર્મો દ્વારા અસત્યને વધુને વધુ મજબૂત બનાવતા જાય છે. એ જ અધર્મ છે, એ જ પાપ છે. કારણકે તેઓ સત્યના પ્રક્ષેપમાં સતત વિક્ષેપ કરવાનું કાર્ય કરે છે.
બસ ધર્મ-અધર્મ આ છે. ગમે તેટલું મીઠું બોલો, સભ્ય વર્તો, ગમે તેટલું જ્ઞાન આપી દો, ગમે તેટલા ક્રિયાકાંડ અને પૂજાઓ કરી દો કે ગમે તેટલું દાન કરી દો – પણ જો એ બધું સંવૃત્તિના આવરણને મજબૂત કરવા માટે છે તો એ બધું પાપ છે, અધર્મ છે, વિક્ષેપ છે. અનુભૂતિમાં દબેલા સાચા સત્ય અને સાચા સ્વભાવને બહાર લાવવો અને તેને જીવી બતાવવો એ એકમાત્ર જ મનુષ્યધર્મ છે.
July 29 / 2018 / On Facebook
રામનો સીતા ત્યાગ
માનવ-ઇતિહાસનો સૌથી મહાન નિર્ણય
‘સત્ય શું છે? ધર્મ શું છે?’ – આ સવાલોના જવાબમાં એકવાત હું હમેશા કહું છું, ‘સારું હોવું ધર્મ નથી, સાચું હોવું ધર્મ છે. સારું હોવું એ લક્ષ્ય નથી, સાચું હોવું એ લક્ષ્ય છે.’ મુશ્કેલ નિર્ણયો ક્યારેય સાચા અને ખોટા વચ્ચે નથી, તે હમેશા સારા અને સાચા વચ્ચે હોય છે. જેમણે સત્યને જાણી લઈશું છે એ હમેશા સાચા રહેવાની કોશિશ કરે છે. જેમણે સત્ય અને ધર્મને ફક્ત ધર્મગુરુઓના પ્રવચનોથી જાણ્યો છે તે હમેશા સારા બનવાનો પ્રયાસ કરે છે. શું ભીમને દુર્યોધનની જંઘા તોડવી જોઈતી હતી, જયારે કમરના નીચે વાર કરવો નિયમોના વિપરીત હતું? સારા બની રહેવાની કોશિશ કરવાવાળા યુધીષ્ઠીર અને બલરામ કહેશે ‘નહિ, આવું ન કરવું જોઈએ.’ પણ કૃષ્ણ કહેશે, ‘જયારે દુર્યોધન જાંઘો સિવાયનું બાકીનું શરીર લોખંડનું કરી ચુક્યો છે ત્યારે તેને મારવા માટે જરૂરી છે કે તે જ્યાં હારી શકે છે ત્યાં વાર કરવામાં આવે. જો એ જીતી જશે તો મહાભારત યુધ્ધના આટલા મોટા નરસંહાર પછી પણ હસ્તિનાપુરની ગાડી પર એના જેવો અધર્મી જ બેસશે અને સમાજને અધર્મના માર્ગે ધકેલી દેશે. એની જાંઘો તોડવી સારું ના પણ હોય, પણ સાચું તે જ છે.’ આખા મહાભારતમાં કૃષ્ણે ક્યારેય સારા બનવાની કોશિશ નથી કરી. તેમણે એજ કર્યું જે સાચું હતું. રામના સીતા-ત્યાગ પાછળનું કારણ પણ આજ છે.
જયારે સીતાનું નામ લઈને રાજ્યની કેટલીક સ્ત્રીયોએ એવું કહેવાનું શરુ કરી દઈશું કે ‘અમારી રાણી દસ મહિના કોઈ બીજાના મહલ બાર રહીને આવી તો પણ રાજાએ તેને સ્વીકારીને રાણી બનાવી દીધી. એટલે અમે પણ કોઈ બીજાના ઘરે એક-બે રાત રોકી જઈએ તો પણ કોઈને અમને સવાલ પૂછવાનો અધિકાર નથી. અમારા પતિએ અમને સ્વીકારવી પડશે.’ – ત્યારે સીતા પર લાંછન લાગવાનું શરુ થઇ ગયું. જેમ જેમ દીબ્સો વિતતા ગયા, આ વાત અયોધ્યામાં ફેલતી ગઈ અને રાજ્યના પુરુષો પણ હવે રાણી સીતાથી ધ્વેશ કરવા લાગ્યા, કારણકે તેમના કરને તેમની પત્નીઓ સ્વચ્છંદી બની રહી હતી. જયારે રામ ને આ વાતની ખબર પડી ત્યારે રાજા રામ માટે તો આ એક ચિંતાનું કારણ હતું, પણ સીતાના પતિ રામ માટે આ હદય ચીરી નાખતો વિખવાદ હતો. જે સીતાએ દસ મહિના રાવણની કેદમાં રહીને પણ રાવણને સ્પર્શ ણા કરવા દીધો, જેણે પોતાના પ્રેમની દિવ્યતાથી રાવણને રોકી રાખ્યો એ સીતાની ના ખાલી પવિત્રતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો, પણ એનું નામ લઈને વ્યભિચાર કરવાની છૂટ માંગવામાં આવી રહી હતી. હવે, અહિયાંથી માની ળો કે રામે સીતાનો ત્યાગ ના કર્યો અને તેમને રાણી બનાવીને રાખ્યા, તો શું થાત..?
સમાજમાં વ્યભિચારની બદી ફેલતી જ જાત અને તેના બચાવમાં સીતાનું ઉદાહરણ પેશ કરવામાં આવત. આખો સમાજ વ્યભિચારના અધર્મમાં ફસાતો જાત અને સ્ત્રિયો માટે આપસી સંઘર્ષમાં નાશ પામત. અને આ આખા વિકૃત ચિત્રની આદર્શ બનાવવામાં આવત રાણી સીતાને. એ દિવસે સત્ય ન હોવા છતાં સીતા અપવિત્ર અને ચરિત્રહીન સ્ત્રી સાબિત થાત, ત્યારે જ તો તેણે આખા સમાજને પોતાના નામે વ્યભિચાર કરવા દીધો અને પોતે ચુપ રહી. આજે આપણે રામાયણમાં એક એવી સીતા વિષે વંચાત જેણે રાવણની કેદમાં પોતાની પવિત્રતા ઘુમાવી અને પછી રાણી બનીને આખા રાજ્યની સ્ત્રીયોને એ તરફ ધકેલી. જો સીતાનો ત્યાગ કરવામાં ન આવત તો આજે એ આપણા માટે એક આદર્શના સ્થાને એક કલંક હોત, નિર્દોષ હોવા છતાં.
રામ અને સીતા બંને વિષ્ણુ સ્થિતિના મનુષ્યો હતા. તેઓ આ દુરંદેશી ચિત્રને જાણી ચુક્યા હતા. તે બંને જાણી ચુક્યા હતા કે હવે સીતાની પવિત્રતા અને પ્રતિષ્ઠાને બચાવવાનો એક જ માર્ગ છે – જે રામ અને સીતા આત્માથી એક છે, તે હવે શરીરથી અલગ થઇ જાય. આખી પૃથ્વી પર એકબીજાનું શરીર જ એ એકમાત્ર પદાર્થ હતો જે તેમને અનેક મુસીબતો છતાં સાંત્વના આપતો હતો. હવે તેમને એ ભૌતિક પદાર્થ પણ છોડવાનો હતો અને આધ્યાત્મિક રૂપે દરેક ક્ષણે એકબીજાથી જોડાયેલા રહેવાનું હતું. છેલ્લે, આ મુશ્કેલ નિર્ણય કરી લેવામાં આવ્યો. આ નિર્ણય કોઈ રાજા કે રાણીનો નહોતો, ણા કોઈ સામાજિક પતિ-પત્નીનો. આ નિર્ણય બે પ્રેમીઓનો હતો જે પતિ-પત્ની પણ બન્યા હતા અને રાજા-રાણી પણ. હવે ફરીથી તેમને બસ પ્રેમી બની જવાનું હતું અને બાકીના બે સબંધોના લાભ ત્યાગી દેવાના હતા. અને તેમણે એ લાભ ત્યાગી દીધા. આ નિર્ણય બેડરૂમમાં બે પ્રેમીઓ વચ્ચે લેવાયો, પણ જે વાસનાગ્રસ્ત લોકોને સીધા રાખવા માટે તેને લેવામાં આવ્યો હતો તેમને ઉદાહરણ પૂરું પાડવા એ નિર્ણયને લાગુ રાજા રામે કરાવ્યો. ‘સીતાને જંગલમાં કોઈ સન્યાસીના આશ્રમ નજીક હમેશા માટે છોડી દેવામાં આવે. હવે તે અયોધ્યાની મહારાણી રહી શકે તેમ નથી.’ એક માણસે પોતાના જીવનની એકમાત્ર કીમતી વસ્તુ આ રીતે એક રાજાના અભિનય સાથે છોડી દીધી. અને શાના માટે? સમાજને અધર્મના માર્ગ પર જતો રોકવા માટે. સમાજને પોતાની વાસનાઓ સીતાના નામનો ઉપયોગ કરીને ખુલી છોડવાથી રોકવા માટે. પોતાના પ્રેમને યુગો યુગોની બદનામીથી બચાવવા માટે એક પ્રેમીએ પવિત્ર પત્નીને નિસહાય હાલતમાં ત્યાગી દેવાનું કલંક યુગો યુગો સુધી પોતાના માથે લઇ લીધું.
સીતાએ ઋષિના આશ્રમમાં સુવિધાઓના અભાવમાં રામના વિરહમાં જીવન વિતાવ્યું, તો રામે મહેલમાં સીતા વિના પળ-પળ દઝાડતી એ સુવિધાઓ અને રાજાની જવાબદારીઓ વચ્ચે જીવન કાઢ્યું. બંનેમાંથી કોઈએ બીજા લગ્ન તો શું બીજા કોઈ વ્યક્તિ વિષે વિચાર્યું પણ નહિ. સીતા આશ્રમમાં અને રામ મહેલમાં નીચે પથારી લગાવી સુતા રહ્યા, દરેક ક્ષણ એકબીજાને યાદ કરતા કરતા. અને જ્યારે છેલ્લી પરીક્ષાના રૂપમાં સીતા ધરતીમાં સમાઈ ગઈ ત્યારે તેમની પવિત્રતાની રક્ષા હમેશા માટે થઇ ગઈ. અયોધ્યાનું લાંછન બદનામ થયું અને સીતા દેવી બની ગઈ. રામ અને સીતા નો એકબીજાને ત્યાગવાનો વ્યક્તિગત નિર્ણય આખરે સફળ સાબિત થયો. પણ રામના માથા પર પત્નીને ત્યાગી દેવાનો કલંક કેટલાક મુર્ખ, અર્ધજ્ઞાની અને ષડયંત્રકારી લોકો તેમજ પ્રેમ ને ન સમજી શકવાવાળી સ્ત્રી સશક્તિકરનો ઝંડો પકડેલી કેટલીક સ્ત્રીઓની જમાતમાં આજે પણ લાગેલો છે. રામનો બચાવ કરવાવાળા લોકોમાં પણ મોટાભાગના અંધ ભક્ત છે જે રામ વિરુધ્ધ કંઈ સંભાળવા નથી માંગતા, તો કેટલાક એ રૂઢીચુસ્ત માનસિકતાવાળા પુરુષપ્રધાન લોકો છે જે આજે પણ સ્ત્રીની અગ્નિપરીક્ષા લેવામાં વિશ્વાસ કરે છે.
રામ અને સીતાએ જે નિર્ણય કર્યો એ એવા બે પ્રેમીઓ જ કરી શકતા હતા જેમના આત્મા યુગો યુગોથી જોડાયેલા હોય. કોઈ સામાન્ય સંસારિક પતિ-પત્ની તેમના સ્થાને હોત, તો એ પરિસ્થિતિમાં કાંતો પતિ તેની સ્ત્રીના શરીરને ભોગવાની લાલસામાં તેનો ત્યાગ કરવાથી ઇનકાર કરી દેત અને સમાજને તેની પત્નીના નામે અધર્મ કરવા દેત કાંતો લોકોની નિંદાથી વિચલિત થઈને તે પત્નીને છોડી દેત અને કેટલાક દિવસો પછી કોઈ બીજી સ્ત્રીથી લગ્ન કરી લેત. બંને પરિસ્થિતિમાં પત્ની પર લાગેલો આરોપ સાચો સિધ્ધ થઇ જાત. રામની આલોચના કરવાવાળા તથાકથિત બુધ્ધિજીવી એ વાતનું ધ્યાન રાખે કે રામે આ બંનેમાંથી એકપણ નથી કર્યું. રામે સારા દેખાવાની કોશિશ ના કરી, જે દરેક સામાન્ય સંસારી કરે છે. રમે સાચા બનવાની કોશિશ કરી. તેમણે એ કર્યું જે સાચું હતું, સારું ભલે ના હોય. હું એણે માનવ ઇતિહાસનો મહાન નિર્ણય એટલે કહું છું કે એ એક નિર્ણયથી રામે ના ખાલી સમાજને અધર્મના માર્ગે જતાં બચાવી લીધો, પણ પોતાની પ્રિયતમા સીતાની પ્રતિષ્ઠાને પણ હમેશા હમેશા માટે સુરક્ષિત કરી લીધી. જ્યારે આ કામમાં તેમના પોતાના દામન પર ડાઘ લાગી ગયો. કદાચ, સીતાને કોઈ જન્મમાં રામનું આ ઋણ ચુકવવું પડે જ્યાં રામની પ્રતિષ્ઠા અને પોતાના પ્રેમની રક્ષા માટે એ કામ કરવું પડે જેમાં સારા દેખાવા કરતાં એ કરવું જરૂરી હોય જે સાચું છે, સત્ય છે.
February 21 / 2020 / On Fecebook
મહાશિવરાત્રિનો મહિમા
July 13 / 2019 / On Fecebook
શ્રીક્રિષ્ન અને પૌન્દ્રકની કથા
‘ખાલી ખાલ ઓઢી લેવાથી લોમડી સિંહ નથી બની જતી.’
June 21 / 2020 / On Fecebook
યોગ અને ગ્રહણ - કોનું પલડું ભારે?
જાગૃતતાથી ભૌતિકતાને ચલાવવાનો સંદેશ આપતો સુંદર સંયોગ
June 09 / 2020 / On Fecebook
સત્ય, સત્કર્મ અને શાંતિ
(મોરારીબાપુ વિવાદ મામલે મારા વિચાર)
January 12 / 2019 / On Fecebook
વિષ્ણુના અવતારોનું વિજ્ઞાન
May 13 / 2019 / On Fecebook
સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ
December 15 / 2022 / On Fecebook
પ્રમુખસ્વામી મહારાજની એકસોમી જન્મ શતાબ્દી નિમિત્તે સ્વામિનારાયણ સંસ્થાઓને હિંદુ સમાજ તરફથી એક સંદેશ
સૌપ્રથમ, પ્રમુખસ્વામી મહારાજની એકસોમી જન્મ શતાબ્દી નિમિત્તે એ દિવ્ય આત્માની દિવ્યતાને પ્રણામ કરું છું અને એ દિવ્ય આત્મા સંસારમાં નક્કર સત્યને પ્રકાશમાન કરવાની સમાજને ચેતના આપે એ પ્રાર્થના કરું છું. આ પ્રાર્થનાની જરૂર એટલા માટે છે કે મોટા ઉત્સવો અને વ્યાપારી તથા રાજકીય સંડોવણી એ વિકૃતિથી લોકોનું ધ્યાન નહીં હટાવી શકે જે પ્રમુખસ્વામી મહારાજના ગયા પછી પૂરબહારમાં બહાર આવી છે. એટલે હું એ સ્વામિનારાયણ સંસ્થાઓમાં વધુ સમ્માનિત સ્થાન ધરાવતી BAPS ને પણ પ્રાર્થના કરું છું એક મહિનો ચાલનારા આ ઉત્સવમાં કઠોર આત્મમંથન કરવાનું કાર્ય કરે અને એ વિકૃત ચોપડા જેમાં સનાતન ધર્મના સર્વોચ્ચ શિખરો એવા ભગવાન શિવ, રામ અને કૃષ્ણનું અપમાન કરતા હાસ્યાસ્પદ લખાણો લખેલા છે, તેની કમ સે કમ પોતાની સંસ્થાના લખાણોમાંથી અને પોતાના સન્યાસીઓની માનસિકતામાંથી બાદબાકી કરી દે. એમાંના એક-બે સ્ક્રીન શોટ અહીં મૂક્યા છે. એમાંથી એક તો BAPS સંસ્થાને લગતું જ લખાણ છે, બીજું જાણકારી નથી કે બધાનું છે કે કોઈ નિશ્ચિત ફિરકાનું છે.
પણ સાથે સ્વામી હરિસ્વરૂપદાસજીનો એક વીડિયો પણ મૂક્યો છે જેમાં તે સ્વામિનારાયણ નામના કોઈ ભગવાનને અને તેમના ધામને ભગવાન શિવ અને તેમના ધામ કૈલાસથી પણ ઉપર બતાવી સ્વામિનાાયણ તરફથી ભગવાન શિવને આદેશ મોકલી રહ્યા છે. આ હરિસ્વરૂપદાસજીના સદવિધ્યા ટીવી પર નિયમિત પ્રવચન પ્રકાશિત થાય છે. એવા બીજા અનેક પ્રવચનોમાં તે એમ પણ કહી ચૂક્યા છે કે ‘સ્વામિનારયણ જ્યારે તેમના અક્ષરધામમાં ચાલે છે ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ બધા દેવતાઓ તેમના દરબારીઓ રૂપે હાથ જોડી તેમનું સ્વાગત કરે છે.’ બીજા એક વીડિયોમાં એ ભાઈ શ્રીકૃષ્ણના જીવનચરિત્ર સમાન શ્રીમદ્ ભાગવદમાંથી અનેક બ્રહ્માંડોની વાત કરે છે અને પછી કહે છે ‘એક બ્રહ્માંડના સ્વામી એ મહાવિષ્ણુ અને એવા અનેક બ્રહ્માંડોના સ્વામી બધાના બાપ એટલે આપણા સ્વામીનારાયણ.’ જ્યારે અસલમાં શ્રીમદ ભાગવદમાં એક કરતાં વધારે સ્થાને શ્રીકૃષ્ણને જ અનેક બ્રહ્માંડથી બનેલી સઘળી સૃષ્ટિના સ્વામી મહાવિષ્ણુ તરીકે સમજાવવામાં આવ્યા છે, અને તે તમામ બ્રહ્માંડોના અલગ અલગ બ્રહ્માઓ કેવી રીતે શ્રીકૃષ્ણને અનુસરે છે એ પ્રસંગો દ્વારા કહેવામાં આવ્યું છે.
હિંદુ સનાતન ધર્મમાં અનેક પંથ, સંપ્રદાય અને મત-મતાંતર છે, પણ એમાંનો કોઈ પંથ પોતાના આરાધ્યને શિવ કે વિષ્ણુ ઉપર બતાવવાની ઈચ્છા નથી કરતો. તે બધા સનાતન ધર્મના તત્વજ્ઞાનના એ મૂળને સમજે છે કે સૃષ્ટિના આરંભમાં જે બ્રહ્મ નામની ઉર્જાનો જ્યોતિપિંડ હતો તે જ પહેલા શિવ રૂપે રચાયો, અને તે જ આગળ જતાં મહાવિષ્ણુ રૂપે અસ્તિત્વમાં આવ્યો. એ મહાવિષ્ણુની નાભિમાંથી અનેક બ્રહ્મા નીકળ્યા અને તે દરેક બ્રહ્માએ પોતાના બ્રહ્માંડની રચના કરી. તો સૃષ્ટિ જે બ્રહ્મથી યુક્ત છે તે બ્રહ્મનું સર્વોચ્ચ આખરી સ્વરૂપ જ મહવિષ્ણુ અને શિવ છે. તેમનાથી ઊપર કે બહાર બીજું કંઈ અસ્તિત્વમાં જ નથી. એટલે સંસારમાં જે પણ દિવ્ય પુરુષ સામે આવે તે એ મહાવિષ્ણુ કે શિવની જ દિવ્યતા ધારણ કરે છે. એટલે જ સનાતન ધર્મના તમામ પંથોમાં તેમના દિવ્ય સ્થાપક પુરુષોને વધુમાં વધુ શિવ કે વિષ્ણુનો અવતાર કહેવાયો છે. શિવ અને વિષ્ણુના એવા અનેક અવતારો અત્યારે પુજાઈ રહ્યા છે. પણ તમારે તો તમારા સંસ્થાના સ્થાપકને વિષ્ણુના અવતાર નથી કહેવા, તમારે તો સનાતન ધર્મના સ્વરૂપની બહાર અને સમગ્ર સૃષ્ટિની બહાર જઈ શિવ અને વિષ્ણુથી ઉપર તે બધાના રાજા તરીકે તમારા સ્થાપકને બેસાડવા છે, જે હમણાં બસો વર્ષ પહેલાં જીવ્યા છે. રાણા પ્રતાપ અને શિવાજીએ જે સનાતન ધર્મને જીવતો રાખવા પોતાની જાત ઘસી નાખી, એ આખા સનાતન ધર્મના બૉસ કે રાજા તરીકે તમારે એ મહાપુરુષો પછી જન્મેલા કોઈ એક મનુષ્યને બેસાડી દેવો છે. કૃપયા, પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી નિમિત્તે ચાલનારા આ ઉત્સવમાં BAPS સંસ્થા આ દેશની તમામ હિંદુ સનાતન ધર્મી પ્રજાને આ વાતનો જવાબ આપે કે તેમના સંપ્રદાયના બીજા ફિરકાઓની જેમ શું તેઓ પણ એજ માને છે? જો ના, તો તેઓ સહજાનંદ સ્વામી જેમને તે ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે તેમને ભગવાન શિવ અને વિષ્ણુના સાપેક્ષે કઇ રીતે જુએ છે?
આ સ્પષ્ટતા જરુરી છે કારણકે જે વિદેશી સંપ્રદાયો સામે આ હિંદુ પ્રજા લડી રહી છે એમના શાસ્ત્રો પણ આવું તો નથી કહેતા. આજ સુધી હિંદુ ભગવાનો વિરૂધ્ધ કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી જેવું બોલવાની હિંમત નથી કરી શક્યો તેવું તમારા ભગવાધારી સદસ્યો અવારનવાર નિયમિત રૂપે બોલી રહ્યા છે. એ વિદેશી સંપ્રદાયો કહી રહ્યા છે કે તેમનો જ ભગવાન સાચો છે, અને અમારા ભગવાન ખોટા છે. અને તમે કહી રહ્યા છો કે ના, અમારા પણ બધા ભગવાન સાચા તો છે, પણ એ તમારા ભગવાનના દાસ અને સેવક છે. બોલો હવે, અમારે આ બેમાંથી કયાને વધુ અપમાનજનક સમજવું? કોને અમારો વધું મોટો દુશ્મન માનવો?
એટલે ખાલી પોતાના મંદિરોમાં રામ, કૃષ્ણ અને શિવ-પાર્વતીની મૂર્તિઓ મૂકીને મૌન ન બની રહો. એ ચોપડા જે વિકૃતીથી ચીતર્યા છે તે ચોપડાઓને સ્વચ્છ બનાવી સનાતન ધર્મના ફ્રેમવર્કમાં આવી જાઓ. કયા હિન્દુને આ જગતના સ્વામી એવા નારાયણ શ્રીહરિથી સમસ્યા હોય? બધા એમના ભક્ત છે. તમારા સહજાનંદ સ્વામીએ પણ જે ‘સ્વામિનારાયણ’ મંત્ર આપ્યો હતો એ મંત્ર પણ આજ ભાવ પ્રદર્શિત કરતો હતો. એ મંદિરોની મૂર્તિ પણ નારાયણ શ્રીકૃષ્ણની જ હતી. પણ પછી તમે એ સહજાનંદ સ્વામીને જ એ નારાયણ બનાવી દીધા અને કૃષ્ણની મૂર્તિઓને તેમની મૂર્તિ કહી દીધી. અમારી સમસ્યા ત્યાં સુધી પણ નથી, અમે માની લઈશું કે તમે એમને નારાયણના અવતાર રૂપે પૂજો છો. પણ નહીં, તમારા ચોપડા અને તમારા સ્વામીનાં પ્રવચન કહી રહ્યા છે કે તમે તો એ નારાયણ શ્રીવિષ્ણુના ઉપર કોઈ સ્થાન શોધ્યું છે અને સહજાનંદ સ્વામીને એ સ્થાને બેસાડી તેમને જ ‘સ્વામીનારાયણ’ નામ આપી દીધું છે. અને હવે તો મહાદેવ શિવને એમના સામે એક કોઈ નાના મોટા દેવ જે દારૂડિયાઓને પોતાની પાસે રાખે છે એવા બતાવવાનું ચાલું કર્યું છે. તમારી આ બધી વિકૃતિઓથી ભારતના અન્ય રાજ્યોનો હિંદુ સમાજ હજી વાકેફ નથી. જ્યારે એ તેમના શિવ અને નારાયણ શ્રીવિષ્ણુનું આ અપમાન જાણશે, ત્યારે જે તોફાન આવશે એમાં તમે ટકી નહીં શકો. હા, એ પણ વાત અમે જાણીએ છીએ કે તમે તમારા પૈસાના જોરે ભારતની એ સનાતન ધર્મની સંસ્થાઓમાં પોતાનો પગપેસારો કરવાની કોશિશ કરી રહ્યા છો, પણ એ પણ તમારું આ સત્ય જાણતી નથી. એ લોકો પણ તમારા ‘સ્વામિનારાયણ’ નામમાં આવતા પોતાના નારાયણ વિષ્ણુને કલ્પી રહ્યા છે, જેવું આટલા વર્ષો સુધી ગુજરાતી હિંદુ સમાજ પણ કલ્પી રહ્યો હતો. કદાચ, મોદીજી પણ હજી એજ અંધારામાં છે. પણ હવે કંઈ છૂપું રહ્યું નથી, એટલે વારંવાર પ્રમુખસ્વામી મહારાજના તપસ્વી જીવનને આગળ ધરી લોકોને અંધારામાં રાખવાની કોશિશ ન કરો. સ્પષ્ટતા કરો. જો તમે આ સ્પષ્ટતા નથી કરતા તો એનો અર્થ એજ થાય છે કે તમે પણ એજ માનો છો, બસ વિવાદ ટાળવા બોલી નથી રહ્યા. સમય સુલભ જોતાં જ તમે એને સ્થાપવાનું શરૂ કરી દેશો. એટલે પેલા સારા અબ્દુલ અને ખરાબ અબ્દુલનો ભેદ સામે રાખી મૌન ન બની રહો. જો એ વિકૃતિ તમારા મનમાં અને ચોપડીઓમાં નથી, તો એ ચોખ્ખા થયેલા ચોપડા અને મન બતાવી સનાતન ધર્મમાં એક થઈ જાઓ.
બોધ: જે વ્યક્તિમાં બેઝિક લેવલની પણ સાત્વિકતા છે, તે ક્યારેય પોતાના ઇષ્ટની ભક્તિ કરતી વખતે બીજા કોઈના ઇષ્ટને નીચો દેખાડવાની કલ્પના નહીં કરે. કારણકે ભક્તિમાં તમારું મન ફક્ત પ્રેમમાં ડૂબેલું હોય છે. પણ જ્યારે તમારું ધ્યાન કોઈ બીજાના ઇષ્ટને નીચા દેખાડવામાં છે, ત્યારે સમજો તમારું ધ્યાન તમારા ઈષ્ટ પર પણ નથી. તમારું ધ્યાન ભક્તિમાં નથી. તે બીજાની ઇર્ષામાં, દ્વેષમાં અને અહંકારમાં છે. બસ આધ્યાત્મનું આટલું વિજ્ઞાન સમજી જશો તો પણ આખી વાત સમજાઈ જશે.
December 22 / 2022 / On Fecebook
શું આ હિંદુ સંગઠનો અને હિંદુ પાર્ટીઓ સ્વામીનારાયણ સંપ્રદાયની હકીકત જાણે છે?
મોદીજીએ ત્યાં જઈને કહ્યું, ‘દરેક જીવમાં શિવ છે’. મોહન ભાગવતજીએ ત્યાં જઈને કહ્યું, ‘સંત તુકારામ કહેતા ‘વૈકુંઠવાસી (શ્રીવિષ્ણુ)ને ધરતી પર આવીને જીવવું પડે છે, કારણકે તેમને બતાવવાનું હોય છે કે જે ઋષીઓએ કહ્યું છે એ સાચું છે.” સનાતન ધર્મના એ બે સર્વોચ્ચ શિખરોની મહત્તા બતાવતી વખતે શું એ બંને મહાનુભાવોને એ સંપ્રદાયના સાચા સ્વરૂપનું પૂરું જ્ઞાન હતું? – આ જ હવે મૂળ સવાલ બાકી વધ્યો છે. કારણકે ત્યાં વૈકુંઠનું કોઈ મહત્વ નથી. ત્યાં તો સૌથી ઉપર કોઈ સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ છે, જયાં વિષ્ણુ અને શિવ તેમના પછી આઠમા સ્તરના કોઈ નાના-મોટા દેવ છે. તે બંને અક્ષરધામમાં દરબારી તરીકે સ્વામિનારાયણને નમન કરે છે. જે સર્વ રીતે પવિત્ર હોય અને ધરતી પર એ સંપ્રદાયમાં રહ્યો હોય તેને જ ત્યાં જવા મળે. બાકી જેણે એકવાર પણ દારૂનું કે અન્ય વ્યસન કર્યું હોય એ તો શિવજીના ધામ કૈલાસ જાય. સમય આવી ગયો છે કે આ સંપ્રદાયનું સત્ય સમગ્ર દેશના સંઘ પરિવાર અને સનાતન હિંદુ પરિવારને ખબર હોવું જોઈએ.
બીએપીએસ ના લોકોએ કોઈ સ્વામી ભદ્રેશદાસ કરીને છે એમને બેંગલોરથી સંસ્કૃતની કાંઈક phd કરાવી છે અને એમણે ભારતીય આધ્યાત્મના છ મુખ્ય દર્શનો પછીનું એક સાતમું દર્શન ‘અક્ષર પુરુષોત્તમ દર્શન’ વિકસાવ્યું છે. આ છેલ્લા ચાર-પાંચ વર્ષનું કામ છે. હવે ધીરે ધીરે તે એને બીજા દર્શનો સાથે પ્રદર્શિત કરે છે અને એને માન્યતા અપાવવા કાશીમાં પૈસા દ્વારા કોશિશ કરી રહ્યા છે. આ દર્શન પેલા ચાર્ટને સ્થાપિત કરે છે જ્યાં સ્વામિનારાયણ પરબ્રહ્મ રૂપે સૌથી ઉપર અને પછી સ્ટેપ બાય સ્ટેપ સાતમા – આઠમા નંબરે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. પણ આમાં તેમની ફોલ્ટ લાઈન એ છે કે બાકી બધા પંથોમાં સર્વોચ્ચ સ્થાન જો નિરાકાર બ્રહ્મ સીવાય કોઈ સાકાર બ્રહ્મને બતાવ્યું હોય તો તે શિવ અથવા વિષ્ણુના સ્વરૂપ કે અવતાર રુપે જ છે. કારણકે સનાતન ધર્મના બંધારણમાં બ્રહમના સર્વોચ્ચ સાકાર સ્વરૂપો શિવ અને વિષ્ણુ જ છે. આ લોકો સ્વામિનારાયણને એક સાકાર ભગવાન રૂપે બતાવી એમને પરબ્રહ્મ કહી રહ્યા છે. જ્યારે હિંદુ સનાતન ધર્મમાં પરબ્રહ્મ એક નિરાકાર ઈશ્વર છે જે જ્યારે સાકાર રૂપ લે છે ત્યારે પહેલા શિવ અને વિષ્ણુ સ્વરૂપે જ આવે છે અને પછી વધુ ખંડિત થતું નીચે ઉતરે છે. આ લોકો એ શિવ અને વિષ્ણુના ઉપર એક બીજા સાકાર સ્વરુપ કે માનવને ઘુસાડી રહ્યા છે, જે શિવ અને વિષ્ણુના બૉસ છે. એટલે ત્યાંજ એ વેદિક ધર્મ કે સનાતન ધર્મથી બહાર થઈ જાય છે. આ બિલકુલ એજ કોશિશ છે જેવી અરબના દેવી દેવતાઓવાળા સમાજમાં એ બધાથી ઉપર એક અલ્લાહ બેસાડી દઈને એક નવા ધર્મનું સ્વરૂપ ઊભું કરવામાં આવ્યું હતું. જેવું યહૂદીઓના દેવી દેવતાઓવાળા સમાજમાં ઈસુના પિતા એવા એક God ને બેસાડી દઈ નવો ખ્રિસ્તી ધર્મ ઊભો કરવામાં આવ્યો હતો. આ લોકો બિલકુલ એજ રીતે હિંદુ ધર્મનું સ્વરુપ બદલવાની કોશિશ વર્તમાન ઈશ્વરોના ઉપર એક ઈશ્વર બેસાડીને કરી રહ્યા છે. ફર્ક એટલો છે કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મે એમના પાછલા સમાજના દેવી દેવતાઓને માનવાની જ ના પાડી દીધી હતી, અને આ લોકો એમને પોતાના નીચે નાના-મોટા દાસ અને સેવક તરીકે બનાવી રાખે છે. કારણકે એમના સ્વામીનારાયણ માટે મંદીરોમાં કોઈ આવે એમ નથી. મંદિરોમાં આવતી ભીડ તો આ દાસ રૂપે રાખેલા હનુમાન, અને શિવજીથી જ આવે છે. પૈસા કમાવવા રાખ્યા છે એમને, અને એ પૈસાનો ઉપયોગ પોતાનું આ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મવાળું સ્વરૂપ ફેલાવવા થાય છે.
બીજી વાત એ કહેવી છે કે મને એ સંસ્થાના સ્થાપક સહજાનંદ સ્વામી કે જેમને શ્રીજીમહારાજ અને સ્વામીનારાયણ કહેવાય છે, એમના જીવનમાં કોઈ ખરાબી દેખાઈ નથી. ઘનશ્યામ પાંડે તરીકે જન્મેલા તેમણે નીલકંઠવર્ણી નામે સન્યાસ લઇ હિમાલયમાં પતંજલિના અષ્ટાંગ યોગની સાધના કરી હતી. ભ્રમણ કરતાં કરતાં ગુજરાત આવીને ઉદ્ધવ સંપ્રદાયમાં સ્થાયી થયેલા તેમણે પોતાના ગુરુભાઈઓ અને શિષ્યોને પણ અષ્ટાંગ યોગની દીક્ષા આપી હતી, જ્યારે સામાન્ય સંસારીઓને કૃષ્ણ ભક્તિ તરફ વાળવા નારાયણ શ્રીવિષ્ણુનું નામ પુકારતો ‘સ્વામીનારાયણ’ મંત્ર આપ્યો હતો. તેમણે લખેલી શિક્ષાપત્રીમાં પહેલા જ પાને રામ દરબારનો ફોટો હતો, જેને હવે હટાવી લેવાયો છે. અને શિક્ષાપત્રીની શરુઆત ભગવાન શ્રીકૃષ્ણને પોતાના આરાધ્ય માની કરી હતી, તથા સમગ્ર પુસ્તકમાં સ્થાને સ્થાને રાધા-કૃષ્ણ અને નારાયણ શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેવા લોકોને આહવાન કરાયું હતું. તેમણે બનાવેલા બધાં મંદિરોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની જ નારાયણ રૂપે સ્થાપના કરી હતી. આ પાછળના લોકોએ સાત્વિકતા ગુમાવી ભોળી આમ જનતાને પોતાની ધાર્મિક સત્તામાં જકડવા જે વિકૃતિ ફેલાવી, એના વિરોધમાં કમ સે કમ મારી સામે સહજાનંદ સ્વામીનું અપમાન કોઈ ન કરે. તે એક સાચા સનાતની સંત અને સાધક હોઇ શકે છે. તેમના વિશે સત્યાર્થ પ્રકાશમાં નકારાત્મક લખાણ છે. તે સાચું કે ખોટું કંઈ પણ હોઈ શકે છે, કોઈ તેનો સબૂત આપી શકે તેમ નથી. અમુક મતોના મુજબ પાછળના જીવનમાં તેમણે પોતે જ પોતાની જાતને ભગવાન બતાવવા લાગેલું એવા લખાણ વચનામૃતમાંથી મળી આવે છે. હું કહીશ કે તે પણ તેમના અને તેમને ભગવાન માનવા તૈયાર માણસ વચ્ચેનો મસલો છે. બાકીનાને (અને તેમના ભક્તોને પણ) એ જોવાનું છે કે જો એ પોતાને હિંદુ ધર્મના કે સનાતન ધર્મના કહેતા હોય તો એ સ્વઘોષિત ભગવાનનું સ્વરુપ પણ હિંદુ સનાતન ધર્મના બંધારણ અને સ્વરૂપના અંદર રહીને હોવું જોઈએ. બસ વર્તમાન પર ધ્યાન રાખી આપણે આટલું જ સુનિશ્ચિત કરવાનું છે. બાકી કોઈ અસભ્ય માણસ તમારા પિતાને ગાળો બોલે, એનો અર્થ એ નથી કે તમે વળતી એના પિતાને ગાળો બોલો. હોઈ શકે એના પિતા એક સારા માણસ હોય, બસ છોકરાઓ નીચ પાક્યા હોય. જે અપરાધી છે તેને ઓળખો અને વિરોધ કે યુધ્ધ એ અપરાધી વિરૂદ્ધ એકાગ્ર રાખો. ક્રિયા-પ્રતિક્રિયામાં ભટકીને તેમના જેવા ન થાઓ.
January 11 / 2023 / On Fecebook
BAPS और अन्य स्वामीनारायण संस्थाओं के द्वारा घड़ा गया सनातन धर्म विरोधी दर्शन
एक थे सहजानंद स्वामी जो स्वयं कृष्ण भक्त थे, और उन्होंने लोगों को कृष्ण भक्ति के लिए ‘स्वामीनारायण’ मंत्र दिया। पर उनके देहांत के बाद (कुछ लोगों के अनुसार उन्ही के आखरी वक्त में) कृष्ण भक्त सहजानंद गायब हो गए, श्रीकृष्ण और कृष्ण भक्ति भी गायब हो गई, और उस मंत्र के नाम से सहजानंद स्वामी को ही एक नया भगवान बना दिया गया। नाम था भगवान स्वामीनारायण। सहजानंद स्वामी के उद्धव संप्रदाय में जो कृष्ण भक्त लोग आते थे, उन्हे ‘हरी भक्त’ कहा जाता था। अब उन्ही भक्तों को स्वामीनारायण के भक्त कहा गया, लेकिन ‘हरी भक्त’ शब्द चालू रखा गया। इससे सहजानंद स्वामी को स्वामीनारायण के साथ भगवान विष्णु का दूसरा नाम हरी भी जोड़ दिया गया। पर यह दो नाम सनातन धर्म के जिस भगवान श्रीविष्णु के थे, उन्हे इन दो नामों की चोरी करकर छोड़ दिया गया। इतना ही नहीं हिंदु शास्त्रों में बारंबार वर्णित ‘अविनाशी (अक्षर) वैकुंठधाम’ से अक्षर शब्द को चोरकर एक नया अक्षरधाम इस नए भगवान को दिया गया। इस अक्षरधाम में स्वामीनारायण सिंहासन पर बैठते है, और उनके सामने ब्रह्मा, विष्णु, शिव, मां शक्ति और सारे हिंदू धर्म के देवी देवता एक पैर पर खड़े रहकर हाथ जोड़ते हुए उनकी स्तुति कर रहे होते है। मतलब, भगवान विष्णु के ही नाम और धाम को चोरकर विष्णु को ही इस नए भगवान का सेवक बना दिया गया।
और तबसे आज तक उस संप्रदाय के पुस्तकों और व्याख्यानों में रोज सनातन धर्म के देवी देवताओं का अपमान होता है। जैसे अरबी समाज में इस्लाम के उदय के साथ एक इश्वर को ‘अल्लाह’ नाम देकर अरब के सारे देवी देवताओ को मानने से इंकार कर दिया गया था। वैसा ही इस नए स्वामीनारायण संप्रदाय के माध्यम से सनातन धर्म में करने की कोशिश की जा रही है। और उसका बेज गुजरात है। फर्क सिर्फ इतना है की इस्लाम ने उसके पहले के अरबों के देवी देवताओं को जूठा कहकर मानने से इंकार कर दिया था, और स्वामीनारायण संप्रदाय में सनातन धर्म के सारे देवी देवताओं को इस नए भगवान के सेवक बताकर उन्हे ‘वे पूजने योग्य नहीं है’ यह दिखाया जा रहा है। शुरुआत में वे हिंदुओ को अपने अंदर लाने के लिए सनातन धर्म के देवी देवताओं की ही बात करते है, मंदिरों में एक बाजु पर सबको स्थापित करते है, ताकि हिंदूओं को लगे की यह उन्ही के धर्म का मंदिर है। पर धीरे धीरे पुस्तकों और व्याख्यानों से उनकी ब्रेन वॉशिंग होती है की इन सबके आराध्य स्वामीनारायण है, और इन सबको शक्ति स्वामीनारायण से ही मिलती है। इसलिए सेवको को छोड़कर मूल इश्वर को ही पूजना चाहिए। जो लोग उसमे पूरी तरह शामिल हो जाते है, उनको अपने घर में स्वामीनारायण के सिवा किसी और भगवान की फोटो रखने के लिए मना कर दिया जाता है। उन्हे मां अंबा की नवरात्री में जाने से भी मना कर दिया जाता है। यह वही कोशिश है जो इस्लाम के द्वारा अरबी समाज में की गई थी।
अब इस स्वामीनारायण संप्रदाय की BAPS शाखा इसी विकृति में इसाई धर्म के पॉप का स्वरूप ले आई है। उनके द्वारा घड़ी गई फिलोसोफी या तथाकथित दर्शन को शॉर्ट में इस तरह समझ लीजिए। सनातन धर्म के हमारे शास्त्रों से शब्द लिए गए है और उन्हें नई फॉर्मेट में फिट करके समझाया गया है। तीन शब्द मुख्य है। एक परब्रह्म, दूसरा प्रगट ब्रह्म और तीसरा ब्रह्म। उनके संस्थापक सहजानंद स्वामी जिन्हे यह लोग बाद में स्वामिनारायण कहने लगे वह परब्रह्म है, यानी समग्र सृष्टि के स्वामी। वे धरती पर नहीं आते, वह कहीं दूर अपने अक्षरधाम नाम के स्थान पर है। दूसरा शब्द है प्रगट ब्रह्म। यह उनकी BAPS संस्था के मौजूदा प्रमुख के लिए कहा जाता है की वह प्रगट ब्रह्म है, जो परब्रह्म स्वामिनारायण से सीधे संपर्क में है। बिलकुल जैसे ईसाइयों में पॉप है। वह परब्रह्म के कहे अनुसार धरती पर कार्य करते है, और स्वामीनारायण संप्रदाय को पालने वाले लोगों की ओर से जरूरत पड़ने पर परब्रह्म से संपर्क करते है। लेकिन प्रगट ब्रह्म सिर्फ यह एक ही नहीं है। उनके भगवान स्वामीनारायण ने आदेश दिया था की मां शक्ति, गणपति, शिवजी और हनुमान की भी प्रगट ब्रह्म के रूप में ही पूजा की जाए। अर्थात् ये सभी भी धरती पर कहीं मौजूद है और परब्रह्म स्वामीनारायण से शक्ति पाकर उनके भक्तों को फल देते है। ये सभी परब्रह्म स्वामीनारायण के सेवक देवी देवता है जो उनके प्रतिनिधि के रूप में यहां काम करते है।
लेकिन क्योंकि ये सभी देवी देवता नज़र नहीं आते, इसलिए इनकी मंदिरों में स्थापना की जाती है, स्वामीनारायण की छत्रछाया में और हिंदू सनातन धर्मी उन्हे अपने शिव और हनुमान मानकर वहां जाते है। मौजूदा हिंदु अज्ञान वश इसी वजह से उनके साथ जुड़े नजर आते है। लेकिन क्योंकि एकमात्र प्रगट ब्रह्म वैसे संस्था के मौजूदा प्रमुख ही सदेह मानव के रूप में धरती पर भक्तो के बीच है, इसलिए वे इन सारे प्रगट ब्रह्म देवी देवताओं से बड़े और ज्यादा पूज्य है। वे आपको सीधा परब्रह्म स्वामीनारायण का आदेश सुना सकते है, और आपकी बात उन तक पहुंचा सकते है। जब यह मौजूदा संस्था प्रमुख मर जाते है तब उन्हे ‘ब्रह्म-स्वरूप’ कहा जाता है, और वे सब अक्षरधाम में परब्रह्म स्वामीनारायण के बाद दूसरे नंबर के स्थान पर बिराजते है, और उन्हें ही ‘अक्षर’ कहा जाता है। जब की सनातन धर्म के शास्त्रों में अक्षर ॐ शब्द के तीन हिस्से ‘ आ ‘, ‘ ऊ ‘ और ‘ म ‘ को कहा गया है, जो की अव्यक्त, निराकार ब्रह्म है। यहां परब्रह्म स्वामीनारायण पुरूषोत्तम है, और यह सब देह छोड़ चुके प्रमुख उनके अक्षर है। यही उनकी संस्था का नाम है ‘बोचासनवासी अक्षर पुरूषोत्तम संस्था’ (BAPS)। बोचासन उस गांव का नाम है, जहां इसकी स्थापना हुई थी। यही उनका वह दर्शन है जो वह भारतीय छह दर्शनों के बाद सातवें दर्शन के रूप में स्थापित करना चाहते है। ‘अक्षर – पुरूषोत्तम दर्शन’, जो कहता है की परब्रह्म अवतार लेकर नहीं आते, वह तो उनके एक दास विष्णु करते है। परब्रह्म तो यहां अपने अक्षर (संस्था के प्रमुख) के रूप में प्रगट रहते है।
बस, इसी विचार को धीरे धीरे सालों तक घड़ा गया है, और इसके आधार पर सनातन धर्म का पूरा स्वरूप बदल दिया गया है और हजारों वर्षो से सनातन धर्म के आराध्य रहे ईश्वरों को अभी दो सो साल पहले जन्मे एक सन्यासी के नीचे ला दिया गया है। और वहीं से आरंभ होता है हिंदू धर्म के सारे आराध्यों का अपमान करती उन कथाओं का सिलसिला जिसमें वे सभी आराध्य ना सिर्फ दो सो साल पहले जन्मे सहजानंद स्वामी के नीचे है, बल्कि उस संस्था के मौजूदा और चल बसे प्रमुखों के भी नीचे है। उनके ग्रंथ और उनका बाल साहित्य भगवान शिव, मां पार्वती और भगवान श्री विष्णु को स्वामीनारायण का सेवक और दास बताती अपमानजनक कथाओं से भरा पड़ा है। नीचता इस हद तक है की विष्णु का आराध्य बन चुका यह नया भगवान विष्णु की पत्नी लक्ष्मीजी और श्रीकृष्ण की प्रेमिका राधाजी को अपनी पत्नी बताता है। सवाल यह भी है की अगर परब्रह्म दो सो साल पहले पैदा हुआ कोई साकार रूप का भगवान है, तो फिर यह धर्म सनातन कैसे रहा? इनका स्वरूप ठीक वही इस्लाम और ईसाई मजहब की श्रेणी में है, जहां सृष्टि का स्वामी कोई एक सर्वोपरी साकार इश्वर है, जिसकी लिखी कानूनी किताब को मानने वाले मुक्ति पाते है। पर यह मुक्ति क्या है? यह मुक्ति स्वामीनारायण नाम के साकार इश्वर के अक्षरधाम में जाकर स्वामीनारायण और उनके संस्था प्रमुखों की सेवा में रह जाना है। यानी की संसार से मुक्ति ऊपर किसी धाम में एक साकार इश्वर और उसके संस्था प्रमुखों की दासता है। यह किस तरह से सनातन धर्म का हिस्सा हो सकता है? यह तो इस्लाम और ईसाई जैसे सैमेटिक मजहबों का स्वरूप है, जिसे हिंदू नामों के साथ खड़ा किया जा रहा है।
जैसे एक चोर किसी और की लूटी हुई दौलत से अपने आप को शाहूकार बना ले और फिर शाहुकारों के बीच उठने बैठने की कोशिश करे, वैसे ही वे अब इस दर्शन को हिंदु सनातन धर्म की संस्थाओं के सामने रखकर अपने आप को कोई बडे दर्शन का खोजी दिखाने की कोशिश कर रहे है। और काशी विद्वत परिषद में चाहे उन्होंने जो भी सुनाया हो, पर गुजरात और विश्वभर में उनका आचरण और ग्रंथ लेखन इस लेख में बताए गए विचारों से ही चलता है। यह भी उल्लेखनीय है की जोशीमठ और द्वारकापीठ के मौजूदा शंकराचार्य एवं मोरारीबापू और भाई श्री रमेशभाई ओझा भी इनके हिंदू ईष्ट देवताओ के बारे में अपमानजनक लेखन वह चिंतन के विरुद्ध समय समय पर आवाज उठा चुके है। इसलिए वक्त आ चुका है की गुजरात के बाहर के हिंदू सनातनी इस संप्रदाय के असली स्वरूप को जान ले। वे जब इनके मंदिरों में अपने किसी आराध्य को स्थापित देखे, तो इस विचारधारा को याद करे और समझे की उन्हें वहां किस तरह स्थापित किया गया है। अब जब गुजरात के सनातन धर्मियों में इनका विरोध बढ़ रहा है, तब यह संप्रदाय विदेशों में बने अपने मंदिरों के जरिए विदेशों में बसे हिंदूओं को अपनी झपट में ले रहा है। विदेशी हिंदुओ के सामने यह हिंदू धर्म के संप्रदाय के रूप में अतिसक्रिय बनकर जा रहे है, और धीरे धीरे उन्हे अपने इस नए खड़े किए गए सनातन धर्म विरोधी भगवान में बांध रहे है।
January 15 / 2023 / On Fecebook
જ્યારે હિંદુ સમાજ પાસેથી તેના નારાયણ શ્રીહરિને ચોરવામાં આવ્યા...
શરુઆત એ સર્વસામાન્ય જાણકારીથી કરીએ કે હિંદુ શાસ્ત્રોમાં મહાવિષ્ણુના અનેક નામોમાં ત્રણ મુખ્ય નામ છે; શ્રીહરિ, શ્રીનારાયણ અને શ્રીવિષ્ણુ. હવે, રામાનંદ સ્વામી ગઢડામાં એ ઉદ્ધવ સંપ્રદાયને ચલાવી રહ્યા હતા જ્યાં નિત નારાયણ સ્વરૂપે શ્રીકૃષ્ણની ભક્તિનો રંગ લાગેલો રહેતો. આશ્રમમાં આવનારા અને સંપ્રદાયથી જોડાયેલા કૃષ્ણ ભક્તોને હરિ ભક્તો કહેવાતા. તે જ સંપ્રદાય સહજાનંદ સ્વામીના હાથમાં આવ્યો અને તેમણે સર્વોપરી ઈશ્વર એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ ભગવાનને પોતાના આરાધ્ય કહી ‘સ્વામીનારાયણ’ મંત્ર આપ્યો અને લોકોને એ મંત્રના જાપ સાથે કૃષ્ણ ભક્તિ કરવાનું કહ્યું. તેમણે બે મુખ્ય કૃષ્ણ મંદિરો સ્થાપ્યા એમાં પણ લક્ષ્મી-નારાયણ અને નર-નારાયણની સ્થાપના કરી જે શ્રીમદ ભગવદ્ અને વિષ્ણુપુરાણમાં દર્શાવેલ ભગવાન વિષ્ણુના બે સબંધો હતા. એક લક્ષ્મી રૂપે ભગવતી શ્રી સાથે, અને નર રૂપે પુરુષ સાથે. પણ એના પછી વાત ક્યાંથી ભ્રષ્ટ થઈ એ નિશ્ચિત જણાતું નથી એટલે આવી જઈએ સીધા BAPS ની વેબસાઇટ પર ઉપલબ્ધ સહજાનંદ ચરિત્ર નામના PDF પર, જેમાં ભષ્ટતા બહુ જલદી શરૂ થઈ જાય છે.
એમાં સહજાનંદ સ્વામીના ઉદ્ધવ સંપ્રદાયના પ્રમુખ બન્યા પછી લખાયું છે કે પછી એ હરિ ભક્તોને સહજાનંદ સ્વામીએ પોતાના જ સ્વરૂપની સ્તુતિ કરતો સ્વામીનારાયણ મંત્ર આપ્યો અને પછી એમના માટે જ શ્રીહરિ અને નારાયણ શબ્દ પ્રયોજવા લગાયો. ચાલો, માની લઈએ કે તેમણે પોતાને જ વિષ્ણુના એક અવતાર તરીકે ઘોષિત કરી દીધા, અને ત્યાંની પ્રજાએ તેમને સ્વીકારી લીધા. એ તે બંનેની અંગત વસ્તુ છે. પણ પછી આવે છે એ લખાણો જે હિંદુ શાસ્ત્રોના આધ્યાત્મ, વિજ્ઞાન અને સ્વરૂપની ઐસી તૈસી કરે છે. પછી આવે છે કે હવે આ શ્રીહરિ સ્વામિનારાયણનું ધામ અક્ષરધામ છે જ્યાં ત્રિદેવ સહિત બધા દેવતાઓ તેમની સ્તુતિ કરે છે અને તેમના સામે નતમસ્તક થાય છે. હવે, ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. પછી તો આગળ જતાં ખુલ્લે આમ આવે છે કે શિવ અને વિષ્ણુ પણ બીજા દેવો અને દેવીઓ સહિત એક પગે ઊભા રહી તેમની સ્તુતિ કરે છે. મતલબ, ધીરે ધીરે નારાયણને વિષ્ણુથી અલગ કરાય છે અને તેમને સ્વામિનારાયણ શબ્દ આપી વૈકુંઠથી અલગ અક્ષરધામમાં બેસાડાય છે, જ્યાં હિંદુ ધર્મના બાકી બધા ઈશ્વરો, શિવ અને વિષ્ણુ સહિત, તેમના સેવક છે. મતલબ, આખો હિંદુ સનાતન ધર્મ આ એક નવા ગુસપેઠિયા એવા સ્વામિનારાયણ નામના ભગવાન કે માણસના તાબા હેઠળ તેમનો ગુલામ છે. એ બાબજી ક્યાંથી આવ્યા છે, ક્યાં એની ઉત્પત્તિ છે એવું અલબત્ત હિંદુ શાસ્ત્રોમાં તો વર્ણન નથી જ, પણ BAPS અને તેમની અન્ય શાખાઓના કોઈ ગ્રંથોમાં પણ વર્ણન નથી. તેમનું આ અક્ષરધામ જે કોઇ હિંદુ શાસ્ત્રોમાં નથી, તે અચાનક આખી સભ્યતાના ધાર્મિક સ્વરૂપ ઉપર, વૈકુંઠ અને કૈલાસથી પણ ઉપર ક્યાંથી આવ્યું? હોઈ શકે આ લેખ લખ્યા પછી હવે એમાં પણ એ લોકો કલ્પનાઓના ઘોડા દોડાવે અને તેના વિશે પણ કોઈ ઉટપટાંગ વાત લખી લે. હાલ, પૂરતું ત્યાં એમનું મગજ ગયું નથી કે હિંદુ શાસ્ત્રોમાં તો શિવ અને વિષ્ણુની પણ ઉત્પત્તિ કેવી રીતે પરબ્રહ્મના જ્યોતિરપિંડ સ્વરૂપમાંથી થઈ એનું વર્ણન છે, અને કેવી રીતે તેમણે સૃષ્ટિની રચના શરૂ કરી એનું પણ. પણ આ નવા આવેલા ભાઈ સ્વામિનારાયણ હાલ પૂરતા તો હિંદુ ધર્મના ભગવાન શ્રીહરિ વિષ્ણુના જ એક નામ નારાયણની ચોરી કરીને ઊભા કરાયા છે. એ પણ એ સહજાનંદ સ્વામી માટે જે એ શ્રીહરિ વિષ્ણુને પોતાની લખેલી શિક્ષાપત્રીમાં સર્વોપરી પૂર્ણપુરષોત્તમ પરબ્રહ્મ કહી પોતાના આરાધ્ય બતાવે છે.
તો, માણસ થઈ જાઓ ભઈલાઓ. એક સામાન્ય સાત્વિક માણસ પણ જ્યારે ગાયત્રીનો ઉપાસક હોય, માં શક્તિ અંબેનો કે કાલભૈરવનો ઉપાસક હોય કે રામ, કૃષ્ણ, હનુમાન કે મહાદેવ શિવનો ઉપાસક હોય ત્યારે પણ પોતાનું મગજ બાકીના દેવી દેવતાઓ પોતાના આરાધ્યથી હિન છે અને તેમના સેવક છે ને સલામો ભરે છે એવું વિચારવાની નીચતા બતાવતો નથી. એ પોતાની ઉપાસના, પોતાની ભક્તિને પોતાના આરાઘ્ય પર કેન્દ્રિત રાખે છે અને બીજા ઈશ્વરોને પણ પરબ્રહ્મનું જ સ્વરુપ માની એજ રીતે માને છે જેમ હિંદુ શાસ્ત્રોમાં કહેવાયું છે. અરે, એક દસ-પંદર વર્ષના બાળક અને કિશોરમાં પણ એટલી સાત્વિકતા અને દિવ્યતા હોય છે કે તે આવું વિચારવા તરફ જતો નથી. તમે લોકોએ તો ચોરી કરીને એક નવો સર્વોપરી ભગવાન ઊભો કર્યો છે અને કેટલાય ના કેટલાય ચોપડાં એ વિકૃતિને પોષણ આપી આપી લખી દીધા છે, અને વેપારીઓને ટ્રસ્ટી બનાવીને તેમના પૈસે ઊભા કરેલા પેલા પર્યટક સ્થળ જેવા મંદિરોના અહંકારમાં આવીને હજી લખી રહ્યા છો. બીજી વાત એ પણ કહેવાની છે કે જેમને તમે હવે નવા ભગવાન તરીકે બેસાડવાની તૈયારી કરી રહ્યા છો એ પ્રમુખસ્વામી પણ આ બધું જાણતા જ હતા, અને આમાંનું ઘણું એમની છત્રછાયામાં જ લખાયું અને આગળ વધ્યું છે.
એટલે હવે પછી જ્યારે પ્રમુખસ્વામી મહારાજ ચંદ્રમાં કે સૂર્યમાં દેખાય કે કોઈ ચોરને દેખાય તો જરા કહેજો કે થોડું જાહેરમાં આવીને એ સ્પષ્ટીકરણ પણ આપતા જાય કે આવા વિકૃત અને સનાતન હિન્દુ ધર્મ વિરોધી ચોપડા કોણે ચિતરાવ્યાં અને તેમના પ્રમુખ પદ હેઠળ એ કેમ ચાલુ રહ્યાં? ‘હું જે માણસને માનું છું એ જ બધાનો સર્વોપરી હોવો જોઈએ, જેથી મારું જે છે એ બધાથી સર્વોપરી દેખાય’ – આ બાલિશ માનસિકતા એક ભક્તની નથી હોતી. તે એક સત્તાલોલુપ પાખંડીની માનસિકતા હોય છે. પણ એ માનસિકતામાં આ હદે જવાવાળા કે વિષ્ણુથી હરી અને નારાયણને અલગ કરી આખા સનાતન ધર્મ પર એક નવા ભગવાન અને ધામને બેસાડવાની કોશિશ કરો – આવા તો આ ભારતભૂમિના ઇતિહાસમાં તમે એકલા જ પાક્યા છો. અને અંદરથી તમે જાણો છો કે કોઈના કોઈ દિવસ આ સંપૂર્ણ હિંદુ સમાજ તમારા વિરૂધ્ધમાં ઉભો થશે જ. એટલે જ તો પોતાની દરેક pdf ની શરૂઆતમાં પહેલા જ પાને આવી કટ્ટરતા (સ્નેપશોટ આપ્યો છે) લોકોના મનમાં ભરો છો જે ઇસ્લામના ધર્મ ગ્રંથમાં તેમના લોકોના મનમાં નાખવામાં આવી છે. તેમની જેમ તમારે પણ સમાજને કોઈ એક માણસ દ્વારા લખાયેલા પુસ્તકના કાયદાઓમાં જકડવો છે અને એમની જેમ તમારા માણસો પણ કટ્ટર બની બફાટ કરી રહ્યા છે કે ‘અમારે ત્યાં કહી ગયા છે કે છેલ્લે ખાલી અમે જ રહીશું, બીજું કોઈ નહિ હોય.’ સનાતન ધર્મના કોઈ શાસ્ત્રમાં કોઈ ભગવાન માટે કે કોઈ પંથ માટે આવી કટ્ટરતા ધરાવતું એક લખાણ નથી. કોઈ ભગવાન માટે લડવાની કે મરવાની વાત હિંદુ શાસ્ત્ર લખતાં નથી. તે બસ તે ભગવાનની ભક્તિના માર્ગે આત્મબોધ પ્રાપ્ત કરી આત્માની મુક્તિ અને સંસારમાં ધર્મ સ્થાપનાની જ વાત કરે છે.
January 21 / 2023 / On Fecebook
પ્રમુખસ્વામી આ બધી વિકૃત વાતોને જાણતા હતા અને બિરદાવતા હતા એનું ઉદાહરણ…
BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનું પુસ્તક છે : ‘સ્વામીની વાતો.’ લેખક છે-ગુણાતીતાનંદ સ્વામી. કુલ પેજ 386 છે. આ પુસ્તકને પ્રમુખસ્વામીએ 3 ફેબ્રુઆરી 1990ના રોજ આશીર્વાદ આપતા લખ્યું છે કે “ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે બ્રહ્મસૂત્રો. અદભૂત વાતો છે. આ વાતોનું વાંચન નિરંતર કરવું જેથી અખંડ શાંતિ થશે. સર્વે આ વાતુંનું ચિંતનપૂર્વક વાંચન કરે જેથી શ્રીજીમહારાજનો (સહજાનંદજી, 3 એપ્રિલ 1781/ 1 જૂન 1830) સિદ્ધાંત અને રહસ્ય સમજાશે !” આ વાતોનું એક પુસ્તક સ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા સ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ, વડોદરાથી 27 ઓક્ટોબર 2006માં પ્રસિદ્ધ થયેલ છે; નામ છે : ‘સદગુરુ શ્રીગુણાતીતાનંદ સ્વામીની વાતો.’ કુલ પેજ 428 છે.
‘સ્વામીની વાતો’માં શું લખેલ છે?
×[1] સહજાનંદજી; ઈન્દ્ર/બ્રહ્મા/વિષ્ણુ/શિવ કરતા અનેક-અનેક ગણા મોટા છે ! “આ પૃથ્વીના સર્વે જીવ, પ્રાણીઓ, રાજા, પ્રજા વગેરે છે તે જો ઈન્દ્ર વરસાદ ન વરસાવે તો સર્વે મરી જાય. તે ઈન્દ્ર, બ્રહ્મા/વિષ્ણુ/શિવ આગળ ગણતીમાં (ગણતરીમાં) નથી; એ સર્વે વૈરાટની આગળ ગણતીમાં નથી; તે વૈરાટ પ્રધાનપુરુષની આગળ ગણતીમાં નથી. એ સર્વે અક્ષરની આગળ ગણતીમાં નથી. તે અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ (સહજાનંદજી) તે આપણને સાક્ષાત મળ્યા છે !” (પ્રકરણ-1, વાત-217)
×[2] સહજાનંદજી બ્રહ્મા/વિષ્ણુ/શિવ/રામ/કૃષ્ણ વગેરેથી સર્વોપરી છે ! સર્વે અવતારના અવતારી છે. કારણના કારણ છે ! સહજાનંદજી ઉપર કોઈ જ નથી ! ગોલોક/ વૈકુંઠ કરતા અક્ષરધામ ઉત્તમ છે ! “જે લોકો મહારાજને (સહજાનંદને) શ્રીકૃષ્ણ જેવા સમજે, તેઓ ગોલોકને પામે છે. રામચંદ્રજી જેવા સમજે, તેઓ વૈકુંઠને પામે છે. વાસુદેવ જેવા સમજે, તેઓ શ્વેતદ્વીપને પામે છે. નરનારાયણ જેવા સમજે, તેઓ બદરિકાશ્રમને પામે છે. મહારાજને સર્વ અવતારના અવતારી અને અક્ષરધામના પતિ સમજે, તેઓ અક્ષરઘામને પામે છે !” (પ્રકરણ-2, વાત-2) “ગઢડામાં શ્રીજીમહારાજે એક ભક્તને કહ્યું કે ‘તમે અક્ષરધામમાં જઈ આવો.’ ત્યારે તે ભક્ત સમાધિ કરીને પ્રથમ પહોંચ્યા બદરિકાશ્રમમાં. ત્યાં આપણા સાધુ/પાળા/બ્રહ્મચારી/હરિભક્તને જોયાં. તેમને પૂછ્યું કે ‘શ્રીજીમહારાજ ક્યાં છે?’ ત્યારે એ સર્વે બોલ્યા કે ‘આ નરનારાયણ છે તે જ શ્રીજીમહારાજ છે !’ ત્યારે ભક્તએ કહ્યું કે ‘ના, હું મહારાજને ઓળખું છું !’ પછી ભક્ત શ્વેતદ્વીપમાં ગયો. ત્યાં પણ એવું જ જોયું એટલે પૂછ્યું કે ‘શ્રીજીમહારાજ ક્યાં છે?’ ત્યારે એ સર્વે બોલ્યા કે ‘આ વાસુદેવ છે તે જ શ્રીજીમહારાજ છે !’ ત્યારે ભક્તએ કહ્યું કે ‘ના, હું મહારાજને ઓળખું છું !’ પછી ભક્ત વૈકુંઠમાં ગયો. ત્યાં પણ એવું જ જોયું એટલે પૂછ્યું કે ‘શ્રીજીમહારાજ ક્યાં છે?’ ત્યારે એ સર્વે બોલ્યા કે ‘આ લક્ષ્મીનારાયણ છે તે જ શ્રીજીમહારાજ છે !’ ત્યારે ભક્તએ કહ્યું કે ‘ના, હું મહારાજને ઓળખું છું !’ પછી ભક્ત ગોલોકમાં ગયો. ત્યાં પણ એવું જ જોયું એટલે પૂછ્યું કે ‘શ્રીજીમહારાજ ક્યાં છે?’ ત્યારે એ સર્વે બોલ્યા કે ‘આ શ્રકૃષ્ણ છે તે જ શ્રીજીમહારાજ છે !’ ત્યારે ભક્તએ કહ્યું કે ‘ના, હું મહારાજને ઓળખું છું !’ પછી ભક્ત અક્ષરધામમાં ગયો. ત્યાં શ્રીજીમહારાજને દીઠા. ત્યાં આપણા સાધુ/ બ્રહ્મચારી/પાળા/સત્સંગીને શ્રીજીમહારાજની સેવા કરતા જોયા. તે સમયે શ્રીજીમહારાજે ભક્તને પૂછ્યું કે ‘ ક્યાં ક્યાં ધામ જોતા આવ્યા?’ ત્યારે ભક્તએ કહ્યું કે ‘હે મહારાજ ! મે બીજા ધામોમાં આપણા સાધુ/ બ્રહ્મચારી/પાળા/સત્સંગીને જોયાં તે અહીં કેમ ન આવ્યા?’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું કે ‘અમને તે તે ધામના પતિ જાણ્યા, તે માટે ત્યાં જઈને રહે છે. જ્યારે આ બધાં અહીં એટલા માટે છે કે અમને સર્વે અવતારના અવતારી જાણ્યા છે; અને સર્વે ધામથી પર બ્રહ્મમોહોલના/અક્ષરધામના પતિ જાણ્યા એટલે અહીં છે !(પ્રકરણ-7, વાત-15)
[3] “બીજા ધામને અને અક્ષરધામને; બીજા અવતાર અને મહારાજને એકસરખા કહે તેને પંચ મહાપાપીથી પણ વધુ પાપી જાણવો અને એનો સંગ કરવો નહીં !” (પ્રકરણ-6, વાત-20)
March 14 / 2023 / On Fecebook
स्वामीनारायण संप्रदाय द्वारा भगवान विष्णु के अक्षर बैकुंठधाम की चोरी का मामला आज सुलझ गया है।
सनातन धर्म में भगवान विष्णु और उनके वैकुंठ धाम की शुरुआत कैसे हुई?
सनातन धर्म वेदों से शुरू होता है, और वेद किसी भी साकार (अर्थात आकार या शरीर वाले) भगवान की बात नहीं करते हैं। वेदों में निराकार, निर्गुण, अविनाशी और अव्यक्त ब्रह्म अर्थात् ऊर्जा ईश्वर के रूप में है। उपनिषद वेदों के अंतिम भाग में आते है, इसलिए उन्हें वेदांत कहा गया है। वेदांत में ૐ शब्द को ही अव्यक्त ब्रह्म कहा गया है और फिर उस शब्द के तीन मूल अक्षरों (आ, ऊ, म) को भी अव्यक्त ब्रह्म कहा गया है। ‘अक्षर’ शब्द का अर्थ है अविनाशी। इसीलिए शब्द के अक्षरों को ‘अक्षर’ यानी की अविनाशी कहा जाता है, क्योंकि उन्हें और विभाजित नहीं किया जा सकता। यह अव्यक्त, अविनाशी ब्रह्म स्वयं तमस, रजस और सत्व गुणों के साथ संसार में भौतिक रूप से प्रकट होता है। इसके साथ ही, वेद ब्रह्म और भौतिक जगत के विवरण को पुरुष और जगत या पुरुष और प्रकृति के रूप में अलग करते हैं। पुरुष अर्थात् वही अविनाशी ब्रह्म। और फिर ऋग्वेद के दसवें मंडल के 90वें सूक्त में, जिसे पुरुष सूक्त कहा जाता है, सृष्टि की रचना की बात की गई है। इस जगत का निर्माता एक विराट पुरुष (विराट ऊर्जा) है, जो आदि पुरुष से पैदा हुआ है। और वह आदि पुरुष हिरण्यगर्भ नामक एक छोटे से ऊर्जा के गोले या केंद्र से विकसित हुआ है।
आगे श्रीमद भगवद और अन्य पुराणों की रचना होती है, जिसमें ब्रह्मा और प्रजापति विराट पुरुष का स्थान लेते हैं, महाविष्णु आदिपुरुष का स्थान लेते हैं, और हिरण्यगर्भ ज्योतिपिंड कहलाने लगता हैं जिससे महाविष्णु निकलते हैं। इस प्रकार, पुरुष, जो वेदों में निराकार ब्रह्म के रूप में है, पुराणों में साकार भगवान के रूप में प्रकट होता है। लेकिन सृष्टि के निर्माण का स्वरूप वही रहता है। यहीं से गीता के आठवें अध्याय का इक्कीसवाँ श्लोक आता है जिसमें श्रीकृष्ण वेदों में कहे अव्यक्त, अविनाशी ब्रह्म रूप को अपना परमधाम अर्थात् अपना परम स्वरूप कहते हैं। वे स्वयं को अव्यक्त, अविनाशी निराकार ऊर्जा (ब्रह्म) दिखाते है जिसमें कोई भी आत्मा विलय पाने के बाद दुनिया में वापस नहीं जाती। उस ऊर्जा को अविनाशी कहने के लिए गीता में उसका संस्कृत शब्द ‘अक्षर’ प्रायोजित होता है। इसके बाद में श्रीमद भागवत लिखा गया, और श्रीकृष्ण के उस अव्यक्त, अविनाशी ऊर्जा के निराकार धाम को विष्णु के साकार वैकुंठधाम के रूप में स्थापित किया जाता है। इस प्रकार, पहले वेदों के निराकार आदिपुरुष पुराणों में महाविष्णु के रूप में प्रकट होते हैं, और फिर विष्णु जिस अव्यक्त, अविनाशी ब्रह्म को अपना धाम कहते थे, वही निराकार ब्रह्म का धाम पुराणों में साकार बैकुंठ धाम बन जाता है।
शुरुआत में इस वैकुंठ धाम को निराकार, अविनाशी ऊर्जा के निवास के रूप में जाना जाता है, लेकिन धीरे-धीरे पुराणों में वैकुंठ धाम का आकार और उसका अलौकिक रूप सामने आता है। भागवत पुराण में, वैकुंठ ब्रह्मांड के सभी लोकों और निवासों से ऊपर है, और सभी धामों का वह आराध्य है। (X.12.26) वह सृष्टि का सर्वोच्च क्षेत्र है, जहां विष्णु निवास करते हैं (XII.24.14)। वह अंधकार और संसार की दुनिया से परे है, जन्म और मृत्यु के चक्र से परे है। (IV.24.29; X.88.25); वह लोग जो जीवित रहते हुए तीन गुणों को पार कर चुके हैं, उनका वह लक्ष्य स्थान है।(XI.25.22); और उसके आगे कोई उच्च स्थान नहीं है (II.2.18, II.9.9)। उस स्थान पर पहुंचने वाले शांतिपूर्ण सन्यासी कभी वापस नहीं आते (IV.9.29; X.88.25-6)। वैकुंठ के निवासियों के पास भौतिक शरीर नहीं बल्कि शुद्ध रूप हैं (VII.1.34)। ये रूप विष्णु (III.15.14ff.) की तरह हैं। वैकुंठ में विष्णु भाग्य की देवी लक्ष्मी के साथ क्रिस्टल-दीवार वाले महलों में रहते हैं। उद्यान स्वयं परम मोक्ष की तरह चमकते हैं और मनोकामना देने वाले वृक्ष हैं, जो पूरे वर्ष खिलते हैं। सुगंधित पवन है। विदेशी पक्षियों की आवाजे मधुमक्खियों की भनभनाहट के साथ घुलमिल जाता है, और शानदार फूल हर जगह खिलते हैं। विष्णु के भक्त रत्न, पन्ने और सोने से बने हवाई वाहनों में अपनी सुंदर पत्नियों के साथ यात्रा करते हैं, लेकिन इस क्षेत्र के सुंदर मुस्कुराते हुए निवासी विपरीत (लिंग) के लोगों के मन को विचलित नहीं कर सकते, क्योंकि हर कोई कृष्ण में लीन है (III.15.14- 25).
इस प्रकार, वह अविनाशी (अक्षर), निराकार ब्रह्म का धाम ब्रह्मांड का सर्वोच्च विष्णु का वैकुंठ धाम बन जाता है। इस तरह भारतीय शास्त्रों में ‘अक्षरधाम’ नाम का कोई धाम नहीं है, ऐसा कोई शब्द ही नहीं है। ‘अक्षर’ का अर्थ है अविनाशी और वह शब्द सनातन धर्म के पुराणों में वैकुंठ धाम के लिए प्रायोजित हुआ है। इस प्रकार, हिंदू शास्त्रों में यदि कोई अक्षरधाम (अर्थात अविनाशी निवास) है, तो वह एकमात्र वैकुंठ है। तो, मूल रूप से श्रीकृष्ण के भक्त सहजानंद स्वामी ने भगवान विष्णु के अविनाशी वैकुंठ धाम को अक्षरधाम (अविनाशी निवास) कहा था। और उनके जाने के बाद जब पीछे आने वाले लोगों ने सहजानंद स्वामी को ‘भगवान स्वामीनारायण’ बना दीया, तो उन्होंने न केवल भगवान विष्णु के दो नाम हरि और नारायण को चुराकर उनके साथ जोड़ लिए, बल्कि भगवान विष्णु के अविनाशी वैकुंठ धाम को भी चुरा कर अक्षरधाम नाम से एक नया निवास स्थान दे दिया। और विष्णु के ही उस अक्षर वैकुंठधाम में एक नए भगवान को बिठाकर उसे भगवान विष्णु का ही आराध्य बना दिया गया। इस तरह स्वामीनारायण संप्रदाय की चोरी की यह पूरी गुत्थी सुलझती है।
बात सीधी है। सहजानंद स्वामी की उपस्थिति में कृष्ण भक्ति का एक पंथ था, जहां सहजानंद स्वामी ने अपने आराध्य और सृष्टि के सर्वोपरी भगवान के रूप में भगवान कृष्ण के मंदिरों का निर्माण किया। उन मंदिरों को भगवान विष्णु के ‘अक्षर (अविनाशी) वैकुंठधाम’ के रूप में अक्षरधाम कहा। साथ ही आम लोगों को कृष्ण भक्ति करने के लिए स्वामीनारायण मंत्र दिया। सब कुछ ठीक था। यह वैष्णव संप्रदाय के अनुसार था। लेकिन सहजानन्द स्वामी के जाने के बाद फिल्म ‘ओह माय गॉड’ में दिखाए गए अनुसार उन्हें ही भगवान बना दिया गया। अक्षरधाम उनके नाम पर कर दिया गया। और उन चोरों की धार्मिक सत्ता की लालच इतनी बड़ी थी कि वे उन्हें विष्णु का अवतार कहने तक तैयार नहीं थे। वे बाजार में एक ऐसा नया भगवान लाना चाहते थे जो आज तक के सभी भगवानों का मालिक हो। इसलिए उस भगवान को विष्णु का नाम और विष्णु का धाम देकर स्वयं विष्णु का ही आराध्य बना दिया गया। वही सब वर्णन जो श्रीमद् भागवत में अक्षर वैकुंठधाम के लिए था, वही अक्षरधाम के लिए जारी रखा गया और फिर उस अक्षरधाम में सनातन धर्म के अन्य सभी भगवानों और देवी-देवताओं का अपमान करने की पाप लीला शुरू हुई। तो सनातन धर्म के लोगों और सनातन संस्थाओ, तुम्हारे लिए बात सीधी है। भगवान विष्णु के दो नाम ‘हरि’ और ‘नारायण’ और उनके अक्षर वैकुंठधाम को अदालत में मुकदमा दायर करके वापिस मांगो। फिर उन्हें उस काल्पनिक भगवान को जो नाम और जो धाम देना हो वह दे, पर उसके बाद सनातन धर्म के किसी भी भगवान का नाम उस काल्पनिक भगवान के नीचे लेना एक अपराध बन जाएगा। वे न तो उसे नारायण या हरि कह सकते है और न ही किसी अन्य हिंदू भगवान का नाम उससे जोड़ सकते है। यह केस इस तरह सुलझ जाता है। आहत होने और विरोध करने के बजाय अब अपनी ताकत ठोस कार्रवाई करने पर लगाओ। फैसला बड़ी आसानी से आपके पक्ष में ही रहेगा। यह सनातन समाज की एक सामूहिक जागृति का उदघोष होगा।
November 18 / 2023 / On Fecebook
સ્વામીનારાયણ સંપ્રદાય ધ્વારા સનાતન ધર્મના નામ અને ઉત્સવોની ચોરીઓ…
✓આવો જોઈએ, દાડે દહાડે કેવી ચોરીઓ કરીને સનાતન ધર્મને ગુજરાતમાંથી કોરી ખાવાની અને એક નવા ભગવાનની ગુલામીમાં હિંદુ સમાજને સેટ કરવાની કોશિશ થઈ રહી છે.
૧. ભગવાન વિષ્ણુના નામોની ચોરી:
ભગવાન કૃષ્ણની ભક્તિ માટે અપાયેલ નારાયણ નામનો મંત્ર એક વ્યક્તિ સાથે જોડી એને ભગવાન વિષ્ણુનું ‘નારાયણ’ નામ ચોરીને આપી દીધું. કૃષ્ણ ભક્તિ માટે આવતા હરિ ભક્તોના નામ પરથી એ નવા માણસને ભગવાન વિષ્ણુનું બીજું નામ ‘હરિ’ ચોરીને આપી દીધું. એજ રીતે પછી ‘શ્રીજી’ અને ભગવાન વિષ્ણુના બીજા અનેક નામો ચોરી આ ૧૯૩ વર્ષ પહેલાં અવસાન પામેલા માણસને આપી દીધા.
૨. ભગવાન વિષ્ણુના ધામની ચોરી:
ભગવાન વિષ્ણુના વૈકુંઠ અને ગોલોક ધામ આગળ એક શબ્દ વિશેષણ રૂપે સનાતન શાસ્ત્રોમાં લખાયેલો છે, તે છે ‘અક્ષર ‘. અક્ષર એટલે અવિનાશી. અક્ષર શબ્દની ઉત્પત્તિ વેદોમાં ૐ શબ્દમાંથી અલગ પડેલા ત્રણ અવિનાશી સ્વરો ‘આ’, ‘ઉ’ અને ‘મ્’ માટે પહેલીવાર થઈ છે. સ્વામી નાલાયકે આ અક્ષર શબ્દ ચોરી અક્ષરધામ નામનું એક નવું કાલ્પનિક સ્થાન ઉભુ કર્યું. અને એ પણ કેવું કે જ્યાં સનાતન ધર્મના વિષ્ણુ, શિવ, બ્રહ્મા, મા શક્તિ, ગણેશ અને ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતાઓ એ ચોરીથી ઊભા કરેલા નવા માણસના સેવક હોય અને તેની એક પગે ઊભા રહી સ્તુતિ કરતા હોય.
૩. રામ ભક્ત હનુમાનજીને ચોરીને એ બસો વર્ષ પહેલાં મરેલા માણસના સેવક બનાવી દીધા. એવા હનુમાન મંદિર બાંધી જેમાં રામ નામનું અને હનુમાન ચાલીસાનું અસ્તિત્વ નથી, જ્યાં રામની જય નથી તેવા મંદિરોમાં સનાતન ધર્મના લોકોને છેતરીને પૈસા કમાયા.
૪. હિંદુ ઉત્સવોની ચોરીઓ:
- એ નવા માણસને ભગવાન શિવનું નામ નીલકંઠ આપી શિવરાત્રિના દિવસે શિવલિંગના સ્થાને તે ભાઈની મૂર્તિ પર જળાભિષેક કરાવે છે. હવે શિવરાત્રિના દિવસ અને એ નવા મુરતિયાને શું લેવા દેવા છે?
- નવરાત્રી મા શક્તિના નવ રૂપોની આરાધના માટે વર્ષના ચોક્કસ દિવસે થાય છે. એજ દિવસે સ્વામીનાલાયક નવરાત્રી આયોજિત કરે છે, જ્યાં ગરબાની વચ્ચે મા શક્તિ નહિ, એ ૧૯૩ વર્ષ પહેલાં મરેલા માણસનો ફોટો હોય છે. આ કાંઈક એવું છે કે સંસ્કૃતિ એક હોવાના નામે ખ્રિસ્તીમાં કન્વર્ટ થયેલા લોકો નવરાત્રીના દિવસોમાં જીસસને વચ્ચે રાખી ગરબા રમે.
- જગન્નાથ રથયાત્રાના દિવસે આ લોકો ભગવાન કૃષ્ણની યાત્રામાં નથી જોડાતા. તે એજ દિવસે તેમના એ મુરતિયાની યાત્રા કાઢે છે, જ્યાં એ મુરતિયા નીચે તેનો ભક્ત કોઈ સ્વામી બેઠો હોય છે, અને એ સ્વામી નીચે ભગવાન કૃષ્ણને બેસાડેલા હોય છે. હવે જગન્નાથ રથયાત્રાના દિવસને એ ૧૯૩ વર્ષ પહેલાં મરેલા માણસને શું લેવા દેવા છે?
- કારતક મહિનામાં થતા ભગવાન વિષ્ણુના મા તુલસી સાથે વિવાહના સ્થાને સ્વામિનાલાયક એ ચોરીને બેસાડેલા નવા માણસના તુલસી સાથે વિવાહ કરાવે છે. એને સનાતન શાસ્ત્રોમાં વર્ણવાયેલ ભગવાન વિષ્ણુ અને મા તુલસીના પ્રસંગ સાથે શું લેવાદેવા છે?
✓આ બધાનો જવાબ એક જ છે, નાલાયાકીથી ભરેલી બેશરમ ચોરી. આટલી ભયાનક રીતે એક સભ્યતાના ઉત્સવો અને સંસ્કૃતિને કોઈ એક નવા જન્મેલા સર્વોપરી ભગવાનના નામ હેઠળ ચોરાઈ રહ્યા છે, અને જાણે અજાણે સાંસ્કૃતિક સંગઠનોના માણસો તેમના આ ચોરેલા ઉત્સવોમાં પોતાની હાજરી આપીને એ ચોરીને સુશોભિત કરી રહ્યા છે.
Sepatember 23 / 2023 / On Fecebook
કેવી રીતે સહજાનંદ સ્વામીએ પોતાની જાતને સર્વોપરી ભગવાન બનાવ્યા?
BAPS પોતાના ચોપડામાં વર્ણન કરે છે, શાંતિથી સાંભળો. ખાસ કરીને પાર્ટી અને સંગઠનોના એ લોકો જે BAPS ને સારું કહી અલગ બતાવવા મથે છે.
તો, BAPS નું પુસ્તક અક્ષર પુરુષોત્તમ ઉપાસના, જેની અંગ્રેજી pdf કૉમેન્ટ સેકશનમાં આપી છે, તે વિદેશોમાં હિન્દુઓને સમજાવવામાં આવે છે. તેના પાના નંબર 65-66 પર (સ્ક્રીન શોટ કૉમેન્ટ સેકશનમાં આપ્યો છે) એક સવાલનો જવાબ અપાયો છે. સવાલ છે, ‘જો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, તો વચનામૃતમાં, સંપ્રદાયનાં અન્ય પુસ્તકોમાં અને પરમહંસોના કીર્તનમાં તેમને કૃષ્ણ કેમ કહેવાયા છે?’
જવાબ બિલકુલ એવો જ આપ્યો છે, જેવો ઇસ્લામના ઉદય પહેલાના આરબ સમાજ માટે અપાય છે. જો આ લોકોનો પ્રભાવ અહીંથી આગળ વધશે તો તે એક દિવસ સ્વામિનારાયણ ધર્મનો ઉદભવ સમજાવતાં સમગ્ર સનાતન ધર્મના સમાજ માટે પણ આજ કહેશે. તો, વાંચો ગુજરાતના આ સ્ટાલિનનો જવાબ જે આજે પણ વિદેશમાં વસતા હિંદુઓને આપાઈ રહ્યો છે. BAPS કહે છે, ‘શ્રીજી મહારાજના સમયે ઘણા બધા વિશ્વાસ (faith) અને પંથો (cults) હતા, જેમાંથી કેટલાક અધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હતા, કેટલાકે બનાવટી ગુરુઓને સ્વીકારી લીધા હતા, કેટલાક અંધશ્રદ્ધામાં માનતા હતા, તો કેટલાક કાળા જાદુ કરતા હતા. તેમનો પ્રભાવ ચારે બાજુ ફેલાયેલો હતો, એ બધા સંપ્રદાયનો ભારે વિરોધ કરી રહ્યા હતા. એવા સમયે કોઈ માણસ પોતાને ભગવાન કહત તો એનો વિશ્વાસ કોઈ ના કરત, અને સંપ્રદાયમાં ન જોડાત. એટલે શ્રીજી મહારાજે પહેલા પોતાને સત્પુરુષ તરીકે ઓળખાયા, પછી અવતાર તરીકે, અને પછી સર્વોપરી પુરુષોત્તમ તરીકે જે બધા અવતારોના અવતારી છે. મુક્તાનંદ સ્વામીએ પણ શ્રીજી મહારાજને આજ ત્રણ તબક્કામાં જાણ્યા. લોકોને આકર્ષવા શ્રીજી મહારાજે પહેલા મંદિરોમાં જે સ્થાને જે ભગવાન પ્રચલિત હતા એ બધાની મૂર્તિઓ સ્થાપી, જેથી લોકો તેમના એ ભગવાન માટે મંદિરોમાં આવતા થયા. અને પછી ત્યાં તેમની શ્રીજી મહારાજમાં શ્રદ્ધા મજબૂત બનવા લાગી, અને આજની આપણી ઉપાસના પદ્ધતિમાં એ બધા જોડાઈ ગયા.’
તો, આ રીતે થયું છે આ આખું ધર્માંતરણ, અને આજે પણ આજ રીતે થઈ રહ્યું છે. આ બધું જે જણાવ્યું એ તો અનેક પુસ્તકોમાંના ખાલી એક પુસ્તકનું એક પાનું છે. આજ પુસ્તકના બીજા પ્રકરણોમાં કોઈને સર્વોપરી તો કોઈને પ્રગટ બ્રહ્મ બતાવવા માટેના જાત જાતના નુસખા અને કપોળ કલ્પિત વાતો ભરેલી છે. મારે કે કોઈ સનાતન ધર્મીને એ બીજા ભગવાનથી કોઈ વાંધો નથી, જેમ અમને કોઈના જીસસથી કોઈ વાંધો નથી. પણ જે પંચદેવ અને ત્રિદેવનો અવતાર નથી, તે પરબ્રહ્મ રૂપે સનાતન ધર્મના સ્વરૂપમાં સ્વીકારાતો નથી. તેને ત્રિદેવ અને પંચદેવના પણ સર્વોપરી ઈશ્વર તરીકે બેસાડવો એ સનાતન ધર્મ ઉપર એક આક્રમણ છે. એટલે ખ્રિસ્તીઓથી અમારી ફરિયાદ જીસસના નામે હિન્દુઓના ધર્માંતરણ કરવા સુધી જ સીમિત છે. પણ આ સંપ્રદાય તો અંદરથી ધર્માંતરણ કરવા સાથે આખા સનાતન ધર્મ પર પોતાની સત્તા થોપી આખા ધર્મનું સ્વરૂપ બદલવાની કોશિશ કરી રહ્યો છે. આ સનાતની સમાજ માટે કોઈપણ ભોગે અસ્વીકાર્ય છે. આ સનાતન ધર્મને નષ્ટ કરવા માટે આજ સુધી થયેલું સૌથી વધુ ખતરનાક આક્રમણ છે, કારણકે તે સનાતની સમાજના જ લોકોને અને સંગઠનોને વિશ્વાસમાં લઈ તેમના સાથે વિશ્વાસઘાત કરી અંદરથી કરવામાં આવ્યું છે.
Sepatember 26 / 2023 / On Fecebook
સનાતની ભારતીયો સાથે વિશ્વાસઘાત કરીને ઉભી કરાયેલી રાવણની લંકા
વિદેશમાં રહેતા સનાતની ભારતીયો અને ભારતની હિંદુ સંસ્થાઓને એક સંદેશ
સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે એના પાપ છુપાવવા અમેરિકામાં ૮ તારીખે થનારા તેના મોટા અક્ષરધામ મંદિરના ઉદ્ઘાટન માટે ભારે PR કરી રહ્યો છે. હવે, આ મંદિર પણ એજ છે જ્યાં એક બસો વર્ષ પહેલા જન્મેલા માણસને મુખ્ય આસન પર બેસાડી સનાતન ધર્મના તમામ ઇશ્વરો, દેવો અને દેવતાઓને બાજુમાં દરબારી તરીકે બતાવ્યા હશે. વેદોથી લઈને પુરાણો સુધી સનાતન ધર્મનું સ્વરૂપ છે નિરાકાર પરબ્રહ્મની ત્રિદેવ અને પંચદેવ (ગણેશ, સૂર્ય, વિષ્ણુ, શિવ અને શક્તિ) સ્વરૂપે આરાધના, અને તે માધ્યમથી સાકારથી નિરાકાર તરફ જવું. કોઈપણ દિવ્ય પુરુષ કે સ્ત્રી જે આ ત્રિદેવ કે પંચદેવના અંશ કે અવતાર રૂપે હોય તે જ સનાતન ધર્મનો હિસ્સો ગણાય છે. હવે, આ સ્વામિનારાયણ વાળાઓએ ભગવાન વિષ્ણુના નારાયણ અને હરિ નામ ચોરી એક નવા ભગવાનને ઊભો કર્યો છે જે પોતાને ભગવાન શ્રીવિષ્ણુની પત્નીઓ રાધાજી, લક્ષ્મીજી અને તુલસીજીને પોતાની પત્નીઓ કહી રહ્યો છે, પણ સામે પોતાને ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, બ્રહ્માજી, માં શક્તિ અને અન્ય દેવી દેવતાઓનો આરાધ્ય બતાવે છે. ના આવા કોઈ ભગવાનનું સ્વરૂપ છે આપણા સનાતન ધર્મમાં, ના કોઈ એવું કોઈ ધામ છે જ્યાં આપણા આ તમામ ઇશ્વરો કોઈ અજ્ઞાત માણસના સેવક કે ભક્ત હોય.
પણ તોય, આપણી હિંદુ સંસ્થાઓ અને પાર્ટીઓ હમણાં ખુશ થઈને આ ભૌતિક ચકા ચાંદથી અંજાઈને એ સ્થાનની વાહવાહી શરૂ કરી દેશે જ્યાં સનાતન ધર્મના આપણા બધા ઇશ્વરો કોઈ માણસના દાસ તરીકે કેદ છે. ગુજરાત અને ભારતમાં જેમ હિંદુ સંગઠનોને આમણે ફસાવ્યા છે, તેમ વિદેશમાં વસતા હિન્દુઓને પણ આ લોકો આપણા એ કેદ કરાયેલા ભગવાન બતાવી બતાવીને ફસાવી રહ્યા છે. આ રીતે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં સનાતનીઓનું ધર્માંતરણ ચાલી રહ્યું છે જે આગળ જતાં કેનેડાના ખાલિસ્તાની શીખો જેવું સરદર્દ બનશે.
ભારત બહારના તમામ સનાતનીઓ તથા ભારતના હિંદુ સંગઠનોને સમજવું જરૂરી છે કે જો એક દુષ્ટ બની ચૂકેલા બાળકની જીદ સામે નમતું જોકતા હોઈએ તેમ આ લોકોને આ કાર્ય આગળ ધપાવવા દેવામાં આવે તો સનાતન ધર્મ કેવી રીતે નષ્ટ થાય એમ છે. જો સનાતન ધર્મના સ્વરૂપથી બહારના કોઈ માણસને જે ત્રિદેવ કે પંચદેવમાંથી કોઈનો અવતાર નથી તેને આપણે ત્રિદેવ અને પંચદેવ ના આરાધ્ય કે સર્વોપરી ઈશ્વર તરીકે સ્થાપવા દઈએ છીએ તો એ આખી દુનિયા માટે એવું કરવાનો રસ્તો ખોલી દે છે. પછી જિસસને અને અલ્લાહને પણ એ ચારના આરાધ્ય બતાવી શકાય, ઇસ્લામના કોઈ પીર, ફકીર અને મૌલવીને પણ એ રીતે બતાવી શકાય, અને વિશ્વમાં અને ભારતમાં આવનારા સમયમાં ખૂણે ખૂણે એવા માણસો ઊભા કરી શકાય જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને શક્તિના આરાધ્ય હોય અને આપણા ત્રિદેવ અને પંચદેવ તેમના સેવક હોય. આખા વિશ્વમાં ઠેકાણે ઠેકાણે રામ, કૃષ્ણ, શિવ અને માં શક્તિ સાથે લોકો ફૂટબોલની જેમ રમતા હોય અને તેમને દાસ બતાવતી આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી ઘૃણિત કથાઓ માર્કેટમાં ફરતી હોય. આખો સનાતન ધર્મ પડી ભાંગે. એટલે આ લોકો એ તાળાની ચાવી માંગી રહ્યા છે, જે સનાતન ધર્મને નષ્ટ કરવા જરૂરી છે. આ ઉદાર સનાતન ધર્મ ફરતે રહેલી એકમાત્ર દીવાલનો એ એકમાત્ર દરવાજો છે, જે એના સ્વરૂપને અકબંધ રાખી તેની રક્ષા કરે છે. આજસુધી એ કિલ્લાના દરવાજાને બહારથી કોઈ ખોલી શક્યું નથી, એટલે આ લોકો તેને અંદરથી ખોલવાની કોશિશ કરી રહ્યા છે.
આ લોકો જે ઈચ્છે છે તે આપણે તેમને આપી શકીએ તેમ નથી. કારણકે એ પોતે જ ઘરની સ્ત્રીને નિર્વસ્ત્ર કરી બજાર વચ્ચે મૂકવા જેવી વાત છે. પછી એની ઈજ્જત પર હાથ મારવા માટે અફઘાન લૂંટારાઓની જરૂર નથી રહેતી, બજારમાં ઉભેલા લોકો જ એ કરી દે છે. આમ, આપણને ખબર છે એ રીતે કમાવવામાં આવતા એ પૈસાથી ઊભી કરાયેલી ભવ્ય ચર્ચો જેવી ઇમારતોથી અંજાઈને આપણે સનાતન ધર્મના વિનાશની એ ચાવી આ લોકોને આપી શકીએ એમ નથી. સનાતન ધર્મ પોતાના જ્ઞાન અને દિવ્યતાથી દુનિયાને આંજે છે, માનવજાતિને દિવ્ય બનાવે છે. આ ભૌતિક ચકાચાંદ વાળા ચર્ચો તો રોમન રાજાઓના આશ્રિત બનેલા ખ્રિસ્તી ધર્મની રીત છે. આપણે એની કોપી મારવાની જરૂર નથી. આપણું વિશ્વ સમક્ષ પ્રતિનિધિત્વ કરવા ઇસ્કોનના કૃષ્ણ ભક્તિમાં ડુબાળતા મંદિરો પૂરતા છે, અને એ પછી સનાતન ધર્મના ગૂઢ જ્ઞાનમાં ડૂબવા સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત વેદાંત સોસાયટી સૌથી શ્રેષ્ઠ છે. બુદ્ધિજીવી અમેરિકનો પણ આ સ્થાને જાય છે. તો વિદેશોમાં રહેતા સનાતનીઓને આપણા આ બે શ્રેષ્ઠ સ્થાને જ જવું જોઈએ.
Sepatember 28 / 2023 / On Fecebook
સનાતન ધર્મમાંથી અલગ થયેલા પંથો સાથે શું થયું?
એ આગળ વધ્યા, સીમિત થયા, કે પરપોટાની જેમ ફુલાઈને ફૂટી ગયા? એક તાર્કિક વિશ્લેષણ.
સનાતન ધર્મમાંથી અલગ પડેલ પણ હિંદુ ધર્મનો જ હિસ્સો ગણાતા બૌધ્ધ, જૈન અને શીખ પંથ અસલમાં ક્યારેય અલગ પડવા નહોતા સર્જાયા. સિધ્ધાર્થ ગૌતમ અને વર્ધમાન નામના બે ક્ષત્રિય રાજકુમારો સત્યની ખોજમાં સંસાર છોડીને જંગલ તરફ ચાલી નીકળ્યા. બંને ગુરુકુળમાં વૈદિક શિક્ષણ મેળવેલા હતા. પણ સત્યની ખોજ સમયે તેમના પગલાં કોઈ સ્થાપિત પરંપરા પ્રમાણે વૈદિક ગુરુના સાનિધ્યમાં સત્ય શોધવા તરફ ન ફંટાયા. તે જંગલમાં પોતે જ તપસ્યા કરીને સત્ય ખોજવા લાગ્યા. હવે સત્ય તો એક છે, અને તેના પર કોઈનો ઈજારો નથી. અને સનાતન ધર્મ મુજબ દરેક પથ આખરે એક જ સત્ય તરફ જાય છે. એટલે તે બંનેને પણ સત્ય મળ્યું, અને તે એજ હતું જે ગુરુકુળમાં તેમને ઉપનિષદો મારફતે ભણાવાયું હતું. બસ તે સત્યને વર્ણવવામાં થોડાક શબ્દો તેમણે જુદા વાપર્યા અને તેની ખોજનો પોતાનો માર્ગ દુનિયાને આપ્યો. એટલે તે બંને પાછળ જૈન અને બૌદ્ધ પંથ અમલમાં આવ્યા, જેમાં વૈદિક પરંપરાથી ભિન્ન રીતે સત્ય શોધાતું હતું, અને થોડુંક ભિન્ન રીતે કહેવાતું હતું. એવી જ રીતે મુસ્લિમ આક્રાંતાઓ સામે ખત્રી ગુરુઓએ જે ખાલસા પંથની સ્થાપના કરી તે વૈદિક ૐ ને ઈશ્વર માની તેના માટે લડતી એક સેના હતી. હિંદુ પરિવારોમાંથી જ એક સંતાન હિંદુ રહ્યું, અને બીજું પાઘડી અને કરપાણ ધારણ કરી શીખ બન્યું. તો કોઈએ હિંદુથી અલગ થવા પંથ નથી પાડ્યો, પણ હિંદુઓએ જ સત્ય પ્રત્યે પોતાની ફરજ બજાવવા જે નવા માર્ગ શોધ્યા તે અલગ પંથ બન્યા છે. અને આગળ જતાં ક્યાંક એમનામાં વૈદિક મૂળથી ભટકાવ આવ્યો છે.
હવે સનાતન ધર્મથી અલગ પડેલા આ પંથોની આજે સનાતન ધર્મના સાપેક્ષે હાલત શું છે એ જાણીએ.
એક સમયે અડધાથી ઉપર દુનિયા જે બૌધ્ધ ધર્મી બની ગયેલી, તે બૌધ્ધ ધર્મ આજે જાપાન, અને મ્યાનમાર જેવા નાના નાના દેશોમાં જ ટક્યો છે. તે બધા નાના દેશોની કુલ બૌધ્ધ વસ્તી ખાલી ભારતના સનાતન ધર્મીઓની વસ્તીથી ઓછી છે. ચીન બૌધ્ધ મટી કોમ્યુનીસ્ટ અને નાસ્તિક થઈ ચૂક્યું છે. તે જ ચીને તેના અને ભારત વચ્ચે રહેલ સૌથી મોટા બૌધ્ધ દેશ એવા તિબેટમાંથી બૌદ્ધને વિસ્થાપિત કરી દીધા છે, જે ભારતની શરણમાં જીવી રહ્યા છે. એક સમયે આખું અફઘાનિસ્તાન જે બૌધ્ધ ધર્મી હતું તે આજે તાલિબાનના કબ્જામાં છે. ઈન્ડોનેશિયા બૌધ્ધમાંથી વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ બની ચૂક્યો છે. શ્રીલંકામાં અડધો અડધ ખ્રિસ્તી બની ગયા છે.
શીખો ભારતના પંજાબમાં રહ્યા, પાકિસ્તાનના પંજાબ અને કાશ્મીરમાંથી ખતમ કરી દેવાયા. જે કેનેડામાં ગયા તેમાંથી તેમની ભારતીયતા ખતમ થવા લાગી છે અને ખાલિસ્તાન નામે બ્રેઈન વોશ થઈ રહ્યા છે. ભારતના પંજાબમાં પણ જેમ ગુજરાતમાં ભણી ગણીને લોકો બહાર નીકળી જાય પછી વેરાન, પછાત ગામની જે હાલત હોય તેવી આજે ભારતના પંજાબની હાલત છે. ગરીબ શીખ વર્ગ ત્યાં પણ ખ્રિસ્તી બની ચૂક્યો છે.
એક જૈન પંથ ભારતમાં અનેક શાખાઓમાં તૂટીને પણ ટક્યો છે, પણ ઘણી લઘુમતીમાં છે. અને જૈન ધર્મની હાલત શીખો અને બૌદ્ધ જેવી નથી થઈ એના બે સ્પષ્ટ કારણો છે. એક, જૈનોએ ક્યારેય બૌદ્ધોની જેમ સત્તાના સહારે વિકસવાની કોશિશ નથી કરી. તેમણે પોતાના અસ્તિત્વને આજે પણ તેમના તીર્થંકરોના તપસ્યા માર્ગને વળગી રહીને જ ટકાવ્યું છે. તેને ભલે કોઈ વધુ પડતું કટ્ટર અને વેદિયા જેવું કહે, પણ તે તપસ્યાએ જૈનોને તેમનું અસ્તિત્વ ટકાવવામાં સહાય કરી છે. અને બીજું મુખ્ય કારણ એ છે કે જૈનો ક્યારેય બૌધ્ધ અને શીખોની જેમ પોતાના વૈદિક મૂળથી અલગ નથી પડ્યા. વેદોના ઋષભદેવ જે કેટલાક સ્થાને વિષ્ણુના અવતાર છે તો કેટલાક સ્થાને શિવના, તે જૈનોના પહેલા તીર્થંકર મનાય છે. અને એ પછીના તીર્થંકરો તેમજ એ સિવાય પણ જૈન સમાજ એક રીતે સનાતની સમાજના હિસ્સા તરીકે સનાતનીઓના નજીક રહ્યો છે. તે ક્યારેય સમાજિક અને સાંસ્કૃતિક રીતે બૌદ્ધ અને શીખોની જેટલો અલગ નથી પડ્યો. અને આ વાતે તેનું રક્ષણ કર્યું છે.
એટલે આ વાત સૂચવે છે કે સત્ય અને અમરતાનું બીજું નામ ગણાતા સનાતન ધર્મના સ્વરૂપમાં જે જેટલું નજીક રહે છે તે તેટલું ટકે છે, જે એનાથી દૂર જાય છે તે પરપોટાની જેમ એકવાર પૂરેપૂરો ફૂલાઈ જઈને પછી ફૂટી જાય છે. કોઈ એક મૂર્ખાના મોંઢે આ લિસ્ટમાં ISKCON નું નામ સાંભળ્યું હતું. અને એ મૂર્ખાને સમજાવવું પડ્યું કે ઇસ્કોન ભાગવદ પુરાણ સહિત અનેક પુરાણો અને આગમોમાં સ્થાપિત કરાયેલ – શ્રીકૃષ્ણ જ એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ રૂપે વિષ્ણુનો પૂર્ણ અવતાર છે, જેથી કૃષ્ણને જ સાકાર રૂપે આખરી ઇશ્વર માની શકાય – એ સિધ્ધ સત્ય પર ચાલતી ભક્તિ પંથની સંસ્થા છે. તે સનાતન ધર્મથી અલગ પંથ નથી, તે સનાતન ધર્મનો એક પંથ છે. તે પૂર્ણ રૂપે વૈદિક અને પૌરાણિક છે. અસલમાં નાસ્તિક દર્શન હેઠળ જૈન અને બૌદ્ધ પંથ પણ સનાતન ધર્મમાં આવી જાય છે.
નિરાકાર પરબ્રહ્મ અને ૐ જેનો ઈશ્વર છે, અને એ નિરાકાર ઈશ્વરના સાકાર રૂપ તરીકે પંચદેવથી બહાર કોઈને નથી સ્વીકારતો તે જ સનાતન ધર્મમાં છે. પંચદેવ સીવાય અન્ય કોઈ સાકાર અને ૐ સીવાય અન્ય કોઈ નિરાકાર ઈશ્વરની વાત કરે તે સનાતની નથી. એમાંય આ બે સિવાયના કોઈ ઈશ્વરને ૐ ના સ્થાને પંચદેવના પણ કોઈ સર્વોપરી ભગવાન તરીકે દેખાડવાની કોશિશ કરે, એ તો સનાતન ધર્મ પર આક્રમણ કરનાર એક વિધર્મી આક્રાંતા છે.
Octomber 16 / 2023 / On Fecebook
શું છે ઇસ્કોનનો વૈષ્ણવ શાસ્ત્ર સાથે વિવાદ?
મહાભારત કાળ પછી જ્યારે જૈન અને બૌધ્ધ ધર્મનો ઉદય થયો અને ઉચ્ચ વર્ગ સુધી સીમિત બનેલી યજ્ઞ વિધીઓનું પ્રચલન ઘટયું, ત્યારે સામાન્ય સનાતની સમાજમાં મહાભારત કાળથી ચાલી રહેલી પાંચ વૃશની વીરોની પૂજા વૈદિક ધર્મનું પ્રતિનિધિત્વ કરતી હતી. વેદોમાં બાર આદિત્ય એટલે કે સૂર્યમાંથી એક ગણાયેલા વિષ્ણુને વેદોના આખરી ભાગોમાં મૂળ પરબ્રહ્મ ઈશ્વર બનાવાઈ ચૂક્યા હતા. તેમને બીજા બે નામ નારાયણ અને હરિ અપાઈ ચૂક્યા હતા. જે વિષ્ણુ છે એજ વાસુદેવ અને નારાયણ પણ છે એ વાત વારંવાર કહેતો વિષ્ણુ ગાયત્રી શ્લોક વેદોમાં અનેક વાર આવી ચૂક્યો હતો. પણ એનાથી અલગ મથુરા અને ઉત્તર ભારતન લોકજીવનમાં આ પાંચ વૃષની વીરોની પૂજા ઈશ્વર તરીકે થતી હતી. વૃષની કૃષ્ણના પિતા વસુદેવના દાદાનું નામ હતું. અને તેમના નામથી તેમના જે પાંચ વંશજો પૂજાતા હતા તે હતા; વાસુદેવ કૃષ્ણ, સંકર્ષણ એટલે કે બલરામ, કૃષ્ણના બે દીકરા પ્રદ્યુમ્ન અને સંબા અને પ્રદ્યુમ્નનો દીકરો અનિરુધ્ધ. મહાભારતમાં પણ કૃષ્ણને ‘કૃષ્ણ વ્રશનેય’ કહેવાયા છે. ઇસ પૂર્વે ચૌથી સદીમાં સિકંદર અને ચંદ્રગુપ્ત મૌર્યના યુગ પહેલાં આ પાંચ વૃષનિ યોધ્ધાઓની પૂજા બહુ પ્રચલિત હતી. ઇસ પૂર્વે બીજી સદીમાં ગ્રીકો અને ભારતીયો દ્વારા ચાલતા રાજ્યોના નાણા તરીકે આ વૃષ્ની વીરોનાં સિક્કા મળી આવે છે. કૉમેન્ટમાં ફોટા આપ્યા છે.
ઇસા બાદ બીજી સદીમાં આ વૃષની વીરોનો સંપ્રદાય મૂળ વેદિક અને પૌરાણિક વિષ્ણુ સાથે જોડાયો અને ચતુરવ્યુહ નામે એક નવો પંથ બન્યો. વાતમાં ફર્ક એટલો આવ્યો કે હવે પાંચ વીરોમાંથી કૃષ્ણ અને જામવંતીના પુત્ર સાંબાની બાદબાકી થઈ ચૂકી હતી. અને હવે પાંચેય વીરોના સ્થાને વાસુદેવ કૃષ્ણ પોતે જ ભગવાન વિષ્ણુ કે નારાયણ હતા અને બલરામ, પ્રદ્યુમ્ન અને અનિરુધ્ધ તેમના સાંસારિક વિસ્તરણ રૂપે તેમના અંશ હતા. આ પંથના લોકો આ રીતે ધીરે ધીરે વૈદિક અને પૌરાણિક વિષ્ણુ સાથે જોડાયા પણ શ્રીકૃષ્ણ વિષ્ણુના અવતાર નહોતા, શ્રીકૃષ્ણ પોતે જ વિષ્ણુ રૂપે સંપૂર્ણ ઈશ્વર હતા. આ લોકોનું મુખ્ય પુરાણ હતું મહર્ષિ વેદ વ્યાસ રચિત સૌથી પ્રમાણિત અને શ્રેષ્ઠ ગણાતું શ્રીમદ ભાગવદ કે જેને આપણે ભાગવદ પુરાણ કહીએ છીએ. ભાગવત પુરાણમાં શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર નથી, તે પોતે જ ભગવાન વિષ્ણુ છે અને વિષ્ણુ જ ભગવાન કૃષ્ણ છે. કારણકે શ્રીકૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ અને ઈશ્વરના સંપૂર્ણ અવતાર કહેવાયા છે. એટલે તેમના ચરિત્ર પછી વિષ્ણુમાં બીજું કંઈ બાકી રહેતું નથી. શ્રીકૃષ્ણ જ એ ભગવાન વિષ્ણુ શું છે એનું પૂર્ણ પ્રતિનિધિત્વ કરે છે. આ પૂર્ણત્વ વિષ્ણુના બીજા અવતારોમાં નથી. આથી ભાગવત પુરાણ મુજબ શ્રીકૃષ્ણને જ સર્વોચ્ચ ભગવાન માનવાવાળા લોકો ‘ભાગવત’ કહેવાયા.
ઇસા પછીની ચોથી સદીમાં જે ‘વિક્રમાદિત્ય’ રાજા ચંદ્રગુપ્ત બીજાના રૂપે સુવર્ણકાળ શરૂ થયો, તે રાજા વિક્રમાદિત્ય આ ભાગવત હતા. વૈષ્ણવ શબ્દ હજી પ્રચલિત નહોતો થયો. એ ભાગવત રૂપે વિષ્ણુના જ ભક્ત કહેવાતા, પણ વિષ્ણુ એજ શ્રીકૃષ્ણ છે – આ તેમની ભાવના હતી. ભાગવદ પુરાણમાં શ્રીકૃષ્ણ જ એ મૂળ ઈશ્વર નિરાકાર પરબ્રહ્મ છે જે પુરુષ રૂપ ધારણ કરી બ્રહ્મજળમાં શેષનાગ પર શયન કરે છે અને નારાયણ કહેવાય છે. તેમની નાભિમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે, જે સર્જન કરે છે. પછી તે જ મૂળ ભગવાનના બાવીસ અવતારો કહેવાય છે. અને છતાંય, જ્યારે દસમા સ્કંધના ત્રીજા અધ્યાયના આઠમા શ્લોકમાં કૃષ્ણ જન્મનું વિવરણ આવે છે ત્યારે કહેવાય છે કે ‘ બધાના હદયમાં વિરાજમાન ભગવાન વિષ્ણુ દેવરૂપીની માં દેવકીના ગર્ભમાંથી પ્રગટ થયા.’ આમ, શ્રીમદ્દ ભાગવતમાં સુખદેવજીના મોંઢે મૂળ ભગવાન રૂપે શ્રીકૃષ્ણને રખાયા છે, પણ સાથે સમયે સમયે કહેવામાં આવ્યું છે કે તેજ નારાયણ અને વિષ્ણુ છે.
ત્યારબાદ ધીમે ધીમે ભાગવતોનું વૈષ્ણવોમાં રૂપાંતરણ થતું જાય છે અને સાતમી-આઠમી સદીમાં વિષ્ણુ પુરાણનું આલેખન વધુ માન્ય બને છે કે મૂળ પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ છે અને શ્રીકૃષ્ણ અન્ય નવ અવતારોની જેમ તેમના અવતાર છે. બિલકુલ, ત્યાં પણ કૃષ્ણ જ પૂર્ણ અવતાર અને પૂર્ણ પુરુષોત્તમ છે. પણ તે વિષ્ણુના અવતાર છે, તે સર્વોચ્ચ ભગવાન વિષ્ણુની પૂર્ણ અભિવ્યક્તિ છે. તો આ રીતે વૈષ્ણવ પંથ અસ્તિત્વમાં આવ્યો જ્યાં ભગવાન વિષ્ણુ મૂળ સર્વોચ્ચ ઈશ્વર બન્યા. દસમી સદી પછી ભક્તિ આંદોલનોના સમયમાં નવા નવા વૈષ્ણવ સંપ્રદાય અસ્તિત્વમાં આવતા ગયા. ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં કૃષ્ણની ગોપીઓ સંગ રાસલીલાનું વર્ણન હતું, પણ રાધાનું નહોતું. રાધાનો ઉલ્લેખ આ દસમી સદી પછીના વૈષ્ણવ સંપ્રદાયોમાં આવ્યો અને ચૈતન્ય મહાપ્રભુના માર્ગે એ પરમ ઉભારે ચડ્યો, જ્યાં રાધાને સ્ત્રી રૂપે કૃષ્ણ અને ચૈતન્યને રાધા રૂપે બતાવી રાધા અને કૃષ્ણની એકરૂપતા અને પરસ્પર ભક્તિ બતાવાઈ. ચૈતન્ય મહાપ્રભુએ ભાગવત પુરાણનો જ ફેલાવો કર્યો, પણ એમાં ગોપીઓ સંગ રાસલીલાનું મહત્વ હોવા છતાં રાધાનો ઉલ્લેખ નહોતો. આ માટે ભાગવત પુરાણના એક શ્લોકનો સહારો લેવાયો જ્યાં કહેવાયું હતું કે ‘એ બધામાં એક ગોપી છે જેની સેવા શ્રીકૃષ્ણ સહર્ષ અને આનંદથી સ્વીકાર કરે છે.’ ચૈતન્યએ કહ્યું કે ‘એ ગોપી રાધા જ છે, પણ જો સુખદેવજી રાધાનું નામ લેત તો પોતે શ્રીકૃષ્ણ સાથેની પ્રેમ સમાધિમાં જતા રહત, અને પરીક્ષિતના મોક્ષ માટેની ભાગવત કથા અધૂરી રહી જાત. એટલે તેમણે રાધાનું નામ લીધા વિના તેનો ઉલ્લેખ કરી દીધો.’
આ ચૈતન્ય મહાપ્રભુના પંથમાં આગળ જતાં ભક્તિ વેદાંત પ્રભુપાદ આવ્યા જેમણે ઇસ્કોનની સ્થાપના કરી. પણ તે કૃષ્ણ ભક્તિને એ ચરમ પર લઈ ગયા કે વૈષ્ણવ પંથના ઉદભવ પહેલા પેલા ભાગવતોની જે દૃષ્ટિ હતી તે પ્રમાણે તેમણે શ્રીકૃષ્ણને જ મૂળ ઈશ્વર બનાવી દીધા. ઈસ્કોનમાં એજ ભાગવત લક્ષણ વધુ પ્રબળ બની બહાર આવ્યું કે કૃષ્ણ વિષ્ણુના અવતાર નથી, તે પોતે જ ભગવાન વિષ્ણુ રૂપે મૂળ ઈશ્વર છે. અને આ રીતે વૈષ્ણવ પંથમાં ઊભી કરાયેલી શાસ્ત્રોક્ત શિસ્તથી તે બહાર થઈ ગયા છે. એક રીતે વૈષ્ણવોના પંથે રાધાને પ્રબળ બનાવી જૂના ભાગવત પંથી ઇસ્કોન રૂપે ફરી અસ્તિત્વમાં આવ્યા છે. ભાગવદ પુરાણ રૂપે સૌથી શ્રેષ્ઠ પુરાણોમાં એક ગણાતા પુરાણનો તેમને ટેકો છે એટલે તે સનાતન ધર્મના શાસ્ત્ર વિરૂધ્ધ સાબિત થાય એમ નથી. પણ હા, આદિ શંકરાચાર્ય પછી અસ્તિત્વમાં આવેલા વૈષ્ણવ આચાર્યોના વૈષ્ણવ શાસ્ત્રોથી તે વિમુખ સાબિત થાય છે. એટલે ઇસ્કોનને બસ પોતાનું સ્થાન પાકું કરવાનું છે, પોતાનો પંથ સાચા સ્થાને વર્ગીકૃત કરવાનો છે, કારણકે તે વૈષ્ણવ પરંપરાથી હટી પ્રાચીન ભાગવત પરંપરાથી જોડાઈ ગયા છે.
તો, આ આખી વાતની ઉપરછલ્લી અને મૂળ હકીકત છે. બાકી મહાભારત અને બીજા અનેક પુરાણોના મૂળ ઈશ્વર શ્રીકૃષ્ણને સર્વોચ્ચ ઈશ્વર માનવાથી તે સનાતન ધર્મને, તેના શાસ્ત્રોને કે સ્વરૂપને કોઈ રીતે નુકશાન કરતાં નથી એ પણ એટલું જ સ્પષ્ટ છે. શ્રીમદ્ ભાગવદ જેવા મહાન પુરાણનો તેમને ટેકો હોવાથી ફક્ત પોતાના પંથનું સરખું વર્ગીકરણ કરી તે તેમના કાર્યને ચાલુ રાખી જ શકશે અને રાખવું પણ જોઈએ. બસ એમાં થોડી પવિત્રતા લાવે અને શ્રીકૃષ્ણ અને રાધા જેવી સાચી ભક્તિની દિવ્યતા લાવે. એવી જેવી નીમકરોલી બાબાના દેશી-વિદેશી શિષ્યોમાં અને કીર્તનમાં અનુભવાય છે. ઝડપી વિકસવું એટલું જરૂરી નથી, જેટલું પોતાની પવિત્રતા અને મૂળ સ્વરૂપને જાળવી રાખવું જરૂરી છે.
Octomber 19 / 2023 / On Fecebook
શું તમે જાણો છો મુસ્લિમોની યહૂદીઓથી થયેલી દુશ્મની પાછળ મુખ્ય શરત શી હતી?
જાણો કે એ ઇતિહાસમાં આજે આપણા માટે કેટલો મોટો સબક છે.
અબ્રાહમની પત્નીનું નામ હતું સારાહ. પણ સારાહથી અબ્રાહમને કોઈ સંતાન નહોતું થતું. તો અબ્રાહમે સારાહ પાસે બીજા વિવાહની પરમિશન માંગી. સારાહે તેમને હાજરા સાથે બીજા લગ્ન કરવાની રજા આપી. અબ્રાહમે હાજરા સાથે લગ્ન કર્યા અને તેમનો એક દીકરો જન્મ્યો. નામ હતું ઇસ્માઇલ. પણ આ બાળકના જન્મ પછી અબ્રાહમ અને સારાહને પણ એક દીકરો થયો, અને નામ રખાયું ઇસાક કે ઈઝાક. તો, આરબોએ હાજરાના સંતાન ઇસ્માઇલના વંશને પોતાના નબી માન્યા. અને યહૂદીઓએ સારાહના દીકરા ઇઝાકના વંશને પોતાના ઈશ્વરીય દૂત માન્યા. તો આ બે એક પિતા પણ બે જુદી માતાઓના વંશ રૂપે આરબ અને યહૂદી અસ્તિત્વમાં આવ્યા. બંનેનો રિવાજ, દેવી દેવતા બધું ઘણા અંશે સમાન રહ્યું. બસ આ બે વંશમાં થયેલા પૂર્વજોને પયગંબર માનવાની વાતે જ બંનેમાં ભેદ રહ્યો.
આમાં પહેલા યહૂદીઓમાં અનેક દેવ દેવીઓ પર એક ઈશ્વરની વાત કરવાવાળા ઈસુ પેદા થયા અને ઈસુના મૃત્યુના ત્રણસો વર્ષ પછી રોમન રાજા કોન્સ્ટન્ટાઇને પોતાની પત્નીના પ્રભાવથી ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને તેને રોમન સામ્રાજ્યનો ઑફિશિયલ ધર્મ ઘોષિત કરી દિધો. આ રીતે અચાનક જ યહૂદીઓ લઘુમતીમાં આવી ગયા અને તેમનામાંથી જ બનેલા ખ્રિસ્તીઓની સંખ્યા વધવા લાગી. યુરોપમાં સોળસો વર્ષ સુધી યહૂદીઓ પર જે અત્યાચાર થયા એ તેમનામાંથી ઊભા થયેલા આ રોમન ખ્રિસ્તીઓએ કર્યા. આ અત્યાચારોનો સૌથી છેલ્લો પણ સૌથી ખતરનાક અઘ્યાય હતો હિટલર દ્વારા ૬૦ લાખ યહૂદીઓની ગેસ ચેમ્બરમાં ભરી ભરીને હત્યા. એનું મૂળ કારણ પણ યહુદીઓ દ્વારા ઈસુ ખ્રિસ્ત અને તેમના પિતાને એકમાત્ર ઈશ્વર રૂપે ના સ્વીકારવું હતું, જેના લીધે ખ્રિસ્તીઓમાં યહૂદીઓ પ્રત્યે હંમેશા નફરત રહેલી. પણ જેરુસલેમ વાળા એરિયામાં અને મિડલ ઇસ્ટમાં ઇસ્લામના ઉદય સુધી યહૂદીઓ એમના એમ હતા.
સાતમી સદીમાં આરબોમાં પણ પ્રાચીન દેવી-દેવતાઓને ઉથલાવી એકમાત્ર ઈશ્વર અલ્લાહની વાત કરનાર પયગંબર મોહમદ પેદા થયા. મોહમ્મદ અને તેમના અનુયાયીઓએ ઈસ્લામ ધર્મ સ્થાપ્યો અને આરબોને કાં તો ઈસ્લામમાં કન્વર્ટ કર્યા કાં તો મારી નાખ્યા. અને પછી તે હાલના ઇઝરાયલ દેશના પ્રદેશમાં તે વખતે પણ રહેતા યહૂદીઓ પાસે પહોંચ્યા. હવે મુસ્લિમ ધર્મ સાથે મોહમ્મદે એક નવો ચીલો પાડેલો. તેમણે અબ્રાહમની પત્ની સારાહથી થયેલા ઈઝાકના વંશજોને પણ પોતાના નબી માન્યા, જે તે પહેલાના આરબો નહોતા માનતા. એટલે જ્યારે મુસ્લિમો યહૂદીઓ સુધી પહોંચ્યા ત્યારે પહેલી શર્ત એ મૂકી કે યહૂદીઓ પણ અબ્રાહમના બીબી હાજરાથી થયેલા ઇસ્માઇલના વંશને પોતાના પયગંબર માની મોહમ્મદને તેમના આખરી પયગંબર માની લે. યહૂદીઓ એ માટે તૈયાર ન થયા. કારણકે તે જાણતા હતા કે જેમ આરબોમાંથી જ ઉત્પન્ન થઈ મુસ્લિમોએ આરબની જ સભ્યતા અને ધાર્મિક સ્વરૂપ ખતમ કરી દીધું તેવું એ યહૂદીઓ સાથે પણ કરશે. મોહમ્મદ ને આખરી પયગમ્બર માનવાનો અર્થ હતો કુરાનને માની લેવું. યહૂદીઓએ આ વાત ન માની અને ત્યારથી મુસ્લિમો અને યહૂદીઓ વચ્ચે સંઘર્ષ શરૂ થયો. યહૂદીઓ મર્યા, વિસ્થાપિત કરાયા, સદીઓ સુધી આખી દુનિયામાં રેફ્યુજી તરીકે આશ્રિત રહ્યા, ત્યાં પણ કતલેઆમનો ભોગ બન્યા, પણ તેમણે પોતાનું સ્વરૂપ ન છોડ્યું. તે એજ રહ્યા જેવા તે પ્રાચીન સમયમાં હતા. એ બધા નરસંહાર તેમણે પોતાના સ્વરૂપને બચાવી રાખવાની જીદમાં સહન કર્યા. અને એ કારણે જ્યારે ૧૯૪૭ માં તેમને ફરી એ સ્થાને એક નાના જિલ્લા જેવડો દેશ આપવામાં આવ્યો જ્યાં તેમની સભ્યતા જન્મી હતી, ત્યારે તે ફરી શક્તિશાળી બનવા લાગ્યા. આજે તેમને જેટલો દેશ અપાયો હતો તેનાથી ત્રણ ઘણો તે આજુબાજુના મુસ્લિમ દેશોના આક્રમણનો જવાબ આપી આપીને લઈ ચૂક્યા છે. અને આજે પણ પશ્ચિમી વિશ્વમાં અને ખાસ કરીને અમેરિકાના ડીપ સ્ટેટમાં યહૂદી લોબી એ સૌથી શક્તિશાળી લોબી કહેવાય છે, જે સરકાર પાસે પોતાનું ધાર્યું કરાવે છે.
હિંદુઓ માટે સબક: તો યહૂદીઓના આ ઇતિહાસમાં હિંદુ સમાજ માટે બે સબક છે.
૧. પોતાના અંદર ઊભા થતા એ બાહરી સર્વોપરી ભગવાનોના સંપ્રદાયોને સમયસર નાથી લો, નહિતર ખ્રિસ્તીઓએ યહૂદીઓ સાથે સોળસો વર્ષ સુધી જે કર્યું તેના ભોગ બનશો.
૨. નિરાકાર પરબ્રહ્મના સાકાર સ્વરૂપ રૂપે પુરાણોમાં આપેલું પંચદેવનું બંધારણ એટલી જ જીદથી જાળવી રાખો જેટલું યહૂદીઓએ પોતાનું સ્વરૂપ જાળવી રાખ્યું. જો કોઈ તમારી પાસે એ પંચદેવના સ્વરૂપને છોડવાનું કે એમાં કોઈ બાહરીને સ્વીકારી લેવાનું કહેવા આવે છે, તો એને તમારો દુશ્મન જાણો. એ તમારા ધાર્મિક સ્વરૂપ આસપાસનો એ આખરી કિલ્લો તોડવા આવ્યો છે. એ તૂટ્યા પછી કોઈ એક નહિ જે ચાહશે તે તમારો સર્વોપરી ઈશ્વર બની શકશે. જો પોતાનું સ્વરૂપ જાળવી રાખશો તો યહૂદીઓની જેમ સદીઓ પછી પણ પાછા ઊભા થઇ શકશો. જો પોતાનું સ્વરૂપ છોડી દીધું, તો જાણે કંઈ હતા જ નહિ. વિરોધીઓ તમને છિન્ન ભિન્ન કરી દેશે. એટલે, જો હિંદુ છો, તો આ બે વાતે અકબંધ રહો. કોઈ સ્વરૂપ ત્યારે જ બને છે જ્યારે તેની કોઈ એક સીમા હોય, ભલે ગજબની વિસ્તૃત હોય, પણ હોય જેનું ઉલ્લંઘન ન થઈ શકે. એની સાથે સમાધાનની વાત ન થઈ શકે.
Octomber 02 / 2023 / On Fecebook
ખ્રિસ્તિ ધર્મની સ્થાપના કેવી રીતે થઈ? જીસસને ભગવાન કોણે ઘોષિત કર્યા?
આજના ગુજરાતનું ચિત્ર એનાથી કેવી રીતે સમરૂપ થઈ રહ્યું છે? જાણો આ લેખમાં
ઇસ ૩૩ માં જીસસના મૃત્યુ પછી એમના અનુયાયીઓ નાજરેથ જોડી અલગ અલગ પ્રદેશમાં વિસ્થાપિત થવા લાગ્યા. તેમણે રોમ તરફ જઈ યુરોપમાં એક ઈશ્વરના ઈસુના સંદેશને ફેલાવવાની કોશિશ કરી. પણ લગભગ પોણા ત્રણસો વર્ષ સુધી રોમન રાજાઓ દ્વારા ઈસુના અનુયાયીઓની એજ રીતે શુલી પર ચડાવીને હત્યાઓ કરવામાં આવી જેવી રીતે ઈસુની કરાઈ હતી. આ વર્ષોમાં ધીમે ધીમે રોમન સામ્રાજ્યમાં ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓની સંખ્યા વધી હતી. આ અનુયાયીઓના પ્રભાવમાં આવી રોમન રાણી ઈસુ ખ્રિસ્તની અનુયાયી બની ગઈ. અને રાણીએ ધીમે ધીમે તેના પતિ એવા રોમન રાજા કોંસ્ટન્ટાઈનને પ્રભાવમાં લઈ ખ્રિસ્તી બનવા માટે તૈયાર કરી દિધો. ઇસ ૩૧૨ માં રાજા કોંસ્ટન્ટાઈને એક સભા બોલાવી અને તેમાં ઈસુના ઉપદેશો પાછળ ચાલતા એ સમુદાયને ખ્રિસ્તી ધર્મ નામે સ્વીકૃતિ આપી. તેણે ખ્રીસ્તી ધર્મને રોમન રાજ્યનો રાજધર્મ ઘોષિત કરી દિધો. આજ સભામાં ઈસુ ખ્રિસ્તને ભગવાન તરીકે માન્યતા અપાઈ, જેમને ત્યાં સુધી એક સંત મનાતા હતા. રોમન ચર્ચની સ્થાપના થઇ અને ખ્રિસ્તી ધર્મના આજે અસ્તિત્વમાં છે એ બધા નિયમો ઘડાયા. ૨૫ ડિસેમ્બરે જીસસનો જન્મદિવસ મનાવવાનું પણ આ સમયે જ નક્કી થયું. સાથે આજે જીસસ સાથે જોડાયેલી ઘણી બધી વાતો જે તે પહેલા આસ્તિત્વમાં નહોતી, તે અહિયાંથી ઘડાઈ. બિલકુલ એવું જેવું ૧૮૩૦ માં મુંબઈના ગવર્નર જ્હોન માલ્કમ અને ખ્રિસ્તી પાદરીઓ સાથે સહજાનંદ સ્વામીની મુલાકાતો પછી કૃષ્ણ ભક્ત સહજાનંદ સ્વામીમાંથી એક નવા સ્વામિનારાયણ ભગવાન બનાવવાનું અને અને નવી નવી સનાતન ધર્મ વિરોધી વિકૃત કથાઓ ઘડવાનું કાર્ય શરૂ થયું.
આ રીતે ખ્રિસ્તી ધર્મ રોમન સત્તાના આશ્રિત બન્યો અને રોમન સમાજ પર ચર્ચ દ્વારા એક નવા ધર્મના નિયમો લાગુ કરાયા. હવે નાગરિકો રાજ્ય, આસ્થા અને ધર્મ એ ત્રણેયના કાયદાઓ સાથે પાળવા મજબૂર હતા. ઈસુ ખ્રિસ્ત જ એકમાત્ર ભગવાન છે, બીજું કોઈ નહિ. ખ્રિસ્તિ પાદરીઓની સત્તા સમાજ પર સતત વધતી જ ગઈ. વર્જિન મેરીના સિધ્ધાંત પાછળ સ્ત્રીઓ ચર્ચ માટે ખતરો બની, તો એક સમય એવો પણ આવ્યો કે આઝાદ વિચારો ધરાવતી ૫૦,૦૦૦ થી વધુ સ્ત્રીઓને જીવતી સળગાવી દેવાહો માં આવી. તો ક્યારેક પોતાના અનુરૂપ રાજા કે રાણીને ગાદી પર જાળવી રાખવા ચર્ચે રાણીને તેના દીકરા સાથે લગ્ન કરવા મજબૂર કરી. રાજા અને ચર્ચની સાઠગાંઠ એટલી ભયાનક વધી ગઈ કે ચૌદસો વર્ષનો એ આખો કાળો ઇતિહાસ કહેવાય છે, જેનું દસ્તાવેજીકરણ આપણને પ્રખ્યાત પુસ્તક ‘એ હિસ્ટ્રી ઓફ ક્રિસ્ટિયન ચર્ચ’ માં મળે છે. ગેલેલીયો અને ન્યુટન જેવા વૈજ્ઞાનિકોથી લઈને સ્વતંત્ર વિચારકો કેવા પરેશાન કરાયા એ પણ એ પુસ્તકમાં જાણવા મળે છે. આખરે અઢારમી સદીમાં વૈજ્ઞાનિકો અને વિચારકોનો એવો સમૂહ તૈયાર થયો જેમણે સમાજને સત્તા અને સંપ્રદાયના આ ગઠબંધનની ગુલામીમાંથી બહાર કાઢવાના વિચારો આપ્યા. અને વોલ્ટેર જેવા એ મહાન વિચારકોમાંથી જ એક વિચાર નીકળ્યો જે હતો સેક્યુલરીઝમનો વિચાર. એ વિચાર અહીં ઊભો થયો. સત્તા અને ધર્મ કે સંપ્રદાય વચ્ચે કોઈ કનેક્શન જ ન હોવું જોઈએ. ધર્મ અને સંપ્રદાય સમાજનો અને વ્યક્તિનો અંગત વિષય છે, તે કોઈ રાજસત્તાનો આશ્રિત ન હોઇ શકે. અને યુરોપની આ વૈચારિક ક્રાંતિથી જ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકન ક્રાંતિ અને ફ્રેન્ચ ક્રાંતિ થઈ ત્યાં લોકતાંત્રિક સરકારો અસ્તિત્વમાં આવી.
ભારતમાં ધર્મ સંપ્રદાય રૂપે રાજસત્તાના આશ્રિત થયો હોય તેવું સમ્રાટ અશોકના બૌધ્ધ મિશનમાં સૌથી પહેલીવાર જોવા મળે છે. પણ એજ અશોકનો વંશજ બૃહદ્રથ જ્યારે બૌધ્ધ ધર્મના નાસ્તિકવાદમાં મૂઢ બની ગયો અને દુશ્મનો મગધ સુધી ધસી આવ્યા, ત્યારે તેના શિવભક્ત સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે બૃહદ્રથની હત્યા કરી દીધી અને પોતે રાજા બની દુશ્મનોને પાછા ધકેલ્યા. ત્યારબાદ ધીમે ધીમે ફરી સનાતન ધર્મી રાજાઓની સંખ્યા ભારતમાં વધવા લાગી અને આ કારણે સમાજમાં ફેલાયેલા બૌધ્ધ ધર્મ પર સત્તાની મહેરબાની હટી ગઈ. ત્યારે શંકરાચાર્ય આવ્યા જેમણે સમાજમાં શાસ્ત્રાર્થ ચલાવી બૌધ્ધ ધર્મને હટાવ્યો. જ્યાં સુધી બૌધ્ધ સમર્થિત સત્તાધારીઓ બેઠેલા હતા ત્યાં સુધી કોઈ શંકરાચાર્ય નહોતા તૈયાર થઈ શક્યા. આ એક ભેદી તથ્ય છે. સનાતન ધર્મ કોઈ સંપ્રદાયના રૂપમાં ન હોવાથી તે ક્યારેય રાજસત્તા સાથે જોડાઈ જઈ સમાજ પર પોતાનું આધિપત્ય થોપવાની કોશિશ નથી કરતો, પણ આ વિદેશી ફોર્મેટમાં રહેલા ભારતના અને બહારના સંપ્રદાયો એજ કામ પહેલા કરે છે. એમનો ફેલાવો એજ માર્ગે થાય છે.
આજે ગુજરાતમાં એજ રોમન ખ્રિસ્તી ચર્ચ જેવો એક સંપ્રદાય રાજસત્તા સાથે સંકળાયેલી સંસ્થાઓમાં એ હદે ઘૂસી ચૂક્યો છે કે તેનું તુષ્ટિકરણ કરવાનું નવું ચલણ શરૂ થઈ ચૂક્યું છે. પહેલીવાર અનુભવાઈ રહ્યું છે કે યુરોપિયનોનો એ સેક્યુલરિઝમનો વિચાર શાના માટે હતો? ગુજરાત અને ભારતના સત્તાધીશોને જણાવવાનું કે તે પોતાના ક્ષણિક સ્વાર્થ માટે સનાતની સમાજને સદીઓની ગુલામીમાં નાખતાં પોતાની જાતને રોકે. એક માણસ મુસ્લિમ બને છે કે ખ્રિસ્તી બને છે તો તેને કોઈ નવા નામના એક જ ઈશ્વરને માની લેવો પડે છે, અને તેના પર ધાર્મિક કાયદાઓ અને પાદરીઓ તથા મૌલવીઓની ગુલામી થોપાય છે. પણ જો કોઈનું સ્વામિનારાયણમાં ધર્માંતરણ થાય છે, તો તેના પર પણ ધાર્મિક કાયદા અને સ્વામીઓની ગુલામી તો થોપાય જ છે, પણ સાથે તેને તેના પૂર્વજોએ જેમને પોતાના આરાધ્ય માન્યા હતા તે સનાતની ઈશ્વરોનું અપમાન પણ સાંભળવું પડે છે અને કરવું પડે છે. તેના સંતાનો એ સનાતની ઇશ્વરોનું વિકૃત અપમાન કરતી ચોપડીઓ વાંચી વાંચીને મોટા થાય છે, અને બ્રેઈન વોશ થયેલા કટ્ટરવાદી સનાતન વિરોધી બને છે. હિંદુત્વના નામે આ બધું કરવું એ જેટલું ઘૃણિત છે, એટલું જ પીડાદાયક પણ છે.
Octomber 19 / 2023/ On Fecebook
શું જે ધર્મ સનાતન છે તે તૂટી શકે? તો કોને બચાવવા ભ્રષ્ટતા અને પાખંડને છાવરવાનું છે?
સૌથી મોટું જૂઠ અને ભ્રમ એ કહીને ફેલાવાય છે કે સનાતન ધર્મ દ્રોહી સંપ્રદાયનો ઉગ્ર વિરોધ કરીશું તો ધર્મ તૂટશે! અલ્યા મૂર્ખાઓ, પોતાની ભ્રષ્ટતા અને લાલચથી બેઈમાન બનેલી બુદ્ધિનું પ્રદર્શન શું કામ કરો છો. એક તો સનાતન ધર્મનો અર્થ જ છે કે જે સત્ય છે તેના તરફ તમારી ફરજ નિભાવવી. એ કોઈ સંપ્રદાય નથી જે તૂટી જશે. એ તો શાશ્વત સત્ય છે. બીજું, સરોવરમાંથી બગડેલી માછલીને સુધારવામાં આવે કે દૂર કરવામાં આવે એનાથી સરોવર શુદ્ધ થાય, સરોવર તૂટે નહિ. કોઈના વોટ તૂટી શકે, કોઈના ઘરમાં કે આશ્રમમાં આવતા નોટ તૂટી શકે, કોઈને મળતા છપ્પન ભોગ તૂટી શકે, પણ ધર્મ બચી જાય. શુધ્ધ થાય. સિધ્ધાંતોના પાલનથી મજબૂત થાય. એટલે જ શાસ્ત્રાર્થ ધર્મનું મૂળ છે. શાસ્ત્રાર્થથી ભાગતી પબ્લિક બ્રેઇન વોશ થયેલા ઘેટાંને આડી અવળી વાતો કરી લોકોનો ટાઇમ વેડફવા મોકલી દે છે અને સત્તાના જોરે પ્રચાર ચાલુ રાખે છે. એટલે તમારી વ્યક્તિગત લાલચથી જે તમારો સ્વાર્થી ડર ઊભો થાય છે, તે અધર્મ છે. એને ધર્મ અને સમાજથી ન જોડો.
જ્યારે આપણે કહીએ છીએ કે ‘ધર્મની જય થાઓ, અધર્મનો નાશ થાઓ, પ્રાણીઓમાં સદભાવના થાઓ, જગતનું કલ્યાણ થાઓ.’ – ત્યારે તે ખાલી એક નારો નથી. અહીં દરેક વાક્ય બીજા વાક્યની શરત છે. જે સત્ય છે એ સ્થપાય એટલે કે ધર્મની જય થાય તોજ અધર્મનો નાશ થાય. જો અધર્મનો નાશ થાય તો જ પ્રાણીઓમાં સદભાવના થાય. દુર્યોધનો અને દુશાશનોને પોષણ આપી શાંતિ અને સદભાવના ના ટકે. અને જો ધર્મ સ્થપાય, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના થાય તોજ જગતનું કલ્યાણ થાય. એટલે પોતાના આત્માને જગાડો અને સત્ય તરફ ફરજ નિભાવી ધર્મ નિભાવો. પોતાના સ્વાર્થને સમાજ પર થોપી આવા ભ્રમ નહિ ફેલાવો.
જૈન અને બૌદ્ધ પંથ કરતાં આ એકમાત્ર સર્વોપરી ભગવાનવાળા કેવી રીતે અલગ પડે છે એ સમજવું જરૂરી છે.
ખ્રિસ્તી પણ યહૂદી જ હતા, જ્યાં સુધી યહૂદીઓના દેવી દેવતાઓના સ્થાને એક નવા સર્વોપરી ઈસુ ખ્રિસ્ત અને તેમના પિતાને તેમણે ન માન્યા. મુસ્લિમ આરબ જ હતા જ્યાં સુધી આરબ દેવી દેવતાઓના ઉપર એક સર્વોપરી અલ્લાહને ન માન્યા. હવે પહેલીવાર આજ વાતનું એક ભારતીય સ્વરૂપ ઉભુ થયું છે.
હિંદુ ધર્મમાંથી આ પહેલા પણ અલગ લોકો નીકળ્યા હતા, જેમકે ગૌતમ બુધ્ધ અને મહાવીર. પણ તેમણે ઈશ્વર સાક્ષાતકારનો અલગ માર્ગ આપ્યો હતો જે વેદોમાં નહોતો. તેમણે એ સાક્ષાતકારના માર્ગે જે જાણ્યું એ એજ હતું જે ઉપનિષદોમાં હતું, બસ થોડા અલગ શબ્દો સાથે હતું. એટલા માટે તેમને વેદોમાં ના માનનારા નાસ્તિક માર્ગના પંથો કહીને સનાતન ધર્મનો જ હિસ્સો માનવામાં આવે છે. એ બે પંથોએ સનાતન ધર્મના સ્વરૂપ ઉપર કે એના ઈશ્વરો પર કોઈ નવો સર્વોપરી ઈશ્વર નહોતો સ્થાપ્યો. એવું કરવાવાળા ભારતમાં પહેલીવાર કોઈ પેદા થયા છે. અને એ ખ્રિસ્તી અને મુસ્લિમ પંથે તેમના સમાજમાં કર્યું તેવું કાર્ય છે.
જ્યારે જ્યારે દુનિયામાં કોઈ સભ્યતામાંથી આ સર્વોપરી એકમાત્ર ઈશ્વરવાળા લોકો નીકળ્યા છે ત્યારે ત્યારે તેમણે તેમની પાછલી સભ્યતાને નષ્ટ કરવા પ્રયાસ કર્યો છે, તેમને પછાત અને ફેંકી દેવા લાયક કે ના અનુસરવા લાયક કહી અપમાનિત કરી છે. સાથે તેમણે માનવજાતિને એ એક ઈશ્વરના નામે કાયદા અને પાદરીઓ, મૌલવીઓ અને સ્વામીઓની ગુલામ બનાવી છે. આ એક સર્વસામાન્ય ચિત્ર રહ્યું છે આ એકમાત્ર સર્વોપરી ફોર્મેટમાં, કારણકે એવું કર્યા સિવાય તેમનું સ્વતંત્ર અસ્તિત્વ અને મહત્વ બને એમ જ નથી હોતું.
Octomber 20 / 2023 / On Fecebook
ચાલો સર્વોપરી ભગવાન બનીએ... એનાથી આસાન બીજું કંઈ નથી.
ચાલો આપણે પણ એવું કોઇક નાનું મોટું પુસ્તક લખી દઈએ અને સર્વોપરી બની જઈએ. જો કે મેં તો ઓલરેડી લખેલું જ છે, અને એ અત્યારના સો બસો વર્ષના કોઈ સર્વોપરી એ કંઈ લખ્યું હોય એના કરતાં તો ઘણું વિકસિત છે. આઠ વર્ષના બધા લેખ ભેગા કરો તો વચનામૃત જેવું બીજું એક મોટું થોથું તૈયાર થઈ જાય. ચાલો, તમે પણ આ કરો. આપણે બધા સર્વોપરી ભગવાન બનીએ. દરેક ઘરમાં આખી સૃષ્ટિનો એક સર્વોપરી ભગવાન હોવો જોઈએ. એટલું મુશ્કેલ નથી. બસ એક જ કામ કરવાનું છે. એક નિર્લજ્જ જીદ સતત કરતા રહો કે ‘હા, અમે સર્વોપરી છીએ જ.’ ગોળ ગોળ વાતો કરતા રહો, કોઈ તાર્કિક જવાબ ન આપો. બસ હું સર્વોપરી છું એ જીદ પર અડ્યા રહો. એક ના એક દિવસે સામેની વ્યક્તિ થાકી જશે અને જતી રહેશે. તે આપણને મૂર્ખ અને દુષ્ટ ગણી લેશે, પણ આપણે એવું કહેવાનું કે ‘જુઓ, સમયે સમયે જે પણ વિરોધ કરવા આવ્યા, બધા જતા રહ્યા. અમે સર્વોપરી હતા, છીએ અને રહીશું જ.’
આખી રમત આ છે. તેમના અંદરના સ્વામીઓ આ જાણે છે. એટલે તો સમયે સમયે કોઈને કોઈ અલગ પડી જાય છે અને પોતાને ભગવાન ઘોષિત કરી દે છે. એમનો ભૂતકાળ આવા સર્વોપરીઓથી ભરેલો છે અને વર્તમાનમાં પણ એવા જ ચારેબાજુ ફરી રહ્યા છે. જો સત્તા ખાલી ધારી લે તો છ મહિનામાં બધા સર્વોપરીઓ લાઇનમાં આવી જાય. પણ સત્તાનું ભલું પૂછવું, કોને ડંખ મારવાનો હોય અને કોને મારે. એટલે વિરોધ કરવો, એના કરતાં ઘર ઘરમાં અનેક સર્વોપરીઓ અને સંપ્રદાયો ઊભા કરી દેવા વધુ આસાન છે. આમેય હરિના નામ છે હજાર, એટલે હજાર સર્વોપરીઓ સુધી તો વિષ્ણુના નામ ચોરવામાં તંગી નહિ સર્જાય. ચાલો, આસાન છે. બસ છેલ્લી પાયરીના બેશરમ બની જવાનું છે. શું કહેવું છે?