સુવિચારો અને મંતવ્યો

સુવિચારો

દુનિયામાં બે પ્રકારના માણસો જ દુખી થાય છે. એક જે પોતાના ભાગે આવેલું સત્ય માટેનું કર્મ કરી નથી શકતા અને બીજા જે એ કર્મ કાર્ય પછી તેના ઇચ્છનીય પરિણામની રાહ જોવામાં બેસે છે. જો તમે દુખી છો તો તમે આ બંનેમાંથી કોઈ એક ભૂલ કરી રહ્યા છો.

– લઘુકથા પૃથુમાંથી

****

આનંદ સરકારી નોકરીમાં પણ નથી, આનંદ ધંધામાં પણ નથી. આનંદ ગરીબીમાં પણ નથી, આનંદ અમીરીમાં પણ નથી. આનંદ એકલતામાં પણ નથી, આનંદ પરિવારમાં પણ નથી. આનંદ વાંજીયાપણામાં પણ નથી, આનંદ સંતાનોમાં પણ નથી. આનંદ ભોગમાં નથી, આનંદ ત્યાગમાં પણ નથી. જ્યાં જેટલું સુખ છે, ત્યાંજ એટલું દુઃખ પણ છે. આનંદ છુપાયો છે આ બંનેથી જાગૃકતામાં. જ્યારે સુખ અને દુઃખ બંનેથી અલિપ્ત થઈ જવાય ત્યારે ઉત્પન્ન થાય છે પ્રેમ. બસ, આનંદ ત્યાં છે. ચાહે ઉપર બતાવેલી સુખ-દુઃખની પરિસ્થિતિમાંથી તમે જ્યાં પણ હોય ત્યાં. આખરે આજ સત્ય મળે છે.

****

રામ શબ્દનો અર્થ થાય છે ‘સર્વોચ્ચ બ્રાહ્મણ’, બ્રહ્મને જાણનારાઓમાં પણ જે સર્વોચ્ચ છે તે. આ દિવસે એક એવું જીવન જન્મ્યું જે આજીવન સત્ય પર સ્થિર રહ્યું. અને એ સમયના સત્યને સમાજમાં સ્થાપવા એ વસ્તુઓ ત્યાગી દીધી જે તેને સર્વપ્રિય હતી.

– રામનવમીના અવસરે

****

આ દુનિયામાં દરેક વસ્તુ અશક્ય દેખાય છે, ત્યાં સુધી જ્યાં સુધી એણે શક્ય કરનારો સામે નથી આવતો.

*****

જે વસ્તુમાં તમે વિશ્વાસ કરો છો તેમાં નિશ્ચિત અને સંદેહ્હીન રહો. એક દિવસ એ તમારી અઓલખ બની જશે અને તમે તમારા જીવનની શ્રેષ્ઠ વસ્તુઓં એના કરને મેળવશો.

****

શું સાચું છે અને શું ખોટું છે એની પરવા કાર્ય વિના પ્રેમ કરો. જો પ્રેમ સાચો છે તો પ્રેમ સાથે બધું સાચું છે અને પ્રેમ વિના બધું ખોટું.

હું પ્રેમ કરું છું, તેના પર કર્મ કરું છું અને રાહ જોઉં છું. બસ હું જીવનમાં આજ કરી રહ્યો છું.

****

જે લોકો વારંવાર દેશમાં ‘આઝાદી.. આઝાદી..’ ના નારા લગાવી રહ્યા છે, તેમને સરકારે તેમનાથી દેશનું નાગરિકત્વ છીનવીને આઝાદી આપી દેવી જોઈએ. એટલી દયા તો આપણે ભારતીયોએ દાખવવી જોઈએ એ ભારત વિરોધીઓ પર.

****

કોઈ માણસ કે સમૂહ સંપૂર્ણ રીતે સાચો નથી હોતો. એટલે મોદીની આંધળી ભક્તિ કરવાવાળા અને મોદીનો આંધળો વિરોધ કરવાવાળા બંને તરફના લોકો જનહિતમાં એ સમજી લે કે તે કોઈ જનચેતના ફેલાવવાનું કામ નથી કરી રહ્યા. તે બસ પોતાના અહમ અને સ્વાર્થને પોષણ આપી રહ્યા છે અને પોતાના ફ્રસ્ટ્રેશનનું પ્રદર્શન કરી રહ્યા છે. સામાન્ય લોકો જેટલું સાચું છે તેટલું સ્વીકારી લે છે અને જેટલું ખોટું છે તેટલું સમજી લે છે. એમને તમારા એ દુષિત થયેલા દ્રષ્ટિકોણની જરૂર ક્યારેય નથી હોતી.

****

જે બોજ સાથે મરી શકાય એમ નથી, એ બોજ સાથે જીવવું પણ ન જોઈએ. એ બોજ છે અસત્યનો. એટલી શક્તિ તો મેળવી લેવી જોઈએ કે કહી શકાય,

“આ મારુ સત્ય છે. જો હું છું તો એના સાથે છું. જો એ નથી તો હું પણ નથી. પછી મારા વિના દુનિયાને જે મેળવી લેવું હોય એ મેળવી લે. મારુ સત્ય મારા અસ્તિત્વની શરત છે. એનો પ્રાણ છે.”

****

જ્યાં સુધી દુનિયાના દરેક માનવને ગુણવત્તા સભર આરોગ્યસેવા અને શિક્ષણસેવા મફત નથી મળતી ત્યાં સુધી આ દુનિયાનો મૂળભૂત વિકાસ જ અધૂરો છે. ત્યાં સુધી માનવતાને ભુલાવી દઈને એકબીજાની હરીફાઈ કરવાની અને એકબીજા પર સત્તા ભોગવવાની વૃત્તિ જ મુખ્યધારામાં છે એવું સમજવું.

****

વિશ્વ પરિવાર દિવસનો અર્થ હિન્દુઅઓથી વધુ સારી રીતે કોઈ સમજાવી શકે એમ નથી.

આપણા શાસ્ત્રો કહે છે, ‘વસુધૈવ કુટુમ્બકમ. સહનાવવતુ, સહનૌ ભુનક્તુ, સહ્વીર્યમ કર્વાવહે તેજ્સ્વીનાવ ધીત્માંસ્તુ માંવીદ્વિસવાહે.’

અર્થાત

વિશ્વ એક પરિવાર છે. સાથે જીવો, સાથે પ્રેમ કરો, એકબીજાની સંભાળ રાખો, સાથે જમો, સાથે કર્મ કરો, સાથે આનંદ માણો, એક બનો.

ધરતી પરના દરેક મનુષ્યને વિશ્વ પરિવાર દિવસની શુભકામના. તમે મારા પરિવારનો હિસ્સો છો.

****

મારી હારમાં જ મારો આનંદ છે, જો તે સત્યની હર છે તો. પણ જો સત્યની જીત મારી જીતમાં છે, તો હું આખરી શ્વાસ સુધી લડતો રહીશ. પરિણામ ચાહે જે પણ હોય.

મારું મન હવે આ રીતે જ કાર્ય કરે છે. તો મારા સાથે કોઇપણ રીતે વર્તતા પહેલા આ વાતને સમજી લેવી.

****

નિસ્વાર્થતા દુર્લભ વસ્તુ છે આ દુનિયા પર. છતાંય દુનિયા એને સહન નથી કરી શકતી. કારણ કે દુનિયા સ્વાર્થી છે અને સ્વાર્થ એની કમજોરી છે.  સામેવાળાની નિસ્વાર્થતા દુનિયાને એની કમજોરીનું ભાન કરાવી દે છે.

****

‘નિષ્પક્ષતા’ જેવા કોઈ શબ્દને હું જાણતો નથી. મારા માટે એ શબ્દનું અસ્તિત્વ જ નથી. જે શબ્દનું મારા માટે અસ્તિત્વ છે તે છે ‘સત્ય’. હું સત્યનો પક્ષધર છું.

આ સમગ્ર જીવ સૃષ્ટિ એક જ મૂળ તત્વની બનેલી રચના છે. અને એ એકત્વ જ સત્ય છે. દરેક મનુષ્યને પોતાના મનપસંદ માર્ગે એ એકત્વ તરફ જવાનો અધિકાર છે અને જે માનવજાતિના આ મૂળભૂત અધિકારને છીનવી લેવાની કોશિશમાં છે હું એનો અને એના મદદગારોનો વિરોધી છું.

****

કેટલાક વર્ષો પહેલા મેં વાંચ્યું હતું કે અમેરિકાના કોઈ એક સ્થાને હોળીના દિવસે લોકો એક કાગળમાં પોતાના નકારાત્મક ગુણો અને નફરતો લખે છે. અને છેલ્લે તેઓ એ કાગળને હોળીની આગમાં નાખીને તે આગની આસપાસ આંટા મારે છે. આ રીતે હોળી તેમના માટે  તેમની નકારાત્મકતાઓથી મુક્ત થવાનો ઉત્સવ છે. જયારે તમારા અંદરની હોલિકા બળશે ત્યારે જ તમારા અંદરનો પ્રહલાદ બહાર નીકળશે.

                                        – હોળી નિમિત્તે                       

****

જેને તમે ફિઝિક્સનો હિગ્ઝ બોઝોન કહો છો એ બીજું કઈ નહિ પણ વેદોનો ચતુર્મુખ બ્રહ્મા છે. અને જેને તમે દળ કહી રહ્યા છો એ બીજું કઈ નહિ બ્રહ્માએ ઉત્પન્ન કરેલા પ્રજાપતિ છે. જેમ હિગ્ઝ બોઝોને દળ ઉત્પન્ન કર્યું તેમ બ્રહ્માએ પ્રજાપતિને ઉત્પન્ન કર્યા . જેમ પ્રજાપતિએ પોતાનામાંથી આ બ્રહ્માંડનું સર્જન  કર્યું તેમ દળે પોતાનામાંથી આ દ્રશ્ય બ્રહ્માંડ સર્જ્યું. એટલે હવે જયારે તમે ઉપનિષદ વાંચતા હોય અને તેમાં બ્રહ્મા અને પ્રજાપતિની વાત આવે એટલે તેને અનુક્રમે હિગ્ઝ બોઝોન અને દળ જ સમજવા. ભૌતિક વિજ્ઞાનના ઘણા પ્રશ્નો તો આ રીતે જ ઉકેલાઈ જશે.

– પોતાના પુસ્તક ‘સૃષ્ટિનું સત્ય અને મનુષ્યની ઉત્પત્તિનું કારણમાંથી’

****

શું ક્યારેય બે પથ્થર સાથે ટકરાઈને એક પથ્થર બનતા જોયો છે..? શું ક્યારેય સ્ટીલના બે પ્યાલા ટકરાઈને એક પ્યાલો બનતા જોયો છે..? તો પછી ચામડાના બે શરીરને ટકરાવીને એક કરવાની વ્યર્થ કોશિશ કેમ કરી રહ્યા છો..?

પ્યાલા એક નહિ થાય. પણ તે બે પ્યાલામાં રહેલા પાણીને એક ટેબલના સામસામા છેડાથી વહેવડાવશો તો વચ્ચે આવીને પાણી એક બની જશે.

પ્યાલા આપણા શરીર છે, પાણી આપણો આત્મા, વહેવાનો ગુણ પ્રેમ છે અને ટેબલ સંગીત અને મિત્રતાનું એ માધ્યમ છે જેના પર, જેના વડે આપણો પ્રેમ વહે છે.

એટલે મિલનનો એક જ માર્ગ છે. સંગીત અને મિત્રતા. એ માર્ગે તમારા આત્માને પ્રેમથી વહેવડાવતા શીખો.

****

મોહમ્મદ પયગમ્બરના બતાવેલ માર્ગે સત્યને પામવાની કોશિશ કરતા દરેક માનવોને ઈદ મુબારક. કહેવાય છે કે પયગંબર મોહમ્મદને રમઝાનના આ મહિનામાં જ આત્મજ્ઞાન થયું હતું. રમઝાન અલ્લાહના નામે સત્યને પોતાની અંદર ખોજ્વાનો મહિનો છે. આ આપની નકારાત્મકતા અને અજ્ઞાનને તપ વડે બાળી દેવાનો મહિનો છે, જેથી અલ્લાહ આપણામાં જ જાગ્રત થઇ જાય અને  આપણને આપણું આત્મજ્ઞાન આપે. મહિનાના અંતે આવતો રમઝાન ઈદનો આ દિવસ એ આત્મજ્ઞાનની ઉજવણીનો જ દિવસ છે.  હું આપણા એ એક ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તે મુસ્લિમ ભાઈઓને ઇસ્લામના આ આધ્યાત્મિક માર્ગે જવાની હિમ્મત અને સદબુધ્ધી આપે. આ માર્ગે જતાં જ દુનિયા પર શરીયાના કાયદા લાદી દેવાની તેમની સત્તાલોલુપ જીદ શાંત થશે, જે વિશ્વમાં ધાર્મિક આતંકવાદનું મૂળભૂત કારણ છે.

****

લોકો મને પૂછે છે કે હું કેમ વિવાદાશ્પદ અને સળગતા પ્રશ્નો ને જ હાથ અડાડું છું?

અને હું તેમને એક જ જવાબ આપી શકું છું કે બાઈબલમાં કહ્યું છે કે નરકની સૌથી ખરાબ જગ્યા એ લોકો માટે રીઝર્વ છે જે સત્ય અને અસત્ય ના યુદ્ધ સમયે તટસ્થ થઈને બેઠા હતા.  

બસ હું એ રીઝર્વેશનમાં આવવાનું ટાળી રહ્યો છું.

****

સ્વાર્થ હિંસા છે, પ્રેમ અહિંસા. સ્વાર્થ પાપ છે, પ્રેમ પુણ્ય.
સ્વાર્થ નર્ક છે, પ્રેમ સ્વર્ગ. સ્વાર્થ દુખ છે, પ્રેમ સુખ.
સ્વાર્થ પીડા છે, પ્રેમ આનંદ. સ્વાર્થ બંધન છે, પ્રેમ મોક્ષ.
આ જ આખરી સત્ય છે.

જે સત્ય ને આટલી સ્પષ્ટ અને સરળ રીતે સમજ્યો છે તેણે જ સત્યનો સાક્ષાત્કાર કર્યો છે.
જે મોટી મોટી અને લાંબી લાંબી ફીલોસોફીઓમાં રોકાયેલો છે તે હજુ શબ્દો દ્વારા ઇન્દ્રીઓને પોષણ આપી રહ્યો છે.
તે ફક્ત શારીરિક ભોગવિલાસથી વૈચારિક ભોગવિલાસ તરફ વળ્યો છે.
આજે પણ સત્યથી તો એ જોજનો દુર છે. કારણ કે સત્ય શબ્દોની પહોંચથી ઉપર છે.
સત્યને જાણવાવાળો શાંત અને મૌન બને છે, બકબકીઓ નહી.

****

મૂંગા બની રહેવાથી અને બધું અંદર દબાવી દેવાથી એકવાર સબંધો સચવાઈ જાય છે, સત્ય નથી સચવાતું. અને સંબંધોમાં સત્ય ના રહે ત્યારે તે સબંધો જ નર્ક બની જાય છે. જે સબંધો સત્યના આધારે સચવાય એજ જીવન તરફ લઇ જાય છે, જે મજબૂરી અને બાહ્ય બનાવટના આધારે સચવાય એ ગુલામી અને અર્થહીન મૃત્યુ તરફ. મૂર્ખ અને કમજોર લોકો જ એવું જીવન જીવે છે.

****

સત્યની પરીક્ષા કરવી અહંકાર છે, સત્યની પ્રતીક્ષા કરવી તપસ્યા છે. અહંકાર આખરે તૂટે છે અને દુઃખ આપે છે. તપસ્યા પણ આખરે તૂટે છે અને ઈશ્વર આપે છે.

****

કોઈપણ સમયે કોઈપણ ક્ષેત્રમાં જીવન જીવવાના ત્રણ જ રસ્તા છે. સ્થાપિત વ્યવસ્થામાં ગોઠવાઈ જાઓ, એક નવી વ્યવસ્થા ઉભી કરો અથવા સન્યાસ લઇ લો. જીવન જીવવાનો ચૌથો કોઈ માર્ગ નથી. આ ત્રણમાંથી કોઈપણ માર્ગ જો પોતાના આત્માના અવાજને સાંભળીને નિડરતાથી પસંદ કરાયો છે તો એ ઈશ્વરનો માર્ગ છે, મુક્તિ અને આનંદનો માર્ગ છે. પણ જો આમાંથી કોઈપણ માર્ગ કાયરતા કે અભિમાનથી લેવાયો છે, તો એ યાતનાઓથી ભરેલી ગુલામી અને અપકીર્તિ આપનારા વિનાશનો માર્ગ છે.

****

કેટલીક મુલાકાતો નિશ્ચિત સમય, નિશ્ચિત સબંધ અને નિશ્ચિત જન્મમાં થાય એ જ યોગ્ય હોય છે.

****

સામે દુશ્મનો કેટલા છે એ વાતનું કોઇ મહત્વ નથી હોતું. મહત્વ એક જ વાતનું હોય છે કે તમારા પલડામાં સત્ય છે કે નહીં. બાહ્ય દેખાવો કે ગતકડા કરવાથી શક્તિ નથી દેખાતી. શક્તિ અંદરના સત્ય સાથે ખાલી સામે ઉભા રહેવાથી દેખાય છે. આપણા ત્રણ જીલ્લા એકઠા કરીએ એવડું ઇઝરાઇલ આજુબાજુના પાંચ દેશો સાથે એકીસાથે યુધ્ધ કરીને છ દિવસમાં તેમને હરાવી દે છે. શક્તિ એ એક સવાલના જવાબમાંથી આવે છે કે તમે શાના માટે લડી રહ્યા છો?
 
****
 
ક્યારેય કોઇ કામ પ્રત્યાઘાત સ્વરુપે ન કરો. એજ કરો અને એ ન જ કરો જે કરવાનું કે ન કરવાનું તમારા અંદર ધબકી રહેલા બ્રહ્મ રુપી આત્મા તરફથી તમને નિર્દેશાઇ રહ્યું છે. કોઇપણ કર્મનો નિર્ણય કરતાં પહેલા મનના અહંકાર, સ્વાર્થ અને ડરને હમેશાં બાજુમાં રાખવો – એને જ કહેવાય છે જાગરૂક બનીને કર્મ કરવું.
****
 
 
“જીવનની બધી પરેશાનીઓ, દુખો અને પછતાવા લક્ષ્ય ભૂલી જવાના કારણે હોય છે. લક્ષ્યના માર્ગેથી હટીને તમે જે વિચરણ કરો છો તે જ તમને ભૂલો, પાપ અને અધર્મથી ભરી દે છે. એની સજા ભોગવીને યાતના ભોગવતા ભોગવતા તમે લક્ષ્યના માર્ગે પાછા આવો છો. જો ફરી એ માર્ગ છોડી વિચરવા ગયા તો ફરી એજ ચક્ર ચાલું રહે છે. પણ જો લક્ષ્યનો માર્ગ અડગતાથી પકડી રાખ્યો તો એજ તમને મહાનતા, સફળતા, શાશ્વત સુખ અને આખરે મુક્તિ સુધી લઈ જાય છે. મનુષ્ય જન્મમાં થતી આપણી યાત્રાની બસ આજ કહાની છે.”
****
 

મંતવ્યો

સ્વતંત્રતા અને સ્વચ્છંદીતા વચ્ચેનો ફર્ક

 

સ્વતંત્રતા અને સ્વછંદિતા વચ્ચે શું ફર્ક છે તે હંમેશા ડિબેટનો સવાલ રહ્યો છે. હું એમાં આટલું સમજ્યો છું. સ્વતંત્ર માણસ પોતે જે સાચું માને છે તેના માટેના તર્કો વિકસાવે છે અને લોકોને કન્વિન્સ કરે છે કે તે જે કરે છે તે સાચું છે અને બીજા પણ તે પરિસ્થિતિમાં એ કરી શકે છે, એમાં કઈ ખોટું નથી. જેટલા વિચારોમાં એ સત્ય સમજાઈ શકે છે તેટલા વિચારો જ તે અમલમાં મૂકે છે. 

            જયારે સ્વચ્છંદી માણસ શું સાચું છે અને શું ખોટું એની પરવા કર્યા વગર પોતાને જે ઈચ્છા થઇ તે સાચું એમ કહીને ધાર્યું કરવા જાય છે. આથી, તે સમાજથી અને પોતાની જવાબદારીઓથી કપાઈ જાય છે. સમાજ  તેનાથી વિપરીત થઇ જાય છે અને લોકોમાં તેની સ્વીકાર્યતા ખતમ થઇ જાય છે. એટલે તે ક્ષણિક આનંદ મેળવી આજીવન દુઃખી રહે છે. જયારે સ્વતંત્ર માણસ પોતાની બધી જવાબદારીઓ નિભાવીને પણ એ જવાબદારીઓના નામે કોઈનો ગુલામ બનવા તૈયાર થતો નથી. તે આજીવન તેનો વ્યક્તિગત આનંદ જાળવી રાખે છે અને તેની આ સફળતા જોઈને લોકોમાં તેના જેવા બનવાની ચાહના વધતી જાય છે. પરિણામે તે પોતે જે ચાહે છે તે કરીને પણ સમાજનો ચહેતો બની રહે છે. કારણ કે તેણે જે પણ ચાહ્યું તે તેણે સત્યની સીમાઓમાં રહીને ભોગવ્યું. અને કારણ કે આ સૃષ્ટિમાં સત્ય જ શાસ્વત છે, એટલે સત્યની છેલ્લી સીમાઓ સુધી મેળવેલો આનંદ જ શાસ્વત રહે છે. સત્યની સીમાઓ ઓળંગતા જ દુઃખો અને પીડાઓનું રાજ્ય શરુ થઇ જાય છે.

****

નવરાત્રીમાં કઈ શક્તિની ઉપાસના કરીશું…?

તો આજથી નવરાત્રી શરુ થાય છે. નવરાત્રી શક્તિની ઉપાસનાનો પર્વ છે. પણ એ શક્તિ શું ક્યાંય ઉપર અંતરિક્ષમાં બેઠી છે..? નહિ. ઉપનિષદો, ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના એ મહાન સિદ્ધાંતો શોધવાવાળા આપણા એ પૂર્વજો આવી અવૈજ્ઞાનિક વાત તો ન કરે. તો આ કઈ શક્તિની ઉપાસનાનું પર્વ છે..? એ શક્તિ છે આપણા આસપાસ રહેલી પૃથ્વી પરની દરેક સ્ત્રી. હા, આ નવ દિવસ એની ઉપાસનાનું પર્વ છે. આપણા એ પૂર્વજોએ વર્ષના નવ દિવસ એવા નિશ્ચિત કર્યા જયારે ધરતી પર સ્ત્રી મુખ્ય બની જાય અને પુરુષ તેની ઉપાસના કરતો હોય એ રીતે પ્રેમ, સમ્માન અને ભક્તિભાવથી સ્ત્રીના સાથે જ મન મૂકીને નાચે અને ગાય. આ ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિનના મહત્વનું મિથક છે. એટલે આ નવ દિવસ કોઈ દેવીના ફોટા સામે પોતાના સાંસારિક સ્વાર્થો માટે ગીડગીડાવા કરતા એ દરેક સ્ત્રી સામે પોતાના મનમાં સમ્માન અને પ્રેમથી શીશ જુકાવજો જે તમને ક્યાંય પણ જોવા મળે છે. પછી ચાહે તે સાડી પહેરેલી હોય, જીન્સ પહેરેલી હોય, સ્કર્ટ પહેરેલી હોય કે બુરખો પહેરેલી હોય- તે શક્તિ છે, તેના સામે આદરથી ઝુકો. 

            જરૂરી નથી કે તમે એ દરેકને મા માનો. એ તમારી બહેન હોઈ શકે છે, પત્ની હોઈ શકે છે, પુત્રી હોઈ શકે છે, પ્રેમિકા હોઈ શકે છે, મિત્ર હોઈ શકે છે કે કોઈ સાવ અજાણી સ્ત્રી હોઈ શકે છે. એ દરેક શક્તિ જ છે. અને આ એની જ ઉપાસનાનું પર્વ છે. આ નવ દિવસ એને બસ પ્રેમ અને સમ્માનથી જુઓ. તમારા તેના પ્રત્યેના વિચારો થોડા સ્ટ્રેઇટ થઇ જશે. નવરાત્રિને પેલી ડાન્સિંગ કારનો ઉત્સવ માનવાવાળા કોલેજીઅનો તો ખાસ. આ વખતે તો રસ્તાઓ પર મેનફોર્સના સની લિઓનીવાળા એ મોટા મોટા હોર્ડિંગ્સ પણ જોઈ લીધા જેમાં લખ્યું હતું, ‘નવરાત્રી ખેલો મગર પ્યાર સે.’ અને એ માટે જવાબદાર હું ખાલી આજની પેઢીના છોકરા-છોકરીઓને નથી માનતો. હું અમારા આગળની એ પેઢીઓને પણ જવાબદાર માનું છું જેમણે ક્યારેય નવરાત્રીના સાચા અર્થને ના પોતે જાણ્યો ના પોતાના સંતાનોને જણાવ્યો. એ પેઢી બસ સંતાનોને પૈસા અને ભૌતિકસુખ આપવા માટે માતાજીની આરતીઓ કરતી રહી અને એ પૈસા મેળવીને તેમના સંતાનોએ નવરાત્રીમાં ડાન્સિંગ કારોનો આવિષ્કાર કર્યો. એટલે કાચની ફ્રેમમાં રહેલી દેવીઓ સામે ભીખ માંગવાનું ઓછું કરીએ અને નજર સામે જે દેવીઓ ફરી રહી છે તેમની આદર અને પ્રેમથી ઉપાસના કરીએ. તો જ આપણને સદગતિ અને સદબુદ્ધિ મળશે. હિંદુત્વના નામે વોટ આપતા તો આપણે થઇ ગયા હવે થોડું હિન્દુત્વ શું છે એનું આત્મમંથન પણ શરુ કરી દઈએ તો આવનારી પેઢી ભટકતી અટકે.

****

 

 

તો આ છે નવરાત્રીના છેલ્લા દિવસનું મહત્વ.

તો આજે છેલ્લી નવરાત્રી છે. નવ રાત્રીઓનો આ તહેવાર સ્ત્રીની શક્તિ તરીકે આરાધના કરવાનો તહેવાર હતો. અને આજે નવમા દિવસે આ કરવાનું છે. 

દરેક પુરુષ જેટલી પણ સ્ત્રીઓથી પ્રેમ  કરતો હોય તે દરેકને નવરાત્રીના મંદિરમાં રહેલા માં શક્તિના ફોટામાં કલ્પી લે. અને પછી દરેક પુરુષ આંખો બંધ કરી પોતાને તે માં અંબા કે દુર્ગાના ગર્ભમાં સ્થાયી થયેલો કલ્પી લે. એજ સંસારના દરેક પુરુષનું સ્થાન છે. શક્તિનો ગર્ભ. એજ રીતે દરેક સ્ત્રી આજે તેને જેટલા પણ પુરુષોથી પ્રેમ હોય તે 

            દરેકને પોતાના ગર્ભમાં સમાતા કલ્પી લે. આજ એ પિંડની સ્થિતિ છે જેમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ હતી. અને સૃષ્ટિના અંતે પણ આજ થવાનું છે. સંસારની સમગ્ર પુરુષ પ્રકૃતિ, મનુષ્ય અને પ્રાણીઓ રૂપે રહેલા પુરુષથી કણ રૂપે રહેલા પ્રોટોન સુધી, અંતે સંસારની સમગ્ર સ્ત્રી પ્રકૃતિના એકત્ર થવાથી બનેલા ગર્ભમાં સમાઈ જવાની છે. આજ એ શિવલિંગની સ્થિતિ છે જે આપણા મંદિરોમાં સ્થાયી થયેલા છે. વચ્ચે શિવ છે ફરતે શક્તિ. વચ્ચે લિંગ છે, ફરતે યોની. લિંગ સંસારને આધાર આપતો પુરુષ છે, યોની સંસારને વિસ્તરણ આપતી પ્રકૃતિ. બંનેના મિલનથી જ બ્રહ્મનું, ઈશ્વરનું મૂળ સ્વરૂપ બને છે. જે આપણા બધાનું પણ મૂળ સ્વરૂપ છે. તે જ આપણો મોક્ષ છે. 

            આજે છેલ્લી નવરાત્રી તે મોક્ષની સ્થિતિને યાદ કરવાનો દિવસ છે. આ સ્ત્રી-પુરુષના ભેદથી બહાર નીકળી આપણા મૂળ લક્ષ્યને યાદ કરવાનો દિવસ છે. આવું કરવાથી આવતીકાલના સૂર્યોદય સાથે આપણે સૌ સ્ત્રી-પુરુષ સંસારમાં એકબીજાનું મહત્વ સમજતા થઈ જઈશું, એકબીજાને સમાન માની સમ્માન આપતા થઈ જઈશું. નવરાત્રી વર્ષમાં એકવાર થતું આપણા મનના કોમ્પ્યુટરનું રિબુટિંગ છે, જે સ્ત્રી-પુરુષોમાં એકબીજા પ્રત્યે આવી ગયેલા મેલને દૂર કરી તેમને તેમના શિવ-શક્તિ અને પુરુષ-પ્રકૃતિના સ્વરૂપની યાદ કરાવે છે.

****

રોહીન્ગ્યા અને ઇસ્લામ મુદ્દે

ભારતમાં પ્રવેશતા રોહિંગ્યાઓને કહી દો કે ‘ભારતમાં હંમેશા માટે આશ્રય જોઈતું હોય તો હિન્દૂ ઓળખ અને હિન્દૂ જીવનપદ્ધતિ સ્વીકારવી પડશે. ૧૯૪૭ ના ઇસ્લામના નામે વિભાજન પછી ભારત મુસલમાનોનું આશ્રયસ્થાન બની શકે તેમ નથી. એના માટે અમે અમારી ૩૨ ટકા જમીન આપીને પાકિસ્તાન,બાંગ્લાદેશ બનાવી આપ્યા છે. ત્યાં જાઓ. ભારત દરેક સંસ્કૃતિનો દેશ છે પણ આશ્રયસ્થાન એ ખાલી હિન્દુઓનું છે.’ 

            જો સરદાર પટેલ અને આંબેડકરની બુદ્ધિથી દેશ ચલાવવો હોય તો હવે આ કહી દો. બાકી નેહરુની બુદ્ધિથી જ દેશ ચલાવવો હોય તો બીજા કાશ્મીર ઉભા કરતા રહો.

ઉપરના મંતવ્ય બાદ આખરે કાલે એક મુસ્લિમ ભાઈએ મને પૂછી લીધું, ‘સાહેબ ઇસ્લામ વિષે તમારા સ્પષ્ટ વિચારો શું છે..?’

મેં જવાબ આપ્યો, “મારા વિચારો  સબ્જેકટીવ હોય છે, ઓબ્જેક્ટિવ નહિ. પોતાના પર સત્તા મેળવી લેવી ધર્મ છે અને કોઈ બીજા પર સત્તા મેળવવી સરમુખત્યારશાહી. મારા જીવનનું એક જ લક્ષ્ય છે. જે પોતાના પર સત્તા મેળવવા માંગે છે તેમને મદદ કરવી અને જે બીજા પર સત્તા મેળવવા માંગે છે તેમને રોકવાની કોશિશ કરવી. ઇસ્લામ કે બીજી કોઈપણ વસ્તુ મારા સામે આમાંથી જયારે જે સ્વરૂપે આવે છે તે મુજબ હું મારો નિર્ણય કરું છું.” 

****

અઝાન મુદ્દા વિશે

સોનુ નિગમની અઝાનવાળી કોમેન્ટે વિવાદ જગાવ્યો. આ વિષય પર લખવાનું હું ઘણા દિવસથી વિચારી રહ્યો હતો. પહેલા તો એ કહી દઉં કે મારા ૯૮ વર્ષના દાદી અભણ છે અને સમય જાણી નથી સકતા. એટલે તેમણે અલગ અલગ ભગવાનોની માળા કરવાનો સમય અઝાન સાથે જોડી દીધો છે. સવારે પાંચ વાગે જયારે અઝાન બોલે ત્યારે એ માળા પકડી લે છે અને રામની માળા કરે છે. અને સાંજે પણ. છતાંય એકવાત જેને સુધારવી બહુ જ જરૂરી છે તે એ છે કે અઝાનમાં કહેવામાં આવે છે કે ‘અલ્લાહ જ એકમાત્ર ઈશ્વર છે અને મહોમ્મદ જ તેના એકમાત્ર પયગંબર છે. બીજું કોઈ નહિ.’ ભારત જેવા દેશમાં જ્યાં ૧૦૦ કરોડ લોકો રામ, કૃષ્ણ, શિવ અને બીજા અનેક ઈશ્વરીય રૂપોને માનતા હોય, જ્યાં ખ્રિસ્તી, પારસી, શીખ અને બૌદ્ધ લોકોના પોતપોતાના ભગવાન હોય ત્યાં દિવસમાં પાંચવાર લાઉડસ્પીકર પર કહેવું કે ‘અલ્લાહ જ એકમાત્ર ઈશ્વર છે અને મહોમ્મદ જ તેના એકમાત્ર પયગંબર છે’ – એ ધર્મનિર્પેક્ષતાની સીમાઓનું ઉલ્લંગન છે.  

            તો મસ્જિદોમાં અઝાન બોલાય પણ દરેક વખતે એ જે રાજ્યમાં બોલાતી હોય તે રાજ્યની પ્રાદેશિક ભાષામાં પહેલા એ સૂચના આપે કે – ‘આ પ્રાર્થના ખાલી એ લોકો માટે જ છે જે ઇસ્લામના માર્ગે ભગવાનને પૂજે છે. આપણા બીજા ભાઈઓ જે પણ માર્ગે  ઈશ્વરને પૂજતા હોય તે માર્ગે તે ઈશ્વરની પ્રાર્થના કરી શકે છે.’ બસ, પોતાના દેશવાસીઓ પ્રત્યે અને જગતના અન્ય ધર્મો પ્રત્યે આ સમ્માન એ દરેક અઝાન પહેલા દિવસમાં પાંચેય વખત પ્રગટવું જોઈએ. આખરે ધર્મનિરપેક્ષતા કોઈ કાયદો નથી. એ એક મન:સ્થિતિ છે, દરેક મનુષ્યના ઈશ્વરપ્રાપ્તિના માર્ગ પ્રત્યે સમ્માન ધરાવતી મન:સ્થિતિ.

****

 

રાજકીય જાતિવાદ

છેલ્લા કેટલાક સમયથી મને પુછાઈ રહ્યું છે કે કેમ મેં પોલિટિક્સ વિષે લખવાનું બંધ કરી દીધું છે, જયારે ગુજરાતમાં એકરીતે રાજકીય જાતિવાદનો દાવાનળ ફાટી નીકળ્યો છે. 

હું બસ કહી રહ્યો છું કે હું જોઈ રહ્યો છું. હું જોઈ રહ્યો છું કે જે મહાન આર્યો અને વૈજ્ઞાનિક ઋષિમુનિઓના આપણે વંશજો છીએ એ વંશજો છેલ્લામાં છેલ્લી કઈ હદે પતિત બન્યા છે. હું જોઈ રહ્યો છું કે વેદાન્તનું વિજ્ઞાન સમજાવ્યા વગર ખાલી કોઈનાથી ડરાવી ડરાવીને હિંદુઓને એક કરવાની કોશિશ થાય છે ત્યારે કેવીરીતે એક્સમય પછી તેઓ એ ડરથી ઉબી જાય છે અને પોતાની વિભાજનવાદી અસલિયત પર પાછા ફરે છે. હું જોઈ રહ્યો છું દેશદ્રોહીઓની તાર્કિક બુદ્ધિશક્તિને અને દેશને બચાવવાની વાતો કરતા બડબડીયા દેશભક્તોની બુદ્ધીહીનતાને. આ બધું મને સમજાવી રહ્યું છે કે મારે મારુ આગળનું જીવનકાર્ય કઈ રીતે પાર પાડવાનું છે. 

            અબ્રાહમ લિંકનને એકવાર પૂછવામાં આવ્યું કે તમને એક કુહાડી આપીને સાત કલાક માટે જંગલમાં ઝાડ કાપવા મોકલવામાં આવે તો તમે શું કરો..? લિંકને કહ્યું, ‘હું સાતમાંથી છ કલાક કુહાડીને અણીદાર બનાવવામાં કાઢું અને બાકીનો એક કલાક ઝાડ કાપવામાં કાઢું.’ લિંકનની આ વાતનો અર્થ હું હંમેશાથી સમજતો હતો, પણ આજે સૌથી વધુ સમજુ છું. 

****

 

 

સાચું સ્થાન – સાચું કર્મ

જેમ જેમ સમજ વધતી ગઈ એકવાત સ્પષ્ટરૂપે સમજાતી ગઈ. દુનિયામાં  કેટલાક લોકોએ પોતાની જાતને પોતે છે એના કરતા ઘણી વધારે માની લીધી છે અને કેટલાક લોકોએ પોતાની જાતને પોતે છે એના કરતા ઘણી ઓછી માની લીધી છે. પરિણામે જેને સમર્પિત થઈને જીવવાનું છે તે મુખ્ય થઈને બેઠા છે અને જેમને મુખ્ય બનીને જવાબદારી લેવાની  છે તેમણે સમર્પિત બનીને પરિસ્થિતિઓ પોતાના પર હાવી કરી દીધી છે. આજ દુનિયા અસંતુલિત હોવાનું મુખ્ય કારણ છે. 

            અહીંથી, સંતુલન લાવવાનો એક જ માર્ગ છે. શક્તિશાળી અને ઊંડી સમજવાળો માણસ પોતાની જવાબદારી સમજીને પોતાનું સાચું સ્થાન લઇ લે. ઓછી સમજવાળા માણસો અમુક સમય પછી આપોઆપ સમર્પણની ભૂમિકાએ આવી જશે. જયારે જયારે સમાજના કુંઠિત વિચારો સાથે મારો સંઘર્ષ થયો છે, મેં આજ કર્યું છે. પરિણામે સમાજના ઘણા વડીલો જે ક્યારેક મારા વિરોધીઓ હતા, તે આજે મારા પ્રસંશકો છે. તમારી શક્તિઓ અને અનુભૂતિઓ તમને ઈશ્વર તરફથી સોંપાયેલું કાર્ય છે. તમે જયારે એનાથી પીછેહઠ કરો છો ત્યારે ઈશ્વર સાથે દ્રોહ કરો છો. તમે ઈશ્વર માટે દુનિયા પરની એક નકામી વસ્તુ બની જાઓ છો અને તે તમારામાંથી પોતાની અભિવ્યક્તિ સંકોચવા લાગે છે.

****

સત્ય જાણવાનો સ્ત્રોત

કાલે એક સિત્તેર વર્ષના સમ્માનીય વડીલ મારા એક લેક્ચર પછી મને મળ્યા. એમણે કહ્યું ‘હું છેલ્લા ઓગણતીસ વર્ષથી સત્યની શોધમાં આમતેમ ફરી રહ્યો છું. લગભગ સેંકડો જાણીતા કે ન જાણીતા આધ્યાત્મિક પુસ્તકો વાંચી ચુક્યો છું અને તેટલા જ વક્તાઓને પણ સાંભળી ચુક્યો છું. પણ આજે તમને સાંભળીને કહું છું કે હું તમારા જેવા માણસને પહેલીવાર મળ્યો છું. હું તમારા સામે શરણાગતિ સ્વીકારું છું. તમે મને કહો હું શું કરું..?’

            મેં જવાબ આપ્યો, “હવે એ બધા પુસ્તકો વાંચવાના અને આવા પ્રવચનો સાંભળવાના બંધ કરી દો. બહુ વાંચી  લીધું, બહુ સાંભળી લીધું. હવે જે નથી જાણતા એ પોતાના મસ્તિસ્કને પૂછવાનું શરુ કરો. આજુબાજુ જોવાનું બંધ કરી દો.  બસ પોતાના મસ્તિસ્કને પૂછે રાખો. એક મહિનો થાય, બે મહિના થાય, ત્રણ મહિના થાય કે છ મહિના થાય, તમારા મસ્તિસ્ક પર તમને જવાબ આપવાનું દબાણ વધારતા જાઓ. એક દિવસ આવશે જયારે તમારા મસ્તિસ્કમાં એનો જવાબ ખુલી જશે. પણ જો પંદર દિવસ મસ્તિષ્ક પર દબાણ કરીને સોળમા દિવસે ચોપડી વાંચવા બેસી જશો તો એ કંઈક એવું જ છે કે ગણિતનો કોઈ દાખલો ગણવા બેઠા અને બે સ્ટેપ ગણ્યા પછી કંટાળીને ગાઇડમાં જોઈ લીધું. એ એક ચોરી છે. દાખલો તો ગણાઈ ગયો  પણ એનો સિદ્ધાંત તમને આત્મસાત નથી થયો. એજ સિદ્ધાંતનો બીજો દાખલો સામે આવશે એટલે તમે નહિ ગણી શકો. 

            સત્યને ફક્ત પોતાના મસ્તિસ્કમાં જ શોધી શકાય છે. જે દિવસે તમને કોઈ સત્ય મળે તે દિવસે એ કેટલું સાચું છે એની ફક્ત ચકાસણી કરવા તમને ચોપડીઓ અને પ્રવચનો ઉથલાવવાની છૂટ છે. પણ એ ચકાસી લીધા પછી આગળનું સત્ય જાણવા એ ચોપડીઓ બંધ કરી ફરી પોતાના મસ્તિસ્ક પર આવવું પડશે.

            દુનિયાની બધી શોધો આ રીતે જ થઇ છે. ન્યુટને ગુરુત્વાકર્ષણની શોધ કરી એના પહેલા પણ પૃથ્વી સૂર્ય આસપાસ ફરતી જ હતી. ન્યુટને ગુરુત્વાકર્ષણ ઉત્પન્ન નથી કર્યું. તેણે બસ ગુરુત્વાકર્ષણને પોતાના મસ્તિષ્કમાં અનલોક કર્યું. આપણે પણ જે જાણવા માંગીએ છીએ તેના માટે આ જ કરવાનું છે.”

            સત્યને ચોપડીઓ અને પ્રવચનોમાં શોધતા માણસો માટે જનહિતમાં જારી.

****

નગ્ન સત્ય બોલવા વિશે

આખરે હમણાં એક જગ્યાએ મને એ સવાલ પૂછી લેવાયો જેને સાંભળવા માટે હું ઘણા સમયથી તૈયાર બેઠો હતો.

સવાલ: આટલા આધ્યાત્મિક પુરુષ હોવા છતાં અને સૃષ્ટિના ગૂઢ સત્યને આટલી વૈજ્ઞાનિક ભાષામાં કહેતા હોવા છતાં રાજનીતિ અને સાંપ્રદાયિક મુદ્દાઓમાં તમે કોઈ એક તરફનું સ્ટેન્ડ કેમ લઇ લો છો?

જવાબ: મારા જીવનના શરૂઆતી તેવીસ વર્ષમાં રાજનીતિ મારા  માટે એક અજાણ્યો વિષય હતી. મને ખાલી લોકસભાનું નવું નવું ટેલિકાસ્ટ શરુ થયું ત્યારે વાજપેયીએ આપેલા ભાષણોના દ્રશ્યો યાદ છે અને કારગિલ યુદ્ધ. મને યાદ નથી કે કોંગ્રેસ પાછી ક્યારે આવી. મને યાદ નથી કે ક્યારે તે સમયના ગૃહ મંત્રીએ અને રાહુલ ગાંધીએ હિન્દૂ આતંકવાદ ભારત માટે સૌથી મોટો ખતરો છે એવું કહ્યું કે ક્યારે દિગ્વિજયસિંહ અને મહેશ ભટ્ટ જેવા લોકોએ ૨૬/૧૧ નો મુંબઈ હુમલો આરએસએસનું ષડયંત્ર છે એવું પુસ્તક બહાર પડ્યું. 

            મને યાદ છે ત્યાં સુધી મેં ૧૯ વર્ષની ઉંમરે મારો પહેલો વોટ ૨૦૦૭ ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને આપ્યો હતો અને ૨૦૦૯ ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને. મારી દુનિયા અલગ હતી. પણ ૨૦૧૧ માં તેવીસ વર્ષની ઉંમરે જયારે આધ્યાત્મિક સાક્ષાત્કારોમાંથી પસાર થયો એ પછી મારી દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. હું ખાલી સત્ય જાણતો નથી, હું સતત એનું દર્શન કરું છું. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળોને મારી સામે ભજવાતા જોઉં છું. એટલે ધર્મ અને આધ્યાત્મની મીઠી મીઠી વાતો કરીને વાહવાહી મેળવવાની વાસનામાં હું અનિષ્ટને સમાજમાં સ્થપાતા જોઈ શકું  એમ નથી. મેં સંસ્કૃતિથી ભ્રષ્ટ અને માતૃભૂમિના હિતથી વિમુખ બનેલા કોંગ્રેસીઓ અને ડાબેરીઓ પર હુમલા કર્યા છે તો હિન્દૂ ધર્મને બચાવવાના ચક્કરમાં જાણે-અજાણે હિન્દૂ ધર્મનું  ઇસ્લામીકરણ કરી રહેલા બ્રાહ્મણવાદીઓ અને મૂર્ખ હિન્દુવાદીઓને પણ નિશાન પર લીધા છે. 

            કોઈપણ માણસ જયારે સત્યનું દર્શન કરતો થઇ જાય છે ત્યારે હંમેશા તે સત્યને સમાજમાં સ્થાપવાની કોશિશો કરતો થઇ જાય છે. એજ એનો ધર્મ છે. અને માનવસમાજમાં સત્યની સ્થાપના બે જ માર્ગે થઇ શકે છે. એક રાજનીતિ અને બીજી શિક્ષણવ્યવસ્થા. એટલે સ્વાભાવિક રીતે જ એ બંને ક્ષેત્રો મારા માટે આધ્યાત્મના પૂરક બની ચુક્યા છે. આ બંને ક્ષેત્રોમાં આધ્યાત્મની સ્થાપના થયા વિના સમાજમાં સત્યની સ્થાપના થવી અશક્ય છે. એટલે જ આવનારા બે વર્ષમાં ‘વેદાંતી સત્યવાદ’ નામની એક રાજ્યવ્યવસ્થા અને સમાજવ્યવસ્થાની રૂપરેખા આપી રહ્યો છું જ્યાં દુનિયાની રાજનીતિ અને શિક્ષણપ્રથામાં આધ્યાત્મ મુખ્ય ધારા હોય. આગળ ઘણું છે, પણ સમય અત્યારે આટલું કહેવાનો જ આવ્યો છે.

****

વેલેન્ટાઈન ડે નિમિત્તે

તો આજે મેં ફરી એ અભિનય કર્યો. 

લગ્ન પહેલા મેં મારી પત્નીને કહેલું, ‘સત્યની અનુભૂતિ કરી લીધા પછી માણસ એક સારો અભિનેતા બની જાય છે. એટલે હું  જીવનમાં જે પણ કરી રહ્યો છું તે અભિનય જ છે.’ 

તેણે કહ્યું, ‘તો શું તમે મારા સાથે પણ એક્ટિંગ જ કરો છો?’

મેં કહ્યું, ‘હું તને પ્રેમ કરું છું એ સત્ય છે. એ એક સ્થિતિ છે જેને હું જીવું છું. પણ જયારે હું તને ‘આઈ લવ યુ’ કહું છું ત્યારે હું એ સ્થિતિથી નીચે ઉતરું છું અને અભિનય કરું છું. એટલે તું નક્કી કર કે તારે સત્ય જોઈએ છે કે અભિનય.’

એણે કહ્યું ‘બંને.’

તો બસ આજનો દિવસ એ અભિનય કરવાનો દિવસ છે. અને એને કોઈ સંસ્કૃતિ સાથે જોડ્યા વગર આ  અભિનયનો આનંદ ઉઠાવવો જોઈએ. બસ શરત એટલી છે કે એ અભિનય પાછળ પ્રેમનું સત્ય હાજર હોય, વાસનાનો ભટકાવ નહિ. 

Happy Valentine’s day.

****

દીકરી કૃષ્ણાના જન્મ નિમિત્તે

હું જયારે કોલેજમાં હતો ત્યારે સંકલ્પ કરેલો – “જ્યાં સુધી હું નહિ જાણી લઉ કે હું આ દુનિયા પર કેમ છું ત્યાં સુધી કોઈ સંતાન પેદા નહિ કરું. કારણ કે જ્યાં સુધી હું જ નથી જાણતો કે માનવજીવન શાના માટે છે ત્યાં સુધી એક નવા મનુષ્યને આ અંધકારમાં લાવવાનો મને હક નથી.” પણ આજે મેં એ જવાબ જાણી લીધો છે અને એને દુનિયાને પણ વૈજ્ઞાનિક રીતે સમજાવ્યો છે. એટલે હવે એ સંકલ્પ પૂરો થઇ રહ્યો છે. હું મારા પહેલા સંતાન તરીકે એક નવા મનુષ્યને દુનિયા પર લાવી ચુક્યો છું અને એને આપવા માટે મારી પાસે લગભગ બધા જવાબો હાજર છે. 

મારી પુત્રી ‘કૃષ્ણા’.

            પ્લીઝ મને કોઈ ધન-સંપત્તિની લાલચ આપતી પેલી સાંત્વના ના આપે કે ‘લક્ષ્મી આવી.’  એ જમાનો, એ પેઢી હવે વીતી ચુકી છે.  સ્ત્રીનો લક્ષ્મી બનવાનો યુગ પૂરો થઇ રહ્યો છે અને યુગ આવી રહ્યો છે સ્ત્રીનો ‘શક્તિ’ બનવાનો. શક્તિ એટલે શિવ સ્થિતિની સ્ત્રી અને કૃષ્ણા એટલે વિષ્ણુ સ્થિતિની સ્ત્રી. ‘કૃષ્ણા’ લક્ષ્મી અને શક્તિ  વચ્ચેનો પુલ છે.

****

કાશ્મીર મુદ્દે સૈનિકોના જુસ્સા વિશે

આપણે સીમા પર શહિદ થતા જવાનોને એકાદ દિવસ શ્રદ્ધાંજલિ આપીને ભૂલી જઈએ છીએ. પણ ખબર એ પત્નીઓને પડે છે જે આખું જીવન દુનિયા સાથે એકલી જજુમવામાં કાઢે છે. ખબર  જવાનોના એ સંતાનોને પડે છે જેમનું બાળપણ અને જવાની પિતાની છાયા વિના જાય છે. અને જયારે તેઓ જુએ છે કે તેમના પિતાએ જે કારણ માટે જીવ આપ્યો એતો એમનું એમ છે અને રોજ બીજા અનેક સંતાનોના પિતા એ કારણ માટે મૃત્યુ પામી રહ્યા છે, જેમને ‘શહિદ’ કહી તેમના પરિવારને ફોસલાવવામાં આવે છે, ત્યારે એ સંતાનોનો દેશભક્તિથી મોહભંગ થાય છે. જો કાશ્મીરનો પ્રશ્ન હલ  કરવામાં હવે મોડું થયું તો શહિદ સૈનિકોના પરિવારોનો દેશથી આ રીતે જ મોહભંગ થયા કરશે અને લોકો સેનામાં જોડાવવું એને મુર્ખામી ગણવા લાગશે. 

            તો, કારગિલના શહિદ જવાનની દીકરી ગુરમેહરે જે કીધું એ આજ છે. બસ હવે સવાલ એ છે કે શું કાશ્મીરનો હલ એ ડાબેરીઓની ઈચ્છા મુજબ લાવવો જે કાશ્મીર જ નહિ બીજા ચૌદ પંદર રાજ્યોને ભારતથી અલગ કરી ભારતના  ટુકડા કરી દેવા માંગે છે. અને એ રીતે કાશ્મીરને છોડી દેવાથી શું ગુરમેહરના પિતાની અને બીજા હજારો જવાનોની શહાદત સફળ થશે? શું એમ નહિ કહેવાય કે જે મકસદ માટે પિતાએ જીવ આપ્યો એ જ મક્સદને તેની પુત્રીએ નષ્ટ કરી દીધું? તો આ આખી ઘટનાનો સારાંશ એક જ છે. હવે કોઈ સરકારો કાશ્મીરના પ્રશ્નને પોતાની ઈચ્છાશક્તિના અભાવે આ રીતે લટકતો નહિ રાખી શકે કારણ કે સેનાના પરિવારોને આશ્વાશન આપવા માટે એમની પાસે કઈ વધ્યું નથી. તો જેમ બને તેમ એ કરી  દેવામાં આવે જે ૧૯૮૪ માં પંજાબમાં કરવામાં આવ્યું હતું. જે કાશ્મીરીઓ ભારતના વિરુદ્ધ છે તે કાંતો ભારત છોડી દે કાંતો મરવા તૈયાર રહે. જો એમને ભારત છોડવું હોય તો ભારત સરકાર તેમને ભારતમાં છોડેલી સ્થાવર સંપત્તિનો ચાર ઘણો મુઆવજો આપી વિદાય આપે જેથી એ પૈસાથી તેઓ પાકિસ્તાનમાં પોતાનું ઘર બાંધી શકે. બાકી કાશ્મીરમાં રહીને ભારત વિરોધી વાત કરવાવાળા સામે હવે કોઈ શબ્દો નહિ સીધી ગોળી જવી જોઈએ. કારણ કે કાશ્મીર જ ભારત છે. 

            જે કાશ્મીર છોડી દઈને શાંતિ મેળવી લેવાની વાત કરે છે એ નપુંસકો જરા યાદ કરી લે કે શું પાકિસ્તાન અને બાંગ્લાદેશ છોડી દેવાથી તેમને શાંતિ મળી..?

****

સ્વતંત્ર દિન નિમિત્તે

 

આપણી આઝાદી એ લોકોની દેન છે જે લોકોએ પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને ઈચ્છાઓથી ઉપર ઉઠીને રાષ્ટ્ર માટે પોતાના જીવન ખપાવી દીધા. તેમના જીવનની એક જ સમસ્યા હતી – ગુલામી.

          સુરજા સેન જેવા કેટલાક યુવાન ક્રાંતિકારીઓને ફાંસી આપતા પહેલા તેમના હાથ પગ અને મોઢા પર હથોડા મારવામાં આવ્યા હતા. છતાં જયારે તેમને ફાંસી આપવા માટે ગસેડીને લાવવામાં આવ્યા ત્યારે તેમણે પોતાની આંખો બંધ કરી લીધી જેથી મરતા પહેલા તેમના મનમાં તિરંગો લહેરાતા જ જોવે. જે લોકો માટે તેમણે બલિદાન આપ્યું તે આપણે છીએ. પણ આજે આપણી સમસ્યાઓ શું છે? હજુ વધારે પૈસા, હજુ વધારે પ્રોપર્ટી, મારો ધંધો, મારો ફાયદો, મારી પત્ની, મારા બાળકો અને તેમની મોટી ડીગ્રીઓ. હું અને મારું ઘર.

          ચાલો, આ સ્વતંત્ર દિને એ મહાપુરુષોને યાદ કરીને એ વાતને સમજી લઈએ કે તેમણે આપેલા આઝાદ દેશનું સતત રક્ષણ અને સિંચન કરવા આપણે પણ આપણા વ્યક્તિગત સ્વાર્થો અને ઈચ્છાઓથી ઉપર ઉઠીને દરેક કર્મને ફક્ત અને ફક્ત રાષ્ટ્ર હિત માટે જ સમર્પિત કરવું પડશે. રાષ્ટ્રની ઉન્નતી જ આપણા બધાનું મુખ્ય ધ્યેય હોય અને એ જ આપણા દરેક કર્મનું મુખ્ય કારણ હોય. આ જ એકમાત્ર રીત છે એ હજારો સ્વતન્ત્રસેનાનીઓને સાચી શ્રધાંજલિ આપવાની. જય હિન્દ…

****

સરદાર પટેલના નામનો જાતિવાદ માટે ઉપયોગ કરવા વિશે

આજે સરદાર વલ્લભભાઈનો જન્મદિવસ છે. એક એવો લોકનાયક જેણે સેંકડો રજવાડાઓ માં વહેંચાયેલા એક પ્રદેશ ને એક રાષ્ટ્ર બનાવ્યું.
અલગ અલગ પ્રદેશોને એક કહીને આપણે રાષ્ટ્ર તો કહી દીધું પણ આજેપણ આપણો સમાજ અનેક જાતિઓમાં વહેંચાયેલો છે જે એક જ રાષ્ટ્રમાં રહીને પણ એકબીજાથી ચડિયાતી થઇ જવા માંગે છે.

            આપણો સમાજ ભારતીય સમાજ ન હોઈને અનેક જાતિગત સમાજોનો ખીચડો છે. આપણા હીરો પણ એ લોકો છે જેમણે આપણી જાતિને કોઈ અનામત અપાવ્યું છે કે જે હજી કોઈ અનામત અપાવવા મથી રહ્યા છે. તેમણે જે કર્યું તેના માટે તેમનો આભાર માની આપણે બધાએ આપણા એ નેતાઓ અને સમાજસેવકો સાથે એ વાત સમજી લેવાની છે કે આપણે બધા આપણી જાતિગત પહેચાનમાં રાષ્ટ્રથી અલગ પડી ચુક્યા છીએ. જો ખરેખર સરદારને શ્રદ્ધાંજલિ આપવી હોય તો એક બ્રાહ્મણ, એક રાજપૂત, એક ચૌધરી, એક પટેલ કે એક દલિત કે આદિવાસીથી ઉપર ઉઠવું પડશે.

            જો વારસામાં મળતી વિરાસત પણ સંકુચિત હોય તો નવી પેઢીને તેનાથી વિપરીત ચાલી વિસ્તૃતતા તરફ પ્રયાણ કરવું જોઈએ એ જ સરદાર પટેલ નો જીવન ઉપદેશ છે જેને આપણે પાળવાનો છે.

            કમનસીબે, આઝાદી પછી આ પહેલું વર્ષ હતું જયારે સરદાર પટેલ ના નામને એક સંકુચિત ઉદેશ્ય માટે વાપરી તેમનું ઘોર અપમાન કરવામાં આવ્યું. આજે તેમના જન્મદિને એનું પ્રાયશ્ચિત કરવાનું છે અને એ સમજી લેવાનું છે કે સરદાર કોઈ એકના બાપનો નથી. એ આ રાષ્ટ્રનો મહાન પૂર્વજ છે જેના પર સમગ્ર રાષ્ટ્રને ગર્વ છે.

જય સરદાર… જય ભારત…

આ નારાનું રટણ આખા જીવનપર્યંત કરતા રહીએ તો પણ સરદાર પટેલનું આપણા પ્રત્યેનું ઋણ ચૂકવી શકીએ તેમ નથી. રાષ્ટ્રના એ મહાન નાયકને શત શત નમન…

****

ક્ષમતાને શોખ કહેવાનો વિરોધ

 

તાજેતરમાં એક સ્થાને મને પૂછવામાં આવ્યું કે “લખવાનો શોખ તમને ક્યાંથી લાગ્યો?”

તો મૈં જવાબ આપ્યો “મારા લખાણ પરથી તમને લાગે છે કે એમાં ક્યાંય શોખપુર્તી થઇ રહી છે? મારા લેખનને જયારે કોઈ શોખ કહે છે ત્યારે મને લાગે છે જાણે કોઈએ મને ગાળ આપી દીધી.

            કુદરતે મારા મનમાં કેટલીક સ્પષ્ટ સમજ અને સમાધાનો ઉભા કર્યા છે. અને એ જાણ્યા પછી મારી જવાબદારી છે કે મૃત્યુ પહેલા હું એ સમજ દુનિયાને આપી દઉં. અને આજે લેખન એ માધ્યમ છે જેના દ્વારા હું એ જવાબદારી નિભાવી રહ્યો છું. કાલે લેખન કરતા વધુ શક્તિશાળી માધ્યમ મળશે તો હું એ અપનાવી લઈશ. મારા શોખ પુરા કરવાનો તો મને સમય જ નથી મળ્યો. મારો સૌથી મોટો શોખ અભિનય કરવાનો છે, પણ હું લોકોના દાંત ઠીક કરી રહ્યો છું. મારો સૌથી પ્રિય શોખ લાંબી કારો ખરીદી તેને જેમ્સ બોન્ડની જેમ કાળા શૂટ પહેરી ચલાવવાનો છે. પણ હું એકટીવા પર ફરું છું અને ત્રણ જોડી કપડા જ રાખું છું. કારણ કે મારી બધી કમાણી મારા પુસ્તકોના પ્રકાશનમાં, દુનિયાભરમાં તેમના પ્રચારમાં અને સંશોધન માટે બીજા પુસ્તકો ખરીદવામાં જાય છે. મારું લેખન મારી મનુષ્ય તરીકેની જવાબદારીનું વહન છે. તે એક યજ્ઞ છે. શોખ નથી.”

 

****

સ્વયંભૂહોવું

 

એક સમય હોય છે જ્યારે ડીએનએના ગુણો આત્માના ગુણો પર હાવી હોય છે. આ એ સમય હોય છે જ્યારે મનુષ્ય પોતાના અહમને પોતાની મૂડી માને છે. ‘હું સાચો છું’ એ સાબિત કરવા હંમેશા એ કામ કરે છે જે તેના આત્માના અવાજથી વિપરીત છે. સમયે સમયે આત્મા તેને ખોટો સાબિત કરીને ચેતવતો રહે છે. પણ જો સુધરવાની શક્તિ એ ડીએનએમાં ન જ હોય, તો છેલ્લે કંટાયેલો આત્મા ‘તું આજીવન ખોટો હતો’ એવો આખરી નિષ્કર્ષ સાબિત કરીને શરીર છોડી દે છે. સત-અસતની લડાઈ આત્મા અને અહમ વચ્ચેની લડાઈ જ તો છે.

            ડીએનએના ગુણોથી સર્વરૂપે મુક્ત થઈ જવું અને પોતાના આત્માના ગુણોથી ચાલવા લાગવું એને જ કહેવાય છે ‘સ્વયંભૂ’ થઈ જવું. એટલે જ શિવને ‘સ્વયંભૂ’ કહેવાય છે. જે શિવ બની જાય છે તેની ઓળખ તેના માતા-પિતા નથી રહેતા, તેની ઓળખ તેનો આત્મા હોય છે. આત્મા જ બ્રહ્મ છે.

****

અસીફા રેપ કેસ વિશે

કેટલાકે પૂછ્યું કેમ અસીફા રેપ વિશે તમે હજી કંઈ બોલ્યા નથી..?

મેં કહ્યું, ‘અત્યારે એ લોકો ખુશી ખુશી બોલી રહયા છે જે કાશ્મીર, બંગાળ અને અસમમાં અસંખ્ય સ્ત્રીઓના બળાત્કાર પર ચૂપ હતા. તો આ વખતે આપણે એમને સાંભળીયે. બાકી મારા માટે અસીફા કોઈ નવી વસ્તુ નથી, કે ના કોઈ એમાં મારો એજેન્ડા છે. આ દેશમાં રોજ પચાસ છોકરીઓના રેપ થાય છે અને અસીફા એમાંની જ એક કમનસીબ છે.

            અફસોસ અને શરમ જરૂર છે કે એમાં મંદિર જેવું સ્થાન ઉપયોગમાં લેવાયું છે અને ડર પણ છે કે કાશ્મીરમાં કોઈ એને અસંખ્ય હિન્દૂ સ્ત્રીઓના બળાત્કારના બદલા તરીકે ના લઈ લે. કારણકે એ માર્ગે જો કોઈ હિન્દૂ નીકળ્યો તો એ હિન્દૂ તો શું માનવ કહેવાવવાના લાયક નહીં રહે. બળાત્કાર મુક્ત સમાજ બનાવવા શુ આમૂલ પરિવર્તન કરવાનું છે એના પર હું ઘણા બધા લેખ લખી ચુક્યો છું. જ્યા સુધી આપણે મુક્ત પ્રેમને સેક્સ અને જડ સામાજિક નિયમોથી ઉપર નથી સમજતા આ બદી ચાલતી રહેવાની છે. એક માણસ અડધો કલાક માટે બીજા માણસના ચામડાને ચૂંથવા ફાંસી પર ચડવા તૈયાર છે. કારણકે આખો સમાજ એ ચામડાનું જ મહત્વ ઉભું કરે છે અને પછી એને ન સ્પર્શવાના નિયમો બનાવે છે. આ બનાવ માનવતા, રાજનીતિ અને સામાજિક બુદ્ધિમતાના પતનનું કોકટેલ છે.’

****

આત્મસમ્માન અને અહમ વચ્ચેનો ફર્ક

પ્રશ્ન: આત્મસમ્માન અને અહમ વચ્ચે ફરક કેવી રીતે કરવો..? ખબર શું પડે કે આપણે આત્મસમ્માનની રક્ષા કરી રહયા છીએ કે અહમની..?

જવાબ: આત્મ સમ્માન એટલે પોતાના આત્માનું સમ્માન. આત્મા સ્વયં બ્રહ્મ છે. તેનો અવાજ જ સત્ય છે. જો એ આત્માના અવાજ વિરુદ્ધ તમે કંઈ સહન કરવા તૈયાર નથી, તો એ તમારું આત્મસમ્માન છે.

અહમ અજ્ઞાન છે. તમને કોઈ વસ્તુની પુરી જાણકારી નથી કે તમે ખોટા માર્ગે છો, છતાં તમે એને જડતાથી પકડી રાખો છો તે અહમ છે. તમારા અજ્ઞાનને દૂર કરવા કે તમને સાચો માર્ગ દેખાડવા કોઈ પ્રયાસ કરે અને તમે એ સહન ન કરી શકો તો એ તમારા અહમની રક્ષા છે. તે હંમેશા વિનાશ તરફ લઈ જાય છે.

****

ઈશ્વરની ઈચ્છા અને આપણું કર્મ

સવાલ : કૌશિકભાઈ, કહેવાય છે કે આપણે ઈશ્વરની ઈચ્છાને અનુસરીને જીવન જીવવું જોઈએ અને આપણી ઈચ્છાઓને ત્યાગવી જોઈએ. એજ કર્મયોગ છે, સ્થિતપ્રજ્ઞતા છે. પણ સવાલ એ છે કે ખબર કેવીરીતે પડે કે ઈશ્વરની ઈચ્છા શું છે? આપણે કેવીરીતે જીવવું?

જવાબ : દરેક સમયે, દરેક પડાવે બિલકુલ એજ કરો જે તમારું હદય કહે છે, અને કર્મ કરી દીધા પછી જે પણ પરિણામ આવે તેને ઈશ્વરની ઈચ્છા સમજી છો. આજીવન બસ આ કરતા રહો. તમે કર્મ યોગી છો. પણ હ્દયનો કે આત્માનો સાચો અવાજ ત્યારે સંભળાય છે જયારે મન વ્યક્તિગત અને સંકુચિત સ્વાર્થથી મુક્ત થઈને વિચારી શકે. એટલી ક્ષમતા તો તમારે મેળવવી પડશે.

****

 

સત્ય આચરતાં નજીકના લોકોમાં અપ્રિય થવા વિષે 

“જે લોકો શરીરથી તમારી આજુબાજુ છે, તે તમારી સફળતાને કે તમારી સફળ થવાની સંભાવનાને પસંદ નહીં કરે. પોતાની જ બાજુમાં રહેલા માણસનું અસ્તિત્વ વિરાટ બની જાય ત્યારે તેમના મનમાં ઇન્ફિરિયર કોમ્પ્લેકસ જન્મે છે. જે ગમે તેટલું સાચું હોય તો પણ તેમની અપ્રિયતા પોતાના પર જન્મવાના સ્થાને તમારા પ્રત્યે જ જન્મે છે. આ એક રીતનો સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ છે. તે પોતાના પ્રત્યે અસુરક્ષા અનુભવે છે અને બદલામાં તમને સિમિત કરવાની કોશિશ કરે છે કે ઈચ્છા રાખે છે. જેટલું હું જીવ્યો છું એમાં મારા અનુભવ મુજબ તમે ગમે તેટલી કોશિશ કરો તો પણ આ પરિસ્થિતિ સંપૂર્ણરીતે ટાળી શકતા નથી. તમે જ્યારે વિનમ્ર બનો છો ત્યારે તે તમને તેમના જેવા માની લેવાની કોશિશ કરે છે અને તમને નાના દેખાડતી વર્તણૂક કરવા લાગે છે. પણ કોઇને કોઇ સમય આવે છે જ્યારે તમારે એ વિનમ્રતાનું કવચ હટાવીને તમારું સાચું સ્વરુપ દેખાડ્વું પડે છે. અને એ સમયે તે તમારા વિરોધી બની જાય છે. બસ આજ કારણ છે કે સમર્થકો અને અનુયાયીઓ અજાણ્યા લોકોમાં પેદા થાય છે અને વિરોધીઓ અને ગદ્દારો પોતાનામાં.”
– ડૉ. કૌશિક ચૌધરી,
Mitul Kishor Pathak ની એક ક્વોટના જવાબમાં.
“જ્યારે જ્યારે હું અપ્રિય બન્યો
ત્યારે ત્યારે હું સફળ થયો.”
-મિતુલ
****
 
 
વિસ્ટન ચર્ચિલના પ્રસિદ્ધ વાક્ય બાબતે
 
ક્યારેક ક્યારેક લાગે છે વિસ્ટન ચર્ચિલના આ વાક્યમાં ગીતાના કર્મયોગનો આખો સાર આવી જાય છે, રામ અને કૃષ્ણ જેવા અવતારોના પ્રબુધ્ધ જીવનનો સાર આવી જાય છે. મારું ફેવરીટ ક્વોટ.
“કોઇ સફળતા અંતિમ નથી હોતી, કોઇ નિષ્ફળતા મૃત્યુકારી નથી હોતી. કોઇપણ સફળતા કે નિષ્ફળતા પછી પણ આગળ વધે રાખવાની જે હિંમત છે તેજ જીવનને અર્થ આપે છે.”
****
 
 
ઋષિ કપૂરના નિધન પર 
 
હજી વિશ્વાસ નથી થઈ રહ્યો કે ઋષિ કપૂર નથી રહ્યા. બહુ અચાનક ખબર આવી ગઈ, જ્યારે મેં ધર્મા પ્રોડક્શનમાં હમણાં જે એક સ્ટોરી સબમીટ કરી એમાં ઋષિ કપૂર માટે એક મહત્વપૂર્ણ રોલ નક્કી કરી રાખ્યો હતો. ફરી એમને ડાયરેકટ કરવાનું સ્વપ્ન સેવી રહ્યો હતો. ઘણી વાતો કરવી હતી. જાન્યુઆરીમાં રિતુ કપૂર અને હવે ઋષિ. હવેથી, પોતાની જાતને બદલી રહ્યો છું. લાગણીઓથી જોડાયેલી વાતોમાં ભવિષ્યથી કોઇપણ અપેક્ષાઓ રાખ્યા વિના કામ કરવાનું શીખી રહ્યો છું. લાગણીઓ મન પર હાવી થાય એટલે સત્ય પરની દ્રષ્ટિ ધુંધળી થઈ જાય છે. પ્રેમ શાશ્વત છે, પ્રેમમાં રહેવાથી સત્ય સાથે રહેવાય છે. પછી સામેથી જે મળી જાય એનો ક્ષણિક ઇન્દ્રિય આનંદ લઈ ફરી પાછું પ્રેમ પર સ્થિર થઈ જવું જોઇએ. આજના દિવસમાં આ શિખ મળી તો વિચાર્યું દિવસ પુરો થતા પહેલાં તમારાથી વહેંચી લઊઁ. 
 
****
 
મહિલા સુરક્ષાના પ્રોગ્રામનું નામ એન્ટી-રોમિયો રાખવા બાબત 
 
“યુપીમાં મહિલા સુરક્ષા માટેના એક પ્રોગ્રામને ‘એન્ટિ-રોમિયો સ્ક્વોડ’ નામ આપનારા યોગી આદિત્યનાથ અમેરિકાથી ખરીદવામાં આવનારા વિશ્વના સર્વશ્રેષ્ઠ નેવી હેલિકોપ્ટર ‘M-60 રોમિયો’ નું શું ભારતમાં આવતાં જ નામ બદલી નાખશે..? એટલે હમેશાં કહું છું ગામના પાદરે ગપ્પા મારવા ભેગા થતા આપણા અભણ ડોસાઓ (વડિલો) જે શબ્દો વાપરે એ શબ્દો રાજ્યની જાહેર નીતિઓમાં વાપરતા પહેલા એ શબ્દોનું સાચું મહત્વ અને ઇતિહાસ જાણી લેવો જોઇએ. મેં એ વખતે પણ એક પોસ્ટ લખીને કહ્યું હતું કે ‘રોમિયો’ શેક્સપિયરની મહાન કૃતિ રોમિયો-જુલિયટનું એક સમ્માનીય પાત્ર છે. તે એક પ્રેમી યુવાન હતો જેણે તેની પ્રેમિકા સાથે પોતાના પ્રેમ માટે બલિદાન આપી દિધું હતું. રસ્તાઓ, કોલેજો અને અન્ય જાહેર સ્થળોએ છોકરીઓની ટીખળ અને છેડતી કરનારા એ અસામાજિક તત્વો જેવો એ બિલકુલ નહોતો જેમના સાથે તેનું નામ જોડી દેવામાં આવે છે. એટલે RSS અને BJP ના આપણા એ દેશી માણસો વેદોના માર્ગે ચાલીને થોડું વૈશ્વિક જ્ઞાન અને વૈશ્વિક માનવની દ્રષ્ટિ અપનાવે અને વિશ્વભરની સંસ્કૃતિઓમાં રહેલ શ્રેષ્ઠ તત્વોને ઓળખીને તેમનું સમ્માન કરે. એ પણ ‘વસુધૈવ કુટુંબકમ’ના આદર્શ હેઠળનું જ કાર્ય છે.”
****