નવા ભારતનું નિર્માણ

All the text in the articles given below is Dr. Kaushik Chaudhary’s intellectual property. Sharing any part of it without giving attribution can be a criminal offense.

February 08 / 2018 / On Facebook

ભાગ ૧ : જાતીપ્રથાનું પુનર્ગઠન

વર્તમાન ભારતના સંદર્ભમાં હું હંમેશા એકવાત કહું છું. જો કોઈ સભ્યતાને જડ નિયમોથી બાંધેલું તળાવ બનાવશો તો સમય સાથે ખાબોચિયું બનીને સુકાઈ જશે. સભ્યતા વહેતી નદીની જેમ હોવી જોઈએ. સમય સાથે સતત વહેતી પણ પાણીરૂપી સત્યનું મૂળ તત્વ જાળવી રાખતી. જેમ વહેતી નદી પોતાનામાં આવતા કચરાને જાતે જ સાફ કરી દે છે તેમ વહેતી સભ્યતા પણ સમય સાથે દુષિત બની જતી પરંપરાઓ અને વ્યવસ્થાઓને જાતે જ સાફ કરી દે છે. પ્રાચીન ભારતમાં નજર નાખીએ તોપણ આજ જોવા મળે છે. શરૂઆતના પાંચ હજાર વર્ષ જયારે ભારતીય સભ્યતા આધ્યાત્મિક રીતે સતત વિકાસ પામી રહી હતી, જયારે એક પછી એક વેદો અને ઉપનિષદો લખાઈ રહ્યા હતા, એ પુરા થતા જ પુરાણો તથા સિદ્ધાંતા જ્યોતિષ, ભૃગુ સંહિતા અને સુશ્રુત સંહિતા જેવા ગાણિતિક અને વૈજ્ઞાનિક ગ્રંથો વિકસી રહ્યા હતા – ત્યારે ભારત પૃથ્વી પરની માનવસભ્યતાનું સૌથી સમૃદ્ધ કેન્દ્ર હતું. જેમ આજે આપણે અમેરિકા જવાની દોટ મૂકીએ છીએ અને અમેરિકાનો જેવું રહેવા, પહેરવા અને બોલવા માંગીએ છીએ તેમ તે સમયનું વિશ્વ ભારત તરફ દોટ મૂકતું અને ભારતીયો જેવું જીવન જીવવા કોશિશ કરતુ.

            પણ વિકાસની એ ટોચે જયારે સભ્યતા શિથિલ બની ત્યારે વિકાસનું વહેણ અટકી ગયું. અને ત્યાંથી બ્રાહ્મણવાદ, જાતિવાદ અને સામાજિક જડતાએ ભારતીય સભ્યતાને ભરડામાં લીધી. આવા જ સમયે બૌદ્ધ અને જૈન ધર્મ રૂપે નવા ફાંટા પડ્યા, આ પછી જ શિવ-પૂજકો, વિષ્ણુ પૂજકો અને શક્તિ-પૂજકો વચ્ચે ખૂની સંઘર્ષ જોવા મળ્યો. બ્રાહ્મણવાદી ભ્રષ્ટતા અને બૌદ્ધ ધર્મની નાસ્તિકતા વચ્ચે સંઘર્ષ જામ્યો. હજી માંડ શંકરાચાર્યએ આવીને ભારતીય સભ્યતાને ફરી ઉપનિષદોની એકતા તરફ વાળી જ હતી કે ઇસ્લામિક આક્રમણખોરો રૂપે નવી મુસીબત આવી પડી. અને ત્યારબાદ આવી હજાર વર્ષની ગુલામી જેણે આપણને એ વિચારવા લાયક પણ ન રાખ્યા કે આ ગુલામી પહેલા આપણે કેવા હતા. આ બધું થયું સભ્યતામાં આવેલી એ સામાજિક જડતા અને બૌદ્ધિક શિથિલતાના કારણે. એટલે નવા ભારતનું નિર્માણ કરવા માટે સૌથી મુખ્ય જરુરીઆત એ છે કે આપણે સૃષ્ટિના વિજ્ઞાનને નદીના પાણીની જેમ સમય સાથે બદલાતી જતી પરંપરાઓ અને વ્યવસ્થાઓમાં વહેવડાવતા શીખવું પડશે. અને એ કેવી રીતે કરવું એ વિષે મારા વિચારો ‘નવા ભારતનું નિર્માણ’ શ્રેણીના પાંચ લેખો દ્વારા રજુ કરીશ, જેનો આ પહેલો ભાગ છે: જાતિપ્રથાનું પુનર્ગઠન.

            ગુજરાતીમાં એક કહેવત છે: ‘જ્યાં ખોવાયું હોય ત્યાંજ શોધવું પડે.’ એટલે જાતિપ્રથા કેવીરીતે સુધારવી એ સમજવા આપણે તે કેવી રીતે ઉત્પન્ન થઇ અને કેવી રીતે ભ્રષ્ટ બની એ સમજવું પડશે. પ્રાચીન ઋષિઓએ જયારે આત્મજ્ઞાનથી સૃષ્ટિના વિજ્ઞાનને જાણ્યું ત્યારે તેમને ખબર પડી કે મનુષ્યનો આત્મા નીચેના પ્રાણીઓના શરીરોમાં અભિવ્યક્તિ કરતો કરતો ઉત્ક્રાંતિ સાધી મનુષ્યના શરીરમાં આવે છે. પહેલીવાર મનુષ્યશરીર ધારણ કરેલો આવો આત્મા મનુષ્યશરીરના પહેલા ચક્ર પર કેન્દ્રિત હોય છે. આ ચક્ર પરના આત્માને અસ્તિત્વ ટકાવવા પૂરતી વસ્તુઓ મેળવવા પૂરતું જ લક્ષ્ય હોય છે. તેનાથી વધારે તેનું મગજ ચાલતું નથી. આ ગુણને તમસ ગુણ કહે છે અને આ સ્થિતિના આત્માને શુદ્ર સ્થિતિનો આત્મા કહે છે. આવા માણસો મજૂરી કરીને પોતાનું અને પરિવારનું પેટ ભરવાથી વધુ વિચારી નથી શકતા. તમસ ગુણ સંતૃપ્ત થયા પછી એ શુદ્ર સ્થિતિનો આત્મા બીજા ચક્ર પર કેન્દ્રિત થાય છે. અહીં પહેલીવાર તે માણસને જીવનજરૂરિયાતની વસ્તુઓથી આગળ પૈસાદાર બનવાની ઈચ્છા થાય છે. આવા માણસોના જીવનનું લક્ષ્ય ભોગવિલાસ અને સામાજિક પ્રતિષ્ઠા માટે પૈસાદાર થવાનું હોય છે. તે જીવનની દરેક વસ્તુને પૈસાથી જ મૂલવતા હોય છે. આવા આત્માને વૈશ્ય સ્થિતિનો આત્મા કહે છે. આ રજસ ગુણની શરૂઆત હોય છે. જે સમાજમાં અનિયંત્રિત વસ્તી-વિસ્ફોટ હોય તે સમાજમાં આ બે શરૂઆતી સ્વભાવ (શુદ્ર અને વૈશ્ય) ધરાવતા મનુષ્યોનો દર ઘણો ઊંચો હોય છે. વૈશ્ય સ્વભાવ સંતોષાઈ જાય ત્યારે એ આત્મા ત્રીજા ચક્ર પર કેન્દ્રિત થાય છે. અહીં પહેલીવાર તેનામાં થોડી નિઃસ્વાર્થતા જાગે છે. અહીં પહેલીવાર તે પોતાનાથી આગળ બીજી કોઈ વસ્તુ કે આદર્શ માટે જીવતા થાય છે. આ સ્થિતિના માણસો રાષ્ટ્રસેવા કે સમાજસેવાના આદર્શો માટે કર્મ કરે છે, ચાહે તે કર્મ પૈસા કમાવવાનું હોય કે યુદ્ધ કરવાનું હોય કે રાજકીય નેતૃત્વ કરવાનું હોય. આ આત્મા ક્ષત્રિય સ્વભાવનો આત્મા કહેવાય છે. આ સ્વભાવ સંતોષાઈ જાય ત્યારે આત્મા ચોથા ચક્ર પર ચડે છે. અહીં તે પ્રેમી બને છે. એકરીતે સાચો ઊંડો પ્રેમ આ સ્થિતિના આત્માઓને જ થાય છે. એકરીતે પ્રેમની નિઃસ્વાર્થતા અને પવિત્રતા આ સ્થિતિના આત્મા જ સમજી શકે છે. પહેલા ત્રણ ચક્રો પર રહેલા આત્માઓ પ્રેમના એ ઊંડાણને સમજી નથી શકતા. તેમના પ્રેમમાં કોઈનો કોઈ સ્વાર્થ અને સાંસારિક વાસના ભળેલી હોય છે. એટલે જ રામકૃષ્ણ પરમહંસ કહેતા કે સાચા ભક્ત બનવાની લાયકાત મનુષ્યને ત્યારે જ મળે છે જયારે તેનો આત્મા ચોથા ચક્ર પર આવી જાય, કારણ કે ત્યારે જ પ્રેમની નિઃસ્વાર્થતા અને ત્યાગના ગુણ ખીલે છે.

            એટલે ચોથા ચક્રવાળા લોકો મોટા સાહિત્યકાર, કવિ અને ભક્ત
બને છે. ત્યારબાદ પ્રેમજીવનથી સંતૃપ્ત થયેલો આત્મા પાંચમા ચક્ર પર ચડે છે, જે તર્કવાદી જ્ઞાનનો સ્ત્રોત છે. આવા લોકો તત્વજ્ઞાનના અભ્યાસુ બને છે અને અસ્તિત્વ શું છે તેનું જ્ઞાન મેળવે છે. પણ એકસમયે તેમને સમજાય છે કે તેમણે મેળવેલું જ્ઞાન પણ તેમને આખરી પૂર્ણતા અને શાંતિ નથી આપી શકતું. એટલે તેમનો આત્મા છઠ્ઠા ચક્ર પર ચડે છે. હવે તેમને મેળવેલા જ્ઞાનની સાબિતી જોઈએ છે, તેનું પ્રમાણ, તેનો અનુભવ જોઈએ છે. એટલે આ સ્થિતિના આત્માઓ જ્યાં સુધી તેમને એ સત્યનો સ્વ-અનુભવ ન થાય ત્યાં સુધી સંસારથી અલગ જતા રહે છે. આવા લોકોને આપણે સન્યાસી કહીએ છીએ. આ રજસ ગુણનો અંત છે અને સત્વગુણની શરૂઆત છે. તેમણે સંસારનું તમામ સુખ અને જ્ઞાન ચકાસી લીધું છે પણ તેમનું અધૂરાપણું નથી ગયું. એટલે તેઓ એ અધૂરા સંસારથી અલિપ્ત થઇ જાય છે અને સૃષ્ટિના આખરી સત્યને મેળવવા પ્રચંડ પુરુષાર્થ કરતા થઇ જાય છે. અને એ પુરુષાર્થના અંતે એકસમયે તેમને આત્મજ્ઞાન થાય છે. તેમના અંદર આત્મા રૂપે રહેલું બ્રહ્મ સૃષ્ટિના બાકીના બ્રહ્મ સાથે એક થઇ જાય છે. આ સ્થિતિએ હવે તે શરીરમાં કોઈ એક આત્મા નથી કાર્ય કરતો. હવે તે શરીરમાં સમસ્ત સૃષ્ટિનું બ્રહ્મ કાર્યરત હોય છે. બ્રહ્મથી એક થઇ ચૂકેલા આવા મનુષ્યને કહે છે ‘બ્રાહ્મણ’. તે સત્વગુણનો અંત છે. આવો બ્રાહ્મણ મોક્ષનો અધિકારી કહેવાય છે. વેદો અને ઉપનિષદોમાં વારંવાર આવતો ‘બ્રાહ્મણ’ શબ્દ આવા બ્રહ્મજ્ઞાની લોકો માટે છે.

            તો, આ વિજ્ઞાનના આધારે ઋષિઓએ પ્રાચીન ભારતીય સમાજમાં જાતિપ્રથા શરુ કરી. જે મનુષ્યોના આત્મા શુદ્ર સ્થિતિએ હોય તે સમાજમાં મજુર અને સાફસફાઈ કામદારનું કાર્ય કરે, જેથી તેમનો જીવન નિર્વાહ ચાલે જાય. આ સ્થિતિના લોકોને આધ્યાત્મનું શિક્ષણ આપવું વર્જિત હતું કારણ કે એ માટેની લાયકાત ન ધરાવતા આવા લોકો ‘હું જ બ્રહ્મ છું’ એમ કહીને એકબાજુ બેસી જાય તો એમનો જીવનનિર્વાહ તો અટકી જ પડે, સાથે સમાજવ્યવસ્થા પણ ખોરવાઈ જાય. વૈશ્ય સ્વભાવના જે લોકો સામાજિક પ્રતિષ્ઠા અને ભોગવિલાસો માટે ધન કમાવવા માંગતા હતા તેમને વેપાર અને બજાર ચલાવવાનું કામ સોંપવામાં આવ્યું. ક્ષત્રિય સ્વભાવના લોકોને સૈનિક, દરબારી અને રાજા બનાવવામાં આવ્યા અને બ્રહ્મજ્ઞાન પામેલા સન્યાસીઓ તથા ઋષિઓને સમાજને જ્ઞાન આપવાનું કામ સોંપાયું. જેમ શુદ્રોને જ્ઞાન મેળવવાની મનાઈ હતી તેમ બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણોને ધન કમાવવાની મનાઈ હતી, જેથી તેમની અને તેમના જ્ઞાનની પવિત્રતા જળવાઈ રહે. આ પૃથ્વી પરના સૌથી સમૃદ્ધ અને જ્ઞાની દેશની સૌથી ક્રાંતિકારી સમાજવ્યવસ્થા હતી. સૃષ્ટિના વિજ્ઞાનને આ હદે સમાજવ્યવસ્થામાં ઉતારી દેવું એ ચમત્કાર આ વ્યવસ્થા સિવાય માનવ ઇતિહાસમાં બીજે ક્યાંય નથી થયો. માણસ દસ વર્ષથી પંદર વર્ષની ઉંમર સુધીમાં આ ચાર સ્વભાવમાંથી જે સ્વભાવ દર્શાવે તે સ્વભાવ તેનો વ્યવસાય અને જાતિ બની જતો.

            પણ પૃથ્વી પરના આ શ્રેષ્ઠ ચમત્કારને માનવના સ્વાર્થી સ્વભાવનું ગ્રહણ લાગી ગયું. બ્રાહ્મણ ઋષિઓએ પોતાના સંતાનોને શાસ્ત્રો સમજાવી-ગોખાવીને પોપટની જેમ જ્ઞાન આપતા કરી દીધા. આ કારણે ‘આત્મજ્ઞાન કરી સ્વ-અનુભવથી જ્ઞાન મેળવે એજ બ્રાહ્મણ’ – એ અર્થ ખતમ થઇ ગયો અને ‘જે શાસ્ત્રોના અર્થને સમજે, સમજાવે તથા કંઠસ્થ કરે તે બ્રાહ્મણ’ એવી સમજ સ્થપાતી ગઈ. બીજી બાજુ ક્ષત્રિયોમાં રાજાઓ અને દરબારીઓ પોતાના છોકરાઓને જ રાજા તથા દરબારી બનાવવા લાગ્યા. પરિણામે વૈશ્યોએ પણ પોતાના જ સંતાનોને વૈશ્ય બતાવી વેપાર-ધંધામાં લગાવી દીધા. કારણ કે દેશની આર્થિક શક્તિ તેમના હાથમાં હતી. આ રીતે વ્યક્તિના આત્માની આધ્યાત્મિક સ્થિતિ પ્રમાણે રચાયેલી જાતિપ્રથા વ્યક્તિના જન્મ આધારિત જાતિપ્રથા બની ગઈ. અને આમાં સૌથી વધારે ભોગવવાનું આવ્યું શુદ્રોને. કારણ કે શુદ્ર પિતાના ઘરમાં જન્મવાવાળા વૈશ્ય કે ક્ષત્રિય સ્વભાવના સંતાનોને હવે કોઈ વૈશ્ય કે ક્ષત્રિય માનવા તૈયાર ન થયું. તેમને પોતાની ક્ષમતાથી ઘણું નીચે શુદ્ર તરીકે મજૂરીમાં જ જીવન વિતાવવું પડ્યું. એજ રીતે શુદ્રમાં જન્મેલ કોઈ સત્વગુણી માણસને આત્મજ્ઞાન થયું તો પણ તેમને બ્રાહ્મણ માનવામાં ન આવ્યા. તેમને શૂદ્રોના જ કોઈ સંત કે બાપુ કહેવામાં આવ્યા. જયારે શરૂઆતની જાતિ વ્યવસ્થામાં વાલ્મિકી અને વેદવ્યાસ જેવા શુદ્ર ઘરમાં જન્મેલા લોકો પોતાના આત્મજ્ઞાનથી બ્રાહ્મણ કહેવાયા હતા.

            તો, આ રીતે જાતિપ્રથા ભટકવાથી બ્રાહ્મણવાદ પેદા થયો. બ્રાહ્મણવાદ એટલે કંઈ આજના પટેલવાદ, રાજપુતવાદ કે ચૌધરીવાદ જેવો જાતિવાદ નહિ. બ્રાહ્મણવાદ એટલે કોઈ એક ઘરને આ ભ્રષ્ટ થયેલી જાતિપ્રથાના કારણે મળેલી બ્રાહ્મણની પદવીથી તે ઘરમાં જન્મવાવાળા ગમેતેવા મનુષ્યને પણ બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ માની લેવો અને વેદો-ઉપનિષદોમાં આપેલી બ્રાહ્મણની પવિત્રતા અને સત્તાઓને એના સાથે જોડી દેવી. અને કોઈએક ઘરમાં જન્મેલા આંબેડકર જેવા પ્રબુદ્ધ મનુષ્યને પણ તેના જન્મના કારણે શુદ્ર માનવો અને વેદોમાં શુદ્ર સ્વભાવના લોકોને કરવામાં આવેલી મનાઈઓને તેના પર લાગુ કરવી. આ છે બ્રાહ્મણવાદ. હિન્દૂ સનાતન સંસ્કૃતિમાં આવેલી સૌથી મોટી વિકૃતિ. હિન્દૂ સનાતન ધર્મનો સૌથી મોટો દુશ્મન. એટલે બ્રાહ્મણવાદનો વિરોધ એ બ્રાહ્મણનો વિરોધ નથી. તે હિન્દૂ ધર્મને વિનાશના પંથે લઇ ગયેલી આ વિકૃતિનો વિરોધ છે. આ વાત સમજાવતા બાબાસાહેબ આંબેડકરે સુંદર શબ્દોમાં કહ્યું હતું, ‘હું બ્રાહ્મણોનો વિરોધી નથી. હું બ્રાહ્મણવાદનો વિરોધી છું. બ્રાહ્મણના તો હું પગમાં પડી જવા માંગુ છું, પણ મને કોઈ બ્રાહ્મણ મળ્યો નથી.’ એકવાર ફ્લાઈટમાં મુંબઈથી અમદાવાદ આવતી વખતે મારા બાજુમાં એક ડોક્ટર બેઠા હતા. વાતચીત કરતા ખબર પડી કે તે દલિત હતા જેમણે બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો. મેં તેમને પૂછ્યું કે ‘બુદ્ધ’ અને ‘બ્રાહ્મણ’ શબ્દનો અર્થ તો એક જ છે- ‘બ્રહ્મથી એક થઇ ચુકેલો જાગ્રત મનુષ્ય’. તો તેમણે બૌદ્ધ ધર્મમાં કન્વર્ઝન કેમ કર્યું..? તેમણે સુંદર જવાબ આપ્યો, ‘કારણ કે ગુટખા ખાઈને દીવાલ પર પિચકારી મારનારો અને સરકારી ઓફિસોમાં ક્લાર્ક બનીને રિશવત લેનારો કોઈ મૂર્ખ અને ભ્રસ્ટાચારી માણસ બૌદ્ધ ધર્મમાં એમ નથી કહી શકતો કે ‘હું ફલાણા માણસના ઘરે જન્મ્યો છું, એટલે હું જન્મજાત બુદ્ધ છું.’ બસ આજ એક કારણથી હું આ ધર્મમાં આવ્યો.’

 

પુનર્ગઠન:

 

તો, પુનર્ગઠનની શરૂઆત ત્યાંથી જ કરવાની છે જ્યાંથી સમસ્યા શરુ થઇ. ‘બ્રાહ્મણ’ શબ્દને એનો સાચો અર્થ, એનું સાચું મૂલ્ય પાછું આપી દો. હજારો વર્ષો સુધી આ હિન્દૂ સભ્યતા એક રહી, સેંકડો વિભિન્નતાઓ હોવા છતાં. દર દસ કિલોમીટરે ભાષા, પહેરવેશ, ખોરાક અને દેવી-દેવતા સુદ્ધાં બદલાઈ જતા હોવા છતાં પાંચ હજાર વર્ષ સુધી આપણે એક દેશ-એક સમાજ બની રહ્યા. કારણ કે એ અનેક વિભિન્નતાઓ છતાં આપણને એકતામાં જોડવાનું કાર્ય કરતુ હતું આપણું બ્રાહ્મણ બનવાનું લક્ષ્ય. ચાહે કોઈ શુદ્ર હોય, વૈશ્ય હોય કે ક્ષત્રિય હોય- દરેકના જીવનનું આખરી લક્ષ્ય આત્મસાક્ષાત્કાર કરી બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ બની જવાનું હતું, જે મુક્તિનો અધિકારી હતો. આપણે એ ‘બ્રાહ્મણ’ શબ્દને જ સમાજના અમુક ઘરમાં જન્મવાવાળા લોકો સાથે જોડી દીધો. અને ત્યારથી આ સભ્યતા અનેક પંથો, સંપ્રદાયો અને ભૂભાગોમાં તૂટતી જ આવી છે. તો સૌથી પહેલા તો એ બ્રાહ્મણ શબ્દને આપણા સમાજમાંથી હટાવી દેવાનો છે. દેશની સંસદમાંથી એવું એલાન કરી દેવાનું છે કે કોઈ જન્મથી બ્રાહ્મણ નથી. જે આત્મસાક્ષાત્કાર કરે છે તે બ્રાહ્મણ છે, ચાહે તે કોઈપણ જાતિ, પંથ કે પ્રદેશનો હોય. આટલું કહીને જેમ બ્રિટનમાં નાઈટહુડનો ખિતાબ આપવામાં આવે છે તેમ આપણા આધ્યાત્મિક ભારતદેશમાં દેશના જ નહિ વિશ્વભરના આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલા લોકોને બોલાવવામાં આવે અને ‘બ્રાહ્મણ’ નો ખિતાબ આપવામાં આવે. કંઈક એજ રીતે જેમ આજે આપણે ભારત રત્ન અને અન્ય પદ્મ પુરસ્કારો આપીએ છીએ.

            ત્યારબાદ ‘હું બ્રાહ્મણ છું’ કે ‘બ્રાહ્મણ સમાજનો છું’ એ બોલવાનો અધિકાર ફક્ત તેને જ હશે જે આ પદવીથી પુરસ્કૃત હોય. જેને આપણે આજે ‘બ્રાહ્મણ સમાજ’ કહીએ છીએ તેને ‘વિદ્ય સમાજ’ કહેવામાં આવે, વિદ્યાઓનો સમાજ. જે બે વેદ જાણે છે તે દ્વિવેદી છે, જે ત્રણ વેદ જાણે છે તે ત્રિવેદી છે અને ચાર વેદ જાણે છે એ ચતુર્વેદી છે. જે જ્યોતિષ જાણે છે તે જોશી છે, જે યજ્ઞ કરાવે છે તે યાજ્ઞિક છે, જે શાસ્ત્ર જાણે છે તે શાસ્ત્રી અને પંડિત છે. આ બધી વિદ્યાઓ છે. વિદ્યાઓ જાણવાથી કે વેદો વાંચી લેવાથી બ્રહ્મજ્ઞાન નથી આવતું. એટલે આમાંના કોઈ પોતાને ‘બ્રાહ્મણ’ ન કહી શકે. હવે જો કોઈ જન્મથી બ્રાહ્મણ નથી તો કોઈ જન્મથી શુદ્ર, અછૂત કે દલિત પણ નથી. આજના દલિત સમાજને સરકાર દ્વારા મફતમાં વેદ, ઉપનિષદ અને ગીતાના અનુવાદ આપવામાં આવે અને તેમને સમજાવવા તેમના મહોલ્લામાં પંડિતોને મોકલવામાં આવે. જો કોઈ સેક્યુલારિઝમના નામે આ વાતનો વિરોધ કરે તો એને સંભળાવી દેવામાં આવે કે ‘શુદ્રો સાથે સદીઓથી જે અત્યાચાર થયો એના પાયામાં એ હતું કે તેમને વેદોના આધ્યાત્મથી અને મંદિરોથી અલગ રાખવામાં આવ્યા. આપણે તેમને તેમના ધર્મથી અલગ કરી દીધા છે. આપણે મોકેલોની શિક્ષણ પ્રથામાં તેમને બરાબરનો અધિકાર આપ્યો. અરે આરક્ષણ આપ્યું. છતાંય આજેપણ મોટાભાગનો દલિત સમાજ એજ સ્થિતિએ છે. આજે પણ તેઓ સમાજજીવનની મુખ્યધારામાં નથી આવી શક્યા. કારણ કે બીમારી કંઈક હતી અને ઉપચાર કંઈક બીજો જ થયો. પહેલો હક તેમને એ રીતે આપવાનો છે કે હિન્દૂ ધર્મના આધ્યાત્મ પર એ પોતાનો અધિકાર કરી શકે. આજ તેમનાથી થતા ભેદભાવને રોકવાનો એકમાત્ર મૂળ માર્ગ છે. (આશ્ચર્ય છે કે આજસુધી આ તર્ક આપીને કોઈએ આ કર્યું નહિ. કદાચ, હજી આપણી દાનતમાં ખોટ હતી.) આ રીતે દલિતોને સમજાવવામાં આવે કે ‘હિન્દૂ ધર્મથી ભાગવામાં કે હિન્દૂ ધર્મના દુશ્મન બનવામાં તમારો ઉદ્ધાર નથી. એ રીતે તો ડાબેરીઓ તમને શહેરી નક્સલવાદી બનાવીને મૂકી દેશે. તમારો ઉદ્ધાર છે હિન્દૂ ધર્મ અને હિન્દૂ ધર્મના શાસ્ત્રો તથા મંદિરો પર પોતાનો અધિકાર જમાવવામાં. એ અધિકાર તમારાથી છીનવામાં આવ્યો એના લીધે તમે દલિત બન્યા છો.’

            બ્રાહ્મણવાદ અને અસ્પૃશ્યતાથી મુક્ત થતા જ આવી જાય છે જાતિપ્રથાના પુનર્ગઠનનું છેલ્લું અને મુખ્ય ચરણ. અને આ ચરણ છે જાતિપ્રથાને જન્મના આધારથી ફરી વ્યવસાયના આધાર પર લાવવાનું. જેમ કોમ્પ્યુટર ખરાબીના કારણે હેન્ગ થઇ જાય ત્યારે તેને આપણે કાંતો રિફ્રેશ મારીએ છીએ કાંતો રિસ્ટાર્ટ કરીએ છીએ, તેમ જન્મના આધારે ખરાબ થયેલી આપણી આ જાતિપ્રથાને ફરીથી વ્યવસાય આધારિત બનાવવા માટે રિફ્રેશ અથવા રિસ્ટાર્ટ આપવાની જરૂર છે. તે માટે આજથી જ ભિન્ન ભિન્ન વ્યવસાયોને અમુક સમૂહોમાં વહેંચી દેવામાં આવે અને પછી દરેક માણસને તે સમૂહની જ અટક આપવામાં આવે. દાત, મિલોમાં અને ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોથી લઈને સરકારી ઓફિસોના પટાવાળા સુધીના લોકો ચાહે તે કોઈપણ જાતિના હોય હવેથી તેમની અટક હોય ‘શ્રમિક’. તમામ ખેડૂતો ચાહે તેમની કોઈપણ જાતિ હોય હવેથી તેમની અટક હોય ‘ભુપુત્ર’. નાના-મોટા તમામ વેપારીઓની અટક હોય ‘ઉદ્યોગી’, પછી તે આજની કોઈપણ જાતિના હોય. સરકારી નોકરી કરનાર લોકોની અટક હોય ‘અમલદાર’. કલાકારો તેમની કલા મુજબના નામ ધરાવતી અટક ધારણ કરે અને જે તે રમતના ખિલાડીઓ રમત-ગમતને લગતી કોઈ અટક ધારણ કરે. આ રીતે દેશના દરેક નાગરિકને તેમના વ્યવસાય મુજબ એક અટક નક્કી કરી તેનું રજીસ્ટ્રેશન કરાવવાનું કહી દેવામાં આવે. અને તે દરેક વ્યક્તિની પહેલાની અટક સાથેની જૂની માહિતી તેના આધાર નંબર દ્વારા નવી અટક સાથે જોડી દેવામાં આવે. આ પછી દરેકના સરકારી દસ્તાવેજમાં આ નવી અટક પાછળ ખાલી એક જ ઓળખ લખાશે- ‘સનાતન ધર્મી હિન્દૂ’. દેશની સરકાર તે દિવસ પછી વ્યક્તિની કોઈ બીજી ઓળખને ધ્યાનમાં લેશે નહિ. આ રીતે એકવાર આ જાતિપ્રથાને વ્યવસાયલક્ષી રિફ્રેશ મારી દેવાથી સેંકડો વર્ષોથી આપણે ઉભો કરેલો જાતિવાદ, જાતિનો દંભ અને ઊંચ-નીચનો કચરો દૂર થઇ જશે. દરેક નવી પેઢીના માણસને તેના પિતાની વ્યવસાયલક્ષી અટકમાંથી પોતાના વ્યવસાયલક્ષી અટકમાં આવવાની છૂટ હશે. એ બદલાવની માહિતીને પણ તેના આધાર નંબર સાથેના રેકોર્ડમાં સંગ્રહી લેવામાં આવશે. આ રીતે જાતિને વ્યવસાયલક્ષી બનાવી દરેક નાગરિકને જન્મથી સમાન બનાવવામાં આવે અને દરેકને પ્રાચીન ભારતની જેમ મનુષ્ય જીવનના લક્ષ્ય તરીકે ‘બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ’ બનવા તરફ ધકેલવામાં આવે. દરેક નાગરિકને વેદોનું એ આધ્યાત્મ સમજાવી કહેવામાં આવે કે “આપણી આજની પ્રકૃતિ આપણો આત્મા જે એક ચક્ર પર સ્થિત છે તે ચક્રની પ્રકૃતિ છે. આપણે આજે જે પણ ચક્ર પર છીએ ત્યાંથી આપણે છઠ્ઠા ચક્રની સત્વગુણી પ્રકૃતિ સુધી પહોંચવાનું છે અને આત્મસાક્ષાત્કાર કરી બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ બનવાનું છે. બ્રાહ્મણ બનવું એજ દરેક મનુષ્યનું પહેલું લક્ષ્ય છે. બ્રાહ્મણત્વનું એ લક્ષ્ય જ મુખ્ય છે અને આપણી આ વ્યાવસાયલક્ષી જાતિઓ ગૌણ.”

            જો આપણે આ કરી શક્યા તો આપણે આપણા એ ભાઈઓને પણ આપણા હિન્દૂ પરિવારમાં પાછા લાવી શકીશું જે જાતિપ્રથાના અન્યાયના કારણે બીજા સંપ્રદાયનો હિસ્સો બની ગયા. તેમાંના ઘણાને આપણી પાસે પાછા આવવું છે, પણ સવાલ એ નડે છે કે એમને કઈ
જાતિના માણસ તરીકે સ્વીકારાશે..? અને
તેમના સાથે લગ્નનો વ્યવહાર કોણ કરશે..? પણ જો આપણે આખા હિન્દૂ સમાજને આ રીતે વ્યવસાયલક્ષી જાતિપ્રથા પર લઇ ગયા તો તેઓ આસાનીથી હિન્દૂ નામ ધારણ કરી ‘શ્રમિક’, ‘ભુપુત્ર’, ‘ઉદ્યોગી’ જેવી પોતાના વ્યવસાય અનુરૂપ જાતિમાં જોડાઈ ફરીથી હિન્દૂ સમાજના અભિન્ન અંગ બની શકશે. આ આખા પુનર્ગઠનની શરૂઆત સરકાર તરફથી પણ થઇ શકે છે અને નાગરિકો પોતાના તરફથી પણ એ શરુ કરી શકે છે. જેમ લોકોએ સ્વેચ્છાએ ગેસ સબસીડી છોડી દીધી તેમ ભણેલા ગણેલા દેશપ્રેમી યુવાનો સ્વેચ્છાએ જ પોતાના વ્યવસાય અનુરૂપ અટક ધારણ કરી જૂની જાતિવાદી પ્રથાથી પોતાનો છેડો ફાડી નવી શરૂઆત કરી શકે.

            હું જાણું છું કે ઘણાંબધાંને આટલું કરવું અશક્ય લાગ્યું હશે. પણ ધ્યાનથી જોવામાં આવે તો આ આખા પુનર્ગઠનમાં આપણે આપણા દંભને ત્યાગવાથી વધારે બીજું કંઈ કરવાનું નથી. બ્રાહ્મણ તરીકેનો દંભ, રાજપૂત તરીકેનો દંભ, પટેલ કે ચૌધરી તરીકેનો દંભ. અને આ દંભ છે શું..? પોતાને પોતાના જ ભાઈથી, પોતાના જ દેશવાસીથી ચડિયાતા બતાવવાની કોશિશ. પણ શું કામ..? શું એક માના બધા સંતાનો સમાન નથી હોતા..? તો ભારતમાતાના સંતાનોમાં કોઈ ઊંચું-નીચું ક્યાંથી..? જો આ દેશનો એકપણ નાગરિક નીચ કે અછૂત છે, તો આ દેશનો દરેક નાગરિક નીચ અને અછૂત છે. કારણ કે બધા એક જ ભારતમાતાના સંતાનો છે. જો આ દેશમાં એકપણ દલિત છે, તો આ દેશનો દરેક નાગરિક દલિત છે. કારણ કે તે એક જ ભારતમાતાના સંતાનો છે. તો, પ્રાચીન ભારતની એ મહાન ક્રાંતિકારી સમાજવ્યવસ્થાને પાછી લાવવામાં બીજું કંઈ નહિ, બસ આપણો દંભ જ નડે છે. બસ એજ એકમાત્ર વિલન છે આ મહાન ક્રાંતિના માર્ગમાં. તો ચાલો, સાચા અર્થમાં દેશભક્ત બની જઈએ. સાચા અર્થમાં ભારતમાતાના સંતાનો બની જઈએ અને પોતાના દંભને ત્યાગી જાતિપ્રથાના આ પુનર્ગઠનને શક્ય બનાવીએ. માર્ગ સામે જ છે. બસ જરૂર છે દ્રઢ ઇચ્છાશક્તિની.

March 02 / 2018 / On Facebook

ભાગ ૨ : ધર્મનિરપેક્ષ અને અખંડ ભારતના વિચારનું પુનર્ગઠન

ફરી, ‘જ્યાં ખોવાયું હોય ત્યાંજ શોધવું પડે’, એટલે શરૂઆત આપણે મૂળભૂત વાતથી કરીએ. શરૂઆત થાય છે એ કાર્યથી જે આપણને આપણાથી નીચેના પ્રાણીઓથી વારસામાં મળ્યું. એ છે સંભોગ. વિચારવાનું ખાલી એટલું છે કે સંભોગના અંતે મળતો ચરમસીમાનો આનંદ જો એકવાર મળ્યા પછી હંમેશા આજીવન એમનો એમ રહેતો હોત તો..? ઓહ, ગોડ. તો આ દુનિયામાં ના કોઈ મહત્વાકાંક્ષાઓ હોત, ના કોઈ ફરિયાદો. ના કોઈ તત્વજ્ઞાન હોત, ના કોઈ ધર્મો, ના કોઈ ધર્મગ્રંથો, ના કોઈ પયગંબરો, ના કોઈ ધર્મગુરુઓ, ના સારા-ખોટાની કોઈ સામાજિક વ્યાખ્યાઓ, ના કોઈ ભગવાન હોત. મનુષ્યો એકવાર સંભોગ કરીને આજીવન સંતૃપ્ત થઇ જાત.

            પણ એવું થયું નહિ. આજીવન વારંવાર સંભોગ કરીને પણ મનુષ્યો બસ એક ચામડાના ભૌતિક પદાર્થને અથડાઈને અધૂરા જ પાછા આવ્યા. અને પોતાના બેડરૂમોમાંથી નીકળેલા આ અધૂરા લોકોએ સંતૃપ્ત થવા માટે સત્તા અને ભોગવિલાસો પાછળ દોટ મૂકીને દુનિયાને અસંતુલિત કરી મૂકી. અને પછી એ દુનિયાને સંતુલિત કરવા માટે અને એ બેકાબુ બનેલા અધૂરા મનુષ્યોને કાબુમાં લાવવા માટે સારા-ખોટા, પાપ-પુણ્ય અને સ્વર્ગ-નર્કની વ્યાખ્યાઓ કરવામાં આવી. આ રીતે ફિલોસોફીઓ જન્મી. પયગંબરો, સંપ્રદાયો અને ધર્મગુરુઓ પેદા થયા. સામાન્ય મનુષ્યોને સારા કર્મો દ્વારા પુણ્ય કમાઈ સુખ અને સ્વર્ગ મેળવવાના મિશનમાં લગાવવામાં આવ્યા. પણ આ બધા વચ્ચે ફક્ત ભારતીય સભ્યતાને પહેલીવાર એ વૈજ્ઞાનિક સફળતા મળી કે આત્મસાક્ષાત્કાર થવાથી મનુષ્ય સૃષ્ટિને ચલાવનારી સમગ્ર ઉર્જા એવા બ્રહ્મથી એક થઇ જાય છે. અને અહીં એ પહેલી અનંતતાની શાંતિ મળે છે. બ્રહ્મ સાથે એક થઇ જનાર આવા મનુષ્યને ‘બ્રાહ્મણ’ કહેવામાં આવ્યો અને આ રીતે આખી ભારતીય સભ્યતા જે હજારો વિવિધતાઓ અને લાખો દેવી-દેવતાઓમાં વહેંચાયેલી હતી તેના જીવનનું મૂળ લક્ષ્ય એક બન્યું – બ્રાહ્મણ બનવું.

            આ એક લક્ષ્ય સાથે ભારતીય ઉપખંડમાં રહેનાર એ સમગ્ર માનવજાતિ એક રાષ્ટ્ર બની. આગળ જતા કૃષ્ણના જીવન સાથે એ લક્ષ્યમાં ઉમેરો થયો પ્રેમ અને ભક્તિનો. નવી શોધ એ થઇ કે બ્રાહ્મણ બનવાથી ફક્ત શાંતિ અને વિસ્તૃતતા આવે છે. પણ સંભોગના આનંદથી અનેકગણો સ્થાયી પરમઆનંદ તો રાધા-કૃષ્ણ અને રામ-સીતાના એ દિવ્ય પ્રેમમાં જ આવે છે. બ્રાહ્મણ સ્થિતિ માણસને ફક્ત એ નિસ્વાર્થ સમર્પિત દિવ્યપ્રેમને સમજવાની અને તેને કરવાની શક્તિ આપે છે. એ નિસ્વાર્થ સમર્પિત પ્રેમને જ ભક્તિ કહે છે, જે મનુષ્યને સિમિતતાથી મુક્તિ આપી હંમેશા માટે પરમાનંદમાં સ્થિર કરી દે છે. એ ઘટનાને કહે છે મોક્ષ. આ રીતે ભારતીય સભ્યતાએ સંભોગ સુધી સીમિત રહેતા અન્ય પ્રાણીઓથી માનવજાતિને અલગ પાડી. આ રીતે ભારતીય સભ્યતાનું લક્ષ્ય બ્રાહ્મણ બનવાથી આગળ વધી ભક્તિ દ્વારા મોક્ષ મેળવવાનું બન્યું. પણ આ લક્ષ્ય સમગ્ર માનવજાતિનું હોવાથી પૃથ્વી પર દૂર દૂર સુધી ફેલાયેલી અનેક પ્રજાતિઓ તેમની બિલકુલ ભિન્ન જીવન પધ્ધતિઓ સાથે પણ બ્રાહ્મણત્વ અને મુક્તિના આ આખરી લક્ષ્ય સાથે જોડાઈ. પરિણામે ભારતીય સભ્યતાની સીમાઓ સતત વધતી ગઈ. ઉત્તરમાં તિબેટથી દક્ષિણમાં શ્રીલંકા સુધી, તો પૂર્વમાં મ્યાનમાર, થાઈલેન્ડ અને કંબોડીયાથી પશ્ચિમમાં પ્રત્યક્ષ રીતે અફઘાનિસ્તાન અને પરોક્ષ રીતે આરબ-ઇજિપ્ત સુધી પહેરવેશ, ભાષા, ભોજન અને દેવી-દેવતાઓની લાખો વિવિધતાઓ છતાં એક અખંડ સનાતન ભારતીય રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું. આ અખંડિત રાષ્ટ્રમાં અનેક પંથ અને સંપ્રદાય હતા તો કરોડો દેવતાઓ હતા. પણ આધ્યાત્મિક સેક્યુલારિઝમનો વિચાર એ અખંડ ભારતમાં એટલો મજબૂત હતો કે એ પંથો વચ્ચે ક્યારેય કોઈ સંઘર્ષ જોવા ન મળ્યો. એ સેક્યુલારિઝ્મનો વિચાર ઉપનિષદો અને ગીતામાંથી આવતો હતો કે જેમ અનેક નદીઓ પોતાના અલગ અલગ પથ લઈને પણ છેલ્લે એક જ સાગરમાં મળે છે તેમ દરેક મનુષ્યનો માર્ગ અનેક વળાંકો લઇ અંતે એક જ સત્યમાં ભળે છે. આથી
            જગતના તમામ ધર્મો અને સંપ્રદાયો સમાન રીતે સાચા છે અને આત્મસાક્ષાત્કારના માર્ગે એક જ સત્ય તરફ લઇ જનારા છે. એટલે દરેક વ્યક્તિ પોતાના માર્ગ જેટલું જ બીજાના માર્ગનું સમ્માન કરશે. જરૂર પડે બીજાને તેના
માર્ગમાં માર્ગદર્શન આપવાની છૂટ છે, પણ તેને પોતાના માર્ગે વાળવાની કોશિશ કરવી (એટલે કે ધર્માંતરણ કરાવવું) એ જઘન્ય અપરાધ છે. આ હતું એ પ્રાચીન અખંડ ભારતનું સેક્યુલારિઝમ. આજ એ સુવર્ણકાળ હતો ભારતીય સભ્યતાનો જયારે આપણે સમગ્ર માનવજાતિને આપણા સનાતન ધર્મમાં સમાવી લીધેલી હતી. આજ એ સમય હતો જયારે ‘વસુધૈવ કુટુંમ્બક્મ’ ના ઉદઘોષ સાથે સમગ્ર વિશ્વને એક પરિવાર માનતું પૃથ્વી પરનું પહેલું રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું. હજારો વર્ષો સુધી આપણે આ રીતે જીવ્યા. પોતાની વિવિધતાઓને માણતા અને એક જ આધ્યાત્મિક લક્ષ્ય માટે ભિન્ન માર્ગે પ્રયાસ કરતા. પણ સમય સાથે આપણી સભ્યતામાં એક ભ્રષ્ટતા એવી આવી જેણે આ સુવર્ણકાળને ગ્રહણ લગાવી દીધું.

            આત્મસાક્ષાત્કારના માર્ગે બ્રાહ્મણ બનતા ઋષિઓની કોઈ એક પેઢીમાં એ કોશિશ થઇ કે પોતાના સંતાનોને બાળપણથી જ વેદો અને ઉપનિષદોનું આધ્યાત્મ સમજાવી દેવું અને પોપટની જેમ જ્ઞાન આપતા કરી દેવું. આ કારણે આત્મસાક્ષાત્કારથી બ્રાહ્મણ બનેલા બ્રાહ્મણોના સંતાનો આત્મસાક્ષાત્કાર વિના જ આધ્યાત્મનો પ્રચાર-પ્રસાર કરતા થઇ ગયા. આ કારણે ભ્રાંતિ ફેલાઈ કે બ્રાહ્મણના સંતાન તરીકે પણ બ્રાહ્મણ જ જન્મે છે. જયારે અસલમાં એ સંતાનોનું આધ્યાત્મ આત્મજ્ઞાનથી ઉપજેલું જ્ઞાન નહોતું, તે શાસ્ત્રો વાંચીને એકઠ્ઠી કરાયેલી માહિતી હતી. શરૂઆતમાં જ્ઞાન અને માહિતી વચ્ચેનો આ ભેદ સ્પષ્ટ ન થયો પણ પેઢીઓ પર પેઢીઓ વીતતા શાસ્ત્રો ગોખીને બ્રાહ્મણ કહેવાયેલા એ લોકોમાં આધ્યાત્મિક ચેતના શૂન્ય થવા લાગી અને શાસ્ત્રોના શબ્દોને જ પકડી રાખવાની જડતા સામે આવી. આમ, મહાભારતના ભીષ્મ-પર્વમાં સમજાવાયેલો ધર્મનો અર્થ કે- ધર્મ કોઈ રસ્તા પર પડેલો જડ પથ્થર નથી, શાસ્ત્રોમાં લખેલા શબ્દો પણ ધર્મ નથી, ધર્મ એક ચેતના છે જે સમય સાથે સંજોગો મુજબ પોતાનું સ્વરૂપ બદલતી રહે છે. એ ચેતનાને જ કહે છે ‘કૃષ્ણ-ચેતના (krishna consciousness). એ ચેતના ફક્ત આત્મસાક્ષાત્કારથી આવે છે, શાસ્ત્રો ગોખી લેવાથી નહિ. આમ, આ ભ્રષ્ટતા આવતા પ્રાચીન ભારતમાં સાચા આત્મસાક્ષાત્કારી બ્રાહ્મણો લુપ્ત થઇ ગયા અને શાસ્ત્રો ગોખીને પોતાને જન્મજાત બ્રાહ્મણ કહેતા પાખંડીઓ અસ્તિત્વમાં આવ્યા. આત્મસાક્ષાત્કાર કર્યા વિના જન્મજાત પોતાને બ્રાહ્મણ કહેવાની આ વિકૃતિને જ કહે છે ‘બ્રાહ્મણવાદ’. બ્રાહ્મણવાદથી મુખ્ય નુકશાન એ થયું કે જે બ્રાહ્મણ બનવું ભારતના રાષ્ટ્રીય જીવનનું પહેલું લક્ષ્ય હતું, તે હવે જન્મજાત કેટલાક લોકોની જાગીર બની ગયું. હવે બ્રાહ્મણ આત્મસાક્ષાત્કાર કરવાથી નહિ, કોઈના ઘરમાં જન્મ લેવાથી બનાતું હતું. ભારતીય સભ્યતાને અખંડિત રાખતું બ્રાહ્મણ બનવાનું લક્ષ્ય જ ટોચ પરથી ગાયબ થઇ ગયું. પરિણામે રાષ્ટ્રની વિવિધતાને એકતામાં બાંધતું તત્વ નષ્ટ થઇ ગયું. રાષ્ટ્રને એક રાખતી આધ્યાત્મિકતા ઘટવા લાગી અને રાષ્ટ્રની ધારાને જડતામાં બાંધતા ક્રિયાકાંડો મુખ્ય બન્યા. હવે એ વિવિધતાઓ વચ્ચે સંઘર્ષ શરુ થયા અને ભારતીય સભ્યતા સાંસ્કૃતિક રીતે ખંડિત થવા લાગી. બીજી બાજુ બ્રાહ્મણવાદથી લુપ્ત થયેલ આધ્યાત્મિક ચેતનાને પાછી લાવવાની કોશિશમાં બૌદ્ધ અને જૈન ધર્મ અસ્તિત્વમાં આવ્યા. પણ આગળ જતા એમનામાં પણ જડતા અને નાસ્તિકતા આવી, પરિણામે તેમના કારણે પણ રાષ્ટ્રનો આંતરિક સંઘર્ષ વધ્યો. શિવને માનવાવાળા અને વિષ્ણુને માનવાવાળા પોતાનો ભગવાન વધારે મહાન છે એમ કહી એકબીજાની હત્યાઓ કરવા લાગ્યા. અરે શિવને પૂજવાવાળા અને શક્તિને પુજવાવાળા એકબીજાને મારવા લાગ્યા. કારણ કે શિવ, શક્તિ અને વિષ્ણુ શું છે તેની આધ્યાત્મિક સમજ જ ખતમ થઇ ચુકી હતી. અને કંઈક આવા જ ભારતીય સમાજમાં પહેલા ઇસ્લામી આક્રમણખોરોએ અને પછી અંગ્રેજોએ પ્રવેશ કર્યો અને સાંસ્કૃતિક રીતે ખંડિત બનેલા ભારતીય રાષ્ટ્રને ભૌગોલિક રીતે ખંડિત કરવાની રહી-સહી કસર પણ પુરી કરી દીધી.


પુનર્ગઠન:

એક વાતે ડાબેરીઓને આપણે ધન્યવાદ કહેવું જોઈએ પણ એના માટે આપણે તેમને ગાળો બોલી રહ્યા છીએ. જર્મનીના કાર્લ માર્ક્સના ચેલા એવા આ ડાબેરીઓ ભારતમાં રાષ્ટ્રની યુરોપીઅન વ્યાખ્યા લઇ આવ્યા. યુરોપમાં રાષ્ટ્રોનું નિર્માણ ભાષાના આધારે થયું. અને એજ આધારે આઝાદી સમયથી ભારતીય ડાબેરીઓની વિચારધારા બની કે ભારત તો ૨૨ જુદી જુદી ભાષા બોલતા પ્રદેશોનો સમૂહ છે. આથી એને યુરોપની જેમ જ બાવીસ અલગ દેશોમાં વિભાજીત કરી એક ભારતીય સંઘ કહેવો જોઈએ. બેશક, તેમની આ વાત ગુસ્સો અપાવે એવી હતી, પણ તેમની આ વાતે જ આપણને એ વિચારવા મજબુર કર્યા કે વાત તો સાચી છે. એવું તો શું છે આપણામાં જે બાવીસ અલગ ભાષાઓ, પહેરવેશ અને ભોજન પ્રણાલી ધરાવતા આ પ્રદેશો આટલા હજારો વર્ષો સુધી એક રાષ્ટ્ર તરીકે જીવ્યા..? અને ત્યારે જવાબ મળે છે કે ભાષાઓ ભલે ગમે તેટલી હોય પણ તે તમામ ભાષાઓમાં લખાયેલું આ દેશનું મહાભારત અને રામાયણ એક છે. અસંખ્ય વિવિધતાઓ છતાં સમગ્ર દેશમાં રામ અને કૃષ્ણ એક જ છે. રામ અને કૃષ્ણનું એ બ્રાહ્મણત્વ, તેમનું એ આધ્યાત્મ જ આ વિવિધતાને જોડતી કડી છે. એટલે આધુનિક યુગમાં પણ આ દેશની અખંડિતતા કાયમ રાખવા અને દેશની સીમાઓ વિસ્તારવા બ્રાહ્મણત્વથી પ્રાપ્ત થતું એ આધ્યાત્મ જ એકમાત્ર દોરી છે. એ માટે આ લેખ-શૃંખલાના પહેલા ભાગમાં જેમ આપણે ચર્ચા કરી તેમ ‘બ્રાહ્મણ’ શબ્દને સમાજથી હટાવી દઈ રાષ્ટ્રના સર્વોચ્ચ આદર્શ અને ધ્યેય તરીકે સ્થાપવાનો છે. જે સમાજ પોતાને આજે બ્રાહ્મણ સમાજ કહે છે તેને ‘વિદ્ય સમાજ- વિદ્યાઓનો સમાજ’ કહેવાનો છે અને દેશના દરેક નાગરિકને જન્મથી સમાન બનાવી આત્મસાક્ષાત્કાર દ્વારા બ્રાહ્મણ બનવાનું સમાન લક્ષ્ય આપવાનું છે. બ્રાહ્મણત્વનું એ આધ્યાત્મિક લક્ષ્ય જ નાગાલેન્ડથી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ભારતને ફરી એક ધબકારે સ્પંદન કરાવશે. પણ જ્યાં સુધી જન્મજાત પોતાને બ્રાહ્મણ કહેવાની આ બ્રાહ્મણવાદી વ્યવસ્થા ચાલે છે ત્યાં સુધી દેશના દરેક નાગરિકને જન્મથી સમાન હોવાનો અહેસાસ કરાવવો અને તેને બ્રાહ્મણત્વના શ્રેષ્ઠ લક્ષ્ય તરફ ધકેલવો અશક્ય છે. હવે સવાલ એ થાય કે ચાલો બધા રાજ્યના બધા હિંદુઓ આ રીતે એક થઇ જશે, પણ મુસ્લિમ અને ખ્રિસ્તીઓનું શું..?
તો એમના માટે આપણે પ્રાચીન અખંડ ભારતના સેક્યુલારિઝમના વિચારને ફરી જીવતો કરવાનો છે. પ્રાચીનકાળથી આધુનિકકાળ સુધી સેક્યુલારિઝમની સૌથી પહેલી શરત એ છે કે દેશના તમામ નાગરિકો માટે કાયદો એકસમાન હોવો જોઈએ. દેશના કાયદાને કોઈ સંપ્રદાય સાથે કંઈ લેવાદેવા ન હોવું જોઈએ.

            હવે વાત ધર્માન્તરોની. સનાતન ધર્મના સેક્યુલારિઝમ મુજબ જેમ દરેક નદી કોઈપણ માર્ગ લઈને અંતે એક જ સાગરમાં મળે છે તેમ દરેક સંપ્રદાય તેના ભિન્ન ભિન્ન માર્ગે અંતે એક જ સત્ય તરફ લઇ જાય છે. એટલે દેશના દરેક
નાગરિકને બીજા નાગરિકના માર્ગને પણ પોતાના માર્ગ જેટલો જ સાચો માની સમાન સમ્માન આપવું પડશે. કોઈપણ નાગરિક બીજા નાગરિકને તેના સંપ્રદાયના માર્ગમાં આધ્યાત્મિક મદદ કરી શકશે પણ તેને પોતાના સંપ્રદાયના માર્ગમાં લાવી શકશે નહિ. મતલબ કોઈ કોઈનું ધર્માંતરણ કરાવી શકશે નહિ. પણ જો કોઈને સ્વેચ્છાએ બીજા ધર્મમાં જવું હોય તો..? વેલ, તે માટે આટલી મૂળભૂત સમજ રાષ્ટ્રના કાયદામાં નાખવામાં આવે. ભારત રાષ્ટ્રનો અર્થ છે સત્ય તરફ જતા જગતના તમામ માર્ગોને સ્વીકૃતિ આપતો સનાતન ધર્મ. એ સનાતન ધર્મ જ ભારતની રાષ્ટ્રીયતા છે, એટલે કે હિન્દુત્વ છે. મતલબ, કોઈપણ ભારતીય નાગરિક ટોપી પહેરીને, દાઢી વધારીને, નમાજ પઢીને અને રોઝા રાખીને આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરે કે ચર્ચમાં ઈસુ ખ્રિસ્ત સામે પ્રાર્થના કરતા કરતા આત્મસાક્ષાત્કાર મેળવે કે શિવ મંદિરમાં બેઠા-બેઠા, એકાંતમાં તપસ્યા કરીને કે તંત્ર માર્ગે તપસ્યા કરીને આત્મસાક્ષાત્કાર કરે – એ તમામ માર્ગ હિંદુત્વમાં આવી જાય છે. તે ભારતની સનાતન રાષ્ટ્રીયતામાં આવી જાય છે, પણ એમાં નાગરિકની ઓળખ બદલવાની રાજનીતિ સ્વીકાર્ય નથી. મતલબ, મુસ્લિમ કે ખ્રિસ્તી માર્ગે આત્મસાક્ષાત્કાર કરી બ્રાહ્મણ બનવા માટે

કોઈ કેશવ ખમારને કરીમ ખાન કે ક્રિસ ચાર્લ્સ બનવાની જરૂર નથી. તે પોતાની હિન્દૂ ઓળખ સાથે જ વિશ્વના કોઈપણ સંપ્રદાયના માર્ગે આત્મસાક્ષાત્કાર કરી શકે છે. આજ ભારતનો વૈશ્વિક સનાતન ધર્મ છે. તેમાં માર્ગ ગૌણ છે અને લક્ષ્ય મુખ્ય છે. ભક્તિ માટે તમે ભારતીય ભજન ગાઓ કે સૂફી કવાલી ગાઓ તે બંને હિંદુત્વમાં સ્વીકાર્ય છે, બસ ભક્તિ સાચી હોવી જરૂરી છે. પણ મુસ્લિમ અને ખ્રિસ્તી પંથમાં આ સ્વીકાર્ય નથી. તેમાં એક ખાસ પધ્ધતિથી અને માન્યતા સાથે જ તમારે સત્યને શોધવું પડે છે કે માની લેવું પડે છે. તેમાં તમે સાંપ્રદાયિક સીમાઓની બહાર જઈ નથી શકતા. મતલબ, તેમાં સત્ય પ્રાપ્તિના અન્ય માર્ગોની સ્વીકૃતિ નથી. મતલબ, તે ભારતની સનાતન (વૈશ્વિક) રાષ્ટ્રીયતાના વિચારથી બહાર છે. આ કારણે ભારતમાં કોઈપણ નાગરિક એ સંપ્રદાયોમાં ધર્માંતરણ કરી શકશે નહિ, કારણ કે તે ભારતની સેક્યુલારિઝમની વ્યાખ્યાનું ઉલ્લંઘન કરે છે. આમ, કોઈપણ હિન્દુને જો મુસ્લિમ કે ખ્રિસ્તી માર્ગે આત્મસાક્ષાત્કાર કરવો હોય તો તે એ માર્ગ અપનાવવા સ્વતંત્ર છે પણ તેની વર્તમાન કે ભવિષ્યની કોઈપણ પેઢીની ઓળખ- તેના નામ અને અટક- ભારતીય કે હિન્દૂ જ રહેશે. આધ્યાત્મિક રીતે તે કોઈપણ માર્ગ અપનાવવા સ્વતંત્ર છે પણ હિન્દૂ ઓળખ છોડવી મતલબ ભારતની રાષ્ટ્રીયતા છોડવી. એ નહિ થઇ શકે.

            તો બીજી બાજુ મુસ્લિમ અને ખ્રિસ્તી ઓળખ ધરાવતો કોઈપણ નાગરિક તે ચાહે ત્યારે સેક્યુલર ભારતીય ઓળખમાં પાછો આવી શકે છે. તેને ફક્ત ભારતીય નામ અને અટક ધારણ કરવાનું રહેશે અને ભારતીય આધ્યાત્મની સનાતન વૈશ્વિકતાને સ્વીકારવાની રહેશે. મતલબ, તેને સાચા અર્થમાં સેક્યુલર વિચારો અપનાવવાના રહેશે. હવે તેના પર કોઈ પાબંદી નહિ હોય. પહેલા તે ફક્ત કુરાન કે બાઇબલ જ વાંચી શકતો હતો, તો હવે તે ગીતા, વેદ, ઉપનિષદ અને આધુનિક વિજ્ઞાનના દાર્શનિક પાસાને પણ વાંચી અને અનુસરી શકશે. હવે તે સાચા અર્થમાં પૃથ્વી પરનો એક સ્વતંત્ર મનુષ્ય હશે જે કોઈપણ માર્ગે આત્મસાક્ષાત્કાર કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા સ્વતંત્ર હશે. એટલે નવા ભારતના નિર્માણમાં ધર્માંતરણો પર પ્રતિબંધ હશે, પણ આવા કોઈપણ સીમિત સંપ્રદાયના માણસો ભારતીય ઓળખ અપનાવી સનાતન ભારતીય આધ્યાત્મમાં પાછા આવી શકશે. તેમના પાછા આવવાના આ કાર્યને ‘ધર્માંતરણ કર્યું’ એમ નહિ પણ ‘સ્વ-તંત્ર મેળવ્યું’ એમ કહેવાશે. કારણ કે તેણે કોઈ સંપ્રદાયની પધ્ધતિ છોડી નથી, તેણે દરેક સંપ્રદાયની પધ્ધતિ અપનાવવાની સ્વતંત્રતા મેળવી છે. આમ, કોઈ હિન્દૂ સનાતન આધ્યાત્મ છોડી કોઈ એક સંપ્રદાય પૂરતો સીમિત ન બની શકે, પણ જે આજે કોઈએક સંપ્રદાય પૂરતા સીમિત છે તે કોઈપણ સમયે સનાતન હિન્દુત્વની રાષ્ટ્રીયતામાં પાછા આવી શકે. આ માટે તેમને ભારતીય નામ અને તે જે વ્યવસાય કરતા હોય તે વ્યવસાયની ભારતીય અટક ધારણ કરવાની જ રહે.
            હવે આ આખા પવિત્ર કાર્યમાં ષડયંત્ર કરી શકાય એવું એક જ છિદ્ર રહે છે, અને તે છે લવ જેહાદ. લગ્ન કોના સાથે કરવા એ તે બે સ્ત્રી-પુરુષનો જ નિર્ણય હોવો જોઈએ અને લગ્ન કરનાર સ્ત્રી-પુરુષ એકબીજાના ગાઢ પ્રેમી હોવા જ જોઈએ. તેમના મિલનમાં ધર્મ, જાતિ કે રાષ્ટ્રીયતાની કોઈ દીવાલ ન આવવી જોઈએ. આજ માનવતા છે. પણ આ માનવતાનો દૂરઉપયોગ રાક્ષશો અધર્મ ફેલાવવા માટે ન કરે તે માટે નવા ભારતના નિર્માણમાં એક નિયમ અનિવાર્યપણે રહેવો જોઈએ. કોઈપણ ધર્મ કે જાતિની છોકરી સ્વેચ્છાએ કોઈપણ ધર્મ કે જાતિના છોકરા જોડે લગ્ન કરી શકે. જો છોકરા-છોકરીનો સંપ્રદાય અલગ હોય તો બંનેમાંથી કોઈને પોતાની ઓળખ છોડવાની જરૂર નથી. પણ તે બંનેનું જે સંતાન હશે તે ભારતીય સનાતન સંસ્કૃતિનું વારસદાર ગણાશે. આથી, તે સંતાન અને તેની આવનારી પેઢીઓની ઓળખ હિન્દૂ સનાતન ધર્મીની રહેશે. મતલબ, મુસ્લિમ છોકરો અને હિન્દૂ છોકરી લગ્ન કરે કે હિન્દૂ છોકરો અને ખ્રિસ્તી છોકરી કે ખ્રિસ્તી છોકરો અને મુસ્લિમ છોકરી- પણ કોઈપણ સંજોગોમાં તેમના સંતાનોની ઓળખ હિન્દૂ સનાતન ધર્મીની એટલે કે ભારતીય હશે. એટલે અત્યારે કેટલાક તથાકથિત ઉદાર લોકો લવજેહાદના આરોપોને રોકવા કહે છે કે ચાલો એવો નિયમ લાવી દો કે લગ્નમાં છોકરા કે છોકરી બેમાંથી કોઈને પોતાનો ધર્મ નહિ છોડવો પડે. પણ એમાં પણ એક ષડયંત્ર છે. જોધાબાઈનું ધર્મ પરિવર્તન થાય છે કે નથી થતું એ મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ એ છે કે જોધાબાઈ આજીવન હિન્દૂ રહે તોપણ અકબરથી તેમને થનારા સંતાનો મુસ્લિમ જ હશે. આમ, સ્ત્રી એક આખી પેઢીની જનની છે. હિન્દૂ સ્ત્રીઓને મુસ્લિમ પેઢીઓની જનની બનાવવામાં આવી રહી છે, એ લવજેહાદ છે. એમાં તે સ્ત્રીનું ધર્માંતરણ મુખ્ય ખતરો નથી.
            તો, આ રીતે ભારતીય સભ્યતાને સનાતન આધ્યાત્મના દોરામાં પરોવીને આત્મસાક્ષાત્કારી બ્રાહ્મણ બનવાનું અને ભક્તિના માર્ગે મુક્તિ મેળવવાનું અનન્ય લક્ષ્ય આપી હંમેશા માટે અખંડિત અને સેક્યુલર બનાવી શકાય છે. એ સનાતન આધ્યાત્મ જ ભારતને ખંડિત કરનારા જાતિવાદ અને ધર્માંતરણોના દૂષણોથી મુક્તિ મેળવવાનો એકમાત્ર માર્ગ છે. અરે, આ માર્ગે આપણે એકસમયે સમગ્ર આધુનિક માનવજાતિને ભારતીય રાષ્ટ્રની વ્યાખ્યામાં જોડવા શક્તિમાન બનીશું. પણ જો આ માર્ગનું પુનર્ગઠન કરવામાં ન આવ્યું તો આવનારા પચાસ વર્ષોમાં આપણે સંપ્રદાયના આધારે જ નહિ જાતિના આધારે પણ ભારતનું ફરીથી વિભાજન જોઈશું એમાં જાજો સંદેહ નથી. જે રીતે આપણે ચાલી રહ્યા છીએ એ રીતે જ આપણે ચાલતા રહ્યા તો એક સદી પછી દરેક જાતિને પોતાનો એક સ્વતંત્ર પ્રદેશ માંગતા હું જોઈ રહ્યો છું. આપણી વર્તમાન સામાજિક પ્રણાલી આપણને મોહમ્મદ પયગંબર અને ઇસ્લામના આગમન પહેલાના એ આરબ સમાજ તરફ લઇ જઈ રહી છે જ્યાં દરેક જાતિ પોતાના એક સ્વતંત્ર કબીલામાં જીવતી હોય અને પોતાના સ્વતંત્ર દેવી-દેવતાઓ માટે અને કબીલાની સીમાઓ માટે અંદરો અંદર સંઘર્ષ કરતી હોય. એટલે હવે આપણા પાસે બે જ વિકલ્પ છે. એ પ્રાચીન આરબોના કબીલાઓવાળા યુગમાં જવું છે કે પ્રાચીન ભારતના સમગ્ર માનવજાતિને એક રાષ્ટ્ર બનાવી દેનારા આધ્યાત્મિક યુગમાં જવું છે. આપણી પસંદગી બીજો વિકલ્પ જ હોવી જોઈએ, કારણ કે પહેલો વિકલ્પ તો આપણા માટે આપણા દુશ્મનોની પસંદગી છે.

March 22 / 2018 / On Facebook

ભાગ ૩ : કૌટુંબિક અને સામાજિક જીવનનું પુનર્ગઠન

અધ્યાય 1- માતા-પિતા અને સંતાનનો સબંધ

એક સમય હતો જયારે યુરોપ, અમેરિકા, આફ્રિકા અને ઉત્તર એશિયામાં રહેતા મનુષ્યો તેમના છોકરાઓને કહેતા ‘આપણે ભારતમાં ભણવા જવાનું છે. સખત મહેનત કરવા લાગ, ત્યાં વર્ષે દસ હજાર વિદેશી વિદ્યાર્થીઓનું જ એડમિશન થાય છે.’ સ્ત્રી એના પતિને કહેતી ‘જુઓ આજે મેં ભારતીયો જેવા કપડાં પહેર્યા.’ રાજાઓ તેમના મંત્રીઓને રાજ્યવ્યવસ્થા અને સમાજવ્યવસ્થાના રિસર્ચ માટે ભારત મોકલતા. તત્વચિંતકો અને વિચારશીલ બુદ્ધીકો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક શોધખોળોથી સતત વિકસતા જતા ભારતની વારંવાર મુલાકાતે આવતા. આ મહાન પ્રાચીન ભારતનું નિર્માણ કરનાર જે મુખ્ય સામાજિક રચના હતી તે હતી આશ્રમવ્યવથા.

            દરેક મનુષ્ય જીવનના પહેલા ૨૫ વર્ષ જ્ઞાન મેળવતો કે આ સૃષ્ટિ શું છે, આ જીવન શું છે અને એનો ઉદેશ્ય શું છે..? પચીસથી સાહીઠ વર્ષ સુધી તે એ જ્ઞાન મુજબ એક સાંસારિક અને સામાજિક જીવન જીવતો, સમાજને પોતાની શક્તિઓથી કંઈક પ્રદાન આપતો અને પોતાના પાછળ કેટલાક નવા મનુષ્યોને તૈયાર કરી, પોતાના જીવનના અનુભવોનો નિષ્કર્ષ આપી સાહીઠ વર્ષે સમાજથી દૂર જંગલમાં જતો રહેતો. આ રીતે તેના પછીની પેઢીને નવા સમયના નવા વિચારો સાથે સમાજ અને રાષ્ટ્ર ચલાવવાનો અવકાશ આપી તે સંસારથી અલગ જતો રહેતો. આ સમયને વાનપ્રસ્થાશ્રમ કહેવાતો. અહીં તે વૃદ્ધ જંગલમાં રહીને પોતાની સાંસારિક જરૂરિયાતોને ઓછી કરે જતો અને જે શરીર અહીંયા છૂટી જવાનું છે તેનાથી અલગ પોતાની આત્મારૂપી ઓળખ શું છે તેનો આત્માનુભવ કરવાની સાધના કરતો. આ સમય દરમિયાન તેના કુટુંબીજનોને તેના રહેઠાણની જાણ હોતી. તે કોઈપણ સમયે કોઈ સાંસારિક કે રાષ્ટ્રીય બાબતે માર્ગદર્શન લેવા આ વડીલ પાસે આવી શકતા. પણ એકવાર એ વૃદ્ધ પંચોતેર વર્ષનો થઇ જાય પછી તેને સાંસારિક બાબતમાં સલાહ કે માર્ગદર્શન આપવા પણ લાયક ન સમજાતો. કારણ કે સંસાર સતત પરિવર્તનશીલ છે અને નવા સમય મુજબ સંસાર કેવીરીતે ચલાવવો તેનો તેને અનુભવ નથી રહ્યો, તેનો અનુભવ તેના પછીની પેઢીને છે. આથી, પંચોતેર વર્ષ પછી તે વૃદ્ધને સંપૂર્ણ સન્યાસ લઇ લેવાનો રહેતો. તેના કોઈ સગા-સબંધી તેને શોધી ન શકતા અને તે હવે મૃત્યુ માટે કે આત્મારૂપે તે શરીર છોડવા તૈયાર થતો. આમ, મનુષ્ય એક જ જીવનમાં અર્થ, ધર્મ, કામ અને મોક્ષ-માનવજીવનના એ ચારેય મુખ્ય સ્તંભોને જીવી બતાવતો. બીજી બાજુ સમાજ અને રાષ્ટ્રને દર પાંત્રીસ વર્ષે નવા વિચારો અને નવી શક્તિઓ ધરાવતા નવયુવાનો મળી રહેતા જેમને પાંત્રીસ વર્ષ સુધી સામાજિક અને રાષ્ટ્રીય જીવનમાં દખલ કરનારા કોઈ વૃધ્ધો હાજર ન રહેતા. પણ તેમની જરૂર પડે જંગલમાં જઈને તેમનું માર્ગદર્શન લઇ શકાતું. આજ કારણે તે પ્રાચીન ભારત આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે સતત વિકસતું રહ્યું. એક પેઢીએ વેદ રચ્યા તો તે પછીની પેઢીઓએ તે વેદોમાં ઉપનિષદોની રચના કરી આધ્યાત્મને વિજ્ઞાનના રૂપમાં લાવ્યું. તે પછી આવેલી પેઢીઓએ એ વિજ્ઞાનને ભૌતિક દુનિયામાં ઉપયોગી બનાવવા ગણિતશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, તબીબીશાસ્ત્ર અને અન્ય વૈજ્ઞાનિક શાખાઓ શરૂ કરી. આ રીતે પ્રાચીન ભારત ગુરુત્વાકર્ષણ અને ટાઈમ ડાયલેશનના સિદ્ધાંતોથી લઈને વિમાન અને અણુશસ્ત્રો બનાવતો અને આંખોના ડોળા રિપ્લેસ કરવાથી લઈને પ્લાસ્ટિક સર્જરી કરતો વિશ્વનો સૌથી વૈજ્ઞાનિક અને વિકસિત દેશ બન્યો. બીજી બાજુ પુરાણો રચીને આજ વિજ્ઞાનને કથાઓ દ્વારા સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં આવ્યું અને એ રીતે એક વૈજ્ઞાનિક સનાતન ધર્મનું સ્વરૂપ ભારતીય સભ્યતાએ ધારણ કર્યું.

            પણ સમય સાથે ધર્મનો લોપ થયો. મનુષ્યમાં સત્યપ્રાપ્તિની ઝંખના ઘટી અને જીવે ત્યાં સુધી સાંસારિક વાસનાઓ ભોગવવાની વૃત્તિ વધી. આ કારણે આશ્રમવ્યવસ્થા લુપ્ત થઈ ગઈ. લોકો સાહિઠ વર્ષે સંસાર છોડતા બંધ થઈ ગયા અને એ ઘરડાઓની સાંસારિક વાસનાઓ તે જીવે ત્યાં સુધી નિભાવવાની જવાબદારી તે પછીની પેઢી પર આવી પડી. અને અહીંથી આખા સામાજિક સિદ્ધાંતો જ પલટાઈ ગયા. જે બાપ પોતાના છોકરાને ‘ઈશ્વરે આપણને જે શક્તિઓ આપી છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને સંસારને કંઈક આપીને જવું એજ જીવન છે’ – એમ કહીને જંગલમાં જતા રહેતા હતા, તે હવે આજીવન સંસારમાં રહીને છોકરાઓને કહેવા લાગ્યા, ‘માં-બાપ સંતાનને પેદા જ એટલા માટે કરે છે કે તે ઘડપણમાં માં-બાપની સેવા કરે અને પુણ્ય કમાઈને સ્વર્ગમાં જાય.’ સૃષ્ટિમાં એક મનુષ્યને પેદા કરવાનું ઉદેશ્ય જ પલટાઈ ગયું. સત્યની પ્રાપ્તિથી સત્યની સ્થાપના સુધીના એ ઉદેશયો ખોવાઈ ગયા અને લોકોના અર્થહીન સાંસારિક જીવનના ઇન્શ્યોરન્સ તરીકે મનુષ્યો પેદા થવા લાગ્યા. અહીંથી પુત્રપ્રાપ્તિ સંસારી લોકોના જીવનની સૌથી મોટી ઝંખના બની. કરણ કે પુત્રી તો બીજા કોઈના ઘરે જઈને બીજા કોઈની સેવા કરવાની હતી. પુત્ર જન્મ વિના લોકોના જીવન જ અધૂરા કહેવાવા લાગ્યા. બીજી બાજુ પુત્ર જન્મે તો માં-બાપની સેવામા જીવન કાઢવું એજ મુખ્ય ધર્મ છે એમ કહીને વ્યવસાય અને કામની શ્રેષ્ઠ તકો મેળવવા પણ સંતાનોને ઘરથી દૂર મોકલવામાં ન આવ્યા. જે ભારતીયો એક સમયે દુનિયાના સૌથીમોટા સાગરખેડુઓ ગણાતા હતા, તેમના સમાજમાં સાગર ઓળંગવો પાપ બની ગયું. આ કારણે નવી પેઢી પાછળની પેઢીના આજુબાજુ આંટા મારવામાં રોકાઇ ગઈ અને ભરતીયોનું રાષ્ટ્રીય જીવન લુપ્ત થઈ ગયું. ભારતીય સમાજમાં થતી વૈજ્ઞાનિક શોધો, ભારતીયોનો આધ્યાત્મિક વિકાસ, બીજા દેશો અને પ્રજાતિઓ સાથે સ્થપાતા વ્યાપારિક સબંધો – આ બધું લુપ્ત થવા લાગ્યું અને વિશ્વની બીજી પ્રજાતિઓ ભરતીયોથી આગળ નીકળવા લાગી, જે છેલ્લે શક્તિશાળી બની ભારતીયોને જ ગુલામ બનાવવા આવી.

            આમ, આશ્રમવ્યવસ્થા લુપ્ત થવી અને ઘરડાઓની સાંસારિક વાસનાઓ તૃપ્ત કરવામાં નવી પેઢીનું રોકાઈ જવું એ ભારતીય સામાજિક જીવનનું જાતિપ્રથાના ભ્રષ્ટ થયા પછીનું બીજું સૌથી મોટું પતન હતું. અમુક આત્મજ્ઞાની આધ્યાત્મિક પુરુષો સિવાય સત્યપ્રાપ્તિના એ ત્યાગ અને વૈરાગ્યના સિદ્ધાંતો સામાન્ય માનવો સુધી કોઈએ ન પહોંચાડ્યા કરણ કે સાંસારિક લોકો એ સાંભળવા નહોતા માંગતા. એમને તો એજ ધર્મગુરૂઓ અને કથાકારો જોઈતા હતા જે તેમની સાંસારિક વાસનાઓને અનુકૂળ ધાર્મિક સિદ્ધાંતો આપે. ધર્મનો અને ધર્મચાર્યોનો મુખ્ય સંદેશ જ એ થઈ ગયો કે માં-બાપની સેવા કરો અને પુણ્ય કમાઈને સ્વર્ગમાં જાઓ, જે આજેપણ ચાલુ છે. હવે તો આ મૂર્ખ કથાકારો આ ભ્રષ્ટતાને ભારતીય સંસ્કૃતિની મહાનતાનો દંભ ભરીને અને પશ્ચિમી સંસ્કૃતિની નિંદા કરીને પેશ કરે છે. એ મૂર્ખાઓને હજી સુધી એ સમજમાં નથી આવ્યું કે સંસારી વાસનાઓને છેલ્લા શ્વાસ સુધી ચાટતા આ વૃધ્ધો ભારતીય સંસ્કૃતિની ઓળખ ક્યારેય નથી રહ્યા. ભારતીય સંસ્કૃતિની ઓળખ એ વૃધ્ધો હતા જે જંગલમાં હવનકુંડની અગ્નિ સામે તપસ્યા કરતા કરતા શરીર ત્યાગતા હતા. અને આજના પશ્ચિમી સમાજનું જીવન ઘણાખરા અંશે એવું જ છે જેવું આપણા મહાન પૂર્વજોનું હતું. ત્યાં વિસ વર્ષનો યુવાન પોતાના જીવનની ચાવી પોતાના હાથમાં લઈ લે છે અને પોતે આ દુનિયામાં શુ પ્રદાન આપી શકે છે તે શોધે છે. ત્યાં વૃદ્ધ થયેલો માણસ જ્યારે સમાજને પોતાના તરફથી કોઈ પ્રદાન આપી શકે તેમ ન હોય ત્યારે ઘરડાઘરમાં પોતાનો અલાયદો રૂમ અને સેવાઓ ખરીદી લે છે. એ બાકીનું જીવન પોતાના પુત્ર-પુત્રીઓથી અલગ ત્યાં વિતાવે છે. બાઇબલ વાંચે છે, ઝેન બુદ્ધિઝમ, ગીતા અને વિશ્વના અન્ય તત્વચિંતકોના વિચારોનો અભ્યાસ કરે છે અને યોગ કરે છે. તેમના પરિવારના વિખરાયેલા સભ્યો પોતાની અનુકૂળતાએ ત્યાં આવીને તેમની સાથે જીવનના પ્રશ્નો માટે ચર્ચાઓ કરે છે. એકરીતે તેઓ વનપ્રસ્થાશ્રમમાં છે, બસ એનું સ્વરૂપ એટલું પરફેક્ટ નથી જેટલું પ્રાચીન ભારતમાં હતું. પણ પરિણામ તેણે એવા જ આપ્યા છે. આજે એ દેશો આપણાથી જોજનો આગળ છે અને સતત નવીને નવી વૈજ્ઞાનિક શોધખોળો અને ટેકનોલોજી વિકસાવી રહ્યા છે. ભારત તેમના પાસે એ ટેક્નોલોજીની ભીખ માંગતું ફરે છે. આજે આપણે જે એલઈડી લાઈટ ચાલુ કરીએ છીએ, જે પંખા-એસી નીચે બેસીએ છીએ, જે ટીવી અને મોબાઈલમાં પિક્ચર જોઈએ છીએ, જે ગાડીઓમાં ફરીએ છીએ, અરે જે ઘડિયાળમાં સમય જોઈએ છીએ- એ બધું એ પશ્ચિમી સંસ્કૃતિના લોકોએ શોધ્યું છે જેમણે ક્યારેય ‘માં-બાપને ભૂલશો નહીં’ ના રાગડા ગાવામાં પોતાનો સમય નથી બગાડ્યો. તેમના માં-બાપની પેઢીએ દેશ અને વિજ્ઞાનને જેટલે લાવ્યો ત્યાંથી તે વિજ્ઞાન અને દેશને આગળ લઇ ગયા છે અને એ રીતે એ તેમની પાછલી પેઢી પ્રત્યે પોતાનું સમ્માન વ્યક્ત કરે છે. એ લોકો જે વસ્તુઓ શોધવામાં વિકાસ સમજે છે તેને ફક્ત વારંવાર ખરીદવામાં આપણે પોતાના જીવનનો વિકાસ સમજીએ છીએ. એટલે જ તો એ માલિક છે અને આપણે તેમના ઉપભોક્તા. આજે આપણે એટલા મૂઢ છીએ કે આપણા 25 થી 45 વર્ષ સુધીના યુવાનો પણ રોજ સવાર-સાંજ સોશિયલ મીડિયા પર માં-બાપની સેવા કરવાના મેસેજો ફેલાવતા રહે છે, જાણે એ કોઈ આવી પડેલી રાષ્ટ્રીય આપદા હોય. પોતાના ઘરમાં વડીલ માતા-પિતા બેઠા હોય અને સાથે જીવતા હોય એનું તો એટલું માહિમામંડન કરવામાં આવે છે જાણે માં-બાપને ઘરમાં રાખીને તો પોતે કોઈ ધર્માત્મા બની ગયા હોય. આ લોકો કયાંય ઘરડા માં-બાપ સાથે અન્યાય થયો હોય એવા સમાચાર મળી જાય તો એટલા ખુશ થઈ જાય છે જાણે એમને દિવાળીનું બોનસ મળી ગયું હોય. કરણ કે હવે જગ્યાએ જગ્યાએ એ વાત કરીને અને સોશિયલ મીડિયા પર ફેલાવીને પોતે એવું નથી કરતા એટલે મહાન છે એનો મનોમન દંભ તેઓ ભરી શકે છે. એકરીતે એમના જીવનમાં પોતાની જાત પર ગર્વ કરવા લાયક બીજું કંઈ રહ્યું નથી એટલે પેઢીઓથી ચાલી આવતી આ મૂઢતા અને વિચારહીનતા પર ગર્વ કરી રહ્યા છે. અને હું આજે આ લેખમાં એમના જીવનનો એ એકમાત્ર વઘ્યોઘટયો ગર્વ છીનવી લેવાની કોશિશ કરી રહ્યો છું એટલે તેમાંના કેટલાક મારા પર બેકફાયર કરશે એ નિશ્ચિત છે.

            પણ એ લોકોને હું ફક્ત એટલું સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે શું તમે એવો ગર્વ કરી શકો છો કે ‘હું રોજ સવારે ઉઠીને બ્રશ કરું છું એટલે મહાન છું.’ કે ‘હું રોજ સવારે સંડાશ અને સ્નાન કરું છું એટલે મહાન છું.’ જો નહીં, તો યાદ રહે માં-બાપ સાથે રહેવું, તેમને પ્રેમ આપવો, તેમનું ધ્યાન રાખવું એ એટલું જ મૂળભૂત કાર્ય છે. એમાં કોઈ પાપ-પુણ્ય કે સ્વર્ગ-નર્કની વાત જ નથી. માં-બાપ આપણું ઉદ્દઘમ છે. આપણે તેમનાથી ઉત્પન્ન થયા છીએ. તો એતો કોઈ મૂર્ખ જ હશે જે પોતાના ઉદઘમને જ ભૂલી જાય કે તેને હેરાન કરે. એ મગજ વગરનો અને હીન જ હશે જે પોતાના તરફ વરસતા પ્રેમના સ્રોતને જ પોતાના હૃદયમાંથી નીકાળી દે. આપણે કોઈ પુણ્ય અને સ્વર્ગની લાલચ આપ્યા વિના બસ પ્રેમ અને સેવાના આદર્શને સ્થાપવાનો છે. માં-બાપ સાથે વૈચારિક મતભેદ ગમે તેટલા હોય પણ પ્રેમ જ એ મુખ્ય દોરી છે જેનાથી આપણે તેમનાથી જોડાયેલા હોઈએ. એમને જરૂર પડે ત્યારે તેમની સેવામાં દોડી જઈએ અને એ સેવાને ‘સેવા’ નું નામ ન આપીને પ્રેમનું નામ આપીએ. જે અર્જુન દિવસે ભીષ્મ પર બાણોની વર્ષા કરતો હતો તેજ અર્જુન રાતે ભીષ્મની શિવિરમાં તેમના પગ દબાવવા જતો હતો. કોઈ પુણ્ય કે સ્વર્ગ માટે નહીં, તેમની પ્રત્યેના પ્રેમ માટે. તો માતા-પિતાની વૃદ્ધાવસ્થામાં સંતાન તેમનું વાલી બની જાય અને પોતાના સંતાનની જેમ પ્રેમથી તેમનું જતન કરે, જેમ ક્યારેક માતા-પિતાએ તેનું કર્યું હતું. આજ માતા-પિતા અને સંતાન વચ્ચેના સંબંધની ગરિમા છે. એટલે પુણ્ય કમાવવા, સ્વર્ગ મેળવવા કે સમાજમાં સારા માણસની તરીકેની વાહવાહી મેળવવા માટે પણ તમારા માતા-પિતાનો ઉપયોગ કરવાનું પ્લીઝ બંધ કરી દો. એમાં એ વ્યક્તિનું હોય ન હોય પણ એ સંબંધનું અપમાન છે. પછી આવે છે સેવાનો આદર્શ. તે આપણે આપણા માતા-પિતા માટે નહીં પણ સમાજના કોઈપણ વૃદ્ધ વ્યક્તિ માટે સ્થાપવાનો છે. પોતાના ખાતા-પિતા અને મોજથી રહેતા માતા-પિતાની સેવા કરીને પુણ્ય કમાવવાની કોશિશ કરો પણ બાજુમાં જ કોઈ અસહાય વૃદ્ધ રહેતા હોય એમનું તમને ધ્યાન પણ ન હોય અને એ બસ તમારા માટે લોકોને તેમના કિસ્સા સંભળાવીને ‘હું મારા માં-બાપ સાથે એવું નથી કરતો’ એનો દંભ ભરવાનું સાધન હોય તો યાદ રહે તમારાથી મોટો અધર્મિ કોઈ નથી. જ્યાં પણ જેને મદદની કે સેવાની જરૂર છે ત્યાં સેવા કરવી એ ધર્મ છે. ‘સેવા’ શબ્દ એ બહારના લોકો સાથે વાપરી શકાય, પોતાના માતા-પિતાની સાર-સંભાળ સેવા ન હોવી જોઈએ, એ તો બસ પ્રેમ છે. કંઈક એમ જ જેમ હું મારી આઠ મહિનાની દીકરીનું સંડાસ સાફ કરું છું તો એ મારી સેવા નથી, એ મારો પ્રેમ છે.

            હવે વાત વૃદ્ધ માતા-પિતાના ધર્મની. મનુસ્મૃતિના બે શ્લોકમાં ‘વડીલ’ શબ્દની વ્યાખ્યા કરાઈ છે જે આ રીતે છે; ‘ફક્ત મોંઢામાંના દાંત જતા રહેવાથી અને માથા પરના વાળ સફેદ થઈ જવાથી માણસ મોટો નથી થતો. એ રીતે તે ફક્ત ઘરડો થાય છે. માણસ મોટો બને છે તેની સત્યને જાણવાની અને સત્યને અનુસરવાની શક્તિથી. જેનામાં એ શક્તિ છે તે વડીલ છે. તે માણસ ચાહે સિત્તેર વર્ષનો વૃદ્ધ હોય કે પચીસ વર્ષનો નવયુવાન, સમાજે તે વ્યક્તિના પાછળ જ ચાલવું જોઈએ.’ એટલે ફક્ત પોતાની ઉમર વધારે છે અને પોતે માં-બાપ છે એટલે પોતે જ સાચા અને સંતાનોને તેમનું જ કહ્યું કરવાનું આ વિચારમાત્ર પણ અધર્મ છે. જેટલા પણ ઘરમાં વૃદ્ધ માતા-પિતા અને સંતાન વચ્ચે ઘર્ષણ દેખાય છે તેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં માં-બાપનું આ વર્તન ભાગ ભજવે છે. એટલે વનપ્રસ્થાશ્રમ સાહિઠ વર્ષ પછીના જીવનનો અનિવાર્ય ભાગ છે, ચાહે તે જંગલમાં જઈને કરવામાં આવે, વૃદ્ધાશ્રમમાં જઈને, સંતાનોના ઘરમાં કોઈ અલાયદા ઓરડામાં રહીને કે સંતાનોથી અલગ પોતાના અલાયદા ઘરમાં રહીને- પણ તેજ ભારતીય સંસ્કૃતિનો આદર્શ છે. સાહિઠ વર્ષ સુધી જીવન જો સાંસારિક અંધતામાં ગયું છે તો એ પછીનું જીવન એ શોધમાં જ નીકળવું જોઈએ કે આ શરીરમાંથી જે આત્મા હવે કોઈપણ સમયે નીકળી શકે છે તે આત્મા કોણ છે અને આ શરીરમાં કેમ આવ્યો હતો..? આદર્શ એ છે કે માણસનું જીવન શરૂ જ આ સવાલનો જવાબ મેળવીને થાય. પણ જો એવું નથી થઈ શક્યું તો સાહિઠ વર્ષ પછીના જીવનનું આ પક્ષીની આંખ જેવું એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ, જેથી હવે પછીના જન્મમાં શરૂઆતથી જ એ જ્ઞાત રહે કે આપણે આ શરીરમાં કેમ આવ્યા છીએ અને બીજા બધા અર્થહીન નાશવંત સાંસારિક કાર્યોને બાજુ પર રાખી એ મૂળ કાર્ય પહેલા કરી શકાય. એટલે સાહિઠ વર્ષ પછી જીવવા મળતી એક એક ક્ષણ આ લક્ષ્ય માટે એકધારી સાધના કરવામાં વીતે એજ ભારતીય આદર્શ છે અને એ જ આ ભારતીય સમાજને ફરી પ્રાચીન ભારત જેવી મહાનતાએ લઇ જશે. કારણ કે એટલું થતા જ સમાજનો આધ્યાત્મિક વિકાસ, સાંસારિક ત્યાગની ભાવના અને નવી પેઢીની સામાજિક સ્વતંત્રતા વધતી જશે જે સમાજ, વિજ્ઞાન અને રાષ્ટ્રને જડતાથી બચાવી નિરંતર વિકાસ તરફ ધકેલશે. આજના ભારતની સામાજિક, ધાર્મિક, રાજકીય અને વૈજ્ઞાનિક જડતા તથા દુષણો પાછળ ઘરોમાં મુખ્ય બની રહેલા એ જૂની પેઢીના વિચારો જ છે જે સમાજની ધારાને સમયના સતત પરિવર્તનશીલ વહેણ સાથે વહેવા નથી દેતા. આજે એન્જીનીઅર અને ડોક્ટર બનેલી છોકરીઓ લગ્ન પછી પ્રેગ્નન્ટ થાય એટલે ગર્ભપરિક્ષણ કરાવે છે અને દીકરી હોય તો ગર્ભપાત. આ પાછળ જવાબદાર તેના ઘરમાં બેઠેલા એ સીત્તેર વર્ષના સાસુ-સસરા હોય છે જેમનું પ્રેશર તેમના દીકરા પર હોય છે અને દીકરાનું તેનું પત્ની પર. એ સિત્તેર વર્ષના વૃધ્ધો જો સો વર્ષ જીવી ગયા તો તેમની ભણેલી પુત્રવધુ પણ ગર્ભપરિક્ષણ કરાવશે. કારણકે માતા-પિતાને દુઃખી ન કરવાના આદર્શમાં તેમનો સાહિઠ વર્ષનો દીકરો તેના ત્રીસ વર્ષના દીકરા પર દબાણ કરશે અને એ દીકરો એની પત્ની પર. હરિયાણામાં કોઈ બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાવાળી બહેનને જાનથી મારી નાંખવાવાળા પચીસ-ત્રીસ વર્ષના સગા ભાઈઓને એ હત્યા કરવાનો ઓર્ડર કોણ આપે છે..? ખાપ પંચાયતોમાં બેઠેલા સિત્તેર વર્ષના તેમના દાદાઓ. આ કોઈ પરંપરા નથી, આ અધર્મનું વહેણ છે જે ઘરડા થઈ ગયેલા ભ્રષ્ટ અને બુદ્ધિહીન માણસોથી સમાજમાં આગળ વધે છે. ઘરડા થયેલા, વડીલ થયેલા નહીં. વડીલ તો સભ્યતાને વહેતી નદીના વહેણની જેમ ઓળખવાવાળો બને છે, ખાડામાં કેદ કરાયેલી એક જડ ખાબોચિયાની જેમ ઓળખવાવાળો નહીં.

March 24 / 2018 / On Facebook

ભાગ ૩ : અધ્યાય 2 - સ્ત્રી-પુરુષના સબંધો (મહારાસની વ્યવસ્થા)

નવા ભારતના નિર્માણ લક્ષી અત્યારસુધી જેટલા પણ પુનર્ગઠન સૂચવ્યા તે કોઈના કોઈ રીતે પ્રાચીન ભારતની લુપ્ત થયેલી મહાન વ્યવસ્થાઓને આધુનિક સમય મુજબ નવા રૂપમાં પુનર્જીવિત કરવાના હતા. પણ આ એવું પુનર્ગઠન છે જે સમયના વહેણ સાથે માનવજાતિના ઇતિહાસમાં પહેલીવાર પ્રક્ષેપિત થઈ રહ્યું છે. અસલમાં તેની જરૂર હંમેશાથી હતી, કૃષ્ણના જીવનમાં તેને સમજાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ પણ થયો, પણ માનવજાતિ તેને પુરી રીતે સમજવા અને અપનાવવા અસમર્થ જ રહી. એ છે સંસારમાં સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધો. આ સંપૂર્ણ વિષયને મેં મારા પુસ્તકના બે પ્રકરણોમાં તથા પ્રતિલિપિ પર મારી લઘુકથા શૃંખલા વિદેહી અને તેને સંલગ્ન લેખોમાં સમજાવ્યો છે. આ એક લેખમાં એ સમગ્ર વિષયનો આખરી નિષ્કર્ષ આપવામાં આવ્યો છે.

            પહેલા મૂળ વૈજ્ઞાનિક વાત એ જાણી લઈએ કે આપણું આજનું બ્રહ્માંડ દસ પરિમાણોનું બનેલું છે જેમાંથી ત્રણ નિર્માણ પામ્યા છે અને બાકીના સાત સમય અને અવકાશની ઉર્જામાં વિખેરાઈ ગયા છે. પણ એ દસેય પરિમાણો માનવશરીરમાં એકઠા થઇ ચુક્યા છે અને માનવશરીરે એ દસ પરિમાણોની ઉર્જાને પોતાના અંદર સાત પરિમાણોમાં સંકોચી લીધી છે જેને આપણે સાત ચક્રો કહીએ છીએ. આમ, માનવમાં રહેલો આત્મા દસ પરિમાણોનો છે જ્યારે તેનું શરીર માત્ર ત્રણ પરિમાણોમાં જ બન્યું છે. એટલે સ્ત્રી-પુરુષ વચ્ચે થતું આકર્ષણ અસલમાં દસ પરિમાણમાં હોય છે પણ જ્યારે તે એ આકર્ષણથી શરીરો દ્વારા મિલન કરવાની કોશિશ કરે છે ત્યારે તે મિલન શરીરોના ત્રણ પરિમાણો સુધી જ સીમિત રહે છે. આમ, સંભોગ પછી પણ સ્ત્રી અને પુરુષ બંનેના સાત પરિમાણો જેટલી ઉર્જા મિલન પામ્યા વગર જ રહે છે. જ્યારે નીચેના પ્રાણીઓમાં તેમનું શરીર તો ત્રણ પરિમાણમાં જ હોય છે, પણ તેમનો આત્મા દસ પરિમાણોથી ઘણા ઓછા પરિમાણોનો બનેલો હોય છે. એટલે તેમનો ત્રણ પરિમાણમાં થતો સંભોગ તેમના આત્માના ઓછા પરિમાણોને પણ વધુ સારી રીતે સંતૃપ્ત કરી શકે છે. આજ કારણ છે કે મનુષ્ય સિવાયના લગભગ દરેક પ્રાણી વર્ષમાં એક સમયગાળા દરમિયાન જ સંભોગ કરે છે અને આખું વર્ષ સંતૃપ્ત રહે છે, તો કેટલાક પ્રાણીઓ એવા પણ છે જે તેમના જીવનમાં માત્ર એક જ વાર સંભોગ કરે છે. કોઈ કીડા તો તેમના જીવનના પહેલા જ સંભોગથી એટલા સંતૃપ્ત થઈ જાય છે કે સંભોગ પૂરો થતાં જ મૃત્યુ પામે છે. પણ મનુષ્ય બારે માસ ચોવીસ કલાક અનેક પાર્ટનરો બદલીને આજીવન સંભોગ કરે તોપણ સંતૃપ્ત નથી થઈ શકતો. તે બળાત્કારો કરીને ફાંસીએ લટકી જવા તૈયાર થઈ જાય છે, તે અનેક પાત્રો સાથે વ્યભિચાર કરીને સમાજમાં અને અંતે તે પાત્રોમાં તિરસ્કાર પામી જાય છે, પણ સંતૃપ્ત નથી થતો. કારણકે દરેક વખતે તેના અંદર એ સાત પરિમાણો મિલન પામ્યા વગરના રહી જાય છે. આમ, મનુષ્યની સંતૃપ્તતા સંભોગમાં નહીં, આધ્યાત્મિક માર્ગે આત્મસાક્ષાત્કાર કરવામાં અને ત્યાંથી આગળ સમર્પિત દિવ્ય પ્રેમમાં ઓતપ્રોત થઈ જવામાં છે. એ નિર્મળ સમર્પિત પ્રેમ જેને આપણે ભક્તિ કહીએ છીએ તેજ મનુષ્યની સંતૃપ્તતા કે તેના મોક્ષનો માર્ગ છે.

            હવે, સંભોગ દરમિયાન મિલન પામતા સ્ત્રી-પુરુષના ત્રણ પરિમાણો પણ કેટલા પ્રમાણમાં એકબીજામાં ભળશે તે એ સ્ત્રી-પુરુષના આત્માની સ્થિતિ પર આધાર રાખે છે. આત્માની સ્થિતિ એટલે પહેલા ભાગમાં આપણે જે સમજ્યા હતા તે કે મનુષ્યનો આત્મા કયા ચક્ર પર સ્થિત છે. જેમ મનુષ્યનો આત્મા ઉપરના ચક્ર પર સ્થિત છે તેમ એ સંપૂર્ણ સત્યથી વધુ નજીક છે, મતલબ વધુ વિકસિત છે. જે મનુષ્યનો આત્મા પહેલા કે બીજા ચક્ર પર છે તેનો પ્રાણ ઓછો છે અને જે ચોથા કે છઠ્ઠા ચક્ર પર છે તે આત્માનો પ્રાણ વધુ છે. પ્રાણ મતલબ આત્મા કેટલો જાગ્રત છે તેનું માપ. એટલે જો પહેલા કે બીજા ચક્ર પર રહેલો પુરુષ ચોથા ચક્ર પર રહેલી પોતાની પત્ની સાથે સંભોગ કરશે તો એમાં તે પુરુષનો સમગ્ર પ્રાણ સ્ત્રીના પ્રાણ સાથે એક થઈ જશે, પણ સ્ત્રીનો સમગ્ર પ્રાણ પુરુષના પ્રાણથી એક નહીં થઈ શકે. કારણકે તે પુરુષના પ્રાણ કરતા વધુ છે. એટલે આ કિસ્સામાં પુરુષનું શરીર સંતૃપ્ત થઈ જાય છે. મતલબ, તેને સંભોગનું આકર્ષણ હવે નથી રહેતું. પણ સ્ત્રીનો પ્રાણ તે પુરુષ કરતા વધુ હોવાથી તેના શરીરને સંપૂર્ણ સંતૃપ્તતા નહીં મળે. તેનો બાકી વધતો અસંતૃપ્ત પ્રાણ તેને હજી બીજા પુરુષથી પ્રેમ અનુભવડાવશે અને તેનાથી મિલન કરવા પ્રેરશે. એવું જ વધુ પ્રાણ ધરાવતા પુરુષને ઓછો પ્રાણ ધરાવતી સ્ત્રી સાથેના મિલન પછી થશે. આવા અસમાન પ્રાણ ધરાવતા પતિ-પત્નીમાં જેમનો પ્રાણ ઓછો છે તે જો પોતાના જીવનસાથી પ્રત્યે નિસ્વાર્થ સમર્પિત પ્રેમમાં જીવન વિતાવે તો તેમનો આત્મા વધુ પ્રાણ ધરાવતા તેમના જીવનસાથીમાં થઈ જાય છે અને તે વધુ પ્રાણવાળા જીવનસાથીનો આત્મા હજી વધુ વિકસિત બની ઉપરના ચક્રો પર સ્થિર થાય છે. એ રીતે જો એકસમાન પ્રાણ ધરાવતા પતિ-પત્ની વચ્ચે સંભોગ થાય તો તે બંને એકબીજા પ્રત્યેના કે કોઈપણ સ્ત્રી-પુરુષ પ્રત્યેના શારીરિક આકર્ષણથી મુક્ત થાય છે. તેમના ત્રણ પરિમાણો પૂર્ણપણે એકબીજાથી એક થઈ જાય છે, જે સાંસારિક રીતે મહત્તમ મિલનની સ્થિતિ છે. પણ આવા સ્ત્રી-પુરુષોમાં પણ બાકીના સાત પરિમાણો અસંતૃપ્ત હોવાથી જીવનની યથાર્થતા અંગેના અને સંસારના સત્ય અંગેના સવાલો સતત પ્રબળ બનતા જાય છે. મેં લખેલી લઘુકથા શૃંખલા વિદેહીમાં દુર્ગાદાસ અને વિદેહી આવા જ એકસમાન પ્રાણ ધરાવતા પતિ-પત્ની છે, જેમાં લગ્નના નવ વર્ષ પછી દુર્ગાદાસ શારીરિક રીતે તો સંતૃપ્ત થઈ જાય છે પણ સંસારના સત્ય માટેની તેની શોધ પ્રબળ બની જાય છે અને તે સન્યાસ લઇ લે છે.

            આમ, માનવજીવનના બે પહેલું છે. એક ભૌતિક જે તેના ત્રિપરીમાણીય શરીર સાથે જોડાયેલું છે અને બીજું આત્મીય જે તેના કુલ દસ પરીમાણીય આત્માની સંતૃપ્તતા સાથે જોડાયેલું છે. સંભોગ ભૌતિક પહેલું સાથે જોડાયેલી ક્રિયા છે, પ્રેમ આત્મીય પહેલું સાથે. પણ આપણે સ્ત્રી-પુરુષોના સંબંધથી રચાતો સમાજ મોટાપાયે પહેલા ભૌતિક પહેલું પર ઉભો કર્યો છે. આપણે હજી સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમને અનિષ્ટ સમજીએ છીએ અને લગ્ન જીવનમાં પ્રેમ કરતા વધુ સામાજિક પ્રતિષ્ઠા, જાતી અને પેઢી વધારવા છોકરો પેદા કરવાના એક સાધન તરીકે લગ્નો કરાવીએ છીએ. આ આખા કિસ્સામાં ભૌતિક પહેલું જ બહાર આવે છે. પ્રેમ હોય કે ન હોય શરીરની કેમેસ્ટ્રીના કારણે સંભોગ દરમિયાન આનંદ પણ અનુભવાય છે અને બાયોલોજીના કારણે સંભોગથી સંતાન પણ પેદા થઈ જાય છે. પણ સમય સાથે સાથે સંભોગનો આનંદ ઘટતો જાય છે કારણ કે મનુષ્ય સામેવાળા પાત્રના દસ પરિમાણોવાળા આત્માથી આકર્ષાઈને સંભોગ કરવા જાય છે ત્યારે તેના ત્રણ પરિમાણોમાં બનેલા ચામડાના શરીરને અથડાઈને પાછો ફરે છે. એ શરીરથી આગળ વધી નથી શકતો અને તેના આત્માના સાત પરિમાણો દરેક વખતે અધૂરા પાછા આવે છે. આ કારણે મનુષ્યને તે સામેવાળું પાત્ર હવે માત્ર એક ચામડાનો ભૌતિક પદાર્થ લાગે છે. આ રીતે તે સ્ત્રી-પુરુષ એકબીજાના શરીરથી ઉબવા લાગે છે. આમ, હવે તેમને સાથે જોડી રાખવામાં સંભોગનું પરિબળ માઇનસ થઈ જાય છે. પ્રેમ થવા દેવાનો તો ક્યારેય અવસર તેમને અપાયો જ નહોતો. બાકી રહે છે બાળકો, સામાજિક રીતરિવાજ, પૈસા અને પ્રતિષ્ઠા માટેની દોડ અને તે મેળવ્યા પછીનો દંભ. એ બધું પણ ઓછું પડે તો વળી લોકો દેશભક્તિ અને ધર્મયુદ્ધમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી પોતાના મનને નવા મહત્વ આપતા વિષયો આપતા રહે છે. પણ કેટલાક વધારે પ્રાણ ધરાવતા લોકો આ બંધન, નિરસતા અને બનાવટ સહન નથી કરી શકતા. તે હજી એ આનંદ મેળવવાને પોતાનો અધિકાર સમજતા હોય છે. એટલે એ સામાજિક નિયમો અને સભ્યતાના ઢાંચા સામે જ બંડ પોકારી અન્ય સ્ત્રી કે પુરુષ સાથે મિલન કરવા જાય છે. એ આશાએ કે કદાચ અહીંયા સંતૃપ્તતા મળી જશે. પણ એ મિલન પણ શારીરિક સંભોગના માર્ગે જ કરવાનો પ્રયાસ થાય છે અને ત્યાં પણ એજ ચામડાનું શરીર વચ્ચે આવી જાય છે. ધીરે ધીરે તે એ બીજા સ્ત્રી કે પુરુષોથી પણ ઉબી જાય છે અને એટલો જ અસંતૃપ્ત રહે છે. આવા લોકો મોટાભાગે પાંચમા ચક્ર પર પહોંચેલા બુદ્ધિજીવીઓ હોય છે જે છઠ્ઠા ચક્ર પર પહોંચીને જણાતા દિવ્ય પ્રેમના સત્યથી અજાણ હોય છે. એટલે આવા લોકો નિયમોમાં જકડાયેલા રહીને બનાવટી અને દમનકારી જીવન જીવવું એના કરતાં મુક્ત સેક્સનું જીવન જીવવું એવી હિમાયત કરતા થઈ જાય છે. તેમની વાતો ‘આંખો બંધ કરીને સમાજના નિયમો પાળવા એજ ધર્મ છે’ એવું કહેનારા શરૂઆતી ચક્રો પરના મૂઢ વ્યક્તિઓની વાતોથી હંમેશા વધુ આકર્ષક અને શક્તિશાળી લાગે છે, પણ તે અર્ધ સત્ય હોય છે જે મુર્ખતાથી પણ વધુ ખતરનાક છે. અને જેમ જેમ આપણે વિકસી રહ્યા છીએ એમ વધુને વધુ લોકો આધુનિક શિક્ષણ મેળવી વિકસિત થઈ પાંચમા ચક્રની એ બુદ્ધિજીવીતા સુધી પહોંચશે અને તેમ તેમ સમાજ એવા મુક્ત સેક્સની હિમાયત કરનારા અને એ રીતે જીવતા લોકોથી ભરાતો જશે. આવા સમયે જરૂર હશે સંપૂર્ણ સત્ય જાણેલા કૃષ્ણ જેવા આત્મજ્ઞાની મનુષ્યોની જે સમાજને પ્રેમનું દમન કરી લગ્નની ગોઠવણો કરનારા જડ લોકોથી અને મુક્ત સેક્સની હિમાયત કરનારા અર્ધજ્ઞાનીઓથી (psuedo-intellectuals) બચાવી સત્યનો મધ્યમાર્ગ સ્થાપે. અને એ મધ્યમાર્ગ છે – મુક્ત પ્રેમનો.

 

પુનર્ગઠન:

 

દરેકને લવ એટ ફર્સ્ટ સાઈટ નથી થતા. મોટાભાગના કિસ્સામાં સમાન સ્થિતિના (યાદ રહે સમાન વિચારો કે સમાન સ્વભાવ જરૂરી નથી) આત્મા અમુક સમય સુધી એકબીજાના સાનિધ્યમાં રહે એટલે તેમના આત્મા એકબીજા તરફ વહેવાનું શરૂ કરી દે છે. આત્માના આ વહેવાના ગુણને જ પ્રેમ કહે છે. એટલે એરેન્જ મેરેજ કરવામાં આવે તોપણ સ્ત્રી-પુરુષે પોતાને એકબીજા સાથે પ્રેમ ન થાય ત્યાં સુધી સંભોગ અને સ્પર્શ ટાળવો જોઈએ. જોધાબાઈને જ્યારે તેના પિતાએ રાજકીય કારણસર અકબરથી પરણાવી ત્યારે લગ્નની પહેલી રાતે જોધાએ અકબરને કહ્યું, ‘હું કોઈ યુદ્ધમાં જીતાયેલ વસ્તુ કે કોઈ રાજકીય ભેટસોગાદ નથી. હું તમને જાણતી નથી. મારા હૃદયમાં તમારા માટે હજી કોઈ જગ્યા નથી. હું ચાહું છું તમે મને સ્પર્શ ત્યારે જ કરો જ્યારે મને તમારાથી પ્રેમ થાય.’ કહેવાય છે કે અકબરે જીધાબાઈની વાત માન્ય રાખી અને તેમનું દિલ જીતવા અનેક પ્રયાસો કર્યા. એક મત પ્રમાણે અકબરના ધર્મસહિષ્ણુ નિર્ણયોમાં જોધાબાઈને ખુશ કરવાનું પરિબળ પણ મહત્વનું હતું. તો આજ શ્રેષ્ઠ છે. ભલે કોઈ સુંદર સ્ત્રી કે વ્યક્તિત્વશાળી પુરુષને તમારા જીવનસાથી તરીકે રાતોરાત તમારા બેડરૂમમાં તમને આપી દેવાયો, પણ તેને સ્પર્શ કરવાનો અધિકાર તમને લગ્ન નથી આપતું. તેને સ્પર્શ કરવાનો અધિકાર તમને પ્રેમ આપે છે. જો તમને તેનાથી પ્રેમ છે તોજ તમે તમારી પત્ની કે પતિને સ્પર્શ કરી શકો છો, ખાલી કારણ કે એક શરીર તમને સમાજની સ્વીકૃતિ સાથે રાતોરાત ભોગવવા આપી દીધું છે એટલે તમે એના સાથે કંઈ પણ કરી શકો આ જડ, વાસનાગ્રસ્ત અને તમોગુણી સમાજનું પ્રતિબિંબ છે. ટૂંકમાં, “કોઈપણ સ્ત્રી કે પુરુષથી શારીરિક મિલન કરવાનો અધિકાર તમને ત્યારે જ છે જ્યારે તેને જોવાથી તમારા જનીનઅંગો ઉત્તેજિત થતા બંધ થઈ જાય અને હૃદયમાં ચરેરાટ માચાવતી પીડા શરૂ થઈ જાય.” એ પ્રેમની શરૂઆત છે. તમારા વિચારો અને આત્મા એકમેક સાથે એટલા જોડાઈ જાય કે જુદા રહેવામાં હૃદય દુખવા લાગે ત્યારે ઈશ્વર તમને સંભોગની મંજૂરી આપે છે. ત્યારે તે સંભોગ સાંસારિક વાસના ન બનતા, બે આત્માઓનું મિલન બને છે. આ આદર્શ તરફ કમસેકમ હવેની પેઢી જરૂર પ્રયાણ કરે.

            હવે, લગ્ન પછી અન્ય વ્યક્તિથી થતા પ્રેમને નિભાવવાનો માર્ગ. આપણા સમાજની રૂઢિ મુજબ ઘણીવાર લોકોને તેમની પસંદ જાણ્યા વિના કોઈથી પરણાવી દેવામાં આવે છે. અને આવા સંજોગોમાં કેટલાક લોકો પોતાનાથી ઘણી નીચેની સ્થિતિના જીવનસાથીથી જોડાઈ જાય છે જ્યાં નૈસર્ગીક પ્રેમ થવો શકય નથી હોતો. આવા લોકોને ઘણીવાર લગ્ન બહાર તેમના સમકક્ષ કોઈ વ્યક્તિથી પ્રેમ થઈ જાય છે જે તેમના આત્માના શૂન્યવકાશને ભરે છે. તો કેટલાક સ્વતંત્ર લોકો પણ જીવનના ઘણા સમય સુધી પ્રેમની શોધમાં રહે છે. પણ લાંબા સમય સુધી તે ન મળતાં એકસમયે તે સ્વીકારી લે છે કે આ એક કલ્પના છે, વાસ્તવિક જીવનમાં જે સારી ચોઇસ મળે એ સ્વીકારી લેવી જોઈએ. ઘણીવાર એવું બને છે કે આવા લોકો પોતાની કલ્પનાથી કોમ્પરોમાઇઝ કરીને લગ્ન કરી લે પછી તેમને કોઈ અન્ય વ્યક્તિ રૂપે તે પ્રેમ મળે છે જેની તેમને શોધ હતી. તો કોઈવાર આગળ આપણે વિજ્ઞાન જાણ્યું તેમ કોઈનો પ્રાણ તેના જીવનસાથીના પ્રાણથી ઘણો વધુ હોય તો તેને તેના જીવનસાથી સાથે સાથે બીજા કોઈથી પણ પ્રેમ થાય છે. આ ત્રણેય કિસ્સામાં તે વ્યક્તિને લગ્નજીવનના કાયદા બંધન લાગવા લાગે છે અને જે સભ્યતા કે સમાજ તેમને તેમના પ્રેમને મેળવતા અટકાવે છે તે તેના જ દુશ્મન બની જાય છે. એક રીતે જોવા જઈએ તો હિન્દૂ ધર્મમાં જેટલા પણ બુદ્ધિજીવીઓ ડાબેરી વિચારધારા તરફ ધકેલાઈ જાય છે એમાં બે જ કારણો મુખ્ય છે. એક જાતિપ્રથામાં દલિતો સાથે અન્યાય અને બીજું વ્યક્તિગત પ્રેમ સંબંધોનો ધાર્મિક રૂઢીઓના કારણે થતો સામાજિક વિરોધ. આજ કારણ છે કે મોટાભાગના હિન્દૂ ડાબેરી મુક્ત સેક્સના આગ્રહી છે. પણ ઇસ્લામ ધર્મના ડાબેરી એવા નથી. કારણ કે ત્યાં પુરુષને ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની છૂટ છે. એટલે પુરુષોના મોટાભાગના પ્રેમસંબંધો એટલામાં આવી જાય છે. પણ એમાં મહિલાઓની સ્થિતિ કચડાયેલી બને છે. આ કારણે ઇસ્લામમાં ડાબેરીઓ મોટાભાગે મહિલાઓની હાલતના વિરોધમાં બને છે કાં તો આતંકવાદના વિરોધમાં. એટલે આપણે જે પણ માર્ગ શોધવાનો છે એ સ્ત્રી-પુરુષ માટે સમાન હોવો જરૂરી છે. અને એ માર્ગ છે કૃષ્ણનો મહારસ, જે મુક્ત પ્રેમનો ઉત્સવ છે.

            મહારાસ મુજબ, મનુષ્ય દુનિયાના દરેક મનુષ્યને પ્રેમ કરી શકે છે, પણ એ પ્રેમનું કેન્દ્ર કે સ્ત્રોત કોઈ એક જ વ્યક્તિ હોય છે. મહારાસમાં રાધા કૃષ્ણના પ્રેમનું કેન્દ્ર છે જેના પ્રત્યેના પોતાના પ્રેમને કૃષ્ણ સમગ્ર માનવજગત તરફ વિસ્તારે છે. આ વાત કૃષ્ણના મહારાસમાં રાધાને કેન્દ્રમાં અને બાકી તમામ ગોપીઓને પરિઘ પર બતાવીને રજૂ કરાઈ છે. આજ એ મુખ્ય રચના છે જ્યાં સુધી આ માનવસમાજને પહોંચવાનું છે. પ્રેમ સૃષ્ટિનું સત્ય છે, જ્યારે લગ્ન સંસારનું માત્ર એક ક્રિયાકાંડ. પ્રેમ રૂપી સત્ય લગ્ન પહેલા ઘટે તો સાચું અને લગ્ન પછી ઘટે તો પાપ એવું નથી હોતું. પ્રેમ ક્યારેય કોઈપણ સાથે થઈ શકે છે. તે જ્યારે જેનાથી પણ થાય છે તે વ્યક્તિ તમારા પ્રેમનું કેન્દ્ર બની જાય છે. એ તમારા પ્રેમનો સ્ત્રોત બની જાય છે. જગતને આપવા માટે તમારામાં પ્રેમ એ સ્ત્રોતમાંથી આવે છે. જો એ વ્યક્તિ તમારા અસ્તિત્વમાંથી નીકળી જાય તો દુનિયામાં કોઈને પણ પ્રેમ આપવાની તમારી ક્ષમતા ક્ષીણ થઈ જાય. હવે તમે દુનિયામાં જેને પણ પ્રેમ આપો છો એ તે કેન્દ્રરૂપી વ્યક્તિ પ્રત્યેના પ્રેમને જ આગળ વિસ્તારીને આપો છો.

            આમ,લગ્ન પછી અન્ય વ્યક્તિથી પ્રેમ થાય ત્યારે તે વ્યક્તિ મનુષ્યના પ્રેમનું કેન્દ્ર બની જાય છે અને તેનો જીવનસાથી તેના અસ્તિત્વનું કેન્દ્ર બની જાય છે. જીવનસાથી રૂપે તેના અસ્તિત્વનું કેન્દ્ર એ સ્થાન છે જ્યાં તેનો પ્રાણ ત્રીપરિમાણીય શરીર મારફતે જીવનસાથીના પ્રાણમાં જોડાયેલો છે. તે મનુષ્યના ભૌતિક જીવનનું કેન્દ્ર છે, જ્યારે જે વ્યક્તિથી પ્રેમ થયો છે તે હવે તે મનુષ્યના આત્મીય જીવનનું કેન્દ્ર બને છે. આવા મનુષ્યે શરીરના પ્રાણથી જોડાયેલા પોતાનાથી ઓછો પ્રાણ ધરાવતા જીવનસાથીને પોતાના પ્રાણમાં સાચવી રાખવાનો છે, જેથી તે જીવનસાથીનો તેના આત્મામાં મોક્ષ થઈ શકે. અને બીજી બાજુ તેને જેનાથી પ્રેમ છે તેના પ્રત્યેના પ્રેમને શરીરની સીમાઓથી બહાર રહીને સતત ગાઢ બનાવે જવાનો છે, જેથી પોતાના એ પ્રેમના કેન્દ્રમાં તે પોતાનો મોક્ષ મેળવી શકે. આ રીતે મહારાસની આ વ્યવસ્થા એકસાથે ત્રણ, ચાર કે તેથી વધુ આત્માઓની એક આખી શૃંખલાને એક આત્મા બનાવી મોક્ષ આપી શકે છે. અને એજ સૃષ્ટિમાં ફેલાયેલા બ્રહ્મનું લક્ષ્ય છે. આત્મારૂપી પોતાના ટુકડાઓને સતત જોડતા રહી આખરી એક્ત્વ ધારણ કરવું. તો મહારાસના આ આખરી માર્ગમાં પ્રેમના કેન્દ્ર તરફ શરીરની સીમાઓથી ઉપર ઉઠીને પ્રેમ કેવીરીતે વ્યક્ત કરવો તે સમજીએ.

            જીવનની કોઈપણ ક્ષણે જ્યારે પ્રેમ થાય ત્યારે પ્રેમને વ્યક્ત કરવાના બેજ સાચા માર્ગ છે. એક સંગીત, અભિનય અને નૃત્યનો કલાત્મક માર્ગ અને બીજો મિત્રતારૂપી વ્યવહારિક માર્ગ. જેમ બે મિત્રો વચ્ચે ઓછામાં ઓછા રહસ્યો, અહમ અને ભેદ હોય તેમ તેમની મિત્રતા ગાઢ હોય છે. મતલબ, તેમના આત્માની એકતા એટલી વધારે છે. આમ, મિત્રતા એ કોઈ સંબંધ નથી. તે પ્રેમ વડે આત્માઓનું મિલન કરાવવાનો એક વ્યવહારિક માર્ગ છે. એજ રીતે સંગીત પણ મનુષ્યના ચક્રોની ઉર્જાને એક સ્વર અને એક લયમાં જોડે છે. અને આપણે જાણ્યું કે ચક્રો જ મનુષ્યના આત્માના પરિમાણો છે. આમ, સંગીત અને તેના સાથે થતો અભિનય અને નૃત્ય બે આત્માઓને જોડવાનું કાર્ય કરે છે. મિત્રતા અને સંગીત આ બેજ એ માર્ગ છે જ્યાં પ્રેમીઓના મિલન વચ્ચે તેમનું ત્રણ પરિમાણોનું ચામડાનું શરીર નથી આવતું. એટલે એ જ માર્ગે પ્રેમીઓના આત્માના તમામ દસ પરિમાણો એકબીજા સાથે એક થઈ શકે છે. અને એજ માર્ગ રાધા અને કૃષ્ણએ પણ અપનાવ્યો હતો. કૃષ્ણની મુરલીનું સંગીત અને રાધા-કૃષ્ણના રાસનું નૃત્ય. આ રીતે શરીરની સીમાઓથી ઉપર વ્યક્ત થતો પ્રેમ જ બે આત્માઓનો એકબીજામાં મોક્ષ કરાવે છે. તો આ મહારાસના માર્ગમાં પ્રેમીઓના શરીરો કઈ સીમા સુધી એકબીજાને સ્પર્શી શકે છે..?

            સંગીત અને મિત્રતાના માર્ગે પ્રેમ વ્યક્ત કરતા પ્રેમીઓ તેમના શરીરોનો ઉપયોગ બસ એકબીજાને પ્રેમથી ભેટી લેવા માટે અને એકબીજાને ભેટીને પ્રેમ સમાધિમાં લિન રહેવા માટે જ કરે છે. એ સ્થિતિમાં તેમના શરીર એકબીજા માટે ઇશ્વરની મૂર્તિ સમાન હોય છે, જેના અંગો-ઉપંગો વચ્ચેનો કોઈ ફરક પ્રેમીઓને નજરે નથી આવતો. એતો બસ બે ઈશ્વરની મૂર્તિઓની એકબીજા સાથે લાગેલી સમાધિ છે. શરીરની સીમાઓથી ઉપર ઉઠીને વ્યક્ત થતો આ દિવ્ય પ્રેમ પ્રેમીઓને એકબીજા માટે ઈશ્વર બનાવી દે છે. આ સિવાય તિબેટીએટન બુદ્ધિઝમમાં વ્યક્તિને મળતી વખતે ‘હાય’ અને દૂર જતી વખતે ‘બાય’ કહેવાની એક આધ્યાત્મિક રીત છે. આ બંને પ્રસંગે તેઓ પોતાના લલાટ એકબીજા સાથે ટેકવી આંખો બંધ કરી પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. લલાટ મનુષ્યના છઠ્ઠા ચક્રના સ્થાને આવેલું છે જે બુદ્ધિ સાથે જોડાયેલું છે. જ્યારે નીચેના પાંચ ચક્રો શરીરની પાંચ ઇન્દ્રિયો સાથે જોડાયેલા હોય છે. બુદ્ધિ પાંચેય ઇન્દ્રિયોથી ઉપર રહીને તેમનું નિયમન કરે છે. આથી, કોઈપણ મનુષ્ય અન્ય વ્યક્તિ પ્રત્યે પોતાનો ઇન્દ્રીયાતીત પ્રેમ દર્શાવવા માટે બુદ્ધિ સાથે સંકળાયેલ છઠ્ઠા ચક્રના સ્થાને એટલે કે લલાટ પર ચુંબન કરે છે. લલાટથી નાકના ટેરવા સુધીનો ભાગ છઠ્ઠા ચક્રના વિસ્તારમાં આવે છે. હોઠના સ્થાનેથી પાંચમા ચક્રની સીમા શરૂ થાય છે. એટલે કે ત્યાંથી શરીરની ઇન્દ્રિયોની સીમા શરૂ થાય છે. આથી, હોઠ પરનું ચુંબન મનુષ્યને સામેવાળા વ્યક્તિના શરીરની સીમમાં લઇ જાય છે. મનુષ્ય આત્મસંયમ ન દર્શાવે તો તે સીધો સંભોગ તરફ ચાલ્યો જાય છે જે પ્રેમ માટે અનિષ્ટ છે. ઇન્દ્રીયાતીત પ્રેમના માર્ગમાં હોઠ પરનું ચુંબન એક જ સમિકરણમાં યોગ્ય મનાય છે. જો એક પરણિત વ્યક્તિ પોતાના જીવનસાથી સિવાય જે વ્યક્તિથી પ્રેમમાં હોય તે વ્યક્તિ જો ક્યારેય સેક્સ ન કરેલી હોય, મતલબ કે જો તેના પ્રાણમાં કોઈ બીજાના શરીરની સમાધિ ન લાગેલી હોય અને જો તે વ્યક્તિને પણ તે પરણિત વ્યક્તિથી પ્રેમ હોય તો તે બંને પોતાના પ્રેમના આખરી ચરણમાં એકબીજાના હોઠ પર એક અને માત્ર એક જ હળવું ચુંબન કરી શકે છે. ત્યારબાદ તેમને ફરી પોતાના પ્રેમને છઠા ચક્રના સ્થાને એટલે કે લલાટ પર કેન્દ્રિત કરીને સંગીત અને મિત્રતાના માર્ગે પ્રેમ નિભાવવાનો શરૂ કરી દેવાનો છે. આ એક જ કિસ્સામાં હોઠ પરનું એક અનન્ય હળવું ચુંબન યોગ્ય ગણાયું છે.

            બેમાંથી એક વ્યક્તિ અપરણિત હોય ત્યારે આ છૂટ એટલા માટે અપાય છે કારણ કે મનુષ્યના શરીરની ઉર્જા પુરુષ અને સ્ત્રી એ બંને પ્રકૃતિઓમાં અભિવ્યક્ત થયેલી હોય છે. શરીરનું એક ચક્ર પુરુષ પ્રકૃતિ દર્શાવે છે તો તે પછીનું ચક્ર સ્ત્રી પ્રકૃતિ. પુરુષ અને સ્ત્રી શરીરોમાં તેમના ચક્રોની આ પ્રકૃતિ વિરોધી હોય છે. એટલે મનુષ્યનો ચહેરો બે ચકરોની અસર ધરાવે છે, પાંચમા અને છઠા. આ બંને ચક્રો શરીરમાં રહેલી ઉર્જાની બે વિરોધી પ્રકૃતિઓ ધરાવે છે. પરણિત વ્યક્તિ જેણે સેક્સ કરેલો છે તેના શરીરમાં બીજા કોઈના શરીરનો રેકોર્ડ હોવાથી તે શરીરની બંને પ્રકૃતિઓ સંતૃપ્ત થયેલી હોય છે. બસ તેનો પ્રાણ જ અસંતૃપ્ત હોઈ શકે છે. અને પ્રાણ પ્રેમથી સંતૃપ્ત થઈ જાય છે એટલે તેવા પરણિત વ્યક્તિ સાથે છઠા ચક્રના સ્થાન પરથી જ ઇન્દ્રીયાતીત પ્રેમ વ્યક્ત કરાય છે. પણ જેના શરીરમાં કોઈ બીજા શરીરનો રેકોર્ડ નથી તે શરીરમાં પ્રાણ સાથે સાથે શરીરની આ બે વિરોધી પ્રકૃતિઓ પણ શાંત કરવાની જરૂર પડે છે. એટલે એવા વ્યક્તિ સામે સંગીત અને મિત્રતાના માર્ગે તથા છઠ્ઠા ચક્ર સુધીના સ્પર્શના માધ્યમે પ્રેમ દિવ્યતાની હદોમાં આવી જાય ત્યાર પછી તેના હોઠ પર એક હળવું ચુંબન કરી પાંચમા ચક્રની પ્રકૃતિને શાંત કરી દેવાય છે. શરીરની બીજી પ્રકૃતિ પહેલાથી જ છઠા ચક્ર એટલે કે લલાટ પરના સ્પર્શ અને ચુંબનથી સંતૃપ્ત થઈ ચૂકી હોય છે. ઇન્દ્રીયાતીત પ્રેમમાં શરીર સ્પર્શની બાબતમાં મળતી આ છેલ્લી છૂટ છે. તેનાથી આગળ વાસના શરૂ થાય છે. જો તે બંને પ્રેમી પણ એકવાર ચુંબન કર્યા પછી ફરી ચુંબન કરવા માંગે તો તે પ્રેમ વાસનાની સીમમાં પ્રવેશી ચુક્યો છે એવું મનાય છે.

            હોઠ પરનું એ એકમાત્ર ચુંબન પ્રેમિ કે પ્રેમિકાના શરીરની બીજી રહી ગયેલી પ્રકૃતિને શાંત કરી તેના આત્માને શરીરની સીમામાંથી બહાર લાવવા કરવામાં આવે છે. કૃષ્ણએ ગોપીઓને અને રાધાને કરેલું ચુંબન આવું જ ચુંબન હતું. સન્યાસી જીવનની શરૂઆતમાં કૃષ્ણ અને ગોપીઓના મહારાસને ન સમજી શકનારા અને આજીવન બ્રહ્મચારી રહેલા સ્વામી વિવેકાનંદે પોતાના આખરી વર્ષોમાં ‘ભક્તિ’ વિશેના ભાષણમાં કહ્યું હતું કે ‘જ્યારે હૃદયમાં આત્મા પ્રત્યેનો દિવ્ય પ્રેમ ન હોય અને આંખોમાં બસ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલી સાંસારિક વાસના હોય ત્યારે આજીવન શરીર સુખ માનીને પણ સ્ત્રી-પુરુષ એક આત્મા નથી બની શકતા. પણ જ્યારે હદયમાં એ ઇન્દ્રીયાતીત આત્મીય પ્રેમ હોય ત્યારે અધરો પરનું એક ચુંબન, માત્ર એક ચુંબન પણ બે આત્માઓને એકબીજામાં મોક્ષ આપી દે છે.’ પણ અહીં એક ફરક સમજવાનો છે. જો બંને વ્યક્તિઓ એકબીજાના પ્રેમમાં હોય તોજ તે બંને વચ્ચે આ અનન્ય ચુંબન યોગ્ય ગણાય છે. જો બેમાંથી કોઈ એકને જ પ્રેમ હોય અને બીજી વ્યક્તિ ફક્ત તે પ્રેમની સ્વીકારક કે સમ્માન આપનાર હોય તો તે બંનેને હોઠ પરના પાંચમા ચક્રની સીમમાં પ્રવેશવાની પરવાનગી નથી. તેમના વચ્ચે પ્રેમની અભિવ્યક્તિ લલાટ પર ચુંબન કરીને, લલાટ ટેકવીને કે ભેટીને જ કરી શકાય છે. કારણકે એવી રીતે તો કોઈપણ સ્ત્રી કોઈ પરણિત પુરુષ સામે આવીને કે કોઈપણ પુરુષ કોઈ પરણિત સ્ત્રી સામે જઈને પ્રેમની કબૂલાત કરી તેને હોઠ પર ચુમવાની કોશિશ કરે. એ કિસ્સામાં પ્રેમ વ્યક્ત કરનારને સામેવાળા વ્યક્તિના ફક્ત લલાટ સુધી જ સ્પર્શ કરીને પ્રેમ વ્યક્ત કરવાની છૂટ છે. બાકીની પ્રેમની અભિવ્યક્તિ મિત્રતા અને સંગીતથી થવી જોઈએ. જ્યારે બંને વ્યક્તિઓને એકબીજાથી પ્રેમ હોય અને જ્યારે તે બંનેમાંથી કોઈ એક કે બંને સેક્સ કર્યા વિનાના હોય ત્યારે જ હોઠ પરનું તે અનન્ય હળવું ચુંબન સત્યનો માર્ગ ગણાય છે.

            તો આ છે મહારાસનો એ દિવ્ય માર્ગ જે ના આજના સમાજની જેમ પ્રેમનું દમન અને તિરસ્કાર કરે છે ના તે એ અર્ધજ્ઞાની ડાબેરીઓની જેમ મુક્તસેક્સના વિનાશક મૃગજળ તરફ આગળ વધે છે. મહારાસ માનવસમાજનો એ મધ્યમાર્ગ છે જે પ્રેમરૂપી આખરી સત્યને દરેક મનુષ્યના જીવનમાં ધબકતું કરી દેશે. આજ એ સામાજિક વ્યવસ્થા છે જે માનવસમાજને ફરી સતયુગમાં લઇ જશે, જ્યાં પ્રેમ અને મોક્ષ સમાજજીવનનું કેન્દ્ર છે. જો ક્યારેય એ ડાબેરીઓ અને અન્ય કહેવાતા બુદ્ધિજીવીઓની મુક્ત સેક્સની અપીલ શક્તિશાળી બનતી લાગે અને તેમના વિરોધમાં આજના એજ જડ રૂઢિવાદીઓ ઉભેલા દેખાય તો સમજી લેજો મહારાસની આ વ્યવસ્થાને સ્થાપવાનો સમય આવી ચુક્યો છે. આ મધ્યમાર્ગ જ એ બંનેને શાંત કરી વાસના અને જડતાના સ્થાને પ્રેમથી ભરી શકશે.

April 25 / 2019 / On Facebook

ભાગ ૩ : અધ્યાય 3 - માનવજાતિમાં લગ્નવ્યવસ્થાની શરુઆત કેવી રીતે થઈ?

આજની સ્થિતિ શું છે?

તો આજે માનવજાતિમાં લગ્નસંસ્થાની શરુઆત અને તેમાં આવેલા ભટકાવની વાત આ લાંબા લેખમાં કરીએ. ચિમ્પાન્જી જેવા પ્રાણીઓમાંથી ઉત્ક્રાંતિ પામીને જંગલોમાં શરુઆતી આદિમાનવો અસ્તિત્વમાં આવ્યા અને ધરતી પર માનવજાતિની શરુઆત થઈ. શરુઆતના એ માનવોનું જીવન પ્રાણીઓની ટોળી સમાન જ હતું. જ્યારે પણ સ્ત્રી-પુરુષને એકબીજાથી આકર્ષણ થતું તે પ્રાણીઓની જેમ સંભોગ કરી લેતા. એજ સ્ત્રી અને એજ પુરુષ બીજા પુરુષ કે સ્ત્રી સાથે આકર્ષણ અનુભવાય ત્યારે ત્યાં પણ સંભોગ કરી લેતા. પણ સમય સાથે સહજીવન આગળ વધતાં તેમને એક બીજી લાગણી અનુભવાઇ. તેમણે અનુભવ્યું કે અમુક વખતે સ્ત્રી-પુરુષનું આકર્ષણ ખાલી સંભોગનું ન હોતાં અંદર ઉંડાણથી ક્યાંકથી આવતું હતું. નિશ્ચિત સ્ત્રી-પુરુષને એકબીજા સામે જોતાં તેમના જનીનઅંગોમાં ઉત્તેજનાના સ્થાને હદયમાં મિલનની પીડા અનુભવાવા લાગતી. તે મિલનની ઇચ્છા પણ સંભોગની જ નહોતાં એકબીજાને ભેટવાની, એકબીજા સાથે રહેવાની અને જીવવાની હતી જે નૈસર્ગિક રીતે સંભોગમાં પરિણમતી. પણ આ સ્ત્રી-પુરુષ અન્ય સ્ત્રી-પુરુષોની જેમ પછી બીજા કોઇ સાથે સંભોગ ના કરી શકતાં. કોઇ બીજા સાથે સંભોગ કરતી વખતે તેમના અંદરથી તેમને કોઇ અવરોધતું હોય એવું અનુભવાતું અને સંભોગ પત્યા પછી કોઇ ભયંકર અપરાધ કર્યો હોય તેવી પીડા અનુભવાતી. આ રીતે તે બે નિશ્ચિત સ્ત્રી-પુરુષ હવે હંમેશા સાથે રહેવા લાગ્યાં, જ્યાં બીજા કોઇ વિશે વિચારવું પણ તેમના માટે પોતાના જ વિરુધ્ધ વર્તવા સમાન લાગતું. આ એક અલગ જોડાણ હતું. તેમના આત્મા જોડાયેલા હતા, તેમના આત્માનું કેન્દ્ર એક હતું. અને આ જોડાણના કારણે જે લાગણી માનવ મનમાં ઉદભવી તેને આપણે પ્રેમ કહીએ છીએ.
જેમ જેમ આવા આત્માથી જોડાયેલા જોડકા એ શરુઆતી માનવ સમાજમાં વધતાં ગયાં તેમ તેમ એ સમાજ એમની લાગણીને સમજતો થયો અને એ લોકો હવે એકબીજા માટે રિઝર્વ છે એ વાત સ્વીકારતો થયો. તે સ્ત્રી અને પુરુષ પર હવે અન્ય કોઇ અધિકાર નહીં કરી શકે એ વાત આખા સમાજને સમજાવવા માટે એક સામાન્ય વિધિ નક્કી કરવામાં આવી. આદિમાનવો અગ્નિથી જ ખોરાક પકવતા અને અગ્નિ જ જંગલી પ્રાણીઓથી બચવા માટે તેમનું મોટું હથિયાર હતું. આથી, અગ્નિ તેમના માટે એક પવિત્ર વસ્તુ હતી. ત્યારથી આવા જોડાયેલા આત્માવાળા લોકોને અગ્નિની આસપાસ ફેરવીને એક જોડકા સ્વરૂપે સ્વિકારવામાં આવતા. તેમના જોડાયેલા આત્મા અગ્નિની જ્વાળા સમાન એક બને અને તેમના જોડાણ વિરુધ્ધ આવતી કોઇપણ ખરાબી એ અગ્નિની જ્વાળામાં આવીને ભસ્મ થઈ જાય એવી પ્રાર્થના કરવામાં આવતી. બસ એજ માનવસમાજમાં લગ્ન (એટલે જોડાણ) ની શરુઆત હતી. જે સ્ત્રી-પુરુષ પોતાને આ રીતે જોડાયેલા આત્મા તરીકે એકબીજા માટે ઘોષિત કરી દે તેમના આ રીતે લગ્ન કરાવી દેવામાં આવતા. તે જોડાણને બહુ સમ્માન અને પવિત્રતાથી જોવામાં અને સ્વિકારવામાં આવતું. હજારો વર્ષો સુધી ભારતીય સભ્યતામાં એ જોડાણને સ્ત્રી-પુરુષની વ્યક્તિગત પસંદગી માનીને સમ્માન આપાયું. પ્રાચિન ભારતમાં આવતા આવતા એ વિચારે સ્ત્રીયોના સ્વયંવરનું સ્વરુપ લઈ લીધું. રાજકુમારીઓના સ્વયંવરમાં આમંત્રિત રાજ્યના રાજકુમારો આવતા તો સામાન્ય છોકરીઓના સ્વયંવરમાં આજુબાજુના ગામડામાંથી આમંત્રણ આપેલા નિશ્ચિત જાતિના છોકરાઓ આવતા. પણ આખો ભારતીય સમાજ છેક નીચેથી ઉપરના સ્તર સુધી સ્ત્રીને તેનો વર પસંદ કરવાની વ્યવસ્થામાં જ ગોઠવાયેલો હતો. જ્યારે પ્રેમમાં હોય તેવા સ્ત્રી-પુરુષને સ્વયંવરથી પણ વિશેષ મહત્વ અપાતું. પ્રેમી તેની પ્રેમિકાનું સ્વયંવરમાંથી કે તે પહેલા હરણ કરી દે તો આખા સમાજને તે સ્વીકારવું પડતું. એટલે જ તો પ્રાચિન ભારતમાં પ્રેમકથાઓને બહુ સમ્માનથી ગ્રંથબધ્ધ કરવામાં આવતી. રામ અને સીતા આ રીતના પતિ-પત્નિની કથા છે જેમના આત્મા પ્રેમથી જોડાયેલા છે, જેને રાવણ જેવો શક્તિશાળી અત્યાચારી પણ હરાવી શકતો નથી.
પણ સમય સાથે વિદેશી આક્રાન્તાઓ ભારતમાં ઘુસી આવ્યા અને તેમણે ભારતનાં રજવાડા અને સમાજને ગુલામ બનાવ્યો. તેઓ હિંદુ સ્ત્રીયોને બળજબરીથી ઉઠાવી જવા લાગ્યા અને અન્ય અનેકરીતે ભારતીય સ્ત્રીયો અસુરક્ષિત બની. ગુલામ ભારતના આ સમયમાં સ્ત્રીયોને તેમનો પ્રેમીપાત્ર શોધવા આપવા લાયક સમય ન બચ્યો. તેમની સુરક્ષાની ભાવના મુખ્ય બની. અને ગુલામીના એ 900 વર્ષમાં સ્ત્રીયો માટે ભારતીય સમાજ બદલાઇ ગયો. ગામડાઓથી લઈને મહેલો સુધી થતા સ્વયંવર બંધ થઈ ગયા અને દરેક સ્થાને માતા-પિતા પોતાની દિકરીયોને નાની ઉમરે જ પોતાની જાતિના કોઇ છોકરા સાથે પરણાવી તેને તેના ઘરે મોકલી દેતા. આ એ સમય હતો જ્યારે ચૌદ વર્ષ ઉપરની કોઇ છોકરી ભાગ્યે જ કુંવારી હોતી અને સત્તર વર્ષે બાળકની માં હોતી. લક્ષ્ય એક જ હતું; આપણી છોકરી કોઇ મુગલ કે અંગ્રેજની ગુલામ બનીને રહે એના કરતાં આપણી જાતિના આપણા ઓળખીતા માણસના ઘરે ગુલામીમાં રહે એ વધારે બહેતર છે. અહીંથી ભારતીય સમાજમાં હજારો વર્ષોથી ચાલ્યો આવતો જે સ્ત્રી-પુરુષ પ્રેમ અને આત્માથી જોડાયેલા હોય તેમના જ લગ્ન કરવાનો સિધ્ધાંત ખતમ થઈ ગયો અને આજે આપણે જોઈએ છીએ તેવા એરેન્જ મેરેજ અસ્તિત્વમાં આવ્યા. છેલ્લા હજાર વર્ષથી અમલમાં આવેલી આ એરેન્જ મેરેજની વ્યવસ્થા જે પરણે છે એમની ઇચ્છા કે એમના આત્માની શાન્તી માટે નહીં, તેમના માતા-પિતાનો બોજ હટાવવા માટે છે. આજે પણ દરેક એરેન્જ લગ્ન માં-બાપના માથાનો બોજ હટાવવાના લક્ષ્યથી થાય છે. તો, આ છે. શિક્ષણ વ્યવસ્થા અને બીજી અનેક વ્યવસ્થાની જેમ 900 વર્ષના ગુલામીકાળમાં જે લગ્નવ્યવસ્થા મજબુરી રુપે આપણે ચલાવવી પડી, તે જ લગ્નવ્યવસ્થાને આજે આઝાદ ભારતના બોત્તેરમા વર્ષમાં પણ આપણે ચલાવી રહ્યા છીએ. અહીં પણ હજી આપણે ગુલામીના હેંગઓવરમાં છીએ.
હવે માં-બાપની પેઢી ચલાવવાની ઇચ્છા પુરી કરવા કે બાપના મનમાંથી છોકરીના લગ્નની ચિંતા દૂર કરવા અગ્નિ આસપાસ ફેરા લગાવવામાં આવે છે. હવે તેમના આત્મા પ્રેમથી એક થયેલ છે એટલે તે પતિ-પત્નિ છે એવું નથી. હવે, તેમણે ફેરા ફરવાની વિધિ કરી છે એટલે તે પતિ-પત્નિ છે. માનવજાતિની લગ્નસંસ્થામાં આવેલો આ બિલકુલ 180 ડિગ્રીનો ભટકાવ છે. બે અજાણ્યા માણસો 20-25 વર્ષની ઉમરમાં માં-બાપના પ્રેશર અને સમાજના પ્રવાહથી સંઘર્ષ ન કરવાની માનસિકતા સાથે દસ મિનિટની મુલાકાતમાં કોઇને લગ્ન માટે પસંદ કરે છે ત્યારે એમાં મોટાભાગે સેક્સનું આકર્ષણ હોય છે. તેમના અર્ધજાગ્રત મનમાં એ ઉન્માદ હોય છે કે ચલો આજસુધી જે કરવા નથી મલ્યો તે સેક્સ કરવા મળશે. એમાં જ જીવન કાઢી નાખીશું. પણ આત્મીય પ્રેમ વિના રોજ એકનું એક શરીર ભોગવીને છ મહિનામાં જ તે સમજી જાય છે કે સેક્સ તો એક છેતરામણી હતી અને હવે તેમને એક એવા માણસ સાથે જિવવું પડે એમ છે જેના સાથે જીવવું ક્યારેય તેમની પહેલી પાંચ ચોઇસમાં ના હોત. બસ આવા જ સમયે તે જોડકાને ઘરમાંથી સલાહ અપાય છે – ‘એક-બે છોકરાં લાવી દો. બહેનનું જીવન છોકરાં મોટાં કરવામાં જતું રહેશે અને ભાઇ તમે પૈસા અને પ્રતિષ્ઠા કમાવવામાં ધ્યાન આપજો.’ બહુ જ દુખ સાથે કહેવું પડે છે કે સમાજમાં આવા જોડકા બહુ મોટી સંખ્યામાં છે. સ્ત્રી કાં તો પુરુષને સતત તેના સંતાનો બતાવી બતાવીને અને રાતે નવ વાગે ધાર્મિક ચેનલ પર પોતાનું કેરિયર સેટ કરતા સ્વામીનારાયણના નવમું ફેલ બાબજીની ફેમિલિ કાઉન્સિલિંગ કરતી કથાઓ સંભળાવી સંભળાવીને સામેવાળા પાસે જોડી રખાય છે. આવા જ સમાજ માટે ઓશોએ કહ્યું હતું, ‘ઇજ્જતની મોટી મોટી વાતો કરવાવાળા લોકોના ઘરમાં મેં જોયું છે કે સ્ત્રી એક બાંધેલી ગુલામ હોય છે જેને સમાજનો ડર અને સંતાનોની શરમ બતાવીને શારિરિક, સામાજીક અને આર્થિક રીતે ઉપભોગ કરાય છે. જ્યાં આત્મા પ્રેમથી જોડાયો નથી, ત્યાં સંભોગ થાય છે ત્યારે સ્ત્રી અને પુરુષ બંને એકબીજા માટે ક્ષણિક શરીરસુખ આપનાર વેશ્યા તરીકે જ વર્તે છે. ભલે સમાજ માટે તે પતિ-પત્નિ હોય.’ આવા સમાજ અને એવા બેડરૂમથી કુરૂપ દ્રશ્ય આ દુનિયા પર બીજું કોઇ નથી. અને જો આ બધું સમાજની સ્થિરતાના નામે ચાલું રાખાતું હોય તો યાદ રહે, જે સ્થિરતામાં સત્ય ન હોય તે સ્થિરતા નથી, તે જડતા છે. અને જડતા અનેક દુષણોને નિમંત્રણ આપી સભ્યતાના વિનાશને નોંતરે છે.
ભટકાવથી આવેલા દુષણો:
જ્યારે પણ મને ભ્રષ્ટાચારની વ્યાખ્યા પુછવામાં આવે છે ત્યારે હું એક જ વ્યાખ્યા કરી શકું છું. ‘કોઇ કામ જે ઉદેશ્યથી કરવાનું હોય તે સિવાય બીજા કોઇ ઉદેશ્યથી કરાય ત્યારે તેને ભ્રષ્ટાચાર કહે છે. તે હંમેશા પરિણામમાં વિકૃતિ અને નકારાત્મકતા લઈને આવે છે.’ જ્યારે માનવસમાજમાં લગ્ન કરવાનું કારણ અને સ્વરુપ બદલાઇ ગયું અને તે ભ્રષ્ટ સ્વરૂપને પણ જ્યારે સભ્યતા અને સ્થિરતાના નામે પોષવામાં આવ્યું ત્યારે વિકૃતિઓ ઉત્પન્ન થઈ. આજે મોટા શહેરોમાં પતિથી સેટ ન હોય તેવી એરેન્જ મેરેજવાળી સ્ત્રીયો પતિનું ઘર છોડવા તૈયાર નથી. તે એમના માટે સામાજીક અને આર્થિક સુરક્ષાનું ગોખલું છે. પણ બહારથી ચોરીછૂપે લગ્નેતર સબંધો શોખથી રાખે છે. પરણિત સ્ત્રી સાથે સેક્સ કર્યા પછી છોકરો પ્રેમની વાત કરે એટલે સ્ત્રી બોલે, ‘ઍય, ખબર નથી પડતી. હું પરણીત છું.’ થોડીવાર પહેલા સુધી સેક્સ ચાલતો હતો ત્યારે પરણીત હોવું મહત્વપૂર્ણ નહોતું, પણ પ્રેમ અને મિત્રતાની ગંભીર વાત કરતાં એ વાત વચ્ચે આવી જાય છે. મોટા શહેરોમાં અને નાના શહેરોની હાયફાય પબ્લિકમાં આ ચિત્રને પેશ કરતા રિસર્ચોના આંકડા એટલા ભયાનક છે કે આજે લગભગ દરેક અર્બન ફિલ્મ કે વેબસિરિઝમાં આ ચિત્ર દેખાડવામાં આવે છે. અન્ય સ્ત્રીઓ લગ્નેતર સબંધના સ્થાને હસી-મજાક, મૌન રોમાન્સ અને નાની-મોટી છુટછાટના છુપા સબંધો એ રીતે રાખવાની કોશિશ કરે છે જેમાં તેમના લગ્નજીવનના સુરક્ષિત ગોખલાને કોઇ આંચ ન આવે. માનવને સત્યને અનુસરવાની સાધનામાં નાખ્યા વિના ધર્મનો ડર બતાવીને ઉપર ઉપરથી થોપેલા નૈતિક નિયમો અનુસરતો કરવામાં આવે છે ત્યારે સમાજ આવા અપવિત્ર આડંબરોથી ભરાય છે. એટલે સભ્ય જીવનશૈલી પાછળ છુપી રીતે વાસનાઓ કે પ્રેમ સંતોષી લેવાની આ વિકૃતિ આમની આમ રહી તો આ સદીના અંત સુધીમાં તે ભારતીય સમાજને તેના કેંદ્રમાંથી જ ખતમ કરી દેશે.
સત્યની પુન:સ્થાપના:
તો એક તરફ એવા સ્થાને પતિ કે પત્નિ બનીને રહેવાની ગુલામી જ્યાં પોતાનો આત્મા જોડાઇ શકે એમ નથી અને બીજી બાજુ એવા ઘરથી મુક્ત થવા કરતાં સામાજીક અને આર્થિક સુરક્ષા માટે એ ગોખલું બચાવી રાખી બહાર છુપો વ્યાભિચાર. ગુલામિકાળમાં મજબુરીથી ચલાવવી પડેલી લગ્નવ્યવસ્થામાંથી નિકળેલા આ બે ભટકાવ છે. આ બે બાજુની બદીઓથી સમાજને મુક્ત કરી સત્ય સ્થાપવાનો માર્ગ શું છે? માર્ગ છે પવિત્રતા. જે સત્ય છે એને જ બધા સામે સ્પષ્ટતાથી જીવવું. પ્રેમની છુપી અભિવ્યક્તિ પાપ છે. જ્યારે જીવનના કોઇપણ સમયે અને કોઇપણ પરિસ્થિતિમાં પ્રેમની નિખાલસ કબુલાત અને અભિવ્યક્તિ ઇશ્વરનો માર્ગ ગણાય છે. મુક્તિ માટે લાયક એક શ્રેષ્ઠ આધ્યાત્મિક ભારત માટે આપણે એવો પવિત્ર સમાજ તૈયાર કરવાનો છે જેવો માનવજાતિની શરુઆતમાં હતો. જેમના આત્મા પ્રેમથી જોડાયેલા છે તેજ પતિ-પત્નિ તરીકે સાથે હોય, બાકીના સ્ત્રી-પુરુષ જેને જોતાં જ આત્મીય પ્રેમ પ્રગટે એવા સાથીની શોધમાં એકલા હોય. જ્યારે કોઇને એવો સાથી મળે ત્યારે તે બંને લગ્ન કરવા સમાજ સામે ઉપસ્થિત થઈ જાય. બસ, માનવસમાજમાં લગ્નની વ્યવસ્થા આજ રીતે અને આજ કારણે હોવી જોઇએ. જેવી શરુઆતી માનવસમાજમાં લગ્નપ્રથા શરું થઈ તે વખતે હતી. ખાલી સાહિઠ વર્ષના માં-બાપોની હાર્ટ એટેકની ધમકીઓથી ડરીને અને સંતાનો માટે કોઇ પતિ-પત્નિ સાથે ન રહે. જેમના વચ્ચે કોઇ જાતનો આત્મીય પ્રેમ પ્રગટ્યો જ નથી તેમને ખાલી દેખાવો કરવા માટે સાથે રહેવા અને સુવા મજબુર કરતું દરેક પરિબળ ચાહે તે સમાજ હોય, સંતાનો હોય, મા-બાપ હોય કે કથાકારોની ઉપરછલ્લી કથાઓ હોય તે આ દુનિયા પર એક અનિષ્ટને સ્થાપવાનું કાર્ય કરી રહ્યા હોવાથી પોતે પણ અનિષ્ટ જ સાબિત થાય છે. આ અનિષ્ટથી માનવસમાજને મુક્ત કરવાનો સમય હવે આવી ચુક્યો છે. અને એનો શંખનાદ થયો છે વીત્યા વર્ષે આવેલા સુપ્રિમ કોર્ટના એક ચુકાદાથી.
પહેલા જો કોઇ સ્ત્રી એના પતિની મરજી વિના કોઇ બીજા પુરુષ સાથે રહે તો પતિ તે બીજા પુરુષને પોતાની પ્રોપર્ટી પર અધિકાર જમાવવાના ગુના રુપે જેલમાં પુરાવી શકતો. પણ જો પતિ બીજી કોઇ સ્ત્રી સાથે રહે તો પત્નિ તે બીજી સ્ત્રીને જેલમાં ન પુરાવી શકતી. સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપ્યો કે ‘પત્નિ અને પતિ ચાહે ત્યારે અન્ય પુરુષ કે સ્ત્રી સાથે સામેવાળાને પુછ્યા વિના રહેવાનું શરું કરી શકે. કોઇ કોઇને જેલમાં નહીં પુરાવી શકે. બસ એનાથી સામેવાળાને ડાઇવોર્સ જોઇતા હશે તો આપી દેવાશે.’ મતલબ, જો કોઇ સ્ત્રીને એના પતિથી કે પુરુષને એની પત્નિથી આત્મીય પ્રેમ ન હોય અને તેમને સામેવાળા સાથે ન રહેવું હોય તો તે ચાહે ત્યારે સામેવાળાને છોડી કોઇ બીજા પાસે જઈ શકે છે. દેશનું બંધારણ તેને આ માટેનો અધિકાર આપે છે. કાયદો આમાં ક્યાંય વચ્ચે આવશે નહીં. આ દેશની સંયુક્ત જાગરૂકતામાં આવેલી એક ઉત્ક્રાંતિનું ઉદાહરણ છે. બસ આજ ઉત્ક્રાંતિને હજુ એક ડગલું આગળ લઈ જઈને આ વાતમાં સમાજ પણ ક્યાંય વચ્ચે આવશે નહીં એ ચેતના લાવવાની છે. કોઇ સ્ત્રી-પુરુષ આત્મીય પ્રેમથી જ સાથે રહેવા જોઇએ, સમાજ કે કાયદાના ડરથી નહીં. આજ એ ચુકાદાનું હાર્દ છે. એ ચૂકાદો સમાજમાં વ્યાભિચાર અને ગુલામી બંને હટાવવા માટે છે. એક એવો પવિત્ર સમાજ બનાવવા માટે જ્યાં સ્ત્રી એકવાર તે પતિ સિવાય પોતાના આત્મીય પ્રેમવાળા પુરુષના શરીરથી જોડાય છે પછી તે તેના પહેલાના પતિ કે બીજા કોઇ પુરુષના શરીરનો પોતાને સ્પર્શ પણ નથી થવા દેતી. હવે કાગળ પરના સહી સિક્કા ગમે તે કહે અને સમાજ ગમે તે દબાણ કરે, તેના સાથે આત્માથી જોડાયેલા તે પુરુષને જ હવે તે પોતાનો પતિ- પોતાનો રામ માને છે. બસ, સમાજમાં સ્થિરતાના સ્થાને આ સત્યતા અને પવિત્રતાને લક્ષ્ય બનાવવાનું છે. ત્યારે જ આપણે લગ્નસંસ્થાને તેનું સાચું ઉદેશ્ય અને સાચી પવિત્રતા પાછી આપી શકીશું.
હું આ પરિવર્તનમાં એટલું માનું છું કે આવી રીતે કોઇના ઘરમાં ફસાયેલી સ્ત્રીને મુક્ત કરવા જતાં આખી દુનિયા વચ્ચે આવે તો તે એક સ્ત્રીની મુક્તિ માટે હું આખી દુનિયાનો પ્રલય કરવા અને માનવજાતિની ફરીથી શરુઆત કરવા તૈયાર થઈ જાઉ. હું આ આદર્શમાં એટલું માનું છું કે જો હું ચૌદ-પંદર વર્ષનો થયો ત્યારે મને એવી ખબર પડી હોત કે મારી માતાને મારા પિતાથી ક્યારેય પ્રેમ નહોતો. તે બસ મારા ખાતર તેમના ઘરમાં પડી રહી, તો હું મારી બધી શક્તિ મારી માતાને મારા પિતાથી મુક્ત કરાવવામાં વાપરી દેત. કારણકે એજ સત્ય છે. સમાજ અને સંસાર સત્યને જાળવીને જ ચાલવો જોઇએ, સત્યને રૂંધીને નહીં. સદીઓથી સમાજમાં સ્ત્રીઓને સમાજ, સગાં-સબંધી અને સંતાનોનો ડર બતાવી બતાવીને એવા પુરુષો પાસે જકડી દેવાઇ છે જેમનાથી ના તેમને પ્રેમ છે, ના કોઇ જોડાણ. ક્યાંક પુરુષોને પણ એવી સ્ત્રીઓ પાસે જકડી દેવાયા છે. આજના સમાજનો ઘણો મોટો હિસ્સો આ વિકૃત ચિત્રથી ભરાયેલો છે. હવે ફરી એ યુગ લાવવાનો સમય આવી ચુક્યો છે જ્યાં દરેક પત્નિ કોઇ દબાણ, ડર કે શરમથી નહી, પણ પ્રેમ અને આત્માના જોડાણથી પોતાના પતિ પાસે હોય. જ્યાં દરેક પતિ-પત્નિ રામ અને સીતા હોય, બાકી સાથે ન હોય. ભારતમાં પતિ-પત્નિ માટે રામ-સીતા જ શ્રેષ્ઠ આદર્શ છે. પણ ખાલી કોઇ અજાણ્યા માણસોને રાતો રાત ફેરા ફેરવી દેવાથી અને સાથે સુવાડી દેવાથી તે પતિ-પત્નિ રામ અને સીતા નથી બની જતાં. જેમના આત્મા પ્રેમથી જોડાયેલા છે તે સ્ત્રી-પુરુષને જ રામ-સીતા કહેવાયા છે. ચાહે લગ્નના ક્રિયાકાંડ થાય કે ન થાય, ઇશ્વરની નજરમાં તેજ પતિ-પત્નિ છે. શાસ્ત્રોમાં કહેવાયેલ પતિ-પત્નિની ફરજો અને એ સબંધનો મહિમા આવા આત્માથી જોડાયેલા પતિ-પત્નિ માટે જ છે, શરીર અને સાંસારિક મજબુરીથી જોડાયેલા સ્ત્રી-પુરુષ માટે નહીં. એટલે જ્યારે પણ દુનિયામાં તમે પતિ કે પત્નિ શબ્દ સાંભળો કે તે સબંધ વિશે કંઇક જુઓ ત્યારે દરેક વખતે પોતાના પતિ કે પત્નિ તરીકે એ વ્યક્તિને યાદ કરો જ્યાં તમારો આત્મા તમને જોડી રહ્યો છે. કારણકે એના સાથે એક થઈ જવામાં જ તમારી મુક્તિ છે.
આ સ્પષ્ટ અને સત્યવાદી જીવન જ પવિત્રતા છે. સત્ય અને પવિત્રતાને અવરોધનારા તમામ પરિબળોને અવગણી ફક્ત સત્યને જીવી બતાવવું એજ ધર્મ છે. આવા સત્યવાદી પવિત્ર જીવન જીવનારા લોકો જ પોતાની ઇન્દ્રિયો અને મનને કાબુમાં લઈ શકે છે અને એજ મુક્તિ મેળવી શકે છે. જે સંસારમાં જ બનાવટ કરવા મજબુર એક ગુલામ છે, એ વળી પોતાના શરીર અને ઇન્દ્રિયોની ગુલામીથી ઉપર કેવી રીતે ઉઠવાનો..?
(નોંધ: જેનો આત્મા પોતાના પતિ કે પત્નિથી પ્રેમથી જોડાયેલો છે, પણ તે સિવાય બહાર અન્ય કોઇથી પ્રેમ અનુભવાય છે તો તેને પ્રેમનું દમન કરવાના સ્થાને કૃષ્ણ-દ્રૌપદીના મિત્રતાભર્યા સબંધ વડે કેવી રીતે પ્રેમને નિભાવવો એ હું ગયા વર્ષે અનેક લેખોમાં સમજાવી ચુક્યો છું.)
July 26 / 2018 / On Facebook

ભાગ ૪ : શિક્ષણપ્રથાનું પુનર્ગઠન

રાષ્ટ્રવાદીઓ, જમણેરી વિચારકો અને આધ્યાત્મિક લોકોનો છેલ્લી એક સદીથી કોઈ સામાન્ય વિચાર રહ્યો હોય તો એ છે ભારતની શિક્ષણ વ્યવસ્થાનું પુન: સ્થાપન. અનેક તેજસ્વી બુદ્ધિવાળા અને ક્ષમતાવાન લોકોને 25-30 વર્ષે આજીવન પગાર લેતા વિચારહીન કર્મચારી કે નફો ગણતા ધંધાદારીમાં ફેરવી નાખનાર આ શિક્ષણવ્યવસ્થા પ્રત્યે રોષ અને નારાજગી દરેક વિચારશીલ માણસના મનમાં હાજર છે. હું પોતે અનેક વર્ષોથી એના વિશે વિચારતો રહ્યો છું પણ આજની શિક્ષણપ્રથા ઉઠલાવીને નવી શિક્ષણ વ્યવસ્થા કેવી લાવવી એના વિશે મારા વિચારોથી હું પૂર્ણપણે સંતુષ્ટ નહોતો. જ્યાં સુધી તમે ખોટી વસ્તુને દૂર કરીને બદલામાં શું સ્થાપવું છે એ નથી જાણતા ત્યાં સુધી તમને એ ખોટી વસ્તુને દૂર કરવાનો હક નથી હોતો. તમે એ કરી પણ નથી શકતા. પણ હવે હું કંઇક સંતોષકારક સંરચના સુધી પહોંચ્યો છું જે ખરા અર્થમાં શિક્ષણવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન કરી શકે છે. આ લેખમાં એને રજૂ કરું છું.

 

એકરૂપતા અને મૂળભૂતતા :

 

સૌથી પહેલા દરેક ભારતીય માટે એક જ કોર્સ. આસામ અને કચ્છનો વિદ્યાર્થી દરેક વિષયમાં જે અભ્યાસક્રમ ભણતો હોય તે જ જમ્મુ કાશ્મીર અને કન્યાકુમારીનો વિદ્યાર્થી ભણતો હોવો જોઈએ. ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળથી લઈને સાહિત્ય સુધી એક જ કોર્સ. બસ દરેક રાજ્યને તેની માતૃભાષામાં તે કોર્સ ભણાવવાની છૂટ હોય. આમ, આખા દેશમાં એક જ કોર્સ હોય જેને અલગ અલગ રાજ્યોમાં તેમની ભાષામાં ભાષાંતરીત કરેલો હોય. દરેક રાજ્યમાં દરેક ક્ષેત્રના સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સુધીના કોર્સને તે રાજ્યની માતૃભાષામાં ભાષાંતારીત કરી દેવામાં આવે. મતલબ, ગુજરાતમાં ભણતો વિદ્યાર્થી MBBS, MD, MS, BE,ME બધું જ ગુજરાતીમાં આત્મસાત કરશે અને પોતાની સંશોધનાત્મક વૃત્તિને વેગ આપશે. તો ભારતમાં વિદ્યાની એકસૂત્રતા કેળવવા કઈ ભાષા આપવી..? દરેક રાજ્યના વિદ્યાર્થીને બે ભાષાઓ પહેલા ધોરણથી લઈને તેના પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભણાવવામાં આવશે. અને એ બે ભાષાઓ છે અંગ્રેજી અને સંસ્કૃત. સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસમાં પણ જે જાણ્યું એને અંગ્રેજીમાં કેવી રીતે કહેવું કે સમજાવવું તે વિદ્યાર્થીઓને સાથે સાથે જ ભણાવવામાં આવશે જેથી તે વિશ્વના કોઈપણ સ્થાને જઈને પોતાનું જ્ઞાન પેશ કરી શકે. કંઇક એવું જ જેવું ચીન, જાપાન અને રશિયામાં છે, કેટલાક અંશે ફ્રાન્સમાં પણ. સંસ્કૃતને રાષ્ટ્રભાષા તરીકે સ્થાપિત કરવાના પ્રચંડ પ્રયાસો શરૂ થશે, કારણ કે ભારતની દરેક ભાષાઓ સંસ્કૃતમાંથી જ આવી છે. અરે અંગ્રેજી અને લેટિન પણ સંસ્કૃતમાંથી આવી છે.

            NASA માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સો એ સો ટકા સંસ્કૃત ભાષાનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. અમેરિકા અને યુરોપના અનેક દેશોની સ્કૂલોમાં સંસ્કૃતના સ્પેશિયલ કલાસીસ ચાલે છે. પશ્ચિમી લોકો ઝડપથી સમજી રહ્યા છે કે સંસ્કૃત ખાલી ભૂતકાળ નથી તે ભવિષ્ય પણ છે. પણ અંગ્રેજોની માનસિક ગુલામીમાં રહેલા આપણે લોકોને જ્યાં સુધી અમેરિકા અને યુરોપવાળા મજબુર ન કરે ત્યાં સુધી કોઈ કામ કરવાની જરૂર નથી લાગતી. તે ભવિષ્યનું વિચારે છે અને આપણે તેમનું અનુકરણ કરીએ છીએ. આ વખતે પણ આપણે અનુકરણ જ કરવાના છીએ પણ બસ આ વખતે એ અનુકરણને થોડું વહેલું ચાલુ કરી દઈએ અને સંસ્કૃતને પહેલા ધોરણથી દેશની મુખ્ય ભાષા તરીકે ભણાવવાની શરૂ કરીએ. આમ, પણ હિંદીને દેશની માતૃભાષા તરીકે માન્યતા મળે એમ નથી. દક્ષિણ ભારતીયો એના સખત વિરોધી છે. અને સાચું પણ છે. તેમની ભાષા હિન્દી જેટલી કે તેનાથી વધુ પ્રાચીન અને વિકસિત છે. આપણા ઘરમાં પણ છોકરું ગુજરાતીની જગ્યાએ હિન્દી બોલવા લાગે તો એ વાયડુ અને અછકલું જ દેખાય છે. દરેક રાજ્યના લોકો તેમની માતૃભાષા બચાવવા કોશિશ કરી રહ્યા છે ત્યારે તે તમામ માતૃભાષાઓને જન્મ આપનારી સંસ્કૃત જ આપણને એક કરી શકે છે. એ દિશામાં કાર્ય ઝડપથી અને પૂર્ણરૂપે શરૂ કરી દેવું જોઈએ.

 

અભ્યાસક્રમ :

 

તો હવે આખા દેશને એકસૂત્રતામાં બાંધતી આ શિક્ષણવ્યવસ્થાનો અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ. શું ભણાવીશું આપણે તેમાં..? પહેલા એ સમજી લઈએ કે શિક્ષણવ્યવસ્થા કેમ હોય છે. કારણ કે બાળક રૂપે જન્મેલો એક મનુષ્ય જાણી શકે કે જે દુનિયામાં એ પેદા થયો છે એ દુનિયા શું છે, કેટલા સુધી ફેલાયેલી છે અને તે પોતે એ દુનિયામાં કેમ પેદા થયો છે..? કોણ છે તે અને જ્યારે મરી જશે ત્યારે તે ક્યાં જશે, કયાંથી આવ્યો છે તે અને જન્મ અને મૃત્યુ શું છે..? આ બધા મૂળભૂત સવાલોના જવાબ આપીને મનુષ્યને એક સફળ જીવન જીવવા અને પોતાના આત્માને તેની યાત્રામાં સતત વિકસિત કરવા માટે આ દેશમાં શિક્ષણવ્યવસ્થા શરૂ થઈ હતી, જેથી દરેક મનુષ્ય મુક્તિના એ આખરી લક્ષ્ય સુધી પહોંચી શકે જેના માટે તેનો આત્મા અનેક પશુઓની યોનીઓમાંથી પસાર થઈને મનુષ્ય શરીરમાં આવ્યો છે. પણ પશ્ચિમી સંસ્કૃતિના લોકો આ સવાલોના જવાબ નહોતા જાણતા, એટલે તેમનું જીવન કોઈપણ ભોગે વધુમાં વધુ ભોગ અને સમૃદ્ધિ મેળવવાના લક્ષ્યમાં વીત્યું. તેમણે વિજ્ઞાન વિકસાવ્યું તો એનો ઉપયોગ પણ એ કાર્ય માટે જ કર્યો અને શિક્ષણ વ્યવસ્થા પણ એ લક્ષ્ય માટે જ ઉભી કરી. સત્તા અને ભોગ પાછળ લાગેલા એ લોકોએ આધુનિક હથિયારો વિકસાવીને જ્યારે દુનિયાના બીજા દેશો પર કબ્જા કર્યા ત્યારે તે દેશોમાં પણ તેમના વિચારો અને લક્ષ્યવાળી શિક્ષણવ્યવસ્થા ઉભી કરી. આપણે હવે એ શિક્ષણવ્યવસ્થાને ફરી ભારતીય ઉદેશ્ય તરફ લઈ જવાની છે અને સાથે સાથે પશ્ચિમના સત્તા જાળવવાના ઉદેશયને પણ સાથે રાખવાનો છે. જેથી આપણે તેમની ટેક્નોલોજીઓ સામે ટક્કર આપી શકીએ અને બીજી બાજુ મનુષ્ય જન્મ પાછળના સાચા કારણને પરિપૂર્ણ કરવાનો માર્ગ આપણા સાથે સાથે તેમને પણ આપી શકીએ.

            તો એ માટે અભ્યાસક્રમને ચાર મૂળ હિસ્સાઓમાં વહેંચી દેવામાં આવે. એ જ ચાર માર્ગ જે મનુષ્યને તેની છેલ્લામાં છેલ્લી સંભાવના તરીકે સ્વયં ઈશ્વર બનાવી દે છે. એ ચાર માર્ગ છે ક્રિયાયોગ, જ્ઞાન, ભક્તિ અને કર્મયોગ. આ ચારેયમાં જે સિદ્ધ હોય તે આ સૃષ્ટિના તમામ રહસ્યોને જાણી જાય છે અને સૃષ્ટિની અંતિમ દિવ્યતા મેળવી લે છે.

 

  1. ક્રિયાયોગ એટલે યોગ અને ધ્યાનની પદ્ધતિઓ જે આત્મસાક્ષાત્કાર અને કુંડલિની જાગ્રત કરવા માટે વપરાય છે. વિપાસના મેડિટેશન પણ એનો જ એક ભાગ છે. અત્યારે સદગુરુ જગદીશ વાસુદેવના ઈશા ફાઉન્ડેશનમાં અને પરમહંસ યોગનંદના યોગદા સત્સંગ સેન્ટર (રાંચી) માં એ પ્રાચીન ભારતીય ક્રિયાયોગ શીખવવામાં આવે છે. એમાં પાંચથી છ લેવલ હોય છે. જ્યારે પહેલા લેવલના યોગમાં તમે પારંગત થઈ જાઓ પછી જ આગળના લેવલમાં જઇ શકો છો. આ નવી શિક્ષણ વ્યવસ્થામાં એ ગુરુઓ પોતાની એ પધ્ધતિઓને સામાન્ય જનતા માટે જાહેરમાં ખુલ્લી મૂકી દે. પહેલા ધોરણથી જ સ્ટેપ બાય સ્ટેપ વિદ્યાર્થીઓને એ ક્રિયાયોગ શીખવવાની શરૂઆત થાય અને જેમ જેમ બાળકો આગળના ધોરણમાં જાય તેમ તેમ તેમને આગળના લેવલનો ક્રિયાયોગ શીખવવામાં આવે. રોજ સવારે પ્રાર્થનાનો અડધો કલાક આ રીતે ક્રિયાયોગમાં જાય અને દરેક બાળકને રોજ રાત્રે સૂતા પહેલા અડધો કલાક તેનો અભ્યાસ કરવાનું સૂચન થાય. આ રીતે તૈયાર થયેલા બાળકો બારથી પંદર વર્ષની ઉંમરે પહોંચતા અંદરથી જ દિવ્ય અને જાગ્રત કુંડલિની ધરાવતાં બનશે.

 

  1. જ્ઞાન, એટલે કે આધ્યાત્મિક જ્ઞાન. સવારે અડધો કલાક ક્રિયાયોગ કર્યા પછી એક કલાકનું સેશન એ આધ્યાત્મિક જ્ઞાનનું હોય જે તે ક્રિયાયોગ વડે પોતાનામાં જ આત્મસાત કરી શકાય છે. અહીં વેદાંત, રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, કુરાન અને બાઇબલમાં આપેલા વિવિધ વિષયો પરના તત્વજ્ઞાનને વિદ્યાર્થીઓ સામે સમજાવવામાં આવે. ક્રિષ્ન, રામ, બુદ્ધ, મહાવીર, જીસસ અને મોહમ્મદના વિચારો અને કર્મોની આધ્યાત્મિક સમીક્ષા કરવામાં આવે. દરેક ધર્મના તત્વજ્ઞાનને અપનાવી તેમના ધાર્મિક ક્રિયાકાંડોને શાળાના દરવાજાની બહાર રાખવામાં આવે. અહીં વિશ્વના અનેક તત્વજ્ઞાનીઓના ઉપદેશો પર ચર્ચા કરવામાં આવે અને તેમને સત્યની એરણ પર ચકાસવામાં આવે. સામ્યવાદ, સમાજવાદ અને મૂડીવાદની સમાજવ્યવસ્થાઓમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ ક્યાં ખોટ છે અને ક્યાં સુધારા કરવાની જરૂર છે તેની ચર્ચા થાય. આગળના ધોરણોમાં સેક્સનું વિજ્ઞાન અને તેનાથી ઉપર ઉઠી જવાના પ્રેમ અને સંગીતના માર્ગની સમજ આપવામાં આવે. ભારતીય આધ્યાત્મ અને આધુનિક વિજ્ઞાનનો સુમેળ સમજાવવામાં આવે જે મેં મારા પુસ્તકમાં પણ વર્ણવ્યો છે. મેં મારા પુસ્તકમાં સત્યને આધુનિક વિજ્ઞાનની ભાષામાં વર્ણવ્યું એના પાછળનો મૂળ ઉદેશ્ય એજ હતો કે ભવિષ્યમાં આવી શિક્ષણ વ્યવસ્થા શરૂ થાય તો એના જ્ઞાનયોગના સેશનમાં પુસ્તક સીધા ઉપયોગમાં લઈ શકાય.

 

  1. ભક્તિ. શાળાના સમયનો છેલ્લો અડધો કલાક ભક્તિના વિજ્ઞાનને જાણવા અને ભક્તિના માર્ગને અનુસરવા પર સમર્પિત હોય. અને ભક્તિનું મુખ્ય સાધન છે સંગીત. એટલે અસલમાં રોજ શાળાનો છેલ્લો પિરિયડ સંગીતનો પિરિયડ હોય. પહેલા ધોરણથી બારમા ધોરણ સુધી સંગીતને શાસ્ત્રીય સંગીતથી લઈને પૉપ સંગીત સુધી ક્રમબદ્ધ રીતે શીખવવામાં આવે અને આજીવન પ્રેમ અને ભક્તિની અભિવ્યક્તિ સંગીતના માધ્યમથી કેવીરીતે કરવી તે શીખવવામાં આવે.

 

  1. કર્મયોગ. સવારના દોડ કલાક અને આખરી અડધો કલાક છોડીને શાળાના જે ત્રણથી ચાર કલાક વધે તેમાં બાળકને એજ શિક્ષણ આપવાનું છે જે આજે આપણી શાળાઓમાં અપાય છે. એજ ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, ભાષાઓ, રમતગમત વગેરે. પણ આ દરેક વિષયનું જ્ઞાન બાળકને કર્મયોગના સિદ્ધાંત પર આપવાનું છે. લક્ષ્ય અહીં પણ એજ છે જે ક્રિયાયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગમાં છે. પોતાના અંદર રહેલા ઈશ્વરને, પોતાનામાં રહેલી સૃષ્ટિની મહત્તમ દિવ્યતાને નિષ્કામ કર્મના માર્ગે ધારણ કરવી. વિદ્યાર્થીઓને કહેવાય કે આ વ્યવહારિક જ્ઞાન એટલા માટે આત્મસાત કરવું કારણ કે આપણે આ સૃષ્ટિ ચક્ર પ્રત્યે પોતાની જવાબદારીઓ નિભાવી શકીએ. અને એ જવાબદારીઓ નિભાવવા પોતાના શરીરને જીવતું રાખી શકીએ. આ જ્ઞાન ડિગ્રીઓ લઈને અને નોકરીઓ કરીને ખાલી પૈસા કમાવવા માટે નથી લેવાનું. એ જ્ઞાન લેવાનું છે આ ચાર મૂળભૂત કર્મો માટે. અર્થ, ધર્મ, કામ અને મોક્ષ. આ જ્ઞાન વડે આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિ મેળવવાની છે. એ પહેલું અને મૂળભૂત લક્ષ્ય છે. પણ આજના મોટાભાગના મૂઢ લોકોની જેમ ત્યાં સીમિત નથી થઈ જવાનું. આર્થિક શક્તિ એટલે મેળવવાની છે કે જેથી આપણે સંસારમાં સત્યની રક્ષા અને સત્યની સ્થાપના માટે જે કર્મ જરૂરી છે એ સક્ષમ રીતે કરી શકીએ. અને તે કર્મને જ ધર્મ કહે છે. એટલે પૈસાની તંગીના કારણે આપણે આપણો નિયત ધર્મ ન પાળી શકીએ એવું ન બને એટલે આર્થિક શક્તિ મેળવવાની છે, ભોગવિલાસો કરવા માટે નહીં. પૈસાની તંગીના કારણે આપણે કામના માર્ગે સંતતિ ઉત્પન્ન કરવાની અને તેનું યોગ્ય ઘડતર કરવાની જવાબદારી ન નિભાવી શકીએ એવુ ન થાય તે માટે આર્થિક સ્થિરતા મેળવવાની છે. અને જ્યારે અર્થ, ધર્મ અને કામ આ ત્રણેય કાર્ય આપણે સંસાર પ્રત્યેની જવાબદારી રૂપે નિસ્વાર્થ બનીને કરીશું, એટલે એ નિષ્કામ કર્મનો માર્ગ કર્મયોગ બની જશે અને આપણને મોક્ષ એટલે કે આપણી સાચી આધ્યાત્મિક દિવ્યતા સુધી લઈ જશે.

            એટલે આવા કર્મયોગના ભાવથી વિદ્યાર્થી આ સેશનમાં વ્યવહારિક જ્ઞાન અર્જિત કરે અને એ ચકાશે કે પોતે આ દુનિયામાં કયા ક્ષેત્રે નિસ્વાર્થ પ્રદાન આપી શકે છે. કોઈ ડોક્ટર બની માનવશરીરને નવા નવા રોગોથી બચાવે તો કોઈ એન્જીનીઅર અને વૈજ્ઞાનિક બની વિવિધ ક્ષેત્રે નવી નવી ટેક્નોલોજીઓ શોધી દેશના વિકાસમાં અને દેશની સુરક્ષામાં ફાળો આપે. કોઈ અર્થશાસ્ત્રના નવા યુગ મુજબના સિદ્ધાંતો પેશ કરે તો કોઈ આધ્યાત્મિક જ્ઞાનને જીવી બતાવી આદર્શ રાજનેતા બનીને બહાર આવે. કોઈ આદર્શ શિક્ષક બને તો કોઈ ક્રિયાયોગ, સંગીત અને ભક્તિ શીખવી આ નવી વ્યવસ્થામાં શિક્ષકોની ઉણપ પુરે. આ ઉપરાંત, દેશમાં એક નવી શાખા ખોલવામાં આવે જે આત્મસાક્ષાત્કારો દ્વારા જણાતા સત્યોને આધુનિક વિજ્ઞાનની ભાષામાં વર્ણવવાના અને આધુનિક પ્રયોગો દ્વારા તેને સાબિત કરવાના કાર્યને સતત આગળ લઈ જાય. આ રીતે આપણે આપણા પ્રાચીન ઋષિઓને જીવવા સાથે તેમના જ્ઞાનને આધુનિક વિશ્વમાં વૈજ્ઞાનિક રીતે સાબિત કરતા થઈ જશું. આ રીતે આપણે આપણા ધર્મને એક સંપૂર્ણ, વૈજ્ઞાનિક અને શ્રેષ્ઠ જીવનપદ્ધતિ રૂપે દુનિયા સામે પેશ કરી શકીશું.

            તો, આવી શિક્ષણવ્યવસ્થામાંથી નીકળેલા જાગ્રત કુંડલિનીવાળા, આત્મજ્ઞાની, પ્રેમી, ભક્ત અને છતાંય વ્યવહારિક જ્ઞાનમાં સ્કોલર ભારતીયો જ્યારે દુનિયામાં પોતાના કારનામા પેશ કરશે ત્યારે આ દુનિયા પાસે એક જ વિકલ્પ હશે, એકબાજુ બેસીને જોવું કે ભારતીયો શું કરે છે અને તેમને કેવી રીતે અનુસરી શકાય. આવી શિક્ષણવ્યવસ્થાથી જ ભારત ફરી વિશ્વગુરુ બનશે, ના કોઈ એક નેતાથી કે ના કોઈ એક-બે યોગગુરુઓથી કે ના ખાલી જીડીપીના વિકાસથી.

Octomber 15 / 2018 / On Facebook

ભાગ ૫ : અર્થનીતિ અને વિદેશનીતિનું પુનર્ગઠન

નવા ભારતના નિર્માણ વિશેના લેખોની શ્રેણીનો આ પાંચમો અને આખરી ભાગ છે. આ છે ભારતને એક ચોક્કસ વિચાર પાછળની અર્થનીતિ અને વિદેશનીતિ આપવા વિશે. આ દેશમાં સરકાર બદલાય એટલે એવું લાગે જાણે દેશ બદલાઈ ગયો. અર્થનીતિ બદલાઈ જાય, વિદેશનીતિ બદલાઈ જાય અને ધર્મનીતિ પણ બદલાઈ જાય. અસલમાં આ લેખ આ વિષય પર લખાયેલા આગળના ચાર લેખોનો સમન્વય છે જે આપણને એક મૂળભૂત ભારતીય વિચાર પાછળની અર્થનીતિ અને વિદેશનીતિ આપે છે જે ભારતીય સભ્યતાની ઓળખરુપે હમેશા શાશ્વત રહે.

 

અર્થનીતિ :

 

સામ્યવાદી સમાજવ્યવસ્થાની ઉણપો અને અર્ધજ્ઞાની વિચારો આપણે જાણીએ છીએ. આપણે તે અપનાવી શકીએ એમ છીએ નહીં. મજૂર અને ગરીબ બની રહેવા માણસને ધકેલે, માણસની બૌદ્ધિક, આધ્યાત્મિક અને સામાજિક ઉત્ક્રાંતિને અવરોધે તે માર્ક્સનો સામ્યવાદ છે. મૂડીવાદ દેશની સંપત્તિને દસ ટકા લોકો પાસે એકઠી કરી દે છે અને એ દસ ટકા લોકોના કે સરકારના ફેંકેલા ટુકડાઓ પર બાકીની નેવું ટકા વસ્તી જીવનધોરણ ચલાવે છે. તે એક બદી સમાન છે. ઓગણીસમી સદીમાં વિનાશક બની રહેલી મૂડીવાદી વ્યવસ્થાની જગ્યા લેવા માટે બે નવા વિચારો પ્રગટ્યા. એક સમાજવાદ અને બીજો સામ્યવાદ. સામ્યવાદની ખરાબીઓને આપણે જોઈ, જે મૂડીવાદથી પણ વધુ છે. આશાનું કિરણ સમાજવાદ છે. આગળ વધતાં પહેલા કહી દઉં કે ઘણાબધા બુધ્ધિજીવીઓ સમાજવાદ અને સામ્યવાદને એક ગણે છે, જે અસલમાં ખોટું છે. સમાજવાદની વ્યાખ્યા પણ વ્યક્તિએ વ્યક્તિએ અલગ થાય છે. હું એ વિશે મારા વિચારો રજૂ કરી રહ્યો છું.

            સામ્યવાદ એટલે સમાજ પર સામ્યતાને, સરખાપણાને થોપવી. જ્યારે સમાજવાદ એટલે દરેક નાગરિકને વ્યક્તિગત સીમાઓમાંથી બહાર નીકાળી સમાજલક્ષી જીવન જીવવા પ્રેરવો અને તે રીતે સમાજને એક મૂળભૂત સમાનતાની સ્થિતિએ લાવવો. આ એકરીતે ઘણી આદર્શ અને વ્યવહારિક વ્યવસ્થા છે. અને સમાજવાદ જ આધ્યાત્મના સિદ્ધાંતો સાથે એટલે કે સૃષ્ટિના વિજ્ઞાન સાથે સુસંગતતા કેળવે એવી એકમાત્ર વ્યવસ્થા છે. એટલે જ હું જે સમાજવાદની વ્યવસ્થા સમજાવી રહ્યો છું તેને હું ‘વેદાંતી સમાજવાદ’ કહું છું. વેદાંત એટલે કે ઉપનિષદોના આધ્યાત્મિક સિદ્ધાંતો પર ઉભો કરાયેલો સમાજવાદ. તેને સમજતા પહેલા આજના સામાન્ય સમાજવાદને સમજી લઈએ. સમાજવાદ આજની આપણી લોકતાંત્રિક વ્યવસ્થા જ છે જ્યાં સરકાર એવી નીતિઓ અમલમાં મૂકે છે જ્યાં માણસને પોતાની ક્ષમતા મુજબ પૈસા કમાવવાનો અને વિકાસ કરવાનો અધિકાર હોય છે, પણ સરકાર તે દરેક માણસના વિકાસથી ઉત્પન્ન થતી સંપત્તિ પર ભારે ટેક્સ લગાવી એ લોકોને મૂળભૂત જીવનની જરૂરિયાતો પૂરી પાડે છે જે કમજોર છે કે જે પોતાની મેળે સંપત્તિ મેળવવા શક્તિમાન નથી. આ રીતે શક્તિશાળી અને વિકસિત લોકોના વિકાસ અને સફળતાનો ઉપયોગ પછાત રહી ગયેલા લોકોને ઉપર લાવવા માટે થાય છે. એટલે કે સમાજ માટે જીવાય છે. પણ, આમાં બે પ્રકારના અસંતુલનો ઉત્પન્ન થાય છે. એક, જો સરકારો વિકસિત અને શક્તિશાળી લોકો પર વધુ પડતો ટેક્સ અને નિયંત્રણ લાદી દે તો સમાજવાદી વ્યવસ્થા સામ્યવાદી વ્યવસ્થાની જકડામણમાં ધસવા લાગે છે. બીજી બાજુ, જો સરકાર વિકસિત અને શક્તિશાળી લોકોને વધુ છૂટ આપી દે કે ભ્રષ્ટાચારના કારણે તેમને વધુ લાભ પહોંચે એવી યોજનાઓ બનવા લાગે તો સમાજવાદી વ્યવસ્થા મૂડીવાદી વ્યવસ્થા બનવા લાગે છે. એટલે જ્યાં સુધી પૈસા અને સંપત્તિ જ નાગરિકના જીવનનું મૂળ લક્ષ્ય છે, જ્યાં સુધી વિકાસનો મતલબ વધુ પૈસા છે ત્યાં સુધી સમાજવાદી વ્યવસ્થા આ બે બાજુ ડોલતી જ રહે છે. આપણે ભારતમાં આજ જોઈ રહયા છીએ.

સમાજવાદને શાશ્વત, મજબૂત અને મહાન બનાવવા માટે આપણે મનુષ્યના વિકાસ અને સુખનું મૂલ્યાંકન તેના પૈસા કે સંપત્તિના વિકાસના સ્થાને તેના આધ્યાત્મિક વિકાસ અને તેની માનસિક શાંતિ કે સંતોષના આધારે કરવું જરુરી છે. અને એવા જ સમાજવાદને ‘વેદાંતી સમાજવાદ’ કહે છે. એ માટે સૌથી મહત્વપૂર્ણ હથિયાર છે શિક્ષણ વ્યવસ્થા, જેનું પુનરગઠન આપણે ભાગ 4 માં જોયું હતું. શિક્ષણ આખા દેશમાં એક જ જેવું આપવામાં આવે જ્યાં સવારે અડધો કલાક મનુષ્યને આત્મજ્ઞાન તરફ લઈ જતા ક્રિયા યોગની પ્રેક્ટિસ કરાવાય, પછીના અડધો કલાકમાં દુનિયાના દરેક ધર્મના આધ્યાત્મિક જ્ઞાનનું વિજ્ઞાનની એરણે મંથન થાય. વચ્ચેના ચાર કલાક આજનું સામાન્ય શિક્ષણ આપવામાં આવે અને સ્કૂલની છેલ્લી 45 મિનિટ સંગીતનું શિક્ષણ આપવામાં આવે. સંગીતને આનંદ સાથે પોતાના દરેક વિચાર અને ભાવને વ્યક્ત કરવાના સાધન બનાવતા શીખવવામાં આવે. દેશના મોટા ઉદ્યોગપતિનું સંતાન પણ સ્ફુલમાં આજ રીતનું શિક્ષણ મેળવે અને ઝુંપડપટ્ટી કે ચાલીમાં રહેતા મજૂરનું સંતાન પણ આજ શિક્ષણ મેળવે. આ શિક્ષણ જ દરેક માણસમાં બાળપણથી જ સામ્યતા અને પરસ્પર સહયોગના આદર્શનું સિંચન કરશે. અને આ બે આદર્શના સમન્વયને જ આપણે સમાજવાદ કહીએ છીએ. આ શિક્ષણ વ્યવસ્થામાં દરેક માણસ અનુભવશે કે સાચું સુખ પૈસામાં, સંપત્તિમાં, કીર્તિમાં કે ભોગવિલાસમાં નથી. સાચું સુખ છે મનના નિરંતર વિકાસમાં અને વાસનાહીન પ્રેમમાં. યોગની તાલીમ મનનો વિકાસ કરે છે અને સંગીત પ્રેમને વાસનાથી મુક્ત કરે છે. મનુષ્ય જે સુખ કે જે આનંદ મેળવવા સંપત્તિ, ભોગવિલાસ અને સત્તા પાછળ ભાગે છે તે આનંદ તો આ બેમાં જ છે. સંપત્તિ અને સત્તા પાછળની દૌડ તો એક મૃગજળ છે જે માણસથી તેની શાંતિ હણી લે છે. જીવનનો સાચો આનંદ તો જ છે જો માણસ નિરંતર વિકસિત થતો જાય અને દુનિયામાંથી બધું મેળવી લેવાની મૂર્ખ ઈચ્છા કરવાના સ્થાને પોતાના વિકાસની સાથે દુનિયાને કે રાષ્ટ્રને કંઈક આપીને જવા માટે જીવન વિતાવે. એવા માણસનું જીવન જ સાર્થક ગણાય છે.

            આ શિક્ષણવ્યવસ્થામાં જ બાળક શીખે કે નાગરિકના જીવનમાં બે જ ઉદેશ્ય મુખ્ય છે. એક પોતે સતત વિકસતા જવું અને બીજું, પોતાના પાછળ રહી ગયેલા દેશવાસીઓને પોતાની સ્થિતિએ વિકસાવવા માટે પોતાનું પ્રદાન આપતા જવું. નાગરિકના વિકાસનો પથ પણ આધ્યાત્મિક જ્ઞાનથી શિક્ષણવ્યવસ્થામાં સમજાવી દેવામાં આવે. દરેક નાગરિકને પહેલા ચક્રના શ્રમિક ગુણથી બીજા ચક્રના વૈશ્ય કે વેપાર ગુણ અને ત્રીજા ચક્રના સાહસ, નિસ્વાર્થ દેશસેવા અને સમાજસેવાના ક્ષત્રિય ગુણ તથા ત્યાંથી ચોથા ચક્રના પ્રેમ અને ભક્તિના ગુણથી પાંચમા ચક્રના તત્વજ્ઞાન અને છઠ્ઠા ચક્રના વૈરાગ્ય અને તપસ્યાના ગુણ સુધી વિકસીને આત્મજ્ઞાનને પોતાનું મૂળ લક્ષ્ય માનવાનું છે.

            બસ આ મુખ્ય વાતો સમજીને જ દેશનો દરેક નાગરિક સ્કૂલમાંથી બહાર નીકળી સમાજમાં પ્રવેશે. આટલું થઈ જાય પછી સમાજવાદ આપોઆપ ઉદ્ભવશે. સમાજમાં આવ્યા પછી દરેક નાગરિકને જે ક્ષેત્રમાં જેટલું વિકસવુ હોય એટલું વિકસવાની છૂટ પણ દરેકનું જીવનધોરણ દેશમાં નક્કી કરાયેલી અમુક મૂળભૂત શૈલીમાં જ હોવું જોઈએ. ખાવા-પીવાની સંપૂર્ણ છૂટ, પણ ઘર, કાર અને અન્ય માત્ર ભોગવિલાસની વસ્તુઓ જે સમાજમાં ભોગવિલાસ કરવા માટે સ્પર્ધા ઉભી કરે અને પૈસા માટેની આંધળી દોટ શરૂ કરાવે એ વસ્તુઓના ઉપયોગ પર જરૂરી નિયંત્રણો હોય. મતલબ, સાદું જીવન અને શ્રેષ્ઠ વિચારો એ રાષ્ટ્રીય જીવનનો મુખ્ય અંશ હોય. રાષ્ટ્રીય જીવનનો મુખ્ય ધ્વનિ એ હોય કે જીવન આજીવન વ્યક્તિગત સ્વાર્થ માટે સત્તા અને સંપત્તિ મેળવવા માટે નથી. જીવન સમાજને, રાષ્ટ્રને કે દુનિયાને કંઈક આપીને જવા માટે છે. દુનિયાને કંઈક આપીને જવું એ વેદાંતી સમાજવાદમાં દરેક નાગરિકને મુખ્ય આહવાન છે. સાથે સાથે અનિયંત્રિત વસ્તીવધારાને નાથવો એ પણ અર્થનીતિનું મહત્વનું કાર્ય છે. એ માટે દેશમાં દરેક પુરુષ દીઠ કોઈપણ સંજોગોમાં ત્રણ બાળકોથી વધુ બાળકો ન લાવવાનો સ્પષ્ટ કાયદો અમલમાં મૂકવામાં આવે. પુરુષ દીઠ એટલા માટે કે બાળકોની ઓળખ પિતાના નામથી થાય છે. ત્રણ બાળકોની છૂટ એટલા માટે કે જેના પહેલા બંને સંતાનો દીકરા હોય તેમને દીકરીનો અનુભવ લેવાની અને જેના પહેલા બંને સંતાનો દીકરી હોય તેમને દીકરાનો અનુભવ લેવાનો એક છેલ્લો મોકો મળી રહે.

            આ રીતે, વેદાંતી સમાજવાદમાં આર્થિક નીતિ એ સંપૂર્ણ માનવજીવન જીવવાના ચાર મુખ્ય અંશ અર્થ, ધર્મ, કામ અને મોક્ષના પાયાનું સ્થાન ધરાવે છે. નીચે આકૃતિમાં મેં તૈયાર કરેલ વેદાંત ચિહ્નનમાં એનો અર્થ સમજાવ્યો છે. ચિહ્નનના પાયામાં રહેલી માછલી આર્થિક શક્તિનું પ્રતીક છે, ધર્મચક્ર સમાજમાં ધર્મ કે સત્યની સ્થાપનાનું પ્રતીક છે. માછલીથી લંબાયેલું તિર કામનું એટલે કે મનુષ્યની મૂળ કાર્યશક્તિનું પ્રતીક છે જે ઉપર એક ત્રિકોણમાં મળે છે. તે ત્રિકોણ મોક્ષનું પ્રતીક છે. એ સંપૂર્ણ રચના દર્શાવે છે કે કોઈપણ માણસની આર્થિક શક્તિ એટલા માટે નથી કે તે ભોગવિલાસ કરી શકે. આર્થિક શક્તિ એટલા માટે જરૂરી છે કે જેથી તે વ્યક્તિ હમેશા સત્યનું પાલન કરી શકે. આર્થિક કમજોરીના કારણે તેને અસત્ય ન આચરવું પડે. આ સિવાય આર્થિક સ્થિરતા એટલા માટે જરૂરી છે કારણકે તે વ્યક્તિના સામાજિક જીવનનો પાયો છે. આર્થિક રીતે સક્ષમ વ્યક્તિ જ પોતાની કાર્યશક્તિને ક્રમિક રીતે વિકસાવી મોક્ષ સુધી પહોંચી શકે. આમ, વેદાંતી સમાજવાદમાં વ્યક્તિને આર્થિક સમૃદ્ધિ માટે આહવાન કરાય છે પણ સાથે તે માટેનું સત્યના પાલન અને આત્માના વિકાસનું કારણ પણ અપાય છે.

 

 

વિદેશનીતિ :

 

વિદેશનીતિ બદલાતા જતા વૈશ્વિક સબંધો પર આધારિત હોય છે, એટલે તેનો એક હિસ્સો તો બદલાતો રહે છે. પણ વિદેશનીતિમાં પણ કેટલીક વાતો આપણા દેશની સભ્યતા અને સિધ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરતી હોવી જોઈએ અને તે ન બદલાવી જોઈએ. વેદાંતી સમાજવાદમાં ભારતની વિદેશનીતિનું પ્રતિનિધિત્વ કરશે ભારતની શિક્ષણ વ્યવસ્થા. ભાગ 4 માં દર્શાવેલ આધુનિક જ્ઞાન સાથે ભારતીય યોગ, આધ્યાત્મ અને સંગીતનું પ્રેક્ટિકલ જ્ઞાન આપતી સ્કૂલોને વિશ્વના અલગ અલગ દેશોમાં વધુને વધુ પ્રમાણમાં ખોલવી એ ભારતની વિદેશનીતિનું મૂળ લક્ષ્ય હશે. આ એજ હથિયાર છે જે લોર્ડ મેફૂલેએ ભારતમાં અને ત્યારબાદ અંગ્રેજોએ તેમનું રાજ હોય તેવા દરેક દેશમાં અજમાવ્યું હતું. પણ આપણે તેજ હથિયારને સમગ્ર માનવજાતિની આધ્યાત્મિક એકતા જાળવી રાખવા વાપરવાનું છે. માણસને તેની સાચી ઓળખનો સ્પષ્ટ અનુભવ કરાવતી ક્રિયાયોગની પદ્ધતિઓ ધરાવતી આ શિક્ષણ પદ્ધતિ એક સેક્યુલર અને વૈજ્ઞાનિક અપીલ ધરાવે છે. હું ભારત દેશનો અર્થ ખાલી ભારતની જમીની સીમાઓ સુધી જ નથી કરતો. પ્રાચીન ભારત સેંકડો દેશોનો સમૂહ હતો, છતાં તેને એક રાષ્ટ્ર કહેવાયું. કારણકે માનવજાતિને એક કરતી છેલ્લી મૂળભૂત એકતાને તેમણે પોતાની રાષ્ટ્રીયતા બનાવી હતી. અને તે હતી આધ્યાત્મિકતા. ફરી ક્યારેય ભારત તે અખંડ ભારત બની શક્યું તો એની રૂપરેખા અને તેનો માર્ગ હું આ શિક્ષણ વ્યવસ્થાથી જ જોઉં છું. બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને ઈરાનમાં હું આ ભારતીય શિક્ષણ પદ્ધતિ મુજબની સ્કૂલો બહોળા પ્રમાણમાં ખોલી શકવાની શક્યતાઓ હું જોઈ શકું છું. એ કાર્યમાં વિવેકાનંદે શરૂ કરેલ રામકૃષ્ણ મિશન અને સદગુરૂ જગદીશ વાસુદેવની ઈશા ફાઉન્ડેશન જેવી વૈશ્વિક ધોરણે બહોળી પહોંચ અને ઊંડું આધ્યાત્મિક જ્ઞાન ધરાવતી સંસ્થાઓ ઘણી મદદ કરી શકે છે. જે જે દેશની શિક્ષણવ્યવસ્થા આ ભારતીય શિક્ષણ વ્યવસ્થા રૂપે થઈ ગઈ તે દેશ બે પેઢી વીતતાં સુધીમાં અખંડ ભારતનો હિસ્સો દેખાવા લાગશે. આમ, વસ્તુઓના મેન્યુફેક્ચરિંગ માટે વિદેશી કંપનીઓને ભારતમાં બોલાવવી અને ભાગ 4 માં વર્ણવેલી ભારતીય શિક્ષણ વ્યવસ્થાને બહારના દેશોમાં મોકલવી એ નવા ભારતની વિદેશનીતિનું મુખ્ય અંગ બનશે.

December 04 / 2019 / On Facebook

અયોધ્યા - નવા ભારતની રાજધાની...

ગયા વર્ષે લગભગ આજ મહિનાના એક પ્રભાતે સૂર્યોદય થયા પહેલા જ હું ઘરના ટેરેસ પર ઉભો હતો. સૂર્યના શરૂઆતી કિરણો સામે પ્રગટ્યા એવામાં ઝંખના પણ ઉપર આવી. તેણે પાછળથી આવીને કહ્યું, ‘કેમ આજે આટલા વહેલા…? રાતે પણ મોડા સુધી ધ્યાનમાં હતા.’
હું વિચારોમાંથી બહાર નીકળ્યો અને ધીમેથી કહ્યું, ‘મેં ઘણીવાર તને એ સ્વપ્નની વાત કરી છે જે હું બાળપણથી હંમેશા જોઉં છું. હું કોઈ ઊંચી જગ્યાએ ઉભો છું અને સામે હજારો માણસો ભેગા થયેલા છે.’
‘હા… આજે ફરી એ જોયું..?’
‘હમ્મ.. પણ કંઈક એવું જેવું આજસુધી નહોતું જોયું. આજ સુધી હું ક્યારેય નહોતો જોઈ શક્યો કે એ ઊંચી જગ્યા શું છે જેના પર હું ઉભો છું. મેં ધારી લીધું હતું કે એ કોઈ પહાડ હશે. પણ આજે જોયું કે એ શું હતું. એક મોટા ભવનની બાલકની. પાછળ રામની વિશાળ મૂર્તિ જેના ચરણ આગળ હું ઉભો હતો. એ પાર્લામેન્ટ હતી. સાથે આસપાસના એરિયામાં બધી સરકારી ઓફિસો, દુતાવાસો અને સચિવાલાયની બિલ્ડીંગો હતી. પણ એ દિલ્લી નહોતું.’
‘તો…?’
‘અયોધ્યા.’
‘અયોધ્યા..?’ આશ્ચર્ય અને અસમંજસ ભરેલા ચહેરે એ જોઈ રહી.
મેં આગળ કહ્યું, ‘સ્કૂલ અને કોલેજના દિવસો દરમિયાન જ્યારે હું ભારતને મહાન બનાવવાના એ બધા સ્વપ્નો અને આઈડિયા બાંધે જતો હતો, ત્યારે એમાં એક આઈડિયા આ પણ હતો. યુગોથી દિલ્લી એ ભારતની રાજધાની હતી જે પશ્ચિમમાં પાકિસ્તાનથી પૂર્વમાં મ્યાનમાર સુધી ફેલાયેલું હતું. બિલકુલ મધ્યનું નગર. સુરક્ષિત અને વારસાગત. પણ આઝાદી પછી જે ભારત વધ્યું એમાં દિલ્લી ના વચ્ચે હતું, ના સુરક્ષિત. પશ્ચિમમાં પાકિસ્તાનથી, ઉત્તરમાં ચીન અને કાશ્મીરથી માંડ અડધો કલાકના અંતરે. આજના ભારતની ડોક જેને પકડી લેતાં જ આખો દેશ વિખરાઈ જાય. હવે તો દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર, જ્યાં શિયાળામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. દેશની રાજધાની સીમાઓથી અંદર હોવી જોઈએ. એવા સ્થાને જે દેશના ચિંતન અને વિચારધારાનું મૂળ હોય. અને એવું સ્થાન અયોધ્યા છે. દિલ્લીમાં તો લોકતંત્રનું પણ કોઈ પ્રતીક નથી. એ તો રાજાઓ અને બાદશાહોના મહેલો અને કિલ્લાઓથી બન્યું છે. કાંતો અંગ્રેજોના બાંધકામોથી. અયોધ્યા પ્રતીક છે દુનિયાના સૌથી પહેલા લોકતંત્રનું. એ રામરાજ્યની રાજધાની જ્યાં એક રાજાએ લોકમતને માન આપવા માટે પોતાની પ્રાણથી પ્રિય પત્નીને ત્યાગી દીધી. પરિવાર અને ઇતિહાસની નજરોમાં પોતાની જાતને હંમેશા માટે વિવાદાસ્પદ બનાવી દીધી, પણ લોકતંત્ર અને પોતાની પત્નીની ઈજ્જતને બચાવી લીધી.’
‘તો ભારતની રાજધાની બદલી દેવી એ તમારું એ મુખ્ય સાર્વજનિક કાર્ય છે..?’ ઝંખનાએ પૂછ્યું.
‘હમ્મ.. પણ ખાલી રાજધાની નહીં. નવા ભારતના નિર્માણ વિશે લખેલા એ લેખોની શૃંખલા આના માટે જ હતી. એ નવા ભારતની રાજધાની અયોધ્યા જ હોવી જોઈએ. મારા સાર્વજનિક કાર્યોની યાત્રા ત્યાંજ પુરી થાય છે. ચાહે આ જન્મમાં કે આવતા કોઈ જન્મમાં.’ મેં કહ્યું.
‘વિચારીને પણ ડર લાગે છે. ક્યારે ચાલુ કરવાના છો એ કામને? અને કઈ રીતે..?’
‘જે દિવસે આ વાતને લોકો સામે જાહેર કરી દઉં એ દિવસથી. એ દિવસથી સાર્વજનિક રીતે હું જે પણ કરીશ એ મૂળરૂપે આ લક્ષ્ય માટે જ હશે.’
‘જાહેર કરવાથી મુસીબતો વધી શકે છે.’
‘ક્યારે પરવા કરી છે? જ્યાં સુધી કોઈ કામ અન્ય કોઈથી થઈ જતું હોય, ત્યાં સુધી હું એમાં પડતો નથી. હું બસ એ વિશે મારા વિચાર જ આપું છું. આ કામને પણ જાહેર કરીને પહેલા હું એજ વિકલ્પ ખુલો છોડવા માંગુ છું. જ્યાં સુધી કોઈ આ કાર્યને પોતાના માથે લઈ લે છે અને એને કરવા તૈયાર થાય છે, હું પાછળથી વિચાર જ આપીશ. જો કોઈ નહીં હોય તો છેલ્લે મારા હાથમાં લઈશ.’ મેં કહ્યું.